Satyavachan (5)

‘સત્યવચન’ ચર્ચાના અનુસંધાનમાં આ અઠવાડિયે બે બ્લૉગલેખોની ખાસ નોંધ લેવી પડે એમ છે.

(૧) શ્રી જુગલભાઈના Net-ગુર્જરી બ્લૉગ પરનો લેખ ‘ સમસંવેદનનું જીવંત ઉદાહરણ: ન. પ્ર. બૂચ.’ ;અને

(૨) શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના ‘કુરુક્ષેત્ર’ બ્લોગ પરનો લેખ ‘રેશનલ આધ્યાત્મિકતા????’ ( http://raolji.com/2011/09/22/%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%86%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE/)

શ્રી જુગલભાઈના લેખનું મહત્વ એ છે કે તેઓ અહીં ચર્ચા દરમિયાન ‘સમસંવેદન’ શબ્દ લાવ્યા હતા અને ચર્ચાને એક નિશ્ચિત આકાર આપવામાં એમણે ફાળૉ આપ્યો. જાણે આ શબ્દના ઉદાહરણ રૂપે આ લેખ શ્રી બૂચ સાહેબના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડે છે. માણસ પોતાને ભૂલીને બીજાનું વિચારે તે સમસંવેદન. પોતાને સામાની જગ્યાએ મૂકીને વિચારવું એ જ સમસંવેદન છે. લેખમાં આગળ તરી આવતી બાબત એ છે કે શ્રી બૂચસાહેબ આધ્યાત્મિક વાતો નથી કરતા. જીવ-શિવ, આત્મા-પરમાત્મા એવું કશું જ નહીં, માત્ર જીવનને યથાતથ સ્વીકારીને પોતાને ગાળી નાખવાની વાત છે. આપણે જાણતા નથી કે મોક્ષ અને આત્માના અમરત્વ અંગે એમના વિચારો શા હતા. પરંતુ જીવનનો સ્વીકાર કરીને બીજા માટે જીવવાની એમની નિષ્ઠા હૃદયસ્પર્શી છે. સત્ય આ જીવનમાં છે, જીવનથી ભાગવાથી સત્ય ન મળે.

શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના લેખનું શીર્ષક જ એને વિશિષ્ટ બનાવી દે છે. રેશનલ આધ્યાત્મિકતા! આમ તો આ બન્ને શબ્દો વચ્ચે સંબંધ હોય એમ જણાતું નથી, કારણ કે આધ્યાત્મિકતાને બુદ્ધિથી પર અને ઉપર માનવામાં આવે છે. ‘રેશનલ’ તો આ દુનિયા માટેનો શબ્દ છે. આધ્યાત્મિકતા આ દુનિયામાં કામ ન આવે તો એનું હોવું ન હોવું એક સરખું છે. સત્ય પણ આ જગત અને આ જીવનની બહાર નથી. જીવનના વ્યવહારમાં જે વ્ય્ક્ત થાય તે જ સત્ય છે. આ લેખ પર પ્રતિભાવ આપતાં મને એક વાત સૂઝી.

‘આત્મિક’ એટલે સ્વકેન્દ્રિત અને આધ્યાત્મિક એટલે એનાથી ઉપર હોય તે. આનો અર્થ આપણે એવો કરીએ છીએ કે ‘સ્વ’નો અંત આ્ણવો જોઈએ.પરંતુ ખરો અર્થ તો એ છે કે ‘સ્વ’નો વિસ્તાર કરીએ. ‘સ્વ’ એવો બને જેને ‘સ્વ’ તરીકે ઓળખી ન શકાય. જીવનના સત્યને સમજવું એ જ ખરી આધ્યાત્મિકતા છે, બાકી ઠાલા શબ્દો છે. શ્રી જુગલભાઈ અને શ્રી ભૂપેન્દ્રસિંહભાઈનો આભાર.
xxx

આજે ચર્ચાનું હાલ પૂરતું સમાપન કરતાં બીજી એક વાતની પણ નોંધ લેવા માગું છું. ભાઈશ્રી હરેશ પંડ્યાએ ટોણો માર્યો હતો કે સત્યવાદી બનાવવા ન હોય તો આ ચર્ચાનું શું કામ? વિચાર વિના તો કઈં થાય જ નહીં એ હકીકત છે. આમ છતાં કોઈને સત્યવાદી બનાવવાની મારામાં લાયકાત નથી એ મેં કબૂલ કર્યું હતું કારણ કે મેં પણ અમુક સ્થિતિઓમાં ખોટા રસ્તા લીધા છેઃ

(૧) એક વાર ભુજથી દિલ્હી પાછા આવતા હતા. પરોઢના પાંચ વાગ્યે દિલ્હી ઊતર્યા. સામાન ઉપાડવા માટે કૂલીને બોલાવ્યો. એણે ચાળીસ રૂપિયા માગ્યા. મને વધારે લાગ્યા. એવામાં રેલવેનો જ એક અધિકારી ત્યાં આવ્યો એણે મને મદદ કરી અને કૂલીને વીસ રૂપિયામાં સામાન ઉપાડવાનો હુકમ કર્યો. એણે કૂલીના બૅજ નંબર પણ નોટ કરી લીધા.

હવે અમે બહાર નીકળતા હતા ત્યારે ટિકિટ કલેક્ટરે રોકી લીધા અને કહ્યું કે સામાનનું વજન કરાવો. આપણે રેલવેના નિયમો તો વાંચતા નથી કે કેટલો સામાન એક ટિકિટ પર લઈ જઈ શકાય તે વિચાર પણ નહોતો આવ્યો. કદી કોઈ તપાસ પણ કરતું નથી. પરંતુ, ખેલ જૂઓ. આ કેસમાં પેલા જે અધિકારી ‘મદદ’ કરતા હતા એમણે તો ખરેખર તો ટીસીને ગેટ પર કૂલીનો નંબર આપી દીધો! એટલે પેલો સમજી ગયો કે બકરો હાથમાં આવ્યો છે. એણે તરત જ કૂલીને રોકી લીધો અને વજન કરાવવા મોકલી દીધા. રેલવેના હિસાબે કઈંક પંદરેકસો રૂપિયાનો દંડ થાય એમ હતું. મારી પાસે એટલા રૂપિયા હતા પણ નહીં. મેં રિક્વેસ્ટ કરી કે કઈં ઓછું થઈ શકે તો કરી આપે. એણે કહ્યું, “કેટલા છે?” મેં કહ્યું, “પાંચસો…” એણે કહ્યું “લાઓ, પાંચસો…” પૈસા લઈને એ બીજા કામમાં લાગી ગયો. હું મુરખની જેમ રસીદની રાહ જોતો ઊભો હતો ત્યારે કૂલીએ મને જ્ઞાન આપ્યું: “બાબૂજી ચલો, રસીદ બાદમેં આ કે લે લેના…” હું સમજ્યો. અમે બહાર નીકળ્યા. સામાન ઑટોરિક્ષામાં લાદ્‍યો. વીસ રૂપિયા કાઢ્યા અને કૂલીને આપ્યા. એ લેવા તૈયાર ન થયો. એણે કહ્યું “બાબૂજી, ચાલીસ દીજિયે, હમ સે તો આપ બહસ કરતે હૈં ઔર વહાં કિતના દે આયે…?” મારી આંખ ઊઘડી. એને ચાળીસ આપીને અમે ઘર તરફ રવાના થયા.

(૨) એક બાળક થઈ ગયું હોય એવા દિવસો. ઘરમાં ફરનિચરને નામે મીડું. મારા પ્રોવિડન્ટ ફંડમાંથી પાંચ હજાર રૂપિયા ઉપાડવા માટે અરજી કરી. જવાબ મળ્યોઃ ફરનિચર માટે પૈસા ન મળે. મેં કહ્યું કે હવે શું કરવું? જવાબ મળ્યો. દીકરાના મુંડનનું કારણ આપો. મેં કહ્યું દીકરો છે જ નહીં. એમણે કહ્યું, દીકરીના કાનછેદનનું કારણ આપીને અરજી કરો. અરજી કરી. જવાબ ‘ના’માં આવ્યો. મેં કહ્યું: તમે કહ્યું હતું તે જ કારણ આપ્યું છે. એમણે કહ્યું: એમાં શું? તમે જસ્ટિફિકેશન આપો. ગુજરાતથી કુટુંબીઓ આવશે. એમની ટિકિટનો ખર્ચ થશે. કાનછેદન પછી કાનમાં વાળી નાખવાની રહેશે. આમાં જ એકાદ હજાર રુપિયાનો ખર્ચ થશે. લખી આપ્યું. અરજી મંજૂર. ઘરમાં ફરનિચર આવ્યું. એ વખતે પાંચ હજારમાં ફરનિચર લેવાનું શક્ય હતું. ડબલ બેડ ૧૨૦૦, કબાટ ૭૦૦, સોફા સેટ ૧૫૦૦. એક ટિપોય ૩૦૦., ડ્રેસિંગ ટેબલ ૧૫૦૦.

આ ઉપરાંત પણ, બે-ત્રણ કિસ્સા એવા છે કે લાભ માટે મેં સિદ્ધાંતને જતો કર્યો હોય.. એટલે જ અણ્ણા હઝારેના આંદોલનનો માનસિક રીતે સમર્થક હોવા છતાં મેં કદી ન માન્યું કે આ આંદોલનમાં સક્રિય બનવાની મારો અંતરાત્મા મને પરવાનગી આપી શકે. હું પોતે જ અસત્યનો આશરો લેતો હોઉં ત્યાં બીજાને ક્યાં સત્યવાદી બનાવું? પરંતુ એનો અર્થ એ પણ નથી કે સત્ય એટલે શું તે સમજવાનો પ્રયત્ન પણ છોડી દેવો. અસ્તુ.

6 thoughts on “Satyavachan (5)”

 1. સત્યવાદી કે કોઈ પણ વાદી બનાવ્યે ન બનાય- ભાગ્યે જ બનાય. એનો અર્થ એ નહિ કે ચર્ચા જ ન થાય. એવી ઘણી બાબતોની ચર્ચા આપણે કરતા જ હોઈએ છીએ કે જે આપણા હાથમાં ન હોય.
  મૂળ વાત એ છે કે ચર્ચાની દિશા કઈ તરફની છે. ઇન્સ્ટન્ટ પરિણામ કશાયથી ન મળે. અને મળે તો એ ઝાઝું ન ટકે. તમે ભલે સત્ય ન અપનાવ્યું, પણ એ ખોટું હોવાની અનુભૂતિ થઇ એ પણ સત્ય તરફની જ સફર ગણાય. આ સફરમાં મંઝિલ નથી.
  કોઈક ટીકીટબારીએ ઉભું છે, કોઈક પ્લેટફોર્મ પર છે, કોઈક એકાદ સ્ટેશન આગળ નીકળ્યું છે. પણ એટલું ખરું કે લાઈનમાં ઉભા હોઈશું તો ક્યારેક નંબર લાગશે. બાકી ઘરમાં જ રહીશું તો ટીકીટબારીએ પણ નંબર નહી લાગે.

 2. શ્રી હરેશભાઈની વાતને પણ મહત્ત્વ તો છે જ. ભલે એમના કહેવાથી નહીં, પણ આ નીમીત્તે આપણ સૌને આત્મનિરિક્ષણ કરવાની તક તો મળે જ છે.

  તમે મૂકેલા પ્રસંગો મહાત્માજીની આત્મકથાથી ઓછા મહત્તવના નથી. આ બ્લોગચર્ચા જો આપણને મંથન કરવા પ્રેરે તો અધ્યાત્મનો સંબંધ આ બાહ્ય જીવન સાથે સાબિત થઈ જ જાય છે. આ પ્રગટીકરણને પારદર્શિતાનો જ એક ભાગ ગણી શકીએ.

  બ્લોગલેખન આપણા સૌનું પરમ હિતકારી બની રહે છે. આપણે સૌ ધન્યતાનો અનુભવ કરીએ. મારે મન બુચદાદા, મૂળશંકરભાઈ વગેરે અંગે લખવું એટલે પર્વ છે. તમે એને આમાં સાંકળ્યું તેથી પરમાનંદ !

 3. શ્રીમદ ભગવદ ગીતાનો સંદર્ભ લેવામાં આવે તો તેમાં
  અધ્યાત્મ, અધિભુત અને અધિદૈવ તેમ ત્રણ બાબતોનો ઉલ્લેખ છે.
  પાંચ કર્મેન્દ્રીયો, પાંચ જ્ઞાનેન્દ્રીયો અને મન, બુદ્ધિ, ચિત્ત તથા અહંકાર તેને અધ્યાત્મ કહ્યાં છે. તે સર્વેના એક એક દેવતાને અધિદૈવ કહ્યાં છે અને તેના જે વિષયો છે તેને અધીભુત કહ્યાં છે. તેથી અધ્યાત્મને જીવન સાથે સીધો સંબધ છે. જો કોઈ એમ કહે કે અધ્યાત્મને જીવન સાથે કશું લાગતું વળગતું નથી તો તે અધ્યાત્મનો અર્થ સમજ્યા નથી અથવા તો અધ્યાત્મનો અર્થ તેમને માટે કશોક જુદો છે.

 4. શ્રી.જુગલકીશોરભાઈ એ આપેલો વિચાર સમસંવેદના, ભુપેન્દ્રસિંહજીએ રેશનલ આધ્યાત્મિકતા અને આપના માધ્યમે મળેલો ‘સ્વ’નો વિસ્તાર તથા પારદર્શીતા, આપણને આ કેટલાક અદ્‌ભૂત, માર્ગદર્શક, વિચારો જાણવા મળ્યા. સૌ મિત્રોનો આભાર.

  આપે બે પ્રસંગ વર્ણવ્યા, ખરૂં હિંમતનું કામ છે. ગાંધીજીએ કહેલું કે; સત્યના ઊપાસક માટે સિદ્ધાંતથી અલગ વ્યવહાર સંભવી જ ન શકે. (શબ્દશઃ યાદ નથી પણ આવો અર્થ હતો) તેઓ કદાચ આ વાતને વ્યવહારમાં મુકી શક્યા અને જ્યાં ન મુકી શક્યા તે માટે સ્વિકાર કરી વ્યવહારમાં મુકવા સંબંધે ચિંતનશીલ રહ્યા માટે તો મહાત્મા કહેવાયા, આપણે માટે સદા સંભવ ના પણ બને. છતાં ’આ અસત્યાચરણ હતું’ તેવું મન સ્વિકાર કરી શકે એ પણ બહુ મોટી વાત છે. ફરી ગાંધીજીને જ યાદ કરી (સત્યની ચર્ચા હોય એટલે ગાંધીજી વારંવાર યાદ કેમ આવતા હશે ?) આત્મકથામાં વાંચેલા એક પ્રસંગનો ઉલ્લેખ કરૂં. દૂધ ન લેવાની પ્રતિજ્ઞા કરનારા એ, કોઈ બિમારીમાંથી ઉઠવાની લાલચે (એમના શબ્દોમાં; સત્યાગ્રહની લડાઈને સારુ જીવવાની ઇચ્છાએ), દૂધ ન પીવાની પ્રતિજ્ઞા સમયે માત્ર ગાય-ભેંસ નજરમાં હતાં તેથી બકરીનું દૂધ લેવામાં કશો વાંધો નહીં એમ મનને મનાવે છે. પરંતુ પછી લખે છે, ’મારા આ કાર્યનો ડંખ હજુ રુઝાયો નથી…સત્યનું પાલન એટલે લીધેલા વ્રતનાં શરીર અને આત્માની રક્ષા. શબ્દાર્થ અને ભાવાર્થનું પાલન. અહીં મે આત્માને – ભાવાર્થને હણ્યો છે એ મને રોજ ખૂંચે છે. આ જાણતો છતા, મારા વ્રત પરત્વે મારો ધર્મ શો છે એ હું જાણી શક્યો નથી, અથવા કહો કે મને તેના પાલનની હિંમત નથી. બન્ને એક જ વસ્તુ છે, કેમ કે શંકાના મૂળમાં શ્રદ્ધાનો અભાવ હોય છે.’ આપની લેખમાળાના માધ્યમે આ લાભ અમ સૌને પણ મળે, આભાર.

  1. તકનિકી કારણે મારે નોટપેડમાં લખી પ્રતિભાવ અહીં મુકવાનો થતો હોય અંતે એક વાક્ય રહી ગયું તે ઉમેરવા વિનંતી.
   — શ્રદ્ધાનો અભાવ હોય છે.’ સત્યનું ચિંતન પણ આત્મનિરિક્ષણ કરવા પ્રેરતું હોય તો લાભ કંઈ જેવોતેવો ન ગણાય. આપની લેખમાળાના માધ્યમે —

 5. kharekhar satyavachan! ava nana nana asatyabharya aacharan aapanae jivanaman ghani vaar karie 6ie,bachava k samay bachaavavana naame! pan mann e kabulava taiyar nathi hotun..himmat kelvay e pan satyana prayog baraabar j thay..aanka pat patati rahe toy ghanu dekhi shakaya..v.good.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: