india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 50

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૫૦ : બાદશાહ ખાનના અહિંસક પઠાણો

ગાંધીજીના અહિંસક સવિનય કાનૂન ભંગનો જ્વલંત દાખલો તો હિન્દુસ્તાનને છેડે ઉત્તર-પશ્ચિમ છેડે આવેલા પેશાવરમાં મળ્યો. પઠાણો એટલે કે પખ્તૂનોનો આ પ્રાંત. હિન્દુસ્તાનના કોઈ પણ ભાગ કરતાં, બીજા મુસલમાનો કરતાં પણ પઠાણોના નીતિનિયમો જુદા. પઠાણોમાં કબીલાઓ વચ્ચેનો ઝઘડો પેઢીઓ સુધી ચાલે. પઠાણ મિત્ર માટે બધું હોમી દેવા તૈયાર થાય પણ બદલો લેવાની વાત આવે ત્યારે એનું વેર કદીયે શમે નહીં. એમના નીતિ નિયમો એટલે ‘પખ્તૂનવાલી’. એમાં હિંસા તો બહુ સામાન્ય વાત. આ હિંસક કોમને અહિંસક બનાવીને રાષ્ટ્રજીવનમાં જોડીને તદ્દન જુદી – અહિંસાની – દિશામાં લઈ જનારા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ઉર્ફે બાદશાહ ખાન (પખ્તૂન નામ બાચા ખાન) અને એમની સંસ્થા ખુદાઈ ખિદમતગાર. બાદશાહ ખાને એમના માટે લાલ ખમીસનો યુનિફૉર્મ પસંદ કર્યો હતો એટલે ખુદાઈ ખિદમતગારોને ‘લાલ ખમીસ દળ’ તરીકે પણ ઓળખવામાં આવતા. ગાંધીજીના સવિનય કાનૂન ભંગના આંદોલનમાં એમનો ફાળો અનોખો રહ્યો.

બાદશાહ ખાન

બાદશાહ ખાનના પરિવારને પેઢીઓથી સત્તા સાથે વેર રહ્યું હતું. એમના પરદાદાને અફઘાનિસ્તાનના શાસક દુર્રાનીએ ફાંસીએ લટકાવી દીધા હતા. તે પછી અંગ્રેજોએ દુર્રાની પર વિજય મેળવીને પોતાની આણ સ્થાપી ત્યારે બાદશાહ ખાનના દાદા અન્યાયની સામે લડતા. પિતા પણ આધુનિક વિચારોના હતા અને બાળકોને શિક્ષણ આપવાના હિમાયતી હતા. આનો લાભ બાદશાહ ખાનના મોટા ભાઈ, ડૉ. ખાન સાહેબ (ખાન અબ્દુલ જબ્બાર ખાન)ને મળ્યો. (ડૉ. ખાન સાહેબ ૧૯૩૭ અને ૧૯૪૬માં કોંગ્રેસની સાથે રહીને નૉર્થ વેસ્ટ ફ્રંટિયરના પ્રીમિયર બન્યા).

બાદશાહ ખાન દિલ્હી, કલકતા, લખનઉ વગેરે સ્થળોની મુલાકાત લઈને બહુ પ્રભાવિત થયા. એમણે પાછા જઈને પખ્તૂનોને એમના રૂઢિગત પછાત સંસ્કારો છોડીને રાષ્ટ્રજીવનમાં આવવા સમજાવ્યા અને ખુદાઈ ખિદમતગાર સંગઠનની સ્થાપના કરી. એમાં એમણે શિક્ષણ ઉપરાંત રાજકીય અન્યાયો સામે લડવા પર ભાર મૂક્યો. લાહોરમાં કોંગ્રેસના અધિવેશન વખતે એ ગાંધીજીના ગાઢ સંપર્કમાં આવ્યા. લાહોરમાં જ કોંગ્રેસે પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર કર્યો.

પેશાવરમાં અહિંસક પઠાણો પર ગોળીબાર

ગાંધીજીએ ૬ઠ્ઠી ઍપ્રિલે દાંડીમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો તે પછી આખા દેશમાં અંગ્રેજ હકુમત સામે વિરોધનો જુવાળ ઊઠ્યો હતો. ૨૩મી ઍપ્રિલે બાદશાહ ખાને ઉસ્માનઝાઈમાં જાહેર સભાને સંબોધન કર્યું અને લોકોને અંગ્રેજી રાજની સામે લડવા માટે ખુદાઈ ખિદમતગારમાં સામેલ થવાનું એલાન કર્યું. તે પછી અસંખ્ય લોકોએ અંગ્રેજી રાજને હટાવવાની પ્રતિજ્ઞા લીધી. સભા પછી એ પેશાવર જતા હતા ત્યારે રસ્તામાં જ પોલીસે એમની ધરપકડ કરી લીધી.

આ સમાચાર મળતાં કિસ્સા ખ્વાની બજારમાં મોટું ટોળું એકઠું થઈ ગયું. લોકોમાં આવેશ બહુ હતો પણ અહિંસાની પ્રતિજ્ઞા લીધી હોવાથી કોઈ પાસે હથિયાર નહોતાં. બાદશાહ ખાન પોતાની આત્મકથામાં લખે છે કે બ્રિટિશ સેનાએ કેપ્ટન રૅકિટની આગેવાની હેઠળ ગઢવાલી રેજિમેન્ટના સૈનિકોની એક ટુકડી મોકલી. એમની સાથે બખ્તરબંધ ગાડીઓ પણ હતી. સૈનિકો આવ્યા ત્યારે હિન્દુઓ, શીખો અને મુસલમાનોએ ખભે ખભા મિલાવીને માનવ દીવાલ બનાવી દીધી. પરંતુ અંગ્રેજી ફોજે પોતાની રણગાડીઓ સીધી જ માનવ દીવાલ પર હંકારી દીધી. આમાં કેટલાય ચગદાઈ મર્યા. ઓચિંતા જ એક જુવાનિયાએ એક રણગાડીને આગ લગાડી દીધી. એ આગ ચારે રણગાડીઓને ભરખી ગઈ. પછી સૈનિકોએ ચારે બાજુએ આંધળો ગોળીબાર કર્યો. કેટલીયે લાશો ઢળી. ઘણાયે પઠાણોએ તેમ છતાં મચક ન આપી. મુખમાં અલ્લાહનું નામ અને બગલમાં કુરાન દબાવીને મોતને ભેટ્યા.

ફરી મે મહિનાની ૩૧મીએ પોલીસે નિર્દોષો પર ગોળીબાર કર્યો અને એક શીખ સરદાર ગંગા સિંઘનાં બે બાળકોને મારી નાખ્યાં. એમની પત્નીને પણ ગોળી વાગી. બાદશાહ ખાન અને બીજા નેતાઓ જેલમાં હતા ત્યારે પઠાણો પર અત્યાચારો ચાલુ રહ્યા. એમનો ચૌદ વર્ષનો પુત્ર વલી ખાન સ્કૂલમાંથી છૂટીને ખુદાઈ ખિદમતગારની ઑફિસે જતો હતો પણ અંગ્રેજોએ ઑફિસનો કબજો કરી લીધો હતો. એક સૈનિકે વલી ખાનને જોઈને એને બેયોનેટથી વીંધી નાખવા નિશાન લીધું ત્યારે એક મુસલમાન સિપાઈએ વચ્ચે હાથ દઈને એને બચાવી લીધો.

કિસ્સા ખ્વાની બજારની જેમ બીજો હત્યાકાંડ ટકર શહેરમાં થયો. ખુદાઈ ખિદમતગારની ઑફિસો બાળી નાખવાનું તો સામાન્ય બની ગયું હતું.

આના પછી બાદશાહ ખાન રીતસર કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક અંગ્રેજ સત્તાવાળાઓએ એમને રોકવા માટે ઘણાંય વચનો આપ્યાં પણ એમણે પાકો નિશ્ચય કરી લીધો હતો.

કોંગ્રેસની તપાસ સમિતિ

ખુદાઈ ખિદમતગાર હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા એટલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મોતીલાલ નહેરુએ કિસ્સા ખ્વાની બજારના ગોળીબાર અની તપાસ માટે વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદે તપાસ સમિતિ બનાવી. સમિતિ ત્યાં ગઈ, પણ ઍટૉક બ્રિજ પર પોલીસે એમને રોકી લીધા. તે પછી વિઠ્ઠલભાઈ અને એમના સાથીઓ ત્યાંથી રાવલપીંડી ગયા અને કેટલાય દિવસ રહીને લોકોને મળ્યા અને એમની જુબાનીઓ નોંધી. સમિતિ સમક્ષ ૩૭ મુસ્લિમ અને ૩૩ હિન્દુ સાક્ષીઓ ઉપસ્થિત થયા અને સરકારના દાવાઓને ખોટા પાડ્યા. આમાંથી એક રામચંદ હતો એ ચાલી, બેસી કે ઊઠી શક્તો નહોતો. એના પરથી અંગેજ સૈનિકોએ બખતબંધ ગાડી ચલવી દીધી હતી અને તે પછી ગોળીબાર થયો તેમાં એને ચાર ગોળીઓ વાગી હતી. સદ્‍ભાગ્યે એ જીવતો રહી ગયો. સમિતિ સમક્ષ એની જુબાની બહુ મહત્ત્વની રહી. એક સાક્ષીએ કહ્યું કે અહીં નિવેદન આપ્યા પછી એને જેલમાં મોકલી દેવાશે કારણ કે એના ગામમાં સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી કે જે કોઈ કોંગ્રેસની સમિતિ સમક્ષ જુબાની આપવા રાવલપીંડી જશે તેને અપરાધી માની લેવાશે. બીજા એક સાક્ષીએ કહ્યું કે એ સરકારી સમિતિ સમક્ષ નિવેદન નોંધાવવા નહોતો ગયો કારણ કે એ સમિતિ પર વિશ્વાસ ન કરી શકાય. હવે અહીં આવવાને કારણે એને ગોળીએ દઈ દેવાશે તો પણ પરવા નથી.

રિપોર્ટે અંગ્રેજ સરકારના અત્યાચારને છતો કરી દીધો. સરકારે રિપોર્ટ પ્રકાશિત ન થાય તેના માટે એના પર પ્રતિબંધ મૂકી દીધો પણ એની કેટલીયે નકલો અમેરિકા અને ઇંગ્લૅંડ પહોંચી ગઈ હતી એટલે લોકો સમક્ષ સત્ય પ્રગટ થઈ ગયું.

કિસ્સા ખ્વાની બજારનો હત્યાકાંડ અગિયાર વર્ષ પહેલાના જલિયાંવાલા બાગ હત્યાકાંડની બીજી આવૃત્તિ જેવો હતો. અને અહિંસક સત્યાગ્રહના ઇતિહાસનું કે લોકોના બલિદાનનું જ્વલંત ઉદાહરણ છે.

ખુદાઈ ખિદમતગાર અને કોંગ્રેસ સાથે મળીને ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં છેક ૧૯૪૭ સુધી સંઘર્ષ ચલાવતાં રહ્યાં. પરંતુ બાદશાહ ખાન પાકિસ્તાનમાં જોડાવા નહોતા માગતા. એમની લોકમત લેવાની માગણી પર કોંગ્રેસે કંઈ ધ્યાન ન આપ્યું. એ અંતે બહુ દુઃખી હતા અને એમણે ગાંધીજીને કહ્યું કે તમે અમને ભૂખ્યા વરૂઓ સામે ફેંકી દીધા છે.

ભારતની આઝાદીના સંઘર્ષમાં બાદશાહ ખાનની ભૂમિકા કદી ભૂલી શકાય તેમ નથી.

ગઢવાલી સૈનિકોનો દેશપ્રેમ

કિસ્સા ખ્વાની બજારમાં ગઢવાલી સૈનિકોએ ગોળીઓ ચલાવવાની ના પાડી. બાદશાહ ખાન પોતાની આત્મકથામાં તેનો ખાસ ઉલ્લેખ કરીને એમની દેશભક્તિને દાદ આપે છે. આ મહાન ઘટના પર નજર નાખીએઃ

કેપ્ટન રેકિટે પહેલાં તો ગઢવાલી ટુકડીના નેતા ચંદ્ર સિંઘ ભંડારી (ગઢવાલી) ને ફાયરિંગ શરૂ કરવાનો હુકમ આપ્યો પણ એમણે શસ્ત્રવિરામનો હુકમ આપ્યો. બધા ગઢવાલી સૈનિકોએ બંદુકો નીચી કરી દીધી. એમને કૅપ્ટન રૅકિટને કહી દીધું કે અમે નિઃશસ્ત્ર લોકો પર ગોળી નહીં ચલાવીએ. એટલે જે ખૂના મરકી થઈ તે અંગ્રેજ સૈનિકોને હાથે જ થઈ. તરત જ ચંદ્ર સિંઘ અને એમની ટુકડીનાં હથિયારો લઈ લેવાયાં અને બધાને નજરકેદ રખાયા. એમના પર રાજદ્રોહનો કેસ ચાલ્યો અને કોઈ કારણે મોતની સજાને બદલે જનમટીપની સજા અપાઈ. એમના બીજા ૧૬ સાથીઓને પણ લાંબી સજાઓ થઈ. ૩૯ જણને નોકરીમાંથી કાઢી મુકાયા.

ચંદ્ર સિંઘને ઍબટાબાદ, ડેરા ઇસ્માઈલ ખાન, બરૈલી, નૈનીતાલ, લખનઉ, અલ્મોડા અને ધેરાદૂનની જેલોમાં રાખવામાં આવ્યા અને ૧૧ વર્ષ પછી એ છૂટ્યા. બધી જેલોમાં એમણે ઘણા અત્યાચારો સહ્યા. એ બેડીઓને ‘મર્દોનું ઘરેણું’ કહેતા.

જેલોમાંએમને ઘણા દેશભક્તોને મળવાની તક મળી. લખનઉ જેલમાં સુભાષબાબુને મળ્યા. જેલમાંથી છૂટ્યા પછી એ થોડો વખત અલ્હાબાદમાં નહેરુને ઘરે આનંદ ભવનમાં રહ્યા અને પછી ગાંધીજીના વર્ધા આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા. તે ક્વિટ ઇંડિયા ચળવળ વખતે એમને સાત વર્ષની સજા થઈ. જેલમાં એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યા અને આજીવન કમ્યુનિસ્ટ રહ્યા. ૧૯૫૨માં એ વિધાનસભાની ચૂટણી લડ્યા પણ હારી ગયા.

પઠાણોએ એમનું ઋણ હંમેશાં યાદ રાખ્યું. દેશના ભાગલા થયા ત્યારે એમના પિતા ક્વેટા (કોયટા)માં રહેતા હતા. પરંતુ તેઓ ચંદ્રસિંઘનાં માતાપિતા છે તે જાણીને એક પઠાણ એમને ભારતની સરહદ સુધી સહીસલામત પહોંચાડી ગયો.

૦૦૦

સંદર્ભઃ

૧.My Life and Struggle (Autobiography) Khan Abdul Ghaffar Khan

૨. http://www.merapahadforum.com/personalities-of-uttarakhand/chandra-singh-garhwali-”/

૩. Peshawar Inquiry Report.

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 49

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૪૯: દેશમાં સવિનય કાનુનભંગનો દાવાનળ(૧)

જવાહરલાલ નહેરુ એમની આત્મકથામાં લખે છેઃ

ઓચિંતોમીઠુંશબ્દ રહસ્યમય બની ગયો હતો, હવે શક્તિનો દ્યોતક શબ્દ હતો. એમાં મીઠાના કાયદા પર હુમલો કરવાનો હતો, કાયદો તોડવાનો હતો. અમે મુંઝાઈ ગયા હતા; સાદા મીઠાને લઈને રાષ્ટ્રીય આંદોલન ચલાવવાનો વિચાર બહુ ગળે નહોતો ઊતરતોપણ અમારી પાસે દલીલો માટે સમય નહોતો કારણ કે ઘટનાઓ બહુ ઝડપથી બનતી હતીએવું લાગ્યું કે એક ઝરણાને ઓચિંતું બંધનમુક્ત કરવામાં આવ્યું હતું; અને આખા દેશમાં, શહેરો અને ગામડાંઓમાં વાતનો વિષય માત્ર મીઠું કેમ બનાવાય, તે હતો અને એના ઘણા અજબગજબના નૂસ્ખાઓ અજમાવાયા. અમને તો એના વિશે કંઈ ખબર નહોતી એટલે અમે મીઠું કેમ બને તે વાંચી કાઢ્યું, એનાં ચોપાનિયાં વહેંચ્યાં અને અંતે કંઈક, ખાઈ શકાય એવું થોડુંઘણું મીઠું બનાવવામાં સફળ રહ્યા, જે અમે વિજય મળ્યાની નિશાની તરીકે દેખાડ્યું અને મનફાવતી કિંમતે વેચ્યું પણ ખરું. અમારું મીઠું સારું હતું કે ખરાબ, વાતનો કંઈ અર્થ નહોતો, અમે મીઠાનો કાયદો તોડ્યો હતો અને એમાં અમે સફળ થયા હતા. લોકોનો ઉત્સાહ દાવાનળ જેવો હતો, અમે જોયું ત્યારે થોડી શરમ આવી કે ગાંધીજીએ જ્યારે પહેલી વાર સૂચન કર્યું ત્યારે અમે શંકાઓ જાહેર કરી હતી. અમને માણસની લાખોને પ્રભાવિત કરીને એમને સંગઠિત થઈને વર્તતા કરી દેવાની કુનેહનું આશ્ચર્ય થયું

નહેરુ પોતે ૧૪મી ઍપ્રિલે પકડાઈ ગયા. એ જ દિવસે જેલમાં જ એમના પર કેસ ચાલ્યો. સત્યાગ્રહીઓએ ગુનો તો કબૂલવાનો જ હતો. નહેરુને છ મહિનાની કેદની સજા થઈ.

ગાંધીજીનો અહિંસક યુદ્ધનો વ્યૂહ સફળ થવાની નિશાની જેમ ઠેરેઠેર લોકો મીઠું બનાવવા લાગ્યા હતા, જે લોકો મીઠું બનાવી ન શક્યા તે ગાંધીજીએ જાહેર કરેલા નવા કાર્યક્રમ પ્રમાણે પરદેશી કપડાંની હોળી કરવા લાગ્યા. સ્ત્રીઓ દારૂનાં પીઠાંઓ સામે પિકેટિંગ કરવા લાગી. એક બાજુથી દારૂ પીવા આવતા અસભ્ય લોકો અને બીજી બાજુથી પીઠાંના માલિકો, બન્ને બાજુની સતામણી સહીને સ્ત્રીઓ ગાંધીજીના અહિંસક આંદોલનને આગળ વધારતી રહી. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ કે શ્રીમંત કુટુંબોની સ્ત્રીઓ તો કદી ઘરની બહાર નીકળી નહોતી તે હવે જાહેર રસ્તાઓ પર ઝનૂની દારૂડિયાઓનાં અપમાનો અને ગાળો સહન કરવા લાગી. જેમ કે, જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી અલ્હાબાદમાં એક સરઘસ પર ત્યારે પોલીસે લાઠીચાર્જ કરતાં ઘાયલ થયાં અને બેભાન થઈ ગયાં હતાં. આખા દેશમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં લોકોનો ગુસ્સો ઊકળી ઊઠ્યો હતો.

કેરળમાં પય્યન્નુર સત્યાગ્રહ

કેરળના મલબાર પ્રદેશનું પય્યન્નુર મીઠાના સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર હતું. ૧૩મી ઍપ્રિલે કે. કેલપ્પનના નેતૃત્વ હેઠળ ૩૨ સ્વયંસેવકોની જુદી જુદી ત્રણ ટુકડીઓએ કોળીકોડ (કલીકટ)થી કૂચ શરૂ કરી. ૧૬મી તારીખે ગાંધીજીએ નવસારીથી કેરળ પ્રદેશ કોંગ્રેસ્ના સેક્રેટરી શ્રી કે. માધવાનારને આ આંદોલન શરૂ કરવા માટે અભિનંદન આપ્યાં અને કહ્યું કે મને એની જાણ કરતા રહેજો, ૧૯મીએ બીજું એક ગ્રુપ પાલક્કાડથી ઊપડ્યું. એ જ રીતે બીજાં બે ગ્રુપ પણ નીકળ્યાં, રસ્તામાં ગામેગામ એમના સ્વાગત માટે ઊમટી પડ્યાં. આંદોલન એક ઉત્સવ બની ગયું કારણ કે લોકો મનથી સ્વાધીન બની ગયા હતા.

૨૩મીનો સૂર્યોદય થયો ત્યારે કેલપ્પન એમના સાથીઓ સાથે સમુદ્રકાંઠે ગયા, થોડું મીઠું ઉપાડ્યું અને મીઠાના કાયદાનો ભંગ કર્યો. એમનાથી દૂર હજારો લોકો એમને જોવા માટે એકઠા થયા હતા. સત્યાગ્રહીઓ પોલીસની હાજરીને અવગણીને ત્યાં જ પાણી ઉકાળવા લાગ્યા. પોલીસ અધિકારી આમૂ માટે આ મોટું અપમાન હતું. એના માણસો સત્યાગ્રહીઓ પર તૂટી પડ્યા. લાઠીઓના માર ખાતાં ખાતાં. સત્યાગ્રહીઓ “ભારત માતા કી જય” અને “ગાંધીજી કી જય” પોકારતા રહ્યા. કેલપ્પન ‘કેરળના ગાંધી’ તરીકે ઓળખાય છે.

૧૯૩૦નો દાયકો કેરળના રાજકીય જીવનમાં મુસ્લિમ લીગ અને કમ્યુનિસ્ટ પાર્ટીના ઉત્થાનનો સમય હતો, પરંતુ આ સત્યાગ્રહની સફળતાએ ચકચાર ફેલાવી દીધી. હજી જનમાનસ પર ગાંધીજી અની કોંગ્રેસની ભારે પકડ હતી.

કેરળના એક કમ્યુનિસ્ટ નેતા કે. માધવનનું ૧૦૧ વર્ષની વયે ૨૦૧૬માં અવસાન થયું. ‘ઉપ્પુ સત્યાગ્રહ’ (મીઠાનો સત્યાગ્રહ) વખતે એમની ઉંમર ૧૫ વર્ષની હતી. એમને નાની ઉંમરને કારણે સત્યાગ્રહી તરીકે સામેલ નહોતા કરતા પણ એમની હઠને કારણે અંતે એમને લેવા પડ્યા. તે પછી એ આઝાદીની લડતમાં કોંગ્રેસમાં સક્રિય રહ્યા. કોંગ્રેસ સોશ્યલિસ્ટ પાર્ટી બની તેમાં પણ જોડાયા પણ અંતે એ સામ્યવાદી પક્ષમાં ગયા. જો કે, પક્ષની બધી નીતિઓ એમણે સ્વીકારી નહીં. એ માર્ક્સ અને ગાંધીજીનો સમન્વય કરવાનો આગ્રહ રાખતા અને પોતાને ગાંધીવાદી કમ્યુનિસ્ટ તરીકે ઓળખાવતા.

તમિળનાડુના વેદારણ્યમમાં મીઠાનો સત્યાગ્રહ

કોંગ્રેસના ઘણા આગેવાનોના મનમાં શંકા હતી કે આવો તે સત્યાગ્રહ કેટલો વખત ચાલી શકશે? પરંતુ, ચક્રવર્તી રાજગોપાલાચારીને જરાય શંકા નહોતી. એક મહિનામાં એ મદ્રાસ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને એમણે પહેલું કામ મીઠાના સત્યાગ્રહનું કર્યું એમનો વિચાર કન્યાકુમારીમાં સત્યાગ્રહ કરવાનો હતો કારણ કે ત્યાં અરબી સમુદ્ર, હિન્દી મહાસાગર અને બંગાળનો ઉપસાગર ભેગા થાય છે. પણ કોંગ્રેસે એવું નક્કી કર્યું હતું કે માત્ર બ્રિટિશ અંકુશ હેઠળના પ્રદેશમાં જ આ આંદોલન ચલાવવું કન્યાકુમારી ત્રાવણકોરના દેશી રાજ્યમાં હતું. તે પછી તાંજોર (તંજાવ્વૂર) જિલ્લાનું વેદારણ્યમ નામનું નાનું ગામ પસંદ કરવામાં આવ્યું. ત્યાં મીઠું બનાવવાનું કારખાનું પણ હતું.

ગાંધીજીની જેમ જ, રાજાજીએ પણ ૧૫૦ માઇલનો રૂટ બનાવ્યો. સત્યાગ્રહમાં ભાગ લેવા માટે એમને હજારેક અરજીઓ મળી હતી, તેમાંથી એમણે ૯૮ જણને પસંદ કર્યા. એમાં રુક્મિણી લક્ષ્મીપતિ અને કે. કામરાજ નાદર, એમ. ભક્તવત્સલમ અને રાજાજીના પુત્ર સી. આર. નરસિંહમ પણ હતા.

મદ્રાસ સરકારે સત્યાગ્રહીઓને દબાવી દેવા ઘણા પ્રયત્ન કર્યા. જિલ્લા કલેક્ટરે હુકમ બહાર પાડ્યો કે સત્યાગ્રહીઓને ખાવાનું આપશે તેને છ મહિનાની સજા કરાશે. છાપાંઓના તંત્રીઓને પણ સત્યાગ્રહના સમાચાર છાપવાની મનાઈ કરી અને નિશાળિયાં બાળકોનાં માતાપિતાઓને એમનાં સંતાનો સત્યાગ્રહમાં ન પડે તેનું ધ્યાન રાખવાની ચેતવણી આપી.

૧૨મી ઍપ્રિલે ૯૮ સત્યાગ્રહીઓ ત્રિચિનાપલ્લી (હવે તિરુચિરાપલ્લી)માં રાજાજીને ઘરે એકઠા થયા અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે એમની યાત્રા શરૂ થઈ. રસ્તામાં એમને એક ગામે ધર્મશાળામાં પણ ઊતરવાની છૂટ ન મળી. જો કે એમને રાતવાસો કરવા જે જમવાની સગવડ આપનારા નીકળી આવ્યા. પણ એમને કલેક્ટરે છ-છ મહિના માટે કેદની સજા કરી. તે પછી લોકો ડરવા લાગ્યા. આમ છતાં લોકો મદદ કરવા તો તૈયાર જ હતા. હવે એમણે ભોજનનાં પેકેટ ઝાડ પર બાંધી દેવાનું શરૂ કર્યું. બીજી બાજુ. બ્રિટિશ સિપાઈઓનો લોકોએ બહિષ્કાર કર્યો. એમને કોઈ ખાવાપીવાનું ન આપે, માલ વેચવા તૈયાર ન થાય. પોલિસમાં કામ કરતા હિન્દીઓએ પોતાની ડ્યૂટી છોડી દીધી અને તે એટલે સુધી કે વાળંદ સરકારી નોકરના વાળ પણ ન કાપી આપે!

૨૮મી ઍપ્રિલે સત્યાગ્રહીઓ વેદારણ્યમ પહોંચ્યા. રાજાજીએ હવે વધારે સમર્થકોને બોલાવી લીધા અને ૩૦મી ઍપ્રિલે સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી. એ દિવસે રાજાજી અને બીજા ૧૬ જણ બે માઇલ ચાલીને મીઠાના અગર પાસે પહોંચ્યા ત્યારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પોલીસ ટુકડી લઈને પહોંચ્યો અને એમને રોકી લીધા. રાજાજીની ધરપકડ કરી લેવાઈ. કામરાજ પણ પકડાયા. એમના પર લોકોને મીઠાનો કાયદો તોડવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ હતો. રુક્મિણી લક્ષ્મીપતિને એક વર્ષની સજા થઈ. સવિનય કાનૂનભંગના આંદોલનમાં જેલમાં જનારાં એ પહેલાં મહિલા હતાં.

બીજા દિવસે લોકોએ દુકાનો બજારો બંધ રાખી. પોલીસના અત્યાચારો સામે નમતું આપ્યા વિના વેદારણ્યમમાં લોકોએ ઠેકઠેકાણે મીઠું બનાવ્યું.

સરદાર વલ્લભભાઈનાં માતા

ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની શરૂઆત જ ગુજરાતથી કરી. મીઠાના સત્યાગ્રહનું કેન્દ્રસ્થાન દાંડી રહ્યું, પરંતુ બીજાં આંદોલનો પણ થવા લાગ્યાં. ખાસ કરીને સૂરતનો બારડોલી જિલ્લો અને ભરૂચનો જંબુસર જિલ્લો મોખરે રહ્યાં. બારડોલીમાં ગામડાંમાં ખેડૂતોએ જમીn મહેસૂલ ન આપવાનું આંદોલન ચલાવ્યું. પોલીસના અત્યાચારનો સપાટો સરદાર વલ્લભભાઈનાં એંસી વર્ષનાં માતાને પણ લાગ્યો. એ રાંધતાં હતાં ત્યારે સિપાઈઓ એમના રસોડામાં ઘૂસી ગયા અને બધું ઢોળી નાખ્યું, માટીનાં વાસણો ફોડી નાખ્યાં અને જે કંઈ વાસણો મળ્યાં તેમાં કેરોસીન ભરી દીધું. સરદાર એ વખતે હજી જેલમાં જ હતા.

પૂર્વ ભારતમાં સવિનય કાનૂન ભંગ

પૂર્વ ભારત, એટલે કે બિહાર, પંજાબ, હરિયાણામાં સમુદ્ર નથી. ચારે બાજુ જમીન છે એટલે ત્યાં મીઠું પકવવાનો સવાલ જ ઊભો ન થાય. બિહારમાં ના-કરની લડાઈમાં ગામડાંના લોકોએ ‘ચોકીદારું’ એટલે કે ચોકીદારોનો પગાર ચુકવવાની સાફ ના પાડી દીધી. આ ચોકીદારોને લોકો સરકારના જાસૂસ માનતા. ભાગલપુર જિલ્લાના બીહપુરની કોંગ્રેસ ઑફિસ પર પોલીસે કબજો કરી લીધો. આના વિરોધમાં ત્યાં લોકો રોજેરોજ ટોળે મળીને વિરોધ કરવા લાગ્યા. અંતે રાજેન્દ્રપ્રસાદ અને અબ્દુલ બારી પટનાથી બીહપુર આવ્યા. એ વખતે કોંગ્રેસ ઑફિસ સામે જબ્બરદસ્ત ભીડ એકઠી થઈ. પોલીસે એને વીખેરવા લાઠીચાર્જ કર્યો તેમાં રાજેન્દ્રબાબુ ઘાયલ થયા. આના પછી બિહારના કોઈ પણ ગામમાં પોલીસને જવાનું મુશ્કેલ બની ગયું. લોકો એમને ગામમાં ઘૂસવા જ નહોતા દેતા.

યતીન્દ્ર મોહન સેનગુપ્તા

ઍપ્રિલની ૧૨મીએ કલકત્તામાં કૉર્નવૉલિસ સ્ટ્રીટ પર લોકોએ પ્રતિબંધિત સાહિત્ય જાહેરમાં વાંચવાનો કાર્યક્રમ બનાવ્યો અને ઘણાએ ધરપકડ વહોરી લીધી. મેયર યતીન્દ્ર મોહન સેનગુપ્તાને આ ખબર પડી ત્યારે એ પણ ત્યાં પહોંચી ગયા. ત્યાં એમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યાં સુધી પોલીસે દરમિયાનગીરી ન કરી પણ તે પછી એમણે પ્રતિબંધિત સાહિત્ય વાંચવાની કોશિશ કરી ત્યારે એમને પકડી લીધા. એ ૨૫મી સપ્ટેમ્બરે છૂટ્યા.

આ પહેલાં જવાહરલાલ નહેરુ પકડાઈ ગયા હતા અને એમને સ્થાને યતીન્દ્ર મોહનબાબુને કોંગ્રેસના કામચલાઉ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આથી એ આખા દેશમાં ફરવા લાગ્યા. આ દરમિયાન અમૃતસરમાં જલિયાંવાલા બાગની એક મીટિંગમાં એમને ફરી પકડી લેવાયા અને નવ મહિનાની સજા કરીને દિલ્હીની જેલમાં મોકલી દેવાયા. દિલ્હીમાં એમનાં પત્ની નેલી સેનગુપ્તા અને અરુણા આસફ અલીએ પણ સ્ત્રીઓની એક સભામાં ભાષણ કરતાં એમને પણ રાજદ્રોહના આરોપસર સજા કરવામાં આવી. યતીન્દ્ર મોહન તે પછી ઇંગ્લૅંડથી પૅરિસ થઈને ઈટાલિયન જહાજમાં પાછા ફરતા હતા ત્યારે બ્રિટિશ પોલિસે એમને ગેરકાનૂની રીતે પકડી લીધા અને ભારત લઈ આવ્યા અને કોઈ પણ આરોપ વિના જેલમાં નાખી દીધા.

નેલી સેનગુપ્તા

એ વખતે સરકારે કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલે કોંગ્રેસના પ્રમુખ બને તેને પકડી લેવાતા. એ વર્ષે કલકત્તામાં અધિવેશન મળ્યું તેમાં નેલી સેનગુપ્તાને કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યાં. એમણે કોંગ્રેસનો કાર્યક્રમ જાહેર કરવાનો હતો. પણ એના માટે ક્યાં સભા મળશે તે ખાનગી રાખવામાં આવ્યું. પોલીસે આખા કલકત્તામાં જાપ્તો ગોઠવ્યો પણ સાંજે ચાર વાગ્યે ધરમતલ્લા સ્ટ્રીટમાં બ્યૂગલ વાગ્યાં. નેલી ત્યાં પહોંચી ગયાં હતાં! પોલીસ ખાતું આ સ્થળ બાબતમાં ગાફેલ રહ્યું હતું. તે પછી પોલિસનું ધાડું ટ્રક ભરીને આવ્યું અને બેફામ લાઠીચાર્જ કર્યો અને નેલી સેનગુપ્તાને પકડીને લઈ ગયા.

આ કથાનો અંત આવે તેમ નથી. ગણતાં થાકી જવાય એટલી ઘટનાઓ છે, પણ એક સૌથી વધારે મહત્ત્વની ઘટનાની વાત – પઠાણોની અહિંસાની વાત – આવતા પ્રકરણમાં કરશું. એ ઘટના વિશે આપણે કહી શકીએ કે ખરેખર પ્રજા-જાગૃતિનો દાવાનળ અણધાર્યાં સ્થળોએ પણ પહોંચી ગયો હતો.

૦૦૦

સંદર્ભઃ

૧. An Autobiography – Jawaharlal Nehru Chapter 29 page no. 209. First Edition April 1936.

૨. http://www.researchguru.net/volume/Volume%2012/Issue%202/RG144.pdf

૩.https://www.thehindu.com/news/national/tamil-nadu/when-rajaji-defied-the-salt-law/article11629453.ece

૪. India’s Struggle for Independence. Bipan Chandra et el. 1857 – 1947.

૫. Deshapriya Jatindra Mohan Sengupta (Makers of India series) by Padmini Seengupta, Publications Division, Government of India.

0૦૦

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 48

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૪૮ : દાંડીકૂચ

૧૨મી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરી. મહાદેવભાઈ લખે છે કે સત્યાગ્રહીઓની પહેલી ટુકડીમાં ૭૯ જણ નીકળ્યા છે. આ બધા વસ્તુતઃ આશ્રમવાસી છે એટલે એઓ વિશે પ્રાંતભેદની કંઈ કિંમત નથી.” ગાંધીજીએ ચીવટપૂર્વક આશ્રમવાસીઓને પસંદ કર્યા હતા. સ્ત્રીઓ જવા માગતી હતી પણ ગાંધીજીએ કહ્યું કે સ્ત્રીઓને આગળ કરવાથી પોલીસ સંયમ રાખશે અને એનું ખરું રૂપ સામે નહીં આવે. એ તો પુરુષોના બચાવ માટે સ્ત્રીઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવા જેવું હતું. ૨૪૧ માઇલની યાત્રામાં રોજ દસથી પંદર માઇલ પગપાળા ચાલવાનું હતું.

પહેલી ટુકડીમાં પ્રદેશવાર લોકોની સંખ્યા આ પ્રમાણે હતીઃ ગુજરાતના ૩૨, મહારાષ્ટ્રના ૧૩, યુક્ત પ્રાંતના ૭. કચ્છના ૬. પંજાબના ૩, સિંધનો ૧, કેરળના ૪, રાજપુતાના (હવે રાજસ્થાન)ના ૩, આંધ્ર પ્રદેશનો ૧, કર્ણાટકનો ૧. મુંબઈના ૨, તમિલનાડુનો ૧, બિહાર, બંગાળ અને ઉત્કલ (હવે ઓડીશા), દરેકમાંથી એક, ઉપરાંત ફીજીનો એક (મૂળ યુક્ત પ્રાંતનો) અને નેપાળનો ૧. જાતિવાર ગણતરી કરતાં બે મુસલમાન, એક ખ્રિસ્તી, અને ૨ અસ્પૃશ્યો સહિત બાકી બધા હિન્દુ હતા.

ગુજરાતમાંથી ગાંધીજી ઉપરાંત બીજા ૩૧નાં નામ આ પ્રમાણે છેઃ છગનલાલ જોશી, જયંતી પારેખ, રસિક દેસાઈ, વિઠ્ઠલ, હરખજી, તનસુખ ભટ્ટ, કાંતિ ગાંધી, છોટુભાઈ પટેલ, વાલજીભાઈ દેસાઈ, પન્નાલાલ ઝવેરી, અબ્બાસ, પૂંજાભાઈ શાહ, સોમાભાઈ, હસમુખરામ, રામજીભાઈ વણકર, દિનકરરાવ, ભાનુશંકર, રાવજીભાઈ પટેલ, શિવાભાઈ, શંકરભાઈ, જશભાઈ, હરિદાસ વરજીવન ગાંધી, ચીમનલાલ, રમણીકલાલ મોદી, હરિદાસ મજુમદાર, અંબાલાલ પટેલ, માધવલાલ, લાલજી, રત્નજી, મણિલાલ ગાંધી (ગાંધીજીના પુત્ર); અને પુરાતન બૂચ. કચ્છમાંથી પૃથ્વીરાજ આસર, માધવજીભાઈ, નારણજીભાઈ. મગનભાઈ વોરા, ડુંગરસીભાઈ અને જેઠાલાલ જોડાયા.

(અહીં ગુજરાતકચ્છનાં બધાં નામો આપવાનો ઉદ્દેશ એ છે કે વાચકોમાંથી કોઈ દાંડીકૂચમાં ગાંધીજીના સહયાત્રીઓના વંશવારસ પણ હોઈ શકે છે અને કદાચ એમનો અંગત ઇતિહાસ જાણવા મળે).

૧૦મી તારીખે, સરદાર પટેલની ધરપકડ થઈ તે જ દિવસે આશ્રમમાં ત્રણ હજાર માણસો પ્રાર્થના માટે આવ્યાં. ગાંધીજીએ લાંબું ભાષણ કરીને લોકોને ખાસ સંદેશ આપ્યોઃ

“…હિન્દુસ્તાનનાં સાત લાખ ગામડાંમાંથી દસ દસ માણસ પણ જો મીઠું પકવવા નીકળી પડે તો આ રાજ શું કરી શકે? હજી કોઈ પણ બાદશાહ એવો નથી જન્મ્યો કે જેને વગર કારણે કોઈને તોપને ગોળે ચડાવ્યા હોય.એમ શાંતિથી કાનૂનભંગ કરીને આપણે સહેજે સરકારને કાયર કાયર કરી મૂકી શકીએ એમ છીએ…”

૧૧મીએ દસ હજાર માણસ એકઠાં થયાં. ગાંધીજીએ પોતે પકડાઈ જાય તે પછી પણ સત્યાગ્રહીઓની અખંડ ધારા વહેતી રાખવા અપીલ કરી, એટલું જ નહીં, આંદોલન ચલાવવાના જુદા જુદા રસ્તા પણ દેખાડ્યાઃ

“…જે જે ઠેકાણે મીઠાના કાયદાનો ભંગ કરી શકાય તે તે ઠેકાણે શરૂ થઈ જવો જ જોઈએઆ ભંગના ત્રણ રસ્તા છે. જ્યાં મીઠું સહેજે પકવી શકાય ત્યાં પકવવું એ ગુનો છે. એ જેઓ લઈ જશે અને વેચશે તે ગુનો કરશે, અને જકાત વિનાનું મીઠું વેચાતું લેનાર પણ ગુનો કરશે, મીઠાનો કાયદો તોડવાનો આ સહેલામાં સહેલો રસ્તો છેપણ આ એક જ કામ કરીને બેસી રહેવાનું નથીપણ જ્યાં સ્થાનિક કાર્યકર્તા હોય, કોંગ્રેસની બંધી ન હોય, કાર્યકર્તામાં આત્મ વિશ્વાસ હોય ત્યાં જેમને જે યુક્તિ સૂઝે તે ઉપયોગમાં લઈ શકે છે. મારી એક જ શરત છે. શાંતિ અને સત્યને માર્ગે સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા કરેલી છે તેનું પાલન કરીને જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે. પણ એનો અર્થ એવો નથી કે દરેક માણસ પોતાની જવાબદારી ઉપર ગમે તે કરવા મંડી જશે. જ્યાં નેતા હોય ત્યાં નેતા જેટલું કહે તેટલું લોકો કરે, પણ જ્યાં નેતા જ ન હોય અને માત્ર ખોબા જેટલા માણસોને આ કાર્યક્રમમાં વિશ્વાસ હોય તો તેવા પાંચસાત પણ આત્મવિશ્વાસથી જે કરવું હોય તે કરવાનો તેમનો અધિકાર છે; અધિકાર જ નહીં, ધર્મ છે…”

ગાંધીજીને સાંભળવા માટે નડિયાદમાં પચીસ હજારની ભીડ એકઠી થઈ ગઈ. પરંતુ માત્ર નડિયાદ નહીં, બધે ઠેકાણે એ જ દશા હતી. નવસારી અને સૂરતમાં રાજગોપાલાચારી આવ્યા અને એમણે રાજદ્રોહના ગુના વિશે છણાવટ કરી કે કાયદો નિયમ વિરુદ્ધ થાય તેવી અપવાદરૂપ ઘટના માટે છે પણ બધા જ લોકો એ ગુનો કરતા હોય તો એમના માટે એ કાયદો નથી રહી શકતો. એમણે કહ્યું કે હજારો માણસો રોજ સભાઓમાં આવે છે તેનો અર્થ એ થયો કે બધાને રાજદ્રોહનો રોગ લાગુ પડ્યો છે, એમને શી સજા થઈ શકે?

શક્તિ સામે સત્યની લડાઈ

પાંચમી એપ્રિલે ગાંધીજીએ એક સંદેશ આપીને ‘શક્તિ સામે સત્યની લડાઈ’માં આખી દુનિયાનો સાથ માગ્યો અને છઠ્ઠી ઍપ્રિલની સવારે આશરે બે હજાર સાથીઓ સાથે સમુદ્રમાં સ્નાન કર્યું. અને – મુંબઈના ગવર્નરના તારમાં જણાવ્યા પ્રમાણે – સ્નાન પછી એમણે પોતાના ઉતારા પાસેથી મીઠું ઉપાડ્યું અને જાહેર કર્યું કે પોતે મીઠાનો કાયદો તોડ્યો છે. તે પછી એમણે દેશને હાકલ કરીઃ મુઠ્ઠી તૂટે, પણ મીઠું ન છૂટે !

ગાંધીજીએ લગભગ બે તોલા (૨૦ ગ્રામ) મીઠું ઉપાડીને જાતે જ સાફ કર્યું. આ મીઠું પછી લીલામમાં વેચાયું, જે અમદાવાદના એક મિલમાલિક શેઠ રણછોડદાસ શોધને ૫૨૫ રૂપિયામાં ખરીદી લીધું !

મુંબઈના ગવર્નરે લંડનમાં ગૃહ પ્રધાનને એ જ દિવસે કરેલા તારમાં આની વધારે વિગતો આપી તે પ્રમાણે ગાંધીજીના સાથીઓ પાંચ-છની ટુકડીઓ બનાવીને સમુદ્રનું પાણી મોટા અગરમાં ઉકાળવા માટે લઈ આવ્યા. ગવર્નર કહે છે કે દાંડીથી ત્રણ માઇલ દૂર આટ ગામેથી ૧૫ મણ ગેરકાનૂની મીઠું પણ જપ્ત કરવામાં આવ્યું. (એક મણ = ૪૦ શેર = લગભગ ૩૬ કિલો).

અને તે સાથે જ આખા દેશમાં ખૂણેખૂણે લોકો મીઠું બનાવતા થઈ ગયા. સમુદ્રમાંથી પાણી ભરીને લઈ જાય અને ઘરે બનાવેલી ભઠ્ઠી પર પાણી ઉકાળીને મીઠું અલગ તારવે. બીજા વેચવા લાગ્યા તો ઘણા ખરીદવા લાગ્યા. સૌ ગુનેગાર બનવા તૈયાર હતા.

મીઠાનો કાયદો તોડ્યા પછી બીજા જ દિવસે ગાંધીજીએ દેશની જનતાને બીજું આહ્વાન કર્યું. હવે મીઠાનો કાયદો તોડવા ઉપરાંત એમણે બીજા મોરચા ખોલ્યાઃ દારૂનાં પીઠાં સામે પિકેટિંગ કરો, વિદેશી કપડાંની હોળી કરો, ખાદી પહેરો અફીણના અડાઓ પર છાપા મારો. એમણે વિદ્યાર્થીઓને શાળા-કોલેજો છોડવા, સરકારી નોકરોને રાજીનામાં આપી દેવા અને અસ્પૃશ્યતા વિરુદ્ધ આંદોલન શરૂ કરવા હાકલ કરી. ગાંધીજી સવિનય કાનૂન ભંગને વધારે ને વધારે વ્યાપક બનાવવાની કોશિશ કરતા હતા.

બીજી બાજુ સરકારને મનગમતા રિપોર્ટ મળતા રહ્યા કે બંગાળે સાથ ન આપ્યો, પંજાબમાં કંઈ ન થયું વગેરે; અને જે બે હજાર માણસ દાંડીમાં એકઠા થયા હતા તે આ ‘તરંગી માણસ’ને જોવા આવેલા સહેલાણીઓ હતા, અને ઘણા તો ત્યાં મોટરોમાં પહોંચ્યા હતા.

સત્યાગ્રહ નિષ્ફળ ગયો છે અને ગાંધીજીએ કાયદો તોડ્યો નથી એ દેખાડવા માટે સરકારે પહેલાં તો એવું કહ્યું કે એમણે જે મીઠું ઉપાડ્યું તે ખાવાલાયક નહોતું અને એ ખાવાથી આરોગ્યને નુકસાન થતું હોય છે. સરકાર એમાંથી બધા ખનિજ તત્ત્વો અને બીજી ગંદકી દૂર કરીને વેચે છે. એ જાતના મીઠાના ઉત્પાદન કે ખરીદવેચાણ પર પ્રતિબંધ છે એટલે ગાંધીજીએ કોઈ કાયદો તોડ્યો ન હોવાથી એમને પકડવાનો સવાલ જ નહોતો!

એક એક દિવસ પસાર થતો ગયો તેમ લોકોનું જોશ વધતું ગયું. જવાહરલાલ નહેરુના શબ્દોમાં દિવસોદિવસ દેશમાં ગરમી વધતી જતી હતી. હવે સરકાર જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે લોકોને દબાવવાના પ્રયાસ કરવા લાગી. આખા દેશમાં સરકારે ધાર્યું નહોતું તેથી વધારે લોકો આ આંદોલનમાં જોડાયા. સરકારના અંદાજ પ્રમાણે આખા દેશમાં પચાસ લાખ લોકોએ સત્યાગ્રહમાં ભાગ લીધો અને સાઠ હજારથી વધારે માણસોની ધરપકડ થઈ. ગુજરાતમાં ઠેરઠેર ઘણા આગેવાનોની ધરપકડો થઈ. ગાંધીજીના બીજા પુત્ર રામદાસ ગાંધી પણ પકડાઈ ગયા. કરાંચી, મુંબઈ, મદ્રાસ બધે જ અહિંસક કાનૂનભંગની જ્વાળાઓ ભડકી ઊઠી. લોકો પોલીસની લાઠીઓ ખમતા રહ્યા અને જેલો ભરતા રહ્યા…ન પક્ડ્યા તો માત્ર એક મૂળ ગુનેગાર ગાંધીને!

આ આઝાદીની ઝાળને અનુભવવા માટે આવતા અઠવાડિયા સુધી રાહ જોઈએ.

૦૦૦

સંદર્ભઃ

૧. Centenary History of Indian National Congress Part II -1919-1935 edited by B. N. Pandey

૨. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૩ નવજીવન ટ્રસ્ટ

૩. https://www.mkgandhi.org/civil_dis/dandi_march.htm


india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 47

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૪૭ :: સવિનય કાનૂન ભંગની તૈયારી

કોંગ્રેસે સવિનય કાનૂન ભંગ કઈ રીતે થશે તે નક્કી કરવાનું કામ ગાંધીજી પર છોડ્યું હતું. ૧૪મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી સાબરમતી આશ્રમમાં કોંગ્રેસની મીટિંગ મળી, તેમાં સવિનય કાનૂન ભંગ કેમ કરવો તેના વિશે ઊંડાણથી ચર્ચા થઈ. બધી શંકાઓ દૂર થઈ ગઈ અને ફરી બધા ગાંધીજીના નેતૃત્વ હેઠળ આવી ગયા, એટલું જ નહીં, ગાંધીજીને સર્વંસર્વા માનીને સવિનય કાનૂન ભંગના આંદોલનનો દોર એમના હાથમાં સોંપી દીધો!

વાઇસરૉયને પત્ર

લોકોમાં એક જાતની અધીરાઈ હતી, કંઈક મોટું થવાની આશા હતી. ગાંધીજીએ પોતે શું કરવા માગે છે તે હજી નક્કી નહોતું કર્યું. એ કોઈ એવો મુદ્દો શોધતા હતા કે જે જણે જણને સ્પર્શે. પરંતુ ગાંધીજી એમના કાર્યક્રમને બટ્ટો ન લાગે અને સત્તાવાળાઓને બોલવાનો મોકો ન મળે તેનું પણ ધ્યાન રાખતા હતા.

એમણે ૩૦મી જાન્યુઆરીએ વાઇસરૉય અર્વિનને એક પત્ર લખ્યો અને ૧૧ મુદ્દાની માગણી રજૂ કરીઃ (૧) સંપૂર્ણ નશાબંધી; (૨) રૂપિયાનો દર ૧ શિલિંગ ૪ પેન્સ સુધી ઘટાડવો; (૩) જમીન મહેસૂલ ઓછામાં ઓછું ૫૦ ટકા ઘટાડવું અને એને ઍસેમ્બ્લીના અધિકારમાં મૂકવું; (૪) મીઠા પરનો વેરો નાબૂદ કરવો; (૫) લશ્કરી ખર્ચ અડધો કરી નાખવો; (૬) સૌથી ઊંચી પાયરીના ઑફિસરોના પગાર પચાસ ટકા કાપી નાખવા; (૭) વિદેશી કાપડ પર રક્ષણાત્મક જકાત નાખવી; (૮) સાગર કિનારે જકાત અનામત રાખવાના બિલને કાયદામાં ફેરવવું; (૯) ખૂનનો આરોપ ન હોય તેવા બધા રાજકીય કેદીઓને છોડી મૂકવા; (૧૦) સી. આઈ. ડી. ખાતું બંધ કરવું અથવા એને લોકોના નિયંત્રણમાં મૂકવું; અને (૧૧) સ્વબચાવ માટે શસ્ત્રો રાખવાનો હક.

આ બધા મુદ્દા લોકોના કોઈ ને કોઈ વર્ગને સ્પર્શતા હતા. પરંતુ છેલ્લો મુદ્દો ધ્યાન ખેંચે છે. અહિંસાનો પુજારી સ્વબચાવ માટે લોકોને શસ્ત્રો આપવાની વાત કરે છે!

અર્વિનને લાગ્યું કે આ બધી માગણીઓ અવાસ્તવિક છે. પરંતુ એને સત્યાગ્રહ વિશે બહુ ચિંતા ન થઈ. એણે બ્રિટનના હોમ સેક્રેટરી વેજવૂડ બૅનને લખ્યું કે “હમણાં તો મીઠાના સત્યાગ્રહ વિશે વિચારતાં મારી ઊંઘ હરામ નથી થતી”.

જવાહરલાલ નહેરુને લાગ્યું કે ગાંધીજી મોટા આંદોલનની વાત કરતા હતા અને હવે નાની વાતો આગળ ધરી. મોતીલાલ નહેરુએ કહ્યું કે ગાંધીજીએ શરણાગતી સ્વીકારી લીધી. ગાંધીજીના કહેવાથી કેટલીયે પ્રાંતીય ધારાસભાઓમાં કોંગ્રેસી સભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. સુભાષ ચંદ્ર બોઝ અને બીજા કેટલાયે નેતાઓ જેલમાં હતા. એવામાં ગાંધીજી કંઈક જલદ કાર્યક્રમ આપશે એવી સૌને આશા હતી.

ગાંધીજીને અર્વિન તરફથી ૧૧ મુદ્દા માટે કોઈ ખાતરી ન મળતાં એમણે ૧૧ મુદ્દામાંથી મીઠાનો વેરો નાબૂદ કરવાનો મુદ્દો પસંદ કર્યો. ૨ માર્ચે એમણે અર્વિનને મીઠાના સત્યાગ્રહ વિશે પત્ર લખીને જાણ કરી દીધી. એમણે લાંબા પત્રમાં કહ્યું:

“સવિનય કાનૂન ભંગ શરૂ કરતાં પહેલાં અને જેનાથી હું વર્ષોથી ડરતો રહ્યો છું તે જોખમ ઉઠાવતાં પહેલાં હું તમને મળવા અને કંઈક રસ્તો શોધી કાઢવા ઇચ્છું છું. મારો અંગત વિશ્વાસ બહુ સ્પષ્ટ છે. હું ઇરાદાપૂર્વક કોઈ જીવતા જીવને નુકસાન ન કરી શકું, તેમાંય માણસને તો નહીં જ, ભલે ને એ મને કે મારાં જે હોય તેમને ગંભીર નુકસાન પહોંચાડે. આથી હું અંગ્રેજી હકુમતને શાપરૂપ માનું છું તેમ છતાં હું એક પણ અંગ્રેજને કે હિન્દુસ્તાનમાં એનાં વાજબી હિતોને નુકસાન કરવાનો મારો ઇરાદો નથી.” …

“અને હું અંગ્રેજી રાજને શા માટે શાપરૂપ માનું છું?… “આ હકુમતે પોતાની સતત વધતા શોષણની વ્યવસ્થા, અને પાયમાલ કરી નાખે તેવા વિસ્તરતા લશ્કરી અને મુલ્કી વહીવટી તંત્ર દ્વારા કરોડો અબોધ જનોને ગરીબીમાં ધકેલી દીધાં છે… અમને રાજકીય રીતે ગુલામ બનાવી દીધા છે….મારા દેશવાસીઓની જેમ જ મને આશા હતી કે સૂચિત ગોળમેજી પરિષદ કદાચ કોઈ નિવેડો લાવશે પરતં તમે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે ડોમિનિયન સ્ટેટસની કોઈ યોજનાને તમે કે બ્રિટીશ કૅબિનેટ ટેકો આપશે તેવું વચન તમે ન આપી શકો…એ કહેવાની જરૂર નથી કે બ્રિટનની પાર્લામેન્ટ શો નિર્ણય કરશે તે પહેલેથી ધારવાનું કોઈ કારણ નથી. (પણ) એવાં ઘણાં ઉદાહરણો છે કે જેમાં પાર્લામેન્ટના નિર્ણયથી પહેલાં બ્રિટિશ કૅબિનેટે અમુક નીતિનું વચન આપ્યું હોય…”

ગાંધીજીએ દેશમાં બ્રિટિશ હાકેમો અને સામાન્ય માણસ વચ્ચેની આર્થિક અસમાનતાનું ઉદાહરણ આપતાં વાઇસરૉયને કહ્યું કે તમને દર મહિને ૨૧,૦૦૦ રૂપિયા પગાર મળે છે, જ્યારે બ્રિટનના વડા પ્રધાનનો પગાર ૫૪૦૦ રૂપિયા છે. તમે દરરોજ ૭૦૦ રૂપિયા કમાઓ છો તો સામે પક્ષે સામાન્ય માણસ રોજના માંડ બે આના (એક આનો = એક રૂપિયાનો સોળમો ભાગ) કમાય છે. તમે સરેરાશ હિન્દી કરતાં પાંચ હજારગણું કમાઓ છો પણ બ્રિટનનો વડો પ્રધાન સરેરાશ બ્રિટિશ નાગરિક કરતાં માત્ર નેવુંગણું કમાય છે. એમણે વાઇસરૉયને અંગત રીતે સંબોધતાં કહ્યું કે

“મને અંગત રીતે તમારા માટે એટલું માન છે કે તમારી લાગણી દુભવવાનું હું વિચારી જ નથી શકતો. તમે જાણો છો કે તમને આટલી મોટી રકમની જરૂર નથી અને કદાચ એ આખી રકમ ધર્માદામાં જતી હોય એ પણ શક્ય છે. પણ આવી સ્થિતિ માટે ગુંજાશ હોય તેવી વ્યવસ્થાને તોડવાની જરૂર છે.”

તે પછી એમણે મીઠાના કરનો મુદ્દો ઉપાડ્યો અને બ્રિટનનું હૃદયપરિવર્તન કરવાનો દાવો કર્યો! –

હું જાણું છું કે અહિંસાના માર્ગે ચાલવામાં હું એક ગાંડપણભર્યું જોખમ ખેડવાનો છું એમ કોઈ કહે તો તે વાજબી જ હશે પરંતુ સત્યના વિજયો કદી જોખમ વિનાના નથી રહ્યા, ક્યારેક તો જોખમ બહુ મોટાં હોય છે. પરંતુ જે દેશે સભાનપણે કે અભાનપણે એના કરતાં વધારે પ્રાચીન, જરાય ઓછો સુસભ્ય ન હોય અને વધારે વસ્તીવાળો હોય તેનો સતત શિકાર બનાવ્યો હોય તેવા દેશના પરિવર્તન બદલવા માટે જોખમ લેવાનું યોગ્ય જ છે..મેં સમજીવિચારીને ‘પરિવર્તન’ શબ્દ વાપર્યો છે. કારણ કે મારી મહેચ્છા અહિંસા મારફતે બ્રિટિશ જનતાનું (હૃદય)પરિવર્તન કરવા માગું છું અને એમને દેખાડવા માગું છું કે એમણે હિન્દુસ્તાનનું કેટલું નુકસાન કર્યું છે…”

અર્વિને દેશની કોમી સમસ્યાનો પહેલાં ઉલ્લેખ કર્યો હતો તેનો જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું કે તમે એનો અકારણ ઉલ્લેખ કર્યો છે કારણ કે દેશમાં એના કરતાં પણ વધારે મોટી સમસ્યાઓ છે અને એ દૂષણો તમે દૂર ન કરી શકો તો આ મહિનાની ૧૧મીએ મારા આશ્રમના સાથીઓને લઈને હું નીકળીશ અને મીઠાના કાયદાની જોગવાઈઓની અવગણના કરીશ.

એમણે ઉમેર્યું કે મારી ધરપકડ કરીને તમે મારી યોજનાને નિષ્ફળ બનાવી શકો છો પણ મને આશા છે કે તે પછી લાખો લોકો શિસ્તબદ્ધ રીતે મારું કામ ચાલુ રાખશે અને મીઠાના કાયદાનો ભંગ કરશે અને એની સજાઓ ભોગવવા તૈયાર રહેશે – એમણે કહ્યું કે આ સજાઓ કદી કાયદાની પોથીઓમાં હોવી જ નહોતી જોઈતી; એમણે કાયદાની પોથીઓને ભુંડાપો અપાવ્યો છે.

જો કે દાંડી કૂચ ૧૧મીએ નહીં પણ ૧૨મી માર્ચે શરૂ થઈ. પરંતુ ૧૦મીએ વલ્લભભાઈ યાત્રાની વ્યવસ્થા માટે બોરસદ ગયા હતા ત્યાં એમની ધરપકડ કરી લેવાઈ અને એમને ત્રણ મહિનાની સજા થઈ.

મીઠું જ શા માટે?

આ વેરો માથાદીઠ ચારપાંચ આના જેટલો હતો. આ વેરો બહુ ન કહેવાય, એવા એક સવાલનો ગાંધીજીએ ‘નવજીવન’ (૯.૩.૩૦) જવાબ આપ્યો છે: એ વખતે બીજા દેશોમાં મીઠા વેરો હતો; ચીનમાં વેરો હતો જેમાંથી બે કરોડ પૌંડ જેટલી આવક થતી હતી, એટલે કે હિન્દુસ્તાનમાં ૬ કરોડ રૂપિયા. ભારતમાં મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો ઇજારો હતો. આથી દરિયાકાંઠે રહેતા લોકો પણ જાતે મીઠું ન પકવી શકતા. બ્રિટનમાં આ વેરો ૧૮૩૦ની આસપાસ નાબુદ કરવામાં આવ્યો હતો.

ફ્રાન્સમાં રાજ્યક્રાન્તિ થઈ તેની પાછળ પ્રજા પર લદાયેલો કરવેરાનો બોજ જવાબદાર હતો અને એવા કરવેરામાં મીઠા પરનો કર પણ હતો.

મુંબઈ પ્રાંતમાં મીઠા અંગેનો કાયદો સખત હતો. પોલીસને કોઈ પણ ઘરે જઈને ઝડતી લેવાનો અધિકાર હતો. જ્યાં મીઠું બનતું હોય ત્યાં જવાની અને બધો સરસામાન કબ્જે કરી લેવાની, મીઠાની હેરફેર માટે વપરાતાં પશુઓ, બળદગાડીઓ બધું જપ્ત કરી શકાતું. આ કાયદાનો અમલ કરાવવામાં નિષ્ફળ જનારો અધિકારી પણ સજાને પાત્ર ગણાતો. મીઠું જણેજણને જોઈએ એટલે એના પર કોઈનો ઇજારો ન હોઈ શકે.

આગળની દાંડીકથા આવતા અંકમાં

૦૦૦

૧. Centenary History of Indian National Congress Part II -1919-1935 edited by B. N. Pandey

૨. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૩ નવજીવન ટ્રસ્ટ

%d bloggers like this: