Satyavachan (4)

Satyavachan (4)

સત્ય માન્યતાઓ, શબ્દો, ગ્રંથો, ફૉર્મ્યૂલાઓ, સ્લોગનો, પરંપરાઓમાં નથી હોતું. કદમતાલ કરતી કતારોમાં નથી હોતું. સત્ય મંદિરો, મસ્જિદો, ગિરજાઘરોમાં નથી હોતું.
સત્ય જંગલો અને પર્વતોમાં બોલતા પવનની સાથે સુસવાય છે; પહાડોની કંદરાઓમાં પડઘાય છે. સત્ય મજૂરના પરસેવા સાથે ટપકે છે. નિશાળેથી છૂટેલાં બાળકોના ચહેરા પર તરવરે છે. પાડોશીના ‘રામ-રામ’માં ગુંજે છે. સત્ય આપણી આસપાસ સળવળે છે… ટ્રાફિકના શોરમાં, મેળાના અવાજોમાં, અજાણ્યા ચહેરાઓમાં.
ટૉની ડિમેલોના પુસ્તક The Prayer of the Frogમાંથી બીજી થોડી વાર્તાઓનો ભાવાનુવાદ જોઇએઃ

૧. એક સંતપુરૂષ માટે કહેવાતું કે એ ચર્ચમાં જવા માટે ઘરેથી નીકળતા ત્યારે કહેતાઃ ” ભલે, પ્રભુ આવજે, પછી મળીશું, હમણાં તો હું ચર્ચમાં જાઉં છું!”

૨. એક સ્ત્રીને સપનું આવ્યું કે એ શહેરમાં નવી જ શરૂ થયેલી દુકાનમાં ગઈ છે. એણે ત્યાં આશ્ચર્ય સાથે જોયું કે કાઉંટર પર તો ભગવાન પોતે જ બેઠો છે.
એણે પૂછ્યું: “તમે?! અહીં શું વેચો છો?”
ભગવાને જવાબ આપ્યો કેઃ જે મનમાં ઇચ્છા હોય તે કહો, અહીં મળશે.”
સ્ત્રી ભલી હતી. એણે કહ્યું: ” બસ, મને મનની શાંતિ, અને પ્રેમ આપો.” પછી એને કઈંક વિચાર આવ્યો અને એણે ઉમેર્યું: “માત્ર મારા માટે નહીં પ્રૂથ્વીના દરેક જીવ માટે…”
ભગવાન હસ્યોઃ “બહેન, તમે ખોટી જગ્યાએ આવ્યાં છો. અમે અહીં ફળ નથી વેચતા, અહીં માત્ર બીજ મળશે.”

૩. એક માણસ ડૉક્ટર પાસે ગયો અને કહ્યું કે ” મને સતત માથાનો દુખાવો રહે છે. એક ઘડી માતે પણ ચેન નથી મળતું”
ડૉક્ટરે એને સવાલો પૂછવાનું શરૂ કર્યુઃ ” દારૂ પીઓ છો?’
દરદીઃ સવાલ જ નથી. આવી અપવિત્ર ચીજને હું હાથ પણ અડકાડું.
ડૉક્ટરઃ તો બીડી સિગારેટનું વ્યસન ખરૂં?
દરદીઃ અરે, મને તો એ ધુમાડાથી જ નફરત છે.
ડૉક્ટરઃ રાતે બહુ ઉજાગરા કરો છો?
દરદીઃ મારો સૂવાનો ટાઇમ પાક્કો. દસના ટકોરે પથારીમાં…
ડૉક્ટરે આવા બે-ચાર સવાલો પૂછ્યા પછી કહ્યું: “એવું છે કે તમે તમારા સિદ્ધાંતો એવા કચકચાવીને માથે બાંધી દીધા છે કે તમને માથું તો દુખે જ, અને તમારી સાથે જીવવાનું પણ દોહ્યલું થઈ જાય. જરા સિદ્ધાંતોની નાગચૂડ ઢીલી કરો, ઠીક થઈ જશે”

૪. આપણે વ્યક્તિને એના સંપૂર્ણ સત્ય સાથે જોઈ શકતા નથી હોતા. એની એક છબી મનમાં બનાવીને જોઈએ છીએ અને એ છબીને પસંદ-નાપસંદ કરીએ છીએ. હિન્દુઓના મનમાં મુસલમાનની એક ઇમેજ છે અને મુસલમાનના મનમાં પણ હિન્દુની એક ઇમેજ છે. આ ઇમેજ સત્યને અવરોધે છે. ટોની ડિમેલોની આ બે લાઇનની કથા વાંચોઃ
” અરે, તમારૂં બાળક તો એવું સુંદર છે કે જાણે રમકડું જ….”
“અરે, એ તો કઈં નથી, એના ફોટા જોશો તો દંગ રહી જશો!” એમ જ કહીએ કે ” इमेज प्रियाः मनुष्याः”

૫. આવી જ બીજી એક વાર્તાઃ હર્માન શહેરમાં કવિ ઔહદી પોતાના ઘરાના વરંદામાં બેઠા હતા. સામે પાણી ભરેલું વાસણ હતું ,એમામ એ તાકતા હતા. એવામાં સૂફી સંત શમ્સ-એ-તબરીઝી ત્યાંથી પસાર થયા. આ જોઇને એમને કુતુહલ થયું. એમણે પૂછ્યું: “આ શું કરો છો?”
કવિએ જવાબ આપ્યોઃ “ચન્દ્રને જોઉં છું.”
ઓલિયાને થયું કે કદાચ ગરદન ઝલાઇ ગઈ હશે. એમણે પૂછ્યું તો કવિએ કહ્યું કે ગરદનમાં તો કઈં નથી થયું.
ઓલિયાઃ અરે, તો પાણીમાં પ્રતિબિંબ શા માટે જુઓ છો? જૂઓ ને સીધું ઉપર આસમાન ભણી…”

૬. શબ્દો પણ સત્યને એના અસલી રૂપમાં રજૂ ન કરી શકે.
એક માણસે આરસના પથ્થર જોઈ લીધા. એને કોઇએ પૂછ્યું કે તમે તાજ મહેલ જોયો છે? એ્ણે આરસના પથ્થર દેખાડીને કહ્યું: હા, આ રહ્યો!

મ્યૂનિસિપાલિટીના નળમાં ગંગાનું પાણી આવતું હોય તેથી આપણે ગંગાસ્નાન કર્યું એમ કહી ન શકીએ!

૭. જ્ઞાન પણ સત્ય સામે ઊણું ઊતરે છે. આ બાળકની વાત સાંભળો.
એણે ભૂગોળમાં અક્ષાંશ-રેખાંશ શીખી લીધા. એનો ઉપયોગ શું, તે પૂછતાં એણે જવાબ આપ્યોઃ ” તમે ડૂબતા હો ત્યારે કહી શકો કે તમે કયા અક્ષાંશ-રેખાંશ પર છો, જેથી તમને બચાવવા આવનાર તરત તમારી પાસે પહોંચી આવે.”

ટૉની ડિમેલો કહે છેઃ “Because there is a word for wisdom people imagine they know what it is.” આપણને ‘જ્ઞાન’ શબ્દ લખતાં-વાંચતાં અને બોલતાં આવ્ડૅ જાય તો આપણે જાણે જ્ઞાની થઈ ગયા! અરે, ‘ખગોળશાસ્ત્ર’ શબ્દનો અર્થ સમજવા લાગીએ એનો અર્થ શું એવો થાય કે આપણે ખગોળશાસ્ત્ર પણ સમજીએ છીએ?

૮. એક સાહસિકે પૅરાશૂટ બાંધીને વિમાનમાંથી છલાંગ મારી. એ જ વખતે જોરદાર વાવઝોડું ફુંકાયું અને એને સોએક માઈલ દૂર ખેંચી ગયું. વાવાઝોડું થોડું નબળું પડતાં એ નીચે ઊતરવા લાગ્યો, પણ ઝાડમાં સપડાઈ ગયો. આસપાસ, ચોપાસ નજર ફેરવી પણ કોઈ માણસ નજરે ન ચડે. કલાકો સુધી એ ફસાયેલો રહ્યો. એવામાં એક માણસ ત્યાં આવ્યો. એણે ઉપર જોયું તો એક માણસ લટકે.
એણે બૂમ પાડીને પૂછ્યું: એલા એય…! ત્યાં શી રીતે ચડી ગયો?”
પૅરાશૂટવાળાએ બધી વાત કરી અને પૂછ્યું: “હું ક્યાં છું?”
પેલાએ નીચેથી જવાબ આપ્યોઃ ‘ઝાડ પર..”
પૅરાશૂટવાળો અકળાયો. એણે કહ્યું: ” તમે પાદરી છો કે શું?”
પેલો ખરેખર પાદરી હતો. એને નવાઈ લાગીઃ “છું તો પાદરી જ, પણ તને કેમ ખબર પડી?”
ઉપરથી જવાબ મળ્યોઃ “એમ કે, તમે જે કહ્યું તે સાવ સાચું કહ્યું, પણ એ એટલું જ નકામું છે.”

૯. આપણે હંમેશાં શિસ્ત અને વ્યવસ્થાનો આગ્રહ રાખીએ છીએ. પણ જીવન આપણા નિયમોમાં બંધાતું નથી. એનું સત્ય આપણા નિયમોના સત્ય કરતાં વધારે સબળ છેઃ
એક પ્રસૂતિગૃહમાં ચાર-પાંચ માણસો બેઠા હતા. બધાની પત્નીઓ અંદર લેબર રૂમમાં હતી. બધા ચિંતામાં હતા.
ત્યાં તો નર્સ બહાર આવી અને એક જણા તરફ જોઈને બોલીઃ ” વધામણી… તમે દીકરાના બાપ બન્યા છો!”
બીજો માણસ મૅગેઝિનમાં માથું ઘાલીને બેઠો હતો, એ ચમક્યો અને સફાળો ઊભો થયોઃ ” સિસ્ટર, આ કેમ ચાલે…? હું તો આ ભાઈ કરતાં બે કલાક વહેલો આવ્યો છું…!

૧૦. સત્ય નિયમોને માનતું નથી, એટલે જ ક્યારેક અસત્યમાંથી પણ ટપકી પડે છેઃ
યુદ્ધમોરચે એક સૈનિકને સમાચાર મળ્યા કે એના પિતાની હાલત બહુ ખરાબ છે અને એ હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લે છે. એના કમાંડરે અપવાદ તરીકે એને જવાની રજા આપી, કારણ કે એ સૈનિક સિવાય એના પિતાનું કોઈ નહોતું. એ પોતાને શહેર જઈને સીધો જ હૉસ્પિટલ પહોંચ્યો. ડૉક્ટર એને ઇંટેન્સિવ કેર યુનિટમાં લઈ ગયો. એક વૃદ્ધ ત્યાં હતો. જાતજાતનાં મશીનો એના શરીરે લગાડેલાં હતાં. ડૉક્ટરે કહ્યું: તમે આવો એટલા માટે જ અમે એમને જીવતા ર્ખ્યા છે. હજી થોડું ભાન પણ છે, પણ માત્ર કલાકોની જ વાર છે.”
ડૉક્ટરે જરા જોરથી વૃદ્ધને કહ્યું: “લો, તમારો દીકરો આવી ગયો” વૃદ્ધે જરા આંખો ખોલી અને હાથ લંબાવ્યો. સૈનિક પાસે ગયો…અને તરત એ સમજી ગયો કે આ તો એના પિતા નથી! એ જરા અચકાયો. એના મનમાં ગડમથલ ચાલતી હતી કે શું કરવું. એક જ મિનિટમાં એ્ણે નિર્ણય લઈ લીધો અને વૃદ્ધના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો. વૃદ્ધે એના ચહેરાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો પણ એટલીયે શક્તિ નહોતી. સૈનિકે એનો હાથ ફરી નીચે રાખી દીધો. વૃદ્ધના ચહેરા પર સંતોષ હતો.
માંડ બે કલાક ગયા હશે ત્યાં તો એણે શ્વાસ છોડ્યો.
ડોક્ટરે સૈનિકને આશ્વાસન આપ્યું. સૈનિકે આભાર માન્યો અને કહ્યું: ” આ મારા પિતા નહોતા. કઈંક ભૂલ થઈ લાગે છે, પણ એમનોય દીકરો ક્યાંક મોરચા પર લડતો હશે. એને તો પિતાની આ સ્થિતિ હોવાના સમાચાર પણ નહીં મળ્યા હોય! અને આ વૃદ્ધ આમ પણ ક્યાં ઓળખી શકે એમ હતા? એટલે મેં જ એમના દીકરાની ભૂમિકા ભજવી. દીધી. ચાલો, કઈં નહીં. એક પિતા તો સંતોષ સાથે વિદાય થયા!”
એ બહાર નીકળી ગયો.

૧૧ અને એટલે જ સત્ય શાશ્વત નથી હોતું, પરિવર્તનશીલ હોય છેઃ એક જૈફ વયની અભિનેત્રીને કોઈએ ઉંમર પૂછી. એણે જવાબ આપ્યોઃ “મને ખરેખર મારી ઉંમરની ખબર નથી. ‘હું’ તો સતત બદલાતો રહે છે!”
અસ્તુ,
(શ્રી બીરેનભાઈ કોઠારીના સૌજન્ય અને સહકારથી સાભાર. હા… એક વાત કહેવાની રહી જ ગઈ. શ્રી બીરેનભાઈના બ્લૉગ http://birenkothari.blogspot.com ની મુલાકાત લેવા જેવું છે. ત્યાં છત્રીસ જાતનાં ભોજન મળે છે. બુફે છે, જે ભાવે તે મળશે))
xxxxxxxxxxxxxx

12 thoughts on “Satyavachan (4)”

 1. “સત્ય માન્યતાઓ, શબ્દો, ગ્રંથો, ફૉર્મ્યૂલાઓ, સ્લોગનો, પરંપરાઓમાં નથી હોતું. કદમતાલ કરતી કતારોમાં નથી હોતું. સત્ય મંદિરો, મસ્જિદો, ગિરજાઘરોમાં નથી હોતું.”

  અહીં બધે સત્ય નથી તેમ કહીને પછી નીચે બતાવેલાં સ્થળોએ સત્ય રહેલું છે તે વાત એકબીજીને છેદે છે. મંદિરો વગેરેમાં પણ જે સત્ય પરિવર્તનશીલ હોય છે એવી જ રીતે મજૂરના પરસેવામાં કે બાળકના ચહેરા પર પણ બદલાતું રહેતું સત્ય જ હોય છે….!! નીચે દર્શાવાયેલાં સત્યો પણ મને તો તૂટેલા કાચમાં દર્શાતાં સત્યનાં પ્રતિબિંબો જ લાગે છે…મેળાના અવાજોમાં કે ટ્રાફિકોમાં લેખકને દેશાયેલા સત્યને સત્ય કેમ કહી શકાય ? એ એક કાવ્યમય ભાષામાં મુકાયેલા કાચના ટુકડાઓમાંનાં પ્રતિબિંબોથી વિશેષ જણાતું નથી.

  સત્ય જંગલો અને પર્વતોમાં બોલતા પવનની સાથે સુસવાય છે; પહાડોની કંદરાઓમાં પડઘાય છે. સત્ય મજૂરના પરસેવા સાથે ટપકે છે. નિશાળેથી છૂટેલાં બાળકોના ચહેરા પર તરવરે છે. પાડોશીના ‘રામ-રામ’માં ગુંજે છે. સત્ય આપણી આસપાસ સળવળે છે… ટ્રાફિકના શોરમાં, મેળાના અવાજોમાં, અજાણ્યા ચહેરાઓમાં.

  1. અતુલભાઈ,
   તમે જે કહો છો તે આ વિષય સમજવામાં ઉપયોગી થાય છે. મેં આ વાર્તાઓ પસંદ કરી, ત્યારે એક વાત ધ્યાનમાં આવી કે આપણે જ્યાં સત્ય જોવા ટેવાયેલા ન હોઈએ ત્યાં એ હોઈ શકે છે અને જ્યાં સત્ય મળશે એવી આશા રાખીએ ત્યાં ન પણ હોયુંની બ (નહીં જ હોય એમ નથી કહેતો). આથી સત્યના માર્ગે લઈ જવાનો કોઈનો દાવો આપણે ન સ્વીકારીએ. અંગ્રેજીમાં કહે છે તેમ let us take it with a pinch of salt.
   સત્ય સાપેક્ષ છે જ અને અનેક રૂપે આવે છે. અને ભાઈ ચિરાગ કહે છે તેમ આપણે જેને નિરપેક્ષ ક્હીએ તે પણ સાપેક્ષ જ હોય! વળી, શ્રી ભૂપેન્દ્રસિંહભાઈએ કહ્યું હતું તેમ દરેકનું સત્ય જુદું હોય છે, એ્ટલે સત્યને કઈ ફૉર્મ્યૂલામાં ફિટ કરી શકાય? આભાર.

 2. જેવી રીતે સુંદરતા જોનારની આંખમાં રહેલી છે તેવી રીતે સત્ય આપણી દૃષ્ટિમાં રહેલું છે. જો દૃષ્ટિ આડેથી પડળ દૂર થયાં તો સર્વત્ર સત્ય છે અને જો દૃષ્ટી આડે પડળ રાખ્યાં તો સત્ય ક્યાંયે નથી. વળી જો દૃષ્ટિ આડે રંગીન ચશ્મા પહેરશું તો જેવા રંગ તેવું સત્ય લાગશે.

 3. ‘The Prayer of the Frog’ મારી પાસે બે ભાગમાં છે. એટલું ખરૂં કે મુળ પુસ્તકમાં જે ભાંગીતૂટી સમજ પડી તે કરતાં વધુ સમજ આપના દ્વારા માતૃભાષામાં અપાતા આ સારાંશમાં પડે છે. તેમની શિર્ષકકથા (દેડકાના ડ્રાંઉ ડ્રાંઉ વાળી પ્રથમ કથા)નો સારાંશ પણ આપો તેવી વિનંતી છે. જેથી અન્ય વાચકમિત્રોને પણ પુસ્તકનું શિર્ષક ’પ્રેયર ઓફ ધ ફ્રોગ’નો અર્થ પણ સ્પષ્ટ થાય.

  જો કે આગલા લેખ અને આ લેખની (આમ તો સંપૂર્ણ પુસ્તકની) બધી કથાઓ સ_રસ અને વિચારપ્રેરક છે પરંતુ કથા ૧૦ માં ક્યારેક અસત્યમાંથી ટપકતા સત્યને સારી રીતે સમજાવી ગઈ. આભાર.

  1. દેડકાનું ડ્રાઉં ડ્રાઉં…

   બ્રુનો એક સાધક હતા. પ્રભુમાં પ્રીતિ અને અવિચળ ભક્તિ. પ્રાર્થનાનો નિયમ પણ એવો પાકો કે એમાં ચૂક થવાનું નામ જ નહીં. તદન શાંતિ હોય અને બ્રુનો પ્રાર્થનામાં મસ્ત થઈ જાય.

   એક વાર વરસાદના દિવસોમાં બ્રુનોએ પ્રાર્થના શરૂ કરી અને તરત જ એક મોટા દેડકાએ પણ ડ્રાઉં ડ્રાઉં શરૂ કરી દીધું. બ્રુનો મનને એકાગ્ર ન કરી શક્યા. અવાજને ન ગણકારવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. એ ઊઠ્યા અને બારી પાસે જઈને બહાર ડોકું કાઢીને બોલ્યાઃ “બંધ કરો, આ ડ્રાઉં ડ્રાઉં…અત્યારે હું પ્રાર્થના કરૂં છું.”
   એક સંતનો આદેશ હતો. પ્રકૃતિ કેમ ન માને? દેડકાએ બોલવાનું બંધ કરી દીધું.

   બ્રુનો ફરી સાધનામાં લાગી ગયા, પણ હવે એક બીજો અવાજ શરૂ થયો. એ સવાલો પૂછતો હતો. એને કેમ રોકે? એ તો એમની અંદરથી ઊઠતો અવાજ હતો. આંતરિક બ્રુનોએ કહ્યું: ” ભાઇ બ્રુનો, એવું ન બને કે તારી પ્રાર્થનાની જેમ જ પ્રભુને દેડકાનું ડ્રાઉં ડ્રાઉં પણ પસંદ હોય…”

   બાહ્ય બ્રુનોએ તિરસ્કારથી કહ્યું: “ડ્રાઉં ડ્રાઉંનો અવાજ કેમ પસંદ આવી શકે?” પણ અંદરનો અવાજ હજી શાંત થવા નહોતો માગતો. એણે સામો સવાલ કર્યોઃ ” પસંદ ન હોય તો એ અવાજ પ્રભુએ બનાવ્યો શા માટે?”

   બ્રુનોએ નક્કી કર્યું કે આ સવાલનો જવાબ શોધવો પડશે. એ ફરી બારી પાસે ગયા અને મોટેતી બોલ્યાઃ “ગાઓ!”
   અને ફરી પેલા દેડકાએ બોલવાનું શરૂ કરી દીધું. એની આસપાસના બધા દેડકા પણ એક જ લયમાં બોલવા લાગ્યા. મહા કોરસ જેવું લાગતું હતું..
   બ્રુનોએ અવાજ અને લય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમને પ્રતીતિ થઈ કે આ અવાજને એ મનથી રોકવાની કોશિશ ન કરે તો ખરે્ખર તો એનાથી રાત્રિનું મૌન સાર્થક બનતું હતું!

   આ વાત સમજાતાં બ્રુનોના હૃદયે બ્રહ્માંડ સાથે તાદાત્મ્ય સાધી લીધું. એ તન્મય થઈ ગયા. આજે પહેલી વાર એમને પ્રાર્થનાનો અર્થ સમજાયો.
   (ટૉની ડિમેલોના પુસ્તકThe Prayer of the Frogમાંથી સાભાર).

   1. આભાર દીપકભાઈ, પ્રાર્થનાનો ખરો અર્થ સમજાયો. (લાગ્યું કે કદાચ આપણે જે બરાડાઓને પ્રાર્થના ગણતા હોઈએ તેને દેડકાઓ માણસનું ડ્રાઉં ડ્રાઉં ગણતા હોય !!)

    જો કે એક ગુલાબજાંબુ મળે અને પછી બીજાની લાલચ થાય તેમ આપનું આ સરળ અને સ_રસ ભાષાંતર વાંચી મને આ આખું પુસ્તક આપની પાસેથી ગુજરાતીમાં સમજવાની લાલચ થાય છે !! પરંતુ આપને વધુ કષ્ટ નહીં આપું. છતાં એટલી વિનંતી કરીશ કે આપની અનૂકૂળતા પ્રમાણે અમને આટલું સુંદર જ્ઞાન આપતા રહેશો. આભાર.

 4. માનનીય ડિમેલોની વાર્તાઓ, ચીની અને જાપાની શૈલીની વાર્તાઓ, ટુચકાઓ વગેરે મંત્રોના જેવી અસર કરનારાં લખાણો છે. ઉપરના આ લેખમાં મૂકાયેલી વાર્તાઓ ધ્યાનસ્થ થવા પ્રેરે તેવી છે. કેટલી ગૂઢ ને છતાં કેટલી રોજિંદી બાબતોને સ્પર્શનારી સરળ વાતો છે ને છતાં અવગણી દઈએ તો ? પાસેથી સરકી ગયેલી કોઈ અનેરી તકની જેમ પસ્તાવો કરાવી દે !

  આ સત્યવચનની શ્રેણી ચાલુ જ રાખજો.

 5. આ શ્રેણીમાં ખુલ્લી ચર્ચા થકી જે પ્રાપ્ત થયું એ પણ એક વિશિષ્ટ સત્યાનુભવ કહી શકાય! ‘છત્રીસ જાતનાં ભોજન’નો આ પણ એક પ્રકાર જ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: