Gandhiji, Secularism and State

http://webgurjari.in/2015/01/30/maari-baari_33/
Mahatma_Gandhi_rainbow stamp

ગાંધીજી, ધર્મનિરપેક્ષતા અને રાજ્યસત્તા

૩૦મી જાન્યુઆરી એ મહાત્મા ગાંધીનો શહીદી દિન છે. હાલમાં ગાંધીજીના હત્યારા ગોડસેની પુનઃપ્રતિષ્ઠા માટે એની પ્રતિમાઓ સ્થાપવાની હિલચાલ ચાલે છે તે સંદર્ભમાં આ ૩૦મી જાન્યુઆરી મહત્ત્વની બની રહે છે. નાથુરામ ગોડસેનો આક્ષેપ એ હતો કે ગાંધીજીને કારણે દેશના ભાગલા પડ્યા, ગાંધીજી હિન્દુઓની વિરુદ્ધ મુસલમાનોનું સમર્થન કરતા હતા. કમ્યુનિસ્ટોનો ગાંધીજી પર આક્ષેપ એ હતો કે એમણે પોતાની જાહેર પ્રવૃત્તિઓ માટે હિન્દુ ધર્મનાં પ્રતીકોનો ઉપયોગ કર્યો, જેમ કે રામરાજ્યની સંકલ્પના, ગીતાનો આધાર લેવો વગેરે. આમ મહાત્મા ગાંધીને બન્ને અંતિમ છેડા પર ટીકાકારો મળે છે. આજે દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતના કોઈ પણ નેતાનું નામ લેશો તો એનો બચાવ કરનાર મળી આવશે. આંદામાનની જેલમાંથી માફી માગીને બહાર આવ્યા પછી સ્વાતંત્ર્ય સંઘર્ષથી છેડો ફાડી નાખનારા સાવરકર અને એમના અનુયાયી નાથુરામ ગોડસે સુદ્ધાંનો બચાવ કરનાર કોઈ ને કોઈ મળી આવશે, પણ મહાત્મા ગાંધીના નામ પર જેને જે લાંછન લગાડવું હોય તેને સંપૂર્ણ આઝાદી છે.

હકીકતમાં ગાંધીજી શું હતા? હિન્દુવિરોધી? મુસલમાનોના હિમાયતી? ઢીલાઢફ હિન્દુ? નાસ્તિક હતા કે આસ્તિક? ખરું પૂછો તો ગાંધીજી એક આધુનિક વિચારો ધરાવનારા, દેશના અને પશ્ચિમના કોઈ પણ નેતાથી વધારે પ્રબુદ્ધ અને સમર્થ નેતા હતા. આટલું મોટું જનસમર્થન કદીયે કોઈ નેતાને મળ્યું નથી. આજે પણ એમના પર પુસ્તકો લખાય છે. કોઈ એમને સંત, તો કોઈ રાજકારણી-સંત અને કોઈ ખંધા રાજકારણી માને છે, પણ ઇતિહાસ એમને આટલાં વર્ષો પછી પણ હાંસિયામાં ધકેલી શક્યો નથી. ઉલટું, રાજ્યસત્તા્ની શક્તિ અને એની ફરજો, નાગરિકોની જવાબદારીઓ, વિકેન્દ્રીકરણની આવશ્યકતા, પર્યાવરણનું રક્ષણ વગેરે અનેક વિષયોમાં એમણે જે કંઈ કહ્યું છે તે આજે પણ સાચું પડતું જણાય છે.
gandhiji -2

પરંતુ આજે એમના ધર્મનિરપેક્ષ વિચારો જાણીએ. જાણીતા ગાંધીવાદી વિદ્વાન અનિલ નૌરિયા કહે છે કે ઓગણીસમી સદીના મધ્ય સુધી Secularism શબ્દ બહુ પ્રચલિત નહોતો. ધર્મગુરુઓ મોટા ભાગે અજ્ઞાનીઓ અને ધર્મદીક્ષા વિનાના લોકો માટે વાપરતા. ઓગણીસમી સદીના મધ્યમાં ચાર્લ્સ બ્રૅડલૉ અને હોલ્યોક આ શબ્દને રાજકારણના ક્ષેત્રમાં લાવ્યા. પરંતુ, એ શબ્દ બહુ પ્રચલિત ન થયો. અબ્રાહમ લિંકને એક જ વાર આ શબ્દ વાપર્યો છે.

ભારતમાં પણ ૧૯૩૧ સુધી Secularism શબ્દ પ્રચલિત નહોતો. ૧૯૨૮માં મોતીલાલ નહેરુ કમિટીએ ભારતીય બંધારણના સિદ્ધાંતો વિશેનો રિપોર્ટ આપ્યો તેમાં ધર્મનિરપેક્ષતાની ભાવના તો છે, પણ આ શબ્દ નથી વપરાયો. પણ ૧૯૩૧માં કોંગ્રેસના કરાંચી અધિવેશનના ઠરાવમાં પણ એનો ઉપયોગ નથી થયો.

૧૯૩૩ પછી ગાંધીજીનાં ઘણાં લખાણોમાં આ શબ્દનો ઉપયોગ જોવા મળે છે. એ વખતે મધ્યસ્થ ધારાસભા સમક્ષ બે બિલ હતાં, જેમાંથી એક અસ્પૃશ્યતા વિરુદ્ધ હતો. ગાંધીજીએ ૧૯૩૩ની છઠ્ઠી મેના રોજ એના સમર્થનમાં લખ્યું કે “આવી પ્રથાને સેક્યૂલર રાજ્યના કાયદાનું સમર્થન ન મળવું જોઈએ.”. ફરી એ જ વર્ષના નવેમ્બરમાં એમણે આ બિલનો બચાવ કર્યો. બિલની ટીકા એવી હતી કે રાજ્ય ધર્મની બાબતમાં અણખપતો (Undue) હસ્તક્ષેપ કરે છે.ગાંધીજીએ લખ્યું કે ઘણી વાર એવી સ્થિતિ પેદા થતી હોય છે કે ધર્મમાં પણ હસ્તક્ષેપ કરવાનું રાજ્ય માટે જરૂરી બની જાય છે; માત્ર એ Undue હસ્તક્ષેપ ન હોવો જોઈએ.

અનિલ નૌરિયા The Collected works of Mahatma Gandhiમાંથી ટાંકતાં લખે છે કે, જાન્યુઆરી ૨૭, ૧૯૩૫ના રોજ ગાંધીજીએ મધ્યસ્થ ધારાસભાના કેટલાક સભ્યોને સંબોધન કરતાં કહ્યું કે “સમગ્ર હિન્દુ સમાજ અસ્પૃશ્યતાને નાબૂદ કરવાનો વિરોધ કરતો હોય તો પણ મારી સલાહ છે કે ઍસેમ્બ્લી જેવા સેક્યૂલર ધારાગૃહે આ વલણને સાંખી ન લેવું જોઈએ.”

૧૯૪૨ની ૨૦મી જાન્યુઆરીએ પાકિસ્તાન સ્કીમની ચર્ચા કરતાં ગાંધીજીએ લખ્યું: “રેવન્યુ, સ્વચ્છતા, પોલીસ, ન્યાય અથવા તો સાર્વજનિક સુવિધાઓ જેવી બાબતોમાં હિન્દુઓ અને મુસલમાનોનાં હિતો વચ્ચે ટકરાવ શી રીતે હોઈ શકે? એમના વચ્ચે ફેર હોય તો ધર્મના પાલન અને ઉપયોગમાં જ, અને એની સાથે એક સેક્યૂલર સ્ટેટને કશી લેવાદેવા હોતી નથી.”

સપ્ટેમ્બર ૧૯૪૬માં ગાંધીજીએ એક ખ્રિસ્તી મિશનરીને કહ્યું: “હું સરમુખત્યાર બનું તો ધર્મ અને રાજ્ય જુદાં રાખીશ. મારા ધર્મમાં મારી નિષ્ઠા અચળ છે. એના માટે હું મરી જઈશ, પણ એ મારી અંગત બાબત છે. રાજ્યને એની સાથે કશો સંબંધ નથી. રાજ્ય સેક્યૂલર બાબતોમાં, આરોગ્ય, સંપર્ક અને અવરજવર, વિદેશો સાથેના સંબંધો, ચલણ વગેરે બાબતોની કાળજી લેશે, પણ તમારા કે મારા ધર્મની નહીં. એ સૌનો અંગત વિષય છે !”

ગાંધીજીએ આઝાદીના એક જ દિવસ પછી, ૧૬મી ઑગસ્ટે કોલકાતાની સ્કૉટિશ ચર્ચ કૉલેજના રેવરંડ કેલાસ સાથેની વાતચીત કરી તેમાં પણ આ મુદ્દો ચર્ચાયો. એનો રિપોર્ટ ૨૪મી ઑગસ્ટે ‘હરિજન’માં છપાયોઃ ” ગાંધીજીએ એવો અભિપ્રાય આપ્યો કે રાજ્ય તો સેક્યૂલર જ હોવું જોઈએ. એ કોઈ ધાર્મિક શિક્ષણને જનતાના પૈસામાંથી ટેકો ન આપી શકે. રાજ્યમાં રહેતા દરેક જણ, દેશના સર્વસમાન કાયદાનું પાલન કરતો હોય ત્યાં સુધી એને પોતાનો ધર્મ વિના અવરોધે પાળવાનો અધિકાર હોવો જોઈએ. કોઈ મિશનરીઓના કામમાં પણ દરમિયાનગીરી ન કરવી જોઈએ, પરંતુ વિદેશી હકુમતમાં જેમ મિશનને રાજ્યનું સંરક્ષણ મળતું હતું તે હવે ન મળી શકે.” એમના આ અભિપ્રાયનો પડઘો બંધારણની ૨૫, ૨૬, ૨૭મી કલમમાં ઝિલાયો છે.

બીજા જ દિવસે, ૧૭મી ઑગસ્ટે ગાંધીજીએ નારકેલડાંગામાં ભાષણ કર્યું. ‘હરિજન’માં એનો રિપોર્ટ છપાયો છે તે પ્રમાણે ગાંધીજીએ કહ્યું કે રાજ્યે તો સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ રહેવું પડશે. રાજ્યની કોઈ પણ ધાર્મિક સંસ્થાને રાજ્યનો પ્રશ્રય ન મળી શકે. “આમ બધા નાગરિકો કાયદાની નજરમાં સમાન હશે.” તે પછી ૨૨મી ઑગસ્ટે કલકત્તાના દેશબંધુ પાર્કમાં સભામાં બોલતાં ગાંધીજીએ ફરી એ જ વાત કરીઃ “ ધર્મ અંગત બાબત છે અને આપણે એને અંગત બાબત જ રહેવા દઈશું તો આપણું રાજકીય જીવન બહુ સરળ થઈ જશે…. સરકારી અધિકારીઓ અને સામાન્ય લોકો સેક્યૂલર રાજ્ય બનાવવાની જવાબદારી લે અને એના માટે ખરા દિલથી કામ કરે તો દુનિયાની શાન વધે એવા ભારતનું આપણી નિર્માણ કરી શકશું.”

૧૯૪૭ની ૨૮મી નવેમ્બરે ગુરુ નાનક જયંતી નિમિત્તે બોલતાં એમણે સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર માટી સરકાર નાણાં ખર્ચે એવી શક્યતાનો વિરોધ કર્યો. એમણે કારણ આપ્યું, “છેવટે, આપણે સરકાર બધા માટે બનાવી છે. એ ‘સેક્યૂલર’ સરકાર છે, એટલે ધર્મના આધાર પર બનેલી સરકાર નથી., અથવા તો એમ કહો કે એ કોઈ એક ધર્મની સરકાર નથી. એટલે એ કોમના ધોરણે નાણાં ન ખર્ચી શકે.”

ધર્મનિરપેક્ષ રાજ્યની હિમાયત કરતી વખતે પણ ગાંધીજી જાણતા હતા કે આવા રાજ્યને સમાજનો ટેકો મળવો જોઈએ. એમને સેક્યૂલર રાજ્ય અને સમાજમાં રહેલા માનવતાવાદી ગુણો વચ્ચે ઐતિહાસિક અને સામાજિક સંબંધ દેખાતો હતો.

મૃત્યુથી છ દિવસ પહેલાં એમણે લખ્યું: “રચનાત્મક કાર્યકરોના સુવ્યવસ્થિત સંગઠનની જરૂર પડશે. લોકોની સેવા એ એમનું કામ રહેશે અને ઉત્કૃષ્ટ કામ એમનું બંધારણ હશે. પ્રધાનો આવી સંસ્થા પાસેથી પ્રેરણા મેળવશે. આ સંગઠન સેક્યૂલર સરકારને સલાહ અને માર્ગદર્શન આપશે”.

આજે આપણે જોવાનું છે કે ગાંધીચીંધી ધર્મનિરપેક્ષતા ફરી સજીવન થાય અને દેશમાં ફેલાયેલા ધર્મ આધારિત દ્વેષના વાતાવરણનો અંત આવે.

૦-૦-૦

શ્રી અનિલ નૌરિયાનો આભાર. એમનો મૂળ લેખ અહીં વાંચી શકાશે.

%d bloggers like this: