ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ –
ભાગ ૩: સંઘર્ષનો નવો માર્ગ
પ્રકરણ ૨:: ૧૮૮૫થી ૧૯૧૫ : કોંગ્રેસનો જન્મઃ(૧)
૧૮૮૪માં એક અંગ્રેજ આઈ. સી. એસ. અધિકારી જ્હૉન સ્ટ્રેચી નિવૃત્ત થઈને ઇંગ્લૅન્ડ પાછો ગયો. ત્યાં કૅંબ્રિજ યુનિવર્સિટીની વ્યાખ્યાનમાળામાં બોલતાં એણે કહ્યું કે “ ભારત વિશે જાણવાની સૌથી પહેલી અને મહત્ત્વની વાત એ છે કે ભારત જેવું કંઈ છે જ નહીં અને કદી હતું પણ નહીં.” એણે ઉમેર્યું કે બ્રિટિશ શાસને બધાને એક યુનિયનમાં બાંધ્યા છે પણ એને કારણે “એકમાત્ર ભારતીય રાષ્ટ્રીયતા” જેવું કંઈ ઉદ્ભવે તેમ નથી. “આપણી સરકારનું કેન્દ્ર તરફ ખેંચવાનું આકર્ષણબળ ગમે તેટલું શક્તિશાળી હોય, અથવા તો સમાન હિતો ગને તેટલાં મજબૂત બને, આવું કંઈ બનવાનું નથી.” સ્ટ્રેચીને લાગતું હતું કે મુંબઈવાળા,પંજાબ, બંગાળ અને મદ્રાસવાળાને કદી એમ લાગવાનું નથી કે એ બધા એક મહાન ભારતીય રાષ્ટ્રના ભાગ છે.
સ્ટ્રેચી ભારતમાં ત્રીસ વર્ષ રહ્યો પણ દેશને ઓળખી નહોત શક્યો. એ કૅમ્બ્રિજમાં બોલતો હતો ત્યારે મુંબઈ, પંજાબ, બંગાળ અને મદ્રાસના લોકો એક ભારતીય રાષ્ટ્ર્ની અવધારણા તરફ વળવા લાગ્યા હતા. એને ખબર નહોતી કે થોડા જ વખતમાં ઇંડિયન નેશનલ કોંગ્રેસનો જન્મ થવાનો છે. વિચિત્ર વાત તો એ છે કે સ્ટ્રેચી ૧૮૫૭ના વિદ્રોહમાં દેશના ખૂણે ખૂણે સામાન્ય નાગરિકો, આદિવાસીઓ, જમીનદારો, રાજાઓ, હિન્દુઓ અને મુસલમાનો એક થઈને લડ્યા તે જાણતો જ હશે, તેમ છતાં પણ એ એમાં એક રાષ્ટ્રનાં લક્ષણો જોઈ નહોતો શક્યો. ભારતીયતાનાં બીજ વાવવામાં બ્રિટિશ હકુમતે પોતાના લાભ માટે શરૂ કરેલી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ, રેલવે, પોસ્ટ ઑફિસો અને તાર ઑફિસોનો ફાળો પણ નાનોસૂનો નહોતો. મિશનરીઓની વટાળ પ્રવૃત્તિએ પણ રાષ્ટ્રીય ભાવનાને પુષ્ટ કરી હતી. તે ઉપરાંત ૧૮૭૬માં વાઇસરૉય તરીકે લિટન આવ્યો તેની જાતિગત ભેદભાવની નીતિએ પણ લોકોમાં અસંતોષ ફેલાવ્યો હતો. લિટને ક્રિમિનલ કાયદો બનાવ્યો તેમાં યુરોપિયન કે હિન્દીના એક જ જાતના અપરાધ માટે જુદી જુદી જોગવાઈ હતી. દેશી છાપાંઓ પર પણ એણે કડક નિયમ પણ લાગુ કર્યા હતા. આમ ચરુ તો ઊકળતો હતો.
પરંતુ બધા સ્ટ્રેચી જેવા નહોતા. શિક્ષિત બંગાળીઓ, પંજાબીઓ અને લખનઉવાસીઓ એક થવા લાગ્યા હતા તે જોઈ શક્યા હોય તેવા બ્રિટિશ અધિકારીઓ પણ હતા. કેમ્બ્રિજના એક પ્રોફેસરે તો કહ્યું કે આ લોકો કંઈ જ ન કરે અને માત્ર એક હોવાની આછીપાતળી ભાવના જ એમનામાં પેદા થાય અને વિદેશીને મદદ આપવી એ ખોટું છે એવું એમના મનમાં આવે તે દિવસે આપણા સામ્રાજ્યનો અંત આવવાની શરૂઆત થઈ જશે. આમ પણ જુદે જુદે ઠેકાણે કેટલીયે સંસ્થાઓ કામ કરતી થઈ ગઈ હતી – પૅટ્રિઓટિક ઍસોસિએશન, દાદાભાઈ નવરોજીનું ઈસ્ટ ઇંડિયા ઍસોસિએશન, સુરેંદ્રનાથ બૅનરજીનું ઇંડિયન ઍસોસિએશન, પૂના સાર્વજનિક સભા, સોસાઇટીઝ ફૉર ઍમિલિઓરેશન ઑફ ઇંડિયા વગેરે. આમ, કોંગ્રેસના જન્મ માટે ભૂમિકા તૈયાર થતી જતી હતી.
ઍલન ઑક્ટેવિયન હ્યૂમ
હ્યૂમના પિતા ભારતમાં જ નોકરી કરતા હતા. એમનો દૃષ્ટિકોણ ઉદાર હતો અને અંગેજ સરકારની ઘણી વાતો સાથે એ સંમત નહોતા. એમના પ્રયાસ એ હતા કે બ્રિટિશ હકુમત સારી હોય તો લોકોને એનો લાભ પણ મળવો જોઈએ. પિતાનો આ દૃષ્ટિકોણ ઍલનમાં પણ વિકસ્યો હતો. આયર્લૅન્ડમાં એમની કિશોર વયમાં એમને ક્રાન્તિકારીઓનું ખેંચાણ હતું. પિતાએ એમનાં બધાં સંતાનોને ભારતમાં નોકરી અપાવી દીધી પણ ઍલન હ્યૂમનું વલણ લોકો તરફી જ રહ્યું. એમના વલણને કારણે એ બ્રિટિશ અધિકારીઓમાં અળખામણા હતા. વાઇસરૉય નૉર્થબ્રુકે એમને નોકરીમાંથી બરતરફ કરવાની ધમકી આપી હતી અને નૉર્થબ્રુક પછી વાઇસરૉય લિટન સાથે પણ એમની ચડભડ થયા કરતી. ૧૮૭૯માં એમને નોકરીમાં નીચી પાયરીએ ઉતારી નાખવામાં આવ્યા, તે પછી એમણે ૧૮૮૨માં નિવૃત્તિ લઈ લીધી. પરંતુ બીજાઓની જેમ ઇંગ્લૅન્ડ પાછા જવાને બદલે શિમલામાં સ્થાયી થયા.
લૉર્ડ રિપન વાઇસરૉય બન્યો ત્યારે એને હ્યૂમની હિન્દુસ્તાનીઓને સત્તામાં સામેલ કરવાની વાતમાં રસ પડ્યો. રિપન ઉદારમતવાદી હતો. ૧૯૮૫ની શરૂઆતમાં હ્યૂમે મુંબઈના નેતાઓ વિલિયમ વેડરબર્ન, દાદાભાઈ નવરોજી, સર ફિરોઝશાહ મહેતા, દિનશા વાછા, મહાદેવ ગોવિંદ રાનડે વગેરે સાથે નવું અખિલ ભારતીય સંગઠન બનાવવા વિશે ચર્ચા કરી અને ‘ઇંડિયન નેશનલ યુનિયન’ બનાવવાનો નિર્ણય કર્યો. હ્યૂમનું સૂચન હતું કે દર વર્ષે યુનિયનની ‘કોંગ્રેસ’ રાખવી અને એમાં શિક્ષિત વર્ગના ભારતીયોને આખા દેશમાંથી બોલાવવા અને રાજકીય પ્રતિનિધિત્વ અને સુધારાઓ વિશે ચર્ચા કરવી. વાઇસરૉય ડફરીનને આ દરખાસ્ત પસંદ આવી હતી એવું જણાય છે. પરંતુ હ્યૂમ યુનિયનને સરકાર સાથે જોડવા માગતા હતા, એની સામે ડફરીનને વાંધો હતો.
હ્યૂમ પર આજે પણ આક્ષેપ થાય છે કે એ્મણે અંગ્રેજ સરકારની સેવા માટે યુનિયન ઊભું કરવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ એમને એમ લાગતું હતું કે અંગ્રેજ સરકાર જે રીતે ભારતીયોને અવગણે છે તેથી બ્રિટિશ હકુમતનો જલદી અંત આવી જશે. ભારતીયોને પ્રતિનિધિત્વ આપવાના એમના પ્રયત્નોમાં અંગ્રેજ સરકાર અને શિક્ષિત ભારતીયો વચ્ચે સેતુ બનવાનો હેતુ હતો કારણ કે એમને ભારતીય શિક્ષિત વર્ગની માગણીઓ માટે સહાનુભૂતિ હતી. આમ છતાં, હ્યૂમે પોતે જ કહ્યું છે કે એમનો હેતુ સામૂહિક હિંસાચારને રોકવા માટે ‘સેફટી વાલ્વ’ બનાવવાનો હતો.
આજે આપણે કહી શકીએ કે હ્યૂમ અથવા તો વાઇસરૉય ડફરીનની જે કંઈ ધારણા રહી હોય, ૧૮૫૭ના વિદ્રોહને કચડી નાખ્યા પછી અને બ્રિટનનું સીધું શાસન સ્થપાયા પછી સામૂહિક હિંસાચાર કે બીજા વિદ્રોહની સંભાવના માત્ર પચીસ-ત્રીસ વર્ષના ગાળામાં ફરી ઊભી થાય તેમ નહોતું. સામાન્ય માણસ જલદી તૈયાર થાય એવું કંઈ હતું નહીં અને રાણી વિક્ટોરિયાએ આપેલાં વચનોનું પાલન નહોતું થતું એ વાત સામાન્ય માણસ સુધી પહોંચવાની નહોતી. એટલે શિક્ષિત મધ્યમ વર્ગ બધી જાણકારી સાથે આગળ આવે તે દેખીતું હતું. હ્યૂમના પ્રયાસોથી પણ પહેલાં ઘણાં સંગઠનો આ જ દિશામાં કામ કરતાં હતાં એટલે હ્યૂમ ન હોત તો પણ ભારતીય જનજીવન હવે ચર્ચાઓ અને તર્કનો રસ્તો પકડવાનું જ હતું.
ડિસેંબરમાં પૂના (હવે પૂણે)માં ઈંડિયન નૅશનલ યુનિયનનું પહેલું અધિવેશન (કોંગ્રેસ) મળવાનું નક્કી હતું પરંતુ પૂનામાં કૉલેરા ફાટી નીકળતાં ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં મુંબઈમાં પહેલી કોંગ્રેસ રાખવાનો નિર્ણય લેવાયો. ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કૉલેજમાં ૨૮મીથી ૩૦મી ડિસેંબરે ડબ્લ્યૂ. સી. બૅનરજીના અધ્યક્ષપદે પહેલી ‘ઇંડિયન નૅશનલ કોંગ્રેસ’ મળી. જુદા જુદા પ્રદેશોના આગેવાનો પોતાની પારંપરિક વેશભૂષામાં હાજર રહેતાં આખું ભારત ત્યાં દેખાતું હતું. આમાંથી ૭૨ ‘પ્રતિનિધિ’ તરીકે હાજર રહ્યા અને બીજા ત્રીસ ‘નિરીક્ષકો’ હતા.
પ્રમુખસ્થાનેથી બોલતાં ડબ્લ્યૂ. સી. બૅનરજીએ કહ્યું કે આવી બેઠક પહેલી વાર મળી છે. એમણે કહ્યું કે આપણે બ્રિટિશ સરકારને વફાદાર છીએ, પણ એને કારણે રાજકીય સુધારાની માગણી કરવી એ ખોટું નથી ઠરતું. બધા વક્તા અંગ્રેજ સરકાર પ્રત્યે વફાદારી વ્યક્ત કરવા માટે એટલા આતુર હતા કે કોઈ અંગ્રેજ પણ એટલી આતુરતા ન દેખાડી શકે!
પહેલી કોંગ્રેસે નવ ઠરાવ કર્યા. પહેલા ઠરાવમાં જ એમણે ભારતમાં સરકારી વહીવતની તપાસ કરવા માટે રૉયલ કમિશન નીમવાની વિનંતિ કરી. બીજા ઠરાવમાં ભારતીય વહીવટીતંત્રને બ્રિટનની આમસભા પ્રત્યે સીધી રીતે જવાબદાર બનવાની માગણી હતી. એક ઠરાવમાં લેજિસ્લેટિવ કાઉંસિલોમાં ચુંટાયેલા પ્રતિનિધિઓની સંખ્યા વધારવાની પણ માગણી હતી.
આમ ઇંડિયન નેશનલ કોંગ્રેસ નરમ શબ્દોમાં, ધીમે ડગલે રાજકીય સુધારાઓની દિશામાં આગળ વધવા લાગી. એનું આ રૂપ બીજાં વીસ વર્ષ એવું જ રહ્યું. પરંતુ, એમાંય વીસમી સદીનો પહેલો દસકો દેશ માટે અને કોંગ્રેસ માટે નવી દિશામાં લઈ જનારો રહ્યો. આ આખા દસકામાં એવી ઘટનાઓ બની જેના પરિણામે અંગ્રેજી હકુમત તરફ વફાદારીની રહી સહી ભાવના પણ ઓસરી ગઈ અને કોંગ્રેસની અંદર પણ ધીમે ધીમે એના બંધારણવાદી વલણમાંથી બહાર નીકળવાની ભાવના પ્રબળ બની ગઈ. એની વાત હવે પછી.
૦૦૦
સંદર્ભઃ
(1) A Centenary History of Indian National Congress Vol. 1 Edited by B. N. Pandey (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
(2) Towards India’s Freedom and Partition S. R. Mehrotra, 1979 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)