India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 9

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ : વારાણસીનો વિદ્રોહ

આપણે આઠમા પ્રકરણના અંતમાં કહ્યું તે પ્રમાણે અઢારમી અને ઓગણીસમી સદી અંગ્રેજો માટે હતી. પરંતુ હિન્દુસ્તાનીઓ માટે એ સદીઓ પરાજયને પરાજય ન માનવાની હતી. બંગાળ પર કંપની બહાદુરનું રાજ હતું. દક્ષિણના વિદ્રોહની કથાની વિસ્તૃત કથાની એક ઝલક આપણે મેળવી લીધી. સંન્યાસીઓનો વિદ્રોહ, ચુઆડોનો વિદ્રોહ અને દક્ષિણમાં કંપની વિરુદ્ધ બનેલા સંઘોનો વિદ્રોહ. હવે અઢારમી સદીમાં જ વારાણસીના રાજા ચૈત સિંહના વિદ્રોહની આજે વાત કરવી છે.

પરંતુ આગળ વધતાં પહેલાં એક વાતની નોંધ લઈ લઈએ. ૧૭૫૭ પછી ૧૮૭૫ સુધી અંગ્રેજોને જનતાએ લડતા રાખ્યા. આ ૧૧૭ વર્ષોમાં છૂટાછવાઈ કે નાની અથવા મોટી ૧૧૦ વિદ્રોહી ઘટના બની છે. એટલે કે લગભગ ૧૫ મહિને જનતામાંથી – ખેડૂતો, આદિવાસીઓ અને નાના જાગીરદારોનો – અંગ્રેજો સામે વિરોધનો પ્રબળ અવાજ ઊઠ્યો છે અને એમાં દેશનો કોઈ ખૂણો બાકાત નથી રહ્યો. અફસોસ એ છે કે આપણી પાસે આ ઘટનાઓનો આધારભૂત ઇતિહાસ નથી. જેમણે નોંધ લીધી તે બધા અંગ્રેજી ઇતિહાસકારો હતા. એટલે જે ઘટનાઓને એમણે મહત્ત્વહીન ગણાવી છે તે ભારતીય ઇતિહાસકારો માટે પણ અગત્યની નથી રહી. આ બધી ઘટનાઓ કંઈ ઓચિંતી નહોતી બની. જુલમનો એક દોર શરૂ થયો હતો અને એના પડઘા દાયકાઓ સુધી પડતા રહ્યા. આ જ ભાવનાનું નવીનીકરણ થતું રહ્યું. ૧૮૫૭નો સ્વતંત્રતા સંગ્રામ, ગદર આંદોલન કે કોંગ્રેસની સ્થાપના આ સળંગ સાંકળની કડીરૂપ માત્ર છે.

આપણે ફરી રાજા ચૈત સિંહ તરફ પાછા વળીએ. વારાણસી આમ તો અવધના નવાબ હેઠળ હતું પણ એના જાગીરદાર બલવંત સિંહે પોતાના માટે ‘રાજા’ બિરુદ પસંદ કર્યું હતું બલવંત સિંહના અવસાન પછી ચૈત સિંહે સત્તા સંભાળી. એ વખતે વૉરેન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ હતો. એ મૈસૂરના હૈદર અલી સામે યુદ્ધે ચડ્યો હતો અને આ યુદ્ધ માટે એણે ખાસ કર નાખ્યો હતો. અંગ્રેજોની પઠાણી ઊઘરાણીઓથી કંટાળીને અવધ નવાબે વારાણસી અને બીજા કેટલાક ઇલાકા કંપનીને સોંપી દીધા. આના પછી ૧૭૭૮ અને ૧૭૭૯માં હેસ્ટિંગ્સે વારણસીના રાજા ચૈત સિંહ પાસેથી દર વર્ષે પાંચ-પાંચ લાખ રૂપિયા કરને નામે પડાવી લીધા હતા. એક કરાર હેઠળ રાજાએ ૫૦ લાખ રૂપિયા આપવાના હતા પણ એની કુલ વાર્ષિક આવક માત્ર ૨૪ લાખ રૂપિયા હતી. રાજાએ કંપનીના ઘોડેસવાર દળ માટે પૈસા આપવાના હતા પણ અંતે એણે કંપનીને ના પાડી દીધી અને અંગ્રેજોથી નારાજ તત્ત્વો સાથે ગુપ્ત વાતચીતો શરૂ કરી દીધી. એની યોજના તો કંપની પર હુમલો કરવાની હતી પણ કંપનીને એની બાતમી મળી ગઈ.

અંગ્રેજોએ ચૈત સિંહ પર બમણા જોરથી હુમલો કર્યો. હેસ્ટિંગ્સ પોતે પૈસા વસૂલ કરવા માટે વારાણસી આવ્યો અને થોડા હિન્દુસ્તાની સૈનિકોની ટુકડી મોકલીને ચૈત સિંહને એના જ ઘરમાં નજરકેદ કરી લીધો. ચૈત સિંહને બીજા જાગીરદારોની મદદ મળવાની આશા હતી પણ એ આશા ઠગારી નીવડી. ચૈત સિંહ કંઈ જ વિરોધ કર્યા વિના શરણે થઈ ગયો.

પરંતુ એને સજા થઈ હોવાના સમાચાર ફેલાતાં લોકોમાં ઉશ્કેરાટ વધી ગયો અને લોકો લડવા માટે તૈયાર થઈ ગયા. એમણે કિલ્લા પર હુમલો કરી દીધો, અંગ્રેજી ફોજનો જે સૈનિક નજરે ચડ્યો તેને મોતને ઘાટે ઉતારી દીધો. ચૈત સિંહને જ્યાં કેદ રાખ્યો હતો ત્યાં લોકો પહોંચી ગયા. એમણે પાઘડીઓ જોડીને દોરડું બનાવ્યું અને ચૈતસિંહને પાછલી બારીએથી ભગાડીને સહીસલામત અવધ પહોંચાડી દીધો.

અવધમાં એને થોડી જાગીર મળી. પરંતુ અંતે એ ગ્વાલિયર જઈને ઠરીઠામ થયો અને ૧૮૧૦ની ૨૯મી માર્ચે એનું અવસાન થયું. દરમિયાન અંગ્રેજોએ એના ભાણેજ મહીપ નારાયણ સિંહને રાજા બનાવી દીધો. એણે પણ કંપની માટે ૪૦ લાખ રૂપિયાનો વેરો ચુકવવાનો હતો.

આ ઘટનાનું મહત્ત્વ એટલા માટે છે કે તે પછી તરત હેસ્ટિંગ્સે વારાણસીમાં જે પગલું લીધું તેની વિરુદ્ધ ભારે ઉહાપોહ થયો. બ્રિટનની આમસભાએ એની વિરુદ્ધ દોષારોપણ કર્યું તેમાં વારાણસીની ઘટનાઓને અગત્યની નોંધ લેવામાં આવી હતી.

સંદર્ભઃ

https://www.indianetzone.com/37/benaras_rebellion_1781-1782_british_india.htm

https://navrangindia.blogspot.com/2015/01/fall-from-glory-to-disgrace-raja-chait.html

Science Samachar 52

(૧) કરોળિયાનાં જાળાં સાફ કરતા હો ત્યારે….

કરોળિયાનાં જાળાં સાફ કરતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કે એ જાળું માણસના કદનું હોય તો એક વિમાન એમાં સપડાઈ જાય તો નીકળી ન શકે! આવા રેશમ જેવા મુલાયમ તાર સ્ટીલ કરતાં પાંચગણા મજબૂત હોય છે. પરંતુ એ આટલા મજબૂત કેમ હોય છે તે વૈજ્ઞાનિકોને હવે સમજાયું છે.

એકલોઅટૂલો રહેતો ઝેરી કરોળિયો જમીન પર જાળું બાંધે છે અને એમાં ઈંડાં મૂકે છે. એની ઍટમિક ફોર્સ માઇક્રોસ્કોપ દ્વારા ચકાસણી કરતાં વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે દરેક તંતુની જાડાઈ આપણા વાળના એક હજારમા ભાગ જેટલી હોય છે અને એ દરેક તંતુ પણ હજારો સૂક્ષ્મ તંતુઓ(નૅનો સ્ટ્રેંડસ)નો બનેલો હોય છે. એ દરેક સૂક્ષ્મ તંતુનો વ્યાસ એક મિલીમીટરના બે કરોડમા ભાગનો હોય છે. વૈજ્ઞાનિકોને પહેલાં પણ સૂક્ષ્મ તંતુની ખબર હતી,પણ એની સંરચના હવે સમજાઈ છે. કરોળિયો એક મિલીમીટરના તંતુમાં 20 સૂક્ષ્મ ગાંઠો (માઇક્રો લૂપ્સ) ગૂંથતો હોય છે. જો કે બધી જાતના કરોળિયા આ જ રીતે નથી કરતા હોતા પણ આ સંશોધને બીજા કરોળિયાઓની રીત જાણવાનો માર્ગ ખોલી આપ્યો છે.

એટલે કરોળિયાનાં જાળાં સાફ કરતી વખતે એની શક્તિને જરૂર દાદ આપજો !

00૦

સંદર્ભઃ https://www.sciencemag.org/news/2018/11/spider-silk-five-times-stronger-steel-now-scientists-know-why

=-=-=-=-=-=-=

૨) બિલાડીની જીભનું રહસ્ય

બિલાડીને જ્યારે જોશો ત્યારે એ પોતાને ચાટીને સાફ કરતી જોવા મળશે. જીભથી કેમ સફાઈ કરી શકાય? હવે વૈજ્ઞાનિકોએ બિલાડીની જીભનો અભ્યાસ કર્યો છે. એમણે જુદી જુદી જાતની બિલાડીઓ, સિંહ અને વાઘ (એ પણ બિડાલ વર્ગના જીવ છે!)નાં મૃત્યુ પછી એમની જીભોનું નિરીક્ષણ કર્યું અને એનાં ૩D સ્કૅન ચિત્રો બનાવ્યાં. એમને જોવા મળ્યું કે જીભ પર અનેક નાના શંકુ આકારના દાણા હોય છે. એની ટોચ પર અર્ધા કાપેલા પાઇપ જેવાં એટલે કે U આકારનાં છિદ્રો હોય છે. આ છિદ્રો દ્વારા બિલાડીના મોઢાની લાળ એની રૂંવાટીની નીચે ચામડી સુધી પહોંચે છે.

કેટલીયે પાળેલી બિલાડીઓની એમણે સ્લો-મોશનમાં ફિલ્મો બનાવી તો જોવા મળ્યું કે બિલાડી પોતાની જીભ શક્ય તેટલી બહાર કાઢે છે કે જેથી વધારેમાં વધારે શંકુ આકારો ચામડી સુધી પહોંચે. આમ કરવાથી એ સફાઈ કરે તે દરમિયાન શંકુની અણીઓ ચામડીને સીધી અડકતી હોય છે. આ ક્રિયા દરમિયાન એમના શરીરની ગરમીની પણ નોંધ રાખવામાં આવી. આમાંથી એ જાણવા મળ્યું કે લાળથી એના શરીરની ગરમી ઓછી થાય છે. બિલાડી માટે આ બહુ જરૂરી છે કારણ કે એની પ્રસ્વેદ ગ્રંથિ માત્ર એના પંજાની ચામડી પર જ હોય છે. એટલે પરસેવો નીકળવાની જગ્યા એક જ હોય છે.

વૈજ્ઞાનિકોએ હવે ‘ટંગ ઇંસ્પાયર્ડ ગ્રૂમિંગ’બ્રશ (TIGR Brush) બનાવ્યો છે. એ બિલાડીની જીભની જેમ કામ કરે છે. સામાન્ય બ્રશ કે દાંતિયાની જેમ એ વાળમાં ફસાતો નથી! આ બ્રશ બિલાડી બીમાર પડે ત્યારે એની ચામડી સુધી દવા પહોંચાડવામાં પણ કામ લાગશે.

૦૦૦

સંદર્ભઃ https://www.sciencemag.org/news/2018/11/how-do-cats-stay-so-clean-video-reveals-secrets-feline-tongue?utm_campaign=news_daily_2018-11-20&et_rid=475747936&et_cid=2500727

=-=-=-=-=

(૩) અમેરિકામાં સંશોધનો માટે વાંદરાઓનો બેફામ ઉપયોગ

અમેરિકામાં જૈવિક–મૅડીકલ રીસર્ચમાં વાંદરાઓનો ઉપયોગ બહુ વધી ગયો છે. ૨૦૧૫ની સરખામણીએ ૨૦૧૭માં લગભગ ૭૬,૦૦૦ વાંદરાનો ઉપયોગ થયો જે ૨૨ ટકા વધારો સૂચવે છે. બીજી બાજુ, બાવન ટકા અમેરિકનો વૈજ્ઞાનિક સંશોધનોમાં પ્રાણીઓના ઉપયોગનો વિરોધ કરે છે. એવું જણાય છે કે અમાનવીય જીવો મારફતે વધારે સારી માહિતી મળતી હોવાનું વૈજ્ઞાનિકો માને છે. એમાં વાંદરા પર દવાઓના પ્રયોગ કરવાથી માણસ પર એની કેવી અસર થશે તેની શક્ય તેટલી વધારે સારી માહિતી મળી શકે છે.

પ્રાણીપ્રેમીઓ માટે આ ટકાવારી આશ્ચર્ય અને આઘાત પમાડનારી બની રહી છે, કારણ કે અમેરિકી સરકારે ચાર ચિંપાન્ઝીઓનાં મૃત્યુ પછી કડક નિયંત્રણો લાદ્‍યાં હતાં. આના પછી હાર્વર્ડ યુનિવર્સિટીએ પોતાનું નૅશનલ પ્રાઇમેટ રીસર્ચ સેન્ટર બંધ કરી દીધું હતું.

૦૦૦

સંદર્ભઃ https://www.sciencemag.org/news/2018/11/record-number-monkeys-being-used-us-research?utm_campaign=news_daily_2018-11-05&et_rid=475747936&et_cid=2470157

=-=-=-=-=-=

(૪) ફ્લશ ચલાવીને તમે એક મહામૂલી વસ્તુને ગટરમાં વહેવડાવી દીધી!

ઘરમાં રસોડા અને શૌચાલયમાં પેદા થતા કચરામાં જૈવિક ઘટકો પણ હોય છે. ઉદ્યોગોમાં વપરાતા પાણીને પણ ગટરમાં ઠાલવી દેવાય છે. એમાં પણ જૈવિક ઘટકો હોય છે. Frontiers in Energy Research નામના સામયિકમાં પ્રકાશિત થયેલા એક લેખમાં દેખાડ્યું છે કે એમાં જાંબૂડી રંગનાં બેક્ટેરિયા (purple phototrophic bacteria) હોય છે જે પ્રકાશમાંથી ઊર્જાનો સંચય કરી શકે છે. એમને વીજળીક કરંટ આપીએ તો એ કોઈ પણ જૈવિક બગાડમાંથી લગભગ ૧૦૦ ટકા કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને બદલામાં હાઇડ્રોજન ગૅસ બનાવે છે, જે વીજળીના ઉત્પાદનમાં કામ આવે છે.

આ સંશોધન લેખના સહલેખક સ્પેનની યુઆન કાર્લોસ યુનિવર્સિટીના ડૉ. દાનિયેલ પુયોલ કહે છે કે હમણાં ગંદા પાણીને સુધારવાની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ બહુ પેદા થાય છે, પણ અમારી બાયોરિફાઇનરી ખરાબ પાણીમાંથી પર્યાવરણને અનુકૂળ રીતે વીજળી ઉત્પન્ન કરવાનું સાધન બની શકે છે.

વૃક્ષો પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે. અને પ્રકાશમાંથી જીવનદાયી ઊર્જા પ્રાપ્ત કરે છે પણ એમાં લીલો રંગ આગળ તરી આવે છે. ખરેખર તો વનસ્પતિને બધા જ રંગ મળે છે. બધા જ જીવોમાં પ્રકાશસંશ્લેષણની વ્યવસ્થા હોય છે. પરંતુ પાનખરમાં ક્લોરોફિલ ઊડી જાય છે અને પીળો, નારંગી અને લાલ રંગ રહી જાય છે.

બૅક્ટેરિયા પણ સૂર્યના પ્રકાશમાંથી ઊર્જા મેળવે છે અને એના પણ જુદા જુદા રંગ હોય છે. એટલે એમનો રંગ નહીં પણ ચયાપચયની પ્રક્રિયા મહત્ત્વની છે. એ પર્યાવરણને ઉપયોગી છે.

૦૦૦

સંદર્ભઃ www.sciencedaily.com/releases/2018/11/181113080903.htm

=-=-=-=-=

India: Slavery and struggle for freedom :: Part 2::: Struggle for Freedom – Chapter 8

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ : ડિંડીગળનો વિદ્રોહી સંઘ

વિરૂપાત્ચી (વિરૂપાક્ષી)નો પોલીગાર ગોપાલ નાયક એક સારો ડિપ્લોમૅટ અને લડાયક હતો. ૧૭૮૩માં જ એણેકર્નલ ફુલરટનની બ્રિટિશ ફોજને લલકારી હતી, જો કે એ સફળ ન થયો. ૧૭૯૨માં કંપનીએ ડિંડીગળ જિલ્લાને મૈસૂરથી અલગ કરી લીધો હતો. ગોપાલ નાયકે કંપનીના કરવેરા ચુકવવામાં કદીયે ગલ્લાંતલ્લાં ન કર્યાં પણ ખાનગી રીતે એ બીજા અસંતુષ્ટોને મળતો રહ્યો અને કંપની વિરુદ્ધ એમને તૈયાર કર્યા. ડિંડીગળ ઉપરાંત મનાપરૈ, કલ્લારનાડુ, કોયંબત્તુર અને સેલમના પોલીગારોએ ગોપાલ નાયકના પ્રયાસોથી ૧૭૯૭માં બ્રિટિશ વિરોધી સંઘ બનાવ્યો. એમાં પછી આસપાસના બીજા પોલીગારો પણ જોડાયા. સંઘનું જોર વધતું જતું હતું અને ટીપુ સુલતાને પણ પોતાના માણસોને મોકલીને એમને ભેટો આપી. આમ છતાં આ સંઘ ટીપુના આશ્રિત તરીકે રહેવા નહોતો માગતો. બીજી બાજુ, જ્યારે ૧૭૯૯માં ટીપુ માર્યો ગયો તે લડાઈમાં અંગ્રેજોએ સંઘની મદદ માગી પણ એમણે ચોખ્ખી ના પાડી, એટલું જ નહીં, એમણે કંપનીના લશ્કર માટેનો સરસામાન પણ લૂંટી લીધો.

બ્રિટિશ શાસકોએ એમની સામે પગલાં ભર્યાં પણ બહુ સફળતા ન મળી. એનું કારણ એ કે સંઘનું કામકાજ એટલું ગુપ્તતાથી ચાલતું હતું કે અંગ્રેજ કલેક્ટરની તમામ કોશિશો છતાં એને બરાબર માહિતી નહોતી મળતી. પરંતુ પોલીગારો અંગ્રેજોની વિરુદ્ધ છે એમ તો એમને સમજાઈ ગયું હતું. ઑક્ટોબર ૧૭૯૯માં કલેક્ટરે ગોપાલ નાયકને હાજર થવા હુકમ કર્યો પણ એણે આ હુકમને ઠેબે ચડાવ્યો. હવે કંપની સામે સવાલ એ હતો કે હુકમનું પાલન કરાવવા માટે બળ વાપરવું કે હુકમમાં જ થોડી બાંધછોડ કરવી. નવેમ્બરમાં કલેક્ટરે બીજો સમન મોકલ્યો પણ ગોપાલ નાયકે એની પણ પરવા ન કરી.

તિરુનેલવેલી, રામનાડ અને ડિંડીગળના વિદ્રોહી સંઘો કલ્લારનાડુના જંગલમાં મળતા. આમાંથી ઘણાખરા તો પહેલાં મરુદુ ભાઈઓ અને કટ્ટબોમ્મન સાથે પણ હતા અને અંગ્રેજો સામે એમની શત્રુતા નવી નહોતી.

મલબાર-કોયંબત્તુરનો સંઘ

દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તમિળનાડુમાં વિદ્રોહના નેતાઓ સંઘોની રચના કરવામાં લાગ્યા હતા એ જ અરસામાં કેરળમાં મલબારમાંથી પણ વિદ્રોહનો સૂર પ્રગટ્યો.

પરંતુ આ સંઘ અને કર્ણાટક કે તમિળનાડુમાં બનેલા સમ્ગો વચ્ચે એક તફાવત છે. કર્ણાટક આને તમિળનાડુના સંઘો બ્રિટિશ સત્તા સામે લડવાના ઇરાદાથી બન્યા, જ્યારે મલબાર અને કોયમબત્તુરની અંગેજો સામે લડાઈ ચાલતી જ હતી, પરિણામે એ સંગઠિત્ત થયાં. શરૂઆતમાં એમનું લક્ષ્ય નાનું હતું પણ જેમ જેમ લડાઈ ચાલતી રહી તેમ એમની સામે બ્રિટિશ સત્તાનું ખરું રૂપ પ્રગટ થતું ગયું અને બીજા સંઘો સાથે પણ એમની વૈચારિક એકતા સ્થપાઈ.

આનો થોડો ઇતિહાસ જોઈએ. ૧૭૮૭ના અરસામાં ટીપુની તલવાર ચાલતી હતી અને મલબાર એનાથી બચવા માગતું હતું. આથી મલબારના બધા રાજાઓ ત્રાવણકોર રાજ્યને શરણે ગયા. આમાં કોટ્ટયટ્ટુનો રાજા પણ હતો. રાજાએ ત્રાવણકોર જતાં પહેલાં પોતાના સૌથી નાના રાજકુમાર કેરલા વર્માને બોલાવીને દેશની રક્ષાનો ભાર સોંપ્યો.

કેરલા વર્માએ આખું નગર ખાલી કરાવ્યું અને જંગલમાં ચાલ્યો ગયો અને નગરવાસીઓને એમનું નવું વતન બનાવવામાં મદ્દદ કરી. ટીપુની આણ પ્રવર્તતી હતી પણ કેરલા વર્મા એની પરવા કર્યા વિના એ એના સાથીઓને આસપાસનાં ગામોમાં મોકલતો અને ફંડફાળો વસૂલ કરતો. મૈસૂર સાથેની લડાઈ પછી મલબાર કંપનીના હાથમાં આવી ગયું ત્યારે ત્રાવણકોર ભાગી છૂટેલા રાજાઓ પાછા આવ્યા અને કંપનીને વિનંતિ કરતાં એમના હાથમાં એમના તામરાસ્સેરી અને કુરુંબારાનો વહીવટ ફરી સોંપાયો. બદલામાં એમણે કંપનીને પાંચમા ભાગની આવક આપવાની હતી. કેરલા વર્માને લાગ્યું કે આમાં એની સાથે છેતરપીંડી થઈ છે. કારણ કે ટીપુ સામે બહાદુરીથી ટકી રહેનારોતો એ એકલો હતો, બાકી બીજા બધા તો ત્રાવણકોર ભાગી છૂટઆ હતા. આથી એનામાં અંગ્રેજો વિરુદ્ધ ખુન્નસ વધ્યું. એણે કંપનીની સત્તાની વિરુદ્ધ લડવાનું ચાલુ રાખ્યું.

લોકોએ પણ એને સાથ આપ્યો અને કંપનીને મલબારમાં સ્થિર થવા ન દીધી. અંગ્રેજોએ હવે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અખત્યાર કરી. ૧૭૯૪માં એમણે કુરંબરાના રાજા અને કેરલા વર્માના એક કુટુંબી સાથે સમજૂતી કરી લીધી અને કોટાયટ્ટુ અને વાયનાડમાંથી મહેસૂલ લેવાનો અધિકાર આપી દીધો. પરંતુ કેરલા વર્માએ બન્નેને પછાડ્યા અને બન્ને જિલ્લાઓ પર કબજો કરી લીધો. અંતે ૧૭૯૬ના ઍપ્રિલમાં કંપનીએ કેરલા વર્માના પાટનગર પળાશી પર હુમલો કર્યો આને એનો ૧૭,૦૦૦ રૂપિયાનો ખજાનો લૂંટી લીધો.

એ જંગલમાં ભાગી ગયો અને ત્યાંથી કંપનીને પત્ર લખીને પોતાની વફાદારી જાહેર કરી. બધા પોલીગારો એમ જ કરતા અને ફરી સજ્જ થવાનો સમય મેળવી લેતા. આમ કેરલા વર્મા પળાશી પાછો આવ્યો પણ હજી એના મનમાં કંપનીએ ખજાનો લૂંટી લીધો તેનો ખટકો હતો,

એણે ફરી લોકોને સંગઠિત કર્યા અને પહેલાં એ જે જંગલમાં રહેતો ત્યાં તૈયારી કરવા લાગ્યો. પરંતુ હવે મલબારમાં કંપની પણ સાવચેત હતી, કંપનીએ લોકોને કુરુંબરાના રાજા હેઠળ જવા કહ્યું પણ એમણે જોયું કે કુરુંબારાની રૈયત પણ કેરલા વર્માને વફાદાર હતી. કંપનીએ વિદ્રોહીઓને મોતની સજા અને મિલકત જપ્ત કરવાની ધમકી આપી પણ લોકો ડર્યા નહીં, પહાડોમાં મોરચાબંધી કરી લીધી અને કરવેરા ચુકવવાની ના પાડી દીધી. કંપની પોતાને વફાદાર રાજાઓ સાથે સંપર્ક કરતી તે બધા રસ્તા પણ એમણે બંધ કરી દીધા.

કેરલા વર્માએ તાડપત્રો પર લોકોને સંદેશ મોકલ્યા કે એમની તકલીફોનું કારણ કંપની રાજ છે. હવે કુરુંબરાનાડનો રાજા પણ એની સાથે મળી ગયો. ૧૭૯૭ આવતાં સુધી તો કેરળમાં ઠેરઠેર વિદ્રોહનું વાતાવરણ ઊભું થઈ ગયું.

મોપલા વિદ્રોહ

સામાન્ય રીતે તો આ સંઘો ટીપુની સામે લડતા હતા એટલે મોપલાઓ એમની વિરુદ્ધ રહ્યા હતા. પરંતુ ટીપુ અને આ સંઘોનું નિશાન એક જ હતું – કંપની રાજ. આ સંયોગોમાં મોપલાઓ ક્યાં સુધી સંઘોની વિરુદ્ધ રહી શકે તેમ હતા? કંપનીનું શાસન એમને પણ કઠતું હતું. મોપલા આગેવાનો અતૂન ગુરક્કળ, ચેંપેન પોકર અને ઉન્નીમોતા પહાડોમાં જઈને વિદ્રોહીઓને મળ્યા અને એકસંપ થઈને કંપની સામે લડવાની સમજૂતી કરી. હવે ડિડીગળના સંઘે ટીપુ સાથે પણ સમજૂતી કરી અને કંપની વિરુદ્ધ એની મદદ માગી. વાયનાડ કોના કબજામાં છે, એ વિશે વિવાઅદ હતો એટલે ત્યાં ટીપુ અથવા કંપની – કોઈનું ચાલતું નહોતું. એટલે વાયનાડ કેરલા વર્માને ફાવી ગયું. એણે અહીંથી ટીપુ સાથે વાટાઘાટો શરૂ કરી અને ટીપુના કિલ્લેદારને પણ મળ્યો.

પરંતુ કૂર્ગનો રાજા અંગ્રેજોનો મળતિયો હતો. એણે બધી બાતમી કંપનીને પહોંચાડી દીધી. કેરલા વર્મા અને બીજાઓએ ટીપુ પ્રત્યે વફાદારીના સોગંદ લીધા. કંપનીએ પણ વાયનાડમાંથી ખસી જવાનું યોગ્ય માન્યું. આમ વાયનાડ ટીપુના હાથમાં આવ્યું પણ એણેય પોતાની મરજી ન ચલાવી અને વિદ્રોહી સંઘને છૂટો દોર આપ્યો. આમ વાયનાડ વિદ્રોહનું કેન્દ્ર બની ગયું. જાન્યુઆરી ૧૭૯૭માં કંપનીના દળે વિદ્રોહીઓ પર હુમલો કર્યો પણ ૬૬ માણસોનો ભોગ આપીને પીછેહઠ કરી.

આ બાજુ, એરનાડ અને મલ્લાપુરમમાં મોપલાઓનો ધૂંધવાટ આગ બનીને પ્રગટ્યો. જાન્યુઆરી ૧૭૯૭માં એમણે બ્રિટિશ દળને ઘેરવા છટકું ગોઠવ્યું અને કૅપ્ટન બોમૅનની આખી ટુકડીને રહેંસી નાખી. આ દારુણ હાલતનો રિપોર્ટ આપવા માટે માત્ર એક માણસ બચ્યો.

૧૭૯૯નું વર્ષ ટીપુના પરાજય અને મોતનું સાક્ષી બન્યું, તેમ વિદ્રોહીઓ માટે પણ સારું ન રહ્યું કંપનીએ એક પછી એક બધાં વિદ્રોહી કેન્દ્રોને કચડી નાખ્યાં. આપણે જોઈ ગયા તેમ, કટ્ટબોમ્મનને ફાંસી આપી દેવાઈ તે સાથે તિરુનેલવેલ્લીનો સંઘ તૂટી પડ્યો. કેરલા વર્મા જીવતો પકડાયો અને એને પેન્શન આપીને દૂર મોકલી દીધો. ટીપુ મરાયો. એક માત્ર મરુદુ પાંડ્યન ટકી રહ્યો. એના પ્રયાસોથી રામનાડ અને ડિંડીગળના વિદ્રોહી સંઘો ટકી રહ્યા. દક્ષિણ કન્નડનો રાજા કૃષ્ણપ્પા નાયક પણ ઝૂઝતો રહ્યો. મોપલાઓ પણ દબાઈ નહોતા ગયા. શિમોગાનો ધૂંડાજી વાઘ પણ મૈસૂર પર અંગ્રેજોના કબજાથી ધૂંધવાતો હતો. એણે ટીપુના સૈનિકોને એકઠા કર્યા અને મૈસૂરને અંગ્રેજોના હાથમાંથી છોડાવવાની કોશિશ કરી પણ અંતે ફાવ્યો નહીં.

જાણે અઢારમી અને ઓગણીસમી સદી વિધાતાએ અંગ્રેજો માટે જ બનાવી હોય તેમ અંગ્રેજો જીતતા રહ્યા. એની સામે જે કોઈ પડે તેણે હારવાનું જ હતું, પરંતુ, આ શ્રેણી હારની નથી, હાર ન માનવાની છે.


સંદર્ભઃ

1. South Indian Rebellion: The First War of Independence 1800-1801 by K. Rajayyan, first published 1971 Rao and Raghavan Publishers, prince of Wells Road Mysore-4 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. Popular uprisings in India with special reference to Tamilnadu (1750-1857) Edited by G. J. Sudhakar. ISBN 978819083059-1 (ઇંટરનેટ પર ઉપલબ્ધ) Chapter 3 by G. Balaji.

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom Chapter 7

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૭: પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ દક્ષિણ ભારતમાં? ()

આપણે વીર પાંડ્ય કટ્ટબોમ્મન સાથે કલેક્ટર જૅક્સને કરેલા ખરાબ વર્તાવથી વાત શરૂ કરીએ કારણ કે એનું મહત્ત્વ છે. રામનાડના કલેક્ટર કૉલિન જૅક્સનને પોલીગારો પાસેથી ખંડણી વસૂલવાની જવાબદારી સોંપાઈ હતી. ૧૭૯૮ના સપ્ટેમ્બરમાં ક્ટ્ટબોમ્મનના પંજાલમકુરિચિમાંથી ખંડણીની રકમ ઓછી આવી. એણે કટ્ટબોમ્મનને બહુ સખત શબ્દોમાં પત્ર લખીને ઉઘરાણી કરી. દુકાળને કારણે કંઈ વસુલાત થઈ શકી નહોતી પણ અંગ્રેજી શાસનમાં મહેસૂલ માફ થવાનો તો સવાલ્જ નહોતો. કલેક્ટરે રેવેન્યુ બોર્ડને પત્ર લખીને આવા પોલી ગારોને સખત સજા કરાવાનો અધિકાર માગ્યો. બોર્ડે એના પર વિચાર કરીને મંજૂરી ન આપી. આનું કારણ એ કે મૈસુરની લડાઈ માટે કંપનીએ તિરુનેલવેલીમાંથી સૈન્ય હટાવી લીધું હતું. એને બધી તાકત ટીપુ સામે વાપરવી હતી, એટલે નવો મોરચો ખોલવાનું કંપનીને જરૂરી ન લાગ્યું. જૅક્સને ફરી લખ્યું અને ફરિયાદ કરી કે વીર પાંડ્ય એની સત્તાને કંઈ સમજતો નથી. આથી બોર્ડૅ એને કટ્ટબોમ્મનને બોલાવવાની છૂટ આપી. જેક્સને કટ્ટબોમ્મનને ૧૫ દિવસમાં પોતાની ઑફિસે આવવાનો હુકમ મોકલ્યો. આ વાંચીને એ ગુસ્સે તો થયો પણ આ તબક્કે કંઈ ન કરવું એમ વિચારીને વીર પાંડ્ય કટ્ટબોમ્મન ત્યાં પહોંચ્યો પણ કલેક્ટર તિરુનેલવેલી જિલ્લાના પ્રવાસે નીકળી ગયો હતો. વીર પાંડ્ય જ્યાં કલેક્ટર હોય તે ગામે પહોંચતો પણ જૅક્સન એને બીજા ગામે આવવાનું કહી દે. આમ કરતાં છેલ્લે રામનાડમાં જ મળવા કહ્યું. કટ્ટબોમ્મને ધીરજ રાખી હતી. પણ એ ઑફિસે આવે તો એને કેદ કરી લેવાની જૅક્સનની મુરાદ હતી. કટ્ટબોમ્મન પોતાના વકીલ સાથે કલેક્ટરને મળવા આવ્યો ત્યારે એણે બન્નેને બેસવાની છૂટ ન આપી. ત્રણ કલાક ઊભા રહીને એને કેસ સમજાવ્યો ત્યારે નક્કી થયું કે ખંડણીની રકમ બહુ બાકી નથી. પરંતુ જૅક્સને એને કિલ્લો ન છોડવાનો હુકમ કર્યો. કટ્ટબોમ્મનનો એક મૂંગોબહેરો ભાઈ દૂરથી આ બધું જોતો હતો અને સમજી ગયો કે કટ્ટબોમ્મન જોખમમાં છે. એણે ઈશારા કરીને લોકોને એકઠા કરી લીધા. બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ તેમાં કટ્ટબોમ્મન તો બહાર આવી ગયો પણ એનો એક સાથી ઘાયલ થયો હતો તે પકડાઈ ગયો. કંપનીનો એક લેફ્ટેનન્ટ પણ માર્યો ગયો.

આટલું થયા પછી પણ પોલીગારો ઉશ્કેરાયા નહીં. એમણે ગવર્નરને પત્ર લખીને વફાદારી જાહેર કરી અને જે કંઈ બન્યું તેના માટે જૅક્સનને જવાબદાર ઠરાવ્યો અને કંપનીની કેદમાં પડેલા એમના સાથીને છોડવાની વિનંતિ કરી. ગવર્નરે જૅક્સનને સસ્પેંડ કર્યો, કટ્ટબોમ્મનના સાથીને પણ કેદમાંથી મુક્ત કર્યો અને કટ્ટબોમ્મનને તપાસ સમિતિ સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો.

એ હાજર થયો અને સમિતિએ એને નિર્દોષ ઠરાવ્યો પણ માર્યા ગયેલા લેફ્ટેનન્ટના પરિવારનો ખર્ચ એના માથે નાખ્યો. કટ્ટબોમ્મન માની ગયો.

દક્ષિણ ભારતના વિદ્રોહીઓની કામ કરવાની આ રીત હતી. મગજ પરથી કાબૂ ન ગુમાવવો, યોજના કરી હોય તેમાં આઘાપાછા ન થવું અને શત્રુ સબળ હોય ત્યાં સુધી લડાઈ ન કરવી. કટ્ટબોમ્મન શરતો પાળવા નહોતો માગતો પણ અંગ્રેજોની અવજ્ઞા કરવા માટે સમય કાઢવાનો હતો.

સંઘનો વિસ્તાર અને કટ્ટબોમ્મનનું બલિદાન

કટ્ટબોમ્મને બીજા પાંચ જાગીરોના પોલીગારો સાથે મળીને સંઘ તો બનાવી જ લીધો હતો. હવે એણે બીજા પોલીગારોનો પણ સંપર્ક કર્યો અને કંપનીની હિલચાલ પર રાખવા પોતાના જાસૂસોને મદ્રાસ મોકલ્યા! જો કે, સામાન્ય લોકોને સાથે લેવામાં એ નિષ્ફળ રહ્યો કારણ કે પરાપૂર્વથી ચાલ્યા આવતા કર કરતાં એ ઊંચા દરે કર વસૂલ કરતો હતો અને માત્ર પોલીગારોને સંગઠિત કરવા પર જ એ ધ્યાન આપતો હતો.

હવે વિદ્રોહીઓએ શિવગિરિ (કેરળ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પંજાલમકુરિચિ ખુલ્લા મેદાનમાં હતું અને શિવગિરિ પર્વતની તળેટીમાં હતું એટલે અહીં અંગ્રેજો હુમલો કરે તો મુકાબલો કરવાનું વધારે અનુકૂળ થાય એમ હતું. શિવગિરિના પોલીગારે તો સંઘમાં જોડાવાનો ઇનકાર કર્યો પણ એનો પુત્ર સામેલ થયો.

આમ તો ૧૭૯૨માં કંપનીએ આર્કોટના નવાબ સાથે સમજૂતી કરીને શિવગિરિ એને સોંપ્યું હતું, એના પ્રમાણે શિવગિરિનો શાસક કંપનીને પણ નજરાણું ધરતો. આમ શિવગિરિમાં કટ્ટબોમ્મન સામે કંઈ પગલું લેવું હોય તો એ અધિકાર આર્કોટના નવાબનો હતો, અંગ્રેજોએ સીધું કંઈ કરવાનું નહોતું. આમ છતાં કંપનીએ આર્કોટના સાર્વભૌમત્વની પરવા કર્યા વિના જ કટ્ટબોમ્મન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી.

૧૭૯૯ના મે મહિનામાં અંગ્રેજી ફોજે ચારે બાજુથી તિરુનેલવેલી પર હુમલો કર્યો. ૧૭૯૯ની ૧ સપ્ટેમ્બરે કંપનીના મેજરે કટ્ટબોમ્મનને સંદેશો મોકલીને હાજર થવાનું કહ્યું. કટ્ટબોમ્મને બહાનું કાઢી દીધું કે અત્યારે સારા દિવસ નથી એટલે શુભ દિવસો આવશે કે તરત એ હાજર થઈ જશે.

મેજર બૅનરમેન સમજી ગયો. પાંચમી તારીખે સૂરજ નીકળી તે પહેલાં અંગ્રેજી ફોજે કિલ્લાને ઘેરી લીધો. કિલ્લો આમ પણ કાચો હતો. હવે બૅનરમેને થોડા હથિયારધારીઓ સાથે એક રામલિંગમ મુદલિયારને કિલ્લામાં મોકલ્યો. એણે ત્યાં જઈને પોલીગારોને તાબે થઈ જવા કહ્યું પણ પોલીગારોએ ઘસીને ના પાડી દીધી. પરંતુ મુદલિયારે એમની એક નબળી કડી જોઈ લીધી. કિલ્લાના મુખ્ય દરવાજાની અંદરના બીજા દરવાજા પર વિદ્રોહીઓએ સંરક્ષણની કોઈ વ્યવસ્થા ગોઠવી નહોતી. વળી કિલ્લામાં માત્ર હજાર-બારસોથી વધારે માણસ નહોતા. એણે બૅનરમેનને આ સમાચાર આપ્યા. એણે લડાઈનો વ્યૂહ ગોઠવી દીધો. એક નાકું તોપથી ઉડાવી દીધું અને સૈનિકો અંદર ઘૂસી ગયા. પણ વિદ્રોહીઓએ એવો મરણિયો સામનો કર્યો કે અંગ્રેજી ફોજને પીછેહઠ કરવાની ફરજ પડી. એમણે બીજો પ્રયત્ન કર્યો પણ તેમાંય માર ખાધી. હવે એમણે વધારે કુમક મંગાવી.

આ બાજુ વિદ્રોહીઓએ જોયું કે કિલ્લો તૂટે છે, એટલે એમણે એ છોડી દીધો. આગળ જતાં કોલારપટ્ટી પાસે અંગ્રેજી ફોજ એમને સામે મળી. કેટલાયે વિદ્રોહીઓ માર્યા ગયા. વીર પાંડ્યનો નજીકનો સાથી શિવનારાયણ પિલ્લૈ પકડાઈ ગયો પણ કટ્ટબોમ્મન અને બીજાઓ નાસી છૂટ્યા અને કાલાપુરના જંગલમાં ભરાઈ ગયા.

પરંતુ અંગ્રેજોના મિત્ર પુદુકોટ્ટૈના રાજા તોંડૈમને ચારે બાજુ પોતાના માણસો વિદ્રોહીઓને પકડવા ગોઠવી દીધા હતા. એમણે વીર પાંડ્યને પકડી લીધો અને તોંડૈમને એને અંગ્રેજોને હવાલે કરી દીધો.

મુકદમાનું ફારસ ભજવાયું અને બધાને મોતની સજા કરવામાં આવી. કટ્ટબોમ્મને પોતાનો ‘અપરાધ’ કબૂલ કર્યો અને કહ્યું કે એણે જ અંગ્રેજો વિરુદ્ધ લોકોને તૈયાર કર્યા હતા. શિવનારાયણ પિલ્લૈનું માથું કાપીને ગઢના કાંગરે લટકાવી દીધું. વીર પાંડ્યને બીજી એકાંત જગ્યાએ લઈ ગયા. કહે છે કે એને જ્યાં લટકાવવાના હતા તે ઝાડ નીચે એણે બસ, પોતાના મૂંગા-બહેરા ભાઈની ચિંતા દેખાડી અને એક જ અફસોસ કર્યો કે કિલ્લો છોડ્યો એ ભૂલ હતી; કિલ્લામાં લડતાં લડતાં મોત આવ્યું હોત તો સારું થયું હોત. તે પછી એ શાંતિથી ગાળિયામાં ઝૂલી ગયો.

એનાં બધાં કુટુંબીજનો જીવનભર જેલમાં જ સબડતાં રહ્યાં અને એમની માલમિલકત અંગ્રેજોના વફાદાર પોલીગારોના હાથમાં ગઈ.

દક્ષિણ ભારતના આ સંગ્રામની ગાથા આપણે હજી આગળ વધારશું.

0-0-0-

સંદર્ભઃ

1. South Indian Rebellion: The First War of Independence 1800-1801 by K. Rajayyan, first published 1971 Rao and Raghavan Publishers, prince of Wells Road Mysore-4 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. Popular uprisings in India with special reference to Tamilnadu (1750-1857) Edited by G. J. Sudhakar. ISBN 978819083059-1 (ઇંટરનેટ પર ઉપલબ્ધ) Chapter 3 by G. Balaji.

3. http://www.sivagangaiseemai.com/maruthupandiyar/maruthu-pandiyar-history.html

4. http://www.diamondtamil.com/india/india_history/palayakkarar_rebellion/index_en.html#.W8oi-3szbIU

Science Samachar 51

() ભારતમાં દસ વર્ષમાં બમણાં સિઝેરિયન ઑપરેશનો થયાં.

ભારતમાં ૨૦૦૫-૦૬ અને ૨૦૧૫-૧૬ વચ્ચે પ્રસૂતિ માટેનાં સીઝેરિયન ઑપરેશનોની સંખ્યા બમણી થઈ ગઈ. પહેલાં દ એકસોમાંથી નવ કેસોમાં ‘સી-સેક્શન’ કરવું પડતું, ૨૦૧૫-૧૬માં આ સંખ્યા વધીને ૧૮.૫ ટકા થઈ ગઈ. લૅન્સેટ સામયિકે ત્રણ લેખોની લેખમાળામાં આ માહિતી આપી છે. રિપોર્ટ પ્રમાણે આખી દુનિયામાં એ દાયકા દરમિયાન સીઝેરિયનની સંખ્યા બમણી થઈ ગઈ. મધ્યમ અને ઊંચી આવકવાળા લોકોમાં સીઝેરિયન તરફ વલણ વધ્યું છે. આમાં પણ સરકારી હૉસ્પિટલો કરતાં ખાનગી હૉસ્પિટલોમાં સિઝેરિયન ઑપરેશનો બહુ થાય છે. દાખલા તરીકે, ત્રિપુરામાં જેટલાં સીઝેરિયન થયાં તેમાંથી ૭૩ ટકા ખાનગી હૉસ્પિટલોમાં થયાં.

બાળકના જન્મ વખતે માતા અને બાળકના જીવને જોખમ જેવું જણાય ત્યારે સીઝેરિયન જરૂરી બની જાય છે. પરંતુ બધી પ્રાઇવેટ હૉસ્પિટલોમાં શું આવા જોખમી કેસો હોય છે? કે ઑપરેશન કરવાથી કમાણી વધે અને પૈસાદાર સ્ત્રીને પ્રસવવેદના ભોગવવા કરતાં પૈસા ખર્ચવાનું વધારે સહેલું લાગે છે?

દક્ષિણ એશિયામાં ૨૦૦૦ના વર્ષ સુધી સીઝેરિયન ઑપરેશન પદ્ધતિનો ઉપયોગ જરૂર હોય ત્યારે પણ નહોતો થતો. હવે સ્થિતિ એ છે કે હવે એનો વધારે પડતો ઉપયોગ થાય છે.

લંડનની કિંગ્સ કૉલેજનાં પ્રોફેસર જેન સૅંડૉલ કહે છે કે સી-સેક્શનની જરૂર ન હોય તો પણ એનો ઉપયોગ વધ્યો છે. આની અસર માતા અને બાળકના આરોગ્ય પર શી પડે છે તેનો અભ્યાસ થવો જોઈએ.

૦૦૦૦

સંદર્ભઃ ઇંડિયાસ્પેંડ-45728 અને http://www.thehindu.com 25210258

<><><>< 

() કિલોગ્રામનેઆવજોકહેવું પડશે.

૧૩૦ વર્ષથી કામ આપતી દશાંશ પદ્ધતિનો કિલોગ્રામ હવે જવાનો છે. આ અઠવાડિયે ફ્રાંસના વર્સાઈ (Versilles)માં ૨૬મી General Conference on Weights and Measures (CGPM) મળે છે તેમાં ફ્રાંસ ઉપરાંત ૬૦ દેશોના વૈજ્ઞાનિકો મળવાના છે, એમાં મીટ્રિક સિસ્ટમમાં આંતરરાષ્ટ્રીય માપ પદ્ધતિમાં સુધારા કરવાનો નિર્ણય લેવાશે. આજના કિલોગ્રામને લેગ્રાં K’ એવું નામ આપવામાં આવ્યું છે.

આપણો આજનો કિલોગ્રામ વાસ્તવિક પદાર્થ છે, હવે તેની જગ્યાએ વૈજ્ઞાનિકો ક્વૉન્ટમ મિકેનિક્સમાં ચાલતા પ્લાંકના અચલાંકનો આધાર લેશે.

અહીં આજના કિલોગ્રામનો ફોટો આપ્યો છે. એ ૯૦ ટકા પ્લેટિનમ અને ૧૦ ટકા ઇરીડિયમનો બનેલો છે. દર ૪૦ વર્ષે એને બહાર કાઢીને સાફ કરાય છે.

ભારતમાં નેશનલ ફિઝિકલ લૅબોરેટરી પાસે આનો સ્ટૅંડર્ડ નમૂનો (NPK-57) રાખેલો છે, જે ૧૯૫૮માં ભારતને મળ્યો હતો. ૧૯૫૯માં આપણે મીટ્રિક સિસ્ટમ લાગુ કરી તે પછી શેર, મણની જગ્યા કિલોગ્રામ, ક્વિંટલે લીધી. અંતર માપવામાં પણ માઇલને બદલે કિલોમીટરનો ઉપયોગ શરૂ થયો.

૦૦૦૦

સંદર્ભઃ sciencemag.org/kilogram અને http://www.nplindia.in/mass-standards

<><><><><>

(3) પર્યાવરણની વિપરીત અસરથી કીડાઓનો નાશ

પર્યાવરણમાં વધેલી ગરમીને કારણે પેટ પર સરકતા જીવોનો નાશ થવા લાગ્યો છે. પ્યુર્તો રિકોમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું કે વિષુવવૃત્તીય જંગલોમાં આવા જીવોની સંખ્યામાં મોટા પાયે ઘટાડો થયો છે. બ્રેડફોર્ડ સી. લિસ્ટર અને આંદ્રેસ ગાર્સિયાએ વિષુવવૃત્તી જંગલોમાં મળતા કચરાનો અભ્યાસ કર્યો અને એના પરથી આ તારણ આપ્યું છે. ૧૯૭૦માં આવો જૈવિક કચરો તપાસવામાં આવ્યો હતો. એની સરખામાણીએ જૈવિક કચરો ૧૦થી ૬૦ ટકા ઘટ્યો છે. એ સાથે કીડા ખાનારા જીવો, ઘરોળી, કાચિંડા, દેડકા અને પક્ષીઓની સંખ્યા પણ ઘટી છે.

ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી બધા પ્રદેશો પર પર્યાવરણની ખરાબ અસર પડી છે પણ એમ માનવામાં આવતું હતું કે વિષુવવૃત્ત પર અસર પ્રમાણમાં ઓછી થઈ છે. પરંતુ આ અભ્યાસ દેખાડે છે કે આ અસર ધાર્યા કરતાં વધારે ગંભીર છે.

પૃથ્વી પર જૈવિક પરિવેશના સંતુલનમાં કીડાઓનું બહુ જ મહત્ત્વ છે. લિસ્ટર કહે છે કે માત્ર આ કીડા જ નહીં, ઊડતા કીડા અને પતંગિયાંની મોટી વસ્તીનો પણ નાશ થયો છે.

૦૦૦૦

સંદર્ભઃ (૧):hyperalarming-study અને (૨) pnas.org/content/115/44/E10397

વિશેષ જાણકારો માટે https://doi.org/10.1073/pnas.1722477115

<><><><>

() પોલિયો જેવો નવો રોગ

અમેરિકામાં હવે પોલિયો જેવા બીજા એક વાઇરસનો ફેલાવો થવા લાગ્યો છે. સામાન્ય રીતે તો એ વાઇરસથી સળેખમ થાય છે પણ અમુક કેસો એવા મળ્યા કે એમાં પોલિયો જેવાં લક્ષણો દેખાયાં. સંપૂર્ણ નીરોગી બાળકો પર આ વાઇરસે હુમલો કર્યો તે પછી એ બાળકો એમના હાથ અને પગના સ્નાયુઓ પરનો અંકુશ ગુમાવી બેઠાં. આ બીમારીને ઍક્યૂટ ફ્લૅક્સિડ માઇલાઇટિસ (AFM) કહે છે. ૨૨ રાજ્યોમાંથી ૬૨ કેસ મળ્યા છે અને હજી બીજા ૬૫ કેસોમાં AFMની શંકા હોવાથી સઘન તપાસ ચાલે છે. ૨૦૧૪ અને ૨૦૧૬માં પણ આ બીમારી ફેલાઈ હતી. મૅરીલૅન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરની જ્હૉન હૉપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થનાં ઍપિડેમિયોલૉજિસ્ટ પ્રિય દુગ્ગલ કહે છે કે આ બીમારીનું ચક્ર છે એટલે વારંવાર આવ્યા કરે છે અને જતી નથી. EV-D68, લાળ અને લીંટ મારફતે ફેલાય છે. ૨૦૧૪માં આ બીમારીમાં સપડાયેલાં બાળકોને હૉસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. આ બીમારી દુનિયામાં ન ફેલાય એવી આશા રાખીએ.

૦૦૦૦

સંદર્ભઃ https://www.sciencemag.org/news/2018/10/us-reports-new-cases-puzzling-poliolike-disease-strikes-children

<><><><> 

India: Slavery and struggle for freedom :: Part 2 :: Struggle for Freedom – Chapter 6

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૬: પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ દક્ષિણ ભારતમાં? ()

અંગ્રેજ કંપનીનું મૂળ લક્ષ્ય પૈસા કમાવાનું હતું. આના માટે કોઈ પણ સાધન એમના માટે અપવિત્ર નહોતું. બે રજવાડાં વચ્ચેના ઝઘડામાં માથું મારવું અને પછી કબજો જમાવી લેવો, ખાસ કરીને નાણાના સ્રોત પોતાના હાથમાં લઈ લેવા – જમીન મહેસૂલ અને બીજા વેપારધંધાના કરવેરા – એ એમનું મુખ્ય ધ્યેય રહેતું. આમાં રાજાઓને લાંચ આપવી પડે તો તે, લડાઈ કરવી પડે તો તે – ઈસ્ટ ઇંડિયા કંપની બધા ઉપાયો માટે તૈયાર હતી. રાજાઓ પોતાની ગાદી બચાવવા માટે જનતાને બદલે વિદેશી વેપારીઓ પર આધાર રાખતા હતા.

કંપનીની નજરે લોકોનું અસ્તિત્વ જ નહોતું. ૧૭૭૦ના દુકાળમાં ખેતરોમાં ઊભો પાક સુકાઈ ગયો હતો. લોકો પાસે બહારથી અનાજ મંગાવવા સિવાય રસ્તો નહોતો, પણ ગાડે જોડવા બળદ નહોતા, કંપનીએ બધા બળદ મૈસૂર સામેની લડાઈમાં લશ્કરનો સરસામાન લઈ જવામાં જોતરી દીધા હતા. લોકો માટે જવા-આવવાનું પણ સાધન નહોતું, તો અનાજ ક્યાંથી લાવે? એ જ રીતે, અનાજ પણ કંપનીના એજન્ટો બળજબરીથી ઉઠાવી જતા; લોકો ભલે ભૂખે મરે, લશ્કરને અનાજ મળવું જોઈએ. કંપની હસ્તકના પ્રદેશોમાં વેપારધંધા પણ તૂટવા લાગ્યા હતા કારણ કે એક બાજુથી કંપનીની લૂંટ ચાલતી અને રહ્યાસહ્યા માલ પર કર ચુકવવાનું ભારે પડતું હતું. આમ જે પરંપરાઓ હતી તે તૂટવા લાગી હતી.

બિલ ઑફ રાઇટ્સ

કનારા જિલ્લાના દેશભક્તોએ અવાજ ઉઠાવવાની પહેલ કરી. લોકો જૂના દિવસો યાદ કરતા હતા, પહેલાં કરવેરા વધતા નહીં અને એના માટેના તકાદા પણ મોળા રહેતા. કનારામાં કલેક્ટર થોમસ મનરો જ્યાં જતો ત્યાં લોકો એને અરજીઓ આપતા અને જાણ કરતા કે પરંપરાથી લેવાતા કર કરતાં વધારે એક પૈસો પણ ન હોવો જોઈએ. લોકો આ કર નહીં ચૂકવે. થોમસ મનરોએ પોતે જ આ અરજીઓને Bill of Rights ( અધિકારો માટેનો માંગપત્ર) તરીકે ઓળખાવી છે.

પોલીગારો તો માનતા જ હતા કે અંગ્રેજી વહીવટકારો એમની વાત કદી માનશે નહીં. ૧૭૯૭માં કંપનીને એક નનામો પત્ર મળ્યો. એમાં ચેતવણી આપવામાં આવી હતી કંપની લોકોનાં જૂનાં ઘરો તોડીને એની જગ્યાએ પોતાના કૅપ્ટનો અને કલેક્ટરો માટે નવાં ઘરો બાંધવા લોકોને એમનાં ખેતરોમાંથી પકડીને લઈ જાય છે અને બેગાર કરાવે છે તે ન્યાયની વિરુદ્ધ છે. જનતા જાગવા લાગી હતી.

પ્રજાકીય સંઘો અને મરુદુ ભાઈઓ

૧૭૯૫ અને ૧૭૯૯ વચ્ચે લોકો સંઘો બનાવીને સંગઠિત થવા લાગ્યા. કંપનીની હકુમતથી ત્રસ્ત અને દેશી શાસકોની સ્વાર્થી નીતિઓથી નિરાશ જનતા પાસે હવે બીજો કોઈ રસ્તો નહોતો. શિવગંગા, રામનાડ અને મદુરૈના નેતાઓએ અંગ્રેજવિરોધી સંગઠન ઊભાં કરવામાં આગળપડતો ભાગ ભજવ્યો.

આમાં શિવગંગાના મરુદુ પાંડ્યન ભાઈઓનો ઉલ્લેખ ખાસ જરૂરી છે. બન્ને ભાઈઓ ‘શેરોગાર’ (લશ્કરી અથવા મંત્રી) તરીકે ઓળખાતા. બન્ને પડછંદ, ભરાવદાર અને હિંમતવાન હતા. અંગ્ર્રેજોના એ ખાસ દુશ્મન હતા, ૧૭૭૨માં શિવગંગા પર કંપનીએ કબજો કરી લીધો તે પછી આ ભાઈઓએ લોકોને સંગઠિત કર્યા અને અંગ્રેજો તેમ જ કર્ણાટકના નવાબની સંયુક્ત ફોજને હરાવીને શિવગંગા પાછું લઈ લીધું. તે પછી શિવગંગામાં એમણે રાણીને બહુ મદદ કરી.

જો કે વેળ્ળ (મોટા) મરુદુને રાજકાજ કરતાં શિકારમાં વધારે રસ હતો. જંગલી પ્રાણીઓનો પીછો કરીને એને ઢાળી ન દે ત્યાં સુધી એને ચેન ન પડતું. એ એટલો જોરાવર હતો કે એના વિશે લોકવાયકા હતી કે એ ચલણી સિક્કો હાથથી વાળી શકતો. એણે રાજકાજ ચિન્ન્ન (નાના) મરુદુ પર છોડી દીધું હતું. અંગ્રેજો એને છંછેડવા નહોતા માગતા અને એની પાસેથી મહેસૂલની રકમ પણ માત્ર આવકના ત્રીજા ભાગ જેટલી જ વસૂલ કરતા. આમ છતાં ચિન્ન મરુદુએ જનતાના સંગઠનની આગેવાની લીધી.

એણે સ્થિતિની સમીક્ષા કરી કે દેશના અધઃ પતન અને અંગ્રેજોની ચડતીનાં ચાર કારણો હતાંશાસકોની અંદરોઅંદરની લડાઈઓ, એમાં અંગ્રેજોની મદદ લઈને હરીફને હંફાવવાની વૃત્તિ, અંગ્રેજોની દગાબાજી, અને આપણા લોકોની શાસકો સામે અહોભાવથી નમી પડવાની ટેવ. જો કે એને ભારતમાં બીજે ઠેકાણે શું થતું હતું તેની બહુ ખબર હોય તેવું જાણવા નથી મળતું.

ચિન્ન મરુદુએ કેટલાંય ગામોના પટેલોને સંદેશ મોકલ્યા અને અંગ્રેજો સામે લડવા માટે તૈયાર થવાનું એલાન કર્યું. રામનાડના મેલપ્પન, સિંઘમ ચેટ્ટી, મુત્તુ કરુપા તેવર અને તંજાવ્વુરના જ્ઞાનમુત્તુએ આ આહ્વાન સ્વીકાર્યું અને ‘શેરોગાર’ મરુદુની આગેવાની હેઠળ સંગઠિત થવા સંમત થયા. મદુરૈના સામાન્ય લોકો અને ખાસ કરીને કલ્લણો તો સક્રિય વિદ્રોહી બની ગયા. આમ ચિન્ન મદુરુની આગેવાની હેઠળ એક સંઘ બની ગયો.

મદુરુના સાથીઓમાંથી મેલપ્પન પહેલાં એક અર્ધ લશ્કરી દળમાં હતો. એના રાજા સેતુપતિની હાર થતાં એણે અંગ્રેજોની સામે લોકોને તૈયાર કર્યા. અંગ્રેજોને એની હિલચાલની ખબર પડી જતાં એને જેલમાં નાખ્યો પણ એ ત્યાંથી ભાગી છૂટીને મદુરુના આશ્રયમાં શિવગંગા પહોંચી ગયો હતો. એણે તાડપત્ર પર લોકોને કરવેરા ન ચુકવવાના સંદેશ મોકલ્યા. “પહેલાં જે થઈ ગયું, તે થઈ ગયું પણ હવેથી એવું કંઈ ન કરવું કે અંગ્રેજો રાજી થાય. એના સંદેશ પછી લોકોએ કર ભરવાનું બંધ કરી દીધું, એટલું જ નહીં, કેટલીયે જગ્યાએ તો કર વસૂલવા આવેલા કંપનીના માણસોને પણ એમણે તગેડી મૂક્યા.

૧૭૯૯માં કંપની ટીપુ સામેની અંતિમ લડાઈમાં વ્યસ્ત હતી ત્યારે વિદ્રોહીઓએ દુશ્મનના શસ્ત્રાગારો પર હુમલા કરીને શસ્ત્રો લૂંટી લીધાં.

વિદ્રોહીઓનો પહેલો પરાજય

પરંતુ અંગ્રેજોની સૈન્યશક્તિ સામે એમની સંખ્યા બહુ ઓછી હતી. જબ્બરદસ્ત હતી. ૧૭૯૯ના ઍપ્રિલમાં અંગ્રેજી લશ્કરી ટૂકડીએ કોમેરી પાસે વિદ્રોહીઓની છાવણી પર ઓચિંતો છાપો માર્યો, એમાં ઘણા વિદ્રોહી માર્યા ગયા. પાલામંચેરી પાસેની લડાઈમાં વિદ્રોહીઓનો એક નેતા સિંઘમ ચેટ્ટી માર્યો ગયો. એનું માથું કાપીને એમણે કોમેરીમાં જાહેર સ્થળે થાંભલે લટકાવી દીધું. એના માણસોએ હવે વિદ્રોહમાં ન જોડાવાનો સમજીવિચારીને નિર્ણય લીધો અને એવી હવા ઊભી થઈ કે લોકો ફરી વફાદાર બની ગયા છે. આટલી શાંતિથી રામનાડના કલેક્ટરને પોતાની પણ શંકા પડી કે લોકો ખરેખર હાર્યા છે કે કંઈ નવું રંધાય છે. એણે લખ્યું કે આવા ઓચિંતા હુમલાઓમાં પણ ગામવાસીઓને કંઇ નુકસાન ન થયું અને લૂંટફાટ પણ માત્ર શસ્ત્રોની થઈ એ દેખાડે છે કે લૂંટ, માત્ર લૂંટ નહોતી, એનો હેતુ કંઈક જુદો જ હોવો જોઈએ.

તિરુનેલવેલીમાં સંઘ

બીજી બાજુ, પૂર્વમાં તિરુનેલવેલીના પંજાલામકુરિચિના વીર પાંડ્ય કટ્ટબોમ્મને સક્રિય બનીને સંગઠન ઊભું કર્યું.

આ બાજુ પંજાલમકુરિચિનો પોલીગાર કટ્ટબોમ્મન સતત અંગ્ર્રેજો સામે ટટક્કર લેતો રહ્યો હાતો પણ સ્વભાવે એ શાંતિપ્રિય હતો પણ અંગ્રેજો સામેની લડાઈઓમાં અપમાન ભર્યા પારાજયો અને બીજી બાજુ મદુરુએ પણ સંઘ બનાવ્યો છે તે જાણીને એને સંતોષ થયો.હતો. હવે એને મળવા મટે મદુરુએ વિદ્દ્રોહીઓની એક ટુકડી મોકલી. કટ્ટબોમ્મન એમને મળ્યો અને બન્ને સંઘોએ સાથે મળીને લડવાનો વિચાર કર્યો. એ મદુરુને મળવા માટે શિવગંગા જવાઅ નીકળ્યો પણ કલેક્ટર લુશિંગ્ટનને આમાં ખતરો દેખાયો. એ તબક્કે વિદ્રોહીઓને અંગ્રેજો સામે લડાવાનું યોગ્ય ન લાગ્યું એટલે એ રસ્તામાં જ રોકાઈ ગયો. ત્યાં મદ્દુરુના માણસો એને મળ્યા અને બન્ને સંઘોએ સાથે મળીને લડવાનું નક્કી કર્યું. મદ્દુરુના પાંચસો સૈનિકો કટ્ટબોમ્મન સાથે ગયા.

આમ વિદ્રોહની આગના તણખા દૂર સુધી પહોંચતા થયા. પરંતુ પોલીગારો બહુ સાવધાનીથી, ઓચિંતો ભડકો ન થાય તેની કાળજી રાખીને આગળ વધતા હતા. આ સંદર્ભમાં રામનાડના ઉદ્ધત અને લાંચિયા કલેક્ટર સામે કટ્ટબોમ્મને મગજને કેટલું શાંત રાખ્યું તે જાણવા જેવું છે. એનો હેતુ માત્ર એટલો જ કે અંગ્રેજો સામે લડવા માટે સંઘો વ્યાપક બને તે પહેલાં જ કંઈ થાય તો વિદ્રોહની આખી યોજના પડી ભાંગે તેમ હતી. પણ એ કથા હવે પછી.

0-0-0-૦

સંદર્ભઃ

1. South Indian Rebellion: The First War of Independence 1800-1801 by K. Rajayyan, first published 1971 Rao and Raghavan Publishers, prince of Wells Road Mysore-4 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. Popular uprisings in India with special reference to Tamilnadu (1750-1857) Edited by G. J. Sudhakar. ISBN 978819083059-1 (ઇંટરનેટ પર ઉપલબ્ધ) Chapter 3 by G. Balaji.

3. http://www.sivagangaiseemai.com/maruthupandiyar/maruthu-pandiyar-history.html

4. http://www.diamondtamil.com/india/india_history/palayakkarar_rebellion/index_en.html#.W8oi-3szbIU

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom Chapter 5

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૫: પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ દક્ષિણ ભારતમાં? ()

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામને ભારતનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ માનવામાં આવે છે. પરંતુ દક્ષિણ ભારતમાં ટીપુના મૃત્યુ પછી૧૮૦0-૧૮૦૧માં જે વિદ્રોહ થયો તેને કેટલાક વિદ્વાનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ માને છે. એમનો મત છે કે ૧૮૫૭નો સંગ્રામ બીજો હતો. સંગઠનની દૃષ્ટિએ દક્ષિણ ભારતનો આ સંગ્રામ વધારે વ્યવસ્થિત હતો અને યોજનાપૂર્વક થયો હતો. એટલું જ નહીં, એમાં કેરળ (મલબાર), કર્ણાટક (કન્નડનાડ) અને તમિળનાડુ જોડાયેલાં હતાં એમાં સામાન્ય માણસોએ વીરતાપૂર્વક પોતાના પ્રાણ હોમી દીધા. આપણે આ વીરગાથાથી પરિચિત નથી એ દુઃખની વાત છે. ખરેખર તો, જ્યાં અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ જમાવી લીધું હતું ત્યાં પ્રજામાં ઊગ્ર વિરોધ હતો.

૧૭૯૫થી ૧૭૯૯

બંગાળ પર અંગ્રેજોનો કબજો થઈ જ ગયો હતો, જો કે અઢારમી સદીના અંત સુધી એમને સંન્યાસીઓ, ફકીરો અને ચુઆડોના જબ્બર વિદ્રોહનો સામનો કરવો પડ્યો. આમ જોઈએ તો આજના કર્ણાટકના ઘણા પ્રદેશો એમના કબજામાં હતા. દક્ષિણમાં એમને મુખ્ય ટક્કર તો મૈસૂરનાન શાસકો હૈદર અલી અને ટીપુ સુલતાન તરફથી મળી. ૧૭૯૯માં ટીપુના મૃત્યુ પછી તરત જ ૧૮૦0-૧૮૦૧માં જ અંગ્રેજોને લોકવિદ્રોહનો સામનો કરવો પડ્યો, એ મોટી વાત છે. પરંતુ સંગઠિત વિરોધ તો ૧૭૯૫થી જ શરૂ થઈ ગયો હતો.

ત્યાંના કેટલાક પ્રદેશો, જેમ કે કનારા અને સુંદા (આજના દક્ષિણ કન્નડા અને ઉત્તર કન્નડા જિલ્લાઓ)માં રાજાની દરમિયાનગીરી ઓછી હતી અને જમીન પર વારસા હક હતો. આના કારણે ત્યાં સમાજમાં સુખ સમૃદ્ધિનાં દર્શન થતાં હતાં. શાસન વ્યવસ્થા પણ સારી હતી. અહીં પોલીગાર (પલયક્કરાર) પદ્ધતિ હતી. રાજ્યને લશ્કરી સેવા આપવા બદલ એમને અમુક ગામો આપવામાં આવતાં. એટલે કે પોલીગાર જાગીરદારો હતા. એ રાજા અને પ્રજાની વચ્ચેના સ્તરના હતા પણ સામાન્ય રીતે એમનું માન હતું કારણ કે પરંપરાઓ જ કાયદો હતી અને પોલીગાર એમાં વચ્ચે ન પડતા. પરંતુ આ વ્યવસ્થા મોગલ શાસકોએ કરેલી હતી. મોગલો નબળા પડતાં દક્ષિણમાં મૈસુર અને કર્ણાટક, હૈદરાબાદમાં નિઝામ અને ઉત્તર ભારતમાં અવધ સ્વાધીન થવા લાગ્યાં હતાં. પોલીગારો લોકોના અંદરોઅંદરના કે રાજ્યના અધિકારીઓ સાથેના વિવાદમાં ઉદારતાથી લોકોની તરફેણ કરતા. કોઈ સ્થળે તો એવા પોલીગાર હતા કે જે રાજ્યને આપવાનું હોય તેટલું જ મહેસૂલ વસૂલ કરતા અને પોતાનો જીવનનિર્વાહ પોતાની જમીનની ઉપજમાંથી કરતા. આમ ઉત્તર ભારતના જાગીરદારો કરતાં એ જુદા પડતા હતા. જો કે કેટલાક શોષણખોર પણ હતા અને એ પડતીની નિશાની હતી. વળી ગ્રામસમાજ વધારે વ્યવસ્થિત હતો અને ‘પટેલ’ એનો મુખ્ય માણસ હતો. સામાન્ય લોકોની સુખાકારી સાચવવી એ એનું કામ હતું. ‘કવળકાર’ મારફતે પટેલ અજાણ્યા માણસોની હિલચાલ પર ધ્યાન રાખતો અને ચોરી જેવા ગુના પકડવા વગેરે એનાં કામો હતાં. આમ, રાજા, પોલીગાર અને પટેલ ત્રણ સ્તરની સત્તા હતી. પરંતુ એ બંધારણ બનાવીને ઊભાં કરાયેલાં સત્તાતંત્રો નહોતાં, આમ છતાં રાજા પોલીગારો કે જનતા પર અથવા પોલીગાર જનતા પર કંઈ ઠોકી બેસાડે એવું નહોતું બનતું કારણ કે ત્રણેય પાંખને ડર રહેતો કે એના સ્તરે ખોટું થશે તો બીજી બે પાંખો વિરોધ કરશે.

રાજાઓ અને નવાબોનો સ્વાર્થી વ્યવહાર

કર્ણાટક, મૈસૂર, તાંજોર (તંજાવ્વુર) કે હૈદરાબાદના શાસકો તો બહારથી આવ્યા હતા એટલે વ્યવસ્થા જાળવી રાખવામાં પોલીગારો મહત્ત્વનો ભાગ ભજવતા. આ શાસકોની અંદરોઅંદરની લડાઈઓએ જ બ્રિટિશ સત્તાનો વિસ્તાર કરવાની તક મળી. કોઈ પણ શાસક મદદ માગવા કંપની પાસે ચાલ્યો જતો. ત્રાવણકોર, પુદુકોટ્ટૈ, તંજાવ્વુર, મૈસુર, આર્કોટ, પુણે, હૈદરાબાદ વગેરેના શાસકોને અંગ્રેજોની મદદ લેતાં પહેલાં બે વાર વિચાર કરવાની જરૂર નહોતી લાગતી.

ત્રાવણકોરના ધર્મ રાજાએ કંપનીને લખ્યું કે ઈશ્વર જાણે છે કે અંગ્રેજ કંપની સાથે મારી મૈત્રી અને લાગણી આખી દુનિયામાં જાણીતી છે. ઈશ્વરના નામે હું કહું છું કે હું એમના ટેકા પર બહુ આધાર રાખું છું.” એણે રૈયતની પરવા કર્યા વિના જ રાજ્યમાં આવેલી બ્રિટિશ સૈનિક ટુકડીનું સ્વાગત કર્યું! આ ટુકડી ખરેખર તો એના પર કાબૂ મેળવવા આવી હતી! મૈસૂર અને તમિળનાડુના પોલીગારો સામે અંગ્રેજોની લડાઈમાં એણે કંપનીને મદદ આપી.

પુદુકોટ્ટૈના તોંડૈમનને તો લાગતું હતું કે અંગ્રેજો માટે જે સારું હોય તે જ એના માટે પણ સારું હોય. ટીપુ સુલતાન ૧૭૯૯માં એની છેલ્લી લડાઈ લડતો હતો ત્યારે તોંડૈમને પોતાનું લાવ લશ્કર, સાધનસામગ્રી, બધું અંગ્રેજોની સેવામાં હાજર કરી દીધું.

આર્કોટના મહંમદ અલીએ તો ચંદાસાહેબ સામેની લડાઈમાં અંગ્રેજોની સીધી મદદ લીધી. અને મૈસુર સામે અંગ્રેજોએ લડાઈ જાહેર કરી ત્યારે એમણે કર્ણાટકના મહેસૂલ ખાતાનો કબજો લઈ લીધો. કર્ણાટકના નવાબે બહુ માથાં પછાડ્યાં પણ અંગ્રેજોએ પરવા જ ન કરી. ૧૭૯૨માં એમને ફરી મહેસૂલનો વહીવટ નવાબને પાછો સોંપ્યો પણ તે સાથે એક નવો કરાર કર્યો કે અંગ્રેજો પૂર્વ કિનારે જ્યાં પણ આક્રમક કે બચાવ માટેની લડાઈ લડે ત્યારે કર્ણાટકનો મહેસૂલી વહીવટ પોતાના હસ્તક લઈ લેશે. નવાબે આવી શરમજનક શરત માનીને પોતાની ગાદી બચાવી.

કર્ણાટકના નવાબ મહંમદ અલી પાસેથી કંપનીએ ૩૫ લાખ રૂપિયા લાંચમાં લીધા અને બદલામાં રાજા તુલજાજીનું તંજાવ્વુર એને અપાવી દીધું. ત્રણ વર્ષ પછી કંપની ફરી ગઈ. રાજાને તંજાવ્વુર ફરી સોંપ્યું પણ કરાર કર્યો કે અંગ્રેજો એના રક્ષક બને અને રાજા દર વર્ષે એમને ૧૨ લાખ રૂપિયા ચૂકવે. અને ટીપુ સામે એમને પેશવા અને નિઝામ મદદ કરતા જ હતા.

અંગ્રેજો સાથે શાસકોના સ્વાર્થી સંબંધોની અસર એ થઈ કે રાજા-પોલીગાર્‌-પ્રજા વચ્ચેની સમતુલા તૂટી ગઈ. અંગ્રેજો ધન અને પ્રદેશ માટે સતત મોઢું ફાડતા જ જતા હતા સ્વાર્થી, અલ્પદૃષ્ટિવાળા શાસકો જે કંઈ હાથે ચડ્યું તે આ હોમતા ગયા. ૧૭૮૭માં કર્ણાટકમાં ૮૪ ટકા પાઅક મહેસૂલ તરીકે રાજ્યે લઈ લીધો. આ અસહ્ય હતું. આમાં સમાજમાં જે સામાન્ય સંબંધો હતા તેના પર અસર પડી. પહેલી વાર પ્રજાજીવનમાં રાજ્યની દરમિયાનગીરી વધી ગઈ અને જુલમો પણ વધી ગયા. અંતે જનતાનો રોષ પોતાના શાસકો અને એમનો દોરીસંચાર કરનાર ઈસ્ટ ઇંડિયા કંપની સામે વધતો ગયો.

૧૭૯૯ સુધીમાં અંગ્રેજોએ આંધ્રના કાંઠાના પ્રદેશો, તમિળનાડુમાં ચેંગલપટ્ટુ, તંજાવ્વુર, ડિંડિગળ, રામનાડ, કોયંબત્તુર, સેલમ, સેરિંગપટનમ (ટીપુના મૃત્યુ પછી), કનારા અને કેરળમાં મલબાર પર કબજો કરી લીધો હતો અને એમના વર્ચસ્વ હેઠળનો વિસ્તાર કન્યાકુમારી સુધી પહોંચ્યો હતો.

૧૭૫૧થી પોલીગારો વિરુદ્ધ પગલાં

પરંતુ એમને આંખના કણાની જેમ ખૂંચતી હતી તે પોલીગાર પદ્ધતિ હતી કારણ કે એ રાજ્યના શોષણની વિરુદ્ધ રૈયત માટે કામ કરતા હતા. અંગ્રેજોની નજરે આ નાફરમાની હતી એટલે એમણે સૌથી પહેલાં તો પોલીગારોને દબાવવાનાં પગલાં લીધાં. આમ તો ૧૭૫૧થી જ એમણે પોલીગારો સામે લડવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ પોલીગારો પણ ગાજ્યા જાય તેમ નહોતા. પંજલમકુરિચિ અને ઍટ્ટાયાપુરમના પોલીગારો અંગ્રેજોના પહેલા હુમલામાં સફળ રહ્યા અને અંગ્રેજોએ ભાગવું પડ્યું પણ તે પછી અંગ્રેજોનાં ચડિયાતાં શસ્ત્રો અને સંખ્યા સામે એ હાર્યા. એ જ રીતે, તિરુનેલવેલીનો પોલીગાર પુલી તેવર એની બહાદુરી માટે જાણીતો હતો. અંગ્રેજોએ એના પર હુમલો કર્યો ત્યારે એની નાની સેનાએ એવો મરણિયો હુમલો કર્યો કે અંગ્રેજી ફોજ પોતાની શિસ્ત ભૂલી ગઈ અને ભાગી નીકળી. અંગ્રેજી ફોજ તિરુચિરાપલ્લી પહોંચી ત્યારે કલ્લણોએ રહ્યુંસહ્યું પુરું કરી દીધું.

પોલીગારો અઠંગ લડવૈયા હતા. સામ, દામ, દંડ અને ભેદ – બધું લાગુ કરતાં એ અચકાતા નહીં. સૌના સમાન દુશ્મન સામે એ એકઠા થતા, અંગ્રેજોના પક્ષે જેમને ફોડી શકાય એમને લાંચ પણ આપતા, લડાઈમાં ઢીલા પડે તો સમજૂતી કરી લેતા અને પાછા જઈને સમજૂતીઓને ઠોકરે ચડાવતા. પરંતુ આ તો ૧૭૫૬ સુધીની વાત. તે પછી પણ પોલીગારોનો વિદ્રોહ ચાલુ રહ્યો પરંતુ હવે અંગ્રેજોની સત્તા વિરાટ બની ચૂકી હતી. હજી આપણે હવે પછીનાં પ્રકરણોમાં પણ દક્ષિણ ભારતના આ સંગ્રામની ચર્ચા ચાલુ રાખીશું.

0-0-0-

સંદર્ભઃ

South Indian Rebellion: The First War of Independence 1800-1801 by K. Rajayyan, first published 1971 Rao and Raghavan Publishers, prince of Wells Road Mysore-4 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

http://www.diamondtamil.com/india/india_history/palayakkarar_rebellion/index_en.html#.W8oi-3szbIU

%d bloggers like this: