Satyavachan (5)

‘સત્યવચન’ ચર્ચાના અનુસંધાનમાં આ અઠવાડિયે બે બ્લૉગલેખોની ખાસ નોંધ લેવી પડે એમ છે.

(૧) શ્રી જુગલભાઈના Net-ગુર્જરી બ્લૉગ પરનો લેખ ‘ સમસંવેદનનું જીવંત ઉદાહરણ: ન. પ્ર. બૂચ.’ ;અને

(૨) શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના ‘કુરુક્ષેત્ર’ બ્લોગ પરનો લેખ ‘રેશનલ આધ્યાત્મિકતા????’ ( http://raolji.com/2011/09/22/%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%86%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE/)

શ્રી જુગલભાઈના લેખનું મહત્વ એ છે કે તેઓ અહીં ચર્ચા દરમિયાન ‘સમસંવેદન’ શબ્દ લાવ્યા હતા અને ચર્ચાને એક નિશ્ચિત આકાર આપવામાં એમણે ફાળૉ આપ્યો. જાણે આ શબ્દના ઉદાહરણ રૂપે આ લેખ શ્રી બૂચ સાહેબના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડે છે. માણસ પોતાને ભૂલીને બીજાનું વિચારે તે સમસંવેદન. પોતાને સામાની જગ્યાએ મૂકીને વિચારવું એ જ સમસંવેદન છે. લેખમાં આગળ તરી આવતી બાબત એ છે કે શ્રી બૂચસાહેબ આધ્યાત્મિક વાતો નથી કરતા. જીવ-શિવ, આત્મા-પરમાત્મા એવું કશું જ નહીં, માત્ર જીવનને યથાતથ સ્વીકારીને પોતાને ગાળી નાખવાની વાત છે. આપણે જાણતા નથી કે મોક્ષ અને આત્માના અમરત્વ અંગે એમના વિચારો શા હતા. પરંતુ જીવનનો સ્વીકાર કરીને બીજા માટે જીવવાની એમની નિષ્ઠા હૃદયસ્પર્શી છે. સત્ય આ જીવનમાં છે, જીવનથી ભાગવાથી સત્ય ન મળે.

શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના લેખનું શીર્ષક જ એને વિશિષ્ટ બનાવી દે છે. રેશનલ આધ્યાત્મિકતા! આમ તો આ બન્ને શબ્દો વચ્ચે સંબંધ હોય એમ જણાતું નથી, કારણ કે આધ્યાત્મિકતાને બુદ્ધિથી પર અને ઉપર માનવામાં આવે છે. ‘રેશનલ’ તો આ દુનિયા માટેનો શબ્દ છે. આધ્યાત્મિકતા આ દુનિયામાં કામ ન આવે તો એનું હોવું ન હોવું એક સરખું છે. સત્ય પણ આ જગત અને આ જીવનની બહાર નથી. જીવનના વ્યવહારમાં જે વ્ય્ક્ત થાય તે જ સત્ય છે. આ લેખ પર પ્રતિભાવ આપતાં મને એક વાત સૂઝી.

‘આત્મિક’ એટલે સ્વકેન્દ્રિત અને આધ્યાત્મિક એટલે એનાથી ઉપર હોય તે. આનો અર્થ આપણે એવો કરીએ છીએ કે ‘સ્વ’નો અંત આ્ણવો જોઈએ.પરંતુ ખરો અર્થ તો એ છે કે ‘સ્વ’નો વિસ્તાર કરીએ. ‘સ્વ’ એવો બને જેને ‘સ્વ’ તરીકે ઓળખી ન શકાય. જીવનના સત્યને સમજવું એ જ ખરી આધ્યાત્મિકતા છે, બાકી ઠાલા શબ્દો છે. શ્રી જુગલભાઈ અને શ્રી ભૂપેન્દ્રસિંહભાઈનો આભાર.
xxx

આજે ચર્ચાનું હાલ પૂરતું સમાપન કરતાં બીજી એક વાતની પણ નોંધ લેવા માગું છું. ભાઈશ્રી હરેશ પંડ્યાએ ટોણો માર્યો હતો કે સત્યવાદી બનાવવા ન હોય તો આ ચર્ચાનું શું કામ? વિચાર વિના તો કઈં થાય જ નહીં એ હકીકત છે. આમ છતાં કોઈને સત્યવાદી બનાવવાની મારામાં લાયકાત નથી એ મેં કબૂલ કર્યું હતું કારણ કે મેં પણ અમુક સ્થિતિઓમાં ખોટા રસ્તા લીધા છેઃ

(૧) એક વાર ભુજથી દિલ્હી પાછા આવતા હતા. પરોઢના પાંચ વાગ્યે દિલ્હી ઊતર્યા. સામાન ઉપાડવા માટે કૂલીને બોલાવ્યો. એણે ચાળીસ રૂપિયા માગ્યા. મને વધારે લાગ્યા. એવામાં રેલવેનો જ એક અધિકારી ત્યાં આવ્યો એણે મને મદદ કરી અને કૂલીને વીસ રૂપિયામાં સામાન ઉપાડવાનો હુકમ કર્યો. એણે કૂલીના બૅજ નંબર પણ નોટ કરી લીધા.

હવે અમે બહાર નીકળતા હતા ત્યારે ટિકિટ કલેક્ટરે રોકી લીધા અને કહ્યું કે સામાનનું વજન કરાવો. આપણે રેલવેના નિયમો તો વાંચતા નથી કે કેટલો સામાન એક ટિકિટ પર લઈ જઈ શકાય તે વિચાર પણ નહોતો આવ્યો. કદી કોઈ તપાસ પણ કરતું નથી. પરંતુ, ખેલ જૂઓ. આ કેસમાં પેલા જે અધિકારી ‘મદદ’ કરતા હતા એમણે તો ખરેખર તો ટીસીને ગેટ પર કૂલીનો નંબર આપી દીધો! એટલે પેલો સમજી ગયો કે બકરો હાથમાં આવ્યો છે. એણે તરત જ કૂલીને રોકી લીધો અને વજન કરાવવા મોકલી દીધા. રેલવેના હિસાબે કઈંક પંદરેકસો રૂપિયાનો દંડ થાય એમ હતું. મારી પાસે એટલા રૂપિયા હતા પણ નહીં. મેં રિક્વેસ્ટ કરી કે કઈં ઓછું થઈ શકે તો કરી આપે. એણે કહ્યું, “કેટલા છે?” મેં કહ્યું, “પાંચસો…” એણે કહ્યું “લાઓ, પાંચસો…” પૈસા લઈને એ બીજા કામમાં લાગી ગયો. હું મુરખની જેમ રસીદની રાહ જોતો ઊભો હતો ત્યારે કૂલીએ મને જ્ઞાન આપ્યું: “બાબૂજી ચલો, રસીદ બાદમેં આ કે લે લેના…” હું સમજ્યો. અમે બહાર નીકળ્યા. સામાન ઑટોરિક્ષામાં લાદ્‍યો. વીસ રૂપિયા કાઢ્યા અને કૂલીને આપ્યા. એ લેવા તૈયાર ન થયો. એણે કહ્યું “બાબૂજી, ચાલીસ દીજિયે, હમ સે તો આપ બહસ કરતે હૈં ઔર વહાં કિતના દે આયે…?” મારી આંખ ઊઘડી. એને ચાળીસ આપીને અમે ઘર તરફ રવાના થયા.

(૨) એક બાળક થઈ ગયું હોય એવા દિવસો. ઘરમાં ફરનિચરને નામે મીડું. મારા પ્રોવિડન્ટ ફંડમાંથી પાંચ હજાર રૂપિયા ઉપાડવા માટે અરજી કરી. જવાબ મળ્યોઃ ફરનિચર માટે પૈસા ન મળે. મેં કહ્યું કે હવે શું કરવું? જવાબ મળ્યો. દીકરાના મુંડનનું કારણ આપો. મેં કહ્યું દીકરો છે જ નહીં. એમણે કહ્યું, દીકરીના કાનછેદનનું કારણ આપીને અરજી કરો. અરજી કરી. જવાબ ‘ના’માં આવ્યો. મેં કહ્યું: તમે કહ્યું હતું તે જ કારણ આપ્યું છે. એમણે કહ્યું: એમાં શું? તમે જસ્ટિફિકેશન આપો. ગુજરાતથી કુટુંબીઓ આવશે. એમની ટિકિટનો ખર્ચ થશે. કાનછેદન પછી કાનમાં વાળી નાખવાની રહેશે. આમાં જ એકાદ હજાર રુપિયાનો ખર્ચ થશે. લખી આપ્યું. અરજી મંજૂર. ઘરમાં ફરનિચર આવ્યું. એ વખતે પાંચ હજારમાં ફરનિચર લેવાનું શક્ય હતું. ડબલ બેડ ૧૨૦૦, કબાટ ૭૦૦, સોફા સેટ ૧૫૦૦. એક ટિપોય ૩૦૦., ડ્રેસિંગ ટેબલ ૧૫૦૦.

આ ઉપરાંત પણ, બે-ત્રણ કિસ્સા એવા છે કે લાભ માટે મેં સિદ્ધાંતને જતો કર્યો હોય.. એટલે જ અણ્ણા હઝારેના આંદોલનનો માનસિક રીતે સમર્થક હોવા છતાં મેં કદી ન માન્યું કે આ આંદોલનમાં સક્રિય બનવાની મારો અંતરાત્મા મને પરવાનગી આપી શકે. હું પોતે જ અસત્યનો આશરો લેતો હોઉં ત્યાં બીજાને ક્યાં સત્યવાદી બનાવું? પરંતુ એનો અર્થ એ પણ નથી કે સત્ય એટલે શું તે સમજવાનો પ્રયત્ન પણ છોડી દેવો. અસ્તુ.

%d bloggers like this: