Best stories from Pakistan: Sacrificial goat

લેખકનો જન્મ ૧૯૦૬માં લુધિયાણામાં થયો અને ૧૯૯૦માં એમનું અવસાન થયું. એમની પહેલી વાર્તા ૧૯૪૦માં લખન્‍ઉથી પ્રસિદ્ધ થતી સાહિત્યિક પત્રિકા ‘નિગાર’માં છપાઈ. આમ તો એ સઆદત હસન મંટો, રાજિન્દર સિંહ બેદી, કૄષ્ણ ચંદ્ર, ઇસ્મત ચુગતાઈ અને અહમદ નસીમ કાસમીના સમકક્ષ લેખક હતા પણ સમીક્ષકોએ એમના પર બહુ ધ્યાન ન આપ્યું. એમના ત્રણ વાર્તાસંગ્રહ અને એક નવલકથા પ્રકાશિત થયાં છે.

આભારઃ

આ વાર્તાનો અનુવાદ કરવાની સહર્ષ પરવાનગી આપવા બદલ પ્રકાશક – સાક્ષી પ્રકાશન, એસ. ૧૬. નવીન શાહદરા, દિલ્હી, ૧૧૦૦૯૫ નો આભાર.

પ્રકાશકનો સંપર્કઃ

ઑફિસઃ ૦૧૧-૨૨૩૨-૪૮૩૩.
મોબાઇલઃ ૦૯૮૧૦૪૬૧૪૧૨.
ઇ-મેઇલઃ goelbooks@rediffmail.com .

પુસ્તક સંબંધી વિવરણઃ

‘પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં’

(ભાગ ૧) ISBN-81-86265-23-6 (કિંમતઃ રૂ. ૧૨૫)
(ભાગ ૨) ISBN-8186265-42-2 ((કિંમતઃ રૂ. ૧૨૫)

કુરબાનીનો બકરો

– સૈયદ અનવર હુસૈન ‘અનવર’

મારા દોસ્તના અખબારની ઑફિસ ક્યાં છે? ગામમાં મારો એક દોસ્ત હતો. એની પાસે એક બકરો હતો. અખબારની ઑફિસના દરવાજે એક અલમસ્ત, મસમોટો બકરો ઊભો હતો અને એની પાસે એક માણસ બેભાન પડ્યો હતો. દરવાજા સામે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

હું જલદી જલદી ભીડ તરફ આગળ વધ્યો. ઓહો ! બકરા પાસે બેભાન પડ્યો છે તે તો મારો દોસ્ત છે અને એને ભાનમાં લાવવાની મથામણ કરે છે તે અખબારનો આસિસ્ટન્ટ ઍડિટર છે. આસિસ્ટન્ટ એડીટરે મને કહ્યું કે એની પત્નીએ ધમકી આપી હતી કે એ જો આજે કુરબાનીનો બકરો નહીં લાવે તો એ હંમેશ માટે પીયર ચાલી જશે. આ સાહેબ બકરો ખરીદવા ગયા પણ કિંમત પૂછી તો બેભાન થઈ ગયા.

એકાએક મારું ધ્યાન પેલા અલમસ્ત પહેલવાન જેવા બકરા પર ગયું. હું મારા દોસ્તને, દોસ્તના અખબારને, અખબારની ઑફિસને ભૂલીને એકીટશે બકરાને જોતો રહ્યો…જોતો રહ્યો.

અને મને અમારો ડબ્બુ યાદ આવી ગયો. ડબ્બુ પણ તદ્દન આ બકરા જેવો જ હતો. આવો જ કદાવર અને અલમસ્ત. બન્ને બકરાના વાળમાં સફેદ અને કાળાં ચકતાં બનેલાં હતાં. ફેર એ હતો કે ડબ્બુનાં ચકતાં મોટાં હતાં. ડબ્બુની માનું નામ ચિતલી હતું. એના આખા શરીરે સફેદ અને કાળાં ધાબાં હતાં. કપાળ પર બે સફેદ ડાઘ હતા; એક નાનો અને એની નીચે બીજો લંબાઈમાં ફેલાયેલો હતો. લોકો એને ચાંદ તારાનું નિશાન માનતા હતા. એક છાપાએ તો ચિતલીના બે ફોટા છાપ્યા. અને એની નીચે લખ્યું કે ગેંદા ભરવાડ પાસે એક બકરી છે, એના કપાળમાં ચાંદ-તારાનું નિશાન છે. ગેંદાની ઝૂંપડી મારી ઝૂંપડી પાસે જ હતી એટલે મને પણ થયું કે આવી બકરી તો મારે પણ જોવી જોઈએ.

જે દિવસે ગેંદા ભરવાડની બકરીના ફોટા છાપામાં છપાયા તે દિવસે હું બહુ ઉદાસ હતો. એ દિવસે મારે ઘરે તેરમા બાળકનો જન્મ થયો હતો. હવે મારી ઝૂંપડીમાં પંદરની વસ્તી હતી. ઘરમાં વધારે બાળકો હતાં એનું મને બહુ દુઃખ નહોતું. અલ્લાહની મહેરબાનીથી હું એક ઑફિસમાં પટાવાળો હતો. શરૂઆતમાં તો મેં છાપાં અને મૅગેઝિનોમાં વાર્તાઓ લખીને મારી આવક વધારવાની કોશિશ કરી. પણ છાપાં અને મૅગેઝિનોએ મને કાણી કોડીયે ન પરખાવી ત્યારે મેં વાર્તાઓ લખવાનું બંધ કરીને અરજીઓ, પત્રો અને મનીઑર્ડરો લખવાનું શરૂ કરી દીધું આવક વધી એટલે મેં બળકોને ભણાવ્યાં પણ ખરાં એટલું જ નહીં, હું પણ પ્રાઇવેટમાં ભણ્યો. અને મારી મોટી દીકરી સાથે પરીક્ષા પણ આપી અને ઇસ્લામિયતમાં એમ. એ. કરી લીધું. હવે હું એક કૉલેજમાં પ્રોફેસર છું અને નવી કરાચીમાં રહું છું, જે જૂની કરાચી કરતાં પણ બદતર છે.

આમ તો તેરનો આંકડો અશુભ મનાય પણ મારી પત્નીએ મહેરબાની કરી અને તેરમી સુવાવડમાં જોડકાંને જનમ આપ્યો. હવે હું સાત દીકરી અને સાત દીકરાનો બાપ છું.

પણ…હું આડવાતે ચડી ગયો. મૂળ વાત એ હતી કે હું ગેંદા ભરવાડની ઝૂંપડીમાં જતો હતો. ઝૂંપડીમાં એક ખાટલી હતી તે છોકરાંને સુવડાવવાની ઝોળી જેવી થઈ ગઈ હતી. એના ઉપર ફાટેલી શેતરંજી બિછાવેલી હતી. સીંદરીની વચ્ચેથી ઓશીકાની ફાટેલી ખોળ નીચે ડોકિયાં કરતી હતી. ખાટલીની આસપાસ બકરીઓની લીંડી વેરવીખેર હતી અને એમના પેશાબની ગંધ ફરસ પર રેલાઈ ગઈ હતી.

તોબા ! આ દુર્ગંધમાં ગેંદાએ એની આખી જિંદગી કાઢી નાખી. લડાઈમાંથી પાછો આવ્યો ત્યારે પત્ની ત્રણ છોકરાંને છોડીને ભાગી ગઈ હતી. કોગળિયું આવ્યું તેમાં ત્રણેય છોકરાં અને ગેંદાનો બાપ મરી ખૂટ્યાં. માંદી માએ ખાટલો પકડી લીધો હતો. દીકરો જંગમાંથી પાછો આવ્યો એની ખુશી સહન ન કરી શકી. દીકરો એની બાઝીને પડ્યો રહ્યો અને એનો હાથ દીકરાના ચહેરા પર જ કાયમ માટે સ્થિર થઈ ગયો. ગેંદો બકરીઓને લઈને પાકિસ્તાન આવી ગયો હતો. હવે એ ઝૂંપડીમાં બકરીઓને પરિવારની સભ્ય માનીને રહેતો હતો. બકરીઓ એને માણસ કરતાં પણ વધારે વહાલી હતી.

મારી સામે બકરીઓનું ઝૂંડ બેઠું હતું તેમાંથી એક સફેદ માથાવાળા બકરાની દાઢીમાં હલચલ થઈ અને એ બે પગે ઊભો થઈને મારી તરફ આવ્યો. મને ખ્યાલ આવ્યો કે એ તો ગેંદો પોતે જ હતો. ગેંદાના વાળ સફેદ છે અને એની બક્કર દાઢી છે. જેની દાઢી બકરા જેવી હોય તેને બક્કર દાઢી કહેવાય.

મેં કહ્યું, “ગેંદાચાચા, ખુશખબર છે. મારે ઘરે બેલડું થયું. અલ્લાહની મહેરથી મારે ઘરે હવે ચૌદ બાળકો છે.” પછી એની બક્કર દાઢી ધ્રૂજવા લાગી. “તારા મોઢામાં અંગાર… એમાં ખુશખબર શું? છોકરાં જ થયાં છે, બકરીઓ તો નહીં.” પછી ગોદડી નીચે મેં છુપાવેલી દેગચી હાથમાં લીધી. એ કંઈ ન બોલ્યો. દૂધભરેલી બાલટી મારી સામે રાખી દીધી. હવે એની બક્કર દાઢી ધીમેધીમે હાલવા લાગી. “તું અંદર આવ્યો ત્યારે હાથમાં ગ્લાસને બદલે દેગચી હતી એટલે હું સમજી તો ગયો જ કે બહુબેટીએ કંઈ ગરબડ કરી છે.”

મેં કહ્યું, બસ્સેર…આજથી રોજ બે સેર દૂધ આવશે.

બક્કર દાઢી વળી હાલી. “મારું માન તો એક બકરી લઈ જા. બસ્સેર દૂધ લઈશ તેમાં મને ખોટ છે.”

“કેમ? હું પૈસા આપીશ ને !”

“પૈસા તો તું ગ્લાસમાં દૂધ લઈ જાય છે ત્યારે પણ આપે જ છે. પણ આ દૂધ તો બહુબેટી માટે જશે.” ગેંદો થોડી વાર શાંત રહ્યો. પછી એની આંખમાંથી તણખા ઝર્યા. બક્કર દાઢી જોરજોરથી હાલવા લાગી. “ડંગર દેયા પુત્રા! ( ઢોરની ઓલાદ), જાલમા! ખવીસા! તેં બહુબેટીનાં બે બચ્ચાં બકરીની જેમ પેદા કરીને એની કમર તોડી નાખી છે. તું એને બકરી સમજે છે. તારી કબર જેવી ઝૂંપડીમાં એ એકલી પડી કણસે છે. આ દૂધ બહુબેટી માટે છે. એના પૈસા હું નહીં લઉં.” પછી ગેંદો ચુપ થઈ ગયો. કંઈ બોલ્યા વગર દેગચીમાં દૂધ રેડવા લાગ્યો. થોડી વારે ફરી બક્કર દાઢી જરા ધ્રૂજી, “પણ તું મારું નુકસાન ભરપાઈ કરવા માગતો હો તો મારી વાત માન અને બકરી લઈ જા. એનો ખર્ચો દૂધના ખર્ચા કરતાં ઓછો આવશે. બીજાં છોકરાંઓને બહુબેટી પાસેથી હટાવીને બકરીનાં આંચળે વળગાડી દેજે.”

હું ગેંદાચાચાની નિઃસ્વાર્થ સહાનુભૂતિથી અભિભૂત થઈ ગયો. “ચાચા, બકરી લઈ જઈશ અને એની કિંમત હપ્તેથી ચૂકવીશ.”

ગેંદાચાચા ફરી ભડક્યા. “અરે, બેવકૂફા, ગદ્‍યા-દા પુત્તર, દૂધના પૈસા નથી લેતો તો બકરીના કેમ લઈશ? લઈ લે એક બકરી પસંદ કરીને. વસૂકી જાય ત્યારે એને છોડી જજે અને બીજી લઈ જજે.” હું ગળગળો થઈ ગયો. મારે તો ચિતલીના માથા પરના ચાંદ-તારા પણ જોવા હતા. ગેંદાચાચાએ આંગળી ચીંધીને કહ્યું, “જો, આ રહી ચિતલી. એના માથાના ચાંદ-તારા જોવા માટે કાલથી લોકો ઊમટી પડ્યા છે. એક જણ એક હજાર આપવા તૈયાર છે, એક જણ ત્રણ હજાર…!”

મેં ચિતલી પાસે જઈને ધ્યાનથી જોયું. “ગેંદાચાચા, લોકો મૂરખ છે. આ ચાંદ-તારાનું નિશાન નથી. બે સફેદ ડાઘ છે. નીચેનો ડાઘ થોડો લાંબો છે અને ઉપરનો ગોળ. છાપાંવાળાને કંઈ ન મળ્યું તે આ ડાઘને જ સમાચાર બનાવી દીધા. તું લોકોની મૂર્ખાઈનો ફાયદો લે અને ત્રણ-ચાર હજાર, જે મળે તે, લઈ લે ને!”

બક્કર દાઢી ફરી ધ્રૂજી. “અરે મૂરખ, બકરીનાં મોલ ન હોય. એ અણમોલ હોય. તને તો કોઈ વાંઝિયો શેઠ બે હજાર આપે તો તું તો તારાં બેલડાંને પણ કોઈના હાથમાં સોંપી દઈશ. બકરીની કિંમત ન અંકાય. એ તો દૂધની નહેરો છે. આ ચિતલી તો સૌથી નોખી છે. એને લીંડી-પેશાબની વાસ પસંદ નથી. જો, બધી બકરીઓ અહીં છે અને એ એકલી આઘી ઊભી છે.”

હું ચિતલી પર મમતાથી હાથ ફેરવવા લાગ્યો. એની નીચે ગેંદો ગોદડી પાથરતો તે બહાર સુકાતી હતી. ચિતલીએ ગોદડી પર પેશાબ કર્યો હતો કે શું?

ગેંદાચાચાએ કહ્યું, “એ કદી ગોદડી બગાડતી નથી. સવારે એને દોહી લીધા પછી ગોદડી હટાવી બહાર વરગણીએ નાખી દઉં છું. ચિતલીને બેસવું હોય તો મોઢેથી ગોદડી ખેંચીને એના ઉપર બેસી જાય છે.”

મેં જોયું કે એકલી ચિતલી સાફ જગ્યાએ ઊભી છે અને બાકીની બકરીઓ લીંડી-પેશાબ વચ્ચે જ બેઠી વાગોળ્યા કરે છે. મેં કહ્યું “ગેંદાચાચા, તું બધીને ખૂંટે કેમ બાંધતો નથી? તારી ચિતલી પણ ખૂંટે બંધાયેલી હોય તો ગોદડી તો ન ખેંચે, પોતાના બેસવા માટે…”

“અરે ગાંડા, બકરીઓ તો મારું ખાનદાન છે, હું એનો માલિક નથી. આઝૂંપડી એમની છે, મારી નહીં. ઝૂંપડીમાં એ સાવ આઝાદ છે. જેમ મરજી પડે તેમ ભલે કરે ને!”

એવામાં એક લાલ રંગની બકરીએ ગળામાંથી ખાંસવા જેવો અવાજ કાઢ્યો. ગેંદાની આંખોમાં ચિંતા તરી આવી. “લાલી બીચારીને કાલથી તાવ છે. સખત સળેખમ છે. એને આજે મુલેઠી, કાળી દ્રાક્ષ, ગોળ અને જોશાંદા પીવડાવીશ.” એણે લાલીની પાસે જઈને એના પર હાથ ફેરવ્યો.

એ દરમિયાન હું ઝાડ પરથી ગોદડી લઈ આવ્યો. ચિતલીની સામે પાથરતાં જ એ અમારી સામે મોઢું કરીને એના પર બેસીગઈ. હું બહુ રાજી થઈ ગયો. મેં કહ્યું, “ગેંદાચાચા, મને ચિતલી આપી દે.”

એક ક્ષણ તો ગેંદાચાચાનો ચહેરો વિલાઈ ગયો. પછી ચહેરા પર ક્રોધ અલપઝલપ ડોકાયો. એકાદ ક્ષણ પછી એણે કહ્યું, “લઈ જા, ચિતલીને…”

ઘરે આવ્યો અને હાકોટો મારીને કહ્યું, “ અરી ઓ મુન્નીની અમ્મા, જો, તારા માટે બકરી લઈ આવ્યો છું.” એ વખતે બે-ત્રણ છોરાં એનાં થાનેલાં પર ચોંટેલાં હતાં. એ ઊઠીને બેઠી થઈ ગઈ.

“ક્યાંથી લઈ આવ્યો?”

“ગેંદાચાચાએ આપી દીધી, તારા માટે.”

મુન્નીની અમ્માએ આશીર્વાદ વરસાવ્યા,”ગેંદાચાચા, ખુદા તારું ભલું કરે”

નવા મહેમાનને જોઈને છોકરાં તો ઘેલમાં આવી ગયાં. એમના તો દિવસો બકરી સાથે રમવામાં અને એની સેવાચાકરી કરવામાં વીતવા લાગ્યા. પછી ચિતલીને દિવસો ચડ્યા. પણ એ દિવસે હું ઘરે પાછો આવ્યો ત્યારે ચિતલી નીચે ચત્તીપસટ પડી હતી. એણે એક બચ્ચાને જનમ આપી દીધો હતો. એનું પેટ ચડી આવ્યું હતું. શ્વાસ લેવા ટળવળતી હતી. થોડી વારે એનો શ્વાસ તૂટી ગયો.

મેં ગેંદાચાચાને બોલાવવા માટે મારા મોટા દીકરાને મોકલ્યો હતો. એ આવ્યો અને બકરીને તપાસીને મારી સામે તીખી નજરે જોઈને બોલ્યો, “તેં એને મારી નાખી. હજી બીજું બચ્ચું પેટમાં જ છે. મને વહેલો બોલાવ્યો હોત તો બચ્ચું અને મા બન્નેને બચાવી લેત.” એનો ગુસ્સો માતો નહોતો.

મારી પત્નીએ પણ વીનવણીના સૂરમાં કહ્યું, “ગેંદાચાચા, અમારી ભૂલ થઈ, માફ કરો” એ રોવા લાગી. ગેંદાએ એના તરફ ફરીને નરમ અવાજે કહ્યું, “દીકરી, થઈ ગયું તે થઈ ગયું, પણ તું જરાય દુઃખી ન થજે. તારી પોતાની તબીયત તો જો. કેવી સુકાઈને કાંટા જેવી થઈ ગઈ છો!”

ગેંદો ઝૂંપડીમાં ગયો અને એક કાળી બકરી લઈ આવ્યો. નવું જન્મેલું બચ્ચું હજી ઊભા થવા મથતું હતું. એની પાસે એણે કાળીને ઊભી રાખી દીધી. એ બચ્ચાને ચાટવા લાગી. બચ્ચું પણ એનાં થનને ચસચસ ચૂસવા લાગ્યું.

ડબ્બુ એની મા ચિતલી જેવો જ સુંદર હતો અને સફાઈપસંદ પણ એવો જ. થોડા દિવસોમાં તો અમારો ડબ્બુ આખી ખુલ્લી જગ્યામાં છોકરાંઓ સાથે દોડતો થઈ ગયો. રાતે એ મારી સાથે ચાદરમાં ઘૂસીને સૂતો. પછી મોટો થઈ ગયો અને મારી ચાદરમાં સમાતો નહોતો ત્યારે છોકરાંઓએ એના માટે સામે બદામના ઝાડ નીચે એક ગાદલું પાથરી આપ્યું. હવે એ ત્યાં સૂવા લાગ્યો.

આમ પણ કુરબાનીના બકરાને બહુ પ્યારથી રાખવાનો હોય છે. ખુદા પોતાના બંદાઓ પાસેથી એમની ઉત્તમમાં ઉત્તમ ચીજ માગે છે. ખુદાએ પયગંબર ઇબ્રાહીમને બલિ ચડાવવા કહ્યું ત્યારે કહ્યું કે તારી સૌથી પ્રિય ચીજની કુરબાની દે. ઇબ્રાહીમ એમના પુત્ર ઇસ્માઈલને બહુ ચાહતા હતા એટલે કુરબાનીના બકરાને પુત્રની જેમ પ્રેમ કરવો જોઈએ.

અને મને તો ડબ્બુ સાથે દીકરાઓ કરતાં પણ વધારે પ્રેમ હતો. દીકરાઓ તો નકામા નીકળ્યા. મેં ફેરી કરી કરીને એમની સ્કૂલની ફી એકઠી કરી પણ એક પણ દીકરાએ મૅટ્રિક સુધી પહોંચવાની જહેમત ન લીધી. ખરું પૂછો તો, ડબ્બુ તો મને મારી દીકરીઓ કરતાં પણ વધારે વહાલો હતો. જો કે, દીકરીઓ દીકરાઓ કરતાં બહુ સારી હતી. મોટી દીકરીએ પોતે તો મૅટ્રિક કર્યું, તે સાથે મને પણ કરાવ્યું. હવે સગાંવહાલાંમાંથી કોઈ પોતાના દીકરા માટે એને લેવા તૈયાર નહોતું કારણ કે એ ભણેલી હતી અને ટીચર હતી. બકરી-ઈદને દિવસે દીકરીઓની કુરબાની દેવાનું ચલણ હોત તો સારું થાત. છોકરીઓને તો આપણા સમાજમાં રોજ કુરબાન કરીએ છીએ, પણ બકરી ઈદને દિવસે એમની કુરબાની આપી શકાતી નથી.

મને એ વિચારથી સાંત્વન મળતું કે ડબ્બુ પોતાના પ્રાણની આહુતિ આપીને મને મારા અનેક ગુનાઓમાંથી બચાવી લેશેઃ એ મારા ગુનાઓના બોજ સાથે મને પોતાના ખભા પર લાદીને પુલ-એ-સિરાત (નરક પર બનેલો પુલ) પાર કરાવીને જન્નતમાં મારી જગ્યા પાકી કરી દેશે. ક્યારેક એ વિચાર પણ આવતો કે ઇસ્લામી દુનિયાનો આનંદનો તહેવાર હશે તે દિવસે મારો હીરો, મારો ડબ્બુ બલિ ચડી જશે. આ વિચાર આવતાં મારી આંખોમાંથી આંસુ વહી નીકળતાં. મારી આંખો ડબ્બુની આંખમાં સ્વજનોથી કાયમ માટે દૂર જતા મુસાફરની ઉદાસી જોતી હતી. પ્રેમની ઊંચાઈએ જ ત્યાગનો સાદ સંભળાય છે. ઊંચા ઉદ્દેશ્યને પહોંચવું હોય તો માયામમતાનો ત્યાગ કરવો પડે છે. એ જ છે કુરબાનીનો, બકરી ઈદનો સંદેશ.

બકરી ઈદને દિવસે મેં મારાં જે સગાંસંબંધી કુરબાની નહોતાં આપતાં એમને પણ આમંત્રણ આપ્યું હતું. બધાં આગલા દિવસે જ આવી ગયાં હતાં. આખી સાંજ છોકરાં અને ડબ્બુ પોતાના ખેલ દેખાડતાં રહ્યાં. અમે સૌ ચિતલી અને ડબ્બુની જ વાતો કરતાં રહ્યાં.

સવારે નમાજ પછી બાળકો ડબ્બુને કુરબાની માટે તૈયાર કરવા ઝૂંપડીમાં લઈ ગયાં અને હું કસ્સાબ (કસાઈ)ને લેવા ચાલ્યો ગયો. પાછો આવ્યો ત્યારે પુરુષો અને છોકરાંઓથી ઘેરાયેલો ડબ્બુ બદામના ઝાડ નીચે ઊભો હતો. એના ગળામાં હાર હતો, શીંગડાં પર ચાંદી જેમ ચમકતો કાગળ ચોંટાડેલો હતો. શરીરે મેંદીનાં છાંટણાં દેખાતાં હતાં. મને જોઈને એ મારા તરફ ઊછળીને ભાગ્યો પણ એક ઝટકા સાથે અટકી ગયો. આજે એને ઝાડ સાથે બાંધી રાખ્યો હતો. એને મનફાવે તેમ ફરવાની આજે આઝાદી નહોતી.

હું ડબ્બુ પાસે ગયો અને એને પંપાળ્યો. મેં છોકરાઓને પૂછ્યું, “ડબ્બુને કોણે બાંધ્યો છે?” કોઈએ જવાબ ન આપ્યો. અમારા કુટુંબના એક મુરબ્બી બોલ્યા, “મિયાં, હવે એની કુરબાનીનો વખત છે. હમણાં સુધી તો એ રમતો જ હતો. ખાટલે ચડીને ડાન્સ કરતો હતો. હવે એના રમતિયાળપણાને કાબુમાં રાખવા માટે બાંધવો પડ્યો છે.” વડીલ બોલ્યા, “હવે એનું ધ્યાન દુનિયાની વાતોમાંથી ખુદા તરફ વાળવાની પણ જરૂર છે.”

પછી મને છોડીને એમણે સીધી જ કસ્સાબ સાથે વાત શરૂ કરી. “ અરે ભાઈ, આ ઝાડ નીચે જ કુરબાની થશે. બકરાનું લોહી બદામ માટે સારું ખાતર પણ ગણાય.”.

કસાઈએ સાંકળ ખેંચીને ડબ્બુને મારાથી દૂર કરી દીધો. બદામના ઝાડ પાસે લઈ ગયો. એના ગળામાંથી હાર કાઢીને ડાળીએ લટકાવી દીધો. મારા મોટા દીકરાએ કસાઈના કહેવા પ્રમાણે ડબ્બુના પાછલા પગ પકડી લીધા. બીજો દીકરો આગલા પગ પકડવા ગયો તો ડબ્બુએ એને શિંગડે ચડાવીને દૂર ભગાડી દીધો. હવે ડબ્બુ બધાથી બચીને મારા તરફ ભાગ્યો પણ મારા દીકરાઓ અને કસાઈએ એને પટકીને દબાવી દીધો.

ડબ્બુએ મારી તરફ જોઈને દરદભર્યો ચિત્કાર કર્યો. મેં કહ્યું, “થોભો, થોભો. એમ નહીં. મને બહાર જવા દો પછી કરજો” બધાને નવાઈ લાગી કે હું શું કહેતો હતો. વડીલ પણ ઘૂરક્યા.

હું ચાલતો થયો ત્યાં તો ડબ્બુ ઊછાળતો મારી પાસે આવી ગયો. કસાઈએ મને કહ્યું “મિયાં, એમ કરો, અલ્લાહની રાહમાં કુરબાનીનો સંકલ્પ કરીને તકબીર અને કલમા તો પઢો. એણે તેજ ધારવાળો છરો મારા હાથમાં મૂક્યો. મેં છરો પકડીને કલમો પઢી દીધો. અને બહાર નીકળી ગયો.

બહાર તો ગયો, પણ બહુ દૂર નહીં. મારે દૂર ચાલ્યા જવું જોઈતું હતું. અહીં તો મને ડબ્બુનો આર્તનાદ સંભળાતો હતો. હું દોડતો અંદર આવ્યો.

“નહીં આ નહીં થાય. કુરબાની નથી આપવી.” કસ્સાબનો છરો ડબ્બુના ગળા પાસે અટકી ગયો. હવે વડીલ ઊકળી ઊઠ્યા. “આ તું શું કહે છે? ગાંડો તો નથી થયો ને? તું તો બહાર ચાલ્યો ગયો હતો તો પાછો અંદર કાં આવ્યો?”

મારી પત્ની પણ ઊછળી પડી. “ફૂફા અબ્બા! એ તો મૂર્તિદ (ધર્મભ્રષ્ટ) અને મુલહિદ (નાસ્તિક) છે. એમણે તો આખી જિંદગી કુફ્રની (ઈશ્વર વિરોધી) વાતો કરીને મારું જીવતર રોળી નાખ્યું છે. એનું સાંભળજો નહીં અને કુરબાની કરો.”

ફૂફા અબ્બાની સાથે કસ્સાબ અને મારા બે દીકરા ડબ્બુને પકડવા મારી તરફ આગળ વધ્યા. મેં ઝાડ પાસે પડેલો છરો ઉપાડી લીધો. બધા પાછળ હટી ગયા.

ડબ્બુને લઈને હું ગેંદાચાચાની ઝૂંપડ્ડી તરફ ધસી ગયો. એમના નામની હાક મારી એટલે ચાચા બહાર આવ્યા. મેં કહ્યું, “ચાચા ઈદ મુબારક…!” એ વખતે મારા અવાજમાં મેં રુહાનિયત(આધ્યાત્મિકતા)નો અનુભવ કર્યો. હું એમને ભેટી પડ્યો અને કોણ જાણે કેમ, એમના ખભે માથું રાખીને ધ્રૂસકે ને ધ્રૂસકે રોવા લાગ્યો. રોતાં રોતાં જ હું બોલ્યો, “ આ લો, તમારા ડબ્બુને સંભાળો. તમારી ચિતલીને તો બચાવી ન શક્યો, પણ આ ડબ્બુને બચાવીને લઈ આવ્યો છું.”


(અનુવાદ અને સંક્ષિપ્ત રજુઆતઃ દીપક ધોળકિયા)

A Tribute to a forgotten Freedom fighter of Gujarat

એક સ્વાતંત્રવીરની કથા ઉમાકાન્ત મહેતાની કલમે

-દીપક ધોળકિયા

આજે મારી બારીના મહેમાન લેખક છે વડીલ શ્રી ઉમાકાન્ત મહેતા. એમનો ખરો પરિચય તો ‘ક્વિટ ઇંડિયા’ વિશેના મારા લેખ પરની એમની કૉમેન્ટમાંથી મળશે – અહીં ક્લિક કરવાથી મળશે, પણ સ્થૂળ પરિચય એ કે મૂળ અમદાવાદના – અને તેમાંયે ખાડિયાના. ૧૯૩૦માં એમનો જન્મ. એમ. જી. સાયન્સ ઇન્સ્ટીટ્યૂટમાંથી ગ્રેજ્યૂએટ થયા અને પછી વલસાડમાં અતુલમાં નોકરી કરી. છેલ્લાં કેટલાંક વર્ષથી પુત્રપુત્રી સાથે અમેરિકામાં રહે છે. પણ હજી હૈયે આઝાદીની આગ ભડકે બળે છે. એમણે ૧૯૪૨ના સમયના એક સ્વતંત્રતા સેનાનીને યાદ કર્યા છે. એ વીરને આપણે ભૂલી ગયા છીએ. ઉમાકાન્તભાઈ એમને ફરી આપણી સમક્ષ લાવે છે અને ‘મારી બારી’ને એમાં નિમિત્ત બનવા મળ્યું છે તેથી ગૌરવની લાગણી થાય છે. તો આવો, ઓળખીએ એ ગુમનામ સ્વાતંત્ર્યવીરને…

મંત્રી ….શ્રી અકુમ

ભારતની આઝાદીના ઓછા જાણીતા અનામ લડવૈયા.

दिन ख़ू के यारों हमारे भूल जाना

આલેખકઃ ઉમાકાન્ત મહેતા

અકુમ…આ નામ જરા વિચિત્ર લાગે છે.કોઈક વાર આ શબ્દ કાને અથડાયો છે.તેના પડઘા હજી કાનમાં ગુંજે છે. કઈ ભાષાનો આ શબ્દ હશે? એનો અર્થ શું ?

અરે ભાઈ! આ આપણી માતૃભાષા ગુજરાતીનો જ શબ્દ છે.તે તમને નન્હાકોશ કે ગુજરાતી શબ્દકોશમાં નહીં જડે. અરે ! ભગવદ્મંડલના મહાન ગ્રંથકોશના પાના ઉપર શોધવા પ્રયાસ કરશો તો પણ નહીં જડે. પેલી જાહેરાતમાં કહ્યું છે તેમ”ઢુંઢતે રહ જાઓગે !” માટે મિથ્યા પ્રયાસ કરશો નહીં.

L to R:- શ્રી સુદર્શનભાઈ જોષી ( સાહિત્યકાર  સ્વ.શ્રી શીવકુમાર જોષીના લઘુ બંધુ)મંત્રી શ્રી અકુમ, અને લેખક શ્રી ઉમાકાન્ત વિ મહેતા. (૦૧-૦૩-૧૯૮૬)

અકુમ એટલે અરવિંદકુમાર મહેતા.આપણા રાષ્ટ્રિય વિદ્યાર્થી મંડળ (રા વિ મંડળ)ના કાર્યાલય મંત્રી તેમના નામના પ્રથમાક્ષરો એ તેમની સહી.

૧૯૪૨નું ઐતિહાસિક વર્ષ.ભારત છોડો આંદોલન,દેશભક્તિનો પ્રચંડ જુવાળ. ‘ કરેંગે યા મરેંગે ‘ની હાકલ. કોઈ પણ ભોગે આઝાદી તો હાંસલ કરવી જ છે અને અંગ્રેજોને ભગાડવા જ છે.

રાષ્ટ્રીય કોંગ્રેસમાં બે પક્ષો પડી ગયા હતા. જહાલ અને મવાળ. સુભાષચંદ્ર બોઝ તો ૧૯૨૩ની હરિપુરા કોંગ્રેસ અધિવેશનથી જ છુટા પડી ગયા હતા.પૂ. ગાંધીજી અહિંસામાં અને વાટાઘાટો,, બાંધછોડની નીતિમાં માને. ભલે થોડો સમય જાય પણ રક્તહીન સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં માને. બીજી બાજુ, યુવાન વર્ગની ધીરજ ખૂટી ગઈ. અંગ્રેજોએ ૩૦૦ વર્ષ રાજ્ય કરી આપણું લોહી પીધું છે. હવે ધીરજ ક્યાં સુધી? તેઓ ફ્રાન્સ અને રશિયન ક્રાન્તિની વાતો કરવા લાગ્યા. પૂ. બાપુએ ઘણા સમજાવ્યા કે આટલી મોટી વિશ્વ સત્તા સામે હથિયાર ઊઠાવી લડવું સલાહભર્યું નથી. જાનહાનિ તથા રક્તપાતની આઝાદી મને ન ખપે. યુવા વર્ગને સલાહ ગળે ન ઊતરી.આખરે ૯મી ઑગસ્ટ,૧૯૪૨નો એ દિવસ આવ્યો. “હિન્દ છોડો”નો ઐતિહાસિક ઠરાવ કૉગ્રેસ કારોબારીએ પસાર કર્યો અને “કરેંગે યા મરેંગે”નું સુત્ર આપ્યું.બ્રિટિશ સરકાર હચમચી ઊઠી.સઘળા ટોચના નેતાઓ પૂ.બાપુજી, પંડિત જવાહરલાલ નહેરુ,સરદાર પટેલ વગેરેને પકડી જેલ ભેગા કર્યા.

યુવા વર્ગનું લોહી ઊકળી ઊઠ્યું. કોઈ યોગ્ય રાહબર ન મળ્યો. ઉદ્દામવાદીઓ સ્વ.રામમનોહર લોહિયા, ચંદ્રશેખર સાથે ગુજરાતમાંથી શ્રી બી.કે.મજમુદાર, સ્વ.મન્મથ મહેતા.પ્રોફેસર પ્રફુલ્લ ત્રિવેદી, સ્વ.શ્રી જયંતિ દલાલ, સ્વ.શ્રી જયંતિ ઠાકોર વગેરે ભૂગર્ભમાં ચાલ્યા ગયા. ભૂગર્ભમાં રહી ગોરીલા પદ્ધતિએ સરકારને હંફાવતા રહ્યા.

રાષ્ટ્રીય નેતા પૂ. ગાંધીજી તથા કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના વિચારભેદ બહાર આવ્યા. કવિવર ટાગોરનું માનવું હતું કે વિશ્વ પ્રગતિને પંથે આગળ વધી રહ્યું છે અને જ્ઞાનની વિશાળ ક્ષિતિજો ઊઘડી રહી છે ત્યારે વિદ્યાર્થી વર્ગને શાંતિથી ભણવા દો, તેમને જ્ઞાન પ્રાપ્ત કરવા દો.તેઓ જ્ઞાનપ્રાપ્તિ દ્વારા ક્રાન્તિ કરશે. તેઓ જ ભારતને સ્વતંત્ર કરશે.

પુ. બાપુજીની વિચારધારા આનાથી તદ્દન વિરૂદ્ધ. તેમના મત મુજબ આઝાદીનો જંગ એ એક રાષ્ટ્રીય મહાયજ્ઞ છે. તેમાં આબાલ-વૃદ્ધ, સ્ત્રી-પુરૂષ, વિદ્યાર્થી-મજદુર સૌ કોઇ જોડાય, જેથી ભવિષ્યમાં કોઇ એક વર્ગ એમ કહી માથું ન ઊંચકે કે “ભારતને અમે જ આઝાદી અપાવી છે.” માટે સમાજના દરેક વર્ગે આમાં પોતાનો યથાયોગ્ય ફાળો આપવો જ જોઇએ.

શાળા -કૉલેજો, મિલો, કારખાના વગેરે બંધ થયાં. સૌ કોઇ આઝાદીના જંગમાં જોડાયા. વિદ્યાર્થીઓએ એકઠા થઈ વિદ્યાર્થીમંડળો તથા મજુરોએ મજૂર સંગઠનો રચ્યાં. યુવા વિદ્યાર્થીઓ સ્વ.શ્રી બ્રહ્મકુમાર ભટ્ટ,સ્વ. શ્રી પ્રબોધ રાવળ, સ્વ.શ્રી અરવિંદકુમાર મહેતા, પ્રૉ. પ્રફુલ્લ ત્રિવેદી, શ્રી રામુ પંડિત,શ્રી અબ્દુલ હમીદ કુરેશી, શ્રી જયંતિ પટેલ ‘રંગલો,’ સ્વ.શ્રી અરૂણ ઠાકોર, સ્વ.શ્રી પિનાકિન ઠાકોર, વગેરેએ રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળની રચના કરી.

વિદેશી વસ્તુઓ છોડો એ રાષ્ટ્રીય હાકલ હતી, સ્વ.શ્રી અરવિંદકુમાર મહેતાએ અંગ્રેજી ભાષાનો મહદ અંશે ત્યાગ કર્યો.પોતાના નામના ગુજરાતી પ્રથમાક્ષરો અ કુ મ લઈ પોતાની ટૂંકાક્ષરી-ટૂંકી સહી અકુમ કરી. ત્યારથી તેઓ અકુમ નામે જ જાણીતા થયા. રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળની કારોબારીમાં તે ચૂંટાયા અને કાર્યાલય મંત્રી-ઑફિસ સેક્રેટરી બન્યા. આ મંત્રીપદ તેમણે સુપેરે શોભાવ્યું. મંત્રીપદેથી નિવૃત્ત થયા છતાં મિત્રો અકુમનો ઉલ્લેખ આવે ત્યારે તેમને મંત્રી તરીકે આજે પણ સંબોધતા રહે છે. એમના અવસાન પછી પણ તેઓ તેમના મિત્રવર્તુળમાં મંત્રી તરીકે જ જાણીતા છે.

રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળના કાર્યાલય મંત્રી તરીકે કાર્યાલયની કામગીરી ઉપરાંત અન્ય ભૂગર્ભ કાર્યકર મિત્રોને સહાયક થવાનું પણ સાથે ચાલુ રાખ્યું. વિદ્યાર્થી પત્રિકા (VP.) તથા કોંગ્રેસ પત્રિકા (CP.) છાપી (સાયક્લોસ્ટાઇલ કરી) અને પોળે પોળે છૂપી રીતે પહોંચાડવી, પોલીસ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ લઈ ભૂગર્ભ કાર્યકર્તાઓને રજેરજ માહિતી પૂરી પાડવી વગેરે કામગીરી દ્વારા સહાય રૂપ થતા. કૅમેરામાં ફોટા પાડી કોઈ સ્ટુડિયોમાં ધોવા કે ડેવલપ કરવા માટે આપવામાં જોખમ હતું. સ્ટુડિયોવાળા પોલીસને ગુપ્ત માહિતી પહોંચાડે તો આખું ભૂગર્ભ તંત્ર જોખમમાં આવી પડે.આથી બાલાહનુમાન પાસે આવેલ પરીખ સ્ટુડિયોમાં જઈ, ફોટોગ્રાફીક પ્રોસેસિંગ– ડેવલપિંગ, પ્રિન્ટિંગ વગેરે કામ શીખી આવ્યા. ઘરે જ ડાર્કરૂમ બનાવી બધાં સાધન તથા કૅમિકલ લાવી કૅમેરાના રોલ જાતે જ ડેવલપ કરતા અને તેની પ્રિન્ટ કાઢીને ભૂગર્ભ કાર્યકર્તાઓને છૂપી રીતે પહોંચતી કરતા.

સભા-સરઘસનું આયોજન એ મંત્રી શ્રી અકુમની વિશિષ્ટ આવડત હતી.અમદાવાદ શહેરની પોળોનો ઇતિહાસ અને તેની રચના પણ જાણવા જેવી છે.પોળનાં કેટલાંક મકાનોને બે બારણાં હોય. આગળનું બારણું એક પોળમાં હોય તો પાછળનું બારણું બીજી પોળમાં પડતું હોય. મંત્રી શ્રી અકુમ આ બધાથી સારા માહિતગાર. મકાનમાલિક પણ દેશદાઝવાળા હોવાથી સરઘસના છોકરાઓ પાછળ પોલીસ પડી હોય ત્યારે છોકરાઓને બેરોકટોક ઘરમાંથી આવવા જવા દે. છોકરાઓ ઘરમાં પેસી પાછળને બારણેથી બીજી પોળમા નીકળી જાય.વપોલીસ તેમની પાછળ દોડતી આવે એટલે આગળ રસ્તો દેખાય નહીં (Road’s dead end.) પોલીસે છોકરાઓને ઘરમાં અંદર જતા જોયા હોય પણ તેઓ પ્રાઇવેટ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરતાં અચકાય. જબરજસ્તીથી ઘરમાં જવા માટે પ્રયાસ કરે એટલે મકાનમાલિક તેમને ઘરમાં જતાં અટકાવે. આમ પોલીસ અને મકાનમાલિકની રકઝકમાં સરઘસ ક્યાંય આગળ નીકળી ગયું હોય અને પોલીસ હાથ ઘસતી પાછી ફરે.

આ અરસામાં સંદેશા વ્યવહારનાં સાધનો, ટેલીફોન ઝાઝા નહીં, અને મૉબાઈલ, સેલફોનનો તો જન્મ જ થયો નહોતો. તેથી સભા-સરઘસની માહિતી કેવી રીતે પહોંચાડવી? લેખિત રીતે પહોંચાડવાનું જોખમ હતું. મંત્રીશ્રી એ બુદ્ધિ દોડાવી.

ભારતની આઝાદીમાં મનુષ્યોની સાથોસાથ મૂંગાં પશુઓએ પણ તેમનો નોંધનીય ફાળો આપ્યો છે, અને તેથી તેમની પણ કદર થવી જોઈએ. શહેરની રખડતી ગાયો અને ગર્દભો તથા કઈંક અંશે કૂતરાઓએ અગત્યનો ફાળો નોંધાવ્યો છે. અને તેથી આજે અમદાવાદની પોળોમાં તથા શહેરના રાજમાર્ગ ઉપર તેમને સ્વૈરવિહાર કરવાનો પૂરેપુરો અધિકાર છે !  ગાય અને ગર્દભના સફેદ શરીર પર લાલ રંગની પીંછી વડે સાંકેતિક શબ્દોમાં સંદેશો લખી ગાય તથા ગર્દભના પૂંછડા ઉપર ખાલી પતરાનો ડબ્બો બાંધે અથવા તેના પૂંછડા ઉપર ફટાકડાની લૂમ બાંધી સળગાવે. તેથી ગાય અને ગર્દભ ગભરાટભરી દોડાદોડ કરી એક પોળમાંથી બીજી પોળમાં નાસભાગ કરે અને લોકો સંદેશો વાંચી લે. સાંકેતિક શબ્દોમાં લખાણ હોય “આઠ વાગે સભા. માણેકચૉક” અને સહી કરે M.M.સભા અને ટાઈમ બરોબર પણ સ્થળ માણેકચોકને બદલે M.M.  એટલે કે “મુક્તિ મેદાન” જે મણિનગરમાં હોય તેથી “સમજને વાલે સમજ ગયે, ના સમજે વો અનાડી હૈ.” માફક સમજુ લોકો મણિનગર સભામાં જાય અને અનાડી પોલીસ માણેકચોકમાં ફાંફાં મારતી હોય. આમ વિના મૂલ્યે અને વિના તકલીફે સંદેશો પહોંચી જતો.

વિદ્યાર્થી પ્રવૃત્તિઓ સાથે યુવકોમાં પણ જાગૄતિ આવી. યુવક પ્રવૃતિઓ વિકસી. પોળે પોળે યુવક મંડળો રચાયાં, ખાડિયાની જાણીતી પોળો, સેવકાની વાડી, દેસાઈની પોળ, લાખિયાની પોળ, ભાઉની પોળ વગેરે પર પોલીસની લાલ આંખ.

મંત્રીશ્રી સેવકાની વાડીના રહીશ. ત્યાં પણ યુવક મંડળ બન્યું. આઝાદીની લડતને લઈને પોલીસની ધાક જબરી. બધા પોલીસથી ડરે અને ગભરાય. મંત્રી થઈ  ‘હોળીનું નારિયેળ’’ બનવા કોઈ રાજી નહીં. મંત્રી શ્રી અકુમનો જન્મજાત સ્વભાવ લીડરશિપનો. તેમણે સામી છાતીએ પડકાર ઝીલી લીધો.અને પોતાના યુવકમંડળના પણ મંત્રી બન્યા.

તે વખતે યુવકમંડળની પ્રવૃતિઓમાં શેરીની સફાઈ, ગાંધીજયંતીની ઊજવણી, કાંતણ-હરીફાઈ,  નાટકો,  દેશભક્તિનાં ગીતો ગાવાની સ્પર્ધા, મુશાયરા, ડાયરો, પ્રાથમિક સારવારના વર્ગો, આગળપડતા જાણીતા વક્તાઓને આમંત્રી તેમનાં પ્રવચનો વગેરે કાર્યક્રમો યોજાતા.

આવા એક શેરી કાર્યક્રમમાં જાણીતા કાર્ટૂનિસ્ટ શ્રી બંસીલાલ વર્મા ‘ચકોર’ સેવકાની વાડીમાં પધારેલા. જાણીતી વ્યક્તિઓ અને દેશનેતાઓના કાર્ટૂન્સ દોરી મનોરંજન પીરસ્યું. છેલ્લે સમાપન કરતાં મોગલ શહેનશાહ શાહજહાંનું ચિત્ર , પઠાણી લેંઘો, ઉપર લાંબું પહેરણ, માથે મુઘલાઈ પાઘડી, ભરાવદાર દાઢી અને હાથમાં ગુલાબનું ફુલ. સૌ વિચારમાં પડી ગયાં કે આ વળી કોનું કાર્ટૂન ? શ્રોતાઓમાં ગણગણાટ શરૂ થયો, ત્યારે ‘ચકોરે’ કાર્ટૂનને મથાળે લખ્યું; ‘ મંત્રી શ્રી અકુમ” આવી હતી તેમની પર્સનાલિટી. તે વખતે સરહદના ગાંધી શ્રી અબ્દુલ ગફારખાનનું સારું માન હતું.તેમને જોઈને યુવાનોમાં પઠાણી પહેરવેશ અને દાઢી વધારવાનો ‘ ક્રેઝ’-પેદા થયો હતો.. આ પઠાણી પહેરવેશ મંત્રીશ્રીને ખરેખર શોભતો પણ હતો.

અકુમનો સ્વભાવ પહેલેથી જ સેવાભાવી અને પરગજુ.પોળની કોઈ વ્યક્તિ માંદી સાજી હોય ત્યાં અવશ્ય તેમની હાજરી હોય જ. કોઈને દવા કે ઍમ્બુલન્સ, હૉસ્પિટલની જરૂર પડે તો તેમની ઇમરજન્સી સર્વિસ ચોવીસ કલાક અને સાતેય દિવસ હાજર.પોળવાસીઓની સેવા કાજે માંદગીની સારવારના સાધનો, બેડપૅન, યુરિન પોટ,સ્ટ્રેચર, થર્મૉમિટર, હૉટવોટર બૅગ, આઈસ બૅગ, ફર્સ્ટ એઈડ બૉક્સ વગેરે વસાવી, વિના મૂલ્યે પોળવાસીઓને વાપરવા આપતા. તેમના સ્વભાવનું બીજું પાસું તે સ્વમાન અને સિદ્ધાંતના ભોગે, પ્રાણાન્તે પણ બાંધછોડ નહીં.

સ્વતંત્રતાનો જંગ પૂરો થયો. ભારત આઝાદ થયું, સૌ પોતપોતાના અભ્યાસ-ધંધા-રોજગારમાં લાગી ગયા.સ્વાર્થ-લોલુપ નેતાઓ આઝાદીનાં મીઠાં ફળ ખાઈ ગયા. સિદ્ધાંતનિષ્ઠ મંત્રી શ્રી અકુમને નસીબે ગોટલા અને છોડિયાં જ આવ્યાં;પરન્તુ તેમણે તેનો રંજ કદાપિ અને કોઈ પણ વ્યક્તિ સમક્ષ દર્શાવ્યો નહીં. કવિશ્રી એ કહ્યું છે તેમ, “ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.” કહી સહર્ષ સ્વીકાર્યું.

જીવનની કટુ વાસ્તવિકતા સામે આવી. દેશદાઝ કાજે અભ્યાસ અધૂરો છોડ્યો હતો, તેથી સારી નોકરી મળવાની શક્યતા નહોતી. કુટુંબીજનોએ કૃષ્ણ-સુદામાની દોસ્તીદાવે તેમના ઉચ્ચ સિંહાસને બીરાજેલા મિત્રો પાસે નોકરી માટે જવા સૂચન કર્યું. તેમણે કુટુંબીજનો તથા સ્નેહી-સંબંધીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું “મેં મારી જિંદગીનું બલિદાન આઝાદીની લડત કાજે આપ્યું છે. આ ઉમદા બલિદાનનો એક મામૂલી નોકરી દ્વારા બદલો લઉં? હરગીઝ નહિ. ફરીથી આવી સ્વાર્થયુક્ત વાત મારી સમક્ષ કરશો નહિ.”

તે અરસામાં શહેરની બસ-સર્વિસનો વહીવટ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને સંભાળ્યો હતો.તેમાં તેઓ બસ કંટ્રોલરની નોકરીમાં વગર લાગવગે જોડાઈ ગયા. અહીં તેઓ તેમના સિદ્ધાંત અને ધ્યેયનિષ્ઠાને ચુસ્ત રીતે વળગી રહ્યા. ધીરે ધીરે પ્રગતિનાં સોપાન સર કરી સબ-ઈન્સ્પેક્ટર અને ફ્લાઈંગ સ્ક્વૉડ ઈન્સ્પેક્ટરનો ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી નિવૃત થયા.

સ્વમાની સ્વભાવનો તેમના અંગત જીવનનો બીજો એક પ્રસંગઃ

આઝાદી તો મળી; પણ યુવાનોને યોગ્ય દોરવણી ન મળી. કોમવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ નાબૂદીના પૂ, બાપુજીના વિચારો કાચી ઉંમરના યુવાનો સમજી ન શક્યા. ક્યાંથી સમજી શકે ? પૂ. બાપુજીના વિચારો એટલે કાચો પારો ! યોગ્ય અનુપાન વગર તે પચે નહિ. પૂ બાપુજી તથા સરદાર વલ્લભભાઈની વિદાયથી યુવાધન નિરંકુશ બન્યું. પૂ. બાપુજીના સિદ્ધાંતોનું મનઘડંત અર્થ અનુસાર અનુસરણ કરવામાં આવ્યું, સ્વતંત્રતા સ્વચ્છંદતા તરફ ઢળી.

આઝાદીની લડત દરમ્યાન સામાજિક બંધનો ઢીલાં થયાં. પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો વડીલો પ્રત્યેનો આદર ભાવ, આમન્યા તૂટ્યાં. વડીલો સામે વાદવિવાદ અને દલીલો થવા લાગ્યાં. આઝાદીનું આ માઠું ફળ પણ સમાજને ચાખવા મળ્યું.

યુવક-યુવતીઓ એકબીજાંને છૂટથી હળતાં મળતાં હતાં કુસુમાકર ( વસંતૠતુ) પૂર બહારમાં ખીલી હોય ત્યારે યુવા હૈયાં ઓછાં ઝાલ્યાં રહે? મંત્રી શ્રી અકુમ કુસુમધન્વાની બાણવર્ષાનો ભોગ બન્યા, અને તેમણે સ્નેહ લગ્ન કર્યાં.

પત્ની શ્રીમતિ પ્રફુલ્લવદના તથા મંત્રી શ્રી અકુમજૂની અને નવી પેઢી. માતા અને પુત્ર, આમને-સામને આવી ગયાં. રૂઢીચુસ્ત માતાએ તેમનાં સ્નેહ-લગ્ન અંગે નાપસંદગી જાહેર કરી. શ્રી અકુમને ગૃહપ્રવેશબંધી ફરમાવી. અપૂર્ણ કેળવણી પામેલા અને કાચી ઉમરના અર્ધદગ્ધ યુવાનોએ પૂ. બાપુજીની નાતજાત નાબૂદીની દલીલ કરી તેમનું સ્નેહલગ્ન વાજબી ઠરાવવા કોશીશ કરી.

માતાએ શાન્તિથી જવાબ આપ્યો; “જ્ઞાતિ જાતિનો મને વાંધો નથી. કોઇ છોકરીને સમજાવી પટાવી, છાનીછપની રીતે, મા-બાપની સંમતિ વગર,તેમની તથા સમાજની ગેરહાજરીમાં, ફક્ત ચાર ફેરા ફરવાથી લગ્ન થયાં કહેવાય નહીં. લગ્ન એ હિન્દુ સંસ્કૃતિના સોળ સંસ્કારમાંનો એક પવિત્ર સંસ્કાર છે. આ લગ્ન એ સંસ્કાર નહિ, સ્વેચ્છાચાર છે. તું ભલે તેને સ્નેહલગ્નનું રૂડું રૂપાળું નામ આપે. હું તો તેને ભાગેડુ લગ્ન જ કહીશ. કુટુંબના અન્ય સભ્યો ઉપર આની ખરાબ અસર પડે. તેથી મારા ઘરમાં તારો પગ નહીં જોઈએ.” બીજી બાજુ મંત્રીશ્રી અકુમ પણ અક્કડ અને મક્કમ. તેમણે પણ ગૃહત્યાગ સ્વીકાર્યો પણ નમતું તો ના જ જોખ્યું.

બંન્ને પક્ષ મક્કમ. કોઈ મમત છોડવા રાજી નહીં. સમય પસાર થતો ગયો. નિયતિએ તેનું કામ કર્યું. પ્રથમ સંતાનના ઍંધાણ વર્તાયાં. મંત્રી શ્રી અકુમના મોટાં બહેન વચ્ચે પડ્યાં. તેમણે માતાને સમજાવ્યાં;પુત્રવધૂ મા વગરની દીકરી છે. એકલી એકલી મુંઝાતી હશે.તે એકલી શું કરશે ? ” कुपुत्रो जायते क्वचिदपि , माता कुमाता न भवति…” છોરુ કછોરુ થાય પણ માતા કુમાતા ન થાય.”

આખરે માતાના હ્રદયમાં કુણી લાગણી ઊભરાઇ. કારણ કે આખરે તો તે એક”મા” હતીને ! પુત્ર-પુત્રવધૂને પ્રેમપૂર્વક આવકાર આપી સત્કાર્યાં.

મંત્રીશ્રી અકુમની  મૃત્યુથી થોડા સમય પહેલાંની તસવીરઘેર પારણું બંધાયું. કુટુંબનો પહેલો પુત્ર હોવાથી ઘરમાં આનંદઉલ્લાસનું વાતાવરણ છવાયું. રંગે શ્યામ હોવાથી દાદીમાનો લાડકો કૃષ્ણ કનૈયા જેવું હેત અને વહાલ પામ્યો. ટૂંકમાં મંત્રીશ્રી અકુમે પોતાના અંગત જીવનમાં પણ સિદ્ધાંતને ભોગે ક્યારેય બાંધછોડ કરી નથી કે હળવી નીતિ અપનાવી નથી.

પહેલેથી જ કામગરો જીવ. નવરા બેસી રહેવું ગમે જ નહીં. કોઈ ને કોઈ પ્રવૃત્તિ હાથમાં હોવી જ જોઈએ. નોકરીમાંથી નિવૃત થયા તો ચિન્મય મિશનની પ્રવૃતિ હાથ ધરી. પ્રાણાંત સુધી ત્યાં પ્રવૃત્તિશીલ રહ્યા.

શ્વેત વસ્ત્ર કોઇ પણ રંગ ઝડપથી ધારણ કરી લે છે.તેમના નિર્મળ, સ્વચ્છ જીવનને અધ્યાત્મનો રંગ સ્પર્શી ગયો. જીવનના પાછલાં વર્ષો ધ્યાત્મ માર્ગે અને ચિન્મય મિશનની પ્રવૃત્તિઓમાં વ્યતીત કર્યાં. આ પુણ્યાત્મા ૧૪મી ઑક્ટોબર,૨૦૦૨ સોમવાર, આસો સુદ નોમ વિક્રમ સંવત ૨૦૫૮ નવરાત્રીની નોમના પવિત્ર દિવસે મહાજ્યોતિમાં વિલીન થઈ ગયો.

(પ્રકાશિત:.   “અખંડ આનંદ માસિક સપ્ટેમ્બર. ૨૦૧૧.)


ઉમાકાન્ત વિ. મહેતા.

૨૦, મીડો ડ્રાઈવ, ટૉટૉવા.

એન જે. ૦૭૫૧૨.યુએસએ.

ફોનઃ  (૧) ++ ૯૭૩ ૯૪૨ ૧૧૫૨.                                                                                                  (૨) ++ ૯૭૩ ૩૪૧ ૯૯૭૯.

ઈ-મેઇલ: mehtaumakant@yahoo.com

Three Rationalists killed in two years

બે વર્ષમાં ત્રણ નામાંકિત રૅશનાલિસ્ટોની હત્યા

આપણો દેશ ધીમે ધીમે IS, અલ-કાયદા કે તાલિબાનની હિંસક ધર્માંધતાની ટીકા કરવાનો અધિકાર ગુમાવતો જાય છે. છેલ્લાં વે વર્ષ અને દસ દિવસમાં ત્રણ રૅશનાલિસ્ટોને મોતના મુખમાં ધકેલી દેવાયા છે. એમની મૃત્યુની તારીખો અને સમયાંતર જોતાં એવું જ લાગે કે જાણે દર વર્ષે બે જણની એક નિશ્ચિત સમયગાળે હત્યા કરવાની યોજના તૈયાર હોય.

અનુક્રમે ડાબેથી ઃ નરેન્દ્ર દાભોળકર ; ગોવિંદ પાનસરે; પ્રો. એમ.એમ. કલબુર્ગી
મારી બારી (૪૯)માં બાંગ્લાદેશના પાંચ રૅશનાલિસ્ટ બ્લૉગરોની હત્યા વિશે લખ્યું જ હતું. નીલૉય નીલની હત્યા સાતમી ઑગસ્ટે થઈ તે સાથે મૃત્યુના માર્ગના એમના પુરોગામી બીજા ચાર શહીદ બ્લૉગરોને પણ અંજલિ આપવાની તક લીધી. ત્યાં તો ગઈકાલે આપણા જ દેશમાં, છેલ્લાં બે વર્ષમાં ત્રીજા રૅશનાલિસ્ટ પ્રો. એમ. એમ. કલબુર્ગીની હત્યાના સમાચાર આવ્યા. આ પહેલાં નરેન્દ્ર દાભોળકર અને ગોવિંદ પાનસરે તો અંધશ્રદ્ધાને ધર્મ માનનારાઓની ગોળીઓનો શિકાર બની ચૂક્યા છે. આ હત્યાઓ પાછળ કયાં ધર્મવાદી કટ્ટર તત્ત્વો છે તે જાણવું કે સમજવું અઘરું નથી. મેંગલોર પોલીસે એક ફરિયાદ પરથી બજરંગ દળના મેંગલોરના કો-કન્વીનર ભૂવિત શેટ્ટીની ધરપકડ કરી છે. એના એક ટ્વીટ પરથી ફરિયાદ કરવામાં આવી હતી. ટ્વીટમાં એણે યૂ. આર. અનંતમૂર્તિ અને એમ. એમ. કલબુર્ગીનો ઉલ્લેખ કર્યો છે એટલું જ નહીં, બીજા એક રૅશનાલિસ્ટ કે. એસ. ભગવાન ત્રીજું લક્ષ્ય હોવાની ચેતવણી પણ આપી છે.

image

આમ છતાં, અહીં હું કોઈ સમુદાયનું કે એનાં કટ્ટર તત્ત્વો તરફ આંગળી ચીંધવાનું સમજીવિચારીને ટાળું છું કારણ કે દાભોળકરની હત્યાની તપાસ માટે હજી તો હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે જરૂરી સંખ્યામાં અધિકારીઓ ફાજલ પાડ્યા છે અને પાનસરેની હત્યાની તપાસ હજી શરૂ પણ નથી થઈ. પ્રો. કલબુર્ગીની હત્યા પાછળ પણ આ જ તત્ત્વો છે એમાં પણ શંકા નથી.

તેમ છતાં, બે સત્યો એવાં છે કે જેનો ઇન્કાર ન થઈ શકે. એક સત્ય એ કે આ દેશનો મુખ્ય ધર્મ હિન્દુ ધર્મ છે. બીજું સત્ય એ કે, રૅશનાલિસ્ટો ધર્મને પણ વિવેકબુદ્ધિની કસોટીએ ચડાવે છે. આમાંથી એવો નિષ્કર્ષ કાઢી લેવાય છે કે રૅશનાલિસ્ટો હિન્દુ ધર્મની વિરુદ્ધ છે. રૅશનાલિઝમ સૈદ્ધાંતિક રીતે ધર્મની કે ભગવાનની વિરુદ્ધ જ હોય એવું નથી, પરંતુ એવી છાપ અવશ્ય છે.

રૅશનાલિસ્ટો માત્ર અંધશ્રદ્ધાની વિરુદ્ધ હોય છે અને અંધશ્રદ્ધા પોતે જ ધર્મ બની જાય ત્યારે એ ધર્મનો વિરોધ કરવો એ સૌ સમજદાર ધાર્મિક વ્યક્તિની ફરજ છે. એમનો આગ્રહ દરેક વિચારને તર્કની કસોટીએ ચડાવવાનો હોય છે. જે વાત તર્કમાં ન બેસે તેને આપણે રદ કરવી જ જોઈએ. એમાં ધાર્મિક આસ્થાનો સવાલ જ ન આવવો જોઈએ. શ્રદ્ધાને તર્કનો આધાર જરૂરી છે. તર્કનો ઇન્કાર કરશું અને માત્ર શ્રદ્ધાને ભરોસે ચાલશું તો આપણે કોઈ પણ ગૂંડો-બદમાશ ભગવાં વસ્ત્રો પહેરીને, ગળામાં ઢગલાબંધ રુદ્રાક્ષની માળાઓ નાખીને આવશે અને ધર્મનું નામ લેશે તો એને માની લેવા તત્પર રહેશું અને વિનાશના માર્ગે ધસી જઈશું. આટલું ન સમજનાર સમાજ ધાર્મિક તો ન જ હોય.

ધર્મનાં બે પાસાં હોય છે. એક તો, મૂળભૂત માનવીય મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ મૂલ્યો આપણી સર્વાઇવલની જરૂરિયાતમાંથી નીપજ્યાં છે. માનવીય સમાજમાં સહકાર, શાંતિ, પરસ્પર સદ્‍વર્તન આ માનવીય મૂલ્યો ધર્મના પહેલા અને મૂળભૂત પાસામાં આવે છે. તમે ભગવાનમાં માનતા હો કે નહીં, તમારો પવિત્ર ગ્રંથ ગીતા હોય કે કુરાન, એને ધર્મના આ માનવીય મૂલ્યોના પાસા સાથે કશી લેવાદેવા નથી. એ સૌને સમાન રીતે લાગુ પડે છે. આ પાસાનું અનુસરણ તો રૅશનાલિસ્ટો પણ કરતા જ હોય છે. આ સંદર્ભમાં ધર્મ શાશ્વત છે.

બીજું પાસું એટલે આપણા ક્રિયાકાંડો, રીતરિવાજો, ઉપાસનાની રીત, આપણી ધાર્મિક કથાઓ, દંતકથાઓ. અને ધર્મગ્રંથો. આ બીજા પાસાના સંદર્ભમાં ધર્મ શાશ્વત નથી અને કોઈ પણ યુગમાં આ પાસું શાશ્વત નથી મનાયું. મક્કામાં મહંમદ પયગંબર પહેલાં કોઈ ધર્મ જ નહોતો એવું નથી. આજે ઇસ્લામ છે તો શિયા અને સુન્ની પણ છે. અને જીસસથી પહેલાં શું ઇઝરાએલમાં કોઈ ધર્મ નહોતો? આજે પણ ખ્રિસ્તી ધર્મની સાથે જ યહૂદી ધર્મ પણ બરાબર જીવંત છે. નવા ધર્મો, અથવા નવા સમયને અનુરૂપ ધર્મો મૂળ ધર્મોની અંધશ્રદ્ધાઓ, અન્યાય અને અજ્ઞાનભરી પરંપરાઓને કારણે સમાજ સ્થગિત થઈ ગયો ત્યારે સર્જાયા. આવા વિરોધની સર્વવ્યાપી ભાવનાઓને વાચા આપવા જીસસ અને મહંમદ સર્જાયા – ‘અભ્યુત્થાનં અધર્મસ્ય, વિનાશાય ચ દુષ્કૃતામ્‍’ (અધર્મના નાશ માટે અને અપકૃત્યો કરનારના વિનાશ માટે) . ધર્મનું બીજું પાસું શાશ્વત હોત તો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આજે અસ્તિત્વમાં જ ન હોત.

આપણા જ દેશમાં વેદો પછી ઉપનિષદો અને ગીતા, વેદો અને ચાર્વાકવાદીઓ, બુદ્ધ અને મહાવીર પેદા ન થયા હોત. વેદાંતી વિવેકાનંદ અને વેદના ઉપાસક દયાનંદ સરસ્વતી, દ્વૈતવાદ, અદ્વૈતવાદ, જડવાદ આપણા જ દેશનાં જ અમૂલ્ય રત્નો છે ને? આ પાસું શાશ્વત હોત આટલાં પરિવર્તનો જોવા ન મળ્યાં હોત. આ પાસું શાશ્વત હોય તો ધર્મ મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચી જાય છે. જે લોકો ધર્મના આ પાસાને શાશ્વત માને છે તે લોકો ધાર્મિક નથી. એમનો ઉદ્દેશ બીજો કંઈ પણ હોય ધર્મ સાથે એને કશી લેવાદેવા જ નથી.

દાભોળકર, પાનસરે અને કલબુર્ગીના હત્યારાઓ નર્યા પાખંડી અધાર્મિકો છે. આ સંદર્ભમાં એક વાત બહુ જરૂરી છે. આ દેશનો મુખ્ય ધર્મ હિન્દુ ધર્મ હોવાથી આ ત્રણેય શહીદ રૅશનાલિસ્ટોએ હિન્દુ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ અને અન્યાયી વ્યવસ્થાની ટીકા કરી. આ જોતાં એમના હત્યારાઓ હિન્દુ ધર્મના ઉદ્ધારક અને રક્ષક હોવાનો દાવો કરતા હશે તો તે પોલીસ તપાસમાં બહાર આવશે. આ દરમિયાન હિન્દુ સમાજે એ વિચારવાની જરૂર છે કે એમણે પોતાના ધર્મની વ્યાખ્યા કરવાનો અધિકાર અર્ધશિક્ષિત, લોહી તરસ્યા, ખૂનીઓને સોંપી દીધો છે? હિન્દુ ધર્મ એટલે શું તે જો જાગૃત હિન્દુઓ ખુલ્લંખુલ્લા બોલશે નહીં તો એક દિવસ એવો આવશે કે મારા-તમારા જેવા સામાન્ય માણસો પણ આ હત્યારાઓએ બનાવેલી ધર્મની વ્યાખ્યાથી થોડાક પણ આગળપાછળ થશું તો આપણને ગોળીએ દઈ દેતાં અચકાશે નહીં.

પેસ્ટર માર્ટિન નિયેમોલરની કવિતા રજૂ કરું છું. એ બધી પરિસ્થિતિમાં, ખાસ કરીને હિંસાખોરી થતી હોય ત્યારે, યાદ રાખવાની જરૂર છે.

First they came for the Socialists,
and I did not speak out –
Because I was not a Socialist.

Then they came for the Trade Unionists,
and I did not speak out –
Because I was not a Trade Unionist.

Then they came for the Jews,
and I did not speak out –
Because I was not a Jew.

Then they came for me –
and there was no one left to speak for me.

++++++++

કહોઃ ત્રણેય વિદ્વાનોના હત્યારાઓને જલદી ન્યાયના સિંહાસન સમક્ષ હાજર કરો.

કહોઃ વિવાદની છૂટ, હિંસાની નહીં.


દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ