છાન્દોગ્ય ઉપનિષદમાં કૂતરાઓ મંત્રો બોલે છે! માની શકો છો? આવો, એ મંત્રો જોઈએ. છાન્દોગ્ય ઉપનિષદના પહેલા પ્રપાઠક (અધ્યાય)ના ૧૨મા ખંડનો અનુવાદ નીચે આપ્યો છે.
“હવે આગળ, કૂતરાઓનું ઉદ્ગીથ. બક દાલ્ભ્ય – અથવા ગ્લાવ મૈત્રેય – વેદના અધ્યયન માટે ગયો.
ત્યાં એની પાસે એક સફેદ કૂતરો આવ્યો. એની આસપાસ બીજા કૂતરા એકઠા થયા અને (સફેદ કૂતરાને) કહ્યું: “સ્વામી ગાયન દ્વારા અમને અન્ન અપાવો, અમે ભૂખ્યા છીએ.”
એણે એમને કહ્યું: “ સવારે તમે આ જગ્યાએ મારી પાસે આવજો”. એટલે બક દાલ્ભ્ય –અથવા ગ્લાવ મૈત્રેય – એમને જોતો રહ્યો (એમના પર નજર રાખી).
પછી જેમ (પુરોહિતો) બહિષ્પવમાન સ્તોત્ર બોલતાં પહેલાં જેમ (એકબીજાના હાથ પકડીને ચાલે છે) તેમ (આ કૂતરાઓ) પણ બેઠા અને પહેલાં ‘હિંકાર’ (પ્રાથમિક ધ્વનિ) કર્યો.
(એમણે ગાયું) “ૐ આપણે ખાઈએ, ૐ આપણે પીએ! ૐ દેવ, વરુણ, પ્રજાપતિ, સાવિત્રી, અમારા માટે અહીં અન્ન એકઠું કરો. હે અન્નના દેવતા, અહીં અન્ન એકઠું કરો – હા, અહીં એકઠું કરો, ૐ!”
(હિંકાર, ઉદ્ગીથ વગેરે શું છે, અથવા તો બક દાલ્ભ્ય અને ગ્લાવ મૈત્રેય એવાં બે નામ કેમ છે તેની ચર્ચા હમણાં છોડી દઈએ છીએ).
શંકરાચાર્યનું અર્થઘટન
આપણે વાત એ કરવાની છે કે કૂતરાઓ કેમ મંત્ર બોલે? અને મંત્ર બોલીને પણ કોઈ આધ્યાત્મિક વાત નથી કરતા, માત્ર ખાવાનું માગે છે! આ મંત્રો આ કારણે બહુ ચર્ચાનો વિષય બન્યા છે અને તે પણ આજથી નહીં, કંઈ નહીં તો નવમી સદીથી – એટલે કે આદિ શંકરાચાર્યે એનો અર્થ પહેલી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો. એમણે આ વિભાગથી પહેલાંના વિભાગની ચર્ચા કરીને દેખાડ્યું કે એમાં દુકાળની સ્થિતિની વાત છે અને બધા જીવ અન્ન દ્વારા જ જીવે છે. માણસના વિચારો કે જ્ઞાન, ભલે ને, અતાગ હોય અન્ન વિના જીવી ન શકે. આમ શંકરાચાર્ય અહીં અન્નની ચર્ચાને વાજબી ઠરાવે છે, પણ એમાંથી કૂતરા કેમ મંત્ર બોલે, તેનો જવાબ નથી મળતો. શંકરાચાર્ય કહે છે કે એ કૂતરાઓ ખરેખર કૂતરા નહોતા; કાં તો ઋષિઓ હતા અને કાં તો દેવો પોતે જ કૂતરાના રૂપમાં આવ્યા હતા.
ડૉ. રાધાકૃષ્ણન અને પશ્ચિમી વિદ્વાનો
આપણા આધુનિક ચિંતક ડૉ. રાધાકૃષ્ણન અને ભારતીય દર્શનોના પશ્ચિમી વિદ્વાનોએ પણ આ મંત્રો બોલનારા કૂતરાઓનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમણે કહ્યું છે કે, “(ઉપનિષદોના ઋષિઓને ઘણી વાર યજ્ઞો અને પુરોહિતોનો ધર્મ છીછરો લાગ્યો છે અને એમણે પોતાનાં વ્યંગ્યબાણો એમના પર છોડવામાં કંઈ બાકી નથી રાખ્યું. પુરોહિતો એકબીજાના હાથ પકડીને ચાલતા તેનું કાર્ટૂન જાણે બનાવતા હોય તેમ એમણે કૂતરાઓ એકબીજાની પૂંછડી પકડીને (મોઢામાં દબાવીને) ચાલતા હોવાનું દેખાડ્યું છે.” મંત્રોમાં એકબીજાની પૂંછડી મોંમાં દબાવી હોવાનું કહ્યું નથી પણ ડૉ. રાધાકૃષ્ણને શાંકરભાષ્યને આધારે આ લખ્યું છે.
રીસ ડેવિડ્સ માને છે કે આમાં ટીખળ અને સૂક્ષ્મ વ્યંગ્ય છે. આ જાતનો વ્યંગ્ય પશ્ચિમમાં જોવા નથી મળતો, માત્ર ભારતમાં જ જોવા મળે છે. એક નકલી ગંભીરતાથી અતિરંજિત અને અશક્ય વિવરણો આપવાં અને એના દ્વારા ખરેખર ગંભીર ઉત્કટ નૈતિક ધ્વનિ પ્રગટ કરવો એ પરસ્પર વિરોધી દેખાતી બાબતો ઊડીને આંખે વળગે છે અને ઉપનિષદમાં કૂતરાના મંત્રપાઠમાંથી અને બીજા ઘણાય મંત્રોમાંથી આવી જ ઉત્કટ નૈતિકતા વ્યંગ્યની વચ્ચેથી પ્રગટ થતી હોય છે. રૉબર્ટ અર્ન્સ્ટ હ્યૂમને આમાં બહુ કટાક્ષ જેવું નથી લાગતું પણ વિલ ડ્યૂરાં તો ડૉ. રાધાકૃષ્ણનની સાથે સંમત થતાં એમ માને છે કે છાન્દોગ્ય વેદકથિત ઉપાસનાની રીતોની હાંસી ઉડાડે છે.
પ્રોફેસર ડી. પી. ચટ્ટોપાધ્યાય શું કહે છે.
પ્રોફેસર દેબી પ્રસાદ ચટ્ટોપાધ્યાય કહે છે કે આ કૂતરા નથી, માણસો જ છે. એમાં કોઈ ટીખળ પણ નથી. બધા મંત્રો ગંભીર જ છે. એ દેવતાઓ પણ નથી કે વિદ્વાન ઋષિઓ પણ નથી. એમનું કહેવું છે કે આદિવાસી સમાજોમાં માણસને હંમેશાં પ્રાણીઓ અને વનસ્પતી સાથે સીધો સંબંધ રહ્યો છે. ખુદ વેદોમાં કે ઉપનિષદોમાં ઘણાં નામોમાં પણ આ આદિમ અવસ્થાનાં ચિહ્નો દેખાય છે. દાખલા તરીકે, તૈત્તિરીય (તેતર) માંડૂક્ય (દેડકો), કૌશિતકી (ઘૂવડ પરથી).
પુરાણની કથા પ્રમાણે સામવેદ સંહિતાની એક હજાર શાખાઓ હતી,પણ ઇન્દ્રે એમનો નાશ કર્યો, પરંતુ સાત બચી ગઈ. એમાંથી એકનું નામ શાર્દુલીય છે. શાર્દુલ એટલે વાઘ. બીજાં છ નામ એવાં છે કે જેને પણ કોઈ પ્રાણી સાથે સંબંધ હોય એવું લાગે છે.
અથર્વવેદ સંહિતાની ત્રણ શાખાઓ છેઃ પૈપ્પલાદ, બ્રહ્મપલાશ અને શૌનક. આમાં પહેલું નામ પીપળાના વૃક્ષના ટેટા ખાઈને રહેતા પક્ષીનું નામ છે. અને ‘શૌનક’ એટલે કૂતરો! આ લેખની શરૂઆત પણ કૂતરાથી જ થઈ છે ને! એટલે આ કૂતરા નહીં પણ‘કૂતરા’ની મુદ્રાવાળી જાતિના લોકો હતા.
તે ઉપરાંત વ્યક્તિઓનાં નામોમાં પણ પ્રાણીઓ કે વનસ્પતી છુપાયેલી છે. કશ્યપ(કાચબો), કૌશિક (ઘૂવડ), શૌનક, શુનઃશેપ (કૂતરામાંથી)અશોક વગેરે.
આદિવાસી નામો
પ્રો. ચટ્ટોપાધ્યાય અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને આપણા દેશના આદિવાસી સમાજોનાં ઉદાહરણ આપીને કહે છે કે બધે જ પ્રાણીઓ અને વનસ્પતીઓનાં નામો જાતિનાં નામો તરીકે જોવા મળે છે. આ સમાજો પોતાને કોઈને કોઈ પ્રાણી કે વનસ્પતીનાં સંતાન માને છે, એ જાતિ એ જ નામથી ઓળખાય છે. (રામાયણમાં ‘વાનર’ વાલી-સુગ્રીવ અને હનુમાનની મુદ્રા છે. જાંબવાનની જાતિની મુદ્રા ‘રીંછ’ છે). આ પ્રાણીઓ એમનાં ટોટેમ (મુદ્રા) છે, એમની ઓળખાણ છે. આ નામો ઉપનિષદના સમયમાં પણ ચાલુ રહ્યાં હોય તો નવાઈ નથી. એનાં બે કારણ છેઃ
એક તો, કોઈ પણ સમાજ આખો જ એક સાથે વિકસતો નથી. નવા સાથે જૂનું પણ ટકી રહે છે.એટલે જ્ઞાનનો વિકાસ બહુ થયો હોય તો પણ લોકો પોતાનાં નામો પણ બદલી લે તે શક્ય નથી.
બીજું, આર્યો ભારતના જ હોય કે બહારથી આવ્યા હોય, કોઈ પણ સમાજ નીચેથી ઉપર તરફ વિકસે છે એટલે આપણા પૂર્વજોએ ઋગ્વેદ અને ઉપનિષદો રચ્યાં એ આપણે જાણીએ છીએ પણ એમનાથી પહેલાંના આપણા પૂર્વજોનું જીવન પણ કબીલાઓમાં વીત્યું હોય એમ માનવું તર્કસંગત છે.
આવી કબીલાઈ અસરો વેદ-ઉપનિષદની રચના સાથે જ ધોવાઈ જાય એમ માનવાનો અર્થ નથી. ખરેખર તો આ અસરો આજે પણ દેખાય જ છેઃ આજે પણ આપણામાં ઘણા માંકડ, મચ્છર, મંકોડી, હાથી, ઘોડા, મગર, વાઘ, વરુ, પોપટ છે જ! આમાં કોઈ કટાક્ષ કે ઠેકડી છે એમ તો આપણે માનતા નથી. સિંહોનું તો પૂછવું જ શું? બધા જ પ્રદેશમાં મળશે, જુદાં જુદાં રૂપે -(ધરમશી, ધરમસિંહ, ધરમ સિંઘ, ધર્મેન્દ્ર સિન્હા). કોઈ કહે તો, કહો કે આવાં નામો તો ઉપનિષદોમાં પણ છે. આવાં જ નામો આપણને પ્રાચીન સમાજમાં લઈ જતાં ટાઇમ મશીનો છે.
સંદર્ભઃ
(૧) LOKAYATA: A Study of Ancient Indian materialism આવૃત્તિ-૩, પુનર્મુદ્રણ-૬. પ્રકરણ ૨ -પૃષ્ઠ ૭૬-૧૨૨. લેખકઃ પ્રો. ડી. પી. ચટ્ટોપાધ્યાય.
(૨) http://www.hinduwebsite.com/sacredscripts/hinduism/upanishads/chandogya.asp
(૩) http://www.gatewayforindia.com/upanishad/upanishads.htm
(૪) http://oll.libertyfund.org/titles/upanishads-the-thirteen-principal-upanishads