બાંગ્લાદેશમાં શહીદીને વર્યા પાંચ બ્લૉગરો
બ્લૉગ લખવાનું બહુ સહેલું છે. મોટા ભાગે આપણે સૌ આત્મસંતોષ માટે અને મુખ્યત્વે તો આપણાં લખાણો પ્રિન્ટ મીડિયામાં છપાવાની શક્યતા નહિવત્ હોવાથી બ્લૉગ લખીએ છીએ. પરંતુ કેટલાયે એવા છે કે જેઓ પોતાના આદર્શોને ફેલાવવા માટે મોતને મુઠ્ઠીમાં રાખીને બ્લૉગ લખે છે. એમનું લખેલું એમના દેશમાં જ છપાય એવી શક્યતા તો હોતી જ નથી પણ બ્લૉગ એમનું હાથવગું હથિયાર બની રહે છે. છેલ્લાં બે વર્ષમાં બાંગ્લાદેશમાં આવા પાંચ બ્લૉગરોને એમના અંધશ્રદ્ધા વિરોધી નાસ્તિક વિચારો માટે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ મોતને ઘાટે ઉતારી દીધા છે. આમાંથી ચાર હત્યાઓ તો છેલ્લા પાંચ મહિનામાં થઈ છે.
અહમદ રજિબ હૈદર (ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૩)
૩૦ વર્ષના આર્કિટેક્ટ હૈદર કટ્ટરપંથીઓનો નીડરપણે સામનો કરતા. બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ વખતે પાકિસ્તાનને સાથ આપીને લોકોની હત્યાઓ કરાવનારા અબ્દુલ કાદિર મુલ્લાને યુદ્ધ અપરાધી તરીકે સજા કરવાની એમણે ઝુંબેશ છેડી. મુલ્લાને આજીવન કેદની સજા થઈ હતી. આ જ લોકો બંગબંધુ શેખ મુજીબુર રહેમાન અને બીજા નેતાઓની હત્યા માટે પણ જવાબદાર હતા. ૨૦૧૩માં ઢાકાના શાહબાગ વિસ્તારમાં લાખો લોકો એકત્ર થઈ ગયા. આજીવન કેદની સજાનો વિરોધ કરીને લોકોએ એને ફાંસી આપવાની માગણી કરી. બાંગ્લાદેશનું આ આંદોલન ‘શાહબાગ પ્રોટેસ્ટ્સ’ તરીકે ઓળખાય છે.
આ આંદોલન એટલું પ્રબળ બન્યું કે આખા દેશમાં ફેલાઈ ગયું અને ‘ગણ જાગરણ મંચ’ બનાવવામાં આવ્યો. સરકારે આ કેસ ચલાવવા માટે ટ્ર્રાઇબ્યૂનલની નીમણૂંક કરી તેના દસ જ દિવસની અંદર અહમદ રજિબ હૈદરને એમના ઘર પાસે જ મારી નાખવામાં આવ્યા. આંદોલનના જનક આ યુવાન બ્લૉગરની શહીદી પછી મુલ્લા તરફ નરમ વલણ દેખાડવાનું શક્ય પણ નહોતું. ૨૦૧૩ના ડિસેમ્બરમાં એને ફાંસી આપી દેવાઈ.
અભિજિત રોય (ફેબ્રુઆરી ૨૬, ૨૦૧૫)
અભિજિત રોય બાંગ્લાદેશી અમેરિકન હતા. એ અને એમનાં પત્ની સાથે મળીને ‘મુક્તો મૉના’ (મુક્ત મન) નામનો રૅશનાલિસ્ટ બ્લૉગ ચલાવતાં હતાં. તર્કબદ્ધ દલીલો અને રૂઢિવાદીઓની ખુલ્લા પાડવાના એમના અડગ સંકલ્પને કારણે મુક્તો-મૉના/(મુક્તો-મૉના) બ્લૉગ બાંગ્લાદેશના અનેક પ્રગતિશીલ અને લોકશાહીવાદી રૅશનાલિસ્ટો માટે એક મંચ બની ગયો હતો. (મુક્તો-મૉનાનું About પૃષ્ઠ)
આજે આપણે દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન’ મનાવીએ છીએ પણ ખરેખર તો ૧૯૪૯માં એ દિવસે પૂર્વ પાકિસ્તાનમાં ઉર્દુ ઠોકી બેસાડવાના પાકિસ્તાની હકુમતના વિરોધમાં આંદોલન શરૂ થયું હતું. પૂર્વ પાકિસ્તાનીઓ બંગાળી ભાષા માટે પોતાના પ્રાણ આપતાં પણ અચકાયા નહોતા. આજે પણ દર વર્ષે બાંગ્લાદેશમાં ‘એકુશે ફેબ્રુઆરી’ ઊજવાય છે. આ વર્ષની ૨૧મી ફેબ્રુઆરીએ પણ ઢાકામાં પુસ્તક મેળો યોજાયો હતો. અભિજિતને મિત્રોએ એમના સામે જોખમ હોવાની ચેતવણી આપી હતી, પણ એની પરવા કર્યા વિના એ અમેરિકાથી ઢાકા ગયા અને ‘એકુશે ફેબ્રુઆરી’નો પુસ્તક મેળો જોઈને બહાર નીકળ્યા, એક બાગ પાસે પહોંચ્યા ત્યારે ચારપાંચ જણે એમને ઘેરી લીધા અને ગોળીએ દઈ દીધા. એ વખતે પોલીસવાળા ત્યાં હાજર હતા પણ એમણે ખૂનીઓને ભાગી જવા દીધા. એમનાં પત્ની પણ આ હુમલામાં ઘાયલ થયાં.
જો કે ‘મુક્તો મૉના’ બ્લૉગ હજી પણ ચાલે છે. માત્ર અભિજિત નહીં, આ વર્ષે જે બ્લૉગરોની હત્યા થઈ છે એમણે અભિજિત પછી પણ એના પર લખવાનું બંધ ન કર્યું તે એમના મોતનું કારણ બન્યું છે. ૨૦૧૫માં અભિજિત સહિત ચાર જણની હત્યાઓ થઈ ચૂકી છે.
વસીકુર રહેમાન બાબુ (માર્ચ ૩૦, ૨૦૧૫)
અભિજિતની હત્યા પછી પાંચ જ અઠવાડિયે કટ્ટરપંથીઓ ફરી ત્રાટક્યા અને ૨૭ વર્ષના યુવાન વસીકુર રહેમાન બાબુની હત્યા કરી નાખી. વસીકુર અભિજિતની હત્યાથી અકળાયેલા હતા અને એમણે લખ્યું કે “કલમ સક્રિય રહેશે. તમારી માન્યતાઓના મૃત્યુ સુધી લખતી રહેશે.” વસીકુર એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરતા હતા અને ૩૦મી માર્ચે ઑફિસ જવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે બહાર રસ્તામાં એમનો કાળ વાટ જોતો હતો. ત્રણ મુસ્લિમ ઉદ્દામવાદીઓએ એમને ગોળીઓથી વીંધી નાખ્યા. ધોળે દિવસે આ બનાવ જોઈને આસપાસના લોકો ડઘાઈ ગયા, પણ ત્યાં રહેતા એક વ્યંઢળ ’લાવણ્યા’એ તરત જ બહાર આવીને બીજા વ્યંઢળોની મદદથી ત્રણેય હત્યારાઓને પકડી લઈને પોલીસને સોંપી દીધા.
પોલીસે એમની પાસેથી માહિતી કઢાવી તે પ્રમાણે ત્રણેય જણ એકબીજાને ઓળખતા નહોતા. માત્ર કોઈ ‘હુઝૂર’નો એમને હુકમ મળ્યો હતો. “હુઝૂરે કહ્યું હતું કે વસીકુર ઇસ્લામના વિરોધી છે એટલે આસ્થાવાન મુસલમાન તરીકે એને મારી નાખવાની એમની ફરજ છે, એટલે અમે એની હત્યા કરી.”
અનંત બિજૉય દાસ (મે ૧૨, ૨૦૧૫)
છેલ્લાં કેટલાંક વર્ષથી બાંગ્લાદેશના રાજશાહી, ખુલના, બારીસાલ અને સિલ્હટ જિલ્લાઓમાં ઉદ્દામવાદીઓનું જોર વધતું રહ્યું છે. ૧૯૧૩માં આ શહેરોમાં થયેલી મ્યુનિસિપલ ચૂંટણીમાં બેગમ ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નૅશનલ પાર્ટી (BNP)ને બહુમતી મળી..ખાલિદા ઝિયાના પતિ ઝિયા ઉર-રહેમાન આર્મીમાં જનરલ હતા અને ૧૯૭૭માં એમણે લશ્કરી બળવામાં સત્તા કબ્જે કરી લીધી હતી. કટ્ટરપંથીઓ એ વખતથી જ બેગમ ખાલિદા ઝિયા સાથે રહ્યા છે. પરંતુ સિલ્હટમાં અનંત બિજૉય દાસ જેવા નિર્ભય વિરોધીઓ પણ રહ્યા છે. અનંત પણ મુક્તો-મૉના માટે લખતા. એ સિલ્હટની એક બૅન્કમાં કામ કરતા હતા. અહમદ રજિબ હૈદરનાં લખાણોથી પ્રેરાઈને બનેલા ‘ગણ જાગરણ મંચ’માં પણ સક્રિયતાથી ભાગ લેતા હતા.
નીલૉય નીલ (ઑગસ્ટ ૭, ૨૦૧૫)
આ મહિનાની સાતમી તારીખે અન્સાર અલ ઇસ્લામ નામના સંગઠનના હત્યારાઓ નીલના ઘરમાં ઘૂસી ગયા અને એમને રહેંસી નાખ્યા. આ સંગઠન ભારતીય ઉપખંડમાં અલ કાયદા (AQIS – Al Qaida in Indian Subcontinent)ની શાખા છે અને એણે એમની હત્યાની જવાબદારી લીધી છે.નીલ પણ મુક્તો-મૉનાના નિયમિત લેખક હતા.
એમણે એ જ દિવસે પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું કે પોલીસ એમને રક્ષણ આપવા તૈયાર નથી. એમણે વિવરણ આપ્યું છે તે પ્રમાણે બે જ દિવસ પહેલાં એ અનંત બિજૉય દાસની હત્યાના વિરોધમાં યોજાયેલી રૅલીમાં ભાગ લેવા ગયા હતા. ત્યાંથી પાછા ફરતા હતા ત્યારે બસમાં બે માણસો એમની સાથે હતા, એ જ્યાં ઊતર્યા અને બીજા વાહન (લૅગૂના)માં બેઠા ત્યારે એક જણ એમાં પણ ચડ્યો. તે પછી એમને ખાતરી થઈ કે એ લોકો એમનો પીછો કરતા હતા ત્યારે એ પોલીસ સ્ટેશને ગયા. પરંતુ ત્યાં એક પોલીસ ઑફિસરે ફરિયાદ (એમના શબ્દોમાં ‘જનરલ ડાયરી’) લેવાની ના પાડી અને એમની સમક્ષ રહસ્ય છતું કર્યું. એણે કહ્યું કે જે કોઈ વ્યક્તિગત રક્ષણની ફરિયાદ લખે તેની એ રક્ષણ આપવાની અંગત જવાબદારી બની જાય છે, પછી એને કંઈ થાય તો ફરિયાદ લખનારની નોકરી પણ જાય! નીલ બીજા પોલીસ્સ સ્ટેશને ગયા તો ત્યાં એને જવાબ મળ્યો કે આ કેસ એમના થાણાનો નથી. પણ તે સાથે જ પોલીસ ઑફિસરે એમને જેમ બને તેમ જલદી દેશ છોડી જવાની પણ સલાહ આપી!
ફેસબુક પર આ લખ્યા પછીના બે-ત્રણ કલાકમાં જ અન્સારના હત્યારાઓ એમના ઘરમાં ધસી આવ્યા અને ઘરનાં બીજાં સભ્યોની નજર સામે જ એમની લોથ ઢાળી દીધી.
૦-૦-૦
સવાલ લોકોના મૂળભૂત લોકશાહી અધિકારોનો છે. ભારતના બંધારણમાં ધાર્મિક સ્વાતંત્ર્યની બાંહેધરી આપવામાં આવી છે. દરેક નાગરિક પોતાની મરજી હોય તે ધર્મનું પાલન કરી શકે છે. પરંતુ આ અધિકાર ધાર્મિક જૂથોને નહીં વ્યક્તિઓને, નાગરિક તરીકે અપાયો છે. એટલે ધર્મને નામે કોઈ ધાર્મિક જૂથ પોતાના અથવા બીજા જૂથના સભ્ય પર અમુક જ માનવું, અમુક રીતે જ માનવું એવું દબાણ ન કરી શકે. એ જ રીતે ધર્મમાં ન માનવું હોય તો એ પણ એનું વ્યક્તિગત સ્વાતંત્ર્ય છે. કોઈ નાગરિક ઈશ્વરમાં માનતો હોય અને કોઈ ન માનતો હોય, બન્નેના અધિકાર સમાન છે. કોઈ ઉપર બળજબરીથી, દાદાગીરીથી કે બહુમતીના જોરે વિચારો ઠોકી બેસાડવા અને સમાજના એક આખા વર્ગ માટે દ્વેષ ફેલાવવો એ ફાસીવાદ છે. આવા ધાર્મિક ફાસીવાદે આ હિંમતવાન રૅશનાલિસ્ટ બ્લૉગરોનો ભોગ લીધો છે. આ બ્લૉગરો ધાર્મિક અંધશ્રદ્ધા અને દાદાગીરી સામે પડકાર રૂપ હતા. બાંગ્લાદેશના આ બ્લૉગરોને નમ્ર અંજલિ.
૦-૦-૦-૦
સંદર્ભઃ
- https://en.wikipedia.org/wiki/Ahmed_Rajib_Haider
- http://en.rsf.org/bangladesh-well-know-blogger-hacked-to-death-18-02-2013,44093.html
- http://en.rsf.org/bangladesh-well-know-blogger-hacked-to-death-18-02-2013,44093.html
- http://www.theguardian.com/media/greenslade/2015/may/13/another-secular-blogger-hacked-to-death-in-bangladesh
- http://scroll.in/article/726937/the-last-posts-of-murdered-bangladeshi-blogger-ananta-bijoy-das
- http://kafila.org/2015/04/01/and-then-they-came-for-oyasiqur-rahman-babu/
- http://bdnews24.com/bangladesh/2015/03/30/blogger-hacked-to-deathin-dhaka-police
- http://bdnews24.com/bangladesh/2015/08/09/committee-formed-to-probe-slain-blogger-niloys-claim-that-police-refused-to-register-gd-in-may
- http://www.hastakshep.com/intervention-hastakshep/ajkal-current-affairs/2015/08/07/niloy-neel-another-secular-blogger-hacked-to-death-in-bangladesh-fourth-this-year?utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Hastakshepcom+%28Hastakshep.com%29
- http://scroll.in/
- http://nsi-delhi.blogspot.in/2015/08/mukto-mona-statement-on-murder-of.html?utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed:+NewSocialistInitiativensi+(+New+Socialist+Initiative+(NSI))
- http://www.niticentral.com/2013/07/01/radical-islamism-sees-a-boom-in-bangladesh-97896.html
- https://en.wikipedia.org/wiki/Ziaur_Rahman