Best Urdu stories from Pakistan

ગુલાબદીન ચિઠ્ઠીરસાં

 આગ઼ા બાબર

લેખકનો પરિચયઃ

મૂળ નામ આગ઼ા સજ્જાદ હુસૈન. જન્મ માર્ચ ૧૯૧૯.પંજાબના બટાલામાં મૅટ્રિક સુધી શિક્ષણ. કૉલેજનો અભ્યાસ લાહોરમાં.૧૯૪૩થી ૧૯૪૫ સુધી પંચોલી આર્ટ સ્ટૂડિયોમાં સંવાદ લેખક તરીકે કામ કર્યું.પંજાબ ઍસેમ્બ્લીમાં રિપોર્ટર તરીકે કામ કર્યું. તે પછીમે ૧૯૪૯માઅં પાકિસ્તાનની ફોજમાં જોડાયા અને મેજર તરીકે રિટાયર થયા. ૧૯૭૮માં અમેરિકા ગયા અને ત્યાં રીડર્સ ડાઇજેસ્ટ સાથે જોડાયા. ચાર નવલિકા સંગ્રહો અને અન્ય સમીક્ષા પુસ્તકો પ્રકશિત. ૧૯૯૯માં અવસાન.

 

આભારઃ

આ વાર્તાનો અનુવાદ કરવાની સહર્ષ પરવાનગી આપવા બદલ પ્રકાશક સાક્ષી પ્રકાશન, એસ. ૧૬. નવીન શાહદરા, દિલ્હી, ૧૧૦૦૯૫ નો આભાર.

પ્રકાશકનો સંપર્કઃ

ઑફિસઃ ૦૧૧-૨૨૩૨-૪૮૩૩.
મોબાઇલઃ ૦૯૮૧૦૪૬૧૪૧૨.
ઇ-મેઇલઃ goelbooks@rediffmail.com .

પુસ્તક સંબંધી વિવરણઃ

પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં

(ભાગ ૧) ISBN-81-86265-23-6 (કિંમતઃ રૂ. ૧૨૫)
(
ભાગ ૨) ISBN-8186265-42-2 ((કિંમતઃ રૂ. ૧૨૫)

ગુલાબદીન ચિઠ્ઠીરસાં

 આગ઼ા બાબર

પોસ્ટ ઑફિસની પાછળની બિલ્ડિંગના લાંબા રૂમમાં આજે બહુ હલચલ હતી. આજે ચિઠ્ઠીરસાંઓ(ટપાલીઓ)ની બદલીઓ થઈ હતી. ગુલાબદીનનો ચહેરો ઊતરી ગયો હતો.

કરમ ઇલાહીએ ઇકરામને પૂછ્યું – “ગુલાબદીનની મા મરી ગઈ છે કે શું?”

“અરે ભાઈ, એની બદલી હીરામંડી થઈ ગઈ છે.”

બન્નેએ હાથ મિલાવ્યા અને જોરથી હસી પડ્યા.

ગુલાબદીન મનની બળતરા ઠાલવતો હતોઃ “આનો અર્થ શું? રોજી તો ખુદા આપે છે, ભલે ને મારે નોકરી છોડવી પડે. હું તો મોટા સાહેબને અપીલ કરીશ. અફસરોએ તો જરાક ખ્યાલ રાખવો જોઈએ કે કોને કયો ઇલાકો આપવો.”

ગુલાબદીન પાંચ વાર નમાજ પઢતો. એના મહોલ્લામાં રમઝાનના મહિનામાં રાતે તરાવીહની નમાજોમાં કુર્‍આનખાનીની વ્યવસ્થા કરવાની જવાબદારી એની જ રહેતી. બજારમાં મેરાજ શરીફનો ફાળો પણ એની નિગરાની નીચે ઉઘરાવાતો અને એ જ એનો ખર્ચ કરતો. ઈદે-એ-મિલાદ-ઉન-નબીની ઊજવણીમાં પણ છોકરાઓ એના કહ્યા પ્રમાણે જ રંગબેરંગી તોરણો વગેરે બાંધતા. આવા ઈમાનદાર. ધર્મભીરુ માણસનો અંતરાત્મા આજે અસ્વસ્થ હતોઃ “તું ગુલાબદીન, હવેથી તવાયફોની ટપાલ લઈને એમના કોઠાઓના આંટાફેરા કરીશ? એ કાગળો શરૂ થતા હશે હવસ સાથે અને પૂરા થતા હશે હવસ સાથે. કોઈ કાગળમાં માની મમતા કે બાપનાં લાડ નહીં હોય. માની છાતીમાંથી દ્દૂધને બદલે ઝેર ટપકતું હશે અને બાપની નજરમાંથી બેશરમી…”

બીજા દિવસે એ પોસ્ટ માસ્તરને મળ્યો ત્યારે એનો ચહેરો પીળો પડી ગયો હતો. કદાચ એ હમણાં જ વુજૂ કરીને, દુઆ માગીને આવ્યો હશે.

 “હુઝૂર, મારી બદલી હીરામંડી કરી છે. હું નમાજી માણસ. મારી બહુ બેઇજ્જતી થશે.” એણે પોતાની અરજી મોટા સાહેબ સામે ધરી દીધી અને ખાખી કોટના ગજવામાંથી કાળા મણકાની તસબીહ (માળા) કાઢીને બોલ્યો, “હુઝૂર, જે હાથ આ તસબીહ ફેરવે છે તે જ એ કાળાં કામાંના અડ્ડાઓમાં જઈને ધંધો કરતી બાઈઓને કાગળો પહોંચાડશે. ખુદા માફ કરે. જનાબ, મારાથી નહીં થાય. કાં તો મને ફૈઝબાગમાં મૂકો ને કાં મિસરી શાહમાં જ રહેવા દો.”

સાહેબ વિચારીને બોલ્યા “તો બદલી રોકી દેવી છે? પણ હમણાં તરત તો નહીં થાય; અરજી તો રાખું છું.”

ગુલાબદીનને આંચકો લાગ્યો.

ગુલાબદીન અને સિરાઝ પાણીવાળા તળાવ પાસેથી થઈને નવ-ગજની કબર પાસે આવ્યા ત્યારે સિરાઝે કહ્યું, “મૌલવી ગુલાબદીન, આવ અહીંથી શરૂ કરીએ,” એ જમણી બાજુ વળતાં બોલ્યો, “આ પહેલો ચોક ફિરોઝાનો છે. અહીં બધી ગાનારીઓ રહે છે.”

દરવાજે ચાર-પાંચ જણ પાનાં રમતા હતા અને એક સ્ત્રી ઉપર છજામાં ખભે ટુવાલ રાખીને ભીના વાળને આંગળીથી અલગ કરતી સૂકવતી હતી. દુપટ્ટો નહોતો લીધો એટલે એના દરેક ઝટકે એની છાતી પણ… ગુલાબદીનને આંખો બંધ કરી દેવાની ઇચ્છા થઈ આવી.”

“કાલથી મારી જગ્યાએ આ આવશે” સિરાઝે ગુલાબદીનનો પરિચય કરાવ્યો.

લાંબી મૂંછોવાળાએ પાનાં પટક્યાં અને બન્ને પર નજર નાખી. લૂંગી જાંઘ સુધી ચડાવીને બેસી ગયો. એની સાથેના જુવાન છોકરાને ગુલાબદીનનું નામ સાંભળીને ગીત સાંભર્યું, “ઓ રાંઝા ફુલ ગુલાબ દા મેરી ઝોલી ટુટ પેયા…” છજા પરથી તવાયફ તાડૂકી, એણે પગ ઊંચો કરીને કઠેરા પર  રાખ્યો હતો. એની વજનદાર જાંઘોની અટકળ કોઈ કરે તો ખોટા પડવાનો સવાલ જ નહોતો.

“ આદાબ બીબી, પહેલાં જઈને સલવાર સિવડાવી લો!”

“એ બિલ્લો હતી. ઢોલક પર ગીતો બહુ સારાં ગાય છે.” સિરાઝે બધાંની ઓળખાણ આપવાનું શરૂ કર્યું. બજારમાં એક પાનવાળાની દુકાને પહોંચીને સિરાઝે કહ્યું, આ શહાબાની દુકાન છે. એ તો સાંજે આવશે, આ બેઠો છે તે નિક્કો. મૌલવીજી, પાનવાળાની દુકાનો દલાલીના અડ્ડા છે. અત્યારે દુકાનોમાં બેઠા છે તે બધ્ધા જ તવાયફોના નોકરો છે.”

તે પછીની ગલીમાં જતાં સિરાઝે કહ્યું, “અહીં બધી રંડીઓ રહે છે, ધંધાવાળીઓ.” ગલીમાં સડેલા તરબૂચની ગંધ આવતી હતી. ગુલાબદીને નાકે  કપડું રાખી દીધું.

“આ ગલીમાં જવાની જરૂર છે?” ગુલાબદીને નાકનું ટેરવું ચડાવતાં કહ્યું. “એકાદ ટપાલ અહીંની પણ હોય છે. આજે કંજરોના ચૌધરીની છે.” મહેંદીરંગી દાઢીવાળો ચૌધરી ખાટલે બેસીને હુક્કો પીતો હતો. એક માલિશિયો પાસે બેઠો હતો. એક જણ એના પગની પીંડલીઓ દબાવતો હતો.

“આ બાજુ ક્યાં, માસ્ટર?” ચૌધરી બોલ્યો.

“તમારી ટપાલ છે, ચૌધરીજી.” સિરાઝે કહ્યું અને ગુલાબદીનની ઓળખાણ કરાવી. આગળ ચાલ્યા તો એક ઘરમાંથી એક સ્ત્રી ડોકાઈ. “મારો કોઈ કાગળપત્તર નથી?” સિરાઝે ડોકું ધુણાવીને ના પાડી એટલામાં તો બીજી એક સ્ત્રી ભડકી, “યારોને તો ભરખી ગઈ, હવે તને કોણ લખશે કાગળ?”

બન્ને આગળ નીકળી ગયા. આગળ જતાં ગલી સાંકડી થતી જતી હતી. ગુલાબદીનનો જીવ ગભરાવા લાગ્યો. છેવટે ખુલ્લા રસ્તે આવતાં એના જીવમાં જીવ આવ્યો. સિરાઝે પૂછ્યું, “મિયાં, થાક્યા તો નથી ને? ચાલો, હજી એક-બે કાગળ છે.” બન્ને આગળ ગયા. બીજા ચાર-પાંચ કાગળ સિરાઝે પકડાવ્યા ત્યારે ગુલાબદીનને લાગ્યું કે એના હાથમાં ગંદા લોહીથી ખરડાયેલાં ચીંથરાં મૂકી દીધાં છે.

 “અહીં બદ્રો અને કદ્રો અહીં રહે છે.” સિરાઝે કહ્યું; અને એક મકાનમાં બેધડક ઘૂસી ગયો. આંગણામાં બે છોકરીઓ લસણ છોલતી હતી. સિરાઝનો અવાજ સાંભળીને છોકરીઓએ નજર ઊંચી કરી. સિરાઝે ગુલાબદીનના હાથમાં એક કાગળ પકડાવ્યો. આજે સૌ પહેલી વાર ગુલાબદીન કાગળ વહેંચતો હતો. બદ્રુન્નિસાએ કાગળ લઈ લીધો અને વાંચવા લાગી. એનો હરખ માતો નહોતો, “આપાને ‘કાકી’ (દીકરી) આવી…”

ઉસ્તાદ નૂરુદ્દીન રાહ જોતો ઊભો હતો. હવે બોલ્યા વગર રહી ન શક્યો, “અરે, જાનવરો, કહો તો ખરા શું સમાચાર છે?” વરંડામાં ટાટના પરદા પાછળથી એક વૃદ્ધાનો અવાજ આવ્યો, ‘ઉસ્તાદજી, કમરોએ દીકરી જણી…”

નૂરુદ્દીન ઉત્સાહમાં આવી ગયો. “નસીબવાળી છે. મુબારકબાદ અમ્માજી. પણ ટપાલીને મીઠું મોં કરાવ્યું?”

“હા, હા, એના વિના કેમ ચાલે?” કહીને કદ્રોએ સિરાઝના હાથમાં બે રૂપિયા મૂકી દીધા.

બન્ને બજારમાં આવ્યા ત્યારે એક જાળિયાવાળું ઘર દેખાડીને સિરાઝ બોલ્યો, “આ ઝોહરા મુશ્તરીનું ઘર છે…એની પણ ટપાલ હતી ને?” મુશ્તરીનો કાગળ હાથમાં પકડીને બન્ને અંદર ગયા ત્યારે એક જાડી સ્ત્રી પલંગ પર પડખું ફરીને સૂતી હતી. એના કૂલ્હા પરથી કમીઝ ખસી ગયું હતું પણ એને ભાન નહોતું. બાજુના રૂમમાંથી એક દૂબળી-પાતળી છોકરીએ આવીને કાગળ લઈ લીધો. સામેના રૂમમાં બે સાજિંદાઓ સાથે એક નાની છોકરી નથડી પહેરીને બેઠી હતી અને રિયાઝ કરતી હતી, “આ…આ…આ…”

ત્યાંથી બન્ને પાછા બજારમાં પહોંચ્યા ત્યારે સિરાઝે એને મળેલા બે રૂપિયામાંથી એક રૂપિયો ગુલાબદીનને આપવાની કોશિશ કરી, પણ એણે આનાકાની કરી. એને પેલી નથડીવાળી નાની છોકરી યાદ આવતી હતી. સિરાઝે ગુલાબદીનના કોટના ગજવામાં રૂપિયો નાખી દીધો અને બોલ્યો, “બુઝુર્ગવાર, આ કોઈ હરામના પૈસા નથી. સમજો… કોઈના ખિસ્સામાંથી રૂપિયો કઢાવવો એ સહેલી વાત નથી. અને રૂપિયાનું તો એવું છે કે એ આજે એક ગજવામાં હશે, કાલે બીજા ગજવામાં ચાલ્યો જશે.” ગુલાબદીન કંઈ ન બોલ્યો પણ મનમાં નક્કી કર્યું કે બદ્રોનો કાગળ આપવા જશે ત્યારે એને રૂપિયો પાછો આપી આવશે. પણ ઘણા દિવસ સુધી કાગળ જ ન આવ્યો. જ્યારે આવ્યો ત્યારે ગજવાનો રૂપિયો નીકળી ગયો હતો. એની પત્નીએ રૂપિયો કાઢીને ઘાસલેટ મંગાવી લીધું હતું.

ગુલાબદીન બદ્રો-કદ્રોને ઘરે પહોંચ્યો ત્યારે બન્ને બહેનોએ કારપેટ પર લંબાવ્યું હતું અને એમની બહેન તકિયાને અઢેલીને પલાંઠીભેર બેઠી હતી. પાસે જ એનો બાપ હુક્કો ગડગડાવતો બેઠો હતો. ગુલાબદીને ત્રણ કાગળ એમના હાથમાં મૂક્યા. એનો બાપ બોલ્યો, “ભલા આવ્યા, મુનશીજી, છોકરીઓ કહેતી હતી, ટપાલ નથી આવતી, નવા મુનશીજી ક્યાંક બીજે તો આપી નથી આવતા ને?”

“ ના. તમારી ટપાલ આવતી જ નહોતી.”

“અરે, કાકી થવાના ખબર પણ આ જ લઈ આવ્યા હતા.” કદ્રોએ કારપેટ પર પડ્યા પડ્યા જ કહ્યું.

“એ…મ! બહુ શુકનિયાળ પગલાં છે, તમારાં મુનશીજી, ખુદા તમારું ભલું કરે. મુનશીજી, આવ્યા છો તો આ કામ પણ કરી આપો. આ મની ઑર્ડર  લખી આપો.” એણે ગુલાબદીન માટે બેસવાની જગ્યા ખાલી કરી આપી, હુક્કો એના તરફ ફેરવ્યો અને નોકરને કહ્યું, “અબે ઓય, મુનશીજી માટે લસ્સી લઈ આવ.”

ગુલાબદીને પૂછ્યું, “ઘરમાં દૂઝાણું છે?”

“અમે કંઈ જેવાતેવા નથી. મુનશીજી, કંજરોમાં અમારું ખાનદાન બહુ ઊંચું છે.” પછી કમરુન્નિસા માટે મની ઑર્ડર લખાવવા બેઠો. છેલ્લું ખાનું આવ્યો ત્યારે લખાવ્યું, “આ બસો રૂપિયા કાકીના ચૂસણિયા માટે છે. તારી માની તબીયત સારી નથી. ઠીક થશે ત્યારે તારી પાસે આવી જશે.”

લસ્સી માટે આભાર માનવાની રીતે ગુલાબદીને ચિંતા દેખાડી, “શું ઘરમાં કંઈ તકલીફ છે?”

“ખાસ નહીં, ચક્કર આવે છે. અમે પાછા ચરી પણ ન પાળીએ.”

ગુલાબદીન ઊઠવા લાગ્યો ત્યારે બદ્રોનો બાપ બોલ્યો, “મુનશીજી, લસ્સી પીવાનું મન થાય ત્યારે સંકોચ રાખ્યા વિના, ઘર જાણીને આવી જજો.”

ધીમે ધીમે ગુલાબદીનને દરેક ઘરની અંદરની વાતોની પણ ખબર પડવા લાગી. જેમ કે, બદ્રો અને કદ્રો જ્યાં રહેતી હતી તે ગેરુઆ રંગનું ખુલાવટવાળું મકાન એમની પરદાદીને એક તવંગર લાલા મુકુંદલાલે બનાવી આપ્યું હતું. હવે કુટુંબની સૌથી નાની દીકરી મહેરુન્નિસા માટે કોઈ મોટો આસામી શોધતા હતા. બદ્રોને મુજરા માટે ગુલબર્ગ જવું હતું તો એણે મહેરુન્નિસાને નાકે નથ અને બીજા શણગારોથી સજીને એવી બનાવી દીધી હતી કે જાણે મીણની પૂતળી. બદ્રોએ પોતે જ આ વાત કહી હતી. બદ્રોનો બાપ અબ્દુલ કરીમ અને ભાઈ કીમ કંઈ કામ નહોતા કરતા. કીમ તો કાને લવિંગિયાં પહેરીને ફુલફટાક થઈને ફર્યા કરતો. બદ્રો અને કદ્રોની મા સખત પરદો પાળતી.

ઝોહરા અને મુશ્તરીના ઘરમાં જે સ્ત્રી હંમેશાં પડખું ફેરવીને સૂતેલી દેખાતી તે એમની ઓરમાન બહેન છે. અફીણની એને લત છે. ઝોહરા અને મુશ્તરીની મા પણ પરદામાં જ રહે છે, પણ ગયા વર્ષે હજ કરી આવી તે પછી બદ્રો-કદ્રોની માને પણ હજ કરવાની ઇચ્છા થઈ છે, પણ અબ્દુલ કરીમ અને ત્રણેય દીકરીઓ હા નથી કહેતી કારણ કે એની તબીયત નબળીસબળી રહ્યા કરે છે.

ગુલાબદીનને એ પણ સમજાઈ ગયું કે જે ગાનારીના ઘરમાં વધારે મહેફિલો જામે તેની ખબર બીજાં ઘરો સુધી પણ પહોંચી જાય છે – ફલાણીને ઘરે હમણાં હમણાં સોસાઇટી બહુ એકઠી થાય છે. તવાયફોના નોકરો આવા સમાચારો લઈ આવતા હોય છે, જે આખો દિવસ દુકાનો પર બેઠા પાનાં ટીચ્યા કરતા હોય છે અને હારનારાને પૈસે પેડાવાળી લસ્સી પીતા રહે છે.

જે મકાનોના દરવાજા દિવસે જાડી ચિક અને ટાટના પરદાથી બંધ રહે છે, તે રાતે એવા ફટાશ ખૂલી જાય છે કે જાણે ચિક અને ટાટની સખત બેઇજ્જતી કરવી હોય. ગુલાબદીનને આ મકાનો ભેદી લાગતાં.

એક દિવસ એ બહુ થાકેલો હતો અને એ ગલીમાં ટપાલ વહેંચવા જવું હતું. એને થયું કે આ ચાર કાગળ વહેંચીને એ બદ્રો-કદ્રોને ઘરે લસ્સી પીવા પહોંચી જશે. એ ગલીમાં દાખલ થયો ત્યારે ત્યાં બહુ ગોકીરો હતો. અલ્લારખી મુસલ્લન અને બીજી એક રંડી વચ્ચે લડાઈ જામી હતી. ગુલાબદીન ત્યાંથી પસાર થયો ત્યારે એના તરફ ત્રાંસી આંખે જોઈને મુસલ્લન બોલી, “જાની, તને તો ટપાલી…!” બીજીએ તડાક જવાબ દીધો, “જાની, તને આ ભટકૂ ટપાલી…!” બીજી રંડીઓ ખડખડાટ હસી પડી. ગુલાબદીન શિયાવિયા. ત્યાં ટપાલ વહેંચ્યા વિના જ બદ્રો-કદ્રોને ઘરે પહોંચ્યો. અબ્દુલ કરીમે એનો ચહેરો જોઈને પૂછ્યું, “મુનશીજી, બહુ ગભરાયેલા લાગો છો.” ગુલાબદીને આખી વાત કહી. બીજે દિવસે અબ્દુલ કરીમ એને લઈને હાકો ચૌધરી પાસે લઈ ગયો. ચૌધરીએ મુસલ્લનનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં. પછી બોલ્યો, “મુનશીજી, તમે તો નહોતું કહ્યું, પણ તમે ગુલાબોની ગલીમાંથી જતા હો છો ત્યારે ફોંદા કંજરી બોલતી હોય છે, “હા…ય ગુલાબો, તારો ખસમ આવ્યો…” મને બીજી રંડીઓએ કહ્યું તે પરથી મેં ફોંદાની પાંસળીનો ચૂરો કરી નાખ્યો હતો. અમે તો વગર કહ્યે તમારું ધ્યાન રાખીએ છીએ, પણ એક વાત છે…..આ ગલીઓમાંથી નીકળો ત્યારે મરદ બનીને નીકળો, હીઝડા જેમ નહીં. આ ગલીઓમાં તો માણસે ધારદાર અસ્ત્રો ચાલે તેમ ચાલવું જોઈએ.”

ગુલાબદીન અને અબ્દુલ કરીમ ઘરે પાછા આવ્યા ત્યારે ઘરની પાસે એક લાંબી લીલા રંગની કાર ઊભી હતી. અબ્દુલ કરીમ બોલ્યો, “રાણા હોરી આવ્યા લાગે છે.”

અંદર બેઠકમાં સોફા પર રાણાસાહેબ બેઠા હતા અને બદ્રો એમની પાસે બેઠી હતી. મહેરુ ઈરાની રેશમના તાકાને હાથથી માપતી હતી. હાથ પહોળા કરતી હતી ત્યારે એની છાતીના બે ગોળા આગળ આવી જતા હતા. રાણા સાથે હાથ મિલાવીને અબ્દુલ કરીમ ગાદી તકિયે બેસી ગયો અને મહેરુને કહ્યું, “ટાલિયાને કહે, મુનશી માટે લસ્સી લઈ આવે.”

મહેરુએ જવાબ આપ્યો, “એ તો બજાર ગયો છે, હું પોતે જ લઈ આવું છું.” એણે લસ્સી લાવીને ગુલાબદીનના હાથમાં મૂકતાં ધીમા અવાજે કહ્યું, ”મુનશીજી, હમણાં જજો નહીં.” પછી એ પોતાની રેશમી શલવાર સંભાળતી વરંડા તરફ ગઈ. ત્યાંથી પાછી બેઠકમાં આવી અને રાણા તરફ જોઈને બોલી, “અંદર બેઠાં જ ભેંસનો સોદો કરીએ છીએ.” પછી બાપની સામે જોઈને બોલી, “મુનશીજી કહે છે કે ભેંસનો માલિક કહેતો હતો કે લેવી હોય તો બે દિવસમાં આવીને લઈ જાઓ.”

બાપે પણ મોઢે સ્મિત જડીને કહ્યું, “આ બન્ને બહેનો વારાફરતી લસ્સી વલોવે છે. વાત એમ છે, રાણાજી, કે અમારી ભેંસ વસૂકી ગઈ છે. રોજ કહે છે, અબ્બાજી… નવી ભેંસ લઈ આવો.”

“તે લઈ લો ને – કેટલું કહે છે?” રાણાએ બદ્રોના ચહેરા પર ઝીણી નજર માંડતાં કહ્યું.

“આઠસો કહે છે ને, અબ્બાજી?” બદ્રો બોલી.

“હા પુત્તર!”

“કાલે મારી પાસેથી ચેક લઈ લેજો,” રાણા હોરીએ નીરસતાથી કહ્યું. બદ્રો ત્યાં જ ઊભી થઈ અને નફ્ફટાઈથી બોલી, “ભલે, મુનશીજી, જાઓ અને નીચે ભેંસવાળાને કહી દેજો કે  અબ્બાજી ભેંસ લઈ જશે.”

 ભેંસ? કઈ ભેંસ? વિચારમાં ને વિચારમાં નીચે ઊતરીને ગુલાબદીને પાનવાળાને પૂછ્યું, “આ રાણા હોરી કોણ છે?”

“જેણે બદ્રોની નથ ઉતારી એનો મુનશી છે. કોયટા (ક્વેટા)થી આવ્યો છે. મુનશીજી, ભોળપણનો દેખાવ ન કરો. તગડો માલ લાવ્યો હશે.”

બીજા દિવસે રાણાને જોવાની લાલચમાં ગુલાબદીન ફરી બદ્રોને ઘરે પહોંચ્યો. એ વખતે બેઠકમાં બે પલંગ સાથે જોડેલા હતા અને એક પલંગ પર હજામ સામે બેસીને રાણા દાઢી કરાવતો હતો. જ્યાં જૂઓ ત્યાં ચાના કપ પડ્યા હતા.

ત્યાં તો બદ્રો સુગંધ વેરતી ત્યાં આવી. “આવો, મુનશીજી, કોયટાની ભેટ લેતા જજો.” એણે છ રાતાંચોળ સફરજન કાઢ્યાં. આ ચાર ઝોહરા-મુશ્તરીને ઘરે આપી દેજો અને બે તમે રાખજો.”

ગુલાબદીન નાકમાં સુગંધ ભરીને સડસડાટ બહાર નીકળ્યો અને ઝોહરા-મુશ્તરીને ઘરે પહોંચ્યો ત્યારે બે બહેનો કોઈની સાથે રમી રમતી હતી. સફરજન જોઈને બોલી, “મુનશીજી, શું એમને ઘરે દેગ ચડી છે?”

ગુલાબદીન બોલ્યો, “મેં તો નથી જોઈ.”

બીજા દિવસે ઝોહરાનો કાગળ આવ્યો. ગુલાબદીન ત્યાં પહોંચ્યો ત્યારે રાણા હોરી ઝોહરાની નશાખોર ઓરમાન બહેન સાથે બેઠો હતો અને પેલી એને મણ-મણની ગાળો સંભળાવતી હતી. ગુલાબદીને બહાર નીકળતાં વિચાર્યું, “ત્યાં ભેંસની રકમ આપી આવ્યો છે અને અહીં ભેંસ સાથે ખેલ કરે છે.”

તે પછી એ ઘણા દિવસ સુધી બદ્રો-કદ્રોને ઘરે ન ગયો. એક વખત મોતી બજારમાં એનો ભેટો અબ્દુલ કરીમ સાથે થઈ ગયો. “ઓહો, મુનશીજી, આવજો ને ઘરે, અમારે ઘરે જલસો થવાનો છે.

એક દિવસ બદ્રોના નામે પાંચસો રૂપિયાનો મની ઑર્ડર આવ્યો. રાણા હોરીએ લખ્યું હતું, “જલસા માટે મોકલું છું, એ દિવસે મને પણ યાદ કરી લેજે.”

 ચિક ઊંચી કરીને અંદર ગયો તો બદ્રો પલંગ પર આળોટતાં સિગરેટ પીતી હતી.

“ખુદાનો પાડ માનું, મુનશીજી, આવ્યા તો ખરા.”

“કોઈ કાગળપત્તર હોય તો આવું ને?”

“અરે, એમ હોતું હશે? કાગળ ન હોય તો કોઈ આવવાનું છોડી દે?”

મની ઑર્ડર આવ્યો છે તે જાણીને અબ્દુલ કરીમ બહાર આવી ગયો. મહેરુનો ઉત્સાહ સમાતો નહોતો.

“હવે મુનશીજી, જરા કાગળ-પેન્સિલ લઈને બેસી જાઓ…કાકી, હુક્કો લઈ આવ.” અબ્દુલ કરીમે કહ્યું.

મહેરુન્નિસા હુક્કો લઈ આવી. અબ્દુલ કરીમે હુક્કો ગડગડાવતાં મસાલા લખાવવા માંડ્યા. ગુલાબદીન અચરજમાં ગળાડૂબ.

“કંઈ નથી, મુનશીજી, આ તો અમારી કમરોને દીકરી આવી તેની મિજબાની આપવી છે.”

રવિવારનો પ્રોગ્રામ હતો. બપોરે જમવાનું ને રાતે સંગીત. ગુલાબદીનને અચકાતો જોઈને અબ્દુલ કરીમે કહ્યું, “મુનશીજી, તમે કોઈ બહારના તો નથી અને અમે કોઈ બહુ ઘણાને બોલાવ્યા નથી. બસ, આડોશીપાડોશીઓ છે. એ બધાં તો તમને ઓળખે જ છે. બસ, ટપાલ વહેંચીને સીધા અહીં આવી જજો.”

શનિવારની સાંજે હજામે ચૂલો બનાવી કાઢ્યો. રવિવારની સવારે એના બે મદદનીશ આવી પહોંચ્યા અને કામ સંભાળી લીધું. શમિયાણો બંધાઈ ગયો, કારપેટો પથરાઈ ગઈ, ગાદીતકિયા ગોઠવાઈ ગયાં.

બપોર થતાં વેશ્યાઓની ટોળીઓ આવવા લાગી. આંગળીઓની વચ્ચે સિગરેટ, મોઢામાં સોપારી, એકબીજીના કાનમાં વાતો, ભાત-ભાતના અવાજો, રંગબેરંગી વસ્ત્રો, ગોરા-સાંવલા ચહેરા, ઉભારવાળી છાતીઓ, પાતળી કમરો, દિલને લોભાવનારી અદાઓ, નાજ-નખરાં. ગુલાબદીનનો શ્વાસ તો અંદરનો અંદર અને બહારનો બહાર.

નૂર પુલાવ, શીરમાલ, કોરમા પિરસાયાં. એક આવે ને એક જાય.  મહેમાનો જતાં પિરસનારાનો વારો આવ્યો. પછી હજામે પોતાનો સામાન સમેટવા માંડ્યો. 

અબ્દુલ કરીમે પૂછ્યું, “ટપાલીને કંઈ આપ્યું કે નહીં?”

બદ્રોએ જવાબ આપ્યો, “ અબ્બાજી, મેં પુલાવ આપ્યો હતો.”

“બરાબર છે. આપણા માટે હંમેશાં સારા સમાચાર લઈ આવે છે.”

રાતે ગુલાબદીન પહોંચ્યો ત્યારે ફૈરોઝાએ સિલ્માનો સૂટ પહેર્યો હતો અને ઝોહરા સાડીમાં હતી અને એની ચોળી તો બસ, નામ લેવા પૂરતી હતી. ગુગ તો અકબર બાદશાહના જમાનાની ગાયિકાના લેબાશમાં હતી. એની જૂતી પર ટાંકેલા તારલા એ ચાલતી હતી ત્યારે આંખે અથડાતા હતા. મુશ્તરીની નાની બહેન હજી થોડા મહિના પહેલાં તો “આ…આ…આ…” કરતી હતી અને આજે ઓળખાતી નહોતી. મુશ્તરીન રેશમી ગરારામાં હતી અને એના કૂલ્હા ઘંટીનાં બે પડ જેમ ઘસાતા હતા. અને આજે મહેરુ તો મહેરુ જ નહોતી. કસકસતાં કપડાંમાંથી એનું અંગેઅંગ બહાર કૂદી પડવા આતુર દેખાતું હતું. ત્યાં તો એક જોડી અંદર આવી. એક લાંબા કદની છોકરી ટૂંકાં પગલાં ભરતી રેશમ જેવી સરસરતી મહેફિલમાં દાખલ થઈ.

ગુલાબદીને કીમને પૂછ્યું, “ આ છોકરી કોણ છે?”

કીમે કહ્યું, “મારા ફઈની દીકરી – શમ્મો.” ગુલાબદીનની છાતીમાં જાણે શ્વાસોનો અંબાર ભરાઈ બેઠો હતો તે બહાર નીકળવા લાગ્યો.

સૌથી પહેલાં મુશ્તરીની નાની બહેન અલ્માસે ગાવાનું શરૂ કર્યું. પછી બદ્રોના નામના અવાજ ઊઠ્યા. બદ્રોએ એની ઘાટી ભમ્મરો ઊંચી કરીને મરદો તરફ હાસ્ય વેર્યું. પછી પોતાની રેશમી શલવારની ક્રીઝ ચપટીમાં પકડીને વચ્ચે આવીને બેઠી. ગુલાબદીને આ બદ્રોને કદી ક્યાં જોઈ હતી? એ ઊંબરા પર જ જરા ઊંચો થઈને જોવા લાગ્યો. અવાજ હતો કે રિમઝિમ ? એક મહેમાને નોટ કાઢી. ગુલાબદીને પૂછ્યું, “કેટલાની નોટ છે?” કોઈએ જવાબ આપ્યો, “દસની.” પછી તો દસની નોટો વરસવા લાગી. ગુલાબદીન વિચારતો રહ્યો; બદ્રોના બદનમાં આવી લચક ક્યાંથી આવી?  એક પછી એક ગાનારીઓ સમાં બાંધતી રહી. મોડી રાત સુધી મહેફિલ ચાલી.

મૌલવી ગુલાબદીન અઝાનનો અવાજ સાંભળીને ઊઠ્યો અને નમાજ પઢવા ગયો. આજે એનું મન બહુ પ્રસન્ન હતું. નમાજમાં પણ બહુ મઝા આવી. ખુદાના ઘરની લંબાઈ-પહોળાઈ જેવી જ મનની લંબાઈ-પહોળાઈ આજે ગુલાબદીને અનુભવી.

તે પછીના પંદર દિવસ બદ્રો-કદ્રો નૂરપુરમાં બર્રી ઈમામના ઉર્સમાં જવાની તૈયારીમાં લાગી ગઈ. સાજિંદાઓએ વાજિંત્રોનાં પોટલાં બાંધ્યાં. બદ્રોએ ત્યાંથી પત્ર લખ્યો હતો તે લઈને ગુલાબદીન એને ઘરે ગયો. અબ્દુલ કરીમને પત્ર આપ્યો અને એની દ્દીકરીઓના કુશળ સમાચાર આપ્યા. થોડા દિવસે બદ્રોનો બીજો પત્ર આવ્યો. લખ્યું હતું, મેળો જામ્યો છે અને અમારું કામ પણ જામ્યું છે. પાંચ દિવસમાં ચાર હજારની કમાણી થઈ. હવે અઢાર-ઓગણીસમીએ લાહોર પહોંચી આવશું પણ તે પહેલાં સોફા નવો લઈ લેજો. પરદા પણ બદલવા જેવા થઈ ગયા છે. આળસ ન કરજો, કારણ કે એક પઠાણ મહેરુનો આશિક થઈ ગયો છે. નથ ઉતારવાનાં માગ્યાં મોલ આપવા તૈયાર છે. એને અમે કહ્યું છે કે આ તો પરદેશ છે, તમે લાહોર આવીને અમારા મહેમાન બનો.

અબ્દુલ કરીમે સંતોષનો શ્વાસ લીધો. “ગુલાબદીન, આવી દીકરીઓ ખુદા બધાંને આપે. એમણે બાપને માતબર રક્મો કમાઈને આપી છે. હવે અલ્લાહની મહેરબાનીથી મહેરુ પણ કમાઉ બની જશે. વળી એક જલસો કરશું. અબ્દુલ કરીમને ચાર હજારનો બૅન્ક ડ્રાફ્ટ મળ્યો તે જ દિવસે કીમ નવો સોફાસેટ અને પરદાનું કાપડ લઈ આવ્યો. ઝુમ્મરની સફાઈ કરાવી લેવાઈ. આખું ઘર ચમકી ઊઠ્યું.

છોકરીઓ ઓગણીસમીએ સવારે આવવાની હતી અને એ જ દિવસે પોસ્ટ ઑફિસની પાછળની બિલ્ડિંગના લાંબા રૂમમાં ભારે અવરજવર મચી.

ગુલાબદીન ફરી અરજી લઈને પોસ્ટ માસ્તર સામે આવ્યો.

“આ તારી ગયા વર્ષની અરજી પડી છે. તેં માગ્યું હતું તેમ તને હીરામંડીથી બદલીને પાછો મિસરી શાહમાં જ ગોઠવી દીધો છે. હવે શું તકલીફ છે?”

“હુઝુર, બસ એક જ વિનંતિ મને હીરામંડીમાં જ રહેવા દો…”

“શું કહે છે? પોસ્ટ માસ્તરે ફાઇલમાંથી આંખ ઊંચી કરીને ગુલાબદીન સામે જોયું.

હવે ગુલાબદીનની દાઢી સફાચટ હતી. હડપચી સાફ દેખાતી હતી અને એના જાડા હોઠ પર મૂંછોના દોરા ફૂટેલા હતા.

૦-૦-૦

(સંક્ષિપ્ત રજુઆત)

Before the Law: Kafka’s parable

આવતા થોડા દિવસોમાં હું ફ્રાન્ઝ કાફકાની એક લાંબી વાર્તા In the Penal Colonyનો અનુવાદ ત્રણ-ચાર હપ્તામાં આપવા માગું છું. કાફકાના સાહિત્યનો અનુવાદ કરવાની મને Franz Kafka online (ક્લિક કરો) તરફથી સહર્ષ પરવાનગી મળી છે. વેબસાઇટના સંચાલકનો આભાર માનવાની સાથે એમનો ઈ-પત્ર નીચે રજૂ કરું છું.આનો સૂર સાધવા માટે આજે કાફકાની એક ટૂંકી રૂપક-કથા‘Before The Law’ (Vor dem Gesetz)નો અનુવાદ રજૂ કરું છું.

Kasfka permission

કાનૂનને દ્વારે

લેખકઃ ફ્રાન્ઝ કાફકા

જર્મનમાંથી અંગ્રેજીમાં અનુવાદઃ ઈયાન જોહ્નસ્ટન

 આ મહેલ કાયદાનો છે. એક ગામડિયો ત્યાં આવે છે અને મહેલમાં, કાનૂનની પાસે જવા માગે છે. પણ એના મુખ્ય દરવાજે એક ચોકીદાર બેઠો છે, એ એને અટકાવે છે કે હું તને અત્યારે તો અંદર જવા દઈ શકું એમ નથી. માણસ વિચારમાં પડી જાય છે અને પૂછે છે કે થોડા વખત પછી અંદર જવા દેશે? ચોકીદાર કહે છે, “હા, એમ કદાચ થઈ શકશે, પણ હમણાં તો નહીં જ.” એ જ વખતે દરવાજો ઊઘડે છે અને ચોકીદાર બાજુએ ખસી જાય છે. ગામડિયો જરા વાંકો વળીને અંદર શું છે તે જોવાની કોશિશ કરે છે.

ચોકીદારનું ધ્યાન એના તરફ જાય છે અને એ હસે છે, ”તને અંદર શું ચાલે છે તે જોવાનું બહુ મન થાય છે ને? મેં ના પાડી તોયે તું કેડો મૂકતો નથી. પણ યાદ રાખ. હું બહુ શક્તિશાળી છું અને તો પણ, હું તો સૌથી નીચલી પાયરીનો ચોકીદાર છું. અંદર પણ દરેક હૉલ પાસે ચોકીદારો ઊભા છે અને પહેલા કરતાં બીજો વધારે શક્તિશાળી છે. અને ત્રીજો તો એવો છે કે એની નજર પણ મારા પર પડે તો હું સહન ન કરી શકું.

કાયદા પાસે જવું આટલું અઘરું હશે તેની ગામડિયાને ખબર નથી. એને વિચાર આવે છે કે કાયદા પાસે તો સૌ કોઈ જઈ શકે એવું હોવું જોઈએ, પણ હવે એ ચોકીદાર તરફ ઝીણવટથી જૂએ છે. એનો ફરનો કોટ, અણિયાળું નાક અને  તાતારો જેવો માથા પર કાળો રૂમાલ બાધેલો જોઈને એને થાય છે કે અંદર જવાની પરવાનગી મળે ત્યાં સુધી રાહ જોવી એ જ સારું છે. ચોકીદ્દાર એને બેસવા માટે સ્ટૂલ આપે છે અને દરવાજાની આગળ એક બાજુએ બેસવાની છૂટ આપે છે. 

એ ત્યાં દિવસો અને વર્ષો સુધી બેઠો રહે છે. એ અંદર જવા માટે ઘણાય પ્રયત્નો કરે છે અને આજીજી કરી કરીને ચોકીદારને થકવી દે છે. વચ્ચે વચ્ચે ઘણી વાર ચોકીદાર પણ એને ટૂંકા સવાલ પૂછી લે છે – એનું ગામ કેવું છે વગેરે વગેરે. પણ એના સવાલો પૂછવા ખાતર પુછાયેલા હોય છે, કોઈ મોટો માણસ તુચ્છ માણસને પૂછતો હોય એવા સવાલો હોય છે. અને તે સાથે જ દર વખતે એ પણ કહી દે છે કે હજી એ એને અંદર જવા નહીં દઈ શકે. માણસ મુસાફરી માટે ઘણીબધી વસ્તુઓ લઈ આવ્યો છે. ચોકીદારને ચળાવવા માટે એ ધીમેધીમે પોતાની મોંઘામાં મોંઘી વસ્તુ સહિત બધું જ આપી દે છે. ચોકીદ્દાર બધું લેતો જાય છે પણ લેતી વખતે કહ્યા વગર રહેતો નથી કે,  આ બધું તો હું એટલા માટે લઉં છું કે તને એમ ન લાગે કે તું કંઈ ન કરી શક્યો.”

વર્ષોનાં વહાણાં વાઈ જાય છે. માણસ ચોકીદારને લગભગ સતત જોયા કરે છે. એ બીજા ચોકીદ્દારો પણ છે, એ વાત જ ભૂલી જાય છે અને એને લાગે છે કે કાયદા પાસે પહોંચવામાં આ એક જ આડખીલી છે. આવી કફોડી હાલતને એ શરૂઆતનાં વર્ષોમાં તો મોટેથી ભાંડે છે પણ પછી ઘરડો થતાં એ માત્ર બબડે છે. એ નાના બાળક જેવો બની ગયો છે. ચોકીદારને વર્ષોથી જોયા કરે છે એટલે એના ફરના કોટના કૉલર પર કીડા ફરતા જોયા છે. આ કીડાઓને પણ એ ચોકીદારને સમજાવવા કાકલૂદી કરે છે.

હવે તો એની નજર પણ નબળી પડી ગઈ છે અને એને સમજાતું નથી કે એની આસપાસનું બધું કાળુંકાળું છે કે એની આંખો એને દગો દે છે? પણ એ કાયદાના દરવાજાની અંદરથી વહી નીકળતા પ્રકાશના રેલા અને અંધારામાં પણ ઓળખી લે છે. હવે, એના જીવનના ઘણા દિવસ બચ્યા નથી. મરતાં પહેલાં એ એના આખા જીવનનો અનુભવ એક સવાલમાં એકઠો કરે છે. આ સવાલ એણે હજી સુધી ચોકીદારને પૂછ્યો નથી. એ ચોકીદારને હાથના ઈશારાથી પાસે બોલાવે છે, કારણ કે એ હવે પોતાનું અકડાઈ ગયેલું શરીર પણ ઊંચું કરી શકે તેમ નથી.

ચોકીદારે એની વાત સાંભળવા માટે નમવું પડે છે, કારણ કે એ બન્ને વચ્ચે જે જબ્બર અંતર હતું તેનાથી એ માણસને ઘણું નુકસાન થયું છે. “હજી તારે શું જાણવું છે?” ચોકીદાર કહે છે, ”તને તો સંતોષ જ નહીં થાય”. “દરેક જણ કાયદા પાસે જવા માગે છે” માણસ કહે છે, “તો આટલાં વર્ષોમાં મારા સિવાય બીજું કોઈ અંદર જવાની વિનંતિ કરતું કેમ ન આવ્યું?” ચોકીદાર કહે છે, “અહીંથી બીજું કોઈ અંદર ન જઈ શકે, કારણ કે આ દરવાજો તો માત્ર તારા માટે હતો. હવે હું એ બંધ કરી દઈશ.”

૦-૦-૦-૦

કાફકાની આ રૂપકકથા પહેલી વાર ૧૯૧૫માં પ્રકાશિત થઈ. તે પછી એની વિશ્વવિખ્યાત નવલકથા The Trialમાં પણ સ્થાન પામી. એનું અર્થઘટન અને આજે એની સાર્થકતાનો નિર્ણય વાચકો પર છોડું છું.

 

 

%d bloggers like this: