Aandhli Bhakti, Aandhala Vicharo

વેબગુર્જરી પર મારો નવો લેખ ‘મારી બારી (૨૯) શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. લેખનું શીર્ષક છેઃ આંધળી ભક્તિ, આંધળા વિચારો.

લિંકઃ http://webgurjari.in/2014/11/25/maari-baari-29/

હરિયાણાના હિસારમાં ‘સંત’ રામપાલ અંતે અદાલતની કસ્ટડીમાં પહોંચી ગયો છે. ૨૦૦૬ના એક ખૂન કેસમાં એની ધરપકડ કરવાની હતી અને રાજ્ય સરકાર ટાળતી રહી હતી. છેવટે, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના કડક આદેશ પછી ભારે પોલીસ દળ મોકલવું પડ્યું. એના ભક્તો આશ્રમમાં અડ્ડો જમાવીને બેઠા હતા અને એની ધરપકડમાં આડે આવતા હતા. દરમિયાન આશ્રમમાંથી પાંચ સ્ત્રીઓ અને એક બાળક મૃત અવસ્થામાં મળી આવ્યાં છે.

ભક્તો તો રામપાલને ભગવાનનો અવતાર માને છે અને એની સામે થયેલી કાર્યવાહી પછી પણ એમની શ્રદ્ધા ઓછી થાય કે એમની આંખ ખૂલી જાય એવી શક્યતા નથી. આપણે જે મહાન દેશની છાસવારે પ્રશંસા કરતાં થાકતા નથી, એ દેશની પ્રજા આવી કેમ છે, કે જે સામે આવ્યો તેનાં ચરણ પખાળવા મંડી જાય? આપણે જ્યારે આપણા ભવ્ય ભૂતકાળની વાત કરીએ છીએ ત્યારે માત્ર આપણી આધ્યાત્મિક સિદ્ધિઓ વિશે જ નહીં, વૈજ્ઞાનિક સિદ્ધિઓના દાવા પણ કરીએ છીએ. વૈજ્ઞાનિક સફળતાઓ અંધ ભક્તિથી ન મળે. સવાલ એ છે કે આપણે હંમેશાં આવા જ અંધ ભક્ત અને મૂર્ખ હતા કે પાછળના કોઈ સમયમાં બની ગયા?

આજે આવા બધા બાબાઓના આશ્રમો ચાલે છે અને એમાં એમની સાર્વભૌમ સત્તા છે. આ દેશનો કોઈ પણ કાયદો ઉદ્દંડતાથી તોડતાં આ બાબાઓ અચકાતા પણ નથી હોતા. કોઈ સેક્સ સ્કૅન્ડલમાં સપડાયા છે, તો કોઈ હત્યાઓમાં. પરંતુ ભક્તોની સંખ્યા ઘટતી હોવાનું જણાતું નથી. આપણે હજી નવા જમાનામાં પ્રવેશ્યા નથી. હજી સામંતવાદી વલણોમાંથી બહાર નથી આવ્યા. રાજા બધું કરી શકે. રાજાના બધા ગુના માફ. હવે રાજા ન રહ્યા તો બાબાઓ આવ્યા છે. એમના માટે લોકો પોતાના પ્રાણની પણ કુરબાની દેવા તૈયાર હોય છે.

આ દેખાડે છે કે આપણી પ્રજામાં સાચું-ખોટું સમજવાની ક્ષમતા નથી. આનો અર્થ એ જ છે કે આપણે પોતાની જ કહેવાતી સિદ્ધિઓ માટે પોતાની જ પીઠ થાબડતા રહેવાનું પસંદ કરીએ છીએ. આનો અર્થ એ પણ કે આપણામાં તટસ્થ વિશ્લેષણ કરવાની વૃત્તિ પણ નથી. જેવી આપણી આંધળી ભક્તિ છે, તેવા જ આંધળા વિચાર છે.

રામપાલ જેવો જ બીજો એક સંપ્રદાય છે, સચખંડ. હાલમાં એનું એક મૅગેઝિન વાંચવા મળ્યું. એક ભક્તે લખ્યું હતું કે ૧૯૮૪માં ૩૧મી ઑક્ટોબરે દિલ્હીમાં શીખવિરોધી રમખાણો થયાં તેમાંથી ગુરુજીએ એને બચાવી લીધો. કઈ રીતે? ગુરુજીએ એને ઇંદિરા ગાંધીની હત્યાથી પણ પહેલાં કહી દીધું કે ૩૧મીની સવારે એણે દિલ્હી છોડી દેવાનું રહેશે.. આ ભક્તસાહેબ દિલ્હીથી ગયા તે પછી ઇંદિરા ગાંધીની હત્યા થઈ અને રમખાણો શરૂ થઈ ગયાં. ગુરુજીની આગમવાણીથી ભક્તસાહેબ બચી ગયા. ગુરુજીના ચમત્કારથી તેઓ બહુ પ્રભાવિત થયા. પરંતુ એમને એ વિચાર ન આવ્યો કે આ ગુરુજીએ ઇંદિરા ગાંધીની હત્યા કેમ ન રોકી? બીજા શીખો એમના દુશ્મન હતા કે એ સૌને મરવા દીધા? પણ બસ, હું બચી ગયો એટલે ગુરુજી મહાન.

જ્યાં સુધી આપણે આસ્થાને માર્ગે જ સમસ્યાઓનાં સમાધાન શોધતાં રહેશું ત્યાં સુધી બાબાઓની જમાત મોટી ને મોટી થતી રહેશે. પાકિસ્તાનમાં પણ આવા બનાવો બને છે. પાકિસ્તાનના ગુજરાતમાં શાહ દૌલાની મઝાર પર રોજ દુઃખોમાંથી મુક્તિ ઝંખતા લોકોની ભીડ જામે છે. સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે આવે છે, પણ જ્યારે એમને ગર્ભ રહે ત્યારે પહેલું સંતાન ‘ઉંદર- બાળ’ હશે. એટલે કે એ વિકલાંગ હશે. આ બાળક એમણે મઝારને આપી દેવાનું હોય છે. ભક્તો પહેલું બાળક સ્વસ્થ હોય તો પણ એને ઉંદરબાળ માને છે અને મઝારને આપી દે છે. એને ત્યાં વિકલાંગ બનાવી દેવાય છે અને એનો જુદી જુદી રીતે પૈસા કમાવા માટે ઉપયોગ થાય છે. ઇસ્લામમાં ચમત્કારોનો ઇન્કાર હોવા છતાં આવું ચાલ્યા કરે છે. બીજી બાજુ, આપણે તો ચમત્કારને બહુ સામાન્ય વાત માનીને ચાલીએ છીએ.

આમાં એક નવો વળાંક આવ્યો છે. આપણી બડાઈખોરી એટલી હદે પહોંચી છે કે આપણે કથાઓને – માઇથોલૉજીને – ભારતમાં વૈજ્ઞાનિક વિકાસનું ઉદાહરણ માનીએ છીએ. માઇથોલૉજી આપણી પરંપરાનો એક બહુ મહત્ત્વનો ભાગ છે. એના વિના ધર્મની વાતો સૂકી બની જશે. પરંતુ માઇથોલૉજી પોતે ધર્મ પણ નથી અને વિજ્ઞાન પણ નથી. હાલમાં જ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી. સત્ય એ છે કે વડા પ્રધાન એમના જીવનમાં એટલા સક્રિય રહ્યા છે કે એમને આ વિષય પર અલગ વિચાર કરવાનો કદી સમય નહીં મળ્યો હોય એટલે એમનો અભિપ્રાય અહોભાવથી પીડિત સામાન્ય માણસના વિચારોના સ્તરે છે એ સ્પષ્ટ છે. ગણેશના માથાની જગ્યાએ હાથીનું માથું બેસાડવા માટે પ્લાસ્ટિક સર્જનો જોઈએ. આપણે વિજ્ઞાનની ભાષામાં બોલતાં એક મિથકમાંથી બીજા મિથકમાં કેવા સરકી પડીએ છીએ તેનું આ ઉદાહરણ છે. પહેલું મિથક તો માણસ પર હાથીનું માથું ગોઠવાયેલું હોય તે છે. બીજું મિથક એ છે કે આપણે ત્યાં પ્લાસ્ટિક સર્જનો હતા.પણ આવો તો કોઈ ઉલ્લેખ આપણાં પુરાણોમાં નથી મળતો. આ જ્યાં સુધી કથા હોય ત્યાં સુધી તો એનાં અર્થઘટનો કરી શકાય અને પ્રતીક તરીકે વાજબી પણ ઠેરવી શકાય. પણ એની સાથે ભક્તિભાવ જોડીને આપણે એને ધાર્મિક વાસ્તવિકતા આપીએ છીએ એટલું જ નહીં, પ્લાસ્ટિક સર્જરીની આખી પદ્ધતિ સમજ્યા વિના એનું અસ્તિત્વ પહેલાં હતું એમ કહેવું એ તો માઇથોલૉજીને વૈજ્ઞાનિક વાસ્તવિકતા આપવા જેવું છે.આમ છતાં ગુજરાતના રૅશનાલિસ્ટોએ વિનયપૂર્વક વડા પ્રધાનનું ધ્યાન ખેંચવાના પ્રયાસ પણ નથી કર્યા જણાતા.

વડા પ્રધાને ખરેખર વિજ્ઞાનની દિશામાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હોત તો વાત સમજી શકાઈ હોત. ચરક અને સુશ્રુત, આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કર, બ્રહ્મગુપ્ત વગેરે આપણા વૈજ્ઞાનિકો હતા.શૂન્યની શોધ ભારતે કરી એ વાત આવી હોત તો બહુ સારું થાત. આ બધા વૈજ્ઞાનિકો વચ્ચે સદીઓ કેમ નીકળી ગઈ, દરેકની પાછળ એક પરંપરા કેમ ન બની, આ નામો માત્ર આપણી વિજ્ઞાનહીનતામાં અપવાદ તરીકે જ કેમ સામે આવે છે તે સમજવાનો તો આપણે પ્રયાસ પણ નથી કરતા. માઇથોલૉજીનો અર્થ બેસાડવાના પ્રયાસથી નવાં મિથકોનો જન્મ થાય છે. આપણી આસપાસ અનેક આવાં મિથકો બાબાઓના રૂપે ફેલાયેલાં છે. આપણે એમને સાચા અર્થમાં સમજી શકીએ તો એમના પ્રભાવોમાંથી મુક્ત પણ થઈ શકીએ. પરંતુ, અફસોસ, આપણને મિથકોને સત્ય માનવાની ટેવ છે.

આપણી ભક્તિ જેમ આપણા વિચારો પણ આંધળા છે. માઇથોલૉજીમાંથી આપણે એક નિરાધાર તારણ તો કાઢ્યું કે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી હતી. પરંતુ એમાંથી સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો? સત્ય એટલું જ છે કે ગણેશ અથવા ગણપતિ એક ગણના નેતા હતા. આવા કેટલાયે ગણ હતા અને કેટલાયે ગણપતિ હતા. આમાંથી એક ગણનું પ્રતીક હાથી હતું.

આવી જ એક કથા રામાયણમાં છે. રામ-રાવણના યુદ્ધમાં લક્ષ્મણ મેઘનાદના પ્રહારથી બેભાન થઈ ગયા છે અને મૃત્યુને આરે પહોંચી ગયા અથવા, કથા કહે છે તેમ મૃત્યુ પામ્યા છે. એક માત્ર સુષેણ વૈદ્ય આનો ઉપાય જાણતા હતા. એમણે લક્ષ્મણને સજીવન કરવા માટે એક પર્વત પરથી સંજીવની જડીબુટ્ટી લાવવા કહ્યું. હનુમાન આ કામ કરી શકતા હતા. એ ગયા પણ વનસ્પતિને ઓળખી ન શક્યા એટલે આખો પર્વત ઊંચકી લાવ્યા !

(ખરેખર તો વાલ્મીકિ રામાયણમાં આ કથા જ નથી. એટલે માઇથોલૉજીની અંદર પણ આપણે માઇથોલૉજી પેદા કરી છે ! વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડના ૪૫થી ૫૦ સર્ગ વાંચવા વિનંતિ છે. આમ છતાં આ કથા મૂળ કથા કરતાં પણ વધારે પ્રસિદ્ધ છે એટલે એનું મહત્ત્વ ઓછું નથી).

આ માત્ર કથા છે અને શ્રોતાઓ અને વાચકો પ્રભાવિત થઈ શકે છે. આમાં સત્ય શું? સત્ય એટલું જ છે કે આપણાં જંગલોમાં અને પહાડો પર ઊગતી વનસ્પતિઓમાં કદાચ જીવનદાન આપી શકે એવી કેટલી બધી ઔષધિઓ છે ! આપણે આ સત્યની પાછાળ ગયા હોત તો? બસ, હનુમાન પર્વત ઉપાડી લાવ્યા તે જાણીને પ્રસન્ન વદને “જય જય જય હનુમાન ગુંસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાંઈ” ગાવામાં મસ્ત થઈ જઈએ.

આદિવાસીઓ જંગલોમાં રહે છે. જડીબુટ્ટીઓ વિશે એમનું જ્ઞાન અગાધ છે. એક માત્ર જયકૃષ્ણ ઇન્દ્રજી એવા નીકળ્યા કે જેમણે બરડા ડૂંગરની દરેક વનસ્પતિનો અભ્યાસ કરીને એના ગુણધર્મો વિશે પુસ્તક લખ્યું. બાકી આપણે સૌ તો માઇથોલૉજીને સત્ય માનવામાંથી ઊંચા આવીએ ત્યારે સમજીએ ને કે આમાંથી તો આદિવાસીઓની જીવનશૈલીનું જતન કરવાનો, જંગલોનું જતન કરવાનો સંદેશ મળે છે. જંગલોનો નાશ થવાની સાથે આયુર્વેદનો પણ નાશ થશે. આપણી ભક્તિ પણ આંધળી છે અને વિચારો પણ આંધળા છે. સીધા માર્ગે જતા જ નથી.

ચિંતા ન કરશો. આપણે ત્યાં રામપાલો, આસારામો,અને…અને…અને…અનેક ધધૂપપૂઓ પેદા થયા જ કરશે.

 

A short story from Pakistan

http://webgurjari.in/2014/11/23/all-time-best-urdu-stories-from-pakistan_1/

-ઇન્તઝાર હુસૈન

લેખકનો પરિચયઃ
પાકિસ્તાનના જૂની પેઢીના લેખક ઇન્તઝાર હુસૈનની પહેલી વાર્તા ૧૯૪૮માં છપાઈ. તે પછીના અર્ધા સૈકા સુધી એમની સાહિત્યયાત્રા ચાલુ રહી તેમાં એમણે પાંચ નવલકથાઓ, સાત વાર્તા સંગ્રહો, ત્રણ નાટકો અને કેટલાંયે યાત્રા વર્ણનો લખ્યાં છે. એમને પાકિસ્તાન સરકારનો સર્વોચ્ચ પુરસ્કાર પણ મળ્યો છે. અહીં એમની એક વાર્તાનો અનુવાદ પ્રસ્તુત કર્યો છે, જે સ્ત્રીના મનની દ્વિધા, લગ્નસંબંધો વગેરેનાં મનોવૈજ્ઞાનિક પાસાંની છણાવટ કરી છે.

આભારઃ

આ વાર્તાનો અનુવાદ કરવાની સહર્ષ પરવાનગી આપવા બદલ પ્રકાશક સાક્ષી પ્રકાશન (એસ. ૧૬. નવીન શાહદરા, દિલ્હી, ૧૧૦૦૯૫)નો આભાર.

પ્રકાશકનો સંપર્કઃ

ઑફિસઃ ૦૧૧-૨૨૩૨-૪૮૩૩.
મોબાઇલઃ ૦૯૮૧૦૪૬૧૪૧૨.
ઇ-મેઇલઃ goelbooks@rediffmail.com .

પુસ્તક સંબંધી વિવરણઃ

‘પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં’

(ભાગ ૧) ISBN-81-86265-23-6 (કિંમતઃ રૂ. ૧૨૫)
(ભાગ ૨) ISBN-8186265-42-2 ((કિંમતઃ રૂ. ૧૨૫)

સંપાદકઃ નંદકિશોર વિક્રમ

પ્રકાશનઃ ૨૦૦૯ (c) પ્રકાશક

૦-૦-૦

નર-નારી

– ઇન્તઝાર હુસૈન

મદનસુંદરીના મનમાં હરખ સમાતો નહોતો કે દેવીમાતાએ એની અરજ સાંભળી લીધી. નહીં તો, એ તો ભાઈ અને પતિ બન્નેને ખોઈ બેઠી હતી. ભૈયા જવા લાગ્યા ત્યારે એમનાં ખૂબ જ ઓવારણાં લીધાં. ગોપીએ પણ એના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને વિદાય થયો.

ગોપીના જવા પછી પણ મદનસુંદરી દેવી મહિમા ગાતી રહી. ધાવલ તો એની હામાં હા મેળવતો રહ્યો. બન્નેએ મળીને દેવીમાની સ્તુતિ કરી કે બ્રહ્મા, વિષ્ણુ અને ઇંદ્ર, બધા સતત માની સેવામાં રહે છે અને મા પણ ભક્તો પર કેટલી કૃપા કરે છે. ભક્ત પર સંકટ આવે કે તરત માતા ત્યાં પહોંચીને એમને ઉગારી લે છે.

બસ, આ જ વાતોમાં દિવસ નીકળી ગયો. રાત પડી અને આખા દિવસની થાકેલી મદનસુંદરી હવે ધાવલના પડખામાં સૂઈ જશે. ધાવલને તો એણે ખોઈ દીધો હતો અને ફરી પાછો મેળવ્યો. આજે તો એના બાહુનું ઓશીકું બનાવીને એ નિરાંતે સૂઈ જશે. કેટલી બધી ઇચ્છાઓ હતી મનમાં. પણ આજે શું થયું? આજે એને ધાવલનું શરીર અજાણ્યું લાગ્યું. આજે શું થઈ ગયું ધાવલના દેહને? એને તો એ બહુ સારી રીતે જાણતી હતી. બન્ને દેહ એકમેકમાં જોડાતા ત્યારે એવું લાગતું કે બન્ને એકબીજાંને જનમોજનમથી ઓળખે છે. ધાવલનો હાથે કેવો એના આખા દેહ પર ફરતો, જાણે એણે મદનનાં અંગોનાં બધાં રહસ્યોનો પાર પામી લીધો હોય. પણ આજે એ જ હાથ જાણે કશું જાણતો ન હોય એમ ફરતો હાતો. પહેલાં તો એ હાથ ફરતો અને મદનસુંદરીના શરીરમાંથી વીજળી દોડી જતી. પરંતુ આજે તો જાણે એ જ હાથ પહેલી વાર જ આવ્યો હોય તેવો સાવ અજાણ્યો હતો. મદન વિમાસણમાં પડી ગઈ. પોતાની જ શંકાઓ સામે બહુ લડી. ઘણી વાર સુધી સંયમ રાખીને બેઠી રહી. અંતે એનો કાબૂ છૂટી ગયો અને બોલી પડીઃ “ આ તો ધાવલ નથી.” એ ધાવલના હાથ છોડીને દૂર હટી ગઈ.

ધાવલ આશ્ચર્યમાં પડી ગયો. શું થઈ ગયું છે, મદનને? એ પણ ભડક્યો “તું શું બોલે છે? હું નથી તો કોણ છે?”

“ નથી, તું ધાવલ નથી.” મદનસુંદરીની જીભ હવે મોકળી થઈ ગઈ હતી. ધાવલે ફાનસ ઉપાડ્યું અને બોલ્યોઃ “ સુંદરી, ભાનમાં આવ અને મને જોઈ લે. હું નથી તો કોણ છે?”

મદનસુંદરીએ ફાનસના પ્રકાશમાં એનો ચહેરો જોયો. એ ધાવલ જ હતો. એ શરમાઈ ગઈ. બોલીઃ “ હા, છે તો તું જ મારો ધાવલ !”

“ બરાબર જોઈ લે, વળી તને કંઈક વહેમ પડે તે કરતાં તો !” ધાવલ પણ હવે એને વધારે શરમાવતો હતો.

મદનસુંદરી લજવાઈ ગઈ. વિચારતી રહી કે એને હાથ કેમ અજાણ્યો લાગ્યો હશે? એની નજર ધાવલના હાથ પર પડતાં એ ફરી ચમકી. આ હાથ તો ધાવલના નથી ! “તારા હાથને શું થયું?” એ બોલી, “આ હાથ તારા નથી.”

“તો કોના છે?” હવે ધાવલ અકળાયો. મદન વિચારમાં પડી ગઈ. હાથ ધાવલના તો નથી જ પણ તદ્દન અજાણ્યાય નથી. એકાએક એની સામે ગોપીનો ચહેરો આવી ગયો. “અરે, આ હાથ તો ગોપીના છે !”

એના મોઢામાંથી શબ્દો નીકળ્યા તે સાથે જ એ પોતે સ્તબ્ધ થઈ ગઈ. અપરાધીની જેમ બોલી, “સ્વામી,મારાથી ભૂલ થઈ ગઈ.”

“ ભૂલ શું ભૂલ?”

“માથા અને ધડમાં ગોટાળો થઈ ગયો.”

“ અરે,તું શું કહે છે, ફોડ પાડીને કહે ને !”

એ રોઈ પડી. “સ્વામી મારા જેવી કમનસીબ કોણ હશે? હું તો ઊલમાંથી નીકળી ને ચૂલમાં પડી. મારી આંખો ફૂટી ગઈ હતી કે મેં ધડ એકનું ને માથું બીજાનું એમ જોડી દીધાં.”

ધાવલ સમજી ન શક્યો. બોલ્યો, “અરે માથું તો મારું કપાયું હતું પણ તારું માથું તો ફરી ગયું લાગે છે. સીધેસીધી વાત કર, કંઈક સમજાય તો ખરું?”

મદનસુંદરીની આંખ સામે આખું દૃશ્ય તાજું થઈ ગયું. દેવીમાની મૂર્તિ સામે ધાવલ અનેગોપીના લોહેલોહાણ ધડ પડ્યાં છે. માથાં અલગ થઈ ગયાં છે. પતિયે ગયો અને ભાઈ પણ ગયો. અભાગણ મદનસુંદરી શું કરે? એણે લોહીથી ખરડાયેલું ખાંડું પાસે પડેલું જોયું. એણે વિચાર્યું કે હવે જીવીને શું કરવું? ખાંડું ઉપાડીને પોતાની ગરદને ધરે છે ત્યાં તો દેવીમાની મૂર્તિ બોલી, “ હે નારી, ખાંડું મૂકી દે. તું ખરી સતી છે. તારાઉપર હું પ્રસન્ન છું તું બન્નેનાં માથાં આને ધડ્પાસ્સે પાસે મૂકી દે. હું બન્નેને જોડી દઈશ. તારો પતિ અને તારો ભાઈ, બન્ને જીવતા થઈ જશે.

“હે નાથ, એમાં ભૂલ થઈ ગઈ.” મદન બોલી,”મેં ભૂલથી તમારું માથું ગોપીના ધડ પાસે મૂકી દીધુંઅને ગોપીનું માથું તમારા ધડ પાસે. માતાજીએ તરત તમને બન્નેને જીવતા કરી દીધા.”

ધાવલ હસ્યો. “લે, તો ભાઈ અને પતિમાં ગોટાળો થઈ ગયો છે!”

મદન સુંદરીએ જવાબ આપ્યો, ”પણ હવે હું કોની પત્ની છું અને કોની બહેન?”

ધાવલ પણ વિમાસણમાં પડી ગયો. પછી એણે તરત ફેંસલો કરી નાખ્યો. “જો, મદન, માણસ તો ચહેરાથી ઓળખાય. ધડ તો બધાં એકસરખાં જ હોય ! તો તું ધડને ન જો, મારા માથાને જો. આ ચહેરો તારા ધાવલનો છે કે નહીં?”

મદન નિરુત્તર થઈ ગઈ. ચહેરો જોતાં જ એ બધું ભૂલી ગઈ અને ધાવલને વળગી પડી. પરંતુ એને તરત જ લાગ્યું કે આ તો ધાવલ નથી ! અને એ દૂર હટી ગઈ.

ધાવલે કહ્યું, “સુંદરી, હવે તને શું થયું?”

મદન બોલી,”મને લાજ આવે છે.”

“કોની લાજ?”

“ધડની લાજ આવે છે.” મદનસુંદરી અચકાતાં બોલી.

ધાવલ મુઝવણમાં પડી ગયો. “ અરે, સાંભળ મારી મદન. તું મારી ધર્મપત્ની છે. જીનું માથું તેનું ધડ. માથું હું છું, તો ધડ પણ હું જ છું.”

મદન સુંદરીએ નક્કી કરી લીધું કે જેનું માથું તેનું ધડ, અને આ જ છે ધાવલ. પણ હવે વારો હતો ધાવલનો ચકરાવે ચડવાનો. એ વિચારવા લાગ્યો, હું એટલે કોણ? એના મનમાં સંશય પેદા થયો. આ હું જ છું અને કોઈ મારામાં જોડાઈ ગયો છે, કે હું કોઈમાં જઈને જોડાઈ ગયો છું? એણે પોતાનાં અંગોને જોયાં. આમાંથી મારું કંઈ નથી. હું તો બસ મસ્તક જેટલો બચ્યો છું, બાકી તો મારું કંઈ જ નથી !

રાતે મદનસુંદરી એની પાસે સૂવા આવી તો હોઠમાં જ બોલ્યો, “નહીં સુંદરી, દૂર જ રહેજે, આ હું નથી, બીજો કોઈ છે.”

મદનસુંદરી ભોઠી પડી. ધાવલે એને નકારી કાઢી હાતી. એણે કહ્યું, “સ્વામી, આ તમે જ છો. તમે કેમ નથી?”

“ધડ બીજું છે. તે પછી હું રહ્યો કેટલો છું? બસ મસ્તક જેટલો.એની નીચે તો તારો ભાઈ ગોપી છે !”

બન્ને મૂંગાં થઈ ગયાં.

“સ્વામી, તમે જ મને કહ્યું હતું,” મદને સમજાવવાની કોશિશ કરી, “નદીઓમાં શ્રેષ્ઠ ગંગા નદી છે, પર્વતોમાં શ્રેષ્ઠ છે સુમેરુ પર્વત અને મનુષ્યમાં શ્રેષ્ટઃ છે, એનું મસ્તક. જે મસ્તક તે જ માનવી. સ્વામી.મને કહીને તમે પોતે જ ભૂલી ગયા?”

ધાવલ ખસિયાણો પડી ગયો. એને કોઈ જવાબ ન સૂઝ્યો. એ વિચારવા લાગ્યોઃ મદનની વાત સાચી છે.મસ્તક મારું છે તો એની નીચેનું ધડ પણ મારું જ છે. આખેઆખો હું જ છું.

પરંતુ આમ થોડા દિવસ ચાલ્યું, પછી ફરી એ જ વહેમ મનમાં સળવળ્યો. કેટલીયે વાર એને વિચાર આવ્યો કે ગોપી પાસે જઈને કહી દઉં, ”લે સંભાળ તારું ધડ, ને મને મારું ધડ આપી દે.”

દિવસો વીતતા ગયા પણ ધાવલનું મન આ કોયડો ઉકેલી ન શક્યું. છ્ર્વટે એ મદન સુંદરીને લઈને નગર છોડીને જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં મહાતપસ્વી દેવાનંદ ઋષિ રહેતા હતા.ધાવલ એમની પાસે ગયો. એમનો ચરણ સ્પર્શ કરીને બોલ્યોઃ “ હે મહારાજ, તમે તો મહાજ્ઞાની છો. સંસારનાં અનેક રહસ્યો જાણી લીધાં છે. કેટલાંયની સમસ્યાઓ ઉકેલી આપી છે, તો અમારી સમસ્યા પણ ઉકેલી દો.

દેવાનંદ ઋષિ બોલ્યાઃ “વત્સ, તારી સમસ્યા શી છે?”

ધાવલે આખી વાત સમજાવી. ઋષિ એને તાકીને જોતા રહ્યા. પછી બોલ્યાઃ” મૂર્ખ, આમાં તને શું દ્વિધા છે? સો વાતની એક વાત. તું નર છે અને મદન સુંદરી નારી છે. જા તારું કામ કર.”

ધાવલની આંખેથી પરદો દૂર થઈ ગયો. એણે બહુ ઘણા વખત પછી મદન સુંદરી સામે એવી રીતે જોયું,જેમ યુગો પહેલાં પ્રજાપતિએ ઊષા સામે જોયું હતું. મદન સુંદરીએ પણ ધાવલની આંખમાં કામ વિકાર જોયો અને ભાગવા લાગી. ઊષાપણ પ્રજાપતિની કામાતુર આંખો જોઈને ભડકી હતી અને ભાગી છૂટી હ્તી…પણ અંતે તો પરાજિત થઈ હતી.

(સંક્ષિપ્ત ભાવાનુવાદઃ દીપક ધોળકિયા)


 

The Last Nawab of Junagarh

જૂનાગઢના અંતિમ નવાબની કથાઃ

ડૉ. પ્રદ્યુમ્ન ખાચરની કલમે

૧૮મી જુલાઈ ૧૯૪૭ના રોજ ઇંગ્લૅન્ડના રાજવી અને ભારતના સમ્રાટ જ્યૉર્જ છઠ્ઠાએ ‘ઇંડિયન ઇન્ડીપેન્ડન્સ ઍક્ટ- ૧૯૪૭’ પર સહી કરી તે સાથે ૧૫મી ઑગસ્ટે બ્રિટિશ શાસન હેઠળના ભારતીય પ્રદેશને બે ભાગમાં વહેંચીને ભારત અને પાકિસ્તાન એમ બે સાંસ્થાનિક રાજ્યો બનાવવાનું નક્કી થઈ ગયું. એ વખતે દેશી રજવાડાં હતાં તે બધાં બ્રિટનની સર્વોપરિતા હેઠળ હતાં. એમને પોતાના રાજ્યનો વહીવટ બ્રિટિશ પ્રતિનિધિ, એટલે કે રેસીડન્ટની જાણકારીમાં (અને ક્યારેક એની દખલગીરી સહી લઈને) ચલાવવાનો અધિકાર હતો, પરંતુ, સંરક્ષણ, વિદેશો સાથેના સંબંધ વગેરે જેવી બાબતોમાં સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર નહોતો. બ્રિટને દેશ છોડવાનો નિર્ણય લીધો એટલે રજવાડાં સાથે થયેલી સર્વોપરિતાની સંધિ પણ રદ થઈ ગઈ અને બધાં રાજ્યો ઇંડિયન ઇન્ડીપેન્ડન્સ ઍક્ટ પ્રમાણે બ્રિટિશ ભારતની જેમ જ સ્વતંત્ર થઈ ગયાં. પરંતુ લૉર્ડ માઉંટબૅટને એમને સલાહ આપી કે તેઓ સ્વતંત્ર તો છે, પણ ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ જાય તો સારું થશે. એમણે એ વખતે એમ પણ કહ્યું કે ભારતમાં કે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય લેતી વખતે એમની સરહદ કયા સાંસ્થાનિક રાજ્યને સ્પર્શે છે અને લોકોની શી ભાવના છે તે પણ ધ્યાનમાં રાખવું.

આના પછી જૂનાગઢે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો. જૂનાગઢના નવાબ મુસલમાન હતા પણ બહુમતી પ્રજા હિન્દુ હતી. તે ઉપરાંત જૂનાગઢ રાજ્ય એટલે કે સોરઠને એક બાજુ અરબી સમુદ્ર અને ત્રણ બાજુએ કાઠિયાવાડનાં નાનાં મોટાં રજવાડાં હતાં એટલે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય તર્કસંગત તો નહોતો જ. અંતે લોકોની ‘આરઝી હકુમત’ બની, વિદ્રોહ થયો, જેમાં કોંગ્રેસના નેતાઓ (અને ભારત સરકારની પણ) અને ભારતીય સૈન્યની મહત્વની ભૂમિકા રહી. અંતે નવાબ ભાગી છૂટ્યા અને જૂનાગઢ પર ભારતે કબજો કરી લીધો.

પરંતુ આપણે આ ઇતિહાસમાં નથી જવું, માત્ર આવું વિવાદાસ્પદ પગલું ભરનારા છેલ્લા નવાબ મહાબત ખાનજી વિશે વાત કરવી છે.

જૂનાગઢની ડૉ. સુભાષ મહિલા કૉલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમ્ન ખાચરે ‘સોરઠ સરકાર’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ડૉ. ખાચરની અંગત માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે એમણે એકવીસ પુસ્તકો લખ્યાં છે. નવાબ મહાબત ખાનજી વિશે એમનું કહેવું છે કે :

“લેખકોએ વિજેતાઓને વ્હાલા થવા જૂનાગઢ રાજ્ય વિશે ઘણું બધું સાચું ખોટું કહ્યું અને લખ્યું અને જાણે કે જૂનાગઢ રાજ્યમાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને ખરાબ શાસકો હતા તેમ આમ જનતામાં મનાવા લાગ્યું…આ વાંચ્યા પછી આજ સુધી નવાબ તરફની દ્વિધાઓ અને ખોટી માન્યતાઓ અને ખોટા ઇતિહાસને આપણે દફનાવીને એક ભલા ભોળા પ્રજાવત્સલ શાસકનો સાચો ઇતિહાસ જાણવા મળશે.”

ભારતમાં રજવાડાં તો ઘણાં હતાં પણ ‘સરકાર’ શબ્દ બ્રિટિશ સરકાર ઉપરાંત માત્ર નિઝામ, ગાયકવાડ અને સોરઠ રાજ્યો માટે વપરાતો. આમ જૂનાગઢ એ વખતે એક મહત્વનું રાજ્ય હતું.

અકબરે ગુજરાતને જીતી લીધું તે પછી જૂનાગઢમાં હકુમતનાં સૂત્રો એક ‘ફોજદાર’ નૌરંગ ખાનને સોંપ્યાં. આવા ૩૧મા સરદાર શેરખાન બાબીએ મોગલો નબળા પડ્યા તેનો લાભ લીધો અને આસપાસના પ્રદેશો જીતીને પોતાને નવાબ જાહેર કર્યો. સોરઠનો રાજવંશ મરાઠાઓને – વડોદરાના ગાયકવાડને ખંડણી ચૂકવતો, કારણ કે મોગલો વળતું આક્રમણ ન કરે તેમાં એમને ગાયકવાડની મદદ મળતી હતી. ઈ. સ. ૧૭૪૮થી માંડીને ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યાં સુધી જૂનાગઢ પર બાબીઓનું રાજ્ય રહ્યું, જે નવમા બાબી મહાબત ખાનજી સાથે સમાપ્ત થયું.

ડૉ. ખાચર કહે છે કે નવાબ મહાબત ખાનજીએ કેટલાયે સુધારા કર્યા અને સામાન્ય લોકો સાથે એમનો સીધો સંપર્ક હતો. એ પાક મુસલમાન તરીકે જીવતા, પરંતુ એમને કૂતરાં પાળવાનો (બિનઇસ્લામી) શોખ પણ હતો. એમના મહેલમાં કોઈ પણ વ્યક્તિ મળી શકતી. જે જાય તેના નામની ચબરખી નવાબ પાસે મોકલવામાં આવે એટલે નવાબ એને બોલાવીને એની ફરિયાદ પૂછે. વ્યક્તિની ઊંચનીચ જોયા વગર જ નવાબ કદી કોઈને તુંકારો ન આપે; દરેકને પહેલાં ક્ષેમકુશળ પૂછે, તે પછી જ એની અરજી સાંભળે.

૧૧ વર્ષની વયે ૧૯૧૧માં એમણે પિતાની છત્રછાયા ખોઈ દીધી હતી અને અંગ્રેજોના દબદબાની એમના મન પર ભારે આસર પડી હતી, એમ ડૉ. ખાચર માને છે. આ કારણે બીજાઓની સલાહને એ બહુ મહત્વ આપતા. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાના એમના નિર્ણયમાં પણ એમના દિવાન શાહનવાઝ ભુટ્ટોનો પ્રભાવ બહુ સ્પષ્ટ છે. જો કે, એક વાત દેખાય છે કે વ્યક્તિગત રીતે એમની ધાર્મિક માન્યતા જે હોય તે, વ્યવહારમાં અને રાજકાજનાં કાર્યોમાં ધર્મને કારણે મોટા ભાગે પક્ષપાત નહોતો થતો.

મહાબત ખાનજી ગાદીએ આવ્યા ત્યારે જૂનાગઢમાં મોટા પાયાના ઉદ્યોગો નહોતા, પરંતુ હાથવણાટ, જરીભરત, ચર્મોદ્યોગ, મત્સ્યોદ્યોગ, મીઠા ઉદ્યોગ, પોટરી વગેરે હતાં. આ યાદીમાં રેલવે ઉદ્યોગ પણ દેખાડેલો છે, પરંતુ એની વિગત નથી આપી એટલે આ રસપ્રદ પાસું ચૂકી જવાય છે. જો કે, રેલવેના વિકાસની બાબતમાં નોંધવા જેવી વાત એ છે કે ભારતમાં રેલવે આવ્યા પછી માત્ર પચીસ વર્ષમાં, ૧૮૮૮માં જૂનાગઢથી જેતલસર સુધીની ૧૬ માઇલ (૨૫-૨૬ કિ.મી.)ની અને ૧૮૮૯માં જૂનાગઢથી વેરાવળ સુધી ૫૧ માઇલ (૮૦-૮૧ કિ.મી.)ની લાઇન નંખાઈ હતી, તે દર્શાવે છે કે નવાબ મહાબત ખાનજીના પિતા પ્રગતિશીલ હતા. તે પછી ૧૯૩૭ સુધીમાં બીજા લગભગ ૨૫૦ કિલોમીટરની રેલવે લાઇનો શરૂ થઈ. આમ આઝાદી પહેલાં જૂનાગઢ રાજ્યમાં લગભગ સાડાત્રણસો કિલોમીટરની રેલવે લાઇનો હતી એ વાતની નોંધ લીધા વિના ન ચાલે.

ડૉ. ખાચર લખે છે તેમ સૌરાષ્ટ્રના રાજવીઓ પર પશ્ચિમના આધુનિક વિચારોની અસર પડવા માંડી હતી અને જૂનાગઢના નવાબ પણ એમાંથી બાકાત નહોતા. આથી એમણે કેટલાંયે સુધારાલક્ષી પગલાં લીધાં, જેમાં રેવેન્યુ પટેલોની નીમણૂંકને બદલે ચૂંટણી કરવાનું ફરમાન મહત્વનું છે. તે ઉપરાંત ખેડૂતોની જમીન લઈ લેવાની હોય તો નવાબ પોતે સુનાવણી કરે અને એમને એ વાજબી લાગે તો જ જમીન લઈ શકાય એ નિર્ણય પણ પ્રશંસાને પાત્ર હતો. આમ તો એમણે ૧૧ વર્ષની ઉંમરે ૧૯૧૧માં ગાદી સંભાળી, પણ વિધિવત્‍ રાજ્યાભિષેક ૧૯૨૦માં થયો તે સાથે જ આ બન્ને નિર્ણય એમણે જાહેર કર્યા તે ઉલ્લેખનીય છે. વળી, શીતળાની રસી ફરજિયાત બનાવી અને રસી ન મુકાવે તેને પચાસ રૂપિયાનો દંડ કરવાનું ફરમાન પણ એમના પ્રગતિશીલ વિચારોનું સૂચક છે. આજે પણ ઇસ્લામને નામે પાકિસ્તાનના બલૂચિસ્તાન જેવા ટ્રાઇબલ વિસ્તારોમાં રોગવિરોધી રસીઓનો વિરોધ થતો હોય છે અને પશ્ચિમના દેશોમાં જઈને વસેલા અમુક મુસ્લિમો પણ ધાર્મિક કારણોસર રસીઓનો વિરોધ કરતા હોવાના અહેવાલો અવારનવાર વાંચવા મળે છે તે જોતાં એક નવાબ શીતળાની રસી ફરજિયાત બનાવે એ મોટી વાત છે.

સિંહોના રક્ષણ માટે તો નવાબ રસૂલખાનજીએ ૧૮૯૬માં જ કાયદો બનાવ્યો હતો, પણ ૧૯૨૫માં સિંહ સિવાયનાં પ્રાણીઓના શિકાર માટેના બધા પરવાના નવાબ મહાબત ખાનજીએ રદ કર્યા અને કોઈ પ્રાણીનો શિકાર કરવા માટે નવાબની અંગત મંજૂરીને આવશ્યક બનાવી દીધી. આ ઉપરાંત એમણે ચિલ્ડ્રન વેલ્ફેર સેન્ટર, ટેકાનિકલ સ્કૂલ, બૅન્ક, રેડક્રોસ વગેરેની સ્થાપના પણ કરી.

નવાબે રાજ્યની આવક પણ વધારી. ૧૯૩૩માં રાજ્યની આવક ૮૬ લાખ રૂપિયા હતી તે ૧૯૪૫ની આસપાસ વધીને ૧૯૦ લાખ થઈ ગઈ. ૧૯૧૧થી ૧૯૪૭ સુધી એમણે રૂ. ૪.૫૭ કરોડ દાનમાં આપ્યા એમ ડૉ. ખાચરે આપેલી યાદી જણાવે છે. આમાં તુલસી શ્યામના રિપેરિંગનો અને એવાં બીજાં હિન્દુ ધાર્મિક સ્થાનોના વિકાસનો ખર્ચ પણ છે. જો કે એમણે અંગ્રેજો દ્વારા ચાલતી સંસ્થાઓ, જેમ કે, દિલ્હીની લૅડી હાર્ડિંગ મૅડિકલ કૉલેજને અથવા YMCAને આપેલી માતબર રકમના આંકડા જોતાં એમ કહી શકાય કે એમના પર દબાણ પણ હશે. વળી, પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મદદ તરીકે આપેલી રકમને દાન ન ગણાવી શકાય. જૂની ફાઇલોમાં આ રકમને દાનના સદર તળે દર્શાવેલી હોય તો પણ એક તટસ્થ ઇતિહાસકાર તરીકે ડૉ. ખાચરની નજરમાંથી આ મુદ્દા છટકી ગયા હોય એમ લાગે છે. ખરેખર તો આ રકમો માટે એમના પર શું દબાણ આવ્યું તે જાણવું વધારે રસપ્રદ થયું હોત.

૧૮૯૪થી ૧૯૪૬ સુધી રાજ્યમાં નવ કોમવાદી ઘટનાઓ બની હોવાનું લેખકે નોંધ્યું છે. પ્રભાસ પાટણના દેહોત્સર્ગના મંદિરને સીલ કરવાના મામલામાં નવાબ તટસ્થ રહ્યા હતા, પણ એમણે ગિરનારના પ્રદેશમાં મસ્જિદ બાંધવાની મનાઈ કરીને મુસલમાનોની ખફગી પણ વહોરી લીધી હતી. એમની ટીકા થતી કે નવાબ હિન્દુવાદી બની ગયા છે. એક ઘટના પછી તો નવાબે દિવાન મહંમદ શેખને જ બરતરફ કર્યા, પરંતુ અંગ્રેજ સરકાર વધારે ઊંડે ઊતરી અને નવાબને જ જૂનાગઢ છોડી દેવાનો હુકમ કર્યો હતો. આ પછી નવાબ છ મહિના બાલાચડીમાં રહ્યા હતા. જો કે આ ઘટનાઓ શી હતી તેના પર લેખકે પ્રકાશ પાડ્યો હોત તો વધારે સારું થયું હોત.

અલબત્ત, એમણે નોંધ લીધી છે કે નવાબના રાજ્યમાં મુસલમાનોની વસ્તી માત્ર ૧૮ ટકા હતી પરંતુ એમના માટે કેટલીક સારી સુવિધાઓ હતી. બહાઉદ્દીન કૉલેજમાં મુસલમાનો મફત શિક્ષણ લઈ શકતા. મુસલમાનો પર પણ કેટલાક પ્રતિબંધો હતા, જેમ કે, રાજ્યનાં ખાલસા ગામોમાં રાજ્યે નક્કી કરેલી જગ્યા સિવાય ફાવે ત્યાં કબરો બનાવી ન શકાતી. વેરાવળમાં ૧૪ ફુટથી ઊંચા તાજિયા કાઢવા સામે પણ પ્રતિબંધ હતો.

ઇતિહાસ શું માત્ર ‘પરિવર્તનોની નોંધ’ છે કે એનું અર્થઘટન પણ કરી શકાય? આ સવાલ હંમેશાં રહેવાનો છે. પરિવર્તન પાછળનાં પરિબળોનો સંદર્ભ સ્પષ્ટ કરવા જેટલા ઊંડા ઊતરવાની તો ઇતિહાસકારની ફરજ છે જ. તે સિવાય ઇતિહાસ એક મોં-માથાના મેળ વિનાનો દસ્તાવેજ બની જાય. એક વાત નક્કી કે ઇતિહાસ માત્ર માહિતીનો ઢગલો નથી. નવાબની શાદીમાં કઈ નાત કઈ તારીખે જમી એ કદાચ માત્ર માહિતી છે જે ફાઇલોમાં જરૂરી હોય પણ ઇતિહાસનાં પાનાં પર જરૂરી ન પણ હોય. આશા રાખીએ કે ડૉ. પ્રદ્યુમ્ન ખાચર આ વિષય પર વધારે વિશદ છણાવટ સાથેની બીજી સઘન અને વિશ્લેષણાત્મક આવૃત્તિ રજૂ કરશે. ભાષા અને વ્યાકરણ અને સારા પ્રુફ રીડિંગ પર પણ ધ્યાન આપવાની જરૂર લાગે છે.

અંતમાં, એ પણ કહેવું જોઇશે કે આપણે કોઈને પણ વિલન બનાવી દઈએ છીએ અને માત્ર બે જ રંગમાં માણસને જોઇએ છીએ – કાળો અથવા ધોળો. ડૉ. પ્રદ્યુમ્ન ખાચરે ભારતીય આઝાદી અને એકીકરણના ઇતિહાસના એક મહત્ત્વના પાત્રને કાળા અને ધોળા વચ્ચેના કોઈ રંગમાં જોવા અને આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે; એના માટે તેઓ અવશ્ય અભિનંદનના અધિકારી છે. છેવટે તો, નવાબ મહાબત ખાનજી સ્વતંત્ર ભારત પહેલાંના કોઈ પણ શાસક જેવા જ શાસક હતા; એમનાથી ચડિયાતા પણ નહીં અને ઊતરતા પણ નહીં.

વેબગુર્જરી પર આ લેખ માટે અહીં ક્લિક કરશોઃ

http://webgurjari.in/2014/11/11/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AB%A8%E0%AB%AE-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4/

Two stories

હિન્દી સાહિત્ય આપણા સાહિત્ય કરતાં જુદું પડે છે – ખાસ કરીને વિષયની પસંદગી અને છણાવટની નજરે. વખતોવખત આવી કોઈ વાર્તાનો અનુવાદ આપવાની મારી ઇચ્છા છે. માત્ર હિન્દી જ નહીં ભારતની અન્ય ભાષાઓનાં સાહિત્યની પણ ઝલક આપવી છે.

(૧) આજે વેબગુર્જરી પર ડૉ. અપૂર્વાનંદની એક વાર્તા’આગમની ગા ન સકા’નો અનુવાદ મૂક્યો છેઃ  http://webgurjari.in/2014/11/02/could-not-sing-agamani/ 

આ વાર્તા અનુવાદ માટે પસંદ કરવાનું કારણ એ કે એમાં આપણી પરંપરા, લોકકથાઓ અને વર્તમાનને એકસૂત્રે સાંકળી લેવાનો પ્રયાસ થયો છે. આખી વાર્તા શરૂઆતથી અંત સુધી એક નવી છાપ ઊભી કરે છે.

(૨) આ પહેલાં પ્રોફેસર પુરુષોત્તમ અગ્રવાલની વાર્તા ‘નાકોહસ’નો અનુવાદ પણ રજુ કર્યો છે, જેની લિંક આ રહીઃ  http://webgurjari.in/2014/09/21/nakohas/

આ વાર્તા આપણને એક ‘સર-રિયલ’ દુનિયામાં, દુઃસ્વપ્નના સંસારમાં લઈ જઈને વર્તમાન અને ભવિષ્ય સાથે સાક્ષાત્કાર કરાવે છે.

આ બન્ને વાર્તાઓ ઉત્કૃષ્ટ કોટિની તો છે જ અને  તમને સૌને ગમશે એવી મને માત્ર આશા જ નહીં ખાતરી પણ છે. હા, તે સાથે અનુવાદની મારી ક્ષમતા પણ વાચકોની તીક્ષ્ણ દૃષ્ટિની કસોટીએ ચડે છે, એ પડકાર પણ છે જ. સૌ મિત્રોના અભિપ્રાય જાણવા આતુર છું.

%d bloggers like this: