India-slavery-and-struggle-for-freedom-part-3-chapter-15

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૧૫ :: ૧૮૮૫થી ૧૯૧૫ – લંડનમાં ઇંડિયા હાઉસ

જેમ ગદર પાર્ટીની રચના વિદેશની ભૂમિ પર થઈ તેમ ભારતની અઝાદી માટે લડનારા ઘણા ક્રાન્તિકારીઓએ પણ ભારતની બહાર જઈને બહુ મોટાં કામ કર્યાં. આમાં શ્યામજી કૃષ્ણ વર્માનું નામ મોખરે છે. એક વાત નોંધવા જેવી છે કે બધાં ક્રાન્તિકારી આંદોલનો બંગભંગની ઘટનાથી પ્રેરાયેલાં હતાં. ભારતમાં આઝાદીની માંગમાં નવો જુવાળ બંગભંગ આંદોલનને કારણે જ આવ્યો. શ્યામજી કૃષ્ણ વર્મા મૂળ કચ્છ માંડવીના, પણ કર્મભૂમિ લંડનમાં. ગરીબ ઘરના શ્યામજી માંડવી અને ભુજમાં અભ્યાસ કરીને મુંબઈ ભણવા ગયા ત્યાં સંસ્કૃતના વિદ્વાન મોનિયેર વિલિયમ્સ સાથે એમનો પરિચય થયો. સંસ્કૃતમાં એમની પ્રતિભા જોઈને મોનિયેર વિલિયમ્સે એમને ઑક્સફર્ડની એક કૉલેજમાં મોકલ્યા. તે પછી એ ભારત આવ્યા અને રતલામના દેશી રજવાડામાં દીવાન પણ બન્યા.

શ્યામજી યુવાન વયે જ આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીથી બહુ પ્રભાવિત થયા હતા. રતલામ છોડીને એ અજમેરમાં સ્વામી દયાનંદ સરસ્વતીના મુખ્ય કેન્દ્રસ્થાન અજમેરમાં રહ્યા. ઉદયપુરના રાજાની સેવા પછી જૂનાગઢમાં દીવાન બન્યા.પરંતુ બ્રિટિશ હકુમતમાંથી એમનો બ્રિટિશ સત્તામાંથી વિશ્વાસ ઊઠી ગયો હતો. ૧૮૯૭માં મહર્ષિ દયાનંદની સલાહથી એ લંડન આવ્યા. એમનામાં સ્વદેશ-ગૌરવ ઉભરાવા લાગ્યું હતું અને લંડન જઈને એમણે ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા અને દેશપ્રેમ જગાડવા માટે ૧૯૦૫માં ઇંડિયા હાઉસની શરૂઆત કરી. આ રીતે શ્યામજીની રાજકીય કારકિર્દી શરૂ થઈ.

આ પહેલાં પણ ૧૮૯૦માં પૂના (હવે પૂણે)માં પ્લૅગ ફાટી નીકળ્યો ત્યારે એના માટેના કમિશનરની અત્યાચારી કામગીરી સામે વ્યાપક અસંતોષ હતો. આ કમિશનરની ચાપેકર ભાઈઓએ હત્યા કરી, શ્યામજીએ ચાપેકર ભાઈઓના કૃત્યને ટેકો આપ્યો.

લંડનમાં એમનું નિવાસસ્થાન ભારતથી આવતા નેતાઓ માટે મળવાનું સ્થાન હતું ગાંધીજી પણ દક્ષિણ આફ્રિકાના હિન્દીઓનો કેસ લઈને લંડન ગયા હતા ત્યારે શ્યામજી કૃષ્ણ વર્માને મળ્યા હતા. શ્યામજીએ લંડનમાંથી Indian Sociologist અખબાર પણ શરૂ કર્યું હતું. એનાં લખાણો ને કારણે બ્રિટિશ સરકારે એને ‘રાજદ્રોહી’ અખબાર ગણાવીને એના પર બંધી ફરમાવી દીધી. ઇંડિયા હાઉસ ઘણા ક્રાન્તિકારીઓ માટે ઘર બની ગયું હતું. જેમાં મૅડમ ભીકાઈજી કામા, વિનાયક દામોદર સાવરકર, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય વગેરે. ઇંડિયા હાઉસના જ એક ક્રાન્તિકારી સભ્ય મદન લાલ ઢિંગરાએે ૧૯૦૯માં ભારત માટેના મંત્રીના સહાયક કર્નલ વાઇલીની હત્યા કરી હતી. એમની સામે કેસ ચાલ્યો ત્યારે એમણે નીડરતાથી કબૂલ્યું કે એમણે એક અંગ્રેજનું લોહી વહેવડાવવાનું નક્કી કર્યું હતું અને તે પાર પાડ્યું. એમને મોતની સજા કરવામાં આવી. તે પછી મૅડમ ભીકાઈજી કામાના માર્ગદર્શન હેઠળ પૅરિસમાંથી પ્રકાશિત થતા ‘પૅરિસ બંદે માતરમ’માં એમના આ શબ્દો છાપીને ક્રાન્તિકારીઓએ એમને અંજલિ આપીઃ

કર્નલ વાઇલીની હત્યા પછી ઇંડિયા હાઉસ પર સરકારની તવાઈ ઊતરી. ૧૯૧૦માં ઇંડિયા હાઉસને સરકારે તાળાં મારી દીધાં. (અહીં ફોટામાં શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક છે જે એમના જન્મસ્થાન માંડવી(કચ્છ)માં આવેલું છે. એ બ્રિટનના ઇંડિયા હાઉસની આબેહૂબ પ્રતિકૃતિ છે).

ઇંડિયા હાઉસના ક્રાન્તિકારીઓમાં વૈચારિક એકતા નહોતી. દાખલા તરીકે સાવરકર શરૂઆતથી જ હિન્દુ રાષ્ટ્રવાદી ક્રાન્તિકારી હતા. અંતે આંદામાનમાં કારાવાસની સજા પછી દયાની અરજી કરીને બહાર આવ્યા અને હિન્દુ મહાસભાની સ્થાપના કરી. બીજી બાજુ વીરેન્દ્ર નાથ ચટ્ટોપાધ્યાય રાજકીય વિચારોમાં બીજે છેડે, સામ્યવાદી હતા. એ સરોજિની નાયડૂ અને અભિનેતા હરિન ચટ્ટોપાધ્યાયના ભાઈ હતા. ભારતમાં કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપકોમાં એ પણ હતા. પછી રશિયા ગયા અને ત્યાં સ્તાલીને વિરોધીઓનો ખાતમો કર્યો તેમાં એ પણ શિકાર બન્યા. બીજી બાજુ મદનલાલ ઢીંગરા જેવા વીર પણ હતા જે અનર્ગળ દેશદાઝથી આગળ આવ્યા હતા.

આમ છતાં ઇંડિયા હાઉસે આઝાદીના સંઘર્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. એના દ્વારા ભારતીય ક્રાન્ત્તિકારીઓ દુનિયાના બીજા ક્રાન્તિકારીઓ અને ચિંતકોના સંપર્કમાં આવ્યા, એટલું જ નહીં, બ્રિટનમાં પણ કેટલાયે લોકો પર પ્રભાવ પાડી શક્યા.

સંદર્ભઃ

(ઇંટરનેટ પર ઉપલબ્ધ વિવિધ સૂત્રો)


India-slavery-and-struggle-for-freedom-part-3-chapter-14

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૧૪ :: ૧૮૮૫થી ૧૯૧૫ – ગદર પાર્ટી (૬)

ભારતમાં ક્રાન્તિનો પ્રયાસ

૧૯૧૪ની ૨૫મી જુલાઈએ જર્મનીએ સર્બિયા પર હુમલો કર્યો તે સાથે પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. બીજા જ દિવસે ગદર પાર્ટીએ ઑક્સનાંડમાં હિન્દુસ્તાાનીઓની સભામાં જાહેરાત કરી કે “યુરોપમાં યુદ્ધ શરૂ થઈ ગયું છે, બ્રિટનને હિન્દુસ્તાનમાંથી હાંકી કાઢો. હવે દેશ પાછા જઈને લશ્કરી તૈયારી કરવાનો અને સૈનિકોની સાથે મળીને વિદ્રોહ કરવાનો સમય આાવી ગયો છે.” જો કે, બ્રિટન યુદ્ધમાં ચોથી ઑગસ્ટે જોડાયું.

યુગાંતર આશ્રમમાં અમેરિકા અને કેનેડાના આગેવાન ગદરી નેતાઓ એકઠા થયા. ચાર-પાંચ દિવસ ગંભીર ચર્ચાઓ ચાલી તેમાં એમને ગદર પાર્ટીની શક્તિ અને સીમાઓનો કયાસ કાઢ્યો. બધી જ ઉણપો છતાં, એમણે નક્કી કર્યું કે “કરો યા મરો. મૂંગા બેસી રહેવા કરતાં કંઈક કરીને હારી જવાનું સારું છે. હાર પણ ઇતિહાસમાં કામ આવશે.”

તે પછી પાંચમી ઑગસ્ટે પાર્ટીના મુખપત્રમાં આ ‘એલાન-એ-જંગ’ છાપી દેવાયું. ગદર પાર્ટીએ પોતાના સભ્યોને કહ્યું કે અમેરિકામાં બેઠાં બેઠાં યોજનાઓ બનાવ્યા કરવામાં કંઈ નહીં વળે; દેશમાં જાઓ, ફોજમાં ઘૂસો, ગામેગામ ફરીને લોકોને સંગઠિત કરો. નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી બધા હિન્દુસ્તાનીઓને દેશ પાછા પહોંચી જવાનો પાર્ટીએ આદેશ આપ્યો. સૌને પોતાને ગામ પહોંચીને અંગ્રેજો વિરુદ્ધ બગાવત કરવા માટે લોકોને તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ. દુનિયાના ખૂણેખૂણેથી હિન્દુસ્તાનીઓ પાછા પહોંચી જાય તે પછી વિદ્રોહનો દિવસ નક્કી કરવાનો હતો.

કરતાર સિંઘ સરાભા એટલા ઉતાવળમાં હતા કે આવી મીટિંગોની રાહ જોયા વગર જ રઘુવર દયાલ ગુપ્તા સાથે દેશ આવવા નીકળી પડ્યા હતા. સરાભા માત્ર ૧૮ વર્ષના હતા અને એમનું જોશ એટલું બધું હતું કે કોઈ એમની બરાબરી કરી શકે તેમ નહોતું.

જાપાનમાં સોહન સિંઘ ભકના પ્રમુખ હતા. એમને બધા થીઓ સાથે હિન્દુસ્તાન પહોંચવાનો સંદેશ મોકલાયો. પંડિત સોહનલાલ પાઠકે થાઈલૅન્ડ અને બર્મા જઈને લોકોને લઈ જવાના હતા.

અફઘાનિસ્તાનમાં આરઝી હકુમત

પાર્ટીએ જાપાનમાં મૌલાના બરકતુલ્લાહને અફઘાનિસ્તાન જવાનું ફરમાન કર્યું. એમણે ત્યાંના અમીરને મળીને ગદર પાર્ટી માટે ટેકો મેળવવાનો હતો અને સરહદી પઠાણોને અંગ્રેજો વિરુદ્ધ જંગ માંડવા તૈયાર કરવાના હતા. અહીં એમને બીજા વિદ્રોહીઓ પણ મળ્યા, જેમાં રાજા મહેન્દ્ર પ્રતાપ અને ઑબેદુલ્લાહ સિંધી હતા. રાજા મહેન્દ્ર પ્રતાપ જર્મનીમાં વિલ્હેલ્મ કૈસરને મળી આવ્યા હતા. કૈસર માનતો હતો કે અફઘાનિસ્તાન સ્સાથ આપે તો પંજાબના જિંદ, પટિયાલા અને નાભાને અંગ્રેજોના હાથમાંથી છોડાવી શકાય. આમ ગદર પાર્ટી અને જર્મની, બન્નેને અફઘાનિસ્તાનમાં રસ હતો. રાજા અને મૌલવી અમીરને મળ્યા અને અમીરે એમને મદદ કરવાની તૈયારી દેખાડી. આના પછી હિન્દુસ્તાની દેશભક્તોએ ત્યાં પહેલી આરઝી હકુમત (કામચલાઉ સરકાર) બનાવી. જેમાં મહેન્દ્ર પ્રતાપ સરકારના પ્રમુખ, બરકતુલ્લાહ વડા પ્રધાન, ઓબેદુલ્લાહ સિંધી ગૃહ પ્રધાન, મૌલવી બશીર યુદ્ધ પ્રધાન અને ચંપક રમણ પિલ્લૈ વિદેશ પ્રધાન બન્યા.

પરંતુ અમીર એમને ખુલ્લો ટેકો આપતાં ડરતો હતો અને અંગ્રેજો સામે લડવા તૈયાર ન થયો. પહેલી આરઝી હકુમત આ રીતે નિષ્ફળ રહી. આના પછી રાજા જાપાન ચાલ્યા ગયા અને ૩૨ વર્ષ પછી ભારત આવ્યા અને ગાંધીજીના આશ્રમમાં પહોંચી ગયા.

(રાજા મહેન્દ્ર પ્રતાપનું ૧૯૭૯માં અવસાન થયું. એમના વિશે વધારે માહિતી માટે અહીં મારી બારી પર ક્લિક કરો).

ગદરીઓ ભારતમાં

આ બાજુ ભારત આવવા નીકળેલા ગદરીઓ જુદાં જુદાં જહાજોમાં હોંગકોંગ પહોંચવાના હતા. અહીં એમણે જહાજ બદલવાનું હતું, પરંતુ એમની હિલચાલની જાણ બ્રિટિશ સરકારને થઈ ગઈ હતી એટલે એમના માટેનું જહાજ ગોઠવવામાં જાણીજોઈને વાર થતી હતી. ગદરીઓએ એનો લાભ લીધો અને હિન્દુસ્તાનીઓમાં જોશપૂર્વક પ્રચાર કરવામાં એમણે આ સમયનો ઉપયોગ કર્યો. સરકારી આંકડા પ્રમાણે આઠ હજાર ગદરી ભારત આવી ગયા હતા પણ ખરેખર તો આ આંકડો બહુ મોટો હતો.

‘નાનસંગ’ જહાજથી સોહન સિંઘ ભકના કલકત્તા ઊતર્યા કે તરત એમની ધરપકડ કરીને લુધિયાના લઈ ગયા. પહેલાં એ પોલીસની દેખરેખ હેઠળ હતા. એક વાર પોલીસ સાથે બજારમાં જતા હતા ત્યારે રસ્તામાં કરતારસિંઘ સરાભા સાથે એમની મુલાકાત થઈ ગઈ. એ જ વખતે એમને નક્કી કર્યું કે દેશના નેતાઓને મળીને બળવા માટે તૈયારી શરૂ કરવી. તે પછી ભકનાને લાંબા જેલવાસમાં રાખી દેવામાં આવ્યા. થોડા દિવસો પછી ‘તોશામારૂ’ જહાજમાંથી ૧૭૩ ગદરી ઊતર્યા. એમને પણ તરત રાવલપીંડી લઈ ગયા. આમ ગદરીઓ આવતા ગયા અને સરકાર એમને સીધા જેલભેગા કરતી રહી.

ગદર પાર્ટીમાં શીખોની સંખ્યા બહુ ઘણી હોવા છતાં એ કામ ધર્મની સીમાઓની રહીને કામ કરતી હતી અને લોકોની ધર્મભાવનાને ઠેસ પહોંચી હોય તેવી બધી ઘટનાઓનો પાર્ટી લાગતા વળગતા સંપ્રદાયના લોકોને બ્રિટન વિરુદ્ધ ઊભા કરવામાં ઉપયોગ કરતી હતી. દાખલા તરીકે, વિશ્વયુદ્ધમાં તુર્કી બ્રિટનના સામા પક્ષે આવ્યું ત્યારે મુસલમાનોમાં બ્રિટન સામે રોષ ફેલાઈ ગયો. ગદર પાર્ટીએ એનો લાભ લઈને મુસલમાનોને બળવા માટે પ્રોત્સાહિત કર્યા. એ જ રીતે દિલ્હીમાં ગુરુદ્વારા રકાબગંજની દીવાલ તોડી પાડવાની ઘટનાથી શીખોમાં ઉશ્કેરાટ ફેલાઈ ગયો હતો. ગદર પાર્ટીએ એનો પણ લાભ લીધો.

શીખોની શિક્ષણ સંસ્થાઓ પર પણ અંગ્રેજોનો કબજો હતો. સ્કૂલનો પ્રિંસિપાલ અંગ્રેજ જ બની શકે. શીખો આને સાંસ્કૃતિક વર્ચસ્વવાદ માનતા હતા. એમની આ ભાવનાઓને સતેજ કરવામાં શિક્ષિત વર્ગનો પણ મોટો ફાળો રહ્યો. ખાસ કરીને માસ્ટર ચતુર સિંઘ અને માસ્ટર સુંદર સિંઘે આગળપડતી ભૂમિકા ભજવી.

હવે ગદરીઓએ ધીમે ધીમે સૈન્યમાં પણ ઘૂસવાનું શરૂ કર્યું. સૈનિકો કે સિપાઈઓમાં ઘણાખરા ગામડાંના હતા એટલે ગદર પાર્ટીનો પ્રચાર તો એમના સુધી પહોંચ્યો હતો. અમુક સ્તરે એમના તરફથી સહકાર મળવાની પણ આશા હતી. આ સ્થિતિમાં એમણે બે આર્મી કૅમ્પો પર હુમલા કરવાનું નક્કી કર્યું. આમાં ૨૩મી ડિવીઝનના સિપાઈઓ પણ સામેલ થવાના હતા. બધા એના હેડ ક્વાર્ટર્સ પર હુમલો કરવાના હતા. પણ આર્મીનાઅ એક ગ્રંથિએ (ધાર્મિક શીખ કર્મચારીએ) એમને વાર્યા. જો કે ચાર ઘોડેસવારો વિદ્રોહીઓ જ્યાં હતા ત્યાં મોડેથી પહોંચ્યા પણ એ વખતે તો બધા ચાલ્યા ગયા હતા. આમ કૅમ્પ પર હુમલા કરવાની યોજના નિષ્ફળ રહી.

એ જ રીતે ફિરોઝપુર કૅંટોનમેન્ટ પર હુમલો કરવામાં એમને નિષ્ફળતા મળી. ્હુમલો કરવાના ઇરાદે ગયા તો હતા પણ એમને સમાચાર મળ્યા કે ૩૦મી નવેમ્બર સુધીમાં એમને આર્મીનાં હથિયાર એક કૅમ્પમાંથી મળી જશે. એટલે બધા ટ્રેનમાં બેસીને પાછા ફરી ગયા. તેમ છતાં અમુક રહી ગયા તે ટાંગાઓ કરીને પાછા જતા હતા. સંયોગોવશાત એ દિવસે પોલીસ દળનો એક મોટો અધિકારી ત્યાં આવવાનો હતો એટલે સિપાઈઓએ ટાંગા રોકીને બધાને જમીન પર બેસાડી દીધા. એક સિપાઈને શું સૂઝ્યું કે એણે એક ગદરી રહમત અલી વાજિદને થપ્પડ મારી દીધી. આ જોઈને ભગત સિંઘ કચ્ચરમનને ગુસ્સો આવી ગયો અને એણે કંઈ જોયા જાચ્યા વગર પોતે ઓઢેલી ચાદરમાં છુપાવેલી પિસ્તોલ કાઢીને ગોળીબાર કર્યો. એમાં સિપાઈઓની ટુકડીનો લીડર માર્યો ગયો. એના બચાવમાં આવેલો બીજો એક સિપાઈ પણ માર્યો ગયો. પરંતુ તે પછીં વિદ્રોહીઓ ભાગી જવાને બદલે ઝાડીઓમાં છુપાઈ ગયા. થોડી વારમાં પોલીસની મોટી ટુકડી આવી અને આખા વિસ્તારને ઘેરી લીધો. હવે ગદરીઓ બચી શકે તેમ નહોતા. બે પોલીસના નિશાને ચડી ગયા અને બાકીના બીજા પકડાઈ ગયા. એમના પર કેસ ચલાવીને તાબડતોબ સાતને મૃત્યુદંડ આપવામાં આવ્યો, બીજાને પણ સખત કેદની સજા થઈ. જે હાથમાં ન આવ્યા એમને ‘ભાગેડૂ’ જાહેર કરવામાં આવ્યા.

પરંતુ પાર્ટી હજી હિંમત નહોતી હારી. એમણે શસ્ત્રાગારો પર હુમલાની યોજના બનાવી. જો કે એક વાર હુમલા માટે ટોળી નીકળી પણ સલામત ન લાગતાં પાછા ફર્યા અને તે પછી એમને કદીયે બીજા પ્રયાસની તક ન મળી.

ચબ્બા ગામમાં ધાડ

૧૯૧૫ની બીજી ફેબ્રુઆરીએ ગદરીઓએ ચબ્બા ગામે ધાડ પાડી તે ગદર પાર્ટી માટે ભારે નુકસાનકારક સાબીત થઈ. એમાં પકડાયેલા ગદરીઓમાંથી એક કાકા સિંઘે પોલીસના જુલમને કારણે બધું કબૂલી લીધું અને એમની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી દીધી. આના પછી પોલીસે ડેપ્યુટી સુપરિંટેંડન્ટ લિયાકત હયાત ખાનને ગદર પાર્ટીમાં જાસુસ ગોઠવી દેવાની જવાબદારી સોંપી. લિયાકતે કૃપાલ સિંઘ નામના શખ્સ મારફતે ૨૩મી ડિવીઝનમાં કામ કરતા એના ભત્રીજા બલવંત સિંઘને કામે લગાડ્યો. ૨૧મી ફેબ્રુઆરીએ વિદ્રોહ થશે એ બલવંતે જાણી લીધું. વિદ્રોહ વિશે ચર્ચા કરવા ૧૪મીએ બધા નેતાઓ લાહોરમાં એક મકાનમાં એકઠા થયા. બલવંતનો લાહોર પોલીસમાં કોઈ સંપર્ક નહોતો એટલે એણે અમૃતસરમાં પોલીસને તાર દ્વારા આ બેઠકની જાણ કરી. પણ ત્યાંથી કોઈ ન આવ્યું. બીજા દિવસે બલવંતને નજીકના ગામે માહિતી પહોંચાડવા મોકલ્યો પણ તેને બદલે એ સ્ટેશને ગયો. ત્યાં ગદર પાર્ટીના બે નેતા હતા. એમને શંકા પડી કે બલવંત કંઈક કરે છે. એ દિવસે પોલીસ ટુકડી આવી પણ બેઠક જ્યાં મળી હતી તે મકાનમાં એ વખતે માત્ર ત્રણ જણ હતા એટલે પોલીસને લાગ્યું કે છાપો મારવાનો અર્થ નથી, બધા ભેગા થાય તેની રાહ જોવી જોઈએ. આવા કેટલાક બનાવો બન્યા પછી ગદરના નેતાઓએ વિદ્રોહ ૨૧મીને બદલે ૧૯મીએ જ કરવાનું નક્કી કર્યું કે જેથી જાસૂસો અંધારામાં રહે. પણ ૧૯મીની સવારે કૃપાલ સિંઘના સંકેત પરથી પોલીસે એ મકાનમાં જેટલા ગદરી હતા એમને પકડી લીધા. ૧૯મીની રાતે ફિરોઝપુરથી ટ્રેનમાં પચાસેક ગદરીઓ કરતાર સિંઘ સરાભાની સરદારી નીચે લાહોર ઊતર્યા. એમણે સાથે ઢોલ અને હાર્મોનિયમ પણ રાખ્યાં હતાં કે જેથી કીર્તનનો ‘જથ્થો’ (મંડળી) છે એમ લાગે. ત્યાંથી તો એ હેમખેમ નીકળી ગયા પણ ૨૦મીની સવારે બજારમાં પોલીસ સાથે એમની ચડભડ થઈ ગઈ. એક જણે પોલીસ પર ગોળી ચલાવી દીધી. પછી એક જગ્યાએ પાણી પીવા રોકાયા ત્યાં ત્રણમાંથી એક પકડાઈ ગયો અને બે ભાગી છૂટ્યા.

કરતાર સિંઘ સરાભા અને બીજા બધા પંજાબ છોડી દેવાની તૈયારીમાં હતા ત્યાં તો પોલીસે આવીને છાપો માર્યો અને બધાને પકડી લીધા.

લાહોર કાવતરા કેસ

બધા સામે કેસ માંડવામાં આવ્યો જે આપણા ઇતિહાસમાં ‘પહેલા લાહોર કાવતરા કેસ’ તરીકે ઓળખાય છે. આમાં બે જણને ફાંસી અપાઈ. પરંતુ પંજાબના ગવર્નર માઇક્લ ઑડ્વાયરને શાંતિ નહોતી થઈ. એણે ‘ડિફેન્સ ઑફ ઇંડિયા ઍક્ટ’ મંજૂર કરાવ્યો અને વ્યાપક સત્તાઓ મેળવી લીધી.

તે પછી ૮૧ જણ સામે જુદા જુદા કેસ દાખલ થયા.

કેસ દરમિયાન આરોપીઓની ઓળખ પરેડમાં એક સાક્ષી આરોપીઓને ઓળખી ન શક્યો. એણે કહ્યું કે આરોપીઓએ પાઘડીઓ બદલી નાખી છે એટલે ઓળખાતા નથી. આ સાંભળીને આરોપીઓમાંથી એક જ્વાલા સિંઘે કહ્યું કે પાઘડી બદલી છે, ચહેરા નથી બદલ્યા. જજ આ સાંભળીને ખિજાયો. એણે તરત જ જ્વાલા સિંઘને ત્રીસ કોરડા મારવાનો હુકમ કરી દીધો.

કૅનેડાથી આવેલા ગદરના નેતા બલવંત સિંઘ ખુર્દપુર માટે ઑડ્વાયરે પોતે જ લખ્યું કે આ ખૂંખાર ગદરી છે. આ ટિપ્પણીને કારણે એમને મોતની સજા કરવામાં આવી.

૧૮ વર્ષના કરતાર સિંઘ સરાભાએ પણ કબૂલ્યું કે એ વિદ્રોહ કરવા માગતા હતા. જજે એમની ઉંમરને ધ્યાનમાં લઈને કહ્યું કે એણે અપરાધ કબૂલ ન કરવો જોઈએ. વિચાર કરવા માટે સરાભાને એક દિવસ આપવામાં આવ્યો. બીજા દિવસે પણ એમણે એ જ જવાબ આપ્યો. એમને પણ ફાંસીની સજા કરવામાં આવી.

સરદાર સોહનસિંઘ ભકના સહિત ૨૪ જણને ફાંસીની સજા કરવામાં આવી. પરંતુ એમાંથી એક પણ જણે દયાની અરજી ન કરી. ફાંસીની આગલી રાતે બધા ગદરનાં ગીતો ગાતા રહ્યા. મળસ્કે જેલનો અધિકારી આવ્યો અને સમાચાર આપ્યા કે સોહન સિંઘ ભકના સહિત ૧૭ જણની ફાંસીની સજા ઉંમરકેદમાં ફેરવી દેવાઈ છે.

બીજા દિવસે ૧૯૧૫ની ૧૬મી નવેમ્બરની સવારે કરતાર સિંઘ સરાભા, જગત સિંઘ સુરસિંઘ, વિષ્ણુ ગણેશ પિંગલે, હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ, સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ (બીજા)ને લાહોરની જેલમાં ફાંસી આપી દેવાઈ.

૦૦૦

સંદર્ભઃ

1. गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.

ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)

સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com

India-slavery-and-struggle-for-freedom-part-3-chapter-13

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૧૨ :: ૧૮૮૫થી ૧૯૧૫ – ગદર પાર્ટી (૫)

કામાગાટા મારૂ જહાજની ઐતિહાસિક ઘટના (૨)

વૅનકુવર છોડ્યા પછી કામાગાટા મારૂ ૧૬મી ઑગસ્ટે જાપાનમાં યોકોહામા બંદરે પહોંચ્યું. પરંતુ હોંગકોંગ સરકારે જહાજને હોંગકોંગમાં રોકાવાની પરવાનગી ન આપી એટલે શાંગહાઈ, હોંગકોંગમાં કામધંધો શોધવાની આશા પર પણ પાણી ફરી વળ્યું. મુશ્કેલી એ હતી કે વૅનકુવરથી ખાવાપીવાનો સામાન મળ્યો હતો તે હોંગકોંગ સુધીનો જ હતો અને ત્યાંથી કલકત્તા સુધી નવો સામાન ભરવાનો હતો. યોકોહામામાં અંગ્રેજી રાજદૂતે પણ જહાજને મદદ કરવાની ના પાડી દીધી.

આ તબક્કે મુસાફરો ગદર પાર્ટીના સીધા સંપર્કમાં આવ્યા. આમ તો જહાજ કલકત્તાથી વૅનકુવર માટે નીકળ્યું અને ચાર મહિના ત્યાં પડી રહેવું પડ્યું ત્યારે જ ગદર પાર્ટીવાળા એમને ઘણી રીતે મદદ કરતા હતા. ખુલ્લી રીતે તેઓ સરકાર સાથે વાતચીત પણ કરતા હતા. એટલું જ નહીં લોટની ગૂણોમાં છુપાવીને પાર્ટીના અખબારની નકલો પણ પહોંચાડતા હતા. પરંતુ તેઓ મળી નહોતા શકતા. હવે યોકોહામામાં તો એવું કોઈ બંધન નહોતું એટલે ગદર પાર્ટીના જાપાનમાં કામ કરતા નેતાઓ, ભાઈ હરનામ સિંઘ અને મૌલના બરકતુલ્લાહ જહાજમાં આવતા, મુસાફરોને મળતા, અંગ્રેજી શાસને ભારતમાં વર્તાવેલા કેરની વાતો સમજાવતા અને અંગ્રેજ હકુમતને જડમૂળથી ઉખાડી ફેંકવા લલકારતા.

ભારતમાં બળવાની તૈયારી

પરંતુ ગદર પાર્ટીના પ્રમુખ સોહનસિંઘ ભકનાને પાર્ટીએ ખાસ અમેરિકાથી મોકલ્યા. એમની સાથે બસ્સો પિસ્તોલ અને બે હજાર ગોળીઓ પણ બે પેટીમાં ભરીને મોકલી. એ એક હોટેલમાં ઊતર્યા અને ત્યાંથી જાપાનની ગદર પાર્ટીના બે નેતાઓએ હથિયારો કામાગાટા મારૂ પર પહોંચાડવાનું બીડું ઝડપ્યું. એમણે એક નાની હોડી લીધી, એમાં પેટીઓ ચડાવી અને રાતના અંધારામાં સાવચેતીથી કામાગાટા મારૂ પાસે પહોંચી ગયા અને દોરડાં બાંધીને પેટીઓ જહાજમાં પહોંચાડી દીધી. બીજા દિવસે એ લોકો બાબા સોહનસિંઘને લઈને, જાણે કંઈ ન બન્યું હોય તેમ જહાજ પર ગયા. બાબાએ મુસાફરો સામે જોશીલું ભાષણ કર્યું અને લોકોને બળવા માટે આહ્વાન કર્યું.

હવે જહાજના માલિકો આગળ આવ્યા. એમણે જહાજને યોકોહામાથી કોબે બંદરે લઈ આવવાનો હુકમ કર્યો. કોબેમાં પણ ગદર પાર્ટી હતી. એના નેતાઓ તોતી રામ મનસુખાની અને જવાહર લાલે મુસાફરોનું ભવ્ય સ્વાગત કર્યું. બધાને લઈને અંગ્રેજ રાજદૂતની કચેરીએ ગયા અને એક દેલીગેશન રાજદૂતને મળ્યું. રાજદૂતે એમની વાત માનીને ભારતમાં અંગ્રેજ સરકારને મુસાફરો માટે ૧૯ હજાર યેન આપવાની ભલામણ કરી કે જેથી એમને સીધા કલકત્તા પહોંચાડી શકાય. સરકાર માની ગઈ, જહાજને ૧૯ હજાર યેન આપી દેવાયા પણ કલકતાને બદલે મદ્રાસ જવાનો હુકમ મળ્યો. મુસાફરો કલકતા જ જવા માગતા હતા. એમણે અંગત કારણો પણ આપ્યાં. અંતે સરકારે કલકત્તા લાંગરવાની પરવાનગી આપી દીધી.

જહાજ કોબેથી રવાના થયું, રસ્તામાં સિંગાપોરમાં રોકાવાની છૂટ ન મળી અને એ ૨૬મી સપ્ટેમ્બરે હુગલીમાં કાલપી નામના બંદરે જહાજ પહોંચ્યું અને ત્યાં જ રોકી દેવાયું. મુસાફરોને આ કારણે શંકા પડી કે સરકારની દાનત સાફ નથી. મુસાફરોની શંકા આધાર વિનાની નહોતી.

પ્રથમ વિશ્વયુદ્ધ અને કડક સરકારી જાપ્તો

કામાગાટા મારૂ વૅનકુવરથી રવાના થયું તેનાં બે અઠવાડિયાં પહેલાં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું અને બ્રિટન એમાં ગળાડૂબ હતું. આખા યુરોપ અને એશિયામાં એનું જાસૂસી તંત્ર બહુ સક્રિય થઈ ગયું હતું. ગદર પાર્ટીના કાર્યકર્તાઓ સરકારની નજરમાં હતા અને જહાજના મુસાફરો ગદર પાર્ટીના સંપર્કમાં હતા તે સરકાર જાણતી હતી. સરકારે વિદેશથી આવતા કોઈ પણ માણસની હિલચાલ શંકાસ્પદ લાગે તો એને પકડીને પોલીસને હવાલે કરી દેવાની બંગાળ અને મદ્રાસ પ્રાંતોને સત્તા આપી હતી.

જહાજ પર પોલીસ

કાલપીમાં જહાજ લાંગર્યું કે તરત પોલિસો એમાં ઝડતી લેવા ચડી ગયા. મુસાફરોએ તો એના માટે તૈયારી રાખી જ હતી. એમણે ગદર પાર્ટીનાં ચોપાનિયાં, છાપાં વગેરે પણ સમુદ્રમાં ફેંકી દીધાં હતાં. ભાઈ સોહન સિંઘ ભકનાએ બે પેટી ભરીને પિસ્તોલો અને ગોળીઓ આપી હતી તેમાંથી ઘણી કટાઈ ગઈ હતી, તે બધી પણ ફેંકી દઈને કામ આવે તેવી સારી પિસ્તોલો અને ગોળીઓ સંતાડીને રાખી દીધી હતી. પોલીસે ત્રણ દિવસ જહાજના ખૂણેખૂણે કેટલીયે વાર તપાસ કરી પણ કંઈ વાંધાજનક ન મળ્યું એટલે ૨૯મી સપ્ટેમ્બરે પોલિસે જહાજને કાલપીથી બજબજ ઘાટ લઈ જવાનો હુકમ કર્યો. બજબજ ઘાટ પર એક ખાસ ટ્રેન તૈયાર રાખવામાં આવી હતી. સરકારની યોજના એવી હતી કે મુસાફરોને જહાજથી ઉતારીને સીધા ટ્રેનમાં બેસાડી દઈને પંજાબ પહોંચાડી દેવા.

પોલીસે મુસાફરોને પોતાનો સામાન સાથે લેવા ન દીધો, પણ મુસાફરોએ ગુરુ ગ્રંથસાહેબનું સુખાસન ઉપાડી લીધું. એમાં પોલીસનું કે એના ગોરા અફસરોનું કંઈ ચાલે એમ નહોતું. પરંતુ મુસાફરોમાં પણ તડાં તો પડી જ ગયાં હતાં ઘણા માનતા હતા કે પોલીસ સાથે કારણ વગર ઝઘડો વહોરી ન લેવો. જહાજમાં બે બાળકો સહિત ૩૨૧ મુસાફરો હતા, તેમાંથી ૫૯ તો ટ્રેનમાં બેસી ગયા. બાકીના મુસાફરોએ બજબજ ઘાટ પર ઊતરીને ટ્રેનમાં બેસવાની ના પાડી અને કલકત્તા જવાની માગણી કરી. એમણે કહ્યું કે તેઓ ગુરુ ગ્રંથસાહેબને કલકત્તાના ગુરુદ્વારામાં મૂકીને પછી જ બીજાં કામો કરશે. સિપાઈઓ એમને ધકેલતાં સ્ટેશને લઈ ગયા પણ એ ટ્રેનમાં ન ચડ્યા અને બેસી જઈને સબદ-કીર્તન કરવા લાગ્યા. શું કરવું તે કોઈને સમજાતું નહોતું. ઓચિંતા જ મુસાફરો સુખાસન ઊંચકીને કલકત્તા તરફ ચાલવા લાગ્યા. ગુરુ ગ્રંથસાહેબ હોવાને કારણે એમની સામે બળજબરી પણ વાપરી શકાય તેમ નહોતું. ગોરા અફસરો એમને રોકવાની કોશિશ કરતા રહ્યા પણ એમને પાછા વાળવામાં કલાકો લાગી ગયા. અંતે જો કે એમણે બધા મુસાફરોને સ્ટેશને પહોંચાડી દીધા.

રક્તપાત

રંતુ એમની ટ્રેન તો નીકળી ગઈ હતી. અફસરો બીજી ટ્રેનની વેતરણ કરતા હતા, ત્યારે સાંજ ઢળી ચૂકી હતી અને અંધારું ઊતરવા લાગ્યું હતું. રાતવાસો કોઈ ખાલી જગ્યામાં કરવો પડે એમ હતું. મુસાફરો ફરી સુખાસનને ગોઠવીને બેઠા અને સબદ-કીર્તનમાં લાગી ગયા. એ જ વખતે સુપરિન્ટેન્ડન્ટ ઈસ્ટવૂડ હાથમાં સોટી સાથે ગુરદિત્ત સિંઘને બોલાવવા આવ્યો. એનું આ રીતે ગ્રંથસાહેબ સમક્ષ આવવું સૌને અપમાન જેવું લાગ્યું. ગુસ્સાની એક લહેર દોડી ગઈ. એમણે ઈસ્ટવૂડને ઘેરી લીધો. એક જણે એના હાથની સોટી ઝુંટવી લીધી. ઈસ્ટવૂડે પિસ્તોલ કાઢીને બે ગોળી છોડી. કોઈને ઈજા ન થઈ પણ રોષ ભભૂકી ઊઠ્યો. મુંશા સિંઘ નામનો એક મુસાફર જહાજમાંથી ઊતરતી વખતે એક પિસ્તોલ છુપાવીને લાવ્યો હતો, એણે વળતો ગોળીબાર કર્યો તેમાં ઈસ્ટવૂડ માર્યો ગયો, બીજા એક અફસર પૅટ્રીને જાંઘમાં ગોળી વાગી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બંદુકધારી સૈનિકોની ટુકડી ઊભી હતી. અંગ્રેજ અફસરો મુસાફરોના હુમલાથી બચવા હટી જતાં હવે આ મુસાફરો સૈનિકોના સીધા નિશાન પર હતા. ગોળીઓની રમઝટ વચ્ચે પણ મુસાફરોએ પોલીસો પર હુમલો કર્યો. એમની બંદૂકો અને તલવારો ઝુંટવીને એમના પર જ હુમલો કર્યો. કેટલાક સિપાઈ આમાં માર્યા ગયા કે ઘાયલ થયા. પરંતુ ફોજીઓના હુમલા સામે મુસાફરો ટકી ન શક્યા. એ બજાર તરફ ભાગ્યા તો પણ એમને નિશાન બનાવ્યા. આમાં એક દુકાનદાર પણ શિકાર બન્યો.

ધીંગાણું બંધ થયું ત્યારે આ અંધાધૂંધીમાં પચાસ-સાઠ મુસાફરો ભાગી છૂટ્યા હતા; ૧૨ જણના જાન ગયા. બીજી લાશો સમુદ્રકાંઠે કે બજારમાં મળી. સાતને ગંભીર ઈજાઓ સાથે હૉસ્પિટલ પહોંચાડવા પડ્યા. બીજા ૨૯ને કેદ કરી લેવાયા. આના માટે તપાસ પંચ નિમાયું તેના રિપોર્ટ પ્રમાણે ૩૨૧માંથી ૨૬૦ જેલોમાં હતા અને ૧૯નાં મોત ગોળીથી થયાં હતાં.

૦૦૦

કામાગાટા મારૂની ઘટના ગદર પાર્ટીના સશસ્ત્ર સંઘર્ષના ઇતિહાસનું મહત્વનું અંગ છે, પરંતુ મુખ્ય અંગ નથી. એ મુખ્ય ઝાડમાં ફૂટેલી નવી શાખા છે, એક મહત્વની આડકથા છે. એ કથા ગદર પાર્ટીના કાર્યક્રમનો ભાગ નહોતી પરંતુ સૈદ્ધાંતિક રીતે એ ગદરના સિદ્ધાંતોની નજીક હતી. પરંતુ કામાગાટા મારૂ સાથે ગદરની કથાનો અંત નથી આવતો.

ગદર કથા હજી આગળ ચાલશે.

સંદર્ભઃ

1. गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.

ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)

સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 12

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૧૨ :: ૧૮૮૫થી ૧૯૧૫ – ગદર પાર્ટી (૪)

કામાગાટા મારૂ જહાજની ઐતિહાસિક ઘટના (૧)

ઘણી ઘટનાઓ મુખ્ય ઘટના ચક્રની બહાર બનતી હોય છે, પણ એ ઇતિહાસના એવા વળાંક પર બને છે કે એ મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ જતી હોય છે. કામાગાટા મારૂ (આપણા દેશમાં આ નામ પ્રચલિત છે પણ મૂળ નામ કોમાગાતા મારૂ છે) જહાજની ઘટનાને પણ ગદર પાર્ટીએ જગવેલી આઝાદીની મશાલ સાથે સીધો કોઈ જ સંબંધ નહોતો પણ એ ગદર સાથે અને દેશની આઝાદીના સંગ્રામ સાથે એવી વણાઈ ગઈ છે કે જાણે એ ઘટના એનો ભાગ હોય. એટલું ખરું કે બ્રિટિશ વસાહતોમાં હિન્દીઓ સાથે જે વર્તાવ થતો હતો તેને કારણે ગદરની આગ ભડકી હતી અને કામાગાટા મારૂ જહાજ પણ વસાહતોના શાસકોની એ જ નીતિઓનો ભોગ બન્યું હતું. જો કે એમાં વ્યાપારી સ્વાર્થનાં લક્ષણો પણ હતાં. તેમ છતાં, ગદર અને કામાગાટા મારૂ એવાં એકમેક સાથે વણાઈ ગયાં છે કે આજે એમને નોખાં પાડવાનું શક્ય નથી. પહેલાં કેનેડામાં વસવાટ કરવાના કાયદાઓનો ઇતિહાસ જોઈએ કે જેથી આખી ઘટનાનો સંદર્ભ સ્પષ્ટ થાય.

ઓગણીસમી સદીમાં તો કોઈ પણ દેશમાંથી સશક્ત વ્યક્તિ કૅનેડા આવીને વસી શકતી હતી, માત્ર માંદા કે વયોવૃદ્ધોને પ્રવેશ નહોતો મળતો. ૧૮૭૯માં કૅનેડા બ્રિટનની કૉલોનીમાંથી ડોમિનિયન રાજ્ય બન્યું તે સાથે એના આંતરિક વ્યવહાર માટેના કાયદા બનાવવાની સત્તા એના હાથમાં આવી. કૅનેડામાં બહારથી આવીને વસનારાની વસ્તી બહુ વધી ગઈ હતી. આથી ત્યાં સ્થાયી થયેલા યુરોપિયનોને એમના રોજગાર પર જોખમ તોળાતું દેખાયું. પહેલાં તો ચીની નાગરિકોના આગમન પર અમુક પ્રતિબંધો લાગુ કરાયા પરંતુ ભારત જેવી બ્રિટિશ વસાહતોમાંથી આવનારા લોકો પર કોઈ બંધન નહોતાં. પણ કેનેડાએ એવો કાયદો બનાવ્યો કે બ્રિટીશ વસાહતમાંથી કોઈ આવતો હોય તેની મુસાફરીની ટિકિટ સીધી હોવી જોઈએ. યુરોપ માટે તો એ કદાચ શક્ય હતું પં એશિયનો માટે નહીં. જહાજ ઈંધણ ભરવા માટે માર્ગમાં કોઈ બંદરે રોકાયું હોય તો એ સીધી મુસાફરી નહોતી ગણાતી. તે ઉપરાંત જે કોઈ કૅનેડામાં વસવા આવતો હોય તેણે ૨૦૦ કૅનેડિયન ડૉલર પણ ફી તરીકે આપવાના હતા. આ રકમ બહુ મોટી હોવા છતાં હિન્દીઓ એ તો ગમે તેમ આપી દેવા તૈયાર હતા પણ સીધી ટિકિટ કેમ લેવી તે સવાલ હતો.

કૅનેડાની ડોમિનિયન સરકાર અને હિન્દુસ્તાનની બ્રિટિશ સરકાર બહુ સખત હતી અને હિન્દીઓ આનો ઉપાય કરતા અને સીધી ટિકિટ મેળવવા મથતા પણ ટિકિટ આપનારી કંપનીઓ ડરીને પાછી હટી જતી.

સરદાર ગુરદિત્ત સિંઘ

કંપનીઓને મનાવવાના પ્રયત્નો નિષ્ફળ રહેતાં હવે પોતાનું જ જહાજ લઈને એમાં લોકોને કૅનેડા લઈ જવાના વિચાર શરૂ થયા. આમાં એક સાહસિક કોંટ્રૅક્ટર સરદાર ગુરદિત્ત સિઘે હિંમત કરી. એના માટે તો એ ધંધો હતો. જહાજ મળી જાય અને હિન્દીઓને લઈ જાય તો કમાણી પણ થાય એમ હતું. ઘણી તપાસ પછી એને હોંગકોંગનું જહાજ કામાગાટા મારૂ મળ્યું. જહાજ કલકત્તાથી સીધા કૅનેડા જઈ શકતું હતું પણ બ્રિટિશ સરકારે એમ ન થવા દીધું. ગુરદિત્ત સિંઘ ફરી હોંગકોંગ ગયો, ત્યાંથી મુસાફરો લીધા, શાંગહાઈ ગયા ત્યાંથી પણ મુસાફરો ચડ્યા. જાપાનના મોજો બંદરેથી પર મુસાફર મળ્યા. આમ જહાજ સીધું તો જતું નહોતું!

કૅનેડા સરકારે આની સામે પૂરી તૈયારી કરી લીધી. ૨૩મી મેના રોજ જહાજ વૅનકુવર પહોંચ્યું ત્યારે કૅનેડાના પોલીસ દળે એને ઘેરી લીધું અને મુસાફરોને બંદરે ઊતરવા ન દીધા. હિન્દુસ્તાનીઓને ઊતરવા નથી દીધા તે જાણીને ધક્કા પર સ્થાનિક લોકોની ભીડ પણ તમાશો જોવા ઊમટી પડી.

પહેલાં તો કૅનેડા સરકારે સૌના આરોગ્યની ખાતરી કરવાનું બહાનું આપ્યું. ગુરદિત્ત સિંઘ પાસે ડૉક્ટરનું સર્ટીફિકેટ હતું પણ એ ખોવાઈ ગયું હતું. કૅનેડા સરકારે પોતે જ તપાસ કરાવવા ડૉક્ટરોની ટીમ મોકલવાનું નક્કી કર્યું પણ ખરેખર એમાં બહુ વિલંબ કર્યો. એ દરમિયાન જહાજ પર અનાજપાણી ખૂટવા આવ્યાં. ગુરદિત્ત સિંઘે ઇંગ્લૅન્ડની રાણીને તાર મોકલીને જાણ કરી કે અનાજ ખૂટી ગયું છે. બ્રિટન સરકારની દરમિયાનગીરીથી કેનેડા સરકારે ખાધાખોરાકીનો સામાન તો મોકલી આપ્યો પરંતુ બ્રિટિશ સરકાર મુસાફરોને ઊતરવા દેવા માટે વચ્ચે પડવા નહોતી માગતી.

આ જ વખતે જહાજના ભાડાનો ૨૨ હજાર ડૉલરનો ત્રીજો હપ્તો ભરવાનો સમય પણ થઈ ગયો. હવે ગુરદિત્ત સિંઘે કૅનેડામાં વસતા શીખોની ખાલસા દીવાન સોસાઇટી અને યુનાઇટેડ ઇંડિયા લીગને જહાજને લીઝ પર રાખી લેવા વિનંતિ કરી. ૩૧મી મે ૧૯૧૪ના દિવસે ગુરુદ્વારામાં સાતસો હિન્દુસ્તાનીઓની મીટિંગ મળી તેમાં ભાઈ બલવંત સિંઘ અને શેઠ હસન રહીમની અપીલને જબ્બર આવકાર મળ્યો અને ૬૦ હજાર ડૉલર એકઠા થયા. એમાંથી ચડત હપ્તો ચુકવાઈ ગયો અને સરદાર ભાગ સિંઘ અને હસન રહીમના નામે નવો લીઝ કરાર થયો. હવે જહાજ કેનેડાના નાગરિકોનું થઈ ગયું એટલે અનાજપાણી પહોંચાડવાનું પણ શરૂ થઈ ગયું અને કૅનેડાના બંદરે લાંગરવાનો એને અધિકાર પણ મળ્યો. આમ છતાં કૅનેડા સરકાર એકની બે ન થઈ. આની સામે કૅનેડા જ નહીં, અમેરિકા અને ભારતમાં પણ રોષ ફેલાઈ ગયો.

નફાનુકસાનનો હિસાબ?

પરંતુ હવે એક નવી ઘટના બની જે શુદ્ધ ધંધો હોય કહી શકાય. કામાગાટા મારૂના એક મુસાફરના જણાવ્યા પ્રમાણે નવા લીઝધારકોએ ગુરદિત્ત સિંઘ પાસે બધો હિસાબ માગ્યો કારણ કે હવે નફાનુકસાનમાં એમનો પણ ભાગ હતો. જહાજના મુસાફરોને ઉતારવાનું આંદોલન ચાલતું જ હતું તે વચ્ચેથી ગુરદિત્ત સિંઘ અને એમના સાથીઓએ વૅનકુવરથી પાછા હોંગકોંગ જવાના ઇરાદાની સરકારને જાણ કરી દીધી. નવા લીઝધારકોના ૨૨ હજાર ડૉલર પણ ડૂબતા હતા, એ સ્થિતિમાં એ ખાધાખોરાકીમાં પૈસા ખર્ચવા તૈયાર નહોતા. બ્રિટનની દરમિયાનગીરી પછી કૅનેડા સરકાર ચાર હજાર ડૉલર આપવા તૈયાર થઈ. મૅડિકલ તપાસ વગેરે લાંબી કાર્યવાહી પછી જુલાઈની અધવચ્ચમાં કામાગાટા મારૂને પાછા જવાની સરકારી ઑફિસરોએ છૂટ આપી..

ગુરદિત્ત સિંઘ વિરુદ્ધ મુસાફરોનો બળવો

ખાધાખોરાકી લઈને પાછા જવાનો નિર્ણય મુસાફરોને પસંદ ન આવ્યો. કૅનેડાવાસી પંજાબીઓ પણ ગુરદિત્ત સિંઘના નિર્ણયનો વિરોધ કરતા હતા. એમણે જહાજમાં કોલસા ભરવાની અને એંજિનની જગ્યાએ પહેરો ગોઠવી દીધો. સરકારી અધિકારીઓ ખુલ્લેઆમ કહેતા હતાઃ‘kill them.’ આ બાજુ મુસાફરો પણ તૈયાર હતા. એમને જહાજ પર જે હાથે ચડ્યું તે – ખરાબ પડેલાં,, તૂટેલાં મશીનોના ભાગ, વાંસના દંડા, સળિયા બધું એકઠું કરી લીધું. ગુરદિત્ત સિંઘ અને જહાજના બીજા કર્મચારીઓને એમણે રૂમોમાં નાખીને બહારથી તાળાં મારી દીધાં.

૧૯મી જુલાઈની સવારે ૨૫૦ હથિયારધારી પોલીસો સી-લાઇન નામની એક ટગ(Tug – જહાજોને ખેંચીને કિનારે લાંગરવા માટે લઈ જતું મોટું જહાજ)માં કામાગાટા મારૂની લગોલગ આવી પહોંચ્યા. એમણે દોરડાથી તગને જહાજ સાથે જોડી કે તરત જ મુસાફરોએ દોરડું કાપી નાખ્યું. હવે ટગ પરથી ગરમ વરાળ પાઇપ વાટે જહાજ પર છોડવામાં આવી કે જેથી મુસાફરો દૂર ભાગી જાય. પોલીસો સીડીઓ ગોઠવીને ચડવા લાગ્યા તો ઉપરથી મુસાફરો એમને નીચે પટકવા લાગ્યા. મુસાફરોમાં એક પણ નાની મોટી ઈજાથી બચ્યો નહોતો. છેવટે પોલીસો જહાજ ઉપર પહોંચી ન શક્યા અને ટગ હટી ગઈ.

બીજી વારના હુમલામાં કૅનેડાના સત્તાવાળાઓએ કામાગાટા મારૂની લગોલગ એક યુદ્ધ જહાજ લાવી દીધું અને ગોળા છોડવાની ધમકી આપી.

પરંતુ બ્રિટનની સામ્રાજ્યવાદી સરકાર ખૂનખરાબીની હદ સુધી જવા તૈયાર નહોતી. એને કેનેડાની સરકાર પર દબાણ કર્યું એટલે સરકાર કામાગાટા મારૂ વૅનકુવર છોડી દે તો એને ખાધાખોરાકી પહોંચાડવા સંમત થઈ. અંતે ૨૩મી જુલાઈએ જહાજે વૅનકુવર છોડ્યું અને ભારત તરફ આવવા નીકળી પડ્યું.

ભારતમાં આવતાં શું થયું?

આવતા અંકમાં ગદર કથા હજી આગળ ચાલશે.

૦૦૦

સંદર્ભઃ

1. गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.

ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)

સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com

2. કૅનેડિયન એનસાઇક્લોપીડિયાની લિંકઃarticle/komagata-maru

(ફોટા અને કામાગાટા મારૂ વિશેની પૂરક વિગતો)

3. કૅનેડામાં ભેદભાવ વિશે કૅનેડિયન ઍનસાઇક્લોપીડિયાની લિંકઃ prejudice-and-discrimination

4. https://www.smithsonianmag.com/story-komagata-maru-sad-mark-canadas-past-180959160/

%d bloggers like this: