Satyavachan (1)

સાચું બોલવું સહેલું નથી!

સાચું બોલવું અઘરૂં છે. ગમે તેટલા પ્રયત્ન કરીએ, આમાં ચૂક થશે જ. સત્યકથન એ છે કે સત્યકથન અઘરૂં છે. એ બહુ મહેનતનું કામ છે. ધારો કે, આપણે કહીએ છીએ કે “હિમાલય સૌથી ઊંચો પર્વત છે”. આ વાક્ય પર વિચાર કરીએ.

જે સત્ય હોય તેનો કઈંક આધાર હોય. કોઈ કથન સત્ય છે કે કેમ એ વાક્યની અંદરથી સિદ્ધ ન થઈ શકે. હિમાલયની ઊંચાઈનું સત્ય પોતે આ વાક્યનો ગુણ નથી કે આપણે બોલ્યા કે તરત એ સ્થાપિત થઈ જાય. એક વાક્યથી માત્ર એટલું જ સિદ્ધ થઈ શકે કે એ વ્યાકરણની દૃષ્ટિએ અર્થપૂર્ણ છે. અહીં ’છે’ ક્રિયાપદ વાક્યના અંતે આવે છે અને ’હિમાલય’ અને ’સૌથી ઊંચો પર્વત’ એકબીજાના પર્યાય તરીકે સમજાય છે. પરંતુ, આટલું કહી દેવાથી હિમાલય સૌથી ઊંચો પર્વત છે એ સાબીત થતું નથી. એની સત્યતા તપાસવા માટે એવું કઈંક જોઇએ જે એ કથનની બહાર હોય. પર્વતની ઊંચાઈ માપવાનાં સાધનો જોઈએ, બીજા પર્વતોને પણ માપવા પડે. તે પછી સરખામણી કરીને નક્કી કરી શકાય કે હિમાલય ખરેખર જ સૌથી ઊંચો પર્વત છે.

આમ આટલા સાદા ચાર જ શબ્દોના વાક્યને સત્ય પૂરવાર કરવું હોય તો આખો હિમાલય જોઈએ, તે ઉપરાંત બીજા પર્વતો જોઈએ અને એમને માપવાનાં સાધન જોઈએ. આ રીતે જોતાં સત્ય અઘરી વસ્તુ છે. સત્ય નક્કર તથ્યોપર આધારિત હોય છે. તે સિવાય વાક્ય ખોટું સાબીત થાય. જે કઈં વાક્ય દર્શાવતું હોય તે દરેક વસ્તુ વ્યાકરણ વિના સિદ્ધ થવી જોઈએ. સત્ય માટે ભાષા પૂરતી નથી; એના માટે બાહ્ય જગતની જરૂર પડે છે. વાક્ય માત્ર એ બાહ્ય જગતનું પ્રતિબિંબ છે.

આમાં એવું નથી કે “હિમાલય સૌથી ઊંચો પર્વત છે” એ વાક્યની સત્યતા સાબીત કરવા માટે આપણે હંમેશાં જાતે જ હિમાલયની ઊંચાઈ માપવી જોઈએ. આ માપ બીજાઓએ લીધું છે અને એનો આપણે આધાર લઈ શકીએ. બીજાએ માપ લીધું છે, એ પણ નક્કર તથ્ય જ છે, એટલે એનો આપણે લાભ લઈ શકીએ.

માત્ર હિમાલય શા માટે – “ક્રૉસિન લેવાથી તાવ ઊતરી જાય” એ વાક્ય લો. વ્યાકરણની દૃષ્ટિએ એ અર્થપૂર્ણ છે. પરંતુ વાક્યની અંદર, ક્રોસિન કે તાવ, અથવા ક્રોસિનનો તાવ પરનો પ્રભાવ હાજર નથી. ત્રણેય એની બહાર છે, શરીરવિજ્ઞાનના જાણકારોએ આપેલાં તારણો, રસાયણશાસ્ત્રીઓએ દેખાડેલા માર્ગ અને ટૅકનૉલૉજીની મદદ વિના ક્રોસિન બની ન હોત અને તાવ ઊતર્યો ન હોત. અહીં પણ આપણે બીજાના કાર્યને તથ્ય તરીકે સ્વીકારીએ જ છીએ. આવાં પેઢી દર પેઢી એક્ત્ર થતાં અનુભવજન્ય તથ્યો આપણી પૂંજી બને છે અને એમાં આપણા અનુભવો ઉમેરીને આપણે નવી પેઢી માટે વારસો તૈયાર કરીએ છીએ.

મારો મુદ્દો સ્પષ્ટ કરવા માટે બીજું એક ઉદાહરણ આપું તો? “કાળી ગાયો પાંચ પગવાળી હોય છે”. વ્યાકરણ પ્રમાણે તો આ વાક્ય અર્થપૂર્ણ છે જ. પરંતુ એ અસત્ય કથન છે, કારણ કે બાહ્ય જગતમાં એને ટેકો નહીં મળે. કાળી ગાય તો આપણે જોઈ છે અને એ પણ જોયું છે કે એને પાંચ પગ નથી હોતા.આપણે વારસામાં મેળવેલા જ્ઞાનમાં પણ કોઈએ સા્ક્ષી પુરાવી નથી કે એણે પાંચ પગવાળી ગાય જોઈ છે – માત્ર કાળી ગાય નહીં, કોઈ પણ ગાય! આમ છતાં વ્યાકરણ બરાબર સીધે પાટે ચાલે છે, કારણ કે એના અમુક નિયમ છે અને આ વાક્ય એ નિયમોની અંદર છે. જો કે, બાહ્ય પરિબળોને કારણે આપણા મસ્તિષ્કનો એટલો બધો વિકાસ થયો છે કે પાંચ પગવાળી ગાય (કાળી કે ધોળી) આપણી કલ્પનામાં તો સંભવી શકે છે એની ના નહીં, આપણે કલ્પનાના ઘોડા દોડાવી શકીએ પરંતુ, જાણીએ છીએ કે એ માત્ર કલ્પના છે. જોયું, આવી ગયું ને, ‘કલ્પનાના ઘોડા’! આવાં બધાં રૂપકો સાચાં પણ નથી હોતાં કે ખોટાં પણ નથી હોતાં. એ માત્ર અભિવ્યક્તિની રીત જેવાં હોય છે. એનાથી વિચારની રજૂઆત ચમત્કૃતિપૂર્ણ જણાય છે. એ માત્ર આપણા મસ્તિષ્કની તુલના કરવાની અને વ્યક્ત કરવાની શક્તિનો વિકાસ દર્શાવે છે.

આ જ પ્રકારનું બીજું એક વાક્ય લઈએ. “ઈશ્વર સૃષ્ટિનો સર્જનહાર છે”. વ્યાકરણ પ્રમાણે આ અર્થપૂર્ણ વાક્ય છે, એમાં શંકા નથી, પરંતુ, બાહ્ય જગતમાં એનો આધાર નથી. આપણાથી પહેલાં થઈ ગયેલા કોઈ વડવાએ પણ એની સાક્ષી આપીને કહ્યું નથી કે એ વાક્યના સમર્થનમાં પુરાવો છે. ઉલ્ટું આપણા વડવાઓ એમ કહી ગયા છે કે આ વાક્યના સમર્થનમાં પુરાવા નથી! આપણો વારસો તો એ જ છે ને?. આમ છતાં, કલ્પનામાં એ વાક્ય સત્ય પ્રતીત થાય એનો ઇન્કાર નથી. xxx

(બર્ટ્રાન્ડ રસેલ, વિત્જેન્સ્તીન અને અન્ય વિદ્વાનોએ કરેલાં વિવેચનોના આધારે)

%d bloggers like this: