India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-27

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૭: ક્રિપ્સ મિશન (૧)

૧૯૪૧ના અંતમાં ગાંધીજીએ ફરી એક વાર કોંગ્રેસનું નેતૃત્વ છોડી દીધું. આ વખતે કારણ વધારે સખત હતું. મુંબઈના ઠરાવમાં ગાંધીજીને સત્યાગ્રહનું સુકાન ફરી સોંપવામાં આવ્યું હતું પણ તે પછીયે ગાંધીજી અને કોંગ્રેસના બીજા નેતાઓ વચ્ચે દૃષ્ટિભેદ ચાલુ રહ્યો હતો, છેવટે ગાંધીજીએ કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને પત્ર લખીને રાજીનામું આપી દીધું. ૧૯૪૧ના ડિસેમ્બરની ૩૦મીએ બારડોલીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી તેમાં આ પત્ર પર ચર્ચા થઈ અને ગાંધીજીને મુક્ત કરવામાં આવ્યા.

ગાંધીજીએ પત્રમાં જણાવ્યું હતું કે પોતે મુંબઈના ઠરાવનું અર્થઘટન કરવામાં બહુ મોટી ભૂલ કરી હતી. ગાંધીજીના અભિપ્રાય પ્રમાણે એ ઠરાવમાં સ્વરાજ માટેના અંદોલનમાં કોંગ્રેસે અહિંસાને કેન્દ્રસ્થાને મૂકી હતી અને ગાંધીજીના માનવા પ્રમાણે યુદ્ધને લગતી કોઈ પણ કાર્યવાહીમાંપણ કોંગ્રેસ ભાગ નહીં લે. એમણે પત્રમાં લખ્યું કે બીજા બધા મુંબઈના ઠરાવનો અર્થ એવો નથી કરતા. એટલે કે કોંગ્રેસ યુદ્ધમાં પણ જોડાય એ શક્ય છે, પણ પોતે અહિંસાને મૂકી ન શકે એટલે કોંગ્રેસનું નેતૃત્વ છોડવાનો એમણે નિર્ણય કર્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પૂરા સન્માન સાથે ગાંધીજીને મુક્ત કર્યા.

પરંતુ જાન્યુઆરી આવતાં યુદ્ધના નવા રંગ દેખાવા લાગ્યા હતા અને ભારત જ હુમલાનું નિશાન બને એ સ્થિતિમાં પણ ભારતની લડાઈ કેમ લડવી એ નક્કી કરવાનું કામ પણ બ્રિટનના જ હાથમાં હોય તેની સામે કોંગ્રેસનો વિરોધ હતો.

ક્રિપ્સ દિલ્હીમાં

એ સમયે બ્રિટનમાં રૂઢિચુસ્ત પક્ષ અને મજૂર પક્ષની ‘વૉર કૅબિનેટ’ ચર્ચિલના નેતૃત્વ હેઠળ કામ કરતી હતી, એમાં લેબર પાર્ટીના સર સ્ટેફર્ડ ક્રિપ્સ પણ હતા. ભારત માટે એમનું કૂણું વલણ હતું. બીજી બાજુ ચર્ચિલ પર પણ દબાણ હતું. કૅબિનેટે એક યોજના તૈયાર કરી અને ભારતના નેતાઓ સાથે એના વિશે ચર્ચા કરવા સર સ્ટેફર્ડ ક્રિપ્સને ભારત મોકલ્યા. ૨૩મી માર્ચે ક્રિપ્સ દિલ્હી આવ્યા. બ્રિટિશ સરકારની યોજના આ પ્રમાણે હતીઃ

૧. લડાઈ બંધ પડ્યા પછી તરત ભારતમાં બંધારણસભાની ચૂંટણી;

૨. દેશી રજવાડાં બંધારણસભામાં જોડાય તેવી વ્યવસ્થા;

૩. બ્રિટિશ સરકાર તરત જ એ બંધારણનો સ્વીકાર કરી લેશે, પરંતુ એમાં બે અનિવાર્ય શરત હશે કે બ્રિટિશ ઇંડિયાનો કોઈ પણ પ્રાંત નવું બંધારણ ન સ્વીકારે અને હમણાંની બંધારણીય વ્યવસ્થા જાળવી રાખવા માગતો હશે તો એ પછીથી જ્યારે ફાવે ત્યારે જોડાઈ શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. જો કોઈ પ્રાંત નવું બંધારણ ન સ્વીકારે અને અલગ રહેવાની ઇચ્છા દેખાડે તો બ્રિટિશ સરકાર એને ભારત સંઘ જેવો જ પૂર્ણ દરજ્જો આપશે;

બીજી શરત એ હશે કે બંધારણ સભા અને બ્રિટિશ સરકાર વચ્ચે સંધિ થશે. આ સંધિમાં સંપૂર્ણ સત્તા પરિવર્તન માટેની બધી વ્યવસ્થાનું પાલન કરવાની અને જાતિગત કે ધાર્મિક લાઘુમતીઓને રક્ષણ આપવાની વ્યવસ્થા જરૂરી વ્યવસ્થા હશે.

૪. પ્રાંતોનાં નીચલાં ગૃહો બંધારણ સભા માટેના પ્રતિનિધિઓને ચૂંટશે. દેશી રાજ્યોને પણ બંધારણ સભામાં પોતાનો પ્રતિનિધિ મોકલવાનો અધિકાર મળશે. આ પ્રતિનિધિને બ્રિટિશ ઇંડિયામાંથી ચુંટાયેલા પ્રતિનિધિ જેવા જ અધિકાર પણ મળશે.

૫. અત્યારના કટોકટીભર્યા સંજોગોમાં બ્રિટન ભારતના રક્ષણની જવાબદારી સંભાળે છે અને આગળ પણ સંરક્ષણ વિભાગ સીધો જ વાઇસરૉય હસ્તક રહેશે.

કોંગેસનો વિરોધ

એક અઠવાડિયા પછી કોંગ્રેસ વર્કિંગ કમિટી આ બાબતમાં ચર્ચા કરવા દિલ્હીમાં મળી અને ક્રિપ્સે રજૂ કરેલી બ્રિટિશ સરકારની દરખાસ્તનો વિરોધ કર્યો. આ દરખાસ્તમાં ભારતને તાત્કાલિક આઝાદ કરવાની કોંગ્રેસની માગણીનો પડઘો નહોતો પડતો. ઠરાવમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ એ વાત પર ભાર મૂક્યો કે સપ્ટેમ્બર ૧૯૩૯માં લડાઈ શરૂ થઈ ત્યારથી જ કોંગ્રેસ કહે છે કે હિન્દુસ્તાનીઓ દુનિયાનાં પ્રગતિશીલ બળો સાથે ખભેખભા મેળવીને ઊભા રહેશે અને નવી સમસ્યાઓના મુકાબલા માટે પૂરી જવાબદારી લેશે. આના માટે યોગ્ય માહૌલ તૈયાર કરવાની જરૂર હતી. દેશને સંપૂર્ણ આઝાદી આપવી એ જ રસ્તો છે.

તે ઉપરાંત પ્રાંતોને નવી બંધારણ વ્યવસ્થાને નકારી કાઢવાનો અધિકાર અપાયો હતો. કોંગ્રેસે આને ‘દેશના ભાગલા’ની દરખાસ્ત ગણાવી. કોંગ્રેસે કહ્યું કે જે પ્રાંત ભારતીય સંઘમાં જોડાવા ન માગતો હોય તેને અલગ રહેવાની છૂટ આપવી તે હિન્દ્દુસ્તાનની એકતા પર કુઠારાઘાત છે. વૉર કૅબિનેટની યોજનામાં આ નવો સિદ્ધાંત દાખલ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંતને કારણે રજવાડાંઓને ભારતીય સંઘમાં સામેલ કરવાનું વધારે અઘરું બન્યું છે. તે ઉપરાંત, આખી યોજનામાં દેશી રાજ્યોની નવ કરોડની જનતાનું તો પ્રતિનિધિત્વ જ નથી. કોંગ્રેસે હંમેશાં બ્રિટિશ ઇંડિયા અને દેશી રાજ્યો, એમ આખા ભારતની પ્રજાની આઝાદીનો આગ્રહ રાખ્યો છે.

કોંગ્રેસે કહ્યું કે વૉર કૅબિનેટની યોજના સ્પષ્ટ નથી અને અધૂરી પણ છે. એમાં અત્યારના બંધારણીય માળખામાં બહુ મોટો ફેરફાર પણ સુચવાયો નથી.

આ દરખાસ્તમાં સંરક્ષણ વિભાગ વાઇસરૉયના હાથમાં જ રાખવાનું સૂચન હતું કોંગ્રેસે એનો પણ વિરોધ કર્યો અને ક્રિપ્સની દરખાસ્તોને ફગાવી દીધી. સર સ્ટેફર્ડ ક્રિપ્સ પાસે કોંગ્રેસનું નિવેદન પહોંચ્યું ત્યારે એમણે મૌલાના આઝાદને એ તરત પ્રકાશિત ન કરવા વિનંતિ કરી અને કહ્યું કે તેઓ બ્રિટિશ સરકાર સમક્ષ એ રજૂ કરશે અને આગળ શું કરવું તેના વિશે ચર્ચા કરશે.

આમ તો કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ અને ક્રિપ્સ વચ્ચે પત્રોની આપ-લે પણ ઘણી થઈ. સંરક્ષણ વિભાગ કોઈ ભારતીયને સોંપવાની બાબતમાં ક્રિપ્સે વાઇસરૉય સાથે ચર્ચા કરી હતી. એના આધારે એમણે મૌલાના આઝાદને જવાબ આપ્યો કે કમાંડર-ઇન-ચીફની ફરજોમાં આડે ન આવે તે રીતે સંરક્ષણ વિભાગનાં બીજાં કામો ભારતીયને સોંપવા વિશે વાઇસરૉય ચર્ચા કરવા તૈયાર રહેશે. એટલે કે યુદ્ધ વિશેના નિર્ણયો કમાંડર-ઇન-ચીફના હાથમાં જ રહે અને કોઈ ભારતીયની એમાં દખલગીરી સ્વીકારવા માટે બ્રિટિશ સરકાર કે ભારત સરકાર તૈયાર નહોતી. એક પત્રમાં ક્રિપ્સે એવો સંકેત આપ્યો કે કમાંડર-ઇન-ચીફ મૌલાનાને કે નહેરુને મળીને સંરક્ષણ ખાતાના બે ભાગ કરવામાં અમુક ટેકનિકલ મુશ્કેલીઓ છે તે સમજાવશે.

નહેરુ અને મૌલાના આઝાદ તે પછી કમાંડર-ઇન-ચીફને પણ મળ્યા. એમની આ મુલાકાત વિશે મૌલાના આઝાદે ક્રિપ્સને પત્ર લખીને માહિતી આપી અને તે સાથે ઉમેર્યું કે કમાંડર-ઇન-ચીફ અને બીજા લશ્કરી અધિકારીઓએ જે કંઈ વાત કરી તેમાં ‘ટેકનિકલ’ તો હતું જ નહીં. એમણે સામાન્ય રાજકીય વ્યક્તિઓની વચ્ચે જેવી વાતચીત થાય તેવી જ રાજકીય વાતો કરી!

એમને ફરીથી વર્કિંગ કમિટીએ સંરક્ષણ વિશે તૈયાર કરેલી ફૉર્મ્યુલા ક્રિપ્સને મોકલી. ક્રિપ્સે જવાબમાં સુધારા સાથે એજ સૂચનો પાછામ મોકલ્યાં, કોંગ્રેસ પ્રમુખે એનો પણ અસ્વીકાર કર્યો અને કહ્યું કે તમે સૂચવો છો કે કમાંડર-ઇન-ચીફ ‘વૉર મેમ્બર’ તરીકે વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલમાં રહેશે અને ભારતીય પ્રતિનિધિ સંરક્ષણને લગતી બાબતોમાં યુદ્ધ સિવાયના બધા વિષયો માટે જવાબદાર રહેશે. મૌલાના આઝાદે એનો જવાબ આપ્યો કે એનો અર્થ એ છે કે વાઇસરૉય અને બ્રિટિશ સરકાર “ભવિષ્ય”માં સંરક્ષણ ભારતીયને સોંપશે, પણ “વર્તમાન”માં નહીં, જે કોંગ્રેસની માગણી છે. આ સૂચન માનવાનો અર્થ એ થાય કે ભારત પોતાની મરજીથી યુદ્ધમાં જોડાય એવું નહીં બને.

જવાહરલાલ નહેરુએ બે દિવસ પછી પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે સર સ્ટેફર્ડ ક્રિપ્સના છેલ્લા ઇન્ટરવ્યુ પહેલાં મને સવાલ પુછાયો હોત તો હું કહેત કે વાતચીતમાં ઘણી પ્રગતિ થઈ છે, પણ મેં જોયું કે તે પછી ક્રિપ્સના વલણમાં ફરી ફેરફાર થયો અને એ જૂને ચીલે પાછા ચાલ્યા ગયા. એ વાત સ્પષ્ટ છે કે વચ્ચેથી કંઈક થયું છે, સર સ્ટેફર્ડ ક્રિપ્સ પર દબાણ છે અને એમના અને બ્રિટિશ સરકારમાં બીજાઓ વચ્ચે મતભેદ છે એ દેખાય છે. કોંગ્રેસ કમાંડર-ઇન-ચીફના કામમાં માથું નથી મારવા માગતી પણ યુદ્ધ સિવાય પણ સંરક્ષણ ખાતામાં એવાં ઘણાં કામ છે જે યુદ્ધ માટે નથી. કમાંડર-ઇન-ચીફના હાથમાં એની સત્તા પણ છે. આમ એ સંરક્ષણ પ્રધાન છે જ. જો કોઈ સત્તા ભારતીય પ્રતિનિધિને ન મળે તો એનું સ્થાન અર્થ વગરનું બની રહે છે.

આમ કોંગ્રેસ અને ક્રિપ્સ બન્ને પોતાના વલણમાં મક્કમ રહ્યા અને વાતચીત પડી ભાંગી.

આવતા અઠવાડિયે આપણે ક્રિપ્સ મિશનની ભલામણો પર મુસ્લિમ લીગ, હિન્દ્દુ મહાસભા આને બીજા પક્ષોના પ્રત્યાઘાત જોઈશું.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual register Jan-June 1942 Vol. I

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-26

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૬: જાપાન ભારતને ઊંબરે

આપણે બીજા વિશ્વયુદ્ધમાં ભારતને બ્રિટને કેમ ઘસડ્યું તે જોયું. એના પર દેશના બધા પક્ષોના પ્રત્યાઘાત પણ જોયા. કોંગ્રેસ કહેતી હતી કે ભારતને સ્વતંત્રતા આપશો તો એ પોતાના તરફથી જ બ્રિટનની સાથે રહેશે. હિન્દુ મહાસભા સ્વતંત્રતાની વાતને કસમયની ગણતી હતી અને હિન્દુઓનું લશ્કરીકરણ કરવા, એટલે કે હિન્દુઓને સેનામાં જોડાવા પ્રોત્સાહિત કરતી હતી .એણે ભરતી અને તાલીમના કૅમ્પો પણ ચલાવ્યા, મુસ્લિમ લીગ કંઈ જ કહેવા નહોતી માગતી. આમ પણ એની નીતિનું મૂળ તત્ત્વ કોંગ્રેસનો વિરોધ કરવાનું હતું એટલે કોંગ્રેસની માગણીની લીગે ટીકા કરી પણ એ યુદ્ધમાં બ્રિટન સાથે છે કે નહીં તે કદી સ્પષ્ટ ન કર્યું, માત્ર ખાનગી રીતે બ્રિટિશરોને મદદ કરવાનો વ્યૂહ અપનાવ્યો. પહેલા વિશ્વયુદ્ધ વખતે બ્રિટને બીજા મુસ્લિમ દેશો સાથે કરેલા વર્તનને કારણે મુસલમાનોને નારાજી હતી એટલે જિન્ના કોઈ સ્પષ્ટ નીતિ જાહેર નહોતા કરતા. એમની એક જ વાત હતી કે કોંગ્રેસ અને હિન્દુઓ ભેગા મળીને મુસલમાનોને અન્યાય કરશે એટલે લીગને મુસલમાનોની પ્રતિનિધિ ન માને કે મુસલમાનોના હિતોનું રક્ષણ કરવાની ખાતરી ન આપે એવી કોઈ સરકારને લીગ ટેકો નહીં આપે. સુભાષચન્દ્ર બોઝે બનાવેલા ફૉરવર્ડ બ્લૉકની સહાનુભૂતિ બ્રિટનની વિરુદ્ધ હતી અને સરકારે એને ગેરકાનૂની જાહેર કર્યો હતો.

પરંતુ આપણે હજી યુદ્ધના મોરચાની મુલાકાત નથી લીધી. આ પ્રકરણમાં આપણે આજે એના પર ઊડતી નજર નાખીએ. એશિયામાં જર્મનીની મુખ્ય ભૂમિકા નહોતી. આપણે ગયા અઠવાડિયે વાંચ્યું કે સુભાષબાબુની પૂર્વ એશિયામાં આવવાની ઇચ્છા જાણીને સબમરીન આપી પણ એ પોતે ભારતને ‘અનંત દૂર’ માનતો હતો એટલે બ્રિટન સામે એની મદદ લેવાનો સુભાષબાબુનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો. એની વિસ્તારવાદી નીતિ પ્રમાણે એને ભારતનો કબજો મળી જાય તેમાં વાંધો નહોતો પણ એના માટે છેક જર્મનીથી ભારત સુધી આવવું એને લશ્કરી ખર્ચ અને ખુવારીની નજરે ફાયદાકારક નહોતું લાગતું એટલે મુખ્ય દોર સામ્રાજ્યવાદી જાપાનના હાથમાં હતો. યુદ્ધનાં આ વર્ષોમાં બ્રિટનના નસીબે માર ખાવાનું લખાયેલું હતું. એટલે કાં તો એને ભાગવું પડ્યું અને જીતી લીધેલા પ્રદેશો પણ છોડવા પડ્યા. બ્રિટનના એકંદર નિયંત્રણ નીચે લડતાં ભારત સહિતનાં કૉમનવેલ્થ દળો સતત પાછળ સરકતાં રહ્યાં અને જાપાન ભારત તરફ ધસમસતું આવતું હતું

૧૯૪૧ના ડિસેમ્બરના અંતમાં જાપાન યુદ્ધમાં કૂદી પડ્યું. ત્યાં જાપાની દળો સંગઠિત થતાં હતા ત્યારે જાપાને મિત્ર રાષ્ટ્રોને ખાતરી આપી હતી કે ચીન પર હુમલો કરવા માટે એ તૈયારી કરે છે પણ જાપાનને તેલ મળે તેની સામે મિત્ર રાષ્ટ્રોએ પ્રતિબંધ મૂકી દીધો હતો એટલે જાપાને એમની સામે જ લશ્કરી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. અને બ્રિટનનાં દળોને પરાજિત કરતાં સિંગાપુર, મલાયા, બર્મા વગેરે મોરચે બ્રિટિશ ફોજોને હરાવતાં ભારત તરફ આગળ વધવા લાગ્યું અને ભારત ઉપર આક્રમણનો ખતરો ઝળૂંબવા લાગ્યો. આ મોરચે હિન્દુસ્તાની સૈનિકો પણ બ્રિટિશ સૈનિકો સાથે જોડાયા હતા. પશ્ચિમના મોરચે તો બ્રિટિશ દળોએ ઈસ્ટ આફ્રિકા, સીરિયા, ઇરાક અને ઈરાનમાં ધરી-રાષ્ટ્રોનાં દળોને મહાત કર્યાં પણ પૂર્વના મોરચે જાપાનની લશ્કરી અને નૌકાશક્તિ સામે એમને ઘૂંટણિયાભેર થવું પડ્યું. આમાં હિન્દુસ્તાની સૈનિકોની પણ બહુ મોટી સંખ્યા હતી. પરંતુ એઅના અદમ્ય સાહસ, બહાદુરી અને બલિદાનની પ્રશંસા કાઉંસિલ ઓ સ્ટેટ સમક્ષ બોલતાં કમાંડર-ઇ-ચીફ જનરલ હાર્ટ્લીએ પણ કરી. પરંતુ ઇતિહાસમાં જ્યારે પરાજયનું મોઢું જોવું પડ્યું હોય ત્યારે જ હારનારા પક્ષના અદમ્ય સાહસની પ્રશંસા થતી હોય છે.

એ વખતે ઉત્તર આફ્રિકામાં ઈટલીની એક વસાહત સિરિનાઇકા (અરબીમાં બરકા, હવે લિબિયામાં)) હતી. ત્યાં ઈટલીનાં દળો અને બ્રિટનની ચોથી ઇંડિયન ડિવિઝન વચ્ચે ખૂનખાર જંગ ખેલાયો અને ઈટલીનો પરાજય થયો. આમાં હિન્દુસ્તાનીઓએ અપ્રતિમ શૌર્યનો પરિચય કરાવ્યો હતો. સિરિનાઇકા પાસે ચાર મોરચા હતા અને બધામાં ઇંડિયન ડિવીઝનને જબ્બરદસ્ત સફળતા મળી હતી. આ લડાઈ ‘રણનું યુદ્ધ’ (Desert war) તરીકે ઓળખાય છે. ઈજિપ્તના મોરચેચોથી ઇંડિયન ડિવીઝને જર્મનીનાં મિત્ર રાષ્ટ્રોની સેનાઓને ૧૯૪૧ના જૂનથી નવેમ્બર સુધી આગળ વધવા નહોતી દીધી. આ બધા મોરચે ચોથી ઇંડિયન ડિવીઝનની પાંચમી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હંમેશાં લડાઈમાં રહી. એ જ રીતે, ઈજિપ્તની દક્ષિણે પણ પાંચમી ઇંડિયન ડિવીઝને ઈટલીની ફોજને પરાજિત કરી. આ લડાઈ નાની હોવા છતાં એને કારણે એક મહત્ત્વનો રણ-બેટ બ્રિટનની ફોજના હાથમાં આવી ગયો.

જર્મનીનો જનરલ રોમેલ જેદાબિયાના મોરચા પરથી ખરાબ હવામાનને કારણે સમયસર હટી ગયો પરંતુ એ જ કારણસર બ્રિટનનો એ વખતનો કમાંડર-ઇન-ચીફ જનરલ ઑચિનલેક એનો પીછો ન કરી શક્યો. ૧૯૪૨ના જાન્યુઆરીમાં બન્ને બાજુની સેનાઓ રણમાં ધૂળની આંધીઓ અને ભારે વરસાદમાં સપડાઈ ગઈ. પરંતુ ચોથી ઇંડિયન ડિવીઝન વધારે સંકટમાં હતી. દરમિયાન રોમેલે પોતાની ફોજને ફરી સંગઠિત કરીને નવેમ્બરમાં ફરી હુમલો કર્યો, પરંતુ આ વખતે ભારે વરસાદને કારણે એનું હવાઈદળ કામ ન આવી શક્યું. સિરિનાઇકા પર ચોથી ઇંડિયન ડિવીઝનનો કબ્જો હતો પણ એનીયે સંદેશાવ્યવહાર લાઇનો કપાઈ ગઈ હતી. રોમેલના હુમલા સામે એને ફરી લડાઈમાં ઊતરવું પડ્યું.

બીજી બાજુ, બૅન્ગાઝીમાં સાતમી ઇંડિયન ઇન્ફન્ટ્રી બ્રિગેડ જર્મનીના હુમલા સામે ચારે બાજુથી એકલી પડી ગઈ હતી. ચોથી ડિવીઝન એને બચાવવા માટે કંઈ કરી શકે તેમ નહોતું અને એમ લાગતું હતું કે આખી સાતમી બ્રિગેડ અને પાંચમી બ્રિગેડનો અમુક ભાગ જર્મનીના હાથમાં યુદ્ધકેદી બની જશે. બે દિવસ સુધી કંઈ સમાચાર ન મળ્યા પણ ઓચિંતા જ ત્રીજા દિવસે સાતમી બ્રિગેડ યુદ્ધ મોરચે બ્રિટિશ બાજુએ પ્રગટ થઈ. જર્મનીએ એવી રીતે વ્યૂહ ગોઠવ્યો હતો કે બહાર નીકળવા માટે બેન્ગાઝીની ઉત્તર અને પૂર્વથી જ નીકળી શકાય અને ત્યાંથી નીકળવાની કોશિશ કરે તો એમને દબાવી દેવા. પરંતુ સાતમી બ્રિગેડ જર્મનીને હાથતાળી આપીને સૌથી દુર્ગમ અને અકલ્પ્ય દક્ષિણ-પશ્ચિમના માર્ગેથી નીકળી આવી. માર્ગમાં અનેક જગ્યાએ જર્મન સૈનિકો અને એમનાં બંકરો કે ચોકીઓ આવ્યાં પણ હિંમતથી, આડુંઅવળું સમજાવીને એ પાછા ફર્યા. દરમિયાન, ચોથી ડિવીઝન પણ પીછેહઠ કરવાની કોશિશ કરતી હતી પરંતુ એને મરણિયો મુકાબલો કરવો પડ્યો, જો કે એ અંતે પાછી આવી ગઈ. કમાંડર-ઇન-ચીફે કહ્યું કે મધ્યપૂર્વમાં લડાઈમાંથી આવેલા એક અધિકારીએ મને કહ્યું કે ચોથી ડિવીઝન સૌથી બહાદુર છે અને હજી પણ એના સૈનિકોનો જુસ્સો અખૂટ છે.

પરંતુ પૂર્વના મોરચાઓની વાત કરતાં જનરલ હાર્ટ્લીએ કહ્યું કે અહીં ભારતીય, બ્રિટિશ અને કૅનેડિયન દળોને સતત પીછેહઠ કરવી પડી છે. પાંચમી બટાલિયન, ચૌદમી પંજાબ રેજિમેંટ, હોંગકોંગ સિંગાપુર રૉયલ આર્ટીલરીને ટૂંકી પણ તીવ્ર લડાઈ પછી શરણાગતી સ્વીકારવી પડી છે. એમની પાસે સંખ્યાબળ ઓછું હતું અને ચાર માઇલના વિસ્તારનો બચાવ કરવાનો હતો. હવાઈ દળની મદદ પણ નહોતી. જાપાને એમના કરતાં ચારગણા સૈનિકો ઉતાર્યા હતા. એક બ્રિટિશ અધિકારી જાપાનીઓના હાથમાંથી છટકીને આવી ગયો છે. એ હિન્દુસ્તાની સૈનિકોનાં ભારે વખાણ કરતો હતો.

મલાયાની લડાઈમાં પણ ગોરખા અને બ્રિટિશ બટાલિયનો અને દેશી રાજ્યોની બટાલિયનોએ જાપાની હુમલાનો બરાબર સામનો કર્યો (નોંધઃ મલાયા મલેશિયાનો એક પ્રાંત છે). દક્ષિણ સિયામ (આજે થાઈલૅન્ડ)માંથી જાપાનની ચાર ડિવીઝનો એકીસાથે ત્રાટકી. સિંગાપુર તો જાપાને જીતી જ લીધું હતું. જાપાનનાં નૌકા અને હવાઈ દળો પણ બ્રિટનનાં કૉમનવેલ્થ દળો કરતાં ચડિયાતાં સાબીત થયાં. એ જ રીતે બર્મા પણ જાપાનના હાથમાં ગયું. બર્મા રોડ પર હિન્દુસ્તાની ફોજને ચીની દળોએ મદદ કરીને અમુક ભાગ પર કબજો કરી લેતાં જાપાન માટે લડાઈ લાંબી નીવડી. પરંતુ કમાંડર-ઇન-ચીફ જનરલ હાર્ટ્લીએ કહ્યું કે દુશ્મન એટલો નજીક છે કે હવે હિન્દની ભૂમિ પર હવાઈ અને સમુદ્રમાર્ગે બોમ્બમારો થવાની શક્યતા વધી ગઈ છે.

બીજી બાજુ પાંસઠ હજાર હિન્દુસ્તાનીઓ બર્માથી ભાગી આવ્યા હતા. મલાયાથી પણ મોટી સંખ્યામાં હિન્દુસ્તાનીઓ પાછા ફર્યા હતા. મોટા ભાગે તો એ સમુદ્ર માર્ગે આવ્યા પણ દિવસોદિવસ સમુદ્રમાર્ગ વધારે જોખમી બનતો ગયો હતો. એમને રાહત આપવામાં જાતિવાદ આચરાતો હોવાની ફરિયાદો પણ ઊઠી હતી.

ભારતીયને સંરક્ષણની જવાબદારી

વાઇસરૉયની કાઉંસિલના સભ્ય પંડિત હૃદયનાથ કુંજરુએ ઠરાવ રજૂ કરીને માગણી કરી કે કમાંડર-ઇન-ચીફને એમની રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા જોઈએ કે જેથી એ માત્ર સંરક્ષણને લગતી બાબતો પર ધ્યાન આપી શકે. એમણે કહ્યું કે દેશમાં એવી લાગણી છે કે ભારતના સંરક્ષણની જવાબદારી ભારતીયની હોવી જોઈએ. મુસ્લિમ લીગના બે પ્રતિનિધિઓ પાદશાહ અને મહંમદ હુસેન તેમ જ વાઇસરૉય દ્વારા નિમાયેલા ત્રીજા સભ્ય સર મહંમદ યાકૂબે વિરોધ કર્યો કે વાઇસરૉયની કાઉંસિલનું વિસ્તરણ થાય તેમાં કંઈ ખોટું નથી પણ લોકોનો ટેકો ન હોય તેવા કોઈ હિન્દુસ્તાનીને સંરક્ષણ ખાતું સંભાળવા નીમવોએ યોગ્ય નથી. કુંજરુના ઠરાવની તરફેણમાં ૧૧ અને વિરોધમાં ૫ મત પડ્યા. સરકાર તટસ્થ રહી, પરંતુ કાઉંસિલના ઠરાવને માનવો કે નહીં, તેની અંતિમ સત્તા વાઇસરૉયના હાથમાં હતી એટલે એણે આ ઠરાવની પરવા ન કરી.

૦૦૦

પણ હવે સુભાષબાબુ જાપાન પહોંચી ગયા છે. આઝાદ હિન્દ ફોજની ગાથા આગળ જોઈશું કારણ કે આ દરમિયાન દેશમાં બ્રિટનની વૉર કૅબિનેટે મોકલેલું ક્રિપ્સ મિશન ભારત આવી ગયું, ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન જાહેર કરી દીધું અને આખા દેશમાં બ્રિટિશ હકુમત સામે વિરોધનો વંટોળ ઊઠ્યો.

સંદર્ભઃ

https://en.wikipedia.org/wiki/Malaysia

https://www.britannica.com/place/Cyrenaica

The Indian Annual register. Jan-June 1942 Vol. I

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-25

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૫: સુભાષચન્દ્ર બોઝ જર્મનીમાં

૧૯૪૧ના ઍપ્રિલની ત્રીજી તારીખે ઈટલીનો કુરિયર ઑર્લાન્ડો માઝોટા બર્લિનમાં જર્મન વિદેશ મંત્રાલયના દરવાજે પહોંચ્યો. આપણે હવે એને ઓળખીએ છીએ. ઑર્લાન્ડો માઝોટાને આપણે પ્રકરણ ૨૩ના છેક અંતમાં મળ્યા છીએ. અફઘાનિસ્તાનમાં ઈટલીની મદદથી રશિયાની સરહદમાં ઘૂસી જતી વખતે સુભાષબાબુએ એ નામના ઈટલીના કૂરિયરનો પાસપોર્ટ ઉપયોગમાં લીધો હતો.

સુભાષબાબુ બ્રિટનને હરાવવા માટે જર્મનીની મદદની આશાથી ભારતમાંથી પલાયન કરી ગયા હતા. એ રશિયામાં રહેવા માગતા હતા કે જર્મની જવા ઇચ્છતા હતા તે વિશે હજી પણ વિદ્વાનોમાં એકમતી નથી. ઐતિહાસિક તથ્ય એ છે કે રશિયા અને જર્મની વચ્ચે મિત્રતાની સંધિ થયેલી હતી અને રશિયા હજી તેલ અને તેલની ધાર જોતું હતું. એ બ્રિટનને પણ નારાજ કરવા નહોતું માગતું. આ કારણે સુભાષબાબુ પોતાના નામથી રશિયામાં આવે અને રહે તે એને પસંદ નહોતું. એટલે સુભાષબાબુ બર્લિન પહોંચ્યા ત્યાં સુધી ઑર્લાન્ડો માઝોટા જ રહ્યા. જર્મનીના વિદેશ મંત્રાલયના અમુક જ ઑફિસરોને એમના વિશે જાણ હતી. એમણે હૉટેલ એક્સેલ્સિયરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. ત્યાં જ એમણે પોતાની ઑફિસ બનાવી.

એક જ અઠવાડિયામાં, નવમી તારીખે, સુભાષબાબુએ જર્મનીના વિદેશ મંત્રાલયને વિગતવાર નિવેદન આપીને પોતાની યોજના બધા ખુલાસા અને તર્ક સાથે સમજાવી. એમણે એ પણ સમજાવ્યું કે જાપાન દૂર-પૂર્વમાં (અગ્નિ એશિયામાં) યોગ્ય નીતિ અપનાવે તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યાનો અંત આવી જશે. એમણે એ પણ કહ્યું કે સિંગાપુરમાં બ્રિટન પરાજિત થાય તે બહુ જરૂરી છે. અંતે સુભાષબાબુ ધારતા હતા તેમ જ યુદ્ધે વળાંક લીધો.

ત્રણ જ અઠવાડિયાંમાં જર્મન વિદેશ મંત્રી રિબેનટ્રોપ અને સુભાષબાબુ વિયેનાની ઇમ્પીરિયલ હૉટેલમાં મળ્યા. રિબેનટ્રોપે નિવેદન વિશે જર્મન સરકારનો અભિપ્રાય જણાવ્યો કે સુભાષબાબુની યોજનાને અમલમાં મૂકવાનો સમય હજી પાક્યો નથી. સુભાષબાબુએ સૂચવ્યું કે જર્મનીએ બ્રિટિશ સેનાના અસંખ્ય હિન્દુસ્તાની સૈનિકોને યુદ્ધ કેદી બનાવ્યા છે; એમનો ઉપયોગ લડાયક સૈન્ય તરીકે બ્રિટનની વિરુદ્ધ કરી શકાય. પરંતુ રિબેનટ્રોપે એ સૂચન પણ ન સ્વીકાર્યું. એણે ભારતની સ્વતંત્રતાને જાહેરમાં ટેકો આપવાની પણ ના પાડી દીધી. સુભાષબાબુએ કહ્યું કે બ્રિટન કદાચ યુરોપમાં પોતાની હાર કબૂલી લેશે પણ ભારતને પોતાના સકંજામાં જ ઝકડી રાખશે, રિબેનટ્રોપે એના જવાબમાં એટલું જ કહ્યું કે જર્મનીએ બ્રિટન સાથે સંધિ કરવાની દરખાસ્ત મૂકી હતી, પણ બ્રિટને એ ફગાવી દીધી. હવે એનું ભાવિ એવું છે કે એના સામ્રાજ્યનો તો આપમેળે અંત આવી જશે. આમ રિબેનટ્રોપે દેખાડ્યું કે ભારત બ્રિટનના કબજામાંથી છૂટે કે ન છૂટે, જર્મનીને એમાં રસ નથી.

ત્રણ જ દિવસમાં સુભાષબાબુએ બીજું નિવેદન મોકલ્યું. આ વખતે એમણે જર્મની ભારતની સ્વતંત્રતાને ટેકો આપવાની જાહેરાત કરે એ વાત પર ભાર મૂક્યો. સુભાષબાબુ ત્યાં સરકાર બનાવી શક્યા નહોતા અને જર્મનીમાં બહુ ઓછા ભારતીયો એવા હતા કે જેમને સરકારમાં સાથી તરીકે સામેલ કરી શકાય. આ સ્થિતિમાં જર્મનીમાં રહેવા માટે એમનો દરજ્જો શું? એટલે એમણે બર્લિનમાં સ્વાધીન ભારતની સરકાર બનાવવામાં અને રેડિયો સ્ટેશન શરૂ કરવામાં જર્મનીની મદદ માગી.

એમણે ભારતની સ્વતંત્રતાની ઘોષણાનો મુસદ્દો પણ બનાવ્યો અને જર્મની અને ઈટલીના નેતાઓને આપ્યો. પરંતુ બન્ને તરફથી સાનુકૂળ જવાબ ન મળ્યો. જર્મની અને રશિયા વચ્ચે શાંતિ અને મૈત્રીની સંધિ હતી અને જર્મની ભારતને રશિયાની વગ હેઠળનો પ્રદેશ માનતું હતું એટલે ભારતની સ્વતંત્રતાની ઘોષણા કરીને રશિયાને નારાજ કરવાનો એમનો ઇરાદો નહોતો.

ભારત અને આરબ દેશો બ્રિટનના તાબામાં હતા એટલે એમની સ્વતંત્રતાને ટેકો આપીને હિટલર બ્રિટનને કફોડી સ્થિતિમાં મૂકી શકે તેમ હતો, એટલે એણે સુભાષબાબુના નિવેદનનો સ્વીકાર કર્યો પણ એના પર નક્કર નિર્ણય લેવાનું ટાળી દીધું, અંતે હિટલરે વિદેશ મંત્રાલયને આ યોજના અભેરાઈએ ચડાવી દેવાનો આદેશ આપ્યો.

હિટલરની સરકારે આઝાદ હિન્દુસ્તાનની સરકાર બનાવવાની મંજૂરી તો ન આપી, માત્ર ‘Free India Centre’ અથવા ભારતીય સ્વતંત્રતા સમિતિની છૂટ આપી. સુભાષબાબુએ એ સ્વીકારી લીધું અને એમના કહેવાથી વિદેશ મંત્રાલયમાં ભારત માટેનું ‘વર્કિંગ ગ્રુપ’ પણ કામ કરતું થઈ ગયું. આ વર્કિંગ ગ્રુપ છેવટે ભારત માટેના ખાસ વિભાગમાં પરિવર્તિત થયું, એની જવાબદારી સુભાષબાબુને બધી રીતે મદદ કરવાની હતી.

૧૯૪૧ના મે મહિનામાં સુભાષબાબુ રોમ ગયા અને મુસોલિનીને મળ્યા. આમ તો એ સુભાષબાબુને મળવા નહોતો માગતો પણ મળ્યા પછી એને લાગ્યું કે ભારતની આઝાદીને ટેકો આપવાનું નિવેદન બહાર પાડવું જોઈએ. એણે જર્મનીને પણ ભારતની આઝાદીના સમર્થનમાં નિવેદન બહાર પાડવા કહ્યું પણ જર્મન સરકાર એના માટે તૈયાર નહોતી. એ ફ્રાન્સ પણ ગયા. આમ તો પૅરિસ પર હિટલરે કબજો કરી લીધો હતો પણ એના બીજા આઝાદ પ્રદેશમાં સુભાષબાબુની મુલાકાત એક હિન્દુસ્તાની પત્રકાર એ. સી. એન. નામ્બિયાર સાથે થઈ. નામ્બિયાર તે પછી સુભાષબાબુની યોજનાઓનું અભિન્ન અંગ બની રહ્યા. એ પહેલાં પણ નામ્બિયારે રાજા મહેન્દ્ર પ્રતાપ, બરકતુલ્લાહ, એમ. એન. રૉય, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા ક્રાન્તિકારીઓ સાથે કામ કર્યું હતું.

હજી સુધી સુભાષબાબુ ભારતીય રાષ્ટ્રવાદની નજરે આખા યુદ્ધને જોતા હતા એટલે યુદ્ધ જર્મની અને ઇંગ્લૅન્ડ વચ્ચે જ સીમિત રહી શકે એ ધારણાથી કામ કરતા હતા. હિટલરે પોતાના કબજામાં આવેલા દેશોમાં જે અત્યાચાર કર્યા હતા તેના તરફ પણ એમણે આંખો બંધ રાખી હતી, પરંતુ જર્મનીએ રશિયા સાથેની સંધિ તોડીને હુમલો કરતાં એમના ઘણા ખ્યાલો ધૂળમાં મળી ગયા. હિટલર યુરોપમાં પૂર્વ તરફ આગળ વધવા માગતો હતો. આમ છતાં, વિદેશ મંત્રાલયે એમને આઝાદ હિન્દુસ્તાન કેન્દ્રનો વિકાસ કરવામાં ઘણી મદદ કરી. રેડિયો સ્ટેશન ઊભું કરવાની સગવડ પણ આપી, એટલું જ નહીં, એના માટે જર્મન રેડિયોથી અલગ ફ્રિક્વન્સી આપી હતી કે જેથી આઝાદ હિન્દુસ્તાન કેન્દ્ર જર્મનીથી અલગ રહીને પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરી શકે. કેન્દ્રનું કામ બરાબર શરૂ થઈ ગયું હતું. સુભાષબાબુએ કોંગ્રેસના તિરંગાને જ કેન્દ્રનો ઝંડો બનાવ્યો. માત્ર એમણે ચરખાને બદલે ટીપુ સુલતાનના ઝંડાનો છલાંગ મારતો વાઘ એમાં મૂક્યો. જો કે અગ્નિ એશિયામાં ચરખો ઝંડામાં પાછો આવ્યો. રવીન્દ્રનાથ ટાગોરનું “જન ગણ મન…” કેન્દ્રનું રાષ્ટ્રગીત બન્યું, એમણે બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘વંદે માતરમ’ ન લીધું કારણ કે એની સામે મુસલમાન સૈનિકો ધાર્મિક કારણસર વાંધો લે એવું હતું. એમણે ઈકબાલનું “સારે જહાં સે અચ્છા…” રોજ ગાવાનાં ગીતોમાં લીધું અને ‘જય હિન્દ’નું નવું સૂત્ર એકબીજાના સ્વાગત માટે આપ્યું. સુભાષબાબુનું જોર નાતજાત અને ધર્મના વાડા ભૂંસીને એક હિન્દુસ્તાનીની ઓળખ વિકસાવવા પર રહ્યું.

દરમિયાન. જર્મનીના વિદેશ મંત્રી રિબેનટ્રોપે પોતે જ હિન્દુસ્તાની યુદ્ધકેદીઓનો જુદી રીતે ઉપયોગ કરવાનો વિચાર રજૂ કર્યો. એની યોજના હતી કે આ યુદ્ધકેદીઓમાંથી માત્ર હિન્દુસ્તાનીઓની બટાલિયન ઊભી કરવી. જો કે એના માટે જુદા જુદા દેશમાંથી હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓને જર્મનીમાં લાવવાની જરૂર હતી. આમાં મુસોલિનીએ બહુ રસ ન લીધો અને હિન્દુસ્તાની યુદ્ધકેદીઓને જર્મનીના હાથમાં સોંપવામાં બહુ વાર લગાડી.

બીજી બાજુ, હિન્દુસ્તાની સૈનિકોમાં જાતિવાદ ફેલાયેલો હતો એટલે જર્મન અધિકારીઓને યુદ્ધકેદીઓની ફરિયાદો મળતી તેમાં બધા કેદીઓને એક લાકડીએ હાંકવા વિશે પણ ફરિયાદ મળતી. બીજું. એ જર્મની સામે શા માટે લડતા હતા એવા સવાલનો એમનો જવાબ એક જ હતો કે એમના માલિકોએ એમને જર્મની સામે લડવાનો હુકમ આપ્યો હતો. આમ હિન્દુસ્તાનીઓનું વલણ તદ્દન ભાડૂતી ફોજ જેવું હતું. તે ઉપરાંત બીજી પણ એક સમસ્યા હતી કે એમાં નૉન-કમિશન્ડ લશ્કરી સૈનિકો સીધી રીતે બ્રિટનને વફાદાર હતા. એ સામાન્ય સૈનિકોના કાન ભંભેરતા એટલે ડિસેમ્બરમાં સુભાષબાબુ આન્નાબર્ગની યુદ્ધકેદીઓની છવણીમાં એમને મળવા ગયા ત્યારે એમને સખત વિરોધનો સામનો કરવો પડ્યો. આમ છતાં એમણે બીજા જ દિવસથી વ્યક્તિગત રીતે યુદ્ધકેદીઓને મળવાનું શરૂ કરી દીધું અને અંતે પંદર હજારમાંથી ચાર હજાર યુદ્ધકેદીઓ ખાસ હિન્દુસ્તાની બટાલિયનમાં જોડાવા તૈયાર થઈ ગયા.

સુભાષબાબુને જર્મનીમાં એ. સી. એન. નામ્બિયાર ઉપરાંત એન. જી. ગણપૂલે, ગોવિંદ તલવલકર, ગિરિજા કુમાર મૂકરજી, એમ. આર. વ્યાસ, હબીબુર રહેમાન, એન જી. સ્વામી, આબિદ હસન જેવા મહત્ત્વના સાથીઓ પણ મળ્યા.

સુભાષબાબુ ૧૯૪૧ના ઍપ્રિલમાં બર્લિન આવ્યા ત્યારે ઑર્લાન્ડો માઝોટા તરીકે આવ્યા હતા પણ હવે એમને એ નામની જરૂર નહોતી, કારણ કે વિદેશ મંત્રાલય એમને મદદ આપતું હતું એટલે હવે એમણે આ નામ છોડી દીધું. રશિયા પર જર્મનીએ આક્રમણ કર્યું તે પછી એમને જર્મની પાસેથી બહુ આશા નહોતી રહી. આ બાજુ ડિસેમ્બરમાં જાપાન પણ યુદ્ધમાં કૂદી પડ્યું હતું અને ચીન, સિંગાપુર, મલાયા વગેરે પર એનો ઝંડો ફરકતો હતો.

આથી સુભાષબાબુ હવે પૂર્વ એશિયામાં જવા માગતા હતા. ભારતની સરહદ ત્યાંથી નજીક પડે અને સ્વતંત્ર રીતે લશ્કરી કાર્યવાહી કરવી હોય તો ભારતની નજીક રહેવાનું એમને જરૂરી લાગવા માંડ્યું હતું. પરંતુ જર્મન અધિકારીઓ એમને સલામતીનાં કારણોસર રોકી રાખતા હતા.

સુભાષબાબુને જર્મનીમાં એક વર્ષ પુરું થઈ ગયું હતું પણ એમની મુલાકાત હિટલર સાથે થઈ શકી નહોતી. છેવટે ૧૯૪૨માં મે મહિનાની ૨૯મીએ સુભાષબાબુ હિટલરને મળ્યા. એમણે હિટલર સમક્ષ એશિયા જવાની ઇચ્છા વ્યક્ત કરી. હિટલરે વિમાનમાર્ગે જવાનાં જોખમો બતાવ્યાં અને એમને સબમરીનમાં પહોંચાડવાની તૈયારી દેખાડી.

હિટલરને ભારત પર બ્રિટનનું રાજ રહે તેમાં વાંધો નહોતો. એ હિન્દુસ્તાનીઓને ‘ઊતરતી’ કોમ માનતો હતો અને એને ગોરી ચામડી માટે પક્ષપાત હતો. એણે Mein Campfમાં આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સુભાષબાબુએ હિટલરને આ દૃષ્ટિકોણ બદલવા કહ્યું, જો કે હિટલર એનો જવાબ ટાળી ગયો. હિટલરે ભારતની સ્વતંત્રતાને ટેકો આપવા બાબતમાં કહ્યું કે ખરેખર વિજય ન મળે તો આવું જાહેર કરવાનો કંઈ અર્થ નથી રહેતો. અને જર્મની માટે ભારત “અનંત દૂર” છે.

હિટલરે સબમરીન માટે વચન આપ્યા પછી આઠ મહિને ૮મી ફેબ્રુઆરી ૧૯૪૩ના એમણે જર્મની છોડ્યું. પણ પૂર્વ એશિયાની લડાઈમાં એવું તે શું હતું કે સુભાષબાબુ ત્યાં જવા માટે જવા આતુર હતા?

૦૦૦

સંદર્ભઃ http://dspace.pondiuni.edu.in/jspui/bitstream/1/1698/1/Subhas%20Chandra%20Bose.pdf

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-24

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૪: ઍમરીનું વક્તવ્યઃ બ્રિટનની ચાલ

૧૯૩૫ના કાયદા પ્રમાણે પ્રાંતની સરકાર બંધારણીય કાયદા પ્રમાણે કામ નથી કરી શકતી તો એ બધી સત્તા હાથમાં લઈ શકે એવી વ્યવસ્થા હતી. સાત પ્રાંતોમાં કોંગ્રેસી પ્રધાનમંડળો રાજીનામાં આપી ચૂક્યાં હતાં અને ગવર્નરોના હાથમાં બધી સત્તાઓ કેન્દ્રિત થઈ ગઈ હતી. આની મુદત વધુ એક વર્ષ લંબાવવાનો ઠરાવ ૧૯૪૧ના ઍપ્રિલ મહિનામાં બ્રિટિશ સરકારના ભારત માટેના પ્રધાન એલ. એસ. ઍમરીએ આમસભામાં રજૂ કર્યો. એ વખતે એમણે ભારતની રાજકીય પરિસ્થિતિ વિશે કેટલાંક વિધાનો કર્યાં.

ઍમરીએ કહ્યું કે ૧૯૩૫ના કાયદામાં સૂચવેલી ફેડરલ સત્તા માટેની વ્યવસ્થાનો પણ કોંગ્રેસ વિરોધ કરે છે, કારણ કે એને બધી સત્તા હાથમાં લેવી છે. પણ કોંગ્રેસે એ જોખમ તરફ આંખો બંધ કરી દીધી છે કે જિન્નાની પાકિસ્તાનની માંગને કારણે કોંગ્રેસના હાથમાં બધી સત્તા આવે અને આખા ભારતમાં એનો પ્રભાવ સ્થાપિત થાય એવું બીજું બંધારણ બનવાના સંયોગો નથી. બીજી બાજુ, જિન્નાની માગણી માનીએ તે ભારતની એકતાને તોડી પાડવા જેવું થશે. બ્રિટનની સૌથી મોટી સિદ્ધિ જ એ છે કે એના હેઠળ ભારતમાં એકતા અને શાંતિ સ્થાપિત થઈ છે એટલે પાકિસ્તાનની માગણી સ્વીકારી ન શકાય.

ઍમરીએ તેજ બહાદુર સપ્રુએ યોજેલી ‘બોમ્બે કૉન્ફરન્સ’ની પણ ટીકા કરી. કૉન્ફરન્સે વાઇસરૉયની કાઉંસિલનું વિસ્તરણ કરીને માત્ર બિનસરકારી ભારતીયોનો એમાં સમાવેશ કરવાનું સૂચવ્યું હતું, તેજ બહાદુર સપ્રુ વગેરે નેતાઓએ એક ઠરાવ દ્વારા કહ્યું કે યુદ્ધ ચાલે ત્યાં સુધી આ કાઉંસિલ વાઇસરૉયને ટેકો આપશે. ઍમરીએ તેનો પણ અસ્વીકાર કર્યો. એમણે કહ્યું કે તેજ બહાદુર સપ્રુ અને એમના મિત્રોની આ ભલામણ અર્થ વગરની છે, કારણ કે બે મુખ્ય પક્ષો – કોંગ્રેસ અને મુસ્લિમ લીગ – ની સંમતિ મેળવ્યા વગર જ એમણે આ સૂચન કર્યું છે.

આમ ઍમરીએ એક કાંકરે ત્રણ પક્ષી માર્યાં: કોંગ્રેસ માત્ર બોલવાની આઝાદી – યુદ્ધનો વિરોધ કરવાના અધિકારની – માગણી કરતી હતી અને એનો સત્યાગ્રહ એના માટે હતો. કોંગ્રેસ કહેતી હતી કે ભારતને સ્વાધીનતા આપ્યા વગર જ બ્રિટને એને યુદ્ધમાં ઘસડ્યું છે. આ માગણીને ફેડરેશન સામેના વાંધા સાથે કશી લેવાદેવા નહોતી. પરંતુ ઍમરીએ એવું ઠસાવવાનો પ્રયાસ કર્યો કે કોંગ્રેસને બધી સત્તા પોતાના હાથમાં જોઈએ છે. આટલું કહ્યા પછી એમણે પાકિસ્તાનની માગણીને પણ ઠોકર મારી દીધી! આ માગણી ખોટી હોય તો એનું નિરાકરણ પણ બ્રિટને જ કરવાનું હતું, એ વાત તો એ ગળી ગયા. તો પણ કોંગ્રેસની માગણીને દબાવી દેવા માટે એનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો.

તેજ બહાદુર સપ્રુની માગણી એ કારણસર નકારી કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગને પૂછ્યા વિના જ બોમ્બે કૉન્ફરન્સે આ સૂચન કર્યું છે. હકીકત એ હતી કે કાઉંસિલનો વિસ્તાર કરીને એમાં વધારે ભારતીયોને લેવાનો બ્રિટનનો ઇરાદો જ નહોતો. ઍમરીએ કહ્યું કે જિન્ના બોમ્બે કૉન્ફરન્સના ઠરાવને નકારી ચૂક્યા છે અને કહે છે કે કોંગ્રેસે આ ઠરાવ પરદા પાછળ રહીને કરાવ્યો છે. નોંધવા જેવું એ છે કે એમણે હિન્દુ મહાસભાનો પણ હથિયાર તરીકે ઉપયોગ કરી લીધો અને કહ્યું કે હિન્દુ બહુમતીનું પ્રતિબિંબ ન પડતું હોય એવી કોઈ વ્યવસ્થામાં એ નહીં જોડાય. ટૂંકમાં, ઍમરીનું કહેવું હતું કે હિન્દુસ્તાનના બધા પક્ષો સંમત ન થાય ત્યાં સુધી સમાધાન ન થઈ શકે. એ બે મોઢે બોલતા હતા. જે દલીલને પોતે નહોતા માનતા તે બધી દલીલોને સામસામે કાપવા માટે વાપરતા હતા. એમણે બ્રિટનની જવાબદારીઓમાંથી હાથ ખંખેરી નાખ્યા પણ લેબર અને લિબરલ પાર્ટીઓના સભ્યોએ ઍમરીની આ બે મોઢાની વાતને ખુલ્લી પાડી અને બ્રિટનને પોતાની જવાબદારી સમજીને ભારતીયોને વધારે સામેલ કરવાની હિમાયત કરી.

ગાંધીજીનું નિવેદન

એમરીના નિવેદન પર ગાંધીજીએ આકરી ટિપ્પણી કરી. આવી આકરી અને તીખી ભાષા ગાંધીજીએ ભાગ્યે જ કદી વાપરી હશે. એમણે ઍમરી પર નામજોગ પ્રહાર કર્યા એટલે એ નિવેદન જરા વિસ્તારથી જોઈએ.

ગાંધીજીએ કહ્યું કે મુસીબતના વખતમાં માણસનું મન નરમ થઈ જતું હોય છે પણ બ્રિટનની હાલની મુસીબતો જરાય ઍમરીના હૈયા સુધી પહોંચી હોય તેમ નથી લાગતું. ઍમરી દાવો કરે છે કે અંગ્રેજી હકુમતે ભારતમાં શાંતિ સ્થાપી છે. પણ ઢાકા અને અમદાવાદમાં શું થાય છે તે એમને દેખાતું નથી? હું આશા રાખું છું કે તેઓ મારા મોઢા પર એવી દલીલ નહીં ફેંકે કે બંગાળમાં તો હિન્દીઓની પોતાની સરકાર છે. તેઓ બરાબર જાણે છે કે આ સરકાર શું છે. પ્રધાન કોંગ્રેસનો હોય લીગનો હોય કે કોઈ બીજા પક્ષનો, એના હાથમાં કેટલી નજીવી સત્તા છે તે ઍમરી જાણે છે. હું એક જ સવાલ પૂછવા માગું છું કે બ્રિટિશ શાસન આટલા લાંબા વખતથી છે તેમાં માણસો આટલા નિર્માલ્ય શા માટે બની ગયા છે કે થોડા ગુંડાઓની બીકથી હજારો લોકો ભાગી છૂટે છે. ‘સરકાર’ નામને યોગ્ય હોય તેવી કોઈ પણ સરકારનું પહેલું કામ તો લોકોને સ્વબચાવની રીતો શીખવવાનું છે. બ્રિટનની સરકારને લોકોની ચિંતા નથી એટલે જ એણે લોકોની શસ્ત્રો વાપરવાની શક્તિ હણી લીધી છે.

ગાંધીજીએ આક્ષેપ કર્યો કે ઍમરી ઊબકા આવે એટલી વાર એક જ વાત કહ્યા કરે છે કે ભારતના બધા રાજકીય પક્ષોએ અંદરોઅંદર સંમત થવું જોઈએ અને ગ્રેટ બ્રિટન સંગઠિત ભારતના અભિપ્રાય પર મંજૂરીની મહોર મારશે. આમ કહીને એમણે ભારતવાસીઓની બુદ્ધિપ્રતિભાનું અપમાન કર્યું છે. મેં કેટલીયે વાર કહ્યું છે કે બધા પક્ષો એક ન થાય એ બ્રિટનની વર્ષો જૂની નીતિ રહી છે. આ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની છીછરી નીતિ માટે બ્રિટન ગર્વ લે છે. પણ જ્યાં સુધી બ્રિટનની તલવાર માથા પર લટકતી હશે ત્યાં સુધી બધા પક્ષો એક નથી થવાના.

એમણે સ્વીકાર્યું કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ન પુરાય એવી ખાઈ છે. પરંતુ છેવટે તો આ અમારો ઘરઆંગણાનો સવાલ છે. બ્રિટન ભારત છોડી દે, બસ, કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને બધા પક્ષો જાતે જ સાથે રહેવાનો કોઈક રસ્તો શોધી જ લેશે. આજે જે સમસ્યા લાગે છે તે એક પખવાડિયામાં હલ થઈ જશે અને આજે જેમ યુરોપમાં થાય છે તેમ ભારતમાં માથાં વઢાતાં હોય એવો એક દિવસ પણ નહીં હોય. કારણ કે બ્રિટિશ સરકારની મહેરબાનીથી આપણે બધા નિઃશસ્ત્ર છીએ.

ગાંધીજીએ આગળ કહ્યું કે ઍમરી સત્ય પર પરદો નાખીને એમના અજ્ઞાન શ્રોતાઓને કહે છે કે કોંગ્રેસને “કાં તો બધું, કાં તો કંઈ નહીં” જોઈએ છે. પણ મેં ઘણી વાર કહ્યું કે અત્યારે જે સ્થિતિ છે તેમાં બ્રિટન આઝાદી આપી શકે તેમ નથી એટલે આપણે માત્ર લખવા-બોલવાની સ્વતંત્રતા માગીએ. આને “કાં તો બધું, કાં તો કંઈ નહીં” કહેવાય? બ્રિટન પોતાના અસ્તિત્વની લડાઈ લડે છે તે જોઈને કોંગ્રેસે પોતાનું વલણ નરમ બનાવ્યું, પણ ઍમરીની માનસિક સ્થિતિ જોતાં તેઓ આ વાત કબૂલવા જેટલું પ્રાથમિક સૌજન્ય પણ દેખાડે એવી આશા રાખવી એ વધારેપડતું છે. એમનામાં આટલુંય સૌજન્ય નથી એટલે જ એમણે કોંગ્રેસના નરમ વલણનો ઉપયોગ કોંગ્રેસની સામે જ કર્યો છે અને દાવો કર્યો છે કે સવિનય કાનૂનભંગ નિષ્ફળ રહ્યો છે.

ગાંધીજીએ બ્રિટિશ શાસન હેઠળ વધતી જતી ગરીબાઈનો ઉલ્લેખ કરીને કહ્યું કે “ભારતની સમૃદ્ધિ વિશે એમનાં વિધાનો વાંચીને મારો શ્વાસ અટકી ગયો. મારા અનુભવ પરથી હું કહું છું કે એ હવે દંતકથા બની ગઈ છે. આજે ભારતમાં કરોડો લોકો સતત દરિદ્રતામાં ધકેલાતા જાય છે. એમની પાસે પૂરતું ખાવાનું કે ઓઢવા-પહેરવાનું નથી, કારણ કે આ મુલક એક માણસના શાસન હેઠળ છે. એ માણસ કરોડોનું બજેટ બનાવી શકે છે પણ હું છાતી ઠોકીને કહું છું કે એ કરોડો દુખિયારાં જનોની સમૃદ્ધિનો પુરાવો નથી, એ માત્ર એ વાતનો પુરાવો છે કે ભારત બ્રિટનની એડી નીચે સતત ચંપાય છે. આજે ખેડૂતોની દશાથી વાકેફ હોય એવા દરેક હિન્દવાસીની આ આપખુદ હકુમત સામે બળવો પોકારવાની ફરજ છે. માનવજાતનાં સદ્‍ભાગ્યે આ બળવો શાંતિપૂર્ણ હશે અને એ રીતે ભારત એના સ્વાભાવિક લક્ષ્ય સુધી પહોંચી જશે.”

મુસ્લિમ લીગની મીટિંગો

આના પછી, મુસ્લિમ લીગની મીટિંગ મળી તેમાં ઍમરીની ‘India First’ની નીતિનો વિરોધ કરતાં વર્કિંગ કમિટીએ કહ્યું કે ભારતના મુસલમાનોને ભારતીય હોવાનો ગર્વ છે અને ‘ભારત ભારતીયો માટે’માં એમનો દૄઢ વિશ્વાસ છે; અને એ જ ભાવનાથી પ્રેરાઈને ભારતના મુસલમાનોને પાકી ખાતરી થઈ ગઈ છે કે ભારતની બંધારણીય સમસ્યાનો ઉકેલ માત્ર ‘પાકિસ્તાન’ દ્વારા જ આવી શકશે. પાકિસ્તાન વિશેના લાહોર ઠરાવનો ઉદ્દેશ પણ એ જ છે.

અહીં ‘પાકિસ્તાન’ એટલે શું તેનો ખુલાસો નથી કરવામાં આવ્યો. આ શબ્દ દ્વારા મુસલમાનોનું એક અલગ સાર્વભૌમ રાજ્ય એવું સમજાય છે, પણ હજી લાહોરના ઠરાવમાં વપરાયેલા ‘રાજ્યો’ (‘રાજ્ય’ નહીં)નો ઉપયોગ પણ લીગે છોડ્યો નથી. એ રાજ્યો ભારતમાં હોય તો સાર્વભૌમ ન હોઈ શકે, પણ જિન્ના આ બધું ધૂંધળું રાખવા માગતા હતા એટલે પાકિસ્તાનની વ્યાખ્યા કરવાનું હંમેશાં ટાળતા રહ્યા. એક જગ્યાએ જિન્નાએ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વમાં મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશોનાં રાજ્યોને સંયુક્ત રીતે ‘પાકિસ્તાન’ તરીકે પણ ઓળખાવ્યાં. પરંતુ આખું વર્ષ state અને statesનો ગોટાળો ચાલુ રહ્યો.

પરંતુ કોંગ્રેસ કે ગાંધીજી સામે બખાળા કાઢ્યા વિના પણ લીગને ચાલે એમ નહોતું. વર્કિંગ કમિટિએ કહ્યું કે ગાંધીજીનું ‘બોલવાની આઝાદી’ માટેનું આંદોલન ખરેખર તો કોંગ્રેસની માગણી મનાવવા માટેનું આંદોલન હતું. ઍમરીએ પાકિસ્તાનની માગણીને નકારી એટલું જ નહીં, એ પણ ઉમેર્યું કે બધા પક્ષો સંમત ન થાય ત્યાં સુધી કશું ન થઈ શકે. જિન્ના સાબિત કરતા હતા કે બધા પક્ષો સંમત નથી થતા!

આ પહેલાં ફેબ્રુઆરીમાં વર્કિંગ કમિટીની બેઠક મળી હતી તેમાં દર વર્ષે ૨૩મી માર્ચે લાહોર ઠરાવના સિદ્ધાંતો સમજાવવાનો દિન મનાવવાનો નિર્ણય લેવાયો હતો. એક જુદા ઠરાવમાં લીગે એનાં પ્રાતિક એકમોને દર ત્રણ મહિને ‘મુસ્લિમ લીગ સપ્તાહ’ મનાવવાનો પણ આદેશ આપ્યો.

બોમ્બે કૉન્ફરન્સનો પ્રત્યાઘાત

ઍમરીએ કહ્યું હતું કે બોમ્બે કૉન્ફરન્સના નેતાઓએ મુસ્લિમ લીગ અને કોંગ્રેસની સંમતિ મેળવ્યા વિના સૂચનો કર્યાં છે. કૉન્ફરન્સના નેતા તેજબહાદુર સપ્રુ અને એની કમિટીએ જવાબમાં કહ્યું કે કોઈ પણ સ્વાભિમાની પોલિટિકલ પાર્ટી ઍમરીનું સૂચન ન માની શકે કે જિન્નાની મંજૂરી મળે તે પછી જ એણે કોઈ સૂચન રજૂ કરવું જોઈએ. ભારત માટેના પ્રધાને સલાહ આપી છે કે ભવિષ્યમાં કૉફરન્સના સભ્યોએ શું કરવું જોઈએ. એમની સલાહ છે કે અમારે બધી શક્તિ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે મેળ કરાવવામાં ખર્ચવી જોઈએ અને કોઈ અનિશ્ચિત તારીખે ડોમિનિયન સ્ટેટસ મળે એની રાહ જોતા રહેવું જોઈએ. કૉન્ફરન્સ એમની આ સલાહને નકારી કાઢે છે.

આમ રાજકીય વાતાવરણ ગરમ થતું જતું હતું.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register Jan-July 1941 Vol I

%d bloggers like this: