Month: મે 2012
Rationalism in India –part 2
રૅશનાલિઝમ ભારતમાં – ભાગ ૨
ન્યાય દર્શન –પહેલો હપ્તો
આજનો લેખ મેં ૯૯ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકને આધારે તૈયાર કર્યો છે.
(THE SACRED BOOKS OF HINDUS – Translated by various Sanskrit Scholars /Edited by Major B.D. Basu, I.M. S. (Retired),VOL. VIII – THE NYAYA SUTRA OF GOTAMA /Translated by: Mahamahopadhyaaya Satisha Chandra Vidyabhushana, M.A. PhD, Principal, Sanskrit College, Calcutta./Published by Sudhindranath Vasu from The PANINI OFFICE,Bhuwaneswari Asrama, Bahadurganj, ALLAHABAD/ Printed by Apurva Krishna Boss at the India Press 1913)
આપણા આ વંદનીય સંપાદક અને અન્ય પૂર્વજોને માનાંજલી આપવાની સાથે હું એ પણ સ્પષ્ટતા કરી દ્ઉં કે આમાં મારૂં મૌલિક કઈં નથી, સિવાય કે મૂળ પુસ્તકની જે રીતે સમજણ મળી તેના આધારે ક્યાંક ટિપ્પણી કરી હોય તે કૌંસમાં મૂકી છે; બાકી તથ્યો માત્ર મૂળ સંપાદકે રજૂ કર્યાં તે મુજબ છે
ન્યાય સૂત્ર: ન્યાય સૂત્રના રચયિતા તરીકે ક્યાંક ગોતમ અને ક્યાંક ગૌતમ એવાં નામો મળે છે. પરંતુ ગૌતમ એટલે ગોતમના વંશમાં પેદા થયા હોય તે.(અથવા એમના શિષ્ય એવો અર્થ થઈ શકે?) એટલે આ બહુ મહત્વનો મુદ્દો નથી. વાયુ પુરાણના જણાવ્યા પ્રમાણે ગૌતમ અક્ષપાદ ઋષિ પ્રભાસતીર્થના સોમ શર્મા નામક બ્રાહ્મણના શિષ્ય હતા અને એમણે ન્યાયસૂત્રની જન્મભૂમિ પ્રભાસતીર્થ છે. (ગુજરાત માટે ગૌરવની વાત છે), પરંતુ મિથિલા પ્રદેશમાં એટલે કે બિહારના દરભંગા જિલ્લામાં લોકોક્તિ છે કે આ ગૌતમ ઋષિ સતી અહલ્યાના પતિ હતા. આજે પણ ત્યાં ગૌતમ ઋષિનો આશ્રમ અને અહલ્યાના પ્રતીક જેવો એક પથ્થર પણ છે. એટલે બન્ને સ્થાનો વચ્ચે સમન્વય સ્થાપવા માટે એમ કહી શકાય કે અક્ષપાદનો જન્મ મિથિલામાં થયો હતો, પરંતુ શિક્ષણ અને સર્જન કાર્ય પ્રભાસમાં થયું.
‘ન્યાય’ શબ્દનો અર્થ: ન્યાય એટલે આપણે આજે પ્રચલિત અર્થમાં સમજીએ છીએ તે ઇન્સાફ કે જસ્ટિસ નથી. પાણિનીએ (ઈ. પૂ. ૩૫૦ આશરે) સંસ્કૃતની મૂળ ધાતુ ‘ઈ’ એટલે કે ‘જવું’ માંથી આ શબ્દ બન્યો હોવાનું દેખાડ્યું છે – ની + આય. (બીજા સ્રોતમાં મને વાંચવા મળ્યું કે ‘ની’ એટલે લઈ જાય તે. અમુક સિદ્ધાંત પર લઈ જાય તે ન્યાય. – નેત્ર, નયન, નેતા આ બધા ‘ની’નાં જ સંતાનો છે). આમ ન્યાયસૂત્ર એક પદ્ધતિ સૂચવે છે. સંસ્કૃતમાં એનાં બીજાં નામો નિગમ, આન્વિક્ષિકી, હેતુ વિદ્યા. પ્રમાણ શાસ્ત્ર, તર્ક વિદ્યા વગેરે પણ મળે છે.
અક્ષપાદનો સમય: પાણીનીએ ન્યાય સૂત્રનો ઉલ્લેખ કર્યો છે તેથી અક્ષપાદ એનાથી પહેલાં થયા હોવા જોઇએ. જુદા જુદા સ્રોતોના આધારે એમ કહી શકાય કે અક્ષપાદ ઋષિ ઈ.પૂ. ૫૫૦માં થઈ ગયા. આ જ અરસામાં નિરુક્ત (શબ્દની વ્યુત્પત્તિ)ના રચનાકાર યાસ્કાચાર્ય પણ થઈ ગયા. આમ તેઓ ગૌતમ બુદ્ધના સમકાલીન થયા. એ વખતે મહાવીર સ્વામી નહોતા રહ્યા પરંતુ એમના શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ એમના સમકાલીન હતા. (નામોની સમાનતા નોંધવા જેવી છે, અક્ષપાદ, બુદ્ધ અને ઇન્દ્રભૂતિ, ત્રણેય ‘ગૌતમ’ છે! આથી જ મેં ઉપર પૂછ્યું છે કે ગૌતમનો અર્થ ગોતમના શિષ્ય એવો થાય કે નહીં. એમ હોય તો ગૌતમ એક પરંપરા ઠરે અને એમાં વર્ણના ભેદ વિના લોકો આવી શકતા હતા એમ કહી શકાય).
મહાવીરના શિષ્ય ઇન્દ્રભૂતિએ નંદી સૂત્ર, સ્થાનાંગ સૂત્ર અને ભગવતી સૂત્રનું સંપાદન કર્યું છે અને એમાં પ્રમાણ (એટલે કે જ્ઞાન)માટે આધારરૂપ ચાર બાબતો ગણાવી છેઃ જોવું, તારણ કાઢવું, સરખામણી કરવી અને શબ્દ (વિદ્વાનો અને અનુભવીઓનો મત). ન્યાય સૂત્રમાં પણ આ બાબતોને આધાર માનવામાં આવી છે. અક્ષપાદે ઇન્દ્રભૂતિ પાસેથી લીધું, કે ઇન્દ્રભૂતિએ અક્ષપાદ પાસેથી લીધું, અથવા તો બન્નેનું એ સહિયારૂં સર્જન છે તે નક્કી કરવાનો કોઈ રસ્તો નથી. બૌદ્ધ પાલી ગ્રંથોમાં ‘ગોમતક” નામના સંપ્રદાયનો ઉલ્લેખ છે અને શ્રમણો અને બ્રાહ્મણોમાં કેટલાક ‘તક્કી’ અથવા ‘તક્કિક’ ( ‘તર્કી’ અથવા ‘તાર્કિક’) છે, એમ જણાવેલું છે.
ન્યાયસૂત્રની સંરચના: ન્યાયસૂત્રના પાંચ ખંડ છે. દરેક ખંડમાં બબ્બે પ્રકરણો (આહ્નિકો) છે. ન્યાય દર્શનનો આ સૌથી પહેલો ગ્રંથ છે. આજે જે ન્યાયસૂત્ર મળે છે તે અક્ષપાદે પોતે જ આખું લખ્યું છે એ શ્રુતિ પરંપરાથી આપણા સુધી આવ્યું છે તે આપણે જાણી શકીએ તેમ નથી. (લેખકનો મત છે કે) અક્ષપાદે માત્ર પહેલો ખંડ (બે આહ્નિક) લખ્યો હશે. બીજા, ત્રીજા, અને ચોથા ખંડમાં વૈશેષિક, યોગ, મિમાંસા, વેદાંત અને બૌદ્ધ મતો રજુ થયા છે, જેના લેખકો બીજા હોવાનો સંભવ છે. રચનાનો સમય પણ જુદો હોય એમ લાગે છે.પાંચમા ખંડમાં શાસ્ત્રાર્થમાં પ્રતિસ્પર્ધીના અર્થહીન દાવાઓ અને એને ઠપકો કેમ આપવો એ સમજાવેલું છે. અક્ષપાદે પોતે તો આ વિષયો વિગતવાર ચર્ચ્યા વિના છોડી દીધા છે.
તે પછી ઈસવી સન ૪૫૦ના અરસામાં વાત્સાયન અથવા પક્શિલા સ્વામી નામના વિદ્વાને એમાં ઉમેરા કર્યા છે અને ન્યાયદર્શનને બીજાં દર્શનો સાથે સુસંગત બનાવ્યું છે. એમણે એના પર પહેલું ભાષ્ય લખ્યું. ન્યાયસૂત્ર પર દસ ભાષ્યો લખાયાં છે તે દર્શાવે છે કે એ બહુ ચર્ચાસ્પદ રહ્યું હશે.
ન્યાયદર્શનનું સ્વાગત અને તિરસ્કાર: છાંદોગ્ય, બૃહદારણ્યક અને કૌશિતકી ઉપનિષદો સંકેત આપે છે કે આ ‘અધ્યાત્મ વિદ્યા’ને સૌથી પહેલાં તો ક્ષત્રિયોએ ઉત્તેજન આપ્યું અને એને પરિપૂર્ણતાએ પહોંચાડ્યું. આત્માનું જ્ઞાન વેદના જાણકાર બ્રાહ્મણો પાસે નહીં પણ શાસન કરનારા ક્ષત્ત્રિયો પાસે છે. કુરુ-પાંચાલોની એક સભામાં ઉદ્દાલક આરુણિ દુઃખી છે, કારણ કે એ આત્મા વિશે બહુ સમજાવી શકતો નથી. રાજા અજાતશત્રુ એને આશ્વાસન આપે છે કે એનું કારણ એ કે બ્રાહ્મણો પાસે એનું જ્ઞાન નથી. (બ્રાહ્મણો પૂર્વ મિમાંસા એટલે કે વૈદિક કર્મકાંડના નિષ્ણાત હતા. એમને ફિલસુફી સાથે લેવાદેવા નહોતી. વેદના કર્મકાંડ સામે વિદ્રોહ કરીને વ્યક્તિનું મહત્વ દર્શાવતી વિચાર ધારાઓ વેદકાળમાં જ શરૂ થઈ ગઈ હતી, એ ઉપનિષદ કાળ હતો. ક્ષત્રિયો અધ્યાત્મ વિદ્યામાં આગળ આવતા હતા, એ વાત ઉપનિષદમાં જનકરાજા ઉપદેશ આપે છે તેના પરથી પણ દેખાય છે. બ્રાહ્મણોની સત્તા સામે ‘વેદમાં માનનારા ‘આસ્તિકો’ પણ અવાજ તો ઊઠાવવા લાગ્યા હતા. બુદ્ધ અને મહાવીર બન્ને વેદના વિરોધી અને ક્ષત્રિય હતા. એમણે પણ બ્રાહ્મણોના કર્મકાંડને સ્થાને વ્યક્તિગત પુરુષાર્થ દ્વારા મુક્તિનો માર્ગ દેખાડ્યો).
આ પહેલાં બ્રાહ્મણોમાંથી માત્ર કપિલ મુનિ થયા કે જેમણે સાંખ્ય દર્શન આપ્યું પરંતુ એમની કોઈ રચના મળતી નથી. આથી એમના પ્રત્યે બ્રાહ્મણોનું વલણ કેવું રહ્યું તે જાણી શકાય એમ નથી. જો કે ન્યાય સૂત્ર પ્રત્યે એમનું વલણ કેવું હતું તે આપણે જાણીએ છીએ.
અક્ષપાદ ગૌતમે ન્યાયસૂત્રોની રચના કરી, તેને શરૂઆતમાં વૈદિક સંહિતા સાથે કશો સંબંધ નહોતો. એમણે શુદ્ધ તર્ક પર આધારિત પદ્ધતિ વિકસાવી. એમણે પણ પ્રમાણ માટે ચાર તત્વો સ્વીકાર્યાઃ જોવું, તારણ કાઢવું, સરખામણી કરવી અને વિદ્વાનો અને અનુભવીઓનો મત જાણવો. પરંતુ, આ છેલ્લા તત્વમાં એમનો આશય વેદ કે કોઈ શાસ્ત્રનો શબ્દ માનવાનો નહોતો, એમણે કોઈ પણ વિદ્વાનના અભિપ્રાયની વાત કરી હતી.
બ્રાહ્મણોએ ન્યાય સૂત્રોને આવકાર ન આપ્યો. મિમાંસા સૂત્રના રચયિતા ઋષિ જૈમિનીએ તો એમના ગ્રંથમાં કહ્યું છે કે “વેદનો ઉપદેશ ક્રિયાલક્ષી છે અને તે સિવાયનું એમાં જે કઈં (એટલે કે ચિંતન) હોય તે નકામું છે. (મિમાંસા ૧.૨.૧).
(આજે આપણે એવા દાવા સાંભળીએ છીએ કે વેદમાં બધું જ છે, ત્યારે જૈમિની ઋષિના આ શબ્દો યાદ રાખવા જેવા છે કે એમાં માત્ર યજ્ઞ સંબંધી ક્રિયાઓ છે, ચિતન તો નથી).
એ જ રીતે મનુસ્મૃતિમાં કહ્યું છે કે જે દ્વિજ વેદ અને ધર્મસૂત્રોનો અનાદર કરે અને હેતુશાસ્ત્ર (લૉજિક) પર ભરોસો કરે તે નો બહિષ્કાર કરવો જોઈએ (મનુસંઋતિ અધ્યાય ૨, શ્લોક ૨).
વાલ્મીકિ રામાયણ પણ જે લોકોનું માનસ વિકૃત છે અને આન્વિક્ષિકીની છીછરી વાતોમાં રાચે છે તેમની ટીકા કરે છે. (અયોધ્યા કાંડ, સર્ગ ૧૦૦).
મહાભારતના શાંતિપર્વ(અધ્યાય ૧૮૦)માં એક ઘટના આપી છે. એક તર્કવાદી બ્રાહ્મણ વેદમાં શ્રદ્ધા રાખવાને બદલે તર્કવિદ્યાના વ્યસને ચડી ગયો હતો અને બહુ જ ચર્ચાઓ કર્યા કરતો હતો, પરિણામે બીજા જન્મમાં શિયાળ બની ગયો! શાંતિપર્વ (અધ્યાય ૨૪૬)માં બીજા એક પ્રસંગે વેદાંતીઓને એમના વિચારો નૈયાયિકો સમક્ષ પ્રગટ ન કરવાની તાકીદ કરવામાં આવી છે.
સમાધાન: પરંતુ ધીમે ધીમે બન્ને પક્ષો નજીક આવવા લાગ્યા. બન્ને પક્ષોએ સમાધાન કરી લીધું. નૈયાયિકોએ શબ્દ-પ્રમાણમાં વેદનાં કથનોને પણ માન્યતા આપી અને ન્યાય દર્શનને પણ વૈશેષિક, યોગ અને સાંખ્યની સાથે સાંકળી લેવામાં આવ્યું.
હવે ન્યાય દર્શન શિક્ષણની મહત્વની શાખા બની રહ્યું. ખાસ કરીને રાજાઓ માટે એનું અધ્યયન આવશ્યક મનાતું.
મહાભારત કે મનુસ્મૃતિ એક જ સમયે નથી રચાયાં, કે એક જ રચનાકારની કૃતિ નથી. જુદા જુદા કાલખંડોમાં એમાં ઉમેરા થતા ગયા છે. ઘણી વાર તો એક સાથે પરસ્પર વાતો જોવા મળે છે. મનુસ્મૃતિ (અધ્યાય ૧૨ શ્લોક ૧૦૬) કહે છે કે ધર્મને વેદથી વિરુદ્ધ ન હોય એવા તર્કથી સમજવાનો છે. મહાભારતના આદિપર્વમાં ન્યાયનો ઉલ્લેખ ચિકિત્સા શાસ્ત્ર સાથે સન્માનપૂર્વક કરવામાં આવ્યો છે. (અધ્યાય ૧ શ્લોક ૬૭). વળી આદિપર્વના અધ્યાય ૭૦-શ્લોક ૪૪, અશ્વમેધપર્વના અધ્યાય ૮૫-શ્લોક ૨૭ અને શાંતિપર્વના અધ્યાય ૨૧૦-શ્લોક ૨૨માં પણ ન્યાયને માન્યતા મળી છે.
ન્યાયદર્શનનો પ્રભાવ:
ન્યાય દર્શનને કારણે બીજાં શાસ્ત્રો પણ પોતાની વાત તર્ક દ્વારા રજુ કરતાં થયાં. પરંતુ (અનુવાદક સતીશ ચન્દ્ર વિદ્યાભૂષણ કહે છે કે) ન્યાય દર્શનને એની રીતે વિકસવા દેવાયું હોત તો એ એની ચરમ સીમાએ પહોંચી ગયું હોત.
xxxx
આ થઈ ભારતના પહેલા રૅશનલિસ્ટ દર્શનની વાત. પરંતુ હજી આપણે એની અંદર તો ઊતર્યા જ નથી. સમય મળતાં એના પહેલા ખંડનાં બે આહ્નિકોનો સાર રજુ કરીશ. આજે તો લેખ લાંબો થઈ ગયો છે એટલે તદ્દન ટેકનિકલ પ્રકારના ખુલાસાઓમાં ઊતરવાનું શક્ય નથી. આગળ વાત કરશું પણ અત્યારે પોરો ખાઈએ.
Rationalism in India –Part 2
રૅશનાલિઝમ ભારતમાં – ભાગ ૨
ન્યાય દર્શન –પહેલો હપ્તો
આજનો લેખ મેં ૯૯ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકને આધારે તૈયાર કર્યો છે.
(THE SACRED BOOKS OF HINDUS – Translated by various Sanskrit Scholars
Edited by Major B.D. Basu, I.M. S. (Retired),
VOL. VIII – THE NYAYA SUTR OF GOTAMA
Translated by: Mahamahopadhyaaya Satisha Chandra Vidyabhushana, M.A. PhD, Pricipal, Sanskrit College, Calcutta.
Published by Sudhindranath Vasu from The PANINI OFFICE,Bhuwaneswari Asrama, Bahadurganj, ALLAHABAD
Printed by Apurva Krishna Boss at the India Press 1913)
આપણા આ વંદનીય સંપાદક અને અન્ય પૂર્વજોને માનાંજલી આપવાની સાથે હું એ પણ સ્પષ્ટતા કરી દ્ઉં કે આમાં મારૂં મૌલિક કઈં નથી, સિવાય કે મૂળ પુસ્તકની જે રીતે સમજણ મળી તેના આધારે ક્યાંક ટિપ્પણી કરી હોય તે કૌંસમાં મૂકી છે; બાકી તથ્યો માત્ર મૂળ સંપાદકે રજૂ કર્યાં તે મુજબ છે
ન્યાય સૂત્ર
ન્યાય સૂત્રના રચયિતા તરીકે ક્યાંક ગોતમ અને ક્યાંક ગૌતમ એવાં નામો મળે છે. પરંતુ ગૌતમ એટલે ગોતમના વંશમાં પેદા થયા હોય તે.(અથવા એમના શિષ્ય એવો અર્થ થઈ શકે?) એટલે આ બહુ મહત્વનો મુદ્દો નથી. વાયુ પુરાણના જણાવ્યા પ્રમાણે ગૌતમ અક્ષપાદ ઋષિ પ્રભાસતીર્થના સોમ શર્મા નામક બ્રાહ્મણના શિષ્ય હતા અને એમણે ન્યાયસૂત્રની જન્મભૂમિ પ્રભાસતીર્થ છે. (ગુજરાત માટે ગૌરવની વાત છે), પરંતુ મિથિલા પ્રદેશમાં એટલે કે બિહારના દરભંગા જિલ્લામાં લોકોક્તિ છે કે આ ગૌતમ ઋષિ સતી અહલ્યાના પતિ હતા. આજે પણ ત્યાં ગૌતમ ઋષિનો આશ્રમ અને અહલ્યાના પ્રતીક જેવો એક પથ્થર પણ છે. એટલે બન્ને સ્થાનો વચ્ચે સમન્વય સ્થાપવા માટે એમ કહી શકાય કે અક્ષપાદનો જન્મ મિથિલામાં થયો હતો, પરંતુ શિક્ષણ અને સર્જન કાર્ય પ્રભાસમાં થયું.
‘ન્યાય’ શબ્દનો અર્થ
ન્યાય એટલે આપણે આજે પ્રચલિત અર્થમાં સમજીએ છીએ તે ઇન્સાફ કે જસ્ટિસ નથી. પાણિનીએ (ઈ. પૂ. ૩૫૦ આશરે) સંસ્કૃતની મૂળ ધાતુ ‘ઈ’ એટલે કે ‘જવું’ માંથી આ શબ્દ બન્યો હોવાનું દેખાડ્યું છે – ની + આય. (બીજા સ્રોતમાં મને વાંચવા મળ્યું કે ‘ની’ એટલે લઈ જાય તે. અમુક સિદ્ધાંત પર લઈ જાય તે ન્યાય. – નેત્ર, નયન, નેતા આ બધા ‘ની’નાં જ સંતાનો છે) આમ ન્યાયસૂત્ર એક પદ્ધતિ સૂચવે છે. સંસ્કૃતમાં એનાં બીજાં નામો નિગમ, આન્વિક્ષિકી, હેતુ વિદ્યા. પ્રમાણ શાસ્ત્ર, તર્ક વિદ્યા વગેરે પણ મળે છે.
અક્ષપાદનો સમય
પાણીનીએ ન્યાય સૂત્રનો ઉલ્લેખ કર્યો છે તેથી અક્ષપાદ એનાથી પહેલાં થયા હોવા જોઇએ. જુદા જુદા સ્રોતોના આધારે એમ કહી શકાય કે અક્ષપાદ ઋષિ ઈ.પૂ. ૫૫૦માં થઈ ગયા. આ જ અરસામાં નિરુક્ત (શબ્દની વ્યુત્પત્તિ)ના રચનાકાર યાસ્કાચાર્ય પણ થઈ ગયા. આમ તેઓ ગૌતમ બુદ્ધના સમકાલીન થયા. એ વખતે મહાવીર સ્વામી નહોતા રહ્યા પરંતુ એમના શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ એમના સમકાલીન હતા. (નામોની સમાનતા નોંધવા જેવી છે, અક્ષપાદ, બુદ્ધ અને ઇન્દ્રભૂતિ, ત્રણેય ‘ગૌતમ’ છે! આથી જ મેં ઉપર પૂછ્યું છે કે ગૌતમનો અર્થ ગોતમના શિષ્ય એવો થાય કે નહીં. એમ હોય તો ગૌતમ એક પરંપરા ઠરે અને એમાં વર્ણના ભેદ વિના લોકો આવી શકતા હતા એમ કહી શકાય).
મહાવીરના શિષ્ય ઇન્દ્રભૂતિએ નંદી સૂત્ર, સ્થાનાંગ સૂત્ર અને ભગવતી સૂત્રનું સંપાદન કર્યું છે અને એમાં પ્રમાણ (એટલે કે જ્ઞાન)માટે આધારરૂપ ચાર બાબતો ગણાવી છેઃ જોવું, તારણ કાઢવું, સરખામણી કરવી અને શબ્દ (વિદ્વાનો અને અનુભવીઓનો મત). ન્યાય સૂત્રમાં પણ આ બાબતોને આધાર માનવામાં આવી છે. અક્ષપાદે ઇન્દ્રભૂતિ પાસેથી લીધું, કે ઇન્દ્રભૂતિએ અક્ષપાદ પાસેથી લીધું, અથવા તો બન્નેનું એ સહિયારૂં સર્જન છે તે નક્કી કરવાનો કોઈ રસ્તો નથી. બૌદ્ધ પાલી ગ્રંથોમાં ‘ગોમતક” નામના સંપ્રદાયનો ઉલ્લેખ છે અને શ્રમણો અને બ્રાહ્મણોમાં કેટલાક ‘તક્કી’ અથવા ‘તક્કિક’ ( ‘તર્કી’ અથવા ‘તાર્કિક’) છે, એમ જણાવેલું છે.
ન્યાયસૂત્રની સંરચના
ન્યાયસૂત્રના પાંચ ખંડ છે. દરેક ખંડમાં બબ્બે પ્રકરણો (આહ્નિકો) છે. ન્યાય દર્શનનો આ સૌથી પહેલો ગ્રંથ છે. આજે જે ન્યાયસૂત્ર મળે છે તે અક્ષપાદે પોતે જ આખું લખ્યું છે એ શ્રુતિ પરંપરાથી આપણા સુધી આવ્યું છે તે આપણે જાણી શકીએ તેમ નથી. (લેખકનો મત છે કે) અક્ષપાદે માત્ર પહેલો ખંડ (બે આહ્નિક) લખ્યો હશે. બીજા, ત્રીજા, અને ચોથા ખંડમાં વૈશેષિક, યોગ, મિમાંસા, વેદાંત અને બૌદ્ધ મતો રજુ થયા છે, જેના લેખકો બીજા હોવાનો સંભવ છે. રચનાનો સમય પણ જુદો હોય એમ લાગે છે.પાંચમા ખંડમાં શાસ્ત્રાર્થમાં પ્રતિસ્પર્ધીના અર્થહીન દાવાઓ અને એને ઠપકો કેમ આપવો એ સમજાવેલું છે. અક્ષપાદે પોતે તો આ વિષયો વિગતવાર ચર્ચ્યા વિના છોડી દીધા છે.
તે પછી ઈસવી સન ૪૫૦ના અરસામાં વાત્સાયન અથવા પક્શિલા સ્વામી નામના વિદ્વાને એમાં ઉમેરા કર્યા છે અને ન્યાયદર્શનને બીજાં દર્શનો સાથે સુસંગત બનાવ્યું છે. એમણે એના પર પહેલું ભાષ્ય લખ્યું. ન્યાયસૂત્ર પર દસ ભાષ્યો લખાયાં છે તે દર્શાવે છે કે એ બહુ ચર્ચાસ્પદ રહ્યું હશે.
ન્યાયદર્શનનું સ્વાગત અને તિરસ્કાર
છાંદોગ્ય, બૃહદારણ્યક અને કૌશિતકી ઉપનિષદો સંકેત આપે છે કે આ ‘અધ્યાત્મ વિદ્યા’ને સૌથી પહેલાં તો ક્ષત્રિયોએ ઉત્તેજન આપ્યું અને એને પરિપૂર્ણતાએ પહોંચાડ્યું. આત્માનું જ્ઞાન વેદના જાણકાર બ્રાહ્મણો પાસે નહીં પણ શાસન કરનારા ક્ષત્ત્રિયો પાસે છે. કુરુ-પાંચાલોની એક સભામાં ઉદ્દાલક આરુણિ દુઃખી છે, કારણ કે એ આત્મા વિશે બહુ સમજાવી શકતો નથી. રાજા અજાતશત્રુ એને આશ્વાસન આપે છે કે એનું કારણ એ કે બ્રાહ્મણો પાસે એનું જ્ઞાન નથી. (બ્રાહ્મણો પૂર્વ મિમાંસા એટલે કે વૈદિક કર્મકાંડના નિષ્ણાત હતા. એમને ફિલસુફી સાથે લેવાદેવા નહોતી. વેદના કર્મકાંડ સામે વિદ્રોહ કરીને વ્યક્તિનું મહત્વ દર્શાવતી વિચાર ધારાઓ વેદકાળમાં જ શરૂ થઈ ગઈ હતી, એ ઉપનિષદ કાળ હતો. ક્ષત્રિયો અધ્યાત્મ વિદ્યામાં આગળ આવતા હતા, એ વાત ઉપનિષદમાં જનકરાજા ઉપદેશ આપે છે તેના પરથી પણ દેખાય છે. બ્રાહ્મણોની સત્તા સામે ‘વેદમાં માનનારા ‘આસ્તિકો’ પણ અવાજ તો ઊઠાવવા લાગ્યા હતા. બુદ્ધ અને મહાવીર બન્ને વેદના વિરોધી અને ક્ષત્રિય હતા. એમણે પણ બ્રાહ્મણોના કર્મકાંડને સ્થાને વ્યક્તિગત પુરુષાર્થ દ્વારા મુક્તિનો માર્ગ દેખાડ્યો).
આ પહેલાં બ્રાહ્મણોમાંથી માત્ર કપિલ મુનિ થયા કે જેમણે સાંખ્ય દર્શન આપ્યું પરંતુ એમની કોઈ રચના મળતી નથી. આથી એમના પ્રત્યે બ્રાહ્મણોનું વલણ કેવું રહ્યું તે જાણી શકાય એમ નથી. જો કે ન્યાય સૂત્ર પ્રત્યે એમનું વલણ કેવું હતું તે આપણે જાણીએ છીએ.
અક્ષપાદ ગૌતમે ન્યાયસૂત્રોની રચના કરી, તેને શરૂઆતમાં વૈદિક સંહિતા સાથે કશો સંબંધ નહોતો. એમણે શુદ્ધ તર્ક પર આધારિત પદ્ધતિ વિકસાવી. એમણે પણ પ્રમાણ માટે ચાર તત્વો સ્વીકાર્યાઃ જોવું, તારણ કાઢવું, સરખામણી કરવી અને વિદ્વાનો અને અનુભવીઓનો મત જાણવો. પરંતુ, આ છેલ્લા તત્વમાં એમનો આશય વેદ કે કોઈ શાસ્ત્રનો શબ્દ માનવાનો નહોતો, એમણે કોઈ પણ વિદ્વાનના અભિપ્રાયની વાત કરી હતી.
બ્રાહ્મણોએ ન્યાય સૂત્રોને આવકાર ન આપ્યો. મિમાંસા સૂત્રના રચયિતા ઋષિ જૈમિનીએ તો એમના ગ્રંથમાં કહ્યું છે કે “વેદનો ઉપદેશ ક્રિયાલક્ષી છે અને તે સિવાયનું એમાં જે કઈં (એટલે કે ચિંતન) હોય તે નકામું છે. (મિમાંસા ૧.૨.૧).
(આજે આપણે એવા દાવા સાંભળીએ છીએ કે વેદમાં બધું જ છે, ત્યારે જૈમિની ઋષિના આ શબ્દો યાદ રાખવા જેવા છે કે એમાં માત્ર યજ્ઞ સંબંધી ક્રિયાઓ છે, ચિતન તો નથી).
એ જ રીતે મનુસ્મૃતિમાં કહ્યું છે કે જે દ્વિજ વેદ અને ધર્મસૂત્રોનો અનાદર કરે અને હેતુશાસ્ત્ર (લૉજિક) પર ભરોસો કરે તે નો બહિષ્કાર કરવો જોઈએ (મનુસંઋતિ અધ્યાય ૨, શ્લોક ૨).
વાલ્મીકિ રામાયણ પણ જે લોકોનું માનસ વિકૃત છે અને આન્વિક્ષિકીની છીછરી વાતોમાં રાચે છે તેમની ટીકા કરે છે. (અયોધ્યા કાંડ, સર્ગ ૧૦૦).
મહાભારતના શાંતિપર્વ(અધ્યાય ૧૮૦)માં એક ઘટના આપી છે. એક તર્કવાદી બ્રાહ્મણ વેદમાં શ્રદ્ધા રાખવાને બદલે તર્કવિદ્યાના વ્યસને ચડી ગયો હતો અને બહુ જ ચર્ચાઓ કર્યા કરતો હતો, પરિણામે બીજા જન્મમાં શિયાળ બની ગયો! શાંતિપર્વ (અધ્યાય ૨૪૬)માં બીજા એક પ્રસંગે વેદાંતીઓને એમના વિચારો નૈયાયિકો સમક્ષ પ્રગટ ન કરવાની તાકીદ કરવામાં આવી છે.
સમાધાન
પરંતુ ધીમે ધીમે બન્ને પક્ષો નજીક આવવા લાગ્યા. બન્ને પક્ષોએ સમાધાન કરી લીધું. નૈયાયિકોએ શબ્દ-પ્રમાણમાં વેદનાં કથનોને પણ માન્યતા આપી અને ન્યાય દર્શનને પણ વૈશેષિક, યોગ અને સાંખ્યની સાથે સાંકળી લેવામાં આવ્યું.
હવે ન્યાય દર્શન શિક્ષણની મહત્વની શાખા બની રહ્યું. ખાસ કરીને રાજાઓ માટે એનું અધ્યયન આવશ્યક મનાતું.
મહાભારત કે મનુસ્મૃતિ એક જ સમયે નથી રચાયાં, કે એક જ રચનાકારની કૃતિ નથી. જુદા જુદા કાલખંડોમાં એમાં ઉમેરા થતા ગયા છે. ઘણી વાર તો એક સાથે પરસ્પર વાતો જોવા મળે છે. મનુસ્મૃતિ (અધ્યાય ૧૨ શ્લોક ૧૦૬) કહે છે કે ધર્મને વેદથી વિરુદ્ધ ન હોય એવા તર્કથી સમજવાનો છે. મહાભારતના આદિપર્વમાં ન્યાયનો ઉલ્લેખ ચિકિત્સા શાસ્ત્ર સાથે સન્માનપૂર્વક કરવામાં આવ્યો છે. (અધ્યાય ૧ શ્લોક ૬૭). વળી આદિપર્વના અધ્યાય ૭૦-શ્લોક ૪૪, અશ્વમેધપર્વના અધ્યાય ૮૫-શ્લોક ૨૭ અને શાંતિપર્વના અધ્યાય ૨૧૦-શ્લોક ૨૨માં પણ ન્યાયને માન્યતા મળી છે.
ન્યાયદર્શનનો પ્રભાવ
ન્યાય દર્શન્ને કારને બીજાં શાસ્ત્રો પણ પોતાની વાત તર્ક દ્વારા રજુ કરતાં થયાં. પરંતુ (લેખક સતીશ ચન્દ્ર વિદ્યાભૂષણ કહે છે કે) ન્યાય દર્શનને એની રીતે વિકસવા દેવાયું હોત તો એ એની ચરમ સીમાએ પહોંચી ગયું હોત.
xxxx
આ થઈ ભારતના પહેલા રૅશનલિસ્ટ દર્શનની વાત. પરંતુ હજી આપણે એની અંદર તો ઊતર્યા જ નથી. સમય મળતાં એના પહેલા ખંડનાં બે આહ્નિકોનો સાર રજુ કરીશ. આજે તો લેખ લાંબો થઈ ગયો છે એટલે તદ્દન ટેકનિકલ પ્રકારના ખુલાસાઓમાં ઊતરવાનું શક્ય નથી. આગળ વાત કરશું પણ અત્યારે પોરો ખાઈએ!
Rationalism in India -part 1
રૅશનાલિઝમઃ ભારતમાં (ભાગ-૧)
ભૂમિકા
મોટા ભાગે ભારતીય ચિંતન પરંપરાનો આધાર એ રહ્યો છે કે આ સંસાર દુઃખમય છે અને એમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો શોધવાના છે. વેદ-આધારિત પૂર્વ મિમાંસાના ચિંતનની તો આ જ ભૂમિકા રહી છે. તો, બીજી બાજુ, ગૌતમ બુદ્ધે વેદના પ્રભાવથી તો પોતાને મુક્ત કર્યા પણ એમણેય સંસારને દુઃખ માનીને જ ગૃહત્યાગ કર્યો હતો! આમ દુઃખમાંથી મુક્તિની એક પ્રબળ વિચારધારા બધાથી ઉપરવટ ચાલતી હતી અને બધા મતો પોતપોતાની રીતે દુઃખના ઉપાયો શોધતા હતા. દરેક મત પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથતો હતો એટલે તર્કનો વિકાસ થાય એ સ્વાભાવિક પરિણામ હતું,
આસ્તિક અને નાસ્તિકની મૂળ વ્યાખ્યા પ્રમાણે વેદને પ્રમાણ માને તે આસ્તિક, અને વેદથી અલગ વિચારે તે નાસ્તિક. આજે આપણે ‘આસ્તિક’ અને ‘નાસ્તિક’ શબ્દના અર્થ ઈશ્વરમાં માનવા કે ન માનવા સાથે જોડી દીધા છે, આમ, ગૌતમ બુદ્ધના અનુભવે એમ દેખાડ્યું કે વેદ વિના પણ, વ્યક્તિગત પ્રયાસથી વ્યક્તિ સંસારની ઘટમાળમાંથી મુક્ત થઈ શકે છે. એકંદરે, છેલ્લાં અઢી હજાર વર્ષ દરમિયાન ભારતીય તત્વચિંતકો માટે એક વિષય તરીકે ઈશ્વર ગૌણ રહ્યો છે. એમને મુખ્યત્વે એમની સામેના સંસારના વિશ્લેષણમાં અને એનાં મૂળ શોધવામાં રસ રહ્યો. આમાં અમુક ‘આસ્તિક’ (વેદને પ્રમાણ માનનારી) વિચારધારાઓને ઈશ્વર જરૂરી લાગ્યો, તો એવી પણ ‘આસ્તિક’ વિચારધારાઓ હતી, જેમાં ઈશ્વર વિશે કઈં ચર્ચાને સ્થાન જ નહોતું.
પ્રાચીન તાર્કિક પરંપરાઓ
રૅશનાલિઝમનો આધાર તર્ક, એટલે કે લૉજિક છે. લૉજિકમાં પ્રુથક્કરણનું ખૂબ જ મહત્વ હોય છે. બુદ્ધના સમયથી પણ પહેલાં અને આગળ જતાં મૌર્ય અને ગુપ્ત કાળ સુધી વેદમાં આસ્થા રાખતી હોય એવી ઘણી વિચારધારાઓ પ્રચલિત હતી, પરંતુ એમાં વિશ્લેષણ અને તર્કનું મહત્વ રહ્યું. આમાં લોકાયત (એટલે કે ચાર્વાકવાદીઓ), સાંખ્ય, ન્યાય અને વૈશેષિક દર્શનોનો સમાવેશ થાય છે. એમનો ઉદ઼્ભવ ક્યારે થયો એ ચોક્કસ ન કહી શકાય પરંતુ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સાંખ્યનો ઉલ્લેખ છે. એ જ રીતે મૌર્ય યુગના લગભગ અંત સમયે ન્યાય દર્શન વિકસ્યું અને તે પછી ગુપ્ત યુગમાં, એટલે કે, ઈસુની ચોથી સદીમાં, વૈશેષિક દર્શનનો વિકાસ થયો. આ બધાં દર્શનોમાં કાં તો ઘટનાઓનું પૃથક્કરણ કરીને સત્ય સમજવાનો પ્રયત્ન હતો અથવા પ્રકૃતિને મહત્વ આપવામાં આવ્યું હતું.
યોગશાસ્ત્ર
આ દૃષ્ટિએ જોઈએ તો યોગ શાસ્ત્ર પણ આ વિચારધારાઓ જેટલું જ જૂનું છે, પરંતુ, એ સાંખ્ય, ન્યાય અને વૈશેષિક કરતાં અમુક રીતે જુદું પડે છે. સાંખ્ય, ન્યાય અને વૈશેષિક, એ ત્રણ વિચારધારાઓ છે અને એમાં તાર્કિક રીતે પૃથક્કરણ કરવામાં આવ્યું છે, જ્યારે, યોગશાસ્ત્રમાં ક્રિયા પર ભાર મુકાયો છે. બીજું, આ ત્રણ વિચારધારાઓ પરમ તત્વની બાબતમાં બહુ ચિંતિત નથી, જ્યારે યોગશાસ્ત્રનું લક્ષ્ય પરમ તત્વની પ્રાપ્તિનું છે. શરીર તો ભૌતિક છે જ, પરંતુ મન પણ ભૌતિક છે એમ યોગશાસ્ત્ર માને છે. આ એમના વચ્ચેની સમાનતા થઈ. પરંતુ ક્રિયા પર ભાર મૂકીને યોગશાસ્ત્ર આસ્તિક દર્શન હોવા છતાં, અને ઈશ્વરમાં માનતું હોવા છતાં વૈદિક પરંપરાથી એણે અલગ રસ્તો બનાવીને ખરેખરી સામાજિક ક્રાન્તિ કરી. વેદપ્રણિત ક્રિયાકલાપોમાં બ્રાહ્મણો દ્વારા કરાતા યજ્ઞો અને એના પરિણામે મળતા સ્વર્ગસુખને કેન્દ્રીય સ્થાન મળ્યું હતું, પરંતુ યોગશાસ્ત્રે જીવનની ઘટમાળમાંથી મુક્તિનો વ્યક્તિગત માર્ગ દેખાડ્યો. એમાં યજ્ઞો નહીં પણ વ્યક્તિએ પોતે જ અમુક ક્રિયાઓ કરીને શરીરની અને મનની શક્તિઓનો વિકાસ કરવાનો છે, આમ પ્રકૃતિના સર્જન, એવા શરીરના પૂર્ણ વિકાસ દ્વારા જ સિદ્ધિ મેળવવાનું એનું લક્ષ્ય છે. આપણે યાદ રાખીએ કે ગૌતમ બુદ્ધે પણ આ જ માર્ગ ગ્રહણ કર્યો હતો. ગૌતમ તો હઠયોગ સુધી પહોંચી ગયા હતા અને શરીરનું દમન કરતા હતા. એ વખતે પરમ તત્વની પ્રાપ્તિ બાબતમાં શરીર દ્વારા – પણ શરીરનો તિરસ્કાર કરીને – પરમ તત્વ સુધી પહોંચવાનાં અવાસ્તવિક વલણો પેદા થયાં હતાં. અંતે ગૌતમ એને છોડીને પોતાની રીતે આગળ વધ્યા અને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું. આમ, તેઓ પોતે વેદવિરોધી (નાસ્તિક) હોવા છતાં યૌગિક પ્રક્રિયાઓને અપનાવતાં અચકાયા નહોતા!
‘યોગા’ દ્વારા યોગની દીર્ઘજીવિતા
પશ્ચિમી જગતે ‘યોગા’નો સ્વીકાર કર્યો ત્યારથી એનું શારીરિક ઉત્કૃષ્ટતાનું પાસું પ્રબળ રહ્યું છે. એનાથી પરમ તત્વની ખરેખર પ્રાપ્તિ થઈ શકતી હોય અથવા એ આદર્શ તરીકે નજર સામે રહે એના કરતાં એના બીજા શારીરિક લાભો પર આજે વધારે ભાર અપાય છે. આ રીતે એ પણ ભૌતિકવાદી ચિંતન જ બની રહ્યું છે. મૂળમાં જ એનાં બધાં લક્ષણો શરીરની શક્તિઓના ઉત્થાનનાં રહ્યાં છે.
વિચારધારાઓ પર સામાજિક પ્રભાવ
આ ચારેય વિચારધારાઓમાં બ્રાહ્મણ વર્ગની ઉપયોગિતા નથી રહી. આમ સામાજિક ક્ષેત્રે એમનું પ્રદાન બહુ મહત્વનું ગણાય. ખૂબીની વાત એ છે કે આ વિચારધારાઓના સ્થાપકોએ પોતાના વિચારો માટે વેદનો જ આધાર લીધો છે. ચાર્વાકવાદીઓ તો બધાથી જુદા પડે છે. એમણે પણ વેદનો અનાદર કર્યો. આમ છતાં બુદ્ધની જેમ યોગનો માર્ગ ન સ્વીકાર્યો. આ બધાં જ વલણો વેદના સમયથી જ પ્રચલિત હોય એ શક્ય છે. એમની નોંધ લેવાય એવી સ્થિતિ જે તબક્કે આવી હોય એટલે એમનો વિકાસકાળ એ જ માની લેવો પડે, પરંતુ માનવીય વિચારજગતને કાલખંડમાં બાંધી ન શકાય. એ પણ નોંધી લેવું જોઇએ કે આપણે ગ્રીકોના સંપર્કમાં પણ આવી ચૂક્યા હતા, એટલે ફિલોસોફીના સ્તરે પણ બન્ને વચ્ચે આદાનપ્રદાન થયું હોય એમ માની શકાય.
મહત્વની વાત એ છે કે બૌદ્ધ ધર્મમાં મહાયાન શાખાનો વિકાસ થઈ ચૂક્યો હતો અને એમાં વિશ્લેષણ પદ્ધતિનો ભરપૂર ઉપયોગ થતો હતો. આમ વેદ-સમર્થક અને વેદ-વિરોધી બન્ને વિચારધારાઓએ એકબીજાને પરાસ્ત કરવા માટે લૉજિકનો આશરો લીધો. બન્નેએ એકબીજામાંથી ઘણું લીધું પણ ખરૂં.. બૌદ્ધો ઈશ્વરવાદી નહોતા એટલે એમની સામેના વાદ વિવાદમાં વેદ-સમર્થક વિચારધારાઓને પણ ઈશ્વર વિશે બહુ વિચારવાનું નહોતું. તર્કના આધારે એમણે જીવનની ઘટનાઓનો અર્થ સમજવાનો રસ્તો લીધો. આપણે ગુપ્ત યુગનો ઉલ્લેખ એટલા જ માટે કર્યો છે કે એ વખતે વિષ્ણુની મુખ્ય દેવ તરીકે સ્થાપના થઈ ચૂકી હતી અને ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ હતા. એમાં ભક્તિને બહુ મહત્વ મળ્યું હતું. તેમ છતાં તર્કની પરંપરા પણ ટકી રહી.
ન્યાય દર્શનની વાત કરીએ તો પ્રાચીન સમયમાં એમાં ઈશ્વર નહોતો પણ પછી નવ્ય-ન્યાય દર્શન પણ આવ્યું, જેમાં ઈશ્વર છે, કારણ કે એમના હરીફ બૌદ્ધ ચિંતકો પોતે જ ભક્તિના માર્ગે વળી ગયા હતા! વૈશેષિક દર્શનમાં પણ ઈશ્વર નહોતો, પણ તે પછીના વિકાસમાં ઈશ્વરનો પ્રવેશ થયો. છેક સત્તરમી સદી આવતાં તો ન્યાય-વૈશેષિક દર્શન જાણે યુગલ હોય એમ એકમેક સાથે જોડાઈ ગયાં. આ સમય સુધીમાં તો ભારતમાં મુગલ સત્તાનો સૂરજ અસ્તાચળે પહોંચવા તલપાપડ થઈ ગયો હતો. આ પહેલાં આઠમી સદીથી બારમી સદી સુધી આદ્ય શંકરાચાર્યના અદ્વૈત અને રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈતે લોકોનાં મન-મસ્તિષ્કનો કબજો લઈ લીધો હતો અને તેરમી સદીથી સોળમી સદી સુધી આખા દેશમાં ભક્તિનું મોજું ફરી વળ્યું હતું. આ સ્થિતિમાં પણ શુદ્ધ તાર્કિક આધારે બનેલી વિચારપરંપરાઓ પણ ટકી રહી એનું મહ્ત્વ ઓછું નથી, ભલે, એમાં પણ ‘પબ્લિક રિલેશન્સ’ની આવશ્યકતા પ્રમાણે અમુક ‘ઍડજસ્ટમેન્ટ’ થયાં હોય. આમ છતાં, આ ઉમેરા માત્ર ઉમેરા બની રહ્યા છે અને મૂળ સિદ્ધાંતમાં એ જગ્યાએ સાંધો દેખાઈ જતો હોય છે, આનો અર્થ એ પણ કરવો જોઈએ કે પ્રજાના એક વર્ગમાં તર્કનું આદરભર્યું સ્થાન હતું જ. વળી, આજે પણ શાસ્ત્રને નામે જે કઈં આપણે કહેતા હોઇએ છીએ એમાં આ વિચારધારાઓની છાંટ પણ વર્તાતી હોય છે. અરે, આજે આ વિચારધારાઓ આપણી ભાષામાં પણ પ્રવેશ કરી ચૂકી છે!
આનું કારણ એ કે આદ્ય શંકરાચાર્ય જેવા પ્રખર વિદ્વાને પણ તર્કની જ પદ્ધતિ લાગુ કરી. એમના આસ્થાવાદી વિરોધીઓનો તો એ આક્ષેપ પણ રહ્યો કે શંકરાચાર્ય ગુપ્ત રૂપે બૌદ્ધ છે અને બૌદ્ધ સિદ્ધાંતો વેદમાંથી તારવે છે. જો કે, આ આક્ષેપ સાચો નથી. ખરૂં જોતાં, બૌદ્ધ ચિંતનના પરાભવમાં શંકરચાર્યની તર્કશક્તિની બહુ મોટી ભૂમિકા રહી છે. બૌદ્ધ ધર્મના પતનનાં બીજાં આર્થિક-સામાજિક-રાજકીય કારણો તો હતાં જ. એ સંયોગોમાં શંકરાચાર્યે વિચાર ક્ષેત્રે પણ આક્રમણ કર્યું. આમ, ઈશ્વરના હોવા કે ન હોવા વિશે આપણે ત્યાં કેટલીયે સદીઓ સુધી તર્કના આધારે જ ચર્ચાઓ થતી રહી છે.
xxx xxx
ભારતીય ચિંતન પરંપરાની તર્કવાદી શાખાઓ વિશે આપ સૌની સાથે ચર્ચા કરવાની મારી ઇચ્છા છે. આગામી દિવસોમાં હું આ બાબતમાં મારા વિચારો શ્રેણીબદ્ધ રજુ કરીશ. આપ સૌને ચર્ચામાં જોડાવાનું આમંત્રણ આપું છું.
Response to comments on ‘Rationalism’.
‘રૅશનાલિઝમ’ વિશેના લેખ પરની ટિપ્પણીઓનો પ્રતિભાવ.
હવે મારો વારો છે! આપ સૌએ રૅશનાલિઝમ વિશેના લેખ પર ટિપ્પણીઓ કરીને લેખનું મહત્વ વધાર્યું છે, તે બદલ આભાર. આમાં કેટલાક મુદ્દા એવા પણ છે કે મને થયું કે અલગ અલગ જવાબ આપું તે કરતાં તો એક સળંગ જવાબ આપીશ તો મુદ્દો ફોકસમાં રહેશે.
સૌથી પહેલાં તો મારે શ્રી મૂરજીભાઈ ગડાનો આભાર માનવાનો છે. મેં લાર્જ હેડ્રૉન કોલાઇડરના પ્રયોગ વિશે લખ્યું હતું તેનું અંતિમ પરિણામ પણ આવી ગયું અને આઇન્સ્ટાઇનની થિયરી ખોટી ન ઠરી, એ મને ખ્યાલ નહોતો. એમણે નવી માહિતી આપી તે એક રીતે લેખને જ બળ આપે છે. મારો મુદ્દો એ છે કે વૈજ્ઞાનિકો આઇન્સ્ટાઇન ખોટા પડ્યા હોત તો પણ દુઃખી ન થયા હોત!. જે પરિણામ આવે તે સૌનું. સત્યની શોધમાં અંગત રાગદ્વેષ નથી હોતો.
શ્રી ભૂપેન્દ્રસિંહભાઇએ એમ્પીરિસિઝમ વગેરે ઘણા વિષયો સૂચવ્યા છે અને એ બધા વિચારવા જેવા છે. સમય મળશે ત્યારે એના પર પણ ચર્ચા કરવાનો વિચાર છે. પરંતુ અમુક વિચારધારાની લાંબા ગાળે અસર ન રહી અને રૅશનાલિઝમે પશ્ચિમના – અને ખરૂં કહીએ તો ઔદ્યોગિક ક્રાન્તિ પછીના આખા વિશ્વના – ચિંતન પર પ્રભાવ પાડ્યો છે. જો કે એનો જન્મ તો ઔદ્યોગિક ક્રાન્તિ પહેલાં થયો.
વળી, ભારતમાં પણ એવી કોઈ દર્શન પરંપરા હતી કે નહીં એના પર ચર્ચા કરવાનો પણ વિચાર છે. છેલ્લાં ૨૦૦ વર્ષમાં સામાન્ય જનને સ્પર્શે તેવી બીજી ચિંતન ધારા માર્ક્સવાદની રહી, અથવા ગાંધીવાદની. પણ હું ગાંધીવાદને એમાં સામેલ કરતો નથી, કારણ કે ગાંધીવાદ જેવું કઈં છે એમ હું નથી માનતો. એમનું જીવન માર્ગદર્શક છે, પણ એમણે થોથાં લખવાનો ઇન્કાર કર્યો હતો. ગાંધીજી કર્મયોગી હતાઃ એમનો ‘ઍક્શન પ્રોગ્રામ’ હતો.
આજે મુખ્ય ચર્ચા રૅશનાલિઝમ વિશે થતી હોય છે, એટલે એના પર પ્રકાશ પાડવાનો મર્યાદિત હેતુ આ લેખનો હતો.
શ્રી સુરેશભાઈને વાંદરા અને મદારી વિશે પ્રજ્ઞાબહેને કરેલી ટિપ્પણી ગમી છે. પરંતુ ‘રૅશનાલિસ્ટ’ શબ્દથી જ એમને ઉબકા આવે છે તેમાં આ લેખ હોમિયોપૅથીની ગોળીઓ જેવો લાગ્યો હોય તો મને આનંદ થશે!
પરંતુ પ્રજ્ઞાબહેને એક મહત્વનો સવાલ ઊભો કર્યો છે કે રૅશનલ એટલે શું તે પણ નક્કી કરવું જોઇએ. વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. કારણ કે વ્યક્તિની મર્યાદા જેટલી જ તર્કની મર્યાદા છે, જો કે, ભાઈ સમીરે આનો જવાબ આપ્યો છે – ‘ઓપન માઇંડ’ – આ કદાચ પ્રજ્ઞાબેનના પ્રશ્નનો જવાબ બની શકે. પરંતુ સમીર, મારે એટલું જ કહેવાનું છે કે ‘ઓપન માઇંડ’ એટલે જ તર્ક પ્રમાણે બદલવા તૈયાર થાય એવું મન! માર્ક્સ જેવા ફિલોસોફરોએ કહ્યું છે કે તર્ક અથવા વિચાર પરિસ્થિતિ પર આધાર રાખે છે. સ્વાયત્ત વિશુદ્ધ તર્ક હોય એમ માર્ક્સ નહોતા માનતા.
મેં પોતે જ કહ્યું છે કે જેટલી વ્યક્તિની મર્યાદા એટલી જ એના તર્કની મર્યાદા. પરંતુ એ કદાચ અર્ધું જ સાચું છે. કારણ કે ક્યારેક વ્યક્તિ પોતાની મર્યાદાની બહાર પણ તર્કનું શસ્ત્ર ચલાવતી હોય છે. અહીં તર્ક સિવાયનું (અથવા ‘ઓપન માઇંડ’ ન કહેવાય એ સ્થિતિનું) કોઈ પણ પરિબળ ભાગ ભજવતું હોય છે. એટલે શ્રી રાજગિરાભાઈને તર્ક સત્યનો ચોકીદાર એ વાત ગમી છે પણ શ્રી જુગલભાઈને એ નથી ગમ્યું એમણે વિસ્તારથી લખ્યું પણ છે. એમનો જે ઇશારો છે તે પરિબળો એટલે કુતર્ક. તર્કને સ્થાને સામાન્ય રીતે બીજું કઈં ન આવે, પરંતુ સત્તા, ઘમંડ, અધિકાર, લાલચ વગેરે પરિબળોની મદદ મળે ત્યારે માત્ર કુતર્કનું શાસન હોય. એટલે તર્કની પ્રક્રિયા પોતે કેટલી તાર્કિક છે, એ પણ વિચાર્યા વગર ન ચાલે. આમ છતાં આપણે એ પણ ન ભૂલવું જોઇએ કે દુનિયાની સમસ્યાઓ તર્કને કારણે નહીં કુતર્કને કારણે પેદા થઈ છે. રૅશનાલિઝમ તર્કની હિમાયત કરે છે, પણ કુતર્કની શક્યતાનો ઇન્કાર નથી કરતું. હિટલરનો પણ એક તર્ક હતો અને મૅકૉલેનો પણ એક તર્ક હતો. પણ ખરેખર આપણે એને તર્ક કહીશું? બીજી બાજુ ગાંધીનો પણ એક તર્ક હતો અને પ્રજ્ઞાબહેન કહે છે તેમ એની પાસે રાજશક્તિ તો નહોતી, તો પણ રાજસત્તા એનાથી ડરતી હતી. આથી જ મેં કહ્યું છે કે તર્ક સત્યનો ચોકીદાર છે. કુતર્કો અમ્તે તો પરાસ્ત થાય છે.
પ્રજ્ઞાબહેને શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો છે. એના પર લાંબી ચર્ચા કરીશ તો કદાચ વિષયાંતર થઈ જશે, પરંતુ એટલું પૂછીશ કે શ્રદ્ધાનો આધાર તર્ક બની શકે કે નહીં? તર્ક આધારિત શ્રદ્ધાની શક્તિ ગજબની હોય છે. શ્રદ્ધાનો અર્થ આત્મશ્રદ્ધા હોય એ બહુ જ જરૂરી છે. એના સિવાય ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, અશ્ફાકુલ્લાહ, રામપ્રસાદ બિસ્મિલ હસતે મોઢે મોતને ભેટ્યા નહોત. મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં જે કામે ગયા હતા તે જ કરતા રહ્યા હોત.
શ્રદ્ધા શબ્દને આપણે ધાર્મિક માન્યતા પૂરતો મર્યાદિત કરી નાખ્યો હોય એમ નથી લાગતું? આપણા જેવા સામાન્ય માણસોની વાત કરૂં તો આપણે શા માટે ગુરુ વિના, આપણી માન્યતાઓ વિના, માત્ર પોતાના જ આધારે ન જીવી શકીએ? એકાદ દિવસ તો પ્રયોગ કરી જોઈએ. સમજાઈ જશે કે એ આપણે ધારીએ છીએ એટલું અઘરૂં નથી.
અને અંતે, યશવંતભાઈની ટિપ્પણી. એમની શૈલીમાં લખી તો નહીં શકાય. જૂઓ ને, ઉદાહરણ કેવું – કાગળ પર ચોંટાડેલી ટિકિટ ઉખેડવાનું અઘરૂં છે. સાવ સાચી વાત. એમ કરવા જતાં કેટલાક ઉમંગો પણ લુપ્ત થઈ જવાની એમની શંકા સાચી છે. આપણા તહેવારો, ઉત્સવો, મેળામલાખા, સામાજિક રીતરિવાજોમાંથી પ્રગટતી આત્મીયતા. આ બધાંનું તર્કની વેદી પર બલિદાન આપવાનું છે? નહીં, ભાઈ, જીવનને નીરસ બનાવી દે એવી કોઈ પણ વસ્તુ ન જોઇએ. તર્કની નજરે તો, દારૂ પીવા પાછળ કોઈ તર્ક નથી પણ મઝા આવે છે. લગ્નમાં ઢોલત્રાંસાં વગાડવામાં કઈં તર્ક નથી, પણ મઝા આવે છે. મઝા પર તો બંધી ન જ હોઈ શકે. ખરેખર તો રૅશનાલિઝમ એક વસ્તુ તરફ જોવાની રીત છે. ધર્મો છે એ વાતનો ઇન્કાર ન થઈ શકે. એનાં અસ્તિત્વનાં ઐતિહાસિક કારણો, ભૌગોલિક કારણો, પરંપરાઓનો ઉદ્ભવ, ઈશ્વર એટલે શું આ બધું સમજવાનો એક પ્રયાસ રૅશનાલિઝમ કરે છે. એનો ફાયદો એ કે આપણે પૂર્વગ્રહોથી, જડ થઈ ગયેલા વિચારોથી દૂર જઈ શકીએ અને આસ્થાના અંચળા નીચે સહેલા રસ્તા શોધવાની લાલચમાંથી બચી જઈએ. ખોટું નથી, તર્ક અને મઝા બન્ને ઘોડે બેસી શકાય છે, અને યશવંતભાઈ, તમે તો એમ બેસો જ છો એની મને ખાતરી છે! હમણાં જ આપણે શકીલભાઈના બ્લૉગ પર વાંચ્યું છેઃ “એક પ્યાલા સબ્ર કા ભરભર કે પી… કલ નિકલ જાએગા ફિર કોઈ નહીં કહેગા, પી!” જીવનનો રસ તો ‘ભર ભર કે’ જ પીવાનો છે. એ ન કરવું હોય તો વનમાં ચાલ્યા જવું અને ભીક્ષા માગીને ખાવું.
આ લેખને ‘લાઇક’ કરનારા મિત્રોનો પણ આભાર.
અને, અંતે એક વાત કહેવાની છે. શ્રી ઉત્તમભાઈ ગજ્જરે આ લેખ એમના વર્તુળના સાથીઓને મોકલ્યો હતો. એમનો આભાર. અને મારા સુખદ આશ્ચર્ય વચ્ચે શ્રી સુબોધભાઈ શાહનો ઉત્સાહવર્ધક સંદેશ પણ મળ્યો છે. સુબોધભાઈના લેખો તો ‘અભીવ્યક્તી; પર આવ્યા છે, એટલે એમને આપણે સૌ જાણીએ છીએ. તો…. ફરી મળીએ ત્યાં સુધી આવજો