India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-19

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૧૯ : ગાંધીજી એકલા પડી ગયા!

૧૯૪૦નું વર્ષ ગાંધીજી અને કોંગ્રેસ વચ્ચેના વિચારભેદનું કારણ બન્યું અને કોંગ્રેસે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતનો અમુક અંશે અસ્વીકાર કરી દેતાં ગાંધીજી અલગ થઈ ગયા. કોંગ્રેસે પણ ગાંધીજી વિના ચલાવી લેવાનું નક્કી કર્યું. જો કે, આ વિવાદ માત્ર ત્રણ મહિના ચાલ્યો અને કોંગ્રેસે ફરી ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે કામ કરવાનો નિર્ણય કર્યો.

વર્ધામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ ૧૭મીથી ૨૧મી જૂન સુધી ચાલી. એમાં ગાંધીજીએ આગ્રહ રાખ્યો કે કોંગ્રેસના બધા કાર્યક્રમો અને નીતિઓમાં અહિંસાને દીવાદાંડી માનીને ચાલવું જોઈએ. ગાંધીજી કહેતા હતા કે રાષ્ટ્રીય સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ અહિંસા કેન્દ્રસ્થાને હોવી જોઈએ અને કોંગ્રેસે જાહેર કરવું જોઈએ કે રાષ્ટ્રના સંરક્ષણ માટે પણ એ સેના નહીં રાખે.

કોંગ્રેસના બીજા નેતાઓએ કહ્યું કે સ્વતંત્રતાના આંદોલનમાં કોંગ્રેસે હંમેશાં અહિંસાનું પાલન કર્યું છે અને દેશવ્યાપી ધોરણે અહિંસક આંદોલનોને કારણે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. અહિંસાનો સિદ્ધાંત લોકો સુધી પહોંચ્યો છે અને લોકો નિર્ભય થઈને જેલોમાં જતા હોય છે અને પોલીસના જુલમો સહન કરે છે. બંધનકર્તા નીતિ કોઈ રાજકીય સંગઠન અપનાવી ન શકે.

જો કે, વર્કિંગ કમિટીએ એ પણ સ્વીકાર્યું કે મહાત્માજીને પોતાની રીતે આ મહાન ઉદ્દેશ માટે કંઈ પણ કરવાનો અધિકાર છે જ, પણ કોંગ્રેસના નિર્ણયોની જવાબદારીમાંથી અને એનાં પરિણામોમાંથી ગાંધીજીને મુક્ત કર્યા. વર્કિંગ કમિટીએ એ પણ સ્પષ્ટ કર્યું કે હજી પણ આઝાદીની લડતમાં કોંગ્રેસની મૂળભૂત નીતિ અહિંસાની જ રહેશે, માત્ર સંરક્ષણ કે આંતરિક સલામતીની બાબતમાં અહિંસાનો સિદ્ધાંત લાગુ કરી શકાય એમ નથી. અહિંસાની બાબતમાં આટલી સૈદ્ધાંતિક બાંધછોડ પણ ગાંધીજી માટે બહુ મોટી વાત હતી.

વર્કિંગ કમિટીએ રાજકીય ઠરાવ પસાર કરીને ગાંધીજીનો રસ્તો છોડી દીધો. એનો વિરોધ તો ત્યાં જ થયો. બાદશાહ ખાન ગાંધીજી સાથે સંમત હતા અને એમણે ત્યાં જ રાજીનામું આપી દીધું હતું. એમના ઉપરાંત બાબુ રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય કૃપલાની, પ્રફુલ્લચંદ્ર ઘોષ અને શંકરરાવ દેવ પણ માનતા હતા કે કોંગ્રેસે ગાંધીજીએ સૂચવ્યા પ્રમાણે અહિંસાને બધી રીતે કેન્દ્રીય સ્થાન આપવું જોઈએ, પરંતુ એ લઘુમતીમાં હતા, અને રાજીનામાં ન આપ્યાં. તે પછી પૂનામાં AICCની બેઠકમાં પણ બાદશાહ ખાન ન આવ્યા.

ગાંધીજીની અહિંસા

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ૨૧મીએ ઠરાવ થયો તેનાથી પહેલાં જ ગાંધીજીએ ૧૮મીએ How to combat Hitlerism શીર્ષક હેઠળ ‘હરિજન’ માટે લખી મોકલ્યો હતો જે ૨૨મીએ છપાયો. એમાં એમણે પોતાનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કરતાં લખ્યું:

“હિટલરશાહી એટલે નગ્ન, નિર્દય તાકાત, જેને લગભગ વિજ્ઞાન જેવી સચોટ બનાવી દેવાઈ છે અને હવે એ લગભગ મુકાબલો ન કરી શકાય એવી બની ગઈ છે…હિટલરશાહીને જવાબી હિટલરશાહીથી હરાવી નહીં શકાય. એમાંથી તો અનેકગણી શક્તિશાળી હિટલરશાહી પ્રગટશે. આજે આપણે હિટલરશાહીની અને હિંસાની નિરર્થકતા નજરે જોઈ શકીએ છીએ…મને શંકા છે કે જર્મનોની ભવિષ્યની પેઢીઓ હિટલરશાહી જેના માટે જવાબદાર હોય તેવાં કૃત્યો માટે નિર્ભેળ ગર્વ નહી લઈ શકે…પણ મારે આશા રાખવી જોઈએ કે ભવિષ્યમાં તેઓ પોતાના અધિનાયકો વિશે તટસ્થતાથી વિચારવાની કલાનો વિકાસ કરશે… મેં આ લખ્યું તો યુરોપિયન સત્તાઓ માટે છે, પણ આપણને પોતાને પણ એ લાગુ પડે છે. મારી દલીલ ગળે ઊતરે તો, શું એ સમય હજી નથી આવ્યો કે સબળની અહિંસામાં આપણી અડગ શ્રદ્ધા આપણે જાહેર કરીએ અને કહીએ કે અમે શસ્ત્રોના જોરે અમારી મુક્તિને બચાવવા નથી માગતા પણ અમે અહિંસાની તાકાતથી એનું જતન કરશું?”

વર્કિંગ કમિટીની બેઠક પછી, અને આ લેખ છપાયા પછી મૌલાના આઝાદ ગાંધીજીને મળ્યા. એમણે બન્ને વચ્ચે થયેલી વાતચીત વિશે અખબારનવેશો સમક્ષ કહ્યું કે ગાંધીજી અહિંસા બાબતમાં ‘હરિજન’માં નિયમિત રીતે લખતા રહે છે અને આ લેખમાં એમણે કોઈ નવી વાત નથી કરી. વર્કિંગ કમિટીને જ્યારે પણ જરૂર પડશે ત્યારે મહાત્મા ગાંધી માર્ગદર્શન અને દોરવણી આપશે જ.

તે પછી જવાહરલાલ નહેરુએ પણ ૨૩મીએ મુંબઈમાં એક નિવેદન દ્વારા કોંગ્રેસે મહાત્મા ગાંધીના વિચારોની વિરુદ્ધ વર્કિંગ કમિટીએ કરેલા ઠરાવ વિશે ખુલાસો આપ્યોઃ વર્કિંગ કમિટીએ લોકોને એમને સતાવતા મૂળભૂત સવાલો વિશે યોગ્ય રીતે જ વિશ્વાસમાં લીધા છે. કેટલાય સવાલો બહુ દૂરના લાગતા હતા પણ હવે તદ્દન નજીક આવી ગયા છે…ગાંધીજી અને વર્કિંગ કમિટીનાં વલણ જુદાં પડે છે, પણ તેથી લોકોએ એમ ન માનવું કે કોંગ્રેસ અને એમના વચ્ચે ફૂટ પડી છે. છેલ્લાં વીસ વર્ષની કોંગ્રેસ એમણે બનાવી તેવી છે, એમનું સંતાન છે.. મને ખાતરી છે કે એમનું માર્ગદર્શન અને શાણી સલાહ કોંગ્રેસને મળ્યા કરશે.

૨૪મીએ ગાંધીજીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના નિર્ણય પર ટિપ્પણી કરતાં Both Happy and Unhappy શીર્ષકનો લેખ લખ્યો જે ફરી ૨૯મીના ‘હરિજન’માં પ્રકાશિત થયો. ગાંધીજીએ લખ્યું કે,

“કોંગ્રેસ માટે અહિંસા એક નીતિ હતી. અહિંસાથી રાજકીય અને આર્થિક સ્વતંત્રતા ન આવે તો એ એને છોડી દેવા તૈયાર હતી. મારા માટે અહિંસા ધર્મ છે એટલે મારે એનો અમલ કરવો જ જોઈએ, ભલે ને હું એકલો હોઉં કે મારા કોઈ સાથી હોય. મારે તો એ માર્ગે કોઈ પણ પરિસ્થિતિમાં ચાલવાનું છે… એમના અને મારા વચ્ચે મૂળભૂત મતભેદ છતા થયા તે પછી હું (કોંગ્રેસને દોરવણી) ન આપી શકું… પરિણામથી મને આનંદ પણ છે અને દુઃખ પણ છે. આનંદ એ વાતનો કે, હું આ વિચ્છેદનું કષ્ટ સહન કરી શક્યો અને મને એકલા ઊભા રહેવાની શક્તિ મળી છે. દુઃખી એટલા માટે છું કે જેમને હું આટલાં વર્ષો સુધી, જે હજી ગઈકાલની વાત લાગે છે, મારી સાથે રાખી શક્યો હવે એમને સાથે રાખવાની મારા શબ્દોની શક્તિ નથી રહી એમ લાગે છે. હવે ભગવાન મને અહિંસાની તાકાત દેખાડવાનો રસ્તો સુઝાડશે તો અમારો વિચ્છેદ ટૂંકજીવી રહેશે, નહીંતર એ લોકો મને એકલો છોડી દેવા પાછળનું એમનું શાણપણ સાબિત કરી શકશે. મને આજ સુધી જે નમ્રતાએ ટકાવી રાખ્યો છે તે જ મને દેખાડી આપશે કે હું અહિંસાની મશાલ ઉઠાવીને ચાલવા માટે યોગ્ય માધ્યમ નહોતો રહ્યો.”

પૂનામાં AICCની મીટિંગ

કોંગ્રેસ પણ ગાંધીજી વિના આગળ વધવા કમર કસવા લાગી હતી. જુલાઈના પહેલા અઠવાડિયામાં દિલ્હીમાં કોંગ્રેસની તાકીદની બેઠક મળી તેમાં વર્ધામાં લેવાયેલા નિર્ણયને બહાલી આપીને બધા પૂના પહોંચ્યા. ત્યાં ૨૭મી-૨૮મી જુલાઈએ AICCની મીટિંગમાં પણ વર્ધાનો ઠરાવ મંજુરી માટે રજૂ કરાયો.

કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદે પોતાના ભાષણમાં કહ્યું કે રામગઢના અધિવેશન પછી સાડાચાર મહિનામાં દુનિયા ન ઓળખાય તે રીતે બદલી ગઈ છે. મહાત્મા ગાંધીએ વર્ધામાં કોંગ્રેસની નીતિ વિશે મુદ્દો રજૂ કર્યો તેના વિશે તેઓ બે વર્ષથી કહેતા રહ્યા છે. એમની ઇચ્છા હતી કે સ્વાધીન ભારતમાં હિંસાનાં બધાં રૂપોને જાકારો અપાશે અને સેના પણ નહીં રાખવામાં આવે એવું કોંગ્રેસ હમણાં જ જાહેર કરે. કોંગ્રેસ આંતરિક અશાંતિ કે વિદેશી આક્રમણ સામે પણ હિંસાનો આશરો નહીં લે. આપણે જાણીએ છીએ કે હિંસા અને શસ્ત્રોથી કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો, પણ આપણામાં એટલી હિંમત નથી કે જાહેર કરીએ કે સેના પણ નહીં હોય. ગાંધીજી વિશ્વને અહિંસાનો સંદેશ આપવા માગે છે પણ ઇંડિયન નૅશનલ કોંગ્રેસ દેશની સ્વતંત્રતા માટે રચાયેલું રાજકીય સંગઠન છે, આપણે વિશ્વ શાંતિ માટે એકઠા નથી થયા. ગાંધીજી ઇચ્છે છે એટલી હદે આપણે જઈ શકીએ તેમ નથી. આપણે મહાત્માજી સાથે છેક સુધી જઈ ન શકીએ, તેમ એમને પણ ન રોકી શકીએ. આમ છતાં એમની આગેવાનીનો અભાવ પણ અનુભવાશે. એ પહેલાં કહેતા ત્યારે એમને ત્રણ વાર રોકવામાં હું સફળ થયો પણ આ વખતે એમણે કહ્યું કે આજની સ્થિતિમાં જ તેઓ અહિંસાને સ્થાપિત ન કરે તો ખોટું થશે એટલે બન્ને પક્ષોએ પોતપોતાના રસ્તા નક્કી કરી લેવા જોઈએ.

વાઇસરૉયનો પત્ર અને ગાંધીજી પાછા કોંગ્રેસમાં

જો કે આ સ્થિતિ તરત બદલી ગઈ. ચોથી ઑગસ્ટે વાઇસરૉયે કોંગ્રેસ પ્રમુખને પત્ર લખીને કોંગ્રેસને ઈક્ઝિક્યૂટિવ કાઉંસિલમાં અને વૉર કાઉંસિલમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. વાઇસરૉયે એ પણ કહ્યું કે તમે મને કોંગ્રેસ તરફથી સત્તાવાર જવાબ આપો તે પહેલાં અનૌપચારિક વાતચીત કરવા માગું છું. એમણે પોતે શિમલા જતાં કયા દિવસોએ ક્યાં રોકાશે તેની તારીખો પણ આપી દીધી. પરંતુ મૌલાના આઝાદે એમને લખ્યું કે વાઇસરૉયે પોતે શું કરવાના છે તે નક્કી કરી જ લીધું છે, તો મળવાનો કંઈ અર્થ છે?

આના જવાબમાં વાઇસરૉયે સંદેશ મોક્લાવીને આશા દર્શાવી કે કે મેં જે પત્ર લખ્યો છે તેની મર્યાદામાં રહીને કોંગ્રેસ એક્ઝિક્યૂટિવ કાઉંસિલ અને વૉર કાઉંસિલમાં જોડાશે. આનો અર્થ એ હતો કે અનૌપચારિક વાતચીતનો એજન્ડા પણ વાઇસરૉયે નક્કી કરી લીધો હતો. કોંગ્રેસે મળવાની ના પાડી દેતાં ધ્યાન દોર્યું કે વાઇસરૉય રાષ્ટ્રીય સરકાર બનાવવાની માગણીનો ઉલ્લેખ પણ નથી કરતા તો એમની સાથે વાત કરવાનો કંઈ અર્થ નહોતો.

આઠમી ઑગસ્ટે વાઇસરૉયે બ્રિટિશ સરકાર તરફથી નિવેદન બહાર પાડ્યું એમાં ભારતને સ્વતંત્રતા આપવાની માગણી નકારી કાઢી અને બ્ર્રિટન વતી ભારતનો આત્મનિર્ણયનો અધિકાર માન્યા વિના ભારતને યુદ્ધમાં જોતરી દીધું. કોંગ્રેસ માટે વાઇસરૉયે હવે દરવાજા બંધ કરી દીધા હતા. ૧૮મી-૨૨મી ઑગસ્ટે વર્ધામાં વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસે આ બાબતમાં પોતાની નિરાશા જાહેર કરી. ૧૫મી સપ્ટેમ્બરે મુંબઈમાં AICCની મીટિંગ રાખવાનો નિર્ણય લેવાયો.

AICCમાં જવાહરલાલ નહેરુએ નવો ઠરાવ તૈયાર કર્યો એમાં સ્વીકાર્યું કે યુદ્ધ અને હિંસાને કારણે સ્થિતિ બગડી છે. ખાસ કરીને ગરીબ અને નાના દેશોની સ્થિતિ ગંભીર છે. કોંગ્રેસ યુદ્ધનો વિરોધ કરે છે અને સ્વાધીન ભારતમાં એ વિશ્વ સ્તરે નિઃશસ્ત્રીકરણ અને મંત્રણાઓ દ્વારા સમસ્યાઓ ઉકેલવા માટે ઝુંબેશ ચલાવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે હિંસાને જાકારો આપવાનો ગાંધીજીનો આગ્રહ આ રીતે કોંગ્રેસે સ્વીકારી લીધો અને ગાંધીજી ફરી કોંગ્રેસના ટોચના નેતા અને મુખ્ય રણનીતિકાર તરીકે પાછા આવ્યા.

૦૦૦

સંદર્ભઃ

(1) The Indian Annual Register Jan-June 1940 Vol. I

(2) https://www.mkgandhi.org/mynonviolence/chap44.htm

(3) https://www.mkgandhi.org/mynonviolence/chap45.htm

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-18

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૧૮: પાકિસ્તાનના વિરોધમાં મુસલમાનોનું સંમેલન

મુસ્લિમ લીગે લાહોર ઠરાવ (પાકિસ્તાન માટેનો ઠરાવ) પસાર કર્યો તેના એક જ મહિનાની અંદર સિંધના નેતા અલ્લાહબખ્શે નીચલી જાતિના અને કામદાર વર્ગના મુસલમાનોને એકઠા કર્યા અને જિન્નાની ભાગલાવાદી પાકિસ્તાન યોજનાનો સજ્જડ વિરોધ કર્યો. એમણે ૨૭મી ઍપ્રિલે દિલ્હીમાં બે દિવસ માટે ‘આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સ’ બોલાવી પણ એમાં અણધારી રીતે મોટી સંખ્યામાં મુસલમાનો એકઠા થયા. પહેલા બે દિવસમાં પચાસ હજાર લોકોએ ભાગ લીધો પણ લોકો આવતા જ જતા હતા એટલે કૉન્ફરન્સ બીજા બે દિવસ લંબાવવી પડી. ખાસ નોંધવા જેવી વાત એ છે કે એમાં પાંચ હજાર મુસ્લિમ મહિલાઓ પણ સામેલ થઈ.

કૉન્ફરન્સનું સ્વાગત કરતા ૨૦૦ જેટલા સંદેશા આખા દેશના આગેવાન મુસ્લિમ નેતાઓ તરફથી મળ્યા, જેમાં કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદનો સંદેશ મુખ્ય છે. એમણે મુસલમાનો દેશની આઝાદીમાં આડખીલી બને છે, એવા કલંકને ભૂંસી નાખવા અપીલ કરી. પરંતુ મુંબઈના માજી શેરીફ મહંમદભાઈ રવજી (Mohammed Bhoy Rowji)નો સંદેશ ખાસ ઉલ્લેખને પાત્ર છેઃ

મિ. જિન્ના અને એમના સાથીઓ જે કોમવાદી બળો અને સંકુચિત માનસવાળાં કટ્ટરપંથી તત્ત્વોને ટેકો આપે છે તેમને તો ક્યાંય સ્થાન જ ન મળવું જોઈએ….એમને આખા દેશમાં મન ફાવે તેમ કરવાની છૂટ મળશે તો એ દેશ માટે અને ખાસ કરીને મુસલમાનો માટે વિનાશકારી સાબિત થશે. “ઇસ્લામ ખતરે મેં હૈકહીને તેઓ નિર્દોષ મુસ્લિમ પ્રજાની લાગણીઓ સાથે ભયંકર રમત રમે છે. એટલે દરેક સાચા અને સ્વાભિમાની મુસલમાનની ફરજ છે કે એ આગળ આવે અને સંગઠિત અવાજે કોમી ભુતાવળને અને આખા મુસ્લિમ હિન્દુસ્તાન વતી બોલવાના મિ. જિન્ના અને એમની મુસ્લિમ લીગના દાવાને રદબાતલ ઠરાવે.”

લીગ બધા મુસલમાનોની પ્રતિનિધિ નથી!” : અલ્લાહબખ્શ

અલ્લાહબખ્શે પ્રમુખપદેથી બોલતાં એ વાત પર ભાર મૂક્યો કે “રાજકીય મડાગાંઠનો ઉકેલ લાવવા માટે રચનાત્મક યોજના રજુ કરવાની યોગ્યતા આ કૉન્ફરન્સમાં, અને માત્ર આ કૉન્ફરન્સમાં છે.” એમણે અફસોસ સાથે કહ્યું કે બ્રિટિશ શાસકો આઝાદી ન આપવા માટે મુસલમાનોનો બલિના બકરા તરીકે ઉપયોગ કરે છે. પરંતુ કોઈ પણ મુસલમાન, જેનામાં વાસ્તવિક સ્થિતિની સમજ અને સ્વાભિમાન હશે, તે પોતાનો બલિના બકરા તરીકે ઉપયોગ થાય અને એનાં ખરાબ પરિણામ આવે તે એક ક્ષણ માટે પણ સહન નહીં કરે.”

એમણે મુસલમાનોના એકમાત્ર પ્રતિનિધિ હોવાના લીગના દાવાને સમૂળગો નકારી કાઢ્યો અને કહ્યું કે કોંગ્રેસને સાત પ્રાંતોમાં બહુમતી મળી છે અને આઠમા પ્રાંતમાં સત્તા એના હાથમાં છે, એટલે રાજકીય પક્ષ તરીકે એ લોકોની પ્રતિનિધિ છે. “પણ મુસ્લિમ લીગ જાહેર સભાઓ સિવાય બીજું શું રજુ કરી શકે છે કે એ પ્રતિનિધિ છે એવું સાબિત થાય?…જે પ્રાંતોમાં મુસ્લિમો લઘુમતીમાં છે ત્યાં લીગને પહેલાં ટેકો મળ્યો હતો, પણ હવે લીગે એ પ્રાંતોના મુસલમાનોને રઝળતા કરી દીધા છે અને પોતાને જ એટલું નુકસાન કરી લીધું છે કે એ હવે સુધરી શકે તેમ નથી…”

બે રાષ્ટ્રોના સિદ્ધાંતનો વિરોધ

ભારતના નવ કરોડ મુસલમાનોમાંથી મોટા ભાગના હિન્દુસ્તાનમાં જે લોકો પહેલેથી વસતા હતા એમના જ વંશજ છે. તેઓ દ્રવિડો અને આર્યો જેમ જ આ ભૂમિના છેજુદા જુદા દેશોના નાગરિકો કોઈ એક યા બીજો ધર્મ પાળવાને કારણે પોતાની રાષ્ટ્રીયતા બદલી ન શકે. ઇસ્લામનું સ્વરૂપ વૈશ્વિક છે એટલે એ કોઈ પણ રાષ્ટ્રીયતા અને પ્રાદેશિક સંસ્કૃતિઓના સંપર્કમાં આવશે.”

Two-nation Theoryની એમણે ટીકા કરી કે હિન્દુસ્તાનના નાગરિક તરીકે મુસલમાનો અને હિન્દુઓ અને બીજાઓ માદરેવતનના દરેક ઈંચના અને એની ભૌતિક અને સાંસ્કૃતિક સંપદાના સમાન ભાગીદાર છે. કોઈ અલગ કે છૂટોછવાયો પ્રદેશ નહીં, પણ આખું હિન્દુસ્તાન ભારતના મુસલમાનોનું ઘર છેજે લોકો અલગ અને મર્યાદિત માદરેવતનની વાત કરે છે એમને હિન્દુસ્તાની નાગરિક તરીકે રહેવાનો પોતાનો અધિકાર છોડી દેવાની છૂટ છેમને ખાતરી છે કે આપણે સૌ અહીં એકઠા થયા છીએ તે સૌ સંમત છીએ કે આપણો દેશ દુનિયામાં સ્વાધીન અને સન્માનભર્યું સ્થાન મેળવે તેમાં સૌએ સાથ આપવો જોઈએ અને આ લક્ષ્ય જલદી પાર પાડવા માટે આપણો પાકો નિર્ધાર છે,

અલ્લાહબખ્શે કહ્યું કે પાકિસ્તાન માટે જિન્નાએ કરેલા એલાનમાં સામ્રાજ્યવાદ ફેલાવવાની ચાલ છે. પરંતુ ઇસ્લામમાં સામ્રાજ્યવાદની મનાઈ છે. સામ્રાજ્યવાદનો અર્થ એ થશે કે સામાન્ય હિન્દુ અને મુસલમાન એમનાં ગામડાંઓ અને શહેરી ઝૂંપડપટ્ટીઓમાં ધૂળ અને ગંદકીમાં રગદોળાતા રહેશેઆજ સુધી, હિન્દુ, મુસ્લિમ કે બ્રિટિશ સામ્રાજ્યોનો એ જ ઇતિહાસ રહ્યો છે.”

અલ્લાહબખ્શે કહ્યું કે કોમવાદ હિન્દુઓ અને મુસલમાનોની અંદરના વર્ગ અને નાતજાતનું પરિણામ છેઃ

હિન્દુઓ અને મુસલમાનોમાં શાસક જ્ઞાતિઓ છે એમનામાં આવી ભાવનાઓ અને મહેચ્છાઓ છે. એમને આજના સામ્રાજ્યવાદી શાસકોની જગ્યા લેવી છે એટલે ઇતિહાસ કે બીજા સ્રોતોમાંથી જૂની વાતો તાજી કરે છે અને બહાનાં શોધી કાઢે છે…”

કૉન્ફરન્સના અંતે આભારવિધિ કરતાં અસફ અલીએ કહ્યું જિન્ના પર કટાક્ષ કરતાં કહ્યું કે ગણ્યાગાંઠ્યા માણસો, પોતે કશો પણ ભોગ આપ્યા વિના મુસલમાનોને, કદીયે પૂરાં ન થાય તેવાં વચનોથી ભરમાવે છે.” કૉન્ફરન્સે આખા દેશમાં ‘આઝાદી દિન’ મનાવવાનો નિર્ણય કર્યો અને મુસ્લિમ સમાજને માર્ગદર્શન આપવા માટે દિલ્હીમાં એની હેડ ઑફિસ પણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો.

કૉન્ફરન્સનો ઠરાવ

કૉન્ફરન્સે જે ઠરાવ પસાર કર્યો તેમાં મુસ્લિમોના અધિકારો, ઇસ્લામ પ્રત્યેની એમની વફાદારી અને સ્વાધીન ભારત માટેની બધી દલીલોને આવરી લઈને મુસ્લિમ લીગની હિલચાલોને પડકાર ફેંકવામાં આવ્યો. ખાસ કરીને એની ભાષા ધ્યાન આપવા જેવી છે. ઠરાવમાં માત્ર મુસ્લિમોના અધિકારો જ નહીં, એ અધિકારોને ભોગવવા માટે દેશની આઝાદી માટે લડવાની એમની ફરજને પણ જોડી દેવામાં આવી:

રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી જોતાં, દરેક મુસલમાન હિન્દુસ્તાની છે. આ દેશના બધા નિવાસીઓના હક અને ફરજો જીવનનાં બધાં ક્ષેત્રોમાં અને માનવીની બધી પ્રવૃત્તિઓમાં એકસમાન છેએ જ કારણસર દેશની આઝાદી માટે સંઘર્ષ કરવા અને બલિદાન આપવા માટેની જવાબદારી પણ મુસલમાનો સ્વીકારે છે. આ વિધાનનું સત્ય કોઈ પણ શાણો મુસલમાન નકારી શકે નહીં.”

મુસ્લિમ લીગની પાકિસ્તાન યોજનાનો વિરોધ

ઠરાવમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે આ કૉન્ફરન્સ માને છે કે હિન્દુસ્તાનના ભાગલા પાડવાની કોઈ પણ યોજનાહિન્દુ ઇંડિયા અને મુસ્લિમ ઇંડિયાઅવ્યવહારુ અને એકંદરે દેશના, અને ખાસ કરીને મુસલમાનોના હિતની વિરુદ્ધ છે. આ કૉન્ફરન્સને પાકી ખાતરી છે કે આવી કોઈ પણ યોજના દેશની આઝાદીના માર્ગમાં અડચણ બનશે અને બ્રિટિશ સામ્રાજ્યવાદ એનો ઉપયોગ પોતાના લાભ માટે કરશે.” બીજી સૌથી મહત્ત્વની માગણી સાર્વત્રિક પુખ્ત મતાધિકારદ્વારા બંધારણસભાની રચના કરવાની માગણી હતી.

વિશ્વ યુદ્ધની પણ ખાસ નોંધ લેવામાં આવી. કૉન્ફરન્સનો મત હતો કે એ યુરોપનું યુદ્ધ હતું અને યુરોપના દેશોના સામ્રાજ્યવાદી વલણના પરિણામે યુદ્ધ થયું છે. બ્રિટને ભારતનો સ્વાતંત્ર્ય અને આત્મનિર્ણયનો અધિકાર માનવાનો ઇનકાર કર્યો તેની ઠરાવમાં ટીકા કરવામાં આવી. સંસ્થાનવાદી શક્તિઓ દ્વારા ઇસ્લામિક દેશોના લોકોનો આ યુદ્ધમાં ઉપયોગ કરવા માટે થતા પ્રયાસોની ઝાટકણી કાઢતાં કૉન્ફરન્સે હિન્દુસ્તાનના મુસ્લિમોને તટસ્થ રહેવા, સામ્રાજ્યવાદીઓને (બ્રિટનને) કશી મદદ ન આપવા, ઉલટું સામ્રાજ્યવાદીઓને અધીન રાષ્ટ્રોને ટેકો આપવા અને હિન્દુસ્તાનની આઝાદી માટે તમામ ભોગ આપવા અપીલ કરી.

અલ્લાહબખ્શની હત્યા

૧૯૪૩ના મે મહિનાની ૧૪મી તારીખે ત્રણ હુમલાખોરોએ અલ્લાહ બખ્શ પરશહેરની ભાગોળે ગોળીઓ છોડી. અલ્લાહબખ્શને બે ગોળીઓ છાતીમાં વાગી. બીજા લોકો તરત એમને હૉસ્પિટલ લઈ ગયા પણ રસ્તામાં જ એમણે અંતિમ શ્વાસ લીધા. એ વખતે એમની ઉંમર માત્ર ૪૩ વર્ષની હતી. લાહોરથી પ્રકાશિત થતાં ટ્રિબ્યૂનઅખબારે તો સીધો જ મુસ્લિમ લીગ પર આક્ષેપ કર્યોઃ “અલ્લાહબખ્શ સિંધમાં મુસ્લિમ લીગના સૌથી વધારે પ્રખર વિરોધી હતા. લીગના નેતાઓએ હાલમાં પોતાના વિરોધી મુસ્લિમોને માત્ર વિરોધી નહીં પણ કોમના ગદ્દાર તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું છે તેની સાથે આખા દેશને હચમચાવી દેનારા આ કરપીણ કૃત્યને ન સાંકળવાનું કઠિન છે…”

આ હત્યાનું કાવતરું ઘડવા માટે જવાબદાર શખ્સ તરીકે મુસ્લિમ લીગના નેતા મહંમદયૂબ ખુસરો, એમના ભાઈ અને બીજા ત્રણ સામે કેસ ચાલ્યો, પરંતુ પૂરતા પુરાવાના અભાવે એ સાબીત ન થઈ શક્યું. અલ્લાહબખ્શને રસ્તામાંથી હટાવવાનું જરૂરી હતું, કારણ કે પાકિસ્તાનની યોજના વિરુદ્ધ વિશાળ મુસ્લિમ જનસમુદાયને સંગઠિત કરવાની એમની અપાર શક્તિ જગજાહેર હતી.

પાકિસ્તાનનાં વિરોધી બીજાં મુસ્લિમ સંગઠનો

જમિયતુલ ઉલેમાહિન્દ

જમિયતે મુસ્લિમ લીગના બે રાષ્ટ્રોના સિદ્ધાંત અને પાકિસ્તાનની યોજનાનો જોરદાર વિરોધ કર્યો. દેશના ઘણાખરા ભાગોમાં જમિયતની શાખાઓ ફેલાયેલી હતી અને મોટી સંખ્યામાં મુસલમાનો એમાં સામેલ થતા હતા. ઘણી વાર લીગીઓ અને જમિયતના કાર્યકરો વચ્ચે હાલતાંચાલતાં મારામારી થઈ જતી. જમિયતના નેતા મૌલાના હુસેન મહંમદ મદની માલ્ટામાં બ્રિટિશ સામ્રાજ્ય સામે કાવતરું ઘડવા માટે ચાર વર્ષની કારાવાસની સજા ભોગવી આવ્યા હતા. મદનીએ ૧૯૩૭માં કહ્યું હતું કે આજના જમાનામાં રાષ્ટ્રો વતનની ભૂમિને આધારે રચાય છે, ધર્મના આધારે નહીં.”

૧૯૪૭ના જૂનમાં AICCએ ભાગલાનો સ્વીકાર કર્યો ત્યારે પણ જમિયતના નેતા હિફ્ઝુર રહેમાન સ્યોહારવી ઠરાવની વિરુદ્ધમાં બોલ્યા – “… જો આજે કોંગ્રેસ ભાગલાનો સ્વીકાર કરી લેશે તો એનો અર્થ એ થશે કે આપણે પોતાના જ હાથે આપણા આખા ઇતિહાસ અને આપણી માન્યતાઓને ભૂંસી નાખીએ છીએઆપણે બે રાષ્ટ્રના સિદ્ધાંત સામે નમી ગયા છીએ…”

મોમીન કૉન્ફરન્સ

મોમીન કૉન્ફરન્સ ઉત્તર અને પશ્ચિમ ભારતના મુખ્યત્વે વણકરો અને બીજા કારીગરોનું સૌથી મોટું સંગઠન હતું. ઈસ્ટ ઇંડિયા કંપનીએ મૅન્ચેસ્ટર અને લિવરપુલમાં બનેલું કાપડ વેચવા માટે કંપનીએ વણકરોની કમર તોડી નાખવામાં કશું બાકી નહોતું રાખ્યું. મુસ્લિમ સમાજ પોતે પણ અશરફ-અર્ઝલ’ (ઉમરાવ અને મજૂર) વર્ગમાં વહેંચાયેલો હતો. અશરફ મુસ્લિમો પણ અર્ઝલ વર્ગના મુસલમાનોનું શોષણ કરવામાં પાછળ નહોતા. મોમીન કૉન્ફરન્સે રયીન (બકાલીઓ), મન્સૂરી (કપાસ ઉગાડનારા). ઇદરિસી (દરજીઓ) અને કુરેશી (કસાઈઓ)ને પણ સંગઠિત કરવાની કોશિશ કરી.

મોમીન કૉન્ફરન્સે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી અને કોંગ્રેસની સાથે રહીને સ્વાતંત્ર્ય સંઘર્ષમાં સામેલ થવાનું નક્કી કર્યું. ૧૯૪૩માં દિલ્હીમાં મોમીન કૉન્ફરન્સનું અધિવેશન મળ્યું તેમાં એના અધ્યક્ષ ઝહીરુદ્દીને મુસ્લિમ લીગ બધા મુસલમાનો વતી બોલતી હોવાના દાવાને પણ નકારી કાઢ્યો. આ બેઠકમાં ૧૫,૦૦૦ પ્રતિનિધિઓ હાજર રહ્યા અને એમણે ઠરાવ પસાર કર્યો કે એકમાત્ર મોમીન કૉન્ફરન્સ સાડાચાર કરોડ મુસલમાનોની પ્રતિનિધિ છે.

મજલિસઅહરારઇસ્લામ

આ નામનો અર્થ છે, ઇસ્લામની સ્વતંત્રતા માટેનું સંગઠન. ૧૯૨૯માં પંજાબના મુસ્લિમોએ આ સંગઠનની રચના કરી હતી. ૧૯૨૦ના ખિલાફત આંદોલનમાં એ સક્રિય હતા અને તે પછી એમણે અહરારની રચના કરી. અહરારના નેતા હબીબુર રહેમાન લુધયાનવીમાનતા કે, હિન્દુસ્તાનની બધી સમસ્યાઓનો ઉકેલ ખેડૂતો અને કામદારોને સંગઠિત કરીને મૂડીવાદીઓને બદલે ગરીબોની સરકાર બનાવવામાં છેહિન્દુસ્તાનની સરકાર અંગ્રેજોના હાથમાંથી નીકળીને મૂડીવાદીઓના હાથમાં જશે તો કોંગ્રેસની બધી મહેનત અને બલિદાનો એળે જશે…”

બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે બધાંથી પહેલાં અહરાર સંગઠને જાહેર કર્યું કે એ ચોખ્ખેચોખ્ખું સામ્રાજ્યવાદી યુદ્ધ હતું. યુદ્ધના વિરોધ માટે એના આઠ હજાર કાર્યકરો અને પચાસ જેટલા નેતાઓને ત્રણથી પાંચ વર્ષની સજા કરવામાં આવી.

ઑલ ઇંડિયા શિયા કૉન્ફરન્સ

શિયા કૉન્ફરન્સ હિન્દુ-મુસ્લિમ એકતાની હિમાયતી હતી. એના પ્રમુખ હુસૈનીભાઈ લાલજીએ કૅબિનેટ મિશન સમક્ષ કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનો એટલા લાંબા વખતથી એક પ્રજા તરીકે સાથે રહે છે અને ઘણી બાબતોમાં એમનામાં સમાનતા છે. શિયા કાઉંસિલને ડર હતો કે પાકિસ્તાન બનશે તો હનફી શરીઅતઆખા દેશમાં લાગુ થશે. (સુન્નીઓ અબૂ હનીફના કાયદાશાસ્ત્રને અનુસરે છે, જેને હનફી શરીઅત કહે છે). શિયાઓની શરીઅત જાફરીકે ઇમામિયા કાનૂનની અવગણના થશે. મુસ્લિમ લીગે શિયા લઘુમતીના રીતરિવાજોનું રક્ષણ કરવાની ખાતરી નહોતી આપી અને શિયાઓને અલગ દરજ્જો આપવા પણ તૈયાર નહોતી.

ઑલ ઇંડિયા મુસ્લિમ મજલિસ

મુસ્લિમ મજલિસની રચના ૧૯૪૩માં થઈ હતી. એનો મૂળ ઉદ્દેશ હિન્દુ-મુસ્લિમ એકતા ટકાવી રાખવાનો હતો. એની સ્થાપનાની જાહેરાત કરતાં બંગાળના અગ્રગણ્ય મુસ્લિમ નેતા શેખ મહંમદ જાને કહ્યું કે જિન્નાની રાજરમતથી મુસ્લિમોને વાકેફ કરવા માટે મજલિસની સ્થાપના કરાઈ છે. એના મૅનિફેસ્ટોમાં જાહેર કરવામાં આવ્યું કે જિન્ના પ્રત્યાઘાતી અને સ્વાર્થી છે અને એમણે સ્વતંત્રતા અને રાષ્ટ્રીય એકતાના ધ્યેયમાં આડશો ઊભી કરી છે. જ્યાં સુધી આવા નેતાઓને છૂટો દોર અપાશે ત્યાં સુધી આ દેશની બે મહાન કોમો વચ્ચે એકતા નહીં થાય કે દેશને આઝાદી નહીં મળે. આ પ્રત્યાઘાતી નેતાઓ ચાળીસ કરોડની જનતાનાં આઝાદીનાં અરમાનો સિદ્ધ કરવા માટેના સંઘર્ષને દબાવવા માટે બ્રિટિશ હકુમતના હાથનું શક્તિશાળી હથિયાર છે.”

અહ્‍લહદીસ

અહ્‍લ-એ-હદીસ મુસલમાનોનો એક સંપ્રદાય છે. (હદીસ એટલે પયગંબરના જીવનની ઘટનાઓની કથાઓ, અને અહલ એટલે લોક. હદીસના લોકો’). એમણે હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મૂક્યો અને અફસોસ સાથે કહ્યું કે અંગ્રેજો સામે લડવાને બદલે બન્ને કોમો નકામા મુદ્દાઓ પર અંદરોઅંદર લડે છે.

અંજુમનવતન

‘બલૂચી ગાંધી’ ખાન અબ્દુસ સમદ ખાનનું આ સંગઠન હતું. બલૂચિસ્તાનમાં મુસ્લિમ લીગની હાજરી નામ પૂરતી પણ નહોતી પણ પાકિસ્તાન યોજનામાં એનો પણ સમાવેશ કરી લેવાયો હતો. બલૂચી ગાંધીના જણાવ્યા પ્રમાણે માત્ર ગણ્યાગાંઠ્યા. ઇલકાબધારી મુસલમાનો પોતાને મુસ્લિમ લીગ તરીકે ઓળખાવતા હતા. એમના શબ્દોમાં, “મુસ્લિમ લીગને પાકિસ્તાન દિનપણ પોતાની ઑફિસમાં જ ઊજવવો પડ્યો અને પાકિસ્તાનના નામે લોકો સમક્ષ આવવાની એમની હિંમત નહોતી.

દક્ષિણ ભારતમાં પાકિસ્તાન વિરોધી મુસલમાનો

માત્ર ઉત્તર ભારતના મુસલમાનો જ પાકિસ્તાનનો વિરોધ કરતા હતા એવું નથી. દક્ષિણ ભારતમાં જૂન૧૯૪૧માં કુંબકોણમ (મદ્રાસ પ્રાંત)માં સાઉથ ઇંડિયા ઍન્ટી-સેપરેશન કૉન્ફરન્સ” (દક્ષિણ ભારતમાં ભાગલા વિરોધી કૉન્ફરન્સ) મળી. એનું ઉદ્‍ઘાટન જમિયતુલ ઉલેમા-એ-હિન્દના એક નેતા મૌલાના ઓબેદુલ્લાહ સિંધીએ કર્યું. મધ્ય પ્રાંતના એક માજી પ્રધાન મહંમદ યૂસુફ શરીફે પ્રમુખસ્થાનેથી બોલતાં કહ્યું કે, ભારતના મુસ્લિમ અને હિન્દુ રાજ્ય, એવા ભાગલા પાડવાથી, દેશમાં જે ચરુ ઊકળે છે તે ઠંડો પડવાને બદલે સતત ઊકળતો રહેશે.”

0-0-0

સંદર્ભઃ ૧. The Indian Annual Register Jan.-June 1940 Vol. I

૨. Muslims Against Partition: Revisiting the legacy of Allah Bakhsh and other patriotic Muslims:Shamsul Islam. PHAROS Media and Publishing House Pvt. Ltd. December 2015

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-17

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૧૭ : ‘પાકિસ્તાન’નો ઠરાવ

૧૯૪૦ની ૨૨મી માર્ચે લાહોરમાં મુસ્લિમ લીગનું ૨૭મું વાર્ષિક અધિવેશન મળ્યું. મહંમદ અલી જિન્ના પ્રમુખપદે હતા. અધિવેશનના બીજા દિવસે બંગાળ પ્રાંતના પ્રીમિયર ફઝલુલ હકે ‘પાકિસ્તાન’ બનાવવાનો ઠરાવ રજૂ કર્યો તે ભારે બહુમતીએ મંજૂર કરાયો. મૂળ ઠરાવ તો ‘બંધારણીય સમસ્યા’ વિશેનો છે અને એમાં કેટલાયે મુદ્દા છે, પરંતુ તેમાંથી ત્રીજો ફકરો આજે ઐતિહાસિક બની ગયો છે. ઠરાવ સૂચવે છે કે –

ભારતના વાયવ્ય અને પૂર્વી ભાગોમાં મુસલમાનોની બહુમતી છે; આ ભાગોમાં જે ભૌગોલિક જે પ્રદેશો હોય, તેમને થોડીક જરૂરી બાંધછોડ સાથે, જોડી દઈને એમનાં ‘સ્વતંત્ર રાજ્યો’ બનાવવાં જોઈએ, અને એનાં બધાં ઘટક એકમો સ્વાયત્ત અને સાર્વભૌમ હોવાં જોઈએ. એ સિદ્ધાંતને ધ્યાનમાં લીધા વિના જે કંઈ પણ બંધારણીય યોજના ઘડાશે તે ચાલશે નહીં અને તેનો મુસલમાનો સ્વીકાર પણ નહીં કરે.

ઠરાવમાં વધુમાં કહ્યું છે કે –

આ એકમો અને આ પ્રદેશોમાં લઘુમતીઓના ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય, વહીવટી અને બીજા અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે પૂરતી, અસરકારક અને ફરજિયાત જોગવાઈઓ હોવી જોઈએ; અને દેશના બીજા ભાગોમાં જ્યાં મુસલમાનો લઘુમતીમાં છે એમની સાથે ચર્ચા કરીને એમના ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય, વહીવટી અને બીજા અધિકારો અને હિતોનું રક્ષણ કરવું જોઈએ.

લીગની વર્કિંગ કમિટીને આ મૂળભૂત સિદ્ધાંતને આધારે ‘સંબંધિત પ્રદેશો’ને સંરક્ષણ, વિદેશ સંબંધ, સંદેશ વ્યવહાર, કસ્ટમ અને એવી ઘણી સત્તાઓની યોજના ઘડવાની જવાબદારી સોંપાઈ..

આ ઠરાવ ‘પાકિસ્તાન ઠરાવ’ તરીકે ઓળખાય છે પણ શરૂઆતના દિવસોમાં એ ‘લાહોર ઠરાવ’ તરીકે પ્રચારમાં હતો. આ નજરે એમાં બે વાત નોંધવા જેવી છેઃ એક તો, એમાં ‘પાકિસ્તાન’નું નામ નથી. પરંતુ જે પ્રદેશો સૂચવ્યા છે તે આજનું પાકિસ્તાન (એ વખતનું પશ્ચિમ પાકિસ્તાન) અને આજનું બાંગ્લાદેશ (એ વખતનું પૂર્વ પાકિસ્તાન) જ છે. પરંતુ ઠરાવમાં પાકિસ્તાન શબ્દ નથી.

આ શબ્દ તો લંડનમાં ભણતા વિદ્યાર્થી ચૌધરી રહેમત અલીએ બનાવ્યો. ૧૯૩૩ પછી જિન્ના બધું છોડીને કાયમી વસવાટ માટે લંડન ચાલ્યા ગયા હતા અને ત્યાં વકીલાત પણ શરૂ કરી દીધી હતી. રહેમત અલી અને એનો એક મિત્ર જિન્નાને મળ્યા અને એમને ‘પાકિસ્તાન’ની વાત કરી, પણ જિન્ના એ વખતે બહુ ઉત્સાહિત ન થયા. દરમિયાન, વેંકટ ધૂલિપાલા એમના પુસ્તક Creating a New Medinaમાં લખે છે તેમ, સામાન્ય મુસલમાનોની વાતચીતમાં આ શબ્દ પ્રવેશ કરી ચૂક્યો હતો કારણ કે રહેમત અલીએ ૧૯૩૩માં ત્રીજી ગોળમેજી પરિષદ વખતે એક પેમ્ફલેટ લખીને પરિષદમાં ભાગ લેનારાઓમાં વહેંચ્યું હતું એટલે એ શબ્દ હિન્દુસ્તાનીઓ માટે નવો નહોતો. એટલે જ, લાહોર ઠરાવ આવ્યો કે તરત લોકોએ એને પાકિસ્તાન શબ્દ સાથે જોડી દીધો. આ ઠરાવ Lahore Resolutiuon ને બદલે Pakistan resolution તરીકે વધારે જાણીતો બન્યો છે.

બીજી નોંધવા જેવી વાત એ છે કે એમાં બે ‘સ્વતંત્ર રાજ્યો’ (States)ની માગણી છે, એક Stateની નહીં. આનો અર્થ એ કે ઠરાવ રજૂ થયો ત્યાં સુધી જિન્નાના મગજમાં બે મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશો હતા અથવા તો States શબ્દ ટાઇપિંગની ભૂલ હતી. Statesમાંથી State કેમ થઈ ગયું તેનો એક ખુલાસો એવો આપવામાં આવે છે કે એ ટાઇપિંગની ભૂલ હતી. પરંતુ ઠરાવમાં વર્કિંગ કમિટીને યોજના ઘડવાની સત્તા આપવામાં આવી તેમાં પણ ‘સંબંધિત પ્રદેશો’ (Respective regions) છે, ‘પ્રદેશ’ (region) નથી. આમ ઠરાવ મંજૂર થઈ ગયો, અને લોકોએ એને ‘પાકિસ્તાન’ નામ આપી દીધું તે પછી લીગના નેતાઓ પણ statesને છોડીને stateની વાત કરતા થઈ ગયા. જિન્નાએ પણ તે પછી જેટલાં ભાષણ આપ્યાં તેમાં “an independent homeland” (સ્વતંત્ર ગૄહદેશ) અથવા “an independent Muslim state”(સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય) શબ્દો જ વાપર્યા. ૧૯૪૧માં લીગની મદ્રાસમાં મળેલી બેઠકમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી કે સૌએ ચોખ્ખું સમજી લેવું જોઈએ કે આપણે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય માટે પ્રયાસ કરીએ છીએ.”

પ્રમુખપદેથી જિન્નાનું ભાષણ

આ ઠરાવ રજૂ થયો તેનાથી પહેલાં જિન્નાએ પ્રમુખપદેથી ભાષણ કર્યું તેમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે તફાવત, કોંગ્રેસનું રાજકારણ વગેરે પર મુખ્યત્વે ચર્ચા કરી અને ગાંધીજી પર સખત પ્રહાર કર્યા. એમના ભાષણના કેટલાક અંશ અહીં જોઈએઃ

બ્રિટિશ સરકાર અને સંસદ, ખાસ કરીને બ્રિટિશ રાષ્ટ્ર (જનતા) પોતાને ત્યાં બંધારણ, સંસદ કે જે કૅબિનેટ વિશે ખ્યાલો પાકે પાયે બંધાયેલા છે તેના આધારે કેટલાય દાયકાઓથી હિન્દુસ્તાનના ભવિષ્ય વિશે વિચાર કરે છે. કોઈ એક પક્ષની સરકાર હોય તે સ્વાભાવિક લાગે છે. આને કારણે ૧૯૩૫નું બંધારણ બનાવીને એમણે ગંભીર ભૂલ કરી છે. આથી બ્રિટનના ઘણા રાજપુરુષો એવું કહેતા હોય છે કે ભારતની વિસંગતિઓ સમય જતાં સુસંગત બનતી જશે. The Timesના એક કૉલમ લેખકે લખ્યું કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચેનો તફાવત માત્ર ધર્મનો નહીં પણ એનાથીયે બહુ મોટો છે અને ખરેખર કહી શકાય કે બન્નેની સંસ્કૃતિ જુદી છે. પરંતુ સમય જતાં બધાવહેમ દૂર થઈ જશે. પરંતુ લેખક બન્ને કોમો વચ્ચેના તફાવત, એમની અલગ સંસ્કૃતિઓનેવહેમકહે છે તો ભારતીય ઉપખંડના ઇતિહાસનું અને સમાજ વિશેના ઇસ્લામિક ખ્યાલ અને હિન્દુ ખ્યાલ વચ્ચેના તફાવત વિશેનું અજ્ઞાન છે. એક હજાર વર્ષ સાથે રહ્યા પછી પણ બે જાતિઓ આજે પણ હંમેશની જેમ જુદી રહી છે.

એક લોકશાહી બંધારણ બનાવીને એમના પર ઠોકી બેસાડવાથી અને બ્રિટિશ સંસદીય કાયદાઓના કૃત્રિમ અને અસ્વાભાવિક નિયમોમાં એમને ગોઠવી દેવાથી બન્નેએક રાષ્ટ્રનહીં બની જાય. ભારતના બંધારણની સમસ્યા બે કોમો વચ્ચેની સમસ્યા નથી, પણ બે રાષ્ટ્રો વચ્ચેની સમસ્યા છે. બ્રિટિશ સરકાર ઉપખંડમાં ખરેખર સુખશાંતિ ઇચ્છતી હોય તો એક ઉપાય છે, બન્ને મોટી કોમોનેસ્વાયત્ત રાષ્ટ્રીય રાજ્યોમાં ફેરવી દો. ઉલ્ટું, એમ કરવાથી એક રાષ્ટ્રની બીજા રાષ્ટ્ર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાની ઇચ્છાનો અંત આવશે અને આંતરરાષ્ટ્રીય કરારો કરીને બન્ને શાંતિથી રહેશે.

છેલ્લાં બારસો વર્ષનો ઇતિહાસ પણ એકતા નથી કરાવી શક્યો અને હિન્દુસ્તાન હંમેશાં હિન્દુ ઇંડિયા અને મુસ્લિમ ઇંડિયા તરીકે વિભાજિત રહ્યું છે. ઇંડિયાની કૃત્રિમ એકતા તો બ્રિટિશરો જીત્યા તે પછી એમની બંદૂકોના સંગીનની અણીએ સ્થપાઈ છે. મુસ્લિમ ઇંડિયા એવું કોઈ બંધારણ નહીં સ્વીકારે, જેમાં હિન્દુ બહુમતીની સરકાર બની શકે.

હિન્દુ-મુસ્લિમ રાષ્ટ્રોનું આ વિવરણ કર્યા પછી જિન્ના રોજના રાજકારણ તરફ વળ્યાઃ

મુસ્લિમ લીગે બ્રિટને સૂચવેલી ફેડરેશનની યોજનાનો જોરદાર વિરોધ કર્યો પણ યુદ્ધ જાહેર થયા પછી વાઇસરૉયને મુસ્લિમ લીગના ટેકાની જરૂર પડી છે. ઓચિંતો જ એમના મારા પ્રત્યેના વલણમાં ફેરફાર દેખાયો અને મને મિ. ગાંધીની બરાબર ગણવા લાગ્યા. મને નવાઈ લાગી. ઓચિંતું આ શું થયું કે મને બઢતી મળી અને મિ. ગાંધીની હરોળમાં મૂકી દીધો. એનો જવાબ છે – મુસ્લિમ લીગ…!

આ તબક્કે સભાસ્થાન તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું.

યુદ્ધ જાહેર થયું ત્યારે આપણી સ્થિતિ નાજુક હતી. એક બાજુ ખાઈ અને બીજી બાજુ દરિયો. પણ કોંગ્રેસના અઢી વર્ષના શાસનમાં આપણને શીખવા મળ્યું કે આપણે કોઈનો વિશ્વાસ ન કરવો; અને ખાસ કરીને આપણને દગો દેનારનો તો કદી નહીં. હું કદીયે માનતો નહોતો કે કોંગ્રેસ અને બ્રિટિશ સરકાર વચ્ચે સાંઠગાંઠ થશે. આપણે બૂમો પાડતા રહ્યા પણ કોંગ્રેસની સરકારોવાળા પ્રાંતોના ગવર્નરોએ ચુપકીદી સાધી લીધી અને ગવર્નર જનરલે પણ એમાં પોતાની લાચારી દેખાડી.

….યુદ્ધ ફાટી નીકળ્યા પછી કોંગ્રેસે કહ્યું કે બ્રિટિશ સરકાર જાહેરાત કરે કે ભારત હમણાંથી જ સ્વતંત્ર છે અને અમે અમારું બાંધારણ પોતે જ બનાવશું. એના માટે પુખ્ત મતાધિકારથી ચુંટાયેલી બંધારણ સભા બનાવશું. મિ. ગાંધી કહે છે કે લઘુમતીઓને આનાથી સંતોષ ન થાય તો એક ટ્ર્રાઇબ્યુનલ વિવાદનો ફેંસલો કરશે. પણ એમની ધારણા એ છે કે બંધારણસભા બનતાંવેંત બ્રિટિશ શાસનનો અંત આવશે અને બધી સત્તા બંધારણસભાના હાથમાં આવી જશે. પણ આ કઈ રીતે અમલમાં મુકાશે? એના માટેઓથોરિટીકોણ હશે? મિ. ગાંધી…!

મિ. ગાંધી મુસલમાનોનો મત જાણવા માટે બંધારણ સભા બનાવવા માગે છે. પણ જો મુસ્લિમ લીગ સાથે કંઈક સમાધાન કરવાની ખરેખર ઇચ્છા હોય તો મેં ઘણી વાર કહ્યું છે તેમ, મિ. ગાંધી શા માટે કબૂલ નથી કરતા કે કોંગ્રેસ હિન્દુઓનું સંગઠન છે? મને એ કહેતાં શરમ નથી આવતી કે હું મુસ્લિમ છું તો મિ. ગાંધી કેમ ગર્વથી નથી કહેતા કેહું હિન્દુ છું”? બંધારણસભાની માગણીને બદલે મિ. ગાંધી હિન્દુ નેતા તરીકે શા માટે નથી આવતા અને મને મુસલમાનો તરફથી પ્રતિનિધિત્વ કરવા કેમ નથી દેતા?

જિન્નાના રાજકારણે લાહોરમાં પાકિસ્તાન માટેનો ઠરાવ પસાર થવાની સાથે નવો વળાંક લીધો. મુસલમાનોની સંસ્કૃતિ, રીતરિવાજો કે ધાર્મિક માન્યતાઓના રક્ષણના બહાને જિન્ના ખરેખર તો રાજકીય અધિકારો જ માગતા હતા અને એના માટે કોઈ પણ હદે જવા તૈયાર હતા. બંધારણવાદી જિન્નાને બંધારણસભા નહોતી જોઈતી. એમની માગણી ‘બે રાષ્ટ્રો’નું કોકડું સ્વતંત્રતાથી પહેલાં ઉકેલવાની છે, અને ભાગલા, એ જ એમને મન સ્વતંત્રતા હતી. બ્રિટિશ સરકારને તો ભાવતું’તું ને વૈદે બતાવ્યા જેવું હતું. હવે દેશના ભાગલાને રોકી શકાય એમ નહોતું.

પરંતુ ખરેખર બધા મુસલમાનો જિન્નાની સાથે હતા? એમના ‘બે રાષ્ટ્ર’ના સિદ્ધાંત (two-nation theory)ને માનતા હતા? આ પ્રશ્નનો જવાબ આવતા અઠવાડિયે જોઈશું.

૦૦૦

સંદર્ભઃ

(1) The Indian Annual register Jan-June 1940 Vol 1

(2) http://www.columbia.edu/itc/mealac/pritchett/00islamlinks/txt_jinnah_lahore_1940.html

(3) https://historypak.com/lahore-resolution-1940/

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-16

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૧૬: મુસલમાનો માટે ‘મુક્તિ દિન’

કોંગ્રેસની સરકારો લગભગ અઢી વર્ષ ચાલી. તે દરમિયાન એમણે ઘણાં સારાં કામ કર્યાં હતાં. દારુબંધી લાગુ થતાં ગરીબ વર્ગના લોકોને સાત કરોડ રૂપિયા જેટલો ફાયદો થયો. ખેડૂતોનાં ચાળીસ કરોડ રૂપિયા જેટલાં દેવાં માફ કરવામાં આવ્યાં. મજૂરો માટે પણ ઘણા કાયદા સુધારીને એમને રક્ષણ આપવામાં આવ્યું તે ઉપરાંત, જમીન સંબંધી સુધારાઓ જેવાં દૂરગામી અસરવાળાં પગલાં પણ લેવાયાં.

પ્રાંતિક ઍસેમ્બ્લીઓની ચૂંટણી પછી જિન્નામાં પરિવર્તન આવ્યું હતું. બંધારણવાદી જિન્ના હવે કોઈ પણ ભોગે પોતાના પગ નીચેથી ધરતી સરકી જાય તે માટે તૈયાર નહોતા. પરિણામોએ દેખાડ્યું હતું કે મુસ્લિમ લીગ ક્યાંય પણ સરકાર ન બનાવી શકી. પરંતુ જિન્નાને રાજકીય બોગદાના અંધારામાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો દેખાતો હતો – મુસલમાનો મુસ્લિમ લીગને માને કે ન માને, મુસલમાનોને ગળે એ ઉતારવા સિવાય એમના પાસે રસ્તો નહોતો કે કોંગ્રેસ એમની દુશ્મન છે. મુસલમાનોના નામે જિન્નાએ કોંગ્રેસને નિશાન બનાવીને ઘણા નિરાધાર આક્ષેપો કર્યા કે મુસલમાનો કોંગ્રેસના શાસનવાળાં રાજ્યોમાં દમન અને શોષણનો ભોગ બનતા હતા અને એમની સાથે ભેદભાવ રખાતો હતો. એટલે યુક્ત પ્રાંતમાં ગોવિંદ વલ્લભ પંતની સરકાર બની તે સાથે જ એમણે મુસલમાનો સાથે અન્યાય થતો હોવાની કાગારોળ શરૂ કરી દીધી.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદે એમના આ દાવાને પડકાર્યો અને પુરાવા માગ્યા ત્યારે જિન્નાએ જવાબ આપ્યો કે એમણે વાઇસરૉયને મેમોરેન્ડમ આપ્યું છે અને એ જ હવે એના પર કાર્યવાહી કરશે. આમ જિન્ના માત્ર આક્ષેપ કરતા હતા, ખરેખર કોઈ પુરાવા આપવા તૈયાર નહોતા.

પરંતુ જિન્ના એક ડગલું આગળ વધ્યા અને એમણે હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે રૉયલ કમિશનની માગણી કરી! કોંગ્રેસના નેતાઓએ જિન્નાની ફરિયાદોને પોકળ ગણાવી તો બીજી બાજુ, બંગાળના પ્રીમિયર ફઝલુલ હકે એને ટેકો આપતાં હિન્દુઓએ મુસલમાનો પર ગુજારેલા ત્રાસનો દસ્તાવેજ તૈયાર કરવાની ધમકી આપી. ઑલ ઇંડિયા ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા રાવ બહાદ્દુર એમ. સી. રાજાએ પણ રૉયલ કમિશનની માગણીને ટેકો આપ્યો.

પીરપુર રિપોર્ટ

કોંગ્રેસે સરકારો બનાવી તેના આઠ જ મહિનામાં, એટલે કે ૧૯૩૮ના માર્ચમાં એમણે મુસલમાનો પરના અત્યાચારોની તપાસ માટે પીરપુરના રાજા સૈયદ મહંમદ મેહદીના વડપણ હેઠળ એક કમિટી બનાવી. એનો રિપોર્ટ નવેમ્બરમાં આવ્યો. ‘પીરપુર રિપોર્ટ’માં આક્ષેપો બધા એ જ હતાઃ કોંગ્રેસ હિન્દી ઠોકી બેસાડે છે; ઉર્દુને કચડી નાખી; વંદે માતરમ ગાવાનું ફરજિયાત છે;  વગેરે. પીરપુર રિપોર્ટે આક્ષેપ કર્યો કે  શિક્ષણ માટેની યોજનામાં ‘વિદ્યા મંદિર’ શબ્દ વપરાય છે. પણ ‘મંદિર’ શબ્દ મુર્તિપૂજાનો સૂચક છે. સરકાર ‘હનુમાન અખાડા’ વગેરેને મોટી ગ્રાંટ આપે છે. એમાં હિન્દુઓને લડવાની તાલીમ આપાય છે, વગેરે.

બીજો આક્ષેપ એ હતો કે કોઈ પણ હિન્દુ કોંગ્રેસનો અને હિન્દુ મહાસભા, બન્નેનો સભ્ય બની શકે છે પણ મુસલમાન કોંગ્રેસમાં જોડાય તો એ મુસ્લિમ લીગમાં નથી રહી શકતો. આના પછી તો વધારે તીખો રિપોર્ટ બિહારમાં મુસ્લિમોની હાલત વિશે તૈયાર કરાયો અને બંગાળના પ્રીમિયર ફઝલુલ હકે છેલ્લે જે રિપોર્ટ તૈયાર કર્યો તે તો આડો આંક હતો. એમાં આક્ષેપ હતો કે હિન્દુ અધિકારીઓ એમની નીચેના મુસલમાન કર્મચારીઓને સજાઓ કરે છે. એમનો સામાન્ય સૂર એ જ હતો કે હિન્દુઓ, હિન્દુ કોમવાદીઓ અને કોંગ્રેસ, ત્રણેય એક જ છે. પરંતુ આક્ષેપોમાં ખાસ વજૂદ નહોતું અને મધ્ય પ્રાંતના ગવર્નરે તો વાઇસરૉયને આ બાબતમાં પોતાની ટિપ્પણી મોકલી તેમાં કહ્યું કે મુસ્લિમ લીગના આક્ષેપો પાયા વિનાના છે.

મુસ્લિમ લીગને ખરો વાંધો તો એ હતો કે કોંગ્રેસે મુસ્લિમ જન સંપર્ક શરૂ કર્યો હતો. આ જનસંપર્ક મુસલમાનોને છેતરવા માટે હતો એમ આ રિપોર્ટો કહેતા હતા. કોંગ્રેસ સરકારોએ જમીનદારી નાબૂદીનાં પગલાં લીધાં તેથી ઘણા ગરીબ હિન્દુઓ અને મુસલમાનોને લાભ થતો હતો. આમ મુસલમાનોમાં આર્થિક ભાગલા પડવા લાગ્યા હતા. મુસ્લિમ લીગ માટે આ સ્થિતિ સારી નહોતી. કારણ કે આર્થિક મુદ્દા આગળ આવે તો મુસલમાનોને કોમ કે ધર્મના નામે એક ન કરી શકાય. કોમના નામનો ઉપયોગ જ આર્થિક સમસ્યાઓને દબાવવા માટે અને અમુક સ્થાપિત હિતોના રક્ષણ માટે થાય છે. કોંગ્રેસ સરકારોના નિર્ણયોથી દુઃખી થયેલા મુસલમાન જમીનદારો મુસ્લિમ લીગ તરફ વળ્યા અને હિન્દુ જમીનદારો હિન્દુ મહાસભા તરફ ગયા.

કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે વાટાઘાટ

આમ છતાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે કોમી સમસ્યાના ઉકેલની પણ વાતચીત ચાલુ હતી. નવેમ્બરની પહેલી તારીખે ગાંધીજી, રાજેન્દ્ર પ્રસાદ અને જિન્ના એક સાથે વાઇસરૉયને મળ્યા. તે પછી ગાંધીજી ફરીથી જિન્નાને મળ્યા. વાતો એવી સંભળાતી હતી કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વાઇસરૉયને સમાધાનનો સંયુક્ત પત્ર આપશે પણ રાજેન્દ્ર પ્રસાદે પત્રકારો સમક્ષ કહ્યું કે કોંગ્રેસનો જવાબ એક-બે દિવસમાં, ચોથી નવેમ્બરે મોકલી અપાશે. આનો અર્થ એ થયો કે કોઈ સમજૂતી નહોતી થઈ શકી. ગાંધીજી ચોથી તારીખે વાઇસરૉયને મળ્યા પછી રાજેન્દ્ર પ્રસાદ સાથે દિલ્હીથી રવાના થઈ ગયા. એમને એ વખતે કહ્યું કે જનાબ જિન્ના સાહેબ મુસ્લિમોનાં હિતોનું રક્ષણ કરવા માટે બ્રિટિશ સરકારના મોઢા સામે જુએ છે. કોંગ્રેસ આમાં કંઈ કરી શકે તેમ નથી.

જિન્ના કોંગ્રેસ સાથે મળીને સમાધાન કરવા નહોતા માગતા, એમણે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ત્રીજો પક્ષ મધ્યસ્થી કરે એવી માગણી કરી, પણ હિન્દુ મહાસભાના નેતા ડૉ. બી. એસ. મુંજેએ કહી દીધું હતું કે કોંગ્રેસ હિન્દુઓનું પ્રતિનિધિત્વ નથી કરતી એટલે હિન્દુ-મુસ્લિમ સમસ્યા  વિશે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતી થાય હિન્દુ મહાસભા માન્ય નહીં રાખે.

મુક્તિ દિન

અંતે કોંગ્રેસનાં પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં ત્યારે જિન્નાએ કહ્યું કે હિન્દુ રાજનો અંત આવ્યો છે એનો ઉત્સવ મુસલમાનોએ મનાવવો જોઈએ. એમણે ૨૨મી ડિસેમ્બર આ માટે નક્કી કરી. મુક્તિ દિનનું એલાન આપ્યા પછી એ નરમ પડતા ગયા અને દર વખતે જુદું અને વધારે ને વધારે નરમ અર્થઘટન કરતા ગયા. દેખીતું છે કે એમને કોમી રમખાણો ફાટી નીકળવાની શક્યતાનો શરૂઆતમાં ખ્યાલ નહોતો આવ્યો પણ દિવસો જતાં એમને મુક્તિ દિનનાં ગોઝારાં પરિણામોની બીક લાગવા માંડી હતી. જિન્નાએ મુંબઈમાં મુસલમાનોની એક સભામાં બોલતાં પોતાનું મંતવ્ય સુધાર્યું, “હું હંમેશાં મારા હિન્દુ ભાઈઓ સાથે ‘સમાનતાને ધોરણે’ સમાધાન કરવા તૈયાર છું. મારા મનમાં એમના માટે જરાય દુર્ભાવના નથી.” જિન્નાને એવી પણ સલાહ મળી કે કોંગ્રેસ સાથે એમની વાટાઘાટો ચાલે છે ત્યારે મુક્તિ દિનનું એલાન કરવાનું યોગ્ય નહોતું. એની શી અસર થઈ શકે તેના તરફ ધ્યાન દોરવામાં આવતાં જિન્નાએ ખુલાસો કર્યો કે એમણે તો માત્ર મુસ્લિમ વિરોધી સરકારોના જવા બદલ આભાર માનવાનો દિન ઊજવવા મુસલમાનોને કહ્યું છે. એમણે અંતે સ્પષ્ટતા કરી કે ૨૨મી ડિસેમ્બરે જે કાર્યક્રમો થશે તે મુસલમાનોના હિન્દુઓ વિરુદ્ધના કાર્યક્રમો નહીં હોય, એ માત્ર કોંગ્રેસ સરકારના પતનને વધાવી લેવાના કાર્યક્રમ હશે. આમ જિન્ના, હિન્દુ રાજ પરથી “હિન્દુઓ પ્રત્યે દુર્ભાવના નથી” પર આવ્યા અને છેલ્લે. માત્ર કોંગ્રેસ પર આવી ગયા.

૨૨મીએ આખા દેશમાં મુસલમાનોએ મુક્તિ દિન મનાવ્યો. જો કે એમાં માત્ર મીટિંગો મળી. કાનપુરમાં ખાસ જોર રહ્યું અને ક્યાંક મસ્જિદો પર રોશની કરવામાં આવી.

જમિયતુલ-ઉલેમા-એ-હિન્દ અને શિયા કૉન્ફરન્સે મુસ્લિમ લીગને સાથ ન આપ્યો, પરંતુ, ડૉ, આંબેડકરની ઇંડીપેન્ડન્ટ લેબર પાર્ટી અને પેરિયાર ઈ. વી. રામસ્વામી નાઇકરની જસ્ટિસ પાર્ટી એમાં સામેલ થઈ.

ત્રીજા પક્ષની નજરે મુસ્લિમ લીગના આક્ષેપો

ડિસેમ્બરમાં નાગપુરમાં ઑલ ઇંડિયા ક્રિશ્ચિયન કૉન્ફરન્સ મળી. પ્રમુખપદેથી બોલતાં હરેન્દ્ર ચન્દ્ર મુખરજીએ મુસ્લિમ લીગના આક્ષેપોની પણ ચર્ચા કરી. એમણે કહ્યું કે બ્રિટિશ સરકારે કોમી સમસ્યાના ઉકેલ માટે જે રસ્તો લીધો છે તે સમસ્યાને વણસાડવા માટે વધારે જવાબદાર છેઆપણા મુસલમાન ભાઈઓ અને મુસ્લિમ લીગ ગેરવાજબી અને તર્કહીન માગણીઓ કરે છે તેના માટે બીજા કોઈ સંજોગો કરતાં બ્રિટિશ હકુમત તરફથી એને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે વધારે જવાબદાર છે….મારે પણ કહેવું પડશે કે કોંગ્રેસી સરકારો મુસલમાનોની અસાધારણ ચિંતા કરે છે પણ તેની ધારી અસર નથી થઈ. હું માનું છું કે મુસલમાનો લઘુમતીમાં હોવાને કારણે કોઈ રીતે વંચિત નથી રહ્યા અને ખરેખર તો હિન્દુઓની બહુમતી હોવા છતાં સરકાર મુસલમાનો પ્રત્યે પક્ષપાત કરે છે!

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register June-Dec 1939 Vol. II

shodhganga.flibnet.ac.in (જુદા જુદા અભ્યાસલેખો)

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-15

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૧૫: બ્રિટને યુદ્ધમાં ભારતને જોતર્યું

૧૯૩૯ની બીજી-ત્રીજી જુલાઈએ મુંબઈમાં જિન્નાના નિવાસસ્થાને મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીની બેઠક મળી. જિન્ના હવે દેશી રાજ્યોમાં મુસલમાનોની પણ આગેવાની લેવાનો પ્રયાસ કરતા હતા એટલે કમિટીએ જયપુરમાં મુસલમાનોના દમન સામે પગલાં લેવા ગવર્નર જનરલને અપીલ કરી અને હૈદરાબાદમાં નિઝામ વિરુદ્ધ હિન્દુ સંગઠનો ઉશ્કેરણી કરતાં હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસની સરકારો ચાલતી હોય તે પ્રાંતોમાં મુસલમાનો પ્રત્યે થતા ભેદભાવો વિશે એક આવેદનપત્ર જિન્નાએ ગવર્નર જનરલને પહેલાં જ મોકલી આપ્યો હતો.

ફરી ઑગસ્ટમાં મુસ્લિમ લીગની કાઉંસિલની મીટિંગ દિલ્હીમાં મળી તેમાં, યુદ્ધ ફાટી નીકળે અને બ્રિટન એમાં જોડાય તો મુસ્લિમ લીગે શું વલણ લેવું તે ચર્ચાનો મુખ્ય વિષય હતો. આ બાબતમાં કાઉંસિલે ઠરાવ પસાર કરીને કહ્યું કે ભારતમાં વાઇસરૉય તેમ જ પ્રાંતિક ગવર્નરો હસ્તક લઘુમતીઓના રક્ષણ માટેની ખાસ સત્તાઓ હોવા છતાં કોંગ્રેસની સરકારો મુસલમાનો સાથે જે વ્યવહાર કરે છે તેને ડામવામાં સફળતા નથી મળી. આ સંજોગોમાં મુસ્લિમોની માગણી સરકાર માનશે તો જ મુસ્લિમ લીગ યુદ્ધમાં એને ટેકો આપશે. આમ મુસ્લિમ લીગે યુદ્ધ વિશે પોતાની નીતિ જાહેર કરવાનું ટાળી દીધું અને ભવિષ્યમાં સરકાર સાથે સોદો કરવાનો માર્ગ ખુલ્લો રાખ્યો.

બીજી બાજુ, હજી મુસલમાનોમાં જિન્નાનું હજી એકચક્રી રાજ નહોતું સ્થપાયું. ઉદાહરણ તરીકે પંજાબના પ્રીમિયર સિકંદર હયાત ખાને ભારત અને બ્રિટનના વેપાર વિશે અને ફેડરલ સ્કીમ વિશે મુસ્લિમ લીગ કરતાં જુદું વલણ લીધું. કાઉંસિલમાં એમની સામે પગલાં લેવાનો ઠરાવ આવ્યો પણ જિન્ના પંજાબ પ્રાંતની મુસ્લિમ બહુમતીને નારાજ કરવા નહોતા માગતા એટલે એમણે કહી દીધું કે પંજાબના પ્રીમિયરને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા સિવાય કંઈ કાર્યવાહી ન થઈ શકે.

પંજાબમાં લીગની ઑફિસો પર એના નામના પાટિયાં ઝુલતાં હતાં તે સિવાય લીગની બહુ કિંમત નહોતી. એટલે મુસ્લિમ લીગ કંઈ પણ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેવું હતું. જિન્નાએ પંજાબમાં સિકંદર હયાત ખાન પર લીગનો બધો મદાર છે એમ ચોખ્ખા શબ્દોમાં તો ન કહ્યું પણ પોતાનો હાથ ઉપર રાખીને વાત ટાળી.

યુદ્ધની જાહેરાત

બીજી સપ્ટેમ્બરે વાઇસરૉયે યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો શું કરવું તે વિશે વાતચીત માટે ગાંધીજીને શિમલા આવવા નોતર્યા. પણ વાઇસરૉય સાથે એમની વાતચીત થાય તેનાથી પહેલાં, ૩જી સપ્ટેમ્બરે બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી. ઇંગ્લૅંડના સમ્રાટે દેશવાસીઓ અને બ્રિટિશ સંસ્થાનોના નાગરિકોને હિટલર સામેની લડાઈમાં સામ્રાજ્યને સાથ આપવા અપીલ કરી. વાઇસરૉયે પણ શિમલાથી રેડિયો બ્રોડકાસ્ટમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે ભારત પણ એક મહાન દેશ અને ઐતિહાસિક સંસ્કૃતિ તરીકે તાકાતની સત્તા વિરુદ્ધ માનવસ્વાતંત્ર્યના પક્ષે રહીને બધી રીતે મદદ કરશે.” ગાંધીજીએ વાઇસરૉયને મળ્યા પછી નિવેદન કર્યું કે એમની અંગત સહાનુભૂતિ બ્રિટન સાથે છે અને લગભગ એવું લાગે છે કે યુદ્ધની શરૂઆત હેર હિટલરે કરી છે. જો કે, એમણે કોંગ્રેસ વતી કંઈ કહેવાની ના પાડી પણ આ બાબત કોંગ્રેસમાં હાથ ધરવાની ખાતરી આપી.

તરત જ યુદ્ધલક્ષી પગલાં લેવાનું શરૂ થઈ ગયું હતું. ‘દુશ્મન’ દેશ સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મુકાયો, વાઇસરૉયે વટહુકમ બહાર પાડીને બ્રિટિશ ઇંડિયાના સંરક્ષણ માટે ખાસ સત્તાઓ હાથમાં લીધી અને દેશમાં રહેતા જર્મન નાગરિકોને અટકાયતમાં લેવાના હુકમો કરવામાં આવ્યા. કલકત્તામાંથી લગભગ એકસો જર્મનોને પકડી લેવાયા. મુંબઈમાં સી. આઈ. ડી.એ નાઝી પાર્ટીની ભારતમાં હિલચાલ માટે એકત્ર કરાયેલા એક લાખ રૂપિયા પકડી પાડ્યા.

નહેરુએ કહ્યું કે બ્રિટન સંકટમાં છે તેનો ગેરલાભ લેવાનો કોંગ્રેસનો ઇરાદો નથી. મુંબઈ પ્રાંતના ગૃહ પ્રધાન કનૈયાલાલ મુનશીએ મુંબઈમાં ગુજરાત સાહિત્ય સંસદની મીટિંગમાં બોલતાં યુરોપમાં છેડાયેલા યુદ્ધને કારણે સભ્ય દેશોની ખુવારી વિશે ચર્ચા કરી. કલકત્તામાં રવીન્દ્ર નાથ ટાગોર, પ્રફુલ્લ ચન્દ્ર રૉય, મન્મથ નાથ મુખરજી અને બીજા કેટલાય નેતાઓએ નિવેદન કરીને ભારતને બ્રિટનની પડખે રહેવા અપીલ કરી. બીજી બાજુ નૅશનલ લિબરલ ફેડરેશનના પ્રમુખ સર ચીમનલાલ સેતલવાડે પણ બ્રિટનને ટેકો આપવા બધા પક્ષોને અપીલ કરી.

દરમિયાન ૧૧મીએ વર્ધામાં કોંગ્રેસ કમિટીની બેઠક મળી તેમાં યુદ્ધ પ્રત્યે કોંગ્રેસના વલણ વિશે અંતિમ નિર્ણય લઈ ન શકાયો. પરંતુ ૧૪મીએ નિવેદન બહાર પાડીને કોંગ્રેસે માગણી કરી કે બ્રિટન યુદ્ધના પોતાના ઉદ્દેશોની સ્પષ્ટતા કરે અને ભારતમાં એ લોકશાહીનો સિદ્ધાંત કઈ રીતે લાગુ કરશે તે જણાવે. વર્કિંગ કમિટીએ પોલૅંડ પર જર્મનીના કબજાની ટીકા કરી અને તે સાથે જ ઉમેર્યું કે કોંગ્રેસની જર્મની કે જર્મન પ્રજા સાથે કોઈ લડાઈ નથી, પરંતુ અમે પોલૅંડ પરના આક્રમણનો વિરોધ કરીએ છીએ.

દરમિયાન, ગાંધીજી ૨૬મીએ વાઇસરૉયને મળવા ફરી શિમલા ગયા. એ જ દિવસે, બ્રિટનના ભારત માટેના પ્રધાન લૉર્ડ ઝેટલૅન્ડે હાઉસ ઑફ લૉર્ડ્સ (ઉમરાવ સભા)માં બોલતાં કહ્યું કે ભારતના બધા વર્ગો બ્રિટનને ટેકો આપે છે, માત્ર કોંગ્રેસે બ્રિટન અને ભારતના રાજકીય સંબંધોનો મુદ્દો ઊભો કર્યો છે. આ નિવેદન પછી વાઇસરૉયે ઑક્ટોબરની ત્રીજીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ સાથે યુદ્ધમાં ભારતની સ્થિતિ વિશે વાતચીત કરી.

એ જ ટાંકણે મુંબઈમાં લિબરલ પાર્ટીના નેતાઓ સર ચીમનલાલ સેતલવાડ, સર કાવસજી જહાંગીર, વી. એન. ચંદાવરકર, હિન્દુ મહાસભાના ભૂતપૂર્વ પ્રમુખ એન. સી. કેળકર અને એ નવા પ્રમુખ વિનાયક દામોદર સાવરકર, અને ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા ડૉ. બી. આર. આંબેડકરે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કોંગ્રેસ કે મુસ્લિમ લીગ, બન્ને, બધા જ હિન્દુસ્તાનીઓ અથવા એમાંથી ઘણાખરા લોકોનું પ્રતિનિધિત્વ કરતાં નથી એટલે સરકાર મુસ્લિમ લીગ કે કોંગ્રેસ સાથે કંઈ સમાધાન કરશે તે ભારતમાં બીજા લોકોને માટે બંધનકર્તા નહીં રહે. તે પછી વાઇસરૉયે આ નેતાઓને પણ વાતચીત માટે આમંત્રણો મોકલ્યાં. સુભાષચન્દ્ર બોઝને પણ અલગથી આમંત્રણ આપ્યું.

વાઇસરૉયનું સ્ટેટમેંટ

જુદી જુદી વિચારધારાઓના પ્રતિનિધિઓ સાથે મંત્રણાઓ કર્યા પછી ઑક્ટોબરની ૧૭મીએ વાઇસરૉયે નિવેદન બહાર પાડ્યું અને કોંગ્રેસની માગણી ઠુકરાવી દીધી. મુસ્લિમ લીગ અથવા બીજાં રાજકીય જૂથોને આની કંઈ અસર નહોતી. એકમાત્ર કોંગ્રેસે બ્રિટનના યુદ્ધના ઉદ્દેશો વિશે પ્રશ્ન ઊભો કર્યો હતો. બ્રિટન અને મિત્ર રાજ્યો હિટલરના નાઝીવાદ સામે લોકશાહી જીવન પદ્ધતિનું રક્ષણ કરવા માટે લડાઈ કરતાં હોવાનો દાવો કરતાં હતાં. કોંગ્રેસે આ દાવો સ્વીકાર્યો હતો અને યુદ્ધ માટે હિટલરને જવાબદાર ઠરાવ્યો હતો પણ કોંગ્રેસનો સવાલ એ હતો કે ભારતમાં લોકશાહીની સ્થાપના માટે બ્રિટન શું કરવા માગે છે? ભારત સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો ન લઈ શકે તો બ્રિટનની લડાઈ માત્ર યુરોપ પૂરતી જ છે.

વાઇસરૉયે આ માગણીને નકારી કાઢી અને કહ્યું કે યુદ્ધ સમાપ્ત થયા પછી બ્રિટનની સરકાર ભારતમાં જે કંઈ બંધારણીય સુધારા કરવા જેવા જણાશે તેના વિશે જુદી જુદી કોમો, પક્ષો, વર્ગીય હિતોના પ્રતિનિધિઓ અને દેશી રાજાઓ સાથે ચર્ચા કરશે. વાઇસરૉયની બીજી જાહેરાત બ્રિટિશ ઇંડિયાની રાજકીય પાર્ટીઓ અને રજવાડાંઓના શાસકોની કમિટી બનાવવા વિશેની હતી. આ કમિટીની જવાબદારી યુદ્ધને લગતી પ્રવૃત્તિઓ માટે લોકમતનું સમર્થન કેળવવાની હતી.

ગાંધીજીએ આ નિવેદનની ટીકા કરતાં કહ્યું કે બ્રિટન સરકારે કંઈ પણ જાહેરાત ન કરી હોત તો સારું થયું હોત. વાઇસરૉયના લાંબા નિવેદનનો હેતુ માત્ર એ જ દર્શાવવાનો છે કે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ ચાલુ રહેશે. કોંગ્રેસ એમાં જોડાઈ ન શકે. જાહેરાત સ્પષ્ટ રીતે દેખાડે છે કે બ્રિટનનું ચાલશે ત્યાં સુધી ભારતમાં લોકશાહી નહીં આવે. યુદ્ધ પછી બીજી એક ગોળમેજી પરિષદ સુચવવામાં આવી છે. પણ પહેલાંની ગોળમેજી પરિષદો જેમ નિષ્ફળ નીવડશે. કોંગ્રેસે રોટી માગી અને સરકારે આપ્યો પથ્થર!

જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે વાઇસરૉયે આ નિવેદન વીસ વર્ષ પહેલાં કર્યું હોત તો એ વખતે પણ ‘આઉટ ઑફ ડેઇટ’ ગણાયું હોત અને આજે તો વાસ્તવિકતા સાથે એને સ્નાનસૂતકનો પણ સંબંધ નથી રહ્યો. નિવેદનમાં સ્વતંત્રતા, મુક્તિ, લોકશાહી, આત્મનિર્ણય જેવા કોઈ ઉલ્લેખ પણ નથી. એનાથી ઉલ્ટું, ડિપ્રેસ્ડ ક્લાસિસ વતી ડૉ. આંબેડકરે કહ્યું કે આ સંયોગોમાં વાઇસરૉય બીજું શું કરી શક્યા હોત? દિલ્હી પ્રાંતના ડિપ્રેસ્ડ ક્લાસના નાગરિકોએ એમ. સી. રાજાના પ્રમુખપદે એક ઠરાવ પસાર કરીને બ્રિટિશ સરકારને ટેકો આપવાની જાહેરાત કરી.

કોંગ્રેસી સરકારોનાં રાજીનામાં

વાઇસરૉયના આ નિવેદન પછી પ્રાંતોમાં કોંગ્રેસની સરકારો ચાલુ રહે તો એમણે યુદ્ધ સંબંધી કાર્યોમાં વાઇસરૉયના હુકમો માનવા પડે. વાઇસરૉયે વટહુકમ બહાર પાડીને ઘણી સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી હતી. કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે વર્ધામાં ખબરપત્રીઓને કહ્યું કે વાઇસરૉયના નિવેદન પછી કોંગ્રેસમાં કે એની વર્કિંગ કમિટીમાં ચર્ચા કરવા જેવું કંઈ નથી રહ્યું. હવે કોંગ્રેસનાં પ્રધાનમંડળો ટકી શકે એ સ્થિતિ નથી રહી. તે પછી ૨૨મી ઑક્ટોબરે વર્ધામાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગમાં ઠરાવ પસાર કરીને બધાં કોંગ્રેસી પ્રધાનમંડળોને રાજીનામાં આપવાનો આદેશ આપવામાં આવ્યો. વર્કિંગ કમિટીએ દેશવાસીઓને બધા આંતરિક મતભેદો ભૂલીને સંગઠિત થવાની હાકલ કરી.

બંગાળના પ્રીમિયર ફઝલુલ હકે રાજીનામાનો નિર્ણય લેવા બદલ કોંગ્રેસની આકરી ટીકા કરી અને વાઇસરૉયના નિવેદનને ટેકો આપ્યો. પંજાબ ઍસેમ્બ્લીમાં બ્રિટનના સમર્થનમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો. હિન્દુ મહાસભા વતી એના પ્રમુખ સાવરકરે દેશને બચાવવા માટે સરકારને સહકાર આપવાની ખાતરી આપી અને શસ્ત્રોની તાલીમની સગવડ કરવા સરકારન અપીલ કરી. ડો. આંબેડકરે સ્થાપેલી ઇંડીપેન્ડન્ટ લેબર પાર્ટીએ વાઇસરૉયને ટેકો આપ્યો. ડૉ. આંબેડકરે નિવેદન બહાર પાડીને કહ્યું કે સમય ગ્રેટ બ્રિટનને સહકાર આપવાની આનાકાની કરવાનો નથી. કોંગ્રેસે દેશની બધી કોમો અને વર્ગો વચ્ચે એકતા સ્થાપવા માટે પ્રયાસ કર્યા હોત તો બ્રિટીશ સરકાર વધારે સારો અને સંતોષકારક પડઘો પાડી શકી હોત.

ઑક્ટોબરના છેલ્લા બે દિવસ દરમિયાન કોંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં. જિન્નાએ કહ્યું કે મુસલમાનોની હવે મુક્તિ થઈ. એમણે મુક્તિદિન મનાવવાની ઘોષણા કરી!

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register July-December-1939 Vol.II

%d bloggers like this: