Science Samachar : Episode 23

) સૂર્યમાળામાં નવમો ગ્રહ છે!

૨૦૦૬ના ઑગસ્ટમાં ખગોળવૈજ્ઞાનિકોએ ગ્રહોની વ્યાખ્યા બદલાવી નાખતાં બિચારો પ્લુટો પોતાનું ગ્રહ તરીકેનું સ્થાન-માન ખોઈ બેઠો. માત્ર આઠ જ ગ્રહ રહ્યા. પરંતુ હાલમાં જ વૈજ્ઞાનિકોને ખબર પડી છે કે સૂર્યમાળામાં કોઈ નવમો ગ્રહ તો છે જ! આ કદાચ ‘સુપર અર્થ’ પણ હશે એમ માનવામાં આવે છે. એનું દળ પૃથ્વી કરતાં દસગણું છે અને સૂર્યથી એનું અંતર પૃથ્વીના અંતરની સરખામણીએ વીસગણું છે.

આમ તો એ જોવા નથી મળ્યો પરંતુ એના ગુરુત્વાકર્ષણની અસર વર્તાય છે. કુઇપર બેલ્ટમાં બરફના બનેલા છ પિંડોની ભ્રમણકક્ષા અંડાકાર છે. ખગોળશાસ્ત્રીઓ કહે છે કે વાત ત્યાં સુધી તો બરાબર છે, પણ એ કક્ષાઓ નીચે તરફ નમેલી છે, જેનો અર્થ એ કે એમના પર કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષણની અસર થાય છે. હવે જો કોઈ ગ્રહની હાજરી ન હોય તો બીજા ઘણા અટપટા પ્રશ્નો ઊભા થાય તેમ છે અને ભ્રમણકક્ષાઓ નમેલી કેમ છે તેનો ખુલાસો અઘરો થઈ જશે. આથી એમને ખેંચનારા કોઈ પિંડની હાજરી વધુ સારા જવાબ આપી શકે છે. હજી તો આ શરૂઆતની ધારણા છે, નવમા ગ્રહની શોધ કરવાની ખરી કાર્યવાહી તો હવે શરૂ થાય છે.

સંદર્ભઃ ધી હિન્દુ

) બે ન્યૂટ્રૉન તારાઓનું આલિંગન અને સોનું બન્યું

૧૯૧૫માં આઇન્સ્ટાઇને જનરલ થિઅરી ઑફ રિલેટિવિટી જાહેર કરી એમાં એમણે કહ્યું હતું કે બે પદાર્થોના આકર્ષણને કારણે ગુરુત્વાકર્ષણના તરંગો પેદા થઈ શકે છે. એ તરંગો જાણવાના પ્રયત્નો તો વર્ષોથી ચાલતા હતા, પણ ૨૦૧૫માં વૈજ્ઞાનિકો એ જોઈ શક્યા. બે બ્લૅક હોલ એકબીજામાં ભળી ગયાં તેનાં વમળો પેદા થયાં અને LIGO (Laser Interferometer Gravitational-Wave Observatory) નાં વૉશિંગ્ટન અને લુઈસિયાનાનાં બે કેન્દ્રોએ આ સ્પંદનો નોંધી લીધાં. પરંતુ એ માત્ર અમુક સેકંડ જ રહ્યા. તે પછી બે વાર આ તરંગો જોવા મળ્યા. હવે

તે પછી હાલમાં બે ન્યૂટ્રૉન તારાઓ એકબીજામાં જોડાયા ત્યારે પણ ગુરુત્વાકર્ષણમાં તરંગો પેદાથયા જે લગભગ એકસો સેકંડ ચાલ્યા. આ વખતે LIGOની જોડીદાર ઇટલીની VIRGO ઑબ્ઝર્વેટરીએ પણ એની નોંધ લીધી. બ્લૅક હોલ તો પ્રકાશને પણ જવા ન દે એટલે બે બ્લૅક હોલ જોડાયાં ત્યારે વૈજ્ઞાનિકોએ માત્ર તરંગ અનુભવ્યા, પણ ૧૭મી ઑગસ્ટે ન્યૂટ્રૉન તારાઓ જોડાયા ત્યારે પ્રકાશ બહાર ફેંકાતાં વૈજ્ઞાનિકો એ ‘જોઈ’ પણ શક્યા. પરંતુ અહીં ‘જોઈ’ શબ્દ માત્ર વાપરવા ખાતર વાપર્યો છે, એ ગામા કિરણો હતાં એટલે એ જોઈ ન શકાય. આપણે એમ કહીએ કે પ્રકાશની પ્રક્રિયા પણ અનુભવી શકાઈ. ઉપર તસવીરમાં બે ન્યૂટ્રૉન તારાઓનું મિલન દેખાડ્યું છે.

આ મિલનનાં પરિણામોનું પૃથક્કરણ કરતાં જાણવા મળ્યું કે આ પ્રચંડ મિલનને કારણે નાની નાભિઓ એકબીજામાં જોડાઈ ગઈ અને સોના અને પ્લૅટિનમ જેવી ભારે ધાતુઓ બની. બ્રહ્માંડમાં ભારે ધાતુઓ મોટા પ્રમાણમાં મળે છે તે આવાં જ મિલનોનું પરિણામ છે.

સંદર્ભઃ ધી હિન્દુ

) દરદીની અંદરના દરદી પર સફળ શસ્ત્રક્રિયા

દરદીની અંદરનો દરદી? હા. ખરેખર માતા નહીં પણ એના ગર્ભમાં રહેલા ભ્રૂણ પર સફળ શસ્ત્રક્રિયાની આ વાત છે. બાળકમાં ઘણી વાર જન્મજાત ખોડ રહી જતી હોય છે. હ્યૂસ્ટનની ટેક્સાસ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલના ડૉ. માઇકલ બેલ્ફૉર્ટ અને બીજા સરજનોની ટીમે એમની સાથે મળીને એક ભ્રૂણ પર શસ્ત્રક્રિયા કરીને એની ખોડ સુધારી દીધી. આ ખોડને ‘સ્પાઇના બિફિડા’ (Spina Bifida) કહે છે. અહીં આકૃતિ આપી છે, તેમાં ઉપર ૨૧, ૨૨ અને ૨૮ દિવસની અવસ્થાનું ભ્રૂણ છે. એના પર આંટા હોય છે, જે ભ્રૂણનો વિકાસ થવાની સાથે ગોળ વળીને નળી જેવું બને છે. એ જ આપણું શરીર છે. નીચેની હારમાં એની ગોળ ભૂંગળી બનાવવાની ક્રિયા દેખાડી છે. એમાં જ ત્રીજી તસવીરમાં ઉપર માથું છે, એમાં મગજ બનશે. તેની નીચે પીઠનો ભાગ છે. છેક નીચે જોતાં બન્ને બાજુએથી ગોળ ફરતાં નીચેનો ભાગ પૂરેપૂરો બંધ નથી થયો. આ કાણું ભ્રૂણમાં વિકસતા પૂર્ણ બાળકની પીઠમાં દેખાય છે. આ કાણામાંથી કરોડરજ્જુને અંદર જોઈ શકાય અથવા એ બહાર આવી જાય અને મગજ બનાવવાની સામગ્રી પણ એમાંથી બહાર નીકળી આવે. આવું બાળક હાલીચાલી ન શકે.

ડૉ, બેલ્ફૉર્ટ અને એમની ટીમે તદ્દન અંધારા ઑપરેશન થિએટરમાં માતાની યોનિમાંથી ગર્ભમાં બે કાપા પાડ્યા. એક કાપામાંથી એમણે સૂક્ષ્મ ‘ફીટોસ્કોપ’ (ભ્રૂણ જોવાનું ટેલિસ્કોપ) નાખ્યું, તે સાથે જ ગર્ભાશય લાલ રંગે ચમકવા લાગ્યું. બીજો કાપો ઓજારો માટે હતો. એમણે યોનિમાં એક નળી નાખીને એના ગર્ભાશયને ઊંચું કર્યું. આથી અંદરનું શિશુ ટીવી સ્ક્રીન પર દેખાવા લાગ્યું. એનાં હાથપગનાં આંગળાં બરાબર હતાં, એ ઘૂંટીએથી પગ પણ હલાવતું હતું પણ પીઠમાં કાણું હતું. આ કાણું એમણે સીવી નાખ્યું! જાન્યુઆરીમાં બાળકનો જન્મ થવાનો છે ત્યારે એ મોટા ભાગે તો સંપૂર્ણ ‘નૉર્મલ’ જીવન જીવવા લાયક હશે, પણ તે નહીં તો, એનું મોટા ભાગનું નુકસાન ટળી જશે.

ડૉ. બેલ્ફૉર્ટે પહેલી વાર ૨૦૧૪માં આ જાતનું ઑપરેશન કર્યું હતું તે પછી ૨૮ ઑપરેશન કરી ચૂક્યા છે પરંતુ ભ્રૂણને ગર્ભાશયમાં જ રહેવા દઈને ઑપરેશન કરવાનો આ સૌ પહેલો પ્રયોગ હતો.

સંદર્ભઃ ન્યૂ યૉર્ક ટાઇમ્સ

) કેરળ સાયન્સ કોંગ્રેસનું ૩૦મું અધિવેશન

કેરળ સાયન્સ કોંગ્રેસનું ૩૦મું અધિવેશન આવતા વર્ષના કન્નૂર જિલ્લાના તલેશેરીમાં જાન્યુઆરીની ૨૮મીએ શરૂ થશે, જે ત્રણ દિવસ ચાલશે. આ વર્ષનો વિષય છેઃ viruses and infectious diseases. અધિવેશનમાં સંશોધન પત્રો રજૂ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે ૧૫મી નવેમ્બર સુધીનો સમય છે. http://ksc.kerala.gov.in/ પર ક્લિક કરીને નામ નોંધાવી શકાશે.

કેરળનો વિજ્ઞાન દ્વારા વિકાસ કરવા માટેના સંશોધનપત્રો માટે આ વર્ષે SciGenome Spark નામનો નવો ઍવૉર્ડ પણ અપાશે. વધારે માહિતી ઉપર આપેલી લિંક પરથી મળશે. ગુજરાતના કે વિદેશ વસતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આગળ આવીને આમાં ભાગ લઈ શકે તો સારું.

૦-૦-૦

Science Samachr : Episode 22

. સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે ઉદાર હોય છે!

માનવીય વ્યવહાર સંબંધી મનોવૈજ્ઞાનિકો એવાં તારણ પર પહોંચ્યા છે કે સ્ત્રીઓ ‘આપવા’માં પુરુષો કરતાં વધારે ઉદાર હોય છે. પુરુષો પણ આપે છે પણ એની પાછળ ‘સ્વાર્થ વૃત્તિ’ પણ રહેલી હોય છે.

ઝ્યૂરિખ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે આના માટે કારણ સ્ત્રી અને પુરુષના મગજની થોડી જુદી પડતી રચના જવાબદાર છે. ‘આપવા’નો નિર્ણય કરવામાં મગજનો ‘સ્ટ્રીએટમ’ નામનો ભાગ સક્રિય કામ કરે છે. આ ભાગ મગજની મધ્યમાં હોય છે. બીજાને લાભ થાય એવા નિર્ણય લેવામાં સ્ત્રીઓનું સ્ટ્રીએટમ વધારે સક્રિય હતું, જ્યારે પોતાના ફાયદાની વાત આવી ત્યારે પુરુષોનું સ્ટ્રીએટમ કામમાં મચી પડ્યું!

સંશોધકોએ પછી એક બીજો પ્રયોગ કર્યો. એમણે સ્ત્રી-પુરુષોના એક જૂથને અમુક દવા આપી અને બદલો આપવાની પ્રક્રિયા ખોરવી નાખી. બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. હવે સ્ત્રીઓ બહુ સ્વાર્થી વર્તન કરવા લાગી અને પુરુષો પરગજુ બની ગયા!

સંશોધકો કહે છે કે આનો અર્થ એ થાય છે કે મગજ માટે દવાઓ વાપારતી વખતે સ્ત્રીઓ અને પુરુષોનો પ્રતિભાવ અલગ હશે એ ધ્યાનમાં રાખવું પડશે.

સંદર્ભઃ ઝ્યૂરિખ

. હવે ટાંકા નહીં લેવા પડે, બસ ચામડી ચોંટાડી દો!

ક્યાંય ઊંડો ઘા થયો હોય તો ઘાને ટાંકા લઈને બંધ કરવામાં આવે છે. આમાં પણ સૅપ્ટિક થવાનું જોખમ તો રહે જ છે. હવે સ્વિટ્ઝર્લૅંડની ઍમ્પા સંસ્થાએ ટાંકા લેવાને બદલે નવી રીતે વિકસાવી છે. એમણે નૅનોપાર્ટિકલનો ગૂંદર બનાવ્યો છે. એનાથી ચામડીના બે કપાયેલા છેડાને ભેગા કરીને ચોંટાડી દેવાશે.

શરીરના અંદરના કે બહારના કેટલાયે ભાગો એવા છે કે ટાંકા લેવાનું લગભગ અશક્યવત્‍ હોય છે. સંશોધકોએ સિલિકોન ડાયોક્સાઇડ અને આયર્ન ડાયોક્સાઇડના નૅનો પાર્તિકલ્સ લીધા અને એનાથી શરીરની છૂટી છવાઈ પેશીઓને ભેગી ગોઠવીને ચોંટાડી દીધી. એવું જાણવા મળ્યું છે કે નૅનો પાર્ટિકલ્સમાં એવો ગુણ છે કે એ બે પેશીઓને ભેગી ચોંટાડવા ઉપરાંત રૂઝ વળવામાં પણ મદદ કરે છે. જ્યાં આ ગૂંદર અને બાયોગ્લાસ ભેગાં વાપર્યાં ત્યાં લોહી તરત ગંઠાવા લાગ્યું. ઍમ્પાના સંશોધકોની મદદે ડૉક્ટરો પણ આવ્યા. એમણે એક ડુક્કરના આંતરડાના કપાયેલા ભાગને ચોંટાડવાનો અખતરો કરી જોયો અને એમાં એમને આશ્ચર્યજનક સફળતા મળી.

સંદર્ભઃ એમ્પા

. આઈ. આઈ. ટી. રૂડકીના સંશોધકો ચિકુન્ગુન્યાને હરાવશે?

ચિકુન્ગુન્યાની બીમારીનો હજી સુધી કોઈ ઉપાય નથી મળ્યો, પરંતુ આઈ. આઈ. ટી.. રૂડકીના સંશોધકોની એક ટીમે દેખાડ્યું છે કે ઉપાય શોધવાની દિશામાં પ્રગતિ કરી છે. ચિકુન્ગુન્યાનો ઇલાજ એમાં દેખાતાં લક્ષણોને હળવાં બનાવવા પૂરતો જ થાય છે, એટલે રોગનાં મૂળ પર હુમલો થતો નથી.

પ્રોફેસર શૈલી તોમરના નેતૃત્વ હેઠળની ટીમે કૃમિઓના ઇલાજ તરીકે વપરતા પાઇપરેઝાઇન ડ્રગનો ઉપયોગ કર્યો. આ ડ્રગ માણસ માટે સલામત છે એવું તો પ્રમાણિત છે જ એટલે પ્રાણીઓ પરના અખતરા સફળ થયા પછી માણસ પરના અખતરામાં સલામતીની શંકા નથી.

સંશોધકોએ જોયું કે ઑરા વાઇરસના કૅપ્સિડ પ્રોટીન પાઇપરેઝાઇન ડ્રગના અણુ સાથે જોડાઈ જાય ચે. એમણે ચિકુન્ગુન્યાના વાઇરસને પણ પાઇપરેઝાઇનના અણુ સાથે જોડવાનો પ્રયોગ કરતાં એમને સફળતા મળી. કૅપ્સિડ પ્રોટીન વાઇરસની વૃદ્ધિ માટે જરૂરી છે પણ ડ્રગના અણુ સાથે જોડાઈ જતાં એમની એ શક્તિ નથી રહેતી. પહેલા ૨૪ કલાકમાં ચેપી કોશ જેટલા વાઇરસ બનાવે તેની સંખ્યા ૯૮ ટકા જેટલી ઘટેલી જોવા મળી, પરંતુ ૪૮ કલાક પછી એની અસર મંદ પડી ગઈ હતી.

હવે સંશોધકો પાઇપરેઝાઇન આધારિત ડ્રગના નવા અણૂ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે, કે જેથી વધારે વાઇરસને કેદ કરી શકાય. જો કે હજી એ જોવા નથી મળી શક્યું કે આ પ્રક્રિયા નવા વાઇરસ બનવા પર અંકુશ મૂકે છે કે કેમ. માત્ર એમનો ફેલાવો રોકાતો હોવાનું જાણી શકાયું છે.

દરમિયાન, રૂડકીના સંશોધકોને હજી પણ સફળતા મળે એવી આ દિવાળી નિમિત્તે શુભેચ્છાઓ.

સંદર્ભઃ ચિકુનગુન્યા

. માનવનિર્મિત ઉપગ્રહને પૂરાં થયાં ૬૦ વર્ષ

૧૯૫૭ની ૪થી ઑક્ટોબરે સોવિયેત સંઘે પહેલી વાર માનવનિર્મિત ઉપગ્રહ સ્પુતનિક અવકાશમાં મોકલ્યો. આ સાથે માનવની અંતરિક્ષ ખોજની શરૂઆત થઈ. સ્પુતનિકનો વ્યાસ માત્ર ૫૮ સે.મી. હતો અને વજન ૮૪ કિલોગ્રામ. તે સાથે જ અંતરિક્ષની હોડ શરૂ થઈ ગઈ.

image

સોવિયેત સંઘે જાહેર કર્યું કે “અમે અમેરિકા જેટલા તવંગર નથી તો પણ અમારે ત્યાં આ શક્ય બન્યું કારણ કે સમાજવાદી રાજ્યવ્યવસ્થામાં નફાનો વિચાર નથી થતો.” અમેરિકા માટે આ હાર પચાવવાનું મુશ્કેલ હતું એણે મોટા પાયે અવકાશ ખોજના પ્રયાસો આદરી દીધા અને ચંદ્ર પર માનવીને મોકલવાનો નિર્ણય કર્યો અને ૧૯૬૯માં એને સફળતા મળી. આજે તો ભારત પણ અંતરિક્ષ ખોજમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઇસરોના ઉપગ્રહોને સતત સફળતા મળતી રહી છે. મંગલયાન ભારતની એક મોટી સિદ્ધિ છે.

સંદર્ભઃ બીબીસી


%d bloggers like this: