‘કૃષ્ણની દ્વારકા’ લેખમાળાના અંતિમ લેખ પરની ચર્ચા સારી રહી. એમાં એક વાત આવી કે અવાજના તરંગો જે વાતાવરણમાં લાંબો સમય સુધી રહે છે તેને માપવાના અને તેને ડિટેક્ટ કરવાનાં સાધનો વિકસ્યા છે. તેનો ઉપયોગ કરીને કુરૂક્ષેત્રમાં અને અન્ય વિશિષ્ટ સ્થળોએ હજારો વર્ષ પહેલાના તરંગો પકડવાનાં સંશોધનો ચાલે છે. પહેલાં તો મેં, હવે તો આપ સૌના પરિચિત અને મારા મિત્ર ડૉ. પરેશ વૈદ્ય સાથે આ બાબતમાં ફોન પર લાંબી વાતચીત કરી અને પૂછ્યું કે
આજે મહાભારતના અવાજો સાંભળી શકાય?
ડૉ. પરેશ વૈદ્યઃ આમાં કઈંક સમજ ફેર છે. પહેલાં તો એ સમજવાનું જરૂરી છે કે અવાજને માધ્યમની જરૂર પડે છે. જ્યાં સુધી માધ્યમ હોય ત્યાં સુધી અવાજ પ્રવાસ કરી શકે. દાખલા તરીકે હવા. હવા એક માધ્યમ છે. એના દ્વારા અવાજ દૂર સુધી જઈ શકે પણ હવા તો માત્ર આપણા વાતાવરણમાં જ છે. એટલે અઢીસો કિલોમીટર સુધી જ અવાજ જઈ શકે. અને, વાતાવરણના પેલા સીમાડા પર અવાજો સંઘરવાની કોઈ વ્યવસ્થા કુદરતમાં નથી. કુદરતે ત્યાં બૅંક કે DVD લાયબ્રેરી નથી બનાવી.
બારીઃ તો આ અવાજોનું શું થતું હશે?
પઃ તમે એક વાત પહેલાં સમજી લો. અવાજ માધ્યમ વિના આગળ જઈ ન શકે, બરાબર? હવે હવાનું માધ્યમ કઈં સ્થિર નથી. આજે એક બાજુ વાતી હોય તો કાલે બીજી બાજુ વાય, હવા સતત ડહોળાયા કરતી હોય છે. કારણ કે વાયુના અણુઓ વચ્ચે ઘણી જગ્યાઓ હોય છે એટલે એ સતત જગ્યા બદલતા રહે છે. ઘણી વાર તમે અનુભવ્યું હશે કે હવા ભારે પણ થઈ જતી હોય છે. ખાસ કરીને શિયાળામાં એમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. તમારા ઘરની નજીક રેલવે સ્ટેશન હોય તો તમને અનુભવ થાય કે શિયાળામાં ટ્રેનની સીટી વધારે ચોખ્ખી સંભળાય છે. ભેજને કારણે હવાના અણુ ભારે થઈ જતાં એમની ગતિ ઓછી થઈ જાય છે. ઊનાળામાં હવા પાતળી હોય છે.
બારીઃ એનો અર્થ એ કે હવા સિવાય બીજું કોઈ માધ્યમ હોય તો એમાં અવાજ વધારે સારી રીતે ગતિ કરી શકે.
પઃ એમ જ છે. અરે, તમે માત્ર અણુઓ કેટલા નજીક છે તેનો જ વિચાર કરો. એટલે પાણી કરતાં પણ ધાતુમાં અવાજ વધારે સારી રીતે ચાલે. પણ જો ધાતુની બહાર હવા ન હોય તો ધાતુમા જ ચાલતો રહી શકે; ધાતુની બહાર પડી ન શકે. વાત એ પણ છે કે પ્રવાહી કે ધાતુનું માધ્યમ ક્યાં સુધી હોઈ શકે? અવાજ પણ ધાતુની સીમાની બહાર ન નીકળી શકે.
બારીઃ હા, એની સરખામણીમાં હવા તો બધે ઠેકાણે હોય છે.
પઃ બધે ઠેકાણે ક્યાં હોય છે? એની પણ વાતાવરણ જેટલી જ સીમા છે. પૃથ્વીની આસપાસ વાતાવરણ છે, કોઈ યાન વાતાવરણની બહાર નીકળી જાય તે પછી આખા બ્રહ્માંડમાં અવાજ નથી. તમે બોલો તો તમારો અવાજ તમારા મોઢાની અંદર જ રહી જાય. ત્યાં તો તદ્દન શાંતિ છે. કદાચ શુક્રના ગ્રહમાં અવાજ સંભળાતો હશે, કારણ કે એની આસપાસ વાતાવરણનું આવરણ છે.
બારીઃ પણ, એક વાત એ પૂછવાની કે આપણે કહીએ છીએ કે અવાજનાં મોજાં…પ્રકાશનાં મોજાં. પ્રકાશ બધે ઠેકાણે જઈ શકે છે તો અવાજ પણ મોજું જ હોય તો એ પણ બધે જ જવો જોઈએ ને?
પઃ મોજાં બે પ્રકારનાં છે. એક તો યાંત્રિક મોજાં છે, બીજાંછે, વીજ ચુંબકીય મોજાં(Electro magnetic waves)…અવાજનાં મોજાં, પાણીનાં મોજાં, ધરતીકંપનાં મોજાં યાંત્રિક મોજાં છે. વીજ ચુંબકીય મોજાં પેદા થાય વીજ અથવા ચુંબકીય દખલથી.
બારીઃ યાંત્રિક કઈ રીતે?
પઃ યાંત્રિક એટલે કે એ પદાર્થના કંપનથી પેદા થાય છે. આપણે બોલીએ છીએ તેમાં પણ આપણું સ્વરતંત્ર હવાને છોડે છે કે દબાવે છે એટલે ધ્વનિ પેદા થાય છે. આમ એ મોજાં કે તરંગ આપમેળે પેદા નથી થયાં. ધરતીકંપમાં પણ બે પ્લેટ ઘસાય એટલે મોજું કે તરંગ પેદા થાય.
બારીઃ પણ તમે કહ્યું કે પ્રવાહીમાંથી પણ અવાજ પસાર થાય…
પઃ થાય જ. જૂઓ, આ તરંગ એટલે બીજું કઈં નહીં, એક જાતની ખલેલ છે. હવામાં એના કણો એટલે કે પાર્ટિકલો છૂટછૂટા હોય છે. મોજું એમને ધક્કો મારે છે. એટલે એ આગળ જાય. પણ મોજું નીકળી જાય એટલે એ પાછા મૂળ જગ્યાએ આવી જાય. આમ કંપન ઊભું થાય. એમ કહો કે, હવાના દબાણની એક પેટર્ન અવકાશમાં ઊભી થાય. ધાતુમાં કણો એટલા સહેલાઇથી જગ્યા મૂકતા નથી એટલે એમાં પણ કંપન થાય છે, પણ અવાજનું મોજું આગળ તરફ ધસતું હોય ત્યારે કણો ઉપર-નીચે થાય છે. હવામાં કણ પણ અવાજની દિશામાં જ ખસે છે. આમ કણો એકબીજાને ધક્કો મારે છે એટલે દૂર સુધી જઈ શકે છે.
બારીઃ જાણે ભીડમાં ચાલતા હોઈએ અને પાછળથી કોઈ ધક્કો મારે તેમ !
પઃ હા, સાદી ભાષામાં સમજવા માટે તમે એમ કહી શકો. એ ઉદાહરણ હવામાં અવાજ પ્રસરવાને લાગુ પડે.
બારીઃ તો પડઘાનું પણ એવું જ ને? એ તો એક રૂમમાં દીવાલો સાથે પણ અથડાય.
પઃ અને એક જ દીવાલ નહીં, ચારેય દીવાલો સાથે..અને વળી એક્બીજા સાથે અથડાય. આમ એ અવાજ જુદો જ બની જાય. પણ જે વીજ ચુંબકીય કહેવાય છે તે યાંત્રિક નથી. પણ એમાં બહુ નાની કે બહુ મોટી ફ્રિક્વન્સીનાં મોજાં પણ છે. આમ તો એની તરંગ લંબાઈ પર એના ઉપયોગનો આધાર છે. એમાં એક પટ્ટો માઇક્રોવેવ કહેવાય છે. ઘરમાં ઑવનમાં એનો ઉપયોગ થાય જ છે. વળી રેડિયો ફ્રિક્વન્સીઓ પણ છે, જેનો ઉપયોગ મોબાઇલ ફો્નમાં કે સંદેશ વ્યવહારમાં થાય. એક્સ-રે પણ આનો જ પ્રકાર છે. આમ એના ઉપયોગો છે અને એને આપણી ઇન્દ્રીયોને અનુરૂપ ઢાળીને એનો અનુભવ કરાય. એટલે તમે એને ફોટા તરીકે જોઈ શકો અને અવાજ તરીકે સાંભળી પણ શકો.
બારીઃ તો પૃથ્વી પરનાં મોજાં –અવાજ કે બીજાં કોઈને પણ માઇક્રોવેવમાં ન બદલી શકાય?
પઃ રેડિયોમાં એ જ થાય છે, પણ સામે છેડૅ કઈંક રિસીવર, ટેપ રેકૉર્ડર હોય તો જ એને સાચવી કે સાંભળી શકાય.
બારીઃ એ મોજાંઓને સાચવી રાખી શકાય એમ હોય તો પ્રાચીન અવાજો પાછા સાંભળી શકાય. એનો અર્થ એ કે બધા અવાજો વાતાવરણની સીમા પર એકત્ર થયા હશે પણ ત્યાં કઈંક વ્યવસ્થા હોય તો સાચવી શકાય.
પઃ મેં કહ્યું ને કે કુદરતે ત્યાં કઈં કોઈ એવી બૅંક કે DVDની લાયબ્રેરી નથી બનાવી કે બધા અવાજો ત્યાં સંઘરાઈ જાય અને તમને મન ફાવે ત્યારે જે અવાજ જોઈતો હોય તે શોધી કાઢો.
બારીઃ તો મહાભારતના અવાજો સાંભળી ન શકાય?
પઃ કોઈ જ અવાજ સામે છેડે ગ્રહણ કરવાની વ્યવસ્થા ન હોય તો પાછા સાંભળી ન શકાય. એવું છે કે ધર્મની વાતો કરીએ ભલે, પણ એમાં પણ વિજ્ઞાન વિના ચાલતું નથી. એને ધાર્મિક કથા સાથે જોડી દઈએ છીએ. એક રીતે તો વિજ્ઞાનને આડકતરી રીતે માન્યતા જ મળે છે. વીજ ચુંબકીય કિરણોને આપણી અનુકૂળતા પ્રમાણે ફેરવવાની વાત આવી તો કોઈ એમ સમજ્યા હશે કે બધા અવાજોનું પરિવર્તન કરી શકાય. પણ બ્રહ્માંડના અવાજો પણ બેવડાં રૂપાંતર પછી જ સાંભળી શકાય. મહાભારતના અવાજો તો એ જ વખતે ડહોળાઇ ગયા અને હવે છે જ નહીં.
xxxxxxxx
ૐકાર
ૐને આપણા ભારતીય તત્વદર્શનમાં બહુ મહત્વનું સ્થાન મળ્યું છે. એ નાદબ્રહ્મનું ચિહ્ન છે. પદાર્થો તો ભૌતિક છે, જેને સ્પર્શ કરી શકાય છે. પદાર્થ મૂર્ત હોય છે એટલે એને જડતત્વ માની શકાય પણ શબ્દ મૂર્ત નથી, તેમ છતાં છે, એના અસ્તિત્વનો ઇન્કાર ન થઈ શકે. પરંતુ એને જડ કેમ માનવો? જડ અને ચેતન બે જ તત્વો હોય તો શબ્દને ક્યાં મૂકવો? એને ચેતન પણ ન માની શકાય. આથી આપણા પ્રાચીન ચિંતકોએ નાદબ્રહ્મની નવી વિભાવના આપી અને એને બ્રહ્મની વિભાવનાની સમાંતર મૂકી.
માંડૂક્ય ઉપનિષદમાં આ બન્ને વિભાવનાને એકીકૃત કરવાનો પ્રયાસ થયો છે. પરંતુ એ આપણી ચર્ચા માટે ઉપયોગી નથી એટલે છોડી દઈએ છીએ. આ ૐની વિભાવના સમજવાની જિજ્ઞાસા હંમેશાં રહી…અને એ સમજાવનારા પણ મળી ગયા!
મારી ઉંમર ૧૯-૨૦ની હશે, ભુજમાં દર રવિવારે સવારે ગીતા સ્વાધ્યાયમાં હું જતો. પૂજ્ય ગિરજાશંકર ભટ્ટ પ્રવચન આપતા. રામવાડીમાં બૈરાંઓની ભીડ સામે એ જુદા હતા અને અહીં એ જુદા હતા. એમના વિચારો બહુ ઉદાર હતા. (એમણે જ મને કહ્યું હતું કે ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામના વિવાહ પ્રસંગે જનકરાજાને ઘરે ભોજનનું વર્ણન કર્યું છે તેમાં અંગ્રેજીનો શબ્દ ‘કોપરના થાળ’ (કોપર થાલા) વાપર્યો છે.!).
એક વખત ગીતા સ્વાધ્યાયમાં એક જીવાનંદજી અવધૂત આવ્યા. એ આનંદમાર્ગી હતા, જેના પર પછી પશ્ચિમ બંગાળમાં હિંસક કૃત્યો માટે પ્રતિબંધ મુકાયો હતો. જીવાનંદજી જુવાન, મધ્યમ કાઠીના અને પ્રભાવશાળી વક્તા હતા. એમનું ભાષણ સારૂં લાગ્યું એટલે બધા ઊઠી ગયા તે પછી બે-ચાર જણ બેઠા. બધા વડીલો – દાદાની ઉમરના અને છોકરડો એકલો હું. મેં એમને ૐ વિશે પૂછ્યું કે ૐ સમજાતો નથી.
એમણે જે જવાબ આપ્યો તે તરત સમજાઈ જાય એવો હતો.
ધારો કે તમે મેળામાં જાઓ છો. મેળાની જગ્યાની નજીક પહોંચો તેમ એનો ઘોંઘાટ સંભળાવા લાગે. કોઈ અવાજને સ્પષ્ટ અલગ ન કરી શકો, પણ બધા અવાજ ભેગા થઈ જાય અને એક કોલાહલ બની જાય….. ઓં..ઓં..ઓં..ઓં…”
હવે તમે મેળાની વચ્ચે પહોંચી ગયા છો. અહીં તમને બધા અવાજ સ્પષ્ટ સંભળાય છે. કોઈ રમકડાં વેચે છે, તો કોઈ ભેળપૂરી…બાળકો હઠ કરે છે, માબાપ ભાવતાલ કરે છે…તમને બધી સ્પષ્ટ ખબર પડે છે. બસ, થોડા વખત પછી મેળો પાર કરીને તમે બીજી બાજુ નીકળી જાઓ છો. ફરી બધા અવાજો એકબીજામાં ભળી જાય છે અને ફરી એકધારૂં સંભળાય છે… ઓં..ઓં..ઓં..ઓં…” એક બિન્દુ પછી એ પણ નથી સંભળાતું. એ જ રીતે આખી સૃષ્ટિના બધા અવાજ એક જગ્યાએ માત્ર ઓં..ઓં..ઓં..ઓં…” તરીકે સંભળાય છે. એ જ જગ્યા એટલે ૐ.
ૐની આગળ જાઓ ત્યાં, બસ, સૂનકાર છે.. માંડુક્ય ઉપનિષદ પ્રમાણે એ ચોથું ચરણ છે. ત્યાં શું છે તે કહી ન શકાય. એક ભજન છે ને, “અબ ચૌથા પદ પાયા સંતો…”
જીવાનંદજીની વાત માત્ર પાંચ મિનિટમાં મગજમાં ચોંટી ગઈ. આ આટલું સહેલું છે? વર્ષો સુધી ઉત્સાહ રહ્યો. એના પછી લગભગ ૧૨-૧૫ વર્ષે ફરી મગજમાં ખળભળાટ થયો. વિચાર આવ્યો કે આ તો આપણા સ્વરતંત્રના અ-ઉ-મ પરથી વિકસેલો કન્સેપ્ટ છે. અને એ રીતે તો એ બહુ સારો છે. કારણ કે એ સાચું છે કે માણસજાતના બધા ઉચ્ચારો પ્રયાસ વિનાના ‘અ’થી શરૂ થાય છે અને હોઠના અંતિમ ઉચ્ચાર ‘મ’ સાથે પૂરા થાય છે. ક…ચ…ટ…ત…પ…વગેરે બોલતાં જ સમજાઈ જશે કે બધા ઉચ્ચારમાં ગળાનો, દાંતનો, તાળવાનો, હોઠનો ઉપયોગ છે. ય…ર… વગેરે મ પછી આવે એમ આપણને શીખવવામાં આવ્યું છે, પણ એ હોઠથી પહેલાંનાં સ્થાનોએથી બોલાય છે! આમ ઉચ્ચારોનો અંત તો ‘મ’માં જ થાય છે, એટલે બધી માનવીય ભાષા આ ૐમાં આવી જાય છે…આ વિચારી લેવું અને ગણિત જેવી ટૂંકી ફૉર્મ્યૂલા આપવી એ પણ નાની વાત તો નથી જ.. આપણા પૂર્વજો તો વિચારતા જ હતા! એ તો આપણે વિચારવાનું બંધ કરી દીધું છે.
મને જે લાગ્યું તે એ કે કાગડાનો અવાજ, કૂતરાંનો અવાજ, ઘંટનો અવાજ માણસના સ્વરતંત્રમાંથી નથી આવતો. કાગડો “કા…કા” કરે છે તે તો આપણી સમજ છે. કદાચ આપણે “કા…કા” બોલીએ અને કાગડાને પૂછીએ તો એ એની ભાષામાં એના ઉચ્ચાર તંત્રને અનુરૂપ અનુવાદ કરે કે નહીં? એટલે માણસજાત માટે જ એ નાદબ્રહ્મ છે. આખી સૃષ્ટિના અવાજો ૐમાં આવી ન શકે.
મને બીજો વિચાર એ આવ્યો કે ૐનું કોઈ બિન્દુ હોય તો ત્યાંથી પાછા વળવાનું કોઈ મેકેનિઝમ આપણા ચિંતનમાં છે? આત્માના પુનરાગમન માટે તો અવિદ્યા, કર્મફળ વગેરે ઘણા સિદ્ધાતો છે, પણ નાદના પુનરાગમન માટે આવી કોઈ વ્યવસ્થા નથી. કારણ કે એ ભૌતિક બિદુ તો છે નહીં. મૂળ આપણે મહાભારતના અવાજોની વાત કરતા હતા – તો ૐ તો બધા અવાજોનો સરવાળો છે! એમાં ભળેલો અવાજ પોતે જ મહા કોલાહલનો ભાગ બની ગયો. હવે એને અલગ કેમ તારવવો? ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે.
પરંતુ મહાભારતના એવા એકત્રિત અવાજો બ્રહ્માંડમાં સચવાયેલા હોય? અહીં ફરી વિજ્ઞાનની મદદ લઉં. સાચવવાનો પ્રયત્ન કર્યો હોય તો હોય. નહીંતર, અગાઉ કહ્યું તેમ, એ તો હવાના પ્રવાહોમાં ઓગળી ગયા. જો ખરેખર જ એ સાચવી શકાયા હોય તો તેમાંથી એક એક જણના અવાજને તારવવા માટે ટેક્નીકો છે ખરી. દાખલા તરીકે, અકસ્માત પછી વિમાનનુ કોક્પીટ રેકોર્ડર મળે તેમા ઘરેરાટીમાથી વાતચીત અલગ કરવા માટે frequency analysis કરવામાં આવે છે. પણ એ અવાજો સાચવી લેવાનુ યંત્ર છે જ.. એ ન હોય તો અવાજ તારવવાની વાત ક્યાં?
ટાઇમ મશીનમાં ભૂતકાળમાં કુરુક્ષેત્રમાં પહોંચી જઇએ તો થાય. એ એક વૈચારિક ઉપાય ખરો. પણ એના માટે પ્રકાશની ગતિથી પણ વધારે ગતિએ પ્રવાસ કરવો પડે! એ શક્ય જ નથી. એટલે વિજ્ઞાનની દૃષ્ટિએ તો નહીં જ, ૐની દૃષ્ટિએ પણ મહાભારતના અવાજ પાછા સાંભળી ન શકાય!
આમ છતાં કોઈ ટેકનૉલૉજિસ્ટ ઠગ કઈંક મશીન બનાવશે અને કહેશે કે સાંભળો, મહાભારતના અવાજ – અને આપણે સૌ દોડતા પહોંચી જશું કે જૂઓ હવે તો વિજ્ઞાને પણ સાબીત કરી દીધું…! ધર્મ એટલે માનવીય સહઅસ્તિત્વનાં મૂલ્યો. તે સિવાય ધર્મમાં કથાઓ હોય છે અને આ કથાઓનો લેભાગૂઓ દુરુપયોગ કરતા હોય છે. આખો વખત વિજ્ઞાનને ભાંડ્યા પછી એમને પોતાનાં ધતિંગો ફેલાવવામાં એ જ વિજ્ઞાનના સંતાન જેવી ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં જરાયે સંકોચ નથી થતો!
xxxxxxxxx