india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-54

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૫૪:: બીજી ગોળમેજી પરિષદ (૨)

લઘુમતીઓના અધિકારોનો સવાલ (ભાગ ૧)

ભૂમિકા

આપણે હવે બીજી ગોળમેજી પરિષદના ગંભીર અને મહત્ત્વના પ્રકરણમાં પહોંચ્યા છીએ. આમ તો ગોળમેજી પરિષદની આખી પ્રક્રિયા નિષ્ફળ રહી, પરંતુ એમાં કેટલાયે સિદ્ધાંતો સ્થાપિત થયા અને એ પછી ૧૯૩૫ના કાયદામાં આવ્યા અને એના પ્રમાણે પ્રાંતિક ધારાસભાઓની રચના થઈ, એટલું જ નહીં, ૧૯૩૫નો કાયદો જ આપણા બંધારણનો આધાર બન્યો. આમ ગોળમેજી પરિષદોમાં ઊપસેલી સંમતિઓ અને અસંમતિઓનું મહત્ત્વ ઓછું નથી.

ભારતની રાજ્યવ્યવસ્થા કેવી હોવી જોઈએ તે નક્કી કરવા માટે ત્રણ ગોળમેજી પરિષદો મળી ( સત્તાવાર દસ્તાવેજોમાં આ ત્રણેયને એક જ ગોળમેજી પરિષદનાં ત્રણ અધિવેશન તરીકે ઓળખાવાય છે). બ્રિટન સરકારના રૂઢિચુસ્ત પ્રધાન સૅમ્યુઅલ હૉરે સમવાય માળખું સૂચવ્યું હતું એની સાથે લગભગ બધા સંમત હતા જ, પણ કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે સત્તાની વહેંચણી, નાણાં વ્યવસ્થા, લશ્કરની રચના, એમાં સરકારની ભૂમિકા, ન્યાયતંત્ર અને એના અધિકારો વગેરે સવાલો પર નિર્ણયો લેવાના હતા. દેશી રાજ્યોનો મુદ્દો પણ હતો. સમવાય સરકારની પાર્લામેન્ટમાં રાજાઓ જોડાય તો એમના કેટલા પ્રતિનિધિઓ હોય, એમના બ્રિટન સાથેના સીધા સંબંધોનું શું કરવું, એ રાજાઓ માટે બહુ મહત્ત્વના મુદ્દા હતા. તેમાં પણ રજવાડાં ત્રણ પ્રકારનાં હતાં – વડોદરા, બીકાનેર વગેરે મોટાં રાજ્યો, બીજાં મધ્યમ સ્તરનાં અને ૩૨૬ નાનાં રાજ્યો હતાં.

પહેલી ગોળમેજી પરિષદ ૧૯૩૦ના નવેમ્બરની ૧૨મી તારીખથી ૧૯૩૧ની જાન્યુઆરીને ૧૯મી સુધી ચાલી. પરંતુ કોંગ્રેસના નેતાઓ જેલમાં હતા અને પરિષદમાં કોંગ્રેસની ગેરહાજરી બહુ સાલી. પહેલી ગોળમેજી પરિષદમાં જ સમવાય માળખા અને લઘુમતીઓના અધિકારો વિશે બે સમિતિઓ બની હતી. સમવાય માળખાની સમિતિમાં રાજાઓ અથવા એમના દીવાનો પણ મોટી સંખ્યામાં હતા. ભાવનગર વતી ગાંધીજીના મિત્ર અને બાહોશ ચાણાક્ય દીવાન સર પ્રભાશંકર પટ્ટણી આવ્યા હતા.

લઘુમતીઓના અધિકારોમાં મુખ્ય વિષય હતાઃ કેન્દ્રીય કે પ્રાંતીય ઍસેમ્બ્લીઓમાં સંયુક્ત મતદાર મંડળ હોવું જોઈએ કે કોમ પ્રમાણે જુદાં મતદાર મંડળ બનાવવાં; અને દરેક કોમને કેટલી સીટો મળવી જોઈએ. બીજી ગોળમેજી પરિષદમાં પહેલી પરિષદના રિપોર્ટ પર ચર્ચા કરીને નિર્ણય લેવાના હતા, પણ સમવાય માળખા માટેની સમિતિના ચોથા રિપોર્ટ પછી અને અને લઘુમતીઓના અધિકારો વિશેની સમિતિના બીજા રિપોર્ટ પછી પણ કોઈ સ્પષ્ટ ચિત્ર ઊપસ્યું નહોતું.

લઘુમતીઓના અધિકારો માટેની સમિતિ

બીજી ગોળમેજી પરિષદ ૧૯૩૧ની સાતમી સપ્ટેમ્બરે શરૂ થઈ અને પહેલી ડિસેમ્બર સુધી ચાલી. ૨૮મી સપ્ટેમ્બરે લઘુમતીઓના અધિકારોની સમિતિની બેઠક (સળંગ સાતમી) મળી. રામ્સે મેક્ડોનલ્ડ પોતે જ એનો ચેરમૅન હતો. બેઠકમાં ગાંધીજી કોંગ્રેસ વતી ભાગ લેતા હતા. મુસ્લિમ લીગના ઝફરુલ્લાહ ખાન, નૅશનાલિસ્ટ મુસ્લિમ કૉન્ફરન્સના સર અલી ઈમામ, હિન્દુ મહાસભા તરફથી ડૉ. બી. એસ. મુંજે, શીખો તરફથી સરદાર સંપૂરણ સિંઘ,ડિપ્રેસ્ડ ક્લાસિસ તરફથી બાબાસાહેબ આંબેડકર, સ્ત્રીઓ તરફથી બેગમ શાહનવાઝ, રાધાબાઈ સુબ્બરાયન અને સરોજિની નાયડુ, ટ્રેડ યુનિયનો તરફથી એન. એમ જોશી અને વી. વી. ગિરી (પછી ભારતના રાષ્ટ્રપતિ બન્યા) અને ઉદ્યોગપતિઓ તરફથી ઘનશ્યામ દાસ બિડલા ભાગ લેતા હતા. તે ઉપરાંત ભારતીય ખ્રિસ્તીઓ, ઍંગ્લો-ઇંડિયનો અને ભારતમાં જન્મેલા યુરોપિયનોના પ્રતિનિધિઓ પણ હતા. સર ચીમનલાલ સેતલવાડ જેવા નામાંકિત ન્યાયવિદો પણ હતા. સમિતિમાં સભ્ય ન હોય તેવા નેતાઓ પણ જાતે અથવા લેખિતમાં પણ પોતાનાં નિવેદનો આપી શકતા હતા, જેમાં સર પ્રભાશંકર પટ્ટણીનું નિવેદન ઉલ્લેખનીય છે.

મેક્ડૉનલ્ડે પોતાના પ્રારંભિક ભાષણમાં કહ્યું કે મને જાણવા મળ્યું છે કે વાટાઘાટો ચાલે છે અને એ સફળ થવાની શક્યતાઓ છે. તો આપણે આ મીટિંગ મુલતવી રાખીએ. આના જવાબમાં આગાખાને કહ્યું કે આજે રાતે મહાત્મા ગાંધી મુસ્લિમ ડેલિગેશનને મળવાના છે. બે મિત્રો મળે એવી એ મીટિંગ હશે, મંત્રણાઓ વિશે આટલું જ કહી શકાય. પરંતુ ડૉ. આંબેડકરે પોતાનો પક્ષ રજૂ કર્યો કે કોમી સવાલનો ઉકેલ શોધવા માટે વાતચીત થવાની છે, તે તો સારું છે પણ અમે ડિપ્રેસ્ડ ક્લાસિસ માટેની અમારી માંગ રજૂ કરી દીધી છે અને હવે મારે માત્ર અમને કેટલા ટકા પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે જ કહેવાનું બાકી રહ્યું છે એટલે મહાત્મા ગાંધીએ યાદ રાખવું જોઈએ કે મુસ્લિમ ડેલિગેશન સાથે જે કંઈ વાતચીત થાય તેમાં અમને એ બાંધી ન શકે. એમણે સૂચવ્યું કે ચેરમૅન પોતે જ એક નાની સમિતિ બનાવે, જેમાં બધી કોમોના પ્રતિનિધિઓ હોય, એ ભેગા મળીને વાત કરે, પણ મેક્ડોનલ્ડે કહ્યું કે તમે લોકો અવિધિસર મળીને પછી અહીં આવો તે સારું થશે. કોઈ સમિતિ બનાવવાની જરૂર નથી. આપણે ફરી મળશું ત્યારે તમે જાણતા જ હશો કે તમે કહો છો તે વિશે બીજા શું માને છે. આમ એ બેઠક મુલતવી રહી.

ફરી બધા બે દિવસ પછી ૧લી ઑક્ટોબરે મળ્યા ત્યારે ગાંધીજીએ કહ્યું કે ગઈકાલે હું નામદાર આગાખાન અને બીજા મુસ્લિમ મિત્રોને મળ્યો અને વાતચીત કરી તે પછી અમને લાગ્યું કે વાતચીત દ્વારા નિરાકરણ લાવવા માટે હજી એક અઠવાડિયું વિચાર વિનિમય કરવો જોઈએ એટલે ત્યાં સુધી બેઠક મુલતવી રાખવી જોઈએ. આગાખાન અને શીખોના નેતા સરદાર ઉજ્જલ સિંઘે એમને ટેકો આપ્યો. તે પછી બેઠક એક અઠવાડિયા માટે મુલતવી રહી

પરંતુ ડૉ. આંબેડકરે કહ્યું કે ગાંધીજી જે સમિતિ બનાવશે તેમાં અમને ડિપ્રેસ્ડ ક્લાસિસને કે બીજી લઘુમતી કોમોને બોલાવશે? ગાંધીજીએ તો ટૂંકો જવાબ આપ્યોઃ “Without doubt!” પણ નેશનાલિસ્ટ મુસ્લિમ અલી ઈમામે કહ્યું કે કંઈક ગેરસમજ છે; ગાંધીજી કોઈ કમિટી નથી બનાવતા. આંબેડકરે કહ્યું કે ફેડરલ સ્ટ્રક્ચર વિશેની મીટિંગમાં ગાંધીજીએ કોંગ્રેસનો ઠરાવ વાંચ્યો હતો કે કોંગ્રેસ માત્ર મુસ્લિમો અને શીખો સાથે કોમી ધોરણે વાત કરશે, બીજી કોમો કે ગ્રુપો સાથે નહીં. ઍંગ્લો-ઇંડિયનોના પ્રતિનિધિ સર હેનરી ગિડ્નીએ એમાં સુર પુરાવ્યો કે હું ડૉ. આંબેડકર સાથે છું કારણ કે કાલે રાતે અમે ગાંધીજીને મળ્યા ત્યારે એમણે અમને પણ કોંગ્રેસના વલણની આ જ વાત કરી, એટલે અમે પણ બાકાત થઈ ગયા. ઇંડિયન ખ્રિસ્તીઓના પ્રતિનિધિ રાય બહાદુર પનીર સેલ્વમ પણ એમની સાથે જોડાયા. એમણે કહ્યું કે ડૉ, આંબેડકરે જે કહ્યું તે હું જાણતો જ નહોતો. અમને ગણતરીમાં જ નથી લેતા તો આ સમિતિમાં અમારે કરવાનું શું છે?

સરોજિની નાયડુએ વડા પ્રધાનને સંબોધીને કહ્યું કે તમે જ અપીલ કરી છે કે આ પ્રશ્નનો ઉકેલ અમારે હિન્દુસ્તાનીઓએ શોધવાનો છે અને અમારે જ એ, કોઈ બહારની સત્તાની દરમિયાનગીરી વગર ઉકેલવો જોઈએ, એ હિન્દુસ્તાનીઓના સ્વમાનને શોભા આપશે. એટલે જ અનૌપચારિક વાતચીતો કરવી જોઈએ અને તે પછી આ સમિતિમાં નિર્ણય લેવો જોઈએ.

તે પછી ગાંધીજીએ ખુલાસો કર્યો કે કોંગ્રેસની નીતિ છે કે કોમના ધોરણે માત્ર મુસલમાનો સાથે કે શીખો સાથે વાત કરવી અને એ જ મારો મત છે. આમ છતાં મેં કે કોંગ્રેસે બીજા કોઈની વાત સાંભળવાનો તો ઇનકાર નથી કર્યો, અને હું કોણ છું કે સૌને મારા નિર્ણયથી બાંધી શકું? તમે તમારા અભિપ્રાયને વળગી રહો, હું મારા અભિપ્રાયને. તમારા અભિપ્રાયની કિંમત મારા અભિપ્રાયથી ઓછી નથી. તમને એમ લાગતું હોય કે આ ટેબલ પર અક્કડ થઈને બેસવા કરતાં નજીક આવીને વાત કરવામાં કંઈ ખોટું નથી, તો આ મીટિંગ મુલતવી રાખવાનું સૂચન સ્વીકારી લો અને મને હૃદયથી સહકાર આપો.

આના પછી યુરોપિયનોના પ્રતિનિધિ હ્યુબર્ટ કારે કહ્યું કે મારી કોમનું પણ નામ નથી પણ હું મીટિંગ મુલતવી રાખીને ખુલ્લા મનથી વાત થાય તેની તરફેણ કરું છું. બીજા એક ભારતીય ખ્રિસ્તી ડી. દત્તાએ પણ કહ્યું કે હું પણ મુલતવી રાખવાના સૂચનને ટેકો આપું છું. તે પછી આઠમી ઑક્ટોબરે મળવાનું નક્કી થયું. અને એક અઠવાડિયું અનૌપચારિક મંત્રણાઓ થતી રહી.

મીટિંગ અચોક્કસ સમય સુધી મુલતવી રાખોઃ ગાંધીજી

આઠમીએ બધા ફરી મળ્યા ત્યારે ગાંધીજીએ જાહેર કર્યું કે એમનો પ્રયાસ સફળ ન થયો. એમણે કહ્યું કે સફળ ન થવાનું એક કારણ એ છે કે અહીં જે કોઈ આવ્યા છે તે ખરેખર કોઈના પ્રતિનિધિ નથી, એમને કોઈએ પસંદ કરીને મોકલ્યા નથી. સરકારે એમને પસંદ કર્યા એટલે અહીં આવ્યા છે. અને લઘુમતીઓના સવાલ પર વિચાર કરવા માટે આ સમય યોગ્ય પણ નથી. આજે વિદેશી સત્તાના નિયંત્રણને કારણે કોમી મતભેદો વધારે વકર્યા છે, એટલે આ સવાલનો ઉકેલ આવે તે સ્વરાજ માટે સારું છે, પણ એ સ્વરાજના માથાનો મુકુટ બની શકે, પાયો નહીં. (એટલે કે, સ્વરાજ પહેલાં આવવું જોઈએ, કોમી સવાલ તે પછી ઉકેલાશે). મને જરાય એ વાતમાં શંકા નથી કે સ્વરાજના ગરમાવામાં કોમી ભેદભાવનો હિમખંડ પીગળવા લાગશે. આથી હું સૂચવું છું કે લઘુમતી સમિતિની બેઠક અચોક્કસ સમય સુધી મુલતવી રાખવી જોઈએ કે જેથી તે દરમિયાન કોમી સવાલના ઉકેલના અનૌપચારિક પ્રયાસ ચાલુ રાખી શકાય અને રાખવા જોઈએ.

તે પછી એમણે કોંગ્રેસની નીતિ વિશે ખુલાસો કર્યો કે અમે કોમી ધોરણે અલગ મતદાર મંડળમાં નથી માનતા, બધા મતદારોની એક જ સમાન યાદી હોવી જોઈએ અને સાર્વત્રિક પુખ્ત મતાધિકાર હોવો જોઈએ. પણ એમણે ઉમેર્યું કે કોંગ્રેસના ઠરાવ પ્રમાણે સમાધાન ન થઈ શકે તો બીજા રસ્તા શોધવામાં મને કોઈ બાધ નડતો નથી.

કોમી સવાલની, એટલે કે લઘુમતીઓના અધિકારો વિશેની ચર્ચામાં આપણે આવતા અઠવાડિયે આગળ વધશું.

૦૦૦

સંદર્ભઃ

https://indianculture.gov.in/flipbook/89519 Indian Round Table conference (Second Session) 7 September 1931 to 1 December 1931 vol. III (Proceedings of Minorities committee) પ્રકાશન ૧૯૩૨.(ડાઉનલોડ નહીં કરી શકાય).

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-53

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)

૧૭મી ઍપ્રિલે લૉર્ડ અર્વિન ઇંગ્લેંડ પાછો ગયો અને એની જગ્યાએ વિલિંગ્ડન વાઇસરૉય તરીકે આવ્યો. વિલિંગ્ડન રૂઢિચુસ્ત પક્ષનો હતો અને હિન્દુસ્તાની વસાહત માટે એના વિચારો અર્વિનથી જુદા પડતા હતા. હિન્દુસ્તાનનું કૉમનવેલ્થમાં એટલું મહત્ત્વનું સ્થાન હતું કે ઇંગ્લેંડ એને કોઈ પણ રીતે છોડવા તૈયાર ન થાય. એટલે અર્વિન અને વિલિંગ્ડનના દૃષ્ટિકોણમાં ફેર એટલો હતો કે અર્વિન એમ માનતો હતો કે હિન્દીઓમાં અસંતોષ છે, તેને ટાઢો પાડવો જ જોઈએ, એટલે એમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ સંતોષાય એવું થોડુંઘણું આપવું જોઈએ. એ કોંગ્રેસને દેશની મુખ્ય રાજકીય સંસ્થા માનતો હતો એટલે જ એણે ગાંધીજીને બરાબરીનો દરજ્જો આપીને કરાર કર્યા. પરંતુ એ આ વસાહતમાંથી ઇંગ્લેંડ સંપૂર્ણ હટી જાય એમ તો એય નહોતો માનતો. બીજી બાજુ, વિલિંગ્ડન રાજકીય ચળવળોને કચડી નાખવાનો રસ્તો પસંદ કરતો હતો. ગાંધી-અર્વિન કરારને એણે અભેરાઈએ ચડાવી દીધો અને રાજકીય કેદીઓ વિશે થયેલી સમજૂતીનો ખુલ્લો ભંગ કરવાનું શરૂ કરી દીધું.

આમ પણ ગાંધીજીને ગોળમેજી પરિષદમાં જવાનો વિચાર રૂચ્યો નહોતો, પણ અર્વિન સાથે કરાર કર્યા પછી ગયા સિવાય ચાલે એમ નહોતું. એમણે દેશને કહી દીધું કે “મારે કદાચ ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે જ પાછા ફરવું પડશે”. ( ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય ‘છેલ્લો કટોરો’ આ જ ભાવ વ્યક્ત કરે છે. ગાંધીજી માટે ગોળમેજી પરિષદમાં જવું તે કટોરો ભરીને ઝેર પીવા બરાબર હતું પણ કવિ કહે છે, છેલ્લો કટોરો ઝેરનો આ, પી જજો બાપુ !).

બ્રિટનની ચાલ

બ્રિટન આ પરિષદને દેશમાં વધારે ફૂટ પડાવવા માટે વાપરવા માગતું હતું. કોંગ્રેસને નબળી પાડવી એ એનું લક્ષ્ય હતું એટલે બહુમતી કોંગ્રેસની સ્વતંત્રતાની માગણી સાથે નથી, એવું ગાંધીજીને દેખાડવાની તક જતી કરવા બ્રિટનની સરકાર કોઈ પણ ભોગે તૈયાર નહોતી. બીજા બધા પ્રતિનિધિઓ કાં તો રજવાડાના હતા અથવા પોતપોતાની કોમોનું પ્રતિનિધિત્વ કરતા હતા.રાજાઓનો દૃષ્ટિકોણ તો બ્રિટિશ સત્તા સાથે શા સંબંધ રહેશે તે હતો, પણ બીજા બધા પ્રતિનિધિઓ સરકાર સત્તા પરિવર્તનનો વિચાર કરે તે પહેલાં એમની માગણી સંતોષે એવું જરૂરી માનતા હતા. સ્વતંત્રતા કે ડોમિનિયન સ્ટેટસમાં એમને રસ નહોતો. આડકતરી રીતે બધાને કોંગ્રેસ કરતાં અંગ્રેજોમાં વધારે વિશ્વાસ હતો! જો કે પહેલી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ નહોતો લીધો ત્યારે બધાએ અનુભવ્યું હતું કે કોંગ્રેસ વિના વાત આગળ વધી જ ન શકે.પરિષદના ત્રણ મુદ્દા હતા (જૂઓ ગયા અઠવાડિયાના લેખમાં અર્વિને ગાંધીજીને આપેલો ખુલાસો). રાજાઓ સીધા બ્રિટિશ સર્વોપરિતા હેઠળ રહેવા તૈયાર હતા પણ કોઈ જાતનું ફેડરેશન બને તેમાં જોડાવા તૈયાર નહોતા.

ગાંધીજી જાણતા હતા કે બધા અંગ્રેજોની સાથે રહેવાના છે. એટલે એમણે ૨૯મી ઑગસ્ટે રવાના થવાનું હતું તેનાથી પહેલાં છેલ્લો પાસો ફેંક્યો અને વિલિંગ્ડનને પત્ર લખીને મળવાનો સમય માગ્યો. એમણે સ્પષ્ટ લખ્યું કે દેશમાં જે સ્થિતિ છે, તે જોતાં ગોળમેજી પરિષદમાં જવાથી કંઈ વળે તેમ નથી. ૨૯મી ઑગસ્ટે એ જવાના હતા તેનાથી ચાર દિવસ પહેલાં ૨૫મીએ ગાંધીજી અને વિલિંગ્ડન મળ્યા. તે પછી ગાંધીજી એ લંડન જવાનો નિર્ણય પાકો કરી નાખ્યો. બ્રિટનની ચાલ એ સમજી ગયા હતા અને એનો જ ઉપયોગ કરવાનું એમણે નક્કી કર્યું. જેમ બ્રિટન એમ દેખાડી શકે કે કોઈ કોંગ્રેસની સ્વતંત્રતાની માગણી સાથે નથી તેમ કોંગ્રેસ પણ દેશની જનતાને દેખાડી શકે કે દેશની આઝાદી માટેની આકાંક્ષાઓને માત્ર કોંગ્રેસ વાચા આપે છે! ગાંધીજી, સરોજિની નાયડુ અને પંડિત મદન મોહન માલવિયા ૨૯મીએ મુંબઈથી એસ. એસ. રાજપુતાનામાં રવાના થયાં.

બીજા પ્રતિનિધિઓ

એમનાથી પહેલાં ૧૫મી ઑગસ્ટે હિન્દુઓ અને મુસલમાનો તેમ જ ડિપ્રેસ્ડ ક્લાસિસ અને રજવાડાંઓના કુલ મળીને ૨૬ પ્રતિનિધિઓ એક સાથે એસ. એસ. મુલતાનમાં લંડન તરફ રવાના થયા. આ જૂથમાં બધા પ્રકારના પ્રતિનિધિઓ હતાઃ બે સ્ત્રી પ્રતિનિધિ, બેગમ શાહ નવાઝ અને શ્રીમતી સુબ્બરાયન, સમવાય વ્યવસ્થાના હિમાયતી કર્નલ કે. એન. હક્સર અને તેજ બહાદુર સપ્રુ, ખિલાફતના ઉદ્દામવાદી નેતા મૌલાના શૌકત અલી, હિન્દુ મહાસભાના નેતા ડૉ. મુંજે અને નરમપંથી હિન્દુ નેતા એમ. આર. જયકર. ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા બાબાસાહેબ આંબેડકર પણ આ જ જહાજમાં હતા. તે ઉપરાંત બિકાનેર, અલ્વરના મહારાજાઓ, ટ્રેડ યુનિયનના નેતા એન. એમ જોશી વગેરે હતા. આમ એક જાતનો શંભુમેળો હતો અને બધા એક સાથે જ એક જ હેતુથી નીકળ્યા હતા એટલે એમના વચ્ચે ચર્ચાઓ થાય તે સ્વાભાવિક હતું. પરંતુ એક સહપ્રવાસી બ્રિટિશ ઑફિસર લખે છે કે બધા એક સાથે હોવાથી સાથે મળવાનું બનતું જ હતું પણ એમાંથી એમના વચ્ચે સારા સંબંધો બનવાને બદલે સામાજિક ભેદભાવો અને અસમાનતાઓ વધારે નજરે ચડી આવતાં હતાં.

બ્રિટનમાં સરકારનું સંકટ

બીજી ગોળમેજી પરિષદ શરૂ થાય તેનાં બે અઠવાડિયાં પહેલાં બ્રિટનની સરકારમાં સંકટ ઊભું થયું. આર્થિક સ્થિતિને સંભાળવામાં સરકાર નિષ્ફળ ગઈ એવા આક્ષેપો થયા અની વડા પ્રધાન રામસે મૅક્ડોનલ્ડને રાજીનામું આપવાની ફરજ પડી. જો કે રાજાએ એમને રાષ્ટ્રીય સરકાર બનાવવાનું કહ્યું એટલે મૅક્ડોનલ્ડ વડો પ્રધાન તો રહ્યો પણ રૂઢિચુસ્ત પક્ષના પ્રધાનોને પણ લેવા પડ્યા. આમાં ભારત માટેના પ્રધાન તરીકે વેજવૂડ બૅનની જગ્યાએ રૂઢિચુસ્ત પક્ષનો સૅમ્યુઅલ હૉર આવ્યો. આમ, ગોળમેજી પરિષદમાં બ્રિટન સરકારનું વલણ વધારે કડક હશે એ પણ નક્કી થઈ ગયું.

ગાંધીજી લંડનમાં

લંડનનાં છાપાંઓએ ગાંધીજીની મુલાકાતને બહુ મહત્ત્વ આપ્યું. મીઠાના સત્યાગ્રહ અને એમના અહિંસક આંદોલને તેમ જ, રેંટિયાને આર્થિક આઝાદીનું પ્રતીક બનાવવાના ચિંતને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. ઘણાં છાપાંઓએ એમની ટીકા કરી, એમનો પહેરવેશ પણ હાસ્યનો વિષય રહ્યો પણ લંડનના The Illustrated News of London અખબારે એમને ઘણી પ્રસિદ્ધિ આપી. ૧૯મી સપ્ટેમ્બર ૧૯૩૧ના અંકમાં તો એણે ગાંધીજીના ફોટાઓનું સંકલન પ્રકાશિત કર્યું.

વિદેશી કાપડની હોળીના એમના કાર્યક્રમને કારણે લૅંકેશાયરની કાપડ મિલોને ભારે નુકસાન થયું હતું અને મજુરો કામધંધા વિનાના થઈ ગયા હતા. આમ છતાં ગાંધીજી એમને મળવા ગયા. લંડનના સત્તાવાળાઓને ચિંતા હતી કે લોકો એમના પર ક્યાંક હુમલો કરી બેસે તો? પણ થયું ઉલટું. ત્યાં ગાંધીજીએ બહિષ્કારનાં કારણ સમજાવ્યા. અને લોકો તો એમને જોવા માટે ઊમટી પડ્યાં હતાં!

ગોળમેજી પરિષદની વાતો હવે પછીના અંકમાં.

સંદર્ભ: S. Legg, Political lives at sea: working and socialising to and from the India Round Table Conference in London, 1930e1932, Journal of Historical Geography, https://doi.org/10.1016/j.jhg.2019.12.005

<

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-52

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૫૨: ગાંધી-અર્વિન કરાર

ગાંધીજીને છેક ૧૯૩૧ની ૨૬મી જાન્યુઆરીએ છોડવામાં આવ્યા. (અહીં આપણે અનુસંધાન જોડીએ અહીં  પ્રકરણ ૪૨ વાંચો. જેલમાંથી બહાર આવીને ભગતસિંઘને છોડાવવા માટે ગાંધીજીએ શું કર્યું તેની વિગતો એ પ્રકરણમાં છે). મીઠાના સત્યાગ્રહનાં પરિણામ બ્રિટન માટે ચોંકાવનારાં હતાં. સાવ જ નજીવો લાગતો મુદ્દો આટલા મોટા આંદોલનમાં પરિણમશે તેની બ્રિટનમાં કલ્પના પણ નહોતી.

હવે વાઇસરૉયે બ્રિટનને કહ્યું કે કંઈક નરમાશ નહીં દેખાડીએ તો આંદોલન શાંત નહીં પડે, એટલે પહેલું કામ આંદોલનને રોકવાનું છે અને તે તો માત્ર કંઈક કરતા હોવાનું દેખાડીએ તો જ થાય. વાઇસરૉય અર્વિનની દરખાસ્ત એ હતી કે લંડન એવી ખાતરી આપે કે એ ભારતને અધીન રાજ્યનો દરજ્જો – ડોમિનિયન સ્ટેટસ – આપવા તૈયાર છે, તો આંદોલન બંધ થાય. અર્વિને લંડન જઈને ત્યાં ભારત માટેના પ્રધાન સાથે પણ ચર્ચા કરી, પણ બ્રિટિશ સરકાર આવું વચન આપવા તૈયાર નહોતી. એનો તર્ક એ હતો કે આ વચન આપ્યા પછી આંદોલન બંધ થાય, એ તો એની જીત ગણાય. એના પછી આંદોલન ચાલુ રાખવાનું કોંગ્રેસ પાસે પણ કોઈ કારણ ન હોય. આથી એમ કરવું કે ભારતના બધા લાગતાવળગતા પક્ષો કે હિત-જૂથોની પરિષદ બોલાવીને ભારતનો પ્રશ્ન ચર્ચવા બ્રિટન તૈયાર છે, તે દેખાડવું. આમ બધું પરિષદનાં પરિણામો પર છોડી દેવું. આમાં કોઈ જાતનું વચન પણ નથી અને ખુલ્લું મન હોવાનું પણ દેખાડી શકાય.

આ પહેલાં પણ ૧૯૩૦ના નવેમ્બરમાં પહેલી ગોળમેજી પરિષદ મળી ગઈ હતી અને એ અર્થ વગરની સાબિત થઈ હતી કારણ કે કોંગ્રેસ એમાં સામેલ નહોતી થઈ. ગાંધીજી અને બીજા પણ ઘણાય નેતાઓ જેલમાં હતા. એ વખતે તો બ્રિટનને લાગ્યું હતું કે કોંગ્રેસને ખૂણે બેસાડીને આગળ વધવું; પણ કોંગ્રેસની તાકાતનો પરચો તો ભારતમાં જ મળે અને એની ઉપેક્ષા કરવાથી કંઈ ન વળે એ પણ સરકારને સમજાઈ ગયું હતું. હવે ફરી પરિષદ બોલાવીને ભારતના જ પ્રતિનિધિઓ વચ્ચેના મતભેદો બહાર આવે એવા સંયોગો ઊભા કરવાથી બ્રિટન સરકારનો તો કંઈ વાંક ન કાઢી શકાય. વાઇસરૉયનો આગ્રહ હતો કે કોંગ્રેસ પરિષદમાં જોડાય તે માટે કંઈક કરવું પડશે. એણે જાહેરાત કરી કે બ્રિટન સરકાર ભારત વિશે ગંભીરતાથી વિચારે છે અને એના પર ચર્ચા કરવા માટે ગોળમેજી પરિષદ બોલાવવાનું નક્કી કર્યું છે, જેમાં ભારતનાં બધાં જૂથોને આમંત્રણ અપાશે.

કોંગ્રેસ ગાંધીજી જેલમાં હોય ત્યાં સુધી વાતચીત કરવા તૈયાર ન થાય એ તો સ્વાભાવિક હતું. કોંગ્રેસના પ્રતિનિધિઓમાં ગાંધીજી પણ ગોળમેજી પરિષદમાં ભાગ લે એવી અર્વિને ઇચ્છા જાહેર કરી. આથી ગાંધીજીને છોડવાનો વાઇસરૉયે નિર્ણય લીધો. હવે ગાંધીજી અને અર્વિન વચ્ચે સીધી વાતચીતનો સમય આવ્યો હતો.

જેલમાંથી છૂટ્યા પછી તરત મુંબઈ જવા માટે ચિંચવડ સ્ટેશને ટ્રેનની રાહ જોતાં ગાંધીજીએ એસોસિએટેડ પ્રેસને ઇંટરવ્યુ આપ્યો, તેમાં આશા દર્શાવી કે સરકાર બધા સત્યાગ્રહીઓને છોડી મૂકશે. બીજા દિવસે એમણે ફરી પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત પર ભાર મૂક્યો અને કહ્યું કે માત્ર વર્કિંગ કમિટીના સભ્યોને છોડવાથી આંદોલન અટકે નહીં કારણ કે હવે જનસમૂહ જાગી ઊઠ્યો છે એટલે નેતાઓ પોતાને ફાવી તે રીતે આંદોલન ચલાવી કે બંધ ન કરી શકે.

મુંબઈમાં એમને શ્રીનિવાસ શાસ્ત્રી, તેજ બહાદુર સપ્રુ વગેરે નેતાઓ મળવાના હતા. શાસ્ત્રી અને સપ્રુ પહેલી ગોળમેજી પરિષદમાં ભાગ લઈને પાછા આવ્યા હતા. એમના આગ્રહને કારણે ગાંધીજી કોઈ નવો કાર્યક્ર્મ જાહેર કરવા નહોતા માગતા, તેમ છતાં એમણે એ પણ સ્પષ્ટતા કરી કે મીઠું બનાવવું એ તો લોકોનો કુદરતી અધિકાર હતો એટલે ધરાસણાની ધાડ સિવાય જે કંઈ થયું તે કાનૂન ભંગ ન ગણાય, માત્ર લોકોએ પોતાનો અધિકાર ભોગવ્યો એમ કહી શકાય. અને ગોળમેજી પરિષદનાં પરિણામો સારાં હોય તો પણ આ આંદોલનનો અધિકાર છોડી ન શકાય. આમ ધીમે ધીમે ગાંધીજી વાઇસરૉય સાથેની વાતચીતમાં પોતાનું વલણ શું હશે તે સ્પષ્ટ કરતા જતા હતા.

તે પછી તરત પંડિત મોતીલાલ નહેરુની તબીયત લથડી હોવાના સમાચાર મળતાં ગાંધીજી એમને મળવા ગયા. એમને લખનઉ લઈ ગયા હતા. તે પછી છઠ્ઠી ફેબ્રુઆરીએ એમનું અવસાન થયું અને એમનો દેહ લખનઉથી અલ્હાબાદ લઈ આવ્યા અને બધા નેતાઓ અલ્હાબાદ પહોંચ્યા. એક બાજુ શ્મશાન યાત્રાની તૈયારી ચાલતી હતી અને બીજા ખંડમાં નેતાઓની પહેલી બેઠક ચાલતી હતી. તે પછી ૧૨મી અને ૧૩મીએ કોંગ્રેસ કારોબારીની બેઠક મળી તેમાં ગાંધીજીને વાઇસરૉય સાથે સમાધાનની વાટાઘાટો કરવાનો અખત્યાર આપવામાં આવ્યો. ૧૪મીએ ગાંધીજીએ વાઇસરૉયને પત્ર લખીને મળવાનો સમય માગ્યો.

ગાંધીજીની મનઃસ્થિતિ

વાઇસરૉય સાથે સમાધાન માટે વાટાઘાટ કરવા ગાંધીજી કેમ તૈયાર થઈ ગયા? એમણે વાઇસરૉયને લખ્યું કે સામાન્ય રીતે તો હું અંતરાત્માના અવાજ પ્રમાણે ચાલું છું પણ આ મુલાકાત માટે મારા મિત્રોનો આગ્રહ છે કે શાંતિ માટે મળવું જરૂરી છે. આ હતી ગાંધીજીની પોતાની મનઃસ્થિતિ. તે ઉપરાંત, ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટણીને લખેલા પત્રમાંથી પણ એમનો દૃષ્ટિકોણ છતો થાય છે.

“દાંતને જીભની ભલામણ ન હોય. મારી સ્થિતિ પેલી સગી માના જેવી સમજજો. (પોતાના બાળકને) જીવતો રાખવા સારુ એનો વિયોગ સહન કરવા સારુ તૈયાર થઈ હતી ના? ઓરતોના ચોટલા તણાય, બાળકો નિરર્થક ચાબખા ખાય એમાં મને રસ તો ન જ આવે ના? એટલે તણાઈને પણ સુલેહ કરવાની ઇચ્છા રહ્યા જ કરે છે. પણ જે સુલેહ વરુ-ઘેટાના જેવી હોય તે સ્વીકારવા કરતાં ભલે ઓરતોની લાજ લૂંટાય, નિર્દોષ બાળકોનાં ઘરબાર ઉજ્જડ થાય, બેગુનાહ ફાંસીએ ચડે. મરણકાંઠે બેઠેલો હું હિંદુસ્તાનને ફસાવવામાં સહી ન કરું એમ ઈશ્વર પાસે માગ્યા કરું છું. ગાડાની નીચે રહેલા કૂતરાની સ્થિતિ મારી નથી. મારી મર્યાદાનું મને ભાન છે. હું રજકણ છું. રજકણને પણ ઈશ્વરના જગતમાં સ્થાન છે — પણ જો એ કચરાવું કબૂલ કરે તો. કર્તાહર્તા પેલો વડો કુંભાર [ઈશ્વર] જ છે. એને વાપરવો હોય તેમ ભલે મને વાપરે. હારશે તોયે એ, અને જીતશે તોયે એ. એટલે હારવાપણું છે જ નહીં. અથવા કહો, સદાયના હાર્યા જ છીએ ના?”

ગાંધી-અર્વિન કરાર

૧૭મીએ ગાંધીજી અને અર્વિન મળ્યા. કેટલાય દિવસ વાતચીત ચાલી. આની વિગતો અહીં વિસ્તારના ભયે આપી શકાય તેમ નથી. પરંતુ વાતચીત મોડી રાત સુધી ચાલતી અને ઘણી વાર તો રાતના એક વાગ્યા પછી ગાંધીજી બહાર આવતા. આપણે માત્ર અર્વિનની પહેલા દિવસની નોંધના શરૂઆતના અમુક ફકરાનો સાર જોઈએ કે જેથી આગળ ગોળમેજી પરિષદમાં શું થવાનું હતું તેનો ખ્યાલ આવે.

અર્વિન લખે છેઃ

મીટિંગમાં હું અને ગાંધી એકલા હતા, બીજું કોઈ નહોતું. અમે સામાન્ય વાતચીતથી શરૂઆત કરી અને તેમાં મેં એમને કહ્યું કે બ્રિટનના વલણમાં ફેરફાર થયો છે અને હું માનું છું કે કોંગ્રેસ તક જતી કરવા નહીં માગે. એમણે વધારે વિગતો માગી, મેં અત્યારે વિચારની (ગોળમેજી પરિષદની) જે સ્થિતિ છે તેની માહિતી આપી. એમણે કહ્યું કે આના પર વધારે ચર્ચા થઈ શકે કે કેમ? મેં કહ્યું કે એમાં મુખ્ય ત્રણ સિદ્ધાંત છે) ફેડરેશન, ) ભારતીયોની જવાબદારી અને ) અનામતો તેમ સાવચેતીઓ. મૂળભૂત સિદ્ધાંતો છે પણ એના અમલની વિગતો વિશે ચર્ચા થઈ શકે. પરંતુ એમના સાથીઓ(કોંગ્રેસ) ફેડરેશન અને અનામતોના મુદ્દાઓના મુખ્ય અર્કને કાઢી નાખવાનો પ્રયત્ન કરે તો એમાં કંઈ લાભ નથી. રીતેમારા રૂઢિચુસ્ત મિત્રો” (બ્રિટનનો પક્ષ) ભારતીયોની જવાબદારીના મુદ્દાને તોડી પાડવા મથે તેનો પણ કંઈ લાભ નથી.

વાતચીતમાં ઘણા મુદ્દા હતા, જેમાં ખેડા જિલ્લામાં ના-કરની લડાઈ વખતે સરકારે ટાંચમાં લીધેલી જમીનો પાછી આપવાનો મુદ્દો પણ હતો. પરંતુ અમુક જમીનો તો બીજાને વેચી દેવાઈ હતી, એમાં સરકાર કંઈ ન કરી શકે એવું વાઇસરૉયનું વલણ હતું. એ જ રીતે પોલીસના અત્યાચારોની તપાસની ગાંધીજીની માગણી હતી. એ માનવા પણ વાઇસરૉય તૈયાર નહોતો. આમ બન્ને પક્ષે ઘણા મતભેદ હતા પરંતુ ગાંધીજી વચલો માર્ગ કાઢતા ગયા અને અર્વિન માટે પણ એ જરૂરી હતું કે ગાંધીજી કોઈ પણ રીતે માની જાય અને ગોળમેજી પરિષદમાં સામેલ થાય.

સમાધાનનો અંતિમ મુસદ્દો તૈયાર થયો તે રાતે ગાંધીજી પોણાબે વાગ્યે પાછા ફર્યા. તે પછી બધાને જગાડીને એ વાંચી સંભળાવવામાં આવ્યો. મહાદેવભાઈ લખે છે કે ગાંધીજીએ કહ્યું કે “મુખ્ય વાત ઉપોદ્‍ઘાત છે અને એ સરસ થયો છે.” પરંતુ એમાં કોંગ્રેસે જ્યાંથી શરૂઆત કરી હતી તેના કરતાં આ મુસદ્દો બહુ મોળો હોવાની બધાની છાપ હતી. મહાદેવભાઈના શબ્દોમાં –

જવાહરલાલ ઊંઘમાંથી જાગીને આવ્યા હતા. બાપુ આખું વાંચી સંભળાવતા હતા, ત્યાં, માથું નીચું ઘાલીને બેઠા હતા. વંચાઈ ગયા પછી બાપુએ પૂછ્યું, “ક્યોં ભાઈ ક્યા કહતે હો? એણે કહ્યું કેપઢકર દિખાઉંગા”….સવારે વલ્લભભાઈએ કહ્યું, “આખી રાત જવાહરલાલનાં ડૂસકાં હું સાંભળતો હતો.”

જમીનની બાબતમાં વેચાઈ ગયેલાં ખેતરોનું કંઈ ન થઈ શકે એવા વાઇસરૉયના વલણથી રાજાજી દુઃખી હતા. મહાદેવભાઈ લખે છે કે

બાપુ ચિડાયાઃ મીઠાની એક ચપટી એકરના એકર જમીન કરતાં વધારે મહત્ત્વની છે તમારી બુદ્ધિ કેમ સમજતી નથી? ગયેલી જમીનો તો પાછી મેળવી શકાય પણ મીઠું પાછું મેળવાય.”

ગાંધીજીને એ વાતથી સંતોષ હતો કે સરકાર ગરીબો ને મીઠું બનાવવાનો હક આપવા માની ગઈ હતી. બીજી સમજૂતીઓમાં સત્યાગ્રહના કારણાસર પકડાયેલા હોય અને હિંસામાં સંડોવાયેલા ન હોય તેમને છોડી મૂકવાની માગણી પણ વાઇસરૉયે માની લીધી હતી. પરંતુ ગાંધીજીએ વર્કિંગ કમિટીની મીટિંગમાં અનુભવ્યું કે કોઈ એમની સાથે નથી. તેમાં જવાહરલાલે તો કરાર વિશે બળાપો કર્યો અને પોતે એકલા પડી ગયાની લાગણી ખુલ્લા શબ્દોમાં વ્યક્ત કરી. અંતે જો કે, સૌએ ગાંધી-અર્વિન કરારને મંજૂરી આપી. તે પછી ગોળમેજી પરિષદમાં ગાંધીજી કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે જાય એવું નક્કી થયું.

ગાંધી-અર્વિન કરાર બહુ નબળો હોવા છતાં એનું એક નોંધપાત્ર પરિણામ એ હતું કે કોંગ્રેસને વાઇસરૉયે મંત્રણાઓમાં જાણ્યે-અજાણ્યે સમોવડિયાનો દરજ્જો આપ્યો અને ગાંધીજી અને સામ્રાજ્યવાદી સત્તાના પ્રતિનિધિએ સમોવડિયા તરીકે કરાર પર સહીઓ કરી. ચર્ચિલને એ જ ન ગમ્યું કે પૂર્વના દેશોમાં ચિરપરિચિત ફકીર જેવો અર્ધનગ્ન માણસ મહાન સામ્રાજ્યના પ્રતિનિધિ સાથે સમાન બનીને વાતો કરવા એના મહેલનાં પગથિયાં ચડતો હોય !

૦૦૦

સંદર્ભઃ

1.Collected Works of Mahatma Gandhi Vol 45

2. મહાદેવભાઈની ડાયરી પુસ્તક તેરમું(ચૌદમું)

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-51

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૫૧ : ધરાસણાની ધાડ

મીઠાનો કાયદો તોડ્યા પછી ગાંધીજી પોતે એમ માનતા હતા કે સરકાર એમની ધરપકડ કરી લેશે પણ એવું કશું સરકારે ન કર્યું. દાંડીના સત્યાગ્રહનું મહત્ત્વ એ જ છે, એમાંથી અહિંસક આંદોલનની સંપૂર્ણ શક્તિ પ્રગટ થાય છે. લોકો હિંસા નથી કરતા એટલે એમની સામે કંઈ કરી ન શકાય. કાયદાનો ભંગ થયો હોય તો માત્ર કાનૂની રાહે સજા કરી શકાય. પરંતુ સરકારને એ સ્થિતિમાં મૂકવી કે એ સજાઓ કરે, હિંસા કરે એવા પ્રયાસો કરવા એ ગાંધીજીનો મુખ્ય વ્યૂહ રહ્યો. ૨૫.૪.૧૯૩૦ના મહાદેવભાઈ દેસાઈ પરના ગાંધીજીના પત્રમાંથી આ વાત પ્રગટ થાય છેઃ તમે પાછા નીકળશો તે પહેલાં કંઈક હજારો પોતાનો જીવ ખોઈ બેઠા હશે. ઈશ્વરની કેવી કૃપા છે કે થોડા વીણી કાઢેલા એની મેળે રહી જશે. મરેલા, ને રહેલા, બંને સરખા પુણ્યશાળી ગણાય. મરે પુણ્યશાળી અથવા વધારે પુણ્યશાળી એમ માનવાનું કારણ નથી….બાકી પેશાવર, ચિત્તાગોંગના બનાવ પછી બેચાર મોટી કતલ, નિર્દોષ માણસોની, થયે છૂટકો જોઉં છું; અથવા નિર્દોષને ઇરાદા ને દૃઢતાપૂર્વક જેલમાં ગોંધી રાખે એવું બને. કરાંચીમાં તો નિર્દોષ મર્યા છે, ઘવાયા છે. ખરું છે કે સરકાર પણ જાણતી નથી કે ક્યાં છે ને શું કરવા માગે છે. બધું એને સારુ ને આખા જગતને સારુ નવી વાત છે.”

સરકાર સમજી ન શકે કે શું કરવું, એ ગાંધીજીના વ્યૂહનું મુખ્ય તત્ત્વ હતું. આખા દેશમાં લોકો ઘરે ઘરે મીઠું પકવતા થઈ ગયા હતા, લાખોની ધરપકડ થઈ ગઈ હતી. આ સ્થિતિમાં ગાંધીજીએ નવું ઉંબાડિયું કર્યું. એમણે હવે સમુદ્ર્માંથી મીઠું બનાવવાના કાર્યક્રમમાં ઉમેરો કર્યો. આમ પણ દારુનાં પીઠાંઓ ઉપર પિકેટિંગ, વિદેશી કાપડનો બહિષ્કાર વગેરે કાર્યક્રમો તો ચાલતા જ હતા, પણ નઓ કાર્યક્રમ સીધો મીઠાને જ લગતો હતો. બીજા એમણે હવે જાહેર કર્યું કે સત્યાગ્રહીઓ મીઠાનાં કારખાનાંઓનો કબજો કરશે. એના માટે ગાંધીજીએ ધરાસણાના મીઠાના કારખાનાને પસંદ કર્યું અને કહ્યું કે સત્યાગ્રહીઓ એના પર ‘ધાડ’ મારશે. આ શબ્દ એમણે ગુજરાતીમાં જ વાપર્યો પણ અંગ્રેજ સત્તા ખળભળી ઊઠી. આ ગાંધી શું કરવા માગે છે? સત્યાગ્રહીઓ બહારવટિયાઓ જેમ હુમલો કરીને કારખાનું લૂંટી લેશે? એક અમેરિકન પત્રકાર સાથેની વાતચીતમાં ગાંધીજીએ ખુલાસો કર્યો કે ‘ધાડ’ શબ્દ એમણે ગુજરાતીમાં વાપર્યો પણ એનો અર્થ એ નથી કે સત્યાગ્રહીઓ અહિંસાનો માર્ગ છોડી દેશે. એ ત્યાં જશે અને કારખાનામાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે. સરકાર એમને રોકશે, તો લોહી રેડાશે પણ સત્યાગ્રહી એના માટે તૈયાર હશે. એ લોકો વળતો હુમલો નહીં કરે.

ગાંધીજી છઠ્ઠી એપ્રિલે મીઠાનો કાયદો તોડ્યા પછી થોડા દિવસ તો દાંડીમાં જ રહ્યા પણ તે પછી ૧૪મીએ કરાડી આવી ગયા. અહીંથી એમણે ધરાસણાના મીઠાના કારખાના પર સત્યાગ્રહ કરવાનો પત્ર વાઇસરૉયને મોકલ્યો. સત્યાગ્રહ ૧૫મી તારીખે નક્કી થયો હતો તે પહેલાં ગાંધીજીની ૧૨મી મેની મધરાતે કરાડીમાંથી ધરપકડ કરી લેવાઈ. ગાંધીજીનું સ્થાન અબ્બાસ તૈયબજીએ લીધું.

અબ્બાસ તૈયબજી

અબ્બાસ તૈયબજી ખંભાતના પ્રતિષ્ઠિત અને શ્રીમંત સુલેમાની વોહરા કુટુંબના. ૧૯૧૩માં વડોદરાના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયા પછી ખિલાફતના વખતથી એ આગળ આવ્યા પણ પછી ગાંધી-રંગે રંગાઈ ગયા. વિદેશી કપડાં છોડ્યાં અને ખાદીમાં આવી ગયા.૧૯૨૮માં એંસી વર્ષની ઉંમરે બળદગાડામાં બેસીને એ ગામડે ગામડે ખાદીના પ્રચાર માટે નીકળી પડતા. એમના કાકા સર બદરુદ્દીન તૈયબજી કોંગ્રેસના શરૂઆતના પ્રમુખોમાં હતા. અને ૧૯૩૦માં એક સુત્ર પ્રચલિત હતું – “ખરા રુપૈયા ચાંદી કા / રાજ તૈયબગાંધી કા.” એમને હિન્દુસ્તાન ‘Grand Old Man of Gujarat’ તરીકે ઓળખતું હતું.

એ ધરાસણા પર છાપો મારવા ૫૯ સત્યાગ્રહીઓની ટુકડીને લઈને નીકળ્યા પણ આગળ વધે તે પહેલાં જ એમની ધરપકડ થઈ ગઈ. તે પછી સરોજિની નાયડૂને નેતાગીરી સોંપાઈ અને ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સાથી ઈમામ સાહેબને એમની મદદમાં મુકાયા.

૧૫મી મેની સવારે સત્યાગ્રહ શરૂ થયો. બે હજાર સત્યાગ્રહીઓએ સરોજિની નાયડૂની આગેવાની હેઠળ ધરાસણાના મીઠાના કારખાના તરફ કૂચ શરૂ કરી. સરિજિની નાયડૂની સાથે ઈમામ સાહેબ અનીગાંધીજીના દક્ષિણ આફ્રિકાવાસી પુત્ર મણીલાલ. સામે પોલીસની કોર્ડન કારખાનાના રક્ષણ માટે ગોઠવાયેલી હતી. પોલીસે બધાને પકડી લીધા અને પછી છોડી મૂક્યા.

ફરી એક અઠવાડિયે સરોજિની નાયડૂએ સત્યાગ્રહીઓને કારખાના સામે એકઠા કર્યા. એ વખતે યુનાઇટેડ પ્રેસની યુરોપિયન એજન્સીનો પત્રકાર વેબ મિલર પણ ત્યાં હાજર હતો. એણે ધરાસણામાં પોલિસના અત્યાચારના સમાચાર મોકલીને દુનિયાને ભારતની ઘટનાઓથી વાકેફ કરી. અહીં એ રિપોર્ટનો મુક્ત અનુવાદ આપ્યો છે.

વેબ મિલરનો રિપોર્ટ બધું જ કહી જાય છેઃ

“ધરાસણા, ઇંડિયા, મે ૨૧, ૧૯૩૦ (UP)

આજે હજી ચાંદનીના અજવાળામાં સફેદ કપડાંમાં સજ્જ સ્વયંસેવકોએ પ્રાર્થના કરી, તે પછી કવયિત્રી અને નેતા શ્રીમતી સરોજિની નાયડૂ હાથ કંતામણની જાડી સાડી અને પગમાં મોજાં વગરનાં નરમ ચંપલ…આગળ આવ્યાં અને જોશભર્યું ભાષણ કર્યું. એમણે કહ્યું: જો કે ગાંધીજીનો દેહ જેલમાં છે, એમનો આત્મા તમારી સાથે છે. તે પછી એમણે સૉલ્ટવર્ક્સ પર ધસી જવાનો આદેશ આપ્યો. ૨૫૦૦ સ્વતંત્રતાપ્રેમીઓએ ધરાસણા સૉલ્ટ વર્ક્સ પર હુમલો શરૂ કર્યો. એમાં ૨૬૦ ઘાયલ થયા અને શ્રીમતી નાયડૂની પોતાની પણ ધરપકડ થઈ ગઈ.

સ્વયંસેવકો કતારબંધ ઊભા હતા, એમના હાથમાં તાર કાપવાની કાતરો અને દોરડાં હતાં. એ બધા એક પ્રેતોનું સરઘસ નીકળ્યું હોય તેમ લગભગ અર્ધોએક માઇલ ચાલીને સૉલ્ટ વર્ક્સ પાસે પહોંચ્યા. સૉલ્ટવર્ક્સ પાસે લગભગ ૪૦૦ સિપાઈઓના હાથમાં લાઠીઓ સાથે ઊભા હતા. લગભગ ૨૫ જણ પાસે બંદૂકો પણ હતી. સ્વયંસેવકોમાંથી કોઈ કોઈ સૂત્રો પણ બોલતા હતા. એમાંથી જે આગળ હતા એમણે દોરડાં કાંટાળા તારને ટેકો આપતી થાંભલીઓ પર વિંટાળ્યાં અને તોડી નાખવા માટે એને હચમચાવવા લાગ્યા. તરત પોલીસવાળા ધસી આવ્યા અને એમને વીખેરાઈ જવાનું કહ્યું પણ એમણે ના પાડી. તે પછી પોલીસે ચારે બાજુથી લાઠીઓથી એમને ઝૂડવાનું શરૂ કરી દીધું. પણ સત્યાગ્રહીઓએ જરાય વિરોધ ન કર્યો. વિંઝાતી લાઠીઓ સામે હિન્દુસ્તાનીઓ જ્યાં હતા ત્યાં જ નીચે ઢગલો થતા રહ્યા.

હું સોએક વાર છેટો હતો. માણસોનાં શરીર પર પડતી લાઠીઓનો અવાજ મને સંભળાતો હતો. ભીડ જોતી હતી. ક્યારેક એમાંથી સિસકારા સંભળાતા હતા, તો સ્વયંસેવકો પોતાના બચાવ માટે પણ હાથ ઊંચે કર્યા વિના નીચે ટપોટપ પડતા હતા એ જોઈને કોઈ જયકાર પણ કરતા હતા. લગભગ ન માની શકાય એવી નમ્રતાથી એ લાઠીઓનો માર ખમતા હતા અને એમના બીજા સાથીઓ એમને સ્ટ્રેચરોમાં નાખીને લઈ જતા હતા. હુમલા સતત ચાલુ હતા એટલે માણસો એટલા જલદી ઘાયલ થતા હતા કે સ્ટ્રેચરવાળાઓ પર બહુ કામ આવી પડ્યું હતું. હવે બીજા સ્વયંસેવકો સ્ટ્ર્રેચરોની જગ્યાએ ધાબળા લઈને એમાં ઘાયલોને ઉપાડવા લાગ્યા. સ્વયંસેવકોએ અગરોથી સો વારના અંતરે ઘાયલોને ત્યાંથી બીજે લઈ જવા માટે કેન્દ્ર બનાવી દીધું.

મેં પોતે ૪૨ ઘાયલોને કીચડવાળી જમીન પર પડેલા જોયા અને બીજા કેટલાક બેભાન હતા અને પીડાથી કરાંજતા હતા.

પોલીસે છાપામારોને ખદેડી મૂક્યા તે પછી નેતાઓએ પોતાનો વ્યૂહ બદલ્યો. હવે એમણે પોલીસની સાવ નજીક નીચે સૂઈ જવાનું શરૂ કર્યું. પોલીસે એમને કેટલીયે વાર ચેતવણી આપી અને પછી જે લોકો મોખરે હતા એમને પીટવાનું શરૂ કરી દીધું. જેમના પર પ્રહાર થતો એ ઊંહકારો કર્યા વિના જ કે પોતાના બચાવનો પ્રયાસ કર્યા વિના જમીન પર આળોટવા લાગતા હતા.

હવે પોલીસે પણ નવી રીત અખત્યાર કરી અને સ્વયંસેવકોને ઘસડીને હું ઊભો હતો ત્યાં, સો વાર દૂર ખાડીની ધાર પાસે ફેંકી દેવાનું શરૂ કર્યું. કેટલાકને એમણે ખાડીમાં ફેંકી દીધા, કીચડમાં ફંગોળાવાથી ચારે બાજુ બધા પર માટી ઊછળીને પડતી હતી. આવું વર્તન થતું હોવા છતાં લોકો કંઈ પણ વિરોધ કે અવરોધ વિના તાબે થઈ જતા હતા, એથી પોલીસનો મિજાજ વધારે બગડતો હતો અને એમની હરોળ પાસે બેઠેલા લોકોને લાતો મારતા હતા.થોડે દૂર સ્વયંસેવકોનું એક ટોળું એકઠું થયું હતું તેમાંથી કોઈ પોલીસને ટોણા મારતા હતા. જો કે એમના નેતાઓ એમને શાંત રહેવા સમજાવતા રહેતા હતા.

અથડામણ ચાલતી હતી તેની સાવ નજીકની જગ્યાએથી શ્રીમતી નાયડૂ આખી કાર્યવાહીનું સંચાલન કરતાં હતાં. થોડી મિનિટો પછી એક અંગ્રેજ ઑફિસર ત્રણ સિપાઈઓ સાથે આવ્યો અને એમની ધરપકડ કરી લીધી.

ગરમી વધવા માંડી હતી એટલે સત્યાગ્રહ ધીમો પડી ગયો. તે વખતે લગભગ વીસ ડૉક્ટરો અને નર્સો આવી પહોંચ્યાં અને પાસે ઝાડીઓમાં આંબાના ઝાડ નીચે ઘાયલોની સારવાર કરવા લાગ્યાં.ડૉ, શાહે કહ્યું કે એમણે પાસેની ઝૂંપડીમાં લગભગ ૨૦૦ને પાટાપીંડી કરી હતી અને હજી બીજા આવતા જ જતા હતા તે જોયું.

ઘણા સ્વયંસેવકો કૉલેજના વિદ્યાર્થીઓ કે ક્લાર્કો હતા જે ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી આવ્યા હતા. ઘણા અંગ્રેજી બોલતા હતા. ધરાસણામાં હું એકલો જ અમેરિકન ખબરપત્રી હતો અને એ લોકો મારી સાથે છૂટથી વાતો કરતા હતા પણ મને દેશી ડ્રાઇવરો પોતાના વાહનમાં બેસાડવા તૈયાર નહોતા કારણ કે મેં વિદેશી કપડાં પહેર્યાં હતાં જેનો બહિષ્કાર ચાલતો હતો.

૦૦૦

સંદર્ભઃ

Does Anyone Remember Abbas Tyabji?By Anil Nauriya

મહાદેવભાઈની ડાયરી પુસ્તક બારમું

Natives beaten down by police in India salt bed raid – Webb Miller’s report

https://100years.upi.com/sta_1930-05-21.html

%d bloggers like this: