૬૦૧૮મા જન્મદિવસનાં અભિનંદન !!!

વેબગુર્જરી પર મારી બારી વિભાગમાં આજે આ વાંચશો.

http://webgurjari.in/2014/10/23/maari-baari_27/

સૌ વાચકમિત્રોને જન્મદિવસનાં અભિનંદન!

તમારો જન્મદિવસ? ન હોય! તો આટલા ઉત્સાહથી અભિનંદન શા માટે આપું છું?

વાત એમ છે કે ૨૩મી ઑક્ટોબર (ઈ.પૂ.)૪૦૦૪ના દિવસે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કરવાની શરૂઆત કરી. એટલે આજે આપણી દુનિયાનો ૬૦૧૮મો જન્મદિવસ છે! બોલો, આપણે સૌ આબાલવૃદ્ધ સ્ત્રીપુરુષો અભિનંદનને પાત્ર ખરાં કે નહીં? આજે આપણો સહિયારો જન્મદિવસ છે.

બાઇબલ (જૂના કરાર)ના પહેલા જ અધ્યાય ‘Genesis’(ઉત્પત્તિ)1માં સૃષ્ટિ નિર્માણની વિગતો છે; આપણે ટૂંકમાં જોઇએઃ

આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.પૃથ્વી ખાલી હતી. સમુદ્ર પર અંધકાર હતો.ત્યારે દેવે કહ્યું, “પ્રકાશ પ્રગટોઅને પ્રકાશ પ્રગટયો.

દેવે પ્રકાશનું નામ દિવસઅને અંધકારનું નામ રાતરાખ્યું.

પછી સાંજ પડી અને પછી સવાર થઇ તે પહેલો દિવસ હતો.

પછી દેવે કહ્યું, “પાણીને બે ભાગમાં જુદું પાડવા માટે વચ્ચે અંતરિક્ષ થાઓ.

દેવે અંતરિક્ષ બનાવ્યું અને પાણીને જુદું પાડયું. દેવે અંતરિક્ષને આકાશકહ્યું.

પછી સાંજ પડી અને સવાર થઇ તે બીજો દિવસ હતો.

પછી દેવે કહ્યું, “પૃથ્વી પરનું પાણી એક જગ્યાએ ભેગું થાઓ જેથી સૂકી જમીન નજરે પડે.

દેવે સૂકી જમીનને પૃથ્વીકહી

અને જે પાણી ભેગું થયેલું હતું તે પાણીને સાગરકહ્યો.

પછી દેવે પૃથ્વીને વનસ્પતિ, અનાજ આપનાર છોડ અને ફળ આપનાર વૃક્ષો પેદા કરવા કહ્યું.

પૃથ્વીએ તે પ્રમાણે કર્યું.

પછી સાંજ પડી અને સવાર થઇ તે ત્રીજો દિવસ હતો.

પછી દેવે કહ્યું, “આકાશમાં જયોતિઓ થાઓ. આ જયોતિઓ દિવસોને રાતોથી જુદા પાડશે.”

અને એમ જ થયું. પછી દેવે બે મોટી જયોતિઓ બનાવી.

દેવે તેમાંની મોટી જયોતિને દિવસ પર અમલ કરવા બનાવી

અને નાની જયોતિને રાત પર અમલ કરવા બનાવી.

ત્યારે સાંજ થઈને સવાર થઇ. તે ચોથો દિવસ હતો.

પછી દેવે સમુદ્રમાંજુદી જુદી જાતિનાં જીવજંતુ હોય છે, તે બધાંની સૃષ્ટિ રચી.

દેવે આકાશમાં ઉડનારાં દરેક જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં.

પછી સાંજ થઇ અને સવાર થઇ. તે પાંચમો દિવસ હતો.

તે પછી દેવે પૃથ્વી પર બધી જાતિનાં પ્રાણીઓ બનાવ્યાં.

દેવે જંગલી પ્રાણીઓ, પાળી શકાય તેવાં પ્રાણીઓ, અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં.

પછી દેવે કહ્યું, “હવે આપણે મનુષ્ય બનાવીએ,

જે મારી પ્રતિમારૂપ અને મને મળતો આવતો હોય;

જે સમુદ્રમાંનાં માછલાં પર, અને કાશમાંનાં પક્ષીઓ પર શાસન કરે.

તે પૃથ્વીનાં બધાં પ્રાણીઓ અને નાનાં પેટે ચાલનારાં જીવો પર શાસન કરે.” 

આથી દેવે પોતાની પ્રતિમારૂપ મનુષ્ય પેદા કર્યો.

દેવે જોયું કે, પ્રત્યેક વસ્તુ ઘણી જ સારી છે.

પછી સાંજ પડી અને સવાર થઇ, તે છઠ્ઠો દિવસ હતો.

આ રીતે પૃથ્વી, આકાશ અને તેમાંની બધી જ વસ્તુઓનું સર્જન પૂરું થયું.

દેવ પોતે જે કામ કરતા હતા તે તેમણે પૂરું કર્યું.

તેથી સાતમા દિવસે દેવે પોતાનું કામ બંધ રાખ્યું.

દેવે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર બનાવ્યો.


ઈશ્વરે સાતમા દિવસને પવિત્ર બનાવ્યો અને પોતાનું કામ બંધ રાખીને આરામ કર્યો એટલે યહૂદી પ્રજામાં છ દિવસના કામ પછી સાતમા દિવસે આરામ કરવાની પ્રથા પડી. આમ તો આની સાથે ‘સબાત’ની પ્રથા પણ જોડાયેલી છે. એ શુક્રવારના સૂર્યાસ્તથી થોડી વાર પહેલાં શરૂ થાય છે. આમ બે દિવસની અઠવાડિક રજાનો રિવાજ શરૂ થયો. આ દિવસોએ ઈશ્વરે આરામ કર્યો એટલે બધાએ કામ બંધ રાખીને પ્રભુભજનમાં વખત ગાળવાનો હોય છે. એ જ રીતે દર સાત વર્ષે એક વર્ષ ખાલી રાખવાની પ્રથા પણ છે. એ વરસમાં ખેતર ન ખેડાય અને કરજો જતાં કરી દેવાય. ખેતી પ્રધાન સમાજના તહેવારો પણ ખેતી સાથે જોડાયેલા હોય. તે ઉપરાંત દર સાત વર્ષનાં એક, એવાં સાત ચક્ર પછી, એટલે કે ૪૯ વર્ષ પછી ૫૦મું વર્ષ ‘યોવેલ વર્ષ’ છે. એમાં પણ ખેતી ન થાય અને ગુલામોને મુક્ત કરી દેવાય. હીબ્રુના ‘યોવેલ’ શબ્દ પરથી અંગ્રેજીનો ‘જ્યૂબિલી’ શબ્દ આવ્યો. આપણે પણ પચાસ વર્ષને ગોલ્ડન જ્યૂબિલી વર્ષ માનીએ છીએ.

પણ આપણે આડે પાટે ચડી ગયા. ઈશ્વરે છ દિવસમાં સૃષ્ટિની રચના કરી અને સાતમા દિવસે આરામ કર્યો તે તો ખરું; પરંતુ, આ સાત દિવસ કયા? કેટલાં વર્ષ પહેલાં સૃષ્ટિની રચના થઈ?

આયર્લૅન્ડના બિશપ જેમ્સ (જેકોબીસ) અશર

આયર્લૅન્ડના બિશપ જેમ્સ (જેકોબીસ) અશરે આ શોધી કાઢવા ઘણી મહેનત કરી. ઘણાય ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી એમણે ‘Annals of Old Testament’ પુસ્તક લખ્યું, જે ઈ.સ. ૧૬૫૦માં લંડનમાં પ્રકાશિત થયું. પુસ્તકના પહેલા જ પાના પર એમણે લખ્યું કે “ઈશ્વરે સ્વર્ગ અને પૃથ્વીની રચના કરી. એ સાથે સમયની શરૂઆત થઈ. જૂલિયન પંચાંગના ૭૧૦મા વર્ષમાં ૨૩મી ઑક્ટોબર પહેલાંની રાતે આ ઘટનાક્રમ બન્યો.” પુસ્તકના જમણી બાજુના હાંસિયામાં બિશપ અશરે જૂલિયન કૅલેન્ડરની ઈસવી કૅલેન્ડર સાથે સરખામણી આપીને દેખાડ્યું છે કે એ ઈસુ પૂર્વે ૪૦૦૪નું વર્ષ હતું!

Annals of Old Testament
બિશપ અશર કૅથોલિક ઈંગ્લૅન્ડની વચ્ચે ઝઝૂમતા પ્રોટેસ્ટન્ટ હતા અને પોપના ધર્મમાં જે ભક્તિ અને દીનતાનો પ્રભાવ હતો તેની ટીકા કરતા અને વિદ્વત્તાને અગત્યની ગણતા હતા. એમણે પ્રકાંડ પાંડિત્ય તો દેખાડ્યું, પરંતુ એ પારંપરિક માન્યતાને દૃઢ કરવા માટે જ હતું. આમ પણ, ખ્રિસ્તીઓ તો માનતા જ હતા કે સૃષ્ટિની રચના ઇસુથી પાંચ હજાર વર્ષ પહેલાં થઈ હતી. પોપની સામે વિદ્રોહ કરીને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય સ્થાપનારા માર્ટિન લ્યૂથર પણ એમાં અપવાદ નહોતા. એમને આખી સંખ્યા ઈ.પૂ. ૪૦૦૦ પસંદ હતી. ખગોળશાસ્ત્રી કૅપ્લરે ઈ. પૂ. ૩૯૯૨ને સૃષ્ટિની રચનાનું વર્ષ નક્કી કર્યું હતું.

એ નોંધવા જેવું છે કે બિશપ અશરની કાલગણનાનો વિરોધ કરનારા પણ હતા. ભૂસ્તરશાસ્ત્રીઓએ કહ્યું કે જમીનની નીચે જે રીતે ખનિજો ઘનીભૂત થયાં છે તે માત્ર છ હજાર વર્ષમાં ન થઈ શકે.

Annals of Old Testament પુસ્તક ૧૬૫૦માં પ્રકાશિત થયું ત્યારે ન્યૂટનની ઉંમર આઠ વર્ષની હતી. ૧૬૮૭માં ન્યૂટનનું ‘પ્રાકૃતિક દર્શનશાસ્ત્રના ગાણિતિક સિદ્ધાંતો’ વિશેનું પુસ્તક પ્રકાશિત થયું. આમ એક જ સમયગાળામાં વિજ્ઞાન અને અ-વિજ્ઞાન બન્ને સાથે ચાલતાં રહ્યાં છે. ખરું જોતાં ન્યૂટન પણ એમ જ માનતા કે ગુરુત્વાકર્ષણના નિયમો આકાશી પિંડોની ગતિની સમજણ આપે છે, પણ આ પિંડોને ગતિમાં લાવનાર કોણ છે તે એના દ્વારા જાણી ન શકાય. ન્યૂટને તો બાઇબલની ઘટનાઓ વિશે પણ પોતાની પાછલી જિંદગીમાં લખ્યું છે.

૧૮૦૯માં ડાર્વિનનો જન્મ થયો અને એમણે ઉત્ક્રાન્તિનો સિદ્ધાંત સ્થાપ્યો. તેમ છતાં, અમેરિકામાં પણ ઉત્ક્રાન્તિના સિદ્ધાંત અને બાઇબલના સૃષ્ટિ સંબંધી મત વચ્ચે ભારે ટક્કર રહી છે અને છેક ૧૯૭૦ના દાયકામાં પલ્લું ઉત્ક્રાન્તિ તરફ ઢળ્યું છે. જ્યૉર્જ બુશ જૂનિયરે રાષ્ટ્રપતિ તરીકે માત્ર ઇરાક અને અફઘાનિસ્તાન પર હુમલા કર્યા એમ નથી. ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદને પણ પદભ્રષ્ટ કરવામાં પણ એ સક્રિય રહ્યા અને Creationism (સૃષ્ટિનો સર્જનહાર કોઈક છે એવો મત) અને Intelligent Design (સૃષ્ટિની સમજપૂર્વક બનાવેલી ડિઝાઇન)ના સિદ્ધાંતો વધારે વાચાળ બનાવ્યા. આ તો હમણાંની વાત છે.

૧૯૨૫માં તો ટેનેસી રાજ્યમાં એક કેસ ચાલ્યો. એમાં જીવવિજ્ઞાનના એક શિક્ષક જ્‍હોન સ્કોપ્સ સામે બાઇબલ વિરુદ્ધનો સિદ્ધાંત શીખવવાનો આરોપ હતો.

clip_image004_thumb.jpg

જુલાઈની દસમીથી આઠ દિવસ માટે આ કેસ ચાલ્યો અને ન્યાયાધીશે સ્કોપ્સને એકસો ડૉલરનો દંડ કર્યો. જો કે સુપ્રીમ કોર્ટે ટેકનિકલ કારણસર દંડ રદ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દંડ જ્યુરીએ કરવો જોઇએ, પણ તેને બદલે ન્યાયાધીશે પોતે જ કર્યો તે ગેરકાનૂની હતું. આમ છ દિવસમાં સૃષ્ટિનું નિર્માણ થયું કે ઉત્ક્રાન્તિના સિદ્ધાંત પ્રમાણે – એ પ્રશ્ન અનિર્ણિત જ રહ્યો. આ કેસ અમેરિકામાં Monkey Trial3 તરીકે પ્રખ્યાત થયો છે.

પરંતુ સ્કોપ્સના કેસની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ૨૦૦૦ની સાલમાં ડગ્લસ લિંડરે5 એક સારી વાત કહીઃ

“૧૯૨૫માં, વિચારશીલ બૌદ્ધિકો અને અભિપ્રાય ઘડનારાઓની સમાજને બહુ જરૂર હતી, અને આજે પણ છે. દેવી દેવતાઓના અંતની માનવીય કિંમત શી છે તે વિચારશીલ બૌદ્ધિકો સમજી શકે છે. બહુ નુકસાન થઈ ગયું છે અને આ કરુણ સ્થિતિ બરાબર સમજતા હોય તેઓ, આજે બહુ જ જરૂરી એવું, માર્ગદર્શન આપી શકે છે. બૌદ્ધિકો આ કામ ઠેકડી ઉડાવીને નહીં, પણ કળ વાપરીને કરે તો માનવીય ગરિમા અને નૈતિક જવાબદારીનું જતન થાય એવી, પરમતત્વ વિનાની નવી માન્યતાઓનાં બીજ રોપી શકે છે.”

૦-૦-૦

એ જે હોય તે. ૨૩મી ઑક્ટોબરે જેમનો જન્મ દિવસ હોય તેવા બધા વાચક મિત્રોને ખરેખર જ અને ખાસ અભિનંદન અને શુભેચ્છાઓ. મને ખાતરી છે કે આવા મિત્રો હવે પછી એમના જન્મ દિવસે આ લેખને અને એના લેખકને યાદ કર્યા વિના નહીં રહે! જેમનો જન્મ દિવસ ૨૩મી ઑક્ટોબરે ન હોય એમણે પણ અફસોસ કરવા જેવું નથી. આપણી સૃષ્ટિનો જન્મ પણ આપણી સાથે જ થાય છે, એટલે દરેક જણ પોતાના જન્મદિવસને સૃષ્ટિનો જન્મદિવસ માની શકે છે અથવા તો બિશપ અશરની જેમ ગણતરીઓ કરીને ભૂતકાળમાં સૄષ્ટિની રચનાની તારીખ આઘીપાછી કરી શકે છે!


સંદર્ભ:

  1. ઊત્પત્તિ Genesis

2.  Genesis 2 – New International Version (NIV)

3. State v. John Scopes (“The Monkey Trial”) – by Douglas O. Linder

4. State v. John Scopes: A Final Word – by Douglas O. Linder

  1. Speech on the Occasion of the 75th Anniversary of the Opening of the Scopes Trial – Kansas City (July 10, 2000) – by Douglas O. Linder

Budhan + Budhan

આજે વેબગુર્જરી પર આ પોસ્ટ મૂકી છે. જરૂર વાંચશો.

http://webgurjari.in/2014/10/07/maari-baari_26/

– દીપક ધોળકિયા

મારા મિત્ર અને વેબગુર્જરીના સાથી શ્રી બીરેન કોઠારીનો ચોથી તારીખે પ્રકાશિત થયેલો લેખ ‘કથા બુધનની, કહાણી સહુની’ વાંચીને દસ-બાર વર્ષ પહેલાં વાંચેલી ‘છોરા કોલ્હાટી કા’ યાદ આવી ગઈ. મૂળ મરાઠીની રચના ‘कोल्हाट्याचं पोर’નો આ હિન્દી અનુવાદ છે. લેખક કિશોર શાંતાબાઈ કાળે કોલ્હાટી સમાજમાં જન્મ્યા અને ઊછર્યા અને  ડોક્ટર બન્યા. એમની આ જીવનકથા રુંવાડાં ઊભાં કરી દે તેવી છે. એ નોંધવા જેવું છે કે એમણે પિતાના નામને બદલે માતાનું નામ રાખ્યું.

imageimage

“मेरी माँ शांताबाई एक नाचने वाली औरत थी”….. કથાનું આ પહેલું વાક્ય છે; અને અંતિમ વાક્ય છે, “ मैंने 1994 में एम. बी. बी. एस. कर लिया”. આ બે વાક્યોની વચ્ચે ભર્યો છે, એક દારુણ સંઘર્ષ, જેનું દરેક વાક્ય મનને હચમચાવી દે છે. પ્રામાણિકતાથી કહું તો આ ૧૫૮ પાનાંમાં તરફડતી આવી જિંદગી મેં કે તમે જોઈ નથી, અનુભવનો તો સવાલ જ ઊભો નથી થતો.

કોલ્હાટી કોમની સ્ત્રીઓ નાચ મંડળીઓ બનાવીને કુટુંબનું ભરણપોષણ કરે છે. સ્ત્રીઓ કમાવાનું સાધન માત્ર છે, પુરુષો કશું જ કામ કર્યા વિના સ્ત્રીઓની કમાણી પર મઝા કરે છે. સ્ત્રીઓનું આ આર્થિક મૂલ્ય હોવાથી એમને પરણાવવાનો સવાલ પેદા થતો નથી. એમના પર પિતા અને ભાઈઓની જવાબદારી હોય છે, છોકરી છ-સાત વર્ષની થાય એટલે એને નાચગાન શીખવવા માટે કોઈને કોઈ નાચ પાર્ટીમાં મોકલી અપાય અને ૩૫ની ઉંમરે પહોંચતાં વગર લગ્ને માતા બની ગયેલી સ્ત્રીઓ કુટુંબનો બોજ બની રહે. યુવાન છોકરીને કોઈ પુરુષ ‘ચિરા’ના રિવાજ પ્રમાણે પોતાની સાથે નવી ‘લગભગ ધર્મપત્ની’ને લઈ જાય. પોતાની સાથે રાખે થવા છોકરી માબાપની સાથે જ રહે. પુરુષ ત્યાં મળવા આવે, એની આગતાસ્વાગતા થાય. સ્ત્રી ગર્ભવતી પણ બની જાય અને પછી અચાનક જ એક દિવસ પેલો પુરુષ આવતો બંધ થઈ જાય. માતાએ ફરી સ્ટેજ પર ચડવું પડે. એનું બાળક દૂધ વિના તરફડતું રહે, માતાએ નાચ કરવાનો જ હોય, એના વિના કુટુંબનું ગુજરાન ન ચાલે. અને એક દિવસ બીજો કોઈ પ્રુરુષ સ્ત્રી સાથે ચિરા કરે, એના માટે જે પૈસા આપવા પડે તે એનાં માબાપ લઈ લે. એ બાળક્ને માબાપને હવાલે કરીને ચાલી જાય. બાળક મામાઓના ભોગવિલાસની વચ્ચે ઘરના નોકર જેમ ઉપેક્ષિત જીવન જીવ્યા કરે.

લેખકની માતા શાંતાબાઈ સુંદર હતી. એ કોઈ ધારાસભ્યના સંપર્કમાં આવી અને એને ગર્ભ રહ્યો. તે પછી એ ધારાસભ્યે કદી મોઢું જ ન દેખાડ્યું. લેખકનો જન્મ થાય છે. સ્ટેજ પર માતા નાચે છે, નેપથ્યમાં બાળક કિશોર ભૂખને કારણે ટળવળે છે, પણ હૉલમાં લોકો પૈસા ફેંકીને ‘વન્સ મોર’ કર્યા કરે છે, માતાએ એક એક રુપિયો દર્શકના હાથમાંથી પગ વડે ઉપાડી લેવાનો છે. એની પાસે બાળક કિશોર પાસે જવાનો સમય નથી. એવામાં એક જણ માતા શાંતાબાઈને મળે છે. એ પરિણીત છે, બે પુત્રીઓનો પિતા છે, પરંતુ શાંતાબાઈને લઈ જાય છે. કિશોર મામાઓનો ત્રાસ ઝીલવા માટે નાનાનાનીને ઘરે રહી જાય છે. અહીં નાના એને ઢોર માર મારે છે. મા પૈસા મોકલે તો એને સ્કૂલમાં દાખલ કરાય. દરમિયાન માસીઓ પણ એ જ કામમાં લાગી ગઈ છે. દરેકને કોઈ ને કોઈ ચિરા કરનારો મળી જાય છે અને દરેક અંતે તરછોડાયેલી હાલતમાં ફરી ફરી સ્ટેજ પર નાચતી રહે છે.

અહીં શાંતાબાઇને બીજું સંતાન પણ થઈ જાય છે. મા પણ કિશોરને ભૂલી ગઈ છે. સાત-સાત વર્ષથી એ કોઈની સાથે રહે છે. નાચવાનું બંધ છે. ઘરે આવતી નથી. બાળક કિશોર માતાને ઝંખ્યા કરે છે. બીજી બાજુ શાંતાબાઈનાં માબાપની આવક બંધ થઈ ગઈ છે. દીકરીએ નાચવાનું બંધ કરી દીધું છે. થોડાઘણા પૈસા એ કિશોરના ખર્ચ માટે મોકલ્યા કરે છે પણ એ પૈસા સીધા નાનાના હાથમાં અને ત્યાંથી દારુના પીઠામાં પહોંચી જાય છે. ઘરમાં મરઘાં માછલાં રંધાય છે, પણ પાંચ-છ વર્ષના કિશોરને તો એ કંઈ મળતું નથી.

મામાનાં લગ્ન થવાનાં છે. નાનાનાની દીકરીને બોલાવવા માગે છે અને એ એના નવા પુરુષને ઘરે પહોંચી જાય છે. ત્યાં ભારે હોબાળો કરીને એના બીજા પુત્ર દીપકને લઈ આવે છે કે કદાચ દબાણમાં આવીને શાંતા ઘરે આવે. બે વર્ષનો દીપક માતા વિના ઝૂરે છે. બધા કહે છે કે મામાના લગનને હવે બે દિવસ રહ્યા, તારી મા જરૂર આવશે. લેખક કહે છેઃ

“હું ખુશીથી નાચી ઊઠતો….નેરલાથી બે કિલોમીટર દૂર વરકૂટે ગામ છે ત્યાંથી માને લઈ આવવા કાર મોકલી હતી, દૂરથી મેં એ કાર આવતી જોઈ. મારા આનંદનો પાર નહોતો. “બાઇ આવી…બાઈ આવી…” હું એકલો જ બૂમો પાડતો હતો. મા સામે સ્વચ્છ દેખાવા માટે મેં મોઢું લૂછ્યું, કપડાં વ્યવસ્થિત કર્યાં…”

બાળક કિશોર કાર તરફ દોડે છે. કાર ધીમી પડે છે. કારમાં બેઠેલી સ્ત્રીઓ એને અંદર લઈ લે છે. બાળકની આંખોમાં આંસુ ઊભરાયાં છે. એને ચોખ્ખું દેખાતું નથી. મા જેવી દેખાતી સ્ત્રીના ખોળામાં એ કૂદી પડે છે… “બાઇ…બાઈ…” બીજી સ્ત્રીઓ કહે છે, બેટા, તારી મા નથી આવી, આ તો બદામમાસી છે…” બાળકને આંચકો લાગે છે. રુદન ગળાની અંદર જ ગૂંગળાઈ જાય છે. માત્ર મૌન ડૂસકાં – રુંધાયેલાં ડૂસકાં – છાતી અને માથાને ઝટકા આપતાં બહાર નીકળે છે….

એક સારા, માયાળુ શિક્ષકની મદદથી કિશોર જેમતેમ સાતમું પાસ કરીને માની પાસે રહેવા જાય છે. અહીં માનો ‘માલિક’ એટલો સારો છે કે એને સ્કૂલમાં દાખલ કરાવે છે, શહેરી છોકરાઓ વચ્ચે, અંગ્રેજી ન જાણનારો, બાપના નામ વિનાનો કિશોર ગમે તેમ કરીને ભણવા માગે છે. પૈસાની અપરંપાર તંગી, ‘માલિક’નો અવિશ્વાસ અને દગાખોરી, મા દ્વારા બે દીકરાઓ વચ્ચે ભેદભાવ, જાતને કારણે દર બે-ત્રણ મહિને બદલવી પડતી રહેવાની કોટડી…બધું વેઠીને કિશોર મૅડિકલમાં પહોંચે છે. આ તબક્કે એક ભલા ધારાસભ્યની માયાળુ પત્નીનો આશરો એને મળે છે. પણ માસીઓ ગામમાં નાચ પાર્ટીઓ લઈને આવે છે, તેને મળવા જતાં મિત્રો સમક્ષ એનો ભેદ ખૂલી જાય છે. સૌ એને છોડીને ચાલતા થાય છે. બીજી બાજુ માસીઓને મદદ કરવાની ઇચ્છા અને માની બીમારીને કારણે સાડાચાર હજાર રુપિયાની સ્કૉલરશિપ થોડા જ દિવસમાં વપરાઈ જાય છે. માને હૉસ્પિટલમાંથી ઘરે પાછા લાવીને કિશોર પાછો મુંબઈ આવે છે ત્યારે પરીક્ષા પૂરી થઈ ગઈ છે, પણ એનો સંકલ્પ પાકો છે, પરિણામે, આપણે ઉપર આપેલું છેલ્લું વાક્ય વાંચવા સમર્થ બનીએ છીએ.

છેલ્લા વાક્ય સુધી પહોંચતાં જીભ તાળવે ચોંટેલી રહી હતી. સોફાને અઢેલીને બેસવાનું ભુલાઈ ગયું હતું. ગળામાં થોર ઊગી આવ્યો હતો. કારણ કે આ સાહિત્ય નથી, લેખકની કલ્પનાઓ નથી, આંસુ આવે તે માટે ગોઠવાયેલા પ્રસંગો નથી.

આ વાતો પ્રાચીન કાળની નથી. લેખકનો જન્મ ૧૯૬૯માં થયો છે. આઝાદીના પછીનાં એકવીસ વર્ષમાં આ કથા શરૂ થાય છે અને ૧૯૯૪માં આઝાદીના ૪૬મા વર્ષે પૂરી થાય છે. ના. મને ખબર નથી કે કથા પૂરી થઈ છે, બસ એટલું જ કહું કે, આ પુસ્તક માત્ર એ સમયગાળા સુધી લખાયેલું છે.

0-0-0

કિશોર શાંતાબાઈ કાળે. ધરતીની ધૂળમાં પડેલો એક હીરો પોતાની તાકાતથી આકાશનો તારો બનીને ચમક્યો – અને અફસોસ, ખરી પડ્યો. ૨૧મી ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ માત્ર ૩૭ વર્ષની ઉંમરે એક અક્સ્માતમાં એમનું મૃત્યુ થઈ ગયું. કિશોરભાઇ, આજે તમે નથી પણ સૌ વાચકો વતી હું તમારી સમક્ષ નતમસ્તક છું. તમારી સંઘર્ષકથા ભૂલવા માગીએ તો પણ ભુલાય તેમ નથી. આ લખીને મેં માત્ર મારી ફરજ મારાથી શક્ય હતું તે રીતે અદા કરી છે. તમારી સરખામણી હું મહાભારતના જાતિને કારણે ઉપેક્ષિત મહારથી કર્ણ સાથે કરું છું – કર્ણનો પરિચય પૂછ્યો તો એણે જવાબ આપ્યો હતો –

सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यहम् |
दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम् ||“હું પોતે સારથિ હોઉં કે સારથિપુત્ર, અથવા કંઈ પણ હોઉં
ભાગ્યે નક્કી કરેલા કુળમાં મારો જન્મ થયો, પણ મારી કાબેલિયત મેં પોતે જ સિદ્ધ કરી છે.”

તમે પણ એ જ કરી દેખાડ્યું ને!

-૦-૦

image_thumb.png

આ પુસ્તકનો અંગ્રેજીમાં પણ Against All Odds સ્વરૂપે અનુવાદ થયો છે.

%d bloggers like this: