india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-28

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણઃ ૨૮: ક્રાન્તિકારીઓ (૧)

હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન; ગણેશ શંકર વિદ્યાર્થી

ગાંધીજીએ ચૌરીચૌરાની ઘટના પછી અસહકાર આંદોલન સ્થગિત કરી દીધું તેને કારણે આખા દેશમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. લોકો જાણે ભોઠપની લાગણી અનુભવતા હતા. સૌનો ભાવ એવો હતો કે અંગ્રેજ સરકાર જાતે કશું કર્યા વિના જીતી ગઈ. આ કારણે ગાંધીજીની અહિંસાત્મક લડતમાંથી પણ લોકો દૂર જવા લાગ્યા હતા. આ સ્થિતિમાં બીજો રસ્તો તો સશસ્ત્ર ક્રાન્તિનો જ હતો. આમ છતાં એવું નથી કે ગાંધીજીના અસહકાર આંદોલન વખતે ક્રાન્તિકારીઓ નહોતા અને એ આંદોલન બંધ થયા પછી જ પેદા થયા. પરંતુ આંદોલનની જાતે વહોરી લીધેલી નિષ્ફળતા પછી એમની પ્રવૃત્તિઓ વધારે સતેજ થઈ ગઈ.

બંગભંગના સમયથી બંગાળમાં ક્રાન્તિકારી ભાવનાઓ ફેલાયેલી હતી. શચીન્દ્રનાથ સંન્યાલ ૧૯૧૨માં દિલ્હીને અંગ્રેજ સરકારનું પાટનગર બનાવાયું તે પછી વાઇસરૉય હાર્ડિંગ આવ્યો ત્યારે એના પર બોંબ ફેંકવાના કાવતરામાં સામેલ હતા. રાસબિહારી બોઝ પણ આ કાવતરામાં હતા. એ હાર્ડિંગ પરના હુમલા પછી છટકીને જાપાન ચાલ્યા ગયા અને સિંગાપુરમાં આઝાદ હિન્દ ફોજ બનાવી. બનારસ કાવતરા કેસમાં શચીન્દ્રનાથ સંન્યાલને તરીપાર કરવામાં આવ્યા હતા. હાર્ડીંગ પરના હુમલામાં એમને સંડોવવામાં પોલીસને સફળતા નહોતી મળી પરંતુ એમને આંદામાન મોકલી દેવાયા હતા અને ત્યાં ચાર-પાંચ વર્ષ રહ્યા પછી અંગ્રેજ સરકારે વિશ્વયુદ્ધમાં મળેલી જીતના ઉમંગમાં આમ-માફી જાહેર કરી તે પછી ૧૯૧૯માં છૂટી આવ્યા. ૧૯૨૨માં એ બન્ને ફરી સક્રિય થયા.

શચીન્દ્ર ત્યાંથી બંગાળ ગયા, ત્યાં એ ક્રાન્તિકારી પાર્ટીના નેતાઓને મળ્યા, તે પછી શચીન્દ્રનાથની પાર્ટી અને બંગાળની પાર્ટી, ‘હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન’ના નામ નીચે એક થઈ. પાર્ટી રશિયન ક્રાન્તિના સમાનતાના નારાથી પ્રભાવિત થઈ હતી અને એના બંધારણમાં પહેલી વાર સમાજવાદી સિદ્ધાંતોને સ્પષ્ટ રૂપે સ્થાન મળ્યું.

આના પહેલાં ક્રાન્તિકારીઓ ધાર્મિક રાષ્ટ્રવાદથી પ્રેરાયેલા હતા, પહેલી જ વાર લોકોની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને એક ક્રાન્તિકારી પાર્ટી બની હતી. જો કે, સંન્યાલ પણ આધ્યાત્મિક રંગે રંગાયેલા હતા, પરંતુ ખાલી થોથાંઓમાં લખેલી આધ્યાત્મિકતાને બદલે એમનું વલણ ભક્તિ પરંપરા તરફ હતું, અથવા એમ કહી શકાય કે વિવેકાનંદ જેવા સંતો એમના માટે પ્રેરણામૂર્તિ હતા.

ક્રાન્તિકારીઓ સામે સૌથી મોટો સવાલ એ રહેતો કે પૈસા કેમ મેળવવા, અને સાથીઓ કેમ એકઠા કરવા. કારણ કે પોલીસના દમન સામે ભલભલા હારી જતા અને તાજના સાક્ષી (સરકારી સાક્ષી) બની જતા.

એવી સ્થિતિમાં ચન્દ્રશેખર આઝાદ પાર્ટીમાં જોડાયા. એ બનારસ આવ્યા તે ખાસ હેતુથી નહીં, પણ બ્રાહ્મણ હોવાને કારણે સંસ્કૃતમાં આગળ અભ્યાસ કરવા લાગ્યા. અસહકારનું એલાન થતાં એ પણ કૂદી પડ્યા. પોલીસે એમને પકડ્યા ત્યારે એમણે પોતાનું નામ “આઝાદ” બતાવ્યું, પિતાનું નામ “સ્વતંત્ર” અને સરનામું “જેલ” બતાવ્યું! મૅજિસ્ટ્રેટ ખિજાઈ ગયો અને એમને કોરડા મારવાનો હુકમ આપ્યો. પોલીસનો કોરડો શરીર પર ઝીલતાં “મહાત્મા ગાંધી કી જય” પોકારતા રહ્યા. પછી, અસહકારનું આંદોલન બંધ કરવાના ગાંધીજીના નિર્ણયથી ક્રાન્તિકારીઓ વિરુદ્ધ થઈ ગયા પણ જન સમુદાયને જાગૃત કરીને આંદોલનમાં જોડવાની ગાંધીજીની શક્તિથી પ્રભાવિત હતા.

ગણેશ શંકર વિદ્યાર્થી

બીજી બાજુ, કાનપુરમાં ગણેશ શંકર વિદ્યાર્થીએ વિદ્રોહની આગ પ્રજ્વલિત રાખી હતી. એ દૈનિક ‘પ્રતાપ’ના તંત્રી હતા અને નિર્ભયતાથી એમણે અંગ્રેજ સરકારની ટીકાઓ કરી. પ્રતાપની એ જ પરંપરા હતી. એમનાથી પહેલાંના ચાર તંત્રીઓ સજાઓ ભોગવી ચૂક્યા હતા. વિદ્યાર્થીજી પર પણ ચાર વાર બદનક્ષીના કેસો થયા અને જેલમાં પણ જવું પડ્યું પણ એ અડગ રહ્યા.

૧૯૨૧માં યુક્ત પ્રાંત(આજનું ઉત્તર પ્રદેશ)માં કિસાન સભાઓ પ્રબળ બનવા લાગી હતી. આમ તો પંડિત મદન મોહન માલવીય એના પ્રણેતા હતા અને શરૂઆતમાં કિસાન સભાઓ માત્ર ખેડૂતોની હાલત વિશે ચિંતિત હતી પણ ધીમે ધીમે એણે જમીનના અધિકારો પોતાના હાથમાં લેવાનું શરૂ કર્યું. રાયબરેલીમાં કિસાન સભાએ જમીનદારોની જમીનો પર કબજો લેવાની કોશિશ કરતાં રમખાણો ફાટી નીકળ્યાં અને પોલીસે ગોળીબાર પણ કર્યો. બીજી જગ્યાએ એક જમીનદાર ડેપ્યુટી કમિશનર સાથે હતો અને ગોળીબાર થયો. ગણેશ શંકર વિદ્યાર્થીએ એ શખ્સના નામ સાથે રિપોર્ટ છાપ્યો. એમણે છાપેલા લેખો માટે એમની સામે રાજદ્રોહનો કેસ પણ થયો. એ વખતે કોંગ્રેસના બધા મોટા નેતાઓ, મદન મોહન માલવીય, મોતીલાલ નહેરુ,

આ આંદોલન ગાંધીજીના અસહકાર આંદોલનથી સ્વતંત્ર રીતે વિકસ્યું હતું. ગાંધીજીને ચંપારણમાં મળેલી સફળતાને કારણે માલવીયજી પણ ગાંધીજીને ખેડૂતોના યોગ્ય નેતા માનતા હતા પણ ગાંધીજી આઝાદીની લડાઈ વચ્ચેથી આંતરિક સંઘર્ષમાં પડવા નહોતા માગતા. એમણે નિવેદન કરીને રાયબરેલીમાં થયેલી હિંસાનો વિરોધ કર્યો. ડબ્લ્યુ. એફ. ક્રોલી લખે છે કે ગાંધીજી અંગ્રેજ સરકાર વિરુદ્ધની લડાઈમાં અલગ અલગ છૂટીછવાઈ લડાઈઓની વિરુદ્ધ હતા. કદાચ ચૌરીચૌરા ન બન્યું હોત તો અસહકારના આંદોલનનો રકાસ થયો હોત?

૧૯૨૨માં એ રાજા મહેંદ્ર પ્રતાપના સંપર્કમાં આવ્યા. રાજા અને એમના સાથીઓ મૌલાના બરકતુલ્લાહ અને ઓબેદુલ્લાહ સિંધીએ અફઘાનિસ્તાનમાં હિંદુસ્તાનની વચગાળાની સરકાર બનાવી હતી. એમણે અફઘાનિસ્તાનનું નાગરિકત્વ સ્વીકાર્યું હોવાના સમાચાર મળતાં ગણેશ શંકરે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રાજા મહેંદ્ર પ્રતાપે એમને પત્ર લખીને એમની ગેરસમજ દૂર કરી હતી.

‘પ્રતાપ’ની ઑફિસ ધીમે ધીમે ક્રાન્તિકારીઓનું ઘર બનવા લાગી હતી. ક્રાન્તિકારીઓ માટે એમણે અલગ રૂમ રાખ્યો હતો, એમાં એમની પરવાનગી વિના કોઈ પ્રવેશી ન શકતું. એ પોતે તો સશસ્ત્ર ક્રાન્તિના હિમાયતી નહોતા પણ એમાં પડેલા યુવાનોને પોતાના જાણીને મદદ કરતા. ભગત સિંઘ પર ઘરમાં લગ્ન માટે દબાણ થવા લાગ્યું ત્યારે એ કાનપુર પહોંચ્યા અને વિદ્યાર્થીજીની ઑફિસમાં રહ્યા. ભગત સિંઘે એમને કહ્યું કે મેં શરીર, મન અને ધનથી દેશની સેવા કરવાનું નક્કી કર્યું છે એટલે પરણીશ નહીં. ત્યારે વિદ્યાર્થીજીએ એમને સલાહ આપી કે “ભાઈ સાંભળ, સ્વતંત્રતાના પ્રેમી બનવું એટલે શમ્માને પ્યાર કરતા પતંગા બની જવું. સળગતી આગમાં ઘુસ્યા પછી એક પતંગિયું બીજાને કહેવા ન જાય કે આગ બળે છે અને તમે પણ આવીને ભસ્મીભૂત થઈ જાઓ.” ભગત સિંઘ ગદ્‌ગદ્ થઈને એમના પગે પડ્યા. તે પછી અહીં ભગત સિંઘ વિદ્યાર્થીજીની સલાહથી ‘બલવંત’ નામ ધારણ કરીને કામ કરવા લાગ્યા. અહીં જ એમની મુલાકાત બટુકેશ્વર દત્ત, ચંદ્ર શેખર આઝાદ, યોગેશ ચન્દ્ર ચૅટરજી, બિજોય કુમાર સિન્હા વગેરે ક્રાન્તિકારીઓ સાથે થઈ.

પરંતુ લાહોરમાં દાદી બીમાર પડતાં એમણે ભગત સિંઘ સાથે મોં-મેળા કરવાની ઇચ્છા દેખાડી. મહામહેનતે વિદ્યાર્થીજી ભગત સિંઘને સમજાવી શક્યા અને એમની પાસેથી પાછા આવવાનું વચન લીધું. જો કે ભગત સિંઘ પાછા તો ન આવ્યા પણ વધારે દૃઢતાથી આઝાદીના માર્ગે વળી ચૂક્યા હતા. એ લાહોરમાં જ રહી ગયા પણ યુક્ત પ્રાંત અને બિહારના ક્રાન્તિકારીઓ સાથે એમણે સંપર્ક ચાલુ રાખ્યા અને હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન બનાવવામાં પણ એમણે આગળપડતો ભાગ ભજવ્યો.

ભગત સિંઘનાં પરાક્રમો વિશે આપણે આગળ જોઈશું પરંતુ ૧૯૩૧નું વર્ષ ભારતના સશસ્ત્ર ક્રાન્તિકારી આંદોલન માટે મોટા ફટકા સમાન નીવડ્યું, એ વર્ષે ૨૭મી ફેબ્રુઆરીએ ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના ઍડવર્ડ પાર્કમાં પોલિસ સાથેના ધીંગાણામાં માર્યા ગયા, ૨૩મી માર્ચે ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાઈ. ૨૪મી માર્ચે કાનપુરમાં તોફાનો ફાટી નીકળ્યાં. પરંતુ આ તોફાનો હિન્દુ-મુસ્લિમ રમખાણમાં બદલી ગયાં ગણેશ શંકર વિદ્યાર્થી આ કોમી આગ હોલવવા જાનની પરવા કર્યા વિના નીકળી અને એક જગ્યાએ બન્ને બાજુનાં ટોળાંએ એમના પર હુમલો કર્યો. એમાં એ માર્યા ગયા. એમનો ક્ષતવિક્ષત મૃતદેહ, કોથળામાં બાંધેલો, એક હૉસ્પિટલમાંથી મળ્યો. ૨૯મી માર્ચે એમના અંતિમ સંસ્કાર થયા. કોમી દાવાનળે એક મહાન વીરનો ભોગ લીધો.

એમના મૃત્યુના સમાચાર મળતાં ગાંધીજીએ ‘પ્રતાપ’ના તંત્રી બાલકૃષ્ણ શર્માને તાર કર્યો એમાં લખ્યું –મારું હૈયું રડે છે, ગણેશ શંકરને મળ્યું એવા ભવ્ય મોત માટે હું આશ્વાસનના શબ્દો નથી કહેવા માગતો આજે ભલે ન થાય પણ એમનું નિર્દોષ લોહી એક દિવસ હિન્દુઓ અને મુસલમાનોને જોડ્યા વિના નહીં રહે. એટલે એમનું કુટુંબ આશ્વાસનને નહીં પણ અભિનંદનને લાયક છે. આશા છે કે એમનું ઉદાહરણ ચેપી બની રહેશે!”

સંદર્ભઃ

(૧) They lived Dangerously, Reminiscences of A Revolutionary: Manmathnath Gupta. People’s Publishing House, 1956.

(૨) Ganesh Shankar Vidyarthi. (in the series ‘Builders of Modern India) by Dr. M. L. Bhargava, Publications Division, Ministry of Information and Briadcastin, Governament of India, February 1988.

(૩) Journal Article: Kisan Sabhas and Agrarian Revolt in the United Provinces 1920 to 1921 – W. F. Crawley

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-27

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણઃ ૨૭:: બબ્બર અકાલી આંદોલન

ગાંધીજીના અસહકાર આંદોલનની સાથે જ પંજાબમાં બ્રિટિશ વિરોધી ધાર્મિક આંદોલન પણ શરૂ થયું હતું. આ પહેલાં આપણે ગદર પાર્ટીના બળવા વિશેનાં પ્રકરણોમાં જોયું પંજાબને ડલહૌઝીએ પોતાના કબજામાં લઈને સગીર વયના દલિપ સિંઘને લંડન મોકલાવી દીધો તે પછી શરૂઆતમાં તો બ્રિટીશ હકુમતે શીખોને ‘લડાયક જાત’(martial race) જાહેર કરીને એમને ભ્રમમાં રાખવાની કોશિશ કરી. ૧૮૫૭ના વિદ્રોહ વખતે શીખ સિપાઈઓએ અંગ્રેજોને બહુ મદદ કરી. તે પછી જ્યારે અંગ્રેજોએ એમની જમીનો આંચકી લેવાનું શરૂ કર્યું ત્યારે શીખોની આંખ ઊઘડી અને અંગ્રેજો વિરુદ્ધની ભાવના પ્રબળ બનવા લાગી. એમાંથી જે કામની શોધમાં બહાર ગયા તેમણે ગદર પાર્ટી બનાવી અને દેશમાં સશસ્ત્ર બળવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ૧૯૧૫ આવતાં સુધીમાં ગદર પાર્ટીની બધી તાકાત વેરણછેરણ થઈ ગઈ હતી પરંતુ એમની ભાવનાઓ પરના ઘા હજી રુઝાયા નહોતા. અધૂરામાં પુરું, શીખ ગુરુદ્વારાઓ પર પણ મહંતો કબજો કરી બેઠા હતા. બ્રિટિશ સરકારનો એમને ટેકો મળતો હતો. એમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડે પંજાબને હચમચાવી દીધું હતું. આનું પરિણામ એટલે બબ્બર અકાલી આંદોલન. આપણા ઇતિહાસમાં આ આંદોલનનો ઉલ્લેખ પાદટીપ જેટલો જ હોય છે પણ એ મોટું આંદોલન હતું. ખાસ કરીને, આખા દેશમાં ગાંધીજીનું અસહકાર આંદોલન ચાલતું હતું તેની સાથે, પણ સ્વતંત્ર રીતે આ ક્રાંતિકારી આંદોલન ચાલ્યું અને એના સૂત્રધારોને ફાંસીની સજાઓ થઈ.

પશ્ચાદ્ભૂમિકાઃ અકાલી આંદોલન

૧૯૧૧માં બ્રિટીશ શાસને પોતાની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હીમાં સ્થાપી. નવી રાજધાની માટે નવી ઇમારતો બનતી હતી; આવી એક ઇમારત માટે ગુરુદ્વારા રકાબગંજની એક દીવાલ તોડી નાખવામાં આવી. આની વાત આપણે ગદર વિશેનાં પ્રકરણોમાં પણ કરી છે. ગુરુદ્વારાની દીવાલ તોડવાના કૃત્યને શીખ સમુદાયે બહુ ગંભીરતાથી લીધું. સરકાર વિરુદ્ધનો આક્રોશ બહાર આવી ગયો.

આમ પણ શીખ ધર્મ માટે ‘સિંઘ સભા આંદોલન’ તો ચાલતું જ હતું. બધાં શીખ ગુરુદ્વારાઓ પર મહંતોનો કબજો હતો. અકાલી આંદોલનનો હેતુ મહંતો ને હટાવીને જાતે ધર્મસ્થાનોનો વહીવટ સંભાળી લેવાન હતો. ૧૯૨૦ના ઑક્ટોબરમાં લાહોરથી ‘અકાલી’ નામનું એક છાપું પણ શરૂ થયું અને તે પછી તરત નવેમ્બરમાં ‘શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી’ની રચના થઈ અને ડિસેમ્બર ૧૯૨૦માં અકાલી દળની સ્થાપના થઈ(આજનું અકાલી દળ એ જ છે અને આ પ્રબંધક કમિટી પણ આજેય ચાલે છે).

અકાલી દળે મહંતોને હટાવવા માટે શાંતિપૂર્ણ સત્યાગ્રહો ચાલુ રાખ્યા. પરંતુ ૧૯૨૧ની ૨૬મી જાન્યુઆરીએ તરન તારન શાહેરના ગુરુદ્વારાના મહંત સાથે વાતચીત કરવા માટે અકાલીઓનું એક જૂથ ગયું. રાતના અંધારામાં મહંતના ગુંડાઓએ એમના પર હુમલો કર્યો, એમાં પચાસેક ઘાયલ થયા અને બે જણનાં પાછળથી ઈજાઓને કારણે મૃત્યુ થઈ ગયાં.

ત્રણ જ અઠવાડિયાં પછી, નનકાના સાહેબ ગુરુદ્વારામાં એનાથી પણ વધારે ખરાબ ઘટના બની. નનકાના સાહેબ આજે તો પાકિસ્તાનમાં એક જિલ્લો છે. ગુરુ નાનકનો જન્મ આ શહેરમાં થયો હતો એટલે એનું શીખ ધર્મમાં ખાસ સ્થાન છે. નનકાના સાહેબ પણ મહંતોના કબજામાં હતું. અકાલીઓ ત્યાં મોટી સંખ્યામાં સત્યાગ્રહ માટે એકઠા થયા હતા, ત્યારે મહંતે એમના પર ગોળી ચલાવવાનો હુક્મ આપ્યો. બેફામ ગોળીબારમાં લગભગ એકસો અકાલીઓનાં મોત થયાં. અંતે નનકાના સાહેબનો વહીવટ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીને સોંપી દેવાયો.

શીખો સમજી ગયા હતા કે મહંતો ગોળીબાર કરવાની જાતે હિંમત ન કરે, બ્રિટિશ સરકારના ટેકા વિના આવું બની જ ન શકે. તે પછી એવા પુરાવા મળે છે કે એ વખતના કમિશનરે લાહોરના એક શસ્ત્રોના વેપારીને મહંતને શસ્ત્રો આપવા દબાણ કર્યું હતું.

શીખ શિક્ષણ પરિષદ

૧૯૨૧ના માર્ચમાં શીખોની શિક્ષણ પરિષદ મળી. એ વખતે કેટલાક ઉદ્દામવાદી શીખો પણ એકઠા થયા. એમણે હવે અકાલીઓથી અલગ રસ્તો લેવાનું નક્કી કર્યું. નનકાના સાહેબમાં સો જણનાં લોહી વહ્યાં તેનો બદલો લેવાનું એમણે નક્કી કર્યું. આમ બબ્બર અકાલી  જૂથનો જન્મ થયો (બબ્બર એટલે સિંહ). કિશન સિંઘ એના નેતા હતા. એમણે સરકારનો મુકાબલો શસ્ત્રોથી કરવાનો નિર્ણય લીધો. એમણે પોતાના સાથીઓને કહ્યું કે આપણા ગુરુઓએ પણ સત્તા સામે શાંતિનો માર્ગ લીધો પણ સત્તા તો તસુભાર પણ ન ખસી, માત્ર આપણા લોકોને જ સહન કરવું પડ્યું, એટલે શસ્ત્રો લેવાનું જરૂરી છે.

તે પછી એમણે ચક્રવર્તી જથા નામનું નવું ક્રાંતિકારી સંગઠન ઊભું કર્યું અને ગામેગામ ફરીને પ્રચાર કરવા લાગ્યા. લોકો મોટી સંખ્યામાં એમની સભાઓમાં ભાગ લેવા લાગ્યા. કોંગ્રેસ અને ગાંધીજીની અહિંસક અને શાંતિપૂર્ણ ચળવળ ઠેકડીને પાત્ર બની ગઈ. કોંગ્રેસે એક સભા બોલાવી તેમાં પણ બબ્બરો પહોંચી ગયા અને કોંગ્રેસને ‘બનિયા પાર્ટી” ગણાવીને લોકોને શસ્ત્રોનો માર્ગ લેવા આહ્વાન કર્યું.

સરકારનું દબાણ

હવે સરકાર બબ્બરોની હિલચાલો પ્રત્યે સજાગ બની ગઈ હતી અને એણે લોકોને ફોડીને મળતિયાઓ પેદા કરી લીધા. એક જથેદાર કરતાર સિંઘ પકડાઈ ગયો. એ ફરી ગયો અને સરકારને બધી બાતમી આઅપી દીધી. બીજા એક નેતા માસ્ટર મોતા સિંઘની પણ શરૂઆતના દિવસોમાં જ ધરપકડ થઈ ગઈ. આમ બબ્બર અકાલીઓ શરૂઆતથી જ ભીંસમાં આવી ગયા. તે પછી એમણે એક ગુપ્ત છાપું કાઢવાનું શરૂ કર્યું, જે બહુ લોકપ્રિય થયું.

બધી જ અડચણો છતાં ૧૯૨૩ આવતાં બબ્બર અકાલી આંદોલને જોર પકડી લીધું. એમણે પહેલાં સરકારના બાતમીદારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું અને કેટલાયને મોતને ઘાટે ઉતારી દીધા. સરકારની કાર્યવાહી પર આની બહુ અસર થઈ.

દરમિયાન એક ગામે કુશ્તીનું દંગલ હતું. એમાં સરકારના ખાંધિયાઓ આવશે એવી ખાતરી સાથે બબ્બરો ત્યાં પહોંચી ગયા. એક લાભ સિંઘ મળ્યો એ સી. આઈ. ડી. નો સિપાઈ હતો. બબ્બર ધન્ના સિંઘે એને ગોળીએ દઈ દીધો. પોલીસે અપરાધીને શોધવા બહુ મહેનત કરી પણ એને ભાળ ન મળી. તે પછી એમણે નિર્દોષોને કનડવાનું શરૂ કર્યું. આના પછી બબ્બરોએ નક્કી કર્યું કે કોઈનું ખૂન કર્યું હોય તો એની જવાબદારી લેવી. એમણે આના માટે ત્રણ જણને નક્કી કર્યા કે જેટલાં ખૂન થયાં અથવા હજી કરવાનાં હોય, એ કરનાર કોઈ પણ હોય એના માટે ત્રણ બબ્બરો કરમ સિંઘ, ધન્ના સિંઘ અને ઉદય સિંઘનાં જ નામ જાહેર કરવાં. આ ત્રણેય જણે પણ પ્રતિજ્ઞા કરી કે તેઓ કદી જીવતા નહીં પકડાય.

હવે સરકારે નરમપંથી અકાલીઓ અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીની મદદ લીધી. કમિટીએ સરકારના કહેવા મુજબ બબ્બર અકાલીઓ વિરુદ્ધ નિવેદન બહાર પાડ્યું.

૧૯૨૩ના મે મહિનામાં નવો કમિશનર ટાઉનસેંડ આવ્યો. એણે બબ્બરોને શોધી કાઢવા આકાશપાતાળ એક કરી નાખ્યાં ડૂંગરોમાં ભરાયેલા બબ્બરોની ભાળ મેળવવા એણે વિમાનોનો ઉપયોગ કર્યો. સરકારે હવે બબ્બરોના સીધા ટેકેદારોને જ ફોડી લીધા. એક સાથીને ત્યાં ત્રણ બબ્બરો રાતે સૂતા હતા ત્યારે એમને આશરો આપનારે પોલીસને જાણ કરી દેતાં બધા પકડાઈ ગયા. એમને હથિયારો આપનારાએ પણ જાણીજોઈને એના ભાગો ખોરવીને આપ્યાં હતા. આમ એમની બંદૂકો પણ નકામી થઈ ગઈ હતી. પોલીસ સાથેના ધીંગાણામાં ત્રણેય માર્યા ગયા.

ધન્ના સિંઘ પણ દગાથી પોલિસના હાથમાં સપડાઈ ગયો. એ સૂતો હતો ત્યારે પોલીસે એનાં હથિયાર જાપ્ત કરી લીધાં અને એને બાંધી લીધો. પરંતુ એના શરીરની ઝડતી હજી લીધી નહોતી. ધન્ના સિંઘના પાયજામાના ગજવામાં એક બોંબ હતો. એ ફેંકી શકાય એમ નહોતું. ધન્ના સિંઘે હાથ છોડાવીને બોંબ પર જોરથી કોણી મારી. બોંબ ફાટ્યો. ધન્ના સિંઘ અને એની પાસે ઊભેલા બે સિપાઈઓના ફૂરચેફૂરકચા ઊડી ગયા અને બીજા બે અંગ્રેજ અફસરો પણ માર્યા ગયા.

અંતે બબ્બરો સરકારની કુટિલ નીતિઓ સામે પરાસ્ત થયા કિશન સિંઘે એના સાથી વતી કોર્ટમાં માફી માગવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે આ કોર્ટ લૂંટારાઓ અને ડાકુઓની છે. એમણે પોતાની છેલ્લી ઇચ્છા એ જ દેખાડી કે અમારો દેશ આઝાદ થાય. ૨૭મી ફેબ્રુઆરી ૧૯૨૫ના છ બબ્બરો કિશન સિંઘ ગરગજ્જ, સંતા સિંઘ. નંદ સિંઘ, દલીપ સિંઘ અને ધરમ સિંઘ ફાંસીને માંચડે લટકી ગયા.

000

સંદર્ભઃ

૧.https://www.sikhiwiki.org/index.php/Babbar_Akali_Movement

૨.Babbar Akali Movement. Published by Sikh Misssionary College, Ludhiana.

. https://en.wikipedia.org/wiki/Nankana_Sahib

(તસવીરો ઇંટરનેટ પરથી બિનવ્યાવસાયિક હેતુ માટે લીધી છે).

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-26

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૨૬- ૧૯૧૬થી ૧૯૩૫ :: ચૌરીચૌરા અને આંદોલન બંધ

ગાંધીજીએ દેશમાં પહેલી વાર અહિંસક અસહકાર આંદોલનનો પ્રયોગ કર્યો હતો. ગાંધીજીએ ખિલાફતના આંદોલનને ટેકો આપીને અસહકાર આંદોલન માટે કોંગ્રેસમાં બહુમતી ઊભી કરી લીધી હતી. પરંતુ અસહકાર આંદોલનનો વ્યાપ વધારે મોટો હતો અને એની સાથે ખિલાફતના આંદોલનને જોડવાનું કામ બાકી હતું. દક્ષિણ આફ્રિકામાં તો એમણે મુસલમાનો, ખ્રિસ્તીઓ, ગુજરાતીઓ, તમિલો સાથે કે મધ્યમ વર્ગના વેપારીઓ તેમ જ ગિરમીટિયા મજૂરો સાથે કામ કર્યું હાતું પણ લોકોની વચ્ચે જઈને કોઈ આંદોલન માટે કામ કરવાનો આ એમનો પહેલો અનુભવ હતો. એ માનતા હતા કે દેશની આઝાદી માટે બે મોટી કોમો એક થાય તે બહુ જરૂરી હતું. ખિલાફતના આંદોલનને ટેકો આપીને મુસલમાનોને એમણે સાંકળી લીધા હતા પરંતુ મુસલમાઅનો માત્ર ખિલાફત માટે જ લડે અને દેશની સ્વાધીનતાના આંદોલનથી દૂર રહે તે એમને મંજૂર નહોતું.

મૌલાના મહંમદ અલી અને એમના ભાઈ શૌકત અલીના નેતૃત્વ નીચે ચાલતા ખિલાફત આંદોલન અને અસહકાર આંદોલનને જોડવાનું નક્કી કર્યું. કોઈ પણ આંદોલનમાં હિંસા તો ન જ થવી જોઈએ, એવો પાકો મત પણ હતો. આના માટે મુસલમાનો કેટલા તૈયાર થાય તે પણ નાણી જોવાનું હતું. આમ તો ખિલાફત અને જલિયાંવાલા બાગના હત્યાકાંડથી લોકો અકળાયેલા તો હતા જ.

ગાંધીજીએ વિદ્યાર્થીઓને શાળાઓ છોડીને અસહકાર આંદોલનમાં જોડાવા આહ્વાન કર્યું. એમણે કહ્યું,” મારામાં જે આગ સલગી રહી છે તે તમારામાં સલગી રહી હોય તો ઘરબાર ભૂલી જજો અને અસહકાર કરો. જો તમે તેમ કરશો તો…એક વર્ષમાંઆપણને સ્વરાજ મળશે…સ્વરાજ મેળવવું હોય તો પ્રત્યેક જણે આઝાદ થવું જોઈએ…” એમણે વકીલોને પોતાની વકીલાત છોડવાની સલાહ આપી. “ …વકીલો અદાલતોના ઑનરરી અમલદારો ગણાય છે, અને તેટલે દરજ્જે તેઓ કોર્ટના ધારાધોરણોને આધીન છે. જો તેઓ સરકારની જોડેનો સહકાર પાછો ખેંચી લેવા માગતા હોય તો તેમનાથી આ ઑનરરી હોદ્દા ન જ ભોગવી શકાય…”

માન-અકરામ અને ખિતાબો છોડવાનું સમજાવતાં ગાંધીજીએ કહ્યું, “ એક કાળે આપણે એમ માનતા કે આપણી ઇજ્જત-આબરૂ આ સરકારના હાથમાં સલામત છે ત્યારે એ માનચાંદ સાચે જ માનસૂચક હતાં, પણ અત્યારે તો એ આપણા માનના નહીં પણ અપમાન અને નામોશીના નિદર્શક છે, કારણ કે આપણે જોયું કે આ સરકાર પાસે ન્યાય જેવી વસ્તુ નથી.”

ઇલકાબો છોડવા કે વકીલાતો છોડવી, એ નિષેધાત્મક કાર્યો હતાં પણ શાળા-કૉલેજો છોડવાનું એક રચનાત્મક પરિણામ એ આવ્યું કે રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ. જો કે શાળા-કૉલેજોનો બહિષ્કાર હંમેશાં ચાલુ રહ્યો એવું નથી, મોટા ભાગના બે-ત્રણ મહિના પછી પાછા જોડાઈ ગયા હતા. પરંતુ સરકાર માટે આ બહુ મોટો આઘાત હતો.

સરકાર હવે અધીરી થવા લાગી હતી. હિન્દ માટેના બ્રિટિશ પ્રધાન મોંટેગ્યૂએ કહ્યું કે ગાંધીએ દેશની બહુ સેવા કરી છે, પણ હવે એ ગાંડા થઈ ગયા છે. ગાંધીજીએ પંજાબ અને વાયવ્ય સરહદ પ્રાંતની સભાઓમાં જુદી રીતે આપ્યો. જલિયાંવાલા બાગની ઘટનાથી પહેલાં સરકારે ડૉ. સૈફુદ્દીન કિચલૂ અને ડૉ. સત્યપાલને તરીપાર કર્યા તે વખતે તોફાનો થયાં હતાં. ગાંધીજીએ એની યાદ આપતાં કહ્યું કે એ વખતે તમે પાગલ થઈ ગયા હતા. હવે હું તમને શાંતિ જાળવી રાખવાની સલાહ આપું છું. મોંટેગ્યૂ મને પાગલ માને છે પણ તમે તો નથી માનતા ને? તમે મને પાગલ ન માનતા હો તો મારી સલાહ માનીને ચાલજો.”

સરકારે લોકોનું ધ્યાન બીજે વાળવા પ્રિન્સ ઑફ વેલ્સની ભારતની મુલાકાત ગોઠવી. ઠેર ઠેર ખિલાફતીઓ અને અસહકારીઓએ એની વિરુદ્ધ દેખાવો કર્યા. મુંબઈમાં પ્રિન્સનો કાર્યક્રમ હતો તેના વિરોધમાં હજારો લોકો એકઠા થયા. જે લોકો સમારંભમાં જતા હતા એમના પર એમનો ગુસ્સો ઠલવાયો. મુખ્યત્વે તો પારસીઓ, યહૂદીઓ, ઍંગ્લોઇંડિયનો અને યુરોપિયનો જ જતા હતા. એ દિવસે મુંબઈમાં જબ્બર હડતાળ પડી. લોકોએ હિંસા પણ કરી. એમાં ચાર પોલીસવાળાઓને લાઠીઓ મારીને મારી નાખ્યા. એક પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપવામાં આવી હતી. બપોરે ગાંધીજી શહેરની સ્થિતિ જોવા નીકળ્યા અને પોલિસવાળાનાં મોત થયાં હતાં તે સ્થળે પહોંચ્યા. ટોળાએ એમનો જયજયકાર કર્યો. ગાંધીજીએ એમને ખખડાવી નાખ્યા. એમણે એક ઘાયલ પોલિસના મોઢા પર પાણી છાંટ્યું અને હૉસ્પિટલ લઈ જવાની વ્યવાસ્થા થઈ ત્યાઅં સુધી ત્યાં જ ઊભા રહ્યા.

બીજા દિવસે મુંબઈ શાંત થઈ ગયું હોય એવું લાગતું હતું એવામાં જ સમાચાર મળ્યા કે પરેલમાં લોકો ટ્રામોને અટકાવે છે. નજીકમાં પારસીઓનો લત્તો હતો એના ઉપર હુમલો થવાની ભીતિ હતી. ગાંધીજીએ ખિલાફત કમિટીના મુઅઝ્ઝમ અલીને બીજા બે સાથીઓ સાથે પરેલ મોકલ્યા. પોતે એક લેખ પૂરો કરીને ત્યાં પહોંચવાના હતા, પરંતુ મુઅઝ્ઝમ અલીને કોઈ લોહીલુહાણ હાલતમાં એક વિક્ટોરિયામાં ગાંધીજી પાસે લઈ આવ્યા. મુઅઝ્ઝમ અલી જે મોટરમાં ગયા હતા તે પાછી ન આવી.

મુઅઝ્ઝમ અલીએ કહ્યું કે પારસીઓ, યુરોપિયનો અને યહૂદીઓના ટોળાએ એમના પર હુમલો કરીને આગલા દિવસનો બદલો લીધો હતો. એમની મોટરનાં છોતરાં ઊડી ગયાં હતાં. સરકારે પારસીઓ અને યુરોપિયનોને સ્વબચાવના નામે શસ્ત્રો આપ્યાં હતાં!

ગાંધીજીને મુંબઈની આ ઘટનાઓમાંથી સંકેત મળી ગયો હતો કે લોકો હજી શાંતિમય અસહકાર માટે તૈયાર નહોતા. આના પછી ગાંધીજીએ ઉપવાસનો નિર્ણય કર્યો.

બીજી બાજુ, બંગાળમાં કોંગ્રેસની પ્રાંતિક કમિટીની નેતાગીરી હેઠળ જબ્બરદસ્ત અસહકાર ચાલતો હતો. પ્રાંતના ગવર્નર રૉનલ્ડ રૉયે બાબુ ચિત્ત રંજન દાસને બોલાવી કહ્યું કે તમે આંદોલન પાછું ખેંચી લેશો, તો સરકાર દમનકારી કાયદાઓ લાગુ નહીં કરે, પણ ચિત્ત રંજન બાબુએ જવબ આપો કે આંદોલન તો કોંગ્રેસે જાહેર કર્યું છે, હું કેમ પાછું ખેંચી શકું? તે પછી એમની ધરપકડ કરી લેવાઈ.

પ્રિન્સ ઑફ વેલ્સ ૨૪મી ડિસેમ્બરે કલકત્તાની મુલાકાત લેવાનો હતો. એના માનમાં કલકત્તાના વકીલોએ મોટી પાર્ટી ગોઠવી હતી પણ ચિત્તરંજન બાબુની ધરપકડ થતાં વકીલોએ આ કાર્યક્રમ રદ કરી નાખ્યો. આ તો સરકારનું છડેચોક અપમાન હતું. હવે ધરપકડોનો દોર શરૂ થયો. આની અસર બીજા પ્રાંતોમાં પણ પડી. આંદોલન વધારે ભડક્યું. આંદોલન અને સરકારી દમન એકબીજાની હોળીમાં ઘી હોમતાં રહ્યાં.

એ દરમિયાન અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં ગાંધીજીને ‘સરમુખત્યાર’ જેવી સત્તા આપવામાં આવી. તે પછી ગાંધીજીએ આંદોલનને વધારે તીવ્રતાથી ચલાવ્યું. અસહકારને ખેડૂતો સુધી લઈ જવાની વાત ઘણા વખતથી હવામાં તરતી હતી પણ ગાંધીજી કહેતા રહ્યા હતા કે આખા દેશમાં લાગુ કરીએ તો કદાચ સફળતા ન મળે એટલે નાના પાયે ખેડૂતોના આંદોલનનો પ્રયોગ કરી જોવો જોઈએ.

એમણે બારડોલીમાં આ પ્રયોગ કરી જોવાનું નક્કી કર્યું. ૧૯૨૨ની પહેલી ફેબ્રુઆરીએ એમણે વાઇસરૉયને તાર મોકલીને પોતાનો નિર્ણય જણાવી દીધો.

પરંતુ ત્રણ જ દિવસ પછી યુક્ત પ્રાંત (યુનાઇટેડ પ્રોવીન્સ)ના ગોરખપુર પાસેના એક ગામ ચૌરીચૌરાની ઘટનાએ ગાંધીજીને હચમચાવી દીધા. ત્યાં લોકોના શાંત સરઘસ પર પોલીસે બેફામ ગોળીબાર કર્યો. પણ સરઘસમાં ભારે ભીડ હતી. પોલીસ પાસે કારતૂસો ખૂટી ગયાં, એ ભાગ્યા. ઉશ્કેરાયેલા લોકોએ એમનો પીછો કર્યો. પોલીસો થાણામાં ભરાઈ ગયા અને દરવાજા આગળિયાથી ભીડી દીધા. લોકોએ બહારથી આગ લગાડી દીધી. હવે બળતા ઘરમાંથી પોલિસોએ ભાગવાની કોશિશ કરી તો જે હાથે ચડ્યો તેને લોકોએ મોતને ઘાટે ઉતારી દીધો. આમાં ૨૨ પોલીસોના જાન ગયા.

મુંબઈની ઘટનાઓ પછી આ બનાવ બનતાં ગાંધીજીને આઘાત લાગ્યો. એમણે આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય લઈ લીધો અને કોંગ્રેસ કમિટીના જે સભ્યો જેલમાં નહોતા તેમની પાસે એના પર મંજૂરીની મહોર મરાવી. ગાંધીજી આ હિંસાના પ્રાયશ્ચિત્ત રૂપે પાંચ દિવસના ઉપવાસ પર બેસી ગયા.

ગાંધીજીનો આ નિર્ણય આજે પણ વિવાદનું કારણ બને છે. એ વખતે તો અસહકારીઓમાં ઉહાપોહ ફેલાઈ ગયો. કેટલાયે નેતાઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો. એમના અંગત મદનીશ મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીને સીધા જ સવાલો પૂછ્યા. હકીમ અજમલ ખાન સંમત થયા. મૌલાના હસરત મોહાનીએ (ચુપકે ચુપકે રાતદિન..વાળા!) તો ગાંધીજીને બાજુએ મૂકીને આંદોલન ચાલુ રાખવાની હિમાયત કરી. મોતીલાલ નહેરુ અકળાઈ ઊઠ્યા. ચિત્ત રંજન દાસે પણ ગાંધીજીની ટીકા કરી. જવાહરલાલ નહેરુ એ વખતે જેલમાં હતા. એમણે આ નિર્ણયમાં શંકા વ્યક્ત કરી, પણ તે પછી એમ

ણે પોતાની આત્મકથામાં આના વિશે પુનર્વિચાર કર્યો છે. એમણે કહ્યું કે ચૌરી ચૌરાની ઘટના ખરાબ હતી પણ એક નાના ગામડાની ઘટના આખા દેશને, કોંગ્રેસ જેવી સંસ્થાના કાર્યક્રમને ખોરવી શકે? જો કે એમણે કબૂલ્યું છે કે કોંગ્રેસ શિસ્ત નહોતી રાખી શકી અને આંદોલન વેરવીખેર થઈ ગયું હતું અને એક દિવસ એ બંધ થઈ ગયું હોત.

બીજો સવાલ એ આવે છે કે અસહકાર આંદોલન સાથે ખિલાફત આંદોલન જોડાયેલું હતું. એના નેતાઓ જુદા હતા. જો કે ગાંધીજીની હાજરીને કારણે જ એ આંદોલન મજબૂત બન્યું હતું પરંતુ ખિલાફત આંદોલન તો કોઈને પૂછ્યા વિના જ મોકૂફ થઈ ગયું! ગાંધીજીને ‘સરમુખત્યાર’નો અધિકાર કોંગ્રેસે આપ્યો હતો, ખિલાફત પરિષદે નહીં.

પરંતુ આંદોલન પાછું ન લીધું હોત અને બીજે પણ એવાં જ તોફાનો થયાં હોત તો સરકાર જનતાના બળથી વધારે જોરદાર બળ વાપરીને દબાવી ન દેત? શું ગાંધીજીએ દેશને આ સ્થિતિમાંથી બચાવી લીધો?

આ આંદોલન બંધ રહેવાની બીજી અસર એ થઈ કે જુવાનો ગાંધીજીના રસ્તેથી હટી ગયા. આખા દેશમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. એટલે જ બંગભંગ પછી પચીસ વર્ષે ફરી સશસ્ત્ર આંદોલનો શરૂ થયાં જેમાં અનેક વીરોએ હસતે મુખે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. આઝાદી માટેના આંદોલનના આ જ્વલંત પ્રકરણની કથા હવે પછી.

000

સંદર્ભઃ

ગાંધીજીની આત્મકથા (ભાગ પાંચ) પ્રકરણ ૪૩

‘મારું જીવન એ જ મારી વાણી’ દ્વિતીય ખંડઃસત્યાગ્રહ પ્રકરણ ૧૫ ‘અસહકાર’ નારાયણભાઈ દેસાઈ.

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-25

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણ : ૨૫ : ૧૯૧૬થી ૧૯૩૫: જલિયાંવાલા બાગ

બૈસાખીના દિવસે દસ હજારથી વધારે લોકો અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસેના જલિયાંવાલા બાગમાં એકઠા થયા. લોકો અંગ્રેજી રાજ સામે લડવાના જોશથી થનગનતા હતા. બૈસાખીના તહેવારનો ઉલ્લાસ પણ હતો એટલે સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા પણ બહુ મોટી હતી.

રેજિનાલ્ડ ડાયરને એક બાતમીદાર મારફતે સમાચાર મળ્યા હતા કે જલિયાંવાલા બાગમાં સભા છે. એણે પચાસેક ગોરખા સૈનિકોની ટુકડી એકઠી કરી અને “હિન્દીઓને પાઠ ભણાવવા” નીકળી પડ્યો. ત્યાં પહોંચવા માટે સાંકડો રસ્તો છે અને બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો નથી.

સાંકડી ગલીમાંથી સૈનિકો ત્યાં પહોંચ્યા ત્યારે લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. એ વખતે વક્તા હંસ રાજે લોકોને શાંત રહેવા અપીલ કરી. “ગભરાઓ નહીં, એ લોકો હથિયાર વિનાના લોકો પર ગોળી નહીં ચલાવે. પણ ડાયરે ત્યાં પહોંચીને કશી જ જાહેરાત કે ચેતવણી વિના સીધા જ ફાયરિંગનો હુકમ આપી દીધો.

હંસ રાજે કહ્યું, “કંઈ નથી, એ ખાલી ટોટા છે, ડરવાની જરૂર નથી.” પરંતુ ધાણી ફૂટે તેમ ગોળીઓ છૂટી અને ટપોટપ લાશો પડવા માંડી. બચવા માટે ભાગતાં સ્ત્રી-પુરુષોને નિશાન બનાવીને ઢાળી દેવાયાં. સ્ત્રીઓ પોતાના જાન અને શીયળ બચાવવા માટે પાસેના કૂવામાં કૂદી ગઈ. બાળકો રઝળી પડ્યાં. ડાયર ૩૭૯ના જાન લઈને અને ૧૧૦૦ ઘાયલોને કણસતાં છોડીને પોતાની ટૂકડી સાથે ત્યાંથી નીકળી ગયો. જો કે આ સરકારી આંકડા છે, સ્વતંત્ર તપાસમાં ૧૨૦૦નાં મોત થયાનું નોંધાયું છે. મરનારામાં હિન્દુ, શીખ અને મુસ્લિમ, બધા ભારતીયો હતા. લોહીમાં નહાયેલી, ગોળીઓથી વિંધાયેલી જલિયાંવાલા બાગની દીવાલો ઇતિહાસના આ ભયંકર હત્યાકાંડની સાક્ષી બનીને ઘાયલોનાં ક્રંદન સાંભળતી રહી.

કડક સેંસરશિપ હોવા છતાં આ સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા. જનતામાં ક્ષોભ અને રોષની લાગણીનો ઉછાળ આવ્યો. વાઇસરૉયની કાઉંસિલના સભ્ય સી. શંકરન નાયરે રાજીનામું આપી દીધું. ‘સર’રવીન્દ્રનાથ ટાગોરને સેંસરશિપને કારણે આ સમાચાર છેક મે મહિનાના અંતે મળ્યા. એમણે ‘સર’નો ખિતાબ પાછો આપી દીધો. લંડનમાં ઇંડિયન નૅશનલ કોંગ્રેસની બ્રિટિશ કમિટીએ નિવેદન બહાર પાડીને આખા ઘટનાક્રમનું વિવરણ બ્રિટનની જનતા માટે પ્રગટ કર્યું. નિવેદનમાં કમિટીએ કહ્યું કે વિશ્વયુદ્ધમાં બ્રિટનના વિજયમાં ભારતનો ફાળો મહત્ત્વનો રહ્યો છે, તેમ છતાં ભારતીયોના નસીબે તો માર્શલ લૉ, કોરડા, જેલની સજા, મશીનગનો દ્વારા ગોળીબાર, ગામડાંઓ પર હવાઈ હુમલા, મિલકતની જપ્તી, મિલિટરી ટ્રાઇબ્યુનલો સમક્ષ બચાવ કરવાની મનાઈ, અખબારોની સેંસરશિપ વગેરે કાળા કાયદા જ રહ્યા.

બ્રિટનમાં બે જાતના અભિપ્રાય હતા. ચર્ચિલ વગેરે નેતાઓએ જલિયાંવાલા બાગના હત્યાકાંડને “un-British” ગણાવ્યો અને ડાયરના કૃત્યને વખોડ્યું. પરંતુ એક વિદ્વાન કહે છે કે ચર્ચિલે આમ કરીને ડાયરના કૃત્યને અંગ્રેજી સામ્રાજ્યથી અલગ કરી નાખ્યું. એનો કહેવાનો અર્થ એ હતો કે અંગેજી હકુમત તો સારી હતી; એ આવું ન કરે, પણ ડાયરે હત્યાકાંડ સર્જીને સામ્રાજ્યને બટ્ટો લગાડ્યો. ડાયરના સમર્થક પણ ઘણા હતા. મોટાભાગે એ બધા ઉચ્ચ વર્ગના અથવા ભારત કે બ્રિટિશ આર્મી સાથે સંકળાયેલા હતા. એના માટે મોટું નાણાં ભંડોળ પણ ઊભું કરાયું.

તે પછી તપાસ માટે હંટર કમિટી નિમાઈ. તેમાં પણ ડાયરે પોતાની ભૂલ કબૂલ ન કરી અને પસ્તાવો પણ જાહેર ન કર્યો. એણે કહ્યું કે એક વખત આવું કરવાથી હંમેશ માટે શાંતિ રહે એ હેતુથી એણે આ કર્યું. એને કબૂલ કર્યું કે એના સૈનિકોએ ૧૬૫૦ ગોળીઓ છોડી, જેને કારણે ૩૭૯નાં મરણ થયાં અને ૧૧૦૦ ઘાયલ થયા.

હંટર કમિટીમાં એને સવાલ પુછાયો કે

“તમે શું કર્યું?

“મેં ગોળીબાર કર્યો.”

“તરત જ?”

“તરત જ. મેં આ બાબતમાં વિચાર કર્યો હતો અને મારી ફરજ શી છે તે નક્કી કરવામાં મને ત્રીસ સેકંડથી વધારે સમય ન લાગ્યો.”

એક સાક્ષીએ જુબાની આપી કે સૈનિકોએ બંદુકોની નળીઓ નીચી કરીને ગોળીબાર કરતાં ગોળીઓ સીધી લોકોના પેટ અને પગ પર વરસવા લાગી. કોઈ ભાગીને બચી જાય એવું પણ ન રહ્યું.

ડાયરે કહ્યું કે જેટલા રાઉંડ છોડાયા તેના આધારે સમયનો અંદાજ કરતાં દસેક મિનિટ ફાયરિંગ ચાલ્યું. એને પૂછવામાં આવ્યું કે તમે ફાયરિંગ ન કર્યું હોત અને લોકોને વીખેરાઈ જવા કહ્યું હોત તો એ વીખેરાઈ ન ગયા હોત કે તમે આટલો લાંબો વખત ફાયરિંગ કરવું પડ્યું? એનો જવાબ હતો કે માત્ર કહેવાથી લોકો વીખેરાઈ ગયા હોત, પણ વળી એકઠા થયા હોત અને મારા પર હસતા હોત.

કોંગ્રેસ પણ સક્રિય બની ગઈ. આ સાથે મહાત્મા ગાંધી કોંગ્રેસના એક માત્ર સર્વોચ્ચ નેતા તરીકે ઊપસ્યા. એમના જ સંયત શબ્દોમાં:

હંટર કમિટીની પાસે પુરાવો ન દેવાનો નિશ્વય અમે બધાએ એકમતે કર્યો...

પણ જો કમિટીનો બહિષ્કાર થાય તો લોકો તરફથી એટલે મહાસભા તરફથી એક કમિટી હોવી જોએ એમ નિશ્ચય થયો. તેમાં પંડિત મોતીલાલ નેહરુ, સ્વ. ચિત્તરંજન દાસ, શ્રી અબ્બાસ તૈયબજી, શ્રી જયકર અને મને પંડિત માલવીયજીએ આ કમિટી ઉપર નીમ્યા. અમે જુદે જુદે ઠેકાણે તપાસ કરવા વીખરાઈ ગયા. આ કમિટીની વ્યવસ્થાનો બોજો સહેજે મારી ઉપર આવી પડયો હતો, અને વધારેમાં વધારે ગામોની તપાસ મારે ભાગે આવવાથી, મને પંજાબ અને પંજાબનાં ગામડાં જોવાનો અલભ્ય લાભ મળ્યો.

આ તપાસ દરમ્યાન પંજાબની સ્ત્રીઓને તો જાણે હું યુગોથી ઓળખતો હોઉં તેમ મળ્યો. જયાં જાઉં ત્યાં તેમનાં ટોળાં મળે, અને મારી પાસે પોતે કાંતેલા સૂતરના ઢગલા કરે. પંજાબ ખાદીનું મહાન ક્ષેત્ર થઈ શકે એ હું આ તપાસ દરમ્યાન અનાયાસે જોઈ શકયો.

લોકોની ઉપર થયેલા જુલમની તપાસ કરતાં જેમ જેમ હું ઊંડો ઊતરતો ગયો, તેમ તેમ હું નહોતો ધારતો એટલી સરકારી અરાજકતા, અમલદારોની નાદિરશાહી, તેમની આપખુદીની વાતો સાંભળી આશ્વર્ય થયું ને દુ:ખ પામ્યો. પંજાબ કે જયાંથી સરકારને વધારેમાં વધારે સિપાહીઓ મળે છે ત્યાં લોકો કેમ આટલો બધો જુલમ સહન કરી શકયા, એ મને ત્યારે આશ્વર્ય પમાડનારું લાગ્યું ને આજે પણ લાગે છે.

આ કમિટીનો રિપોર્ટ ઘડવાનું કામ પણ મને સોંપવામાં આવ્યું હતું. પંજાબમાં કયા પ્રકારના જુલમ થયા એ જેને જાણવું હોય તેણે એ રિપોર્ટ વાંચવો જ જોઈએ… એમાં ઈરાદાપૂર્વક એક પણ જગ્યાએ અતિશયોક્તિ નથી. જેટલી હકીકત આપી છે તેને સારુ તેમાં જ પુરાવો રજૂ કર્યો છે. એ રિપોર્ટમાં જેટલો પુરાવો આપ્યો છે તેના કરતાં ઘણો વધારે કમિટી પાસે હતો. જેને વિષે જરા પણ શંકા હોય એવી એક પણ હકીકત એ રિપોર્ટમાં મૂકવામાં નથી આવી. આમ કેવળ સત્યને જ આગળ ધરીને લખાયેલા રિપોર્ટ ઉપરથી વાંચનાર જોઈ શકશે કે બ્રિટિશ રાજ્ય પોતાની સત્તા કાયમ રાખવાને સારુ કેટલી હદ સુધી જઈ શકે છે, કેવાં અમાનુષી કાર્યો કરી શકે છે…

અમૃતસરમાં કોંગ્રેસના અધિવેશનના અંતે ગાંધીજીએ કહ્યું – “પ્લાસીએ બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખ્યો, અમૃતસરે એને હચમચાવી નાખ્યો.”

જલિયાંવાલા બાગની ઘટના વખતે માઇકલ ઑ’ડ્વાયર પંજાબનો ગવર્નર હતો. આ ઘટનાના વીસેક વર્ષ પછી ૧૯૪૦માં લંડનના એક રસ્તા પર શહીદ ઉધમ સિંઘે ઑ’ડ્વાયરને ઠાર કરીને રાષ્ટ્ર પર એણે ગુજારેલા દમનનો બદલો લીધો અને હસતે મુખે ફાંસીએ ચડી ગયા.

૦૦૦

સંદર્ભઃ

  • Massacre At Amritsar, Rupert Furneaux, George Allan & Unwin Ltd. (publication year not available) (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
  • British Reaction to the Amritsar Massacre, Derek Sayer, University of Alberta. Namdhar elibrary, namdharielibrary@gmail.com (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
  • Centenary History of Indian National Congress, 1985
    • સત્યના પ્રયોગો, મો. ક. ગાંધી (ભાગ-૫, પ્રકરણ ૩૫).

%d bloggers like this: