Science Samachar 43

Science Samachar 43

હળદર કૅન્સરને રોકવામાં મદદ રૂપ

હળદરમાં એક પ્રાકૃતિક એન્ઝાઇમ છે જે પરમાણુ સ્તરે બીજા એક એન્ઝાઇમ (DYRK2) સાથે જોડાય છે. આની SS43.1અસર એ થાય છે કે કોશોનો ફેલાવો અટકે છે. આમ કૅન્સરના કોશો પણ ફેલાતા અટકે છે! કેલિફૉર્નિયા યુનિવર્સિટીની સાન ડિએગો સ્કૂલના સંશોધકોએ આ તારણ કાઢ્યું છે. પરંતુ સંશોધન લેખના પ્રથમ લેખક સભ્ય સૌરભ બેનરજી કહે છે કે કોશોનો ફેલાવો રોકવાનો એકમાત્ર ઉપાય હળદર જ છે એવું ન માની લેવું.

બેનરજી કહે છે કે હળદર શરીરમાંથી બહુ જલદી બહાર નીકળી જતી હોય છે. એ લોહીમાં ભળે અને કૅન્સરના કોશો પર અસર કરી શકે તેટલો વખત શરીરમાં રહે એટલા માટે એમાં ફેરફાર કરવાની જરૂર છે. એની કેટલી રાસાયણિક ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી એ કૅન્સરને રોકવાનો ઉપાય ન બની શકે. પરંતુ બે એન્ઝાઇમો જોડાઈને એ કામ કરી શકે છે તે જાણી શકાતાં હળદરનો કૅન્સરની ઔષધિ તરીકે વિકાસ કરવાની દિશા ખૂલી છે.

સંદર્ભઃ https://www.medindia.net/news/turmeric-compound-impairs-cancer-cells-in-mice-180866-1.htm

૦-૦-૦

() પીળું કેળું એટલે પાકું કેળુંમગજ એ શી રીતે નક્કી કરે છે?

SS 43.2

લીલા રંગનું કેળું જૂઓ એટલે તમે કહેશો કે એ કાચું છે. પીળા રંગનું હોય તો ખાઈ શકાય; ઘટ્ટ ભૂખરા રંગનું હોય તો સડેલું, અને ન ખવાય. આમ માત્ર રંગ જોઈને કેળાના ગુણ કેમ નક્કી કરી શકો છો? માત્ર કેળું જ નહીં, ઉપર-નીચે, ડાબે-જમણે. આમ આપણે માત્ર જોઈને કેમ નક્કી કરી શકીએ છીએ?

SS 43.2.2

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના આ ફોટા પર નજર પડતાં જ આપણે ડાબી બાજુ કોણ છે અને જમણી બાજુ કોણ છે તે વિચારવા લાગીએ છીએ. આમ કેમ?

જોવાનું કામ અને ઓળખવાનું કામ અને એના આધારે વર્ગીકરણ કરવાનું કામ એક જ નથી. પરંતુ આપણે એ કરી લઈએ છીએ!

MITની પિલોવર ઇંસ્ટીટ્યૂટ ઑફ લર્નિંગ ઍન્ડ મેમરીના સંશોધકોએ આ ઘટનાનો અભ્યાસ કર્યો છે. મગજમાં ૬ કોર્ટેક્સ હોય છેઃ પ્રીફ્રંટલ કોર્ટેક્સ (PFC), પોસ્ટેરિઅર ઇન્ફેરોટેમ્પોરલ(PIT), લેટરલ ઇન્ટ્રાપૅરિએટલ (LIP), ફ્રન્ટલ આઈ ફીલ્ડ્સ(FEF), અને દૃષ્ટિસક્ષમ પ્રદેશો MT અને V4. જે જુદાં જુદાં કામ કરે છે. આપણે જોઈએ છીએ એ સાદી ઘટના છે પણ દૃષ્ટિ ક્ષમતા ઉપરાંત મગજનાં બીજાં કોર્ટેક્સ પણ સક્રિય થઈ જાય છે. એટલે દૃષ્ટિમાં કોઈ પદ્દાર્થ ઝિલાય તે સાથે કામ અટકતું નથી, મગજનું એક કોર્ટેક્સ એનો અર્થ કરે છે અને આપણને સમજાવે છે. માત્ર રંગ કે ડાબીજમણી બાજુ નહીં, ઉચ્ચ સ્તરનાં વર્ગીકરણો પણ આ જ પ્રક્રિયા દ્વારા થાય છે.

સંશોધકોએ પ્રાણીઓ પર એક પ્રયોગ કર્યો. એમણે એમને વિવિધરંગી આકારો દેખાડ્યા અને હવે કયો રંગ આવશે તેનો સંકેત ઝીલતાં શિખવાડ્યું. પહેલા આકાર પછી લીલા રંગનો આકાર આવશે એમ ધારીને પ્રાણીઓ ડાબી બાજુ જોતાં અને લાલ રંગની ધારણાથી જમણી બાજુ જોતાં. એ જ રીતે ઉપર કે નીચે સરકતાં ટપકાં જોતાં પ્રાણીઓ અનુમાન કરી લેતાં કે હવે ટપકું ઊપર જશે કે નીસ્ચે; અને તે પરાંને ડોક ઊંચે કે નીચે કરતાં હતાં.

આ ચાલતું હતું ત્યારે વૈજ્ઞાનિકો એમના મગજની ક્રિયા પ્રક્રિયા તપાસતા હતા. જોવાનું કામ MT અને V4માં થતું હતું પણ વર્ગીકરણમાં બધાં કોર્ટેક્સ તરત મડી પડ્યાં. એમાં PFC ની જ મુખ્ય જવાબદારી હોય તેમ કામ કરતું હતું, પણ FEF, LIP અને PITમાં પણ વર્ગીકરણનું સારુંએવું કામ થતું હોવાનું જોવા મળ્યું.

સંદર્ભઃ http://picower.mit.edu/news/brain-extracts-meaning-vision-study-tracks-progression-processing

૦-૦-૦

() નિર્ણયમાં ભૂલ વર્તાય તો પણ સુધારવામાં સમય શા માટે વેડફીએ છીએ?

તમારે અગિયાર વાગ્યે એક અગત્યની મીટિંગમાં પહોંચવાનું છે. તમે કારમાં છો અને રસ્તામાં ટ્રાફિક જામ છે. તમારી લેનની પાસેની લેનમાં ટૂંકી લાઇન છે.તમને લેન બદલવાનો વિચાર આવે છે પણ તમારો સંશયાત્મા પૂછે છે કે જવું કે નહીં. તમે જાઉં-ન જાઉંની ગડમથલ્માં પડી ગયા છો.આ લેનમાં આવવાનો નિર્ણય ખોટો હતો, તો પણ એ સુધારવામાં તમને વાર લાગે છે. આનું કારણ શું? મનોવૈજ્ઞાનિકો આને ‘sunk cost’ (ડૂબેલો ખર્ચ) કહે છે. મિનેસોટા યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે આપણે જ્યારે નિર્ણય સુધારવાની ઘડી આવે છે ત્યારે ખોટા નિર્ણય પાછળ કેટલો સમય વેડફાઈ ગયો તેનો વિચાર કરીએ છીએ. એ વેડફાયેલો સમય સાવ જ એળે જવા દેવા માટે આપણું મન નથી માનતું.

મિનેસોટા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીઓનાઅ સંશોધકોએ ઉંદરો પર એક પ્રયોગ કર્યો અને દેખાડ્યું કે ઉંદર હોય કે માણસ, બધા જ ‘ડૂબેલા ખર્ચ’નો વિચાર કરે છે. પરંતુ એ નિર્ણય લેવામાં જેટલો સમય ખર્ચ્યો હોય તેને હિસાબમાં નથી લેતા; માત્ર એની પાછળ ખર્ચેલા સમયનો જ હિસાબ કરે છે. પ્રયોગમાં એમણે ઉંદરોને ભોજનના ચાર વિકલ્પ જાણે રેસ્ટોરન્ટોની હાર લાગી હોય તેમ ગોઠવ્યા.ઉંદર બધાં રેસ્ટોરન્ટોમાં ચક્કર મારવા લાગ્યા. ઉંદરો હજી કંઈ સારું, પોતાની પસંદગીનું મળશે તેની રાહ જોવા તૈયાર નહોતા. જે મળ્યું તે બરાબર! હવે એમની સામે નવો વિકલ્પ મૂકવામાં આવ્યો. કોઈ ઉંદરને પોતાનો નિર્ણય બદલવો હોય તો બદલી શકતો હતો. જે ખાતો હોય તે છોડીને બહાર જવું હોય તો પણ છૂટ હતી. પણ કોઈએ એમ ન કર્યું! પોતાનો ખોટો નિર્ણય સુધારવા તૈયાર નહોતા.

સંશોધકો કહે છે કે માણસ પણ આવું જ કરે છે. જો કે એમણે આ નિષ્કર્ષ અંતિમ હોવાનો ઇનકાર કર્યો છે. એમનની નજરે તો આ પ્રયોગ ડેટા એકઠો કરવાનો આ એક ભાગ જ છે. વળી એમણે કહ્યું કે એમણે માત્ર નર-ઉંદરો લીધા હતા. એટલે ઉંદર અને સ્ત્રીની વર્તણુકની તુલના કરવા માટે સ્ત્રીઓને પ્રયોગમાં સામેલ કરવી જોઈએ.

સંદર્ભઃ https://www.scientificamerican.com/article/why-its-so-hard-to-junk-bad-decisions-edging-closer-to-understanding-sunk-cost/

૦-૦-૦

() નવા ગ્રહનો જન્મ!

SS 43.4

પૃથ્વીથી ૩૫૦ પ્રકાશવર્ષ દૂર એક તારાએ એના ગ્રહને જન્મ આપ્યો છે. હજી આ ગ્રહ ગૅસના રૂપમાં જ છે અને એની બનવાની પ્રક્રિયા ચાલુ જ છે. આ જાતની તસવીર પહેલી વાર જ ઝિલાઈ છે. (ફોટામાં કાળું ધાબું દેખાય છે તે કેમેરાનું ફિલ્ટર છે, જે ગ્રહ પર પડતા બીજા પ્રકાશને દૂર રાખવા માટે વપરાયું છે).

આ તારો PDS70 પોતે પણ બીજા તારાઓની સરખામણીએ હજી બાળક છે. એની ઉંમર માત્ર ૫૦-૬૦ લાખ વર્ષ છે. નવા ગ્રહનું દળ આપણા ગુરુ ગ્રહ કરતાં મોટું છે એની સપાટી પર ૧૦૦૦ ડિગ્રી ગરમી છે. એના જનક તારા કરતાં એ લગભગ ૨.૮૭૧ અબજ કિલોમીટર દૂર છે. સૂર્ય અને યૂરેનસ વચ્ચે પણ આટલું જ અંતર છે. કોઈ પણ તારાની ફરતે વલયો હોય છે. આ વલયો ગ્રહોની જન્મભૂમિ હોય છે. ખગોળશાસ્ત્રીઓએ હવે એનો વિકાસ કેમ થાય છે તે જોવાનું છે. ગ્રહ પોતાના તારાની ફરતે ૧૨૦ વર્ષમાં એક આંટો પૂરો કરતો હોવાની ધારણા છે.

સંદર્ભઃ https://www.theguardian.com/science/2018/jul/02/first-confirmed-image-of-a-newborn-planet-revealed-pds70

૦-૦-૦

India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 22

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૨ પ્લાસીનું યુદ્ધ

૧૭૫૭ની ૧૩મી જૂને સિરાજુદ્દૌલા લશ્કર સાથે અંગ્રેજો સામે લડવા માટે નીકળ્યો, પણ ક્લાઇવની ફોજ એનાથી ત્રણ દિવસ પહેલાં જ મુર્શીદાબાદ તરફ નીકળી ચૂકી હતી. પરંતુ ક્લાઇવ પોતે તરત જ હુમલો કરવાને બદલે રાહ જોવાની તરફેણમાં હતો. એની વૉર કાઉંસિલની મીટિંગમાં તેર જણ રાહ જોવાના પક્ષમાં હતા અને સાત જણ તરત હુમલો કરવાની હિમાયત કરતા હતા. લશ્કરે કૂચ તો શરૂ કરી દીધી પણ ક્લાઇવને હજી મીર જાફર પર વિશ્વાસ નહોતો. એણે મીર જાફરને પ્લાસી પાસે પોતાની ફોજ ગોઠવી દેવાનો સંદેશો મોકલ્યો. એ વખતે સિરાજુદ્દૌલા પણ પ્લાસીથી દસેક કિલોમીટર દુર હતો. ક્લાઇવે કહ્યું કે મીર જાફર પોતાની જમાવટ નહીં કરે તો અંગ્રેજ સૈન્ય નવાબ સાથે સમજૂતી કરી લેશે. મીર જાફરને બંગાળના નવાબ બનવાનું પોતાનું સપનું રોળાઈ જતું દેખાયું. આ બાજુ એણે નવાબ તરફ પણ વફાદારી દેખાડવાની હતી.

૨૩મી જૂન ૧૭૫૭ની સવારે પ્લાસી પાસે બન્ને લશ્કરો સામસામે આવી ગયાં. ગોઠવણ એવી હતી કે સિરાજુદ્દૌલા સામેથી હુમલો કરે, ડાબી અને જમણી બાજુએથી મીર જાફર અને રાય દુર્લભ હુમલા કરે. સવારે આઠ વાગ્યે નવાબની ફોજના તોપદળે હુમલો શરૂ કર્યો. પહેલા અડધા કલાકમાં જ દસ યુરોપિયનો માર્યા ગયા. આના પછી ક્લાઇવે પોતાની ફોજને આંબાનાં ઝાડો પાછળ ચાલ્યા જાવાનો હુકમ કર્યો. નવાબી ફોજ આથી જોશમાં આવી ગઈ. એનું તોપદળ હવે ભારે તોપમારો કરવા લાગ્યું. પરંતુ ત્યાં સૈનિકો તો હતા જ નહીં. અગિયારેક વાગ્યે અંગ્રેજ ફોજે વળતો હુમલો શરૂ કર્યો અને બપોરે બાર વાગ્યાની આસપાસ સિરાજુદ્દૌલાના લશ્કર તરફથી આવતો જવાબ મોળો પડવા લાગ્યો.

સિરાજુદ્દૌલા પોતે પોતાની છાવણીમાં બેઠો હતો અને એના ચાકરો એને સમાચાર આપ્યા કરતા હતા પરંતુ એમાંથી અડધોઅડધ તો દગાખોરો હતા. નવાબને સમાચાર મળ્યા કે એનો વફાદાર મીર મર્દાન ઘાયલ થયો છે ત્યારે એ ચોંક્યો અને મીર જાફરને છાવણીમાં બોલાવ્યો અને પોતાની પાઘડી ઉતારીને મીર જાફરના પગ પાસે ધરી દીધી કે આ પાઘડીનું રક્ષણ કરવાની જવાબદારી એની છે. મીર જાફર ડઘાઈ ગયો. એ નવાબને આશ્વાસન આપીને બહાર નીકળ્યો પણ તરત ક્લાઇવને સંદેશો મોકલીને શું ઘટના બની તેની જાણ કરી દીધી અને સલાહ આપી કે કાં તો ક્લાઇવ તરત આગેકૂચ કરે અથવા વહેલી પરોઢે નવાબની છાવણી પર જ હુમલો કરે. પરંતુ કાસદ ભારે તોપમારા વચ્ચે સામી બાજુએ જઈ જ ન શક્યો.

બીજી બાજુ સિરાજુદ્દૌલાને સતત ખરાબ સમાચાર મળતા હતા. બરાબર એ જ વખતે રાય દુર્લભે એને પાટનગર પાછા વળવાની સલાહ આપી. સિરાજુદ્દૌલા હરોરી ગયો હતો. એણે સૈન્યને લડાઈરોકી દઈને પાછા વળવાનો હુકમ કર્યો.

કેપ્ટન કિલપૅટ્રિકે પાછા વળતા સૈન્ય પર હુમલો કરી દીધો. ક્લાઇવને જો કે આ પસંદ ન આવ્યું. બીજી બાજુ મીર જાફરનું લશ્કર પણ નવાબના લશ્કર સાથે જોડાયા વિના જ પાછું જવા લાગ્યું. સિરાજુદ્દૌલાને ખબર મળ્યા કે મીર જાફર નિષ્ક્રિય હતો એટલે એ ભાગી નીકળ્યો હતો. એ મધરાતે મુર્શીદાબાદ પહોંચી ગયો. તે જ સાંજે મીર જાફર પણ મુર્શીદાબાદ પહોંચ્યો.

સિરાજુદ્દૌલાએ પહોંચીને પોતાના લશ્કરી સરદારોની બેઠક બોલાવી. કોઈ એને મોટાં ઇનામો જાહેર એમને ફરી લડવા માટે પ્રોત્સાહિત કરવાની સલાહ આપી પણ હવે એ કોનો ભરોસો કરવો તે જ જાણતો નહોતો.

એવામાં મીર જાફર પહોંચી ગયો એવા સમાચાર મળતાં એને લાગ્યું કે હવે એ વધારે વખત મુર્શીદાબાદમાં રહી ન શકે. એણે પોતાના હરમની બધી સ્ત્રીઓને ધનદોલત સાથે હાથીઓ પર રવાના કરી દીધી અને પોતે એકલો જ રહી ગયો. રાતે સાધારણ વેશમાં એ બારીમાંથી ભાગીને થોડા માણસો સાથે નદીએ પહોંચ્યો અને નાવ લઈને પટણા તરફ નીકળી ગયો.

આ બાજુ મીર જાફરને ખબર પડી કે નવાબ ભાગી ગયો છે. એણે ચારેબાજુ એને પકડવા પોતાના માણસો મોકલ્યા. સવારે નવાબના બીજા કુટુંબીજનો અને આગલે દિવસે ભાગી છૂટેલી હરમની સ્ત્રીઓ પકડાઈ ગઈ.

ક્લાઇવ ૨૫મી જૂને સૈન્ય સાથે મુર્શીદાબાદ નજીક પહોંચી ગયો. પરંતુ એની હત્યાનું કાવતરું ઘડાયું હોવાના ખબર મળ્યા એટલે એ ત્રણ દિવસ બહાર ન નીક્ળ્યો અને ૨૯મીએ મુર્શીદાબાદ ગયો. ત્યાં સિરાજુદ્દૌલાના મહેલમાં એનું મીર જાફરે સ્વાગત કર્યું. ક્લાઇવ એને સિંહાસન સુધી લઈ ગયો અને એને નવાબ જાહેર કર્યો.

જુલાઈની બીજી તારીખે સિરાજુદ્દૌલા પકડાઈ ગયો. એની નાવના ખલાસીઓ થાકી જતાં એ રાજમહેલ શહેરના એક મકાનમાં રોકાયો. ત્યાં એક માણસે એને ઓળખી લીધો અને પકડાવી દીધો. એને મીર જાફરના માણસો મુર્શીદાબાદ લઈ આવ્યા. મીર જાફર એને જીવતો રહેવા દેવા માગતો હતો પણ એનો પુત્ર એના માટે તૈયાર નહોતો.એનું કહેવાનું હતું કે એ જીવતો રહે તો લોકો કદાચ બળવો કરે. સિરાજુદ્દૌલાએ પોતે પણ તરત મોત માગ્યું પણ એને એક કોટડીમાં પૂરી દેવામાં આવ્યો.

એ રાતે મીર જાફરના પુત્રે પોતાના સાગરિતોને મોકલ્યા. સિરાજુદ્દૌલા સમજી ગયો. એણે છેલ્લી નમાજ અદા કરવાનો સમય માગ્યો પણ હત્યારાઓ ઉતાવળમાં હતા. એમણે એના પર પાણીનું વાસણ ફેંક્યું પછી તલવારના ઘા કર્યા અને વીસ વર્ષની ઉંમરે, પોતાના શાસનના પંદરમા વર્ષમાં સિરાજુદ્દૌલાનો અંત આવી ગયો.

સિરાજુદ્દૌલાને ફ્રેન્ચ કંપનીના એક ઑફિસરને પત્ર પણ લખીને અંગ્રેજો સામે મદદ પણ માગી હતી. પરંતુ ફ્રેન્ચ ટુકડીને રસ્તામાં જ પ્લાસી વિશે સમાચાર મળ્યા અને ટુકડી રોકાઈ ગઈ. તે પછી સિરાજુદ્દૌલા પકડાઈ ગયાના સમાચાર મળતાં એમણે પાછા જવાનું યોગ્ય માન્યું. જો એ ટુકડી માત્ર બીજા વીસ માઇલ આગળ હોત તો કદાચ સિરાજુદ્દૌલાને મદદ મળી હોત અને કોણ જાણે, ભારતનો ઇતિહાસ પણ જુદો જ વળાંક લઈ ગયો હોત. પણ ૧૭૫૭ની ૨૩મી જૂને તો સિરાજુદ્દૌલાના પરાજય સાથે અને પછી અંત સાથે મીર જાફર, રાય દુર્લભ, જગત શેઠ અને અમીચંદની મદદથી ઈસ્ટ ઇંડિયા કંપનીએ ભારત પર સકંજો કસવાની શરૂઆત કરી.

સંદર્ભઃ

A History of the Military Trajsactions of the British Nation in Indistan from the year MDCCXLV vol II – Robert Orme (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 21

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૧: સિરાજુદ્દૌલા વિરુદ્ધ કાવતરું

સિરાજુદ્દૌલા ચિતપુરમાં એના પડાવ પર હુમલો કરવાના ક્લાઇવના પ્રયાસથી અંદરખાને હચમચી ગયો હતો. પરિણામે, એણે અંગ્રેજો સાથે પણ શાંતિ સમજૂતી કરી લીધી. એ મોગલ હકુમતે કંપનીને આપેલા અધિકારોનો એ વિરોધ કરતો હતો પણ હવે તેનાથીયે વધારે અધિકારો એણે કંપનીને આપી દીધા. આ સમજૂતીમાં કંપનીને પોતાના રૂપિયા બનાવવાની ટંકશાળ બનાવવાનો અધિકાર પણ મળ્યો.

બીજી બાજુ, ચંદ્રનગરમાં ફ્રાન્સના પરાજયથી એને અંગ્રેજોનો ખતરો વધતો જણાયો. એણે અંગ્રેજો વિરુદ્ધ ફ્રેન્ચોને ટેકો આપવા માટે ફ્રેન્ચ કંપનીના હોદ્દેદારોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું. આમ સિરાજુ-દ્દૌલાનું વલણ તાત્કાલિક સ્થિતિ પર બદલાતું રહેતું હતું. આ બાજુ ‘સાત વર્ષના યુદ્ધ’ને કારણે ફ્રાન્સને મદદ કરનાર જે કોઈ હોય તે અંગ્રેજોનો દુશ્મન હતો. નવાબ સમજ્યો કે અંગ્રેજોએ ચંદ્રનગર જીતી લીધું તે પછી ફ્રેન્ચોને ટેકો આપવો તે અંગ્રેજોની દુશ્મનાવટને આમંત્રણ આપવા જેવું હતું. ક્લાઇવે પણ સિરાજુદ્દૌલાને હટાવવા માટેના ઉપાયો વિચારવાનું શરૂ કરી દીધું હતું.

પહેલાં તો કંપનીએ સિરાજુદ્દૌલાએ એમની સાથે કરેલી વેપારની નવી સમજૂતીનું બની શકે તેટલું વધારે ઉદાર અર્થઘટન કર્યું અને પોતાની રીતે છૂટછાટો વધારતા ગયા. ઢાકા અને કાસિમબજાર ફ્રેન્ચ કબજામાં હતાં. હવે કંપનીએ ચંદ્રનગર જીતી લીધા પછી સિરાજુદ્દૌલા પાસે આ બન્ને સ્થળોની પણ માગણી કરી. આનો અર્થ એ થાય કે નવાબની આવકમાં અને સત્તામાં જબ્બરદસ્ત ઘટાડો.

બીજી બાજુથી કંપનીએ સિરાજુદ્દૌલાની નજીકના માણસોને સાધવાનું શરૂ કર્યું. વાત એટલી બધી ખુલ્લી હતી કે નવાબ સિવાય આખા પાટનગર મુર્શીદાબાદને ખબર હતી કે દરબારમાં મોટે પાયે ખટપટ ચાલે છે. દરબાર સુધી વાત પહોંચી કે ફ્રાન્સની કંપનીને રક્ષણ આપીને સિરાજુદ્દૌલાએ ભૂલ કરી છે. એણે એ માની લીધું અને ફ્રેન્ચોને વિદાય આપી દીધી. ફ્રેન્ચ જતાં જતાં એને મિત્રભાવે ચેતવણી આપી ગયા કે એની આસપાસ જાળ બિછાવી દેવાઈ છે પણ સિરાજુદ્દીનની આંખ ન ઊઘડી.

નવાબની આસપાસ જાળ

ક્લાઇવે સૌ પહેલાં સિરાજુદ્દૌલાના સેનાપતિ મીર જાફર, જગતશેઠ, દીવાન રાય દુર્લભ અને અમીચંદને ફોડ્યા. એમનું કામ હતું સિરાજુદ્દૌલાને સતત નબળો પાડવો અને અંગ્રેજોની તાકાતનો ભય દેખાડવો. ક્લાઇવે મીર જાફરને સિરાજુદ્દૌલાની જગ્યાએ નવાબ બનાવવાનું વચન આપ્યું. રાય દુર્લભ, જગત શેઠ અને અમીચંદને પૈસા આપવાનો સોદો થયો. એમણે સિરાજુદ્દૌલાને અંગ્રેજો સાથે લડાઈ માટે ઉશ્કેરવાનો હતો. એમના ભરોસે નવાબ લડાઈમાં કૂદી પડે અને છેલ્લી ઘડીએ એ લોકો પોતે લડાઈમાં ન ઊતરે.

 

સફેદ કાગળ, લાલ કાગળ!

કાવતરાબાજોમાંથી એકલા અમીચંદને જે ભાગ મળતો હતો તેનાથી સંતોષ નહોતો. પહેલાં એ કંપનીનો એજન્ટ પણ હતો કારણ કે એનો દાવો હતો કે નવાબ સિરાજુદ્દૌલા એના પર બહુ વિશ્વાસ કરતો હતો. હવે જ્યારે ક્લાઇવની બધી ચાલ ગોઠવાઈ ગઈ હતી ત્યારે એણે પોતાને મળતો ભાગ લેવાની ના પાડી દીધી અને લડાઈમાં કંપની જીતી જાય તે પછી સિરાજુદ્દૌલાના ખજાનાની પાંચ ટકા રકમ માગી. ક્લાઇવ આના માટે તૈયાર નહોતો પણ જો અમીચંદને કોઈ રીતે મનાવી ન લેવાય તો એ ભંડો ફોડી નાખે. એણે ધમકી પણ આપી હતી કે એ નવાબને બધું બતાવી દેશે.

ક્લાઇવે હવે છેતરપીંડીની અંદર જ નવી છેતરપીંડી કરી. એણે બે સમજૂતીના મુસદ્દા બનાવ્યા. એક સફેદ કાગળ પર અને બીજો લાલ કાગળ પર. સફેદ કાગળની સમજૂતી ખરી હતી અને લાલ કાગળ પરની સમજૂતી અમીચંદને દેખાડવા માટેની હતી. સફેદ કાગળની સમજૂતી પર ઍડમિરલ વૉટસને સહી કરી. પરંતુ લાલ કાગળ પર એણે સહી ન કરી. ક્લાઇવ ઈસ્ટ ઇંડિયા કંપનીનો માણસ હતો, પણ વૉટસન ઇંગ્લૅન્ડના રાજાના નૌકાદળનો ઍડમિરલ હતો અને એનામાં ક્લાઇવની સરખામણીએ કંઈક નીતિમત્તા જેવું બચ્યું હતું. લાલ કાગળ પરની સમજૂતી પર વૉટસનને બદલે કોઈ બીજા પાસે નકલી સહી કરાવડાવી. આ સમજૂતી અમીચંદને આપી દીધી. એમાં નવાબના ખજાનામાંથી પાંચ ટકા આપવાનું વચન આપવામાં આવ્યું હતું, સફેદ કાગળની સમજૂતીમાંથી અમીચંદનું નામ જ કાઢી નાખવામાં આવ્યું હતું.

બાલાજી રાવનો પત્ર સાચો કે નકલી?

પરંતુ આના માટે મીર જાફરને વિશ્વાસમાં લેવાનો હતો. કંપનીની સિલેક્ટ કમિટી અમીચંદને ખોટો દસ્તાવેજ આપવાની હતી, તેની જાણ મીર જાફરને કેમ કરવી? એ તો નવાબ વતી પલશી (પ્લાસી) પાસે લાવલશ્કર સાથે ગોઠવાયેલો હતો. એના સુધી કંપનીનો કોઈ માણસ પહોંચે તો જાસુસો નવાબ સુધી વાત પહોંચાડી જ દે. આમાંથી સંજોગોવશાત્‍ એક રસ્તો નીકળી આવ્યો.

એવું બન્યું કે મરાઠા સરદાર બાલાજી રાવનો એક પત્ર લઈને ગોવિંદ રાવ નામનો માણસ અંગ્રેજ અધિકારીઓ પાસે પહોંચ્યો. પત્રમાં બાલાજી રાવે અંગ્રેજો જો સિરાજુદ્દૌલા પર હુમલો કરે તો પોતે પણ હુમલો કરશે એવી તૈયારી દેખાડી હતી. વૉટસન, ક્લાઇવ વગેરે રાજી તો થયા પણ પત્ર લાવનાર ગોવિંદ રાવ સાચો માણસ છે કે કોઈ જાસૂસ, તે કેમ નક્કી થાય? કદાચ સિરાજુદ્દૌલાએ જ અંગ્રેજોનો ઇરાદો જાણવા માટે આ નકલી પત્ર મોકલ્યો હોય! એમણે આ પત્રનો કંઈ જવાબ ન આપ્યો. તેમ છતાં આ પત્ર એમને અણીના સમયે કામ આવ્યો.

ક્લાઇવે સ્ક્રેફ્ટન નામના એક ઑફિસર સાથે એ પત્ર સિરાજુદ્દૌલાને મોકલી આપ્યો અને એ પણ લખ્યું કે અંગ્રેજો એની સાથે શાંતિથી રહેવા માગે છે, પણ નવાબે જે લશ્કર ગોઠવ્યું છે તે વેપારમાં આડે આવે છે. સિરાજુદ્દૌલા માની ગયો કે મરાઠા એના પર હુમલો કરશે અને તે વખતે અંગ્રેજો મરાઠાઓની વિરુદ્ધ એને સાથ આપશે.

આ સાથે સિરાજુદ્દૌલા ક્લાઇવે સૂચવ્યું હતું તેમ પ્લાસી પાસેથી મીર જાફરના સૈન્યને હટાવવા તૈયાર થઈ ગયો. આ સંદેશ મળતાં મીર જાફર નવાબને મળવા આવ્યો. સ્ક્રેફ્ટન એને એ જ દિવસે બપોરે મળ્યો પણ મીર જાફર ડરના માર્યા એકાંતમાં ન મળ્યો એટલે દસ્તાવેજો તો દેખાડવાનું તો બની ન શક્યું.

હવે આ ચંડાળ ચોકડીનું કામ નવાબને લડાઈમાં જોતરવાનું હતું. આખા ભારત પર અંગ્રેજોનો સકંજો કસાવાના દિવસો નજીક આવી ગયા હતા.

સંદર્ભઃ

1. Voyage from England to India in the year MDCCLIV (=1754) Edward Ives, London printed for Edward and Charles Dilly, MDCCLXXIII (=1773). (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. An Advanced History of India, R. C. Mazumdar, H. C. Raychaudhuri, Kalikinkar Datta 3rd Edition, 1973, Macmillan India (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

3. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 | Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


Science Samachar : Episode 42

(૧) હવે ૧.૫થી ૨ ગરમી વધશે તો સમુદ્ર પણ બે ફુટ ઊંચે ચડશે.

યુનાઇટેડ કિંગડમના નૅશનલ ઑશનિક સેંટરના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે વાતાવરણમાંથી ૨ ગરમી ઓછી કરવાનો રાષ્ટ્રસંઘનો પ્રસ્તાવ ગંભીરતાથી અમલમાં નહીં મુકાય તો દુનિયાની ગરમી ૧.૫થી ૨જેટલી વધશે, પરિણામે સમુદ્ર પણ ૫૨ સે.મી.થી ૭૫ સે.મી જેટલો ઊંચે ચડશે. અને ૨૧૦૦ની સાલ સુધીમાં સમુદ્રો ૧૧ સે.મી. ઊંચે ચડ્યા હશે. આખી દુનિયામાં આને કારણે ઠેર ઠેર પૂર આવશે. આ પૂરનો સામનો કરવામાં જ ૧૪૦ લાખ અબજ ડૉલર ખર્ચવા પડશે. ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશોનો પૂર સંબંધી સેવાઓ પરનો ખર્ચ વધીને એમની જી. ડી. પી.ના આઠ ટકા જેટલો હશે. ચીનમાં સૌથી વધારે નુકસાન થવાની સંભાવના છે. બીજી બાજુ ઉચ્ચ આવકવાળા દેશોમાં પૂર સામે સલામતીની વ્યવસ્થા વધારે સારી હોવાથી એમને આર્થિક રીતે ઓછું ભોગવવું પડશે. ભારતના પાડોશી માલદીવ જેવા દેશો નીચાણવાળા વિસ્તારોમાં છે. એમના કાંઠે સમુદ્રની સપાટી ઊંચે જવાનું એક નિત્યક્રમ જેવું બની જશે.

S Jevrejeva1,6, L P Jackson2, A Grinsted3, D Lincke4 and B Marzeion5

Published 4 July 2018 • © 2018 The Author(s). Published by IOP Publishing Ltd
Environmental Research Letters, Volume 13, Number 7

સંદર્ભઃ (૧) http://ioppublishing.org/rising-sea-levels-cost-world-14-trillion-year-2100/

(૨) www.sciencedaily.com/releases/2018/07/180703190745.htm

૦-૦-૦

(૨) આકાશગંગાને નડ્યો અકસ્માત

‘સોસેજ’ ગૅલેક્સીએ આકાશગંગા (દૂધગંગા) સાથે અથડાઈને એના ઘાટઘૂટ બદલી નાખ્યાં છે. વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે. અવલોકન કરીને આ તારણ આપ્યું છે. જો કે આ અકસ્માત આજકાલમાં નથી થયો. આઠથી દસ અબજ વર્ષ પહેલાંની આ વાત છે. એક નાની ગૅલેક્સી આકાશગંગા સાથે અથડાતાં એની અંદરનો ભરાવો વધી ગયો અને બહારથી એ ઝગમગ થવા લાગી. વૈજ્ઞાનિકોએ એને ‘સોસેજ’ ગૅલેક્સી નામ આપ્યું છે. ‘સોસેજ’ માંસની બનાવેલી નળાકાર વાનગી છે. એને કાપો તો જેવા લંબ નળાકાર ટુકડા બને તેવા પિંડો આકાશગંગામાં જોવા મળ્યા. એ ગૅલેક્સી પોતે તો સદંતર નાશ પામી પણ એનો મલબો, એટલે કે તારા હજી પણ આકાશગંગામાં જોવા મળે છે. એ તારાઓની ગતિ આકાશગંગાના કેન્દ્ર તરફ છે, સામાન્ય રીતે એ એક ભ્રમણકક્ષામાં હોવી જોઈએ.

એમણે આકાશગંગાના હાલ જાણવા યુરોપિયન સ્પેસ એજન્સીના ‘ગાઇઆ’ સૅટેલાઇટનો ઉપયોગ કર્યો.

(Gaia (ગાઇઆ = ગ્લોબલ ઍસ્ટ્રોમીટ્રિક ઇંટરફેરોમીટર ફૉર ઍસ્ટ્રો ફિઝિક્સ) આપણી આકાશગંગાનો ત્રિપરિમાણી નક્શો બનાવવાની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે. આમ થવાથી આપણે આકાશગંગા કેમ ઉદ્‍ભવી, એનો વિકાસ કેમ થયો અને એની સંરચના કેવી છે તે જાણી શકીશું. ત્રિપરિમાણી નક્શો બનાવવા માટે આકાશગંગાના એક અબજ પિંડની ગતિ અને આકાર વિશે જાણવું પણ જરૂરી છે).

https://www.youtube.com/watch?v=oGri4YNggoc

વૈજ્ઞાનિકોએ આ તારાઓની ગતિ અને દિશા માપી જોતાં એમને સોસેજના આકાર જોવા મળ્યા. એ બહારથી આવ્યા છે.

.Credit: V. Belokurov (Cambridge, UK) and Gaia/ESA

વળી આકાશગંગામાં તારાઓનાં આઠ મોટાં ઝૂમખાં પણ જોવા મળ્યાં. સામાન્ય રીતે નાની ગૅલેક્સીઓમાં તારાઓનાં ઝૂમખાં નથી હોતાં. આનો અર્થ એ કે સોસેજ ગેલેક્સી ઠીક ઠીક મોટી હતી.

સંદર્ભઃ https://www.simonsfoundation.org/2018/07/04/gaia-sausage-galaxy/

૦-૦-૦

(૩) વજન ઘટાડવું હોય તો ૧૬:૮નો નિયમ લાગુ કરો

‘યુનિવર્સિટી ઑફ ઇલિનૉઇસ ઍટ શિકાગો’ (UIC)ના એક સંશોધક જૂથનું કહેવું છે કે દરરોજ ‘ઉપવાસ’ કરવાથી વજન ઘટે છે અને બ્લડ પ્રેશર ઓછું થાય છે. આના માટે એમણે ૧૬:૮નો નિયમ આપ્યો છે. આમાં તમારે કઈ વસ્તુમાં કેટલી કેલરી છે તેની ચિંતા નથી કરવી પડતી. એટલું જ નહીં, તમારે કે ખાવું હોય તે ખાઈ શકો છો તેમ છતાં વજન ઘટતું જશે. શું છે આ ૧૬:૮? કંઈ નહીં. દિવસના ૧૬ કલાક કશું જ ખાઓ નહીં (તો ઓચરવાની તો વાત જ ન વિચારવી!) અને જે ખાવું હોય તે નક્કી કરેલા ૮ કલાકમાં ખાવું.

આના અખતરા માટે એમણે ૨૩ જાડાં નરનારી પસંદ કર્યાં. એમને જે ખાવું હોય તે સવારના દસથી સાંજના છ વાગ્યા સુધીમાં ખાવાની છૂટ પણ સાંજના છથી બીજા દિવસની સવારના દસ વાગ્યા સુધી મોઢે તાળું! બીજું એવું જ પ્રાયોગિક જૂથ પહેલાં પસંદ કરેલું હતું તેના પર અમુક ખાવું, અમુક ન ખાવું. કેટલું ખાવું વગેરે નિયંત્રણો હતાં. હવે એમણે ૧૬:૮ વાળા જૂથનાં પરિણામો પહેલા જૂથનાં પરિણામો સાથે સરખાવી જોયાં તો જોવા મળ્યું કે ૧૬:૮ વાળા જૂથે ૩૫૦ એકમ કૅલરી ઓછી લીધી અને એમનું વજન ત્રણ ટકા ઓછું થયું.

(આપણે ત્યાં મુસ્લિમો રોઝા રાખે છે અને સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે કશું ખાતા નથી, તો જૈનો સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચે કશું ખાતા નથી.. મિતાહાર પર તો બધા ધર્મો ભાર મૂકે છે. હિન્દુઓમાં પણ વ્રતો બહુ ઘણાં છે. જો કે આ વ્રતોમાં લોકો ૮:૧૬ના ઉલટા નિયમ પ્રમાણે વર્તે છે. ઘણી વસ્તુઓની જેમ આ થિયરી પણ આપણે શોધી જ છે! પશ્ચિમ આપણને વજન ઓછું કરવાની થિયરી શીખવે તે કેમ ચાલે?)

સંપર્કઃ Jacqueline Carey
jmcarey@uic.edu
twitter.com/JCareyUIC

સંદર્ભઃ https://today.uic.edu/daily-fasting-works-for-weight-loss

૦-૦-૦

(૪) ચીન વાહનોનું પ્રદૂષણ ઘટાડવા ટ્રકોનો ઉપયોગ ઘટાડશે

૨૦૨૦ સુધીમાં ચીન માલસામાનની હેરફેર માટે ટ્રકોનો ઉપયોગ ઘટાડી નાખશે અને ૩૦ ટકા માલ ટ્રેનો મારફતે લાવવા-લઈ જવાનું ધોરણ અપનાવશે. દેશમાં વાહનોને કારણે થતું પ્રદૂષણ હવે સીમા વટાવવા લાગ્યું છે. માલસામાનના એક એકમના વહનમાં ટ્રેન કરતાં ટ્રક ૧૩ ગણું પ્રદૂષણ ફેલાવે છે.

ગયા વર્ષે ચીનના રસ્તાઓ પર ૩૧ કરોડ વાહનો હતાં. દર વર્ષે ૨ કરોડ નવી કાર રસ્તા પર આવે છે. બીજિંગના આકાશમાં સસ્પેન્ડેડ પાર્ટિક્યૂલેટ મૅટર (SPM) ચોવિસે કલાક રહે છે. પર્યાવરણ મંત્રાલય કહે છે કે આ કારો ૪૫ ટકા પ્રદૂષણ માટે જવાબદાર છે. જો કે ચીને ગયા વર્ષથી જ માલગાડીઓ મારફતે માલવહનને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું પણ માત્ર ૦.૧ ટકા જેટલો જ વધારે માલ ટ્રેન મારફતે ગયો. હવે માત્ર અઢી વર્ષમાં ચીન ૩૦ ટકા માલ ટ્રેનો મારફતે લઈ જવા માટે શું કરશે તે જોવાનું રહે છે.

સંદર્ભઃ https://www.scmp.com/news/china/society/article/2153916/china-targets-vehicle-pollution-pledge-deliver-30-cent-more-goods

India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 20

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૦: કલકતા પાછું અંગ્રેજોના હાથમાં

બજ બજનો કિલ્લો

૧૭૫૬ની ૨૯મી ડિસેમ્બરની રાતે ક્લાઇવની સરદારી હેઠળની અંગ્રેજી ફોજે બજ બજના કિલ્લાનો કબજો લઈ લીધો. આમ તો સવારે છ વાગ્યાથી જ લડાઈ શરૂ થઈ ગઈ હતી અને સિરાજુદ્દૌલાને વફાદાર દળોએ કિલ્લાના બચાવ માટે જોરદાર તોપમારો કરીને દુશ્મનને દૂર રાખ્યો હતો. પરંતુ તે પછી કિલ્લામાંથી તોપમારો બંધ થઈ ગયો. અંગ્રેજ ફોજે માન્યું કે હવે હુમલો કરવામાં વાંધો નથી. રાતના અંધરામાં હુમલો કરવાનું નક્કી થયું અને બધા બે-ત્રણ કલાક આરામ કરવાની તૈયારી કરતા હતા ત્યાં તો કિલ્લાની આસપાસ ગોઠવાયેલી ક્લાઇવની ફોજમાંથી આનંદની કીકિયારીઓ ઊઠી કે કિલ્લો સર થઈ ગયો!

થયું એવું હતું કે એક નાવિક દારુના નશામાં કિલ્લાની દીવાલ સુધી પહોંચી ગયો અને ત્યાં એણે એક ગાબડું જોયું. એના વાટે એ નશામાં જ ઉપર ચડી ગયો. ત્યાં થોડા સૈનિકો બેઠા હતા એમની સાથે એની લડાઈ થઈ. પણ એને જોઈને બીજા બે નાવિક પણ અંદર ઘૂસી આવ્યા હતા. ભારે હોહા થતાં લશ્કરના માણસો પણ કશા જ હુકમ વિના ઘૂસ્યા. સામે પક્ષે કિલ્લાના ચોકિયાતોની સંખ્યા બહુ ઓછી હતી એટલે ભાગ્યા. આમ બજ બજનો કિલ્લો તો તદ્દન નસીબજોગે જ અંગ્રેજોના હાથમાં પડ્યો. પરંતુ આ ધમાચકડીમાં અંગ્રેજોની ફોજનો એક કૅપ્ટન ડૂગલ કૅમ્પ્બેલ એના જ માણસોના હાથે માર્યો ગયો.

કલકત્તામાં પણ કંપનીની જીત

૧ જાન્યુઆરી ૧૭૫૭ના રોજ કૅપ્ટન કૂટની આગેવાની હેઠળ ઈસ્ટ ઇંડિયા કંપનીનાં જહાજોએ કલકત્તાને ઘેરો ઘાલ્યો. બીજી બાજુથી જમીન માર્ગે ક્લાઈવ પણ આવી પહોંચ્યો હતો.

જહાજો પર કિલ્લામાંથી સવારના ૧૧ વાગ્યા સુધી ભારે તોપમારો થયો પણ તે પછી તોપો ગરજતી બંધ થઈ ગઈ. કૂટ કિલ્લામાં પહોંચ્યો અને કબજો સંભાળી લીધો.

વૉટસન અને ક્લાઇવ વચ્ચેની સ્પર્ધા એટલી તીવ્ર હતી કે ઍડમિરલ તરીકે વૉટસને કૂટને કલકતાનો કબજો લેવા માટે મોકલતી વખતે એને ગવર્નર તરીકેના બધા અધિકારો આપી દીધા હતા.

દરમિયાન ક્લાઈવ ત્યાં પહોંચ્યો ત્યારે કૂટે એને વૉટસન તરફથી મળેલો અધિકાર પત્ર દેખાડ્યો. ક્લાઇવ રોષે ભરાયો અને એણે કૂટ જેવા જૂનિયર અધિકારીને ગવર્નર માનવાનો ઇનકાર કરી દીધો. એણે કહ્યું કે વૉટસનને આવા જૂનિયર ઑફિસરને ગવર્નર બનાવવાનો હક જ નહોતો. એણે કૂટને કહી દીધું કે કિલ્લાનો ગવર્નર પોતે જ છે અને કૂટ એમાં આડે આવશે તો એ એની ધરપકડ કરી લેશે. કૂટે પણ ક્લાઇવને એવી જ ધમકી આપી. અંતે, વૉટસનને સંદેશો મોકલવાનું કૂટનું સુચન ક્લાઇવે માની લીધું.

વૉટસને ક્લાઇવને ફરી હુકમ મોકલ્યો કે એ કમાંડ છોડી દે પણ ક્લાઇવે સાફ ના પાડી દીધી. ફરી વૉટસને બીજા એક ઑફિસરને મોકલ્યો. ક્લાઇવે એને કહ્યું કે વૉટસન જાતે આવીને કમાંડ સંભાળશે તો એને કંઈ વાંધો નથી. બીજા દિવસે વૉટસન જાતે કિલ્લામાં ગયો અને સત્તાવાર રીતે કૂટને બદલે મૂળ ગવર્નર ડ્રેકના હાથમાં કિલ્લાની ચાવીઓ સોંપી દીધી. ક્લાઇવ એ સમયે માની ગયો. તે પછી કંપનીના કલકત્તાની હકુમતે અને ઇંગ્લૅન્ડના રાજા વતી વૉટસને સત્તાવાર રીતે સિરાજુદ્દૌલા સામે યુદ્ધની ઘોષણા કરી દીધી. તે પછી હુગલીની ફૅક્ટરી પાછી લેવામાં પણ અંગ્રેજોને વાર ન લાગી.

૧૭૧૭માં મોગલ બાદશાહે કંપનીને ‘ફરમાન’ આપ્યું હતું. એના હેઠળ વેપારની બાબતમાં કંપનીને ઘણા અધિકારો મળ્યા હતા. બંગાળના નવાબોને આ ફરમાન કદીયે પસંદ નહોતું આવ્યું અને એમણે એનો કદી પૂરો ઉપયોગ થવા નહોતો દીધો. સિરાજુદ્દૌલા મચક આપવા તૈયાર નહોતો.આ માટેની વાટાઘાટો પણ ચાલતી જ હતી. એ અરસામાં ક્લાઇવની ફોજ ચિતપુર પાસે હતી અને સિરાજુદ્દૌલાએ પણ એની પાસે જ પડાવ નાખ્યો.

ક્લાઇવ પાસે બે હજારની ફોજ હતી, જ્યારે નવાબની ફોજમાં ચાળીસ હજાર ઘોડેસવારો અને સાઠ હજાર સૈનિકો હતા. ક્લાઇવે એ જોઈને હુમલો ન કર્યો પણ બે દિવસ રાહ જોઈને એક રાતે એણે નવાબના પડાવ પર હુમલો કરવા સેના તૈયાર કરી. ક્લાઇવની રીત એ હતી કે સામો પક્ષ તૈયાર ન હોય ત્યારે, ખાસ કરીને રાતે અને એની ભારે જમાવટ હોય તેના પર સખત તીખો હુમલો કરવો. રાતના અંધારા અને ધુમ્મસમાં એને રસ્તો દેખાડનારા આડી વાટે ચડી ગયા અને ફોજ નવાબના પડાવથી બહુ દૂર નીકળી ગઈ. આ લડાઈ થઈ હોત તો સિરાજુદ્દૌલા શબ્દશઃ ઊંઘતાં ઝડપાયો હોત કારણ કે એના માટે એ તૈયાર નહોતો. ઉલટું, સવારે ધુમ્મસ વિખેરાયું ત્યારે અંગ્રેજ ફોજ હજી પણ સિરાજુદ્દૌલાના તોપદળનું નિશાન બને એ જ સ્થિતિમાં હતી. નવાબના તોપગોળાઓએ અંગ્રેજી ફોજના સત્તાવન સૈનિકોને મારી નાખ્યા. ક્લાઇવે બડાશ મારતાં આ ઘટનાને “નવાબના પડાવમાં ફરવા ગયા” જેવી ગણાવી પણ તે સાથે એ પણ કબૂલ્યું કે “આવી સૌથી વધારે ગરમ સેવા” એણે પહેલાં કદી નહોતી કરી!

અંગ્રેજ ફોજમાં આ દુઃસાહસ માટે ક્લાઇવની આકરી ટીકા થઈ પણ બીજી બાજુ સિરાજુદ્દૌલા પણ ડરી ગયો અને એને અંગ્રેજો સાથે ‘અલીનગરની સમજૂતી’ કરી (કલકત્તાનું નામ બદલીને એણે અલીનગર કરી નાખ્યું હતું તે આપણે પહેલાં જોઈ લીધું છે). આના પછી સિરાજુદ્દૌલા ઢીલો પડતો ગયો.

નંદ કુમારને લાંચ?

દરમિયાન, ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચે ‘સાત વર્ષનું યુદ્ધ’ ફાટી નીકળ્યું. ચંદ્રનગર પર ફ્રાન્સની કંપનીનું રાજ હતું. યુરોપમાં ચાલતા યુદ્ધને પગલે અંગ્રેજ ફોજે ચંદ્રનગર પર કબજો જમાવવાની તૈયારી કરી. સિરાજુદ્દૌલા બન્નેને પોતાની રૈયત માનતો હતો. એણે કહ્યું કે એની જ પ્રજાના બે વર્ગો વચ્ચે અથડામણ થાય તે ન ચાલે. પરંતુ, ખરેખર ચંદ્રનગરને બચાવવામાં એણે ફ્રેન્ચ લશ્કરને કંઈ મદદ ન કરી. માર્ચ ૧૭૫૭માં અંગ્રેજોએ ચંદ્રનગર જીતી લીધું. એ વખતે નવાબનું સૈન્ય હુગલીના ફોજદાર નંદ કુમારની સરદારી નીચે નજીકમાં જ હતું, પરંતુ કોઈ કારણસર ત્યાંથી હટી ગયું. નંદ કુમારની ફોજ ત્યાં જ હોત તો ચંદ્રનગર સર ન થયું હોત. ક્લાઇવે નંદ કુમારને લાંચ આપી હોય એવી શક્યતા પણ ઘણા ઇતિહાસકારોએ દેખાડી છે.

સંદર્ભઃ

1. Voyage from England to India in the year MDCCLIV (=1754) Edward Ives, London printed for Edward and Charles Dilly, MDCCLXXIII (=1773). (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. An Advanced History of India, R. C. Mazumdar, H. C. Raychaudhuri, Kalikinkar Datta 3rd Edition, 1973, Macmillan India (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

3. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 | Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 19

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૧૯: બ્લૅક હોલ

સિરાજુદ્દૌલાના ભયથીકલકતાની ફૅક્ટરીમાંથી બધાએ છૂટવાની કોશિશ કરી પરંતુ માત્ર ત્રણ જ જણ દૂર લાંગરેલાં જહાજ સુધી પહોંચી શક્યા. આ જહાજના સૈનિકો કાયર નીકળ્યા. એમણે ફૅક્ટરીને બચાવવા માટે કશા જ પ્રયત્ન નહોતા કર્યા. જે લોકોને સ્ત્રીઓ અને બાળકોને સલામત લઈ જવાની જવાબદારી સોંપાઈ હતી તે પાછા જ ન આવ્યા અને જહાજો પણ મેદાન છોડીને ભાગી છૂટ્યાં હતાં.

સાંજે સિરાજુદ્દૌલા, એના સિપહસાલાર મીર જાફર અને બીજા સરદારો સાથે કિલ્લામાં પ્રવેશ્યો અને એણે તરત કૃષ્ણદાસ અને બીજા વેપારી અમીચંદને હાજર કરવા હુકમ કર્યો. એ બન્ને આવ્યા ત્યારે સિરાજુદ્દૌલાએ એમની સાથે સારો વર્તાવ કર્યો તે પછી પોતાનો દરબાર ભર્યો અને હૉલવેલને બોલાવ્યો. કિલ્લો બાંધવા માટે હૉલવેલે આપેલાં બધાં જ બહાનાંનો એણે ઇનકાર કર્યો અને કંપનીનો માલ કબજામાં લઈ લેવાનો આદેશ આપ્યો. આખા દિવસની મહેનતના અંતે માત્ર પચાસ હજાર રૂપિયાનો માલ હાથ લાગ્યો હતો. સિરાજુદ્દૌલાને આ વાતનો ગુસ્સો હતો અને એણે ગમે ત્યાંથી બધો માલ કાઢી આપવા હૉલવેલને તાકીદ કરી.

બ્લૅક હોલ

દુઃખી હૉલવેલ પાછો ફર્યો ત્યારે એના સાથીઓ સખત પહેરા નીચે હતા. ચારે બાજુ આગ ભડકે બળતી હતી. કિલ્લામાં જેટલા લોકો હતા એમના માટે છુપાવાની જગ્યા નહોતી. ગાર્ડોને એક ભંડકિયા જેવી જગ્યા મળી. આ જ બ્લૅક હોલ!

આ ભંડકિયામાં ગાર્ડોએ ઠાંસીઠાંસીને ૧૪૬ જણને ભરી દીધાં, એમાં સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. માણસો સમાય તેમ નહોતાં, તે એટલી હદે કે છેલ્લા માણસને ઘુસાડ્યા પછી દરવાજો માંડમાંડ બંધ થયો. ૧૪૬ શરીરો એકબીજાં સાથે ઘસાતાં હતાં. વાતાવરણમાં ભેજને કારણે ભારે બફારો હતો. થોડી વારમાં તો આખા ભંડકિયામાં પરસેવાની ગંધ ભરાઈ ગઈ. શ્વાસ લેવાનું કપરું થઈ પડ્યું. હોલવેલ બારીમાં ગોઠવાયો હતો. એણે એક ગાર્ડને પાણી માટે કહ્યું. પેલાને દયા આવી અને જેટલું મળ્યું તેટલું પાણી મશકોમાં ભરીને લઈ આવ્યો. પાણી પીવા માટે કંઈ નહોતું. લોકો પોતાની હૅટોમાં પાણી લઈને પીવા લાગ્યા. તે સાથે જ ભારે ધમાચકડી મચી ગઈ. લોકો એકબીજાના મોઢામાંથી હૅટ ખેંચવા લાગ્યા. તરસ મટાડવા લોકો પોતાનાં કપડાંનો જ પરસેવો ચૂસવા લાગ્યા અને કોઈએ તો પોતાનો જ પેશાબ પી લીધો. લોકો માત્ર પાણી માટે જ નહીં, હવા માટે પણ તરસતા હતા. પણ દયામાયાએ સૌના મનમાંથી વિદાય લઈ લીધી હતી. ગરમી, ધક્કામુક્કીને કારણે વાત મારામારી પર પહોંચી. એમાં કેટલાય ચગદાઈ મૂઆ. રાતના બે વાગ્યે ૧૪૬માંથી માંડ પચાસેક જીવતા બચ્યા હતા, પણ આ ભંડકિયાની હવા આટલા લોકો માટે પણ પૂરતી નહોતી. મળસ્કે કંપનીના મુખ્ય લશ્કરી માણસો આવ્યા અને દરવાજો ખોલાવ્યો ત્યારે માત્ર ૨૩ જણ મરવાની હાલતમાં જીવતા હતા. હૉલવેલ પોતે બેભાન હાલતમાં મળી આવ્યો.

સવારે હૉલવેલને સિરાજુદ્દૌલા પાસે લઈ ગયા ત્યારે એણે એને ખજાના વિશે પૂછ્યું પણ ખજાનો તો પહેલાં જ બહાર કાઢી લેવાયો હતો. હૉલવેલના જવાબથી સિરાજુદ્દૌલાને સંતોષ ન થયો અને એણે એને કેદ કરી લીધો. બીજા ચારને છોડી મૂક્યા પણ એક સ્ત્રી હતી એને મીર જાફરે રાખી લીધી.

આ બાજુ સિરાજુદ્દૌલાએ કલકતાના ધનાઢ્યો પર હુમલા કર્યા પરંતુ એ કલકત્તા પર હુમલો કરશે એવા સમાચાર કોઈ જાસૂસે સૌને આપી દીધા હતા એટલે અમીચંદ શાહુકારની મિલકત સિવાય સિરાજુદ્દૌલાના હાથમાં બહુ ધન ન આવ્યું. આ સમય દરમિયાન કંપનીએ કોઈ માલ લંડન મોકલ્યો નહોતો અને લંડનથી કોઈ જહાજ આવ્યું નહોતું એટલે કંપનીને એ દૃષ્ટિએ બહુ નુકસાન ન થયું.

આ બાજુ લંડનમાં બ્લૅક હોલના સમાચાર પહોંચ્યા તેનાથી લોકો ખળભળી ઊઠ્યા. સામાન્ય રીતે લોકો ઈસ્ટ ઇંડિયા કંપની માટે સારા શબ્દોમાં ન બોલતા પણ આ ઘટનાએ સામાન્ય લોકોમાં કંપનીના માણસો માટે સહાનુભૂતિ પેદા થઈ. જો કે કંપનીએ પોતે આ બનાવને બહુ મહત્ત્વ ન આપ્યું. એને એટલો જ સંતોષ હતો કે જાનનું તો નુકસાન ભલે થયું પણ માલનું બહુ નુકસાન ન થયું! પરંતુ પછી નિરદ ચૌધરી વગેરે ઇતિહાસકારોએ એવું સ્થાપિત કર્યું કે બ્લૅક હોલની ઘટનાએ ક્લાઇવને ખુન્નસથી ભરી દીધો.

સિરાજુદ્દૌલા જુલાઈની બીજી તારીખે કલકત્તામાં ૩૦૦૦ની ફોજ છોડીને પોતાની રાજધાની મુર્શીદાબાદ તરફ નીકળી ગયો. એણે કલકતાનું નામ પણ બદલીનેઅલીનગર કરી નાખ્યું હતું. બીજી બાજુ, કંપનીની મદ્રાસ પ્રેસીડેન્સીમાંથી કુમક આવવી શરૂ થઈ ગઈ અને કેટલાંય જહાજો સહિત ૪૫૦ સૈનિકો એકત્ર થઈ ગયા. એમણે હુગલીના કાંઠે ફલ્તા ગામ પાસે જહાજો લાંગર્યાં. આ સ્થળ મુર્શીદાબાદથી દૂર હોવાથી અંગ્રેજોને વિશ્વાસ હતો કે સિરાજુદ્દૌલા આટલે દૂર લડાઈ માટે આવશે નહીં.

ક્લાઇવ આવે છે!

આપણે આગળ જોઈ ગયા છીએ કે ક્લાઇવ અને વૉટ્સન ગેરિયાનો કિલ્લો જીતી લીધા પછી બીજાપુર તરફ આગળ વધ્યા હતા પરંતુ કલકત્તા કંપનીના હાથમાંથી છૂટી ગયાના સમાચાર મળતાં એમને બંગાળ તરફ જવાનો હુકમ મળ્યો હતો. નીકળતાં પહેલાં જ ક્લાઇવ, વૉટ્સન અને બીજાઓ વચ્ચે કમાંડ કોણ સંભાળે તેનો ઝઘડો થયો હતો. એમાં જ બે મહિના નીકળી ગયા હતા. અંતે કર્નલ ક્લાઇવને યુદ્ધ અને વ્યૂહનું સુકાન સોંપવાનો નિર્ણય લેવાયો. પહેલાં તો એને માત્ર લશ્કરી વડા તરીકે જ સત્તાઓ આપવામાં આવી હતી પણ પછી બધી સત્તા એને સોંપી દેવાઈ. એમનો નૌકા કાફલો ગેરિયાથી ગોવા, મદ્રાસ અને સિલોન (શ્રીલંકા)ના માર્ગે ડિસેમ્બરમાં ફલ્તા પહોંચ્યો.

બીજી બાજુ, સિરાજુદ્દૌલાએ માની લીધું હતું કે હવે કંપની તરફથી કોઈ ભય નથી એટલે એ ઑક્ટોબરમાં એના જૂના હરીફ, પૂર્ણિયાના ફોજદાર પર ચડાઈ લઈ ગયો. ક્લાઇવ સિરાજુદ્દૌલા માટે દખ્ખણના મોગલ સૂબા સલાબત ખાન, આર્કોટના નવાબ અને મદ્રાસના પ્રેસીડેન્ટના પત્રો લઈ ગયો હતો. પરંતુ એને આદેશ મળ્યો હતો કે નવાબ સંધિ માટે તૈયાર ન થાય તો એની રાજધાની મુર્શીદાબાદ પર જ હુમલો કરતાં અચકાવું નહીં. સિરાજુદ્દૌલા આ રીતે અંધારામાં જ રહી ગયો.

સંદર્ભઃ

1. Voyage from England to India in the year MDCCLIV (=1754) Edward Ives, London printed for Edward and Charles Dilly, MDCCLXXIII (=1773). (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. A HISTORY OF THE MILITARY TRANSACTIONS OF THE BRITISH NATION IN INDOSTAN, FROM THE YEAR MDCCXLV TO WHICH IS PREFIXED A DISSERTATION ON THE ESTABLISHMENTS MADE BY MAHOMEDAN CONQUERORS IN INDOSTAN. By ROBERT ORME, Esq. F. A. S.VOL. II.SECTI ON THE FIRST, A NEW EDITION, WITH CORRECTIONS BY THE AUTHOR. LONDON: 1861. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

3. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)

4. http://www.kronoskaf.com/syw/index.php?title=1756_-_Siraj_Ud_Daulah_expedition_against_Calcutta


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


 

Science Samchar : Episode 41

() મધમાખી શૂન્ય એટલે શું તે જાણે છે!

માણસ અને ડોલ્ફિનની જેમ મધમાખીને પણ ખ્યાલ હોય છે કે શૂન્ય (૦) એટલે શું.

લંડનની ક્વીન મૅરી યુનિવર્સિટીના બિહેવિયરલ બાયોલૉજિસ્ટ લાર્સ ચિટ્કા કહે છે કે “આ પહેલાંનાં સંશોધનો દ્વારા એવું જાણવા મળ્યું હતું કે મધમાખી ચાર સુધી ગણી શકે છે. મધમાખીઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે, એ વાતની મને નવાઈ નથી લાગી, પણ એને અમૂર્ત વિભાવનાઓ પણ સમજાય છે તે મારા માટે પણ નવાઈની વાત હતી.”

મધમાખીને શૂન્ય સમજાય છે કે નહીં તે જાણવા માટે સંશોધકોએ પાંચ સફેદ કાર્ડવાળો સ્ક્રીન લીધો. દરેક કાર્ડ પર બેથી પાંચ કાળાં ટપકાં મૂક્યાં. જે મધમાખીઓ ઓછાં ટપકાંવાળા કાર્ડ પર ગઈ તેમને એક સાકરવાળું ટીપું મળ્યું, જે વધારે ટપકાંવાળા કાર્ડ પર ગઈ તેમને વધારે ટીપાં મળ્યાં. એક દિવસની તાલીમ પછી એમણે એક ટપકાવાળા કે એક પણ ટપકું ન હોય તેવા કાર્ડ મૂક્યા. મધમાખીઓ સતત ખાલી કાર્ડને ઓળખી કાઢતી હતી. આ એમની જન્મદત્ત શક્તિ છે કે તાલીમથી ફેર સમજાય છે તે હવે નક્કી કરવાનું છે.

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-05354-z

૦-૦-૦

() ૨૦૧૭માં જંગલોનો ભયંકર વિનાશ

આપણી દુનિયાએ ૨૦૧૭માં બહુ મોટા પ્રમાણમાં જંગલોનો વિનાશ કર્યો છે. બ્રાઝિલના પશ્ચિમી ઍમેઝોન પ્રદેશમાં સૌથી વધારે વિનાશ જોવા મળ્યો. ખેડૂતોએ અને મોટાં ફાર્મ હાઉસવાળાઓએ દુકાળનો સામનો કરવા વધારે ખેડલાયક જમીન બનાવી. એના માટે એમણે ત્રીસ લાખ એકર જમીનમાં આગ લગાડી દીધી.

કોલંબિયામાં સરકાર અને વિદ્રોહી સંગઠનો વચ્ચે સમજૂતી થઈ જવાથી ખાણકામ, લાકડાં અને ખેતી માટે માંગ વધતાં જંગલોનો તીવ્ર ઝડપે નાશ થયો.

ગયા ઉનાળામાં ઇરમા અને મારિયા નામનાં બે હરીકેન (સમુદ્રી તોફાનો) આવ્યાં. આમાં દોમિનિકા અને પ્યૂર્તો રિકોમાં ત્રીજા ભાગનાં જંગલોનો નાશ થયો. એકંદર ૩૯ મિલિયન એકર, એટલે કે લગભગ બાંગ્લાદેશ જેવડા વિસ્તારમાં, ઝાડો નાશ પામ્યાં.

સંદર્ભઃ https://www.nytimes.com/2018/06/27/climate/tropical-trees-deforestation.html

૦-૦-૦

() રોબોટની સ્પર્શેન્દ્રીય

વૈજ્ઞાનિકોએ રોબોટ કે હાથપગ જેવાં કૃત્રિમ અંગોની ચામડી એટલે કે સ્પર્શેન્દ્રીય તરીકે કામ આવે તેવી સંરચના બનાવી છે. એ સૂક્ષ્મ વાળ જેવી છે. વંદા જીવાં ઘણાં જંતુઓના આવા સંવેદી વાળ હોય છે. કોઈ  વસ્તુને આપણ્રે અડકીએ ત્યારે એનો સંદેશ મગજને પહોંચે છે. હવે ડલેસની ટેક્સાસ યુનિવર્સિટીના સંશોધકોએ ઇ-વિસ્કર્સ, એટલે કે મૂંછ જેવા વાળ બનાવ્યા છે. એના બધા ગુણધર્મ જીવંત વ્યક્તિ કે પ્રાણીઓના આવા તંતુઓ જેવા છે. એ સ્પર્શથી વસ્તુને જાણી શકે છે. આમ હવે રોબોટ સ્પર્શનું સંવેદન અનુભવી શકશે અને કૃત્રિમ હાથ કે પગવાળી વ્યક્તિને પણ આવો અનુભવ થઈ શકશે.

સંદર્ભઃ https://indianexpress.com/article/technology/science/e-whiskers-may-help-lend-sense-of-touch-to-future-robots-5233093/

૦-૦-૦

() આઇન્સ્ટાઇન બીજી ગેલેક્સી માટે પણ સાચા પડ્યા!

આઇન્સ્ટાઇને ફરી એક વાર દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે. આપણી સૂર્યમાળાની બહાર ગુરુત્વાકર્ષણ કેમ અસર કરે છે તેની બહુ સચોટ ગણતરી એક આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમે કરી છે. એમણે નાસા અને યુરોપીય એજન્સીના ડેટાને જોડ્યા તો એમને સમજાયું કે આઇન્સ્ટાઇને ગુરુત્વાકર્ષણ કઈ રીતે કામ કરે છે, તે એમની જનરલ થિઅરી ઑફ રિલેટિવિટી દ્વારા દેખાડ્યું. માત્ર સૂર્યમાળા વિશે જ નહીં પણ એની બહાર પણ આ થિઅરી જ લાગુ પડે છે એવા તારણ પર સંશોધકો પહોંચ્યા છે. ૧૯૨૯થી બ્રહ્માંડનો વિસ્તાર થાય છે એ સ્થાપિત થયું છે ૧૯૯૮માં એ જાણવા મળ્યું કે હવે બ્રહ્માંડ પહેલાં કરતાં પણ વધારે ઝડપે વિસ્તરે છે.

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/06/180621141043.htm


%d bloggers like this: