India: Slavery and struggle for freedom :: Part 1: Slavery :: Chapter – 9

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૯ : કંપની ફડચામાં અને નવી કંપનીની રચના

રાજાની સંડોવણી સાથે ચાંચિયાગીરી!

પોર્ટુગલ સાથેની સમજૂતીથી લાભ તો થયો જ હતો અને મૅથવૉલ્ડનો વિશ્વાસ સાચો પડે એમ લાગતું હતું. ૧૬૩૬ના ઍપ્રિલ મહિનાની છઠ્ઠી તારીખે મૅથવૉલ્ડ સુવાલી ગયો ત્યાં પાંચસો ટનનું જહાજ ફારસ, સિંધ અને મચિલીપટનમથી ગળી અને કાપડ ભરીને લંડન જવા રવાના થવાની તૈયારીમાં હતું. એ પાછો સૂરત આવ્યો ત્યારે ઊડતી ખબર મળી કે એક અંગ્રેજ જહાજે સૂરતના ‘તૌફિકી’ અને દીવના ‘મહેમૂદી’ જહાજોમાં ભરેલો ૧૦,૦૦૦ પૌંડનો માલ લૂંટી લીધો હતો. ઘટના તો આગલા વર્ષના સપ્ટેમ્બરમાં બની હતી પણ સૂરત સુધી ખબર પહોંચતાં છ મહિના લાગી ગયા હતા. મૅથવૉલ્ડને ખાતરી હતી કે કોઈ અંગ્રેજ જહાજ આવું કરે જ નહીં; કોઈ ડચ જહાજે અથવા ફ્રાન્સના કોઈ ખાનગી ચાંચિયાએ આ કામ કર્યું હશે. એટલે એ જાતે જ હાકેમ પાસે ગયો. એણે મેથવૉલ્ડને કેદમાં નાખવામાં આવ્યો પણ એ અંગ્રેજી જહાજનું કામ હશે એમ માનવા તૈયાર નહોતો. પરંતુ તૌફિકીનો કપ્તાન નૂર મહંમદ હાજર થયો અને એણે જુબાની આપી કે લૂંટ કરનારા અંગ્રેજ હતા. એણે કોઈ સોલોમન નામના માણસનું નામ આપ્યું તોય મૅથવૉલ્ડ માનવા તૈયાર નહોતો. અંતે નૂર મહંમદે ચાંચિયાએ આપેલો પત્ર એને દેખાડ્યો: ચાંચિયાએ લખ્યું હતું કે અમે આ જહાજ લૂંટ્યું છે એટલે હવે બીજા કોઈ એને કનડે નહીં! (સંદર્ભ, પૃષ્ઠ ૨૩૬૨૩૯).

આ ચાંચિયાગીરી તો ઇંગ્લૅંડના રાજા ચાર્લ્સ પહેલાની મહેરબાનીથી જ થઈ હતી! હિંદુસ્તાની જહાજોને લૂંટનારાં બ્રિટિશ જહાજ ‘રીબક’ ને ‘સમરીતાન’ રાજા ચાર્લ્સ પહેલાની પરવાનગીથી જ આવ્યાં હતાં. જો કે વેપાર પર ઈસ્ટ ઇંડિયા કંપનીનો ઇજારો હતો એટલે બીજો કોઈ વેપાર ન કરી શકે એટલે ચાર્લ્સે આ જહાજોના માલિક એક આગળપડતા વેપારી વિલિયમ કોર્ટીનને દુનિયામાંથી માલસામાન લાવવાની છૂટ આપી, પણ વેપારની તો વાત જ નહીં. આનો ચોખ્ખો અર્થ એ જ થયો કે એમને ચાંચિયાગીરીની છૂટ હતી! એટલે જ એના કપ્તાને બેફિકર થઈને તૌફિકીના નાખુદાને પત્ર આપ્યો હતો! મૅથવૉલ્ડ આઠ અઠવાડિયાં કારાવાસમાં રહ્યો તે દરમિયાન કોર્ટીન ચાંચિયાગીરી માટે બીજું મોટું જહાજ મોકલવાની તૈયારી કરતો હતો!

અધૂરામાં પૂરું, કંપનીના વેપાર અંગે પણ ચણભણ શરૂ થઈ ગઈ હતી. કંપની લંડનમાં બનેલો માલ તો વેચી શકતી નહોતી, માત્ર વિલાસી માલસામાનની આયાત કરતી હતી. એ દેશનું બધું ધન હિંદુસ્તાન અને બીજા એશિયાઈ દેશોમાં વેડફી નાખે છે, એવી છાપ હતી. હિંદુસ્તાનનું કાપડ બ્રિટનમાં આવે તેની ખરાબ અસર તો દેશના ધંધારોજગાર પર પડતી જ હતી. થોમસ રો હજી પાછો જ ગયો હતો. એના રિપોર્ટ પણ કંપનીના સૂરતના વેપારની વિરુદ્ધ જતા હતા.

ગોવામાં લંડન અને પોર્ટુગલ વચ્ચે સમજૂતી થઈ એ જાણીને મોગલ બાદશાહ તો રાજી થયો જ, પણ ચાર્લ્સ પહેલો વધારે રાજી થયો. એના આશીર્વાદથી હવે કોર્ટીને કંપનીને અપાયેલા પરવાનાની તદ્દન અવગણના કરીને ૧૯૩૬માં એક અનુભવી સાગરખેડૂ વેપારી પીટર વેડલને જહાજો સાથે મોકલ્યો. કંપનીએ આની સામે સખત વાંધો લીધો અને બીજાં વીસ વર્ષ વાંધો લેતી રહી! કોર્ટીન સાથેના કરારમાં કારણ એ અપાયું કે ઈસ્ટ ઇંડિયા કંપનીએ હિંદુસ્તાનમાં પાકી કિલ્લેબંધી કરીને પોતાની ફૅક્ટરીઓ નથી બનાવી; આથી ઇંગ્લૅન્ડના માણસોની સલામતી નથી રહેતી. આમ કંપનીએ લાઇસન્સનો ભંગ કર્યો છે અને પોતાનો ઈજારો ખોઈ દીધો છે વેડલની હરીફાઇ જોરદાર હતી પણ કંપનીનાં સદ્‌ભાગ્યે વેડલનાં બધાં જહાજો તોફાનમાં સપડાઈને ડૂબી ગયાં.

ઈસ્ટ ઇંડિયા કંપનીનું લીલામ

કોર્ટીને જો કે, મલબાર કાંઠેથી મરી મોકલવામાં ઠીક કામ કર્યું પણ તેય ઈસ્ટ ઇંડિયા કંપનીની સૂરતની ફૅક્ટરીની મદદ લઈને જ થઈ શક્યું. એ જ રીતે, હુગલીને કિનારે પણ વેપાર વધવાના અણસાર હતા. આથી બન્ને જૂથોએ ભારતમાં જ રહીને સાથે મળીને કામ કરવા માટે સહિયારી કંપની બનાવી.

આ બાજુ ઇંગ્લૅન્ડમાં રાજાના તરફદારો અને પાર્લમેન્ટવાદીઓ વચ્ચે ગૃહ યુદ્ધ છેડાઈ પડ્યું. ચાર્લ્સ પહેલાનો શિરચ્છેદ થયો અને ક્રોમવેલે સત્તા સંભાળી લીધી. કંપનીમાં બન્ને પક્ષના માણસો હતા. એકંદરે વેપારને નામે મોટું મીંડું હતું ત્યાં આ નવી આફત આવી પડી હતી.

આથી કંપનીએ નફો દેખાડવા હિંદુસ્તાનમાં જ રહીને આંતરિક બજારમાં માલની લે-વેચ શરૂ કરી. આમ પહેલી વાર કંપની દેશના આંતરિક વેપારમાં આવી. હજી માલ લંડન જતો હતો પણ હવે લંડનના કોઈ માણસને નહીં પણ કોઈ રઝળતો ભટકતો અંગ્રેજ હિંદુસ્તાનમાં જ મળે તેને નોકરીએ લઈ લેવાનું વલણ વધ્યું કારણ કે હવે એમના માટે સવાલ વેપારનો નહોતો પણ કોઈ રીતે હિંદુસ્તાનમાં પોતાની હાજરી ટકાવી રાખવાનો હતો!

લંડનમાં કંપની તૂટવાને આરે હતી. એના નોકરોના પગારોમાં કાપ મુકાયો, ધનના અભાવે જહાજો બાંધવાનું બંધ કરીને ભાડે રાખવાનું શરૂ થયું. હજી વેપાર ચાલતો હતો પણ એ વ્યક્તિગત હતો. કંપનીની કોઈ પરવા નહોતું કરતું.

છેવટે ૧૬૫૭ની ૧૪મી જાન્યુઆરીએ કંપનીએ દેવાળું ફૂંક્યું. માત્ર ૧૪૦૦૦ પૌંડમાં કંપની વેચી નાખવાની જાહેરાત કરી દેવાઈ. લીલામના નિયમ મુજબ એક ઇંચની મીણબત્તી આખી બળી જાય ત્યારે જે છેલ્લી બોલી બોલાય તે ભાવ મળે. પણ બોલી જ ન આવી! આમ પણ લીલામ તો સરકારનું નાક દબાવવા માટે હતું એમ સૌ માનતા જ હતા. ખરેખર. કંપનીમાં નવું ચેતન રેડાયું અને છઠ્ઠી ફેબ્રુઆરીએ કંપનીએ જૉઇંટ સ્ટૉક કંપની તરીકે ફરીથી કામ કરવાનું નક્કી કર્યું. ૧૯મી ઑક્ટોબર ૧૬૫૭ના રોજ નવી કંપની અસ્તિત્વમાં આવી. થોડા જ વખતમાં ૭,૮૬,૦૦૦ પૌંડની મૂડી એકઠી થઈ ગઈ અને માત્ર છ મહિનામાં ૧૩ જહાજો વેપાર માટે નીકળ્યાં પુલાઉ રુન અને સેન્ટ હેલેના ટાપુ ફરી કંપનીના હાથમાં આવ્યા, પરંતુ કંપનીને ખરો રસ તો હવે આ ટાપુઓમાં નહીં પણ સૂરત અને મુંબઈમાં અડ્ડો જમાવવામાં હતો!

આ નવી ઈસ્ટ ઇંડિયા કંપનીએ જ ભારત પર રાજકીય અંકુશ જમાવીને ૧૮૫૮ સુધી રાજ કર્યું. પરંતુ ૧૮૫૮ તો હજી બસ્સો વર્ષ દૂર છે!

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. The English Factories in India – 1634-1636 by Wiliam Foster, Oxford, 1911(ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


 

Science Samachar : Episode 36

() લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે નવી રીત

લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો પહેલાં તો ડૉનરના લિવરને કોલ્ડ સ્ટોરેજમાં રાખવું પડે. પરંતુ, હવે એને શરીરના તાપમાને જ રાખવાની નવી રીત શોધાઈ છે. લિવરને થીજવી દેવાથી એની પેશીઓ સારી નથી રહેતી અને ક્યારેક એવું બને કે લિવર ગોઠવવા લાયક પણ નથી રહેતું હોતું.

૧૮મી ઍપ્રિલના Nature સામયિકમાં આ નવી રીતના શોધક દરાયસ મિર્ઝાનો લેખ પ્રકાશિત થયો છે. એમણે સૌ પહેલી વાર ક્લિનિકલ ચકાસણીમાં દેખાડ્યું છે કે લિવરને સામાન્ય તાપમાને રાખી શકાય તો એ વધારે સારી રીતે ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. એમણે આના માટે એક મશીન બનાવ્યું છે, જેને Metra ( ગ્રીક – ગર્ભ) નામ આપ્યું છે. પશ્ચિમ યુરોપના દેશોમાં ૨૨૦ દરદીઓ પર આનો અખતરો કરાયો છે. અમુકને વૉર્મ સ્ટોરેજમાં રાખેલું લિવર અને અમુકને કોલ્ડ સ્ટોરેજમાં રાખેલું લિવર આપવામાં આવ્યું. આમાં ૩૭૦C પર રાખેલું વૉર્મ સ્ટોરેજનું લિવર વધારે જલદી સામાન્ય રીતે કામ કરવા લાગ્યું.

મેટ્રા મશીનમાં એને ઑક્સીજનયુક્ત લોહી, લોહી ગંઠાય નહીં એવી દવાઓ અને બીજાં પોષક તત્ત્વો અપાય છે. પરંતુ આ રીત હજી બહુ ખર્ચાળ છે એટલે એ ખરેખર ક્યારે સામાન્ય વપરાશમાં આવશે તે વિચારવાનો વિષય છે.

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-04816-8

૦૦૦

() અમેરિકામાંગન કલ્ચરઅને જાહેર આરોગ્ય

અમેરિકામાં દર વર્ષે પિસ્તોલના ઉપયોગને કારણે ૩૬,૦૦૦ મૃત્યુ થાય છે (દરરોજનાં ૧૦૦ મૃત્યુ)! આમાંથી લગભગ ૬૦ ટકા આપઘાત હોય છે. ૧ ટકા મૃત્યુ અકસ્માતે ગોળી છૂટી જવાથી થાય છે અને ૪૦ ટકા મૃત્યુ કોઈ ઉન્માદીએ સ્કૂલ, ચર્ચ કે સાર્વજનિક સ્થળે કરેલા ગોળીબારમાં થાય છે. આમ છતાં, ત્યાં આજે પણ નાનાં હથિયારો સહેલાઈથી મળે છે. આરોગ્યલક્ષી સામયિક Lancetના તાજા અંકમાં પ્રકાશિત થયેલા એક લેખમાં ‘ગન કલ્ચર’ને રાજકીય કે સુરક્ષાત્મક નહીં પણ સાર્વજનિક આરોગ્ય પર એની અસરોની દૃષ્ટિએ મુલવવામાં આવ્યું છે. માત્ર મૃત્યુ નહીં, જીવનને બદલી નાખે એવી ઈજાઓ અને માનસિક સ્વાસ્થ્યને થતું નુકસાન પણ બહુ મોટું હોય છે. પોતાના મિત્રને મરતો જોઈને કાયમી માનસિક આઘાત અનુભવનારાઓની સંખ્યા તમામ મનોરોગીઓમાં ૧૦ ટકા જેટલી છે.

છેલ્લા દસ વર્ષમાં અમેરિકામાં શસ્ત્રોનું વેચાણ અભૂતપૂર્વ વધ્યું છે. લગભગ ૨૭ ટકા નાગરિકો પાસે ૩૦ કરોડ હથિયારો છે જે ઘરના કોઈ પણ સભ્યના હાથમાં પડી શકે છે. પરંતુ ‘ગન કલ્ચર’નો અભ્યાસ એની લાંબા ગાળે લોકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર પડતી આડ-અસરોની દૃષ્ટિએ કદી નથી થયો.

સંદર્ભઃ http://www.thelancet.com/pdfs/journals/lanpub/PIIS2468-2667(18)30072-0.pdf

૦૦૦

() એક પ્રાચીન ગ્રહની પૃથ્વીને ભેટઃ હીરા!

૨૦૦૮ની ૭મી ઑક્ટોબરે સૂદાનમાં નબીના રણમાં એક ઊલ્કા પડી, જેને હવે 2008TC3 નામ અપાયું છે. ઉલ્કાનો વ્યાસ માત્ર ચાર મીટરનો હતો અને એના ટુકડા આખા રણમાં વેરાયા. આમાંથી વૈજ્ઞાનિકોએ ૧થી ૧૦ સે. મી.ના માત્ર પચાસ ટુકડા એકઠા કરીને એનું પૃથક્કરણ કર્યું. એમને જોવા મળ્યું કે એમાં યૂરેલાઇટ છે, જે પથ્થર જેવું હોય છે અને ઘણી વાર એમાંથી હીરા બને છે. પરંતુ યૂરેલાઇટવાળી ઉલ્કા ક્યાંથી આવી? એમણે તારણ કાઢ્યું કે આપણી સૂર્યમાળા માંડ દસેક લાખ વર્ષની હતી ત્યારે પહેલાં ગ્રહોના ગર્ભસ્થાન જેવા પિંડ બન્યા હતા, એમાં યૂરેલાઇટ હતું. વૈજ્ઞાનિકોએ આના માટે ૧૦૦ માઇક્રોનની સાઇઝના મોટા હીરાઓની ઉલ્કામાં દેખાતા હીરાઓ સાથે તુલના કર્યા પછી નક્કી કર્યું કે એ બન્નેનું ઉદ્‍ગમસ્થાન એક જ છે.

ઉલ્કામાં જોવા મળેલા હીરાઓમાં ક્રોમાઇટ, ફોસ્ફેટ અને આયર્ન-નિકલ સલ્ફાઇડ પણ હોય છે જે ૨૦ GPa (ગીગા પાસ્કલ- દબાણનું એકમ) દબાણ હોય તો જ એક સ્થળે દબાય. વૈજ્ઞાનિકો કહે છે કે ગ્રહોના ગર્ભસ્થાનના પિંડનું કદ બુધ અને મંગળની વચ્ચેનું હોય તો જ આવું દબાણ સંભવી શકે. સાડાચાર અબજ વર્ષ પહેલાં આવાં ગર્ભસ્થાનોના પિંડ અથડાઈને નાશ પામ્યા છે પણ હજી કોઈક બાકી રહી ગયો હોવાનું જણાય છે.

સંદર્ભઃ https://actu.epfl.ch/news/meteorite-diamonds-tell-of-a-lost-planet/

૦૦૦

(૪) લખવાનું છૂટી ગયું છે તો વાંચવાનું પણ છૂટી જશે!

અંગ્રેજીમાં એક અક્ષર એવો છે જે વાંચતી વખતે બે જુદી ડિઝાઇનોમાં જોવા મળે છેઃ

સાદી ભાષામાં કહીએ તો પહેલો G બે માળવાળો છે અને બીજો એક માળવાળો. વાંચવાનું આવે ત્યારે આપણે બરાબર વાંચી જઈએ છીએ. પરંતુ લખતી વખતે આપણે બે માળવાળા Gનો ઉપયોગ કરતા નથી. વૅંડરબિલ્ટ યુનિવર્સિટીના સંશોધકોએ એક પ્રયોગ કર્યો. એમને બે માળવાળા ૧૪ G હોય તેવો ફકરો ૩૭ પુખ્ત વ્યક્તિઓને વાંચવા આપ્યો. બધા બરાબર વાંચી ગયા. પછી એમને બે માળવાળો G લખવાનું કહ્યું તો કોઈએ એની ચાંચ પાછળ તરફ બનાવી, તો કોઈએ નીચેનો ગોળો ઉલ્ટો બનાવ્યો.

બરાબર વાંચનારા બરાબર લખી કેમ ન શક્યા? સંશોધકોનું તારણ છે કે આપણે એને G તરીકે વાંચતાં શીખ્યા છીએ, પણ લખતાં નથી શીખ્યા! લખવાનું આવે ત્યારે આપણે પ્રતીકને ઓળખતા હોઈએ તે પૂરતું નથી. લખવામાં એનો વ્યવહાર કરીએ તો જ બરાબર લખી શકીએ.

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/04/180403140403.htm

વિશેષઃ

આજે કૉમ્પ્યુટર દ્વારા ટાઇપ કરીને આપણે ઘણું ‘લખીએ’ છીએ, પણ એવુંય બને ખરું કે આપણે આગળ જતાં કોઈ પણ ધ્વનિ-પ્રતીક લખી નહીં શકીએ, માત્ર ઓળખી શકશું અને કામ ચલાવી લઈશું. જો પ્રતીક ન ઓળખી શકીએ તો વાંચી પણ ન શકીએ, એ તો આપણે જાણીએ છીએ. દાખલા તરીકે આ શું લખ્યું છે તે આપણે વાંચી પણ નહીં શકીએઃ தமிழ். કઈ ભાષામાં લખ્યું છે તે પણ ખબર નહીં પડે. (આ તમિળમાં લખેલો શબ્દ ‘તમિળ’ છે). માનો કે ચેન્નઈ જઈએ, ધ્વનિના પ્રતીકને ઓળખતા થઈ જઈએ, અને વાંચી પણ લઈએ. પરંતુ લખી શકીએ?

માત્ર વાંચી લેવાનું પૂરતું નથી, હાથેથી લખવાનું પણ જરૂરી છે, પણ આપણે પોતે જ લખવાનું છોડી દીધું છે, તો આપણાં સંતાનો અને એમનાં સંતાનો લખી શકશે ખરાં? અને લખી નહીં શકે તો કૉમ્પ્યુટરના સ્ક્રીન સિવાય પુસ્તકમાંથી વાંચી શકશે?

૦૦૦

India: Slavery and struggle for freedom :: Part – 1: Slavery ::Chapter – 8

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૮: દુકાળનાં વર્ષો

૧૬૨૦માં કંપનીનો વેપાર ધમધોકાર ચાલી નીકળ્યો હતો. સૂરત એનું મુખ્ય કેન્દ્દ્ર હતું. સૂરતની ફૅક્ટરીના મુખ્ય અધિકારીને ‘પ્રેસિડન્ટ’નું પદ અપાયું હતું અને સૂરત પ્રેસીડન્સી હેઠળ મલબારથી માંડીને રાતા સમુદ્રનાં બધાં વેપારી કેન્દ્રોને મૂકવામાં આવ્યાં હતાં. એક પ્રેસીડન્ટ હેઠળ બસ્સો ફૅક્ટર હતા. ૧૬૨૦ સુધીમાં કંપનીએ ૩૦-૪૦ જહાજ મેળવી લીધાં હતાં, લંડનમાં એના પ્રમુખના ઘરમાંથી એનું કામકાજ ચાલતું હતું તેની જગ્યાએ નવી જગ્યા ખરીદી લીધી હતી. જો કે હજી એનું કામકાજ દરેક ખેપ માટે અલગથી શેરો વેચીને ચાલતું હતું પણ એમાં ભારે વધારો થયો હતો. ૧૬૧૩માં કંપની ૪,૧૮,૦૦૦ પૌંડ એકઠા કરી શકી હતી, તો ૧૬૧૭માં એ ૧૬ લાખ પૌંડના શેરો વેચી શકી હતી. લંડનની ઑફિસમાં કંપનીના સ્ટાફમાં પણ હવે પાંચને બદલે અઢાર માણસો કામ કરતા હતા!

જહાંગીરનું મૃત્યુ અને શાહજહાં ગાદીનશીન

૧૬૨૭ની ૨૮મી ઑક્ટોબરે શહેનશાહ જહાંગીરનું ૫૮ વર્ષની ઉંમરે મૃત્યુ થઈ ગયું. શાહજાદા શહરયારને સૌ ‘નકામા’ તરીકે ઓળખતા હતા અને શાહજાદા ખુર્રમ (પછી શાહજહાં) પર સૌની નજર હતી. પણ એ ગુજરાતમાં હતો. એ પહોંચે તે પહેલાં જહાંગીરની એક બેગમ નૂર મહલ સત્તા કબજે કરી લેવા માગતી હતી. ખુર્રમના ત્રણ પુત્રો, દારા, શૂજા અને ઔરંગઝેબ પણ એની પાસે હતા. જહાંગીરના ત્રણ ખાસ માણસોએ શહેરમાં અંધાધૂંધી ન ફેલાય તે માટે જહાંગીરના બીજા એક પુત્ર ખુશરોના પુત્ર બુલાકીને વચગાળા માટે સત્તા સોંપી. નૂર મહલની શાહી મહેલમાંથી હકાલપટ્ટી કરી અને ખુર્રમના ત્રણ પુત્રોને સંભાળી લીધા. ૧૬૨૮ની ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ ખુર્રમ શાહજહાં નામ ધારણ કરીને ગાદીએ બેઠો.

૧૬૩૦નો ભયંકર દુકાળ

શાહજહાંનાં પહેલાં બે વર્ષમાં જુદા જુદા પ્રદેશો કબજે કરવાનું અને રાજ્યના વિદ્રોહીઓને દબાવવાનું ચાલુ રહ્યું. પણ ૧૬૨૯માં વરસાદ ન પડ્યો. ૧૬૩૦નું વર્ષ પણ કોરું રહ્યું. ગુજરાત ને દખ્ખણ ગોઝારા દુકાળમાં સપડાયાં. લોકો ભૂખથી ટળવળતાં હતાં પણ અનાજનો એક દાણો પણ નહોતો. ‘બાદશાહ નામા’નો લેખક અબ્દુલ હમીદ લાહોરી કહે છે કે લોકો રોટી માટે જાન લેવા કે દેવા તૈયાર હતા. (“જાને બા નાને– એટલે કે જાનના બદલામાં નાન). સ્થિતિ એટલી વણસી કે માણસ બીજાને મારીને એનું માંસ ખાવા લાગ્યો. બાળક હોય તો એને જોઈને માણસને પ્રેમ ન જાગતો પણ એના માંસ માટે લાલસા જાગતી. જ્યાં હરિયાળાં ખેતરો ઝૂમતાં હતાં ત્યાં ધૂળની ડમરીઓ ઊડતી હતી. બાદશાહે બુરહાનપુર, અમદાવાદ, સૂરત અને ઘણી જગ્યાએ લંગરો શરૂ કર્યાં. દુકાળની સૌથી ખરાબ અસર અમદાવાદમાં દેખાતી હતી. સલ્તનતે ૮૦ કરોડ રૂપિયા, એટલે કે બધી મહેસૂલી આવકમાંથી ૧૧મો ભાગ રાહત માટે ખર્ચ્યો. (સંદર્ભ૨ પૃષ્ઠ ૨૬૨૭).

તાજ મહેલ

આ દુકાળની આફત વચ્ચે શાહજહાંની આલિયા બેગમ (પટરાણી) મુમતાજ મહેલ (અર્ઝમંદ બાનુ બેગમ)નું ૧૪મા સંતાનને જન્મ આપતાં મૃત્યુ થયું. એણે બાદશાહને આઠ પુત્રો અને છ પુત્રીઓ આપી, તેમાં ત્રીજું સંતાન અને સૌથી મોટો પુત્ર દારા શિકોહ. ચોથો મહંમદ શુજા, છઠ્ઠો ઔરંગઝેબ અને દસમો મુરાદ બખ્શ હતો. બાદશાહને એ વહાલી હતી. (સંદર્ભ, પૃષ્ઠ ૨૯). શાહજાહાંને લાગ્યું કે આ દુકાળ અપશુકનિયાળ હતો અને એ જ કારણે એની બેગમનું મૃત્યુ થયું.એની યાદમાં એણે તાજમહેલ બનાવવાની શરૂઆત કરી અને લોકોની હાલત એ હતી કે કોઈ એમને પેટ ભરીને ખાવાનું આપે તો તાજ મહેલ તો શું જે માગો તે આપવા તૈયાર હતા!

આ બધાં કારણોની અસર કંપનીના વેપાર પર પણ પડી. ૧૬૧૧થી ૧૬૨૦ દરમિયાન કંપનીએ ૫૫ જહાજો મોકલ્યાં પણ તે પછીના દસકામાં ૧૬૩૦ સુધી ૪૬ અને તે પછી ૩૫ જહાજો મોકલી શકાયાં. નફો પણ પહેલા દાયકામાં ૧૫૫ ટકા હતો તે ઘટીને ૮૭ ટકા પર આવી ગયો. ૧૬૪૦ પછી માત્ર ૨૦ જહાજ આવ્યાં અને નફો ઘટીને ૧૨ ટકા જ રહ્યો. લંડનમાં કંપનીની અંદર ઘમસાણ પણ ચાલ્યું.

સૂરતમાં કંપનીના પ્રેસીડેન્ટ રાસ્ટેલ માટે પણ આ કપરો સમય હતો. એણે પારસ અને બીજાં સ્થળોએથી અનાજ, ચોખા વગેરે મંગાવવાનું શરૂ કર્યું.

નવેમ્બરમાં એક ફૅક્ટર પીટર મંડી સૂરતથી બુરહાનપુર જવા નીકળ્યો. એણે લખ્યું કે એક ગામની હાલત જોઈને આગળ વધો અને બીજે ગામ પહોંચો તો ત્યાં વધારે ખરાબ હાલત જોવા મળે. આખા રસ્તે સડતી લાશોની ગંધ ફેલાયેલી હતી. એ દોઢસો વણકરો અને કસબીઓને લઈને નીકળ્યો હતો પણ રસ્તામાં ગામો ખાલી થતાં હતાં અને જેટલા વણકર મળ્યા તે જોડાઈ જતા. આખી વણઝાર બુરહાનપુર પહોંચી ત્યારે પેટનો ખાડો પૂરવાની આશાએ સંખ્યા ૧૭૦૦ પર પહોંચી હતી. સૂરત પાસેના સુવાલીમાં અઢીસોથી વધારે કુટુંબો હતાં તેમાંથી માત્ર દસ-બાર મરવા વાંકે જીવતાં હતાં.

સૂરતમાંથી દરરોજ ૧૫ ગાંસડી કાપડ મળતું તેને બદલે મહિનામાં ૩ ગાંસડી રહી ગયું અમદાવાદ મહિને ૩૦૦૦ ગાંસડી ગળી આપતું તે ઘટીને માત્ર ૩૦૦ ગાંસડી જ રહ્યું. એકલા સૂરતમાં ૩૦ હજાર મોત થયાં. કંપનીની ફૅક્ટરીમાં ૨૧માંથી ૧૪ ફૅક્ટર મોત ભેગા થઈ ગયા હતા અને ખુદ પ્રેસીડેન્ટ રાસ્ટેલ પણ એમાં જ મરાયો. પીટર મંડી ૧૬૩૩માં સૂરત પાછો આવ્યો ત્યારે એણે લખ્યું કે સૂરતને બેઠા થતાં વીસ વર્ષ લાગી જશે.

સૂરતનો પડતીનો લાભ કંપનીની કોરોમંડલ અને મલબારને કાંઠે આવેલી ફૅક્ટરીઓને મળ્યો અને એમણે પહેલી વાર બંગાળમાં પ્રવેશ કર્યો. સિંધના લાહિરીબંદરમાં પણ એક ફૅક્ટરી શરૂ થઈ ગઈ. આ બાજુ રાસ્ટેલના મૃત્યુ પછી મૅથવૉલ્ડ સૂરતના પ્રેસીડેન્ટ તરીકે આવ્યો. પરંતુ સ્થિતિ એવી હતી કે સૂરતની ફૅક્ટરીને અધીન ચાલતી ભરૂચ, વડોદરા, ખંભાત અને અમદાવાદની ફૅક્ટરીઓ બંધ કરવી પડી. આ સંયોગોમાં કંપનીએ પોર્ટુગલની કંપની સાથે સમજૂતી કરવામાં શાણપણ માન્યું. ૧૬૩૫માં બન્ને વચ્ચે ગોવામાં કરાર થયા ત્યારે તો સ્થિતિ બહુ સુધરવા લાગી હતી. ૩૦ વર્ષ પછી લંડનની કંપનીના એજન્ટો સૂરતમાં પોર્ચુગીઝોના ડર વિના વેપાર કરી શક્યા.

૦-૦-૦

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. BADSHAH-NAMA OF ABDU-L HAMID LAHORI “SHAH JAHAN” The original of this book is in the Cornell University Library. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


 

India: Slavery and struggle for freedom :: Part – 1: Slavery :: Chapter – 7

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૭: થોમસ રો

૧૬૧૫માં રાજા જેમ્સે સર થોમસ રોને રાજદૂત તરીકે કંપનીને ખર્ચે મોકલ્યો. રોને વેપાર સાથે કંઈ સંબંધ નહોતો. એ ડિપ્લોમૅટ હતો, પાર્લમેન્ટનો પણ સભ્ય હતો. એ પોતાની યોગ્યતા વિશે બહુ સજાગ હતો. કંપનીએ એનો વાર્ષિક પગાર ૬૦૦ પૌંડ નક્કી કર્યો હતો. રોએ આ નીમણૂક સ્વીકારી તેનું કારણ એ હતું કે એ નાણાકીય ભીડમાં હતો અને ખાનગી રીતે એણે લગ્ન પણ કરી લીધાં હતાં. આ મુત્સદીગીરીનું કામ મળ્યું તે એના માટે એ ઈશ્વરકૃપા જેવું હતું. વળી રાજપુરુષ તરીકે કંઈક કરી દેખાડવાની એની મહેચ્છા પણ હતી. કંપની એના માણસોના ખાધાખોરાકીનો ખર્ચ પણ ભોગવવા તૈયાર હતી પણ શરત એક જ હતી કે એ પોતાનો વેપાર નહીં કરે અને કંપનીના વેપારમાં ફૅક્ટરોના કામકાજમાં માથું નહીં મારે. એ તૈયાર થઈ ગયો. એને વેપારમાં રસ પણ નહોતો અને પોતાને વિચક્ષણ રાજપુરુષ જ માનતો હતો.

હૉકિન્સ સાથે છેલ્લે જે વ્યવહાર થયો તે પછી મુકર્રબ ખાનને તો બદલી નાખ્યો હતો અને સૂરત હવે શાહજાદા ખુર્રમના વહીવટમાં હતું. એ બાદશાહને વહાલો હતો અને જહાંગીરના ઉત્તરાધિકારી તરીકે એ જ શાહજહાં નામ ધારણ કરીને ગાદીએ બેઠો.

હૉકિન્સ પછી જેટલા અંગ્રેજ પ્રતિનિધિઓ આવ્યા એમણે પોતાને રાજાના પ્રતિનિધિ ગણાવ્યા હતા અને પોતાનું માન જાળવ્યું નહોતું. એમાં એક ઍડવર્ડને તો મારીને કાઢી મૂક્યો હતો આમ બદલાયેલા સંયોગોમાં, મહત્ત્વાકાંક્ષાઓથી ભરેલો ૩૪ વર્ષનો યુવાન સર થોમસ રો જ્યારે સૂરતને કાંઠે ઊતર્યો ત્યારે મોગલ હાકેમને મન તો એ કશી વિસાતમાં નહોતો. રો મળવા ગયો ત્યારે હાકેમ બેઠો જ રહ્યો અને એને કસ્ટમની તપાસ, એની અંગતપાસ માટે કહ્યું. ત્યારે રો પોતાના બીજા કર્મચારીઓ સાથે તરત જહાજમાં જ પાછો પહોંચી જવા તૈયાર થઈ ગયો.

(એ વખતની અંગ્રેજી ભાષા વાંચવા માટે કેટલીક બાબતો જાણવી જરૂરી છે. જ્યાં શબ્દની વચ્ચે u જોવા મળે તેને v માનવો પણ જે શબ્દ u થી શરૂ થતો હશે ત્યાં u ને બદલે v હશે. બીજા શબ્દોના સ્પેલિંગ જુદા હશે પણ એ જ પ્રકારે ઉચ્ચાર કરવાથી આજે એ કેમ લખાય છે તે સમજી શકાશે).

એણે પાછળથી લખ્યું કે “હિન્દુસ્તાનીઓ મારી કદર કરવાનું જાણતા નથી (not sufficiently understand the rights belonging to my qualitye) અને મારા રાજાનું અપમાન કર્યું છે.”

થોમસ રોને પોતાના માટે બહુ ઘમંડ હતો. કંપની આમ તો ‘પોતાના જેવા’ માણસોને મોકલતી હતી પણ રો ‘એમનાથી’ જુદો હતો. એ વેપારીઓ કે એવા બીજા વર્ગના લોકોને કંઈ સમજતો નહોતો. હિંદુસ્તાનને પણ એ નીચી નજરે જોતો હતો.

એ પોતે જો કે જહાંગીરે આપેલા સન્માનથી બહુ પ્રભાવિત થયો હતો. એણે રાજદૂત તરીકે પોતાના અધિકારપત્રો રજૂ કર્યા ત્યારે જહાંગીરે એના પ્રત્યે અંગત ભાવ દેખાડ્યો. એના જ શબ્દોમાં વાંચીએઃ

અહીં એ કહે છે કે બાદશાહે તુર્કી, ફારસ કે બીજા કોઈ દેશના રાજદૂતને ન આપ્યું હોય એટલું એને માન આપ્યું. જહાંગીરે એની તબીયતના સમાચાર પણ પૂછ્યા અને પોતાનો Phisition (Physician) પણ મોકલવાની તૈયારી દેખાડી. બીજી જગ્યાએ પણ એ લખે છે કે જહાંગીરે એને જોતાંવેંત જ બોલાવી લીધો અને કહ્યું કે એણે નજીક આવવા માટે પરવાનગી લેવાની જરૂર નથી! (સંદર્ભ ૨- પૃષ્ઠ ૧૧૫).

એ જ નોંધમાં એ આગળ કહે છે કે, એ જહાંગીરને મળવા આવ્યો તે પહેલાં Amadauas/Amdavaz (અમદાવાદ)માં એણે કેટલાક અંગ્રેજોને કેદ પકડાયેલા જોયા હતા. એ બાદશાહ પાસે ફરિયાદ કરે છે. બાદશાહ ઘટતું કરવાની ખાતરી આપે છે.

સૂરત શહેરની બાંધણીથી એ પ્રભાવિત છેઃ

૧૭મી જાન્યુઆરી ૧૬૧૫ના લૉર્ડ કેરી (Lord Carew) પરના પત્રમાં એની તુમાખી દેખાઈ આવે છે.એને લંડન પાછા જવું છે. એ લખે છે કે

હિંદુસ્તાન મેં જોયેલાં સ્થાનોમાં સૌથી વધારે નિર્જીવ અને અધમાધમ સ્થાન છે, જેના વિશે બોલતાં પણ મને કંટાળો આવે છે.” જો કે, ખરેખર છોડવાનું આવ્યું ત્યારે એણે કંપનીને લખ્યું કે “મારી qualityeને કારણે કાં તો તમારા દુશ્મનો પેદાથાય છે અથવા તમને વેઠવું પડે છે. તમારું કામ તો વરસના એક હજાર રૂપિયામાં કોઈ વકીલ રાખશો તે દસ રાજદૂતો વધારે સારી પેઠે કરી લેશે.”

મોગલ સત્તાના અધિકારીઓ માટે એનો અભિપ્રાય હતો કે જે લોકો નમતું જોખે એમના પર ફતેહ કરે પણ એમની સામે થાઓ તો નરમ ઘેંસ જેવા બની જાય. આવાં ઉચ્ચારણોમાંથી ભવિષ્યમાં અંગ્રેજી શાસકો કેવા ઉદ્દંડ અને ઘમંડી હોઈ શકે તેનો પહેલો અણસાર મળે છે.

પરંતુ એના ઘમંડના છાંટા માત્ર ભારતને જ નથી ઊડ્યા. એ અંગ્રેજી વેપારીઓ, એજન્ટો અને જહાજોના કાફલાના માણસોને પણ તુચ્છકારથી જોતો હતો. એ જ્યારે જહાંગીરને મળ્યો ત્યારે હિંદુસ્તાનમાં કામ કરતા કંપનીના માણસોની ઢગલાબંધ ફરિયાદો લઈને ગયો. પરંતુ એને એમાં ફૅક્ટરોનો વાંક દેખાતો હતો.

એણે જે વેપાર કરારનો દસ્તાવેજ જહાંગીર સમક્ષ રજૂ કર્યો તે માત્ર ઇંગ્લૅંડના પક્ષમાં એકતરફી હતો. જહાંગીર એની રીતભાતથી પ્રભાવિત થયો પણ એણે કરાર કરવા અંગે જરાયે ગંભીરતા ન દેખાડી.

થોમસ રો ત્રણ વર્ષ જહાંગીરના દરબારમાં રહ્યો પણ હૉકિન્સ વગેરે એના પહેલાં આવી ગયેલા કંપનીના કહેવાતા દૂતો જહાંગીરના મિત્ર અને અંગત વિશ્વાસુ બની ગયા હતા એવું એણે કંઈ ન કર્યું. એણે બાદશાહથી અંતર રાખ્યું અને એની કારકિર્દીનાં ત્રણ વર્ષ દરમિયાન એ રાજદુત તરીકે જ વર્તન કરતો રહ્યો. પરંતુ વેપારની વાત હોય તો જહાંગીરે એને જરાયે કોઠું ન આપ્યું. એ ખાલી હાથે જ પાછો ફર્યો.

રાજદૂત મોકલવાનો નિર્ણય સફળ ન રહ્યો, અને તે એટલે સુધી કે થોમસ રો પાછો ગયો તે પછી ઈસ્ટ ઇંડિયા કંપનીએ કે રાજાએ, અથવા બીજી બાજુ મોગલ બાદશાહે પણ બીજા રાજદૂત માટે પેરવી ન કરી.

એની કારકિર્દીને મૂલવવી હોય તો આ પૂરતું છે.

 

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)
2. The Embassy of Sir Thomas Roe to the Court of the Great Mogul 1615-1619 as narrated in his journal and correspondence. Edited from contemporary Records by William Foster. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


 

Harnish Jani’s new book : ‘તીરછી નજરે અમેરિકા’

હરનિશભાઈ જાનીનું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ રામનવમીના બીજા દિવસે કૂરીઅર દ્વારા મળ્યું. એમાં રામનવમીનું શું? વિચાર તો મનેય નહોતો આવ્યો. પુસ્તક ખોલીને સાથે લઈ ગયો અને આવતાંજતાં મેટ્રોમાં છ-સાત લેખ વાંચી લીધા. સૌથી પહેલાં મેં કુલ ૩૩ લેખોમાંથી ૩૨મો લેખ વાંચ્યો. અમસ્તા જ. બે-ત્રણ લેખ વાંચ્યા પછી પહેલા લેખ ‘પંચોતેરમા વર્ષે સમય-તંત્ર’ પર આવ્યો. લેખની નીચે તારીખ છે, ૧૩મી ઍપ્રિલ, ૨૦૧૬, પહેલું વાક્ય છે, “આ રામનવમીએ હું જીવનનાં પંચોતેર વરસ પૂરાં કરીશ.” મને થયું, તે પછી ૨૩ મહિને આવેલી રામનવમી, તો હજી ગઈકાલે જ ગઈ. ઓહો, આ તો સુખદ સંયોગ! સાતના અંકને આપણે શુભ માનીએ છીએ અને હવે હરનિશભાઈએ બે ૭ના અંક ભેગા કરી લીધા! અભિનંદન, હરનિશભાઈ!

આ પુસ્તક તમે હસવાનું ધારીને હાથમાં લો તો માનનીય શ્રી રતિલાલભાઈ બોરીસાગરની ચેતવણી છેલ્લા કવર પર સૌ પહેલાં વાંચી લેવી. “…હાસ્યરસનું પુસ્તક નથી, પણ હાસ્યકારનું પુસ્તક તો છે જ.” આ પહેલાં પણ હરનિશભાઈના એક પુસ્તક વિશે લખવાનો મોકો મળ્યો છે ત્યારે પણ મેં લખ્યું છે કે હાસ્યકાર હસાવવા માટે લખતો નથી. એ આ દુનિયામાં ‘આઉટસાઇડર’ હોય છે. એ માત્ર જીવનને જીવતો નથી, જે રીતે જીવે છે તે રીતને જોતો પણ રહે છે. કોઈ અન્ય સમાજ કે કોમના કોઈ સારામાઠા પ્રસંગે જઈએ ત્યારે આપણે પણ દરેક ક્રિયાને કૌતુક અને વિસ્મયથી જોયા કરીએ છીએ, અભિપ્રાય નથી બાંધતા; એ તો ઘરે આવીને વાતો કરીએ ત્યારે તુલનાઓ અભિપ્રાયો બનાવે છે. હાસ્યકાર પોતાના જીવનને પણ આમ જ કૌતુક અને વિસ્મયથી જોયા કરે છે એટલે જ અપરાધભાવ વિના આ લેખક અમેરિકાને પોતાનો દેશ માને છે, અને તેમ છતાં રાજપીપળા, સૂરત, ભારત કપાતાં નથી. બે દેશો પર નજર હોવાથી એ ક્યારેક ‘તીરછી’ પણ થઈ જાય, પણ મને લાગ્યું કે પુસ્તકનું નામ ‘તીરછી નજરે’ને બદલે ‘ઊંડી નજરે’ અથવા ‘વેધક નજરે’ પણ રાખી શકાયું હોત. કારણ એ કે જેમ લેખોમાંથી અપરાધભાવ નથી દેખાતો તેમ વ્યામોહ પણ નથી દેખાતો.

પરંતુ કોઈ સમાજ એકરંગી નથી હોતો. અમેરિકન સમાજ પણ અનેકરંગી છે. વ્હાઇટ, બ્લૅક, હિસ્પૅનિક, એશિયન, ઇંડિયન, મૅક્સિકન – બધા અહીં વસે છે. લેખકે એ સમાજનો કયો રંગ પસંદ કર્યો છે? લેખક માટે મારી નજર પણ તીરછી થઈ અને સડસડાટ એક પછી એક પાના પર નજર નાખતો ‘કાળા પણ કામણગારા’ પર અટક્યો. આ જ લેખના સમર્થનમાં હું સાતમો લેખ ‘વસુધૈવ કુટુંબકમ’ વાંચવાની પણ ભલામણ કરીશ. તે ઉપરાંત, ૨૯મો લેખ ‘દુનિયા રંગરંગીલી –અમેરિકા’ પણ આ જ સ્તરનો લેખ છે.

આ વાંચ્યા પહેલાં હું લેખો વાંચતો હતો, હવે લેખકને વાંચવા લાગ્યો. જ્યાં સુધી સમજ્યો છું ત્યાં સુધી તો ખોટો નહીં પડું, પણ સાંભળ્યું છે કે અમેરિકાસ્થિત ગુજરાતીઓના બહુ પ્રિય શબ્દો છે, ‘કાળિયો’ અને ‘ધોળિયો.’ હું કહેવાની હિંમત કરું છું કે હરનિશભાઈની ભાષામાં આ શબ્દો નહીં હોય! આપણા લેખક ‘ડેમોક્રેટ’ હોવાનો પૂરો સંભવ છે, જાતિગત મિથ્યાભિમાનથી મુક્ત તો છે જ. કેટલાયે લેખોમાંથી એમનો માનવતાવાદી દૃષ્ટિકોણ પણ પ્રગટ થાય છે. ચૂંટણી વિશેના લેખો આજે તો જૂના થયા, પણ ઉપરાષ્ટ્રપતિઓ વિશેનો લેખ મારા માટે નવી માહિતી જેવો નીવડ્યો. આમ તો અમેરિકન વાઇસપ્રેસીડેન્ટો પર સૌ પહેલી વાર લિંડન જ્‍હૉનસન અને જેરલ્ડ ફૉર્ડ વખતે જ ધ્યાન ગયું. સ્પિરો ટી. ઍગ્ન્યૂ વિશે નવું જાણવા મળ્યું. માત્ર ‘ઍગ્ન્યૂ’ને બદલે ‘ઍગ ન્યૂ” છપાયેલું છે તે આંખને ખૂંચતું રહ્યું.

અમેરિકામાં લાંચરુશ્વતનો અભાવ, કામમાં પ્રામાણિકતા વગેરે વિશે એમના અંગત અનુભવો વાંચવા જેવા છે. બીજી બાજુ, અમેરિકામાં થતા દુર્વ્યય વિશેનો લેખ ચોંકાવનારો છે. અમેરિકા ઉપભોક્તાવાદી દેશ તો છે જ, પરંતુ ખાતાં જે કંઈ વધે તે આખું ને આખું ફેંકી જ દેવાય એ આઘાતજનક છે. પરંતુ આટલો બગાડ અમેરિકન ઇકોનોમીને ફાવે છે! બચત – વસ્તુની કે પૈસાની – એ અમેરિકન આર્થિક સિદ્ધાંતથી વિરુદ્ધ છે. લેખક મંદિરોમાં જાય છે, પણ સારા ભોજન માટે! એમને અફસોસ છે કે ‘અમે’ લોકો ત્યાં મંદિરો બનાવીએ છીએ પણ કોઈ હૉસ્પિટલ કે યુનિવર્સિટી કેમ ન બનાવી? આનો જવાબ કોણ આપી શકે?

૦-૦-૦

Science Samachar – Episode 35

. કૅલરી ઘટાડો, ઘડપણ ધીમું પડી જશે.

એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે ઓછી કૅલરીવાળો આહાર લેવાથી શરીરની ચયાપચય ક્રિયા પર ધીમી પડી જાય છે. એની સારી અસર એ છે કે ઘડપણનાં લક્ષણો વિલંબથી દેખાય છે. CALERIE (Comprehensive Assessment of Long term Effects of Reducing Intake of Energy) પ્રોગ્રામ હેઠળ સંશોધકોએ સામાન્ય વજન ધરાવતાં ૮૦ સ્ત્રી-પુરુષોને પસંદ કર્યાં પરંતુ બે વર્ષના અભ્યાસ દરમિયાન છેક સુધી ૫૩ ટકી રહ્યાં.

આ પહેલાં સંશોધકોએ ટૂંકી આવરદાવાળા, ઉંદર વગેરે જીવો પર આ પ્રયોગ કરીને સફળતા મેળવી હતી પણ માણસ જેવા લાંબી આવરદાના જીવ પર પહેલી વાર પ્રયોગ કરવામાં આવ્યો. એમાં ૩૪ જણને ૧૫ ટકા ઓછી કૅલરીવાળો ખોરાક આપવામાં આવ્યો અને બાકીના સામાન્યપણે જ ખાતા રહ્યા. જે ગ્રુપ પર ઓછી કૅલરીનો પ્રયોગ થતો હતો એમની ચયાપચયની ક્રિયામાં ધાર્યા કરતાં પણ વધારે ઘટાડો નોંધાયો અને બે વર્ષના અંતે સરેરાશ ૯ કિલો કેટલું વજન ઘટ્યું. એમના પર ઉંમરની અસર પણ ઓછી થઈ હોવાનું જણાયું.

આ પ્રયોગનાણ પરિણામોએ ભારે રસ જગાડ્યો છે. હવે કેટલાક વૈજ્ઞાનિકો બીજો પ્રયોગ કરવા માગે છે – સતત ઓછી કેલરીવાળો આહાર આપીને ડાયેટિંગ પર રાખવા કરતાં મહિનામાં અમુક દિવસ કૅલરી ઘટાડવાથી ચયાપચયની ક્રિયા પર અને ઘડપણનાં લક્ષણો પર શી અસર થાય?

સંદર્ભઃ

(૧) https://www.nature.com/articles/d41586-018-03431-x?WT.ec_id=NATURE-20180330

(૨)મૂળ સંશોધન લેખઃ http://www.cell.com/cell-metabolism/fulltext/S1550-4131(18)30130-X

(પ્રકાશન ૨૨ માર્ચ, ૨૦૧૮)

૦-૦-૦

. શરીરમાં ફેલાયેલી જાળ પહેલી વાર જોવા મળી!

માનવ શરીરને સમજવાના બધા સફળ પ્રયત્નોની વચ્ચે શાકમાં આખું કોળું જવા જેવું થયું છે! આપણા શરીરમાં એક મોટી જાળ ફેલાયેલી છે જેના વિશે માત્ર હવે જાણવા મળ્યું છે. આની અસર ખાસ કરીને કેન્સર જેવા રોગો શરીરમાં કેમ પ્રસરે છે તે જાણવાનો નવો માર્ગ ખુલ્યો છે.

ન્યૂ યૉર્ક યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મૅડીસીનના પૅથોલૉજિસ્ટોએ આ નવી શોધ કરી છે. હમણાં સુધી આપણે એમ માનતા હતા કે શરીરની અંદર આપણી ત્વચાની નીચે, ફેફસાં, પાચનતંત્ર, મૂત્રાશય, ધમનીઓ વગેરેના રક્ષણ માટે જે પાતળી ચાદરો હોય છે તે ઘટ્ટ પેશીઓ છે, પણ હવે જાણવા મળ્યું છે કે એ એકબીજા સાથે જોડાયેલાં પ્રવાહીથી ભરેલાં ખાનાં જેવી જગ્યાઓ છે. આ ખાલી જગ્યાઓની આખી શ્રેણીને મજબૂત (Collagen) અને લવચીક (Elastin) પ્રોટીનની જાળ ટકાવી રાખે છે. આપણાં અંગો કામ કરતાં હોય ત્યારે આ જાળ ‘શૉક-ઍબ્ઝોર્બર’ તરીકે કામ કરીને પેશીઓને તૂટતી બચાવે છે.

ઇઝરાએલની માઉંટ સાઇનાઇ બેથ હૉસ્પિટલમાં એન્ડોસ્કોપિસ્ટોએ આ નવી જાળ અણધાર્યા જ જોઈ. એમને એમ હતું કે પિત્તાશયનાં પિત્તવાહકો (Bile ducts)ની ફરતે સખત રક્ષણાત્મક પડ હશે પણ એમણે નવી જ રચના જોઈ. તે પછી એમણે આ તારણો ન્યૂયૉર્ક યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મૅડિસીનના પ્રોફેસર નીલ થિસે ( Neil Theise)ને આ પરિણામો દેખાડ્યાં. થિસેએ વિચાર્યું કે શરીરમાં ઇજે ક્યાંય આવી જાળ હોય છે કે કેમ. એમણે પોતાના નાકની તપાસ કરી તો એમાં પણ એ જ રચના જોવા મળી.

એ શૉક-ઍબ્ઝોર્બર તરીકે તો કામ કરે જ છે, પણ એમણે બાયોપ્સી દરમિયાન એ પણ જોયું કે આ સંરચનાનાં ખાનાંઓમાં પ્રવાહીને બદલે કેન્સરના કણ પણ હતા. એટલે સમજાયું કે કૅન્સર શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં આ જાળ મારફતે જતું હશે. આમ પહેલી વાર શરીરની રચનામાં નવી વસ્તુ જોવા મળી છે.

સંદર્ભઃ

(૧) https://nyulangone.org/press-releases/researchers-find-new-organ-missed-by-gold-standard-methods-for-visualizing-anatomy-disease

(૨)https://www.newscientist.com/article/2164903-newly-discovered-human-organ-may-help-explain-how-cancer-spreads

(૩) મૂળ સંશોધન લેખઃ https://www.nature.com/articles/s41598-018-23062-6#Fig3

૦-૦-૦

૩. રણની હવામાંથી પાણી!

મૅસેચ્યૂસેટ્સ ઇંસ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજીના સંશોધકો સમીર રાવ અને હ્યુન્યો કિમે એવું એક ઉપકરણ બનાવ્યું છે કે જે હવામાંથી ભેજ શોષી લે છે અને એનું પાણી બનાવી દે છે. આ પાણી પીવામાં કામ લાગે તેવું છે. હવામાં ભેજ તો હોય જ પણ આ મશીન ૧૦ ટકાથી પણ ઓછો ભેજ હોય તેવા રણપ્રદેશમાં પણ કસોટીએ પાર ઊતર્યું છે. મશીન સૌર શક્તિથી ચાલે છે. એમણે ઍરિઝોનાના ટેમ્પે રણપ્રદેશમાં આ મશીન દ્વારા ભેજ શોષીને પાણી બનાવ્યું. Metal-Organic Framework (MOF) નામનું આ સાધન હજી તો પ્રયોગ માટે જ છે. હજી એના પર વ્યાપારી ધોરણે કામ કરવાનું રહે છે.

સમીર રાવના શબ્દોમાં જ આ વિશે વધારે જાણીએઃ

https://www.bbc.co.uk/programmes/p06222nh/player

સંદર્ભઃhttp://news.mit.edu/2018/field-tests-device-harvests-water-desert-air-0322

૦-૦-૦

(૪) ચંદ્ર પૃથ્વીનો પુત્ર નથી!

વૈજ્ઞાનિકો કહે છે કે ચંદ્ર આપણી પૃથ્વીનો પુત્ર નથી અને કદાચ ચંદ્ર પહેલાં બન્યો અને પૃથ્વી તે પછી! એટલે ચાંદામામા આપણા તો મામા છે પણ પૃથ્વી માતાના મોટાભાઈ છે! ધગધગતા લાવાનું મહા વાદળ હતું,. ધાતુના મહાકાય ખડક ગરમીથી પીગળી જાય ત્યારે લાવા બને છે. વૈજ્ઞાનિકો પૃથ્વી અને ચંદ્રને જન્મ આપનાર આવા વાદળને ‘સિનેસ્ટિયા’ કહે છે. ગ્રહો બન્યા તે પહેલાંના કાળમાં મહાટક્કરને કારણે ધાતુનો પિંડ પીગળી ગયો હશે. અહીં એનું કલાકારે બનાવેલું કાલ્પનિક ચિત્ર આપ્યું છે.

આ ટક્કર થયા પછી થોડાં જ વર્ષોમાં ચંદ્ર બન્યો અને પૃથ્વી તે પછી હજારેક વર્ષે બની. વૈજ્ઞાનિકો કહે છે કે ચંદ્રની કેટલીક ખાસિયતો એવી છે કે એ પૃથ્વી પછી બન્યો એમ માનવાથી સમજાવી શકાય એમ નથી. ચન્દ્ર શી રીતે બન્યો તેના વિશે ઘણી થિયરીઓ છે, તેમાં એક નવી થિયરીનો ઉમેરો થાય છે.

સંદર્ભઃhttps://www.space.com/39841-moon-formed-from-synestia-earth-crash-theory.html

૦-૦-૦

India: Slavery and struggle for freedom :: Part 1:: Slavery :: Chapter 6

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૬: થોમસ રોના આગમન પહેલાં

મિડલટન ૧૬૧૨ની શરૂઆતમાં સૂરત પહોંચ્યો ત્યારે એને ખબર નહોતી કે ત્યાં કંપનીનો કોઈ એજન્ટ નહોતો અને ફૅક્ટરી પણ બંધ થઈ ગઈ હતી. મકર્રબ ખાને એને બંદરેથી જ પાછો કાઢ્યો. લંડનમાં કંપનીને મિડલટનના શા હાલ થયા તે ખબર જ નહોતી! એટલે એણે ફરી પછી છ મહિને સપ્ટેમ્બરમાં થોમસ બેસ્ટને મોકલ્યો. કંપની પહેલાં તો સારા વેપારીને કપ્તાન બનાવીને મોકલતી કે જેથી એ ત્યાં જઈને વેપાર જમાવે. પણ સૂરત સુધી પહોંચવામાં બહુ મુશ્કેલીઓ પડતી હતી એટલે સારા નાવિકને કપ્તાન બનાવવાનો વિચાર કર્યો. પરંતુ એ વેપારમાં કંઈ જાણતો ન હોય! એટલે કંપનીએ રસ્તો કાઢ્યો. સારા સાગરખેડૂ અને સારા વેપારી પર એક ‘જનરલ’ નીમ્યો, જે બહુ સારો વેપારી કે નાવિક ન હોય તોય સારો નેતા હોય. થોમસ બેસ્ટ એમની નજરે આવો માણસ હતો.

૧૬૧૨ની સાતમી સપ્ટેમ્બરે બેસ્ટ તાપી નદીના મુખપ્રદેશમાં પહોંચ્યો.

(Voyage… પૃષ્ઠ૧૦૫)

અહીં એને મિડલટનનું શું થયું તે ખબર પડી. મુકર્રબ ખાને કંપનીના ફૅક્ટરોને પણ હાંકી કાઢ્યા હતા.

આ બાજુ મિડલટને રાતા સમુદ્રમાં મોગલોનાં જહાજો પર હુમલા કરીને બદલો લઈ લીધો હતો. બેસ્ટ માટે આ નવી મુસીબત હતી. હવે મોગલો સાથે વાત કરવાનું એને વધારે મુશ્કેલીભર્યું લાગ્યું. એ તો પાછો બેન્ટમ ટાપુ પર જવા માગતો હતો પણ એ સુરતના કાંઠે લાંગરે તેના બે દિવસ પહેલાં પાંચમી તારીખે કંપનીનો એક જાદુ ( voyage…માં Jadoa નામ છે) નામનો એક ફૅક્ટર અને એના સાથીઓ એને મળી ચૂક્યા હતા અને ખાતરી આપી હતી કે કંપની વેપાર કરી શકશે. એટલે બેસ્ટ રોકાયો અને અંતે બે દિવસ પછી સૂરત પહોંચ્યો. જાદુએ મુકર્રબ ખાનને મનાવી લીધો. મુકર્રબ ખાન તો લાંચિયો હતો જ. આમ બેસ્ટને વેપાર માટે હંગામી શાહી ‘ફરમાન’ મળી ગયું. ખાને ખાતરી પણ આપી કે જહાંગીર બાદશાહ પણ ચાળીસ દિવસમાં એના પર મંજૂરીની મહોર મારી દેશે. ખાને બેસ્ટને કહ્યું કે કંપની બાદશાહના દરબારમાં પોતાનો દૂત મોકલે અને મંજૂરી મેળવી લે.

થોડા જ દિવસોમાં રાજા જેમ્સના પત્ર અને મોંઘી ભેટો સાથે લૅન્સ્લૉટ કૅનિંગ સૂરત પહોંચી આવ્યો. લૅન્સ્લૉટ કૅનિંગ સંગીતકાર હતો અને એનો ભાઈ પોલ કૅનિંગ જહાજમાં વેપારી હતો. બન્ને ભાઈઓ આગરા ગયા અને ત્યાં જ પહેલાં લૅન્સ્લૉટ અને પછી પોલ, બન્ને મૃત્યુ પામ્યા. (એમનો એક ભાઈ જ્યોર્જ કેનિંગ પણ હતો જેના વંશમાં ચાર્લ્સ કેનિંગ થયો. એ ૧૮૫૭ના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતનો ગવર્નર જનરલ હતો. આમ કેનિંગ પરિવાર ભારત સાથે પહેલેથી જ સંકળાયેલો હતો!).

સુવાલીની લડાઈ

પરંતુ એના પહેલાં પોર્ચુગીઝ કંપનીએ બેસ્ટના ત્રણ માણસોને કેદ કરી લીધા હતા. બદલામાં બેસ્ટે એમને છોડાવવા માટે સૂરતથી દૂર સુવાલી ગામ પાસે પોતાના કાફલા સાથે હટી ગયો હતો. આ બાજુ રાતા સમુદ્રમાં મિડલટનના કબજામાંથી છૂટેલાં બે જહાજો સૂરતની નજીક પહોંચ્યાં. બેસ્ટ પોતાના માણસોને છોડાવવા માગતો હતો એટલે એણે સૂરતના મોગલ સત્તાવાળાઓ પર દબાણ કરવા એક જહાજને બાન તરીકે પકડી લીધું. શહેરના મહાજનો એને સમજાવવા ગયા તો એ માણસોને તો જવા દેવા તૈયાર થયો પણ જહાજનો કબ્જો ન મૂક્યો. એ પછી સૂરત પાસે સુવાલી ગામે ચાલ્યો ગયો.

સુવાલી પહોંચ્યો ત્યારે એને સમાચાર મળ્યા કે પોર્ચુગીઝ કંપની એના પર હુમલો કરવાની તૈયારી કરે છે. ચાર જહાજો સાથે પોર્ચુગીઝોએ હુમલો કર્યો પણ અંતે લંડનની કંપનીનાં જહાજોને ફતેહ મળી.

(Voyage પૃષ્ઠ ૧૩૬)

આ ક્ષેત્રમાં પોર્ટુગલની કંપનીની એકહથ્થુ સત્તા હતી અને એ કોઈને આવવા દેવા નહોતા માગતા પણ સુવાલીની લડાઈએ એમનું વર્ચસ્વ તોડ્યું અને ઇંગ્લૅંડની કંપની માટે માર્ગ ખુલ્લો થયો. થોમસ બેસ્ટે બે દિવસની લડાઈમાં આ સફળતા મેળવી હતી. બીજા દિવસની લડાઈ તો મોગલ નૌકા કાફલો કિનારેથી અહોભાવ પૂર્વક જોતો હતો. અંગ્રેજી કંપનીની ફતેહની મોગલો પર બહુ સારી અસર પડી. દરમિયાન, આગરામાં જહાંગીર પણ ભેટ તરીકે મળેલી ચીજવસ્તુઓથી પ્રસન્ન થયો કે વેપાર માટે તૈયાર થઈ ગયો, ગમે તે કારણે, એણે ફરમાન પર મંજૂરીની મહોર મારી દીધી.

સૂરતની ફૅક્ટરીનો પહેલો ફૅક્ટર થોમસ ઑલ્ડવર્થ સૂરતનો કાંઠો છોડીને જેમ બને તેમ જલદી બૅન્ટમ ટાપુ તરફ જવા માગતો હતો પણ એને એજન્ટોએ સમજાવ્યો અને બહુ માલ ભરીને સીધા સૂરતથી લંડન પહોંચનારું સૌ પહેલું જહાજ એનું જ હતું! એની પાસે બ્રિટનમાં બનેલું ઘણું કાપડ હતું એને એમ હતું કે એ લંડનના ટ્વીડને એશિયામાં લોકપ્રિય બનાવી દેશે પરંતુ એ માલ તો વેચાયો નહીં. થયું ઉલટું. એશિયામાં ટ્વીડની ધૂમ બોલાય તેને બદલે લંડનમાં હિંદુસ્તાનનું કાપડ – નૅપકીનો, ટેબલ ક્લોથ, બેડ શીટ્સ, ચાદરો, ફર્નિચર માટેનું નરમ કાપડ (અને ગંજી-જાંઘિયા પણ ખરા!) વગેરે મોટાં ધનાઢ્ય ઘરોની શોભા વધારવા લાગ્યાં અને હિંદુસ્તાનના શબ્દો – કેલિકો. કાશ્મીરી, ટાફ્ટા, મસલિન અંગ્રેજી ભાષામાં ઘૂસી ગયા!

જહાંગીરના દરબારમાં રાજદૂત!

૧૬૧૪માં હિંદુસ્તાનમાં કંપનીનો વેપાર જામી ગયો હતો. હવે કંપનીએ વિલિયમ કીલિંગને હિંદુસ્તાનના વેપારનો વહીવટ સંભાળવા મોકલ્યો. જુદા જુદા પ્રદેશોમાં એજન્ટો નીમવાની એને સત્તા આપી. થોમસ બેસ્ટની સફળતા પછી હવે વેપારને કાયમી ધોરણે સુદૃઢ કરવાનો હતો. હજી કોઈનેય કલ્પના નહોતી કે ભારતમાં અંગ્રેજી શાસનના પુલાઉ રુનમાં વવાયેલાં બીજના અંકુરો સૂરતને કાંઠે ફૂટી નીકળ્યા હતા.

બીજી બાજુ, અહીં જહાંગીર અને પોર્ચુગીઝ કંપનીના સંબંધો બગડ્યા હતા. હમણાં સુધી તો ઈસ્ટ ઇંડિયા કંપની માત્ર વેપારીઓ કે નાવિકોને મોકલતી પણ પોર્ચુગીઝોના પ્રભાવને ખાળવાનું જરૂરી હતું. પોર્ટુગલની કંપનીને પાછળ રાખી દેવા માટે કંપનીના હોદ્દેદારોના મગજમાં વીજળી જેમ એક નવો વિચાર ચમક્યો. રાજા જેમ્સ જહાંગીરના દરબારમાં પોતાનો રાજદૂત નીમે તો કેવું?

રાજા જેમ્સને આ વિચાર તો ગમ્યો પણ વેપારીઓની વાતને એ મુત્સદીગીરીમાં બહુ મહત્ત્વ આપવા માગતો નહોતો. આથી કંપનીએ રાજદૂતનો બધો ખર્ચ ઉપાડી લેવાનું નક્કી કર્યું.

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)
2. Voyage of Thomas Best –To the East Indies, 1612-1614. Edited by William Foster, Asian Educational Services -1995 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


%d bloggers like this: