Satyavachan (2)

સત્ય અઘરૂં છે અને એને વ્યક્ત કરવા માટે ભાષા પૂરતી નથી. આપણે ગયા અઠવાડિયે આ દૃષ્ટિએ ચર્ચા કરી હતી. સત્યનો આધાર બાહ્ય જગતમાં હોય છે. સત્ય પોતે વાક્યનો ગુણ નથી. શ્રી જુગલકિશોરભાઇએ એના પર પોતાનો પ્રતિભાવ આપતાં એ વાતને સમર્થન આપ્યું કે વાક્ય વ્યાકરણના નિયમ પ્રમાણે બને છે અને અસત્ય પણ વ્યક્ત થઈ શકે. એમાં આગળ જતાં ફરી એ વાત પર ભાર મૂકીએ કે જે અશક્ય હોય તે પણ વાક્યમાં શક્ય જણાય. “પાંચ પગવાળી કાળી ગાય” અને “ઈશ્વર સૃષ્ટિનો સર્જનહાર છે” એ વાક્યો વ્યાકરણ પ્રમાણે સાચાં છે પરંતુ બાહ્ય જગતમાં આ બન્નેના પુરાવા નથી અને આપણા પૂર્વજો પણ એના પુરાવા નથી આપતા.

ઈશ્વરને બાહ્ય જગતમાંથી આધાર નથી મળતો અને આપણા પૂર્વજો ચોખ્ખા શબ્દોમાં કહે છે કે ઈશ્વરના પુરાવા નહીં મળે. પરંતુ, ગાંધીજી જેવા પણ ઈશ્વરમાં માનતા હતા! ગાંધીજી તો સત્યના પુજારી હતા, તેમ છતાં એક આધાર વિનાની વાતને સત્ય તરીકે રજુ કરતા હતા. બીજી બાજુ વ્યાકરણની નજરે “ગાંધીજી કહેતા કે, ઈશ્વર સૌના હૃદયમાં વાસ કરે છે” એ વાક્ય સાચું ઠરશે, કારણ કે આપણે અહીં ઈશ્વરની વાત નથી કરતા – ગાંધીજી શું કહેતા, એ કહીએ છીએ. આપણું વાક્ય સાચું હોવા છતાં પણ એ માત્ર ગાંધીજીના અભિપ્રાય પૂરતું સાચું રહે છે. ઈશ્વર માટે નહીં.

આ વાક્ય ઉચ્ચારીને આપણે શું કહેવા માગીએ છીએ? ગાંધીજી કહે છે, એટલે આપણે ઈશ્વરનું અસ્તિત્વ માની લેવું જોઈએ – એમ? આપણે ગાંધીજીના કથનને ઈશ્વરના અસ્તિત્વના પુરાવા તરીકે રજૂ કરીએ છીએ? અથવા આપણે શું એમ કહેવા માગીએ છીએ કે ગાંધીજી પણ અસત્ય બોલતા હતા?

સત્યની વ્યાખ્યા તો આપણે, બાહ્ય જગત અને ભાષાના સંદર્ભમાં આપી દીધી, પણ હવે આવી ભરાયા છીએ એમ લાગે છે. બીજા પણ પ્રશ્નો ઊભા થાય છે. દા. ત. “હું આવતીકાલે અગિયાર વાગ્યે આવીશ”. આ વાક્યને કઈ શ્રેણીમાં મૂકવું? એ સત્ય છે કે અસત્ય ? ખરેખર તો એ માત્ર ઇચ્છાની કે ઇરાદાની જાહેરાત લાગે છે. આમાં સત્ય શું અને અસત્ય શું? જ્યાં સુધી ‘આવતીકાલ’ ન આવે ત્યાં સુધી એનું ‘આજે’ તો મૂલ્યાંકન પણ ન કરી શકાય. ભાષા ભલે ને, સત્ય માટે અપૂરતી હોય પણ એ આવાં કામો પણ કરે છે ને? એટલે ભાષાને પણ એમ નકારી કાઢીએ એ પણ ન ચાલે.

બીજાં પણ એવાં વાક્યો કે વિધાનો હોય છે, જેનો બાહ્ય જગતમાં આધાર નથી, તેમ છતાં આપણે એનો સત્યવચન તરીકે સ્વીકાર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, એક વાક્ય લઇએઃ ‘ચોરી કરવી એ પાપ છે”. આમાં કઈં અસત્ય નથી. આ સનાતન સત્ય છે. અહીં ‘સનાતન’ શબ્દ ધાર્મિક કે આધ્યાત્મિક અર્થમાં નથી વાપર્યો. કોઈ પણ સામાજિક પરિસ્થિતિમાં, કોઇ પણ રાજકીય વ્યવસ્થામાં ચોરીને અપરાધ જ માનવામાં આવી છે – પછી એ અમેરિકા જેવો મૂડીવાદી દેશ હોય કે ભૂતપૂર્વ સોવિયેત સંઘ જેવો સામ્યવાદી દેશ. આમ દુન્યવી અર્થમાં પણ ચોરીની પ્રવૃત્તિને વખોડવામાં આવી છે. પરંતુ બાહ્ય જગતમાં કઈ વસ્તુ પુરાવા તરીકે રજુ કરી શકાશે કે ચોરી કરવી એ પાપ છે?

આ બધાનો વિચાર કરતાં એમ લાગે છે કે સત્ય ખરેખર અઘરૂં છે. જેમ એ બોલવાનું અઘરૂં છે, તેમ એ સમજવાનું પણ અઘરૂં છે. એટલે આપણે માત્ર અખતરા કરીને જ સત્યને સમજવાનો પ્રયત્ન માત્ર કરી શકીએ. ‘અખતરા’ શબ્દ વાપરતાં એનો પર્યાય યાદ આવ્યો – ‘પ્રયોગો’. એના પરથી ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ અનાયાસે યાદ આવે. સત્ય શું તે કદાચ ન સમજીએ, પણ એક વાત સમજાય છે કે ગાંધીજીએ કદી પણ સત્ય જાણવાનો દાવો નથી કર્યો, એને જાણવાના પ્રયત્ન કર્યા છે. આવા પ્રયત્નો પોતાની અવધારણાઓને, વિભાવનાઓને વ્યવહારમાં મૂકીને જ થાય.

સત્યની શોધ કરવા પાછળ લાગ્યા હોઇએ અને ‘સત્યના પ્રયોગો’ વાંચીએ તો એમ જ થાય કે આને એમણે સત્યના પ્રયોગો ભલે નામ આપ્યું પણ એમાં તો એમના જીવનની કથા છે. કિશોરાવસ્થા, યુવાની, દક્ષિણ આફ્રિકા, ભારતની આઝાદીની લડત. આમાં સત્ય ક્યાં? એ બધા વળી સત્યના પ્રયોગો કેવી રીતે થયા? સમજાશે નહીં કે આવું શીર્ષક શા માટે?

કદાચ ‘સત્ય એટલે પારદર્શકતા’ એવી ગાંધીજીની વ્યાખ્યા હશે એમ લાગે છે, જો કે, પાકી ખબર નથી. પરંતુ એમનું આખું જીવન પારદર્શક હતું. એમણે જે કઈં કર્યું તેમાં કશું છુપાવ્યું નહીં. નક્કર તથ્યોને આધારે ઊભું રહેલું મંતવ્ય એટલે સત્ય, એ તો સાચું જ છે. પરંતુ સામાજિક વ્યવહારમાં તો સત્ય એટલે પારદર્શકતા. બીજા સાથેના વ્યવહારમાં આપણે જેટલા પારદર્શક હોઇએ એટલા સત્યની નજીક હોઇએ એમ લાગે છે. કથની અને કરણીમાં ફેર હોય તે પારદર્શકતા નથી.

આપણે એમ માની લઇએ કે ‘સત્ય એટલે પારદર્શકતા’. કોણ જાણે મને તો એમ જ લાગે છે… માત્ર લાગે છે, પાકી ખબર નથી.

%d bloggers like this: