Arjuns do not die……

અર્જુનો મરે નહીં

આ કથામાં મુખ્ય પાત્ર કોણ છે તે હું પોતે જ નક્કી નથી કરી શકતોઃ મુખ્ય પાત્ર અર્જુન છે? કે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં વાઘનો શિકાર બનેલાઓની વિધવાઓ? કથા જેટલી એક ગ્રામીણ જનની હિંમત અને સૃજનશીલતાની છે તો એટલી જ, અંગત દુઃખને કોરાણે મૂકીને આખા પ્રદેશને બચાવવામાં લાગેલી આ  “ટાઇગરી વિધવાઓની પણ છે.

 તો, વાત શરૂ કરીએ શરૂઆતથી.

ભારત અને બાંગ્લાદેશને સુંદરવન જોડે છે અથવા અલગ કરે છે; જે કહેવું હોય તે કહી શકાય, જેવી આપણી નજર. પ્રકૃતિએ સુંદરવનને ઘણું આપ્યું છે. અનેક પ્રકારનાં મેંગ્રોવનું દુનિયાનું મોટામાં મોટું ધામ. મેંગ્રોવ પણ અનેક પ્રકારનાં.  ગરણ, ગેન્વા, હોગ્લા, ગોલ  પત્તા, કેવડા, હેન્તલ, ગર્જન, ધુંડુલ, ખલશી અને કંકડા. પણ સુદરવનનું નામ તો પડ્યું સુંદરી નામના મેંગ્રોવને કારણે. એક વખત અહીં એ જ્યાં નજર પડે ત્યાં દેખાતાં પણ પર્યાવરણના પરિવર્તને એને વિનાશને આરે ધકેલી દીધાંએને મીઠું પાણી જોઈએ અને સુંદરવનમાં ખારું પાણી મળે. તેમાં પણ હવે તો ક્ષાર વધતો ગયો છે. માણસ જાતની  વિકાસની લાલસાએ સુંદરી માટે જીવન ખારું બનાવી દીધું છે.

માત્ર સુંદરીનું દુઃખ નથી. ખરું દુઃખ તો એ છે કે સુંદરવન પાંખું પડવા લાગ્યું છે. વિકાસ બધી જગ્યાએ પહોંચી ગયો છે અને પ્રકૃતિ રૂઠવા લાગી છે. આ વર્ષે આખી દુનિયાએ અભૂતપૂર્વ ગરમીનો અનુભવ કર્યો. તો વીતેલા વર્ષમાં સુંદરવન અંફન અને યાસ, એ બે પ્રચંડ વાવાઝોડાંઓનો ભોગ બન્યુંએ પણ અભૂતપૂર્વ ઘટના હતી. સુંદરવન બંગાળને બચાવી લે છે. સુંદરવન  ન હોય તો વાવાઝોડાં પોતાની સંપૂર્ણ તાકાત સાથે સીધાં જ કોલકાતા પર ત્રાટકે અને આખા શહેરનાં છોતરાં ઊડાડી દેસૌ જાણે છે આ વાત. પણ જ્ઞાનીને કોણ જ્ઞાન આપે? સૂતેલાને જગાડી શકો, પણ જાગતાને જગાડવાની કોઈ રીત  શોધાઈ છે? પ્રકૃતિને ખબર છે કે જાગતાના મોઢા પર ક્યારે તમાચો  મારીને જગાડવો.

વિલાતું જતું સુંદરવન વિશ્વ વિખ્યાત રૉયલ બેંગૉલ ટાઇગરનું ઘર છે. પેઢીઓથી ત્યાં વાઘ અને મનુષ્ય એકબીજાની સાથે રહેતા આવ્યા છે. બન્ને વચ્ચે સંઘર્ષ પણ થયા. ક્યારેક વાઘ જીતે અને ક્યારેક માણસ. માણસ જ્યારે જંગલમાં લાકડાં લેવા કે માછલી પકડવા જાય ત્યારે પાછળ મહોરું પહેરીને જાય. વાઘ સામેથી હુમલો કરે. એને મહોરું જોઈને લાગે કે માણસ  એની સામે જુએ છે. એટલે હુમલો કરતાં અચકાય. ક્યારેક માણસ અને વાઘ વચ્ચે યુદ્ધ પણ થઈ જાય. વાઘની સાથે ઝપાઝપી કરીને પાછા આવ્યા હોય તેવા માણસો પણ સુંદરવનમાં મળી જશે.

તેમ છતાં મનુષ્યે કદી ત્યાંથી વાઘને હટાવવાની માગણી ન કરી અને વાઘે પણ કદી પોતાના માટે અભયારણ્ય ન માગ્યું! બન્ને પ્રકૃતિને અધીન જીવન જીવતા રહ્યા. પણ એક વાર આપણે વિકાસની લાયમાં જંગલ સાફ કરીએ અને વન્ય પ્રાણીઓનાં રહેઠાણ ઝુંટવી લઈએ, પછી એને અભયારણ્ય બનાવી દઈએ અને એમાંથી માણસને જ બાકાત કરી દઈએ. ક્યાં જાય એ જંગલવાસી? ત્યાંથી એ માછલાં પકડે, મધપૂડાઓમાંથી મધ એકઠું કરી લાવે. બળતણ માટેનાં લાકડાં  લઈ આવે, ઢોરઢાંખરનું ચરિયાણ પણ એ જ.

પણ હવે  વાઘ અને માણસે જુદા જીવવાનું હતું. વાઘ અભયારણ્યમાં રહે અને માણસ અભયારણ્યની બહાર. અભયારણ્યમાં માણસને જવાની મનાઈ. વન વિભાગના હાથમાં બધી સત્તા. સિમેંટ બનાવવાનું કારખાનું બની શકે.  ઈંટોના ભઠ્ઠા બનાવી શકાય, મેંગ્રોવનું નિકંદન કાઢી શકાય, વાઘનું અભયારણ્ય છતું થઈ જાય. પણ સુંદરવનને ભરોસે જીવતો માણસ ત્યાં ન જઈ શકે.  અબજો રૂપિયાના ખર્ચે મેંગ્રોવના કરોડો રોપા વાવ્યા હોવાની સરકારી જાહેરાતો થયા કરે પણ સુંદરવનના વાસીને એની સાથે કંઈ લેવાદેવા હોયવન વિભાગના શિક્ષિત શહેરી અમલદારો સુંદરવનના માણસને વાઘનો દુશ્મન અને મેંગ્રોવનો શત્રુ માને. અને તે એટલી હદે કે અભયારણ્યની પાસે પણ જવું એ અપરાધ ગણાય. વન વિભાગના ચોકીદારો એમનો પીછો કરે. એમનાથી  બચવા માટે વખાનો માર્યો જંગલમાં ગયેલો માણસ વધારે અંદર ઘૂસી જાય અને વાઘનો ભોગ બને. સુંદરવનમાં વાઘે બનાવેલી વિધવાઓ કંઈ એકલદોકલ નથી. દર વર્ષે સરેરાશ ૫૦ વ્યક્તિને વાઘ ઉપાડી જાય છે અને એમની અર્ધી ખવાયેલી લાશો  મળી આવે છે. કારણ કે સુંદરવનના વાઘ માણસખાઉ બની ગયા છે.

અહીં પ્રવેશે છે, અર્જુન મંડલ. જાતે માછીમાર. એણે વિચાર્યુઃ દુનિયા જેમને ટાઇગરી વિધવાઓ તરીકે ઓળખે છે એ કેમ જીવશે? એમનાં બાળકોનું શું? અર્જુન ટાઇગરી વિધવાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં લાગી ગયો. કોલકાતાની સંસ્થાદિશા’ (Direct Initiative for Social and Health Action) એની મદદે આવી.

અર્જુન વિકાસે કરેલા અન્યાયને  જોઈ શક્યો. એણે પ્રકૃતિને અનુકૂળ રસ્તો લીધો. ટાઇગરી વિધવાઓને એણે પોતાની પત્ની પુષ્પાની મદદથી ઘરે બોલાવી અને મેંગ્રોવ ઉગાડવાના કામમાં જોડાવા સમજાવી અનેસુંદરબન રૂરલ ડેવલૉપમેંટ સોસાઇટીની રચના કરી. સંસ્થાએ અર્જુનની પ્રેરણાથી ગોસાબા બ્લૉકના લાહિડીપુર ગામે નદીકિનારે સુંદરીનું વાવેતર કરવાનો નિર્ણય કર્યો. ૧૨ એકર વિસ્તારનાં ગામોને પણ આવરી લેવાયાં. દિશા સંસ્થા અહીં માછીમારોની આજીવિકા બચાવવા માટે કામ કરતી જ હતી. હવે અર્જુન દિશા સાથે જોડાઈ ગયો. દિશાની મદદથી અને અર્જુનની પ્રેરણાથી ટાઇગરી વિધવાઓએટાઇગર વિડોઝ એસોસિએશનબનાવ્યું. એમણે હોડીઓ ભરીને નદીમાંથી સુંદરીનાં બીજ એકઠાં કર્યાં અને અર્જુનના ઘરના આંગણામાં નર્સરી બનાવીભીની માટી અને રેતીમાં બીજ દબાવીને એનો ભેજ સાચવે અને એમાંથી રોપા બને એટલે વાવવા લાગે. સોસાઇટી અને દિશાના સંયુક્ત પ્રયાસોથી બનેલી નર્સરી એવી તો જામી કે ખુદ વન વિભાગ ત્યાંથી રોપા લેવા લાગ્યો. પણ મુખ્યત્વે તો ટાઇગરી વિધવાઓએ નર્સરીના રોપા નદીના આખા કાંઠા પર વાવ્યા. આજે લાહિડીપુર પર્યટન ધામ બની ગયું છે. ટાઇગરી વિધવાઓ કોઈ સુંદરીના છોડને નુકસાન પહોંચાડેઆસપાસ પ્લોતિનની થેલિઓ અને બીજો કચરો ફેંકે તેનું પણ ધ્યાન રાખે છે.

સોસાઇટીએ મેંગ્રોવ વિશે માહિતી આપવા અને એના ઉછેર વિશે સમજણ આપવા સ્કૂલ પણ શરૂ કરી. અઠવાડિયે એક વાર સુંદરવનનાં બાળકો અહીં મેંગ્રોવ વિશે શીખવા આવે છે. પર્યાવરણના રક્ષણમાં મેંગ્રોવનું મહત્વ એમને સમજાવવામાં આવે છે અને આમ ભવિષ્યના પર્યાવરણવાદીઓ તૈયાર થાય છે.

૨૯મી જુલાઈ ૨૦૧૯. અર્જુન પાંચ દિવસ માટે હોડીમાં માછલાં પકડવા નીકળ્યો હતો. ૨૯મીનો દિવસ એના માટે અને સુંદરવન માટે ગોઝારો સાબીત થયો. હોડીમાં માછલાંની જાળ ગોઠવતો હતો ત્યાં પાછળથી  એક વાઘ ત્રાટક્યો અને અર્જુનને ખેંચીને લઈ ગયો. કેટલાયે દિવસોની શોધખોળ પછી પણ એની લાશ પણ હાથ લાગી.

કુટુંબ માટે અને ટાઇગરી વિધવાઓ માટે કારમો ફટકો હતો. જે માણસ બીજાના ભરણપોષણની ચિંતા કરતો હતો તેના પોતાના કુટુંબના ગુજરાનનો સવાલ ઊભો થયો ટાઇગરી વિધવાઓનો મદદગાર હતો. હવે એની પોતાની પત્ની ટાઇગરી વિધવા બની ગઈ. સુંદરવને એનો એક અડીખમ પર્યાવરણવાદી ખોઈ દીધો હતો.

પણ થોડા મહિનામાં પુષ્પાએ હિંમત કઠી કરી લીધી. એણે ટાઇગરી વિધવાઓની આગેવાની લીધી. પણ હવે જાતે કામ કરવા લાગી. ત્યાં તો પહેલાં અંફન સાઇક્લોન અને પછી યાસ સાઇક્લોન ત્રાટક્યું અને આખા સુંદરવનમાં મેંગ્રોવનો ખુરદો બોલી ગયો. ટાઇગરી વિધવાઓએ મોરચો સંભાળી લીધો અને તારાજીમાંથી બચી ગયેલાં ઝાડવાંને ફરી જીવવાની તક આપી. આજે સુંદરવન દુઃખી છે પણ એને  વિકાસનો વસવસો છે. પોતાનાં સંતાનોનો નહીં. ટાઇગર વિડોઝ એસોસિએશનની સેક્રેટરી ગીતા મિર્ધા પોતે પણ ટાઇગરી વિધવા છે. કહે છેઃઅમારો રોજીનો રળનાર તો અમે ખોઈ દીધો. તે પછી અર્જુને અમારાં કુટૂંબોને ફરી પગભર કર્યાં. દિશા આજે પણ અમારી સાથે છે પણ અર્જુન નથી. અમે હવે સુંદરીને બચાવીને અર્જુનને જીવતો રાખ્યો છે.”

સાચી વાત છે. અર્જુનો એમ સહેલાઈથી મરતા નથી હોતા.


દિશા (Direct Action for Social and Health Action) ના રિપોર્ટના આધારે.
દિશા વિશે વધારે માહિતી એની વેબસાઇટ https://dishaearth.org/ પરથી મળી શકશે.
ફોનઃ 91-33-23283989//91-33-23297662. ઈમેઇલઃ fordisha@dishaearth.orginfo@dishaearth.org
સરનામુઃ 20/4 Sil Lane, Kolkata, West Bengal, India, PIN – 700015.

 

Martyrs of Indian Freedom Struggle [4] – The Poligar Rebels of South : Muruthu Bothers and Singam Chetty

દક્ષિણના વિદ્રોહી પોલીગારોઃ મરુદુ ભાઈઓ અને સિંઘમ ચેટ્ટી

૧૭૯૫ અને ૧૭૯૯ વચ્ચે શિવગંગા, રામનાડ અને મદુરૈના નેતાઓએ અંગ્રેજવિરોધી સંગઠન ઊભાં કરવામાં આગળપડતો ભાગ ભજવ્યો. આમાં શિવગંગાના મરુદુ પાંડ્યન ભાઈઓનો ઉલ્લેખ ખાસ જરૂરી છે. બન્ને ભાઈઓ ‘શેરોગાર’ (લશ્કરી અથવા મંત્રી) તરીકે ઓળખાતા. બન્ને પડછંદ, ભરાવદાર અને હિંમતવાન હતા. અંગ્ર્રેજોના એ ખાસ દુશ્મન હતા, ૧૭૭૨માં શિવગંગા પર કંપનીએ કબજો કરી લીધો તે પછી આ ભાઈઓએ લોકોને સંગઠિત કર્યા અને અંગ્રેજો તેમ જ કર્ણાટકના નવાબની સંયુક્ત ફોજને હરાવીને શિવગંગા પાછું લઈ લીધું. તે પછી શિવગંગામાં એમણે રાણીને બહુ મદદ કરી.

https://commons.wikimedia.org/wiki/user:Kanna19993

વેળ્ળ (મોટા) મરુદુને રાજકાજ કરતાં શિકારમાં વધારે રસ હતો. એણે રાજકાજ ચિન્ન્ન (નાના) મરુદુ પર છોડી દીધું હતું. અંગ્રેજો એને છંછેડવા નહોતા માગતા અને એની પાસેથી મહેસૂલની રકમ પણ માત્ર આવકના ત્રીજા ભાગ જેટલી જ વસૂલ કરતા. આમ છતાં ચિન્ન મરુદુએ જનતાના સંગઠનની આગેવાની લીધી. એણે સ્થિતિની સમીક્ષા કરી કે દેશના અધઃ પતન અને અંગ્રેજોની ચડતીનાં ચાર કારણો હતાં 

શાસકોની અંદરોઅંદરની લડાઈઓ,

અંગ્રેજોની મદદ લઈને હરીફને હંફાવવાની વૃત્તિ

અંગ્રેજોની દગાબાજીઅને 

આપણા લોકોની શાકો સામે અહોભાવથી નમી પડવાની ટેવ

ચિન્ન મરુદુએ કેટલાંય ગામોના પટેલોને સંદેશ મોકલ્યા અને અંગ્રેજો સામે લડવા માટે તૈયાર થવાનું એલાન કર્યું. રામનાડના મેલપ્પન, સિંઘમ ચેટ્ટી, મુત્તુ કરુપા તેવર અને તંજાવ્વુરના જ્ઞાનમુત્તુ  ‘શેરોગાર’ મરુદુની આગેવાની હેઠળ સંગઠિત થયા. મદુરૈના સામાન્ય લોકો અને ખાસ કરીને કલ્લણો તો સક્રિય વિદ્રોહી બની ગયા. આમ ચિન્ન મરુદુની આગેવાની હેઠળ એક સંઘ બની ગયો.

મરુદુના સાથીઓમાંથી મેલપ્પન પહેલાં એક અર્ધ લશ્કરી દળમાં હતો. એના રાજા સેતુપતિની હાર થતાં એણે અંગ્રેજોની સામે લોકોને તૈયાર કર્યા. અંગ્રેજોને એની હિલચાલની ખબર પડી જતાં એને જેલમાં નાખ્યો પણ એ ત્યાંથી ભાગી છૂટીને મરુદુના આશ્રયમાં શિવગંગા પહોંચી ગયો હતો. એણે તાડપત્ર પર લોકોને કરવેરા ન ચુકવવાના સંદેશ મોકલ્યા. તે પછી લોકોએ કર ભરવાનું બંધ કરી દીધું, એટલું જ નહીં, કેટલીયે જગ્યાએ તો કર વસૂલવા આવેલા કંપનીના માણસોને પણ એમણે તગેડી મૂક્યા.

પરંતુ અંગ્રેજોની સૈન્યશક્તિ સામે એમની સંખ્યા બહુ ઓછી હતી. ૧૭૯૯ના ઍપ્રિલમાં અંગ્રેજી લશ્કરી ટૂકડીએ કોમેરી પાસે વિદ્રોહીઓની છાવણી પર ઓચિંતો છાપો માર્યો, એમાં ઘણા વિદ્રોહી માર્યા ગયા. પાલામંચેરી પાસેની લડાઈમાં વિદ્રોહીઓનો એક નેતા સિંઘમ ચેટ્ટી માર્યો ગયો. એનું માથું કાપીને એમણે કોમેરીમાં જાહેર સ્થળે થાંભલે લટકાવી દીધું.

0x0x0

Martyrs of Indian Freedom Struggle [3] – The Poligar Rebels of South : Kattabomman

દક્ષિણના વિદ્રોહી પોલીગારોઃ કટ્ટબોમન

દક્ષિણ ભારતમાં વિજયનગરના સામ્રાજ્યના સ્થાપક કૃષ્ણદેવ રાય દીર્ઘદૃષ્ટિવાળા રાજવી હતા. કાબેલ વહીવટકર્તા તરીકે એમણે વિજયનગર સામ્રાજ્યને બસ્સો ભાગમાં વહેંચીને દરેકમાં એક નાયકની નીમણૂક કરી હતી. રાજાને લડાઈ વખતે સાધન-સરંજામ અને સૈનિકો પૂરા પાડવાની જવાબદારી નાયકોની રહેતી. નાયકો પણ થોડાં ગામોને એકઠાં કરીને એના ઉપર  એક પળયક્કરાર (પોલીગાર) નીમતા. પોલીગાર મુખ્યત્વે ગામોમાં નિયમો પ્રમાણ કામ ચાલે તે જોતા. નિયમો એટલે પરંપરાઓ. આ પરંપરાઓ નાયક કે રાજા અથવા ગામનો કોઈ માણસ તોડતો હોય તો પોલીગાર એનો સામનો કરતા. રાજ્યના અધિકારીઓ સાથેના વિવાદમાં એ હિંમતથી લોકોની તરફેણ કરતા. કોઈ સ્થળે તો એવા પોલીગાર હતા કે જે રાજ્યને આપવાનું હોય તેટલું જ મહેસૂલ વસૂલ કરતા અને પોતાનો જીવનનિર્વાહ પોતાની જમીનની ઉપજમાંથી કરતા. આમ ઉત્તર ભારતના જાગીરદારો કરતાં એ જુદા પડતા હતા.

ઇ. સ ૧૭૦૦ના ઉત્તરાર્ધમાં અંગ્રેજોની દરમિયાનગીરી વધવા લાગી હતી. એમને પોલીગાર પદ્ધતિ આંખના કણાની જેમ ખૂંચતી હતી, એટલે એમણે સૌથી પહેલાં તો પોલીગારોને દબાવવાનાં પગલાં લીધાં. આમ તો, ઇ. સ. ૧૭૫૧થી જ એમણે પોલીગારો સામે લડવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ પોલીગારો પણ ગાંજ્યા જાય તેમ નહોતા. એમણે પોતપોતાના સંઘ બનાવીને અંગ્રેજોનો મુકાબલો કરવાનું શરૂ કર્યું.

પંજલમકુરિચિ અને ઍટ્ટાયાપુરમના પોલીગારો અંગ્રેજોના પહેલા હુમલામાં સફળ રહ્યા અને અંગ્રેજોએ ભાગવું પડ્યું પણ તે પછી અંગ્રેજોનાં ચડિયાતાં શસ્ત્રો અને સંખ્યા સામે એ હાર્યા. એ જ રીતે, તિરુનેલવેલીનો પોલીગાર પુલી તેવર એની બહાદુરી માટે જાણીતો હતો. અંગ્રેજોએ એના પર હુમલો કર્યો ત્યારે એની નાની સેનાએ એવો મરણિયો હુમલો કર્યો કે અંગ્રેજી ફોજ પોતાની શિસ્ત ભૂલી ગઈ અને ભાગી નીકળી. અંગ્રેજી ફોજ તિરુચિરાપલ્લી પહોંચી ત્યારે કલ્લણોએ રહ્યુંસહ્યું પુરું કરી દીધું.

પોલીગારોના સંગ્રામને પહેલો સ્વતંત્રતા સંગ્રામ કહે છે તે વ્યૂહ, સંગઠન શક્તિ અને કુનેહની નજરે જોઈએ તો ખોટું નથી. પોલીગારો અઠંગ લડવૈયા હતા. સામ, દામ, દંડ અને ભેદ – બધું લાગુ કરતાં એ અચકાતા નહીં. સૌના સમાન દુશ્મન સામે એ એકઠા થતા, અંગ્રેજોના પક્ષે જેમને ફોડી શકાય એમને લાંચ પણ આપતા, લડાઈમાં ઢીલા પડે તો સમજૂતી કરી લેતા અને પાછા જઈને સમજૂતીઓને ઠોકરે ચડાવતા. પરંતુ આ તો ઇ. સ. ૧૭૫૬ સુધીની વાત. ઇ. સ. ૧૭૯૯માં પોલીગારો ટીપુની સાથે હતા પણ ટીપુના મૃત્યુ સાથે અંગ્રેજોને છૂટો દોર મળી ગયો.

આની સામે પંજલમકુરિચિના પોલીગાર વીર પાંડ્ય કટ્ટબોમ્મને સક્રિય બનીને સંગઠન ઊભું કર્યું. ઇ. સ. ૧૭૯૮ના સપ્ટેમ્બરમાં ક્ટ્ટબોમ્મન તરફથી રકમ ઓછી આવી. કલેક્ટર જૅક્સને રેવેન્યુ બોર્ડને પત્ર લખીને આવા કટ્ટબોમ્મન અને એના જેવા બીજા પોલીગારોને સખત સજા કરવાનો અધિકાર માગ્યો. બોર્ડે એના પર વિચાર કરીને મંજૂરી ન આપી. જૅક્સને બીજી વાર  ફરિયાદ કરી કે વીર પાંડ્ય એની સત્તાને કંઈ સમજતો નથી. તે પછી બોર્ડે કટ્ટબોમ્મનને બોલાવવાની છૂટ આપી. જેક્સને કટ્ટબોમ્મનને ૧૫ દિવસમાં પોતાની ઑફિસે આવવાનો હુકમ મોકલ્યો.  કટ્ટબોમન  રામનાડમાં કલેક્ટરની ઑફિસે  પહોંચ્યો પણ કલેક્ટર જેક્સન એને નીચું દેખાડવા માગતો હતો એટલે તિરુનેલવેલી જિલ્લાના પ્રવાસે નીકળી ગયો હતો. વીર પાંડ્ય જ્યાં કલેક્ટર હોય તે ગામે પહોંચતો પણ જૅક્સન એને બીજા ગામે આવવાનું કહી દે. આમ કરતાં છેલ્લે રામનાડમાં જ મળવા કહ્યું. કટ્ટબોમ્મન ઑફિસે આવે તો એને કેદ કરી લેવાની જૅક્સનની મુરાદ હતી. કટ્ટબોમ્મન પોતાના વકીલ સાથે કલેક્ટરને મળવા આવ્યો ત્યારે એણે બન્નેને બેસવાની છૂટ ન આપી. ત્રણ કલાક ઊભા રહીને એને કેસ સમજાવ્યો ત્યારે નક્કી થયું કે ખંડણીની રકમ બહુ બાકી નથી. પરંતુ જૅક્સને એને કિલ્લો ન છોડવાનો હુકમ કર્યો. કટ્ટબોમ્મનનો એક મૂંગોબહેરો ભાઈ દૂરથી આ બધું જોતો હતો. એ સમજી ગયો કે કટ્ટબોમ્મન જોખમમાં છે. એણે ઈશારા કરીને લોકોને એકઠા કરી લીધા. બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ તેમાં કટ્ટબોમ્મન તો બહાર આવી ગયો પણ એનો એક સાથી ઘાયલ થયો હતો તે પકડાઈ ગયો. કંપનીનો એક લેફ્ટેનન્ટ પણ માર્યો ગયો.

આ ઘટનાથી ગવર્નર કલેક્ટર જૅક્સન પર ગુસ્સે થયો અને એને સસ્પેંડ કર્યો, કટ્ટબોમ્મનના સાથીને પણ કેદમાંથી મુક્ત કર્યો. આ દરમિયાન કટ્ટબોમ્મને બીજા પાંચ પોલીગારો સાથે મળીને સંઘ બનાવી લીધો હતો. હવે એમણે શિવગિરિ (કેરળ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પંજાલમકુરિચિ ખુલ્લા મેદાનમાં હતું અને શિવગિરિ પર્વતની તળેટીમાં હતું એટલે અહીં અંગ્રેજો હુમલો કરે તો મુકાબલો કરવાનું વધારે અનુકૂળ થાય એમ હતું.

ઇ. સ. ૧૭૯૯ના મે મહિનામાં અંગ્રેજી ફોજે ચારે બાજુથી હુમલો કર્યો. ઇ. સ. ૧૭૯૯ની ૧ સપ્ટેમ્બરે કંપનીના મેજરે કટ્ટબોમ્મનને સંદેશો મોકલીને હાજર થવાનું કહ્યું પણ કટ્ટબોમ્મને પરવા ન કરી. પાંચમી તારીખે અંગ્રેજી ફોજે કિલ્લાને ઘેરી લીધો. અંગ્રેજી ફોજના સરદાર મૅજર બૅનરમેને થોડા હથિયારધારીઓ સાથે એના વફાદાર  રામલિંગમ મુદલિયારને કિલ્લામાં મોકલ્યો. એણે ત્યાં જઈને પોલીગારોને તાબે થઈ જવા કહ્યું પણ પોલીગારોએ ઘસીને ના પાડી દીધી. પરંતુ મુદલિયારે એમની એક નબળી કડી જોઈ લીધી. કિલ્લાના મુખ્ય દરવાજાની અંદરના બીજા દરવાજા પર વિદ્રોહીઓએ સંરક્ષણની કોઈ વ્યવસ્થા ગોઠવી નહોતી. વળી કિલ્લામાં માત્ર હજાર-બારસોથી વધારે માણસ નહોતા. એણે બૅનરમેનને આ સમાચાર આપ્યા. એણે લડાઈનો વ્યૂહ ગોઠવી દીધો. એક નાકું તોપથી ઉડાવી દીધું અને સૈનિકો અંદર ઘૂસી ગયા. પણ વિદ્રોહીઓએ એવો મરણિયો સામનો કર્યો કે અંગ્રેજી ફોજને પીછેહઠ કરવાની ફરજ પડી. એમણે બીજો પ્રયત્ન કર્યો પણ તેમાંય માર ખાધી. હવે એમણે વધારે કુમક મંગાવી.  વિદ્રોહીઓએ કિલ્લો તૂટવાની અણીએ હતો એટલે  ત્યાંથી નીકળી ગયા. આગળ જતાં કોલારપટ્ટી પાસે અંગ્રેજી ફોજ એમને સામે મળી. કેટલાયે વિદ્રોહીઓ માર્યા ગયા. વીર પાંડ્યનો નજીકનો સાથી શિવનારાયણ પિળ્ળૈ પકડાઈ ગયો પણ કટ્ટબોમ્મન અને બીજાઓ નાસી છૂટ્યા અને કાલાપુરના જંગલમાં ભરાઈ ગયા.

પરંતુ અંગ્રેજોના મિત્ર પુદુકોટ્ટૈના રાજા તોંડૈમને ચારે બાજુ પોતાના માણસો વિદ્રોહીઓને પકડવા ગોઠવી દીધા હતા. એમણે વીર પાંડ્યને પકડી લીધો અને એને અંગ્રેજોને હવાલે કરી દીધો.

મુકદમાનું ફારસ ભજવાયું અને બધાને મોતની સજા કરવામાં આવી. કટ્ટબોમ્મને પોતાનો ‘અપરાધ’ કબૂલ કર્યો અને કહ્યું કે એણે જ અંગ્રેજો વિરુદ્ધ લોકોને તૈયાર કર્યા હતા. અંગ્રેજોએ શિવનારાયણ પિળ્ળૈનું માથું કાપીને ગઢના કાંગરે લટકાવી દીધું. વીર પાંડ્યને બીજી એકાંત જગ્યાએ લઈ ગયા. કહે છે કે એને જ્યાં લટકાવવાના હતા તે ઝાડ નીચે એણે પોતાના મૂંગા-બહેરા ભાઈની ચિંતા દેખાડી અને એક જ અફસોસ કર્યો કે કિલ્લો છોડ્યો એ ભૂલ હતી; કિલ્લામાં લડતાં લડતાં મોત આવ્યું હોત તો સારું થયું હોત. તે પછી એ શાંતિથી ગાળિયામાં ઝૂલી ગયો.

એનાં બધાં કુટુંબીજનો જીવનભર જેલમાં જ સબડતાં રહ્યાં.  એમની સંપત્તિ અંગ્રેજોના વફાદાર પોલીગારોએ અંદરોઅંદર વહેંચી લીધી. આમાં પુદુકોટૈના રાજા તોંડૈમન અને રામલિંગમ મુદલિયારની દગાબાજીને પણ ભૂલી ન શકાય.

કટ્ટબોમન, શિવ નારાયણ પિળ્ળૈ અને એમના વીર સાથીઓને નમન.

0-0-0-

%d bloggers like this: