Introducing ‘A History of God’, a Book by Karen Armstrong (1)

ઈશ્વરનો ઇતિહાસ

કૅરિન આર્મસ્ટ્રોંગના પુસ્તકનો પરિચય(૧)

કૅરિન આર્મસ્ટ્રોંગ લિખિત A History of Godથી આપ સૌ મિત્રોને પરિચિત કરાવવાની ઇચ્છા ઘણા વખતથી રહી. પરંતુ જેટલી ઇચ્છા હતી એટલી હિંમત નહોતી. મનમાં આવે અને જાય. કશુંક એવું હતું જે પકડાતું નહોતું. કાલિદાસને યાદ કરવો પડે એવી મારી સ્થિતિ છે. સીતાએ સ્વયંવરની આગલી સાંજે રામને જોયા ત્યારે એની જે સ્થિતિ થઈ તેનું વર્ણન કરતાં કાલિદાસ કહે છેઃ  न ययौ न तस्थौગઈ પણ નહીં, ઊભી પણ ન રહી! મારું પણ એવું જ હતું. આ પુસ્તક વિશે લખવાના વિચારમાંથી મન હટે પણ નહીં અને ટકે પણ નહીં! એવામાં શ્રી અશોકકુમાર દાસ સાહેબના બ્લૉગ ‘દાદીમાની પોટલી’ પર એક નાની વાર્તા(નીચે લિંક આપી છે) વાંચી. બસ, તે ઘડીથી મન ગોરંભાવા લાગ્યું. આ વાર્તાનો ઉપયોગ કરવાની એમની રજા માગી અને એમણે ઉદારતાથી હા પણ પાડી. એમનો આભાર માનું છું.

વાર્તા બહુ નાની છે, પણ મારે જે લખવું છે તેની સાથે સુસંગત હોવાથી પહેલાં એ વાર્તા કહી દઉં… એક ફકીર પચાસ વર્ષથી એક જ જગ્યાએ બેસીને રોજની પાંચ નમાજ પઢતો હતો. એક દિવસ આકાશવાણી થઇ ને ખુદાનો અવાજ આવ્યો કે હે ફકીર! તું પચાસ વર્ષથી નમાજ પઢે છે, પણ તારી એક પણ નમાજ સ્વીકારવામાં આવી નથી.ફકીરની સાથે બેસનારા બીજા બંદાઓને દુઃખ થયું કે આ બાબા આટલા વર્ષોથી નિષ્કામ બંદગી કરે છે ને તેની એક પણ નમાજ કબુલ ન થઇ ?  ખુદાનો આ તે કેવો ન્યાય ?  પણ પેલો ફકીર દુઃખી થવાને બદલે આનંદથી નાચવા લાગ્યો. લોકોને એને જોઈને ઓર આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા,“બાબા તમને તો દુઃખ થવું જોઈએ કે તમારી આટલા વર્ષોની બંદગી નિષ્ફળ ગઈ.ફકીરે જવાબ આપ્યો, “મેરી પચાસ સાલ કી બંદગી કબુલ ન હુઈ તો ક્યા હુઆ..!! પર ખુદા કો તો પતા હે કિ કોઈ પચાસ સાલ સે બંદગી કર રહા હે!

ખુદા શું કરશે તે અહીં સવાલ નથી. સવાલ એ છે કે ફકીર અને બીજા બંદાઓનાં મનમાં ઈશ્વરનો ખ્યાલ શો છે? ફકીર માટે અફસોસ કરનારા માને છે કે ખુદા આપણાં કામોનો બદલો આપે છે. પરંતુ ફકીર માને છે કે ખુદા માત્ર સાક્ષી હોય તે જ ઘણું. આમ બન્નેની ઈશ્વર વિશેની વિભાવનાઓમાં આ મૂળભૂત તફાવત છે.

હવે આગળ વધું તે પહેલાં એક સ્પષ્ટતા શરુઆતમાં જ કરી દેવાનું જરૂરી લાગે છે. આ લેખ – અથવા લેખમાળાના ગુણદોષો અને રજુઆતની ખામીઓની સંપૂર્ણ જવાબદારી મારી છે.

૦-૦-૦-૦

કૅરિન આર્મસ્ટ્રોંગ ઈશ્વરના ઇતિહાસની વાત કરે છે ત્યારે ખરેખર તો સમયાંતરે બદલાતી અથવા જુદા જુદા વર્ગોમાં પ્રચલિત બનેલી ઈશ્વર વિશેની ધારણાઓની વાત કરે છે. ઈશ્વર કેવો છે, એ વિશે કદી એકમતી નથી રહી. એમનું કહેવું  છે કે ધર્મ ભલે ને આધ્યાત્મિક ચિંતનનો વિષય મનાતો હોય, પરંતુ એ માનવસમાજે વિકસાવેલી એ સૌથી વધારે વ્યવહારુ વિચારધારા છે. ધર્મ અને ઈશ્વરનો ખ્યાલ સમય સાથે બદલાય છે. એક ખ્યાલ તત્કાલીન સમાજને કામનો ન લાગે ત્યારે એને પડતો મૂકીને નવો ખ્યાલ વિકસાવી લેવાય છે.

સામાન્ય રીતે, ઈશ્વરની કલ્પના કેમ વિકસી તે બાબતમાં મોટા ભાગે આપણે એમ સાંભળ્યું છે કે પ્રકૃતિનાં પરિબળોથી ભયભીત માનવે એક અદૃશ્ય શક્તિની કલ્પના કરી, અને એ જ ઈશ્વર. પરંતુ આર્મસ્ટ્રોંગ આ વિચારને નકારી કાઢે છે. એમનું કહેવું છે કે માનવી પોતાની આસપાસની સૃષ્ટિથી ભયભીત નહોતો થયો પરંતુ એને દેવની ભેટ માનતો હતો. સૃષ્ટિના સૌંદર્યે એને અભિભૂત કરી દીધો હતો. એ માનતો હતો કે આ કામ તો માનવથી વધારે સમર્થ કોઈ હોય તેનું જ હોઈ શકે. આદિકાળમાં  દેવતા અને મનુષ્યો વચ્ચે આટલું અંતર નહોતું. મનુષ્યો દેવતાઓને પોતાના જેવા જ, પણ વધારે ગુણિયલ, વધારે શક્તિશાળી માનતા હતા. આ દેવતાઓએ જે કર્યું તેવું કરવું એને તેઓ પોતાનું કર્તવ્ય માનતા હતા. એટલે જ બેબિલોનનું મંદિર બનાવ્યું ત્યારે એમના મનમાં દેવતાઓનાં ભવન કેવાં હોય તે વિચાર હતો. આ લોકમાં જે કઈં હોય તે ઈશ્વરનું હોય તેના જેવું જ હોવું જોઇએ. આજે પણ ઈશ્વરે આપેલી સૃષ્ટિના સૌંદર્ય વિશે આપણો ખ્યાલ આદિ કાળ જેવો જ રહ્યો છે. કાશ્મીર જોઈને સૌ કહે કે આ સ્વર્ગ છે. કોઇએ સ્વર્ગ જોયું નથી, પરંતુ ઈશ્વરના શિવમ્‍, સુંદરમ્ રૂપની આપણા મનમાં રહેલી કલ્પના આપણને કાશ્મીરને જોઈને સ્વર્ગની યાદ અપાવે છે.

આર્મસ્ટ્રોંગે એકેશ્વરવાદી ધર્મોની ચર્ચા કરી છેઃ યહૂદી, ખ્રિસ્તી ને ઇસ્લામ. તેઓ હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મને જુદા વર્ગમાં મૂકે છે. એમણે એમનો ઉલ્લેખ તો કરેલો છે, પરંતુ એમનું મુખ્ય લક્ષ્ય સર્વસત્તાધીશ એકમેવ, અદ્વિતીય ઈશ્વરની વિભાવના છે. હિન્દુ ધર્મને અલગ પાડવાનું તર્કબદ્ધ છે, કારણ કે હિન્દુ ધર્મમાં ‘एकं सत् विप्राः बहुधा वदन्ति’ જેવો ખ્યાલ ઈશ્વરની અનેક અવધારણાઓના સમાંતર સ્વીકારને શક્ય બનાવે છે. બીજી બાજુ બૌદ્ધ ધર્મ તો નિરીશ્વરવાદી છે.

આમ છતાં, આ લેખમાં હિન્દુ ધર્મ કે બૌદ્ધ ધર્મનો સમાંતર ઉલ્લેખ કર્યા વિના ચાલશે નહી, એટલે એટલું આ પુસ્તકથી સ્વતંત્ર રીતે મેં ઉમેરેલું હશે. આ કારણસર લેખમાં અધુરાશો વધવાની શક્યતાઓ પણ વધી જાય છે, એટલે હું ઇચ્છું છું કે આ લેખ મારા એકલાનો લેખ ન બની રહે, તમે પણ સાથે લખો અને ક્યાંય કચાશ દેખાય તો એ સુધારવામાં મને સાથ આપો કે જેથી આ લેખ સહિયારા પ્રયાસનો નિષ્કર્ષ બની રહે અને આપણા સિવાયના બીજા વાંચનારાને ખરેખર વાંચવા જેવી સામગ્રી મળી રહે.

0-0-0-0

લેખિકાનો પરિચય

પુસ્તકનો આટલો પ્ર્રાથમિક પરિચય સહેતુક આપ્યો, પરંતુ પહેલાં તો લેખિકાનો પરિચય આપવો જોઇએ. અહીં હું એમના જ શબ્દોને આધાર બનાવીને ટૂંકમાં એમનો પરિચય આપું છું –

બાળપણમાં મારી ધાર્મિક માન્યતાઓ બહુ દૃઢ હતી, પણ ભગવાનમાં વિશ્વાસ એટલો દૃઢ નહોતો. ભગવાન છે એમ તો હું માનતી જ હતી, પણ એ સમયનો રૉમન કૅથોલિક ધર્મ એવો બીક લગાડે એવો હતો કે મને ઈશ્વર કરતાં નર્ક વધારે વાસ્તવિક લાગતું હતું! આ ધાર્મિક માન્યતાને કારણે, એ વખતે મને આ દુનિયા મઝાની જગ્યા છે એવું કદી લાગ્યું હોય. એમ તો આજે પણ કહી શકું એમ નથી. હું આઠ વર્ષની હતી ત્યારે “ઈશ્વર શું છે?”  એ સવાલનો જવાબ મારે ગોખવો પડ્યો હતો કે “ ઈશ્વર પરમ આત્મા છે, જે પોતાના થકી જ અસ્તિત્વમાં છે અને એની પરિપૂર્ણતા અનંત છે.” જો કે અ બહુ જ અમૂર્ત વિધાન હતું અને મને એનો અર્થ સમજાતો નહીં. ઈશ્વર આમ એક ન સમજાય એવી છાયા જેવી કલ્પના જ હતો.

મોટી થઈ ત્યારે મને સમજાયું કે ઈશ્વર ‘ભયાનક’ કરતાં કઈંક જુદો છે. મેં સંતોનાં જીવન ચરિત્રો વાંચ્યાં, કેટલીયે ચમત્કારી ઘટનાઓ વાંચી, ધાર્મિક કથાઓ વાંચી, એમાંથી એમ લાગ્યું કે ઈશ્વર માત્ર બિહામણો  જ છે એવું નથી. આમ છતાં, ઈશ્વર દૂર જ રહ્યો. જો કે મને એમ પણ લાગવા માંડ્યું હતું કે ઈશ્વર સુધી પહોંચી શકાય એમ છે. આથી હું એક સંપ્રદાયના મઠમાં સાધ્વી બની ગઈ. ત્યાં મેં ધર્મશાસ્ત્રો અને વિધિવિધાનોનો ઊંડો અભ્યાસ કર્યો. મેં અમારા સંપ્રદાયના નિયમોનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો અને બરાબર સમજી. પરંતુ મને એમ લાગ્યું કે આમાં ઈશ્વર ક્યાં છે? વિધિ નિષેધોની વિગતો બહુ હતી અને એમાં ઈશ્વરની ખાસ જરૂર પડતી નહોતી. પ્રાર્થના દરમિયાન ક્યારેક મને આધ્યાત્મિક અનુભવ જેવું લાગતું, પણ હું જાણતી હતી કે એ અનુભૂતિ મેં જાતે જ પેદા કરીને મનને મનાવ્યું હતું. કારણ કે જે ઊર્ધ્વગામી આનંદ મળતો હતો, તે પ્રાર્થનાના શબ્દો અને સંગીતનો જ પ્રભાવ હતો, એમ હું સમજી શકતી. મારી બહારના સ્રોતોમાંથી મને કશો જ અનુભવ નહોતો થયો., જે કઈં હતું તે મારી અંદર જ હતું. મને કદી સંતો કે જિસસે કહેલા ઈશ્વરના હોવાપણાનો અનુભવ ન થયો.

અંતે મેં સાધ્વી વેશ છોડી દીધો અને તે સાથે જ ઈશ્વરની શોધમાં મળેલી નિષ્ફળતાઓ અને અપૂર્નતાઓનો ભાર પણ હળવો થઈ ગયો, એટલું જ નહીં, ઈશ્વર પણ મારા મનમાંથી સરકી ગયો. આમ પણ ઇશ્વરે માર જીવનમાં ખરેખર કદી દખલ કરી નહોતી, જો કે એ દખલ કરી શકે તેવા તમામ પ્રયત્નો કરી જોયા હતા. પરંતુ હવે હું એના વિશેના અપરાધભાવથી મુક્ત થઈ ગઈ હતી.

જો કે, ધર્મોમાં મારો રસ યથાવત્‍ રહ્યો. મેં ખ્રિસ્તી ધર્મની શરુઆતના ઇતિહાસ વિશે ઘણા ટેલીવિઝન કાર્યક્રમો પણ આપ્યા. હું જેમ જેમ ઇતિહાસ સમજતી ગઈ તેમ મને મારી જૂની શંકાઓ વાજબી લાગવા માંડી.. ‘ફાધર ક્રિસમસ’ વગેરે બાળપણની ઈશ્વર વિશેની કલ્પનાઓ તો મેં મોટપણે સુધારી હતી, પણ એકંદરે ઈશ્વર શું છે તે ધૂંધળું જ રહ્યું હતું. મારી તો ધાર્મિક પશ્ચાદ્‍ભૂ રહી છે, પણ જે લોકોનું બાળપણ મારા જેવું નથી વીત્યું તેઓ પણ સ્વીકારશે કે એમના ઈશ્વર વિશેના ખ્યાલો બાળપણમાં જ બંધાયેલા છે. હવે તો દેખાય છે કે વિજ્ઞાને ઈશ્વરને કેન્દ્રસ્થાનેથી ઉઠાડી દીધો છે..

આમ છતાં, ઈશ્વરના ઇતિહાસ વિશેનો મારો અભ્યાસ વધવાની સાથે હું એવા મતે પહોંચી છું કે માણસ ‘આધ્યાત્મિક પ્રાણી’ છે. ‘હોમો સેપિયન્સ’ કહીએ છીએ તેમ ‘હોમો રિલીજિયોસસ’ નામ પણ આપી શકાય એમ છે. કલાની જેમ ધર્મ પણ માનવીય પ્રવૃત્તિ છે અને કલાની જેમ એનો પણ દુરુપયોગ થઈ શકે છે. પણ આવો દુરુપયોગ તો આપણે હંમેશાં કરતા આવ્યા છીએ! આમ છતાં, એવું નથી કે કોઈ રાજાએ કે પુરોહિતે આપણા આદિ સેક્યૂલર સ્વભાવની ઉપર ધર્મ ઠોકી બેસાડ્યો છે.

 આ પુસ્તકમાં હું માનવ સમાજે ઈશ્વરની જે જુદી જુદી વિભાવનાઓ વિકસાવી અને એમાં જે ફેરફારો થતા રહ્યા તેની ચર્ચા કરીશ. મારે એ પણ દેખાડવું છે કે નાસ્તિકો પણ ઇતિહાસના અનેક તબક્કે થઈ ગયા છે. જેમણે ઈશ્વરનો નવો ખ્યાલ આપ્યો તેમને પહેલાં તો નાસ્તિક કે ઈશ્વરદ્રોહી જ ગણાવી દેવાયા હતા, આજે ભલે આપણે એમને ધર્માત્મા માનીએ! અને નાસ્તિકો જ્યારે ભગવાનનો ઇન્કાર કરે છે ત્યારે ઇશ્વર વિશેની કઈ કલ્પનાનો તેઓ ઇન્કાર કરે છે? આસ્તિક-નાસ્તિક આમ ઇતિહાસમાં સાપેક્ષ વાત છે.

૦-૦-૦-૦

આટલી ભૂમિકા પછી આપણે ઈશ્વરના ઇતિહાસના મહાસાગરમાં કૂદવા તૈયાર છીએ. (ક્રમશઃ)

 ૦-૦-૦-૦

Shri Ashokkumar Das (Dadimani potli)

http://desais.net/das/%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A7%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B2%E0%AB%87%E0%AA%96/2013060412456/%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%97%E0%AB%80-%E0%AA%95%E0%AA%AC%E0%AB%82%E0%AA%B2-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B0%E0%AA%95%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/

 

 

%d bloggers like this: