ગાંધીજીએ દેશને અહિંસાને માર્ગે આઝાદી અપાવી એ સત્ય દુનિયાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલું રહેશે. આ કારણે એવી છાપ ઊભી થઈ છે કે આપણે લોહીનું એક પણ ટીપું રેડ્યા વિના આઝાદી મેળવી. પરંતુ આ અર્ધુંપર્ધું ચિત્ર છે. એ સાચું કે સેનાની સામે આપણે સેના બનાવીને લડ્યા નથી, એટલે આપણે આઝાદી મેળવતાં સામા પક્ષનું લોહી નથી રેડ્યું, પણ આપણું પોતાનું લોહી બહુ રેડ્યું છે. આપણે જ્યારે હિંસાનો રસ્તો લીધો ત્યારે પણ એ બે સમોવડિયા પક્ષોની હિંસા નહોતી. એટલે જનતાને પક્ષે પોતાનું લોહી જ રેડતાં મા ભારતીનાં સંતાનોએ પાછી પાની નથી કરી.
કોણ હતા એ?
કોઈનો લાડકવાયો... શ્રેણીમાં વાત કરવી છે એવા કોઈના લાડકવાયાની…એનું આજે કોઈ નામ નથી. પણ અહીં એની ખાક પડી છે.
આ શ્રેણીમાં અંગ્રેજ સત્તા સામે લડનારા, લડતાં લડતાં એમની ગુમનામ ગોળીઓનો શિકાર થનારા, અત્યાચારો સહન કરીને પણ પોતાની ટેક ન મૂકનારા અને એમના ધૂર્ત ન્યાયનો ભોગ બનનારાઓને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો વિચાર છે કારણ કે જેમણે વીરગતિ પ્રાપ્ત કરી તેમના સિવાય પણ અનેક એવા હતા કે જે વીરગતિથી વેંત છેટે રહી ગયા, પરંતુ એનાથી એમના પરાક્રમનું મહત્વ ઓછું નથી થતું. આથી આપણે છેક પ્લાસી અને બક્સર સુધી ઇતિહાસમાં પાછળ જઈને અંગ્રેજો સામે જંગ લડનારાઓને આ શ્રેણી દ્વારા અંજલિ આપીને કૃતકૃત્ય થઈશું. આમાંથી ઘણી વાતો મારી શ્રેણી ‘ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ’માં પણ છે, એટલે કોઈને પુનરાવર્તન લાગે ખરું. પરંતુ એ સળંગ ઇતિહાસ છે; અહીં આપણે વ્યક્તિગત કે સામૂહિક સંઘર્ષમાં અંગ્રેજોને લલકારનારા વીરોની વાત કરીશું. આમ પણ, આ વાતોનું સતત પુનરાવર્તન થતું રહે તે ઇચ્છવાયોગ્ય જ માનવું જોઈએ.
તો મળીએ છીએ આવતા મહિનાથી દર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે….
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી;
લખજો: “ખાક પડી અહીં
કોઈના લાડકવાયાની”
(ઝવેરચંદ મેઘાણી)