Gandhi lives on

ગાંધી મરશે નહીં

 આજના દિવસને ‘ગાંધીનિર્વાણ’ દિન તરીકે ઓળખવામાં આવે છે પણ મને લાગે છે કે ‘નિર્વાણ’ શબ્દ કડવી વાસ્તવિકતાને છુપાવી દે છે. ખરેખર આ ગાંધીની હત્યાનો, એમની શહીદીનો દિવસ છે. ગાંધીજીની પચાસમી પુણ્યતિથિના અરસામાં શ્રી નારાયણભાઈ દેસાઈએ લખેલો એક લેખ આજે પણ તાજો જ છે એટલે એનો મુક્તાનુવાદ પ્રકાશિત કરૂં છું

આ લેખ http://www.mkgandhi.org/articles/gandhi_liveon.htm પર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે અને અહીં mkgandhi.orgના આભાર સાથે રજુ કરવાની તક લઉં છું. ( નોંધઃ શ્રી નારાયણભાઈ દેસાઈની ૧૦૮મી અને કદાચ અંતિમ ગાંધીકથાની આજે સાદરા મુકામે આજે ગાંધીની પૂર્ણાહુતિ થશે. -સંદર્ભઃ નિરીક્ષક ૧ફેબ્રુઆરીથી ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૩નો અંક).

xxx

ગાંધીજીની સામાન્ય ‘મોહન’માંથી ‘મહાત્મા’ બનવાની જીવનયાત્રામાં ઘણા વળાંક આવ્યા, પરંતુ આમ જુઓ તો, એમનું જીવન સીધી રેખા જેવું હતું. આ સીધી રેખાની શરૂઆત રામનામમાં એમની અવિચળ શ્રદ્ધાથી થાય છે. ઘરની નોકરાણી રંભાએ એમનામાં રામનિષ્ઠા આરોપી. તે પછી દક્ષિણ આફ્રિકામાં આધેડ વયે મીર આલમની લાઠી માથામાં ઝિંકાઈ ત્યારે પણ એમના હોઠે રામનામનો ઉચ્ચાર કર્યો અને તે પછી પચાસ વર્ષે એમની છાતી ગોળીથી વીંધાઈ ત્યારે પણ એમના મોઢામાંથી ‘હે રામ’ ઉદ્‍ગાર નીકળ્યો. આમ એમના  જીવનના ત્રણ મુખ્ય પડાવ –આરંભ, મધ્ય અને અંત – વખતે રામ અને રામાયણ એમની સાથે જ રહ્યાં. આ દેખાડે છે કે એમનું જીવન સીધી રેખા જેવું હતું અને એમની શ્રદ્ધા દોરા પર સરકતા મણકા જેમ સરકતી આગળ વધી.

ગાંધીજી દક્ષિણ આરિકાથી ભારત પાછા આવ્યા ત્યારે દેશના રાજકારણીઓ માટે ‘જહાલ ( ઉગ્રપંથી) અને મવાળ (નરમપંથી) એવા બે શબ્દો પ્રચલિત હતા.  કેટલાક બંદુક અને બોંબથી સ્વરાજ મેળવવા મથતા હતા. બીજો એક વર્ગ એવો હતો કે જેના માટે સ્વરાજની લડત માત્ર રાજકીય નહોતી, બલ્કે એનું     આધ્યાત્મિક પાસું પણ હતું. ગાંધીએ એમના સત્યાગ્રહમાં આ ચાર જુદાં જુદાં વલણોનો સમન્વય કર્યો. એમણે મવાળોની વિનમ્રતા લીધી અને જહાલોની તીવ્રતા લીધી. વળી ભગત સિંહ અને ખુદીરામ બોઝ જેવાની દેશ માટે સહર્ષ મરી ફીટવાની તૈયારી અને મહર્ષિ અરવિંદની ઉદાત્ત વિચારધારાનો એમાં ઉમેરો કર્યો અને દેશપ્રેમને ઊંચા સ્તરે પહોંચાડ્યો. એમના સત્યાગ્રહમાં પ્રેમનું તત્વ હતું, એટલે જ ગાંધીજી એમના વિરોધી અંગ્રેજોને પણ કહી શક્યા કે તેઓ ભારતને આઝાદ કરે તે એમના માટે પણ સારૂં હતું. એમના સત્યાગ્રહમાં હસતે મોઢે, હોઠે રામનામ સાથે મોતને ભેટવાની તૈયારીનું તત્વ હતું, એમાં સદીઓના ઘોર તમસના અંધકારમાંથી ઊઠીને  સક્રિયતાના રાજસી સ્તરે આવેલી ભારતની જનતાને સાત્વિકતાનું તેજ આપી શકે એવી આધ્યાત્મિક શક્તિ હતી. આપણા દેશના આ ચાર પાયાના સિદ્ધાંતોનો ગાંધીજીએ સમન્વય કર્યો. ગાંધીએ આપણને ભરોસો બંધાવ્યો છે કે “ હું મર્યા પછી પણ મૂંગો નહીં રહું.”

હું દહેગામ તાલુકાના વટવા ગામે ગયો હતો. આ ગામના લોકોની જમીનો અન્યાયી રીતે એમની પાસેથી ઝુંટવી લેવાઈ હતી. આના સામે લોકો શાંતિથી, પણ પૂરા જોશ સાથે સત્યાગ્રહ કરતા હતા. જમીનો ઝુંટવી લેનારા પ્રત્યે પણ એમના મનમાં સદ્‍ભાવ હતો. આ સત્યાગ્રહે મને ગાંધીના કથનનું સત્ય સમજાવી દીધું.

થોડાં વર્ષો પહેલાં સર્વોદય કાર્યકરોએ દાંડીથી સાબરમતી સુધી કૂચ કરી. સરકારે આયોડીનયુક્ત મીઠાને બદલે સાદું મીઠું વાપરવા પર પ્રતિબંધ મૂક્યો તે કેવો ગેરવાજબી છે તે દેખાડવાનો એમનો પ્રયાસ હતો. ગાંધીજીએ ૧૯૩૦માં જે કર્યું તેમાંથી જ ગુજરાત સર્વોદય મંડળને પ્રેરણા મળે  એના પરથી જ સમજી શકાય છે કે ગાંધી હજી મરવા તૈયાર નથી!

અહીંથી ૧૩,૦૦૦ માઇલ દૂર બ્રાઝિલમાં સાઓ પૌલો શહેર છે. એની એક કરોડ સિત્તેર લાખની વસતીમાંથી સિત્તેર લાખ લોકો ઝૂંપડાવાસી છે. બ્રાઝિલના ઉત્તર-પશ્ચિમના પ્રાંતોમાં ભૂખમરાનું સામ્રાજ્ય છે. કેટલાયે ભૂખ્યા લોકો પોતાનો પ્રાંત છોડીને સાઓ પૌલોમાં વસી ગયા.  સુખસુવિધાથી છલકાતા આ શહેરના લોકો તો એવા ગભરાયા કે એમણે છાપાંઓના તંત્રીઓને પત્રો લખીને માગણી કરી કે અનાજના દુકાનદારોને બંદુકનાં લાયસન્સ મળવાં જોઇએ, કારણ કે આ ભૂખ્યા લોકો એમની દુકાનો લૂંટી લે એવી ધાસ્તી છે. આવી નરાતાળ અમાનવીયતાથી ફાધર કુન્સને ભારે માનસિક દુઃખ પહોંચ્યું, કુન્સ પોતે પણ ઝૂંપડામાં જ રહેતા હતા. તેઓ ત્યાંના મુખ્ય ચર્ચમાં ગયા અને ૨૧ દિવસના ઉપવાસ શરૂ કર્યા. પહેલાં તો મોટા ભાગના લોકોએ એમને હસી કાઢ્યા, પરંતુ પછી થોડા માણસો એમની પાસે આવ્યા અને એમની સાથે ઉપવાસમાં જોડાવાની રજા માગી. ફાધર કુન્સે કહ્યું કે કોઈએ મારી સહાનુભૂતિમાં એક દિવસથી વધારે ઉપવાસ ન કરવો. હું તો કહું છું કે જેમને ભૂખ્યા શરણાર્થીઓ માટે ખરી સહાનુભૂતિ હોય એમણે પોતાના ઘર પાસે એક બોર્ડ મૂકવું અને એમને ઘરે જમવા આવવા આમંત્રણ આપવું. એમને કહો કે અમારી પાસે અનાજ હશે ત્યાં સુધી પાંતી પાડીને ખાશું; ખાવાનું ખૂટી જશે ત્યારે અમે પણ તમારી સાથે પ્રાર્થનામાં જોડાઈ જશું. ફાધર કુન્સના ઉપવાસના છેલ્લા દિવસે સાઓ પૌલોનાં દસ હજાર કુટુંબો શરણાર્થીઓને ભોજનમાં ભાગ આપવા તૈયાર થઈ ગયાં હતાં. દુકાનદારોને બંદુકો આપવાનો વિચાર તો ક્યાંય હવામાં ઓગળી ગયો.

આપણને વિશ્વાસ થવો જોઇએ કે ફાધર કુન્સ જેવી વ્યક્તિઓ મારફત ગાંધી જીવે છે.

ઉત્તર ધ્રુવથી માત્ર ૩૦૦ માઇલ દૂર કૅનેડામાં આદિમ અમેરિકનોની એક  ઇન્નસ જાતિ વસે છે. હું ત્યાં ગયો તેનાથી થોડા વખત પહેલાં એક સ્થળે સત્યાગ્રહ થયો હતો. ઇન્નસનો જ એક પ્રતિનિધિ ચાર્લ્સ મને એની કારમાં આ સ્થળે લઈ ગયો. ત્યાં માછીમારોની વસતી છે. આખા વિસ્તારમાં બરફ છે. એ સ્થળે હવાઈ દળનાં વિમાનો કવાયત કરતાં. બહુ જ સ્પીડથી આવે, છેક નીચે ઊતરે, બસ, બોંબ ફેંકવાનું જ બાકી રહી જાય. પણ એના કાન ફાડી નાખે એવા અવાજને કારણે બરફની નીચે રહેતાં માછલાં મરી જતાં હતાં. આથી માણસોને ખાવાની તંગી પડવા માંડી. લોકો માનવશૄંખલા બનાવીને વિમાનઘરના એક માઇલના વિસ્તારની ફરતે ગોઠવાઈ ગયા. એમનો સત્યાગ્રહ સફળ થયો અને ત્યાં નૅટોનાં વિમાનોની કવાયત બંધ થઈ. ગાંધીજીનો પ્રાણ આ સત્યાગ્રહમાં ધબકતો હતો.

ચાર્લ્સ મને લઈને જતો હતો ત્યારે એણે મને મારા જીવન વિશે પૂછ્યું. દેખીતું છે કે મેં એને ગાંધીજીના સાબરમતી આશ્રમ ‘હૃદયકુંજ’માં વીતેલા મારા બાળપણની પણ વાત કરી. મેં કહ્યું કે અમે બધાં બાળકો ગાંધીજી સાથે ફરવા જતાં અને સાબરમતી જેલના  દરવાજાને અડકીને આશ્રમે પાછાં ફરતાં. ઓચિંતી જ ચાર્લ્સે કાર ધીમી કરી નાખી. મેં પૂછ્યું કે શું થયું? ચાર્લ્સે કહ્યુઃ “ચમત્કાર..બસ, ચમત્કાર જ થયો.” મને સમજાયું નહીં. ચાર્લ્સે કહ્યું કે “મને સપનેય ખ્યાલ નહોતો કે ગાંધી સાથે રહી હોય એવી વ્યક્તિને હું કદી પણ જીવનમાં મંળી શકીશ. ગાંધીએ જેના ખભે હાથ મૂક્યો હોય એવી કોઈ વ્યક્તિ મારી કારમાં?! આ ચમત્કાર નથી તો શું છે?”

આમ ગાંધી જીવ્યા જ કરે છે. માત્ર સર્વોદય કાર્યકરોમાં નહીં, દુનિયાના કોઈ પણ ખૂણામાં.

આજે ભારતની જેમ આખી દુનિયામાં સ્ત્રીઓ જાગૃત થઈ ગઈ છે અને સ્ત્રી હોવાના કારણસર એમને થતા અન્યાય સામે અહિંસક આંદોલનના માર્ગે લડત ચલાવે છે. દલિતો પણ અહિંસક અને શિસ્તબદ્ધ રીતે અન્યાયો સામે લડે છે. હું માનું છું કે આ બધામાં ક્યાંકને ક્યાંક ગાંધીનો શ્વાસ ચાલે છે.

આપણે એમ માનતા હોઇએ કે ગાંધીજીની હત્યાને આટલાં વર્ષો થઈ ગયાં એટલે હવે ગાંધીયુગ તો સમાપ્ત થઈ ગયો, તો એ આપણો ભ્રમ છે. એવું પણ બને કે ગાંધી યુગ કદાચ હવે જ શરૂ થતો હોય. આજે એનં પ્રાથમિક એંધાણૉ જોવા મળે છે. ગાંધીજી હયાત છે; જરૂર છે આપણે પોતે આ વાત ખાતરી પૂર્વક માનીએ.

સામાન્ય રીતે તો ‘સ્વરાજ’નો અર્થ એવો જ થાય કે પોતાનું શાસન. પરંતુ ગાંધીએ કહ્યું કે સ્વરાજ એટલે પોતાના ઉપરનું શાસન. આપણે સ્વરાજની વાત કરતા હોઇએ તો આપણે આપણી જાત પર સૌ પહેલાં કાબુ મેળવવો જોઇએ. પહેલા અર્થમાં સુખોપભોગ અને ઉપભોક્તાવાદી સંસ્કૃતિ છે, તો બીજા અર્થમાં ત્યાગ અને અંતરાત્માની સંસ્કૃતિની ઝલક છે.

ગાંધીજીએ તો છેક ૧૯૦૯માં સૌ પહેલી વાર આ વિચાર વહેતો કર્યો. આજે આ બે સંસ્કૃતિઓ વચ્ચેનો સંઘર્ષ આપણા જીવનમાં, આપણાં કુટુંબોમાં અને રોજબરોજના જીવનની ઘટનાઓમાં સ્પષ્ટપણે દેખાવા લાગ્યો છે. આ આત્મકેન્દ્રિત સંસ્કૃતિનું બારીકાઈથી વિશ્લેષણ કરવાની જરૂર છે. આજે માણસે બીજા વિશે ફિકર કરવાનું છોડી દીધું છે અને ઝેરી વાયુઓ પેદા કર્યા કરે છે. આવતીકાલનું તો એ વિચારતો જ નથી. માણસ પોતે જ માનવજાતને આત્મહત્યા ભણી લઈ જાય છે. આજે દુનિયાભરના ચિંતકો આ અનિવાર્ય ખતરા તરફ માણસને સજાગ કરવાના પ્રયાસ કરે છે અને મને લાગે છે કે આવતીકાલનો ગાંધી આપણે સાથે પર્યાવરણવાદીની ભાષામાં વાત કરશે.

 

webgurjari.in – New website to unite all blogs in Gujarati

મિત્રો,

આજે પ્રજાસત્તાક દિને એક નવી વેબસાઇટ webgurjari.in નું ઉદ્‍ઘાટન થયું છે.

આનો હેતુ બધા ગુજરાતી બ્લૉગોને એક સંગઠનનું રૂપ આપવાનો છે. આપના સહકારની અપેક્ષા છે. આ સાઇટ પાછળ રહેલી ભાવના, તર્ક, વિચાર અને આદર્શ વિશે વિગતે સમજવા માટે Net-ગુર્જરી બ્લૉગ પર આ અભિયાનના પ્રેરક બળ શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે લખેલા આ લેખો અને પ્રતિભાવો વાંચવા વિનંતિ છે.

http://jjkishor.wordpress.com/2013/01/19/aapna-saunun-10/

http://jjkishor.wordpress.com/2013/01/21/aapna-saunun-11/

http://jjkishor.wordpress.com/2013/01/23/aapna-saunun-12/

http://jjkishor.wordpress.com/2013/01/24/aapna-saunun-13/

 આભાર…!  

Nelson Mandela on Gandhi

પાવનકારી યુદ્ધવીર ગાંધીઃ નેલસન મંડેલા

ગાંધીજીનું નામ લેતાં બીજા બે મહાપુરુષો અનાયાસ યાદ આવી જાય. એક તો અમેરિકાના શ્યામવર્ણી પ્રજાના સમાનતાના અધિકાર માટેના શાંતિવાદી નેતા ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર અને બીજા દક્ષિણ આફ્રિકાના મુક્તિદાતા નેલસન મંડેલા. આ બન્ને મહાનુભાવો સ્વયં વીસમી સદીના મહાપુરુષો છે અને એમણે ગાંધીના વિચારોને પોતાના જીવનના આદર્શ માનીને આંદોલનો ચલાવ્યાં. સુપ્રસિદ્ધ ‘ટાઇમ’ મૅગેઝિને ૨૦૦૦ના વર્ષમાં વીસમી સદીના મહાપુરુષો વિશે લેખમાળા પ્રકાશિત કરી. એના ૩જી જાન્યુઆરીના અંકમાં દક્ષિણ આફ્રિકાના મુક્તિદાતા નેલસન મંડેલાએ પોતાના એક ગુરુ ‘ગાંધી’ વિશે લેખ લખીને એમને અંજલી આપી. અહીં પ્રસ્તુત કરૂં છું એમના લેખનો ભાવાનુવાદઃ

(The Sacred Warrior: Nelson Mandela on Gandhi આ લેખ  http://www.mkgandhi.org/articles/sacred_warrrior.htm પરથી સાભાર લીધો છે).

૦-૦-૦-૦

ગાંધી ભારતના નાગરિક હતા, અને દક્ષિણ આફ્રિકાના પણ નાગરિક હતા. એમની બૌદ્ધિક અને નૈતિક પ્રતિભાના વિકાસમાં બન્ને દેશોનું પ્રદાન રહ્યું છે. ભારત ગાંધીની જન્મભૂમિ છે, તો દક્ષિણ આફ્રિકા, કર્મભૂમિ.  એમણે બન્ને દેશોનાં મુક્તિ આંદોલનોને આકાર આપ્યો. ગાંધી ખરા અર્થમાં સંસ્થાનવાદ વિરોધી ક્રાન્તિકારી હતા. આપણી સદીમાં સંસ્થાનવાદ અને જાતિવાદ વિરુદ્ધ જેટલાં આંદોલનો થયાં તેમાં ગાંધીએ આપેલું અસહકારનું શસ્ત્ર, “આપણા પર જોહુકમી ચલાવનારને આપણે સહકાર આપીએ તો જ એ જોહુકમી ચલાવી શકે” એવી એમની ઘોષણા અને અહિંસક પ્રતિરોધના એમના વ્યૂહની પ્રેરક ભૂમિકા રહી. હું પોતે અને ગાંધી, અમે બન્ને  સંસ્થાનવાદી શોષણનો ભોગ બન્યા, અને અમે બન્નેએ અમારી પ્રજાઓનાં સ્વાતંત્ર્યને પગ તળે રગદોળનાર સરકારો વિરુદ્ધ  જનતાને ખડી કરી.

છેક ૧૯૬૦ સુધી આફ્રિકા ખંડમાં બધાં મુક્તિ આંદોલનોમાં ગાંધીનો પ્રભાવ રહ્યો છે, કારણ કે એમણે નબળાઓને સંગઠિત કરીને શક્તિનો ધોધ વહેવડાવ્યો. બધાં જ મહત્વનાં પ્રજાકીય આંદોલનોનાં અગ્રગણ્ય સંગઠનોએ અહિંસાનો સત્તાવાર સિદ્ધાંત તરીકે સ્વીકાર કર્યો અને દક્ષિણ આફ્રિકામાં ANC (આફ્રિકન નૅશનલ કોંગ્રેસ) એના અસ્તિત્વના સમગ્ર કાળમાં મહદંશે હિંસાનો સજ્જડ વિરોધ કરતી રહી.

ગાંધી અહિંસાના પ્રખર પુરસ્કર્તા રહ્યા.  મારાથી બન્યું ત્યાં સુધી હું ગાંધીના વ્યૂહ પ્રમાણે ચાલતો રહ્યો, પરંતુ અમારા સંઘર્ષમાં એક ઘડી એવી આવી કે દમનકારીઓના પાશવી બળ સામે માત્ર અહિંસક પ્રતિરોધના શસ્ત્રથી લડવાનું શક્ય ન રહ્યું. અમે એક સશસ્ત્ર પાંખ ‘ઉન્ખોન્તો વે સિઝ્વે’ની સ્થાપના કરી. એમાં પણ અમે માત્ર સરકારી વ્યવસ્થામાં ભાંગફોડનો વ્યૂહ અખત્યાર કર્યો કારણ કે એમાં જાનહાનિ ન થાય; અને  ભવિષ્યમાં બે જાતિઓના સંબંધો એ જ રીતે સુધરે તેવી આશા હતી.  ૧૯૬૨માં મેં ‘પૅન-આફ્રિકન મૂવમેન્ટ ઑફ ઈસ્ટ ઍન્ડ સેન્ટ્રલ આફ્રિકા’ (PAFMECA)ને સંબોધન કરતાં કહ્યું કે “ સામ્રાજ્યવાદીઓ  માત્ર બળની ભાષા જ સાંભળી શકે છે  અને કોઈ પણ દેશ કોઈ ને કોઈ જાતની હિંસા વિના આઝાદ નથી થયો”. તે પછી સશસ્ત્ર સંઘર્ષ આફ્રિકી મુક્તિ આંદોલનોના સત્તાવાર કાર્યક્રમનો ભાગ બન્યો અને આફ્રિકી એકતા સંઘે પણ એને ટેકો આપ્યો.

ગાંધીએ પોતે પણ કદીયે હિંસાના માર્ગને સંપૂર્ણપણે અને સાર્વત્રિક રીતે નકાર્યો નથી. એમણે કહ્યું કે “ કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની હોય તો હું હિંસાની સલાહ આપીશ…ધુત્કારના મૂંગા સાક્ષી બનવા કરતાં શસ્ત્રો દ્વારા સ્વાભિમાનની રક્ષા કરવાનું હું પસંદ કરીશ.”  હિંસા અને અહિંસા બન્ને એકબીજાને નકારતાં નથી. બન્નેમાંથી જેનો પ્રભાવ વધારે હોય તેના પ્રમાણે સંઘર્ષને નામ મળે છે.

ગાંધી ૧૮૯૩માં ૨૩ વર્ષની વયે દક્ષિણ આફ્રિકા આવ્યા. એક જ અઠવાડિયામાં જાતિવાદ સામે એમની સીધી ટક્કર થઈ. એમને પહેલાં તો થયું કે જે દેશમાં ચામડીના રંગને કારણે લોકોનું આવું અપમાન થતું હોય ત્યાં રહેવું જ નથી, પરંતુ એમની અંદર રહેલી પ્રતિરોધની ઠંડી તાકાતે એમનો કબજો લઈ લીધો અને એમનામાં એક મિશનની ભાવના ભરી દીધી. તે પછી એ અહીં જ રહ્યા અને જાતિને કારણે શોષણનો ભોગ બનનારાઓના ગૌરવની પુનઃપ્રતિષ્ઠા માટે ઝૂઝતા રહ્યા. અહીં જ એમણે આખી દુનિયામાં સંસ્થાનવાદની એડી તળે દબાયેલા લોકોની સ્વાધીનતાનો માર્ગ તૈયાર કર્યો અને અને નવી સામાજિક વ્યવસ્થાનો નક્શો બનાવ્યો.  ૨૧ વર્ષ પછી ભારત પાછા ગયા ત્યારે તેઓ લગભગ ‘મહા-આત્મા’ બની ચૂક્યા હતા. મને જરા પણ શંકા નથી કે જ્યારે હિંસાએ એમને આપણી દુનિયામાંથી ઝુંટવી લીધા ત્યારે તેઓ ખરેખર ‘મહાત્મા’ની અવસ્થામાં પહોંચી ગયા હતા. (‘મહા-આત્મા’ એવું શબ્દ વિભાજન મંડેલાએ પોતે જ કર્યું છે એ વાતની નોંધ લેવી જોઈએ – દી).

ગાંધીજી સામાન્ય નેતા નહોતા. ઘણા લોકો માને છે કે એમને ઈશ્વરી પ્રેરણા મળતી હતી. આમ કહેનાર સાથે અસંમત થવાનું અઘરૂં છે. આપણા પર જ્યારે હીરોશિમા અને નાગાસાકીના રૂપમાં હિંસાચાર ત્રાટક્યો ત્યારે એમણે અહિંસાની ભેરી વગાડવાનું સાહસ દેખાડ્યું, વિજ્ઞાન, ટેકનોલૉજી અને મૂડીવાદી વ્યવસ્થાએ નૈતિકતાને ખૂણામાં હડસેલી દીધી હતી ત્યારે ગાંધીએ નૈતિકતાનો જયઘોષ કર્યો. એમણે ‘સ્વ’નું મહત્વ જરાયે ઓછું કર્યા વિના સ્વહિતને પદભ્રષ્ટ કરીને જનહિતનો મહિમા ગાયો. ખરૂં જોતાં, સામાજિક અને વ્યક્તિગત સ્વાધીનતાનું પરસ્પર અવલંબન એમના દર્શનનું હાર્દ છે. ગાંધી નૈતિક વ્યક્તિ અને નૈતિક સમાજ, બન્ને એકબીજાને પ્રોત્સાહિત કરે એવા વિકાસની હિમાયત કરે છે.

એમનો સત્યાગ્રહ સત્યને પામવાની વ્યક્તિગત અને સામાજિક મથામણ છે. અને સત્યને તેઓ ઈશ્વર, નિર્વિકલ્પ નૈતિકતા માને છે. એમને આત્મકેન્દ્રિત બનીને, એકલા એકલા સત્યની શોધ નથી કરવી, સત્યની શોધ તો લોકો સાથે રહીને કરવી છે. એમણે કહ્યું: ”હું ઈશ્વરને ઝંખું છું – અને ઈશ્વરને ઝંખું છું તે જ કારણસર મારે બીજા લોકોની સાથે રહીને એને શોધવાનો છે.  ઈશ્વર મને એકલપંડે મળી શકશે એમ હું નથી માનતો. એમ માનતો હોત તો મેં હિમાલયની કોઈ ગુફા ભણી ઈશ્વરની શોધમાં દોટ મૂકી હોત. પરંતુ હું માનું છું કે ઈશ્વર કોઈ એકલા જણને ન મળે, એટલે મારે લોકો સાથે કામ કરવાનું છે. મારે એમને મારી સાથે લેવા પડશે. હું એકલો જ ઈશ્વર પાસે પહોંચી ન શકું.” ગાંધી અહીં ધાર્મિક અને સાંસારિકનો સમન્વય સાધીને પોતાની ક્રાન્તિને પવિત્રતાથી મંડિત કરે છે.

ગાંધીમાં જ્ઞાનોદય બમ્બાતા વિદ્રોહ દરમિયાન, ત્યાંના ડુંગરાળ પ્રદેશમાં બ્રિટનના રાજભક્તની જેમ સ્ટ્રેચર વાહકોની ટુકડીના નેતા તરીકે કામ કરતાં થયો. ગાંધી નીકળ્યા તો  હતા, બ્રિટિશ સામ્રાજ્યની સેવા કરવા, પણ ઝુલુઓ પર અંગ્રેજોના અત્યાચાર જોઈને એમનો આત્મા કકળી ઊઠ્યો. આ પહેલાંની કોઈ ઘટનાએ એમના મનમાં હિંસા સામેનો વિરોધ આટલી તીવ્રતાથી કદી પેદા નહોતો કર્યો. એમણે લડાઇના મોરચે જ,  બધી ભૌતિક સુખસુવિધાઓ છોડીને હિંસાના સંપૂર્ણ અંત અને માનવ સમાજની સેવામાં બાકીનાં વર્ષો ગાળવાની મનમાં ગાંઠ વાળી લીધી. અંગ્રેજ અત્યાચારીઓ તો ઝુલુઓને કોરડા મારીને અલોપ થઈ જતા અને તરફડતા, લોહી નીંગળતા ઝુલુઓને જોઈને ગાંધીનું હૈયું રડી ઊઠતું.  એમની જુગુપ્સા એટલી પ્રબળ બની કે પહેલાં જે કઈં બ્રિટિશરોનું હોય તેના તેઓ પ્રશંસક હતા, પણ હવે એમનું મન દેશવાસીઓ અને જાતિઓમાં વહેંચાયેલા લોકો તરફ ગયું. એમણે સંસ્થાનવાદની ચુંગાલમાં ફસાયેલાઓની સંસ્કૃતિમાં નવા પ્રાણ ફૂંક્યા અને ભારતીય પ્રતિરોધને પણ ચરમ કક્ષાએ લઈ ગયા. એમણે ભારતીય હસ્તોદ્યોગને નવું જીવન આપ્યું અને દમનકારીઓના માલનો બહિષ્કાર કરીને સ્વદેશીના નારા સાથે હસ્તોદ્યોગનો આર્થિક શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો.  અંગ્રેજી માલ લોકોના કસબ અને મૂડી માટે ફટકા સમાન હતો.

આજની દુનિયાની, અને ખાસ કરીને આફ્રિકાની ગરીબાઈ ઉત્પાદિત માલ માટે વિદેશી બજારો પર સતત નિર્ભર રહેવાને કારણે જ છે. એનાથી દેશના ઉત્પાદનની અવગણના થાય છે અને ઘરઆંગણાનાં કલા-કસબનાં ગળાં ટૂંપાઈ જાય છે. એટલું જ નહીં, વિદેશી દેવાનો ગંજ ખડકાતો જાય છે, જેનો પાર પામી શકાતો નથી. ગાંધીનો સ્વાવલંબન માટેનો આગ્રહ એક મૂળભૂત અર્થશાસ્ત્રીય સિદ્ધાંત છે. આજે એનું પાલન કરીએ તો ત્રીજા વિશ્વના દેશોની ગરીબાઈ ફેડવામાં અને વિકાસને વેગ આપવામાં ઘણું કામ થઈ શકે.

ગાંધી ફ્રાન્ઝ ફેનન અને દક્ષિણ આફ્રિકા અને અમેરિકાની બ્લૅક જાગૃતિના કાળથી પચાસેક વર્ષ પહેલાં થઈ ગયા અને એમણે પ્રજાની અંદરની જ પ્રતિભા, જોશ અને ઉદ્યમને જાગૃત કર્યાં. ઍડમ સ્મિથ માને છે કે માનવ સ્વભાવ સ્વહિત અને આદિમ જરૂરિયાતોથી ઘડાય છે, પરંતુ ગાંધી એનો ઇન્કાર કરે છે અને આપણને આપણા આત્મિક પરિમાણ તરફ પાછા લઈ જાય છે. આપણાં આત્મિક પરિમાણ અહિંસા, ન્યાય અને સમાનતાનાં બનેલાં છે. ગાંધી એ ભ્રાન્તિનો ભંડો ફોડી નાખે છે કે જે કોઈ સખત પરિશ્રમ કરે તે સૌ સફળ રહે અને ધનવાન બની જાય. તેઓ કહે છે કે કરોડો લોકો હાડકાં તૂટી પડે એટલી મહેનત કરે છે અને તેમ છતાં ભૂખે પેટે સૂએ છે. ગાંધી આપણને નીચે ઊતરીને, જમીનદારની જેમ નહીં પણ કિસાનની જેમ, જીવવાનું કહે એ કારણ કે “બધા કિસાન તો બની શકે, પણ જમીનદાર તો બહુ થોડા જ બની શકે.” (અહીં ‘કિસાન’ અને ‘જમીનદાર’ શબ્દો મંડેલાએ પોતે જ વાપર્યા છે, એ નોંધવા જેવું છે. – દી)

એમણે આમજન સાથે સમાનતા સ્થાપવા માટે પોતાનાં તમામ સુખસગવડ છોડી દીધાં અને સામાન્ય જનતા સાથે ભળ્યા. “મારે ગરીબમાં ગરીબ માણસના સ્તરે ઊતરવું પડશે…(તે સિવાય) હું આર્થિક સમાનતા સ્થાપવાની આશા ન રાખી શકું.”

સંપત્તિ અને ગરીબાઈની એમની સમજમાંથી એમની શ્રમ અને મૂડીની સમજ વિકસી, પરિણામે એમને ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં એનો ઉકેલ દેખાયો. આ સિદ્ધાંતનો આધાર એ છે કે મૂડીની ખાનગી માલિકી ન હોઈ શકે, એ ફેરવિતરણ અને સમાનતા સ્થાપવા માટે ટ્રસ્ટ તરીકે મળી છે. જો કે, એમણે બે વ્યક્તિઓનાં વલણો અને પ્રતિભાઓ વચ્ચેનો ફરક મંજૂર રાખ્યો. એમણે કહ્યું કે એ તો ભગવાનની દેન છે અને એનો ઉપયોગ સામૂહિક ભલા માટે કરવાનો છે. મૂડીવાદી કે સામ્યવાદી, બન્ને આર્થિક વ્યવસ્થાઓની જગ્યાએ ગાંધી નવો વિકલ્પ શોધે છે અને એમને આ વિકલ્પ અહિંસા આધારિત સર્વોદયમાં મળે છે. ( અહીં ‘સર્વોદય’ અને ‘અહિંસા’ શબ્દોનો ઉપયોગ મંડેલાએ પોતે જ કર્યો છે – દી).

ગાંધી “સબળા ટકે” એવા ડાર્વિનના સિદ્ધાંતને નકારે છે, ઍડમ સ્મિથના સ્વૈર વ્યવહારના વિચારને જાકારો આપે છે અને મૂડી અને શ્રમ વચ્ચેના સ્વાભાવિક વૈમનસ્યની માર્ક્સની થિયરીને પણ ફગાવી દે છે, અને બન્ને વચ્ચેના પરસ્પર અવલંબન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ માને છે કે માણસમાં પરિવર્તનની ક્ષમતા છે અને દમન કરનાર સામે સત્યાગ્રહનું હથિયાર ઉગામે છે; એનો ઉદ્દેશ એના નાશનું નહીં પણ એનામાં પરિવર્તન લાવવાનો છે કે જેથી એ દમન બંધ કરીને સત્યની શોધમાં પીડિતો સાથે ભળીને રહે. અમે દક્ષિણ આફ્રિકામાં, ગાંધીથી પ્રભાવિત હોઇએ કે ન હોઈએ, લગભગ શાંતિથી જ લોકશાહી લાવ્યા છીએ એનો આધાર આ વિચાર જ હતો.

આધુનિક ઔદ્યોગિક સમાજનો સુવાંગ સંપૂર્ણ ઘોર આલોચક આજે કોઈ હોય તો એ ગાંધી જ. બીજાઓએ એની સર્વગ્રાસી તાકાતની ટીકા કરી છે પણ એની ઉત્પાદક મશીનરીની નહીં. ગાંધી વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વિરોધ નથી કરતા, પણ તેઓ કામના અધિકાર પર ભાર મૂકે છે અને આ અધિકારને માઠી અસર કરે એ પ્રકારના યાંત્રીકરણનો વિરોધ કરે છે. ગાંધી કહે છે કે મોટાં મશીનોથી મૂડી એક માણસના હાથમાં કેન્દ્રિત્ત થાય છે અને એક માણસ બાકીના બધા માટે જુલમગાર બની જાય છે. ગાંધી નાનાં મશીનોની તરફેણ કરે છે. ગાંધી માને છે કે વ્યક્તિનો જ પોતાનાં ઓજારો પર કાબુ હોવો જોઈએ, જેમ ક્રિકેટર અને એના બૅટ વચ્ચે, કૃષ્ણ અને એમની વાંસળી વચ્ચે પ્રેમનો સંબંધ છે તેમ વ્યક્તિ અને એનાં ઓજારનો પરસ્પરાવલંબી પ્રેમસંબંધ પણ ટકી રહેવો જોઇએ. (કૃષ્ણ અને વાંસળીનું ઉદાહરણ મંડેલાએ પોતે જ આપ્યું છે – દી). આમ ગાંધી  વ્યક્તિને મશીન દ્વારા પદભ્રષ્ટ થતાં રોકવા અને ઉત્પાદનની પ્રક્રિયામાં નૈતિકતા જોડવા મથે છે.

આજે આપણે એવી સ્થિતિમાં સપડાયા છીએ કે આપણાં અર્થતંત્રો રોજીરોટી નથી આપતાં, બહુ નાની લઘુમતી બધા ઉપભોગ માણે છે અને કરોડો ભૂખે મરે છે. આથી આપણું અત્યારનું વૈશ્વીકરણ કેટલું બધું અન્યાયમૂલક છે તે સમજીને અને ગાંધીચીંધ્યા વિકલ્પ વિશે વિચાર કરવાની આપણને ફરજ પડી છે.

જ્યારે ફ્રૉઇડ સેક્સને મુક્ત કરતો હતો ત્યારે ગાંધીએ એના પર લગામ લગાવવાની વાત કરી; માર્ક્સે મજૂરોને મૂડીપતિઓ સામે ઊભા કર્યા ત્યારે ગાંધીએ એમને સાથે લાવવાનું કહ્યું; યુરોપીય ચિંતનની મુખ્ય ધારાએ ઈશ્વર અને અંતરાત્માનો સામાજિક દરજ્જો ઝાટકીને ઉડાડી દીધો ત્યારે ગાંધીએ ફરી સમાજને ઈશ્વર અને અંતરાત્મા તરફ વાળ્યો. સંસ્થાનવાદની એડી તળે દબાયેલાઓએ વિચારવાનું અને પોતાનું નિયંત્રણ રાખવાનું છોડી દીધું હતું ત્યારે ગાંધીએ વિચારવાનું અને નિયંત્રણ પોતાના હાથમાં રાખવાનું સાહસ કર્યું. અને જ્યારે વિચારધારાઓ લગભગ ભુંસાઈ ગઈ હતી ત્યારે ગાંધીએ એમને જીવનદાન આપ્યું અને એમાં એવી શક્તિ ભરી કે એમના દ્વારા લોકો મુક્ત થયા અને એમના ગૌરવની પ્રાણપ્રતિષ્ઠા થઈ શકી.xxx

20.1.1948: Failed attempt on Gandhiji’s life

૨૦.૧.૧૯૪૮: ગાંધીજીની હત્યાનો નિષ્ફળ પ્રયાસ

આજથી ૬૫ વર્ષ પહેલાં, ૧૯૪૮ની ૨૦મી જાન્યુઆરીએ મદનલાલ પાહવા નામના યુવકે ગાંધીજીની પ્રાર્થના સભામાં એમની પાછળથી બોમ્બ ફોડ્યો હતો. પાહવાનું મૂળ વતન પાકપટ્ટન પાકિસ્તાનમાં ચાલ્યું જતાં એ ૧૯૪૭માં ભારત આવ્યો. એનું કુટુંબ પણ પાકિસ્તાનથી ભાગતી વખતે અત્યાચારો અને તકલીફોનો ભોગ બન્યું હતું. એ આના માટે ગાંધીજીને જવાબદાર માનતો હતો. નોકરીની શોધ કરતાં એ ગોડસેના સાથી વિષ્ણુ કરકરેના સંપર્કમાં આવ્યો અને ગાંધીજીની હત્યાના કાવતરામાં જોડાઈ ગયો.

૨૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ, મદનલાલ પાહવા અને બીજા છ જણ – નાથુરામ ગોડસે, ગોપાલ ગોડસે. વિષ્ણુ કરકરે, શંકર કિસ્તૈયા, દિગંબર બાડગે અને નારાયણ આપ્ટે ગાંધીજી જ્યાં રહેતા હતા, તે બિરલા હાઉસમાં પ્રાર્થનાના સમયે પહોંચ્યા. પાહવા અને કરકરે પાછલા બારણેથી ગયા અને બાકીના આગલા મુખ્ય પ્રવેશદ્વારથી જ અંદર ગયા. પાહવાએ દરવાજે ચોકીદારને ભોળવવાનો પ્રયત્ન કર્યો કે એ પાછળથી ફોટા પાડવા માગે છે, પણ એ માન્યો નહીં એટલે પાહવા અને કરકરે ચાલ્યા ગયા. ચોકીદાર સમજ્યો કે એ લોકો એમની ટેક્સી તરફ ગયા, પણ ખરેખર પાહવા નજર બચાવીને પાછળ ચાલ્યો ગયો હતો. ત્યાં એણે બોમ્બ ગોઠવ્યો અને ફોડ્યો. પ્રાર્થના સભામાં થોડો ખળભળાટ તો થયો પણ ગાંધીજી તદ્દન શાંત રહ્યા અને લોકોને પણ શાંત થઈ જવા કહ્યું. પ્રાર્થના નિયમ મુજબ જ પૂરી થઈ, પણ બોમ્બ નિષ્ફળ જતાં મદનલાલ પાહવાને છોડીને એના સાથીઓ ત્યાંથી ખસી ગયા હતા. પાહવાએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું અને પોતાના સાથીઓનાં નામ પણ આપ્યાં અને એ લોકો જે હોટેલમાં ઊતર્યા હતા ત્યાં પણ લઈ ગયો. 

xxx

 ૨૦મી જાન્યુઆરીનો બનાવ પણ ગાંધીજીની હત્યાનો પહેલો પ્રયાસ નહોતો. પહેલાં પણ ૧૯૩૪, ૧૯૪૪ અને ૧૯૪૬માં પણ ત્રણેક હુમલા થઈ ચૂક્યા હતા પરંતુ એની ખાસ નોંધ લેવાઈ નથી. ઓછામાં ઓછા બે હુમલામાં નાથુરામ ગોડસેની સંડોવણી હોવાના પુરાવા પણ છે. ૨૦મી જાન્યુઆરીનો હુમલો સૌથી વધારે વ્યવસ્થિત પ્રયાસ હતો. સવાલ એ છે કે  નામો મળ્યા પછી પણ પોલીસતંત્ર એમને પકડી કેમ ન શક્યું. તે પછી ગાંધીજીએ પ્રાર્થનામાં આવનારાની ઝડતી લેવા સામે સખત નારાજી દેખાડી હતી, તેમ છતાં, દિલ્હી શહેર અથવા મુંબઈ, પૂનામાંથી પણ આ લોકોને પકડી શકાયા હોત. ગાંધીજીએ ઝડતી લેવાની ના પાડી એ સગવડિયું બહાનું હતું અને છે. સરકારની બેકાળજી પણ ગાંધીજીની હત્યા માટે કારણ બની. ગાંધીજી સૌને આડે આવતા હતા કે શું?

 ગુજરાતના વયોવૃદ્ધ ગાંધીવાદી નેતા વડીલ શ્રી ચૂનીભાઈ વૈદ્ય (ચૂનીકાકા) લખે છે કે ગાંધીજીની હત્યા માટે અપરાધીઓ અને એમના સમર્થકો આ કારણો આપતા હોય છેઃ

૧. ગાંધીજી પાકિસ્તાન બનાવવાના સમર્થક હતા એટલે દેશના ભાગલા માટે ગાંધીજી જવાબદાર હતા;

૨. કાશ્મીરમાં પાકિસ્તાને આક્રમણ કર્યું તેમ છતાં એને પંચાવન કરોડ રૂપિયા આપી દેવાની ગાંધીજીએ હઠ પકડી.

૩. મુસલમાનો આટલા ઉદ્દંડ બન્યા તે ગાંધીજીની એમને ખુશ કરવાની નીતિને કારણે.

 ચૂનીકાકા લખે છે કે દસ્તાવેજો તપાસતાં આમાંથી એક પણ વાત સિદ્ધ થતી નથી. પંચાવન કરોડ રૂપિયા આપવાની વાત ૧૯૩૪, ૧૯૪૪ કે ૧૯૪૬માં તો હતી જ નહીં તેમ છતાં એમને મારી નાખવાના પ્રયાસ શા માટે થયા હતા? હકીકત એ છે કે  આ કારણો તો ભોળા લોકોની આંખમાં ધૂળ નાખવા માટે આગળ ધરવામાં આવે છે. 

xxx

ગાંધીજી દક્ષિણ આફ્રિકાના એમના અનુભવોના આધારે ભારતમાં શું  જરૂરી છે તે સમજ્યા હતા, જનતાના દરેક વર્ગને સાથે રાખવાની જરૂરિયાતમાંથી એમના હિન્દુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા, સ્વાવલંબન, ટ્રસ્ટીશિપ વગેરે વિચારોનો ઉદ્‍ભવ થયો હતો.

વળી ગાંધીજી ધર્મને રાજકારણ સાથે સાંકળતા હતા. એમણે ગીતા ઉપરાંત કુરાન, બાઇબલ વગેરે બધાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો, અને હિન્દુ ધર્મ સહિત બધા ધર્મોના ક્રિયાકાંડોને તિલાંજલિ આપીને માત્ર મૂલ્યો ગ્રહણ કર્યાં. ખરેખર તો આ માનવીય મૂલ્યો હોય છે. ધર્મોમાં બંધાયેલાં આ મૂલ્યોને નવા સંયોગોમાં પુનર્જીવિત કર્યાં, પ્રયોજ્યાં અને રાજકારણને નવી દિશા આપી. 

આમ છતાં એમણે પોતે હિન્દુ, મોઢ વાણિયા હોવાનું પણ સ્પષ્ટ જાહેર કર્યું. ગાંધીજી ધર્મને છોડીને કટ્ટરપંથીઓ માટે મેદાન મોકળું કરવા નહોતા માગતા અને લોકો પર એમની જબ્બર પકડ હતી, ગાંધીજી વ્યક્તિ મટીને મૂલ્ય બની ગયા હતા.

આથી કટ્ટરપંથીઓ માટે બુદ્ધિવાદી નહેરુ કરતાં ગાંધીજી મોટી આડખીલી રૂપ હતા કારણ કે પ્રજાના અતિ વિશાળ વર્ગ પર એમના નૈતિક ચારિત્ર્યનો ભારે પ્રભાવ હતો. આ આડખીલીને દૂર કર્યા વિના ચાલે તેમ જ નહોતું. અંતે, માત્ર દસ દિવસમાં જ એ સફળ થયા.

 આધારઃ

 http://en.wikipedia.org/wiki/Madan_Lal_Pahwa

http://www.mkgandhi.org/assassin.htm શ્રી ચૂનીકાકાના આભાર સહિત.  

આજથી શરૂ કરીને ૩૦મી જાન્યુઆરી સુધી આપણે ગાંધીજીના પ્રભાવ વિશે એકાંતરે-બે દિવસે ચર્ચા કરશું.

 

Two Friends

બે મિત્રો

સકામ-નિષ્કામ શ્રદ્ધા અને શ્રી શરદભાઈ શાહ સાથેની ચર્ચાના અનુસંધાનમાં આજે બે વ્યક્તિઓનો સંક્ષિપ્ત પરિચય આપવા માગું છું. આ બન્ને મિત્રો આસ્તિક છે, બધાં ધાર્મિક વ્રતો નિયમપૂર્વક કરે છે. એમનો પરિચય આપવાનો હેતુ એટલો જ કે તેઓ મારા મિત્રો છે અને બન્નેને હું ખરા ધાર્મિક માનું છું.

૧. શ્રી સવાઇલાલ અજમેરા મારા વડીલ પણ છે અને મિત્ર પણ. આકાશવાણીમાં એમની સાથે કામ કરવાની મને તક મળી. આજે તેઓ વર્ષ્ના જુવાન છે. મળશો તો ૬૭ના લાગશે. આખો દિવસ કામ કરે, ક્યાંય જવું હોય તો બસમાં જાય. ઉંમરની તો કદી વાત જ નહીં. પાકા જૈન. એમની પાસેથી પણ જૈન ધર્મના પ્રચલિત રીત રિવાજો વિશે જાણવા મળ્યું. કારણ કે અજમેરાભાઈ તો ધર્મમાં પાકા. ચાતુર્માસ કરે ત્યારે સવારે ડ્યૂટી હોય તો સૂર્યોદય પહેલાં ચા ન પીએ. સૂર્યાસ્ત પહેલાં ખાઈ લે. ડ્યૂટી ઉપર સાથે હોઈએ તો ડબ્બો ઊઘાડે અને સાથે જમવા આમંત્રણ આપે. કઈંક લાવ્યા હોય. કોરા નાસ્તા જેવું. ક્યારેક થેપલાં હોય. જો કે ડૂંગળી-લસણનો એમને બાધ નહીં.

મૂળ વેપારી. પ્રામાણિકતાથી વેપાર કરવા મથે એટલે બહુ સફળ વેપારી ન બન્યા. બહુ પૈસા ભેગા ન કર્યા. હિસાબમાં પાકા ખરા. પણ મદદ કરવા હંમેશાં તૈયાર. ધંધામાં રુશ્વત વિના કામ ચાલતું જ નથી એ પણ કહી દે.

એક વાર એક વેપારીને એમણે દસેક હજાર રૂપિયા ઉધાર આપ્યા. રકમ તો બરાબર યાદ નથી પણ ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાં મોટી કહેવાય એવી રકમ હતી. એ જમાનામાં ‘4 figure salary’ કહેતાં બધું સમજાઈ જતું. એટલે દસ હજાર એટલે અધધધ… વેપારી કદાચ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર હતો. અજમેરાભાઈના પૈસાના ટેકાથી પણ એ ઊભો ન થઈ શક્યો. આ ઘટના સાંભળીને મેં એમને પૂછ્યું કે  તમારા પૈસા તો ગયા. અજમેરાભાઈ કહે, ના  આપે છે, થોડા થોડા કરીને. એય બીચારો ફસાયેલો છે, શું કરે, આપી દેશે.

પોતાના પૈસા ડૂબતા જોયા પછી પણ જે વ્યક્તિ ઉધાર લેનાર માટે “બીચારો” શબ્દ વાપરી શકે એ ખરા અર્થમાં ધાર્મિક હોય. અજમેરાભાઈને મારા જ માપદંડે માપું છું તો પણ એમને હું મારા કરતાં ઊંચી જગ્યાએ જોઉં છું. તેઓ વ્રતો રાખે છે કે નહીં, આસ્તિક છે કે નહીં, એ બધી ચર્ચા નકામી છે.

૨. સલીમ અખ્તર સાથે પણ મારો પરિચય આકાશવાણીમાં જ થયો. તે પછી તો અમે પાડોશી પણ બન્યા અને કઈં નહીં તો પચીસ વર્ષની દોસ્તી છે. ભાગ્ય એમને આકાશવાણીના ઉર્દુ સમાચાર વાચક તરીકે ખેંચી લાવ્યું. સ્વભાવે ધર્મભીરુ. એમણે મને કુર-આન શરીફ ભેટ આપ્યું. બીજી બાજુ પ્રગતિશીલ વિચારોવાળા. એમણે એક મૌલવીને પૂછ્યું કે સ્વર્ગમાં જઈએ તો હૂરીઓ મળે, પણ સ્ત્રીઓને શું મળે? સ્ત્રીઓને સ્વર્ગમાં જવામાં શું લાભ? અપ્સરાઓ તો પુરુષ માટે જ હોય ને? અમે મળીએ ત્યારે સામાજિક ચર્ચાઓ થાય, તેમાં મુસલમાન સમાજની રુઢિચુસ્તતાની વાત પણ આવે. મુસલમાન કદી નાસ્તિક ન હોય, પણ સલીમ સાહેબ ડ્યૂટી છોડીને નમાઝ અદા કરવા કદી ન જાય. “અરે, રસૂલ-અલ્લાહને કબ કહા કિ ડ્યૂટી છોડ કે ભી અલ્લાહ કો યાદ કરો… યહ કામચોરી હૈ, નમાઝ નહીં હૈ.” પણ ઘરે હોય તો આખો મહિનો રોઝા રાખે. પરંતુ ઇસ્લામ ધર્મ અને મુસ્લિમ સમાજ બાબતમાં એમના વિચાર બહુ સ્પષ્ટ.

બે વર્ષ પહેલાં હજ કરી આવ્યા. મને મક્કાની ખજૂર અને ઝમઝમના પાણીનો ‘પ્રસાદ’ આપ્યો. પણ કહે કે ત્યાં તો એશિયા, આફ્રિકા, યુરોપ બધી જગ્યાએથી મુસ્લિમો આવે છે. સૌની રીત, વર્તન બધું જુદું.  ઘણાઓ પિકનિક પર આવ્યા હોય એમ વર્તતા હતા!

આ તો બધી વાત થઈ. વર્ષો પહેલાંની ઘટના યાદ આવે છે. એક વાર એ મને મળ્યા ત્યારે હાથમાં કાગળનો રિમ. કોઈ પુસ્તકનો કે રિપોર્ટનો અનુવાદ કરતા હતા. મેં કહ્યું કે મારી પાસે ઑફિસમાં આખો રિમ પડ્યો હતો, બોલવું’તું ને! સલીમ સાહેબે ટૂંકો જવાબ આપ્યોઃ “ આ કઇં ઑફિસનું કામ નથી. ઑફિસના કાગળ શા માટે વાપરવા? મારી આંખ ઉઘાડી નાખી!

જે વ્યક્તિ ઑફિસની સંપત્તિ પર પોતાનો અધિકાર ન માનતી  હોય તે ખરા અર્થમાં ધાર્મિક હોય. સલીમ સાહેબને મારા જ માપદંડે માપું છું તો પણ એમને હું મારા કરતાં ઊંચી જગ્યાએ જોઉં છું. તેઓ નમાઝ પઢે છે કે રોઝા રાખે છે કે નહીં, આસ્તિક છે કે નહીં, એ બધી ચર્ચા નકામી છે.

મૂલ્ય ન હોય તો ધર્મ પોકળ છે.

 

 

Dear Sharadbhai

પ્રિય શરદભાઈ,
તમે મને અંગત મેઇલ દ્વારા મોકલેલો પ્રતિભાવ બ્લૉગ પર પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ આભાર. https://wallsofignorance.wordpress.com/2013/01/03/andhashraddha-sakaam-shraddha-nishkaam-shraddha/

તમે છેડેલી ચર્ચાને ધ્યાનમાં રાખીને મને એનો પ્રતિભાવ આપવા માટે પૂરો લેખ લખવાનું જરૂરી લાગ્યું. તમારા અભિપ્રાયને હું મૂલ્યવાન ગણું છું પરંતુ ‘અંધશ્રદ્ધા, સકામ શ્રદ્ધા, નિષ્કામ શ્રદ્ધા’ લેખ પાછળનો મારો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરવાનું પણ એટલું જ જરૂરી લાગે છે.
સૌ પહેલાં તો એક ચોખવટ કરી દેવી જોઈએ. હું મારી જાતને રૅશનાલિસ્ટ તરીકે ઓળખાવતો નથી અને આવું કોઈ ગ્રુપ હોય તો હું એનો સભ્ય નથી. દુનિયાની ઘણી વિચારધારાઓમાં સમાનતા જોવા મળે છે, આ કારણે મારા વિચારોમાંથી આવો આભાસ મળી શકે છે, એનો પણ સ્વીકાર કરૂં છું. અહીં હું જે કઈં લખીશ તે કોઈ ગ્રુપના નહીં પણ મારા વ્યક્તિગત વિચારો છે. આમ જુઓ તો સ્પિરિચ્યુઆલિસ્ટોની સ્થિતિ પણ બહુ સારી હોય એમ નથી લાગતું.
આપણી કર્મેન્દ્રીયો અને જ્ઞાનેન્દ્રીયો. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને અંતઃકરણનાં કાર્યો અને એમની મર્યાદાઓથી હું સંપૂર્ણ પરિચિત છું, એવો દાવો નથી કરતો, તેમ છતાં આ બધાં સાધનોનાં કાર્યોથી સંપૂર્ણ અજાણ હોય એવો પણ કોઈ જણ આ દુનિયામાં નહીં મળે, એ પણ આપણે સ્વીકારવું પડશે. આંખ, કાન, નાક, મન, બુદ્ધિ વગેરે આપમેળે કામ કર્યા કરે છે. ઉંમર વધતાં એમની શક્તિઓ ક્ષીણ થતી જાય છે. એટલે મૂળથી જ જે મર્યાદાઓ છે તે વધારે કઠોર બનતી હોય છે. આમ મર્યાદાઓ તદ્દન ન સમજાય એવું પણ નથી. તમામ મર્યાદાઓ સાથે જેમ આપણે આંખનો કે કાનનો ઉપયોગ કરીએ જ છીએ, એ જ રીતે તમામ મર્યાદાઓ સાથે બુદ્ધિનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આંખ અને કાનનો એક ઉદ્દેશ છે, તેમ બુદ્ધિનો પણ એક ઉદ્દેશ છે જ. એનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો જોઈએ એમ મારૂં માનવું છે.
આપણા મનીષીઓએ જે જ્ઞાન વિકસાવ્યું તે આત્મસાક્ષાત્કારના આધાર પર હોઈ શકે છે, પરંતુ એમાં પણ બુદ્ધિના ચમકારા તો દેખાયા વિના નથી રહેતા. કોઈને દ્વૈત દેખાય અને કોઈને અદ્વૈત. આ એમની પ્રતીતિ છે કે તર્કબદ્ધ વિચાર, તે આપણે સમજી શકીએ છીએ. પરમ તત્વ એક જ હોય તો એનું સ્વરૂપ સૌને એકસરખું જ દેખાવું જોઈએ, પરંતુ મને લાગે છે કે બુદ્ધિએ જે પ્રમાણે દેખાડ્યું તે જ રીતે એમણે જોયું. ભારતીય ચિંતન પરંપરામાં બુદ્ધિ અને તર્કને હંમેશાં ભારે મહત્વ મળતું રહ્યું છે.
મારો દૃષ્ટિકોણ સાવ જ સાદો છે. મેં ઈશ્વર છે કે નહીં, શ્રદ્ધા એટલે શું, એવી કોઈ ચર્ચા નથી કરી. દુનિયાના ૯૫ ટકા કરતાં વધારે લોકો ભગવાનમાં માને છે, એ જ કારણસર મેં એની ચર્ચા નથી કરી. જો કે હું તમારી સાથે સંમત છું કે ઈશ્વર, ધર્મ, શ્રદ્ધા વગેરે શબ્દોના અર્થ બદલાઈ ગયા છે. મારૂં માનવું છેકે આવા બદલાવને કારણે આ શબ્દોના અર્થ વિસ્તર્યા છે અથવા વિકૃત થયા છે, પણ એમનો ઉપયોગ બંધ નથી થયો. હું ૯૫ ટકા લોકો સાથે અસંમત થઈ શકું પણ એમને મૂર્ખ ન માની શકું. એમની માન્યતાનો અભ્યાસ કરવાનું હું પસંદ કરીશ. આવાજ પ્રયાસોને કારણે, આપણી સમજમાં પણ વધારો થયો છે. એટલે જ ભાઈ ચિરાગ કહી શકે છે કે શ્રદ્ધા અને ધર્મને કશી લેવાદેવા નથી. અને ભાઈ અશોક વૈષ્ણવ શ્રદ્ધેય બનવા માટે અખૂટ આત્મશ્રદ્ધા પર ભાર મૂકે છે, તો શ્રી બીરેનભાઈ કોઠારી એવાં તારણ પર પહોંચ્યા છે કે શ્રદ્ધા પોતે જ અંધશ્રદ્ધા છે. હું તો અતુલભાઈની જેમ માનું છું કે આસ્તિક હોય કે નાસ્તિક શ્રદ્ધા વિનાનો કોઈ ન હોય. એમણે પણ શ્રદ્ધાને ધર્મની આગવી ખાસિયત માનવાનો ઇન્કાર કર્યો છે.
મેં શ્રદ્ધાનું આવું કોઈ મૂળભૂત વિશ્લેષણ નથી કર્યું. માત્ર ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના અર્થો સમજવાનો પ્રયાસ કર્યો છે. ભગત સિંહ, મહાત્મા ગાંધી કે અજમલ કસાબની શ્રદ્ધાની પણ ચર્ચા નથી કરી. મેં તો માત્ર લોકોમાં પ્રચલિત ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું અવલોકન કર્યું છે અને શ્રદ્ધા – અંધશ્રદ્ધાના વિવાદને નિરર્થક બનાવવા માટે કશાક લાભ કે રક્ષણ માટે રખાતી શ્રદ્ધાને મેં સકામ શ્રદ્ધા એવું નામ આપ્યું છે. જે લોકો ઈશ્વરને માનતા હોય, પરંતુ એની પાસેથી કશું માગતા ન હોય એમની શ્રદ્ધા માટે નિષ્કામ શ્રદ્ધા શબ્દ વાપર્યો છે. લેખના અંતમાં મેં સૂચવ્યું છે કે મંદિરનાં પગથિયાં ચડતા હોઇએ ત્યારે કે ચર્ચ અથવા મસ્જિદમાં જતા હોઈએ ત્યારે આપણે વિચારવું જોઇએ કે આપણી શ્રદ્ધા સકામ છે કે નિષ્કામ. આવું વિચારવા માટે કદાચ એ જ ઘડી વધારે યોગ્ય હશે એમ હું માનું છું. સકામ-નિષ્કામ કર્મ વિશે તો આપણે જાણીએ છીએ, મેં આ જ શબ્દોને શ્રદ્ધા પર લાગુ કર્યા છે. બસ. આટલું જ.
શ્રી સુબોધભાઇએ સાચું જ કહ્યું છે કે શ્રદ્ધાનાં રૂપોનું વિશ્લેષણ કરવાથી આપણે પોતાની શ્રદ્ધાને બરાબર ઓળખતા થઈ શકીએ એ જ મારો હેતુ છે. આવું થાય તો શ્રદ્ધાને નામે થતા ઘણા દુરાચારોથી આપણે બચી શકીએ અને “મારી શ્રદ્ધા સાચી” એવો દાવો બંધ કરીએ તો કોમવાદી વૈમનસ્યને પણ તિલાંજલી આપી શકીએ. કોઈની શ્રદ્ધાને અંધશ્રદ્ધા ન ગણાવતાં ફળની અપેક્ષાથી રખાતી શ્રદ્ધાને સકામ શ્રદ્ધા કહીએ તો શ્રદ્ધા પ્રત્યેના આપણા અભિગમ અને એમાંથી પ્રગટતાં કાર્ય વિશેનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ જાય એમ મને લાગે છે. તે સિવાય દરેક જણ બીજાની શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહેશે. વળી ભાઈ ચિરાગ કહે છે તેમ વિકલ્પ ન હોય ત્યાં સુધી ભુવા પર શ્રદ્ધા રાખ્યા વિના ચાલતું જ નથી, પણ વિકલ્પ પછી પણ શ્રદ્ધા રાખવી એ અંધશ્રદ્ધા બની રહે છે. આમ, મેં યથાસ્થિતિને બરાબર સમજવા માટે, પ્રજ્ઞાબહેન કહે છે તેમ એક “સરળ પદ્ધતિ” વિચારીને મિત્રો સમક્ષ રજુ કરી છે. દેખીતું છે કે મારી રજુઆત મારી બુદ્ધિની મર્યાદાઓને પાર ન કરી શકે.
તમે બરાબર જ કહો છો કે પ્રેમનાં શાસ્ત્રો વાંચવાથી કઈં ન વળે. એના માટે પ્રેમ કરવો જરૂરી છે. હું પણ માનું છું કે આપણે બધું બુદ્ધિથી ન સમજાવી શકીએ. કબીરદાસજીએ પણ કહ્યું છે કે “ પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય, ઢાઈ આખર પ્રેમ કા પઢૈ સો પંડિત હોય”. આ બધી લાગણીઓ બુદ્ધિથી સ્વતંત્ર રીતે કામ કરે છે. અલબત્ત, લાગણીઓની અભિવ્યક્તિનાં અમુક રૂપ બનવામાં સામાજિક માન્યતાઓ પણ ભાગ ભજવતી હોય છે. ગોરા રંગને રૂપ માનનારી પ્રજામાં શ્યામવર્ણ સ્ત્રી કે પુરુષ પ્રત્યે નજર કેવી હોય છે એ તો આપણે જાણીએ છીએ. એમના તરફ આકર્ષણ થવાની શક્યતાઓ ઓછી હોય તો આપણે માનવું જોઈએ કે લાગણીઓ પર પણ સામાજિક માન્યતાઓનો પ્રભાવ હોય છે. હું જાણું છું કે તમે અથવા કબીરદાસજી નિષ્કામ પ્રેમની વાત કરો છો, તેમ છતાં લાગણીઓ અને સમાજના પ્રભાવ તરફ એકંદરે ધ્યાન દોરવાનું જરૂરી લાગ્યું, કારણ કે તમે બહુ ઊંચા પ્રકારની વાત કરો છો, જ્યારે હું બહુ સાધારણ સ્તરે, સમાજમાં પ્રચલિત ધારણાઓની જ વાત કરૂં છું.
એ જ રીતે તમે ‘ધર્મો’ને બદલે ધર્મ શબ્દ વાપરવાની વાત કરો છો તેમાં પણ આપણા વિચારો અલગ નથી. આપણે પંથો, વિચારધારાઓને ‘ધર્મ’ કહી દઈએ છીએ. હું માનું છું કે આ ‘ધર્મ’ પણ માનવીય બુદ્ધિના વિકાસનું પરિણામ છે. એટલે જ મેં પહેલાં કહ્યું છે કે ઈશ્વર, ધર્મ, શ્રદ્ધા વગેરે શબ્દોના અર્થ વિસ્તર્યા અથવા વિકૃત થયા છે. શરૂઆતમાં એનો જે અર્થ થતો હતો તે આજે નથી થતો. અર્થ બદલાઈ ગયા છે એવી પ્રતીતિ ન થાય, એ બૌદ્ધિક સમજ છે, શરૂઆતમાં એનો શો અર્થ હશે તેનો વિચાર કરતાં એમ લાગ્યું કે ધર્મ મૂળમાં જીવન માટે આવશ્યક નીતિઓનો સંપુટ હતો. એ માત્ર જીવવા માટેની આવશ્યક શરતોના રૂપમાં હતો. જૈન અને બૌદ્ધ મતો તો એવું દેખાડે છે કે ધર્મને ઈશ્વર વિના તો ચાલશે પણ નીતિ વિના નહીં ચાલે. નાસ્તિકને પણ નીતિ વિના ન ચાલે. નીતિઓ જીવનને સુચારુ રીતે ચલાવવામાં ઉપયોગી થાય તો એને એ જમાનાના સમાજશાસ્ત્રનું નામ આપવામાં કઈં ખોટું નથી.
આમ ધર્મ સમાજ સાથે જોડાઈ શકે છે. પરંતુ તમે મને મનની શાંતિ શોધવાનું કહ્યું છે. એ તો, સામાજિક નહીં, વ્યક્તિગત ઉપાય થયો, સર્વધર્માન્ પરિત્યજ્ય…? બધી ફરજોનો ત્યાગ કરીને જ આ ઉપાય કરીશકાય ને? આપણે નકારવાદી (નિહિલિસ્ટ) બનીએ તો કદાચ આવી શાંતિ પ્રાપ્ત થાય. તમે કહો છો કે “જીવનના ખુબ જ થોડા દિવસો બચ્યા છે ત્યારે આવી ચર્ચાઓ જેનુ પરિણામ નિશ્ચિતરુપે પીડા અને દુખ છે તે શું ઉપયોગી થશે તે વિચારી જોજો.” જીવન જેટલું ગયું એના ચોથા ભાગ જેટલું જ રહ્યું હોય તો પણ મોટી વાત હશે, પરંતુ પીડા અને દુઃખ તો “ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં કોઈનાં નવ ટળે”! આ ચર્ચાઓ તો ઠીક, દુનિયામાં એટલાં બધાં દુઃખ છે કે આપણે એકલા, સમાજથી કપાઈને શાંતિ ઝંખીએ એ વાજબી ગણાય કે કેમ એ પણ વિમાસણ છે.
મારા માટે આ દુનિયા માયા નથી. એ નક્કર વાસ્તવિકતા છે, જેને હું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ઘ્રાણ દ્વારા જાણું છું. આના સિવાય કશુંક હોવાની કલ્પના માત્ર કલ્પના જ રહે છે. આપણે આ દુનિયામાં જીવીએ અને જોઇએ છીએ કે એક બાજુ કારમી ગરીબાઈ છે અને બીજી બાજુ ખૂટ્યું ન ખૂટે એટલું ધન છે. અખબાર હાથમાં લો અને બળાત્કારના, ભ્રષ્ટાચારના સમાચાર વાંચો. જન્મના આધારે, ચામડીના રંગના આધારે થતા ભેદભાવો અને આજે પણ ગામોનાં ગામો જીવતાં સળગાવી દેવાના બનાવો બનતા રહે છે. ભૃણ હત્યા, દહેજના નામે હત્યા, અંધશ્રદ્ધાને કારણે લાલચવશ અપાતા માનવબલિ, મઠો, મહેલો અને સત્તાધીશોના નિવાસોના દંભી પરદાઓ પાછળ ખેલાતા વ્યભિચારો…, દુનિયાના અધમ વ્યવહારો સામે બોલ્યા વગર મનને શાંતિ કેમ મળે? જેટલું બોલાય તેટલું બોલીએ. જેટલું થઈ શકે એટલું કરીએ. તમે સમજી શકશો કે આ બધું કહું છું તે બુદ્ધિથી નહીં, હૃદયથી જ કહું છું. બુદ્ધિ વિના હૃદય સમજી નહીં શકે અને નપુંસક આક્રંદ કરતું રહેશે, અને હૃદય વિના બુદ્ધિ કોરા તર્ક કરીને તૃપ્ત થઈ જશે. આંખ અને કાન માત્ર દુનિયા પાસેથી લઈ શકે છે, માત્ર બુદ્ધિ જ એવી છે કે જે દુનિયાને કઈંક આપી પણ શકે છે. હૃદયની ઝંખનાને માત્ર બુદ્ધિ જ સાકાર કરી શકે. મુક્તિ અને શાંતિની પ્રતીતિ માત્ર ભ્રમણા હોય તો એ પણ બુદ્ધિ જ કહી શકે. નહીંતર ભ્રમણામાં જ રાચતા રહીએ. મોટા ભાગે તો આવી મુક્તિ પલાયનવાદનું નામ હોય છે. જીવનમુક્ત સહેલાઈથી થઈ શકાતું હોત તો “એક ઢૂંઢો, જઝાર મિલતે હૈં” જેવી સ્થિતિ હોત. આવી વિરલતાને જ કારણે ધર્માચાર્યોના રૂપમાં ફરતા સેલ્સમેનો એના સેલમાં સફળ રહ્યા છે
મને ખબર છે કે મારો માર્ગ મોક્ષનો નથી, મનની શાંતિનો નથી. આ દુનિયા પરથી નજર હટાવી લેવાથી જ એ શાંતિ મળશે. શું કરીશ એવી એકાંતિક શાંતિનું? ‘વ્રજ વ્હાલું રે વૈંકુંઠ નહીં આવું… ખરો સવાલ એ છે કે આજે આપણે સમાજને, આ દુનિયાને અવગણીને જીવી શકીએ? જે કઈં જોઈએ છીએ તે પછી તો એમ લાગે છે કે આપણાં મન જરૂર કરતાં પણ વધારે શાંત છે. જરૂર છે, મનની અશાંતિની.
અને અનુભૂતિ કે પ્રતીતિની તમે વાત કરો છો તેવા જ અનુભવ પણ થયા છે, પણ આ શરીરમાં થયેલા અનુભવને હું આધ્યાત્મિક ગણાવવા માગતો નથી. પરંતુ હું બાવીસ-ત્રેવીસનો હતો ત્યારે એક સંપ્રદાયના ગુરુ મને શિષ્ય બનાવવા માગતા હતા. એમણે મારી ઇચ્છાઓ પૂછી. મેં કહ્યું ઘણી ઇચ્છાઓ છે. એમણે મને શરણમાં લેવાની તૈયારી દેખાડી. મેં ના પાડી અને કહ્યું કે ભગવાને મને બે હાથ, બે પગ અને એક મગજ આપીને સાધનો તો આપી જ દીધાં હવે હું ફરી ભગવાન પાસે માગવા જઈશ નહીં. આજે ચાળીસ વર્ષ પછી પણ મને મારી ભૂલ સમજાઈ નથી.
ઘણું ફર્યો. ગીતા, ન્યૂ ટેસ્ટામેન્ટ. કુર-આન, થોડાક રજનીશ, વધારે કૃષ્ણમૂર્તિ, થોડાઘણા ગુર્જિયેફ, ચપટીભર આનંદ માર્ગ, આવતાંજતાં ગાંધી, માર્ક્સ, રસેલ. – બધા જ ગુરુઓ છે. અને એમનું ઋણ એટલી હદે સ્વીકારૂં છું કે મને નથી લાગતું કે મારામાં કઈં મૌલિકતા જેવું કઈં છે. મૌલિકતા માત્ર એટલી જ કે એ માથા પર ચડવા લાગ્યા છે તે સાથે જ નીચે ઉતારીને ચાલતો થયો છું. ગુરુ વિના જ ચાલું છું. અંતમાં મારી જ ભાવનાને સબળતાથી વ્યક્ત કરતા તમારા મહામૂલા શબ્દો વાપરૂં? આ રહ્યા તમારા શબ્દોઃ
“તમારી જાતથી વધુ સારો દુનિયામાં કોઈ ગુરુ નથી હોતો. પણ પ્રમાણિકતાપૂર્વક જાત સાથે જીવતા અને જાતને ઑળખતા શીખવું પડે છે. બાહ્ય ગુરુ તો ફક્ત ઈશારા જ કરી શકે છે યાત્રા તો જાતે જ કરવી પડે છે અને આ હોશપૂર્વકની યાત્રા જ ધર્મની સાધના છે.”
શરદભાઈ, તમે મારી વિનંતિથી કૉમેન્ટ પ્રકાશિત કરવાની પરવાનગી આપી તે બદલ ફરીવાર આભાર માનું છું. ‘મારી બારી’નું તો શું! એનામાં તાકાત હશે અને તમારા જેવા મિત્રોનો સદ્ભાવ હશે ત્યાં સુધી ખુલ્લી રહેશે. બાકી તે સિવાય આમાં મૂડી તો રોકી નથી કે બંધ થાય તો અફસોસ કરવા બેસું. બસ બારી આપણને મળવાનું નિમિત્ત પૂરૂં પાડે છે, એટલું જ. મળવાનાં નિમિત્ત હોય તો ચૂકશો નહીં એવી વિનંતિ સાથે આજે તો રજા લઉં.
તમારા મિત્ર દીપકનાં વંદન.

Andhashraddha, Sakaam Shraddha, Nishkaam Shraddha

અંધશ્રદ્ધા, સકામ શ્રદ્ધા, નિષ્કામ શ્રદ્ધા

શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા. આ ત્રણ શબ્દો એવા છે કે જ્યારે પણ આપણે ભગવાન  વિશે ચર્ચા કરીએ ત્યારે વિવાદ છેડાઈ જાય છે. આમ તો, શ્રદ્ધા શબ્દને માત્ર ઈશ્વરના અસ્તિત્વ સાથે સંબંધ નથી. શ્રદ્ધા કોઈ પણ વ્યક્તિ કે ધ્યેયમાં હોઈ શકે છે. કોઈને પોતાના શિક્ષક પર, માતાપિતા પર કે અમુક ધ્યેય એક ચોક્કસ રસ્તે જ સિદ્ધ થઈ શકશે એ જાતની શ્રદ્ધા હોઈ શકે છે. આમાં અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા જેવું કશું આવતું નથી. માત્ર શ્રદ્ધા જ હોય. પરંતુ ઈશ્વર વિશે વાત આવે ત્યારે શ્રદ્ધાની પરિકલ્પનાનો વિસ્તાર થાય છે અને અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા જેવા શબ્દોનો જન્મ થાય છે.

 આમાં અશ્રદ્ધા તો જાણે સમજ્યા, પણ અંધશ્રદ્ધા બહુ ગૂંચવી દે તેવો શબ્દ છે.  અંધશ્રદ્ધા એટલે શું? આ બાબતમાં નાસ્તિકોમાં જ નહીં, આસ્તિકોમાં પણ એકમતી નથી. જો કે નાસ્તિકો તો કહી દેશે કે ઈશ્વર છે એમ માનવું, એ જ સૌથી મોટી અંધશ્રદ્ધા છે, પરંતુ આસ્તિકો અમુક કાર્ય કે ક્રિયાને અંધશ્રદ્ધાથી પ્રેરિત માનશે, જ્યારે અમુકને શ્રદ્ધાથી પ્રેરિત માનશે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સમાજના પ્રભુત્વશાળી વર્ગની વ્યાખ્યા પ્રમાણે કરેલાં કાર્યો શ્રદ્ધા પ્રેરિત મનાય છે, જ્યારે અન્ય વર્ગોનાં કાર્યોને અંધશ્રદ્ધા પ્રેરિત ઠરાવી દેવાય છે. દાખલા તરીકે, એક આદિવાસી બીમાર પડે ત્યારે એની ઈષ્ટદેવીને મરઘા કે બકરાનો બલિ ચડાવે તો એને આપણે અંધશ્રદ્ધા કહી દઇએ, પણ આપણે પોતે બીમાર પડીએ ત્યારે ભગવાનને પ્રસાદ ધરાવીએ કે નાળિયેર ચડાવીએ તે શ્રદ્ધા ગણાય. આનું કારણ એ જ કે સમાજમાં આપણું વર્ચસ્વ છે એટલે આપણા કૃત્યને આપણે શુદ્ધ શ્રદ્ધા ગણાવી શકીએ છીએ.

ખરૂં જોતાં, આપણે દવાથી સાજા થઈએ છીએ. બીજી બાજુ, આદિવાસી માત્ર ઈશ્વર પર ભરોસો રાખે છે અને દવા નથી કરતો. આમ, સાચી શ્રદ્ધા તો એની ગણાય! ઍ માને છે કે જેવી ભગવાનની મરજી. આપણે માત્ર ભગવાનને ભરોસે બેસી નથી રહેતા. દવાથી સાજા થયા પછી ભગવાન પાસે જઈએ છીએ, કારણ કે ચાન્સ લેવા નથી માગતા, રખે ને એણે પણ આપણને સાજા કરવામાં કઈંક ભાગ ભજવ્યો હોય!

આવા જ એક વિષય પર આપણા વ્યંગકાર શ્રી હરનિશભાઈ જાની સાથે પત્રવ્યવહાર થયો. એમણે પોતાનાં માતાનું ઉદાહરણ આપ્યું કે તેઓ શ્રદ્ધાળુ હતાં, એ દિવસોમાં સંતોષીમાતાની બોલબાલા વધવા લાગી હતી. હરનિશભાઈનાં માતૃશ્રીને કોઇએ સંતોષીમાતાની પૂજા કરવા કહ્યું તો એમણે ના પાડી. ભલે ને, સંતોષી માતા મનની બધી ઇચ્છાઓ પૂરી કરે, એમને એની પડી નહોતી. તેઓ ન ગયાં અને પોતાની શ્રદ્ધાનું કેન્દ્રબિન્દુ ન બદલ્યું.

આ વાતે અંધશ્રદ્ધા શબ્દનું સારૂં વિશ્લેષણ કરી આપ્યું. બધી અંધશ્રદ્ધા ખરેખર તો ઇચ્છાપૂર્તિ માટેની લાલસા છે. એની પાછળ એક ઇચ્છા કે કામના રહેલી હોય છે. આથી, કોઈ પણ ઇચ્છાપૂર્તિ માટેની શ્રદ્ધા સકામ શ્રદ્ધા છે. પછી એ નિરક્ષર આદિવાસીની હોય કે આપણા જેવા સુધરેલા જણની. આમ અંધશ્રદ્ધાને સકામ શ્રદ્ધા જેવું નામ આપવું જોઇએ. કામના પૂરી કરવા માટે માણસ કઈં પણ કરવા તૈયાર હોય છે. મોટા ભાગની શ્રદ્ધા સકામ શ્રદ્ધા જ હોય છે.

તો નિષ્કામ શ્રદ્ધા પણ હોઈ શકે ખરી? હોઈ શકે છે. હરનિશભાઈનાં માતૃશ્રીની શ્રદ્ધાને  નિષ્કામ શ્રદ્ધાના વર્ગમાં મૂકી શકાય કારણ કે એમણે ઇચ્છાપૂર્તિ માટે શ્રદ્ધાનું કેન્દ્ર ન બદલ્યું. એમની શ્રદ્ધામાં ઇચ્છાનું મહત્વ નહોતું. ઈશ્વર એક હોય કે અનેક; અથવા આપણે એમ કહેતા હોઇએ કે બધાં ઈશ્વરનાં જુદાં જુદાં રૂપો છે અને દરેક રૂપે એક જ ઈશ્વરની પૂજા કરીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરની નહીં પણ આપણી શ્રદ્ધાની તપાસ કરવી જોઇએ કે એ સકામ શ્રદ્ધા છે કે નિષ્કામ?

નિષ્કામ શ્રદ્ધામાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર છે, પણ એની પાસેથી કશું માગવાનું નથી. બસ, તમે માનો છો કે ઈશ્વર છે અને તમે એક શક્તિની સમક્ષ, આશા કે ડર વિના નતમસ્તક થાઓ છો. આમ ઈશ્વરની બે અવધારણાઓ બને છે. સકામ શ્રદ્ધાળુ માને છે કે ઈશ્વર એની ઇચ્છાઓ પૂરી કરવા માટે કઈં પણ કરે છે. સૃષ્ટિના એણે જ બનાવેલા નિયમો પણ એ બદલી નાખે છે. નિષ્કામ શ્રદ્ધાળુ માને છે કે ઈશ્વર છે, પરંતુ વ્યક્તિગત ઇચ્છાઓ પૂરી કરવાની જવાબદારી એની નથી. ઇચ્છા પૂરી ન થાય તો એના માટે પણ ઈશ્વર જવાબદાર નથી.

ધર્મ અને ઈશ્વર બે અલગ વિભાવનાઓ છે. બન્ને વિભાવનાઓ સમાજના વિકાસના એક તબક્કે ભળી ગઈ છે.  ધર્મ માણસની આવશ્યકતામાંથી જન્મ્યો છે. સસ્તન પ્રાણીઓમાં માણસનું મગજ ન વિકસ્યું હોત તો એ કઈં શારીરિક રીતે તો સબળ નથી જ. કોઈ પણ પ્રાણી એને મારી નાખે એમ છે. કચ્છમાં ઊંટો સહેલાઇથી જોવા મળે, સાડાપાંચ ફુટનો માણસ આગળ અને પાછળ દોરીથી બંધાયેલો દસ ફુટનો ઊંટ જતો હોય. અમારા એક મઝાકિયા મિત્ર કહેતા – “આ ઊંટિયો બાઘો છે, હું જો ઊંટ હોત તો આ માણસનું પાછળથી ડોકું ખાઈ જાત!” પણ ભાઈ, તમે ઊંટ હોત તો આમ જ શાંતિથી ચાલ્યા જતા હોત! કારણ કે મગજ તો માણસનું વિકસ્યું છે, ઊંટનું નહીં.

વિકસેલા મગજે માણસને જીવન ટકાવી રાખવાના નવા જ રસ્તા દેખાડ્યા છે, જે અન્ય પ્રાણીઓ નથી જાણતાં. માણસ વ્યક્તિગત રીતે તો ચિરંજીવી ન બની શકે એટલે એણે બીજા મારફતે જીવતા રહેવાનું છે.  પોતાના જીન્સ બીજી પેઢી સુધી પહોંચાડવા હોય તો પોતાની પ્રજાતિમાં એણે સહકારથી રહેવું પડે. સહકારથી રહેવામાં બાંધછોડ કરવી પડે. આ સમજ એને મગજે આપી. આમાંથી DOs and DON’Ts બન્યાં. એ જ તો નીતિ નિયમ! સમાજના વિકાસ સાથે એ ધર્મ બન્યો. મૂળ તો શ્રી મૂરજીભાઈ ગડા કહે છે તેમ એ સમાજશાસ્ત્ર જ છે. સમાજ તો સતત બદલાતો રહે છે એટલે મૂળભૂત નીતિ નિયમો – સહકારના નિયમો – ટકી રહે તો પણ બીજા ગૌણ નિયમોમાં ફેરફાર જરૂરી બની જતો હોય છે. આપણી પરંપરાઓને આપણે આ દૃષ્ટિએ જોવી જોઈએ.

ધર્મ આવશ્યકતામાંથી જન્મ્યો, તો ઈશ્વર માનવની પોતાની અસમર્થતાના અહેસાસમાંથી જન્મ્યો. ધીમે ધીમે ઈશ્વરની અવધારણા વ્યાપક અને અમૂર્ત બનતી ગઈ. પરંતુ, અહીં એના વિશે ચર્ચા નથી કરવી. માત્ર એના વિશેની આપણી ધારણાની જ ચર્ચા કરી છે. આ ધારણા પરથી જ નક્કી થશે કે આપણી શ્રદ્ધા કયા પ્રકારની છે. મંદિરનાં પગથિયાં ચડતી વખતે, ચર્ચમાં પ્રભુના પુત્રને યાદ કરતી વખતે કે અલ્લાહતાલા સમક્ષ સિઝ્દાહ કરતી વખતે આપણા મનમાં આ સવાલ રહે કે મારી શ્રદ્ધા સકામ છે કે નિષ્કામ – તો આપણે બધી જ અંધશ્રદ્ધાઓનો ઉચ્છેદ કરી શકીએ.

xxxxxx

 

 

 

%d bloggers like this: