india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-53

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫૩: કૅબિનેટ મિશન (૧)

૨૩મી માર્ચે ભારત આવ્યા પછી તરત કૅબિનેટ મિશનના સભ્યોએ દેશની જુદી જુદી પાર્ટીઓના નેતાઓને મળવાનું શરૂ કરી દીધું. મિશને સ્પષ્ટતા કરી દીધી કે એની પાસે કોઈ નક્કર યોજના નથી, એમનો હેતુ અહીં આવીને બધા પક્ષોને સંતોષ થાય એવી યોજના ઘડવાનો હતો. વાતચીતોનો રાઉંડ પૂરો થયા પછી લૉર્ડ પૅથિક લૉરેન્સે કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદ અને મુસ્લિમ લીગના પ્રમુખ મહમ્મદ અલી જિન્નાને પત્ર લખ્યા અને બન્ને વચ્ચે સમજૂતી થાય તે માટે ફરી એક પ્રયાસ કરવાનો પોતાનો વિચાર જણાવ્યો. એમણે આના માટે બન્ને પાસેથી વાતચીત કયા આધારે થઈ શકે તેની દરખાસ્તો માગી. એમણે એક યોજનાનો મુસદ્દો પણ આપ્યો અને બન્નેને કૅબિનેટ મિશન અને વાઇસરૉય સાથે વાતચીત માટે ચાર-ચાર પ્રતિનિધિઓ મોકલવા વિનંતિ કરી.

એમણે જે સિદ્ધાંત સુચવ્યો તે આ પ્રમાણે હતો:

એક સંઘ સરકાર બને, જે વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશવ્યવહાર સેવા સંભાળે; પ્રાંતોનાં બે ગ્રુપ બનાવવાં, એક ગ્રુપમાં હિન્દુ બહુમતીવાળા પ્રાંતો હોય અને બીજામાં મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો હોય. બન્ને ગ્રુપને એ કામો સોંપાય જે એમાં રહેલા પ્રાંતો સૌના સામાન્ય વિષય તરીકે સ્વીકારે. તે સિવાયના બધા વિષયોમાં પ્રાંતિક સરકારને બધી સત્તા આપવી. દેશી રજવાડાં જાતે જ નક્કી કરે કે કયા ગ્રુપમાં જોડાવું; અને એના માટે એમની સાથે વાટાઘાટ કરવી.

કોંગ્રેસની વર્કિંગ કમિટી એ જ દિવસે એના પર વિચાર કરવા માટે બેઠી અને બીજા દિવસે મૌલાના આઝાદે લૉર્ડ પૅથિક લૉરેન્સને જવાબ મોકલ્યો, જેના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છેઃ

  • કોંગ્રેસ હિન્દુસ્તાનના ભવિષ્યને લગતી કોઈ પણ બાબત વિશે મુસ્લિમ લીગ અથવા બીજા કોઈ પણ સંગઠન સાથે ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ તમે જે મૂળભૂત સિદ્ધાંત સુચવ્યા છે, એનો વિસ્તાર કરવાની અને વધારે ખુલાસા સાથે દેખાડવાની જરૂર છે.
  • અમે સ્વાયત્ત એકમોનું ફેડરલ યુનિયન હોય એમ કલ્પીએ છીએ. સંરક્ષણ અને એવા જ મહત્ત્વના મુદ્દા ફેડરલ યુનિયન હસ્તક જ રહેવા જોઈએ અને એના માટે એના હાથમાં કાયદા ઘડવાની ધારાકીય અને કારોબારી સત્તા હોવી જોઈએ અને એ વિષયો માટે જરૂરી નાણાં ઊભાં કરવા માટે આવકના સ્ર્રોત પણ હોવા જોઈએ. આ સત્તા ન હોય તો સંઘ સરકાર નબળી રહેશે એટલે વિદેશ ખાતું, સંરક્ષણ ખાતું અને સંદેશવ્યવહાર સેવા ઉપરાંત, ચલણ, કસ્ટમ, ટૅરીફ અને એવા બીજા યોગ્ય વિષયો પણ સંઘ સરકાર પાસે હોવા જોઈએ.
  • તમે બે હિન્દુ પ્રાંતોનું ગ્રુપ અને મુસ્લિમ પ્રાંતોનું ગ્રુપ, એવી દરખાસ્ત મૂકી છે તે બહુ સ્પષ્ટ નથી. મુખ્યત્વે મુસ્લિમોની જ વસ્તી હોય તેવા બે જ પ્રાંત, વાયવ્ય સરહદ પ્રાંત અને સિંધ, છે. પંજાબ અને બંગાળમાં મુસલમાનોની બહુમતી પાતળી છે. અમે એમ પણ માનીએ છીએ કે ધર્મ કે કોમના ધોરણે ગ્રુપો બનાવીને એમાં પ્રાંતોને ફરજિયાત મૂકવા એ ખોટું છે.
  • કોઈ ગ્રુપમાં જોડાવું કે ન જોડાવું, તેનો નિર્ણય કરવાની સત્તા પણ તમે પ્રાંતોને નથી આપતા.
  • અમે માનીએ છીએ કે દેશી રાજ્યોએ સમાન વિષયોની બાબતમાં ફેડરલ યુનિયન સાથે જોડાવું જોઈએ. રજવાડાં કઈ રીતે ફેડરલ યુનિયનમાં જોડાશે તેની રીત પછી નક્કી કરી શકાય.
  • તમે મૂળભૂત સિદ્ધાંતની વાત કરો છો પણ મૂળભૂત મુદ્દો ભારતની આઝાદીનો અને એના પરિણામે બ્રિટિશ સેનાને ભારતમાંથી હટાવી લેવાનો છે, એનો તો ઉલ્લેખ પણ નથી. અમે માત્ર આ મુદ્દાના આધારે જ ભારતના ભવિષ્ય વિશે કે કોઈ વચગાળાની વ્યવસ્થા વિશે ચર્ચા કરી શકીએ.

મૌલાના આઝાદે ચાર સભ્યોના ડેલીગેશનમાં કોંગ્રેસ પ્રમુખની રૂએ પોતાનું અને તે ઉપરાંત જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને ખાન અબ્દુલ ગફાર ખાનનાં નામ મોકલાવ્યાં.

જિન્નાએ પણ ૨૯મીએ જવાબ આપી દીધો. એમણે કૅબિનેટ મિશન અને વાઇસરૉય મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી કરાવવાના પ્રયાસ કરે છે તેની પ્રશંસા કરી. એમણે ૧૯૪૦ના પાકિસ્તાન ઠરાવ તરફ પણ ધ્યાન દોર્યું અને કહ્યું કે હાલમાં નવમી ઍપ્રિલે જ મુસ્લિમ લીગના નવા ચુંટાયેલા સભ્યોએ એમની ખાસ બેઠકમાં આ ઠરાવ પર ભાર મૂક્યો છે.

તે ઉપરાંત, મૌલાના આઝાદની જેમ એમણે પણ કહ્યું કે લૉર્ડ પૅથિક લૉરેન્સના પત્રમાં દર્શાવેલા સિદ્ધાંતોની વિશદ છણાવટની જરૂર છે. તે પછી એમણે કહ્યું કે લીગની વર્કિંગ કમિટી કોઈ રીતે બંધાયા વિના ભારતના બંધારણ માટેનું સર્વસ્વીકૃત સમાધન શોધવાના પ્રયાસમાં મદદ કરવા તૈયાર છે, અને એના માટે ચાર પ્રતિનિધિઓ નીમે છે – જિન્ના પોતે, નવાબ મહંમદ ઇસ્માઇલ ખાન, નવાબ્ઝાદ લિયાકત અલી ખાન અને સરદાર અબ્દુર રબ નિસ્તાર.

સિમલામાં ત્રિપક્ષી બેઠક

પ્રારંભિક પત્રવ્યવહાર પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ સિમલામાં મળ્યા. કોંગ્રેસ વર્કિંગ કમિટી અને કૅબિનેટ મિશનના આગ્રહથી ગાંધીજી પણ સિમલા ગયા. મે મહિનાની પાંચમીથી બારમી તારીખ સુધી એમની મંત્રણાઓ ચાલી. મિશને સૌને એજંડા આપ્યો તેમાં પ્રાંતોનાં ગ્રુપનું સ્વરૂપ શું હોય, ગ્રુપના વિષયો કેમ નક્કી કરવા, સંઘ સરકારના વિષયો, એનું સ્વરૂપ,સંઘ સરકાર માટે નાણાં વ્યવસ્થા, બંધારણ બનાવવા માટેના તંત્રની રચના, એનાં સંઘને લગતાં, ગ્રુપને લગતાં અને પ્રાંતોને લગતાં કાર્યો વગેરે વિષયો હતા.

પહેલા દિવસની ચર્ચાઓ પછી બીજા દિવસે (છઠ્ઠી તારીખે) મૌલાના આઝાદે લૉર્ડ પૅથિક લૉરેન્સને પત્ર લખ્યો કે ગઈકાલની વાતચીત સ્પષ્ટ નહોતી. એમાંથી શું નીકળતું હતું તે સમજાયું નહીં. અમે સમજૂતીનો આધાર શોધવાના કોઈ પણ પ્રયાસમાં સામેલ રહેવા માગીએ છીએ, પણ અમે અમારી જાતને, કૅબિનેટ મિશનને કે મુસ્લિમ લીગના પ્રતિનિધિઓને ઠગવા નથી માગતા કે અત્યાર સુધી જે રીતે વાતચીત ચાલી છે તેમાંથી કંઈક આશા પેદા થાય છે. મેં મારા ૨૮મી ઍપ્રિલના પત્રમાં લખ્યું હતું કે અમુક ધારણાઓ શરૂઆતના તબક્કામાં જ નકી કરી લેવી પડશે, તે સિવાય પ્રગતિ ન થઈ શકે. પણ આ દૃષ્ટિકોણ પર જરાય ધ્યાન નથી અપાયું. મેં લખ્યું હતું કે મૂળ મુદ્દો ભારતને આઝાદી આપવાનો અને બ્રિટનની સેનાને ભારતમાંથી હટાવી લેવાનો છે. ગઈકાલની વાતચીતમાં મેં આ મુદ્દો ફરી વાર ઉઠાવ્યો અને તમે સૌએ એનો સ્વીકાર કર્યો. તમે કહ્યું કે બંધારણ સભા આઝાદ ભારત અને ઇંગ્લેંડ વચ્ચેના સંબંધો નક્કી કરશે. એ સાવ સાચું છે પણ તેની અસર હમણાંના વલણ પર પડતી નથી, એટલે કે, “આઝાદી હમણાં’ નો સ્વીકાર કરવો જોઈએ. આની કેટલીક અસરો છે પણ ગઈકાલની વાતચીતમાં એના પર બરાબર વિચાર ન થયો. જેમ કે, બંધારણ સભાએ આઝાદીનો પ્રશ્ન વિચારવાનો નથી, એ નક્કી થઈ ગયો છે. બંધારણ સભા આઝાદ હિન્દુસ્તાનીઓની ઇચ્છાનું પ્રતિબિંબ પાડશે અને લાગુ કરશે. આઝાદીથી પહેલાં કરાયેલી કોઈ પણ વ્યવસ્થા એના માટે બંધનકર્તા નહીં હોય.

ગઈકાલે (પાંચમી તારીખે) આપણી ચર્ચાઓમાં પ્રાંતોનાં ગ્રુપો સાથે મળીને કામ કરશે એવી વાત પણ આવી. આવાં ગ્રુપોને કારોબારી અને ધારાકીય સતાઓ પણ હશે એવુંય ચર્ચાયું. હું એ ચોખ્ખા શબ્દોમાં કહેવા માગું છું કે આવી વ્યવસ્થા કોંગ્રેસ સ્વીકારતી નથી, કારણ કે ગ્રુપોને આવા અધિકાર આપવા તે ફેડરેશનની અંદર પેટા-ફેડરેશન બનાવવા જેવું છે. કોંગ્રેસને આ મંજૂર નથી. આવી સત્તાઓ આપીએ તો ત્રણ સ્તરે કારોબારી અને ધારાકીય સત્તાઓ ઊભી થશે. આ ખી વ્યવસ્થા બહુ જ ગુંચવાડાભરી બની જશે. ગ્રુપો એક સમાન હોય તે બરાબર છે, પણ કારોબારી કે ધારાકીય સત્તાઓની બાબતમાં પણ એમને એવી જ એકસમાન સ્વાયત્ત સતાઓ આપવાનું અમે સ્વીકારતા નથી.

આ પછી લૉર્ડ પૅથિક લૉરેન્સે આઠમી તારીખે કોંગ્રેસ અને લીગના પ્રમુખોને એક વિગતવાર પત્ર લખ્યો અને એમાં હમણાં સુધી થયેલી ચર્ચાઓને આધારે સમજૂતીનો આધાર ઊભો થતો દેખાયો તે દર્શાવીને ચર્ચા માટે નવા મુદ્દા મોકલ્યા.

એમનો આ પત્ર અને એના પર કોંગ્રેસ અને લીગનો પ્રતિભાવ આવતા પ્રકરણમાં જોઈશું. પૅથિક લૉરેન્સની આ દરખાસ્તો બહુ ધ્યાન આપવા લાયક છે અને એના પર મૌલાના આઝાદ અને જિન્નાના વિચારો પણ મહત્ત્વના છે, એટલે આજે તો આટલું બસ છે.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register – Jan-June Vol. I-1946

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-52

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫૨: ચૂંટણીઓમાં મુસ્લિમ લીગને જબ્બર સફળતા અને કૅબિનેટ મિશન

આપણે (૪૭મા પ્રકરણમાં) જોયું કે વાઇસરૉય વેવલે સેંટ્રલ અને પ્રાંતિક ઍસેમ્બ્લીઓની ચૂંટણી જાહેર કરી અને કોંગ્રેસે ચૂંટણીમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. આ ચૂંટણી કોંગ્રેસના કાર્યક્રમના પ્રચારપ્રસાર માટે જરૂરી હતી, પરંતુ મુસ્લિમ લીગ માટે તો એ જીવન-મરણના ખેલ જેવી હતી. મુસ્લિમ લીગ જો મુસ્લિમ બહુમતીવાળા પંજાબ અને બંગાળમાં નબળો દેખાવ કરે તો પાકિસ્તાન બનાવવાની વાત જ ભૂલી જવી પડે. એટલે જિન્નાએ કમર કસી લીધી. ૧૯૪૫ના અંતમાં થયેલી આ ચૂંટણીએ દેશનું ભાવિ નક્કી કરી આપ્યું, એટલું જ નહીં, પાકિસ્તાનનો નક્શો પણ બનાવી દીધો. એક બાજુથી, આઝાદ હિન્દ ફોજના કેસો ચાલતા હતા અને સરકારે તેલ જોયું, તેલની ધાર જોઈ અને શાહ નવાઝ ખાન, પ્રેમ કુમાર સહગલ અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોંને છોડી મૂક્યા તેથી જનતાનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો પણ ચૂંટણીઓએ દેખાડી આપ્યું કે દેશ કઈ દિશામાં જતો હતો.

દાર-ઉલ-ઉલૂમ દેવબંદના ઉલેમાઓ કહેતા કે ઇસ્લામની સરહદો ન હોય, એટલે એ પાકિસ્તાનની વિરુદ્ધ હતા પણ એમનામાંથી જ કેટલાક એવા નીકળ્યા, જે પાકિસ્તાનની હિમાયત કરવા લાગ્યા. એમણે તો જાતે જ ચૂંટણીમાં મુસ્લિમ લીગનો પ્રચાર કરવાની તૈયારી દેખાડી. લીગ માટે તો જાણે કોળિયો ઊડતો આવ્યો અને મોઢામાં ઝિલાયા જેવું થયું. એણે ૨૪ મૌલાનાઓને પસંદ કરીને પ્રચાર માટે ઠેકઠેકાણે મોકલ્યા. પરિણામ એ આવ્યું કે ઇસ્લામના નામે ગરીબ મુસલમાનો પણ લીગ તરફ વળ્યા. જો કે, મતદાન માટેની પાત્રતાના નિયમો નહોતા બદલાયા, એટલે માંડ એક ટકા વસ્તીને મત આપવાનો અધિકાર હતો, પરંતુ વાતાવરણમાં પાકિસ્તાન ગૂંજતું થઈ ગયું. આ પાકિસ્તાનની કોઈની કલ્પના નવા મદીનાની હતી તો કોઈને માટે એ મુસલમાનોનું બિનસાંપ્રદાયિક રાજ્ય હતું. પરંતુ એકંદરે પાકિસ્તાન મુસલમાનોના મનમાં આકાર લઈ ચૂક્યું હતું અને એમાં ધર્મ વધારે દેખાતો હતો.

ઑગસ્ટ ૧૯૪૫માં વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલના સભ્ય સર ફિરોઝખાન નૂને કાઉંસિલમાંથી રાજીનામું આપ્યું અને લીગમાં જોડાયા. એમણે કહ્યું કે “લીગની સાથે ન હોય તેવા મુસલમાનને મત આપવો તે ઇસ્લામની વિરુદ્ધ મત આપવા બરાબર છે.” તે ઉપરાંત, અલીગઢના પંદરસો વિદ્યાર્થીઓને તાલીમ આપીને લીગના પ્રચાર માટે તૈયાર કરાયા. એમણે ગામેગામ જઈને જ્યાં મુસલમાનો લીગનું નામ પણ નહોતા જાણતા ત્યાં પહોંચાડ્યું.

ચૂંટણીમાં સામ્યવાદીઓએ સામાન્ય સીટો પર તો કોંગ્રેસને ટેકો આપ્યો, પણ મુસલમાનો માટેની સીટો માટે એ મુસ્લિમ લીગની તરફેણમાં રહ્યા. જો કે લીગને એમના ટેકાની જરૂર નહોતી અને વિરોધની પરવા નહોતી.

ચૂંટણીનાં પરિણામો જોઈએ તો, કુલ ૧૧ પ્રાંતોમાં કોંગ્રેસને ૧ કરોડ ૯૦ લાખ મત મળ્યા અને મુસ્લિમ લીગને ૪૫ લાખ મત મળ્યા તેમાંથી ૭૫ ટકા મત મુસલમાનોની સીટ પર મળ્યા. બાકીના ૨૫ ટકા મત એટલે કે પાંચ લાખ લીગની વિરુદ્ધના મુસલમાન ઉમેદવારોને ફાળે ગયા. શિડ્યૂલ્ડ ક્લાસના ઉમેદવારો પાંચ લાખ મત મેળવી શક્યા, જ્યારે કમ્યુનિસ્ટો છ લાખ મત જીતી ગયા.

સીટોના હિસાબે જોઈએ તો, કોંગ્રેસે દેશના ખૂણેખૂણે જીત મેળવી અને એના મુસલમાન ઉમેદવારો પણ વિજયી થયા. ૧૯૩૭ની સરખામણીએ કોંગ્રેસના મત પણ વધ્યા. બીજી બાજુ મુસલમાનો માટેની સીટો પર મુસ્લિમ લીગે પોતાની ધાક જમાવી. મુસ્લિમ લીગે સિંધ અને બંગાળમાં સરકાર બનાવી, પંજાબમાં લીગ ૭૩ સીટો સાથે સૌથી મોટી પાર્ટી હોવા છતાં એને સ્પષ્ટ બહુમતી ન મળી એટલે લીગ સિવાયના પક્ષોને મિશ્ર સરકાર બની, જેમાં ૫૧ સીટ જીતીને કોંગ્રેસ પણ સાથે રહી.સત્તાધારી યુનિયનિસ્ટ પાર્ટીનું કદ સંકોચાઈને માત્ર ૨૦ સીટ જેટલું રહ્યું. ૨૩ અકાલીઓ ચુંટાયા અને ૯ સીટ પર અપક્ષો જીત્યા. આ પક્ષોએ સાથે મળીને સરકાર બનાવી પણ મુસ્લિમ લીગે તે પછી ખીઝર હયાત ખાનનો જે રીતે વિરોધ કર્યો તેનાથી બધા અપક્ષો મુસ્લિમ લીગમાં ભળી ગયા અને યુનિયનિસ્ટ પાર્ટીના મુસ્લિમ સભ્યોએ પણ પક્ષ છોડી ગયા. આમ, અંતે ૧૯૪૭નો માર્ચ મહિનો આવતાં સુધીમાં ખીઝરને રાજીનામું આપવું પડ્યું. બીજા જ દિવસે ત્યાં ગવર્નરે બધી સત્તા સંભાળી લીધી. દેશના ભાગલા થયા ત્યાં સુધી પંજાબમાં કોઈ સરકાર ન બની. મુસ્લિમ લીગ પોતે તો સરકાર બનાવી ન શકી પણ એના વિરોધીઓના હાથમાંથી સત્તા ગઈ તે જિન્ના અને પાકિસ્તાન શુકનિયાળ ઘટના હતી.

બંગાળમાં કોંગ્રેસને ૧૯૩૭માં ૫૪ બેઠકો મળી હતી તે વધીને ૧૯૪૬માં ૮૬ થઈ ગઈ, પણ ફઝલુલ હકની કૃષક પ્રજા પાર્ટી સાફ થઈ ગઈ. માત્ર નવ લીગવિરોધી મુસલમાનો ચુંટાયા. આમ પણ મુસ્લિમ લીગે ફઝલુલ હકની સરકારને તો ૧૯૪૦માં જ ઉથલાવી પાડી હતી. આ વખતે લીગે મુસલમાનો માટેની બેઠકો ૧૧૯ સીટોમાંથી ૧૧૩ સીટો જીતી લીધી. બિહારમાં ૪૦ મુસલમાન મતદાર મડળોમાં ૩૪માં મુસ્લિમ લીગને વિજય મળ્યો અને યુક્ત પ્રાંતમાં મુસલમાનોની ૬૪ બેઠકોમાંથી ૫૪ બેઠકો લીગને મળી. મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં મુસલમાનોની બધી સીટ પર લીગના ઉમેદવાર જીત્યા.

કોંગ્રેસે ૧૧માંથી આઠ પ્રાંતોમાં સરકાર બનાવી અને મુસ્લિમ લીગે બે પ્રાંતોમાં બનાવી. પંજાબમાં મિશ્ર સરકાર બની જે પડી ભાંગી. દેખીતી રીતે જનતામાં કોંગ્રેસ માટે સમર્થન વધ્યું હતું પણ બીજી બાજુ મુસ્લિમ લીગે મુસ્લિમ સમાજના માનસ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. પંજાબમાં કોઈ સરકાર નહોતી અને બંગાળમાં મુસ્લિમ લીગની સરકાર હતી. આમ પાકિસ્તાનનો નક્શો પણ બની ગયો.

જિન્નાએ ચૂંટણી જીતવા માટે અંગત રીતે ભારે મહેનત કરી હતી. એમણે પાકિસ્તાનને એકમાત્ર મુદ્દો બનાવ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન એમણે ઑક્ટોબરમાં જ કહી દીધું હતું કે “આપણી પાકિસ્તાન માટેની માગણી બહુ સ્પષ્ટ છે. ભારતના જે ભાગોમાં મુસલમાનો બહુમતીમાં છે એમને ભેળવી દઈને એક મુક્ત અને સાર્વભૌમ રાજ્ય બનાવવાનું છે. મુસલમાનો પાકિસ્તાનની વિરુદ્ધ મત આપશે તો હું મારી હાર કબૂલી લઈશ.”. પરંતુ, જિન્નાએ નવો આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો.

બ્રિટિશ સંસદસભ્યો ભારતની મુલાકાતે

૧૯૪૬ના જાન્યુઆરીમાં બ્રિટિશ સંસદસભ્યોની ટીમ ભારતના પ્રવાસે આવી અને અહીં, સ્વતંત્રતા માટે સંઘર્ષ કરતા બધી વિચારધારાના પ્રતિનિધિઓને મળીને એમણે સ્થિતિનો કયાસ કાઢ્યો કે બ્રિટન બહુ વખત સુધી પોતાનું નિયંત્રણ ટકાવી શકે એમ નથી અને જો મંત્રણાઓને માર્ગે સત્તા પરિવર્તનના પ્રયાસો નહીં કરાય તો હિંસામાં માનનારાં પરિબળોના હાથમાં તાકાત વધશે. પાછા ફરીને એમણે સરકારને જે રીતે રિપોર્ટ આપ્યો હોય તેની અસર પડી હોય તેમ મજૂર સરકારે કૅબિનેટનું પ્રતિનિધિત્વ કરતી ટીમ ભારતના રાજકીય નેતાઓને એમના મતભેદો દૂર કરવામાં મદદ કરવા માટે મોકલવાનો નિર્ણય કર્યો કે જેથી તેઓ “ભારતના સાર્વભૌમ ગૌરવ સાથે કોઈ પણ રીતે અસંગત ન હોય” તે રીતે રાજકીય સત્તા હાથમાં લઈ શકે.

૧૯મી ફેબ્રુઆરીએ ભારત માટેના પ્રધાન લૉર્ડ પૅથિક લૉરેન્સે આમસભામાં ‘કૅબિનેટ મિશન’ મોકલવાનો નિર્ણય જાહેર કર્યો. મિશન તરીકે પૅથિક લૉરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એ. વી. ઍલેક્ઝાન્ડરનાં નામો હતાં.

પૅથિક લૉરેન્સે મિશનનાં ત્રણ લક્ષ્ય દર્શાવ્યાં:

૧. બંધારણ બનાવવા માટે બ્રિટિશ ઇંડિયાના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને રજવાડાંઓના પ્રતિનિધિઓ સાથે પ્રાથમિક સ્વરૂપની વાતચીત;

૨. બંધારણ બનાવનારી સંસ્થાની સ્થાપના; અને

૩.વાઇસરૉયની ઍક્ઝીક્યુટિવ કાઉંસિલનું પુનર્ગઠન કરવું કે જેથી એને હિન્દુસ્તાની પાર્ટીઓનો ટેકો મળી શકે.

૧૫મી માર્ચે વડા પ્રધાન ઍટલીએ સરકારની ભારત વિશેની નીતિનું નિવેદન આમસભામાં રજૂ કર્યું. ઍટલીએ કહ્યું કે મારા સાથીઓ ભારતને જેમ બને તેમ જલદી અને પંપૂર્ણ આઝાદી આપવાના પ્રયાસો કરવા માટે જાય છે. અત્યારના શાસનની જગ્યાએ કઈ જાતનું શાસન રાખવું તે ભારત પોતે જ નક્કી કરશે, આપણે એના માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં મદદ કરવાની છે.

ઍટલીએ કહ્યું કે યુદ્ધ વખતે લોકમત જલદી ઘડાય છે અને ફેલાય છે. શાંતિના કાળમાં એવું ધીમે ધીમે થાય છે. પહેલા વિશ્વયુદ્ધ પછી ભારતમાં રાજકીય જાગરુકતામાં ઉછળો આવ્યો અને હવે યુદ્ધ પછી રાષ્ટ્રવાદી ભાવનાઓ, માત્ર ભારતમાં નહીં આખા એશિયામાં વધારે પ્રબળ બની છે.

ઍટલી પોતે સાઇમન કમિશનના સભ્ય હતા તે યાદ કરીને એમણે કહ્યું કે એ વખતે પણ રાષ્ટ્રીયતાનું જોર વધ્યું હતું.. ભલે એમનાં વલણોમાં કોમવાદ દેખાયો હોય. આજે પણ મતભેદો છે જ, પણ હું એના પર ભાર આપવા નથી માગતો, એમના વચ્ચે ગમે તેટલા મતભેદ હોય અને ગમે તેટલી મુશ્કેલીઓ આવે આપણે એ સમજવાનું છે કે એ સૌ સ્વતંત્રતાની માગણી કરે છે.

૨૩મી માર્ચે કૅબિનેટ મિશનના સભ્યો ભારત આવી પહોંચ્યા અને એમણે તરત જ કામ શરૂ કરી દીધું.

કૅબિનેટ મિશન બહુ મહત્ત્વનું છે અને એના વિશે આપણે આવતાં કેટલાંક પ્રકરણોમાં સમજવાનો પ્રયાસ કરશું.

૦૦૦

સંદર્ભઃ
The Annual Indian Register 1945 Vol, 2, 1946 Vol 1 and 2

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-51

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫૧: નૌકાદળમાં બળવો

કલકત્તામાં આગ શમી કે તરત જ મુંબઈમાં રોયલ ઇંડિયન નૅવીના નીચલા સ્તરના ભારતીય નાવિકો (રેટિંગ્સ) ભડકી ઊઠ્યા.એમનામાં ઘણા વખતથી અસંતોષ પ્રવર્તતો હતો. એમના પગારો, બ્રિટિશ નાવિકો કરતાં ઓછા હતા, બીજી સગવડો નહોતી મળતી અને ભોજન પણ સારી ગુણવત્તાનું નહોતું. તે ઉપરાંત, યુદ્ધ પૂરું થયા પછી મોટા પાયે છટની કરવાનો પણ સરકાર નિર્ણય કર્યો હતો. યુદ્ધમાં ખુશ્કી (ભૂમિ દળ), હવાઈ (હવાઈ દળ) અને તરી (નૌકા દળ)ના સૈનિકોએ અપ્રતિમ વીરતા દેખાડી હતી. બ્રિટિશ સરકારે પણ એમની ભારે પ્રશંસા કરી હતી. પરંતુ પૂર્વ એશિયામાં જાપાન સામે બ્રિટનને પીછેહઠ કરવાની ફરજ પડી ત્યારે હિન્દુસ્તાની સૈનિકોની એણે પરવા ન કરી. ઘામાં મીઠું ભભરાવવા જેમ હવે છટણીની જાહેરાત કરવામાં આવી. એમાંય નૌકા દળમાંથી લગભગ અડધોઅડધને નોકરીમાંથી છૂટા કરવાના હતા. એમની સામે રોજીનો પણ સવાલ ઊભો થતો હતો.

હવે ભારતીય રેટિંગો બદલાયેલા વાતાવરણમાં આ અપમાન સહન કરવા હવે તૈયાર નહોતા આ બધાં કારણોથી રેટિંગ બહુ ઉત્તેજિત થઈ ગયા હતા. બીજી ફેબ્રુઆરીએ મુંબઈમાં બી. સી. દત્તા અને આર. કે સિંઘ નામના બે ૧૮-૨૦ની ઉંમરના બે રેટિંગ HMIS-તલવારના હેડક્વાર્ટર્સમાં સલામી સ્તંભ પાસે ‘જયહિન્દ’ લખતા હતા. એને અશિસ્તનું પગલું ગણીને દત્તા અને સિંઘની ધરપકડ કરાઈ હતી. આ ધરપકડને હિન્દુસ્તાની રેટિંગ સ્વીકારી શક્યા નહોતા. રેટિંગ પણ હવે દેશભક્તિથી છલકાતા હતા.

નૌકાદળમાં બળવો

૧૮મી ફેબ્રુઆરીની રાતે મેસમાં ખાવાનું સારું ન મળતાં બધા રેટિંગ કમાંડિંગ ઑફિસર આર્થર ફ્રેડરિક કિંગ પાસે ગયા ત્યારે એણે એમની ફરિયાદ તો ન જ સાંભળી, ઉલ્ટું, ‘કૂલી કી ઔલાદ’ વગેરે ગાળો આપીને કાઢી મૂક્યા. આ ઊંટની પીઠ પર તરણાં જેવું સાબીત થયું. રેટિંગોએ તરત સેન્ટ્રલ સ્ટ્રાઇક કમિટી બનાવી, સિગ્નલર એમ. એસ. ખાન, પેટી અને ટેલિગ્રાફિસ્ટ મદન સિંઘને સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા. કમિટીના બીજા સભ્યો હતાઃ બેદી બસંત સિંઘ, નવાઝ ખાન, અશરફ ખાન, એસ. સી. સેનગુપ્તા, ગોમેઝ અને મહંમદ હુસેન. એમણે તરત રોયલ ઇંડિયન નૅવીનું નામ બદલીને ‘ઇંડિયન નૅશનલ નૅવી’ નામ જાહેર કર્યુ, બધી આર્થિક માગણીઓની યાદી માંગપત્રમાં જોડી, બધા રાજકીય કેદીઓ અને આઝાદ હિન્દ ફોજના કેદીઓને છોડી મૂકવાની માગણી કરી. એમણે યુનિયન જૅક ઉતારીને ત્રિરંગો લહેરાવ્યો. તે ઉપરાંત, મુસ્લિમ લીગનો લીલો ધ્વજ અને કમ્યુનિસ્ટ પાર્ટીનો લાલ ઝંડો પણ ફરકાવવામાં આવ્યો. આમ રેટિંગો બધા પક્ષો પ્રત્યે આદર વ્યક્ત કરવા માગતા હતા.

૧૯મીની સવારે નૌકાદળની ટ્રકો એમણે કબજામાં લઈ લીધી અને આખા મુંબઈમાં સૂત્રો પોકારતા નીકળી પડ્યા. ફ્લોરા ફાઉંટન પાસે રસ્તો રિપેર થતો હતો એના પીપ એમણે હટાવીને આખો ચોક બંધ કરી દીધો. કોઈ ગોરો સોલ્જર હાથે ચડ્યો તેને માર માર્યો. બીજી બાજુ, એવી ઘટનાઓ પણ બની કે જેમાં એકાદ રેટિંગે પોતાના જ સાથીઓના હુમલાથી કોઈ બ્રિટિશ સૈનિકને બચાવી લીધો હોય. કૅસલ બૅરેક્સમાં એમણે ઠેરઠેર ‘જયહિન્દ’ અને ‘ક્વિટ ઇંડિયા’ લખવાનું શરૂ કરી દીધું.

એમની હડતાળના સમાચાર વાયુવેગે મુંબઈમાં બીજાં નૌકા મથકો – HMIS નાસિક, કલાવતી, ઔધ અને નીલમના રેટિંગો સુધી પહોંચી ગયા અને સમાચાર મુંબઈની બહાર જતાં વીસ હજાર રેટિંગ હડતાળમાં જોડાયા. આખા મુંબઈમાં અને એનાં અમુક પરાંઓ સુધી રેટિંગો જ દેખાતા હતા. બીજા દિવસે, ૨૦મી તારીખે સેંકડો રેટિંગો લોકલ ટ્રેનોમાં ચર્ચગેટ સ્ટેશને ઊતર્યા અને અંગ્રેજો વિરુદ્ધ નારા પોકારતા ઑવલ મેદાનમાં એકત્ર થયા.

દરમિયાન, ૧૮મીની રાતે રેટિંગો સામે અપશબ્દો વાપરનાર ઑફિસરની બદલી કરી નાખવામાં આવી. સૂત્રો લખનાર દત્તાને નૌકાદળના સત્તાવાળઓએ આ તોફાનો શરૂ થતાં છોડી મૂક્યો પણ હજી સિંઘને છોડ્યો નહોતો. એટલે રેટિંગોની એ માગણી ચાલુ રહી. રેટિંગો સરઘસ બનાવીને નીકળ્યા અને યૂસિસની ઑફિસ પર ફરકતો અમેરિકન ધ્વજ ઉતારીને બાળી નાખ્યો. પાછળથી સેંટ્રલ સ્ટ્રાઇક કમિટીએ આ ઘટના બદલ દિલગીરી વ્યક્ત કરીને માફી માગી.

શહેરમાં પણ કેટલીક દુકાનો તોડવાના અને લૂંટફાટના સમાચાર મળ્યા. તે પછી સ્ટ્રાઇક કમિટીએ ‘પીસ પૅટ્રોલ કમિટી બનાવી અને આવા બનાવોની તપાસ કરતાં એવું બહાર આવ્યું કે નૌકાદળનાં કેન્દ્રો સિવાય બીજે ક્યાંય પણ થયેલી લૂંટફાટમાં રેટિંગો સંડોવાયેલા નહોતા, અસામાજિક તત્ત્વો ચારે બાજુની અરાજકતાનો લાભ લેતાં હતા. આના પછી સ્ટ્રાઇક કમિટીએ રેટિંગોને શાંતિથી અને અહિંસક રીતે આંદોલન ચલાવવાની અપીલ પણ કરી. એ જ દિવસે ઉચ્ચ નૌકા અધિકારીઓની મીટિંગમાં હડતાળ પર ગયેલા રેટિંગોને ભારતીય ભોજન આપવાનો નિર્ણય લેવાયો.

બીજી બાજુ, બંગાળમાં કલકત્તામાં HIMS-હુગલીના ૨૦૦ રેટિંગે હડતાળ પાડી. કરાંચીમાં રેટિંગો ૧૯મીએ મુંબઈથી સમાચાર મળ્યા કે તે સાથે જ ઉત્સાહમાં આવી ગયા હતા. HIMS-હિન્દુસ્તાનના રેટિંગોએ જહાજનો સંપૂર્ણ કબજો લઈ લીધો. કરાંચીમાં નૌકાદળના સત્તાવાળાઓએ બહુ સખ્તાઈ કરતાં રેટિંગોએ પણ નૌકાદળની બે ગન ચલાવીને સામનો કર્યો. આમાં એક નૅવલ ઑફિસર માર્યો ગયો અને બીજા ચૌદ ઘાયલ થયા. ૨૧મે ત્રણ જહાજો – હિન્દુસ્તાન, ચમક અને બહાદુર-ના પંદરસો રેટિંગ હળતાળમાં કૂદી પડ્યા.

દરમિયાન, મુંબઈમા કૅસલ બૅરેક્સમાં રીતસરની લડાઈ ચાલુ હતી પણ બીજાં કેન્દ્રોમાં શાંતિ સ્થપાવા લાગી હતી. બીજી બાજુ HIMS-તલવાર પર સ્ટ્રાઇક કમિટીના આદેશ પ્રમાણે પંદરસો રેટિંગોએ મિલિટરી પોલીસને હટાવી લેવાની માગણી સાથે ભૂખહડતાળ શરૂ કરી દીધી. કમિટીએ બહાર રહી ગયેલા રેટિંગોને તરત પોતાનાં મથકોએ પહોંચી જવાની અપીલ કરી.

બીજી બાજુ, અંધેરી અને મરીન ડ્રાઇવના રૉયલ ઇંડિયન એરફોર્સના એક હજાર કર્મચારીઓએ રેટિંગોની સહાનુભૂતિમાં હડતાળ પાડી. એ જ દિવસે બપોરે અઢી વાગ્યે જહાજોને પોતાના કબજામાં લઈ લેનારા રેટિંગોએ ‘શસ્ત્ર વિરામ’ જાહેર કર્યો. નૌકા દળના અધિકારીઓએ કબૂલ કર્યું કે વીસ જહાજો પર રેટિંગોએ કબજો કરી રાખ્યો હતો. એ જ સાંજે વાઇસ-ઍડમિરલ ગૉડફ્રેએ રેડિયો બ્રોડકાસ્ટમાં ધમકી પણ આપી અને ખાતરી પણ આપી. એણે કહ્યું કે અશિસ્તને સાંખી લેવાનો ભારત સરકારનો ઇરાદો નથી, અને અશિસ્ત માટે સખત કાર્યવાહી કરાશે, પરંતુ રેટિંગોની ફરિયાદોનો પણ નિકાલ કરવામાં આવશે.

સરદાર પટેલની ભૂમિકા

બળવાખોર રેટિંગો રાજકારણીઓના સંપર્કમાં પણ હતા. સરદાર વલ્લભભાઈ પટેલે આ બાબતમાં મુંબઈના ગવર્નરની સાથે વાત કરી અને સમાધાન શોધવામાં મદદ કરવાની ખાતરી આપી. જવાહરલાલ નહેરુ એ વખતે કોંગ્રેસ પ્રમુખ બની ગયા હતા. એમણે પણ કહ્યું કે રેટિંગોની ફરિયાદો સાચી છે, પરંતુ હવે સ્વાધીનતા હાથવેંતમાં દેખાય છે ત્યારે આ રસ્તો નુકસાનકારક નીવડે તેમ છે.

સરદારે રેટિંગોને પણ શિસ્ત જાળવીને કામ પર ચડી જવા અપીલ કરી. એમણે એમની બધી ફરિયાદોનો નિકાલ લાવવામાં કોંગ્રેસની મદદની ખાતરી આપી. એમણે પણ નહેરુની જેમ કહ્યું કે હડતાળ પાડવાનો હવે સમય નથી, હવે મંત્રણાના મેજ પર સવાલો ઉકેલવાનો સમય આવ્યો છે.

હજી કલકત્તા, વિશાખાપટનમ. દિલ્હી, મદ્રાસ અને કરાચીમાં ૨૧મીએ પણ રેટિંગોની હડતાળ ચાલુ રહી. કરાચીમાં તો ૨૨મીએ વિદ્યાર્થીઓએ પણ હડતાળ પાડી. ૨૩મીએ મુંબઈમાં રેટિંગો શરણે થઈ ગયા. સરદાર પછી જિન્નાએ પણ રેટિંગોને હડતાળ છોડીને વાતચીત દ્વારા સમસ્યાઓ હલ કરવાની અપીલ કરી. માત્ર એટલું જ, કે એમણે મુસલમાન રેટિંગોને હડતાળમાંથી ખસી જવાનું કહ્યું.

સેંટ્રલ ઍસેમ્બ્લીમાં કોંગ્રેસનો પ્રત્યાઘાત

અલી અને શરત ચંદ્ર બોઝના સૂચનથી ૨૩મીએ રેટિંગોની હડતાળ વિશે ચર્ચા કરવા માટે સેંટ્રલ ઍસેમ્બ્લીની ખાસ બેઠક મળી. એમાં રેટિંગોની હડતાળઅની સ્થિતિમાં સત્તાવાળાઓના અણઘડપણાને લીધે આખા નૌકાદળ માટે ઊભા થયેલા સંકટની ચર્ચા કરવા માટે કોંગ્રેસના આગેવાન આસફ અલીએ રજૂ કરેલી સભામોકૂફીની દરખાસ્ત ૭૪ વિ. ૪૦ મતે મંજૂર રહી. સરકારના યુદ્ધ પ્રધાન ફિલિપ મૅસને હાજર રહીને ખુલાસા કર્યા અને સભ્યોના સવાલોના જવાબ આપ્યા.

આસફ અલીએ દરખાસ્ત રજૂ કરતાં કહ્યું કે યુદ્ધ પછી વડા પ્રધાન ઍટલીએ શાંતિ અને સ્વતંત્રતાની વાત શરૂ કરી પણ કમાંડિંગ ઑફિસર કિંગને એની પરવા નહોતી. એણે જે ગાળો આપી તે અહીં બોલી શકાય તેમ નથી. રેટિંગોની હડતાળ પાછળ રાજકારણ હોય તો પણ, એમની માગણીઓ વાજબી છે એનો ઇનકાર ન થઈ શકે. મુસ્લિમ લીગના અબ્દુર રહેમાન સિદ્દીકી અને લિયાકત અલી ખાને આસફ અલીની દરખાસ્તને સમર્થન આપ્યું.

કોંગ્રેસના મીનુ મસાણીએ કહ્યું કે પગાર-ભથ્થાં અને બીજી સગવડો માટે રેટિંગોની માગણીઓ નૌકા દળના હેડક્વાર્ટર્સ સુધી મહિનાઓથી પહોંચતી હતી પણ એના પર ધ્યાન ન અપાયું. જે લોકો હતાશ થઈ ગયા હોય, એમનું કમાંડર કિંગે તોછડાઈથી અપમાન કર્યું તે સહન ન થઈ શકે. હતાશ લોકોનો ગુસ્સો તો આમ જ

ફાટી નીકળે. મુંબઈના લોકોએ કોઈના કહ્યા વિના એમને શા માટે આપમેળે ટેકો આપ્યો? એનું કારણ એ કે અમે તમારા નૈતિક અધિકાર સ્વીકારતા નથી. તમારા કાયદા અમારા માટે નથી બન્યા. એટલે જ તમારો મિલિટરી કાયદો કે નાગરિક કાયદો કોઈ તોડે છે ત્યારે અમે હિન્દુસ્તાનીઓ અવશપણે વિદ્રોહને ટેકો આપીએ છીએ. મને એ બરાબર સમજાય છે કે કોઈને બીજાનો ધ્વજ ફરકાવવો પડે તો એને કેટલું ખરાબ લાગતું હશે, કારણ કે એનો પોતાનો ધ્વજ, કોંગ્રેસનો ત્રિરંગો અથવા મુસ્લિમ લીગનો ધ્વજ છેતમે હજી આર્મી, હવાઈ દળ અને નૌકા દળ અકબંધ છે ત્યારે ચાલ્યા જાઓ. તમે બહુ રહ્યા; હવે તમે જોડનાર નહીં તોડનાર તત્ત્વ બની ગયા છો.

મસાણીએ કહ્યું કે યુદ્ધ વખતે તમે સામ્યવાદીઓને પંપાળ્યા, હવે એ તમારા વિરુદ્ધ થઈ ગયા છે, કારણ કે હવે તમે અને એમના રશિયન ખેરખાંઓ ઝઘડી પડ્યા છો.

સરદારની જાહેર સભા

૨૬મીએ મુંબઈમાં વલ્લભભાઈ પટેલ અને નહેરુએ પણ એક લાખની જનમેદનીને સંબોધતાં છેલ્લા ચાર દિવસમાં શહેરમાં થયેલાં તોફાનોની ઝાટક્ણી કાઢી. સરદારે કહ્યું કે કોંગ્રેસે હડતાળની હાકલ નહોતી કરી. એમણે લોકોને બીજા કોઈ દ્વારા જાહેર કરાયેલી હડતાળમાં સામેલ ન થવાની લોકોને ચેતવણી આપી. એમણે કહ્યું કે ‘૪૨ના આંદોલનમાં સામ્યવાદીઓ જનતા સાથે નહોતા એટલે હવે પાછા પોતે જ ગુમાવેલી આબરૂ પાછી મેળવવાનાં ફાંફાં મારે છે. એ વખતે એમને અંગ્રેજ સરકાર સામ્રાજ્યવાદી છે એ નહોતું દેખાતું, હવે ફરી દેખાવા માંડ્યું છે. એમણે કહ્યું કે જે લોકોએ રેટિંગોની સહાનુભૂતિમાં હડતાળ પાડવાનું એલાન આપ્યું તેઓ મૂર્ખાઓના સ્વર્ગમાં રહે છે. એમને સ્થિતિની ગંભીરતા સમજાઈ નહોતી. કોંગ્રેસે સ્થિતિ માપી અને યોગ્ય પગલાં લીધાં અને એ જ રીતે રેટિંગોની વાજબી માગણી સ્વીકારાશે એની ખાતરી રાખજો.

ગાંધીજી અને અરુણા આસફ અલી

રેટિંગોની હડતાળ કસમયની અને હિંસક હતી, એવી ગાંધીજીએ ટીકા કરી હતી. કોંગ્રેસમાં એકલાં અરુણા આસફ અલી રેટિંગ વિદ્રોહના પક્ષમાં હતાં. એમણે ગાંધીજીને જવાબ આપતાં કહ્યું કે લોકોને સ્વાધીનતા જોઈએ છે, એ હિંસા-અહિંસાની મીમાંસામાં પડતા નથી. વળી, આ હડતાળે હિન્દુ-મુસ્લિમ એકતાનાં પણ દર્શન કરાવ્યાં છે. હું આવી ‘બૅરીકેડ પરની એકતા’ ને બંધારણીય મોરચાની એકતા કરતાં પસંદ કરું છું.

ગાંધીજીએ અરુણાને ‘બહાદુર’ અને ‘મારી પુત્રી’ કહીને જવાબ આપ્યો. એમણે અરુણા આસફ અલી ૧૯૪૨ વખતથી ભૂગર્ભમાં ચાલ્યાં ગયાં હતાં અને કામ કરતાં રહ્યાં તેની પ્રશંસા કરી પણ ઉમેર્યું કે મને ભૂગર્ભ જેવું કંઈ પસંદ નથી. થોડાક માણસો એમ માનીને કંઈક કરે અને માની લે કે એ જ રીતે બધાને સ્વરાજ મળી જશે, તો એ શું ચમચીથી ખવડાવવા જેવું નથી? સ્વરાજની જરૂરિયાત દરેકે પોતે અંદરથી અનુભવવી જોઈએ. હિન્દુ-મુસ્લિમ એકતા બૅરીકેડની જેમ પછી બંધારણીય મોરચે પણ હોવી જોઈએ. યોદ્ધાઓ બૅરીકેડ પર જ નથી રહેતા. રેટિંગોને સાચી સલાહ નહોતી મળી. અરુણા અને એમના કૉમરેડોએ સમજવું જોઈએ કે એમણે ભારતની આઝાદી માટે બળવો કર્યો હોય તો એ બેવડી રીતે ખોટા હતા. આવો બળવો કોઈ સજ્જ ક્રાન્તિકારી પાર્ટીના માર્ગદર્શન વિના ન થઈ શકે.

કોંગ્રેસ અથવા મુસ્લિમ લીગ સ્પષ્ટ રીતે બળવાની વિરુદ્ધ હતા અને સામ્યવાદીઓનો સંપૂર્ણ અંકુશ હતો. ગાંધીજી અહિંસાનું નબળું અર્થઘટન કરવા તૈયાર નહોતા!

પણ તે પછી એમની સહાનુભૂતિમાં પાડવામાં આવેલી હડતાળ દરમિયાન થયેલો હિંસાચાર મુંબઈ અને બીજાં શહેરોને ધમરોળતો રહ્યો.

૦૦૦

સંદર્ભઃ

1.The Indian Annual Register-1946 Vol. I Jan.-June

2. https://www.mainstreamweekly.net/article955.html

3. Collected Works of Mahatma Gandhi vol 83, Text no. 205 /26 February 1946 – (publications division)

4. https://openthemagazine.com/cover-stories/the-last-mutiny/

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-50

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫૦: કલકત્તામાં રમખાણ

બ્રિટિશ સરકારમાં ભારત માટેના પ્રધાન લૉર્ડ પૅથિક લૉરેન્સે ૧૯૪૬નું નવું વર્ષ શરૂ થતાં ભારતની જનતાજોગ રેડિયો સંદેશમાં ૧૯૪૬નું વર્ષ ભારત માટે ભારે મહત્ત્વનું નીવડવાની આશા વ્યક્ત કરી હતી. આ વર્ષમાં લગભગ કોઈ મહિનો એવો ન રહ્યો કે જેમાં ભારતે આઝદી તરફ એક ડગલું આગળ ન ભર્યું હોય કે કોઈ રાજકીય દૃષ્ટિએ મહત્ત્વની ઘટના ન બની હોય. વર્ષના પહેલા જ અઠવાડિયામાં આઝાદ હિન્દ ફોજના ત્રણ નેતાઓને માફી આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો તેનાથી પ્રજાકીય ઉત્સાહમાં ભરતી આવી હતી. સુભાષબાબુનું ‘જયહિન્દ’નું સૂત્ર સામાન્ય વપરાશમાં આવવા લાગ્યું હતું. આ જોશમાં વૈમનસ્ય પેદા કરવામાં અબ્દુલ રશીદના કેસની મોટી ભૂમિકા રહી.

અબ્દુલ રશીદ પર આરોપ

એમના પર પાંચ આરોપ હતા તેમાંથી યુદ્ધ કેદીઓ પર અમાનુષી અત્યાચાર ગુજારવાના બે આરોપમાંથી એક માટે જનમટીપ અને બીજા અપરાધ માટે સાત વર્ષના કારાવાસની સજા કરાઈ. કૅપ્ટન અબ્દુલ રશીદનો કેસ શાહનવાઝ ખાનના કેસથી થોડો જુદો પડતો હતો. શાહનવાઝ ખાને યુદ્ધ કેદીઓને પાઠ ભણાવવાના અરોપ હતા, પણ કોઈ ઘટના વખતે એમની હાજરી હતી કે એમણે પોતે કોઈને માર્યા એવું સાબીત નહોતું થઈ શક્યું. અબ્દુલ રશીદને યુદ્ધકેદીઓની છાવણીમાંથી આઝાદ હિન્દ ફોજ માટે ભરતી કરવાની જવાબદારી સોંપાઈ હતી, એ દરમિયાન એમણે અમુક કેદીઓને આઝાદ હિન્દ ફોજમાં જોડાઈને ઇંગ્લેંડના રાજા સામે લડવાની ફરજ પાડવા માટે ગંભીર ઈજાઓ પહોંચાડી.

રાજકીય દૃષ્ટિએ પણ બીજો તફાવત એ હતો કે અબ્દુલ રશીદ મુસલમાન હોવાથી મુસ્લિમ લીગે એમના બચાવનું બીડું ઝડપ્યું અને કોંગ્રેસના વકીલોને એમાં સામેલ ન કર્યા. બીજું, શાહનવાઝ ખાન, પ્રેમ કુમાર સહગલ અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે યુનિફૉર્મમાં તો હતા પણ એમણે એમની હિન્દુસ્તાનની સેનાની રૅન્ક અથવા બીજા મૅડલ છાતીએ નહોતા લગાડ્યા. અબ્દુલ રશીદ ભારતીય સેનાના પૂરા ગણવેશ સાથે હાજર થયા. એમની વિરુદ્ધ જુબાની આપનારા સાક્ષીઓમાં ઘણા મુસલમાનો પણ હતા. અબ્દુલ રશીદના વકીલે કોઈની ઉલટ તપાસ ન કરી, માત્ર છેલ્લે આરોપીને પોતાનું નિવેદન કરવાનો અધિકાર હોય છે તેનો ઉપયોગ કર્યો.

આ નિવેદનમાં એમણે સમ્રાટ પ્રત્યેની પોતાની વફાદારી ભારપૂર્વક જાહેર કરી. એના માટે એમણે કહ્યું કે પોતે આઝાદ હિન્દ ફોજમાં ‘હિન્દુ રાજ’ હતું તેનાથી મુસલમાનોને બચાવવા માટે જોડાયા. હવે મુસલમાનો પોતે જ આવીને કહેતા હોય કે અબ્દુલ રશીદે પોતે, અથવા એમની હાજરીમાં અને એમના હુકમથી અમને માર્યા અને આઝાદ હિન્દ ફોજમાં જોડાવાની ફરજ પાડી, તો એમણે હિન્દુ રાજથી કઈ રીતે બચાવ્યા તેનો એમણે ખુલાસો ન આપ્યો.

આઝાદ હિન્દ ફોજની રચનાથી પહેલાં બેંગકોકમાં ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગની પરિષદ મળી તેમાં ઘણાય મુસલમાન હાજર હતા અને એમાં ઠરાવ થયો હતો કે ભારત ‘એક’ અને અવિભાજ્ય છે. આંદોલન રાષ્ટ્રીય ધોરણે ચલાવવાનું હતું એના કોઈ એક વર્ગ માટે નહીં. પરિષદે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિશે કહ્યું હતું કે એ જ એકમાત્ર સંગઠન એવું છે કે જે સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને ઇંડીપેન્ડન્સ લીગ કોંગ્રેસના કાર્યક્રમોમાંથી માર્ગદર્શન લેશે. આરઝી હકુમતના નિર્ણયો પ્રમાણે પણ દરેક હિન્દવાસી એના પ્રત્યે વફાદાર રહેશે. આરઝી હકુમતે બધાની ધાર્મિક સ્વતંત્રતાની પણ બાંયધરી આપી હતી. આ જોતાં અબ્દુલ રશીદને એમાં વિશ્વાસ નહોતો. એ આઝાદ હિન્દ ફોજમાં એટલા માટે જોડાયા કે કેદીઓની જેલમાં જે સગવડો મળે તેના કરતાં ઑફિસર તરીકે વધારે સુખસગવડો મળી શકે.

કોર્ટ માર્શલમાં એમને સાત વર્ષની સજા થઈ ત્યારે લોકો પર જે અસર થઈ તે શાહનવાઝ ખાનના કેસ કરતાં જુદી હતી.મુસલમાનોમાં એવો પ્રચાર ફેલાયો કે અબ્દુલ રશીદ મુસલમાન હોવાને કારણે સજા થઈ છે. આ સાથે જ આખા દેશમાં મુસલમાનો ભડકી ઊઠ્યા, જો કે કલકત્તાનાં વિરોધ પ્રદર્શનોમાં કોમી તત્ત્વ ઘૂસી ન શક્યું, પણ દિલ્હી, મુંબઈ, પંજાબમાં મુસલમાનોએ પોતાની દુકાનો બંધ રાખી અને સ્થાનિક મુસ્લિમ લીગે સજાના વિરોધમાં ઠરાવો પસાર કર્યા.

કલકત્તામાં પાંચ દિવસ

૧૧મી ફેબ્રુઆરીની સવારથી કલકત્તામાં તોફાનો શરૂ થઈ ગયાં. સવારથી જ ટોળાં રસ્તે ફરતાં થઈ ગયાં. રસ્તાઓ પર એમણે વાડબંધીઓ ઊભી કરી દીધી. વાહનોને રોકીને મુસાફરોને ઉતારી મૂક્યા. પોલીસે ટીઅરગૅસનો ઉપયોગ કરીને ટોળાંને વીખેરવાના પ્રયાસ કર્યા પણ એની અસર ન થતાં ગોળીબાર કર્યો. એમાં એકાનું મૃત્યુ થયું અને બીજા આઠ ઘવાયા. કેટલીયે મિલિટરી ટ્રકોને પણ ટોળાંએ આગ લગાડી દીધી કે એની તોડફોડ કરી.

પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ ઝપાઝપી થઈ તે પછી ૨૭ વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી. વિદ્યાર્થીઓમાં હિન્દુઓ અને મુસલમાનો, બન્ને હતા.

૧૨મીએ કલક્ત્તામાં એક વિદ્યાર્થીઓનું એક માઇલ લાંબું સરઘસ નીકળ્યું, હુસેન સુહરાવર્દી અને સતીશ ચંદ્ર દાસગુપ્તાએ સરઘસની આગેવાની લીધી સભામાં સુહરાવર્દીએ કોંગ્રેસ અને મુસ્લિમ લીગના ઝંડા એક સાથે સરઘસમાં ફરકતા હતા તેના માટે આનંદ વ્યક્ત કર્યો.મુસ્લિમ લીગ, કોંગ્રેસ, સામ્યવાદીઓ, સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા. સુહરાવર્દીએ એક ઇંટરવ્યુમાં કહ્યું કે આ આંદોલન માત્ર વિદ્યાર્થીઓનું નથી, હિન્દુ અને મુસ્લિમ, બધા એમાં જોડાયા છે. એમણે કહ્યું કે આજની સફળતા બધાની એકતાનું પરિણામ છે. લીગ અને કોંગ્રેસ આ રીતે બીજા મુદ્દાઓ પર પણ સાથે મળીને એકબીજાની વાત સમજે અને કામ કરે તો ભારતની બધી સમસ્યા હલ થઈ જશે.

બીજા દિવસે ગવર્નરે આર્મીને નાગરિક તંત્રની મદદે બોલાવ્યું. મૌલાના આઝાદે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે અસામાજિક તત્ત્વોએ લોકોની લાગણીનો લાભ લઈને તોફાનો કર્યાં છે. એમણે કોંગ્રેસ કાર્યકરોને શાંતિ સ્થાપવા માટે કામ કરવાની અપીલ કરી. મુસ્લિમ લીગના કાઝી મહંમદ ઈસા ખાને પણ મુસલમાનોને સીધી કાર્યવાહી ન કરવા અને નેતાઓના આદેશની રાહ જોવા જણાવ્યું.

દિલ્હી,મુંબઈ. લાહોર, અલ્હાબાદ સુધી આગ પહોંચી

મુંબઈમાં ૧૨મીએ લોકોનાં ટોળેટોળાં નીકળી પડ્યાં. રસ્તા બંધ થઈ ગયા. પોલીસનો ડેપ્યુટી કમિશનર ખાનગી ટૅક્સીમાં સાદા કપડામાં ક્રોફર્ડ માર્કેટ સુધી જતો હતો પણ ભીડે એને આગળ જવા ન દીધો. ખૂબ ભાંગફોડ થઈ. કતલખાના, શાકમાર્કેટ બંધ રહ્યાં અને કાપડ મિલોમાં કામદારો પહોચી જ ન શક્યા. કારખાના

દિલ્હીમાં મુસ્લિમ લીગના એક નેતા સહિત ૩૦ મુસલમાનોની પોલીસે ધરપકડ કરી લીધી. કેટલાક સામ્યવાદીઓ પણ પકડાયા. અલ્હાબાદમાં પણ મિલિટરીની ટ્રકોને લોકોએ નુકસાન પહોંચાડ્યું. લાહોરમાં વિદ્યાર્થીઓએ લાહોર સ્ટૂડન્ટ્સ કોંગ્રેસના નેજા હેઠળ મોટી સભા રાખી અને અબ્દુલ રશીદની સજા રદ કરવાની માગણી કરી. બીજા એક ઠરાવમાં જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન, રામમનોહર લોહિયા વગેરે સમાજવાદી નેતાઓને છોડી મૂકવાની માગણી કરાઈ.

પરંતુ કલકત્તામાં તો ત્રીજા દિવસે પણ તોફાનો વધારે ગંભીર બન્યાં. પોલીસે પંદર જગ્યાએ ગોળીબાર કર્યો. એક ચર્ચ પણ ભીડની હિંસાનું નિશાન બન્યું. સરકારે ગુરખા બ્રિગેડને મોકલી હતી, એનો ગુસ્સો શહેરમાં વસતા નેપાલી કામદારો પર નીકળ્યો.

૧૩મીએ દિલ્હીમાં ટ્રામ વર્કર્સ યુનિયને હડતાળ પાડી અને ૧૪મીએ મદ્રાસમાં વિદ્યાર્થીઓએ વીરરાઘવનના અધ્યક્ષપદે સભા યોજીને કૅપ્ટન રશીદને છોડી મૂકવાની માગણી કરી. ૧૪મીથી ક્લકત્તામાં શાંતિ થવા લાગી,હિંસાની ઘટનાઓ ઓછી થઈ. ૧૫મીથી છૂટાછવાયા બનાવોને બાદ કરતાં જનજીવન થાળે પડવા લાગ્યું. ૧૭મીએ સરકારે સભાસરઘસ પર પ્રતિબંધ મૂકી દીધો. કલકત્તા રાબેતા મુજબના જીવન તરફ પાછું ફરવા લાગ્યું હતું.

તે પછી કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદે એક નિવેદનમાં જે કંઈ બન્યું તેના માટે સરકારને જવાબદાર ઠરાવી. તે સાથે જ, એમણે કહ્યું કે વિદ્યાર્થીઓ અને યુવાનોએ પણ, જો ભારત દેશની સ્વતંત્રતા માટે એ કામ કરતા હોય તો, વધારે જવાબદારીની ભાવનાથી કામ કરવું જોઈએ. મૌલાનાએ ચર્ચને નુકસાન કરાયું અને નેપાલી નાગરિકો પર હુમલા થયા તેની પણ આકરી ટીકા કરી.

૦૦૦

સંદર્ભઃ

1.The Indian National Army Trials by L. C. Green in The Modern Law Review

Vol. 11, No. 1 (Jan., 1948), pp. 47-69 (23 pages) (Read here: http//www.jstor.org/stable/1090088)

2. The Indian Annual Register – Jan-June 1946 Vol. I

%d bloggers like this: