પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં:
બૈન
-અહમદ નસીમ ક઼ાસમી
લેખકનો પરિચયઃ જન્મ ૧૯૧૬, ગામ ઈગા પશ્ચિમ પંજાબ. ૧૬ વાર્તાસંગ્રહો, ૮ કાવ્ય સંગ્રહો અને ૨ સમીક્ષા વિષયક પુસ્તકો. મે,૧૯૫૧માં એમને પાકિસ્તાનના સેફ્ટી ઍક્ટ હેઠળ છ મહિના જેલમાં રહેવું પડ્યું. ભાગલા પહેલાં અને પછી એમણે કેટલાંય સાહિત્યિક મૅગેઝિનોમાં જવાબદારીભર્યાં પદો સંભાળ્યાં. ૨૦૦૬માં એમનું મૃત્યુ થઈ ગયું.
૦-૦-૦
આભારઃ
આ વાર્તાનો અનુવાદ કરવાની સહર્ષ પરવાનગી આપવા બદલ પ્રકાશક – સાક્ષી પ્રકાશન,એસ. ૧૬. નવીન શાહદરા, દિલ્હી, ૧૧૦૦૯૫ નો આભાર.
પ્રકાશકનો સંપર્કઃ
ઑફિસઃ ૦૧૧-૨૨૩૨-૪૮૩૩.
મોબાઇલઃ ૦૯૮૧૦૪૬૧૪૧૨.
ઇ-મેઇલઃ goelbooks@rediffmail.com .
પુસ્તક સંબંધી વિવરણઃ
‘પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં’
(ભાગ ૧) ISBN-81-86265-23-6 (કિંમતઃ રૂ. ૧૨૫)
(ભાગ ૨) ISBN-8186265-42-2 (કિંમતઃ રૂ. ૧૨૫)
સંપાદકઃ નંદકિશોર વિક્રમ
પ્રકાશનઃ ૨૦૦૯ (c) પ્રકાશક
૦-૦-૦
બૈન (વચ્ચે)
-અહમદ નસીમ ક઼ાસમી
સોળ વર્ષ પહેલાં તું મારા ખોળામાં આવી ત્યારે, મોસમ, બસ, કંઈક આવી જ હતી. ફૂલો આ જ રીતે ખીલેલાં હતાં, ખિસકોલીઓ ઝાડાના થડ પર દોડતી છેક ટોચ સુધી પહોંચી જતી હતી અને હવા તો એવી હતી કે એમ જ લાગતું કે સદીઓથી બંધ સૂકાં કમાડોના મિજાગરાઓમાંથી પણ કૂંપળો ફૂટી નીકળશે. તું મારા ખોળે ઝૂલવા લાગી ત્યારે દીવાના અલપઝલપ અજવાળામાં ઊંઘતો ઓરડો ચમકવા લાગ્યો હતો અને દાઈએ તો કહ્યું હતું કે “હાય અલ્લાહ, આ છોકરીના તો અંગેઅંગમાં આગિયા ટાંક્યા છે !”
તે પછીની રાતે તારા અબ્બાએ તકનો લાભ લઈને તને જોઈ ત્યારે એ બહુ ઉદાસ થઈ ગયો હતો. મેં કહ્યું, “તું જ કહેતો હતો ને, કે દીકરો કે દીકરી, બધાં ખ઼ુદાની દેન છે. તો હવે મોઢું કેમ પડી ગયું છે?” અને એને કહ્યું હતું, “તને નહીં સમજાય ભોટડી. તું મા છે ને, તને કેમ સમજાય કે ખુદા આવી રૂપકડી દીકરી તો માત્ર એવા લોકોને જ આપે છે, જેનાથી એ નારાજ હોય.” એ વખતે મને થયું હતું કે તારા અબ્બાની આંખો એની ખોપરીમાંથી કાઢીને બદામની જેમ તોડી નાખું, કારણ કે એ તારી સામે એવી રીતે જોતો હતો, જાણે પંખી સાપને જોતું હોય. એ તારું રૂપ જોઈને ડરી ગયો હતો. પછી એણે પોતાની ઉંમરનાં સોળ-સત્તર વર્ષ આમ બીતાં બીતાં જ વિતાવી દીધાં. એ તો અત્યારે પણ બહાર ગલીમાં સાદડી પર લોકોથી ઘેરાયેલો એવો જ ભયભીત બેઠો છે,અને આસમાનને તાક્યા કરે છે, જાણે ત્યાંથી કોઈ આવવાનું હોય.
મારી મીઠડી. તું મારા પર તો નહોતી ગઈ. હું તો ગામની એક સામાન્ય છોકરી હતી. મારાં તો નેણ-નાક સીધાંસાદાં છે. હા, તું તો તારા બાપ પર ગઈ હતી. એ ફૂટડો હતો. હજીયે છે, પણ હવે એના વાન પર સોળ-સત્તર વર્ષની ધૂળ ચડી ગઈ છે. એની બદામી આંખો, ચહેરા અને મૂંછોમાં સોના જેવી ચમક, પણ તું આવી તે પછી મેં એના મોતી જેવા દાંત બહુ જોયા નથી. ફૂલની પાંખડી જેવા એના હોઠ પણ એવા સખત બંધ રહ્યા છે કે જાણે ઊઘડે તો કંઈક થઈ જવાનું હોય.
હજી થોડી વાર પહેલાં જ એ અંદર આવ્યો હતો અને તારી સામે જોયું તે વખતે મને લાગ્યું કે કોઈ આલીશાન મહેલ પાયામાંથી જ મારી નજર સામે કડડભૂસ થાય છે. એ ત્યાં ઊભા ઊભા જ બુઢ્ઢો થઈ ગયો. એ પાછો જતો હતો ત્યારે મને લાગ્યું કે ગલી સુધી જતાં પહેલાં જ એ ઢગલો થઈને પડી જશે. એકઠા થતા માણસો સામે એ એવી રીતે જૂએ છે, જાણે બધાએ એને ચોરી કરતાં પકડી લીધો હોય.
તું ત્રણ-ચાર વર્ષની થઈ અને દોડભાગ કરતી હતી ત્યારે લોકો જોતા રહી જતા કે માટીના બનેલા માનસની ઓલાદ આવી સુંદર હોય ખરી? એક વાર તું પડી ગઈ ત્યારે હું તો રોતાં રોતાં બેહાલ થઈ ગઈ પણ તારા અબ્બાએ કહ્યું કે ખ઼ુદા જે કરે છે તે સારા માટે. રાનો બિટિયાને માથે ડાઘતો પડ્યો. અને ડાઘ પણ કેવો? નવા ચાંદ જેવો. એ લાલ-લાલ ડાઘ આજે પીળો દેખાય છે.
પછી તું પાંચ વર્ષની થઈ ત્યારે મેં તને બીબીજીને ઘરે કુરાન પાઠ શીખવા મોકલી. અમને તો ત્યારે જ ખબર પડી કે તારો અવાજ પણ તારી ખૂબસૂરતી જેવો જ મધુર હતો. જાણે રૂપાની ઘંટડી વાગતી. પછી તો એવું થયું કે તું પહેલાં એક આયત વાંચે અને પાછળ બીજી છોકરીઓ ઝીલે. તું ઘરમાં એકલે તિલાવત કરતી ત્યારે ગલીમાં આવતાજતા લોકોના પગ આગળ જવાનો ઇનકાર કરી દેતા. એક વાર મઝાર સાઈં દૂલ્હે શાહના મુજાવર સાઈં હઝરત શાહ અહીંથી પસાર થયા તો તારો અવાજ સાંભળીને બોલ્યા હતાઃ “ આ કોણ છોકરી છે?…એના અવાજમાં તો અમને ફરિશ્તાઓની પાંખોનો ફડફડાટ સંભળાય છે.” તને આ ખબર પડી તો તું તો રોવા લાગી હતી.
પછી તો સ્ત્રીઓ પાણી ભરેલાં વાસણો લાવતી અને તું તિલાવત પૂરી કરી લે તેની રાહ જોતી. તું બહાર આવીને “બરકત શાહ દૂલ્હે શાહ જી…” કહીને એ વાસણોને ફૂંક મારતી. સ્ત્રીઓ એ પાણી ઘરે લઈ જઈને માંદાઓને પીવડાવતી અને એ સાજા થઈ જતા. નમાઝ ન પઢનારા નમાઝી બની જતા.
ખુદા અને રસૂલ (મહંમદ પયગંબર)ના નામ પછી તું સાઈં દૂલ્હે શાહજીનું નામ જપતી રહેતી, એટલે જ તારા અબ્બા એક વાર તને સાઈં દૂલ્હેજી શાહની મઝાર પર સલામ માટે લઈ ગયા હતા. તેં કુરાનશરીફની તિલાવત તો એટલી બધી કરી છે કે આજે ચારે બાજુ સન્નાટો છે, માત્ર ડૂસકાં સંભળાય છે ત્યારે પણ તારી આસાપાસ તારા જ અવાજમાં હું કુરાન શરીફની આયતો સાંભળી શકું છું, મારા દૂધના સોગંદ, એ અવાજ તારો જ છે.
એક દિવસ તારા ચાચા દીન મુહમ્મદની બીવી પોતાના દીકરા માટે તારું માગું લઈને આવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે તું તો હવે પરણવાની ઉંમરે પહોંચી. દીકરીઓ ચુન્નીથી માથું ઢાંકતી થઈ જાય કે માઓ સમજી લે કે હવે એનો જવાનો સમય આવ્યો છે. હું તો સમજી જ નહોતી શકી, પણ તારા અબ્બાને તો ખબર હતી. એણે કહ્યું કે, “બસ, મને છોકરીની બીક લાગે છે. એની સાથે તો વાત કર. છોકરીએ તો બધું મૌલાના રસ્તે છોડી દીધું છે.”
મને પણ પહેલી જ વાર તારાથી ડર લાગ્યો. તને માગાની વાત કારું, ને તને ગુસ્સો આવી જાય તો? પણ એ જ સાંજે સાઈં હઝરત શાહનો એક સેવક આવ્યો અને કહ્યું કે કાલથી સાઈં દૂલ્હે શાહજીનો ઉર્સ શરૂ થાય છે, એ ત્રણ દિવસ ચાલશે. સાઈં હઝરત શાહને દૂલ્હે શાહજીએ સપનામાં આવીને ફરમાવ્યું છે કે મારી ચેલી રાનોને બોલાવો અને મઝાર પર કુરાનશરીફની તિલાવત કરાવો, નહીંતર હું બધું ભસમ કરી નાખીશ. અને બેટી તને તો ખબર છે, સાઈં દૂલ્હે શાહજીના જલાલ (તેજ, ક્રોધ)ની. જિંદગીમાં જેણે પણ એમની વિરુદ્ધ વાત કરી એના સામે એમણે એક નજર નાખી ને એને રાખ કરી નાખ્યો. એમની દરગાહમાં કે આસપાસ કંઈ ખરાબ કામ થાય તો એમની મઝાર માથા તરફથી ખૂલી જાય છે, એમાંથી એમનો હાથ બહાર આવે છે અને ખરાબ કામ કરનારો ગમે ત્યાં હોય, ત્યાંથી ખેંચાઈને અંદર સમાઈ જાય છે. મઝાર શરીફની દીવાલો ફરી એવી જોડાઈ જાય છે, જાણે કદી ખૂલી જ ન હોય.
દૂલ્હેજી શાહનો હુકમ થયો પછી શું? બીજે દિવસે આપણે ત્રણેય જણ ઊંટ પર નીકળ્યાં. તેં તિલાવત શરૂ કરી અને, સાચું કહું, આજુબાજુથી માણસો ખેંચાઈ આવ્યા. તારા અબ્બાએ ઉપર જોયું તો પક્ષીઓ ભેગાં થઈ ગયાં હતાં અબ્બાએ કહ્યું આ નૂરાની (તેજોમય) પંખી આપણે ત્યાં તો જોયાં જ નથી. એ તો ફરિશ્તા જ હશે. કોઈ તો એવાં હતાં કે જાણે નાનાં ભૂલકાંઓને પાંખો ન આવી હોય ! બધાં તારા મોંએ કુરાનની તિલાવત સાંભળવા આવ્યા હતાં.
મઝારે પહોંચ્યાં ત્યારે તું તો ભૂલી જ ગઈ કે તારાં માબાપ પણ તારી સાથે જ છે. જાણે સાઈંદૂલ્હે શાહજી તને આંગળી પકડીને મઝાર તરફ ખેંચી જતા હોય. અમે પણ મઝાર શરીફને વાંદીને આંખને સ્પર્શ કર્યો. પછી હઝરત શાહની સેવામાં હાજર થયાં. અંદર જઈને એમની બીવીઓને મળ્યાં. હઝરત શાહે કહ્યું કે સાઈંજીએ તમારી બેટીને પોતાનાં ચરણોમાં બેસાડીને તમારા બધા અપરાધ માફ કર્યા છે. અમે તને હઝરત શાહની હિફાઝત (સંરક્ષણ)માં છોડીને પાછાં ફર્યાં.
ઉર્સ પછી અમે તને લેવા મઝાર શરીફ પર પહોંચ્યાં ત્યારે પણ તું ત્યાં જ મઝાર પાસે બેઠેલી મળી. પણ એ તું જ હતી? તારી આંખો ફાટેલી, વાળ વીખરાયેલા, માથેથી ચાદર સરકી ગઈ હતી અને તને અબ્બાને જોઈને પણ માથું ઢાંકવાનું યાદ ન આવ્યું. શરીર આખું ધૂળમાટીથી ખરડાયેલું હતું. અમને જોતાંવેંત તેં ચીસ પાડીઃ “ હટી જાઓ બાબા… અમ્મા મારી પાસે ન આવજો. હું ક્યાંય નહીં જાઉં. શાહજીની મઝાર ખુલશે અને પાક હાથ બહાર આવશે તે પછી જ હું તમારી પાસે આવીશ. ત્યાં સુધી હું મરી ગઈ છું” અને પછી તું ચોધાર આંસુએ રોવા લાગી હતી.
ઘણા માણસ એકઠા થઈ હતા. એમણે કહ્યું કે મઝાર પાસે જ રહી છે એટલે એને અસર થઈ ગઈ છે. તારા અબ્બાએ કહ્યું, “ રાતદિવસ તિલાવત કરનારી છોકરી પર અસર કેમ થાય? અસર થઈ તો સાઈં હઝરત શાહ ક્યાં છે?”
અમે હઝરત શાહને મળવા ગયાં તો ખાદિમો (સેવકો)એ કહ્યું, એ તો ઉર્સ પછી કોઈને મળતા નથી. દિવસો સુધી એક કમરામાં બેઠા વજીફા (જપ) પઢતા રહે છે. અમે એમની બીવીઓને મળવાનું કહ્યું તો ખાદિમોએ અમને રોકી લીધાં કે રાનોની હાલતથી એમને બહુ દુઃખ થયું છે, હવે વધારે દુઃખી કરશો તો એ પાપ છે.
અમે બન્ને લાચાર થઈને રોતાં બેઠાં હતાં ત્યાં હઝરત શાહનો એક ખાદિમ આવ્યો. એણે કહ્યું કે રાનો ઓચીંતી જિન્નના કબજામાં આવી ગઈ છે. એને છોડાવવા માટે સાઈંજી ખાસ વજીફા ફરમાવે છે. જિન્ન ઊતરી જશે તે પછી તમારી દીકરીને સુખરૂપ ઘરે પહોંચાડી જશું. ત્યાં સુધી એને અહીં જ રહેવા દો.
ત્યાં તો તારો આવાજ આવ્યોઃ “હવે તમે લોકો જાઓ.” તારી આંખોમાં સરોવર છલકાતું હતું. “બાબા, અમ્મા, મઝાર શરીફ જરૂર ખુલશે, મુબારક હાથ બહાર આવશે, ફેંસલો જરૂર થશે…” કહીને તું ફરી મઝાર શરીફ તરફ ચાલી ગઈ હતી. તારી ચાલ દોરથી કપાયેલા પતંગ જેવી હતી.
હવે તો તું અમને ઓળખતી પણ નહોતી. તારા હોઠ હજી પણ તિલાવત કરતા હતા. અમે ફરી હઝરત શાહ પાસે દોડ્યાં. અરજ કરી કે જિન્ન, ભૂત તો કુરાન પઢનારાની પાસે પણ ફટકી ન શકે, તો આ જિન્ન તો તમારી દરગાહના જ છે. એક વાર હુકમ કરશો તો ઊતરી જશે. પણ એમણે કહ્યું કે કોઈ કાફર જિન્ન સવાર થયો છે એ મારા કબજામાં નથી. તમે ઘરે જાઓ, હું વજીફા પઢતો રહીશ.
અમે ભાંગ્યે હૈયે પાછાં ફરતાં હતાં ત્યારે એક બૂઢ્ઢી ખદિમાએ અમને કહ્યું કે ઉર્સના ત્રીજા દિવસે હઝરત શાહ મઝાર પર આવ્યા હતા પણ એમને જોઈને તમારી દીકરીએ મઝાર પરના ગોળ ગોળ પથ્થર થેલીમાં ભરી લીધા હતા, હઝરત શાહને જોતાંવેંત જ એ બરાડી ઊઠી હતી કે મુબારક હાથ તો નીકળતો નીકળશે પણ એક ડ્ગલું પણ આગળ વધીશ તો સાઈંજીના આ પથ્થરોથી તને ખતમ કરી દઈશ. ખાદિમ તમારી બેટીને મારવા દોડ્યા તો હઝરત શાહે એમને રોકી લીધા કે આ છોકરી નથી બોલતી, કાફર જિન્ન બોલે છે. જ્યાં સુધી એ હટે નહીમ ત્યાં સુધી અમારું કે અમારાં ઘરનાં કોઈનું અહીં આવવાનું બરાબર નથી, કોને ખબર, જિન્ન શું કરી નાખે…
રાતે એક ખાદિમ આવ્યો અને કહ્યું કે તમારી દીકરી તમને બોલાવે છે. તું મઝાર શરીફ પાસે પડી હતી, તારો અવાજ બહુ નબળો પડી ગયો હતો. તેં કહ્યું, “કોણ જાણે, મઝાર કેમ ન ખૂલી? પણ ફેંસલો તો થઈ ગયો. હું જ ગુનેગાર છું. બસ, હવે કયામતને દિવસે ખુદા સમક્ષ હાજર થશું…” તું બોલતી બંધ થઈ ગઈ. એ વખતથી તું હજી પણ કંઈ બોલી નથી.
પછી તો તને ઘરે લઈ આવ્યાં. સવારે જ હઝરત શાહનો ખાદિમ કાફન આપી ગયો. તારા પરથી ઊતરેલો જિન્ન તારા અબ્બા પર ચડી ગયો. એણે કફન હાથમાં લઈને તને ગુસ્લ (સ્નાન) આપવા માટે પાણી ગરમ થતું હતું એ ચૂલામાં જોંસી દીધું.
કલેજાના ટુકડા જેવી મારી મીઠડી, જો તો ખરી, ફૂલો કેવાં મહેકે છે. ખિસકોલીઓ ઝાડ પર દોડતી છેક ટોચ સુધી પહોંચી જાય છે. હવા પણ એવી છે કે સદીઓનાં સૂકાં કમાડોના મિજાગરાઓમાંથી કૂંપળો ફૂટી નીકળશે એમ લાગે છે. આમ છતાં ચારે બાજુ તારા અવાજમાં તિલાવત ગૂંજે છે અને હઝરત શાહે મોકલેલા કફનના બળવાની ગંધ હવામાં ભરાઈ ગઈ છે. મારી અંદર પણ તારા જનમ વખતે જેટલી વેદના હતી તે ફરી ઊભરાવા લાગી છે.
(ગુજરાતીમાં સંક્ષિપ્ત અનુવાદ)
+_+_+_+_+_
http://webgurjari.in/2015/04/26/all-time-best-short-urdu-stories-from-pakistan_5/