Vikram and Vetal (2)

મિત્રો,
વિક્ર્મ અને વેતાળની વાર્તાની ચર્ચા કરવા બદલ આભાર. હવે site stats જોઈને મને લાગે છે કે પકે શું કર્યું હશે તેનો જવાબ હું પોતે આપું એનો સમય થયો છે.

મોટા ભાગે, મિત્રોનાં અનુમાન અથવા સલાહ સાચાં છે. પણ આ વાર્તાનો પક એટલે (દી)પક. અને આ કથા કાલ્પનિક નથી. અલબત્ત, એમાં કથાનો રંગ છે.

આ સાથે હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થના અર્થ પણ સ્પષ્ટ થઈ જશે. યમુનાના બીજા કાંઠે વસેલો ભાગ એ જ ઇન્દ્રપ્રસ્થ. અહીં ઇન્દ્રપ્રસ્થ એસ્ટેટ છે અને ઇન્દ્રપ્રસ્થ સ્ટેડિયમ પણ છે. કૌરવ-પાંડવ વિખવાદને કે કૃષ્ણને સીધી રીતે આની સાથે સંબંધ નથી, માત્ર કથાનાં વાતાવરણનાં અંગ છે. પરંતુ, આજની સ્થિતિ જોતાં એને વ્યંગ તરીકે લઈ શકો.

કૃષ્ણ ખરેખર સામાન્ય માણસને મળતા કે કેમ, એ ખબર નથી, મહાભારતની કથાના મૂળ વિષયવસ્તુનું કેન્દ્ર કૌરવો અને પાંડવો વચ્ચેની શત્રુતા છે એટલે એમાં સામાન્ય પ્રજાજનનો ઉલ્લેખ પણ નથી. પરંતુ આજની સ્થિતિમાં આપણે સૌને શંકાની નજરે જોતા નથી શું? પકના અભિપ્રાયને આવો જ માનો. અને કૃષ્ણના જીવનમાં તો એમના પર સ્યમંતક મણીની ચોરીનો પણ આરોપ મુકાયો હતો, એ તો આજની વાત નથી! કૃષ્ણ નિર્દોષ જ હતા, પરંતુ સવાલ શંકાનો છે, અને એમાંથી કૃષ્ણ બચી શક્યા નહોતા. મહાભારતની કથાનું આ જ તો માનવીય પાસું છે.

અહીં આપેલી ઘટનાઓ જેમ વર્ણવી છે તેમ નથી બની, પણ બની જરૂર છે. એટલે કે પકની જેમ (દી)પક સૂતેલી માતાને ચરણસ્પર્શ કરીને વિદાય થયો નહોતો

જીવનમાં મૂલ્યો વચ્ચે પણ સંઘર્ષ અનુભવવાના દિવસો આવે છે..

આમ છતાં રણબીરના પિતા સમાન મોટાભાઈનું અવસાન થયું ત્યારે એને પૈસાની જરૂર પડી હતી. તે પછી તેરમા દિવસે જ્યારે ઘરે આવવા કહ્યું ત્યારે મનમાં એ જ વિચારો આવ્યા હતા, જે અહીં પકને મૂંઝવે છે. અંતે, નિર્ણય એવો કર્યો કે રણબીરને ઘરે જવું અને ભોજન પણ કરવું.

મિત્રોનાં સૂચન છે કે ઘરે જવું પણ જમવું નહીં, અથવા તો રાનુને પોતાને ઘરે બોલાવવો, અથવા એને પ્રેતભોજન ન માનતાં પ્રેમભોજન માનવું.

બધાં સૂચનો સારાં છે, પરંતુ, મારા માટે સવાલ એ હતો કે એને ઘરે જઈને ન જમીએ તો એનો અર્થ શું થાય? એને પ્રેમભોજન માનવું એ તો મનને મનાવવાની વાત છે. એને મારે ઘરે બોલાવવાનો વિચાર પણ ન આવ્યો અને આજે પણ એના માટે કારણ જણાતું નથી. અમે બન્ને ગયાં અને એને ત્યાં જમ્યાં.

હજી ભોજનને વાર હતી (અથવા એણે અમને એમ કહ્યું) પણ એના પોતાના સ્વચ્છ સુઘડ ઘરમાં એની પત્નીએ પિરસીને અમને ટેબલ ખુરશી પર બેસાડીને ભોજન કરાવ્યું. એણે અમને અલગ બેસાડ્યાં તેનું કારણ તો એ જ સમજાયું કે અમે એના માટે બહુ મોટાં મહેમાન હતાં. આ બાબતમાં મેં સૌની સાથે જમવાનો આગ્રહ પણ ન કર્યો. મહેમાનોએ આવા વિચારો કરવાના ન હોય. જેમ મિજબાનને અનુકૂળ હોય તેમ.

પરંતુ, ભોજન પહેલાંની કહેવા જેવી બીજી વાત એ છે કે એમણે ગોર મહારાજ વિના જ હવન કર્યો! નાની વેદી બનાવી હતી, એમાં છાણાં-લાકડાં પર ઘી રેડીને અગ્નિ પ્રગટાવ્યો. એક જણે અમારા સૌના હાથમાં ફૂલો અને ઘાસ આપ્યાં. અને સૌને મનમાં ભગવાનનું નામ લેવા કહ્યું કે ભગવાન મૃતાત્માને શાંતિ આપે. પછી, હવનમાં અમે ફૂલ અને ઘાસ હોમી દીધાં. સૌ હાથ જોડીને ઊભા રહ્યા અને પછી વિખેરાઈ ગયા. બીડીઓ સળગી અને સૌ વાતે વળગ્યા.

પાંચ મિનિટમાં હવન પૂરો! મને થયું કે બ્રાહ્મણોએ બાવીસ ટકા હિન્દુઓની ઘરાકી કારણ વગર ખોઈ દીધી. એમનું કામ તો પંડિત વિના જ ચાલી ગયું!

બે મહત્વનાં મૂલ્યો વચ્ચેના સંઘર્ષની
આ કથા વાંચનાર અને એના પર પ્રતિભાવ આપનાર સૌનો આભાર.

%d bloggers like this: