Science Samachar : Episode 2

science-samachar-ank-2સંકલનઃ દીપક ધોળકિયા

ટેકનોલૉજી સ્મારકોની મદદે

૧૯૯૭માં તાલિબાને અફઘાનિસ્તાનમાં બમિયાનના પહાડોમાં આવેલી ત્રણ મહાકાય બુદ્ધ પ્રતિમાઓનો ધ્વંસ કરી નાખ્યો. તે પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પરાજય થયો અને નવી સત્તાએ ફોટૉગ્રામેટ્રીની મદદથી ત્યાં બુદ્ધ પ્રતિમાઓની પ્રતિકૃતિઓ સ્થાપિત કરી છે.

ટેકનોલૉજી સ્મારકોની મદદેઇરાકમાં પણ ઇસ્લામિક સ્ટેટ (ISIS)નો મોસૂલ શહેર પર કબજો છે. જો કે હવે સીરિયાઈ સૈન્યોએ મોસૂલની આસપાસનાં ગામો પર ફરી કબજો મેળવી લીધો છે અને મોસૂલ ક્યારે ફરી જિતાય તે જોવાનું છે.

દરમિયાન, ISIS ભાગતાં ભાગતાં પ્રાચીન સ્મારકોનો નાશ કરી નાખે એવી ભીતિ સેવાય છે. આવી કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં ટેકનોલોજિસ્ટો જાગી ગયા છે અને એમણે આખી દુનિયામાં પ્રાચીન સ્મારકોની તસવીરો લઈને ડિજિટલાઈઝ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ તસવીરો ‘ફોટોગ્રામેટ્રી’ (photogrammetry)ની ટેકનિકથી લેવાશે. આમાં સ્મારકના જુદાજુદા ખૂણેથી અનેક ફોટા લેવાય છે અને પછી એમનું સંમિશ્રણ કરીને 3D ઇમેજ તૈયાર કરાય છે. ફોટા લેવાની જુદી જુદી ટેકનિકોનું આ સંયોજન છે.

ટેકનોલૉજી સ્મારકોની મદદે 1‘એરિયલ ફોટોગ્રામેટ્રી’માં, એરિયલ ફોટોગ્રાફી એટલે આકાશમાંથી કે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ફોટા લેવાય છે. (ક્લોઝરેન્જ ફોટોગ્રાફી (CRP) એટલે જમીન પરથી લીધેલા ફોટા). હવે સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય એવાં સોફ્ટવેર અને ડિજિટલ કેમેરા પણ મળે છે. ઘણી વાર તો એ ઓપન લાયસન્સ હેઠળ પણ મળી જાય છે. આથી તમે કોઈ પણ વસ્તુના જુદા જુદા ખૂણેથી ફોટા લઈને (CRP) 3D ઇમેજ બનાવી શકો છો. જેમને રસ હોય તેમને અહીં ક્લિક કરવાથી વધારે જાણકારી મળી શકશે.

૦-૦-૦

નાસા ‘સિટીઝન સાયન્ટિસ્ટ’ નામનો એક પ્રોગ્રામ ચલાવે છે, જેમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. આવા સિટીઝન સાયન્ટીસ્ટો અને નિષ્ણાત વૈજ્ઞાનિકોના સહિયારા પ્રયાસોથી એક લાલ વામણો (Red Dwarf) તારો જોવા મળ્યો છે. એને AWI0005x3s નામ આપવામાં આવ્યું છે. લાલ વામણો તારો દેખાય, એ વાત કંઈ નવી નથી, પરંતુ એની આસપાસ વાયુઓ અને રજનું એક વલય છે. જે બીજા તારોની ફરતે જોવા નથી મળતું. દરેક તારાની ફરતે આવું વલય હતું. વાયુઓ અને રજકણો સતત અથડાતા રહે છે અને ગંઠાતા જાય છે, એ ગ્રહ બની જાય છે. સામાન્ય રીતે આ વલય ૩ કરોડ વર્ષમાં વિલાઈ જાય છે, પરંતુ આ તારાનું વલય સાડાચાર કરોડ વર્ષ જૂનું છે. આમાંથી નવા ગ્રહો બનશે. કદાચ આપણે એ વખતે આ દુનિયામાં નહીં હોઈએ!

આ તસવીર કલાકારે બનાવેલી છે
              આ તસવીર કલાકારે બનાવેલી છે

નાસા તરફથી એક ‘ડિસ્ક ડિટેક્ટિવ’ કાર્યક્ર્મ ચાલે છે તેમાં ૩૦,૦૦૦ ખગોળપ્રેમી નાગરિકો જોડાયા છે. રસ હોય તો વેબસાઇટ DiskDetective.orgની મુલાકાત લેવા જેવી છે. તમને નાસાએ કરેલી મોજણીઓનાં રેકૉર્ડિંગની દસ-દસ સેકંડની કેટલીયે ફિલ્મો જોવા મળશે. તમે વેબસાઇટના ‘યૂઝર’ તરીકે બીજી પદ્ધતિઓનો ઉપયોગ પણ કરી શકશો. તે પછી તમારાં અનુમાનો અને તારણો નાસાને જણાવો. કદાચ તમે પણ નવું શોધી શકો.

0-0-0

ડાયાબિટીસટાઇપ ૧નો ઇલાજ?

ડાયાબિટીસ-ટાઇપ ૧ડાયાબિટીસ-ટાઇપ ૧માં શરીર પોતે જ ઇંસ્યુલિન બનાવતા કોશો પર હુમલો કરે છે. આપણા રોગ પ્રતિકાર તંત્રમાં જ સેંધ પડી હોય છે એટલે દુશ્મનને મોકળું મેદાન મળી જાય છે. હવે વૈજ્ઞાનિકોએ આ હુમલો ક્યાંથી થાય છે અને કોણ કરે છે તે જાણી લીધું છે, એટલું જ નહીં હુમલાને ધીમો પાડવામાં પણ એમને સફળતા મળી છે. વૈજ્ઞાનિકો માને છે કે શક્ય છે કે આગળ જતાં આમાંથી ઇલાજ પણ વિકસે.

ચિત્રમાં તમને સફેદ કોશ દેખાય છે તે ઇન્સ્યુલિન બનાવતા બીટા કોશો છે. લીલા રંગમાં છે તે રોગ પ્રતિકાર તંત્ર (ઇમ્યૂન સિસ્ટમ)ના કોશો છે. આપણી લિંફ ગ્રંથિમાં miR92a બને છે અને એ ઇમ્યૂન સિસ્ટમના કોશો પર હુમલો કરે છે. પરિણામે રક્ષક ભક્ષક બની જાય છે અને બીટા કોશોને મારી નાખે છે,. આ કારણે ઇણ્સ્ય્લિન બની શકતું નથી. વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયા જોઈ અને miR92a પર જ હુમાલો કરવાનું નક્કી કર્યું, આના માટે એમણે ઍન્ટેગોમિરનો ઉપયોગ કર્યો. ઍન્ટેગોમિર સાથે miR92aનું સંયોજન થઈ જાય છે એટલે આ ઇલાજ કરવાથી હુમલો હળવો પડી જાય છે અને પૅનક્રિઆસમાં જ બીટા કોશોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. આ બીટાકોશો જ ઇન્સ્યુલિન બનાવે છે. તે ઉપરાંત આ ઇલાજથી બીટા કોશોનું રક્ષણ કરનારા T કોશ પણ બનવા લાગે છે.

૦-૦-૦

ફરસની લાદીમાંથી વીજળી!

ઘરની કે મોટા મૉલ કે થિએટરોની ફરસબંધી સુંદર હોય છે. સામાન્ય રીતે એમાં લાકડાના વ્હેરમાંથી બનાવેલી તક્તીઓ કે લાદીઓનો ઉપયોગ થાય છે. એ સસ્તી પણ હોય છે અને આકર્ષક પણ હોય છે. અમેરિકાની વિસ્કોન્સિન-મૅડિસન યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર શુદોંગ વાંગ અને એમની. ટીમે આવી ફરસમાંથી વીજળી પેદા કરવાનો નુસ્ખો શોધી કાઢ્યો છે. એમણે લાકડાના માવાનો ઉપયોગ કર્યો અને ‘કંપન’ દ્વારા વીજળી પેદા કરી. લાકડામાં સેલ્યૂલોઝના નેનો ફાઇબર ઉમેરીને એમણે અખતરો કર્યો. એ ફાઇબર પર રાસાયણિક પ્રક્રિયા કરવાથી એ બીજા આવી પ્રક્રિયા ન કરી હોય તેવા ફાઇબરના સંપર્કમાં આવતા વીજળીક ચાર્જ પેદા કરે છે.

આ નૅનોફાઇબરને ફરસબંધી માટેની સામગ્રીમાં ભેળવી દેવાય ત્યારે એમાં વીજળી પેદા થાય છે. એનાથી લાઇટ બળી શકે છે અને બૅટરી ચાર્જ કરી શકાય છે. આવી ફરસબંધી સ્ટૅડિયમો, મોટા બૅંકેટ હૉલ, થિએટરોમાં વપરાય તો મોટા પાયે પરંપરાગત વીજળીની બચત થાય. એ સોલર પાવર કરતાં પણ સસ્તું પડે!

પ્રોફેસર વાંગ હવે આની ટેકનોલોજીની કચાશો દૂર કરવામાં વ્યસ્ત છે.

૦-૦-૦

Vaalia to Valimiki – A true Modern Tale

૧૮મી સપ્ટેમ્બરે દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં એક મીટિંગ મળી. માત્ર દસેક જણ હતા. પ્રખ્યાત વયોવૃદ્ધ સર્વોદય નેતા ડૉ. સુબ્બારાવ અને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના પ્રમુખ કુમાર પ્રશાંત પણ મીટિંગમાં હાજર હતા. ડૉ. સુબ્બા રાવ ગાંધી જયંતી શ્રીનગરમાં ગાળવા જવાના હતા. એમનું કહેવું છે કે ત્યાં ભયંકર અશાંતિ છે ત્યારે આપણે પોતે જઈને વાત શા માટે ન કરીએ? મીટિંગમાં એક ગાંધીટોપીવાળા સજ્જન પણ બેઠા હતા. એમણે પોતાની ઓળખાણ માત્ર ‘સુરેશ’ તરીકે આપી. તે પછી મીટિંગમાં એ એક પણ શબ્દ ન બોલ્યા. મીટિંગ પછી અમે સાથે જ બહાર નીકળ્યા. પહેલવહેલો પરિચય હતો. વાતવાતમાં એમણે કહ્યું કે હિંસાથી કોઈ પક્ષ જીતે નહીં, એ તો હું જાતઅનુભવથી કહું છું. એમણે ઉમેર્યું કે હું આજે જે કંઈ છું તે ગાંધીજીને કારણે, નહીંતર જેલમાં સડતો હોત. મારાં પાપ જ એવાં હતાં.

clip_image002મને કુતૂહલ થયું. મેં પૂછ્યું, એમ કેમ? એમણે કહ્યું કે જેલમાં બાવીસ વર્ષ કાઢ્યાં છે. હું તો રીઢો ગુનેગાર હતો, ખૂન. લૂંટ, જેલ તોડીને ભાગવું, બધું કર્યું છે, મને આજીવન કારાવાસની સજા થઈ તેમાં કંઈ અન્યાય નહોતો…

આજે તેઓ સુરેશ સર્વોદય તરીકે ઓળખાય છે પણ ડાકુ સુરેશ સોની તરીકે એમને ચંબલની કોતરેકોતર ઓળખે. મને તો એટલું જ કહ્યું કે મને માત્ર સુરેશ કહો…ચાલો સુરેશભાઈ કહી દો… તો મારા માટે અને આપણા સૌ માટે તેઓ છે, “સુરેશભાઈ”.

૧૯૫૨ની ૨૭મી ઑગસ્ટે ઉત્તર પ્રદેશના મહોબા ગામના સોની પરિવારમાં એમનો જન્મ. પિતાને મિલકતની વહેંચણીમાં ભાઈઓએ છેતર્યા હતા એટલે મૂળ છતરપુર વતન છોડીને એ મહોબા જિલ્લાના ગામ સૂપા આવીને વસ્યા. માતાએ અહીં નાની સ્કૂલ ખોલી પણ માતાને કુટૂંબીઓએ કરેલા અન્યાયનો ભારે રોષ હતો.અને બાળકોને કદી સગાંવહાલાંના સંપર્કમાં ન આવવા દીધાં.

પિતા ધાર્મિક ખરા. રોજ સુરેશ અને એના ભાઈ પિતા સાથે સાંજે બેસીને રામાયણ વાંચે. હનુમાન સમુદ્રને લાંઘી જાય વગેરે કથાઓમાં એને વિશ્વાસ ન બેસતો. આથી એને ધર્મમાં બધી વાતો ખોટી છે એવું લાગવા માંડ્યું. મંદિરે જાય તો મૂર્તિ ખોટી લાગે. એનાં ઘરેણાં જોઈને ચોરી કરવાના વિચાર આવે. પણ એના હૈયામાં ભરાઈ ગયેલા માતાના આક્રોશને બળ મળે એવું પણ કંઈ રામાયણમાંથી સુરેશને મળ્યું.. “અન્યાય સામે નમતું ન આપવા”નો સંકલ્પ પાકો થઈ ગયો હતો. પણ એના આ મતને રામચરિત માનસની એક ચોપાઈએ મજબૂત બનાવ્યો.

અનુજ વધૂ ભગિનિ સુત નારી. સુનુ સઠ કન્યા સમ યે ચારી

ઇન્હીં કુદૃષ્ટિ બિલોકહિં જોઈ, તાહિ બધૈ કછુ પાપ ન હોઈ.

“નાના ભાઈની પત્ની, બહેન અને પુત્રવધૂ કન્યા સમાન છે. એમના પર કુદૃષ્ટિ કરનારની હત્યા કરવામાં કંઈ પાપ નથી.”

સુરેશને લાગ્યું કે અત્યાચારીઓને મારવામાં કંઈ ખોટું નથી. એટલે એણે આવા અન્યાયોનો ભોગ બનતા મિત્રોને મદદ કરવાનું શરૂ કર્યું. ન્યાય માટે શહીદ થઈ જવાના મનસૂબા મનમાં ઘડાતા હતા ત્યારે ઘરમાં એના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. સુરેશે ચોખ્ખી ના પાડી દીધી. અંતે શહીદ થઈને ફાંસીને માંચડે જ ઝૂલવું હોય તો બિચારી કોઈ છોકરીની જિંદગી શા માટે બગાડવી?

એને ફરી સાયન્સના અભ્યાસમાં પોતાને જોતરી દીધો. પણ આસપાસના પાડોશી વેપારીઓ મુંબઈથી દાણચોરીથી સોનાનાં બિસ્કિટ લાવતા અને મોજ કરતા એ જોઈને એને થતું કે એના પિતા પ્રામાણિકતાથી જીવે છે તેનો અર્થ શું? અને આ વેપારીઓ અપ્રામાણિક છે, એમને લૂંટવામાં કંઈ પાપ નથી. એક જગ્યાએ લુંટ કરી અને એ વેપારીને મારવો હતો તેમાં ભૂલ થઈ ગઈ. લખનઉના એક પોલિસ અધિકારી રજામાં ગામ આવતા હતા, એમને વેપારી સમજીને ગોળીએ દઈ દીધા.

પોલીસે પીછો પકડ્યો અને સુરેશ સહિત બધા પકડાઈ ગયા અને હમીરપુર જેલમાં મોકલી દીધા. આખી જિંદગી જેલમાં કેમ વીતશે એનો એને વિચાર આવતો હતો. એ વખતે એને મનપ્યારે નામનો સાથી મળી ગયો. બન્નેએ જેલમાંથી ભાગી છૂટવાની યોજના ઘડી અનીક રાતે દીવાલ કૂદીને ભાગી છૂટ્યા.

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરકારોએ સુરેશ અને મનપ્યારેને જીવતા કે મૂઆ પકડી પાડવા માટે મોટી રકમનાં ઇનામો જાહેર કર્યાં. અંતે એ ફરી પોલીસના હાથમાં ઝડપાઈ ગયો. એક વાર જેલમાંથી ભાગવાને કારણે એનું નામ હિસ્ટરીશીટર તરીકે ચડી ગયું. હવે એને કાનપુર જેલમાં મોકલી દેવાયો. એ ૧૬ વર્ષની ઉંમરે અપરાધની દુનિયામાં પ્રવેશનર સુરેશ સોની ૨૧ વર્ષની ઉંમરે હિસ્ટરી શીટર બની ગયો હતો. હવે કાનપુર જેલમાં પગે બેડીઓ ચડાવીને કાળકોટડીમાં નાખી દીધો. એની સામે પંદરવીસ ગુનાઓના કેસ હતા. ફરી જેલમાંથી ફરાર ન થઈ જાય તે માટે જેલમાં તો પાકી વ્યવસ્થા કરવામં આવી પણ કેસ માટે કોર્ટમાં જતી વખતે ભાગી છૂટે તો શું કરવું? એટલે કોર્ટ જ જેલમાં શરૂ થઈ. હવે જેલ બહાર નીકળવાનો સવાલ જ નહોતો.

નવી હવાની લહેરખી

સુરેશ ભણેલો તો હતો જ. એનો સમય પસાર થાય તે માટે એક મિત્રે એને ડૉ. રાધાકૄષ્ણનનું The Recovery of Faith પુસ્તક મોકલ્યું. એમાં ગાંધીજીનું એક વાક્ય હતું કે ઈશ્વર સત્ય છે કે નહીં, એ હું દાવો કરી શકતો નથી, પણ સત્ય તો ઈશ્વર છે જ.”

આ એક વાક્યે સુરેશના મનમાં જામગરીનું કામ કર્યું. હવે જેલમાંથી ભાગવાના વિચારને બદલે જેટલું મળે તેટલું ગાંધી સાહિત્ય વાંચવાની પ્રબળ ઇચ્છા જાગી. રામાયણ, ગીતા વગેરે ધર્મગ્રંથો અન્યાય સામે હિંસાની હિમાયત કરે છે, પણ ગાંધીજી તો નવી જ વાત કરે છે! હવે એ જ રસ્તે ચાલવાનો સંકલ્પ કરી લીધો., લાભ થાય કે નહીં. એ જ અરસામાં સ્થાનિકની કૉલેજના પ્રિન્સિપાલ કેદીઓ સમક્ષ ભાષણ આપવા આવ્યા. એમણે પણ ગાંધીજીની વાતો કરી. સુરેશે એમના પગ પકડી લીધા અને ગાંધીજી વિશેનાં પુસ્તકો મોકલવા વિનંતિ કરી. પ્રિન્સિપાલ જગદેવ પ્રસાદ’વિદ્યાર્થી’ માની ગયા અને પુસ્તકો મોકલવા લાગ્યા.

હવે એનું ધ્યાન કેદીઓ તરફ ગયું. એમની ટેવો પણ ગંદી હતી, બધા ખોટું બોલવામાં પાવરધા. સુરેશે પહેલાં તો સૌ સવારે દાતણ કરતા તે જગ્યા સાફ કરવાનું શરૂ કર્યું. બધા મશ્કરી કરે, ગાળો આપે. સુરેશ પોતાનું કામ કર્યા કરે. કેદીઓ ચોરી છુપીથી પોતાની પાસે પૈસા રાખતા, તે પણ એણે બંધ કર્યું ચા-પાનનું વ્યસન છોડ્યું અને કોઈ પણ સંજોગોમાં ખ્ટું ન બોલવાનો સંકલ્પ કર્યો. એક જેલ સુપરિન્ટેન્ડન્ટે જોયું કે આ કેદી તો બહુ ભલો છે, તો એના પગમાં બેડી શા માટે? એણે અંગત જવાબદારી પર બેડીઓ કઢાવી નાખી.

પણ કેસ તો હજી જેલમાં જ ચાલતો હતો. એક વાર જજે પૂછ્યું; “કોઈ વકીલ જોઈએ છે? સુરેશે જવાબ આપ્યોઃ “સાહેબ, તમે ન્યાય કરવા માગો છો. સરકારી વકીલ પણ ન્યાય માટે કોશિશ કરે છે અને બચાવના વકીલ પણ એ જ કરશે. તો તમે જે નક્કી કરો તે જ બરાબર.”

સુરેશના ગુનાઓ માટે ફાંસીની સજા થઈ શકતી હતી પણ એનામાં આવેલા જબ્બર પરિવર્તન અને સત્યનિષ્ઠાને કારણે આજીવન કારાવસની સજા કરવામાં આવી. સુરેશે એ સજા માથે ચડાવી અને બીજા જ દિવસથી પોતાની રોજની દિનચર્યા ચાલુ રાખી. હવે બીજા કેદીઓ અને જેલના અધિકારીઓ પણ એને ‘ગાંધીજી’ તરીકે ઓળખતા થઈ ગયા હતા.

સુરેશભાઈને ૨૨ વર્ષ પછી ૧૯૯૯માં એમના સદ્‍વર્તનને કારણે છોડી મૂકવામાં આવ્યા. એ પોતાને ગામ ન જતાં સીધા વિનોબા પ્રેરિત બ્રહ્મવિદ્યા આશ્રમ પહોંચી ગયા અને હવે આખું જીવન ગાંધી વિચારના પ્રચારમાં સોંપી દીધું છે. સફાઈનો સામાન પણ સાથે રાખે છે.

clip_image004

મીટિંગમાંથી પાછા ફરતાં અમે મેટ્રોમાં સાથે જતા હતા ત્યારે પોલીસની તપાસમાં એમનો સફાઈનો પાવડર મશીનમાં દેખાઈ ગયો. પોલીસ જવા ન દે. આ પાવડર શું છે? ઘણી સમજાવટ પછી અમને જવા દીધા.

એમણે હાલમાં પોતાની અછડતી આત્મકથા લખી છે, પણ પુણ્યની તો છાલક પણ આપણને પવિત્ર કરી જાય. એમનું પુસ્તક મંગાવશો તો એમને થોડી મદદ થશે. આ રકમ સાર્વજનિક સેવામાં જ્ખર્ચાશે તેમાં શંકા નથી. સુરેશભાઈનો સંપર્ક કરવો હોય તો નીચે વિગતો આપી છેઃ

સુરેશભાઈ સર્વોદયી :

મોબાઇલઃ +918009034744

ઈ-મેઇલઃ survodai@gmail.com

પત્રવ્યવહારઃ ગ્રામ પોસ્ટ સૂપા, જિ. મહોબા (ઉ. પ્ર.). પિનઃ ૨૧૦૪૨૧

પત્રવ્યવહારઃ ગાંધી આશ્રમ, છતરપુર (મ. પ્ર.) પિનઃ ૪૭૧૦૦૧

Science Samachar: Episode 1

આજથી ‘Science સમાચાર’નો આ નવો વિભાગ શરૂ કરીએ છીએ. એમાં દુનિયામાં વિજ્ઞાનક્ષેત્રે બનતી નાનીમોટી ઘટનાઓના સમાચારોનું સંકલન કરીશું. મર્યાદાને ધ્યાનમાં રાખતાં મહત્ત્વના સમાચારો જ અહીં આપી શકાશે એ તો સ્પષ્ટ છે, એટલે જેને બહુ પ્રસિદ્ધિ મળી હોય તેવી ઘટનાઓને બદલે ઓછી જાણીતી વાતોને પ્રાથમિકતા આપીશું. આ ક્ષેત્ર એટલું વિશાળ છે કે દરરોજ આ વિભાગ આપી શકાય પરંતુ એ હમણાં તો શક્ય નથી લાગતું, એટલે આ કૉલમ સાથે  મહિનામાં બે વાર, બીજા અને ચોથા શુક્રવારે હાજર થઈશું. આજે આ પહેલો લેખ રજૂ કરીએ છીએ. આપના અભિપ્રાયો માટે ઉત્સુક છીએ.

 દીપક ધોળકિયા

science-samachar-ank-1

0 – o – 0

ઑક્ટોબરમાં પણ ગરમી?

નોરતાં પૂરાં થાય, શરદપૂનમના ડાંડિયારાસની તૈયારી ચાલતી હોય અને દિવાળીના ફટાકડાના અવાજો સ્મૃતિમાં સળવળીને બેઠા થતા હોય ત્યારે પણ ઘરમાં પંખા વિના ચાલે જ નહીં અને બહાર નીકળો તો પરસેવે નહાઈ જાઓ. આમ કેમ?

આખી દુનિયાની વાત કરીએ તો ઑક્ટોબર ૨૦૧૫થી શરૂ કરીને છેલ્લા ૧૧ મહિના સૌથી વધારે ગરમ રહ્યા છે. ૧૮૮૦થી વ્યવસ્થિત રીતે હવામાનનું માપ લેવાનું શરૂ થયું તે પછીથી મહિનાવાર તુલના કરતાં કોઈ મહિનો આટલો ગરમ નથી રહ્યો.(સાથેના ગ્રાફમાં ગરમીની વૃદ્ધિ દેખાડી છે; ૧૮૮૦થી ૧૯૧૦નો ગાળો આધાર તરીકે લીધો છે.) એક નિષ્ણાતનું કહેવું છે કે હવામાનમાં એવું બને છે કે દસ વર્ષ સુધી કંઈ ખાસ ફેરફાર ન થાય અને પછી ઉછાળો આવે, અને પછી મૂળ સ્થિતિ કદી પાછી ન આવે. જેવું દાળોના ભાવમાં થયું છે તેવું જ કંઈક. આ વર્ષે આવો ઉછાળો આવ્યો છે. બે વર્ષ પહેલાં ગરમી ૧૮૮૦થી ૧૯૨૦ની સરેરાશ કરતાં ૧ ડિગ્રી ઉપર હતી. આ વર્ષે આ આંક ૧.૩ ડિગ્રી નોંધાયો છે. આનો અર્થ એ કે હવે દર વર્ષે ગરમી વધારે જ થવાની છે, અને ૨૦૧૬નું વર્ષ સૌથી ગરમ વર્ષ રહ્યું છે.(સંદર્ભઃ અહીં ક્લિક કરો).

૦-૦-૦

ચંદ્રની સપાટી પર દર ૮૧,૦૦૦ વર્ષે હુમલા!

નાસાના વૈજ્ઞાનિકો કહે છે કે દર ૮૧,૦૦૦ વર્ષે ચંદ્રની ધરતી પર અવકશમાં ભટકતા ટુકડાઓ ત્રાટકે છે, પરિણામે એની સપાટીમાં બહુ મોટા ફેરફાર થઈ જાય છે. આ હુમલાઓને કારણે નવી ખાઈઓ બની જાય છે. કોઈ ખાઈ તો દસ મીટરના ઘેરાવામાં હોય છે. સામાન્ય રીતે ચંદ્રની સપાટીના બે સેન્ટીમેટર સુધી ધૂળ જ છે. નાસાએ ૨૦૦૯થી ચંદ્રની સપાટી પરનાં અમુક સ્થળોનું સતત નિરીક્ષણ કર્યું તેમાં જૂના અને છેલ્લામાં છેલ્લા ફોટાઓમાં એમને આ ફેરફાર જોવા મળ્યો છે. એમને નવી ૨૨૨ ખાઈઓ જોવા મળી તેમાંથી ૩૩ ટકા દસ મીટર પહોળી છે. તે ઉપરાંત સપાટીમાં પણ નાનામોટા ફેરફાર જોવા મળ્યા. વૈજ્ઞાનિકો કહે છે કે આ ‘ઊઝરડા’ એક ઊલ્કા પડ્યા પછી ખાઈ તો બની પણ એનીયે જુદી અસર થતી હોય તેને કારણે દેખાય છે. પૃથ્વી પર પણ આવી વર્ષા સતત થતી હોય છે પણ એ પૃથ્વીના વાતાવરણમાં આવતાં જ ભસ્મ થઈ જાય છે.(સંદર્ભઃ અહીં ક્લિક કરો).

૦-૦-૦

ગુરુના તેજોમંડળમાંથી ધ્વનિ પ્રગટે છે!

નાસાના સૌર શક્તિથી કામ કરતા અવકાશયાન ‘જ્યૂનો’એ ગુરુના ઉત્તર ધ્રુવ પરથી પ્રગટતા તેજોમંડળના ધ્વનિનું રેકૉર્ડિંગ કર્યું છે. અહીં (slE2i0O0pDY)સાંભળો.

આ વર્ષની ૨૭મી ઑગસ્ટે જ્યૂનો ગુરુની બહુજ નજીક, ૪૧૦૦ કિલોમીટરના અંતરે પહોંચ્યું અને તેજોમંડળના ફોટા પૃથ્વી પર મોકલ્યા. નાસાના વૈજ્ઞાનિકોએ માણસ સાંભળી શકે એવા ધ્વનિમાં એનું રૂપાંતર કર્યું.

ગુરુમાંથી સતત બહુ શક્તિશાળી કણોનો પ્રવાહ બહાર તરફ વહેતો રહે છે, જેને કારણે તેજોમંડળ બને છે. હવે વૈજ્ઞાનિકો એ જાણવામાં લાગ્યા છે કે ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે અને ગુરુની ફરતે ચુંબકીય ક્ષેત્રમાં એમની ગતિ વધી જાય છે, તે પછી એ વાતાવરણ સાથે શી રીતે અથડાય છે. આ ટક્કરને કારણે જ પ્રકાશના પુંજ રેલાય છે, જે તેજોમંડળ બનાવે છે.(સંદર્ભઃ અહીં ક્લિક કરો).

૦-૦-૦

ગર્ભાધાનના ૧૬ દિવસ પછી હૃદય ધબકવા માંડે છે.

બ્રિટિશ હાર્ટ ફાઉંડેશનના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે ગર્ભાધાનના ૧૬ દિવસ પછી શિશુનું હૃદય ધબકવા લાગે છે. હમણાં સુધી હૃદય ક્યારે કામ શરૂ કરે છે તેના પ્રયોગ ઉંદર પર થયા હતા. એમાં જોવા મળ્યું કે ગર્ભાધાન પછી આઠ દિવસે હૃદયનો વક્રાકાર એક રેખા રૂપે દેખાય છે અને એનો સ્નાયુ સંકોચાય છે, જેને આપણે ધબકાર કહીએ છીએ. ઉંદરના આઠ દિવસ પરથી એવું તારણ નીકળ્યું કે માણસનું હૃદય ૨૧ દિવસે ધબકવા લાગતું હશે. પરંતુ હૃદય તો બહુ પહેલાં કાર્ય શરૂ કરી દે છે. ફાઉંડેશનના સંશોધક પ્રોફેસર પોલ રિલેનું કહેવું છે કે હૃદય પહેલી વાર ક્યારે ધડકે છે તે જાણીને હૃદયના વિકાસમાં આવતી મુશ્કેલીઓ સમજવામાં એક ડગલું આગળ વધી શકાયું છે. વળી હૃદયનો કોઈ સ્નાયુ બદલ્યો હોય તો એના કોશોને કેમ સક્રિય બનાવવા તે પણ ભવિષ્યમાં જાણી શકાશે. (સંદર્ભઃ અહીં ક્લિક કરો).

૦-૦-૦

The Diwali Harvest festivals

diwali-harvest-festivalઆજે એવા જ બે કૃષિ તહેવારોની વાત કરવી છે. એક છે, મણિપુરનો કુટ તહેવાર અને બીજો છે, નાગાલૅંડનો તોખુ એમોંગ તહેવાર. બન્ને તહેવારો ધરતી માતાના આશીર્વાદ માટેના છેઃ સારો પાક થાય, ઘર ધન ધાન્યથી ભરાઈ જાય એના આનંદમાં બન્ને તહેવારો ઉજવાય છે. મૂળ તો દિવાળીની જેમ એના દિવસો પણ ચાંદ્ર વર્ષ પ્રમાણે બદલાતા અને સમુદાયના વડેરાઓ એની તિથિ નક્કી કરતા, પરંતુ પછી નિશ્ચિતતા ખાતર એમણે સૌર વર્ષ પસંદ કર્યું. કુટ તહેવાર દર વર્ષે પહેલી નવેમ્બરે ઊજવાય છે અને તોખુ એમોંગ દર વર્ષે સાતમી નવેમ્બરે. આ પ્રસિદ્ધ થશે ત્યારે મણિપુરમાં કુટ તહેવાર ઉજવાઈ ગયો હશે પણ નાગાલૅંડમાં લોકો તોખુ એમોંગની આતુરતાપૂર્વક રાહ જોતા હશે.

કુટ તહેવાર

કૂકી ચિન મિઝો આદિવાસી જાતિનો આ તહેવાર છે. આ જાતો મૂળ યહૂદીઓમાંથી ઊતરી આવી હોવાના વિવાદાસ્પદ ભાષાકીય પુરાવા મળે છે. એમના ઘણા શબ્દો ઇઝરાએલની ભાષા હિબ્રુમાં પણ મળે છે. સંસ્કૃત સાહિત્યમાં ‘કિરાત’ તરીકે ઓળખાતી જાતિ કૂકી જ હશે એમ પણ મનાય છે. કુલ ૪૭ લાખની એની વસ્તી મિઝોરમ, મણિપુર, આસામના અમુક ભાગ, બાંગ્લાદેશના ચિત્તાગોંગ પહાડી પ્રદેશ અને મ્યાંમારમાં પણ વસે છે. ૨૦૧૧માં મિઝોરમમાં ૯૧ ટકા કૂકીઓ સુશિક્ષિત હતા.

clip_image002મણિપુરનો નક્શો

જુદા જુદા પ્રદેશોમાં આ તહેવાર ‘ચાપ્ચાર કૂટ’, ‘ચાવાંગ કુટ’, ‘ખોદૌઆત’’, ‘બૈસાખ’ વગેરે જુદાં જુદાં નામે ઓળખાય છે. પરંતુ મિઝોરમમાં ચાપ્ચાર કુટ ફેબ્રુઆરીમાં ઉજવાય છે. મણિપુરના મિઝો નવેમ્બરમાં મનાવે છે. મબલખ પાક માટે ઈશ્વરનો આભાર માનવા માટેનો આ તહેવાર છે. એ દિવસે ગામના લોકો એકઠા થાય છે, એકબીજા સાથે હળેમળે છે અને સૌ સાથે મળીને ભોજન તૈયાર કરે છે. તહેવારથી પહેલાં જ લોકો તૈયારીઓ શરૂ કરી દે છે. ઘરોને વાળીઝૂડીને સાફ કરે છે અને તોરણો, રોશની વગેરેથી શણગારે છે. સૌ ભેગા મળીને એમનાં ગીતો ગાય છે અને નાચે છે. આ દિવસોમાં બહારથી આવેલા સહેલાણીઓનું ગામવાસીઓ ઊમળકાભેર સ્વાગત કરે છે; એમને પરંપરાગત સમૂહભોજનમાં સામેલ કરે છે અને એમની વસ્તુઓ ભેટ આપે છે.

ઉત્તર-પૂર્વ ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પછી આ બધા આદિવાસી તહેવારો ભુલાઈ ગયા હતા પરંતુ છેલ્લા ચાર-પાંચ દાયકામાં મિઝો અને નાગાઓની અસ્મિતા જાગી ઊઠી છે. એ સાથે એમના રાજકીય દૃષ્ટિકોણે વિદ્રોહી રંગ પકડ્યો, પરંતુ તે સાથે એમની સાંસ્કૃતિક સભાનતા પણ વધી. આજે આ તહેવાર માત્ર એક જ સમાજના લોકોનો નહીં પણ મિઝોની જુદી જુદી જાતિઓ વચ્ચે પણ સમન્વયના આરંભ જેવો બની ગયો છે.

આજે કુટમાં આધુનિક વલણો પણ ભળ્યાં છે અને ‘મિસ કુટ’ સ્પર્ધા પણ દર વર્ષે યોજાય છે. નીચે તસવીરમાં ‘મિસ કુટ-૨૦૧૬’ ની ત્રણ વિજેતાઓ જોવા મળે છે. બીજી તસવીર એમના પરંપરાગત નૃત્યની છે.

clip_image004તોખુ એમોંગ તહેવાર

નાગાલૅંડની ક્યોંગ્ત્સુ અથવા લોથા જાતિનો આ તહેવાર છે. આ તહેવાર પણ સામાજિક અસ્મિતા માટેની એમની જાગરુકતાના પરિણામે સિત્તેરના દાયકામાં નવું જીવન પામ્યો છે. લોથા જાતિની વસ્તી મુખ્યત્વે વોખા જિલ્લામાં છે. પરંતુ તોખુ એમોંગ હવે સાર્વત્રિક બનવા લાગ્યો છે.

clip_image006નાગાલૅંડનો નક્શો

તોખુનો અર્થ છે ટોળી બનાવીને ફરવું અને ખાવુંપીવું. એમોંગ એટલે એક નિયત સમયે અટકવું. આનો એકંદરે અર્થ એ કે લોકો સાથે મળીને નીકળે, બધાંને મળવા જાય, નિશ્ચિત જગ્યાએ એકઠા થાય, ત્યાં ખાય પીએ અને મોજમસ્તી કરે. જેની સાથે અણબનાવ થયો હોય તેની સાથે પણ મનમેળ કરી લેવાનો હોય. આ ટૂંકી વીડિયો ફિલ્મમાં તોખુ એમોંગની ઉજવણી દેખાડી છે.

લોથાઓ ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પહેલાં આ તહેવાર ઊજવતા. માતા ધરતી અને આકાશના તેઓ પૂજક છે. એ જ ધનધાન્ય આપે છે. આ દેવતાઓના માનમાં તેઓ નવ દિવસનો તહેવાર ઊજવે છે. પહેલાંના જમાનામાં દુંગ્તી અને ચોચાંગ, એટલે કે ગામના મુખીઓ તહેવારનો દિવસ નક્કી કરતા. તે પછી હલકારો નીકળે અને જાહેર કરે કે આજથી દસમા દિવસે નવ દિવસ માટે તોખુ એમોંગ ઉજવાશે. પરંતુ હવે સાતમી નવેમ્બર નક્કી કરી દેવાઈ છે.

clip_image007આ નવ દિવસ દરમિયાન ગામમાં બહારના લોકોને પ્રવેશની મનાઈ છે. એટલું જ નહીં પણ તહેવાર દરમિયાન કોઈ ગામની બહાર પણ જઈ ન શકે. એમના ગામમાંથી કોઈને પસાર ન થવું પડે એટલા માટે જુદા રસ્તા પણ બનાવાયા છે. આ નિયમ બહારના લોકો પ્રત્યે દ્વેષ દેખાડવા માટે નથી; એટલું જ કે તમે તોખુ એમોંગ વખતે અહીં આવ્યા છો તો આખા તહેવાર માટે રહો. જે કોઈ ગામમાં આવ્યો તે નવ દિવસ માટે સૌનો મહેમાન ગણાય. એટલે જ જેમને કામ પ્રસંગે, એક ગામથી બીજે ગામ જવું પડતું હોય તેમને આ ગામમાંથી પસાર ન થવું પડે તેવા રસ્તા બનાવાયા છે.

આ તહેવારનું બીજું પણ મહત્ત્વ છે. ગામનો પુજારી જમીન ખોતરે છે. એ રીતે એ નવી જમીનો ખોદવાની પરવાનગી આપે છે. તે પછી નવપરિણીતો માબાપની સાથે રહેતાં હોય તે જમીન સમતળ બનાવીને પોતાનું ઘર બાંધવાની શરૂઆત કરે છે. લોથાઓ આ ઉત્સવ દરમિયાન કંઈ કામ નથી કરતા. એમને શિકારની કે માછલાં પકડવાની કે વેપાર કરવાની પણ છૂટ નથી. બસ, હરોફરો અને મોજમસ્તી કરો. કામ તો આખું વર્ષ રહેવાનું છે!

clip_image009સૌ મિત્રોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ.

દીપક ધોળકિયા


Mathematicians -2- Gottfried Wilhelm Leibniz

Gottfried Wilhelm Leibniz  ગોટફ્રાઇડ વિલ્હેલ્મ લાઇબ્નીસ (૧૬૪૬-૧૭૧૬)નું નામ માત્ર ગણિત નહીં, ઘણા વિષયો સાથે સંકળાયેલું છે. ન્યૂટન કરતાં એ ચાર વર્ષ નાના અને જ્યારે ન્યૂટન કૅલ્ક્યુલસ પર કામ કરતા હતા ત્યારે જર્મનીમાં લાઇબ્નીસ પણ સ્વતંત્ર રીતે એ જ દિશામાં કામ કરતા હતા. ન્યૂટનને જ્યારે આની ખબર પડી ત્યારે એમણે લાઇબ્નીસે તફડંચી કરી હોવાનો આક્ષેપ કર્યો. એમના વચ્ચે લાંબો વિવાદ ચાલ્યો અને બન્નેના સમર્થકોનાં જૂથો પણ અંદરોઅંદર જીભાજોડી પર ઊતરી આવ્યાં. ન્યૂટન પોતે પણ એમના સમર્થકોના ચડાવ્યા લાઇબ્નીસને ઉતારી પાડવા બાંયો ચડાવીને આગળ આવ્યા.

ન્યૂટનનું ‘પ્રિન્સિપિયાપ્રકાશિત થયું તેના એક દાયકા સુધી તો બન્ને વચ્ચે સદ્‌ભાવ હતો પણ પછી કૅલ્ક્યુલસ રાષ્ટ્રીય મુદ્દો બની ગયું અને એમાં ખાસ કરીને ઇંગ્લૅંડની પ્રજાની રાષ્ટ્રવાદી લાગણીઓ પણ ભળી.એના કારણે વાતાવરણ ડહોળાઈ ગયું.

લાઇબ્નીસને પણ ગણિતમાં યુરોપના ગણિતશાસ્ત્રીઓને પડકારવામાં મઝા આવતી હતી. એમને ખબર હતી કે યુરોપમાં ન્યૂટન સિવાય કોણ એમના કોયડાઓનો જવાબ આપી શકે? ૧૬૯૬માં યોહાન બર્નૉલી અને લાઇબ્નીસે બે કોયડા રજૂ કર્યા. ન્યૂટન એ વખતે ટંકશાળના અધ્યક્ષ હતા અને આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા હતા. એ સાંજે થાક્યાપાક્યા ઘરે આવ્યા ત્યારે એમને કોઈ મિત્રે આ કોયડા મોકલાવ્યા હતા. રાતે ડિનર પછી ન્યૂટને બન્નેનો ઉકેલ શોધી લીધો અને રૉયલ સોસાયટીને નનામો પત્ર લખીને જવાબ મોકલી આપ્યો. જવાબ મળતાં, બર્નોલીના મોઢામાંથી ઉદ્‌ગાર સરી પડ્યાઃ આહ, મેં સિંહને એના પંજા પરથી ઓળખી લીધો!તે પછી વીસ વર્ષે ૧૭૧૬માં પણ લાઇબ્નીસે આવો જ કોયડો હવામાં ઉછાળી દીધો અને માન્યું કે આ વખતે ન્યૂટન સપડાઈ જશે. પણ ન્યૂટને તો એ જ રાતે એનો પણ ઉકેલ આપી દીધો. એ વખતે ન્યૂટન ૭૪ વર્ષના હતા પણ ગણિત પરનું એમનું પ્રભુત્વ જુવાન જ હતું.

પરંતુ લાઇબ્નીસની પ્રતિભા એ વાતમાં છે કે ૨૬ વર્ષની ઉંમર સુધી એમને ગણિતમાં જરાય રસ નહોતો. પરંતુ એમણે ગણિતમાં ઝંપલાવ્યું તે પછી પાછું વાળીને ન જોયું. ન્યૂટનનું બધું ધ્યાન કૅલ્ક્યુલસ પર કેન્દ્રિત હતું ત્યારે લાઇબ્નીસ કૅલ્ક્યુલસ ઉપરાંત કૉમ્બીનેટોરિયલ એનાલિસિસ’ (ક્રમચય-સંચય) પર પણ ભાર મૂકતા હતા.

ક્રમચય-સંચય

ગણિતની આ શાખામાં અલગ લાગતી (Discrete) વસ્તુઓનું સંયોજન કેટલી રીતે કરી શકાય અને એમની ગોઠવણી શી રીતે થઈ શકે તેનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે ઈ.પૂ.છઠ્ઠી સદીમાં ભારતીય આયુર્વિજ્ઞાની સુશ્રુતે કહ્યું હતું કે ૬ સ્વાદનું જુદી જુદી રીતે સંમિશ્રણ કરો તો ૬૩ નવા પદાર્થ બની શકે.

Combinatorial Analysis _1Combinatorial Analysis_2

અહીં બે ચિત્રો છે; એમાં એક નંબરવાળું તાળું છે અને બીજા ચિત્રમાં રંગબેરંગી ટી-શર્ટો જોવા મળે છે. આ બન્ને ચિત્રો ઘણું સ્પષ્ટ કરી દેશે.

આપણે બીજો દાખલો લઈએ. આપણી પાસે છ ખાનાવાળું બૉક્સ હોય અને છ દડા હોય. દરેક દડા પર 1, 2, 3, 4, 5, 6 એમ નંબર આપ્યા હોય. હવે દરેક ખાનાના નંબર હોય A, B, C, D, E, F.  પહેલાં તો બધા દડા મૂકી દઈએ તો સંયોજન બનેઃ 1A, 2B, 3C, 4D, 5E, 6F. હવે દડાઓનાં ખાનાં બદલીએ અને નવાં સંયોજનો લખીએ. કેટલાં સંયોજનો બનશે? (આના વિશે વધારે જાણવા માગતા હોય તેઓ અહીં અને અહીં ક્લિક કરે).

બાળપણ અને શિક્ષણ

લાઇબ્નીસ ૬ વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. પરંતુ આટલી કુમળી વયે પિતા એમનામાં ઇતિહાસના શોખનું સિંચન કરતા ગયા. આમ તો બાળક ગોટફ્રાઇડ લાઇપઝિગની એક સ્કૂલમાં ભણતો હતો પણ એનું ખરું શિક્ષણ તો પિતાએ પાછળ છોડેલી લાયબ્રેરીમાં ચાલતું હતું. ૬ વર્ષના બાળકે પુસ્તકોને પીવાનું શરૂ કરી દીધું. આઠ વર્ષની ઉંમરે એણે લેટિન શીખવાનું શરૂ કર્યું અને બાર વર્ષની ઉંમરે લેટિનમાં પહેલું કાવ્ય લખ્યું. લેટિન પર પ્રભુત્વ મેળવી લીધા પછી એણે ગ્રીક શીખવાનું શરૂ કર્યું અને મોટા ભાગે કશી જ મદદ વિના ગ્રીક પર પણ પોતાની પકડ જમાવી લીધી.

આ તબક્કે એમને નર્યા ગ્રંથો વાંચવામાંથી રસ ઓછો થતો ગયો અને હવે તર્કશાસ્ત્ર (Logic) એમને આકર્ષવા લાગ્યું. પંદર વર્ષની ઉંમરે તો એમણે એ વખતે પ્રચલિત તર્કશાસ્ત્રમાં ફેરફારો કરવાની શરૂઆત કરી દીધી! એમણે સ્કૂલ માટે એક નિબંધ લખ્યો, જેમાં એમના ‘સાર્વત્રિક ગણિત’ (Universal Mathematics)ના સિદ્ધાંતનાં બીજ દેખાય છે.

Liebniz and Rationalismપંદર વર્ષની ઉંંમરે એમણે લાઇપઝિગ યુનિવર્સિટીમાં કાયદાના અભ્યાસ માટે પ્રવેશ કર્યો પણ કાયદા કરતાં ફિલોસોફીમાં એમને વધારે રસ પડ્યો. એ દરમિયાન એમને ‘નૅચરલ’ ફિલોસોફરો, કૅપ્લર,ગૅલીલિઓ અને દ’કાર્ત વિશે જાણવા મળ્યું. ન્યૂટનના વિચારોનો પાયો પણ આ ત્રણ ચિંતકોના વિચારોમાં જ હતો.

૧૬૬૬માં વીસ વર્ષની ઉંમરે લાઇબ્નીસ કાયદાના વિષયમાં ડૉકટરેટને પાત્ર બની ગયા હતા પરંતુ યુનિવર્સિટીએ એમની ઉંમર સામે વાંધો લઈને ડૉક્ટરેટ ન આપી. ખરેખર તો એમનો મહાનિબંધ એવો હતો કે એમની પસંદગી માટેની પૅનલના સભ્યો કરતાં લાઇબ્નીસ ઘણા આગળ હોવાનું છતું થતું હતું. આમ લાઇબ્નીસ સામે ઘણી સમસ્યાઓ ઊભી થતી હતી, એ જ વર્ષમાં ૨૪ વર્ષના ન્યૂટન એમનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અને કૅલ્ક્યુલસ શોધી ચૂક્યા હતા.

લાઇબ્નીસ લાઇપઝિગ યુનિવર્સિટીના આ વલણથી નિરાશ થઈને ન્યૂરેમ્બર્ગ ચાલ્યા ગયા. ત્યાં ઑલ્ડૉર્ફ યુનિવર્સિટીએ એમનો થીસિસ સ્વીકાર્યો એટલું જ નહીં પણ એમને પ્રોફેસર પદની પણ ઑફર કરી. પરંતુ લાઇબ્નીસે મારી મહેચ્છાઓ એના કરતાં મોટી છે એમ કહીને એનો સ્વીકાર ન કર્યો. પરંતુ એમણે તે પછી કયું કામ સ્વીકાર્યું? એ એમની મહેચ્છાઓને અનુરૂપ હતું?

વ્યવસાય

લાઇબ્નીસે જીવનનિર્વાહ માટે જે કામ પસંદ કર્યું તે એમની સર્વતોમુખી પ્રતિભા કરતાં બહુ નીચું હતું, જો કે એમાં પૈસા બહુ મળતા હતા, જેની કદાચ લાઇબ્નીસને એટલી બધી જરૂર નહોતી. એમણે હૅનોવરના એક મોટા જર્મન ઉમરાવ પરિવાર, બ્રુન્સવિક પરિવારની નોકરી સ્વીકારી. અહીં લાઇબ્નીસનું કામ પોતાની ઇતિહાસ ક્ષેત્રની કુશળતાના આધારે પરિવારની વંશાવળી તૈયાર કરવાનું હતું. પરિવારનો વડો ગ્યોર્ગ લુડવિગ ખરેખર ઉત્તમ કુળનો હોવાનું સાબીત કરવા માટે એના પૂર્વજોનો સામાજિક દરજ્જો શોધી કાઢવાનો હતો. ગ્યોર્ગ પાસે ધન હતું પણ પ્રતિષ્ઠા નહોતી. જો કે, રોમના રાજાની પસંદગી માટે પોપે ત્રણ ધર્મગુરુઓ અને ચાર  ‘સેક્યૂલર’ રાજાઓની સમિતિ બનાવી હતી તેમાં હેનોવરના રાજા તરીકે એને પણ સ્થાન મળ્યું હતું આવા રાજાઓ ‘Elector’ (ચૂંટનારા) કહેવાતા.

આ દરમિયાન લાઇબ્નીસને બર્લિનની યુવાન રાજકુમારીને ભણાવવાનું કામ પણ મળ્યું. એ બર્લિનમાં રહ્યા ત્યારે એમણે બર્લિનની સાયન્સ ઍકેડેમીની સ્થાપના કરી, જે હિટલરના સમય સુધી ચાલી. લાઇબ્નીસ રાજપુરુષ પણ હતા એટલે જ્યાં જ્યાં ગયા ત્યાં વિજ્ઞાન અકાદમીઓ બનાવવાના સફળ-અસફળ પ્રયાસ કરતા રહ્યા.એમનો ‘શેઠ’ લુડવિગ તો આગળ જતાં લંડન ગયો અને ઇંગ્લૅંડનો સૌ પ્રથમ જર્મન રાજા બન્યો અને જ્યૉર્જ પ્રથમ તરીકે ગાદી સંભાળી. લાઇબ્નીસ એમની સાથે લંડન ગયા પણ ન્યૂટન સાથેના કૅલ્ક્યુલસ વિવાદને કારણે હવે એમને ત્યાં ઠંડો આવકાર મળ્યો.

પડતી અને મૃત્યુ

વર્ષો સુધી રાજાઓની સેવા કરવાનાં માઠાં પરિણામ હવે આવવા લાગ્યાં હતાં, જીવનસંધ્યામાં લાઇબ્નીસ પાસે કંઈ કામ નહોતું રહ્યું અને એ બધાના અનાદરનો ભોગ બનતા હતા.

છેવટે ૧૭૧૬માં એમનું અવસાન થયું ત્યારે એમની શ્મશાનયાત્રામાં એમના સેક્રેટરી અને કબર ખોદનારા સિવાય કોઈ હાજર નહોતું.

મૃત્યુ પછી ન્યૂટનને જે માન મળ્યું તેની સરખામણી લાઇબ્નીસના મૃત્યુ સાથે કરવાથી વિધિની વિદ્રુપતા સ્પષ્ટ દેખાઈ જાય છે. એક મહાન ગણિતશાસ્ત્રી, વૈજ્ઞાનિક, રાજપુરુષ, તર્કશાસ્ત્રી, રૅશનાલિસ્ટ, ઇતિહાસકાર આ દુનિયા છોડી ગયો ત્યારે એના પર આંસુ સારનાર કોઈ નહોતું. એમને ગણિતશાસ્ત્રી તરીકે આજે જે સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે પણ ત્રણસો વર્ષ પહેલાં એમને એ માન ન મળ્યું.

પ્રખર સ્વપ્નદૃષ્ટા

લાઇબ્નીસના પ્રખર સ્વપ્નદૃષ્ટા હતા. આખો સમય ચિંતનમાં જ રમમાણ હતા. એ કોઈ પણ વિષય પર કોઈ પણ જગ્યાએ લખી શકતા. એમનું મોટા ભાગનું લખાણ ટૂંકી નોંધો રૂપે, છેકછાક સાથે અને હાંસિયામાં લખાયેલું મળે છે. દ’કાર્તની ભૂમિતિને પણ એ સમીકરણોમાં ઢાળવા માગતા હતા. પરંતુ એમનાં સપનાં માત્ર ગણિત પૂરતાં જ મર્યાદિત નહોતાં; કોઈ પણ વિષયને આવરી લે તેવી કોઈ સમાન ફૉર્મ્યૂલા શોધવાનું એમનું સપનું મનમાં જ રહી ગયું. એમના જ શબ્દોમાં કહીએ તો એમના ‘નિશાળિયા છોકરા’ના નિબંધમાં એમણે એક ઇચ્છા વ્યક્ત કરી હતીઃ

એક સર્વસામાન્ય રીત (ઘડવી જોઈએ) કે જેમાં તર્કનાં બધાં સત્યો માત્ર એક ગણતરીનો વિષય બની રહે. એ સાથે જ એ એક સાર્વત્રિક ભાષા કે લિપિ હશે, જે આજની કોઈ પણ ભાષા કે લિપિ કરતાં અલગ હશે; એમાંના સંકેતો અને શબ્દો, અને ભૂલો પણ, માત્ર ગણતરીની ભૂલ હશે. આવી ભાષા કે ખાસિયતોની રચના કરવાનું બહુ અઘરું હશે ઓઅણ એ સમજવામાં એટલી સહેલી હશે કે શબ્દકોશની જરૂર ન પડે.

લાઇબ્નીસની સર્વાંગી પ્રતિભાનો લાભ આજે પણ ઘણાંય ક્ષેત્રોમાં મળતો રહ્યો છે.પરંતુ એમને તો જીવનની છેલ્લી ઘડી સુધી કામ કરવું હતું. કદાચ એમને અફસોસ પણ હતો કે એ જે કરી શકતા હતા તે એમણે પૂરું ન કર્યું. એમણે કહ્યું પણ ખરું કે આ કામ એમના કરતાં વધારે પ્રતિભાશાળી અને એમના જેટલી મહેનત કરવા તત્પર કોઈ વ્યક્તિ આવશે અને આ નવી ભાષા બનાવવાનું કામ પૂરું કરશે. જો કે, સમય નહોતો એમ કોઈ પણ કહી શકે. સાચી વાત તો એ છે કે એમની પાસે સમય તો હતો પણ રાજાઓની સેવામાં વીત્યો, પરિણામે,  દુનિયા આવી એક સાર્વત્રિક ભાષાથી વંચિત રહી ગઈ છે.

0-00-0

%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%82%e0%aa%9f%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%aa%be%e0%aa%87%e0%aa%ac%e0%ab%8d%e0%aa%a8%e0%ab%80%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%b2

%d bloggers like this: