India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-31

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૧: ભારત છોડો (૨)

બ્રિટિશ કેબિનેટે આઠમી તારીખે જ ‘ભારત છોડો’ આંદોલનને દબાવી દેવા માટે વાઇસરૉય જલદ પગલાં લે તેની હિમાયત કરી હતી. કેબિનેટને ગાંધીજી ઉપવાસ કરે તેની ધાસ્તી પણ હતી પરંતુ એણે નક્કી કર્યું કે ઉપવાસની પરવા ન કરવી. ગાંધીજીને તરીપાર કરી દેવાની પણ બ્રિટિશ કેબિનેટે તરફેણ કરી અને વાઇસરૉય લિન્લિથગોને પણ એ નિર્ણય વાજબી લાગ્યો હતો પરંતુ વાઇસરૉયની કૅબિનિટ અને કેટલાય પ્રાંતોના ગવર્નરો – ખાસ કરીને મુંબઈ અને બિહારના ગવર્નરો – અને ઇંટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટરનો મત હતો કે ગાંધીજી વિરુદ્ધ આવા કોઈ પણ પગલાના જનતામાં નકારાત્મક પ્રત્યાઘાત પડશે. તે પછી એ નિર્ણય ટાળી દેવાયો પરંતુ ગાંધીજી ઉપવાસ કરે તો એમને રોકવા માટે કંઈ ન કરવું એ બાબતમાં વાઇસરૉયનો નિર્ણય પાકો હતો.

નવમી ઑગસ્ટે ગોવાલિયા ટેંક મેદાનમાંથી ઐતિહાસિક સંગ્રામ શરૂ થવાનો હતો પણ સરકારે ‘ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી “તરીકે ઓળખાતાં સંગઠનો”ને ગેરકાનૂની સંગઠન જાહેર કરી દીધાં. તે ઉપરાંત મુંબઈ અને ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ, ગુજરાત કોંગ્રેસની સત્યાગ્રહ સમિતિ, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અને કર્ણાટકની કોંગ્રેસ સત્યાગ્રહ સમિતિને પણ ગેરકાનૂની જાહેર કરી. એમની મીટિંગો માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાનું ફરજિયાત બનાવાયું. ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસે ઊભા કરેલા શમિયાણા સહિત કોંગ્રેસ હાઉસ, વિઠ્ઠલ સદન, સરોજિની કુટિર, દાદાભાઈ મંઝિલ, જિન્ના હૉલ વગેરે સ્થળો પર પોલીસે કબજો કરી લીધો.

ગાંધીજી સહિત બધા નેતાઓને ટ્રેનમાં બેસાડી દેવાયા. ચિંચવડ સ્ટેશને ગાંધીજી અને બીજા કેટલાકને યરવડા જેલમાં લઈ જવાના હતા તે ઊતર્યા. પોલીસના રિપોર્ટ પ્રમાણે પૂના સ્ટેશને ટ્રેન રોકાવાની નહોતી પણ રહસ્યભરી રીતે ત્યાં સિગ્નલ ન મળતાં ટ્રેન રોકાઈ. એ સાથે જ જવાહરલાલ અને શંકરરાવ દેવ ટ્રેનની બારીઓમાંથી અંદર ઘૂસી ગયા પણ પોલીસના DIGએ એમને અટકાવ્યા. નહેરુ અને દેવ બહુ ગુસ્સામાં હતા અને પોલીસ સાથે થોડી ધક્કામુક્કી પણ થઈ. સરવાળે, ટ્રેન વર્કિંગ કમિટીના બધા સભ્યો સાથે શાંતિથી અહમદનગર પહોંચી ગઈ.

આ બાજુ, સવાર પડતાં જ લોકોમાં કોંગ્રેસ નેતાઓની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. લોકો ગોવાલિયા ટેંક મેદાનમાં એકઠા થવા લાગ્યા હતા (પછી એનું નામ બદલીને ઑગસ્ટ ક્રાન્તિ મેદાન રાખવામાં આવ્યું). પરંતુ કોઈ નેતાઓ તો હતા નહીં એટલે કોંગ્રેસના યુવાનોએ આ જવાબદારી સંભાળી લીધી. ઉષાબેન મહેતા એ વખતે ૨૨ વર્ષનાં હતાં; એમણે ત્રિરંગો લહેરાવ્યો. ઠેરઠેર ઉશ્કેરાયેલાં ટોળાંઓ નીકળી પડ્યાં અને સરકારી બિલ્ડિંગો અને રેલવેની સંપત્તિને નુકસાનથી બચાવવા પોલીસને બે દિવસ સુધી તો કેટલાંયે ઠેકાણે લાઠીચાર્જ કરવો પડ્યો. દસમીએ પોલીસના ગોળીબારમાં છ જણ માર્યા ગયા. મદ્રાસ પ્રાંતમાં તેનાલી રેલવે સ્ટેશને ટોળાએ માલસામાનના શેડ લૂંટી લીધા, તાર-ટેલીફોન લાઇનો કાપી નાખી, બે ટ્રેનોને સળગાવી નાખી. લખનઉ, કાનપુર, મુંબઈ, નાગપુર, અમદાવાદ વગેરે ઔદ્યોગિક શહેરોમાં ભારે અશાંતિ હતી. ૧૫મી તારીખ સુધીના પહેલા અઠવાડિયા દરમિયાન કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ સરકારના કાબૂ બહાર રહી. આમ છતાં બિહારમાં શાંતિ નહોતી, પટનાના રેલવે સ્ટેશનની ભારે ખાનાખરાબી થઈ હતી. અલ્હાબાદ, બનારસ, કલકત્તા, ઢકા વગેરે શહેરોમાં ભારે ઊકળાટ હતો. ક્લકત્તા અને ઢાકામાં તો પોલીસે ગોળીબાર પણ કર્યો. સરકારનો દાવો હતો કે કોંગ્રેસ હવે સીધી રીતે વિદ્યાર્થીઓને ભાંગફોડ માટે ઉશ્કેરે છે. તોડફોડનું નિશાન સંદેશ સેવાઓ અને ટ્રેન સેવાઓ હતી.

૧૪મી ઑગસ્ટે ઉષાબેન અને એમના સાથીઓ વિઠ્ઠલભાઈ ઝવેરી. ચંદ્રકાન્ત ઝવેરી,અને બાબુભાઈ ઠક્કરે એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું. શિકાગો રેડિયોના માલિક નાનકા મોટવાણીએ એના માટે ઉપકરણો આપ્યાં અને પોતાના ટેકનિશિયનોને રેડિયો સ્ટેશન ચલાવવાની જવાબદારી સોંપી. ૨૭મી ઑગસ્ટે ઉષાબેનના અવાજમાં કોંગ્રેસ રેડિયોનાં પ્રસારણો શરૂ થયાં. કોંગ્રેસના નેતાઓ રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, પુરુષોત્તમ ત્રિકમદાસ વગેરે પણ એમને મદદ કરતા. પોલીસથી બચવા રેડિયો સ્ટેશનને એક જગ્યાએથી બીજે લઈ જવું પડતું. અંતે નવેમ્બરમાં પોલીસે આ સ્ટેશન પકડી પાડ્યું. ઉષાબેન અને એમના સાથીઓને ચાર વર્ષની કેદની સજા થઈ.

વાઇસરૉય લિન્લિથગો દરરોજ હિંદ માટેના બ્રિટિશ પ્રધાન લૉર્ડ ઍમરીને રિપોર્ટ મોકલતો તેમાં બધે ઠેકાણે સ્થિતિ કાબૂમાં હોવાનું લખતો પણ તે સાથે નવાં સ્થળોએ તોફાન ફાટી નીકળવાના સમાચાર પણ આપવા પડતા હતા. પાંચમી સપ્ટેમ્બરના એના રિપોર્ટમાં માહિતી આપી છે કે આખા દેશમાં ૬૫ પોલીસ ચોકીઓ પર ભીડે હુમલા કર્યા તેમાં ૪૦ ચોકીઓ સદંતર નાશ પામી, ૩૪૦ના જાન ગયા અને ૬૦૦ ઘાયલ થયા.અને હજી આંદોલનને એક મહિનો પણ પૂરો નહોતો થયો. રિપોર્ટ કહે છે કે આ આંકડા હજી ઊંચે જશે. આ ઘટનાઓમાં ૨૮ પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા.

સરકારે વિદ્રોહને દબાવી દેવા માટે ૫૭ લશ્કરી બટાલિયનો ઉતારી. જનતાને નાથવાની કોશિશમાં ૧૧ સૈનિકો અને બે હવાઈદળના કર્મચારીઓનાં મોત થયાં. ૨૮મી સપ્ટેમ્બરે ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના એક ગામે પોલીસે ગોળીબાર કર્યો તેમાં ૨૯ જણ શહીદ થયા.

આઝાદીનો પવન ચારે બાજુ ફુંકાવા લાગ્યો હતો. ઑક્ટોબરના અંતમાં વાયવ્ય સરહદ પ્રાંતમાં તોફાનો ફાટી નીકળ્યાં અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને કેદ કરી લેવાયા. ફેબ્રુઆરી ૧૯૪૩ સુધીમાં ૪૦,૦૦૦ વ્યક્તિઓ જુદા જુદા કાયદા હેઠળ જેલોમાં હતી અને ૧૫૭ બોંબ કેસો પણ પકડાયા. સરકારી રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ પ્રેરિત તોફાનોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ કે મુસ્લિમ નેતાઓ નહોતા જોડાયા. પરંતુ હિન્દુ-મુસ્લિમ રમખાણ ન થયાં. મુસ્લિમ લીગે મુસલમાનોને આ આંદોલનથી દૂર રહેવા અપીલ કરી હતી. કમ્યુનિસ્ટો પણ આંદોલનમાં કોંગ્રેસ સાથે નહોતા અને એમણે મુંબઈમાં મિલો ફરી ચાલુ થાય તેમાં સરકારને મદદ કરી.

એક ગુપ્ત AICCની ઑફિસ પણ શરૂ થઈ, એણે ‘કરો યા મરો’ના ગાંધીજીના સ્લોગન સાથે ૧૨ મુદ્દાનો કાર્યક્ર્મ લોકોને આપ્યો. કોંગ્રેસનું લક્ષ્ય વહીવટીતંત્રને સંપૂર્ણ ખોરવી નાખવાનું હતું એટલે વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો, મજૂરો, એમ બધા વર્ગો માટે ભૂગર્ભ AICCએ જુદી જુદી અપીલો બહાર પાડી.

જયપ્રકાશ નારાયણ

૧૯૪૨ની નવમી નવેમ્બરની રાતે લોકો દિવાળી ઉજવવામાં મગ્ન હતા ત્યારે બિહાર (હવે ઝારખંડ)ના હઝારીબાગની સેંટ્રલ જેલની દીવાલ કૂદીને જયપ્રકાશ નારાયણ ભાગી છૂટ્યા. ત્યાંથી એ વારાણસી થઈને યુરોપિયન વેશમાં મુંબઈ પહોંચ્યા અને ભૂગર્ભમાં રહીને ઑગસ્ટ ક્રાન્તિનું સંચાલન કરનારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને મળ્યા. જે. પી. સમાજવાદી હતા અને ગાંધીજીના અત્યંત પ્રિય સાથીઓમાં હતા પણ અહિંસાની બાબતમાં એમના ગાંધીજી સાથે મતભેદ હતા. જે. પી. માનતા કે સામાજિક પરિવર્તન માટે મર્યાદિત હિંસા જરૂરી બની જતી હોય છે. એમણે “દેશમાં કોઈક સ્થળેથી” કેટલાંય નિવેદનો બહાર પાડ્યાં અને યુક્ત પ્રાંતમાં છૂપા વેશે ફરીને ‘ભારત છોડો’ આંદોલનને ફેલાવ્યું. સરકારે એમને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું પણ જે. પી. વિશે બાતમી આપવા કોઈ આગળ ન આવતાં સરકારે ઇનામની રકમ દસ હજાર રૂપિયા કરી દીધી.

તે પછી એમણે બિહાર અને નેપાલની સરહદે ‘ફ્રીડમ બ્રિગેડ’ની રચના કરી પણ નેપાલી સત્તાએ એમને અને રામ મનોહર લોહિયાને ભીંસમાં લીધા. સામસામે ગોળીઓની રમઝટ ચાલી પણ જે. પી. અને લોહિયા ફરી એક વાર પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટ્યા.

દરમિયાન ગાંધીજી અને લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર પ્રકાશિત થઈ ગયો હતો. તે પછી હિંસા-અહિંસાનો વિવાદ શરૂ થઈ ગયો હતો. જે. પી.એ કહ્યું કે આ વિવાદનો અર્થ નથી કારણ કે દરેક વ્યક્તિ પોતાનો રસ્તો પસંદ કરી શકે છે. કેટલાક લોકો આ આંદોલનનો યશ કોંગ્રેસને ન મળે એવી વેતરણમાં પણ લાગ્યા હતા. એમનું કહેવું હતું કે આંદોલન શરૂ થયું તે પહેલાં જ ગાંધીજી અને બીજા કોંગ્રેસ નેતાઓ જેલભેગા થઈ ગયા હતા. નેતૃત્વ એમના હાથમાં તો હતું જ નહીં એટલે આ કોંગ્રેસનું આંદોલન ન ગણાય. જે. પી.નો જવાબ હતો કે જે કંઈ થાય છે તે કોંગ્રેસના નેતાઓની ધરપકડનો જ પ્રત્યાઘાત છે. એમણે કમ્યુનિસ્ટો પર કટાક્ષ કરતાં સવાલ કર્યો કે મુંબઈની AICCમાં ગરજનારા મહાન ક્રાન્તિકારીઓ ક્રાન્તિનો દોર સંભાળી લેવા માટે કેમ આગળ ન આવ્યા?

જનતા સરકારો

યુક્ત પ્રાંતમાં બલિયા, ગઢવાલ, બિહારમાં મૂંગેર, મધ્ય પ્રાંતમાં નાગપુર અને મુંબઈ પ્રાંતમાં સાતારામાં જનતા સરકારો બની પણ સરકારે સશસ્ત્ર પોલીસ દળો મોકલીને એમને ધ્વસ્ત કરી નાખી. એક માત્ર બંગાળના મિદનાપુર જિલ્લાની જનતા સરકાર માથાના દુખાવા જેવી નીવડી. લાખો લોકો એના સમર્થનમાં અડગ હતા એટલે સરકાર આર્મી કે પોલીસનો બહુ ઉપયોગ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેમ હતું. જાપાન આ વિસ્તારમાં ત્રાટકશે એવી બીકમાં સરકારે ૧૯૪૨ના ઍપ્રિલથી જ ત્યાં દમનકારી પગલાં લેવાનું શરૂ કર્યું હતું. લોકોની સાઇકલો સહિત ઘરવખરી પણ જપ્ત કરી લેવાઈ હતી, ચોખાની આખી ઊપજની જિલ્લાની બહાર નિકાસ થઈ જતી હતી. લોકોના હાથમાં પૈસા નહોતા અને તેમ છતાં ભાવો ચડતા જતા હતા એટલે લોકોમાં સરકાર સામે ભારે રોષ હતો જ. ઑગસ્ટ ક્રાન્તિ શરૂ થયાના એક મહિના પછી. આઠમી સપ્ટેમ્બરે એક વેપારી ચોખાની નિકાસ કરવાની કોશિશ કરતો હતો ત્યારે એને રોકવા બે હજારની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ. પોલીસે એને વીખેરવા ગોળીબાર કરતાં ત્રણ ગામવાસીઓ માર્યા ગયા. તે પછી પોલીસે છ ગામોમાં ઝડતી લીધી અને ૨૦૦ જણને પકડી લીધા.

બીજી બાજુ બંગાળ સરકારે જાપાની આક્રમણનો મુકાબલો કરવા સ્થાનિક લોકોમાંથી પાંચ હજારને પસંદ કરીને ‘વિદ્યુત વાહિની’ બનાવી હતી; હવે એના સભ્યો બ્રિટિશ સરકાર સામેની લડતમાં જોડાયા. એમણે અસંખ્ય પોલીસ ચોકીઓને બાળી નાખી, કેટલાયે સરકારી નોકરોને કેદ કરી લીધા અને એમની પાસેથી બ્રિટિશ સરકાર માટે કામ ન કરવાનાં વચનો લીધાં, તે પછી એમને ઘર સુધીની રેલવેની મુસાફરીનાં ભાડાં આપીને છોડ્યા.

૨૯મી સપ્ટેમ્બરે પોલીસે ગોળીબાર કરીને એક ભીડને સરઘસાકારે મિદનાપુર શહેર ભણી જતાં રોકી દીધી. એ જ દિવસે વિદ્યુત વાહિનીના વોલંટિયરો પચાસ હજારના સરઘસની આગેવાની લઈને સૂતાહાટા પોલિસ ચોકી પર ત્રાટક્યા.

૧૭મી ડિસેમ્બરે તામ્રલિપ્તમાં રાષ્ટ્રીય સરકારની રચના કરવામાં આવી. સતીશચંદ્ર સામંત એના પહેલા ‘સરમુખત્યાર’ બન્યા. તે પછીની ૨૬મી જાન્યુઆરીએ – કોંગ્રેસના સંકલ્પ દિને – સૂતાહાટા, નંદીગ્રામ, તામલૂક અને મહીષાદલમાં પણ રાષ્ટ્રીય સરકારો બની. તામ્રલિપ્ત સરકારે ડાકુઓ, ચોરો, દુકાળ. ચેપી રોગો, મુલ્કી અને ફોજદારી કેસો, નિશાળો, સૈનિકો, પોલીસ વગેરે અનેક વિષયો માટે ખાસ ખાતાં શરૂ કર્યાં. આ સરકાર બે વર્ષ સુધી કામ કરતી રહી. ત્યાં બ્રિટિશ હકુમતનું નામનિશાન પણ નહોતું રહ્યું.

પરંતુ ૧૯૪૨ના ઑક્ટોબરમાં મિદનાપુર જિલ્લો ભયંકર વાવાઝોડાનો શિકાર બન્યો. આનો લાભ લઈને બ્રિટિશ સરકારે ત્યાં મોટી સંખ્યામાં પોલિસો મોકલ્યા. તે પછી ત્યાં દિવસે પોલિસ રાજ અને રાતે સ્વરાજ જેવી સ્થિતિ રહી.

‘ભારત છોડો’ આંદોલનના શરૂઆતના દિવસોમાં જ સરકાર હાંફી ગઈ હતી. નેતાઓને પકડી લેવાથી જનતા દબાઈ નહીં અને ગાંધીજીએ આદેશ આપ્યો હતો તેમ પહેલાંના સત્યાગ્રહથી અલગ પ્રકારનું આંદોલન બની ગયું હતું. એક વ્યક્તિના શબ્દમાં કેટલી શક્તિ હતી તેનો પરચો વાઇસરૉયને મળી ગયો હતો.

xxx

આવતા અંકમાં આપણે ગાંધીજી અને લૉર્ડ લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર અને બીજી વાતો જોઈશું.

000

સંદર્ભઃ

1. Centenary History of Indian National Congress Vol.III

2. ttps://www.mkgandhi.org/ushamehta.htm

3. https://en.wikipedia.org/wiki/Usha_Mehta

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-30

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૦: ભારત છોડો (૧)

૧૯૪૨ની સાતમી ઑગસ્ટે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં AICCની ઐતિહાસિક મીટિંગ શરૂ થઈ. એના અઢીસો સભ્યો ઉપરાંત દસ હજાર શ્રોતાઓ પણ હાજર હતા. વંદે માતરમ્‍ સાથે કાર્યવાહીની શરૂઆત થઈ, તે પછી કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદે કમિટી સમક્ષ જે ઠરાવ રજૂ થવાનો હતો તેનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે આ ઠરાવ ટૂંકમાં એમ કહે છે કે આપણે વચનો પર ભરોસો રાખવા નથી માગતા, તરત ભારતને આઝાદ કરવાની જાહેરાત કરો. ભારત આઝાદ થયા પછી આપણું પહેલું કામ સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે સમજૂતી કરવાનું હશે અને આ યુદ્ધ જીતવા માટે જે કંઈ પણ કરવું પડે તેના માટે આપણે તૈયાર રહેશું. આમાંથી અંધાધૂંધી અને અરાજકતા ફેલાશે એવી બીક દેખાડવાની જરૂર નથી. બ્રિટિશ સરકાર ભારતની આઝાદી આપવા હૃદયપૂર્વક તૈયાર હોય તો એ હમણાં જ આઝાદી આપી શકે છે. થોડા મહિના પહેલાં જાપાની આક્રમણનો ભય દૂર હતો પણ હવે તો ખરેખર આક્રમણ થાય એવું લાગે છે. ભારતનો દરેક યુવાન આ ખતરા સામે ઊભો રહે એવું કોંગ્રેસ ઇચ્છે છે પણ સરકાર લોકોને નિરાશામાં જ ડુબાડી રાખવા માગતી હોય એમ લાગે છે.

એમણે કહ્યું કે ‘ભારત છોડો’નો અર્થ એ નથી કે બધા બ્રિટિશરોએ દેશમાંથી ભાગવું પડશે. ગાંધીજીએ આ શબ્દો વાપર્યા તે પછી આઝાદ અને નહેરુ સાથે ગાંધીજીને મળ્યા હતા. એ વખતે ગાંધીજીએ ખુલાસો કર્યો કે ‘ભારત છોડો’ એટલે સત્તા પરિવર્તન; બ્રિટિશરોની વ્યક્તિગત હકાલપટ્ટી નહીં.

“હું ૧૯૨૦માં હતો તે જ છું” – ગાંધીજી

૧૯૨૦માં ચોરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ દેશવ્યાપી નાગરિક અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું હતું એ સંદર્ભમાં શંકા વ્યક્ત કરાતી હતી કે ગાંધીજી ‘ભારત છોડો’ આંદોલન પણ અધવચ્ચેથી પાછું ખેંચી લેશે. ગાંધીજી કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ પછી બોલ્યા ત્યારે એનો જવાબ આપતાં એમણે કહ્યું કે મને ઘણા લોકો પૂછે છે કે હું ૧૯૨૦માં હતો તે જ છું કે મારામાં કંઈ ફેરફાર થયો છે? ગાંધીજીએ પોતે જ જવાબ આપ્યો કે હું ૧૯૨૦માં હતો તે જ છું, માત્ર અમુક બાબતોમાં હું વધારે મજબૂત બન્યો છું. આ વાત સમજાવતાં એમને કહ્યું કે જેમ શિયાળામાં આપને ઘણાં કપડાં પહેરીને બહાર નીકળીએ અને ઉનાળામાં ઓછાં ક્પડાં પહેરતા હોઈએ છીએ પણ આપણે પોતે બદલાઈ જતા નથી. એટલે હું આજે પણ અહિંસાના સિદ્ધાંત પર અડગ છું. એ સાંભળીને તમારા કાન પાકી ગયા હોય તો તમારે મારી પાસે ન આવવું જોઈએ.

ગાંધીજીએ કહ્યું કે આ ઠરાવને મંજૂરી આપવાનું જરૂરી નથી. તમને સ્વરાજ અને સ્વતંત્રતા જોઈતાં હોય, અને હું અહીં જે રજૂ કરું છું તે સારી અને સાચી વસ્તુ છે એમ લાગતું હોય તો જ તમારે ઠરાવને મંજૂરી આપવી જોઈએ. તે પછી મને તમારો સંપૂર્ણ ટેકો જોઈશે. એમને કહ્યું કે દેશમાં ૬૦૦ જેટલા રાજાઓ છે. એમને તો શાસક સત્તાએ જ પેદા કર્યા છે કે જેથી હિન્દુસ્તાની હિન્દુસ્તાન અને બ્રિટિશ ઇંડિયા વચ્ચે અળગાપણું સર્જી શકાય. પણ રજવાડાંના લોકો કહે છે કે આવો કોઈ ભેદ નથી. રાજાઓને જે ઠીક લાગે તે કહે પણ રૈયત આપણે જે માગીએ છીએ તે જ માગે છે.

ગાંધીજીએ એવી પણ આશા વ્યક્ત કરી કે જિન્ના પણ કદાચ આંદોલનને ટેકો આપવા તૈયાર થઈ જાય. એમના ભાષણ પછી સાતમી તારીખે બેઠક મુલતવી રહી અને આઠમીએ ફરી શરૂ થઈ.

નહેરુ ઠરાવ રજૂ કરે છે

જવાહરલાલ નહેરુએ ‘ભારત છોડો’ ઠરાવ રજૂ કર્યો અને એનું હાર્દ સમજાવતાં કહ્યું કે આ ઠરાવની પાછળ સંકુચિત રાષ્ટ્રવાદની ભાવના નથી; એની આંતરરાષ્ટ્રીય પશ્ચાદ્‌ભૂમિકા છે. ઠરાવ દ્વારા કોઈને પડકાર ફેંકાયો નથી, ઉલ્ટું બ્રિટન એનો સ્વીકાર કરશે તો દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્થિતિમાં સુધારો થશે.

કોંગ્રેસની સ્વતંત્રતા માટેની માગણી વિશે બ્રિટન અને અમેરિકામાં બૌદ્ધિક લોકોમાં પણ ગેરસમજણ હતી તેનો ઉલ્લેખ કરીને જવાહરલાલે કહ્યું કે કોંગ્રેસનું વલણ એમને કેમ સમજાતું નથી એ નવાઈની વાત છે, સિવાય કે એમણે ગેરસમજણ કરવાની એમણે સમજીવિચારીને ગાંઠ વાળી લીધી હોય. નહેરુએ કહ્યું કે કેટલાંક અખબારો કોંગ્રેસની સ્વતંત્રતાની માગણીને બ્લૅકમેઇલિંગ તરીકે ઓળખાવે છે. એનો અર્થ એ કે આપણે અંગ્રેજી બરાબર સમજતા નથી. પણ બ્રિટનને જે કરવું હોય તે કરે, આપણે સ્વતંત્રતાની માગણીમાં પીછેહઠ નહીં કરીએ.

એમણે કહ્યું કે બ્રિટન કે અમેરિકામાં કોઈ સાચું બોલતા નથી. બ્રિટન કે જર્મનીના રેડિયો સાંભળો તો જણાઈ આવશે કે બધે ઠેકાણે જૂઠાણાં જ છે. ઇંગ્લેંડનું વલણ અડિયલ ન હોત તો એણે બે વર્ષ પહેલાં કોંગ્રેસની વાત માની લીધી હોત. પરંતુ આજે તો બ્રિટન અને અમેરિકા કોંગ્રેસને દુશ્મન નં. ૧ માને છે. બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનીઓ સાથે આ જ રીતે વર્તવાની હોય તો શું કરવું તે આપણે જાણીએ છીએ. જે નૅશનલ વૉર ફ્રંટ તરીકે ઓળખાય છે તેમાં નથી ‘નૅશનલ’, નથી ‘વૉર’ કે નથી ‘ફ્રંટ’. એનું કામ માત્ર કોંગ્રેસનો વિરોધ કરવાનું છે. બાકી આખું તંત્ર રેઢિયાળ છે. એ પોતાની કાર્યક્ષમતા માત્ર એક જ પ્રસંગે દેખાડે છેઃ જ્યારે કોંગ્રેસના નેતાઓને રાત વચ્ચે પકડી લેવાના હોય ત્યારે એ બહુ કાર્યક્ષમ બની જાય છે. અને આવી કાર્યક્ષમતા જોવા મળે એવા આ દિવસો છે.

સરદાર ઠરાવને ટેકો આપે છે

તે પછી વલ્લભભાઈએ ઠરાવને ટેકો આપ્યો. એમણે કહ્યું કે વર્કિંગ કમિટીએ ઠરાવ તૈયાર કર્યો તે પછી બહારની દુનિયાને ભારતમાં વધારે રસ પડવા લાગ્યો છે. આટલી પ્રસિદ્ધિ તો આપણે પૈસા ખર્ચ્યા હોત તો પણ ન મળી હોત. હવે મફતની સલાહો પણ મળવા માંડી છે. કોઈ સલાહ આપે છે, તો કોઈક ધમકી. સરદારે કહ્યું કે અમેરિકા અને ઇંગ્લેંડ એમ માનતાં હોય કે ભારતની જનતાના સાથ સહકાર વિના જ તેઓ ભારતમાંથી યુદ્ધ લડી શકશે તો એ બન્ને મૂર્ખ છે. લોકોને એવું લાગવું જોઈએ કે આ લોકોનું યુદ્ધ છે. બ્રિટન ભારતની રક્ષા કરવા માગે છે તેનો હેતુ માત્ર એક જ છે – ભારતને કેમ ભવિષ્યના બ્રિટિશ નાગરિકોના લાભ માટે અકબંધ રાખવું. એ સાથે જ વલ્લભભાઈએ ઉમેર્યું કે આપણે જાપાનનો પણ ભરોસો ન કરી શકીએ, ભલે ને, એ કહેતું રહે કે ભારત માટે એનો ઇરાદો શુદ્ધ છે.

એમણે લોકોને ચેતવ્યા કે આ વખતની લડાઈ વધારે કઠિન હશે. એમ નહીં કે જેલમાં વરસ-બે વરસ બેઠા રહ્યાઅ અને બહાર શું થાય છે તે ભૂલી ગયા. આ ચળવળ માત્ર કોંગ્રેસ પૂરતી મર્યાદિત નહીં રહે, જે લોકો પોતાને હિન્દુસ્તાની કહેતા હોય તે સૌની ચળવળ હશે. આ વખતે આપણો ઉદ્દેશ જાપાન ભારત પર ધસી આવે તે પહેલાં ભારતને સ્વતંત્રતા અપાવવાનો છે અને જરૂર પડે તો જાપાન સામે લડવાનો છે.

ઠરાવ પર સુધારા

ઠરાવમાં સુધારાની ઘણી દરખાસ્તો રજૂ થઈ. કોઈ સુધારામાં આંદોલન મોકૂફ રાખવાનું સુચન હતું, તો એકાદ સભ્યે હિન્દુ-મુસ્લિમ એકતા પર પહેલાં ધ્યાન આપવાનું કહીને મુસ્લિમ લીગ સાથે સમાધાન કરવાનું સૂચવ્યું. ઠરાવમાં વિશ્વ સ્તરે કોઈ સંસ્થા બને તેને ટેકો આપવાની બાંયધરી અપાઈ હતી, તેની સામે એવો સુધારો રજૂ થયો કે હમણાંથી આવું વચન આપવાનું યોગ્ય નથી કારણ કે આજના દુશ્મનો આવતીકાલે મિત્ર પણ બની શકે છે.

ત્રણ સામ્યવાદી પ્રતિનિધિઓ, કે. એમ અશરફ, સજ્જાદ ઝહીર અને એસ. જી. સરદેસાઈએ પણ સુધારા રજૂ કર્યા. અશરફે કહ્યું કે કોંગ્રેસે ભવિષ્યના ઇંડિયન ફેડરેશનમાંથી જે છૂટા પડવા માગતા હોય અને વત્તે ઓછે અંશે અમુક અંશે સમાન વ્યવહાર હોય એવા લોકોને ફેડરેશન છોડવાનો હક આપવો જોઈએ. આમ એમના સુધારામાં મુસ્લિમ લીગની માગણીનો પડઘો પડતો હતો. પરંતુ એમણે બીજું મહત્ત્વનું સુચન કર્યું કે કોંગ્રેસ સૌથી મોટી રાજકીય સંસ્થા હોવાથી દેશને શિસ્તબદ્ધ રાષ્ટ્રમાં ફેરવી નાખવાની એની જવાબદારી છે. કોંગ્રેસ આને જનતાનું યુદ્ધ નહોતી માનતી પણ કમ્યુનિસ્ટોનું કહેવું હતું કે આ જનતાનું યુદ્ધ હતું. કમ્યુનિસ્ટો રાષ્ટૄય સરકાર બનાવવા અને મુસલમાનોનો ટેકો મેળવવા માટે કોંગ્રેસને મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરવાનું કહેતા હતા.

રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, આચાર્ય નરેન્દ્ર દેવ જેવા સમાજવાદીઓએ ઠરાવને ટેકો આપ્યો. અચ્યુત પટવર્ધને પણ કમ્યુનિસ્ટોના દાવાને પડકાર્યો કે મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરીને કોંગ્રેસે રાષ્ટ્રીય મોરચો બનાવવો જોઈએ. એમણે કહ્યું કે લાખો મુસલમાનો લીગને ટેકો નથી આપતા. અને કમ્યુનિસ્ટો માત્ર કોંગ્રેસને સલાહ આપે છે, મુસ્લિમ લીગને કેમ કહેતા નથી કે કોંગ્રેસ સાથે સમજૂતી કરે?

મૌલાના નૂરુદ્દીન બિહારીએ ઠરાવના ટેકામાં બોલતાં કહ્યું કે હિનુસ્તાનની આઝાદી માટેની લડાઈના સૈનિક તરીકે એમને જનરલે નક્કી કરેલા વ્યૂહ સામે સવાલો ઊભા કરવાનો અધિકાર નથી. મૌલાનાએ કહ્યું કે કમ્યુનિસ્ટો સમજતા નથી કે ભારતની આઝાદી અને હિન્દુ-મુસ્લિમ એકતા – આ બે અલગ મુદ્દા છે.

અંતે નહેરુએ ચર્ચાઓનું સમાપન કર્યું અને ગાંધીજી ફરી બોલ્યા. એમણે કહ્યું –

…એને અંતરાત્માનો અવાજ કહો કે જે તમને યોગ્ય લાગે તે કહો, તમે એને શું નામ આપો છો તેની સાથે મને નિસ્બત નથી… પણ અંદર કંઈક છે. હું સાયકોલૉજી ભણ્યો છું અને બરાબર જાણું છું કે એ શું છે, ભલે, હું નું વર્ણન ન કરી શકું. એ અવાજ મને કહે છે કે મારે આખી દુનિયા સામે લડવું પડશે અને એકલા જ રહેવું પડશે. એ અવાજ મને એ પણ કહે છે કે જ્યાં સુધી તું દુનિયાની આંખમાં આંખ મેળવીને બોલીશ ત્યાં સુધી તું સહીસલામત છે, કદાચ દુનિયાની આંખોમાં લોહી ઊભરાઈ આવે પણ દુનિયાનો ડર છોડી દે અને આગળ વધ. ડર એકલા ભગવાનનો જ રાખ.

હું નહી રહ્યો હોઉં ત્યારે દુનિયા સ્વતંત્ર થઈ ગઈ હશે. હિન્દુસ્તાન આઝાદ થશે અને આખી દુનિયા આઝાદ થશે, હું નથી માનતો કે અમેરિકનો આઝાદ છે કે ઇંગ્લેંડ આઝાદ છે…દરેક હિન્દુસ્તાનીએ પોતાને આઝાદ માનવાનો છે. એણે આઝાદી મેળવવા અથવા ખપી જવાની તૈયારી રાખવાની છે. હવે માત્ર જેલમાં જવું પૂરતું નહીં ગણાય. હવે કોઈ બાંધછોડ નહીં, કોઈ પદ સંભાળવાનું નથી, ‘આઝાદી” શબ્દ તમારો મંત્ર બની જવો જોઈએ.

એ જ રાતે ગાંધીજી અને બીજા નેતાઓને સરકારે પકડી લીધા. આમ છતાં નવમી ઑગસ્ટે, બીજા દિવસની સવારે જ દેશના જણેજણની જીભે “ભારત છોડો”નો મંત્ર રમતો થઈ ગયો.

૦૦૦

સંદર્ભઃ

1. The Indian Annual register July-December 1942 Vol. II

2. CWMG Vol. 76

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-29

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૯: ક્રિપ્સ મિશન પછી કોંગ્રેસ

સ્ટેફર્ડ ક્રિપ્સ ૧૨મી ઍપ્રિલે પાછા ગયા તે પછી ગાંધીજીએ ‘હરિજન’માં લેખ લખીને ક્રિપ્સ મિશનની ટીકા કરી. એમણે કહ્યું કે ભારતના મિત્ર જેવા ક્રિપ્સે અહીં આવતાં પહેલાં વિચારવું જોઈતું હતું કે તેઓ શું લઈને આવે છે. એમનો ખ્યાલ હતો કે એમની દરખાસ્તોથી વધારે સારી દરખાસ્તો કોઈ જ લાવી ન શકે. પણ એમની દરખાસ્તમાં ભારતના ભાગલાની વ્યવસ્થા હતી. કોંગ્રેસ ડોમિનિયન સ્ટેટસ સ્વીકારવા તો કદી તૈયાર નહોતી. એની માગણી તો સંપૂર્ણ સ્વતંત્રતાની જ રહી છે. બીજી બાજુ, એમાં પાકિસ્તાન આપવાના સંકેત હતા પણ એ પાકિસ્તાન મુસ્લિમ લીગની કલ્પના મુજબનું નહોતું એટલે એને પણ પસંદ ન આવ્યું. અને સંરક્ષણની જવાબદારી તો કોઈ હિન્દુસ્તાનીને સોંપવાની તો વાત જ નહોતી.

પણ ગઈ ગુજરી પર વિચાર્યા કરવાનો અર્થ નથી. બ્રિટને જે કરવું જોઈતું તે ન કર્યું હવે એની જવાબદારી એના પર છે. આપણે એ વિચારવું જોઈએ કે આપણે શું કરવું જોઈએ. જ્યાં સુધી આપણે કોમી કોકડું ન ઉકેલીએ ત્યાં સુધી સ્વતંત્રતા નહીં મળે. આ નગ્ન સત્ય પ્રત્યે આપણે આંખો બંધ ન કરી શકીએ. આ સમસ્યા ઉકેલવાના બે જ રસ્તા છે –એક અહિંસક અને બીજો હિંસક. પહેલા માર્ગમાં બન્ને પક્ષો સાથે મળીને સ્વતંત્રતા માટે લડી શકે; બીજા માર્ગે બન્ને પહેલાં સામસામે લડે, એક ખુવાર થઈ જાય તે પછી સ્વતંત્રતાની વાત આવે.

બે રાષ્ટ્રમાં માનનારા, એક રાષ્ટ્રમાં માનનારા સાથે મિત્રભાવે રહી શકે કે કેમ, તે હું જાણતો નથી. મુસલમાનો એમ માનતા હોય કે એમને અલગ રાષ્ટ્ર માનતા હોય તો એમને એ મળવું જ જોઈએ, સિવાય કે હિન્દુઓ એમને રોકવા માટે લડવા તૈયાર થઈ જાય. હું જોઈ શકું છું કે અત્યારે ખાનગી રીતે બન્ને બાજુ એની તૈયારી ચાલે છે. પરંતુ એ આત્મઘાતી રસ્તો છે. એમાં બન્નેને બ્રિટનની કે બીજી કોઈ સત્તાની મદદ જોઈશે. પછી સ્વતંત્રતાને ભૂલી જવાની રહેશે.

જિન્નાએ આના પર ટિપ્પણી કરી કે ગાંધીજીએ વર્ષો સુધી હિન્દુ-મુસ્લિમ એકતાનો દંભ કર્યો પણ હવે મુસ્લિમ લીગ કહે છે તે માની લીધું છે કે સ્વતંત્રતા માટે બન્ને વચ્ચે પહેલાં સમાધાન થવું જરૂરી છે. જિન્નાએ આક્ષેપ પણ કર્યો કે ગાંધીજીએ આડકતરી રીતે હિન્દુઓને ભાગલા અટકાવવા માટે લડવાની તૈયારી કરવાની સલાહ આપી છે.

જવાહરલાલ અને મૌલાના આઝાદ સાથે ગાંધીજીના મતભેદ

જવાહરલાલ નહેરુએ ગાંધીજીનો લેખ પ્રગટ થયો એ જ દિવસે નિવેદન કરીને જાપાનનો મુકાબલો કરવા માટે શસ્ત્રો ઉઠાવવાની હિમાયત કરી. મૌલાના આઝાદ પણ માનતા હતા કે જાપાનનો મુકાબલો કરવો હોય તો અહિંસા નહીં ચાલે. જાપાન બર્મામાંથી ભારતમાં આસામ અને બંગાળ પર હુમલો કરે એવી શક્યતાઓ માત્ર સરકારને જ નહીં, સામાન્ય જનતાને પણ દેખાતી હતી. સરકારે કેટલાંયે ગામો ખાલી કરાવીને લશ્કરને સોંપી દીધાં હતાં. નહેરુએ ‘ધીકતી ધરા’નો વ્યૂહ અખત્યાર કરવાની જાહેર સલાહ આપી. એમનું કહેવું હતું કે લોકો ગામ ખાલી કરતાં પહેલાં પોતાના ઊભા પાક બાળી નાખે અને કુવાઓમાં ઝેર ભેળવી દે કે જેથી જાપાનની ફોજને ખાધાખોરાકી માટે ફાંફાં મારવાં પડે.

ગાંધીજીએ સરદાર વલ્લભભાઈને એક પત્રમાં લખ્યું કે જવાહરલાલે અહિંસાને સાવ જ છોડી દીધી હોય એમ લાગે છે. તે પછી નહેરુને પત્ર લખીને એમણે કહ્યું કે આપણા વચ્ચે હંમેશાં મતભેદ રહ્યા છે, પણ હવે લાગે છે કે આપણે વ્યવહારમાં પણ જુદા પડવા લાગ્યા છીએ. અમેરિકી ફોજ આપણે ત્યાં આવે કે આપણે છાપામાર લડાઈ કરીએ, એ બન્નેમાં હું કંઈ સારું જોતો નથી.

તે પછી ૨૬મી એપ્રિલે ‘હરિજન’માં ગાંધીજીએ એક લેખમાં કહ્યું કે અમેરિકી ફોજ હિન્દુસ્તાન આવે તેનો ઉપયોગ માત્ર બ્રિટિશ સામ્રાજ્યને બચાવવા માટે જ થશે. એટલે બ્રિટિશ શાસન ઉપરાંત અમેરિકાનું શાસન પણ ઉમેરાશે. જાપાન બ્રિટનના સામ્રાજ્ય સામે લડે છે એટલે બ્રિટન ભારતને આઝાદી આપી દે તો કદાચ એમના વિના કદાચ જાપાન ભારતને સર કરવાનો વિચાર પણ છોડી દે. બ્રિટન ભારતને બચાવવા માટે કંઈ નથી કરતું. એમ હોત તો એમને જ્યારે સિંગાપુર છોડવું પડ્યું ત્યારે ત્યાં હિન્દુસ્તાનીઓને રઝળતા મૂકી દીધા. એ જ રીતે જાપાન ભારત પર ચડી આવશે ત્યારે પણ બ્રિટન એમ જ કરશે.

ગાંધીજીએ કહ્યું કે ભારત અને બ્રિટનની ખરી સલામતી બ્રિટન ભારતમાંથી જાય તેમાં છે.

સરકારે નોંધ્યું કે ગાંધીજી વારંવાર જાપાનના ખતરા અને ભારતની સ્વતંત્રતાને જોડીને સતત લખતા રહેતા હતા એનો હેતુ લોકોના મનમાં એક વાત ઠસાવવાનો હતો કે બ્રિટન જાય તે ભારત માટે સારું છે. સરકારી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગાંધીજી અને કોંગ્રેસ લોકોને ધીમે ધીમે બ્રિટન વિરુદ્ધ તૈયાર કરતાં હતાં.

‘હરિજન’ના એ જ અંકમાં પહેલી જ વાર ગાંધીજીએ મોટા પાયે પ્રજાકીય આંદોલનનો ઇશારો કર્યો, જે થોડા જ મહિનામાં ‘ભારત છોડો’ અથવા ‘ક્વિટ ઇંડિયા’ આંદોલન બની ગયું.

આમ તો એમણે કોઈ વાચકે પૂછેલા પ્રશ્નનો જવાબ જ આપ્યો હતો. પ્રશ્નને પણ કોઈ આંદોલન સાથે સીધેસીધો સંબંધ નહોતો. પ્રશ્નકર્તાએ પૂછ્યું હતું કે ગાંધીજીએ નહેરુને પોતાના ‘કાનૂની વારસ’ જાહેર કર્યા પણ જવાહરલાલ હવે છાપામાર યુદ્ધની વાત કરે છે અને રાજાજી આખા દેશને લશ્કરી તાલીમ આપવાની વાત કરે છે. ગાંધીજીએ જવાબમાં કહ્યું કે ‘કાનૂની’ શબ્દ મેં નથી વાપર્યો અને અમારા વચ્ચે મતભેદો હોવા છતાં જવાહરલાલમાં જે જુસ્સો છે તેવો કોઈમાં નથી અને બધા મતભેદો હોવા છતાં કોંગ્રેસના કાર્યક્રમો એમણે બરાબર લાગુ કર્યા છે. એટલે આજે જેમ મારી સાથે એમના મતભેદો છે, તે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તો પણ અંતે બન્ને અહિંસા તરફ પાછા આવશે કારણ કે છાપામાર યુદ્ધ આપણને ક્યાંય નહીં પહોંચાડે. એ જો મોટા પાયે ફેલાય તો પણ ભારે વિનાશ જ લાવે.

આટલા ખુલાસા પછી એમણે જે શબ્દો વાપર્યા તે નોંધી રાખવા જેવા છેઃ

અહિંસક અસહકાર બધી જાતના હિંસક યુદ્ધોનો સૌથી અસરકારક વિકલ્પ છે. આખો દેશ અહિંસક કાર્યવાહી કરે તો એ સંપૂર્ણ સફળ થઈ શકે. એ બ્રિટિશરો સામે એટલી કારગત ન રહે કારણ કે એમનાં મૂળ જમીનમાં ઊંડે ગયેલાં છે. જાપાન પાસે તો પગ રાખવાની જગ્યા પણ નથી. મને આશા છે કે આગામી AICC(ની મીટિંગ) અહિંસક રીત તરફ પાછી ફરશે અને અહિંસક અસહકાર અંગે શક્ય તેટલી સ્પષ્ટ સૂચનાઓ આપશે. બ્રિટનને એની હિંસક રીતોમાં મદદ કરવી – અને તે પણ હાલની મંત્રણાઓ પડી ભાંગ્યા પછી – તે મને રાષ્ટ્રીય નામોશી વહોરી લેવા જેવું લાગે છે.”

ઍપ્રિલના અંતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની અલ્હાબાદમાં મીટિંગ મળી. મૌલાના આઝાદે એમાં હાજર રહેવા ગાંધીજીને પણ આમંત્રણ આપ્યું હતું પણ બીજી મીટિંગોને કારણે ગાંધીજી એમાં જાતે હાજર ન રહ્યા પણ મીરાબહેન મારફતે એક ઠરાવનો મુસદ્દો મોકલાવ્યો. આ મુસદ્દામાં એમણે દેશવ્યાપી અહિંસક અસહકારની યોજના રજૂ કરી.

અલ્હાબાદની મીટિંગ

ગાંધીજીએ મુસદ્દામાં દલીલ કરી કે જાપાન બ્રિટિશ સામ્રાજ્ય સામે લડે છે એટલે બ્રિટન વિદાય થાય તો એને ભારત સામે લડવામાં ખાસ રસ નહીં રહે. ગાંધીજીના મુસદ્દામાં જાપાન સરકારને પણ ખાતરી આપવામાં આવી હતી કે ભારતના મનમાં જાપાન માટે કોઈ ખરાબ ભાવના નથી. આના પર ઘણી ચર્ચા થઈ. વિરોધ કરનારામાં જવાહરલાલ નહેરુ અને રાજગોપાલાચારી મુખ્ય હતા.

નહેરુએ કહ્યું કે આખી ફોજ ખસી જાય અને મુલ્કી વહીવટીતંત્ર પણ બંધ પડે તો એક શૂન્યાવકાશ ઊભો થાય જે તરત તો ભરી નહીં શકાય. આપણે જાપાનને કહીએ કે તમારી લડાઈ બ્ર્રિટન સાથે હતી, હવે બ્રિટન તો છે નહીં, તો જાપાન કહેશે કે બહુ સારી વાત છે, કે બ્રિટિશ ફોજ હટી ગઈ; અમે માનીએ છીએ કે તમે સ્વતંત્ર છો પણ હવે અમને અહીં થોડી સવલતો જોઈએ છે, બદલામાં અમે તમારી સ્વતંત્રતાનું રક્ષણ કરશું, અમને એરોડ્રૉમો આપો અને તમારા દેશમાંથી આવ-જા કરવાની અમારા સૈન્યને છૂટ આપો. જાપાનીઓ અમુક મહત્ત્વનાં સ્થાનો પોતાના કબજામાં લઈ લે અને ઈરાક તરફ આગળ વધે. “બાપુનું વલણ સ્વીકારીશું તો આપણે ધરી-રાજ્યોના નિષ્ક્રિય સાથી બની જઈશું.” નહેરુએ દલીલ કરી કે બ્રિટિશરોને આપણે જવાનું કહીએ છીએ. એ જાય તે પછી આપણે જાપાન સાથે સમજૂતીઓ કરવાની થશે અને કેટલીક શરતો સ્વીકારવી પડશે. આમાં લશ્કરી કંટ્રોલની શરતો પણ હોઈ શકે. આપણને ગમે કે ન ગમે, જાપાન પોતાના સ્વબચાવ માટે ભારતને જ જંગનું મેદાન બનાવી દેશે. એને તમે અહિંસક અસહકારથી રોકી ન શકો. “આ મુસદ્દા પાછળનો વિચાર અને એની પૂર્વભૂમિકા જાપાનની તરફેણમાં છે… ભલે એ સભાનપણે ન હોય. ત્રણ બાબતો આ સંકટમાં આપણા વિચારો પર પ્રભાવ પાડે છેઃ (૧) ભારતની આઝાદી (૨) અમુક મહાન ધ્યેયોને ટેકો અને (૩) યુદ્ધનું સંભવિત પરિણામ, એટલે કે અંતે કોણ જીતશે. ગાંધીજીને લાગે છે કે અંતે જાપાન અને જર્મની જીતશે. આ એમની ધારણા અભાનપણે એમના નિર્ણયને અસર કરે છે.

રાજગોપાલાચારીએ કહ્યું કે બ્રિટન જશે કે તરત આપણે સંગઠિત થઈ જશું એવું નથી. બ્રિટને બહુ ખરાબ કર્યું છે, પણ એથી આપણી નજર ચાતરી જાય એ ન ચાલે. જાપાનના હાથમાં દોડીને ન પહોંચો. ગાંધીજીના મુસદ્દામાં તો એ માટેનો રસ્તો દેખાડ્યો છે.

જુલાઈમાં વર્ધામાં મીટિંગ

જુલાઈમાં વર્ધામાં વર્કિંગ કમિટી ફરી મળી તેમાં ગાંધીજીનો જ મુસદ્દો થોડા ફેરફાર સાથે સ્વીકારાયો. પણ એ નાનો ફેરફાર બહુ મોટો હતો. મુળ મુસદ્દામાં બ્રિટિશ ફોજ હટી જાય એવી માંગ હતી. પણ એમાં ફેરફાર કરીને કોંગ્રેસે સ્વીકાર્યું કે યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી સાથી રાજ્યોની સેના ટુકડીઓ ભારતમાં જ રહેશે. હવે આખી કોંગ્રેસ અહિંસક અસહકાર આંદોલન માટે તૈયાર હતી.

આવતા અઠવાડિયે “ભારત છોડો.”

૦૦૦

સંદર્ભઃ

1. The Indian Annual register Jan-June 1942 Vol. I

2. CWMG Vol. 76

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-28

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૮: ક્રિપ્સ મિશન (૨)

સપ્રુ-જયકર નિવેદન

નોંધવા જેવી વાત એ છે કે ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનું વલણ પણ કોંગ્રેસ જેવું જ હતું. કોંગ્રેસ સાથે સહકારથી કામ કરનારા, પણ કોંગ્રેસથી અલગ રહેલા નેતાઓ તેજ બહાદુર સપ્રુ અને એમ. આર. જયકરે પોતાના તરફથી ક્રિપ્સ મિશનની દરખાસ્તો પર અલગ પ્રતિસાદ આપ્યો. એમણે કહ્યું કે વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલમાં એક ભારતીયને સંરક્ષણ માટેના સભ્ય તરીકે લેવાની બહુ જ જરૂર છે. યુદ્ધ જેવી સ્થિતિમાં નીતિ અને કાર્ય વચ્ચે એકતા હોવી જરૂરી છે, એ સાચી વાત છે તેમ છતાં એક અનુભવી, જાણકાર ભારતીયને સંરક્ષણની જવાબદારી સોંપવામાં નીતિ અને કાર્યોમાં વિવાદ કેમ ઊભો થાય? એમણે કહ્યું કે અત્યારે ભારતીય જનમાનસ સંપૂર્ણ સ્વતંત્રતા ઇચ્છે છે, અને એટલે જ, અમે એ વાત પર ભાર મૂકીએ છીએ કે કશા પણ અપવાદ વિના સરકારની બધી જવાબદારી ભારતીયોના હાથમાં મૂકવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે ભારતની જનતા યુદ્ધ સંબંધી કાર્યોમાં સરકારને સંપૂર્ણ ટેકો આપે. સંરક્ષણ પ્રધાન ભારતીય હશે તો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ભારતીય જનતામાં એના સાનુકૂળ પડઘા પડશે.

હિન્દુ મહાસભા

હિન્દુ મહાસભાની વર્કિંગ કમિટીએ કહ્યું કે બ્રિટિશ સરકારે સૂચવેલી યોજનામાં કેટલાક મુદ્દા વત્તેઓછે અંશે સંતોષજનક છે પણ સર સ્ટેફર્ડ ક્રિપ્સે ભારત આવીને જે નિવેદન કર્યું તેના પ્રમાણે કાં તો આ યોજના આખી જ સ્વીકારવાની છે અથવા આખી જ નકારવાની છે. આ સંયોગોમાં એને નકાર્યા સિવાય બીજો વિકલ્પ નથી. હિન્દુ મહાસભાએ પ્રાંતોને અલગ રહેવાની છૂટ આપવાની જોગવાઈનો વિરોધ કરતાં કહ્યું કે એ દેશના ભાગલા પાડવા બરાબર છે. હિન્દુ મહાસભાનો આધારભૂત સિદ્ધાંત એ છે કે હિન્દુઓ સદીઓથી ભારતની મૂળભૂત એકતામાં માનતા આવ્યા છે અને અંગ્રેજી શાસને પણ ભારતની એકતાનો સ્વીકાર કર્યો છે, એટલું જ નહીં પણ બ્રિટન પોતે જ આ એકતા માટે યશ લે છે. ભારતીય સંઘમાંથી બહાર રહેવાનો અધિકાર આપવાથી પાકિસ્તાની ફેડરેશન બનશે અને એ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બીજા મુસ્લિમ દેશો સાથે હાથ મિલાવીને ભારતની સલામતી માટે ખતરારૂપ બની જશે.

હિન્દુ મહાસભાએ કહ્યું કે આત્મનિર્ણયના અધિકારને નામે પ્રાંતોને વિચ્છેદનો અધિકાર ન આપી શકાય અને કોઈ બહારની સત્તા એ ઠોકી બેસાડે તે પણ ન ચાલે. એક સંઘમાં સ્વતંત્ર રાષ્ટ્રો જોડાતાં હોય એવા દાખલા અહીં બંધબેસતા નથી કારણ કે ભારત એકતંત્રી રાજ્ય છે, પ્રાંતો માત્ર વહીવટી એકમો તરીકે બનાવેલા છે.

ઑલ ઇંડિયા મોમીન કૉન્ફરન્સ

મોમીન કૉન્ફરન્સ મુસ્લિમ લીગથી વિરુદ્ધ હતી અને મોટી સંખ્યામાં મુસલમાનો એની સાથે હતા. એ મુસલમાનોના હકદાવાની ચિંતા કરતી હતી પણ કોંગ્રેસની તરફદાર હતી. એનો અભિપ્રાય એવો હતો કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે અવિશ્વાસ છે એટલે ક્રિપ્સની યોજના મુસલમાનોને સંપૂર્ણ સંતોષ આપી શકે તેમ નથી. પરંતુ બ્રિટન ભારતને આઝાદી આપશે તો આ અવિશ્વાસ પણ દૂર થઈ જશે. એણે પ્રાંતોને ભારત સંઘમાં ન જોડાવાનો અધિકાર આપવાની વ્યવસ્થાનો વિરોધ કરતાં કહ્યું કે એનાથી ભારતની અંદર જ અનેક ટુકડા થઈ જશે. મોમીન કૉન્ફરન્સે પણ ભારતની સંરક્ષણ વ્યવસ્થા ભારતીયને સોંપવાની હિમાયત કરી.

લિબરલ ફેડરેશન

લિબરલ ફેડરેશન ઑફ ઇંડિયાના પ્રમુખ સર બિજૉય પ્રસાદ સિંઘ રોય અને મહામંત્રીઓ સર ચીમનલાલ સેતલવાડ અને નૌશીર ભરૂચા સ્ટેફર્ડ ક્રિપ્સને મળ્યા અને ભારતને ડોમિનિયન સ્ટેટ બનાવવાની ઑફરને આવકાર આપ્યો પણ સંઘમાં ન જોડાવાની પ્રાંતોને છૂટ આપવાનાં જોખમો દેખાડ્યાં. ભારતમાં એક કરતાં વધારે ફેડરેશનો બનાવાય તો એ દરેકનાં સૈન્યો જુદાં જુદાં હશે, વેપારમાં પણ કસ્ટમ લાગુ પડશે. રેલવે, બંદરોની માલિકી વગેરે ઘણા ગુંચવાડા ઊભા થશે. લિબરલ ફેડરેશને પણ ભારતના સંરક્ષણ માટે ભારતીયને જવાબદારી સોંપવાની માગણી કરી.

દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોની માગણી

દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોના દેશવ્યાપી સંગઠન સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે ક્રિપ્સને પોતાનું નિવેદન આપ્યું તેમાં કહ્યું કે આ દરખાસ્તો બ્રિટિશ ઇંડિયા માટે હોવા છતાં દેશી રજવાડાંઓની પ્રજા પર એની સીધી કે આડકતરી અસર પડ્યા વગર નહીં રહે. વૉર કેબિનેટ એમ માનતી હોવાનું જણાય છે કે આવા મહત્ત્વના મુદાઓનો ઉકેલ આણવા માટે બ્રિટિશ સરકાર અને દેશી રાજાઓ પૂરતા છે. રજવાડાંની નવ કરોડની પ્રજાનો તો ક્યાંય ઉલ્લેખ પણ નથી. આજના સંકટકાળમાં અને નવી દુનિયાનું સર્જન કરવાની વાતો વચ્ચે આ દેખાડે છે કે બ્રિટન સરકાર કઈ રીતે વિચારે છે. બ્રિટિશ સરકાર અને રાજાઓ વચ્ચે કોઈ સમજૂતી થઈ હોવાને બહાને ભારતનું રાજકીય વિઘટન કરવું એ આજની દુનિયામાં ન ચાલે. આ સંધિઓ એક જમાનામાં થઈ હતી પણ તે વખતની સ્થિતિ આજે નથી રહી. એ યાદ રાખવું જોઈએ કે માત્ર ૩૦ કે ૪૦ રાજાઓએ સંધિઓ કરી હતી અને એ સંધિઓમાં રાજ્યોની પ્રજાઓનો કંઈ પણ ફાળો નહોતો. આ જરીપુરાણી સંધિઓ આજે લોકોના રાજકીય અને આર્થિક વિકાસમાં આડે આવે એ હવે સહન થાય તેમ નથી. સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે કોંગ્રેસની પૂર્ણ સ્વરાજની માગણી દોહરાવી.

ડિપ્રેસ્ડ ક્લાસિસ અને નરમપંથી શીખો

ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા એમ. સી. રાજાએ બંધારણ સભાની રચનાનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે જાતિઓ અને પંથોમાં વહેંચાયેલા આ સમાજમાં ડિપ્રેસ્ડ ક્લાસિસને ચૂંટણી દ્વારા કંઈ પ્રતિનિધિત્વ મળે એવી કોઈ શક્યતા નથી. દેશની ૯૦ ટકા ઊપજ ખેતીમાંથી મળે છે અને ખેતીકામમાં લાગેલા ૯૦ ટકા મજૂરો ડિપ્રેસ્ડ શ્રેણીના છે. એમણે ભારતીય સંરક્ષણ પ્રધાન નીમવાનો પણ વિરોધ કર્યો. એમણે કહ્યું કે કોંગ્રેસના હાથમાં આ પદ આવશે તો ડિપ્રેસ્ડ ક્લાસિસના લોકોને ગળે ટૂંપો દેવાની એને સત્તા મળી જશે.

મુસ્લિમ લીગ

મુસ્લિમ લીગની વર્કિંગ કમિટી ૧૧મી એપ્રિલે મળી અને ક્રિપ્સની દરખાસ્તોને, જેવી હતી તેવી જ સ્વીકારી લેવાનો ઇનકાર કરી દીધો. જો કે, વર્કિંગ કમિટીએ એનાં અમુક પાસાંની પ્રશંસા કરી, જેમ કે, પ્રાંતો માટે ભારતીય સંઘમાં જોડાવાનું મરજિયાત રાખ્યું તેમાં એને પાકિસ્તાનની શક્યતા દેખાઈ. લીગે કહ્યું કે છેલ્લાં પચીસ વર્ષથી એણે દેશની બે મુખ્ય કોમો, હિન્દુ અને મુસલમાન, શાંતિથી રહી શકે તેવા પ્રયાસ કર્યા પણ એનું કંઈ પરિણામ ન આવ્યું. આ કડવા અનુભવ પછી લીગ એવા તારણ પર પહોંચી છે કે બન્ને કોમોને એક જ યુનિયનમાં રાખવામાં ન્યાય પણ નથી અને એ શક્ય પણ નથી.

પ્રાંતોની ઍસેમ્બ્લીઓ એક આખા મતદાર મંડળ તરીકે બંધારણસભાને ચૂંટે એવી વ્યવસ્થાને પણ લીગે વખોડી કાઢી. એનું કહેવું હતું કે મુસલમાનો અલગ મતદાર મંડળ દ્વારા ચુંટાયા છે, પણ બંધારણસભાની પસંદગી વખતે એમનો આ અધિકાર ઝુંટવી લેવાય છે.

સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર મુસલમાનોની ભાગલા માટેની માગણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. પણ આ અધિકાર હમણાં જે પ્રાંતો છે તેમને આપવામાં આવ્યો છે. આ પ્રાંતો વહીવટી કારણસર બન્યા છે અને એમની પાછળ કોઈ તર્ક નથી. આ બાબતમાં મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની દલીલો વચ્ચે સમાનતા છે કે આ પ્રાંતો વહીવટી કારણોસર બન્યા છે. પરંતુ મુસ્લિમ લીગ એવો પણ સંકેત આપે છે કે પ્રાંતોની પુનર્રચના કરવી જોઈએ, કે જેથી મુસલમાનોનાં હિતો સચવાય. સંઘમાં જોડાવું કે નહીં તે વિશે ઍસેમ્બ્લીમાં સ્પષ્ટ નિર્ણય ન થઈ શકે તો લોકમતની દરખાસ્ત હતી તેનો પણ લીગે વિરોધ કર્યો કારણ કે આમાં લોકમત સમગ્ર પુખ્ત વસ્તીને આધારે લેવાનો હતો; મુસલમાનોને અલગ ગણવાના નહોતા.લીગનું કહેવું હતું કે એ રીતે મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારની ઉપેક્ષા થશે.

મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીએ કહ્યું કે ૧૯૪૦નો પાકિસ્તાન વિશેનો લાહોર ઠરાવ પૂરો ન સ્વીકારાયેલો હોય તેવી કોઈ પણ વ્યવસ્થા લીગને મંજૂર નથી.

આમ ક્રિપ્સ મિશન નિષ્ફળ રહ્યું.

રાજાજી ક્રિપ્સ મિશનને ટેકો આપે છે!

સ્ટેફર્ડ ક્રિપ્સની વિદાય પછી એ. આઈ. સી. સી.ની બેઠક ૨૯મી ઍપ્રિલે વર્ધામાં મળી. પ્રમુખસ્થાનેથી મૌલાના અબુલ કલામ આઝાદે ક્રિપ્સ મિશનની યોજના પ્રત્યે કોંગ્રેસે લીધેલા વલણના વિગતવાર ખુલાસા કર્યા. સંરક્ષણ સીધું જ વાઇસરૉય હસ્તક રહે તેનો કોંગ્રેસે વિરોધ કર્યો, કારણ કે યુદ્ધના સમયમાં સંરક્ષણ જ સૌથી મહત્ત્વનો એકમાત્ર મુદ્દો બની રહે છે. એના ખર્ચ અને વહીવટની અસર બધા વિભાગો પર પડે.

વ્યક્તિગત ઠરાવો

કે. સંતાનમે જે ઠરાવ રજૂ કર્યો તે ક્રિપ્સ મિશનની દરખાસ્તોને નકારી કાઢવાના કોંગ્રેસના સત્તાવાર વલણની વિરુદ્ધ હતો. ચક્રવર્તી રાજગોપાલાચારી આ ઠરાવના પ્રેરક હતા. આથી કોંગ્રેસ પ્રમુખે એમને ઠરાવ રજૂ કરવાની પરવાનગી આપી; સંતાનમે ઠરાવને ટેકો આપ્યો. એના પર મતદાન થયું. ૧૨૦ સભ્યોએ ઠરાવની વિરુદ્ધ મત આપ્યો અને એના ટેકામાં માત્ર ૧૫ મત પડ્યા. આમ રાજાજીનો ઠરાવ ઊડી ગયો.

ઠરાવમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સરકાર બનાવવામાં નડતા બધા અવરોધો કોંગ્રેસે દૂર કરવા જોઈએ. ઠરાવમાં કહ્યું હતું કે દેશની એકતાના અસ્પષ્ટ લાભના નામે વિવાદ ચાલુ રાખવો અને રાષ્ટ્રીય સરકાર ન બનવા દેવી એમાં શાણપણ નથી, એટલે મુસ્લિમ લીગ અલગ થવાનો અધિકાર માગે છે તે માન્ય રાખવો અને એને સામેલ થવાનું આમંત્રણ આપીને રાષ્ટ્રીય સરકાર બનાવવા સંમત થવું જોઈએ.

રાજાજીના ઠરાવનો અર્થ

દેશના ભાગલાનો સ્વીકાર કરવામાં રાજાજી સૌ પહેલા હતા. એમનો મત હતો કે મુસ્લિમ લીગ પોતાની માંગ છોડવાની જ ન હોય તો કોંગ્રેસે ભારતીય સંઘમાંથી છૂટા પડવાનો એનો અધિકાર કબૂલ કરી લેવો જોઈએ. આ મતભેદોનો લાભ અંગ્રેજોને મળે છે. બ્રિટન કોમી સમસ્યાને બહાને સ્વતંત્રતાને પાછળ ઠેલતું રહ્યું છે, પણ મુસ્લિમ લીગની વાત માની લેવાથી બ્રિટન પાસે આ બહાનું નહીં રહે. આના પછી રાજાજીએ કોંગ્રેસ છોડી દીધી.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual register Jan-June 1942 Vol. I

%d bloggers like this: