india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-20

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૨૦ –  ૧૯૧૬થી ૧૯૩૫:: ચંપારણ સત્યાગ્રહ (૨)

ખેડૂતોની દુર્દશા

ચંપારણ આજે પૂર્વ ચંપારણ અને પશ્ચિમ ચંપારણ, એમ બે જિલ્લામાં વહેંચાયેલું છે.પણ સો વર્ષ પહેલાં એ આખો જિલ્લો હતો અને તિરહૂત ડિવીઝનનો ભાગ હતો. હિમાલયની પર્વતમાળાનો સોમેશ્વર તરીકે ઓળખાતો ભાગ નેપાળ અને ભારતને અલગ પાડે છે. નારાયણી અથવા ગંડક એની મુખ્ય નદી છે. તે ઉપરાંત છોટી ગંડક પણ મહત્ત્વની છે, માર્ગમાં એ જુદાંજુદાં નામે ઓળખાય છે પણ છેવટે એને બૂઢી ગંડક નામ મળ્યું છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે એનું નામ ચંપારણ્ય હતું. ભક્ત ધ્રુવના પિતા ઉત્તાનપાદનું અહીં રાજ્ય હતું. એક સ્થળનું નામ છે, ટપ્પા દૂહો-સૂહો. ઉત્તાનપાદની બે પત્નીઓ દુરાની અને સુરાની(દુર્મતિ અને સુમતિ)નાં નામ આ સ્થળ સાથે જોડાયેલાં છે. ગજગ્રાહના પ્રસંગનું સ્થળ પણ અહીં જ છે (હવે સારણ જિલ્લામાં). એવી પણ કથાઓ છે કે સીતાનો રામે ત્યાગ કર્યો ત્યારે એમણે અહીં જ વાલ્મીકિના આશ્રમમાં આશરો લીધો હતો. લવકુશનો જન્મ પણ અહીં જ થયો. નજીકમાં જનક વિદેહની રાજધાની હતી જેને પાછળથી જાનકીગઢ કે ચાનકીગઢ નામ મળ્યું. તે ઉપરાંત પાંડવો ગુપ્તવાસમાં રહ્યા તે વિરાટનગરી પણ ચંપારણમાં જ હતી.

ઉત્તર ચંપારણની જમીન સખત છે એટલે ડાંગરને લાયક છે પણ દક્ષિણ ચંપારણની જમીન પોચી અને રેતાળ છે. એ ગળીના પાક માટે પણ બહુ સારી છે. તો, આપણી આ કથા ચંપારણના દક્ષિણ ભાગની છે.

૧૮૭૫થી ત્યાં યુરોપિયનો વસવા લાગ્યા હતા. એ વખતે ગળીનો પાક લેવાતો નહોતો એટલે એ ઠેકઠેકાણે નાનાં કારખાનાં બાંધીને કમાતા. બેતિયા રાજ્યે એમને જમીનના પ્લૉટોના કાયમી પટ્ટા આપી દીધા હતા. પણ બેતિયા રાજ્ય પોતે ભારે દેવામાં હતું. પ્લાંટરોએ ઇંગ્લૅંડમાં નાણાં ઊભાં કરીને રાજાને દેવામાંથી છોડાવ્યો પણ તે સાથે કાયમી અને હંગામી ધોરણી જમીનના પટ્ટા પણ મેળવી લીધા. આમ હવે એમને જમીનમાં અને કૃષિમાં રસ વધવા લાગ્યો. કેટલાંક તો આખાં ગામ કારખાનાંઓના હાથમાં આવી ગયાં. તે પછી કારખાનેદારોએ જમીનદારીના હકો પણ ખરીદી લીધા.

તીનકઠિયા

‘ઝિરાયત’ પદ્ધતિમાં કારખાનેદારો પોતે પટ્ટે લીધેલી કે મૂળ માલિકની જમીનમાં ખેતી કરતા. બીજી, ‘આસામીવાર’ પદ્ધતિમાં કારખાનેદારો ખેડૂત પાસે ગળીની ખેતી કરાવતા. એમાં કરારના જુદા જુદા પ્રકાર હતા, જેમાંથી ‘તીનકઠિયા’ પદ્ધતિ ચંપારણમાં સૌથી વધારે પ્રચલિત હતી. આ પદ્ધતિ હેઠળ ખેડૂત પાસે કારખાનેદાર ગળીની ખેતી કરાવતો. ખેડૂતે એક વીઘા જમીનમાં પાંચ કઠા (એટલે કે ચોથો ભાગ)માં ગળીનું વાવેતર કરવું પડતું. ૧૮૬૭માં એમાં ઘટાડો કરીને પાંચ કઠામાંથી ત્રણ કઠામાં ગળીની ખેતીની ટોચ મર્યાદા બાંધી દેવામાં આવી. આના પરથી એનું નામ ‘તીનકઠિયા’ પડ્યું. આ ત્રણ કઠામાં પણ ૧૯૦૯માં ઘટાડો કરીને બે કઠા કરવાનો પ્લાંટર્સ એસોસિએશને ઠરાવ કર્યો પણ એ માત્ર કાગળ પર રહ્યો કારણ કે ગાંધીજી ૧૯૧૭માં ચંપારણ ગયા ત્યારે તીનકઠિયા પદ્ધતિ જ હતી.

ગળીની ખેતીમાં લાભ જોઈને યુરોપિયનોએ ગળી બનાવવાનું શરૂ કર્યું. આથી જેટલી જમીન મળે તેમાં ગળીનું વાવેતર કરવા માટે એમનું દબાણ વધવા માંડ્યું. ખેડૂત સાથે કરાર થાય તેમાં એણે ત્રણ કઠાના હિસાબે પોતાની જમીનમાં ગળી વાવવાની રહેતી, અને એ કરાર વીસ, પચીસ કે ત્રીસ વર્ષનો હોય. જમીનને ખેતીલાયક બનાવવાની જવાબદારી પ્લાંટરની નહીં પણ એના ગણોતિયાની રહેતી. પાકની કિંમત ઓછી હોય પણ પૂરતો પાક થાય તો પૂરા પૈસા મળતા પણ ધાર્યા કરતાં પાક ઓછો ઊતરે તો એની કિંમત પણ ઘટી જતી. ગરીબ ખેડૂતને આ બધી સમજણ ન પડતી અને એ ઠગાઈ જતો.

જર્મનીની કૃત્રિમ ગળી

એ અરસામાં જર્મનીએ કૃત્રિમ ગળી શોધી. એ કુદરતી ગળીને બજારમાં ટક્કર આપતી થઈ ગઈ. આથી પહેલા વિશ્વયુદ્ધ પહેલાં ચંપારણમાં પ્લાંટરોની નજર ગળી પરથી હટવા લાગી. પહેલાં ૪૮ હજાર એકરમાં ગળી થતી તે ૧૯૧૪માં માત્ર આઠ હજાર એકર સુધી મર્યાદિત થઈ ગઈ પરંતુ યુદ્ધ શરૂ થતાં બ્રિટન અને જર્મની સામસામે હતાં એટલે જર્મનીના રંગોની આયાત બંધ થતાં વળી ગળીની ખેતીનાં માન વધી ગયાં અને વાવેતર ૨૬ હજાર એકર સુધી પહોંચ્યું.

પ્લાંટરો અને સરકારી રિપોર્ટ

બંગાળમાં તો ૧૮૫૭થી પહેલાં જ ગળીનો વિદ્રોહ થયો હતો એ તો આપણે બીજા ભાગમાં જોઈ લીધું છે. પરંતુ એમ નહીં કહી શકાય કે સરકાર સંપૂર્ણપણે પ્લાંટરો સાથે હતી. એ વખતે એક કમિશન નિમાયું હતું તેમાં ફરીદપુરના મૅજિસ્ટ્રેટ ઈ. ડબ્લ્યૂ. એલ. ટાવરે જુબાની આપી કે “ઇંગ્લેંડ જતી ગળીની એક પણ પેટી માનવરક્તના ડાઘથી મુક્ત નથી.” એણે પોતાનો અનુભવ કહ્યો કે એની પાસે રૈયત આવતી અને સાથે પ્લાંટરોના ભાલાથી વિંધાયેલા લોહીથી લથબથ ખેડૂતોને લાવતી.

કમિશને રિપોર્ટ આપ્યો કે ખેડૂતોએ કરાર કર્યા હોવાનું કહેવાય છે તે સ્વેચ્છાએ નથી કર્યા. એમને ફરજિયાત અમુક પૈસા પકડાવીને કામ લેવાતું. એમની સારામાં સારી જમીન પ્લાંટરો લઈ લે છે. ખેડૂતો પોતાના બીજા પાકો પર ધ્યાન નથી આપી શકતા, બીજી બાજુ ગળીના વાવેતરનો કંઈ ભરોસો નથી હોતો. એટલે મોટા ભાગે તો રૈયતની ત્રેવડ જ નથી હોતી કે એ સૂથીની રકમ લીધી હોય તે પાછી ચૂકવી શકે.

ચંપારણમાં પુનરાવર્તન

ચંપારણમાં પણ આ જ સ્થિતિ હતી અને ગાંધીજી આવ્યા તે પહેલાં પણ પ્લાંટરો સામે ખેડૂતો લડતા રહેતા. સરકારમાં રિપોર્ટ પણ કરતા પરંતુ સરકાર સમક્ષ એ પોતાનો કેસ સાબીત ન કરી શકતા. પરિણામે, પ્લાંટરોનો સંઘ એમ કહીને છૂટી જતો કે બધું બરાબર છે, માત્ર બંગાળના ચળવળિયાઓની ઉશ્કેરણીથી ખેડૂતો તોફાન કરે છે.

સ્થાનિક સરકારને તો ૧૮૭૧માં જ લાગ્યું હતું કે ગળીના ભાવ વધાર્યા વિના એમનું ત્યાં રહેવું કપરું થઈ જશે. એટલે એકર દીઠ સાડાછ રૂપિયાને બદલે નવ રૂપિયાનો ભાવ કરી દીધો પણ આગળ કશું કર્યું નહીં. પરંતુ ભારત સરકારને તીનકઠિયા પદ્ધતિનાં દૂષણો દેખાઈ ગયાં હતાં અને એણે એ બંધ કરવાની જરૂર પણ દેખાડી હતી.

૧૯૦૬માં ભારે પૂર આવ્યાં તેમાં બધો પાક ધોવાઈ ગયો. પ્લાંટરોને જાણે એની સાથે કંઈ લાગતુંવળગતું ન હોય એવું હતું. ૧૯૦૭માં મોતીહારીની સાથી ફૅક્ટરી સાથે કરાર કરનારા ખેડૂતોએ ગળીના પાકમાં કંઈ નફો નથી એમ કહીને એનું વાવેતર કરવાની ના પાડી દીધી. એમણે સરકારમાં અરજીઓ કરી પણ કંઈ ન વળ્યું. એ વખતનું નીચલા સ્તરનું વહીવટીતંત્ર પ્લાંટરો ભેગું હતું એટલે પોલીસના રિપોર્ટ પણ એવા જ હતા. પરંતુ રૈયતે નમતું ન મૂક્યું અને અંતે સાથી ફૅક્ટરી બંધ કરવી પડી.

ગળીનું કામ તો બંધ થયું પણ ગળી માટે નહેરમાંથી પાણી અપાતું તેનો એક વીઘા પર ત્રણ રૂપિયાનો વેરો (પાઇન ખર્ચા) હતો તે રૈયત પાસેથી વસૂલવાનું સાથી કંપનીએ ચાલુ રાખ્યું. જે ગળીના કરારમાં પણ નહોતા એમની પાસેથી પણ પ્લાંટરો આ વેરો બળજબરીથી વસૂલ કરતા. ગળીનું વાવેતર બંધ કરાવનારા અને સાથી કંપની સામે મોરચો માંડનારા આગેવાન ગુલાબ શેખને જેલની સજા થઈ.

બીજા જુલમી વેરા

માત્ર એ જ નહીં પ્લાંટરો બીજા વેરા પણ વસૂલ કરતા. એમનાં નામો જોતાં જ રૈયત પર કેવો જુલમ થતો હશે તે સમજી શકાશે. આપણે પાઇન ખર્ચા (નહેરના પાણીનો વેરો) વિશે તો જાણી લીધું. પણ બીજા પણ ઘણા વેરા હતા જે પ્રસંગોપાત લેવાતા. કેટલાક વેરા નિયમિત નહોતા અને પ્લાંટરોની જરૂરિયાત મુજબ લાગુ પડતા. નામ અને અર્થ જાણ્યા પછી આ વાત વધારે સારી રીતે સમજી શકાશેઃ

બંધબેહડી – એક રૂપિયાના ભાડા પર વધારાનો એક આનો બંધબેહડી તરીકે લેવાતો.

બેઠમાફી (વેઠમાફી) – રૈયતે પોતાનો હળ પ્લાંટરનાઅ કામ માટે આપવો પડતો. આ વેઠમાંથી બચવા માટે ભાડા જેટલી જ રકમ ઉપરથી ચુકવવી પડતી. ખેડૂતનું કામ હળ વિના ન ચાલે એટલે એ પૈસા ચૂકવીને આ વેઠ માફ કરાવતા.

બપહી-પુતહી(બાપનું -પુત્રનું) – આસામીના કુટુંબમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે ફૅક્ટરી આ વેરો વસૂલ કરતી.

મારવાચ – કુટુંબમાં કોઈનાં લગ્ન થાય ત્યારે સવા રૂપિયાનો આ વેરો ચુકવવો પડતો.

સાગૌરા – વિધવાના પુનર્લગ્ન વખતે પાંચ રૂપિયા ભરવા પડતા.

કોલ્હૂ-આવાન – તેલની ઘાણી કે શેરડી પીલવાના મશીન માટેનો કર.

ચૂલ્હી-આવાન – કેટલાંક ગામોમાં હળદરનો પાક થતો. હળદરને બજારમાં મૂકતાં પહેલાં બાફવી પાડતી. બાફવાનું કામ કર ચૂકવ્યા પછી જ થઈ શકતું.

બતછાપી – તેલ કે દૂદ્ધ વેચનારે આ કર દર પીપ પર ચુકવાવો પડતો.

બેચાઈ – અનાજ વેચતી વખતે આ વેરો લાગતો.

પ્લાંટર શિકારે જવા માટે હાથી ખરીદે તો રૈયતે હથિયાહી ચુકવવી પડતી અને ઘોડો ખરીદે તો ઘોડાહી; મોટર ખરીદે તો હવાહી અને નાવ ખરીદે તો નાવાહી ચુકવવાની થતી. એટલું જ નહીં, પ્લાંટર બીમાર પડે તો એના દવાદારુના ખર્ચ માટે ઘાવાહી પણ રૈયતે ભરવી પડતી.

તે ઉપરાંત, તહેવારો નિમિત્તે ફગુઆઈ, દશહરી અને ચૈતનવમી કે દવાતપૂજા(શાહીના ખડિયાની પૂજા) પણ વેરા તરીકે લેવાતી. હોળી પર પ્લાંટર નાચગાનનો કાર્યક્રમ રાખે તો કોઈ એ જોવા જાય કે નહીં કર ચુકવવામાંથી બચી ન શકતો.આવા ચાળીસ કરતાં વધારે કરવેરા હતા.આપણે જમીનદારોના જુલમો વિશે વાંચ્યું છે પણ ચંપારણના પ્લાંટરો જમીનદાર જ બની બેઠા હતા.

એમના અત્યાચારો માઝા મૂકવા લાગ્યા હતા ત્યારે ચંપારણની રૈયત વતી રાજકુમાર શુક્લ ગાંધીજીને મળ્યા, એમને લઈ આવ્યા અને ચંપારણને રાષ્ટ્રના રાજકીય નક્શા પર મૂકી દીધું. ગાંધીજીનું જાહેર કાર્ય પણ એ સાથે જ શરૂ થઈ ગયું.

૦૦૦

સંદર્ભઃ

Satyagraha in Champaran: Rajendra Prasad, Navajivan Publishing House, Second revised Edition September 1949.

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-19

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૧૯: ૧૯૧૬થી ૧૯૩૫: ચંપારણ સત્યાગ્રહ (૧)

૧૯૧૭ની ૧૮મી ઍપ્રિલ ભારતના રાજકારણમાં એક સીમાચિહ્ન રૂપ છે. એ દિવસે સ્વતંત્રતા માટેના સંઘર્ષને નવી દિશા મળી. અને પહેલી જ વાર સામાન્ય લોકો સત્તાનો ભય છોડીને પોતાનો અવાજ રજૂ કરવા આગળ આવ્યા. ગાંધીજીએ ૧૯૦૮માં દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર ‘સત્યાગ્રહ’ કર્યો હતો પણ ભારતમાં પહેલી વાર બિહારના ચંપારણમાં ગરીબ અને બેહાલ ખેડૂતોના માધ્યમથી એમણે સત્યાગ્રહનો પ્રયોગ કર્યો. ગાંધીજીનું આખું જીવન જોઈએ તો એમના દરેક કાર્યમાં ક્યાંક ને ક્યાંક દક્ષિણ આફ્રિકાના સંઘર્ષનું પ્રતિબિંબ મળી જશે.

ગાંધીજી પોતાની આત્મકથામાં આ સત્યાગ્રહ પર વિગતે લખે છે. (ભાગ-૫, પ્રકરણ ૧૨-૧૯) તેમ છતાં મૂળ સમસ્યાથી પરિચિત થવા માટે એમણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ચંપારણ સત્યાગ્રહ વિશે લખેલું પુસ્તક વાંચવાની ભલામણ કરી છે.

ગાંધીજી અને કોંગ્રેસ

આના પહેલાં ગાંધીજી એક ગૌણ નેતા હતા. એમણે ગોખલેને પોતાના ગુરુ માન્યા હતા અને એક વર્ષ સુધી એ રાજકીય બાબતો પર બોલવાના નહોતા. ગોખલે નરમપંથી હતા. આમ ગાંધીજી શરૂઆતથી જ ઉદ્દામવાદી લોકમાન્ય તિલકથી અળગા રહ્યા. એક કારણ એ કે તિલક હોમ રૂલના પ્રખર હિમાયતી હતા અને બ્રિટિશ હકુમતને પછાડવા માટે કોઈ પણ હદે જવા તૈયાર હતા. એમની રાષ્ટ્રવાદિતા સંસ્કૃતિ સુધી પહોંચતી હતી એટલે હિન્દુ ધર્મની પ્રથાઓનો પણ એ બચાવ કરતા. બીજી બાજુ ગાંધીજી એ વખતે બ્રિટિશ સામ્રાજ્યના પ્રશંસક હતા અને માનતા કે હોમ રૂલથી દેશને કશો ફાયદો નથી થવાનો, ઉલટું નુકસાન થશે. તિલકને ભગવદ્ ગીતામાં હિંસાનું સમર્થન દેખાયું તો ગાંધીજીની નજરે ગીતાનો મુખ્ય ઉપદેશ અહિંસાનો હતો. આ એમના અભિપ્રાયોનું આ લેખ સાથે કંઈ મહત્ત્વ નથી, માત્ર એટલું જ કે બન્નેના દૃષ્ટિકોણમાં કેટલું અંતર હતું તે સમજવામાં એ કામ આવે છે. આમ પણ ધર્મની બાબતમાં પણ ગાંધીજી તિલક મહારાજના બચાવના વ્યૂહ સાથે સંમત નહોતા. એ એક વર્ષ રાજકારણથી દૂર રહ્યા તે દરમિયાન આખા દેશમાં ફરતાં બાળવિવાહ, અભાડ છેટ. નાતજાતના વાડા વગેરે મુદ્દા પર બોલીને તિલકથી પોતાનું અંતર સ્પષ્ટ કરતા રહ્યા હતા. બીજો મહત્ત્વનો ભેદ એ હતો કે લોકમાન્ય કાયદાને પડકારવામાં માનતા હતા એટલે કોર્ટમાં કાયદો ખોટો છે, અથવા ખોટી રીતે લાગુ થયો છે એવું સાબીત કરતા. ગાંધીજી કાયદો ખોટો છે એટલે તોડવામાં માનતા પરંતુ પોતે કાયદો તોડ્યો છે એ કબૂલી લઈને કાનૂની દાવપેચ ટાળતા.

વળી ગાંધીજી કોંગ્રેસ અથવા તો ભારતના રાજકારણ માટે નવા હતા, પણ દક્ષિણ આફ્રિકામાં વીસ વર્ષના અનુભવથી એમના મનમાં આંદોલનો માટેનો એક નક્શો તૈયાર હતો, જે લોકમાન્યના નક્શા સાથે બંધબેસતો નહોતો થતો. જો કે ગાંધીજી પોતાના ગુરુ જેટલા નરમપંથી પણ નહોતા. રાજકારણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, સુરેન્દ્રનાથ બૅનરજી જેવા નરમપંથી નેતાઓના વર્ચસ્વ હેઠળ વકીલોની શાબ્દિક તલવારબાજીનું મેદાન બની ગયું હતું. ગાંધીજી આમ જુદા પડતા હતા એટલે જ ગોખલેની સર્વંટ્સ ઑફ ઇંડિયા સોસાઇટીએ એમની સભ્ય બનવાની અરજી નામંજૂર કરી હતી! આમાંથી અમુક વાતો આપણે પહેલાં જોઈ લીધી છે, પણ અહીં પુનરાવર્તન આવશ્યક લાગ્યું, કારણ કે ૧૯૧૭માં ઇતિહાસ ત્રિભેટે આવી ઊભો હતોઃ ગોખલે? તિલક? ગાંધી?

૧૯૧૬માં લખનઉનું કોંગ્રેસ અધિવેશન કોંગ્રેસ અને મુસ્લિમ લીગના સંબંધો અને રાષ્ટ્રીય એકતા માટે બહુ મહત્ત્વનું રહ્યું પણ એમાં ગાંધીજીનો કંઈ ફાળો નહોતો. એ એમના મિત્ર પોલાક સાથે અધિવેશનમાં ગયા હતા પણ નેતા તરીકે નહીં.

ગાંધીજીની કાર્યપદ્ધતિ અને સફળતા

આમ છતાં ગાંધીજીનું નામ તો ફેલાઈ ચૂક્યું હતું, એમની કાર્યપદ્ધતિ પણ જુદી પડતી હતી. એમણે ગિરમીટિયા પ્રથા નાબૂદ કરવા માટે પ્રયત્નો કર્યા તેમાં એમણે વાઇસરૉયને મોકલવા માટેના ઠરાવમાં ૩૧મી જુલાઈ સુધી ગિરમીટિયા પ્રથા રદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું અને એમાં સફળ રહ્યા. (જૂઓ આત્મકથા ભાગ-૫ પ્રકરણ ૧૧). ઇંદુલાલ યાજ્ઞિક (ઇંદુચાચા) એમના પુસ્તક Gandhi as I know himમાં લખે છે કે ભારતના રાજકારણીઓ ઠરાવો કરતા પણ એના અમલ માટે મુદત ન બાંધતા. તારીખ આપવી એનો અર્થ એ કે એ તારીખ પછી સરકારે આંદોલનનો સામનો કરવા તૈયાર રહેવાની ચેતવણી.

(આ પુસ્તક ગાંધીજીનું તટસ્થ મૂલ્યાંકન કરે છે, પરંતુ મુખ્યત્વે તો એમના ‘સમાધાનકારી’ રાજકારણની ટીકા છે કે ગાંધીજી છટકબારી રાખતા જેથી અંતે ‘બન્ને પક્ષોનો વિજય’ જાહેર કરી શકાય. આ વિષય અલગ ચર્ચા માગી લે છે અને એના માટે આ લેખમાં અવકાશ નથી. લેખનો ઉદ્દેશ ગાંધીજીની વકીલાત કરવાનો કે વિરોધ કરવાનો નથી).

એ જ રીતે વીરમગામમાં કસ્ટમની હાલાકી સામે એમણે અવાજ ઉઠાવ્યો અને સફળ રહ્યા હતા. એમને વઢવાણ સ્ટેશને એક સામાજિક કાર્યકર્તા મોતીલાલ દરજીએ આ હાલાકીની વાત કરી હતી. ગાંધીજીનો સવાલ હતો કે “જેલમાં જવા તૈયાર છો?” મોતીભાઈએ જુસ્સો દેખાડ્યો ત્યારે ગાંધીજીએ આ કેસ હાથમાં લીધો અને છેક વાઇસરૉય સુધી પહોંચ્યા અને વીરમગામમાં કસ્ટમનો નિયમ બંધ કરાવ્યો. પરંતુ ગાંધીજીના સવાલમાંથી દેખાય છે કે ગોખલેની જેમ એ પત્રવ્યવહારને બહુ જરૂરી માનતા હોવા છતાં અંતે તો પ્રજાકીય આંદોલનની આવશ્યકતા સમજતા હતા. એ રીતે એ તિલક જેવા ગરમપંથીઓની નજીક હતા પણ, હજી એમણે એના ઉપયોગની તૈયારી સ્થાનિક મુદ્દાઓ સુધી રાખી હતી, તિલકની જેમ આખા દેશને સ્પર્શે તેવા કોઈ મુદ્દાઅ પર એ બોલતા નહોતા કે આંદોલન કરવું જોઈએ. રાષ્ટ્રીય સ્તરે લોકો કેટલા તૈયાર હતા તે નાણી જોવાનું હતું,

ગાંધીજી અને ચંપારણ

ગાંધીજી રાષ્ટ્રીય સ્તરે પોતાની રીતે જ સ્થાપિત થવા માગતા હોય તો ચંપારણે એમને ‘લૉન્ચ’ કર્યા એમ કહી શકાય. પરંતુ એની શરૂઆત બહુ સામાન્ય રીતે થઈ અને ગાંધીજી અવઢવમાં હતા કે એમાં પડવું કે નહીં. માત્ર વ્યક્તિ તરીકે જ નહીં, એમના સત્યાગ્રહના સાધનને પણ રાજકીય વ્યૂહ તરીકે પણ પહેલી વાર માનભર્યું સ્થાન મળ્યું. આમાં નિમિત્ત બન્યા ચંપારણના એક સામાન્ય ખેડૂત પંડિત રાજકુમાર શુક્લ.

લખનઉ કોંગ્રેસમાં રાજકુમાર શુક્લ પણ ગયા હતા. એમણે ગાંધીજી સમક્ષ ચંપારણમાં ગળીનાં કારખાનાંના માલિકો – પ્લાંટરો – ખેડૂતોનું કેવું શોષણ કરે છે તે રજૂ કર્યું. ગાંધીજી તરત તો જવા તૈયાર ન થયા અને કહી દીધું કે હું જાતે ન જોઉં ત્યાં સુધી એના વિશે કંઈ બોલી ન શકું.પરંતુ રાજકુમાર શુક્લ એમની પાછળ પાછળ લખનઉથી કાનપુર, ત્યાંથી આશ્રમ અને પછી કલકતા પહોંચ્યા. અંતે છેક ૧૯૧૭ની શરૂઆતમાં ગાંધીજી ચંપારણ જવા સંમત થયા. પોતે લખે છે કે એમણે એના પહેલાં ચંપારણનું નામ પણ નહોતું સાંભળ્યું.

ચંપારણ જતાં

૧૯૧૭ની નવમી એપ્રિલે ગાંધીજી રાજકુમાર શુક્લ સાથે પટના જવા નીકળ્યા. આના પછી એમના ઉતારા અને પ્રવાસ વિશે કેટલીક રસપ્રદ વાતો છે તે એમની આત્મકથામાં ઉપર જણાવેલાં પ્રકરણોમાં છે. એમણે તિરહૂત ડિવિઝનના કમિશનરને પોતે અહીં ગળીનું વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિનો અભ્યાસ કરવા આવ્યા હોવાની જાણ કરી; જવાબમાં કમિશનરે લખ્યું કે તપાસની જરૂર નથી. એણે કહ્યું કે ગાંધીજી ચંપારણ જવાની જરૂર નથી અને જશે તો કેટલાક સ્વાર્થી ચળવળિયાઓ એનો ગેરલાભ લેશે અને લાભ કરતાં નુકસાન વધારે થશે.

ગાંધીજી તે પછી અધિકારીઓને રૂબરૂ મળ્યા ત્યારે પણ એમને પાછા જવાનું કહેવામાં આવ્યું. પરંતુ ગાંધીજી એમના સંકલ્પમાં દૃઢ હતા.૧૫મીએ એ બાબુ ધરણીધર અને બાબુ રામનવમીપ્રસાદ સાથે ચંપારણ જવા રવાના થયા. રસ્તામાં મોતીહારીમાં રોકાયા અને તરત જ જસૌલાપટ્ટી ગામની મુલાકાત લીધી. ગામમાં બધા મોતીહારીની ગળીની ફૅક્ટરીના મજૂરો હતા. ત્યાં પહોંચીને એ લોકોને મળ્યા. એમને મળ્યા પછી લોકો જોશમાં આવી ગયા. અહીં ગાંધીજીએ સાથીઓને પોતાના દક્ષિણ આફ્રિકાના કામકાજની માહિતી આપી અને એ જ રીતે ચંપારણમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

હદપારીના આદેશનો ભંગ અને કોર્ટમાં કેસ

અહીં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે આવીને એમને કહ્યું કે કલેક્ટર એમને સલામ પાઠવે છે. એનો અર્થ એ કે કલેક્ટર એમને બોલાવે છે. ગાંધીજીને બળદગાડામાં લઈ ગયો. રસ્તામાં ડેપ્યૂટી સુપરિંટેંડન્ટ મળ્યો. એ પોતાની સાથે એમને ટમટમમાં લઈ ગયો અને રસ્તામાં એમને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૪૪ હેઠળ કાઢેલી નોટિસ આપી કે એમણે જે પહેલી ટ્રેન મળે તેમાં મોતીહારીથી નીકળી જવાનું હતું.

ગાંધીજીને જાણે એ જ જોઈતું હતું. સરકાર એમના વ્યૂહમાં આવી ગઈ હતી! એમણે જવાબ મોકલ્યો કે – હું અહીં કોઈ આંદોલન કરવા નથી આવ્યો, કમિશનરે ખોટી રજૂઆત કરી છે.મારી જાહેર જવાબદારીની ભાવના પ્રમાણે હું જિલ્લો છોડવાના હુકમનું પાલન નહીં કરી શકું. પરંતુ કાનૂનભંગની સજા ભોગવવા તૈયાર છું.

બીજા દિવસે, ૧૭મીએ એમણે ખેડૂતોને મળીને જુબાનીઓ નોંધવાનું શરૂ કરી દીધું એક પોલીસ અધિકારી પણ હાજર હતો. એની સામે બોલતાં ખેડૂતો પહેલાંતો પ્લાંટરો માટે બોલતાં સંકોચાતા હતા પણ પછી એમની હિંમત વધતી ગઈ.

સાંજ સુધી સમન્સ ન આવ્યા એટલે ગાંધીજીએ પોતે જ મૅજિસ્ટ્રેટને લખ્યું કે હું કાલે પરસૌની ગામે જાઉં છું પણ મારે કંઈ ખાનગી નથી કરવું એટલે એ કોઈ પોલીસના માણસને મોકલે. મૅજિસ્ટ્રૅટે તરત જવાબ લખ્યો કે Cr. P. C.ની કલમ ૧૮૮ હેઠલ બીજા દિવસે એમની સામે કામ ચલાવાશે એટલે હવે મોતીહારી છોડશો નહીં. તે પછી તરત સમન્સ પણ આવી ગયા.

૧૮મી ઍપ્રિલે ગાંધીજી કોર્ટમાં હાજર થયા. જેલ જવું પડે તો જરૂર પડે તેવો સામાન પણ સાથે રાખી લીધો હતો. કોર્ટમાં હજારોની ભીડ એકઠી થઈ હતી. સરકારી વકીલ પૂરી તૈયારીથી આવ્યો હતો. પણ ગાંધીજીએ કાયદાનો ભંગ કર્યો હોવાનું કબૂલી લીધું! વકીલ પાસે હવે સાબીત કરવાનું કંઈ રહ્યું જ નહીં! ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ વચ્ચે ગાંધીજીએ પોતાનું નિવેદન સ્થિર પણ મક્કમ અવાજે વાંચ્યું. એમણે કહ્યું કે હું અહીં માનવીય કામ માટે આવ્યો છું અને મારી હાજરીથી શાંતિ જોખમાશે એ હું માની શકું એમ નથી. સરકારી અધિકારીઓ તો એમને જેવી માહિતી મળે તે પ્રમાણે વર્તે, એમાં એમનો વાંક નથી. લોકોની સેવા કરવી હોય તો એમની વચ્ચે રહેવાની મારી ફરજ છે પણ મોતીહારી છોડી જવાના હુકમને માન આપવાની પણ મારી ફરજ છે. આ બે ફરજો વચ્ચેના ટકરાવમાં મેં સરકારી હુકમ ન માનવાનું નક્કી કર્યું.

આ નિવેદન પછી પણ સરકારી વકીલને લાગ્યું કે હજી કંઈ બાકી છે. એણે કહ્યું કે મિસ્ટર ગાંધીએ ‘I plead guilty’ એ શબ્દો નથી વાપર્યા. ગાંધીજીએ કહ્યું કે મારા નિવેદનમાં એ જ કહ્યું છે, તેમ છતાં એમણે ‘I plead guilty’ જોડી દીધું.

હવે એમને સજા કરવી જ પડે એમ હતું. મૅજિસ્ટ્રેટે કહ્યું કે તમે હજી પણ જવા ઇચ્છતા હો તો જઈ શકો છો. તો કેસ પાછો ખેંચી લેવાશે. ગાંધીજીએ કહ્યું કે હું જવા નથી માગતો અને જેલમાંથી છૂટ્યા પછી પણ હું ચંપારણને મારું ઘર માનીને અહીં જ રહીશ. હવે મૅજિસ્ટ્રેટે કેસનો ચુકાદો ૨૧મી સુધી મુલતવી રાખી દીધો! અને એમને સો રૂપિયાના જામીન પર બહાર જવાની છૂટ આપી. પણ ગાંધીજીએ જામીનનો ઇનકાર કર્યો. હવે મૅજિસ્ટ્રેટે પોતાની અંગત ઓળખાણના આધારે જામીન પર છોડ્યા.

પાછા આવીને જુબાનીઓ નોંધવાનું શરૂ થઈ ગયું. એમણે પોતાની પાછળ કોણ કામ સંભાળે તે જવાબદારીઓ પણ નક્કી કરી દીધી.

પરંતુ ૨૦મીની સાંજે જ દીનબંધુ ઍંડ્રૂક્ઝ કલેક્ટર હેકોકને મળ્યા ત્યારે એણે એમને કહ્યું કે સરકારે કેસ પાછો ખેંચી લેવાનું નક્કી કર્યું છે! આ વાત લોકોમાં ફેલાઈ ગઈ. લોકોએ પોતાની જીતના ઉત્સાહમાં ૨૧મીએ બમણા જોશથી પોતાનાં નિવેદનો લખાવવાનું શરૂ કરી દીધું

૦૦૦

ચંપારણની ગાંધીકથા હજી આગળ ચાલશે. પરંતુ ગળીના પ્લાંટરોના અત્યાચારો અને શોષણના ઇતિહાસ પર આવતા પ્રકરણમાં નજર નાખ્યા પછી જ આપણે ત્યાંના ગાંધીકાર્યની વાત આગળ વધારશું.

સંદર્ભઃ

(૧) સત્યના પ્રયોગો અથવા આત્મકથા – મો.ક. ગાંધી

(૨)Satyagraha in Champaran: Rajendra Prasad, Navajivan Publishing House, Second revised Edition September 1949

(૩) Gandhi As I Know Him, Indulal K. Yajnik. Published by Danish Mahal. Darya Ganj, Delhi, 1943.

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-18

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૧૮ – ૧૯૧૬થી ૧૯૩૫ : રેશમી રુમાલના પત્રોનું સશસ્ત્ર આંદોલન

૧૯૧૬ના ઑગસ્ટમાં પંજાબમાં બ્રિટિશ CID અધિકારીઓને ત્રણ પત્રો હાથ લાગ્યા. આ પત્રો પીળા રેશમી રુમાલ પર લખાયેલા હતા. એમાં ભારતની અંગ્રેજ હકુમત સામે સશસ્ત્ર બળવાનું એલાન હતું! એના પર એક મૌલાના ઓબેદુલ્લાહ સિંધીની સહી હતી. આખી યોજના ખુલ્લી થઈ ગઈ, બળવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને એના મુખ્ય સૂત્રધારોને દેશમાંથી નાસી જવું પડ્યું. અથવા બ્રિટિશ સરકારે એમને બીજા દેશોમાં તરીપાર કર્યા કે કારાવાસમાં નાખ્યા. આને રેશમી રુમાલના પત્રોનું આંદોલન કહે છે. આંદોલનમાં રેશમી રુમાલ વાપરવાનું કારણ એ કે એના પર કોઈને શંકા ન જાય અને જરૂર પડે તો જેની પાસે રુમાલ હોય તે ધોઈ નાખે એટલે સંદેશો કોઈના હાથે ન ચડે. પરંતુ ઘર ફૂટ્યે ઘર જાય એ કહેવત ભારતના ઇતિહાસમાં હંમેશાં યાદ આવતી રહેશે.

ભારતના ઇતિહાસમાં બે નેતાઓ એવા પેદા થયા કે જેમણે બીજા દેશની મદદ લઈને અંગ્રેજ સલ્તનતને હરાવવાનું બીડું ઝડપ્યું. આપણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજની કથા જાણીએ છીએ અને આગળ યોગ્ય તબક્કે એની ચર્ચા કરવાની જ છે. એ જ રીતે ૧૯૧૪­­-૧૫ના ગાળામાં દારુલ ઉલૂમ દેવબંદના પ્રિંસિપાલ મૌલાના મહેમૂદ હસને તુર્કીની મદદ લઈને ભારતમાં અંગ્રેજો સામે લડવાનો નિરધાર કર્યો હતો. મૌલાના મહેમૂદ હસન પ્રકાંડ વિદ્વાન હતા અને શેખુલ હિન્દ તરીકે ઓળખાતા. એમણે યુવાન વયથી જ અંગ્રેજો સામે લડવાની મનમાં ગાંઠ વાળી લીધી હતી. પોલીસના હાથે ચડેલા આ રેશમી રુમાલોમાં એ જ સંદેશ હતો કે તુર્કી લડવા માટે તૈયાર છે.

૧૮૬૬માં દારુલ ઉલૂમની સ્થાપના થઈ તે પછી એના સૌ પહેલા વિદ્યાર્થી તરીકે મહેમૂદ હસન જોડાયા અને ત્યાં જ એ પ્રિંસિપાલ બન્યા અને શેખ-ઉલ-હિન્દ તરીકે ઓળખાયા. રેશમી રૂમાલ આંદોલનના મુખ્ય સૂત્રધાર શેખુલ હિન્દ જ હતા. ઓબેદુલ્લાહ સિંધી એમના જમણા હાથ જેવા હતા. એમના બીજા સાથીઓમાં મૌલાના અબ્દુર્રહીમ સિંધી હતા. એ આચાર્ય કૃપલાનીના મોટા ભાઈ હતા અને મુસલમાન બની ગયા હતા. તે સાથે જ એમણે રાજકીય પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખી હતી.

મૌલાના અબૂલ કલામ આઝાદ (એમના નામનો અર્થ છે ભાષાના પિતા) પણ આ આંદોલનમાં મદદગાર હતા. કોંગ્રેસમાં તો એ પછી જોડાયા. તે પહેલાં તેઓ અલ-હિલાલ નામનું અખબાર બહાર પાડતા તેમાં અંગ્રેજી શાસનની આકરી ટીકા કરતા એટલે સરકારે એના પર પ્રતિબંધ લાગુ કર્યો હતો. જો કે એમણે અલ-બલાગ નામનું બીજું છાપું શરૂ કરીને અંગ્રેજો પર ટીકાની ઝડીઓ વરસાવવાનું ચાલુ રાખ્યું હતું એમનો મૂળ ઉદ્દેશ ભારતના મુસલમાનોને અંગ્રેજી શાસનની વિરુદ્ધ જાગૃત કરવાનો હતો કારણ કે, આપને જોયું તેમ ૧૯૧૬ સુધી મુસ્લિમ લીગ અંગ્રેજી સરકારને ‘બહારથી ટેકો’ આપતી હતી.

આમ રાજકીય મોરચે મુસલમાનોમાં જુદા જુદા સ્તરે અંગ્રેજો વિરુદ્ધનું વલણ જોર પકડવા લાગ્યું હતું. આપણે જોયું કે મહંમદ અલી જિન્ના અને મૌલાના મહંમદ અલીના નેતૃત્વ નીચે મુસ્લિમ લીગ કોંગ્રેસની નજીક આવવા લાગી હતી. મહંમદ અલીના મોટા ભાઈ શૌકત અલીએ પણ ખુદ્દામ-એ-કાબા નામનું સંગઠન બનાવ્યું હતું એ પણ અંગ્રેજોની વિરુદ્ધ વોલંટિયરો તૈયાર કરતું હતું. શેખુલ હિન્દને આ સંગઠનનો પણ તેકો મળ્યો.

મુસ્લિમ લીગમાં મુખ્યત્વે શિક્ષિત મધ્યમ વર્ગના મુસ્લિમો હતા જે બંધારણીય માર્ગે સ્વશાસનના અધિકારો માગતા હતા, બીજી તરફ ધર્મગુરુઓ (ઉલેમાઓ)નો પણ મોટો વર્ગ હતો જેને આ રસ્તે અંગ્રેજોને હાંકી કાઢી શકાય એમ નહોતું લાગતું. આ ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. અમેરિકામાં ગદર પાર્ટી ભારતમાં બ્રિટિશ હકુમત સામે લડવા થનગનતી હતી. ફ્રાન્સના ગદરી નેતા બરકતુલ્લાહે કાબૂલમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સાથે મળીને આરઝી હકુમત (હંગામી સરકાર) બનાવી તેમાં ઓબેદુલ્લાહ સિંધી પણ હતા. ૧૯૦૫ના બંગભંગથી શરૂ થયેલું સશસ્ત્ર આંદોલન ૧૯૧૫ સુધી અટક્યું નહોતું. બીજી બાજુ કોંગ્રેસ અરજીઓના રાજકારણમાંથી બહાર નહોતી આવી.

શેખુલ હિન્દે છેક ૧૮૭૭થી જ ‘સમરતુત તર્બિયત’ (શિક્ષણનું પરિણામ) નામનું સંગઠન ઊભું કર્યું હતું. એમનો હેતુ એ હતો કે શિક્ષિત યુવાનો એકત્ર થાય અને અંગ્રેજ શાસન સામે લડે. ૧૯૦૯માં એમણે જમિયતલ-અંસાર નામનો નવો મોરચો ખોલ્યો પણ સરકારે એના પર પ્રતિબંધ મૂકી દીધો. એમને નિઝારતુલ મારિફ નામે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી.

આજે શબ્દોના અર્થ બદલી ગયા છે પણ એ અરસામાં વહાબી અને જેહાદના અર્થ જુદા હતા. વહાબી એટલે મરજાદી મુસલમાનો. આચાર વિચારમાં જરાયે બાંધછોડ કરવા તૈયાર ન થાય. એમનો મત હતો કે અંગ્રેજોએ ખ્રિસ્તી ધર્મ ફેલાવીને ઇસ્લામ પર હુમલો કર્યો છે અને મુસલમાનો પણ ઇસ્લામનો સાચો શુદ્ધ રસ્તો ભૂલી ગયા છે. ૧૮૫૭ના વિદ્રોહમાં અને તે પહેલાં પણ વહાબીઓ અંગ્રેજોણી સામે લડવામાં મોખરે રહેતા. જેહાદ (ધર્મયુદ્ધ) અંગ્રેજી હકુમત સામે હતી. શેખુલ હિન્દ આ જ પરંપરામાંથી આવતા હતા. આમ છતાં એમનું આંદોલન ધાર્મિક કરતાં રાજકીય વધારે હતું.

પહેલા વિશ્વયુદ્ધનાં એ વર્ષો હતાં. તુર્કીનું ઑટોમન (ઉસ્માની) સામ્રાજ્ય જર્મનીની સાથે અને ઇંગ્લેંડની વિરુદ્ધ લડાઈમાં હતું. આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા કે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું તેના પહેલાં જ દક્ષિણ-પૂર્વ યુરોપના કેટલાક દેશો તુર્કીના ઑટોમન (ઉસ્માની) સામ્રાજ્યની પકડમાંથી મુક્ત થયા હતા. આ રાજ્યો તુર્કીના અંકુશ હેઠળ રહેલી એમની પ્રજાઓને આઝાદ કરાવવા માટે તુર્કી સામે મેદાને પડ્યાં હતાં. રશિયા બાલ્કન દેશો સાથે હતું અને બ્રિટને બાલ્કન દેશો અને ઑટોમન સામ્રાજ્ય વચ્ચે સંધિ કરાવી તે પછી સામ્રાજ્ય સંકોચાઈને ત્રણ શહેરો પૂરતું સીમિત થઈ ગયું હતું અને એના એક ભાગ પર ઈટલીએ કબજો કરી લીધો હતો. બ્રિટને તુર્કીંમાં બેઠેલા ખલીફાને હટાવવા માટે કમર કસી લીધી હતી. આખી દુનિયાના મુસ્લિમો આ કારણે બ્રિટનની વિરુદ્ધ હતા.

શેખુલ હિન્દે આ સ્થિતિનો લાભ લીધો અને એમણે ઓબેદુલ્લાહ સિંધીને કાબૂલના અમીર હબીબુલ્લાહની મદદ માગવા મોકલ્યા. ઓબેદુલ્લાહ અહીં રાજા મહેન્દ્ર પ્રતાપ અને બરકતુલ્લાહને મળ્યા. અમીર એમને મદદનું વચન તો આપ્યું પણ એના મનમાં ખોટ હતી. એણે અંગ્રેજ એજન્ટને આ વાતની જાણ કરી દીધી અને ખાતરી આપી કે એ અંગ્રેજોની સાથે છે અને એમની વિરુદ્ધ કોઈને ટેકો નહીં આપે. રાજા મહેન્દ્ર પ્રતાપ પણ જર્મનીમાં મદદ માટે જઈ આવ્યા હતા. એમને પણ આશા હતી કે અફઘાનિસ્તાન મદદ કરશે.

આ બાજુ શેખુલ હિન્દ પોતે અરબસ્તાનમાં હિજાજ ગયા અને ત્યાંથી એમણે ઑટોમન સામ્રાજ્યનો સંપર્ક કર્યો. ત્યાંના તુર્ક ગવર્નર ગાલિમ પાશાને મળીને એમણે હથિયારોની મદદ માગી. ગવર્નર તરત તૈયાર થઈ ગયો અને એણે આખા એશિયાના મુસલમાનો જોગ ખુલ્લો પત્ર લખીને અંગ્રેજો સામે જેહાદ છેડવા અપીલ કરી અને તુર્કીની મદદની ખાતરી આપી.

પરંતુ બ્રિટન, ફ્રાન્સ અને રશિયાના જોડાણ સાથે અમેરિકા પણ જોડાયું આથી તુર્કી અને જર્મની હારી ગયા< ઑટોમન સામ્રાજ્યનો અંત આવી ગયો.આ નિરાશા વચ્ચે ઓબેદુલ્લાહ સિંધીએ કાબૂલમાં અમીરે આપેલા વચનથી ભોળવાઈને શેખુલ હિન્દને રેશમી રુમાલ પર પત્ર લખ્યો.

મુલતાનના ખાન બહાદુર રબ નવાઝની ગદ્દારી

આ પત્રો એક અબ્દુલ હક પાસે હતા. એ ખાન બહાદુર રબ નવાઝનાં બાળકોએ ભણાવવા જતો. એણે ખાન બહાદુરની પત્રો સાચવવા આપ્યા. ખાન બહાદુરે એ પત્રો મુલતાનના કમિશનરને પહોંચાડી દીધા. એણે એ પત્રો CIDને સોંપી દીધા. રેશમી રુમાલના પત્રોની યોજનામાં કોણ સામેલ છે તે વાત ખુલ્લી પડી જતાં શેખુલ હિન્દને મક્કામાં જ પકડી લીધા. ઓબેદુલ્લાહ કાબૂલમાં જ રહ્યા. વર્ષો સુધી કાબૂલ અને બીજે રહ્યા.

આમ ફરી એક વિદ્રોહ નિષ્ફળ રહ્યો. ત્રણ વર્ષ પછી મહેમૂદ અલ હસન કારાવાસની સજા પૂરી થતાં ભારત આવ્યા ત્યારે તો નવી હવા વાતી હતી. ગાંધીજીએ કોંગ્રેસનું રૂપ પલટી નાખ્યું હતું અને દેશ રોલેટ ઍક્ટનો વિરોધ કરવા માટે કમર કસતો હતો. શેખુલ હિન્દેફતવો બહાર પાડીને કહ્યું કે આ આંદોલનમાં જોડાવાની મુસલમાનોની ફરજ છે. એમણે તે પછી જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનું ખાતમૂરત કર્યું. ૧૯૨૦માં એમનું અવસાન થયું.

સંદર્ભઃ

1.Silken Letters Movement, First Edition 2012 Published by: Shaikhul Hind Academy, Darul Uloom Deoband

2. https://en.wikipedia.org/wiki/Mahmud_al-Hasan

India-slavery-and-struggle-for-freedom-part-3-chapter-17

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ 

પ્રકરણઃ ૧૭ – ૧૯૧૬થી ૧૯૩૫: લખનઉ પૅક્ટ

આપણે આઠમા પ્રકરણમાં ૧૯૦૯ના મૉર્લે-મિંટો સુધારાની ચર્ચા કરી. કોંગ્રેસના નરમપંથીઓએ મોર્લેએ આમસભામાં બિલ રજૂ કર્યું તે પહેલાં જ એનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસે આ સુધારાની દરખાસ્તનાં ફાટ્યે મોંએ વખાણ કર્યાં. પરંતુ મિંટોએ મુસલમાનોને વચનો આપ્યાં હતાં એ મોર્લેએ બધાં માની લીધાં! મુસ્લિમ લીગની અલગ મતદાર મંડળ સહિતની બધી માગણીઓ સ્વીકારી લેવાઈ હતી. હવે કોંગ્રેસની આંખ ખૂલી. ૧૯૧૧માં બંગાળાના ભાગલા રદ કરીને એનું ફરી એકીકરણ કરવામાં આવ્યું તેને તો કોંગ્રેસે આવકાર આપ્યો પણ ૧૯૦૯ના સુધારામાં મુસલમાનો માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થાનો વિરોધ કર્યો.

મુસ્લિમ લીગ તો સરકારને (આજની ભાષામાં કહીએ તો) ‘બહારથી ટેકો’ આપતી હતી. પરંતુ કોંગ્રેસમાં હવે સૌ એક વાત સ્વીકારવા લાગ્યા હતા કે કોમી વિખવાદ બ્રિટનના લાભમાં છે. ૧૯૧૩માં મુંબઈમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં મુસ્લિમ લીગની સાથે મંત્રણાઓ કરીને બન્નેને એક જ ધ્યેય માટે સાંકળવાનો નિર્ણય લેવાયો.

આ બાજુ, ૧૯૧૩માં જ મુસ્લિમ લીગમાં પણ નેતૃત્વનું પરિવર્તન થયું. જૂની બ્રિટિશરોને વફાદાર નેતાગીરી સામે અસંતોષ તો પેદા થવા જ લાગ્યો હતો. અંગ્રેજી રાજ પ્રત્યે એમનું વલણ એટલું ખુશામતભર્યું હતું કે અલગ મતદાર મંડળ જેવો અધિકાર મળ્યો હોવા છતાં મુસલમાનોમાં હવે એવી ભાવના ફેલાવા લાગી હ્તી કે આ અધિકાર આપીને અંગ્રેજોએ ખરેખર તો એમની સામેના વિરોધને મોળો પાડી દીધો અને પોતાના જ હાથ મજબૂત કર્યા છે. મહંમદ અલી જિન્ના અને મૌલાના મહંમદ અલી નવા નેતાઓ તરીકે આગળ આવતા હતા. એમણે સ્વ-શાસનની માગણીને મંજૂર રાખી અને પોતાના જૂના વલણને તિલાંજલી આપી દીધી. મુસ્લિમ લીગે સ્વ-શાસનના મુદ્દા પર કોંગ્રેસ સાથે વાતચીત કરવાનો ઠરાવ પણ પસાર કર્યો.

દુનિયામાં પણ બ્રિટનનું અને બીજા પશ્ચિમી દેશોનું વલણ મુસ્લિમ દેશોના સ્વતંત્ર અસ્તિત્વ માટે ભયજનક હતું. આફ્રિકામાં મોરોક્કો ફ્રાન્સના કબજામાં આવી ગયું હતું, તુર્કીમાં ખલીફાનું સ્થાન ડામાડોળ હતું અને બ્રિટનનો એના પર જબ્બર પ્રભાવ હતો. ઈજિપ્ત બ્રિટનના રક્ષણ હેઠળનું રાજ્ય બન્યું હતું.

બાલ્કન યુદ્ધો અને ભારતના મુસલમાનોઃ

પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું તેના પહેલાં જ દક્ષિણ-પૂર્વ યુરોપના કેટલાક દેશો તુર્કીના ઑટોમન (ઉસ્માની) સામ્રાજ્યની પકડમાંથી મુક્ત થયા હતા. આ રાજ્યો તુર્કીના અંકુશ હેઠળ રહેલી એમની પ્રજાઓને આઝાદ કરાવવા માટે તુર્કી સામે મેદાને પડ્યાં હતાં. રશિયા બાલ્કન દેશો સાથે હતું અને બ્રિટને બાલ્કન દેશો અને ઑટોમન સામ્રાજ્ય વચ્ચે સંધિ કરાવી તે પછી સામ્રાજ્ય સંકોચાઈને ત્રણ શહેરો પૂરતું સીમિત થઈ ગયું હતું અને એના એક ભાગ પર ઈટલીએ કબજો કરી લીધો હતો. બ્રિટને તુર્કીંમાં બેઠેલા ખલીફાને હટાવવા માટે કમર કસી લીધી હતી. આખી દુનિયાના મુસ્લિમો આ કારણે બ્રિટનની વિરુદ્ધ હતા.

બીજી બાજુ મિંટોનો અમલ પૂરો થતો હતો અને હાર્ડિંગ વાઇસરોય તરીકે આવ્યો હતો. લંડનમાં મૉર્લેએ પણ રાજીનામું આપી દીધું હતું. અલીગઢની કૉલેજનું યુનિવર્સિટીમાં રૂપાંતર કરવા વિશે પણ મોહમેડન-ઍંગ્લો ઑરિએંટલ (MAO) કૉલેજના મેનેજમેંટ અને સરકાર વચ્ચે ગંભીર મતભેદો ઊભા થયા હતા. લીગ પર આની પણ અસર પડી અને નેતાઓ બદલાયા. હવે ઉલેમાઓ પણ મધ્યમ વર્ગીય મુસલમાનોના રાજકીય આંદોલનમાં જોડાયા. મુસ્લિમ લીગના નેતા મૌલાના મહંમદ અલી એમના અખબાર ‘કૉમરેડ’માં બ્રિટનની આકરી ટીકા કરવા લાગ્યા. આંદોલનમાં એમના ભાઈ શૌકત અલી પહેલી વાર જોડાયા અને એમણે ‘ખુદ્દામન-એ-કાબા’ નામનું સંગઠન શરૂ કર્યું.

એ જ અરસામાં એક એવો બનાવ બન્યો કે મુસલમાનો અંગ્રેજી સત્તાની વિરુદ્ધ થઈ ગયા. કાનપુરમાં અંગ્રેજ સત્તાવાળાઓએ એક મહત્ત્વની મસ્જિદનો અમુક ભાગ તોડી નાખ્યો. આથી દેશના મુસલમાનોમાં રોષ ફેલાઈ ગયો. કાનપુરના હિન્દુઓ સરકારી કૃત્યના વિરોધમાં મુસલમાનોની સાથે ખભેખભા મેળવીને ઊભા રહ્યા. ભણેલાગણેલા મુસલમાનોએ આ તક ઝડપી લીધી અને આખા દેશમાં સરકાર સામે વિરોધનો વંટોળ ઊઠ્યો. સ્થિતિ એવી હતી કે લૉર્ડ હાર્ડિંગને જાતે કાનપુર જઈને મામલો થાળે પાડવો પડ્યો.

આ દરમિયાન ઍની બિસેંટ પણ અધ્યાત્મ છોડીને રાજકારણમાં આવ્યાં. એમણે મૅગેઝિનો શરૂ કર્યાં, ભારતના સ્વતંત્રતા સંગ્રામ વિશે એક પુસ્તક લખ્યું અને કોંગ્રેસનાં મવાળ અને જહાલ જૂથો વચ્ચે સંપ કરાવવાનો પ્રયાસ કર્યો. એમાં એ ફાવ્યાં નહીં. તે પછી એમણે હોમરૂલ લીગ શરૂ કરી. લોકમાન્ય તિલક પણ સજા ભોગવીને બહાર આવી ગયા હતા. એમણે પણ પૂનામાં પોતાની હોમરૂલ લીગ શરૂ કરી હતી.

આમ બ્રિટિશ સત્તા સામે સંગઠિત થઈને સૌ લડે તેનો તખ્તો તૈયાર થવા લાગ્યો હતો.

૧૯૧૬ – લખનઉમાં કોંગ્રેસ અધિવેશન

કોંગ્રેસનું ૧૯૧૬નું લખનઉ અધિવેશન એક સીમાચિહ્ન રૂપ છે. નવી પરિસ્થિતિમાં એની બિસેંટ પણ નરમપંથીઓ અને ગરમપંથીઓને એક મંચ પર લાવવામાં સફળ થયાં હતાં એટલે ઘણાં વર્ષો પછી તિલક અધિવેશનમાં આવ્યા. કોંગ્રેસનો શમિયાણો હતો તેની પાસે જ મુસ્લિમ લીગે પોતાનો શમિયાણો ઊભો કર્યો. આમ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે એકતા થઈ. આ અધિવેશનમાં ગાંધીજી પોતાના દક્ષિણ આફ્રિકાના મિત્ર પોલાક સાથે પહેલી વાર એક દર્શક તરીકે હાજર રહ્યા. જવાહરલાલ નહેરુ માટે પણ આ પહેલું અધિવેશન હતું. ઍની બિસેંટ પણ જ્યૉર્જ આરુંડેલ સાથે આવ્યાં. મહારાજા મહેમૂદાબાદ, હકીમ અજમલ ખાન વગ્રે મુસ્લિમ નેતાઓ પણ જોડાયા. મોતીલાલ નહેરુ, સુરેન્દ્રનાથ બૅનરજી, રાસ બિહારી ઘોષ જેવા નરમપંથીઓ અને ગરમપંથી લોકમાન્ય તિલક અને ખાપરડે જેવા ગરમપંથીઓ સૂરતમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું તે પછી પહેલી વાર એક મંચ પર આવ્યા.

કોંગ્રેસે એક મહત્ત્વનો ઠરાવ પસાર કર્યો અને કહ્યું કે,

“ભારતની મહાન કોમો પ્રાચીન સંસ્કૃતિની વારસ છે અને બ્રિટિશ શાસનની એક સદી દરમિયાન એમણે સરકાર તેમ જ વહીવટીતંત્ર ચલાવવામાં, શિક્ષણ તથા સાર્વજનિક ભાવનાનો વિકાસ કરવામાં એમણે પોતાની કાબેલિયત દેખાડી આપી છે. આ હકીકત તેમ જ હાલની સરકારી વ્યવસ્થા લોકોની વાજબી આકાંક્ષાઓને સંતુષ્ટ નથી કરતી અને હાલની સ્થિતિ અને જરૂરિયાતો માટે અયોગ્ય છે, આથી કોંગ્રેસનો એવો અભિપ્રાય છે કે સમ્રાટે રાજીખુશીથી ભારતમાં સ્વશાસન લાગુ કરવાનું જાહેરનામું વહેલામાં વહેલી તકે બહાર પાડવું જોઈએ…”

લખનઉ પૅક્ટ માટે લોકમાન્યે ભારે જહેમત ઉઠાવી હતી. એમણે ઠરાવ પર બોલતાં કહ્યું કે –

કેટલાક લોકો કહે છે કે આપણે હિન્દુઓએ મુસલમાન ભાઈઓ સામે બહુ નમતું મૂક્યું છે. પરંતુ બહુ નમતું ન મૂક્યું ન જ હોય, એમ કહું છું ત્યારે મને ખાતરી છે કે હું આખા ભારતની હિન્દુ પ્રજાની લાગણી વ્યક્ત કરું છું. માત્ર મુસલમાન કોમને સ્વશાસનનો અધિકાર મળે તો પણ મને પરવા નથી. આપણે કોઈ ત્રીજા પક્ષ સામે લડવાનું હોય ત્યારે આપણે સૌ આ મંચ પર એકસંપ થઈને ઊભા છીએ. આપણે જાત તરીકે એક છીએ, ધર્મ તરીકે એક છીએ અને જુદા જુદા રાજકીય મત છતાં એક છીએ. આજની સૌથી મહત્ત્વની ઘટના એ જ છે.?

નોંધવા જેવું એ છે કે લખનઉ પૅક્ટમાં કોંગ્રેસે મુસ્લિમ લીગની માગણીઓને સંપૂર્ણ માન આપ્યું હતું. એની મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે હતીઃ

(૧) પ્રાંતિક ધારાસભાઓમાં મુસલમાનો માટે ખાસ અથવા અલગ મતદાર મંડળ (દરેક પ્રાંત માટે જુદી સંખ્યા);

(૨) સામ્રાજ્યની (એટલે કે કેન્દ્રીય) ધારાસભામાં ૧૫૦ સભ્યો, જેમાંથી ૧૨૦ ચુંટાયેલા હોય, તેમાં પણ ત્રીજા ભાગના મુસ્લિમ હોય;

(૩) કોઈ બિલ કે બિલની કોઈ કલમ અથવા કોઈ ઠરાવ કોઈ પણ કોમને અસર કરે તેમ હોય અને એ કોમના પોણા ભાગના સભ્યો એનો વિરોધ કરે તો એ બિલ, કોઈ કલમ કે ઠરાવ રાખી ન શકાયઃ અને

(૪) યુદ્ધ, શાંતિ કે સંધિ સામ્રાજ્યની ધારાસભાની સત્તાની બહાર હોય.

બ્રિટિશ રાજ સામે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે સાથે મળીને મોટો પડકાર ઊભો કર્યો હતો.

૦૦૦

સંદર્ભઃ

(૧) A Centenary History of Indian national Congress (1885-1985),General Editor: B. N. Pandey, Vol. 1 (1885-1919).

(૨) https://encyclopedia.1914-1918-online.net/article/balkan_wars_1912-1913

India-slavery-and-struggle-for-freedom-part-3-chapter-16

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૧૬: ૧૮૮૫થી ૧૯૧૫ – મોહનદાસ કરમચંદ ગાંધીનું ભારતમાં પુનરાગમન

(લેખમાળાના સમયક્રમમાં આ લેખ એના નિર્ધારિત સ્થાને જ આવે છે તેમ છતાં સંયોગવશ ‘ગાંધી-૧૫૦’ની સમાપ્તિ સાથે જ એ પ્રકાશિત થાય છે એટલે એં ગાંધીજીને અંજલિ રૂપ પણ બની રહે છે).

૧૯૧૫ની નવમી જાન્યુઆરીનું ભારતના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન છે. એ દિવસે મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ૨૧ વર્ષ રહીને હંમેશ માટે ભારત પાછા આવ્યા. આપણે ૧૮૮૫થી ૧૯૧૫ના ઇતિહાસની કેડીઓ ખૂંદતા અહીં સુધી આવી પહોંચ્યા છીએ. ૧૯૧૫નું વર્ષ શરૂ થવાની સાથે જ ગાંધીજીનું ભારત આગમન એ સમય સુધીના ઇતિહાસને નવી દિશા આપનારી ઘટના બની જશે એવું એ વખતના નેતાઓએ પણ ધાર્યું નહોતું.

૧૭૫૭થી ૧૮૫૭નો ગાળો મુખ્યત્વે આદિવાસીઓ, સંન્યાસીઓના વિદ્રોહનો ગાળો રહ્યો. માત્ર ૧૮૦૧માં દક્ષિણમાં પોલીગારોએ સંગઠિત થઈને અંગ્રેજોના આધિપત્યને પડકાર ફેંક્યો જેણે આપણે બહુ સહેલાઈથી પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવી શકીએ. તે પછી ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ સુધી તો તલવારોથી લડાઈ લડાતી હતી.

જાણે કુદરત પોતે જ ભારતની આઝાદીના સંગ્રામની દિશા નક્કી કરતી હોય તેમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને વીરગતિ પ્રાપ્ત થઈ તેનાં માત્ર અગિયાર વર્ષ પછી ગાંધીજીનો જન્મ થયો. ત્યારે તો દુનિયા બદલાઈ ગઈ હતી. અંગ્રેજી શાસન સામે લડાઈ તો ચાલુ હતી પણ હવે એનો દોર શિક્ષિત ઉચ્ચ મધ્યમ વર્ગના હાથમાં આવી ગયો હતો.

ગાંધીજીના જન્મ પછી માત્ર સોળ વર્ષમાં કોંગ્રેસની સ્થાપના થઈ. એ વર્ગ બ્રિટિશ સામ્રાજ્યનો વિરોધી નહોતો; માત્ર સામ્રાજ્યના બધા નાગરિકોને સમાન હકો મળે, જે કંઈ બ્રિટનના નાગરિકોને મળતું હોય તે બધું ભારતના નાગરિકોને પણ મળવું જોઈએ એવી એની માંગ હતી. ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, વગેરે નરમપંથીઓ કોંગ્રેસના નેતા હતા. એમના નેતૃત્વમાં તલવારનું સ્થાન કલમે લીધું હતું અને લડાઈનું મેદાન હવે કાગળો પર અને ગવર્નર જનરલના કાર્યાલયમાં હતું. પરંતુ લોકમાન્ય બાલગંગાધર તિલક, લાલા લાજપત રાય અને બિપિનચંદ્ર પાલ જેવા ઉદ્દામવાદી નેતાઓ પણ હતા. તિલક માનતા કે અરજીઓથી કામ ન થાય તો બીજા રસ્તા પણ લેવા જોઇએ.

આપણા ઇતિહાસમાં કોંગ્રેસના આ બે ફાંટાઓની લાક્ષણિકતાઓ નોંધવા જેવી છે. નરમપંથીઓ એકંદરે શહેરી, ઉચ્ચ શિક્ષણ પામેલા, સમાજમાં પ્રતિષ્ઠિત, પાશ્ચાત્ય લોકશાહી મૂલ્યોથી પ્રભાવિત થયેલા હતા. સામાન્ય જનતાની ભાષા એમની ભાષા નહોતી. બીજી બાજુ ગરમપંથીઓને મધ્યમ વર્ગનો ટેકો હતો. એ પુનરુત્થાનવાદી હતા. માત્ર બ્રિટિશ સરકાર જ નહીં, પશ્ચિમી સંસ્કૃતિને તેઓ શંકાની નજરે જોતા હતા અને ભારતીય મૂલ્યોની સ્થાપના માટે ‘સ્વરાજ’ની માગણી કરતા હતા. એમની પ્રવૃત્તિઓ ધર્મથી પણ પ્રભાવિત થયેલી હતી. નરમપંથીઓ ધાર્મિક કે સામાજિક સુધારાના હિમાયતી હતા, પણ ગરમપંથીઓ ધાર્મિક પરંપરાઓના નવા અર્થ કરીને સામાજિક સુધારાનો કાં તો વિરોધ કરતા હતા કાં તો એના પ્રત્યે તટસ્થ હતા. આમ છતાં ધાર્મિક પરંપરાઓ અને ઉત્સવોનો એમણે રાજકીય હેતુસર ઉપયોગ પણ કર્યો. પંજાબની રાજકીય ચળવળ આર્યસમાજથી પ્રભાવિત હતી. લાલા લાજપત રાય, લાલા હરદયાલ વગેરે આર્યસમાજના પણ નેતાઓ હતા, તો તિલકે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ શરૂ કરાવ્યો. બંગાળમાં દુર્ગાપૂજા ક્રાંતિકારી સંદેશ ફેલાવવાનું માધ્યમ બની ગઈ. મૂળ બંગાળમાં કંપનીને દીવાની મળી અને એણે મહેસૂલ વસૂલ કરવાના અધિકાર લીલામ કર્યા તે પછી જમીનદાર વર્ગ ઊભો થયો. એમણે સીધીસાદી પરંપરાગત, આડંબર વિનાની પૂજામાં અંગ્રેજી હાકેમોને બોલાવવા લાગ્યા. એમની સામે તો એ મોટી પૂજા તરીકે દેખાવી જોઈએ અને લોકો પર પોતાનો રૂઆબ ઝળકવો જોઈએ. આ માટે એમણે મોટા પાયે આયોજન શરૂ કર્યું. એમાં મુજરાવાળીઓ પણ આવતી. અંગ્રેજોમાં એમના માટે Nauch girl (નાચ કરતી છોકરી) શબ્દ પ્રચલિત થયો. તે પછી ક્રાન્તિકારીઓ આવ્યા એમણે પૂજામાં એકઠા થતા લોકો સુધી ક્રાન્તિનો સંદેશ ફેલાવવા પૂજામંડપોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું

યુવાન બૅરિસ્ટર મોહનદાસ દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં સુધી એમનામાં કોઈ પ્રકારનાં રાજકીય નેતૃત્વનાં લક્ષણો દેખાયાં નહોતાં. મુંબઈમાં એમની વકીલાત ચાલી હોત તો કદાચ દક્ષિણ આફ્રિકા ન ગયા હોત. એમના વિચારોમાં પણ માત્ર વ્યક્તિગત ચારિત્ર્ય પર જોર હતું. આ વ્યક્તિગત ચારિત્ર્યનો દક્ષિણ આફ્રિકામાં વિકાસ થયો, એટલું જ નહીં, પોતાના વ્યક્તિગત ચારિત્ર્યને સામૂહિક રૂપ આપીને અન્યાય સામે લડવાનું હથિયાર પણ બનાવી શક્યા. મોહનદાસને મહાત્મા બનાવનાર દક્ષિણ આફ્રિકા.

ગાંધીજીમાં અમુક દૃઢતાનાં લક્ષણો તો હતાં જ પરંતુ એનો પહેલવહેલો સામૂહિક પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં થયો. ૧૯૦૮માં એમણે ત્યાં સત્યાગ્રહને જન્મ આપ્યો. અને અહિંસાને ધાર્મિક ગ્રંથો અને વ્યક્તિગત જીવનમાંથી બહાર લાવીને સામાન્ય જનતાનું શસ્ત્ર બનાવી દીધી.

આમ છતાં દક્ષિણ આફ્રિકામાં પણ એમની શરૂઆતની લડાઈ ‘સભ્ય’ વેપારી વર્ગના હિન્દીઓ માટે હતી. મૂળ આફ્રિકીઓની તકલીફો એ સમજતા હતા પણ એમાં સામેલ નહોતા થયા. એટલું જ નહીં, ત્યાં કરાર પર ગયેલા મજૂરો, એટલે કે ગિરમીટિયાઓ વિશે પણ એમણે વિચાર્યું નહોતું. પરંતુ એક લોહીલુહાણ તમિળ મજૂર એમની મદદ માગવા આવ્યો ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ગરીબ હિન્દીઓ ખાણોમાં શેરડીના બગીચાઓમાં અને મ્યૂનિસિપાલિટીઓમાં કઈ સ્થિતિમાં કામ કર છે. ભારતમાં ચંપારણમાં એમણે એનું જ પુનરાવર્તન જોયું. આજે આપણે જેને ‘દલિત’ તરીકે ઓળખીએ છીએ તે વર્ગની દુર્દશા જોઈને પણ એમને ગિરમીટિયાઓની હાલત ્યાદ આવી હશે. આમ ગાંધીજીએ ભારતમાં જે કર્યું તેનાં મૂળ દક્ષિણ આફ્રિકામાં ઈમણે જે અનુભવ્યું અને જે કર્યું તેમાં રહેલાં છે. દક્ષિણ આફ્રિકાનો ફિનિક્સ આશ્રમ અથવા તો ટોલ્સ્ટોય ફાર્મ ભારતમાં કોચરબ (અને સાબરમતી) આશ્રમ અને સેવાગ્રામ તરીકે ઉદ્ભવ્યા.

એ ભારત આવ્યા તે પહેલાં એમની ખ્યાતિ અહીં પહોંચી ગઈ હતી. એવી આશા હતી કે ગાંધીજી તરત જ કોંગ્રેસમાં જોડાશે. પરંતુ ગોપાલકૃષ્ણ ગોખલેએ એમને કશું ઉતાવળે ન કરવાની સલાહ આપી હતી. ગોખલે દક્ષિણ આફ્રિકા જઈ આવ્યા હતા અને ગાંધીજીને જાણતા હતા. એમનું આશ્રમજીવન, એમની કાર્યપદ્ધતિ વગેરે પ્રત્યે એમને આકર્ષણ તો થયું પણ પ્રભાવિત નહોતા થયા. ગોખલેને આ બધું વિચિત્ર લાગતું હતું. ગોખલે ‘સર્વંટ્સ ઑફ સોસાઇટી ચલાવતા હતા. એમણે ઇચ્છ્યું કે ગાંધીજી એના સભ્ય બને પણ એમની વાત અને વિચારોથી ગોખલેના સાથીઓ ગભરાયા કે આ માણસ જો સભ્ય બનશે તો સંસ્થાને પોતાની મરજી મુજબ નવા ઢાળે ઢાળશે એટલે એમને સભ્ય તરીકે લેવાની ના પાડી દીધી!

ગાંધીજીના આવ્યા પછી બે જ મહિનામાં નરમપંથી નેતાઓ, ફિરોઝશાહ મહેતા અને ગોખલેનું અવસાન થયું અને ગાંધીજીએ એક વર્ષ દેશમાં ફરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને પોતાના દક્ષિણ આફ્રિકાના પ્રયોગો ભારતમાં શી રીતે લાગુ કરી શકાય તેની યોજના તૈયાર કરી.

લોકમાન્ય તિલકે પણ એમને પોતાની સાથે લેવા પ્રયત્ન કર્યા પણ બન્નેના ધાર્મિક અને સામાજિક દૃષ્ટિકોણ એટલા જુદા હતા, અને રાજકીય વ્યૂહ પણ જુદો હતો એટલે તિલકે જ નક્કી કરી લીધું કે “આ માણસ બહુ કામનો છે પણ આપણો નથી.!”

ગાંધીજી, ગોખલે અને તિલક

ગોખલે નરમપંથી હતા અને તિલક ગરમપંથી. પરંતુ અંગ્રેજ સરકાર પાસેથી માગીને લેવું કે લડીને લેવું, એ બાબતમાં બન્ને વચ્ચે આભજમીનનું અંતર હતું. આમ છતાં ગોખલે અને તિલકના વ્યૂહમાં સામાન્ય જનતાને સ્થાન નહોતું. ગાંધીજીએ એમના ગુરુ ગોખલેના રસ્તાનો અસ્વીકાર કર્યો અને બીજી બાજુ તિલકની ઊગ્રતાનો પણ ઇનકાર કર્યો. એમણે નવો જ માર્ગ લીધો અને કોંગ્રેસનો સંદેશ ગામેગામ અને ઘરેઘરે પહોંચાડ્યો, એટલું જ નહીં, લોકોને લડાઈમાં સામેલ કર્યા.

ગાંધીજીની અહિંસામાં જે શ્રદ્ધા હતી તે સામાન્ય જન માટે રાજકીય હથિયાર બની ગઈ. સશસ્ત્ર સંઘર્ષમાં બહુ ઓછા જોડાય. પણ શસ્ત્રો ન હોવા છતાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ લડી શકાય એ સામાન્ય જનતાને ગાંધીજીએ શીખવ્યું. શસ્ત્રનો અભાવ પોતે જ સૌથી મોટું શસ્ત્ર! ગાંધીજીએ અહિંસાનો સમ્દેશ આપ્યો તેના કરતાં અભયનો સંદેશ આપ્યો એમ કહેવું વધારે અર્થપૂર્ણ ગણાશે. એમણે દક્ષિણ આફ્રિકામાં પણ એ જ માર્ગ લીદ્ધો હતો. કોઈને પાસે શસ્ત્ર હોય તો એ યુદ્ધમાં જોડાય અને સામેવાળાને મારે પણ ખરો. આમ છતાં મરવાનું જોખમ તો રહે જ. ગાંધીજીનો સંદેશ એ છે કે આ કારણે યુદ્ધમાં મારવા કરતાં મરવામાં વધારે બહાદુરી મનાય છે. જો યુદ્ધમાં મારવાનું તત્ત્વ કાઢી નાખો અને માત્ર મરવાનું તત્ત્વ હોય તો તમારી પાસે હથિયાર ન હોય તો પણ તમે લડી શકો. જેને ભય લાગતો હોય તેનાં તો હથિયાર પણ નકામાં જ બની જાય. આ દૃષ્ટિએ ગાંધીજી ભારતમાં કાયમ માટે પાછા આવ્યા તે ૧૯૧૫ના વર્ષની સૌથી મહત્ત્વની ઘટના છે.

એ વર્ષ પછીના ભારતના ઇતિહાસના પાનેપાને કોંગ્રેસનું નામ લખેલું છે. પરંતુ એનો અર્થ એ નથી કે કોંગ્રેસ સિવાય બીજા કોઈ મંચ પરથી લડાઈ થતી નહોતી. ક્રાન્તિકારીઓ ગાંધીજી અહિંસાને અભેરાઇએ ચડાવીને જ લડતા હતા.

આ સાથે ૧૮૮૫થી ૧૯૧૫ સુધીનો તબક્કો સમાપ્ત થાય છે. હવે આપણે ૧૯૧૬થી ૧૯૩૦ સુધીના ઇતિહાસ પર નજર નાખશું. ઘણી ઘટનાઓ એક તબક્કામાં શરૂ થાય પણ પૂરી ન પણ થાય એવું બની શકે છે. પરંતુ આપણે એને નવા તબક્કાની ઘટના તરીકે નહીં જોઈએ, નવા તબક્કામાં એનો અંત થાય ત્યાં સુધી પહોંચીશું. સમયખંડો લવચીક છે.

૦૦૦

(અહીં ગાંધીજીની ચાર તસવીરો આપી છે. છેક ઉપરની તસવીરમાં ગાંધીજી અને કસ્તૂરબા છે. આ તસવીર તેઓ ભારત આવ્યા તે પછી તરત લેવાયેલી છે.. બીજા ફોટામાં ગાંધીજીએ ધાબળો ઓઢ્યો છે. આ ફોટો ખાસ ક્યાંય જોવા નથી મળતો. ત્રીજા ફોટામાં ગાંધી ટોપીમાં ગાંધીજી જોવા મળે છે. છેલ્લી તસવીર એમણે વસ્ત્રોનો ત્યાગ કર્યો તે પછીની છે. ચારેય તસવીરો mkgandhi.orgપરથી બિનવ્યાવસાયિક હેતુ માટે લીધી છે).

%d bloggers like this: