Month: સપ્ટેમ્બર 2012
Archeology and Ramayana (5)
પુરાતત્વ અને રામાયણ (૫)
રામાયણની કેટલીયે ઘટનાઓથી આપણે પરિચિત છીએ. પરંતુ સૂક્ષ્મ અભ્યાસ કરતાં સમજાય છે કે આવી ઘટનાઓનાં વર્ણન રોચક હોવા છતાં મૂળ રામાયણમાં એ ન પણ હોય. એ પાછળથી ઉમેરાઈ હોય છે અથવા મૂળ ઘટનામાં નવા રંગ ભર્યા હોય છે. આમ છતાં આ લેખમાળાની શરૂઆતમાં જ ડૉ. સાંકળિયાના લખાણના આધારે સ્પષ્ટતા કરવામાં આવી છે કે મૂળ કથાનક યથાવત્ રહ્યું છે. અહીં ઉમેરાયેલા જણાતા ભાગોનું વિશ્લેષણ કરેલું છે. સાંકળિયા સાહેબે આવી ઘણી બાબતો લીધી છે. આપણે દરેકનો ટૂંકમાં પરિચય મેળવીએ.
દેવો, ધર્મો અને પુરાતત્વ
રામાયણ પર જે પુસ્તકો લખાયાં છે તેમાં અમુક દેવોની પૂજા થતી, એમ કહીને આવા દેવોની યાદી આપી દેવાયેલી છે, પરંતુ એની થરવાર તપાસ નથી થઈ. અભ્યાસ અને પુરાતત્વની મદદથી આપણે આવી બધી માહિતીને થર પ્રમાણે ગોઠવી શકીએ અને એમનો સમય પણ નક્કી કરી શકીએ.
મંગલાચરણ અને ગણેશ
આવી પૂરતી તપાસ પછી તૈયાર થયેલી પ્રત (ડૉ. સાંકળિયાના શબ્દોમાં “ચિકિત્સક આવૃત્તિ”)માં કોઈ પણ જાતના મંગલાચરણને (એટલે કે “ઓમ નમઃ શિવાય” કે “નમો વિષ્ણવે” જેવા મંત્રોને) સ્થાન નથી અપાયું. આવાં મંગલાચરણોની પ્રથા આજથી ૧૬૦૦-૧૭૦૦ વર્ષ પહેલાંના શિલાલેખોમાં કે તામ્રપત્રોમાં જોવા મળે છે. એનાથી જૂના શિલાલેખોમાં મંગલાચરણો જોવા નથી મળતાં. ૨૦૦૦ વર્ષથી પણ જૂનો એક જ લેખ પુણેમાં કામરોટથી પંદરેક કિલોમીટર દૂર ગિરિમાળામાં આવેલી એક ગુફામાં મળ્યો છે. એમાં ‘નમો અરહંતાય’ લખેલું મળ્યું છે. આમ ચિકિત્સક આવૃત્તિમાં સૌથી જૂની (ઇ. સ. ૧૦૨૮ની સાલની) નેપાલી પ્રત પ્રાચીન પરંપરા પ્રમાણે બની છે, જ્યારે તે પછીની પ્રતોમાં સરસ્વતી, ગણપતિનાં મંગલાચરણો મળે છે, એટલું જ નહીં પણ આજથી ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલાં મંગલાચરણોનો પણ સમાવેશ થયો છે. પુરાતત્વની દૃષ્ટિએ ગણેશનો મંગલાચરણમાં સમાવેશ અથવા ગણેશની સ્વતંત્ર પૂજા અને ઘરની બારસાખે ગણેશની આકૃતિ કોતરવાની પ્રથા ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પહેલાં નહોતી એમ પુરાવા દેખાડે છે. જો કે અફઘાનિસ્તાનમાંથી ૧૬૦૦ વર્ષ જૂની ગણેશની મૂર્તિઓ મળી છે, પરંતુ સ્વતંત્ર પૂજાની શરૂઆત થઈ હોય એવા સંકેત તે પછીના છે. આ થઈ રામાયણના કાંડોની નીચલી કક્ષા (એટલે કે ઉમેરો થયો હોય તેવો છેલ્લામાં છેલ્લો સમય).
પરંતુ ઉપલી કક્ષા કઈ? જૂનામાં જૂનો સમય કયો? રામાયણમાં એના પણ પુરાવા મળે છે. રામ વનમાં જતાં પહેલાં માતા કૌસલ્યાની રજા લેવા આવે છે ત્યારે કૌસલ્યાએ સ્વસ્તિવાચન કર્યું. એમાં રામના માથા પર શુદ્ધ જળ છાંટીને એમણે મંત્રો દ્વારા સાધ્યો. મરુતો, ધાતા, વિધાતા, ઇન્દ્ર, પૂષા, અર્યમા, સ્કંદ (કાર્તિકેય), સોમ, બૃહસ્પતિ, સ્મૃતિ, ધૃતિ, ધર્મ, સપ્તર્ષિ, ગ્રહ, નક્ષત્ર, ઋતુ, પક્ષ, માસ, સંવત્સર, દિન, મુહૂર્ત વગેરેની આરાધના કરી. પૂષા, અર્યમા, ઇન્દ્ર વગેરે વૈદિક કાળના દેવો છે. તે પછી એમનું મહત્વ ઘટી ગયું. પરંતુ, આ સ્વસ્તિવાચન દેખાડે છે કે ઋગ્વેદના દેવતાઓનું મહત્વ ચાલુ રહ્યું હોય એવા સમયનું પ્રતિબિંબ એમાંથી મળે છે. પરંતુ સ્કંદ જેવા નવા દેવનો પણ પ્રવેશ થઈ ચૂક્યો હતો. આમ આદિ રામાયણનો રચનાકાળ વૈદિક સમયની વધારે નજીક હતો. વૈદિક કાળ હજી ભુલાઈ નહોતો ગયો.
પંચાંગ
આ એક સ્વસ્તિવાચન આપણને જુદા જુદા કાળમાં યાત્રા કરાવે છે. એમાં વૈદિક દેવતાઓ છે, તો નવા દેવતા સ્કંદને પણ સ્થાન મળ્યું છે. બીજી બાજુ ગ્રહ, નક્ષત્ર અને મુહૂર્તોનો પણ સમાવેશ થાય છે. આથી સ્વાભાવિક રીતે જ વિચાર આવે કે એ ગ્રહો વગેરેની પંચાંગીય માહિતી ઉમેરાઈ હોય એવો કયો કાળ હશે? જ્યોતિષને ધ્યાનમાં લઈએ તો આ ભાગને કયા કાળમાં મૂકી શકાય? આમાં પુરાતત્વની ખોજ દ્વારા મળેલા અભિલેખો કે શિલાલેખો મદદ કરે છે. આજથી ચાર હજાર વર્ષ પહેલાં દિવસ, તિથિ, માસ, ઋતુ વગેરે પંચાંગમાં હતાં કે કેમ? ડૉ. સાંકળિયા કહે છે કે અત્યારે ઉપલબ્ધ રામાયણ જોતાં એ તો નક્કી થઈ જ ગયું છે કે એના રચનાકારને હોરા અને ફળ-જ્યોતિષનું સારૂં જ્ઞાન હતું. રામાયણની બધી પ્રતોમાં આ વિગતો નથી. આથી પંચાંગને લગતા ઉલ્લેખો જે તે ભાગનો સમય નક્કી કરવામાં બહુ ઉપયોગી થાય છે.
ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં સૌથી જૂના અભિલેખો સમ્રાટ અશોકના છે. એમાં અશોક જે વર્ષમાં રાજ્ય કરતો હતો તેનો ઉલ્લેખ છે, પણ બીજી વિગતો મળતી નથી. અશોક પછીની અભિલેખોમાં વર્ષની ઋતુઓ અને એના દિવસ જોવા મળે છે. દાખલા તરીકે, “ગૌતમીપુત્ર શાતકર્ણીના શાસનના ૧૮મા વર્ષની વર્ષા ઋતુના બીજા પક્ષનો પહેલો દિવસ”. અથવા “કુલ શાંતમૂલ (રાજાના) સંવત્સરનું બીજું વર્ષ, ગ્રીષ્મના છઠ્ઠા પખવાડિયાનો દસમો દિવસ”.
તે પછી કુશાન રાજાઓના અભિલેખોમાં મહિનાના પખવાડિયાને બદલે મહિનો દર્શાવવાનું શરૂ થયું. તે પછીના સમયના અભિલેખોમાં આખા વર્ષના સૌર પદ્ધતિ પ્રમાણે બાર ભાગ પાડીને શુક્લ કે કૃષ્ણ પક્ષના દિવસ લખવાનું શરૂ થયું.
લગભગ ૨૦૦ વર્ષ પછી, ઈ.સ. ૪૮૪માં ગુપ્તવંશના રાજા બુદ્ધગુપ્તના સમયના શિલાલેખમાં અઠવાડિયાના દિવસનું નામ પહેલી વાર જોવા મળે છે. રામનવમી એટલે કે ચૈત્ર સુદ નોમ, ૧૨મો મહિનો (એ વખતે એ ૧૨મો મહિનો હતો), અદિતિ નક્ષત્ર, પાંચ ઉચ્ચ સ્થાનના ગ્રહો અને કર્ક લગ્ન વગેરે માહિતી ઈ.સ. ૪૦૦ પછી ધીમે ધીમે સમાજમાં પ્રચલિત થઈ. ડૉ. સાંકળિયા અહીં જ્યોતિષના વિદ્વાન પ્રોફેસર સેનગુપ્તાનો હવાલો આપીને કહે છે કે ઈ. સ. ૪૦૦માં ભારતીય જ્યોતિષ ગ્રીક અને રોમન જ્યોતિષના પ્રભાવમાં આવ્યું, આર્યભટ્ટ અને વરાહમિહિરના ગ્રંથોમાં પણ એનો પડઘો ઝિલાયો છે. શ્રી સેનગુપ્તાના અનુમાન પ્રમાણે આજે પ્રચલિત રામાયણ ઈ. સ. ૪૩૮માં લખાઈ છે.
રામ અને કૃષ્ણ
આદિ રામાયણ વખતે માત્ર ૩૩ દેવતા હતા અને ઇન્દ્ર એનો મુખી હતો. ભક્તિ સંપ્રદાયનો હજી ઉદય નહોતો થયો. અથવા એ બહુ પ્રચારમાં નહોતો આવ્યો, કારણ કે કૌસલ્યા બધાં વ્રતો પાળતાં અને અગ્નિને આહૂતિ આપતાં. એ દરરોજ સવારે વિષ્ણુની પૂજા કરતાં.
રામાયણમાં એક-બે જગ્યાઓને છોડી દો તો કૃષ્ણનો ક્યાંય ઉલ્લેખ નથી આવતો. આમ અયોધ્યાકાંડ અને આખી ચિકિત્સક આવૃત્તિ કૃષ્ણનો મહિમા વધ્યો તે પહેલાંનાં ગણાય. કૃષ્ણ કરતાં રામ પહેલાં થઈ ગયા એ માન્યતા આદિ રામાયણ જેટલી જ જૂની છે એમ કૃષ્ણના ઉલ્લેખના અભાવ પરથી સમજી શકાય છે.
રામમાં ઈશ્વરીય અંશ
રામ ઈશ્વરનો અવતાર હતા અથવા ક્યારે બન્યા તે પણ વિચારવા જેવું છે. ચિકિત્સક આવૃત્તિમાં પણ આના સંકેત મળે છે. બાલકાંડમાં તો એમને વિષ્ણુના અવતાર ગણાવેલા જ છે. જો કે બીજાં વર્ણનોમાં એમના માનવીય અંશો દેખાડ્યા છે. આમ છતાં રામમાં દૈવી અંશ હોવાની ધારણા શરૂઆતથી જ હોય એમ લાગે છે. બધા જ કાંડોમાં આવા સંકેતો મળે છે, પરંતુ એનું સ્પષ્ટ સ્વરૂપ બાલકાંડમાં બંધાયું છે. આદિ રામાયણ રચાયું તે પહેલાં પણ રામ વિશેની કથાઓ પ્રચલિત હશે જ અને એમાં પણ એમની દિવ્ય શક્તિઓની વાત આવતી હશે.
અસ્ત્રો અને શસ્ત્રો
બાલકાંડમાં વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ જાય છે ત્યારે એમની પાસે માત્ર ધનુષ્ય-બાણ છે. અહીં વિશ્વામિત્ર અને વસિશ્ઠ વચ્ચે યુદ્ધ થાય છે, એમાં ખડગનો ઉપયોગ થાય છે. તે પછી વિશ્વામિત્ર અમુક અસ્ત્રો વાપરે છે. આના જવાબમાં વસિષ્ઠની કામધેનુ ગાયમાંથી પ્રગટેલા વીરો – શકો અને પહ્લવો પટ્ટિશ વગેરે અસ્ત્રો વાપરે છે. અહીં શક અને પહ્લવોનો ઉલ્લેખ દર્શાવે છે કે કથાના આ ભાગની રચના થઈ ત્યારે આ પરદેશીઓ અહીં આવી ચૂક્યા હતા. એમણે લોહનાં બનેલાં શસ્ત્રો વાપર્યાં, તેને ભારતીય લેખકોએ દિવ્ય અસ્ત્રો લેખાવ્યાં છે.
લાગે છે કે પહેલાં અસ્ત્રો હતાં જ નહીં. માત્ર ધનુષ્ય અને બાણ અને તલવારથી લડાઈ થતી. ગદા હોવાનો પણ સંભવ છે. તે પછી ધનુષ્ય અને બાણની ગુણવત્તા સુધરી. એના પછી સાદાં શસ્ત્રોને મંત્રથી અસ્ત્રમાં પરિવર્તિત કરવાનું શરૂ થયું. ફરી નવાં શસ્ત્રોનો વિકાસ થયો, જેમાં પરીઘ એટલે કે માથા પર કે બાજુએ ગોળ ઘુમાવીને ફેંકવાનું શસ્ત્ર ખાસ છે. શસ્ત્રો મંત્ર દ્વારા અસ્ત્ર બની જતાં અને એનો ઉપયોગ થઈ જાય તે પછી એ ફરી સામાન્ય શસ્ત્ર બની રહેતાં. આથી પુરાતત્વ અસ્ત્રો વિશે બહુ પ્રકાશ પાડી શકે તેમ નથી. ખોદકામમાં માત્ર ત્રણ જ જાતનાં શસ્ત્રો મળે છેઃ નાના મોટા પથ્થરના કે માટીના ગોળા, શૂળ કે ત્રિશૂળ, ત્રણ-ચાર અણીવાળાં લોખંડનાં હથિયારો અથવા તલવાર કે ખંજર.
દસ માથાંવાળો રાવણ
કોઈ માણસને દસ માથાં હોય એ કલ્પના જ હોઈ શકે, એ વાત તો સૌ કોઈ સમજી શકે. દસ માથાં રાવણની શક્તિ અને બુદ્ધિમત્તાનું પ્રતીક છે. આમાં કઈં વિશેષ ચર્ચા જેવું પણ નથી. પરંતુ, ડૉ. સાંકળિયાને આટલેથી સંતોષ નથી. આ કલ્પના છે, એ સ્વીકાર્યા પછી, એ પ્રકારની કલ્પનાનો વિકાસ ક્યારે થયો તે તપાસે છે અને રાવણનાં દસ માથાં વિશે ચર્ચા કરીને તેઓ રામાયણમાં એ ભાગ ક્યારે ઉમેરાયો તેનું અનુમાન રજુ કરે છે.
ભારતમાં ઉપલબ્ધ માનવ આકૃતિઓમાં ત્રણ-ચાર માથાંવાળી આકૃતિઓ મોહેં-જો-દડોમાંથી મળી છે. એક પ્રાણીને ત્રણ માથાં છે પણ બે જ શિંગડાં અને એક જ શરીરવાળી એક મુદા મળી છે. આના પરથી આપણે કહી શકીએ કે એકથી વધારે માથાં કે શરીર બનાવવાની કલ્પના ઓછામાં ઓછી સાડાચાર હજાર વર્ષ જૂની છે.
જો એક કરતાં વધારે શરીર કે માથાની કલ્પના થઈ શકે તો બે કરતાં વધારે હાથની પણ કલ્પના થઈ શકે, પરંતુ મોહેં-જો-દડો પછીનાં લગભગ અઢી હજાર વર્ષ સુધી એટલે કે ઇસવી સનની શરૂઆત થાય ત્યાં સુધી આવી આકૃતિઓ મળી નથી. આટલા લાંબા સમય પછી, આજથી લગભગ ૨૧૦૦-૨૨૦૦ વર્ષ પહેલાં સાહિત્યમાં ષડાનન એટલે કે સ્કંદ અથવા કાર્તિકેયનું વર્ણન મળે છે અને આવી જ આકૃતિવાળો સિક્કો પણ મળ્યો છે. પરંતુ સ્કંદના હાથ તો બે જ દેખાડેલા છે. બીજા કોઈ દેવ હોય તો એની આકૃતિમાં એક જ માથું, બે હાથ અને બે જ પગ બનાવેલા હોય છે. આમ, આજથી સત્તરસો-અઢારસો વર્ષ પહેલાં પણ ઘણા હાથ કે માથાવાળા દેવની કલ્પના પ્રચલિત નહોતી. એમ લાગે છે કે ઇસુના પાંચમા કે છઠ્ઠા સૈકામાં વધારે હાથ અને માથાંની કલ્પના વિકસી હશે. આ તો ધારણા છે પરંતુ એ સાચી હોય તો અરણ્યકાંડના રાવણના વર્ણનવાળા ભાગની રચના પંદરસો વર્ષથી વધારે જૂની ન ગણાય.
પરંતુ રામાયણમાં રાવણને માત્ર એક સામાન્ય શરીરાકૃતિવાળો માણસ દેખાડ્યો છે. એ મૂળ રામાયણનું વર્ણન હશે. સાંકળિયાસાહેબ કહે છે કે અરણ્ય, કિષ્કિંધા અને સુંદરકાંડમાં આવાં વર્ણનો ઘણી જગ્યાએ છે. અરણ્યકાંડમાં સીતાને રાવણ કહે છે કે હું તને બે હાથોથી ઉઠાવીને લઈ જઈશ. (નોંધઃ ગીતા પ્રેસ, ગોરખપુરની ૨૫મી હિન્દી આવ્રુત્તિમાં અરણ્યકાંડમાં આ પ્રકારનું વિધાન નથી. પરંતુ એના ૪૯મા સર્ગમાં રાવણ સીતા પાસે આવે છે ત્યારે એને બે જ હાથ છે. માત્ર આઠમા શ્લોકમાં એ ક્રોધિત થઈને પોતાનું દસ માથાં અને વીસ હાથનું સહજ રૂપ – स्वकं रूपं – પ્રગટ કરે છે, પરંતુ નવમા શ્લોકમાં એ ફરી સામાન્ય બની જાય છે. ૧૭મા શ્લોકમાં એ ખરેખર સીતાને ઉપાડે છે ત્યારે એ વીસ હાથથી નહીં, માત્ર બે હાથથી ઉપાડે છે! શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છેઃ એણે ડાબા હાથે કમલનયની સીતાનું માથું વાળથી પકડ્યું અને જમણો હાથ એમની બન્ને જાંઘોની નીચે નાખીને એમને ઉપાડી લીધાં).
સીતાનું અપહરણ કરીને રાવણ જતો હોય છે ત્યારે ગીધરાજ જટાયુ એને રોકે છે અને લડાઈમાં રાવણનો રથ તોડી નાખે છે. એ વખતે રાવણ બે હાથથી જ લડે છે. વળી, હનુમાન લંકામાં સીતાની શોધમાં રાવણના મહેલમાં પહોંચી જાય છે. રાવણ સિંહાસન પર બેઠો છે અને એને એક જ માથું અને બે હાથ છે (સુંદરકાંડ, સર્ગ પાંચ, શ્લોક ૧૩-૨૮ ડૉ. સાંકળિયાએ આપેલો સંદર્ભ). (ગીતા પ્રેસ ગોરખપુરની ૨૫મી હિન્દી આવૃત્તિ પ્રમાણે હનુમાન રાવણને સૂતેલો જૂએ છે અને એને બે જ હાથ (भुजौ) છે – સુંદરકાંડઃ સર્ગ ૧૦ શ્લોક ૧૫).
આમ રાવણનું સહજ રૂપ – स्वकं रूपं – બે હાથ અને એક માથાનું છે. વીસ હાથ અને દસ માથાં, આપણે જોયું, તેમ ઇસુની પાંચમી-છઠ્ઠી સદીના કવિઓની કલ્પના છે.
આજે આટલું બસ, હજી તો આપણે એ જોઈશું કે રામ સીતા વસ્ત્રો કેવાં પહેરતાં, ખાદ્યાન્ન શું હતું, એમનાં આભૂષણો કેવાં હતાં અને તેમાં પણ ખાસ તો પેલી રામનું નામ અંકિત કરેલી વીંટીની કથા…!
Archeology and Ramayana (4)
પુરાતત્વ અને રામાયણ (૪)
લંકા ક્યાં હતી?
ડૉ. હસમુખ સાંકળિયાએ લંકા ક્યાં હતી એ પ્રશ્નની વિસ્તારથી ચર્ચા કરી છે. એમણે બીજા વિદ્વાનોના મત અને પોતાનાં સંશોધનોનાં તારણ આપ્યાં છે.
લંકા વિશે વિદ્વાનોમાં ત્રણ મત છે. એક મત પ્રમાણે આજનું શ્રીલંકા તે જ રાવણની લંકા. બીજો મત એવો છે કે લંકા ઇંડોનેશિયાના જાવા-સુમાત્રા બેટોમાં હતી. ત્રીજો મત કહે છે કે લંકા મધ્ય પ્રદેશમાં જ હતી! તો લંકા ક્યાં હતી? સાંકળિયાસાહેબ આની છણાવટ માટે આ પ્રશ્નના બે ભાગ કરે છેઃ (૧) આદિ લંકા અને એની ઓળખાણ, અને ૯૨) વિકસિત લંકા અને એની ઓળખાણ.
પહેલા બે મતમાં માનનારા એમ માનીને ચાલે છે કે રામાયણનાં વર્ણનોમાં અતિશયોક્તિ નથી, અને હોય તો બહુ થોડી છે. ત્રીજા મતવાળાને મન રામાયણમાં જુદા જુદા સમયે ભેળસેળ થઈ છે એટલે વર્ણનોમાંથી સત્ય તારવવું જોઈએ. હમણાં ઉપલબ્ધ રામાયણમાં આનો કઈં પુરાવો છે?
૧૯૪૦ના અરસામાં પરમશિવ આયર નામના વિદ્વાને લંકા જબલપુર પાસે હોવાનો સબળ મત વ્યક્ત કર્યો. બીજા બે વિદ્વાનોએ લંકા અમરકંટકના ઉચ્ચ પ્રદેશ (Plateau)માં હોવાનું અનુમાન કર્યું. ડૉ. સાંકળિયાકહે છે કે “ આય્ર, હીરાલાલ અને સરદાર કીબેનાં સંશોધનની વિસ્તારથી ચર્ચા કરતાં મારે કહેવું જોઈએ કે એમના નિર્ણયને પુષ્ટિ આપતા બીજા ત્રણ મુદ્દાઓ મને સાંપડ્યા છે. એટલે તો મને ખાતરી થઈ છે કે આદિરામાયણ કે રામકથાની લંકા મધ્ય પ્રદેશના પૂર્વ ભાગમાં હોવી જોઈએ.”
કિષ્કિન્ધાકાંડમાં સુગ્રીવ વાનરોને સીતાની શોધમાં આખો વિંધ્ય ખૂંદી વળવા કહે છે. તે પછી આમાં ઉમેરા થયા અને જાણે સુગ્રીવને આખી પૃથ્વીનું જ્ઞાન હોય તેમ સલાહ આપે છે. મૂળ તો એનો આદેશ વિંધ્ય પૂરતો જ હોય તે સ્વાભાવિક છે. આવા નવા અને જૂના ભાગોમાંથી એક મહત્વની વાત ડોકિયું કરી લે છે અને સાચી દિશા તરફ ઈશારો કરે છે. સૌથી પહેલાં શ્રી આયરે આ તારણ આપ્યું. આ પ્રસંગ જોઈએઃ
વિંધ્ય પર્વતમાં હનુમાન અને બીજા વાનરો એક મોટી ગુફામાં ઘુસી ગયા. ત્યાં રસ્તો ભૂલી ગયાઅને કેટલાય દિવસ ભૂખ્યા-તરસ્યા રહ્યા. અહીં એમને સ્વયંપ્રભા નામની તાપસી મળે છે. એણે વાનરોને આંખો બંધ કરવા કહ્યું અને પર્વતની ટોચના કિનારે લઈ ગઈ અને દેખાડ્યુઃ “ આ છે. વિંધ્ય પર્વત, અહીં છે મહાન સાગર, અહીં જ (પાસે) છે પ્રસ્રવણ ટેકરી.” અહીં કોટિની દક્ષિણ-પશ્ચિમે, કેર અને હીરણ નદીનો સંગમ થાય છે. એટલે પ્રસ્રવણ અથવા માલ્યવાન ગિરિમાળા અહીં જ હોવી જોઇએ અને સિંઘરામપુરની ખીણમાં સુરક્ષિત જંગલોમાં એ હશે એમ આયર માને છે.
સંપાતિની કથા
ફરી કથા સાથે આગળ વધીએ. હવે વાનરો ગુફામાંથી બહાર આવે છે અને મોતો સાગર જૂએ છે. પરંતુ સીતાને શોધી લાવવા માટે સુગ્રીવે જે સમયમર્યાદા આપી હતી તે તો પૂરી થઈ ગઈ છે, એટલે એમનો નેતા અંગદ (પ્રાણત્યાગ કરવાના સંકલ્પ સાથે) અનશન પર બેસી જાય છે. બધા વાનરો એની પાસે બેઠા વાતે વલગ્યા છે. એમની વાતમાં જટાયુનું નામ આવ્યું. પાસે પણ એક ગુફા હતી, એમાં જટાયુનો ભાઈ સંપાતિ રહેતો હતો. જતાયુનું નામ આવતાં એના કાન સરવા થયા. જટાયુ રાવણના હાથે કેમ ઘવાયો તેની વાત એણે જાણી અને વાનરોને સમજાવ્યું કે રાવણ ક્યાં રહે છે. તે પછી એણે સાગરને તીરે જટાયુનું તર્પણ કર્યું. ડૉ. સાંકળિયા અહીં ખાસ કહે છેઃ યાદ એ રાખવાનું છે કે સંપાતિ કોટિની દક્ષિણ-પશ્ચિમે રહેતો હતો.
સંપાતિ રાવણ સીતાનું કેમ હરણ કરી ગયો તે વાનરોને કહે છે. આ નાની સરખી વાર્તા બહુ અગત્યની છે. સંપાતિ કહે છે કે ઊંચી, યોજનો લાંબી વિંધ્ય પર્વતમાળામાં એ રહેતો હતો. શરીરે અશક્ત થઈ જવાને કારણે પોતે કઈં કરી શકતો નહોતો, એટલે એનો પુત્ર સુપાર્શ્વ એને માંસ લાવી આપતો. એક દિવસ એ સાંજે માંસ લીધા વિના જ પાછો આવ્યો. અને કહ્યું કે માંસની શોધમાં એ મહેન્દ્રદ્વારની ફાટમાં (સાંકડા રસ્તામાં) બેઠો હતો એટલામાં એક ચકાચક કાળો માણસ તેજસ્વી સ્ત્રીને લઈને આવ્યો. એણે મને માર્ગમામ્થી ખસી જવા બહુ નમ્રતાથી વિનંતિ કરી. એની આ નમ્ર વિનંતિને હું ધુત્કારી ન શક્યો એટલે ત્યામ્થી હટી ગયો. સિદ્ધોએ તે પાછી મને જણાવ્યું કે એ કાળો માણસ રાક્ષસોનો રાજા રાવણ હતો.
ડૉ. સાંકળિયાએ આના પરથી કેટલાંક તારણો કાઢ્યાં છેઃ રાવણ અનાર્ય અને કાળી ચામડીવાળો હતો.સીતા આર્ય સ્ત્રીઓ હોય એવી ગોરી હતી. રાવણ સીતાને પગપાળા જ લઈ જતો હતો. રસ્તો એટલો સાંકડો હતો કે મ્માત્ર એક જ માણસ જઈ શકે. એ સાધારણ માણસ જેવો જ હશે, કારણ કે સુપાર્શ્વે ડરીને રસ્તો છોડ્યો નથી, માત્ર એની નમ્ર વિનંતિને કારણે રસ્તો છોડ્યો. થી લંકા, પંચવટી અને દંડકારણ્ય પાસે પાસે જ હોવાં જોઈએ. આ લંકામાં જવા માટે સાગર પાર કરવો પડતો હતો, જે પર્વતની તળેટીમાં હતો. આ જ સાગરને પાર કરવા માટે હનુમાન મહેન્દ્ર પર્વતની ટોચે ગયા હતા અને ત્યાંથી છલાંગ મારી હતી.
સુંદરકાંડમાં હનુમાન સીતાને મળે છે ત્યારે આ જ વાતની પુષ્ટિ કરે છે. હનુમાન કહે છે કે પોતે સો યોજન સમુદ્ર ‘તરીને’ (प्लुत) આવ્યા. અહીં સો યોજન તો કદાચ બોલવાની રીત હશે, પણ આ સાગર બહુ લાંબો પહોળો નહીં હોય અને તરીને પહોંચી શકાય એટલું અંતર હશે.
(નોંધઃ શ્રી પરમશિવ આયરે અથવા સાંકળિયા સાહેબે રામાયણની કઈ પ્રતનો ઉપયોગ કર્યો છે, તે જણાવ્યું નથી. પરંતુ ગીતાપ્રેસ, ગોરખપુરની દાક્ષિણાત્ય પ્રતની ૨૫મી હિન્દી આવૃત્તિમાં प्लुत શબ્દનો ઉપયોગ થયો હોય એવો શ્લોક જ નથી. એ હોત તો સુંદરકાંડના ૫૮મા સર્ગમાં ૯૭, ૯૮, ૯૯ અને ૧૦૦મા શ્લોકની સાથે હોત. જો કે ૧૬૬મા શ્લોકમાં હનુમાન કહે છે કે “તે પછી હું અરિષ્ટ પર્વત પર પાછો આવ્યો અને તમને સૌને મળવા માટે प्रतिप्लवन એટલે કે વળતું તરવાનું શરૂ કર્યું.” જો કે પ્રચલિત માન્યતાઓની વિરુદ્ધ જવાની તૈયારી ન હોવાથી આ આવૃત્તિના અનુવાદકે प्रतिप्लवन મૂળ શબ્દ અનુવાદમાં વાપર્યા પછી કૌંસમાં ફરી એનો અનુવાદ આપ્યો છે કે दुबारा आकाश में उड़ना. ‘પ્લવન’ શબ્દના બે અર્થ છે કે એક જ, તે સંસ્કૃતના જાણકાર કહી શકે).
વળી આ સાગરમાં નાના ખડકો પણ હતા. હનુમાને એના પર વિશ્રામ કર્યો હતો. (સુંદરકાંડમાં આનો સંકેત આપતી કથા છે. હનુમાન લંકાથી પાછા આવ્યા પછી પોતાનો અનુભવ વર્ણવે છે ત્યારે લંકા જતાં માર્ગમાં સમુદ્રમાંથી મહેન્દ્ર પર્વત નીકળી આવ્યો એવી વાત કરે છે).
રામાયણમાં લંકા અને બીજાં સ્થાનોનાં વર્ણનો આવે છે તે જબલપુરની પાસે આવેલા ઇંદ્રાણ ટેકરીના વિસ્તારને બહુ મળતાં આવે છે.
ડૉ. સાંકળિયા આયરનો મત ટાંકે છેઃ લંકા જેના પર હતી તે ત્રિકુટ ટેકરી એટલે ઇંદ્રાણની ટેકરી. એ ૧૯૩૨ ફુટ ઊંચી છે અને એની ત્રણ બાજુએ હિરણ નદી વહે છે. ઇંદ્રાણ ટેકરીની સામે હિરણના દક્ષિણ કાંઠે સિંગલદ્વીપ નામનું સ્થળ આવેલું છે! શ્રીલંકાનું મૂળ નામ પણ સિંહલદ્વીપ જ હતું આથી નામોની ભેળસેળ થઈ છે, એ સ્પષ્ટ છે. ઇંદ્રાણ ટેકરી પર ચડવાનું માત્ર ઉત્તર તરફથી જ સહેલું છે અને એની સામે દક્ષિણ-પશ્ચિમે એક ટેકરી છે, એ સુવેલની ટેકરી હશે. આ ટેકરી પર રામનું સૈન્ય હતું. યુદ્ધના આગળના દિવસે રામ આ જ ટેકરી પર સૂતા હતા.
રામાયણ પ્રમાણે લંકા કિષ્કિંધા અને પ્રસ્રવણની દક્ષિણે હતી. આ બન્ને સ્થળો નજીક જ હતાં. સુગ્રીવે હજાર માથાવાળા વિંધ્યમાં અને દુસ્તર નર્મદામાં સીતાને શોધવા કહ્યું હતું. કિષ્કિંધા વિંધ્યની દક્ષિણે હતી અને નદી પણ દક્ષિણે જ વહેતી હતી. રામે કે હનુમાને નર્મદા પાર નથી કરી, એ પણ યાદ રાખવાનું છે. રામ પંપા સરોવર પાર કરીને ઋષ્યમૂક પર્વત પાસે સુગ્રીવને મળે છે. રાવણ પણ આ જ સ્થળેથી સીતાને લઈ ગયો હતો. સીતાએ આભૂષણો ફેંક્યાં તે ઋષ્યમૂક પર બેઠેલા વાનરોએ જોયું હતું. આમ, દંડકારણ્યથી સીતાનું અપહરણ કરીને રાવણ જતો હતો ત્યારે કિષ્કિંધા, ૠષ્યમૂક વગેરે સ્થાનો રસ્તામાં આવતાં હતાં.
૧૯૪૦માં પરમશિવ આયરે લંકાના સ્થાનનું નિર્ધારણ કર્યું તેને ડૉ. સાંકળિયા “ઉત્તમમાં ઉત્તમ પ્રયાસ” તરીકે ઓળખાવે છે, પરંતુ અફસોસ કરતાં કહે છે કે વિદ્વાનોનું આના પર ધ્યાન નથી ગયું આ રીતે ઋષ્યમૂક. કિષ્કિંધા અને લંકા, પંપા સરોવર, મહેન્દ્ર પર્વત, પ્રસ્રવણ બધાં સ્થાનો વિંધ્યની દક્ષિણે અને નર્મદાની ઉત્તરે આવેલાં છે.
વાલી અને સુગ્રીવનું યુદ્ધ
આ બે ભાઈઓ વચ્ચેનું યુદ્ધ સાલવનમાં થયું. મધ્ય પ્રદેશના પૂર્વ ભાગમાં છોટા નાગપુરના આદિવાસી વિસ્તારમાં સાલનાં જંગલો છે. રામ-રાવણ યુદ્ધ પણ અહીં જ થયું હશે, કારણ કે રામાયણ કહે છે કે વાનરો પાસે કઈં હથિયાર નહોતાં અને સાલવૃક્ષોને મૂળસોતાં ઊખેડીને મારતા હતા.
‘લંકા’ મુંડા આદિવાસીઓની ભાષાનો શબ્દ છે અને એનો અર્થ ‘બહુ દૂર’ અથવા ‘ટાપુ’ એવો થાય છે. હજી પણ ‘લક્કા’ શબ્દ આ જ અર્થમાં તેઓ વાપરે છે. રામાયણમાં ‘જનસ્થાન’નો ઉલ્લેખ આવે છે તે પણ આ જ રદેશ હશે. અહીં આજે પણ ગોંડ, કોરકુ, બૈગા, મુંડા વગેરે આદિવાસીઓ રહે છે. એમનામાં ‘રાવણ’ નામ પણ રાખવામાં આવે છે. ગોંડ આદિવાસીઓની પેટા જાતિ ધૂર-ગોંડ ‘રાવણવંશી’ કહેવાય છે. લંકામાં હનુમાનને બામ્ધવામાં ચીર, વલ્કલ અને ક્ષૌમ (લીનન) ના દોરાનો ઉપયોગ થયો ક્ષૌમ માત્ર છોટા નાગપુરમાં અને બંગાળમાં થાય છે.
આમ. લંકા પણ નર્મદાની ઉત્તરે મધ્યપ્રદેશમાં જબલપુર પાસેના આ વિસ્તારમાં જ હતી એમ માનવાનાં જોરદાર પ્રમાણો છે.
બીજી બાજુ, રામેશ્વરના ટાપુમાં જંગલ તો શું, ઝાડો પણ નહિવત્ છે. મનારના અખાતમાં કે શ્રીલંકામાં પણ રામ લડાઈની આગલી રાતે જ્યાં રહ્યા એવી કોઈ ટેકરી ઉત્તરમાં નથી.
સેતુનું નિર્માણ
રામાયણમાં વાનરોએ પત્થર, ઝાડ વગેરેથી સેતુ બાંધ્યો એવી કથા છે. પરમ્તુ રામાયણની બે સૌથી પ્રાચીન પ્રતોમાં એનો બહુ ટૂંકો ઉલ્લેખ છે. समुद्रागमनं चैव नलसेतोश्च दर्शनम्. આનો અરર્થ છે કે રામ અને લક્ષ્મણે સમુદ્ર પાસે આવીને નલસેતુ જોયો. ખરેખર તો આ એક ‘નલ’ એટલે કે સાંકડી નાળ પરનો સેતુ હતો. નલસેતુ એટલે નલ વાનરે બનાવેલો સેતુ એવો અર્થ પાછળથી આવ્યો છે.
લંકાની લડાઈમાં વ્યૂહ રચના
યુદ્ધકાંડમાં સૈન્યની ગોઠવણીનું જે વર્ણન છે તે પ્રમાણે રામની છાવણી સુવેલ ટેકરી પર હતી અને લંકા તો ત્રિકુટ પર હતી જ. આ વર્ણન ઇંદ્રાણની ટેકરી સાથે વધારે બંધબેસતું થાય છે. પરંતુ જે વ્યૂહરચના છે તે ત્રિપાંખિયા હુમલા કે રક્ષણની છે જે તટબંધ નગરીની છે. રાવણે ઉત્તરના દરવાજે મોરચો સંભાળ્યો ચે. કદાચ મુખ્ય વ્યક્તિએ ઉત્તરમાં રહેવું જોઇએ એવો નિયમ હોય તો પણ રામ માટે તો એ જરૂરી નહોતું. એ તો ખુલ્લી ટેકરી પર હતા. એમણે પણ રાવણની સામે એવા જ સબળ સેનાપતિઓ ત્રણ બાજુએ ગોઠવ્યા અને રાવણની સામે પોતે ગોઠવાયા. ખરેખર તો એમના માટે લંકા સુધી પહોંચવાનો એક જ રસ્તો હતો! આમ જે વર્ણન છે તે કોઈ નગરને લાગુ પડે છે પરંતુ રામ તો નગરીની વ્યૂહરચના શા માટે કરે? આ પણ કવિની કલ્પના જ છે. કદાચ, કૌશાંબી, અયોધ્યા, પટણા વગેરે નગરોની ફરતે કિલ્લા અને ખાઈ હોવાં જોઈએ, આની જ અસર દેખાય છે
આ ઉપરાંત રાવણના મહેલમાં રંગરાગ, સુરાપાન વગેરે હનુમાને જોયું તે બધું નાગાર્જુન કોંડાનાં શિલ્પોમાં મળે છે. આમ, લંકાની એક નવી જ ભૂગોળ કવિઓની કલ્પનામાંથી પેદા થઈ છે!
આજે આટલું જ. હજી કેટલીક રસપ્રદ વાતો બાકી છે, વાંચતા રહેશો.
Archeology and Ramayana (3)
પુરાતત્વ અને રામાયણ (૩)
મકાનોમાં થાંભલા
રામાયણનાં મકાનોમાં થાંભલા હોવાનાં વર્ણનો પણ છે, એટલે આવાં મકાનોનો ઇતિહાસ જોવાની જરૂર છે. મોહેં-જો-દડોમાં થાંભલાવાળાં મકાનો હોય એવા અવશેષ મળ્યા છે, પણ તે પછીના સમયમાં થાંભલા તરીકે માત્ર ઝાડનાં થડ વપરાતાં એવું જોવા મળ્યું છે. આપણા ઐતિહાસિક કાળમાં પાટલિપુત્રમાં ૨૨૫ થાંભલાવાળાં મકાનનો ઉલ્લેખ છે. આમ. ઈ.પૂ. ૨૦૦-૩૦૦ના અરસામાં પાટલિપુત્રમાં મોટાં સભાગૃહો બંધાયાં. એ પહેલાં ઈરાનમાં પર્સિપોલિસમાં આવાં સભાગૃહો હતાં એનું ત્યાં અનુકરણ કરવામાં આવ્યું હતું.
તે પછી, આંધ્ર પ્રદેશના નાગાર્જુનકોંડામાં થાંભલાવાળાં મકાનોના અવશેષ મળ્યા છે, પરંતુ એક પણ મકાન એક હજાર થાંભલાવાળું નથી મળ્યું. લંકામાં એક હજાર થાંભલાવાળાં ચેત્યગૃહો અને પ્રાસાદો હોવાનું કહેવામાં આવે ત્યારે બે અનુમાન થઈ શકેઃ
એક તો, એ કવિની કલ્પના હોઈ શકે (વાલ્મીકિની નહીં; પછીના કવિની). કવિએ વર્ણનો સાંભળ્યાં હોય અને ઉમેરા કર્યા હોય એવું બને. અથવા બીજું, દક્ષિણ ભારતમાં મદુરૈ, રામેશ્વર જેવાં મંદિરોનાં સભાગૃહોનું એમાંથી પ્રતિબિંબ મળતું હોય એ શક્ય છે. લંકામાં થાંભલા રત્નજડિત હતા. આમ પણ રાજમહેલમાં સોનાનાં વાસણો, સિંહાસનો હોય એ સમજી શકાય છે, પરંતુ થાંભલા પણ રત્નજડિત હોવાથી લંકા સોનાની હતી, એવી લોકવાયકા પ્રસરી. ભારતમાં માત્ર તક્ષશિલા અને મોહેં-જો-દડોમાંથી સોનાની બનેલી મોટી વસ્તુઓ મળી છે. એટલે રામાયણમાં આવતાં વર્ણનો કેટલે અંશે સત્ય હશે તે નક્કી કરવું સહેલું નથી.
પ્રાકાર (કોટ) અને પરિખા (ખાઈ)
સિંધુ સંસ્કૃતિનાં શહેરો હડપ્પા અને કાલીબંગનમાંથી કાચી માટીની ઈંટના કિલ્લાના અવશેષો મળ્યા છે. સિંધમાં કોટડીજી અને મકરાણ પાસે તેમ જ કચ્છમાં સુરકોટડામાંથી પથ્થર અને માટીના કોટ મળ્યા છે. ભારતની બહાર સુમેર (હાલનું ઇરાક)માં કોટ અને ખાઈવાળાં નગરો હતાં. એ ઓછામાં ઓછાં ૩૦૦૦ વર્ષ જૂનાં હશે.
આમ ભારતમાં કોટ અને ખાઈવાળાં નગરો તો હતાં જ પણ લંકાની વાત કરો તો, એ સમુદ્રમાં ટેકરી પર હતી. એની ફરતે કિલ્લો હતો. પરંતુ સમુદ્રની વચ્ચે આવેલી ટેકરી પર ખાઈ બનાવવી સહેલી નથી. સાંકળિયા સાહેબના શબ્દોમાં – “આ એક જ દૃષ્ટાંત પરથી આપણને સહજ થાય કે કવિએ પોતાના શ્રોતાજનો અને વાચક વર્ગના મન ઉપર લંકાની અભેદ્યતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમ કરવા જતાં વાસ્તવિકતાની બધી હદો વટાવી દીધી છે”.
કિષ્કિન્ધા નગરી
કિષ્કિન્ધાકાંડમાં છૂટું છવાયું પાંચ-છ જગ્યાએ નગરીનું વર્ણન મળે છે. એ ઋષ્યમૂક પર્વતની એક ગુફામાં હતી અને એમાં હર્મ્ય, પ્રાસાદ અને શિખરવાળાં મકાનો હતાં. ગલીઓ અને રસ્તાઓ હતાં, રસ્તાઓની બન્ને બાજુ ફૂલઝાડો હતાં. ગુફા ગમે તેટલી મોટી હોય, એમાં ઊંચાં શિખરોવાળાં મકાનો ન જ બની શકે. આમાં કવિની કલ્પના જ કામ કરી ગઈ છે, તેમ છતાં એમાંથી આપણે સત્ય શોધવાનો પ્રયત્ન કરીએ.
એક સમયે ભારતમાં માણસ ગુફાઓમાં વસતો. પશ્ચિમમાં ભોપાલથી માંડીને પૂર્વમાં મિર્ઝાપુર સુધી આવું જોવા મળે છે ભોપાલ પાસે ભીમબેટકાની વિશાળ ગુફામાં દીવાલો પર ચિત્રો બનાવેલાં છે. આના પરથી આપણે કહી શકીએ કે અહીં ઓછામાં ઓછાં પાંચ હજાર વર્ષથી માનવવસ્તી રહી છે. આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં પણ ઘણી જગ્યાએ ભિત્તિચિત્રોવાળી ગુફાઓ મળી છે. ખડકોથી બનેલી ગુફાઓમાં માનવ વસતો એના તો ઘણા પુરાવા છે. પરંતુ આવા નિવાસોને નગર કે શહેર તો ન જ કહી શકાય. આમ કિષ્કિન્ધા કવિની કલ્પનાનું જ સર્જન હોઈ શકે. પરંતુ મૂળ સ્થિતિ શી હતી?
રામે જ્યારે વાલિને માર્યો ત્યારે એ ઘાયલ થઈને પડે છે અને રામને કહે છેઃ
वयं वनचरा राम मृगा मूलफलाशिनाः
एषा प्रकृतिरस्माकं पुरुषस्त्वं नरेश्वर (४.१७.२६)
(નોંધઃ અહીં પાઠભેદ છે. ગીતા પ્રેસ, ગોરખપુર દ્વારા પ્રકાશિત સંવત ૨૦૫૯ એટલે કે ૨૦૦૩ની દાક્ષિણાત્ય પાઠની ૨૫મી હિન્દી આવૃત્તિમાં આ ૩૦મો શ્લોક છે).
આનો અર્થ છેઃ હે રામ, અમે વનચર, કંદમૂળ અને ફળો ખાઈને રહેનારા. આ અમારી પ્રકૃતિ છે, તમે પુરુષ (મનુષ્ય) છો. (આપણા વચ્ચે વેર કેમ હોય?)
આમ, સમૃદ્ધ નગરીનાં વર્ણન છતાં, આદ્યકવિએ કહેલું સત્ય પ્રગટ થઈ જાય છે કે વાનર જાતિ વનવાસી હતી અને ફળમૂળ ખાઈને રહેતી.
રામાયણમાં આવતાં નગરોનાં વર્ણન અતિશયોક્તિભર્યાં છે અને આ અતિશયોક્તિ દૂર કરો તો જે કઈં રહે છે તે ઈ.સ. ની શરૂઆતનાં નગરોનાં વર્ણનો છે. ગોપુર આ વર્ણનોને ઈસુના આઠ-દસમા સૈકામાં લાવી મૂકે છે. ડૉ. સાંકળિયા કહે છે કે “…જૂનામાં જૂની નેપાલી પ્રત ઈ. સ.૧૦૨૮ની છે. એટલે ૧૧મી સદી સુધી અને પછી પણ રામાયણ, મહાભારતમાં ઉમેરો થતો જ ગયો. જ્યારે જૂનામાં જૂનો ઉલ્લેખ ગ્રામોના પ્રારંભકાળનો હોય તો એ ઈ. સ. પૂર્વે ૧૦૦૦-૧૫૦૦નો હોઈ શકે”.
હવે આગળ જતાં લંકા ક્યાં હતી તે વિશે ડૉ. હસમુખ સાંકળિયાના વિચારો જોઈશું.
Archeology and Ramayana (2)
પુરાતત્વ અને રામાયણ (૨)
ડૉ. સાંકળિયા જુદા જુદા વિદ્વાનોના મત ટાંકીને કહે છે કે રામાયણમાં બે સ્થળે રામની વંશાવળી આપી છે. બન્નેમાં થોડો ફેર હોવાથી કાલનિર્ણય માટે એનો આધાર લઈ શકાય એમ નથી. રામાયણ પ્રમાણે ઇક્ષ્વાકુ વંશમાં ૩૩ કે ૩૫ રાજાઓ થઈ ગયા, પરંતુ પુરાણોને લો તો એમાં રામ સુધીના ૬૩ રાજાઓની યાદી છે. આ તફાવત તો બહુ મોટો થયો. આને કારણે કોઈ વિદ્વાન રામનો કાળ ઈ.પૂ. ૧૫૦૦ જણાવેછે, તો કોઈ ઈ.પૂ. ૨૩૫૦-૧૯૦૦ માને છે. એક વિદ્વાન રામનો સમય ઈ.પૂ. ૧૪૫૦ માને છે.
પુરાતત્વની દૃષ્ટિએ આ વંશાવળીની બહુ જરૂર નથી. આપણે જાણીએ છીએ કે રામ દશરથના પુત્ર હતા અને એમના સમકાલીન હતા, જનક સિરધ્વજ વિદેહ. આ ઉપરાંત અંગદેશના લોમપાદક અને વૈશાલીના સુમતિ પણ એમના સમકાલીન હતા. આ જ સમયે કોસલ દેશમાં કૌસલ્યાના પિતા અશ્વપતિ રાજ્ય કરતા હતા. આ ઉપરાંત કોશામ્બી અને મહોદય (કાન્યકુબ્જ) રાજ્યો પણ હતાં.
હવે બૃહદારણ્યક ઉપનિષદના રાજા જનક અને સીતાના પિતા જનક એક જ હોય તો, આ ઉપનિષદનો રચનાકાળ ઈ. પૂ. ૬૦૦-૮૦૦થી વધારે જૂનો નથી. આ જોતાં શ્રી રામ અથવા રામાયણની કથાનું મૂળ એના કરતાં જૂનું ન હોય. આથી રામ, સીતા, જનક, દશરથવગેરેનો કાળ ઈ.પૂ. સાતમા-આઠમા સૈકામાં મૂકી શકાય.
પુરાતત્વની દૃષ્ટિએ આ અનુમાન યોગ્ય મનાય કારણ કે “ છેલ્લાં ૨૦ વર્ષમાં બહુ નહીં પણ એક મહત્વનો પુરાવો મળવા લાગ્યો છે.” ( અહીં “૨૦ વર્ષ પહેલાં” એટલે ૧૯૫૦ નો અરસો સમજવું).
રામાયણનાં નગરો
આ પુરાવો એટલે રામાયણમાં વર્ણિત નગરો વિશે મળેલી માહિતી. બાલકાંડમાં વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને લઈને પોતાના આશ્રમ તરફ જતા હોય છે ત્યારે માર્ગમાં વૈશાલી, કૌશમ્બી, મિથિલા વગેરે નગરો આવે છે. આ ઉત્તર પ્રદેશ અને બિહારનાં સૌથી જૂનાં નગરો છે અને ત્યાં પુરાતત્વીય ખોદકામ થયું છે, એનાં તારણો મુજબ કૌશામ્બીમાં માનવ વસ્તીની શરૂઆત વહેલામાં વહેલી ઈ.પૂ. ૧૦૦૦ની આસપાસ થઈ હશે. ખોદકામ દરમિયાન સૌથી નીચલા થરે ખાસ પ્રકારનાં ઠીકરાં મળ્યાં છે. વાસણ અંદર-બહાર લાલ પકવેલાં છે અને એના પર કાળા રંગે ચીતરામણ હોવાનું પણ જણાય છે, પરંતુ ટુકડા બહુ નાના હોવાથી ચીતરામણ કેવું હશે, અથવા તો વાસણનો આકાર શો હશે તે જાણી શકાયું નથી. આમ છતાં એમ લાગે છે કે એ થાળી-વાડકા હોવાં જોઇએ, અને તે પણ (પડઘીવાળાં) સાદાં નહીં, નીચે નાની પોકળ કે નક્કર નળી રહેતી. આવાં બેઠકવાળાં વાસણો હતાં.
આ થરથી ઉપરના થરમાંથી ઝાંખાં, ભૂખરા, રાખોડી રંગનાં વાસણો મળ્યાં છે. આનો સમય ઈ.પૂ. ૪૦૦નો જ હોય આને બહુ બહુ તો બીજાં ચારસો વર્ષ પાછળ લઈ જઈ શકાય એટલે કે ઈ.પૂ. ૮૦૦ સુધી. પરંતુ આ વાસણો એનાથી જૂનાં તો નહીં જ. આમ, કૌશામ્બીમાં સૌથી નીચલો થર ઈ.પૂ. ૧૦૦૦-૧૨૦૦ કરતાં જૂનો નથી. વૈશાલીમાં ખોદકામ થયું તેમાં પણ ઈ.પૂ. ૪૦૦-૫૦૦ કરતાં જૂની વસ્તુઓ નથી મળી. મિથિલામાં બરાબર ખોદકામ થયું નથી, પરંતુ ત્યાંથી પણ આવાં ભૂખરા રાખોડી રંગનાં (એટલે કે ઈ.પૂ. ૪૦૦-૫૦૦ના અરસાનાં) ઠીકરાં મળ્યાં છે.
આ સાથે જ, સાંકળિયા સાહેબ વાચકોનું એ વાત તરફ ધ્યાન દોરે છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં કૌશામ્બી અને હસ્તિનાપુર કરતાં પણ વધારે પ્રાચીન સમયના અવશેષો મળ્યા છે. ત્યાં માનવ સંસ્કૃતિનો વિકાસ આજથી સાડાત્રણ હજાર વર્ષ પહેલાં થયો હોવાના સંકેત છે. ગંગા-જમનાના મેદાનમાંથી પણ ચાર હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા છે.
રામાયણનાં નગરોનું વર્ણન
રામાયણમાં માત્ર અયોધ્યા, લંકા અને કિષ્કિન્ધા નગરીઓનાં વર્ણન વિગતે આપ્યાં છે. આમાં પણ અયોધ્યા અને લંકાનાં વર્ણનોમાં અમુક સામ્ય પણ છે, અને તે એટલે સુધી કે આપણને એમ જ લાગે કે કવિએ લંકાને જોયા વિના જ અયોધ્યાનું વર્ણન એને લાગુ કરી દીધું છે.
અયોધ્યા દસ યોજન લાંબી અને બે યોજન પહોળી નગરી છે, જ્યારે લંકા ત્રીસ યોજન લાંબી છે. ઉત્તરકાંડમાં તો લંકા એકસો યોજન લાંબી દર્શાવી છે. લંકા સમુદ્રમાં એક ટેકરી પર વસેલી છે, એની ફરતે એક પરિખા (ખાઈ) અને કિલ્લો હતાં. પરિખામાં શસ્ત્રો રાખવામાં આવતાં. કિલ્લાની દીવાલ સોનાની હતી અને એક વિશાળ સૈન્ય એનું અગ્ન્યાસ્ત્રોથી રક્ષણ કરતું. અગ્ન્યાસ્ત્રોમાં ખાસ એકનું નામ શતઘ્ની (એકસોનો વધ કરનાર) છે.
નગરોને દ્વારો અને એમાં ગોપુરો (દરવાજા) બનેલાં હતા અને કેટલાય માર્ગો પણ હતા. જો કે, અયો્ધ્યામાં એક જ માર્ગનું વર્ણન આવે છે. બીજી બાજુ કિષ્કિન્ધામાં ઘણા રસ્તા હતા.રસ્તાની બન્ને બાજુએ ઘરો કતારબંધ હતાં અને રસ્તા ધૂળિયા હોવાથી એના પર પાણી છાંટવામાં આવતું હતું. અયોધ્યામાં તો રાતે રસ્તા પર દીવા પણ મુકાતા. મકાનો ગૃહ, ભવન, હર્મ્ય, પ્રાસાદ અને વિમાનો તરીકે ઓળખાતાં. ગૃહ અને ભવન સામાન્ય નાગરિકો માટે હતાં અને હર્મ્ય, પ્રાસાદ અને વિમાન રાજકુટુંબ અને મંત્રીઓ માટે હતાં. આ ત્રણમાં પણ હોદ્દા પ્રમાણે ફરક તો થતો જ હશે અને એમની રચના, સુશોભન વગેરે પણ જુદાં પડતાં હશે, પરંતુ એની વિગતો મળતી નથી. આ પ્રાસાદો, હર્મ્યો અને વિમાનોનાં વર્ણનો સામાન્યપણે તો બહુ ઉત્તમ પ્રકારનાં છે. પરંતુ ધ્યાનથી વાંચતાં જણાઇ આવે છે કે કવિને એનો સ્પષ્ટ ખ્યાલ નહોતો –ખાસ કરીને વિમાન વિશે.
વિમાન શબ્દ ઓછામાં ઓછા બે અર્થમાં વપરાયો છે. એક તો, આપણે સમજીએ છીએ તે સામાન્ય અર્થ અને બીજો અર્થ છે, ઊંચો મહેલ. આ પ્રાસાદોમાં મોટા ચોક પણ હતા. વસિષ્ઠ જ્યારે દશરથને મળવા આવ્યા ત્યારે એમણે ત્રણ કક્ષાઓ પાર કરી એમ રામાયણ કહે છે. રાવણના પ્રાસાદમાં તો હાથી ઘોડા, રથ અને સૈનિકો પણ રહેતા. આ મહેલ એક યોજન લાંબો અને અડધો યોજન પહોળો હતો. કુંભકર્ણનો મહેલ બે યોજનનો હતો (એની વિશાળ કાયાને ધ્યાનમાં લઈને જ આ અતિશયોક્તિ કરાઈ હશે).
આ પ્રાસાદો, હર્મ્યો કે વિમાનો એટલાં જ ઊંચાં પણ હતાં, વળી એમની ફરતે પણ ખાઇ બનાવાતી અને તોરણો બનાવાતાં, જે ઝરઝવેરાતનાં હતાં. વળી અંદર જ તળાવો, ક્રીડાવનો પણ હતાં.
નગરવર્ણનમાં તથ્ય
આ વર્ણનો આદ્ય કવિની કલ્પના છે કે એમાંથી કઈં તથ્ય હાથ લાગી શકે છે? એકનાં એક વર્ણનો સમજ્યા વગર આપ્યાં હોય એમ તરત જ સમજાઈ જાય એમ છે. ખરેખર તો આદ્ય કવિની કૃતિમાં નવા કવિઓ ઉમેરા કરતા ગયા પણ એમણે જોયું નહીં કે મૂળ વર્ણન સાથે એનો મેળ છે કે કેમ? એક જ દૃષ્ટાંત લઈએઃ
દશરથનું રાજકુટુંબ પ્રાસાદોમાં રહેતું હતું એમ જણાવેલું છે. આ પ્રાસાદો કેવી રીતે બનાવેલા હતા, એમાં ઈંટ. પત્થર કે માટી, શાનો ઉપયોગ થયો તેની કશી જ માહિતી નથી.
હવે, આ ઘટના જૂઓ. રામ વનમાં જવા તૈયાર થઈ ગયા છે અને કૌસલ્યા માતાની રજા લેવા જાય છે. રામનો તો બીજા દિવસે રાજ્યાભિષેક થવાનો હતો, તેને બદલે વનવાસ? કૌસલ્યા બેભાન થઈને ઢળી પડ્યાં અને એમનાં વસ્ત્રો ફરસની માટીથી ખરડાઈ ગયાં. પ્રાસાદ બહુ ઊંચો, મોટો હોય અને ઈંટ કે પથ્થરથી બન્યો હોય તો એની ફરસ પણ ઈંટની જ હોય. એમાં માટી કેમ હોય? (આ દેખાડે છે કે મૂળ કથામાં કૌસલ્યાનું ઘર નાનું અને લીંપણવાળું જ હતું. પાછળના કવિઓએ એ કાચી ભૂમિ પર પોતાની કલ્પનાથી મહેલ ખડો કરી દીધો!)
બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ખોદકામ દરમિયાન માટીનાં ઘરો અને એમની ચૂનાથી ધોળેલી દીવાલોના અવશેષ મળ્યા છે. ઈંટનાં મકાનો મોહેં-જો-દડો, લોથલ વગેરે સિંધુ સંસ્કૃતિ (હડપ્પાની સંસ્કૃતિ)માં મળ્યાં છે. ગામડાંઓમાં તો ચૂના-માટીનાં મકાનો આજે પણ બને છે. રામાયણમાં આનો સંકેત આપતા ઉલ્લેખો હોવાથી અહીં એનો ઉલ્લેખ કર્યો.
વર્ણનોની છણાવટ
ડૉ. સાંકળિયા હવે સાવચેતીના સુરમાં પુરાતત્વની પણ મર્યાદા જણાવે છે. એમનું કહેવું છે કે હજુ પણ ભારતમાં પ્રાચીન નગરોનું વિસ્તારપૂર્વક ઉત્ખનન નથી થયું. (એમણે આ વાત ૧૯૭૩માં લખી છે, પરંતુ હજી સ્થિતિમાં ખાસ ફેરફાર નથી થયો). આ કારણે મૌર્ય, શુંગ, કુષાણ કે ગુપ્ત સમયમાં, ઈ.પૂ. ૩૫૦ના અરસામાં નાગરિકોનાં ઘરો કેવાં હતાં એ સ્પષ્ટપણે કહી શકાતું નથી. આમ છતાં, તક્ષશિલા, કોલ્હાપુર, નાગાર્જુનકોંડા,નાલંદા વગેરે પાસે થયેલાં ખોદકામોમાં નાનાં, મોટાં મકાનો મળ્યાં છે. એમાં મકાનોની અંદર ચોક પણ છે. આવાં મકાનો મોહેં-જો-દડોમાં મળ્યાં છે.
આમ રામાયણમાં ચોકવાળાં (આંગણવાળાં) મકાનોનું વર્ણન સાચું છે, પરંતુ એમાં એટલી બધી અતિશયોક્તિ છે કે સત્ય શોધવા જતાં ઘણા પ્રશ્નોના જવાબ શોધવા પડે એમ છે. દાખલા તરીકે, વસિષ્ઠ મુનિ દશરથને મળવા ગયા ત્યારે રથમાં બેસીને ગયા હતા. આનો અર્થ એ કે વિશાળ વાડાઓમાં પ્રાસાદો બંધાતા. પરંતુ સવાલ એ છે કે આવા વિશાળ વાડાઓ કયા યુગમાં હતા? વળી પ્રાસાદો સાત-આઠ માળ ઊંચા હતા. આટલાં ઊંચાં મકાનો હજારો વર્ષ સુધી તો ટકે જ નહીં એ સ્વાભાવિક છે. જો કે મોહેં-જો-દડોમાં મળેલાં મકાનોમાં ઊપર માળ હોય એવા સંકેત મળ્યા છે, બીજી બાજુ સાંચી, ભારહુતના સ્તુપો પરનાં કોતરકામો પરથી એ વખતે બે-ત્રણ માળવાળાં મકાનો હશે, એમ કહી શકાય (કલાકારોએ જોયાં હશે).
રામાયણનાં મકાનોમાં તો બારીઓ પણ છે અને અટારીઓ પણ છે (ઉપર જવા માટેની સીડીનાં વર્ણન નથી!).આમ છતાં ઈ.સ. પૂર્વે ૧૫૦૦, ૧૦૦૦ કે છેવટે ૫૦૦ વર્ષ પહેલાં પણ ભારતમાં અને ખાસ કરીને અયોધ્યા, વૈશાલી. કૌશામ્બી વગેરે શહેરોમાં પણ આવાં મકાનો હતાં, એમ કહેવા માટે કોઈ પુરાવો નથી. (આવાં મકાનોની કલ્પના તે પછીના કાળમાં મૂળ કથામાં થયેલા ઉમેરા સૂચવે છે).
આજે આટલું જ; હજી નગરરચના અને મકાનો વિશેની ચર્ચા આપણે ત્રીજા ભાગમાં પણ ચાલુ રાખીશું.
Archeology and Ramayana (1)
પુરાતત્વ અને રામાયણ (૧)
આજથી હું નવી લેખમાળા શરૂ કરૂં છું: ‘પુરાતત્વ અને રામાયણ’. ખરેખર તો, આ જાણીતા પુરાતત્વશાસ્ત્રી ડૉ. હસમુખભાઈ સાંકળિયાનું પુસ્તક છે અને હું એ પુસ્તકનો પરિચય આપવા માગું છું. ગુજરાત વિદ્યાપીઠે ૧૯૭૩માં આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આજે એ ઉપલબ્ધ હોય તો વસાવવા જેવું પુસ્તક છે.
રામનું નામ આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયું છે અને તે એટલી હદે કે રામનું નામ ભગવાનનો પર્યાય બની ગયું છે. જેમ “હે ભગવાન, આ શું થયું?’ એમ કહીએ છીએ તેને બદલે “હે રામ, આ શું થયું?” પણ કહેવાય છે. આ નામ ભાષામાં પણ પ્રયોજાતું રહ્યું છે – “રામ રમી ગયા”, આવકાર માટે “રામરામ”, “રામ રાખે તેને કોણ ચાખે”, બોલો, પંચો રામ…રામ” વગેરે અનેક રીતે રામનું નામ આપણા જીવનમાં અંગરૂપ બની ગયું છે. ગાંધીજી રામ ઐતિહાસિક વ્યક્તિ છે કે નહીં તે કડાકૂટમાં પડ્યા નથી. એમને મન હૈયામાં વસે છે તે રામ. ગાંધીજી દશરથપુત્ર રામની વાત નથી કરતા. આમ રામ અમૂર્ત પણ બની ગયા છે.
અહીં રામની નહીં – રામાયણની રચના, એના સ્વરૂપ વિશે સાહિત્યિક દૃષ્ટિએ અને પુરાતત્વની દૃષ્ટિએ ચર્ચા કરી છે. રામાયણનો અભ્યાસ ઘણી રીતે થયો છે. કોઈ એને મહાકાવ્ય માને છે, તો કોઈ એને ઐતિહાસિક ગ્રંથ માને છે. મુખ્યત્વે તો અહીં હું આ પુસ્તકના આધારે જ લખું છું. કૌંસમાં આપેલી ટિપ્પણીઓ મારી છે) ચાલો, જોઇએ, ડૉ. સાંકળિયા શું કહે છે તેઃ
૦-૦-૦-૦
રામાયણ વિશે સામાન્ય ધારણા એવી છે કે વાલ્મીકિ રચિત આ આદિકાવ્ય હજારો વર્ષ જૂનું છે. સામાન્ય જનતા એમ પણ માને છે કે આ કૃતિમાં બહુ ફુગાવો નથી થયો. આવી ધારણા ૧૮૭૦ સુધી રહી, પરંતુ તે પછી, પહેલાં જર્મન વિદ્વાન વેબર, અને એમના પછી યાકોબીએ દર્શાવ્યું કે એમાં મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. તે પછી તો અનેક પાશ્ચાત્ય અને ભારતીય વિદ્વાનોએ આ દિશામાં કામ કર્યું છે. બીજી બાજુ, શ્રી રામાસ્વામી શાસ્ત્રી જેવા વિદ્વાન માને છે કે રામાયણ પાંચ હજાર વર્ષ જૂનું છે. આ બધાં પુસ્તકો અમુક અંશે સાહિત્યની દૃષ્ટિએ, એટલે કે ઘટનાઓ અને ભાષા વગેરેના આધારે લખાયાં છે, તો થોડાં સંસ્કૃતિની દૃષ્ટિએ અને જૂજ પુસ્તકો પુરાતત્વની દૃષ્ટિએ લખાયાં છે. શ્રી આનન્દ ગુરુગે તો માને છે કે ભારતમાં પુરાતત્વનો એટલો વિકાસ નથી થયો કે એના આધારે કઈં નિર્ણય કરી શકાય.
બીજી બાજુ, સાંકળિયા સાહેબનો પ્રયાસ રામાયણનો અભ્યાસ પુરાતત્વની દૃષ્ટિએ કરવાનો છે. જો કે શ્રી ગુરુગેએ સાહિત્યની દૃષ્ટિએ કરેલા કાળ વિભાજનની તેઓ પ્રશંસા કરે છે. આના પ્રમાણે રામાયણની કથાને મુખ્ય ચાર કે છ સમયખંડ અથવા થરમાં વહેંચી શકાય. રામાયણની કથામાં ઉમેરા થયા તેના થર આ પ્રમાણે છેઃ
૧. પ્રારંભિક અવસ્થામાં રામ વિશે લોકગીતો અને લોકવાર્તાઓ હશે.
૨. તે પછી વાલ્મીકિએ એમનું સંકલન કર્યું, જેમાં ૧૨,૦૦૦ શ્લોક હતા (હશે).
૩. આ રામાયણના છ અધ્યાય હતા, તેના છ કાંડ અને સર્ગ બન્યા અને એમાં જુદા જુદા છંદોવાળા શ્લોકો ઉમેરાયા.
૪.હવે નૈસર્ગિક વર્ણનો અને ચમત્કારોનો ઉમેરો થયો અને એની ત્રણ અલગ પ્રતો બની. (એટલે કે જુદા જુદા પ્રદેશોમાં થોડા ફેરફાર સાથે ત્રણ કથા સંકલિત અને પ્રચલિત થઈ).
૫. સૌથી છેલ્લે બાલકાંડમાં પારંપરિક વૃત્તાંતો અને છેલ્લે ઉત્તરકાંડનો ઉમેરો થયો. નવી અનુક્રમણિકા અને વાલ્મીકિને સ્ફુરણા થઈ, વગેરે પણ આ કાળમાં ઉમેરાયું.
૬. તે પછીના કાળમાં બહુ નજીવો ઉમેરો થયો અને આવા ભાગોને વિદ્વાનોએ પ્રક્ષિપ્ત માન્યા છે.
પહેલો કાળ, અથવા પહેલો થર, ઈ.પૂ. ૩૦૦થી ૭૦૦નો (આજથી ૨૩૦૦થી ૨૭૦૦ વર્ષ પહેલાં) માનવામાં આવે છે. આનું કારણ એ કે એમાં બુદ્ધ, બૌદ્ધ ધર્મના સંકેતો નથી મળતા, અને પાટલિપુત્રનો ઉલ્લેખ નથી. (બુદ્ધના વખતમાં કોસલ પ્રદેશની રાજધાની સાકેત તરીકે ઓળખાતી હતી, એટલે અયોધ્યાની વાત એનાથી જૂની છે). બીજો થર ઈ.પૂ. ૩૦૦ની આસપાસનો માનવામાં આવે છે, કારણ કે પાણિનીએ રામાયણ કે એના પ્રસંગોનો ઉલ્લેખ નથી કર્યો. (પાણિની રામાયણની રચનાથી પહેલાં થઈ ગયા હશે).
ત્રીજો થર ઈ.પૂ.૩૦૦થી ઈ.સ.૧૦૦નો માની શકાય, કારણ કે બૌદ્ધ સાહિત્યમાં રુદ્રદામાના જૂનાગઢના શિલાલેખોમાં જે કાવ્યમય રચના જોવા મળે છે તેના કરતાં રામાયણની રચના પ્રાચીન જણાય છે.
રામાયણની પ્રતોના ભૌગોલિક વિભાગો
ચોથા થરમાં, ઈસુની પહેલી અને બીજી શતાબ્દી પછીના ગાળામાં રામાયણની પ્રતોના ભૌગોલિક વિભાગો થયા એમ વિદ્વાનો માને છે. પાંચમા થરમાં શિવ, વિષ્ણુનાં માહાત્મ્ય વધારતા ભાગો ઉમેરાયા. આ જ અરસામાં બાલકાંડ અને ઉત્તરકાંડમાં રામને વિષ્ણુનો અવતાર તરીકે વર્ણવતા ભાગો દાખલ થયા.
છેલ્લા થરમાં શ્લોક-છંદની ઉત્પત્તિ વગેરે આખ્યાનો અને અનુક્રમણિકા ઉમેરાયાં. આ થરનો ગાળો ઈસુનો સાતમો સૈકો મનાય છે, કારણ કે આજના વિયેતનામના અન્નામ શહેરમાં આવેલા ત્રા-કિન નામના મંદિરમાં સાતમા સૈકાના એક સંસ્કૃત અભિલેખમાં આનો ઉલ્લેખ મળે છે. આ લેખમાં વાલ્મીકિની મૂર્તિ અને મંદિરોનો ઉલ્લેખ છે. આ મંદિર રાજા પ્રકાશાદિત્યના વખતમાં ઈ.સ. ૬૫૭ આસપાસ બંધાયું હતું.
આમ છેક સાતમા સૈકા સુધી રામાયણમાં ઉમેરા થતા રહ્યા છે. પરંતુ, એની રચના મહાભારતથી એકાદ સદી પહેલાં થઈ એ નક્કી છે, કારણ કે એમાં એક અપવાદ સિવાય કૃષ્ણનો ઉલ્લેખ સુદ્ધાં નથી. (જે એકમાત્ર ઉલ્લેખ છે તેને પાછળના સમયનો ઉમેરો ગણાવી શકાય).
રામાયણનો કાળ પુરાતત્વની દૃષ્ટિએે
ડૉ. સાંકળિયા લખે છે કે સાહિત્યની દૃષ્ટિએ કરાયેલા આ કાળ વિભાજનની પુરાતત્વની મદદથી પુષ્ટિ કરી શકાય એમ છે. પુરાતત્વની રીતે જોઈએ તો રામાયણની મૂળ કથાનો સમય ઈ.પૂ. ૧૦૦૦થી ૮૦૦ વર્ષનો ગણી શકાય. આ ઉપરાંત રામાયણના કથાનકનું મૂળ (એટલે કે બીજ રૂપ સામગ્રી)આજથી ત્રણ હજાર કે સાડાત્રણ હજાર વર્ષ કરતાં વધારે દૂર મૂકી શકાય એમ નથી, કારણ કે આ સમય પહેલાં અયોધ્યા, મિથિલા. કોશામ્બી, મહોદય (કાન્યકુબ્જ) વગેરે નગરો તો ઠીક, ગામો પણ અસ્તિત્વમાં નહોતાં.
રામાયણની પ્રતો
આપણે એમ માનીએ છીએ કે રામાયણની કથા આખા દેશમાં એકસરખી જ છે. પરંતુ એવું નથી. એની ત્રણ પ્રતો છે અને દરેકમાં પાઠફેર છે. જો કે મુખ્ય કથામાં કઈં ફેરફાર નથી થયા. (પરંતુ પ્રસંગો અથવા પ્રસંગોના નિરૂપણમાં તફાવત છે). વિદ્વાનો માને છે કે એક આદ્ય રામાયણ હતી, જેના વિશે આપણે જાણતા નથી.આમાંથી બે શાખાઓ ફૂટીઃ (૧) દાક્ષિણાત્ય અને (૨) ઔત્તરીય. આ બીજી શાખાના પણ બે ફાંટા પડ્યાઃ વાયવ્ય અને બંગાળ. આપણે જાણતા નથી તે આદ્ય રામાયણ જ મૂળ વાલ્મીકિ રચિત રામાયણ છે.વાયવ્ય પરંપરા પર દાક્ષિણાત્ય પરંપરાની ભારે અસર છે.
પુરાતત્વની મર્યાદા
સાંકળિયા સાહેબ કહે છે કે રામાયણની આવૃત્તિઓનું સંપાદન કાર્ય થયું છે, પરંતુ એમણે કેટલાક પ્રસગો કાઢી નાખ્યા છે, પણ એ જ પ્રકારના બીજા પ્રસંગો રહેવા દીધા છે. કોઈ પ્રસંગ ઉચિત છે કે નહીં તે નક્કી કરવાનું કામ સંપાદકોનું નથી. પુરાતત્વશાસ્ત્રીઓ પોતાના અભ્યાસના આધારે અમુક અંશે કાલનિર્ણયની પ્રક્રિયા દ્વારા એ નક્કી કરવામાં મદદ કરી શકે, પરંતુ પુરાતત્વ શાસ્ત્રીનું જ્ઞાન પણ મર્યાદિત અને ત્રુટિપૂર્ણ જ છે. આના પછી હું એમના જ શબ્દો ટાંકીશ, કારણ કે એક વૈજ્ઞાનિક આત્મનિષ્ઠ નથી હોતો પણ સત્યનિષ્ઠ હોય છે એનું આ શબ્દો જ્વલંત ઉદાહરણ છેઃ “ પુરાતત્વવિદ્ની માન્યતાઓ પણ ઉપલબ્ધ પુરાવાઓ ઉપર જ આધારિત હોય છે. અને જો આ પુરાવો બદલાય તે પ્રમાણે એનાં મંતવ્યો બદલવાને એણે તૈયાર રહેવું જોઈએ…” (આ અંગે એક રસપ્રદ મુદ્દો છે તે હું લેખમાળાના અંતે જણાવીશ).
આજે બસ, આટલું જ. હજી ઘણી રસ પડે એવી વાતો છે તે આગળ જતાં જોઈશું.