Gujarati translation of GLOBAL WARMING IN THE INDIAN CONTEXT

“ભારત અને ગ્લોબલ વોર્મિંગ” – કલાયમેટ ચેઈન્જ વિશેની ગુજરાતી પુસ્તિકા ‘પર્યાવરણ મિત્ર’ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે

કલાયમેટ ચેઈન્જની અસરો આપણે સૌ જુદા-જુદા સ્વરૂપે અનુભવી રહ્યા છીએ. વિશ્વભરમાં કલાયમેટ ચેઈન્જની અસરો ખરાબ રીતે દેખાઈ રહી છે, આપણે જાણીએ છીએ તેમ, COVID-19 એ મૌસમ પરિવર્તનના સંકટને અટકાવ્યું નથી. લોકડાઉન દરમિયાન સુધરેલા વાતાવરણમાં ઉત્સર્જનનું સ્તર ફરીથી વધી રહ્યું છે. આ સ્થિતિમાં, આબોહવા સંકટને લગતી માહિતી લોકો સુધી સ્થાનિક ભાષામાં પહોચાડવાની તાતી જરૂર છે.

આ પુસ્તિકામાં ગ્લોબલ વોર્મિંગના વૈજ્ઞાનિક કારણો, ભારતના વિવિધ ભાગોમાં તેના મુખ્ય પ્રભાવો,મૌસમ પરિવર્તન અંગેનું રાજકારણ અને ભવિષ્ય માટેના કેટલાક સૂચનો આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તિકા મુખ્યત્વે કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ-શિક્ષકો, જાગૃત યુવાનો, સામાજિક કાર્યકરો અને અન્ય રસ ધરાવતા સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને લખાઈ છે.

આ પુસ્તિકાની માહિતી આપને ઉપયોગી થશે તેવી આશા છે. આપ આ પુસ્તિકા આપને યોગ્ય લાગે તેવા રસ ધરાવતા વ્યકિત અને સંસ્થાઓને વિના સંકોચે મોકલી શકો છો.

ભારત અને ગ્લોબલ વોર્મિંગ પુસ્તિકા અહીં ઉપલબ્ધ છે. ક્લિક કરો – https://paryavaranmitra.org.in/publications/

આભાર,

મહેશ પંડયા

Paryavaran Mitra
502,Raj Avenue,Bhaikaka Nagar Road,
Thaltej Cross Roads,
Ahmedabad 380059,
Gujarat, INDIA
Phone : +91-79-26851321
E-mail: paryavaranmitra@yahoo.com

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-5

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫: કોંગ્રેસ સત્તા સંભાળે છે અને છોડે છે

કોંગ્રેસે ચૂંટણી જીતી ગયા પછી પણ નક્કી નહોતું કર્યું કે સત્તા સંભાળવી કે કેમ. જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને ડાબેરી કોંગ્રેસીઓ સત્તા હાથમાં લેવાથી વિરુદ્ધ હતા. એમનું કહેવું હતું કે સત્તા સંભાળ્યા પછી આંદોલનો ન થઈ શકે અને કોંગ્રેસ આંદોલન કરે તો પ્રાંતની કોંગ્રેસ સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એને દબાવી દેવું પડે. આમ થાય તો એક બાજુથી સત્તાનો મોહ લાગે અને બીજી બાજુથી કોંગ્રેસની ક્રાન્તિકારી સંભાવનાઓનો અંત આવી જાય. બીજી બાજુ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, વલ્લભભાઈ પટેલ વગેરે નેતાઓ એમ માનતા હતા કે આટલી મોટી જીત મળ્યા પછી કોંગ્રેસ સત્તા ન સંભાળે તો એ લોકોનો દ્રોહ ગણાય અને કોંગ્રેસ જે કહેતી આવી છે તે કરી દેખાડવા માટે સત્તા હાથમાં લેવી જ પડે, એમનું એ પણ કહેવું હતું કે પોતાની જ સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની જરૂર જ ઊભી ન થાય.

જવાહરલાલ જૂના ‘ફેરવાદી’ (પ્રો-ચેન્જર્સ એટલે કે ધારાગૃહમાં જવાના હિમાયતીઓ, મોતીલાલ નહેરુ વગેરે) અને ‘ના-ફેરવાદી’ (નો-ચેન્જર્સ, માત્ર બહાર રહીને આંદોલન કરવાના હિમાયતીઓ, જવાહરલાલ પોતે, સુભાષબાબુ વગેરે) ઝઘડાને યાદ કરીને કહેતા હતા કે સરકાર બનાવવી તે એના જેવું જ છે. પરંતુ રાજેન્દ્રબાબુએ એમને પત્ર લખીને પોતાનો પક્ષ સમજાવ્યો કે સરકારો બનાવવી જોઈએ એમ કહેનારા પણ આંદોલનકારીઓ છે અને સરકાર બનાવીને આ બંધારણને ટેકો

આપવાનો તો કોઈનો હેતુ નહોતો. સરકાર બનાવવી એ આ તબક્કે કોંગ્રેસ માટે જરૂરી છે.

આના પછી ૧૯૩૭ની બીજી જુલાઈએ નહેરુ ગાંધીજી સાથે આ બાબતમાં ચર્ચા કરવા માટે સેગાંવ (સેવાગ્રામ) ગયા. ગાંધીજી પોતે પણ એમ માનતા હતા કે સત્તા હાથમાં આવતાં કોંગ્રેસ સંઘર્ષનો જુસ્સો ખોઈ દેશે. પરંતુ નહેરુ સાથેની વાતચીતમાં એમણે બધી બાજુનો વિચાર કર્યો અને પ્રાંતોમાં સરકારો બનાવવાની સલાહ આપી. નહેરુએ ત્યાંથી પાછા આવીને નિવેદન કર્યુઃ સત્તા સંભાળવી એનો રજમાત્ર અર્થ પણ એવો નથી કે ગુલામ બંધારણ સ્વીકારવું. એનો અર્થ એટલો છે કે જે ફેડરેશન ઠોકી બેસાડવામાં આવશે તેની સામે ઍસેમ્બ્લીઓમાં રહીને અને બહારથી લડત આપવી. આપણે હવે એક નવું ડગલું ભરીએ છીએ, એમાં અમુક જવાબદારીઓ છે અને અમુક જોખમો પણ છે. પરંતુ આપણે આપણા ધ્યેયને વફાદાર રહેશું તો જોખમોને ટાળી શકીશું.”

ગાંધીજીએ પણ કોંગ્રેસીઓને સલાહ આપી કે ખુરશી મળી છે તો એના પર Tightly નહીં પણ Lightly બેસવાનું છે!

તે પછી મુંબઈ, મદ્રાસ, યુક્ત પ્રાંત, મધ્ય પ્રાંત, બિહાર અને ઓરિસ્સામાં કોંગ્રેસી પ્રધાનમંડળોએ સત્તા સંભાળી. થોડા વખત પછી વાયવ્ય સરહદ પ્રાંત અને આસામમાં પણ કોંગ્રેસે પોતાની સરકારો બનાવી. પંજાબમાં સિકંદર હયાત ખાનની યુનિયનિસ્ટ પાર્ટીની સરકાર બની, તો બંગાળમાં ફઝલુલ હક્કની કૃષક પ્રજા પાર્ટી અને મુસ્લિમ લીગે સાથે મળીને સરકાર બનાવી. સિંધમાં મુસ્લિમ યુનાઇટેડ પાર્ટીને સૌથી વધારે સીટો મળી પણ સ્પષ્ટ બહુમતી નહોતી. પણ એને સરકાર બનાવવાનું આમંત્રણ મળતાં બીજા બે મુસ્લિમ પક્ષોમાંથી ઘણા સભ્યો પક્ષપલ્ટો કરીને એમાં જોડાઈ ગયા. મુસ્લિમ લીગ એક પણ પ્રાંતમાં સરકાર ન બનાવી શકી.

પ્રાંતોમાં કોંગ્રેસની સરકારો બનતાં લોકોમાં વિજયના આનંદની લહેર વ્યાપી ગઈ. લોકોનો ઉત્સાહ વધ્યો અને હવે તો આઝાદી માટે કંઈ પણ કરવાનું જોશ વધ્યું. આમ નહેરુ–સુભાષ અને બધા ડાબેરીઓ માનતા હતા તેનાથી ઉલટી અસર થઈ. માત્ર પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી પાછળ બ્રિટિશ સરકારનો હેતુ કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરની શક્તિને પ્રાંતોમાં વિભાજિત કરી નાખવાનો હતો પણ કોંગ્રેસ એના મુકાબલા માટે તૈયાર હતી. એણે બધા પ્રાંતોના પ્રીમિયરોને માર્ગદર્શન આપવા માટે પોતાના પાર્લામેંટરી બોર્ડમાં જ એક પેટા સમિતિ બનાવી અને એમાં સરદાર પટેલ, મૌલાના આઝાદ અને રાજેન્દ્ર પ્રસાદને આ જવાબદારી સોંપી. પ્રાંતોમાં સરકાર અને કેન્દ્રમાં વિરોધી, એવી બેવડી ભૂમિકા હવે કોંગ્રેસે નિભાવવાની હતી એટલે એ સંઘર્ષ – સંધિ – સંઘર્ષ (Struggle-Truce-Struggle, STS)ના નવા જ પ્રયોગને માર્ગે ચડી.

કોંગ્રેસી પ્રધાનમંડળોએ આવતાંવેંત બધા રાજકીય કેદીઓને છોડી મૂકવાનો હુકમ આપ્યો. ૧૯૩૨માં ગવર્નરોને અસાધારણ સત્તાઓ મળી હતી અને એમણે ઘણાં સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધા હતા. નવી સરકારોએ આ બધા જ કાનૂનો રદ કર્યા. પ્રધાનોના પગારો પણ માસિક બે હજાર રૂપિયામાંથી પાંચસો રૂપિયા કરી નાખ્યા. ખેડૂતો અને કામદારોને રાહત આપવાના કાયદા પણ બનાવ્યા. ગણોતિયાઓના હકોનું રક્ષણ કરવાના કાયદાઓ સારા હતા. એ જ રીતે, કામદારોનાં વેતન પણ વધાર્યાં અને ઇંડસ્ટ્રિઅલ ડિસ્પ્યુટ ઍક્ટ પણ બનાવ્યો. શિક્ષણનું સ્તર સુધારવાનાં પગલાં પણ લીધાં.

પહેલાં સત્તાના સિંહાસન જેવા ગણાતા સેક્રેટરિએટમાં જવાની કોઈની હિંમત નહોતી થતી, હવે લોકોની સરકાર હતી એટલે ત્યાં સામાન્ય જનતાની ભીડ થવા લાગી. લોકોને આ સરકારમાં એવું પોતાપણું લાગતું કે પ્રધાનોના બંધ રૂમો ખોલીને એમાં પ્રધાન બેઠા છે કે નહીં તે જોવા ડોકિયું કરી લેતા! પોલીસવાળા અને સિક્યોરિટી ગાર્ડ હાથ ઘસતા બેસી રહેતા. અંગ્રેજી લેબાસ પણ અદૃશ્ય થઈ ગયો હતો, બધી જગ્યાએ ખાદીધારીઓ જોવા મળતા હતા. આ મનોવૈજ્ઞાનિક પરિવર્તન નાનું નહોતું. આ સરકારો પાસે સત્તા બહુ ઓછી હતી, અને જે હતી તે પણ વાઇસરૉય ક્યારે પાછી ખેંચી લે તે કહી શકવાની સ્થિતિમાં કોઈ નહોતું. બીજી બાજુ બંગાળમાં ફઝલૂલ હકની સરકાર રાજકીય કેદીઓને છોડવાનાં ગલ્લાંતલ્લાં કરતી હતી, એની સામે શરત ચંદ્ર બોઝે મોટું આંદોલન કરવાની ધમકી આપી. પંજાબમાં પણ લગભગ એ જ સ્થિતિ રહી અને દમન પણ ચાલુ રહ્યું તે એટલે સુધી કે સરકાર સામે લોકોનો રોષ પણ ભભૂકી ઊઠ્યો. લોકો સરકારને અંગ્રેજ હકુમતની દલાલ માનતા હતા.

પરંતુ કોંગ્રેસ સરકારોનાં બધાં કામો સારાં ન રહ્યાં. મુંબઈમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી ગૃહ પ્રધાન હતા. એમણે ઉદ્દામવાદી કોંગ્રેસીઓ પાછળ સી. આઈ. ડી. લગાડી દીધી. નહેરુને આ સમાચાર મળતાં એમણે મુનશીને કહ્યું કે આપણે પોલીસને હટાવવા માગતા હતા, પણ તમે પોતે પોલીસ બની ગયા!” કોંગ્રેસ સમાજવાદી પક્ષના નેતા યુસુફ મહેર અલીએ મદ્રાસમાં ભાષણ કર્યું તો રાજગોપાલાચારીની સરકારે એમને પકડી લીધા. એમને તો તરત છોડી મૂક્યા પણ બીજા કોંગ્રેસ સમાજવાદી પક્ષના નેતા એસ. એસ. બાટલીવાલાની સામે રાજદ્રોહનો કેસ ચલાવીને છ મહિનાની સજા કરી. રાજગોપાલાચારીની આ માટે ભારે ટીકા થઈ. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ ત્યારે જવાહરલાલે રાજાજીને પૂછ્યું કે “હું આવું અને ભાષણ કરું તો તમે મને પણ પકડી લેશો?” રાજાજીએ જવાબ આપ્યો, “જરૂર પકડી લઈશ”. જો કે બાટલીવાલાને તો એમણે તરત છોડી મૂક્યા અને એ પણ મદ્રાસ પ્રાંતમાં ઠેરઠેર ફરીને એવાં જ ભાષણો કરતા રહ્યા, પરંતુ આ બનાવ સૂચક હતો કે જમણેરીઓ પોતાને ખરેખર સત્તાધીશ માનવા લાગ્યા હતા. કોંગ્રેસના આંદોલનને કચડી નાખતાં એમને જરાયે સંકોચ થાય એમ નહોતો. સરકારો બનાવવાનો કોંગ્રેસનો હેતુ એ નહોતો.

બીજું જ્યાં કોંગ્રેસની સરકારો બની ત્યાં ઊપલું ગૃહ પણ હતું. નીચલા ગૃહે મંજૂર કરેલો નિર્ણય ઉપલા ગૃહમાં રૂઢિચુસ્તોનું જોર હોવાથી કાયદાનું રૂપ લઈ શકતો નહોતો. વળી કોંગ્રેસનું મુખ્ય ધ્યેય તો જનતાની વચ્ચે રહીને આંદોલન ચલાવવાનું હતું.

હવે સરકાર બનાવવાના ફાયદાની જગ્યાએ ગેરફાયદા વધારે દેખાવા લાગ્યા હતા. અંતે ૧૯૩૯માં ગાંધીજીએ પણ પ્રધાન મંડળો રાજીનામાં આપી દે એવું સૂચન કર્યું. ૧૯૩૯માં કોંગ્રેસના આ પ્રયોગનો પણ અંત આવ્યો અને પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં.

૦૦૦

1. The Indian Annual Register-July-Dec 1937 Vol. II

2. A Centenary History of the Indian National Congress Vol. India’s Struggle for Freedom –Bipan Chandra.

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-4

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૪: ૧૯૩૭: પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ

આમ તો કોંગ્રેસે ફૈઝપુરમાં અધિવેશન મળ્યું તે પહેલાં જ જોરશોરથી આખા દેશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. ૧૧ પ્રાંતો માટે એક હજારથી વધારે ઉમેદવારો ઊભા રહેવાના હતા. કોંગ્રેસના પ્રચારનું લક્ષ્ય માત્ર ચૂંટણી નહોતું, પણ ભવિષ્યમાં જરૂર પડે તો આંદોલન શરૂ કરવાનું પણ હતું અને એના માટે લોકોને તૈયાર કરવાના હતા.

મુસ્લિમ લીગને પણ કોમી મતદાર મંડળ બહુ સફળ નહીં નીવડે એ સમજાઈ ગયું હતું. એમાં મુસ્લિમ સીટો નક્કી થઈ જતી હતી અને એનાથી આગળ વધવા માટે મુસ્લિમ લીગ પાસે કોઈ રસ્તો નહોતો. સામાન્ય સીટો પરથી તો એ કોમી એજંડા પર ચૂંટણી લડે તો સફળ ન જ થાય.આપણે જોયું કે લગભગ બધાં મુસ્લિમ સંગઠનો ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવાં, અંતે તો હેમનું હેમ હોયેની ભાષામાં બોલવા લાગ્યાં હતાં રામ્સે મૅક્ડોનલ્ડનો ઍવૉર્ડ એક રીતે જોતાં કોઈને પસંદ નહોતો આવ્યો. આથી અંદરખાનેથી કોંગ્રેસે એવા પણ પ્રયત્ન કર્યા કે એના મુસ્લિમ ઉમેદવારો લીગની ટિકિટ પરથી ચૂંટણી લડે!

આ ચૂંટણી નિમિત્તે કોંગ્રેસને પણ એક વાત સમજાઈ કે સામાન્ય મુસલમાનો સુધી કોંગ્રેસ કદી પહોંચી નહોતી. કોંગ્રેસના નેતાઓને, અને ખાસ કરીને જવાહરલાલ નહેરૂને, લાગ્યું કે કોંગ્રેસે મુસ્લિમ લીગના નેતાઓ, એટલે કે મધ્યમ વર્ગના શિક્ષિત મુસલમાનો, જમીનદારો, નવાબો અને જાગીરદારો પર વધારે ધ્યાન આપ્યું હતું. બીજી બાજુ, સામાન્ય મુસલમાનો અશિક્ષિત, ગરીબ, નાનાંમોટાં કામ કરનારા હતા. એમને આવાં કામો શહેરમાં જ મળી શકે એટલે શહેરોમાં એમની વસ્તી વધારે હતી. એમના રહેઠાણ પણ ગંદી જગ્યાએ હતાં. મુસ્લિમ લીગના કાર્યક્રમમાં ગરીબાઈ, શિક્ષણ વગેરે મુદ્દા જ નહોતા. ગામડાંમાં એમની પાસે જમીન નહોતી, માત્ર મજૂરી કરતા. મુસલમાન જમીનદાર શોષણ કરતી વખતે ધર્મના ભેદ નહોતો કરતો. ઉચ્ચ વર્ગના મુસલમાનોને સત્તામાં ભાગીદારી જોઈતી હતી, તે સિવાય એમની પાસે સામાન્ય મુસલમાન માટે કોઈ કાર્યક્રમ નહોતો. આ વાત માત્ર કોંગ્રેસને સમજાઈ એવું નહોતું;

કોંગ્રેસનો મુસ્લિમ સંપર્ક કાર્યક્રમ બહુ સફળ રહ્યો એમ ન કહી શકાય કારણ કે મત આપવા માટે અમુક લાયકાતો નક્કી થઈ હતી, એટલે કોંગ્રેસ જે મુસલમાનોને ખેતમજૂર, નાના કારીગર તરીકે જોડવા માગતી હતી એમને તો મત આપવાનો અધિકાર જ નહોતો! કોંગ્રેસનો સંપર્ક પણ માત્ર એવા મતદારો સુધી જ રહ્યો, કે જે મુસ્લિમ લીગના કોમી એજંડા સાથે સંમત હતા. આમ, શરતો નક્કી થયેલી હોવાથી કોંગ્રેસનો મુસ્લિમ સંપર્ક બહુ ફાવ્યો નહીં.

બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ કોંગ્રેસનો કાર્યક્રમ રજૂ કરતાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારની હિમાયત કરી હતી પણ એના માટે કોમી સંગઠનો સંમત નહોતાં અને બ્રિટિશ સરકાર આટલા મોટા પાયે દેશમાં કોંગ્રેસને ટેકો મળે છે તે કેમ સાબિત થવા દે? સાર્વત્રિક પુખ્ત મતાધિકાર બ્રિટિશ સામ્રાજ્યવાદને નુકસાન કરે તેમ હતો.

આમ છતાં અર્ધીપર્ધી ચૂંટણીમાં પણ સાબિત તો એ જ થતું હતું કે કોંગ્રેસને જબ્બરદસ્ત ટેકો હતો. પરંતુ એમાં મહાત્માગાંધીના વ્યક્તિત્વની મોહિનીની ભૂમિકા નાની નહોતી. મધ્ય પ્રાંતના ગવર્નર હાઇડ ગોવાને કહ્યું કે પ્રાંતમાં આમજનતામાં પડઘાય એવું એક નામ છેઅને તે કોઈ ખાસ રાજકીય કારણસર નહીં પણ એક સીધાસાદા કારણે, કે નામગાંધીછે. કેટલાય જિલ્લાઓમાંથી રિપોર્ટ મળ્યા છે કે તમારો કાગળિયો સફેદ પેટીમાં નાખો અને ગાંધીને મત આપો! મદ્રાસ પ્રાંતના ગવર્નર લૉર્ડ એર્સ્કિને પણ એવી જ ટિપ્પણી કરી – મત આપનારામાંથી ૪૦ ટકાને પોતાના ઉમેદવારના નામની ખબર નહીં હોય, પણ એમનો એક વિચાર હતોપીળી પેટીમાં ગાંધીને મત આપો!

ચૂંટણીઓમાં કુલ ૧૫૮૫ સીટો હતી. એમાંથી ૭૭૭ સીટો તો કોમી મતદાન માટે હતી. બાકીની ૮૦૮ સામાન્ય સીટોમાંથી કોંગ્રેસને ૭૧૧ સીટો મળી. મુસ્લિમ મતદારો દ્વારા ચુંટાયેલા ૪૮૨ મુસ્લિમ ઉમેદવારોમાંથી કોંગ્રેસના ૨૬ ઉમેદવારો ચુંટાયા. આમાંથી ૧૯ સીટો વાયવ્ય સરહદ પ્રાંતમાં બાદશાહ ખાન અને એમના ભાઈ ડૉ. ખાન સાહેબને મળી.

બીજી બાજુ, મુસ્લિમ લીગનો દેખાવ બહુ કંગાળ રહ્યો. ચૂંટણીનાં પરિણામોએ દેખાડી આપ્યું કે બંગાળ, પંજાબ, સિંધ અને વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગનો આધાર જ નહોતો. એનાં છોતરાં ઊડી ગયાં. પંજાબમાં મુસલમાનો માટેની ૮૬ બેઠકોમાંથી લીગને બે જ સીટ મળી. બંગાળમાં જો કે, લીગ માટે પરિણામ પંજાબની સર્ખામણીએ સારાં રહ્યાં ૧૧૯ મુસ્લિમ સીટોમાંથી મુસ્લિમ લીગને ૪૦ સીટો પર વિજય મળ્યો. સિંધ અને સરહદી પ્રાંતમાં એને મીંડું હાથ લાગ્યું. આ પ્રાંતોમાં બીજી મુસ્લિમ પાર્ટીઓ મુસ્લિમ સીટો જીતી ગઈ.

નવાઈની વાત એ છે કે હિન્દુ બહુમતીવાળા પ્રાંતોમાં મુસ્લિમો માટેની અનામત બેઠકોપર મુસ્લિમ લીગને વધારે સફળતા મળી. યુક્ત પ્રાંતમાં ૬૪માંથી ૨૭, મુંબઈ પ્રાંતમાં ૨૯માંથી ૨૦ અને મદ્રાસ પ્રાંતમાં ૨૮માંથી ૧૧ સીટો લીગને ફાળે ગઈ. આખા દેશમાં બધી મુસ્લિમ સીટોમાંથી ચોથા ભાગની સીટો પણ મુસ્લિમ લીગને ન મળી. આમ મુસ્લિમ લીગ દેશની આખી મુસ્લિમ કોમનું પ્રતિનિધિત્વ કરે છે એ દાવો ખોટો પડ્યો.

બીજી બાજુ, કોંગ્રેસને માત્ર ૨૬ મુસ્લિમ સીટો મળી તેને નહેરુએ કોંગ્રેસની નિષ્ફળતા ગણાવી. એમણે કહ્યું કે આપણે બહુ ઘણા વખત સુધી મુસલમાન કોમમાં જઈને કામ ન કર્યું તેને કારણે છેક ચૂંટણીને ટાંકણે એમના સુધી પહોંચી ન શક્યા. આપણે માત્ર મુસ્લિમ નેતાઓ સાથે કરારો અને સમાધાનો કરવા પર ધ્યાન આપ્યું પણ આ ઉચ્ચ વર્ગના નેતાઓની નીતિઓ બહુ ટકે તેમ નથી. ગરીબ મુસલમાનોની આર્થિક સમસ્યાઓ જુદી નથી અને સામ્રાજ્યવાદી સરકાર સામેનો એમનો રોષ પણ જરાય ઓછો નથી.

નહેરુના આ નિવેદનની બીજા મુસ્લિમ નેતાઓ પર શી અસર થઈ તે ખબર નથી પણ સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા ગાનારા શાયર મહંમદ ઇકબાલ પર એની અસર જુદી જ થઈ. એમણે જિન્નાનું ધ્યાન સામાન્ય મુસલમાનો તરફ વાળવાનું કામ કર્યું. મુસ્લિમ લીગ માટે પણ સામાન્ય મુસલમાનો સુધી પહોંચવાનું જરૂરી હતું. એ તો માત્ર ‘સાઇન બોર્ડ’ સંગઠન હતું, ૧૯૩૦માં ઇકબાલે મુસ્લિમ લીગની બેઠકને સંબોધન કર્યું ત્યારે કોરમ માટે જરૂરી ૭૫ સભ્યો પણ એકઠા નહોતા થયા અને એટલા સભ્યો એકઠા થાય એવી કદી આશા પણ નહોતી એટલે લીગે કોરમ માટે જરૂરી સંખ્યા ઘટાડીને ૫૦ કરી દીધી!

ઇકબાલે ચૂંટણી પછી જવાહરલાલે જાહેર કરેલાં આ મંતવ્યો વિશે ૨૦મી માર્ચે જિન્નાને પત્ર લખ્યો. પત્રની ભાષા એવી છે કે જાણે જિન્નાને ચોખ્ખા હુકમો આપતા હોયઃ

હું માનું છું કે તમે પંડિત જવાહરલાલ નહેરુએ અખિલ ભારતીય રાષ્ટ્રીય સંમેલનમાં કરેલું ભાષણ વાંચ્યું હશે અને બરાબર સમજ્યા હશો કે એમના ભાષણમાં મુસ્લિમો વિશેની એમની નીતિ શી છેએશિયામાં ઇસ્લામ નૈતિક અને રાજકીય શક્તિ બની રહે તે મોટે ભાગે ભારતના મુસ્લિમોની સંપૂર્ણ એકતા પર છેઆથી મારું સૂચન છે કે તમારે તરત દિલ્હીમાં બધા મુસલમાનોનું સંમેલન બોલાવવું જોઈએએમાં તમારે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે દેશમાં મુસલમાનો એક અલગ રાજકીય એકમ છે અને એનો રાજકીય ઉદ્દેશ છેઆર્થિક સમસ્યા એક સમસ્યા નથી, મુસલમાનોના દૃષ્ટિકોણથી સાંસ્કૃતિક સમસ્યા એનાથી પણ મોટી છેહું થોડા દિવસોમાં દિલ્હી આવું છું અને અફઘાન કૉન્સ્યુલેટમાં રોકાઈશ. તમે થોડો વખત ફાજલ પાડી શકો તો આપણે ત્યાં મળીએ…”

૨૨મી એપ્રિલે એમણે ફરી પત્ર લખીને કહ્યું કે મેં આ બે’ક અઠવાડિયાં પહેલાં પત્ર લખ્યો હતો અને તમને દિલ્હીને સરનામે મોકલ્યો હતો. તે પછી હું દિલ્હી ગયો ત્યારે ખબર પડી કે તમે દિલ્હીથી ચાલ્યા ગયા હતા…પંજાબમાં સ્થિતિ વિકટ બનતી જાય છે… આ પત્રનો જવાબ આપશો.”

૨૮મી મેના પત્રમાં ઇકબાલ લખે છે કે,

“લીગે અંતિમ રૂપમાં નિર્ણય લેવો પડશે કે એ ઉચ્ચ વર્ગના મુસલમાનોની પ્રતિનિધિ બની રહેવા માગે છે કે સામાન્ય મુસલમાનોના પ્રતિનિધિ બનવું છે? આ મુસલમાનોએ હજી સુધી લીગમાં રસ નથી લીધો, અને તેનાં કારણો છે… રોટીનો સવાલ વધારે ને વધારે આકરો બનતો જાય છે… મુસલમાન ને લાગવા માંડ્યું છે કે એ છેલ્લાં ૨૦૦ વર્ષમાં નીચે ને નીચે ગયો છે. સામાન્ય રીતે એને લાગે છે કે એની ગરીબાઈનું કારણ હિન્દુ શાહુકાર અથવા મૂડીવાદ છે, હજી એને એ સમજાયું નથી કે ગરીબાઈ માટે વિદેશી હકુમત પણ એતાલી જ જવાબદાર છે. પણ એ જરૂર સમજાશે. જવાહરલાલ નહેરુના નાસ્તિક સમાજવાદને મુસલમાનોમાં બહુ ટેકો મળે તેમ નથી. તો સવાલ એ છે કે મુસલમાનોની ગરીબાઈનો ઉકેલ કેમ શોધી શકાશે? લીગની બધી જ ભાવિ પ્રવૃત્તિ આ સવાલ પર ક્ર્ન્દ્રિત થવી જોઈએ. લીગ જો એવું કોઈ વચન ન આપી શકે તો મુસ્લિમ જનસમુદાય એની ઉપેક્ષા કરતો રહેશે. પણ ખુશીની વાત એ છે કે ઉપાય છે. ઇસ્લામિક કાનૂનનો ઊંડો અભ્યાસ કર્યા પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે એમાં જીવનનિર્વાહના અધિકારની બાંયધરી મળે છે. પરંતુ આ દેશમાં આઝાદ મુસ્લિમ રાજ્ય કે રાજ્યો ન હોય તો શરીઆ લાગુ ન થઈ શકે. હું ઘણા વર્ષથી આમ જ માનતો આવ્યો છું કે મુસ્લમાનોનો રોટીનો સવાલ હલ કરવો હોય અને હિન્દુસ્તાનને શાંતિમય બનાવવું હોય તો એ (અલગ મુસ્લિમ રાજ્ય) જ એક ઉપાય છે.”

ઇકબાલ ભાગલાની વાત નથી કરતા પણ જિન્નાથી પહેલાં એમના મનમાં અલગતાનાં બીજ પડેલાં હતાં એમાં શંકા નથી.

૦૦૦

સંદર્ભઃ

1. The Indian Annual Register- June-July, 1936 Vol. III

2. http://www.columbia.edu/itc/mealac/pritchett/00islamlinks/txt_iqbal_tojinnah_1937.html

3. A Centenary History of the Indian National Congress Vol. III

4. Iqbal to Jinnah –A collection of Iqbal’s Letteres to the Quaid-i-Azam –by Muhammed Ashraf

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-3

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩: કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

૧૯૩૬નું વર્ષ બધા રાજકારણીઓ માટે મીટિંગો અને નવી વ્યૂહરચનાઓ બનાવવાનું રહ્યું. આપણે ૧૯૩૬ના પૂર્વાર્ધમાં મુસ્લિમ લીગ અને કોંગ્રેસનાં સંમેલનો યોજાયાં તેની ચર્ચા કરી. જિન્નાના ભાષણમાં હજી ‘પાકિસ્તાન’ શબ્દનો પ્રવેશ નહોતો થયો. ૧૯૩૫ના કાયદાની કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બન્નેએ ટીકા કરી હતી પણ ‘પડ્યું પાનું’ નિભાવી લેવાનો પણ એમનો નિર્ધાર હતો તે પછી બેઠકો ચાલતી રહી એમાં ચૂંટણી ઢંઢેરા માટેની કોંગ્રેસની મીટિંગ મહત્ત્વની છે.

ચૂંટણી ઢંઢેરો

૧૯૩૬ના ઑગસ્ટની ૨૨મી-૨૩મીએ અખિલ ભારતીય કોંગ્રેસ મહાસમિતિ (એ. આઈ, સી. સી.)ની મુંબઈમાં બેઠક મળી તેમાં આગામી ચૂંટણી માટેનો ઢંઢેરો મંજૂર કરવામાં આવ્યો. કોંગ્રેસે એમાં સ્પષ્ટતા કરી કે બહારની સત્તાએ દેશ ઉપર લાદેલા નવા ઍક્ટનો કોંગ્રેસે હંમેશાં વિરોધ કર્યો છે, એ ભારતની જનતાના સાર્વભૌમત્વ પર હુમલો છે. દેશની જનતાને પોતાનું આર્થિક અને રાજકીય ભવિષ્ય કેવું હોવું જોઈએ તે નક્કી કરવાનો અધિકાર છે પણ આ ઍક્ટ એના છડેચોક અનાદર જેવો છે. કોંગ્રેસ માને છે કે આવું બંધારણ રાષ્ટ્ર તરીકે ભારતની સ્વતંત્રતાના આધાર પર બંધારણ સભા જ બનાવી શકે. આમ છતાં આજની વિદેશી સત્તાના હાથ મજબૂત કરવા માગતાં પરિબળોનો સામનો કરવા માટે કોંગ્રેસે પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ લડવાનો નિર્ધાર કર્યો છે. પરંતુ ધારાસભાઓમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને મોકલવાનો હેતુ સરકારને સહકાર આપવાનો નહીં પણ અંદર જઈને સામ્રાજ્યવાદી સત્તાને મજબૂત બનતી રોકવાનો છે.

કોંગ્રેસ માને છે કે આવી ધારાસભાઓમાં જવાથી સ્વતંત્રતા ન મળે અને ગરીબગુરબાંઓની સ્થિતિ પણ ન સુધારી શકાય. પરંતુ કોંગ્રેસ પોતાનો સર્વસાધારણ કાર્યક્રમ જનતા સમક્ષ મૂકવા માગે છે કે કોંગ્રેસ શું હાંસલ કરવા માગે છે તેની લોકોને ખબર પડે.

ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપવામાં આવ્યાં તેમાંથી કેટલાંક અહીં જોઈએઃ

 

  • સ્ત્રીઓ અને પુરુષ વચ્ચે સામાજિક કે રાજકીય, અને બીજા બધા પ્રકારના ભેદભાવોની નાબૂદી;
  • કામદારોની  સ્થિતિ સુધારવાના પ્રયાસ અને કામદારોને વૃદ્ધાવસ્થા, બીમારી અને બેરોજગારીને કારણે થતા આર્થિક નુકસાન સામે રક્ષણ;
  • ખેડૂતોના ખેડહકોનું રક્ષણ;
  • ‘હરિજનો’ (હવે અનુસુચિત જાતિ કે એસ. સી.)ના ઉત્કર્ષ ના બધા જ પ્રયાસ.

 

 

કોમી મતદાર મંડળોની વ્યવસ્થા વિશે કોંગ્રેસના વલણ અંગે લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરતાં કહેવામાં આવ્યું કે  કોંગ્રેસ આખા ઍક્ટને જ નકારી કાઢે છે એટલે એમાં કોમી મતદાર મંડળોને નકારી કાઢવાનું પણ ગણાઈ જ જાય. એક કોમ બીજાના ભોગે બ્રિટિશ સરકાર પાસેથી વધારે લાભ મેળવવાની કોશિશ કરે તેમાંથી કોમી વૈમનસ્ય પેદા થાય છે. પરંતુ કોમી વૈમનસ્ય ઓછું કરવાનો એકમાત્ર ઉપાય. આઝાદી માટેની આપણી લડાઈને વધારે તીખી અને ધારદાર બનાવવી તે છે. કોમી સમસ્યા  ભલે ને બહુ મહત્ત્વની હોય, એને દેશની વ્યાપક બેરોજગારી સાથે કશી લેવાદેવા નથી. કોમી સમસ્યા ધાર્મિક સમસ્યા નથી અને એની અસર મુઠ્ઠીભર ઉચ્ચ વર્ગના લોકોને થાય છે. ખેડૂતો, કામદારો. વેપારીઓ અને નિમ્ન મધ્યમ વર્ગને આ સમસ્યા સ્પર્શતી પણ નથી.

ધારાસભામાં ગયા પછી સત્તા સંભાળવી કે નહીં તે પ્રશ્ન કોંગ્રેસે એમ કહીને છોડી દીધો કે એના વિશે ચૂંટણી પતી જાય તે પછી નિર્ણય લેવાશે.

સામાન્ય સભ્યોને લેવાનો નિર્ણય લેવાયા બાદ મુંબઈની બેઠકમાં એમને વધારે સક્રિય બનાવવા જનસંપર્કનો કાર્યક્રમ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો. ડિસેમ્બરમાં ફૈઝપુરમાં કોંગ્રેસ અધિવેશન મળ્યું તેમાં એને બહાલી આપવામાં આવી.

ખાદી પ્રદર્શનમાં ગાંધીજી

ફૈઝપુરમાં કોંગ્રેસ અધિવેશનને ટાંકણે ખાદી પ્રદર્શન પણ યોજાયું હતું. દસ હજારની મેદની સમક્ષ બોલતાં ગાંધીજીએ ધારાસભાઓમાં જવાના નિર્ણય વિશે પણ પોતાનો અભિપ્રાય જાહેર કર્યો. એમણે કહ્યું કે હું તો એનો કંઈ જબ્બર સમર્થક નથી કારણ કે મતદાન માત્ર સાડાત્રણ કરોડ લોકો કરી શકશે અને તેઓ થોડાક સો જણને ચૂંટી મોકલશે. હું બાકી રહી ગયેલા સાડા એકત્રીસ કરોડ લોકો સાથે છું. જો કે એમણે ધારાસભામાં જવાના ફાયદા પણ ગણાવ્યા – આપણે દેખાડી શકીશું કે કોંગ્રેસ વટહુકમ રાજની સાથે નથી. હવે સરકાર વટકુકમ સહેલાઈથી બહાર નહીં પાડી શકે. બીજું,લખનઉમાં જવાહરલાલે જેવું જોશીલું ભાષણ આપ્યું તેના માટે એમને કોઈ ફાંસીએ નહીં ચડાવી શકે. આપણે કહી શકીશું કે આવા અત્યાચારો સાથે હિન્દીઓ જોડાયેલા નથી. સુભાષ બાબુ જેલમાં હતા તેનો ઉલ્લેખ કરીને ગાંધીજીએ કહ્યું કે હવે આપણે એમને છોડવાની માગણી કરી શકીશું.

આ ઉપરાંત પણ જુદા જુદા પક્ષોની પોતાની અને બીજા પક્ષો સાથે રાજકીય બેઠકો પણ ચાલુ રહી.

હિન્દુ મહાસભાનું અધિવેશનઃ

૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપના થયા પછી બીજા જ વર્ષે ૧૯૦૭માં લાહોરમાં હિન્દુ સભાની સ્થાપના થઈ હતી. તે જ અંતે અખિલ ભારતી હિન્દુ મહાસભા બની. ૨૧મીથી ૨૩મી ઑક્ટોબર દરમિયાન અખિલ ભારતીય હિન્દુ મહાસભાનું અધિવેશન મળ્યું. શંકરાચાર્ય ડૉ. કુરક્રોતી એના  પ્રમુખપદે હતા. અધિવેશનમાં પંજાબના આર્યસમાજી નેતાઓ, રાજા નરેન્દ્ર નાથ, ડૉ. ગોકુલચંદ નારંગ, ભાઈ પરમાનંદ વગેરે ઘણા નેતાઓએ ભાગ લીધો. શંકરાચાર્યે કહ્યું કે અમે ધર્મગુરુઓ આમારા વિચારોમાં બહુ હઠીલા હોઇએ છીએ. અમે જ સાચા, એવો અમારો દાવો હોય છે પણ સામાન્ય જીવનમાં બધાનો સ્વીકાર કરવો પડે છે એટલે મારે આ ક્ષેત્રમાં તમારા જેવા થવું જોઈએ. એમણે કોંગેસની બધી કોમોનું પ્ર્તિનિધિત્વ કરવાની નીતિનાં વખાણ કર્યાં પણ એમને ઉમેર્યું કે હિન્દુઓ પર બીજા ધર્મના લોકો હુમલા કરે છે ત્યારે કોંગ્રેસ હિન્દ્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય છે. શંકરાચાર્યે કહ્યું કે આપણે આપણા પાડોશીને પ્રેમ કરવો જોઈએ પણ માત્ર એટલા માટે નહીં કે એ આપણો ભાઈ છે; પણ એટલા માટે કે એનો અને આપણો આત્મા એક જ છે. આ ભાવના બીજા ધર્મોવાળા સમજી શકતા નથી.

એમણે કહ્યું કે હિન્દુઓ એમના જ દેશમાં મસ્જિદ પાસે સંગીત ન વગાડી શકે એ ખોટું છે. બીજા ધર્મોવાળાને અહીં હિન્દુઓ સાથે  શાંતિથી અને મિત્ર તરીકે રહેવાની ફરજ પાડીએ તો જ એમની આઝાદી શક્ય છે.

જો કે એમણે ઉમેર્યું કે બીજા ધર્મોના લોકોને એમના ધર્મનું પાલન કરવાની સંપૂર્ણ છૂટ મળશે. એમણે કહ્યું કે હિન્દુસ્થાનમાં લઘુમતીની સમસ્યા માત્ર મુસલમાનોની છે. એને પ્રાઅંતોમાં લાઘુમતીના સવાલમાં ન ફેરવી શકાય.

શંકરાચાર્યે મુસ્લિમ લીગનાં વખાણ કર્યાં કે એ પોતાની કોમની જે રીતે ચિંતા કરે છે તે વખાણને લાયક છે, પણ કોમી મતદાર મંડળની વ્યવસ્થા એમને રક્ષણ નહીં આપે. એમણે કહ્યું કે લીગની માગણીના પાયામાં ન્યાય અને સમાનતાની અપેક્ષા છે એટલે કોમી ચુકાદાની જગ્યાએ લઘુમતીઓને રક્ષણ આપવાની લીગની યોજના લાગુ કરવી જોઈએ.

તે પછી એમણે અછૂતોની સમસ્યાની ચર્ચા કરતાં કહ્યું કે હિન્દુઓમાંથી આભડછેટ દૂર થવી જ જોઈએ. આ પ્રથા શરૂ થવાનાં કંઈ કારણ રહ્યાં હશે પણ હવે એ નથી રહ્યાં. એમણે કહ્યું કે આભડછેટ દૂર થાય એ હરિજનોનો અધિકાર છે પણ ‘હરિજન’ શબ્દમાં એમના પ્રત્યે દયાભાવ છે એટલે એ શબ્દ હું પસંદ નથી કરતો. એમણે હરિજનો શીખ ધર્મ અંગીકાર કરી લે એવી સલાહ આપી કારણ કે શીખ ધર્મ હિન્દુ ધર્મનો જ ફાંટો છે.

સનાતનીઓનો વૉક-આઉટ

હિન્દુ મહાસભામાં પંડિત મદન મોહન માલવિયા અને ભાઈ પરમાનંદનાં બે જૂથો વચ્ચે યુદ્ધ ચાલ્યા કરતું હતું. બીજા દિવસે માલવિયાજીના ત્રણ સમર્થકોને ડેલિગેટ તરીકે આવવાની ટિકિટ આપવાની આયોજકોએ ના પાડી દીધી. એમને માત્ર દર્શક તરીકે આવવાની છૂટ આપી, પણ તેનો એમણે અસ્વીકાર કર્યો. આના પછી કાર્યવાહી શરૂ થઈ ત્યારે એક ખૂણામાંથી ‘માલવિયા ઝિંદાબાદ’ નો સૂત્રોચ્ચાર થયો. સામસામાં હરીફ જુથોએ એકબીજા પર ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું, એમાં એક ઘાયલ થયો. પોલીસે વચ્ચે પડીને શાંતિ કરાવી અને ત્રણ જણને પકડી લીધા.

શંકરાચાર્યે આભડછેટ નાબૂદ કરવા અને હરિજનોને શીખ બની જવાની સલાહ આપી તેના વિરોધમાં સનાતનીઓ વૉક-આઉટ કરી ગયા. એમનું કહેવાનું હતું કે જૈન બૌદ્ધ, શીખ સૌ કોઈ હિન્દુ ગણાય, પણ કોઈ એક વર્ગને હિન્દુથી અલગ કરીને ધર્માંતરણ કરવાની સલાહ હિન્દુ મહાસભામાં આપી ન શકાય. વૉક-આઉટ કરનારામાં  સ્વાગત સમિતિના અધ્યક્ષ રામ શરણ દાસ પણ હતા.

કલકતામાં પણ હિન્દુ કૉન્ફરન્સની બેઠક ઑગસ્ટમાં મળી. એના પહેલાં બંગાળના હિન્દુઓએ એક આવેદન પત્ર પર સહીઑ કરવાની ઝુંબેશ ચલાવી. જુલાઈમાં એની બેઠક મળી તેમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર અધ્યક્ષપદે હતા. બંગાળમાં મુસલમાનો બહુમતીમાં હતા પણ એમને અખિલ ભારતીય ધોરણે લઘુમતી માનીને બંગાળમાં પણ અલગ મતદાર મંડળ અપાયાં હતાં, એ જો લાગુ પડે તો મુસલમાનો કાયમ માટે બહુમતીમાં રહે તેમ હતું. બીજી બાજુ હિન્દુઓ લઘુમતીમાં હોવા છતાં એમને રાષ્ટ્રીય સ્તરે બહુમતી માનીને કોઈ ક્વોટા નહોતો અપાયો. આની સામે હિન્દુઓમાં ઊકળાટ હતો.

લિબરલ પાર્ટીનું અધિવેશન

કોંગ્રેસનું અધિવેશન ફૈઝપુરમાં ચાલતું હતું ત્યારે સર કાવસજી જહાંગીરની લિબરલ પાર્ટીનું અધિવેશન  લખનઉમાં મળ્યું પક્ષને સામાન્ય જનતાને બદલે મોટા માતબર લોકોનો ટેકો હતો. આ અધિવેશનમાં એમણે પંડિત નહેરુના સમાજવાદી વિચારોની ટીકા કરી. આ પક્ષ માનતો હતો કે ડોમિનિયન સ્ટેટસ મળવું જોઈએ, બાકી બ્રિટનથી આઝાદ થવાની વાત લોકોને બહુ ગમશે પણ એનાં નુકસાન વધારે છે.

એ જ રીતે ઠેકઠેકાણે મુસ્લિમ સંગઠનો અને ડિપ્રેસ્ડ ક્લાસિસનાં સંમેલનો પણ યોજાયાં. એ જ રીતે ઠેરઠેર કિસાનો અને સ્ત્રીઓનાં સંમેલનો પણ યોજાયાં.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register- June-July, 1936 Vol. 2

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-2

૧૦મી૧૧મી ઍપ્રિલે મુસ્લિમ લીગનું ૨૪મું અધિવેશન મળ્યું તે જ ટાંકણે, ૧૨મી, ૧૩મી અને ૧૪મીએ લખનઉમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું. બધાના મનમાં ૧૯૩૫ના બંધારણીય કાયદા પછી ચૂંટણી સૌથી અગત્યનું સ્થાન લઈ ચૂકી હતી. ૧૨મીએ ૫૦ હજાર ડેલીગેટોની હાજરીમાં અધિવેશનનું ઉદ્ઘાટન થયું. સ્વાગત સમિતિના અધ્યક્ષ શ્રી શ્રીપ્રકાશે ડેલીગેટોનું સ્વાગત કરતાં કહ્યું કે કોંગ્રેસ સ્વરાજ માટે કૃતસંકલ્પ છે અને એમણે બંધારણનો આડકતરો જ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આપણે દેશના સામાન્ય માણસને લાભ થાય એવું બંધારણ બનાવશું. એમણે ચૂંટણી, અનામત વગેરે કોઈ મુદ્દાની ચર્ચા ન કરી.

તે પછી કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુએ પોતાના ભાષણમાં અનેક વિષયોની વિગતવાર છણાવટ કરી. એમણે ૧૯૨૦ના અસહકાર આંદોલનનો સંકેત આપતાં કહ્યું કે આપણા નેતાએ ૧૬ વર્ષ પહેલાં કોંગ્રેસને ઉચ્ચ વર્ગ માટે કામ કરનારી બિનઅસરકારક સંસ્થામાંથી શક્તિશાળી લોકશાહી સંસ્થામાં ફેરવી નાખી. તે વખતે આપણા ઘણા સાથીઓ લોકશાહીનો આ જુવાળ જોઈને આપણી સાથે રહેવાને બદલે સામ્રાજ્યવાદીઓને શરણે ચાલ્યા ગયા.

અહીં નહેરુનો આંતરરાષ્ટ્રીય દૄષ્ટિકોણ પણ પ્રગટ થાય છે. એમણે કહ્યું કે આપણે આપણા સંઘર્ષમાં પડ્યા હતા, અને એમાં જે ઘટનાઓ બની તેમાં આપણા મહાન નેતાની અને આપણી આંતરિક પ્રતિભાની છાપ હતી. પરંતુ એ જ સાથે આપણા દેશની બહાર શું થાય છે તેના તરફ આપણું ધ્યાન પણ ન ગયું. આજે ભૂમધ્યથી દૂર પૂર્વ અને પશ્ચિમ એશિયામાં લોકો સંઘર્ષ કરે છે, આફ્રિકા ખંડ આખો બેઠો થઈ ગયો છે, અને સોવિયેત સંઘમાં નવી જીવનશૈલી વિકસાવવાનો ભગીરથ પ્રયાસ ચાલે છે. ખરેખર તો આપણો સંઘર્ષ દુનિયામાં ચાલતા એક મહા સંઘર્ષનો જ એક ભાગ છે.

પહેલા વિશ્વયુદ્ધની ચર્ચા કરતાં એમણે કહ્યું કે એના પછી દુનિયામાં બહુ મોટાં પરિવર્તન આવ્યાં પણ મૂડીવાદ ફરી સંકટમાં આવી પડતાં હવે એણે ફાસીવાદનું રૂપ ધારણ કર્યું છે. આમ તો પશ્ચિમી જગત પોતાને જે મૂલ્યોનું રક્ષક ગણાવે છે તેનાથી ફાસીવાદે ઉલ્ટો જ રસ્તો લીધો છે અને આ પશ્ચિમી દેશો પોતાની વસાહતના દેશોમાં લોકો સાથે જે કરે છે તેવું જ ફાસીવાદીઓ પોતાના જ દેશમાં કરે છે. આજે આપણે મુક્ત ભારત માટે સંઘર્ષ કરનારા ક્યાં ઊભા છીએ? દેખીતું છે કે આપણે દુનિયામાં મુક્તિ માટે ઝંખતાં પ્રગતિવાદી અને ફાસીવાદ વિરોધી પરિબળો સાથે છીએ.

નહેરુએ કહ્યું કે હિન્દુસ્તાનમાં બ્રિટિશ સામ્રાજ્યવાદ હવે મરવા પડ્યો છે અને એ આપણા સવાલો હલ કરી શકે તેમ નથી. એટલે એણે હવે દબાવવાનો માર્ગ લીધો છે અને આપણી નાગરિક સ્વતંત્રતાઓ પર તરાપ મારી છે. હવે ત્રાસવાદને કચડી નાખવાને નામે એણે જુલમો શરૂ કર્યા છે. દેશમાં ઊભી થયેલી મધ્યમ વર્ગીય નેતાગીરીને એમણે વખાણી પણ ઉમેર્યું કે હવે મધ્યમ વર્ગે આમ જનતા તરફ જોવું જોઈશે. આ જ સંદર્ભમાં એમણે કોંગ્રેસનું બંધારણ સુધારીને વિશાળ જન સમુઉદાયને સમાવી લેવાની જરૂર દર્શાવી. જવાહરલાલ નહેરુએ ખુલ્લા શબ્દોમાં કહ્યું કે દેશની સમસ્યાઓનો ઉકેલ માત્ર સમાજવાદને માર્ગે જ આવી શકશે.

તે પછી બંધારણના કાયદા પર બોલતાં એમણે કહ્યું કે આપણે આ ઍક્ટની ફગાવી દીધો છે. વર્કિંગ કમિટીમાં બધા એનાથી વિરુદ્ધ છે પણ એને કેમ રદ બાતલ ઠરાવવો તે વિશે એકમતી નથી. આમ છતાં આપણી સામે વિકલ્પ નથી અને આપણે પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી લડવી પડશે. આપણે નવું બંધારણ બનાવવા માગતા હોઈએ તો પણ એ માત્ર ધારાસભાના રસ્તે જ થઈ શકશે. આ ચૂંટણીઓ લડવાનો આપણો ઉદ્દેશ લાખોકરોડો મતદારો સુધી કોંગ્રેસનો સંદેશ પહોંચાડવાનો હોવો જોઈએ.

કોમી મતદારમંડળોનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે હું એ નથી વિચારતો કે કયા જૂથને કેટલી સીટો મળે છે. આ વ્યવસ્થા પાછળનો વિચાર દેશના ટુકડા કરવાનો છે. આપણે લોકશાહી ઢબે કામ કરવા માગતા જોઈએ તો આ કોમી ગોઠવણ તો રદ થવી જ જોઈએ. તે પછી એમણે કોંગ્રેસનો ફેલાવો કરવા માટેમાસ કૉન્ટેક્ટનો કાર્યક્રમ જાહેર કર્યો.

બીજા દિવસે, ૧૩મીએ, જલિયાંવાલા બાગાનો સ્મૃતિ દિન હતો. કોંગ્રેસે શહીદોને અંજલી આપી અને કેટલાક ઠરાવો પસાર કર્યા, જેમાં એક ઠરાવ ચાર આનામાં સભ્ય બનાવવાનો ઠરાવ પણ હતો.

એ દિવસે સભા મંડપની બહાર શોરબકોર થતો હતો. ખબર પડી કે સનાતનીઓની ભીડ ત્યાં એકઠી થઈ હતી. નહેરુએ કહ્યું

કે મને કાલે જ સમાચાર મળ્યા હતા કે જેમ ફાસીવાદીઓએ માર્ચ કરીને રોમ કબજે કરી લીધું તેમ સનાતનીઓ પણ માર્ચ કરતા અંદર આવશે અને કોંગ્રેસનો કબજો લઈ લેશે. જવાહરલાલ ઊઠીને ગેટ પર ગયા પણ સ્વયંસેવકોએ સનાતનીઓને અંદર ઘૂસતાં રોકી લીધા હતા.

કોંગ્રેસે સત્તા સંભાળવી કે નહીં?

કોમી મતદાર મંડળના મુદા પર, અને ચૂંટણી પછી કોંગ્રેસે સત્તા સંભાળવી કે કેમ તે વિશે કોંગ્રેસમાં સમાજવાદીઓ અને બીજાઓ વચ્ચેના મતભેદો બહાર આવ્યા.

બધા ઠરાવો સબ્જેક્ટ કમિટીમાં મંજૂર થયા પછી આવ્યા હતા. કોમી મતદાર મંડળનો સ્વીકાર કરવાના ઠરાવ પર દિનેશ ચંદ્ર ચક્રવર્તીએ વાંધો લીધો કે આ સામ્રાજ્યવાદીઓની ચાલ છે, અને જવાહરલાલે પોતે પણ એનો વિરોધ કર્યો છે તો હવે એનો સ્વીકાર કરવાનો ઠરાવ શા માટે આવ્યો છે? ગોવિંદ વલ્લભ પંતે આના જવાબમાં કહ્યું કે ૩૦ સભ્યો સબ્જેક્ટ કમિટીમાં આ વિશ પર બોલ્યા છે અને તે પછી ભારે બહુમતીથી ઠરાવનો મુસદ્દો મંજૂર થયો છે. જ્યારે ઠરાવ તૈયાર થયો ત્યારે અનિશ્ચિતતા હતી અને કોઈ જાણી ન શકે કે આગળ શું થવાનું છે.

સત્યમૂર્તિ અને ટી. પ્રકાશમ ઠરાવને ટેકો આપતા હતા. મીનૂ મસાણીએ કહ્યું કે બ્રિટિશરો દેશ છોડીને જાય તો જ સત્તા સંભાળવાનું વાજબી ગણાશે. યૂસુફ મહેર અલીએ કહ્યું કે સરકાર મધ્યમ વર્ગને જોરે ચાલે છે અને હજી પણ એને ખુશ કરવા માગે છે. મધ્યમ વર્ગમાંથી એમને શાસન ચલાવવા માટે નોકરો મળે છે. એમને ખુશ રાખવા માટે જ મોટા પગારો અપાય છે. વર્કિંગ કમિટી પોતાના સંકલ્પમાં ઢીલી પડી ગઈ છે. એમણે ચેતવણી આપી કે કોંગ્રેસ સત્તા સંહાલશે તો લિબરલડેમોક્રેટિક પાર્ટી બની રહેશે.

આચાર્ય કૃપલાનીએ કહ્યું કે સમાજવાદીઓ ક્રાન્તિકારી માનસિકતાના ચોકીદાર બની બેઠા છે. એ લોકો શું એમ કહેવા માગે છે કે ગાંધીજી, રાજેન્દ્ર પ્રસાદ કે સરદાર પટેલ નોકરશાહીના સાથી છે? નહેરુએ પોતે જ આનો જવાઅબ આપ્યો કે આવું કોઈએ કહ્યું નથી. કૃપલાનીએ કહ્યું કે સત્તા સંભાળ્યા પછી પણ ક્રાન્તિકારી જુસ્સો ટકાવી શકાય છે.

સત્યમૂર્તિએ કહ્યું કે ક્રાન્તિકારી માનસની વાતો બહુ થાય છે પણ એક માત્ર ક્રાન્તિ જોવા મળી હોય તો તે ગાંધીજીની દોરવણી હેઠળ થઈ અને વર્કિંગ કમિટીના સભ્યોએ એ પાર પાડી છે. એમણે કહ્યું કે પચાસ મંત્રીઓ કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસની તાકાત વધશે. ગોપિકા સેને સરદાર શાર્દુલ સિંઘના સુધારાનેટેકો આપતાં કહ્યું કે સત્તા હાથમાં આવ્યા પછી કોંગ્રેસ સરકાર કોઈ અટકાયતીને છોડી શકશે? એમણે કહ્યું કે છોડવાની સત્તા ન હોય તો એવી સત્તા લેવી જ શા માટે?

અચ્યુત પટવર્ધને કહ્યું કે આજે કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે, એક જૂથ સામ્રાજ્યવાદીઓ સાથે બેસવા માગે છે અને બીજું એમની સાથે કોઈ જાતનું સમાધાન કરવા તૈયાર નથી.

પંડિત મદન મોહન માલવિયાએ કહ્યું કે સત્તા સંભાળવાની હિમાયત કરતો ઠરાવ બહુ ચર્ચાવિચારણા પછી આવ્યો છે, પણ તમે બંધારણને નકારી કાઢો અને સત્તા પણ સંભાળો, એ બે વાતો ન ચાલે. એમણે કહ્યું કે અત્યારે જરૂર તો દૃઢ એકતાની છે કે જેથી સરકારને એક્ટ સુધારવાની ફરજ પડે.

સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે આ મુદ્દા પર પંડિત માલવિયાજીનો વિરોધ કરતાં દુઃખ થાય છે પરંતુ બે જ રસ્તા છે, કાં તો બ્રિટિશરોને કાઢી મૂકો અને કાં તો સમતિથી થયેલી વ્યવસ્થાનો સ્વીકાર કરો. સરદારે કહ્યું કે સમાજવાદીઓએ આ બાબતમાં તટસ્થ રહેવાનું નક્કી કર્યું છે. આનો લાભ આપણા ઉદ્દેશ્ય માટે શો છે? કે આ માત્ર મત મેળવવાની રીત છે?

વલ્લભભાઈએ કહ્યું કે સરકાર કોંગ્રેસ શું કરશે તે વિચારીને જ કામ કરે છે. પંડિત માલવિયાજીએ કોંગ્રેસને સત્તા ન લેવાની અને સંઘર્ષ ચાલુ રાખવાની સલાહ આપી તેનો જવાબ આપતાં, હસતાં હસતાં કહ્યું કે ગાંધીજીએ તો વ્યક્તિગત સત્યાગ્રહનો કાર્યક્રમ આપ્યો હતો, એ વખતે માલવિયાજી તો સત્યાગ્રહ માટે ન આવ્યા!

તે પછી બાબુ રાજેન્દ્ર પ્રસાદે સમાપન કર્યું અને સરદાર શાર્દુલ સિંઘે સૂચવેલા પર મત લીધા. સુધારાની તરફેણમાં ૨૫૦ અને વિરોધમાં ૪૫૦ મત મળતાં ચૂંટણી પછી સત્તા સંભાળવાનો ઠરાવ મંજૂર રહ્યો. આના પરના બીજા બે સુધારા પણ ઊડી ગયા.

૧૪મીએ છેલ્લા દિવસે પણ આર્થિક સ્થિતિ અંગેના અને ખેડૂતોની હાલત સુધારવાને લગતા ઠરાવો પસાર થયા.

000

અહીં મુસ્લિમ લીગ અને કોંગ્રેસનાં અધિવેશનો વિશે વિગતે એટલા માટે લખ્યું છે કે બન્ને સંગઠનોનાં દૃષ્ટિબિંદુ સમજી શકાય અને એમની આંતરિક લોકશાહીની ઝલક મળે.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register- Jan-June, 1936 Vol. 1

%d bloggers like this: