A different Einstein

મિત્રો,

માફ કરશો, ઘણા વખતે મળું છું. કેટલાક અંશે વ્યસ્તતા જવાબદાર છે અને કેટલાક અંશે ટેકનિકલ સમસ્યાઓ. એવું થયું કે મારા ઇનબૉક્સ સિવાય કશું ખોલવું શક્ય જ ન રહ્યું. કોઈ બીજી લિંક કે સાઇટનું ખૂલવું એ મારી મરજીની વાત ન રહી. ખૂલે તો ખૂલે, એની મરજી. કોઈ પ્રયત્ન કરે તેને સમજાય જ નહીં કે આ શું થાય છે. છેવટે, બે-ત્રણ દિવસ પહેલાં ઇંટરનેટ સર્વિસ પ્રોવાઇડર બદલ્યો (ખાનગીની જગ્યાએ સરકારી!) ત્યારે કામ ચાલ્યું. વળી ઘણો વખત કઈં લખ્યું ન હોય તો રિધમ પણ તૂટી જાય. ચાલો, કહી દો ને, “દેર આયદ, દુરસ્ત આયદ”!

હવે મૂળ વાત. ‘સાયન્સ રિપોર્ટર’ના ફેબ્રુઆરી ૨૦૧૨ના અંકમાં ડૉ. પરેશ વૈદ્યનો લેખ છપાયો છેઃ Einstein: consistent Scientist & Inconsistent Man. આ અંકનો એ વિશેષ લેખ છે. અહીં એનો સંક્ષિપ્ત ભાવાનુવાદ ‘આઇન્સ્ટાઇનનું બીજું રૂપ’ શીર્ષક હેઠળ રજુ કર્યો છે. ડૉ. વૈદ્ય સવાલ પૂછે છેઃ “આઇન્સ્ટાઇનની નિષ્ઠા મગજમાંથી પ્રગટી કે હૃદયમાંથી?

x0x0x0x0x0x

આઇન્સ્ટાઇનનું બીજું રૂપ?

ડૉ. પરેશ વૈદ્ય

આલ્બર્ટ આઇન્સ્ટાઇન ૨૦મી સદીના સૌથી તેજસ્વી વૈજ્ઞાનિક હતા. ફોટો-ઇલેક્ટ્રિક ઇફેક્ટનો એમનો સાદો સિદ્ધાંત પાછળથી ક્વૉન્ટમ ફિઝિક્સના વિકાસનો છડીદાર બની રહ્યો. પરંતુ આજે આઇન્સ્ટાઇન પ્રખ્યાત હોય તો એમના સાપેક્ષતાના સિદ્ધાંત માટે. આ સિદ્ધાંત, અને તેમાં પણ સાપેક્ષતાનો સામાન્ય સિદ્ધાંત, બહુ જ અમૂર્ત છે અને આપણા રોજબરોજના જીવન પર એની અસર લગભગ નહિવત્ છે, તેમ છતાં એના જ કારણે એમને અપ્રતિમ ખ્યાતિ મળી એ નવાઈ લાગે તેવી વાત છે. કદાચ એનું કારણ એ કે એમનું બાહ્ય વ્યક્તિત્વ બહુ સાદું હતું અને રહેણીકરણી પણ બહુ સાદી હતી.

૧૯૧૫ પછી, આઇન્સ્ટાઇન વિજ્ઞાન ઉપરાંત સામાજિક-રાજકીય ઘટનાઓ સાથે પણ જોડાયા. તેઓ જન્મથી જર્મન હતા અને એમને એમના જર્મનપણાનો ગર્વ પણ હતો. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મની હાર્યું અને એને શરણાગતી જેવી સંધિ કરવી પડી હતી. આઇન્સ્ટાઇનને આ વાતનો રંજ હતો. તેમણે જર્મનીનો પક્ષ સમજાવવા અને એકતા સ્થાપવા માટે યુરોપના દેશોની મુલાકાત લીધી. આઇન્સ્ટાઇન અને બીજાં ફ્રેન્ચ વૈજ્ઞાનિક માદામ ક્યૂરી ‘લીગ ઑફ નૅશન્સ’ની આંતરરાષ્ટ્રીય સહકાર સમિતિનાં પણ સભ્ય પણ હતાં.
તે પછી ૧૯૨૮થી ૧૯૩૧ દરમિયાન તેઓ ‘વૉર રેઝિસ્ટર્‍’સ ઇંટરનૅશનલ’ના પણ સભ્ય રહ્યા. આ સંગઠન યુવાનોની લશ્કરમાં ફરજિયાત ભરતી કરવાનો વિરોધ કરતું હતું. આજે પણ આ સંગઠન જીવિત છે અને વિશ્વ શાંતિ માટે કામ કરે છે.

આઇન્સ્ટાઇનના જીવનનાં આ પાસાં બહુ જાહેરમાં નથી આવ્યાં, પરંતુ અમુક વાતો બહાર આવી ત્યારે એમના ચાહકો માટે એમની સ્થિરમતિ પુરુષ તરીકેની છાપ સાથે એનો મેળ બેસાડવાનું થોડું મુશ્કેલ બની ગયું. એમની છાપ ઉદારવાદીની હતી, પણ એમનાં કેટલાંક કાર્યો એની સાથે મેળ ખાતાં નહોતાં. એમના સ્વભાવનાં આ કેટલાંક અજાણ્યાં પાસાં હતાં.

આઇન્સ્ટાઇનના પુત્ર હૅન્સ આલ્બર્ટનું ૧૯૮૬માં અવસાન થયું તે પછી સાન ફ્રાન્સિસ્કોની એક બૅંકમાં એમનું લૉકર ખોલવામાં આવ્યું. પુત્રે પિતાનાં જીવનનાં અળખામણાં બને એવાં પાસાં ચાળીસ વર્ષ સુધી ખાનગી રાખ્યાં હતાં. આઇન્સ્ટાઇનના અંગત જીવનને સ્પર્શતા ચારસો પત્રો હતા, પરંતુ, એમાંથી વધારે ધ્યાન ખેંચ્યું, આઇન્સ્ટાઇને એમની પત્ની મિલ્યેવાને લખેલા ૪૧ પત્રો અને મિલ્યેવાએ આઇન્સ્ટાઇનને લખેલા બીજા દસ પત્રોએ.

પહેલી જ વાર એ વાત બહાર આવી કે આઇન્સ્ટાઇન અને મિલ્યેવા પરણ્યાં એ પહેલાં જ એમને એક દીકરી હતી. આ વાત સૌ પહેલાં જર્મનમાં પ્રકાશિત થયેલી મિલ્યેવાની જીવનકથામાં આવી હતી. ૧૯૯૬માં જેરુસલેમમાં આ પત્રો પ્રદર્શિત કરાયા અને તે પછી અમેરિકામાં એનું લીલામ થયું. આઇન્સ્ટાઇન વૈજ્ઞાનિકને બદલે રાજકારણી હોત તો આ ઘટસ્ફોટ આંધીનું કારણ બન્યો હોત, પણ લોકોના અહોભાવને કારણે આ વાતો ઊછળી નહીં. લીલામ અને એના પગલે થયેલા કોર્ટ કેસોને કારણે થોડી ગરમી આવી ખરી પરંતુ, લગ્ન પહેલાં થયેલી પુત્રી બાબતમાં મીડિયાએ પણ ઉપેક્ષા જ સેવી.

આલ્બર્ટ અને મિલ્યેવા સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝ્યૂરિખની ફેડરલ ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેકનોલૉજીમાં ભણતાં હતાં ત્યારે પહેલી વાર ૧૮૯૬માં મળ્યાં. મિલ્યેવા મૅડીસિનમાં હતાં તે છોડીને ફિઝિક્સમાં આવ્યાં અને આઇન્સ્ટાઇનના વર્ગમાં જોડાયાં. મિલ્યેવા સર્બિયન હતાં અને આઇન્સ્ટાઇન જર્મનીના યહૂદી. બન્ને વચ્ચે ઘનિષ્ઠતા હોવાનું દર્શાવતો પહેલો પત્ર મિલ્યેવાએ ૧૮૯૭માં લખ્યો હતો. એમણે પોતાના પિતાને આઇન્સ્ટાઇન સાથેના સંબંધની વાત કરી હતી. એમણે લખ્યું કે એમના પિતા આઇન્સ્ટાઇનને મળવા જર્મની આવશે. આઇન્સ્ટાઇને આનો શો જવાબ આપ્યો તે ખબર નથી, કારણ કે એમનો પહેલો પત્ર ફેબ્રુઆરી ૧૮૯૮નો છે. એમાં એમણે મિલ્યેવાને ‘રિસ્પેક્ટેડ મિસ’ એમ સંબોધન કરેલું છે! જો કે તે પછી એ વધારે અનૌપચારિક બનતા ગયા અને ‘રિસ્પેક્ટેડ મિસ’માંથી પહેલાં ‘ડિયર મિસ મૅરિખ’ પર આવ્યા અને પછી તો ખરા પ્રેમીને છાજે એમ “લિટલ કૅટ” અને “ડિયર લિટલ ડૉલ” પર આવી ગયા!

(આઇન્સ્ટાઇન અને મિલ્યેવા)

આઇન્સ્ટાઇનનાં લગ્ન માટે એમનાં મા તૈયાર જ નહોતાં. માએ તો કાગારોળ મચાવી દીધી. બીજી બાજુ પિતા તૈયાર તો હતા, પણ એમનું કહેવું હતું કે છોકરો પહેલાં નોકરીએ લાગે; લગ્ન તે પછી જ થઈ શકે. પિતાની વાત કદાચ સાચી હતી, કારણ કે એ વખતે દીકરો માત્ર ૨૧ વર્ષનો હતો. પરંતુ, આઇન્સ્ટાઇન અને મિલ્યેવા તો પ્રેમના મહાસાગરમાં ગળાડૂબ હતાં. કોઈ પણ સામાન્ય માણસની જેમ જ આઇન્સ્ટાઇન લખે છે કે ” તું મારી પાસે નથી હોતી ત્યારે મને લાગે છે કે હું જીવતો જ નથી”. આ મોહ અંતે જાન્યુઆરી ૧૯૦૨માં પુત્રીના જન્મમાં પરિણમ્યો. એમણે એનું નામ લીઝર્લ રાખ્યું. એક વર્ષ પછી, ૧૯૦૩ની ૬ઠ્ઠી જાન્યુઆરીએ આલ્બર્ટ અને મિલ્યેવા લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. જો કે દીકરી એ વખતે એમની સાથે નહોતી. લીઝર્લનો ઉલ્લેખ મિલ્યેવા પિયર હતાં ત્યારે એમણે આઇન્સ્ટાઇને લખેલા પત્રમાં છે. એ વખતે એમના લગ્નને ત્રણ મહિના થઈ ગયા હતા. બસ, તે પછી, લીઝર્લનું ક્યાંય નામ પણ નથી આવતું. ચરિત્રલેખકો લીઝર્લને ખોળી કાઢવામાં સફળ નથી થયા.

આમ છતાં નોંધવા જેવું તો એ છે કે આ બધા વચ્ચે પણ અભ્યાસ અને સંશોધન પરથી એમનું ધ્યાન જરા પણ ચલિત ન થયું. એટલું જ નહીં, સાપેક્ષતા વિશે વિચારવાનું પણ એમણે આ જ સમયગાળામાં શરૂ કર્યું. લગ્ન પછી માત્ર ત્રણ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, ૧૯૦૫માં, એમનો સાપેક્ષતાનો વિશેષ સિદ્ધાંત (Special Theory of Relativity) પ્રસિદ્ધ થયો. આ સિદ્ધાંત એક પ્રખર કલ્પનાશીલ સર્જક પ્રતિભાનાં દર્શન કરાવે છે. એ જ વર્ષે એમના બીજા બે અભ્યાસપત્રો પણ પ્રકાશિત થયા. દુનિયાએ ૨૦૦૫માં એ ‘ચમત્કારિક વર્ષ’ની શતાબ્દી ઊજવી.

જુવાનિયો લપસી પડે તે તો માફ કરી દઈએ, પણ પ્રેમભર્યા લગ્નજીવનની નાવ ૧૯૧૪માં જ ખરાબે ચડી ગઈ, એને શી રીતે વાજબી ઠરાવી શકીશું? ૧૯૧૪માં આઇન્સ્ટાઇન મિલ્યેવાથી અલગ થઈ ગયા અને ૧૯૧૯માં છૂટાછેડા પર કાનૂનની મહોર લાગી ગઈ. ૧૯૯૬માં લીલામ થયેલા પત્રોમાં એક હાથે લખેલી નોંધ પણ હતી, જે દેખાડે છે કે આઇન્સ્ટાઇન શિરજોર પતિ હતા. નોંધમાં એમણે મિલ્યેવા માટે નિયમો ઘડ્યા છેઃ એણે એમનાં કપડાં ધોઈ, સંકેલીને રાખવાં પડશે; દિવસમાં ત્રણ ટંક ભોજન બનાવવું પડશેઃ પત્નીએ એવી આશા ન રાખવી કે પોતે એના ભેગા બહાર ફરવા કે હળવામળવા જશે. આઇન્સ્ટાઇને એ પણ તાકીદ કરી કે મારો રૂમ તો સાફ કરવો પણ મારા ટેબલ પરના કાગળોને મારા સિવાય કોઈ હાથ અડકાડી નહીં શકે એ ધ્યાનમાં રાખવું. આવી ઘણી વાતો નોંધમાં છે.

આ માત્ર આઇન્સ્ટાઇનના રમૂજી સ્વભાવનો પુરાવો છે કે પતિ-પત્ની વચ્ચે કથળેલા સંબંધોનો પુરાવો, એ બાબતમાં એક મત નથી. પરંતુ ૧૯૧૪ની ઘટના એવો સંકેત આપે છે કે એ ટીખળ નહોતું. મિલ્યેવા આ નોંધ પછી થોડા જ વખતમાં બે પુત્રોને લઈને બર્લિનથી ઝ્યૂરિખ ચાલ્યાં ગયાં હતાં. એમનાં લગ્ન કેમ પડી ભાંગ્યાં એ વિમાસણમાં નાખી દે તેવું છે. મિલ્યેવા બુદ્ધિશાળી અને સાલસ સ્વભાવનાં હતાં. પગ થોડો લંગડાતો હતો, પણ એને કારણે આઇન્સ્ટાઇનને અણગમો થયો હોય એવું જણાતું નથી.

(આઇન્સ્ટાઇન અને મિલ્યેવાની માર્કશીટ)

કદાચ વિજ્ઞાનના ક્ષેત્રમાં એ એટલા ડૂબેલા હતા કે કુટુંબજીવન એમને ફાવ્યું નહીં. અસાધારણ સિદ્ધિ મેળવવા માટે લોકો બધું છોડીને માત્ર એક લક્ષ્ય પર અર્જુનની જેમ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. આઇન્સ્ટાઇનના પુત્ર હૅન્સે પણ એક રેડિયો વાર્તાલાપમાં આવો જ સંકેત આપ્યો હતો.

બીજી બાજુ, આઇન્સ્ટાઇનના શિષ્ય અને એમના પ્રીતિપાત્ર અબ્રાહમ પેઝે આઇન્સ્ટાઇનનું જીવન ચરિત્ર લખ્યું છે તેમાં કહ્યું છે કે આ અરસામાં આઇન્સ્ટાઇન બીજી એક સ્ત્રી તરફ ઢળવા લાગ્યા હતા. એ શારીરિક પ્રેમ કરતાં તો સ્નેહ વધારે હતો. એલ્સા એમનાં કઝિન હતાં. ૧૯૧૭માં આઇન્સ્ટાઇનને કમળો થયો ત્યારે એલ્સાએ એમની બરાબર ચાકરી કરી હતી. બે વર્ષ પછી, ૧૯૧૯માં મિલ્યેવાને છૂટાછેડા આપ્યા પછી આઇન્સ્ટાઇન એમને પરણ્યા. છૂટાછેડાના કેસમાં કોર્ટે એવો આદેશ આપ્યો કે આઇન્સ્ટાઇનને મળેલા નોબેલ પુરસ્કારના પૈસા મિલ્યેવા અને એમના બે પુત્રોને મળે.

 (આઇન્સ્ટાઇન અને એલ્સા)

૧૯૩૬માં એલ્સાનું મૃત્યુ થયું ત્યાં સુધી આઇન્સ્ટાઇન અને એલ્સાનો ઘરસંસાર ટકી રહ્યો. પરંતુ, હૅન્સ કહે છે તેમ. આ ગાળા દરમિયાન પણ મિલ્યેવા સાથે એમના સંબંધો સદ્‍ભાવપૂર્ણ રહ્યા. જો કે, પિતાને લખેલા એક પત્રમાં એમણે આક્ષેપ કર્યો છે કે એમણે એમની માતા મિલ્યેવાની દરકાર ન રાખી. બીજી બાજુ, પેઝ કહે છે કે બીજાં લગ્ન પછી પણ આઇન્સ્ટાઇન કોઈ ત્રીજી સ્ત્રીના ચક્કરમાં પડ્યા હતા!

અંગત જીવનના આ વિવાદાસ્પદ વ્યવહાર સિવાય આઇન્સ્ટાઇનના સાર્વજનિક જીવન વિશે પણ વિવાદ ઊભો થયો છે. ૧૯૫૦માં બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલા પહેલા અણુ બોમ્બ વિશેના દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા. એમાં આઇન્સ્ટાઇને ૧૯૩૯માં અમેરિકી રાષ્ટ્રપતિને લખેલો એક પત્ર પણ છે. ખરેખર તો આ વિષય પર એમણે ત્રણ પત્ર લખ્યા હતા. પહેલા પત્રમાં એમણે અમેરિકી રાષ્ટ્રપતિને ‘સુપર બોમ્બ’ બનાવવા માટે કામ શરૂ કરવા આગ્રહ કર્યો છે; બીજો પત્ર એ જ મુદાની યાદી આપવા માટે લખાયેલો છે. પરંતુ ત્રીજા પત્રમાં એમણે આ બોમ્બ કોઈ પણ જગ્યાએ ન વાપરવાની સલાહ આપી છે, કારણ કે બોમ્બ ફેંકવાથી અકલ્પનીય વિનાશક શક્તિ પેદા થશે એ વાત એમને સમજાઈ ચૂકી હતી.

ખરેખર તો આ પત્રોના પ્રેરક બીજા એક વૈજ્ઞાનિક શિલર્ડ હતા અને આઇન્સ્ટાઇને તો એના પર માત્ર સહી કરી દીધી હોવાનું મનાય છે. છેલ્લા પત્રનું મહત્વ નથી, કારણ કે પત્ર પહોંચે તે પહેલાં જ રાષ્ટ્રપતિનું અવસાન થઈ ગયું હતું. પરંતુ, પહેલો પત્ર મહત્વનો છે કેમ કે એ છેક ૧૯૩૯માં લખેલો છે અને એ વખતે વ્યવહારમાં કોઈ જાણતું પણ નહોતું કે યુરેનિયમમાં શૃંખલાબંધ પ્રતિક્રિયાઓ (Chain reactions) થઈ શકે છે. આ પત્ર પછી ત્રણ વર્ષે એનરિકો ફર્મીએ વ્યવહારમાં પણ એ સાબીત કરી આપ્યું. આમ, વ્યાવહારિક પુરાવાનો અભાવ હોવા છતાં આઇન્સ્ટાઇને આ પત્ર મોકલ્યો કારણ કે તેઓ પણ બીજા લોકોની જેમ માનતા હતા કે જર્મની કદાચ એ દિશામાં આગળ કામ કરે છે અને અમેરિકાથી પહેલાં એને બોમ્બ બનાવવામાં સફળતા ન મળવી જોઈએ. એ સમયના સૌથી માનનીય વૈજ્ઞાનિક્ના પત્ર પર બરાબર જ ધ્યાન અપાયું, પરંતુ એનાં માઠાં ફળો જાપાનીઓને ભોગવવાં પડ્યાં અને આખી દુનિયાનું રાજકારણ બદલાઈ ગયું.

લિયો શિલર્ડ પણ યહૂદી હતા અને એ જ કારણે એમને યુદ્ધ દરમિયાન જુદા જુદા ત્રણ દેશોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. એમણે કષ્ટો વેઠ્યાં હતાં અને જર્મની બોમ્બ બનાવી લેશે તો શું થશે, તે સમજી શક્તા હતા. પરંતુ આઇન્સ્ટાઇન તો પહેલા વિશ્વયુદ્ધ પછીના સમયથી જ બહુ સક્રિય શાંતિવાદી હતા! ૧૯૩૦માં એમણે લખ્યું હતું કે ” જે લોકો બૅન્ડની ધુન પર કદમતાલ કરતા ચાલતા હોય છે તેમના માટે મારા મનમાં તિરસ્કાર સિવાય બીજો કોઈ ભાવ પેદા થતો નથી. એક વાત પાકી, કે આ લોકોને માત્ર ભૂલથી સમર્થ મગજ મળ્યાં છે; એમનું કામ તો કરોડરજ્જુથી પણ ચાલી જાત!”.

આઇન્સ્ટાઇનને ‘રાષ્ટ્રવાદ’ની વિભાવના પણ પસંદ નહોતી. તેઓ ‘ સર્વરાષ્ટ્રવાદ’ના સમર્થક હતા. એમનું કહેવું હતું કે યુદ્ધનું જોખમ ઓછું થશે તો દેશો દેશો વચ્ચેની સરહદો પણ ભુંસાઈ જશે. આવું માનનારા આઇન્સ્ટાઇન બોમ્બ બનાવવાનો આગ્રહ કરતો પત્ર લખે એનો ખુલાસો શો કરવો?

જર્મનીમાં યહૂદીઓની જે દશા હતી એનો પડઘો આ પત્રમાં છે. આઇન્સ્ટાઇનને ૧૯૨૧માં નોબેલ પુરસ્કાર મળ્યો તે વખતથી જ નાઝીઓએ એમને ઉતારી પાડવા માટે કમર કસી લીધી હતી. જો કે ફિઝિક્સમાં તેઓ જે પદો પર ટકી રહ્યા તે અનેક જાતની વિટંબણાઓની વચ્ચે. એમના સાપેક્ષતાના સિદ્ધાંતને પણ નાઝીઓએ ‘યહૂદી તુક્કો’ ગણાવ્યો. આઇન્સ્ટાઇને એમના ૧૭મી એપ્રિલ ૧૯૨૭ના પત્રમાં આનો સંકેત આપતાં લખ્યું છેઃ ” વિચિત્ર માણસો છે, આ જર્મનો. એમને મન હું ગંધાતું ફૂલ છું, પણ મને એમના કોટના બટનના કાંસમાં ભેરવી રાખે છે!” તેઓ બહાર હતા ત્યારે એમના ઘરમાં ઘુસી જઈને નાઝીઓએ બધું ખેદાનમેદાન કરી નાખ્યું હતું. એમના બિનયહૂદી વિદ્યાર્થીઓ પણ નાઝીઓના નિશાને ચડ્યા. પ્રખ્યાત વૈજ્ઞાનિક હિઝેનબર્ગ મૂળ જર્મન હતા પણ આઇન્સ્ટાઇનના વિદ્યાર્થી હોવાથી નાઝીઓ એમને ‘શ્વેત યહૂદી’ તરીકે ઓળખાવતા અને ઘણા વખત સુધી યુનિવર્સિટીમાં એમની પ્રતિભાને છાજે એવો હોદ્દો મળ્યો નહીં.

હિટલર સત્તા પર આવ્યો તે પછી તો જર્મનીમાં રહેવું આઇન્સ્ટાઇન માટે વસમું થઈ પડ્યું અને એમને અમેરિકામાં વસવું પડ્યું. આમ છતાં તેઓ મનથી જર્મન જ રહ્યા. તેઓ બોલતા કે લખતા માત્ર જર્મનમાં જ. એમના ક્રાન્તિકારી વૈજ્ઞાનિક અભ્યાસપત્રો પણ પહેલાં જર્મન ભાષાનાં વૈજ્ઞાનિક સામયિકોમાં જ પ્રકાશિત થયા અને અંગ્રેજીમાં તો પાછળથી અનુવાદ થયો છે. અરે, રૂઝવેલ્ટને એમણે બોમ્બ બનાવવાની વિનંતિ કરતો પત્ર લખ્યો તે પણ એમણે મૂળ જર્મનમાં જ લખાવ્યો હતો, બીજા એક વૈજ્ઞાનિક વિગ્નરે એનો અંગ્રેજીમાં અનુવાદ કરી આપ્યો.

(આઇન્સ્ટાઇને રુઝવેલ્ટને પત્ર લખીને અણુબોમ્બ બનાવવા અપીલ કરી)

પરંતુ, એક ‘વૉર રેઝિસ્ટર’ તરીકે યુદ્ધને લગતા કોઈ કામમાં સહકાર ન આપવાના વચનથી એ બંધાયેલા હતા! આ જોતાં એમણે રુઝવેલ્ટને મહાવિનાશકારી બોમ્બ બનાવવાની અપીલ કરી તેનો અર્થ શો કરવો? એમને જાણનારા સૌને અચંબો થયો. કેટલાકે તો એમ પણ કહ્યું કે અમે આઇન્સ્ટાઇનને બરાબર ઓળખીએ છીએ અને તેઓ આવું કરે એમાં કઈં નવાઇ નથી. ફ્રેન્ચ સાહિત્યકાર અને ચિંતક રોમ્યાં રોલાંએ તો પોતાની અંગત ડાયરીમાં આવા જ એક પ્રસંગના અનુસંધાનમાં આઇન્સ્ટાઇન વિશે લખ્યું હતું: “એક વાત સ્પષ્ટ છે કે આઇન્સ્ટાઇન વિજ્ઞાનમાં બહુ પ્રતિભાશાળી છે, પણ વિજ્ઞાનની બહાર નબળા, ઢચુપચુ અને તરંગી છે. મને કેટલીયે વાર એવું લાગ્યું છે.”

રોમ્યાં રોલાં જે જાણતા હતા તે દુનિયા જાણતી નહોતી. લોકો તો એમની બાલસુલભ સરળતાને કારણે એમને ચાહતા હતા. જર્મની વિરુદ્ધના યુદ્ધની તરફેણમાં એમનો યુગાંતરકારી પત્ર પ્રકાશમાં આવ્યો ત્યારે જ લોકોને એમના બીજા પાસાની જાણ થઈ. જાપાનના શાંતિવાદી શિનાહારાએ લખ્યું કે ‘મને ઘણી વાર વિચાર આવે છે કે ગાંધી આઇન્સ્ટાઇનની જગ્યાએ હોત તો એમણે શું કર્યું હોત? ગાંધીએ આઇન્સ્ટાઇન જેમ ન કર્યું હોત.” એમણે આઇન્સ્ટાઇનને એ પત્રને ‘દુઃખદ ભૂલ’ તરીકે જાહેર કરવા વિનંતિ કરી. શિનાહારાનું અવલોકન સાચું છે. ગાંધીજીની નિષ્ઠા હૃદયમાંથી પ્રગટતી હતી.

આઇન્સ્ટાઇનની સાર્વજનિક તસવીર અને એમનાં અમુક કાર્યો વચ્ચેના અંતરનો કોયડો ઉકેલવાની ચાવી પણ એમાં જ છે. એમના મિલ્યેવા સાથેના સંબંધો અને વિચ્છેદ, શાંતિ માટેનો એમનો આગ્રહ, આ બધું મગજમાંથી પ્રગટ્યું હતું, હૃદયમાંથી નહીં. એટલેસ્તો, એ પોતાનાં કાર્યોને વાજબી ઠરાવવા સચોટ તર્ક રજુ કરી શકતા હતા. આખરે તો વૈજ્ઞાનિક હતા ને!

ડૉ. પરેશ વૈદ્ય,
ઇ-મેઇલઃ prvaidya@gmail.com

 (બધી તસવીરો  આભારસહિત નીચે આપેલી લિંક્સ પરથી મેળવી છે.

http://www.freakingnews.com/Two-Faced-Celebrities-Pictures—1898.asp

https://www.google.co.in/search?tbm=isch&hl=en&source=hp&biw=1163&bih=562&q=albert+einstein+mileva+maric&gbv=2&oq=Einstein+mileva&aq=0m&aqi=g-m1g-S2&aql=1&gs_l=img.1.0.0i5j0i24l2.2542l131

https://www.google.co.in/search?tbm=isch&hl=en&source=hp&biw=1163&bih=562&q=albert+einstein+mileva+maric&gbv=2&oq=Einstein+mileva&aq=0m&aqi=g-m1g-S2&aql=1&

%d bloggers like this: