Truth in Practice (2)

સત્યઃ વ્યવહારમાં (૨)

આજે આપણે એ વિચારવાનું છે કે માન્યતાઓ શી રીતે બને છે,ભાષામાં એનો શી રીતે વ્યહવાર થાય છે અને એને સત્યના આધાર તરીકે માની શકાય કે નહીં. એક વાત ચોક્કસ કે આ બધી ગડભાંજ માણસની, માણસ માટે અને માણસ દ્વારા છે. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના ‘કુરુક્ષેત્ર’ પર ‘રાસાયણિક તત્વજ્ઞાન’ના લેખો આ સમજવામાં બહુ ઉપયોગી થાય તેમ છે.
કલ્પના
માણસના કૉર્ટેક્સનો વિકાસ એટલો થયેલો છે કે એ વિચારો અને કલ્પનાઓમાં આખું નવું જગત ઊભું કરી શકે છે. ‘ઍલિસ ઇન વંડરલૅન્ડ’ અથવા આપણા ચિરપરિચિત ‘બકોર પટેલ’ કે ગુલિવર( હંસાબહેન મહેતાનો અનુવાદ – ‘ગોળીબારની મુસાફરી’) અથવા તો વૈજ્ઞાનિક કથાઓ (સાયન્સ ફિક્શન), આ કલ્પનાજગતની કરામત છે. પરંતુ, કલ્પનાનું ક્ષેત્ર તો અનેકગણું વિશાળ છે. “જબ દુઃખ કે બાદલ પિગલેંગે…જબ ધરતી નગમે ગાયેગી…” આ પણ કલ્પના છે. એમાંની ઉપમાઓ અને નિર્જીવ ધરતીને સજીવ માનવાને કારણે આપણી સમક્ષ એક ભાવ જગત ઊભું થાય છે. કલ્પનાઓ વાસ્તવિક નથી હોતી પરંતુ એને કારણે આપણું મનો જગત બહુ સમૃદ્ધ બન્યું છે. કલ્પનાઓ ન હોત તો દુનિયાની વૈજ્ઞાનિક પ્રગતિ પણ ન થઈ હોત. આમ, રસેલ જે વાક્યોનો અભ્યાસ કરે છે, એમાં કલ્પનાઓ તો આવતી નથી! એ સાકાર થતી હોય છે, પરંતુ સાહિત્યિક પાત્રો – સરસ્વતી ચન્દ્ર, દેવદાસ, શેરલૉક હોમ્સ અમર બની ગયા છે એ કેમ ભૂલી શકીએ?

સ્મૃતિ – વ્યક્તિગત, સામુદાયિક
આ ઉપરાંત સ્મૃતિની ભૂમિકા પણ બહુ મહત્વની રહે છે. આપણા પોતાના અનુભવો, કોઈએ કહેલી કડવી કે મીઠી વાત આપણી સ્મૃતિમાં સંઘરાઈ જાય છે. આ મહત્વની વાત છે અને એ આપણા સંબંધોને એક આકાર આપવામાં પણ ભાગ ભજવે છે. દૂધથી દાઝવાની સ્મૃતિ છાસનો સફેદ રંગ જોઈને એને પણ ફૂંકીને પીવાનો સંદેશ આપે છે. શરીરશાસ્ત્ર તો કહે છે કે હાથ પર ઈજા થાય તો એ સંદેશ મગજ સુધી પહોંચે ત્યારે ઈજાની પ્રતીતિ થાય છે. આપણી સ્મૃતિ આપણે કઈ જાતની પ્રતિક્રિયા આપીશું તેમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે, એટલે જ દૂધથી દાઝવાનો અનુભવ, દાઝ્યાથી પહેલાં, છાસ પીતી વખતે પણ સાવચેતીનું ઍલાર્મ વગાડે છે. આ સ્મૃતિનું કામ છે.

પરંતુ આ તો વ્યક્તિગત સ્મૃતિ થઈ. આપણી સામુદાયિક સ્મૃતિ પણ હોય છે. માણસ આદિ કાળથી જૂથમાં રહેતો આવ્યો છે, એટલે બીજાનો અનુભવ પણ આપણી સ્મૃતિનો ભાગ બને છે. આપણે બીજાના અનુભવનું પણ પૃથક્કરણ કરીને આપણા પર એને લાગુ કરી શકીએ છીએ. એક જૂથ બીજા જૂથ પર હુમલો કરે અને આ હુમલાને મારી હઠાવવામાં સફળતા મળે અને તે પછી વિજય દિવસ મનાવાય. આ વિજય દિવસ એક પરંપરા બની જાય. એ વખતે શત્રુઓની બહુ નિંદા થાય, પોતાના જૂથનો મહિમા ગવાય. આમ સામુદાયિક અનુભવોનું પોત પાકું થતું જાય છે અને એ આપણી સામુદાયિક સ્મૃતિમાં પરિણમે છે. પછી આ જૂથોઅમુક પેઢીઓ પછી આ સ્મૃતિને આધારે જ પરસ્પર વર્તન કરે. એક જ જાતની સામુદાયિક સ્મૃતિઓ હોય એવા લોકોનું એક જૂથ બને છે. આને આપણે જાતિ. રાષ્ટ્ર, સમાજ વગેરે નામે ઓળખીએ છીએ. વાસ્તવમાં, આ બધું આપણી સ્મૃતિમાંથી પેદા થાય છે. ઘણી વાર આવી સ્મૃતિઓમાંથી અમુક ઘટકો નીકળી પણ ગયાં હોય, તેમ છ્તાં, ઉપર દૂધ અને છાસનો દાખલો આપ્યો છે તેમ આપણી પ્રતિક્રિયા મૂળ હતી તે જ ચાલુ રહેતી હોય છે.

સ્મૃતિ વિના જૂથો બને?
જુથમાં રહેવું એ આપણી જીવન ટકાવી રાખવાની, સર્વાઇવલની, જરૂરિયાત છે. એટલે સ્મૃતિના આધારે જૂથ બને છે, તેમ છતાં, જૂથ બનવાની પ્રક્રિયા માત્ર સ્મૃતિ પર આધાર નથી રાખતી. નવા અનુભવો પ્રમાણે નવાં જૂથો પણ બનતાં જાય છે. દાખલા તરીકે, ડૉક્ટરોનું સંગઠન, કામદારોનું સંગઠન. આમાં વ્યક્તિ તરીકે તમે કૉઇ પણ જાતિના હો, તો પણ ડૉક્ટર તરીકે તમારૂં નવું જૂથ બને છે અને તમે એના પણ સભ્ય બનો છો. નવાં જૂથ બનવાની પ્રક્રિયા દેખાડે છે કે જૂથની રચના અનાદિ નથી કે એ કોઇ એવી વ્યવસ્થા નથી કે આપણે એની બહાર ન જઈ શકીએ. એવું પણ નથી કે આપણે એક કરતાં વધારે જૂથના સભ્ય ન બની શકીએ. કોઈ જૂથ હંમેશાં ટકે એવું નથી હોતું એટલે આપણે અમુક જૂથના સભ્ય હોઇએ તે માત્ર ટેવની સમાનતાને કારણે હોય છે, ઘણી વાર – અને ખરેખર તો મોટા ભાગે – એવું બનતું હોય છે કે આપણી સ્મૃતિ પણ ધૂંધળી બની ગઈ હોય છે, માત્ર સભ્યોની ટેવને કારણે આવાં જૂથો ટકી રહે છે. એના માટેની આપણી ગર્વની કે શરમની લાગણી પણ ખરેખર તો અસ્થાયી જ છે.

માન્યતા
સામુદાયિક સ્મૃતિ, વ્યક્તિગત સ્મૃતિ, આપણું પૃથક્કરણ અને આપણી ટેવો માત્ર એક કાળ પૂરતાં મર્યાદિત નથી રહેતાં. એ પેઢીઓને વારસામાં મળે છે. આપણા દાદા-પરદાદા જે રીતે જીવતા, એ આપણે વારસામાં મેળવીએ છીએ, અને એના પ્રમાણે જીવવા માગીએ છીએ. આમાંથી માન્યતાઓ બને છે. ક્યારેક વ્યક્તિગત સ્તરે આવી માન્યતાઓમાંથી પલાયન દેખાય, પરંતુ મોટા ભાગે માન્યતાઓનું પાલન થતું હોય છે. ઘણી વાર તો એવું બને છે કે આવાં પલાયનો એટલાં વ્યાપક હોય છે કે મૂળ માન્યતા માત્ર મ્યૂઝિયમને લાયક બની ગઈ હોય છે. આપણે હજી પણ જોર કરીને ટકી રહી હોય એવી માન્યતાનો એક એવો દાખલો લઈએ જેમાંથી ભાષાના પ્રયોગનો પણ ખ્યાલ આવેઃ

આપણે ત્યાં મોટા ભાગે નાતની અંદર જ લગ્નો થાય છે. આ માત્ર વારસામાં મળેલી માન્યતા છે. હવે કોઈ છોકરી નાતની બહાર લગ્ન કરવા માગતી હોય તો એનો વિરોધ થાય. એ છોકરી ઘર છોડીને જાય અને મરજી પ્રમાણે લગ્ન કરી લે. એ વખતે આપણે કહીએ છીએ “ફલાણાભાઈની છોકરી ભાગી ગઈ” અથવા તો “ફલાણાભાઈની છોકરીએ ભાગીને લગ્ન કરી લીધાં”. અમુક પ્રકારનાં લગ્નો માટે “ભાગી ગઈ/ગયો એ પર્યાય જેવાં બની ગયાં છે! આ જ શબ્દો વપરાતા હોય છે ને! હસવું આવે એવી વાત છે. ભાગવાની ક્રિયાની અલગ કલ્પના કરો તો આંખ સામે એવું દૃશ્ય આવશે કે છોકરી દોડે છે… હાંફે છે… એની પાછળ થોડા લોકો દોડે છે… છોકરીની આગળ અથવા સાથે એક છોકરો પણ દોડે છે! ‘ભાગવું’ એટલે ખરેખર તો આ દૃશ્ય હોવું જોઈએ, પણ ખરેખર જે બનતું હશે તે દૃશ્ય કઈંક આવું હશેઃ છોકરી, હાંફવાનું તો બાજુએ રહ્યું, શ્વાસનો પણ અવાજ ન સંભળાય એમ ધીમેથી બહાર નીકળતી હશે, અથવા રોજની જેમ સ્વાભાવિક રીતે નીકળી હશે, ઘરમાં વધારે પડતી સભાનતાથી વર્તી હશે! આમ, ભાગવાની ક્રિયા ખરેખર આપણે ધારીએ છીએ એવી રોમાંચક નથી. એ તો સમાજની સ્થાપિત માન્યતાઓમાંથી ભાગવાની ક્રિયા છે, એમાં શારીરિક ક્રિયાનો રોમાંચ તો જરા પણ નથી, ન હોઈ શકે.

ભાષા અને વિશેષણો
આપણે જોયું કે ભાષા કેવું દૄશ્ય ઉત્પન્ન કરી શકે છે. આ દાખલામાં તો એક જીવંત વ્યક્તિ છે, પરંતુ આપણે પરંપરાઓ અને વારસામાં મળેલી માન્યતાઓને આધારે બધી ક્રિયાઓને પણ આવી જ રીતે વર્ણવીએ છીએ. આમાંથી વિશેષણોનો જન્મ થયો છે. વિશેષણો એક દૃશ્ય પણ ઊભું કરે છે. અહીં હું અમુક માન્યતા સારી કે ખરાબ, અથવા એના લાભ કે ગેરલાભની ચર્ચા નથી કરતો. માત્ર માન્યતાનું અસ્થાયી સ્વરૂપ સમજાવવાની કોશિશ કરૂં છું. દાખલા તરીકે મદ્યપાન વિશે દરેક સમાજનું મંતવ્ય જુદું છે. પશ્ચિમી જગતનું દારૂ પ્રત્યેનું વલણ આપણે સ્વીકારી શકતા નથી. જાતિઓ વિશે પણ એવું જ છે. આપણા માટે નાતજાત સ્વાભાવિક હોય, પણ પશ્ચિમી દેશો માટે નવાઇની વાત છે. આના આધારે આપણે ‘સારૂં’-‘ખરાબ’ એવા ગુ્ણો આપખુદીથી નક્કી કરીએ છીએ અને વ્યક્તિ કે કાર્ય પર આરોપીએ છીએ. વિશેષણોનો આધાર આવી માન્યતાઓ છે. હા, વિશેષણોમાં ઘણાં વર્ણનાત્મક હોય છે – કાળો ઘોડો, ધોળી ગાય વગેરે, પણ ‘સારો માણસ’, ‘ખરાબ માણસ’ વગેરેને પણ એ શ્રેણીમાં મૂકી શકીએ?. એ આપણી માન્યતાઓની નિષ્પત્તિ છે. એમાં કોઈ વર્ણન નથી. એ આપણી પ્રતિક્રિયા છે, જેનો આધાર આપણી અમુક માન્યતાઓ છે.

આ માન્યતાઓ ચિત્ર બનીને ભાષામાં આવે છે. ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાં સર્વોદયવાદી પત્રિકા ‘ભૂમિપુત્ર’માં ભાષા વિશે આવી જ એક ચર્ચા હતી. એક વાક્ય હતું: “એ ભાઇ પોતાને ગાંધીવાદી કહેવડાવે છે, પણ એમને મઢીના સ્ટેશનનાં ભજિયાં બહુ ભાવે છે!” હવે ભજિયાંને અને ગાંધીવાદને શો સંબંધ? પણ એ આપણી ગાંધીવાદ વિશેની માન્યતા છે, આ માન્યતામાં ભજિયાં ક્યાંય ફિટ થતાં નથી! આ ગાંધીવાદનું આપણું ચિત્ર છે! પેલા ભાઇનો એમાં કઈં વાંક નથી આ માત્ર માન્યતાઓના આધારે બનેલાં ચિત્રો છે. તે ઉપરાંત, “આવો ગરીબડો રાજપૂત હોય?”, “પાકો વાણિયો છે”, “બ્રાહ્મણ નામ માટે કલંક છે”, “કોઈ જોઈને કહી ન શકે કે એ મુસલમાન છે”, “કપડાં એવાં પહેરે છે કે કોઈ કહી ન શકે કે પટાવાળો છે” – આવાં વાક્યો પણ આપણી ભાષામાં હોય છે. આવાં બધાં વાક્યોનો આધાર પણ આપણી માન્યતામાં હોય છે. માન્યતાઓને આધારે આપણી ‘સારૂં’ની એક વ્યાખ્યા છે, ‘ખરાબ’ની પણ એક વ્યાખ્યા છે. પરંતુ માન્યતાઓ હંમેશાં વિવાદગ્રસ્ત રહે છે.

રસેલ કહે છે કે આવી માન્યતાઓ વ્યાપક હોય તો એવી માન્યતા દર્શાવતું વાક્ય સાચું હોય. આપણે જોયું કે એવું નથી. આ માન્યતાઓ પોતે જ કોઈ બીજાં કારણોસર બની છે, એટલે એ માન્યતાઓની અંદર જવું પડશે. આ ચર્ચામાં હવેનો પડાવ સંબંધોનો છે, એમાં માન્યતાનો ઉપયોગ છે. પરંતુ આજે અલમ્ અતિ વિસ્તરેણ….

સત્ય: વ્યવહારમાં (૧)

ડૉ. પરેશ વૈદ્યને તો હવે આપ સૌ એમના લેખોને કારણે જાણો જ છો. પત્રો લખવાના જમાનામાં અમારા વચ્ચે વિવિધ વિષયો પર ઘણો પત્રવ્યવહાર થતો અને સ્થિતિ એ હતી કે મારે કઈં સ્વતંત્ર લખવું હોય તો પણ ઉપર પહેલાં “પ્રિય પરેશ” એમ ન લખું તો પેન જ ન ચાલે! આ વખતે પરેશ દિવાળીમાં દિલ્હી આવ્યા, ત્યારે છેક ૧૯૬૯થી એમને મેં લખેલા પત્રો પણ સાથે લાવ્યા! એટલે કે, અમે ‘શેવ’ કરવાની શરૂઆત કરી હોય તે તો નજીકનો ભૂતકાળ હતો એવા દિવસો. એમના પત્રો મેં પણ સાચવ્યા હતા પરંતુ ઉધઈ-ઇચ્છા બલિયસી.

મિત્રો, ‘સત્યવચન’ સીરીઝના લેખો આપ સૌ પહેલાં જ વાંચી ચૂક્યા છો, તે આ પત્રવ્યવહારના ઝાડની ડાળીઓ પર જ પારણાં ઝૂલ્યા છે. એ વખતના વિચારો અપરિપક્વ હોય અથવા બહુ સમજાયું ન હોય તેને પણ આપણે ‘બહુ સમજાયું’ માની લઈએ એ શક્ય છે. મારા જ ઘણા પત્રોમાં ઘણું એવું વાંચવા મળ્યું, જે બાલિશ લાગે છે; અથવા મારૂં લખેલું મને પોતાને જ સમજાતું નથી! કેટલુંક તો એવું છે કે હવે એને હું નકારતો થઈ ગયો છું. આમ છતાં, કેટલાક પત્રોની પરિપક્વતા (કે અપરિપક્વતા) આજે પણ મારી અંદર ટકી રહી છે – દાખલા તરીકે, એમાં, ‘માન્યતા’ વિશેના બર્ટ્રાન્ડ રસેલના વિચારો, અને તે પછી એમના આધારે, ‘માન્યતા’નું જ પૃથક્કરણ કરીને ‘સત્ય’ને સમજવાનો અથવા માન્યતાને ‘હકીકત’ તરીકે જોવાનો પ્રયાસ.

‘સત્યવચન’ ના લેખોમાં મેં લખ્યું હતું કે કોઈ વાક્ય કે કથનને સાચું પૂરવાર કરવા માટે નક્કર હકીકતોનો આધાર જોઈએ કારણ કે સત્ય પોતે વાક્યનો ગુણ નથી,વાક્ય માત્ર વ્યાકરણ પ્રમાણે સાચું હોઈ શકે, પરંતુ એ સાચી સ્થિતિને રજુ ન કરતું હોય. આપના પ્રતિભાવોને કારણે થોડી પ્રગતિ પણ થઈ અને સત્યની અભિવ્યક્તિથી આગળ વધીને સત્યને આપણે વ્યક્તિના સંદર્ભમાં પણ જોયું: (૧) સત્ય દરેકનું અલગ હોય છે એટલે માત્ર આપણે સાચા નથી હોતા; (૨) સમસંવેદન એટલે કે આપણે બીજાની સ્થિતિ સમજીએ અને પારદર્શી બનીએ; તે ઉપરાંત (૩) આપણે પોતે એવા બનીએ કે સૌ આપણી આરપાર જોઈ શકે વગેરે. આમ છતાં આપણા સામાજિક વ્યવહારની આમાં ક્યાંય વાત ન આવી, અમુક માપદંડો જરૂર ચર્ચાયા. આપણા પરસ્પર સામાજિક અને વ્યક્તિગત વ્યવહારમાં કે ઇચ્છાઓમાં સત્યને કેમ સમજવું? સામાજિક વ્યવહારમાં માન્યતાઓનું જોર વધારે હોય છે. માન્યતાઓ એટલે પરંપરાઓ, આપણે પ્રાપ્ત કરેલી ટેવો, વારસામાં મળેલા વિચારો.ઍન્થની ડિમેલોની વાર્તાઓ દ્વારા આપણે રૂઢ માન્યતાઓ સત્યને સમજવામાં કેમ આડે આવે છે તે પણ જોયું હતું. આમ માન્યતાઓનું ખરૂં રૂપ સમજ્યા વિના ‘સત્ય’ પણ ન સમજાય. આ બાબતમાં રસેલથી સંતોષ નહોતો થયો.

રસેલની ‘માન્યતા’
સાચું કહું તો, ૧૯૭૫માં રસેલનું My Philosophical Development વાંચ્યા પહેલાં ‘સત્ય’ને સમજવાનો પ્રયાસ કરવાનો પણ વિચાર નહોતો આવ્યો. રસેલ પહેલાં અદ્વૈતવાદી (Monist) હતા. બ્રિટનનો અદ્વૈતવાદ આપણા આધ્યાત્મિક અદ્વૈતવાદથી જુદો છે. બ્રિટિશ અદ્વૈતવાદીઓનું કહેવું છે કે બધાં સત્યો એકબીજાનાં પૂરક છે અને સમગ્ર રીતે જોતાં બધાં સત્યો આખા વિશ્વના એક સળંગ સત્યના ભાગ છે. ખરૂં જોતાં આ વ્યાખ્યા નથી, વર્ણન છે. બીજી બાજુ, બ્રિટનના વ્યવહારવાદીઓના મતે “જે માન્યતા અસરો પેદા કરે તે સાચી માન્યતા.” રસેલે અદ્વૈતવાદી વર્ણન તો નકારી કાઢ્યું, તે સાથે વ્યવહારવાદીઓની ‘સાચી માન્યતા’ની વ્યાખ્યાને પણ પડકારી. એમણે ઉદાહરણ તરીકે નાઝીવાદી જર્મનીને લીધું. નાઝીવાદી માન્યતાની તો કેવી ભયંકર અસરો થઈ!. માત્ર અસર થવાને કારણે કોઈ માન્યતાને સાચી ન માની શકાય. એમણે વ્યવહારવાદીઓના મતને “વિશ્વશાંતિ માટે ભયજનક” ગણાવ્યો.

હવે એમણે ભાષાનાં વાક્યો લઈને તપાસ શરૂ કરી કે જેથી વાસ્તવિક સ્થિતિના આધારે વ્યાખ્યા આપી શકાય. એમણે કહ્યું કે જ્યારે પણ સત્યને સમજવાની વાત આવે ત્યારે લોકો ઈશ્વર, બ્રહ્માંડ વગેરે મોટા વિષયોથી શરૂઆત કરે છે. ખરેખર સાદાં વાક્યો લેવાં જોઇએ. દાખલા તરીકે, “સોક્રેટિસ પ્લેટોને ચાહે છે” એ વાક્યમાં (૧) સોક્રેટિસ, (૨) પ્લેટો, અને (૩) ચાહવું – આ ત્રણ બાબતો છે. પરંતુ એ વખતે રસેલ Subject એટલે કે વ્યક્તિની ભૂમિકાને મહત્વ આપતા હતા એટલે એમણે કહ્યું કે ખરેખર તો આ વાક્ય આ પ્રમાણે છેઃ “હું માનું છું કે સોક્રેટિસ પ્લેટોને ચાહે છે” આમ ચોથું આત્મલક્ષી ઘટક “હું માનું છું” પણ એની અંદર ગર્ભિત રૂપે છે.

એમને પાછળથી લાગ્યું કે સોક્રેટિસ પ્લેટોને ચાહે એમાં ‘મારા માનવા’ સાથે કશો સંબંધ જરૂરી નથી. હું ગમે તે માનું, સોક્રેટિસના પ્લેટો માટેના સ્નેહનો આધાર મારી માન્યતા નથી. આ વાક્ય સાચું ઠરાવવા માટેનો આધાર મારી અંદર નહીં પણ બહાર હોવો જોઈએ.

હવે એમણે નવેસરથી પ્રયાસ શરૂ કર્યા. એમણે ત્રણ તબક્કામાં આ વ્યાખ્યા આપીઃ

(૧) વાક્યઃ દરેક સત્યો વાક્યમાં પ્રગટ થાય છે. જે બોલી શકે તે વાક્યનો પ્રયોગ કરે છે, પણ ન બોલી શકે તેય મનમાં એ વાક્ય અનુભવે છે.

૨) સૂચિતાર્થઃ વાક્ય કોઈ પણ ભાષામાં હોઈ શકે પરંતુ એનો સૂચિતાર્થ બદલાતો નથી – “Nehru is dead” અને “નહેરુ મૃત્યુ પામ્યા” એ બન્ને જુદી ભાષામાં બોલાયેલાં વાક્યો હોવા છતાં એમનો સૂચિતાર્થ “નહેરુનું મૃત્યુ” છે. આમ, રસેલે ભાષા વૈવિધ્યને કારણે ઊભી થઈ શકે એવી મુશ્કેલી દૂર કરી અને વાક્યની અંદર ગયા.

(૩) માન્યતાઃ રસેલનું કહેવું છે કે દરેક સૂચિતાર્થની પાછળ એક માન્યતા હોય છે. આવું માન્યતાવાળું વાક્ય એક કે તેથી વધારે તથ્યો સાથે સુસંગત હોય તો સાચું ગણાય. નહેરુનું મૃત્યુ થયું એવી માન્યતા “નહેરુનું મૃત્યુ” નક્કર હકીકત હોય તો જ સાચી ઠરે. આમ દરેક માન્યતાનો નક્કર પ્રતિપાદક (verifier) હોવો જોઈએ.

રસેલનું ચિંતન
રસેલે સત્યની વ્યાખ્યા ન આપી, પરંતુ, એમણે માત્ર કઈ માન્યતા સાચી અને કઈ ખોટી તે જ સમજાવ્યું – અને તે પણ ‘માન્યતા’ની વ્યાખ્યા કર્યા વિના જ! માન્યતા સાચી કે ખોટી એ એમણે પ્રતિપાદકને આધારે નક્કી કરવાની સલાહ આપી, પણ આ માન્યતા છે શું? માન્યતાઓ કયા આધારે બંધાય? કઈંક જુઓ, અનુભવો, અનુમાનો કરો તેના આધારે જ ને? રસેલ ફરીથી ‘માન્યતા’ની બાબતમાં એક એવી જગ્યાએ પહોંચે છે કે જ્યાં આત્મલક્ષી તત્વનો પ્રવેશ થાય અને તથ્ય ન હોય. જો કે એમણે જ્ઞાનના ‘ડેરિવેટિવ’ (તારવેલું) અને ‘ઇન્ટ્યૂટિવ’ (આત્મસ્ફુરણથી) મળતું જ્ઞાન એવા ભાગ પાડ્યા છે અને ઇન્ટ્યૂટિવ જ્ઞાન બાબતમાં શંકા પણ વ્યક્ત કરે છે. આમ છતાં એમણે માન્યતાઓને પણ હકીકતો (‘ફૅક્ટ્સ’)માં ફેરવી નાખી હોત તો કામ સહેલું થઈ ગયું હોત. કેમ એ કરવું?

સમસ્યાઓઃ કેટલાંક ઉદાહરણો

એમની સમક્ષ અમુક વાક્યોમાં શી સમસ્યા ઊભી થઈ તે જોઈએ. મને લાગ્યું કે આ સમસ્યાઓનું નિવારણ કરવા માટે રસેલે બહુ બૌદ્ધિક દંડબેઠક કર્યાં છે.

રસેલ કહે છે કે ‘સાચાપણું’ કે ‘ખોટાપણું’ માત્ર જેમાં માન્યતા હોય એવાં વાક્યોને લાગુ પડે છે, એટલે સત્યને સમજવા માટે આવી માન્યતાવાળાં વાક્યોનું જ પૃથક્કરણ કરવું જોઇએ. નક્કર હકીકત દ્વારા પ્રતિપાદન થતું હોય તો માન્યતા સાચી, નહીંતર ખોટી. વાક્યનો આધાર માન્યતા હોવાથી વાક્ય પણ માન્યતા પ્રમાણે સાચું કે ખોટું ઠરે.એમનાં જ કેટલાંક ઉદાહરણ જોઈએ.

“મારે ઘરે ચાલો, આપણે કૉફી પીશું”. આ વાક્ય સાચું પણ નથી અને ખોટું પણ નથી. આ વાક્યનો નક્કર આધાર શો? બનાવ તો બન્યો નથી એટલે એને સાચું સાબીત કરે એવો પ્રતિપાદક ન જ હોય. ભવિષ્યકાળનાં વાક્યોમાં આ મુશ્કેલી નડે છે. આમ છતાં, તમે મને ઘરે લઈ જાઓ ત્યારે ખબર પડે કે કૉફી તો ખલાસ થઈ ગઈ છે! રસેલ કહે છે કે તમારી માન્યતા હતી કે કૉફી ઘરમાં છે, પણ એ માન્યતા ખોટી પડી, ધારણા કે માન્યતા ખોટી પડે એ શક્ય છે. આમ વાક્યનો સૂચિતાર્થ સિદ્ધ ન થાય તો એ ખોટું ઠરે, પરંતુ વાક્ય બોલાયું ત્યારે એ માન્યતા ખોટી જ હતી એમ ધારવાનું શક્ય નથી. એ માત્ર પ્રતિપાદકની અપેક્ષા રાખતું હતું. પ્રતિપાદક મોડેથી પ્રવેશતો હોવાથી વાક્ય શરૂઆતથી, અને અંત સુધી, ખોટું સાબીત ન થઈ શકે. સવાલ એ છે કે વાક્ય અને હકીકત વચ્ચે ભવિષ્યની ઘટનામાં કેમ સંબંધ બની શકે? હજી ઘટના તો બની જ નથી! ઘરમાં કૉફી હશે એવી જ ધારણાથી આમંત્રણ આપેલું ને? આવી ધારણા કેમ બની એનો ખુલાસો જરૂરી છે.

ઉપરના ઉદાહરણમાં વાક્ય બોલાયું ત્યારે પ્રતિપાદક(કૉફી)ની હાજરી જ નહોતી. પરંતુ, ઘણી વાર એવું બને કે આપણી સમક્ષ નકારાત્મક વાક્ય હોયઃ “હું નહેરુને કદી મળ્યો નથી”. નહેરુને મળ્યો ન હોઉં તો આ વાક્યનો પ્રતિપાદક કોણ? આ વાકયને સાચું શી રીતે માનવું? નહેરુને મેં નજરે જોયા જ ન હોય તો એમને પ્રતિપાદક તરીકે કેમ રજુ કરૂં? જે ક્ષણે બોલતો હોઉં તે સમયે નહેરુને દેખાડી શકું તો એમની સાથે મારી મુલાકાત થઈ જાય! એટલે ‘કદી મળ્યો નથી” એ ખોટું પડે! રસેલ આને અંતર્વિરોધ તરીકે ઓળખાવે છે. પરંતુ અંતર્વિરોધ જેવું કઈં નથી. અહીં હકીકતમાં ‘હું’ આ વાક્યનો પ્રતિપાદક છે. આમ પ્રતિપાદકની પસંદગી પણ બરાબર હોવી જોઈએ.

ઉલ્ટું, આપણે ક્યારેક પ્રતિપાદકની હાજરીને કારણે છેતરાઈ જઈએ, એવું પણ બનતું હોય છે. ઉપરનાં બન્ને ઉદાહરણોમાં વાક્ય બોલાયું ત્યારે પ્રતિપાદક હતો જ નહીં, પરંતુ, પ્રતિપાદક જ ખોટો હોય એવું ન બને? તમે ઘડિયાળ જોઈને કહો કે “અત્યારે દસ વાગ્યા છે” પરંતુ એ વાત પર ધ્યાન ન આપો કે ઘડિયાળ બંધ પડી ગઈ છે. હવે, એ વખતે ખરેખર દસ વાગ્યા હોય તો “દસ વાગ્યા છે” એ વાક્ય ઘડિયાળ રૂપી પ્રતિપાદકને કારણે સાચી પડે. આમ છતાં, અર્ધા કલાક પછી તમને ખ્યાલ આવે કે ઘડિયાળ તો બંધ પડી ગઈ છે ત્યારે તમારો પ્રતિપાદક ખોટો હતો એમ સમજાય. પરંતુ, તમે ઘડિયાળ જોઈને કહ્યું તે શા માટે? આનું કઈં કારણ હશે?

જો કે, એટલું કહેવું પડશે કે રસેલે આ ત્રીજા ઉદાહરણમાંથી એક મહત્વનું તારણ આપ્યું છેઃ માન્યતાને જ્ઞાન સાથે સંબંધ નથી. માન્યતા સાચી હોય તો પણ એમાં જ્ઞાન પણ છે એમ ન કહી શકાય. આ ઉદાહરણ દેખાડે છે કે પહેલાં પ્રતિપાદકની હાજરીની કારણે માન્યતા તો સાચી પડી પરંતુ જ્ઞાન નહોતું. અર્ધા કલાક પછી ઘડિયાળ જૂઓ ત્યારે તમને જ્ઞાન થાય અને તમારી માન્યતાને જ્ઞાનનો પણ આધાર મળે. બીજું ઉદાહરણ લઈએ. “ઈશ્વર સર્વવ્યાપી છે” એમ કહેવામાં માત્ર માન્યતા વ્યક્ત થાય છે. આ વાક્યનો પ્રતિપાદક કોણ? એટલે આ માન્યતામાં જ્ઞાન નથી. ભલે એ બોલનારો જ્ઞાની લાગે. જ્ઞાન સિવાય તો બધું ‘લોલેલોલ’ હોય અથવા આંધળે બહેરૂં કૂટાતું હોય!

વળી, ભાષા વિના પણ માન્યતા બનતી હોય છે. રસેલે આનું ઉદાહરણ પણ આપ્યું છે. જોરથી આંધી આવે ત્યારે તમારી માન્યતા બને કે બારી બારણાં અફળાશે. તમે ઘરમાં એકલા હો તો આ માન્યતા શબ્દમાં તો વ્યક્ત ન જ કરો, તેમ છતાં માન્યતા પેદા તો થાય જ છે. રસેલે વાક્યની સત્યતાનો આધાર માન્યતાને બનાવી પણ અહીં તો માત્ર માન્યતા છે, વાક્ય નથી. તમે શાને સાચું કે ખોટું ઠરાવો? આ ઉદાહરણ તો એમ દેખાડે છે કે માન્યતા માટે ભાષાની જરૂર નથી.

આમ, ‘માન્યતા’ને સમજ્યા વિના વાક્યમાં સત્ય છે કે નહીં એ જ ન સમજાય. વ્યહવારમાં તો બહુમતીની માન્યતા જ સાચી તરીકે સ્થાપિત થતી હોય છે, જે ખરેખર સાચી ન હોય. માન્યતા સત્યનો આધાર બનતી નથી.

માન્યતાઓ, વિશેષણો અને સંબંધો વિશે હવે પછી…

E-mails vs Environment

ઇ-મેઇલ નિર્દોષ નથી!
પાંચમી નવેમ્બરના The HInduમાં એક ઉપયોગી લેખ વાંચવા મળ્યો. Speaking of science – E-mails not all that ‘green’ (http://www.thehindu.com/sci-tech/energy-and-environment/article2612323.ece). લેખક શ્રી ડી. બાલસુબ્રામનિયન અને ‘ધી હિન્દુ’એ આ લેખ દ્વારા આપણી સેવા કરી છે. લેખકના વિચારોને ફેલાવવાના ઉદ્દેશથી અહીં એનું ગુજરાતી રૂપાંતર મારા શબ્દોમાં આપું છું. મૂળ લેખમાં રસ હોય તેઓ આ લિંક પર જઈ શકે છે.લેખકની ઇ-મેઇલ આઇડી છેઃ dbala@lvpei.org.

આપણે માનીએ છીએ કે ઇ-મેઇલને કારણે કાગળની બચત થાય છે અને કાગળની બચત એટલે ઝાડની બચત, જંગલનું રક્ષણ. પર્યાવરણનું જતન. ઓછો કાર્બન ડાયોક્સાઇડ. શ્રી બાલસુબ્રામનિયનજીનો પણ એવો જ ખ્યાલ હતો. પરંતુ તેઓ લખે છેઃ ” સામયિક ‘સાયન્સ’ના હાલના અંકમાં એક ન્યૂઝ આઇટેમ જણાવે છે કે E-mails are not so green. એટલે કે ઇ-મેઇલ આપણે ધારીએ છીએ એટલા પર્યાવરણના સંરક્ષક નથી. યુરોપની સૌથી મોટી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, કમ્પ્યૂસેંટરના શ્રી મૅથ્યૂ યેગરનું કહેવું છે કે એક ઇ-મેઇલમાં ૪.૭ એમબીની ફાઇલ ઍટેચમેન્ટ તરીકે મોકલો ત્યારે, ચાની કીટલીને ૧૭.૫ ગણી ઉકાળવાથી જેટલા ગ્રીનહાઉસ વાયુઓ પેદા થાય એટલા આ એક ઇ-મેઇલથી પેદા થાય છે. ૧ એમબીના ઇ-મેઇલથી ૧૯ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે અને તમે દસ જણને ‘સીસી’ કરીને મોકલો ત્યારે એની અસર ૭૩ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જેટલી હોય છે. લેખક કહે છે કે “આ વાંચીને મને આશ્ચર્ય થયું, કારણ કે હું માનતો હતો કે લોકો સાથેના પત્રવ્યવહાર માટે ટપાલને બદલે મારૂં કમ્પ્યૂટર વાપરીને હું આપણા ગ્રહની સેવા કરૂં છું!” સાચી વાત છે. દિવાળીના અને એવા જ તહેવારો કે પ્રસંગોએ તો ઢગલાબંધ ઇ-મેઇલની આપ-લે થયા કરતી હોય છે!

લેખક ‘ધી ઍટલાન્ટિક’ મૅગેઝિનના ૧૨ ઑગસ્ટ ૨૦૧૦ના અંકમાંથી કીરા બટલરને ટાંકે છેઃ “ધારો કે, તમે ૨૦ જણને એક પિક્ચર મોકલો છો. એ દરેક ડાઉનલોડ કરશે. એના માટે કમ્પ્યૂટર, સર્વર, સ્ટોરેજ સેન્ટરોનો ઉપયોગ થશે, કદાચ કોઈ પ્રિંટર પણ વાપરે. આ બધાંમાં ઊર્જા વપરાશે અને એમાં કાર્બન ડાયોકસાઇડ ઉત્પન્ન થશે.” ફેસબુક પર દર સેકંડે એક હજાર ફોટા મુકાતા હોવાનો અંદાજ છે. હિસાબ કરીએ તો ખબર પડે કે કેટલી ઊર્જા વપરાઇ.

મૅથ્યૂ યેગરના શબ્દો ટાંકીને શ્રી બાલસુબ્રામનિયન કહે છે કે, આજે દુનિયામાં ૧.૨ ઝિટાબાઇટ (ZB) જેટલો ડૅટાનો સંગ્રહ થાય છે. એક ઝિટાબાઇટ એટલે ૧ પછી ૨૧ મીંડાં. આટલી સામગ્રી સાચવવા માટે મૅનહટન ટાપુનો પાંચમો ભાગ જેટલી જગ્યા રોકાય. અમેરિકાની બધી શૈક્ષણિક લાયબ્રેરીઓનાં પુસ્તકોને પાંચ લાખથી ગુણો એ્ટલી બધી સામગ્રી હોવા છતાં આપણે કઈં વિચારતા જ નથી. ૨૦૨૦ સુધીમાં ડૅટા સ્ટોરેજ ૩૫ ZB સુધી પહોંચી જવાની ધારણા છે.

બાઇટનું માપ દર વખતે હજારગણું વધતું જાય છે. મેગા એટલે દસ લાખ, ગિગા એટલે એક અબજ, ટેરા એટલે ૧ પાછળ ૧૨ મીંડાં,, પેટા એટલે ૧ પાછળ ૧૫ મીંડાં, એક્ઝા ૧ પાછળ ૧૮ મીંડાં, ઝિટા એટલે ૧ પાછળ ૨૧ મીંડાં અને યોટા એટલે ૧ પાછળ ૨૩ મીંડાં. આમ આંકડો કુદકે ને ભૂસકે આગળ વધતો જ જાય.

આમ, ઇ-મેઇલને નિર્દોષ ન કહી શકાય. એમાં પૂંછડું પણ જોડ્યું હોય તો તો એ ગજબનો અપરાધી બની જાય છે. યેગર જણાવે છે કે એક ૧૦૦ કર્મચારીવાળી કંપનીમાં દરેક કર્મચારી દરરોજ સરેરાશ ૩૩ મેઇલ મોકલે છે અને ૫૮ મેઇલ મેળવે છે. આ કંપની વરસેદહાડે ઇ-મેઇલને કારણે જે ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન કરશે તેનું પ્રમાણ ૧૩.૬ ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલું હશે. ફ્રાન્સની પર્યાવરણ એજન્સીનો અંદાજ છે કે એકસો કર્મચારીઓવાળી આ કંપનીઓ વરસમાં ઇ-મેઇલના પ્રમાણમાં માત્ર દસ ટકાનો કાપ મૂકે તો પણ કઈં નહીં તો એક પેરિસ-ન્યૂ યૉર્ક-પેરિસ વિમાની સફરને કારણે પર્યાવરણને થતા નુકસાનને સરભર કરી શકાય.

લેખક અહીં પોતાનો જાત-અનુભવ લખે છેઃ એમણે જ્હોન હૉપકિન્સના ડૉ. જેરિમી નૅથન્સને એક વ્યાખ્યાન આપવા હૈદરાબાદ આવવા આમંત્રણ આપ્યું. નૅથન્સે ઇ-મેઇલથી જવાબ આપ્યો કે બાલ્ટીમોરથી આવવા અને પાછા જવામાં, પર્યાવરણને નુકસાન થાય તેના માટે તેઓ તૈયાર નથી. તે પછી એમનું લાઇવ વીડિયો વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું. લેખક કહે છે કે હવે આમ કરીને એમણે કેટલો કાર્બન ડાયોક્સાઇડ બચાવ્યો એનો મારે અંદાજ કાઢવો પડશે! ઇલેક્ટ્રોનિક કમ્યૂનિકેશનમાં કેટલી ઊર્જા વપરાય છે તે જાણવા માટે શ્રી બાલસુબ્રામનિયને http://whatsthisgottodowithstoragefiles.wordpress.com/2010/08/wired-uk-july-2009-internet-electricity.pdfની મુલાકાત લેવાની ભલામણ કરી છે. આ વેબસાઇટ જણાવે છે કે દર વર્ષે ૧૨૩ અબજ કિલોવૉટ/કલાક વીજળી માત્ર ઇંટરનેટના સર્વર ચાલુ રાખવા માટે વપરાય છે.

લેખક સમાપન કરતાં પૂછે છે કે આપણે શું કરી શકીએ? એમણે પોતે જ કેટલાંક સૂચનો કર્યાં છેઃ
૧). કમ્પ્યૂટરની મેમરી સ્પેસ ખાલી કરી નાખો. અવારનવાર ઇન અને આઉટ મેઇલ ડિલીટ કરતા રહો. નહીંતર સ્ટોરેજની જરૂર વધી જશે અને એના માટે વધારે વીજળીની જરૂર પડશે.
૨). તમારા તરફથી ઇ-મેઇલ મેળવનારની સંખ્યા મર્યાદિત કરી નાખો.
૩). ઍટેચમેન્ટની સાઇઝ ઘટાડી નાખો.
૪). સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાને બદલે URL ઍડ્રેસ સીધું જ ઍન્ટર કરો. બહુ જરૂરી ન હોય ત્યાં સુધી ગૂગલ કે યાહૂ સર્ચ ન કરો.
૫). કમ્પૂટર કે ઍક્સેસરીઓને આખી રાત કામ વિના ચાલુ ન રાખો. ‘સ્લીપ મોડ’માં પણ વીજળી વપરાય છે, જેને તો આપણે અવશ્ય બચાવી શકીએ.
૬). લૅપટૉપ ૧૫-૬૦ વૉટ વીજળી વાપરે છે, જ્યારે ડેસ્કટૉપ કમ્પ્યૂટર ૨૫૦ વૉટ વીજળી ખાઇ જાય છે. બને ત્યાં સુધી ‘ઑફલાઇન’ કામ કરો.

તો, આમ છે. પરંતુ, આ લેખની લિંક તો આજ સુધી જેની સાથે સંપર્ક ન થયો હોય તેને પણ મોકલાવશો. સારૂં કરવા માટે એક વાર નાનું ખોટું સભાનપણે કરવામાં કઈં ખોટું નહીં! આવજો.

Climbing the Hill: Francis Lobo

ટોચ તરફ આગેકદમ

ફ્રાન્સિસ લોબો
(ફ્રાન્સિસ અને એમના પુત્ર વીરેન, બન્ને મારા મિત્ર છે. શ્રી ફ્રાન્સિસ પોતે ઇંડસ્ટ્રિયલ એન્જીનિયર હતા પરંતુ સામાજિક મુદ્દાઓ પર પણ એમનું ચિંતન ઘણું છે. અહીં એમના એક લેખનો મુક્ત અનુવાદ મૂકું છું. આ લેખ પસંદ કરવાનું કારણ એ કે એમાં ગંભીરતા હળવાશનાં કપડાં પહેરીને આવી છે. લેખ એમનું નિર્મળ, નિખાલસ મનનું પણ દર્પણ છે. આગળ વાંચો).

ત્રીસેક વર્ષની એક અપરિણીત યુવતી માટે એક જણે ટિપ્પણી કરીઃ “એ તો હવે ટોચે પહોંચી ગઈ છે! મને બહુ ગુસ્સો આવ્યો. મેં કહ્યું: “અરે ભાઈ,કોઈ ટોચે નથી પહોંચ્યું. હું ૭૬નો થયો, પણ હજી તો ચડું જ છું!”

સમયના ટેલીસ્કોપમાંથી જોઉં છું તો મને ગૂંચવાડાની જાળ દ્દેખાય છે. જોવાનો ખૂણૉ બદલો એટલે એની ભાત પણ બદલાઈ જતી જણાય છે. શું થાય છે, શા માટે થાય છે તે કળવું અઘરૂં બની જાય છે.આપણે હંમેશાં બીજા કરતાં આગળ નીકળી જવાની કોશિશમાં લાગેલા રહ્યા – સ્કૂલ અને કૉલેજમાં, ખેલના મેદાનમાં કે નોકરીધંધામાં. અરે, છોકરીનું દિલ જીતવામાં પણ હરીફાઈ કરતા રહ્યા. ક્યારેક તો આપણી જ પૂંછડીનો પણ પીછો કરતા રહ્યા!

એક વાર ચર્ચમાં પાદરીનું પ્રવચન ચાલતું હતું તેની વચ્ચે જ મને ઝોકું આવી ગયું. એણે એક ઘોષણા કરી તે સાથે હું ઝબકીને જાગી ગયોઃ ” ફ્રાન્સિસ લોબોના આત્માની શાંતિ માટે આ ‘માસ'(પ્રાર્થનાસભા) યોજાઈ છે. મારે પાસે એક ફુટડી છોકરી બેઠી હતી. હું એના તરફ ફર્યો અને કહ્યું: “એ હું જ!” હવે એના ઉપર વિચાર કરતાં મને લાગે છે કે મારી કબર પર માત્ર એ જ લખેલું હોવું જોઈએ કે “આ ફાની દુનિયામાંથી વિદાય લેતી વખતે તેઓ બધું જ અહીં છોડી ગયા!”

પાછળ નજર ફેરવીને જોઉં છું તો ઘણી સુખની ઘડીઓ આંખ સામે તરવરે છે. કુટુંબ સાથે ગોવાની એ સફર…બીચ પર ઊછળતી મોજમસ્તીની લહેરો…પોર્ક વિંડાલુ અને સોર્પોટેલનું સ્વાદિષ્ટ ભોજન. પોર્ક ‘લાલ’ હોય એવી હજી શોધ થઈ નહોતી અને એ ખાવાથી આરોગ્યને નુકસાન થાય છે એવી ખબર પડી તે પહેલાં ની એ વાત. હજી પૈસાવાળાઓના શબ્દકોશમાં ‘કોલેસ્ટેરોલ’ શબ્દનો પ્રવેશ પણ નહોતો થયો.

મને યાદ આવે છે કે એક વાર અમે પહાડ પરથી નીચે આવતાં હતાં. રસ્તો વળાંકદાર હતો. હું પોતે જ ડ્રાઇવ કરતો હતો. રોડ-સાઇન તો એવું ચોખ્ખું કહેતી હતી કે સ્પીડ લિમિટ ૧૫ કિલોમીટરની હતી.હું પણ ધીમે જ હંકારતો હતો. પરંતુ, મારાં બાળકો, પાજી, એનાથી ત્રાસી ગયાં. શું કરવું અને શું કરી નાખવું એ જ વિચારમાં હતાં. મને સ્પીડ વધારવા કહેવા લાગ્યાં. હું પણ એમના કહેવામાં આવી ગયો અને સ્પીડ વધારી દીધી. મેં જેવો એક વળાંક પાર કર્યો કે એક ટ્રક રસ્તામાં ઊભી હતી, એની સાથે અમારી કાર અથડાઈ પડી. કારનાં દરવાજાનાં હૅન્ડલ તો કોણ જાણે ક્યાંય ઊડી ગયાં. એ જમાનામાં ઍમ્બેસેડર કારનાં હૅન્ડલ એવાં કે બહાર તરફ નીકળતાં હોય. હવે તો હૅન્ડલો કારની બોડીની અંદર જ હોય છે. કાર બનાવનારા પાછળથી સમજ્યા હશે કે હૅન્ડલો વધારાની જગ્યા લેતાં હોય છે, તે કાર ચલાવનારાને ધ્યાનમાં રહેતું નથી. હૅન્ડલો રિપેર થાય ત્યાં સુધી મારે દરવાજા અંદરથી ખોલવા પડતા. લોકો પૂછતા તો આવા અકસ્માતમાં માત્ર હૅન્ડલો ગયાં એ સમજાવવું ભારે મુસીબતનું કામ થઈ જતું. એમને નવાઈ લાગતી કે ટ્રક માત્ર હૅન્ડલનું જ નુકસાન કરે અને બાકી આખી કાર સહીસલામત રહે એ કેમ બને! અમે બચી ગયા એના કરતાં પણ એ એમને મન મોટું આશ્ચર્ય હતું.

બીજો પણ એવો જ બનાવ મારા જીવનમાં બન્યો છે. મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને તે પછી એક રવિવારની સવારે બાથરૂમમાં લપસી પડ્યો. કરોડરજ્જુની નીચેનું નાનું હાડકું ભાંગ્યું હતું તે તો મને તરત સમજાઈ ગયું. મારી બૂમ નીકળી ગઈઃ ‘હે ભગવાન, હજી હમણાં જ તો નોકરી છોડી અને ત્યાં આ ઉપાધિ આવી!” ખેર, જેમતેમ કરીને ઊભો થયો, તૈયાર થયો અને ચર્ચમાં પ્રાર્થના માટે ગયો. પણ સમાજમાં તો કાનોકાન અને જીભોજીભ વાત ફેલાઈ ગઈ કે ફ્રાન્સિસે આગલી શનીવારની રાતે ખૂબ ઢીંચ્યો અને સવારે સીધો જ ચર્ચમાં આવ્યો; એટલેસ્તો, એનાથી બેસી શકાતું નહોતું. અરે, બરાબર ઊભો પણ રહી શકતો નહોતો અને ડગલાં હતાં કે ડગમગલાં?

એક વાર હું ફેની(ગોવાનો દેશી દારૂ)ની મહેફિલમાંથી રાતે મોડો ઘરે પાછો આવતો હતો. મારી સાથે મારો મિત્ર હતો. અમે ખેતરોમાંથી ચલતા હતા;મારૂં મન ઊમગ્યું અને મેં ગાવાનું શરૂ કર્યું. તરત જ ગામવાસીઓના વફાદાર ચોકીદાર જેવાં કૂતરાંઓનું હુજુમ અમને ઘેરી વળ્યું. એમની આંખોમાં ઉત્સુકતા હતીઃ “એવું તે શું બન્યું છે કે હું આટલો ખુશ છું!” ઍસિસીના સેન્ટ ફ્રાન્સિસની જેમ મેં પણ વિચાર્યું કે હું એમને સમજાવીશ. એમને કહીશ કે એ જેની ચોકી કરે છે એવી કોઈ મિલકત કે શખ્સને હું જફા નહીં પહોંચાડું. ખરૂં પૂછો તો હું પણ તમારા માંહેનો એક છું, હું પણ કૂતરા જેવી જ જિંદગી જીવું છું. પછી ગૅંગનો સરદાર મારી પાસે આવ્યો અને મને સૂંઘ્યો. હું તો ફેનીથી પલળેલો હતો એટલે એ સમજી ગયો કે હું ખરો ગોવાનો સપૂત છું, બીજા રાજ્ય કે દેશમાંથી આવેલો ઘુસણખોર નહીં. તે પછી એણે મને જવા દીધો. હું આખા રસ્તે બીકને ભગાડવા માળા જપતો અને શીતળ ચાંદનીમાં રોમૅન્ટિક ગીતો ગાતો ઘરે પહોંચ્યો.

આજે હવે ટોચ તરફ આગળ વધું છું ત્યારે હું આ નિયમોનું પાલન કરૂં છું:

નિયમ ૧: આભારી બનો
સેલિબ્રિટીઓને ઍવૉર્ડ લેતાં તો તમે જોતા જ હશો, હું પણ જોઉં છું. સૌ પોતે જે કઈં બન્યાં, જે કઈં સફળતાઓ એમને મળી તેના માટે માતાપિતા અને બીજાં સ્નેહીસંબંધીઓનો આભાર માને છે. હું ધારૂં છું કે મને ટકી રહેવામાં મદદ કરનારા કે મને સહન કરનારાનો જાહેરમાં આભાર માનવાની મને તક મળે એવા તો અણસાર પણ નથી દેખાતા. એટલા માટે જ એ સૌ કોઈનો હું તરત આભાર માની લેતો હોઉં છું, ક્યારેક તો મદદ કરશે જ એમ ધારીને પહેલાં જ આભાર માની લઉં છું – રખે ને એમનો વિચાર બદલી જાય!

નિયમ ૨: પ્રશંસા કરો
મારે કબૂલ કરવું જોઈએ કે હું બનીઠનીને નીકળું છું તે બીજાની નજરે સારા દેખાવા માટે – (બાકી હું પોતે તો મને અરીસા સિવાય ક્યાંય જોઈ શકતો નથી)! બીજા પણ મારી સામે સુંદર દેખાવા માટે તૈયાર થાય છે. એનો અર્થ એ કે મારી એમની પ્રશંસા કરવી જ જોઈએ. એ જુદી વાત છે કે ક્યારેક એમના પતિઓને મારી પ્રશંસા કરવાની ટેવ પસંદ નથી આવતી.

નિયમ ૩: વર્તમાનમાં જીવો
બેટર-હાફે હવે નક્કી કર્યું છે કે મને રાંધતાં તો આવડવું જ જોઈએ. પાકકલા કેટલી અદ્‍ભુત છે તેનો અનુભવ કરીને હું બહુ જ પ્રભાવિત થઈ ગયો છું. સેંકડો વસ્તુઓ નિશ્ચિત પ્રમાણમાં નાખો ત્યારે એક યાદગાર વાનગી બને. એમાં જરા પણ ઓછુંવત્તું થાય તો સ્વાદ જુદો જ આવે; ભલે ને, તમે હંમેશાં ખરીદતા હો તે જ દુકાનેથી મસાલા ખરીદ્‍યા હોય. પહેલાં હું ભવિષ્યમાં જીવતો. રસોઈ બનતી હોય ત્યારે મને ચિંતા થતી કે મહેમાનોને ભાવશે કે નહીં. હવે મેં એ ચિંતા મહેમાનો પર જ છોડી દીધી છે!

નિયમ ૪: બીજા માટે સમય કાઢો
ઓચિંતાં જ તમને સમાચાર મળે કે ‘____’ એ તો ચિર વિદાય લીધી. બિચારી. તમને ત્યારે ખ્યાલ આવે કે તમે એ કોણ છે તે સમજવાની પણ કદી કોશિશ કરી નહોતી. એને બહુ બોલવાની ટેવ હતી, પણ તમે કદી એની સાંભળી જ નહીં. હવે એ પોતાનાં બધાં રહસ્યો પોતાની સાથે લઈને ગઈ.

ડૂંગરની ટોચ ક્યારે આવી જશે તે કોઈ જાણી ન શકે, એની આગાહી ન કરી શકે.પરંતુ ચડવામાં જે મઝા છે તે તો માણવી જ જોઈએ. ચડતા જૈએ તેમ સમજાતું જાય કે જીવન તો સૌંદર્યથી તરબોળ, આશ્ચર્યજનક અને સૂક્ષ્મ તાણાવાણાની બનેલી ભાતીગળ ડિઝાઇન છે.xxx

Life and Death

આ અઠવાડિયે શ્રી ગોવિંદભાઈ મારુએ એમના બ્લૉગ ‘અભિવ્યક્તિ’ પર એમના દેહદાનના સંકલ્પનું વિલ મૂક્યું છે: http://govindmaru.wordpress.com/will/ શ્રી અરવિંદભાઈ અડાલજાએ એના પ્રતિભાવ રૂપે એમનો ૨૦૦૮નો ભાવવાહી પત્ર મૂક્યો છે. બન્ને વાંચવા જેવા છે.

ઘણાં વર્ષો પહેલાં મૃત્યુની ઘટનાને સમજવાની કોશિશ કરી હતી પરંતુ એ મિત્રને પત્રના સ્વરૂપમાં જ રહ્યું. હાલમાં એનો એક લેખ તૈયાર કરી રાખ્યો હતો, પરંતુ ટાળતો રહ્યો કે દિવાળી આવે છે તે ટાંકણે મૃત્યુની વાત શું કામ કરવી. દિવાળી પછી તરત આ ”અંતિમ ઇચ્છાપત્ર’ વાંચતાં અહીં મારા વિચારો રજૂ કરવામાં થોડૉ સંકોચ થતો હતો તે દૂર થયોઃ

જીવન અને મૃત્યુ – કાં તો આ માથું પાકી જાય એવો મોટો મુદ્દો છે, કાં તો મુદ્દો જ નથી; માત્ર સોગિયાં ડાચાંની હોરિઝોન્ટલ હલચલ એ મુદ્દો હોવાનો આભાસ કરાવે છે. ખબર નથી પડતી.

જીવન શું છે? મૃત્યુ શું છે? વિચારોની દુનિયામાં ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીની સફર ચાલ્યા કરે છે. જીવન ક્યાંથી આવ્યું, એના વિશે વિવાદ છે અને તે વિવાદ મૃત્યુ સુધી ચાલુ રહે છે. ‘મૃત્યુ સુધી’ એમ હું કહું છું ત્યારે મારા મનમાં એના બે અર્થ ઊપસે છેઃ એક તો એ કે, જીવનના સ્વરૂપ અંગેની દલીલોમાં આપણે મૃત્યુના અર્થ શોધવા સુધી પહોંચી જઈએ છીએ. અને બીજો અર્થ એ કે, બન્ને પક્ષકારોનું મૃત્યુ થાય ત્યાં સુધી આ વિવાદનો અંત નથી આવતો!

કોઇ જડ અને ચેતનની વાત કરે છે. કોઈ કહે છે કે જડનું જ એવું સંયોજન થયું છે કે એ ચેતન સમું ભાસે છે; જડ મુખ્ય છે, ચેતન એની પ્રક્રિયાઓનું પરિણામ કે પ્રતિબિંબ છે. તો, સામે પક્ષે એમ કહેનારા છે કે ચેતન મુખ્ય છે અને ચેતન -એક પરમ તત્વ જ જૂજવે રૂપે અનંત ભાસે છે. એક કહે છે કે જડની પ્રક્રિયાઓ થંભી જવાની સ્થિતિ એ જ મૃત્યુ છે અને એનાથી આગળ કઈં નથી. ચેતનવાદી કહે છે કે ચેતનની વિદાય થયા પછી જડની પ્રક્રિયાઓ બંધ પડે છે એને આપણે મૃત્યુ કહીએ છીએ. આ ચેતન તત્વ તો અમર, અવિનાશી છે. અને એના કર્મબંધ પ્રમા્ણે એ નવાં કલેવર ધારણ કરશે. તો, કોઈ કહે છે કે શાંતિથી પરગેટરીમાં કે કબરમાં સૂતા રહો. કયામતનો ઘંટ વાગશે ત્યારે એ સૌને એકઠા કરશે અને ન્યાય કરશે. કબર પર કોઈ પથ્થર મૂકે છે, તો કોઈ કહે છે, પથ્થર ન મુકાય, કારણ કે પથ્થર મૂક્યો હોય તો ક્યામતને દિવસે કબરમાંથી ઊઠી નહીં શકાય.

આજુબાજુ, અંદર, બહાર નજર દોડાવીએ તો સમજાય છે કે ચેતનવાદીઓનાં શાસ્ત્રો ઘણાં છે અને દરેકમાં મૃત્યુને કેન્દ્રમાં રાખીને જીવનની ફિલોસોફીની ચર્ચા થઈ છે. અને તે એટલે સુધી કે મૃત્યુ ન હોત તો કદાચ આપણે જીવન વિશે પણ વિચારતા ન હોત, એવું લાગે છે. જડવાદીઓને તો માત્ર પ્રક્રિયાઓ અટકી જવા સાથે સંબંધ છે. એમણે પણ જીવનની ફિલોસોફી આપી છે. સમજાતું નથી કે જીવન શું છે અને મૃત્યુ શું છે.

મનમાં વિચાર આવ્યો કે કઈંક જુદી રીતે વિચારીએ. મૃત્યુ નિશ્ચિત છે. આ બાબતમાં જડવાદીઓ અને ચેતનવાદીઓ વચ્ચે મતભેદ નથી! આ સર્વસંમતિનો આધાર લઈને કઈંક વિચારી જોઉં તો? એટલે એમ કે મૃત્યુ વિશે નવા દૃષ્ટિકોણથી વિચારી શકાય કે નહી?

મૃત્યુ શા માટે નિશ્ચિત છે? જડવાદીઓ તો જવાબ આપી ચૂક્યા છે. ચેતનવાદીઓએ એને અંત તરીકે જ નથી સ્વીકાર્યું, એટલે એમનાં અર્થઘટનોની તો અનેક પાંખો છે, જ્યાં ફાવે ત્યાં ઊડી જાઓ! આમાં જીવન છે એટલે જ મૃત્યુ છે, એ પાયાની વાત ભૂલી જવાય છે! જીવન અને મૃત્યુ આટલાં અભિન્ન હોય તો એમનાં કોઈ લક્ષણો સમાન છે?

આવો, સાથે મળીને આપણે પોતે જ વિચારીએ. કદાચ કશુંક સમજાય. કદાચ વધુ ગુંચવાઈ જઈએ, પ્ણ વિચારશું પોતે જ.

તો, હું પહેલ કરૂં છું, વિચાર રજૂ કરવાની. – જીવનમાં માત્ર આપણો ભૂતકાળ નિશ્ચિત છે. તમે જન્મતારીખનું નવું પ્રમાણપત્ર લઈ શકો, પણ ખરેખર જન્મ તારીખ બદલી ન શકો. તમે કયા વર્ષમાં ગ્રેજ્યૂએટ થયા તે પણ નિશ્ચિત છે. એમાં ફેરફાર ન કરી શકો. બીજી બાજુ, વર્તમાનમાં તમે નિર્ણય કરી શકો છો કે આજે બટાટાનું શાક બનાવવું કે માત્ર દાળથી ચલાવવું. કોઈ પણ નાનો મોટો નિર્ણય લેવાની સ્વતંત્રતા તો વર્તમાનમાં છે. જેમ જેમ ક્ષણો પાછળ જતી જાય તેમ તેમ એને ભૂતકાળ ગળી લે છે. એ તમારી પાસે પાછી ન આવી શકે. પથ્થરની જેમ જડાઈ જાય. તમે એમાં કઈં પણ ફેરફાર ન કરી શકો.

સ્વતંત્રતા તો વર્તમાનમાં છે. કઈં પણ નિર્ણય લો, પણ નિર્ણય લીધાની સાથે એ ક્ષણ ભૂતકાળમાં ચાલી જશે અને તમારો નિર્ણય પથ્થર બની જશે! આગળનું જીવન તમારી સમક્ષ એ નિર્ણયને આધારે આવશે. તમે નિર્ણય બદલી શકો, માર્ગ બદલી શકો, નવું ભવિષ્ય બનાવી શકો પણ હમેશાં કહેવાનું રહેશે કે મેં પહેલાં અમુક કર્યું હતું!

આમ ભૂતકાળ પથ્થર છે તો વર્તમાન પ્રવાહી. જેમ વાળો તેમ વળી જાય. ભવિષ્યમાં શું થાય તે કોઈ ન કહી શકે. તમારી સામે અનેક સંભાવનાઓ છે. તમે વર્તમાનમાં એક નિર્ણય કરો છો ત્યારે આવી અનેક સંભાવનાઓમાંથી એકની પસંદગી કરતા હો છો. એ પસંદગી થઈ જાય તે પછી બધી સંભાવનાઓનો અંત આવે છે અને તમારા નિર્ણયને અનુરૂપ એક જ સંભાવનાની સીડીનો ભરોસો છે. આમ, ભવિષ્ય હવા છે. કઈ બાજુ વાય તે ન કહી શકાય.

આમ છતાં, ભવિષ્યમાં બનનારી એક ઘટના એવી છે કે જે ‘સંભાવના’ના વર્ગમાં ન આવે. એ છે મૃત્યુ. આપણે એવો કોઈ નિર્ણય ન લઈ શકીએ કે આપણે મરશું જ નહીં. મૃત્યુ બધી સંભાવનાઓનો અંત છે. એ નિશ્ચિત છે. પણ, આપણે હમણાં જ જોયું કે નિશ્ચિતતા તો ભૂતકાળનું લક્ષણ છે! તો શું મૃત્યુ પણ ભૂતકાળની ઘટના છે?

મને લાગે છે કે જડવાદી અને ચેતનવાદી, બન્ને કોમ, મૃત્યુની આ ખાસિયતને કારણે એને ભૂતકાળની પેન્ડિંગ ઘટના માનવા તૈયાર થશે. ‘મૃત્યુ’ એમને નજીક લાવતું હોય તો પસંદ કરવા જેવું ખરૂં!

મૃત્યુ એટલે ભવિષ્યમાં બનનારી ભૂતકાળની એકમાત્ર પેન્ડિંગ ઘટના, જેની તારીખ માત્ર આપણે જાણતા નથી. કારણ કે આપણે એ નથી જાણતા કે જીવન સમક્ષની સંભાવનાઓનો ભંડાર ક્યારે ખાલી થઈ ગયો છે. એ જાણી પણ ન શકીએ કારણ કે અહીં હિઝેનબર્ગનો ‘અનિશ્ચિતતાનો સિદ્ધાંત’ લાગુ પડે છે. એક પાર્ટિકલની અત્યારની ‘સ્થિતિ’ અને ભવિષ્યની ‘ગતિ’, આ બન્ને એકી સાથે માપી ન શકાય. તમે સ્થિતિનું માપ કાઢવામાં જેટલી બારીકાઈ રાખશો એટલી જ ગરબડ ગતિનું માપ કાઢવામાં થશે. એક સાંધો ત્યાં તેર તૂટે, જેવું કઈંક છે. એ જો એક રાગે ચાલે તો મ્રૂત્યુ ક્યારે થશે તે પણ જાણી શકીએ. પણ આપણે તો પાર્ટિકલોના જ બનેલા છીએ!

આવું ‘ઍબ્સ્ટ્રૅક્ટ’ અમૂર્ત વિચારવાનો ફાયદો શું? ફાયદો એ જ કે જેમ આપણે ‘જન્મ્યા’ તેના વિશે નથી વિચારતા, તેમ ‘મરશું’ વિશે પણ વિચારવાનું બંધ કરશું. યાર! જીવો ને, જ્યાં સુધી જીવવાનું છે, ત્યાં સુધી શાંતિથી, મૃત્યુ વિશે વિચારવાથી મન માંદલું થઈ જાય છે અને આ દુનિયા બની જાય છે, ‘મૉર્ગ’. આપણે આત્મકેન્દ્રિત બની જઈએ છીએ મોટા ફિલસુફ જેવા ચહેરા બનાવીને બેઠા તુક્કા લડાવ્યા કરીએ છીએ અને આપણી અંદર રહેલા મૃત્યુના ભયને રૂપાળાં નામો આપતા રહીએ છીએ. ખરી ચિંતા એ હોય છે કે “હાય, હું મરી જઈશ…હું અમુક વખત પછી નહીં હોઉં અને આ દુનિયા તો યથાવત્ ચાલતી રહેશે!”

વિચારી જૂઓ, મૃત્યુની વાત આવતી હોય એવી આપણી કેટલી ચિંતનશાખાઓ છે. એમાંથી મૃત્યુને કાઢી નાખો તો એમનું શું થશે? એકમાત્ર લોકાયતવાદીઓ એવા હતા કે જે કહેતા કે મૃત્યુ પછી કઈં નથી વધતું. આ કઠોર વાસ્તવિકતા કોણ સ્વીકારી શકે? પરંતુ, આ ભયનો મનોવૈજ્ઞાનિક લાભ લેતાં જેમને આવડ્યું, એમને તો લીલા લહેર જ થઈ ગઈ ને!.

તમે શું કહો છો?