India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 14

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૧૪શિવાજી અને કંપની ()

૧૬૬૩ના અંતમાં શિવાજી નાસિકની યાત્રાએ નીકળ્યા હોવાના સમાચાર વહેતા થયા. એ જ અરસામાં મોરોપંત ત્ર્યંબકે કેટલાક કિલ્લાઓ સર કરી લીધા હતા અને શિવાજી એમની પણ મુલાકાત લેવાના હતા. પણ યાત્રાનું બહાનું હતું. ખરેખર તો એમણે સૂરત પર છાપો મારવાની યોજના બનાવી હતી અને એમણે ચાર હજાર ઘોડેસવારો સાથે ઝડપભેર સૂરત તરફ કૂચ કરી દીધી.

સૂરતની લૂંટ

૧૬૬૪નું વર્ષ શરૂ જ થયું હતું. ભારે વરસાદ પડતો હતો અને પાંચમી જાન્યુઆરીએ સમાચાર આવ્યા કે શિવાજી સૂરતથી બસ્સો માઇલ દૂર છે. થોડી જ વારે સમાચાર મળ્યા કે એમની ફોજ માત્ર દસ માઇલ દૂર હતી અને એક-બે કલાકમાં જ સૂરત પહોંચી આવશે.

હજી વરસાદ બંધ થયો જ કે તે સાથે શિવાજીના સૈનિકો (કંપનીના દસ્તાવેજોમાં શિવાજીના સૈનિકોનો ઉલ્લેખ Sevagys – શિવાજીઓ – તરીકે જોવા મળે છે). સૂરતની ભાગોળે પહોંચી આવ્યા હતા. સૂરતની ફરતે એ વખતમાં કિલ્લેબંધી નહોતી એટલે સૂરતમાં ઘૂસી જવામાં કંઈ તકલીફ નહોતી. મરાઠા ફોજે તરત જ શહેરનો કબજો લઈ લીધો. મોગલોનો હાકેમ ૨૦ હજાર સૈનિકો હોવા છતાં કિલ્લામાંથી બહાર ન નીકળ્યો. મોગલાઈની આ નામોશીભરી હાર હતી. શિવાજીએ એક બાજુથી મોગલ સામ્રાજ્ય સામે અને બીજી બાજુથી બીજાપુર રાજ્ય સામે બાથ ભીડી હતી એટલે એમને ધનની બહુ જરૂર રહેતી. આમાં જાહોજલાલીથી છલકાતા સૂરત પર એમની નજર ન જાય એ કેમ બને? સૂરત પરનો હુમલો સૌથી વધારે લાંબો ચાલ્યો અને બહુ જ સાહસ માગી લે તેવો હતો.

શિવાજીએ સૌથી પહેલાં તો શહેરના ત્રણ સૌથી ધનવાન આગળપડતા શેઠિયાઓ પર નિશાન તાક્યું: મિર્ઝા ઝાહિદ બેગ, વીરજી વોરા અને હાજી કાસમ. કંપનીના ગવર્નર ઑક્ઝેન્ડેને ૨૮મી જાન્યુઆરીએ લંડન મોકલેલા પત્રમાં જણાવ્યું છે તે પ્રમાણે ઝાહિદ બેગના મકાન અને ફૅક્ટરીના મકાનની એક દીવાલ સહિયારી હતી. રિપોર્ટ કહે છે કે શિવાજીઓ આખી રાત બેગના ઘરમાં રહ્યા અને ઝરઝવેરાત, હીરામોતી, રોકડ બધું ગાંસડીઓમાં એકઠું કરતા રહ્યા. કોઈ પણ ઘડીએ કંપની પર પણ હુમલો કરે એવી દહેશત હતી. કંપનીએ એનાં જહાજો પરથી પણ શસ્ત્રો અને સૈનિકોને બોલાવી લીધા હતા. ઇંગ્લિશ અને ડચ કંપનીઓએ પોતાનો બચાવ સારી રીતે કર્યો. શિવાજીની ફોજે કંપની પર હુમલો કરવાની ભારે કોશિશ કરી પણ સફળતા ન મળી. આ દરમિયાન એક ઍન્થની સ્મિથ સુવાલીથી સૂરત આવ્યો એને ‘શિવાજીઓ’એ પકડી લીધો અને એની પાસેથી સાડાત્રણસો રૂપિયા વસૂલ કરી લીધા અને એને પોતાના માણસ સાથે ફૅક્ટરીમાં મોકલી દીધો અને નજરાણું માગ્યું પણ કંપની મચક આપવા તૈયાર નહોતી. કંપનીએ સ્મિથને તો રોકી લીધો અને મરાઠા સૈનિકને પાછો મોકલવાની સાથે ચેતવણી આપી કે શિવાજી બીજી વાર પોતાનો દૂત મોકલશે તો એની લાશ પાછી મોકલાશે.

શિવાજીને આ લૂંટમાંથી જે રકમ મળી તેના આંકડા જુદા જુદા પત્રોમાં એકસરખા નથી, પરંતુ એક કરોડ રૂપિયા મળ્યા હોવાનો અંદાજ છે. ઇંગ્લિશ કંપનીનો માલ પણ જો એમના હાથમાં આવ્યો હોત તો આ આંકડો બહુ જ મોટો હોત કારણ કે કંપનીની ફૅક્ટરીમાં અઢળક માલ હતો.

સૂરત ફરી વાર ૧૬૭૦ની ૩જી ઑક્ટોબરે શિવાજીનો ભોગ બન્યું. લૂંટમાં બહુ જ મત્તા મળી. પરંતુ કંપનીને સપ્ટેમ્બરની અધવચ્ચે જ સમાચાર મળી ગયા હતા કે એમણે ગુજરાતને મોગલો પાસેથી ઝુંટવી લેવા માટે મુંબઈ પાસે મોટું સૈન્ય તૈયાર કર્યું છે. આથી કંપનીએ સાચું અનુમાન કર્યું કે સૂરત પર ફરી વાર હુમલો કરશે. આ કારણે આ વખતે કંપની પહેલાં કરતાં પણ વધારે તૈયાર હતી અને વધારે મજબૂતીથી પોતાનો બચાવ કર્યો.

શિવાજીની છાપામાર લડાઈઓને કારણે કાયમ અનિશ્ચિતતાનું વાતાવરણ રહેતું. કંપની આનાથી થરથરતી હતી. શિવાજી પોતાના જીવનકાળમાં જ કથોપકથનનું પાત્ર બની ગયા હતા. સૂરતના હુમલા પછી ૧૬૬૪ની ૨૪મી જૂને ઑક્ઝિન્ડેને લખેલો એક પત્ર રસપ્રદ છેઃ

હુબ્બળીમાં લૂંટ

સૂરતમાં કંપની અને શિવાજી સામસામે આવી ગયાં હોવા છતાં શિવાજીના નિશાન પર કંપની નહોતી. ૧૬૭૩ના માર્ચમાં એમણે બીજાપુરનું સમૃદ્ધ શહેર હુબ્બળી લૂંટી લીધું અને અઢળક ધન મેળવ્યું આ વખતે એમણે વિદેશી કંપનીઓને પણ ન છોડી. જે કંઈ બાકી રહી ગયું તે બીજાપુરની ફોજે લૂંટ્યું. મુંબઈનો ગવર્નર ઑન્જિયર નુકસાનીના વળતર માટે સતત શિવાજી પર તકાજો કરતો રહ્યો પરંતુ, શિવાજીનો એક જ જવાબ હતો કે એમની ફોજે હુબ્બળીમાં અંગ્રેજોનું નુકસાન નથી કર્યું.

આમ શિવાજી અને કંપની વચ્ચેના સંબંધોમાં તડકીછાંયડી આવતી રહી. આમ તો પહેલી લૂંટ પછી ઔરંગઝેબે પણ કંપનીને અને સૂરતના વેપારીઓને કસ્ટમમાં રાહત આપી હતી, પરંતુ મુંબઈમાં શાંતિથી રહેવા માટે શિવાજી સાથે સંબંધો સારા રાખવાનું જરૂરી હતું.

શિવાજીનો રાજ્યાભિષેક અને કંપની સાથે સંધિ

કંપનીએ ૧૬૭૩માં જ શિવાજી સાથે સંધિ કરવાની ઑફર કરી હતી પણ શિવાજીએ એનો જવાબ નહોતો આપ્યો. ૧૬૭૪ના માર્ચમાં શિવાજીએ સંધિની વાતચીત આગળ વધારવાની મંજૂરી આપતાં હેનરી ઑક્ઝિન્ડેનને (જ્યૉર્જ ઑક્ઝિન્ડેનનું મૃત્યુ થઈ ગયું હતું).મોકલવામાં આવ્યો. શિવાજી એ વખતે રાયરીમાં હતા (રાયરીને ૧૬૫૬માં શિવાજીએ જીતી લીધું તે પછી એને રાયગઢ નામ આપ્યું અને ત્યાં પોતાની રાજધાની બનાવી). મે મહિનાની ૧૯મીએ ઑક્ઝિન્ડેન રાયરી પહોંચ્યો પણ શિવાજી રાજ્યાભિષેક માટેની તૈયારીઓમાં વ્યસ્ત હતા એટલે ૨૬મીએ એમને મળ્યા. તે પછી છઠ્ઠી જૂને રાજ્યાભિષેક થયો. ઑક્ઝિન્ડેને કંપની વતી એમને ત્રણ હજાર રૂપિયાનું ઝરઝવેરાત નજરાણા તરીકે ભેટ આપ્યું.

તે પછી સંધિ પ્રમાણે રાજપુરીની લૂંટમાં કંપનીની ફૅક્ટરીને થયેલા નુકસાનનું વળતર આપવા શિવાજી સંમત થયા. ૧૧મી જૂને સમજૂતીઓ પર સહીસિક્કા થયા. એના હેઠળ રાજાપુર, કલ્યાણ અને બીજી બે જગ્યાએ ફૅક્ટરીઓ બનાવાવાની કંપનીને છૂટ મળી. બન્નેના હકુમતોના સિક્કા બન્નેના પ્રદેશમાં ચલણ તરીકે સ્વીકાર્ય બન્યા.

શિવાજીનું મૃત્યુ

રાજ્યગાદી સંભાળ્યા પછી શિવાજીને સંધિવાની તકલીફ વધવા લાગી. એમના એક ઘૂંટણ પર સોજો ચડી આવ્યો, પરિણામે સખત તાવ આવ્યો અને ૧૬૮૦ની પાંચમી એપ્રિલે એમનું અવસાન થયું.

સંદર્ભઃ

(1) THE ENGLISH FACTORIES IN INDIA: 1661-1664 BY WILLIAM FOSTER, C.I.E.: PUBLISHED UNDER THE PATRONAGE OF HIS MAJESTY’S SECRETARY OF STATE FOR INDIA IN COUNCIL. -OXFORD, AT THE CLARENDON PRESS. 1921 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(2) History of the Maharattas, James Grant Duff, Vol. I, Indian Reprint – Exchange Prints, Fort, Bombay, 1863. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(3)THE ENGLISH FACTORIES IN INDIA: 1670-1677 (new Series) BY Charles Fawcett, IAS (Retired) , PUBLISHED UNDER THE PATRONAGE OF HIS MAJESTY’S SECRETARY OF STATE FOR INDIA IN COUNCIL – OXFORD, AT THE CLARENDON PRESS. 1936 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


(4)ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.

 

India: Slavery and struggle for freedom ::: Part 1: Slavery – Chapter : 1૩

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૧૩શિવાજી અને કંપની ()

ઔરંગઝેબે હિંદુસ્તાનના ઘણા વિસ્તારો પર કબ્જો કરી લીધો હતો, પણ અંદરથી એનું સામ્રાજ્ય ખવાવા લાગ્યું હતું. આમાં છત્રપતિ શિવાજી મોગલ સામ્રાજ્ય માટે મોટા પડકાર રૂપ હતા. એમનો જન્મ ૧૬૩૦માં થયો. એમના પિતા પાસે છ કિલ્લા હતા પણ ઔરંગઝેબ સામે એ હારી ગયા અને બીજાપુરમાં આદિલ શાહને ત્યાં નોકરીએ રહી ગયા. ધીમે ધીમે શિવાજી આપબળે ઊભા થયા અને મરાઠા સામ્રાજ્ય બનાવ્યું. મોગલો અને બીજાપુરના આદિલશાહી વંશ સાથે એમના સંબંધો મિત્રતા અને શત્રુતાના હતા. શિવાજી સાથે પણ કંપનીના સંબંધો મિત્રતા કે શત્રુતા અથવા પરસ્પર ઉપેક્ષાના જ હતા.

કંપનીને બીજાપુરના આદિલશાહી રાજ્ય સાથે વેપાર કરવામાં રસ વધ્યો હતો. સૌથી પહેલાં તો પોર્ચુગીઝોના કબજામાં મુંબઈ હતું ત્યારે એમણે પણ પ્રયાસ કર્યો હતો પણ આદિલશાહ સાથે એમના સંબંધો ખરાબ જ રહ્યા, બીજી બાજુ ઈસ્ટ ઇંડિયા કંપનીને સીદી રુસ્તમ ઝમાનના કબજા હેઠળના રાજપુરીમાં ફૅક્ટરી બનાવવામાં સફળતા મળી હતી.

આ દરમિયાન, મહંમદ આદિલશાહનું મૃત્યુ થયું. એ નિઃસંતાન હતો એટલે એના ભત્રીજા અલી

આદિલ શાહને ગાદીએ બેસાડીને વિધવા બેગમ ચાંદ બીબીએ કારભાર સંભાળી લીધો. પરંતુ ઔરંગઝેબને એ પસંદ ન આવ્યું અને એણે બીજાપુરને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. શિવાજીના પિતા શાહજી ભોંસલે બીજાપુરની નોકરીમાં હતા પણ આ અસ્થિરતાનો લાભ લઈને એ સ્વતંત્ર થઈ ગયા. બીજી બાજુથી શિવાજીએ પણ દાંડા રાજાપુરીના કિલ્લા પર હુમલો કરી દીધો. પરંતુ દિલ્હીમાં મોગલોમાં સત્તા સંઘર્ષ ચાલ્યો તે કારણે ઔરંગઝેબનું ધ્યાન બીજાપુર પરથી એ વખતે તો હટી ગયું.

પરંતુ, ઑક્ટોબર ૧૬૫૯માં કંપની શિવાજીના મિત્ર (અને દુશ્મન) સીદી રુસ્તમ ઝમાન સાથે પણ વેપારી સંપર્કમાં હતી અને બીજાપુરમાં ચલણ તરીકે કામ આવે એવા સિક્કા બનાવવાની ટંકશાળ બનાવવા માટે વાતચીત કરતી હતી.. રુસ્તમ ઝમાન તો ખરેખર શિવાજી પર હુમલો કરવાની તૈયારી કરતો હતો. પરંતુ, એ જ અરસામાં શિવાજીએ અફઝલ ખાનને ચીરી નાખ્યો એવા સમાચાર મળ્યા. કંપની આનાથી બહુ પ્રભાવિત થઈ હોવાનું જણાય છે. કંપનીનો આ વિશેનો પત્ર વિગતવાર છે. શિવાજીએ રાજપુરી શહેરનો કબજો કરી લીધો હતો. પણ કિલ્લાનો નહીં. અંગ્રેજોને આશા છે કે શિવાજી એમને મદદ કરશે. “Rustum Jemah, (રુસ્તમ ઝમાન) who is a freind of Sevagies (Shivaji’s) and is now upon his march toward him, and within feiw dayes wee shall heare of his joyning with him, and then wee shall (according to H[enry] R[evingtons] promise unto him at his coming downe) send him all the granadoes which last yeare hee desired, and advised us to spare Sevagy (Shivaji) some, promising that, if wee would lye with our shipps before Danda Rajapore Gastie, that Sevagyes (Shivaji’s) men should assist us ashoare, hee having already taken the town of Danda Rajapore, but not the castle, wherein there is a great treasure, part of which wee may have and the castle to, give him but the rest. (નીચે સંદર્ભના પુસ્તકનું પૃષ્ઠ ૨૫૦). મિત્રતા અને શત્રુતાનાં ધોરણો માત્ર નફાનુકસાન પ્રમાણે નક્કી થયેલાં હતાં: Sevagy, (શિવાજી) a great Rashpoote (રાજપૂત) and as great an enemy to the Queenc, hath taken the great castle of Panella,(પન્હાળા) within six courses (કોસ-ગાઉ) of Collapore (કોલ્હાપુર) ; which must needs startle the King and Queene at Vizapore(બીજાપુર). Wee wish his good success heartyly, because it workes all for the Companies good, hee and Rustum Jemah being close f [r]einds. …(પૃષ્ઠ ૨૫૧).

કંપનીને આશા હતી કે રુસ્તમ ઝમાનના હાથમાં બીજાપુર રાજ્ય વતી રાજપુરીની આસપાસના બધા વિસ્તારો છે અને શિવાજી જંજિરા (મુરુદ જંજિરા –હબસીઓનો ટાપુ) લેવા માગે છે, તેમાં રુસ્તમ મદદ કરશે. અંગ્રેજ કંપનીનો પ્રેસીડેન્ટ રેવિંગ્ટન શિવાજી વિશે પણ એમ જ ધારતો હતો કે એમને તો અંગ્રેજો સાથે સારા સંબંધો રાખવામાં રસ હશે જ. અંગ્રેજો એમને જંજિરા પર કબજો કરવામાં મદદ કરે તો શિવાજી એમને એ કિલ્લાનો ઉપયોગ કરવા દેવા તૈયાર થઈ જશે. પરંતુ શિવાજીને એ કિલ્લા કરતાં બીજાપુરથી સ્વતંત્ર થવામાં વધારે રસ હતો. એટલે એ બીજાપુર તરફ કૂચ કરી ગયા અને રસ્તામાં કેટલાંય શહેરો અને બંદરો પર કબજો કરી લીધો. જો કે આ કિલ્લો સીદી રુસ્તમ ઝમાને એવી કપરી જગ્યાએ બનાવ્યો છે કે શિવાજી એને કદી સર ન કરી શક્યા. એમણે રાજપુરી તરફ સૈનિકોની માત્ર એક નાની ટુકડી મોકલી દીધી હતી, જેણે ત્યાં અંગ્રેજોને નાણાં ધીરનારા શરાફને પકડી લીધો! કંપનીએ શિવાજીને પત્ર લખ્યો:

To Sevagy, Generali of the Hendoo Forces,

“દંડરાજપુરી કિલ્લો જીતવા માટે અમે તો કેટલી બધી મિત્રતાનું વચન આપ્યું; તમારા માટે દારુજી વગેરે સાથીઓએ તમને કહ્યું જ હશે પણ અમને એ કહેતાં શરમ આવે છે કે તમે અમને કેટલું નુકસાન કર્યું છે. બસ, એટલું જ સમજો કે જે અમારા મિત્રો છે તેમના દુશ્મનો અમને એમનાં વહાણો લઈ લેવાનું કહે અને અમે ન લઈએ તો તેના બદલામાં તમે અમારા બ્રોકર અને એક નોકરને પકડી લીધા છે અને ૨૫ દિવસથી જેલમાં રાખ્યા છે…” (પૃષ્ઠઃ૩૫૮-૨૫૯).

જો કે કંપનીના નોકરને નવી જેલમાં લઈ જતા હતા ત્યારે એ ભાગી છૂટ્યો હતો! પરંતુ શિવાજી પર અંગ્રેજોના આ પત્રનો બહુ સારો કે નરસો પ્રભાવ પડ્યાનું જાણવા નથી મળતું.

શિવાજી કે સિદી ઝમાન સાથે કંપનીના સંબંધોમાં એટલા ગૂંચવાડા છે કે એ કઈ ઘડીએ કોની સાથે છે તે કહી શકાય એમ નથી કારણ કે કંપનીને માત્ર પોતાનો માલ ખરીદવામાં અને શસ્ત્રો વેચવામાં જ રસ હતો.

શિવાજી અને કંપની વિશે આપણે હવે પછીના પ્રકરણમાં પણ વાત કરશું.

૦-૦-૦

સંદર્ભઃ THE ENGLISH FACTORIES IN INDIA: 1655-1660 BY WILLIAM FOSTER, C.I.E.: PUBLISHED UNDER THE PATRONAGE OF HIS MAJESTY’S SECRETARY OF STATE FOR INDIA IN COUNCIL. -OXFORD, AT THE CLARENDON PRESS. 1921 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


Science Samachar : Episode 38

(૧) માખીઓને બચાવો!

યુરોપિયન યુનિયને આખી દુનિયામાં ખેતરોમાંસૌથી વધારે ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવા ‘નિયોનિકોટિનોઇડ્સ’ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું છે. આ પેસ્ટીસાઇડ માખીઓ માટે પ્રાણઘાતક હોવાનું જણાયું છે.

૨૭મી એપ્રિલ, શુક્રવારે યુરોપીયન યુનિયને આ નિર્ણય લીધો એ વખતે નિયોનિકોટિનોઇડ્સ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે અસંખ્ય લોકો એકઠા થયા હતા.

માખીઓ અને બીજી જીવાતો લગભગ પોણા ભાગના પાકોના ફલીકરણમાં ભાગ ભજવે છે અને એ રીતે અન્ન ઉત્પાદનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. યુરોપિયાન યુનિયને હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આ જંતુનાઅશક મધમાખીઓ અને બીજી માખીઓ માટે ઘાતક છે.

આમ તો, આ પ્રતિબંધ આ વર્ષના અંત સુધીમાં અમલી બની જશે, પરંતુ માત્ર ગ્રીન હાઉસોમાં જ એનો ઉપયોગ કરી શકાશે. કેટલાકે આના વિશે અસંતોઢ દાખવતાં કહ્યું છે કે એનો અર્થ એ કે ગ્રીન હાઉસમાંથી નીકળતા પાણીમાં આ દવા હશે અને એ બહાર પ્રદૂષણ ફેલાવશે. બીજી બાજુ નૅશનલ ફાર્મર્સ યુનિયને નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું છે કે માખીઓના આરોગ્ય વિશે કંઈ પણ કર્યા વિના પ્રતિબંધ મુકાય છે તેનો અર્થ એ કે ખેતીને નુકસાન કરે એવી જીવાતો પર પણ એ વાપરી નહીં શકાય.

સંદર્ભઃ theguardian.com/environment-bee-harming-pesticides

૦-૦-૦

(૨) હવે કૃત્રિમ ભ્રૂણ તૈયાર છે!

 

વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં બનાવેલી ભ્રૂણ જેવી સંરચનાના બે નમૂના Image copyright NICOLAS RIVRON

ડચ વૈજ્ઞાનિકોએ ઉંદરના શરીરમાંથી શુક્રાણુ અને અંડ લીધા વિના બીજા કોશોમાંથી ભ્રૂણની રચના કરી છે.  Nature journal માં સ્ટેમ સેલના ક્ષેત્રમાં મળેલી આ મોટી સફળતાનું વિવરણ આપવામાં આવ્યું છે. ભ્રૂણો એક ડિશમાં બનાવ્યા અને થોડા દિવસ એમને જીવતી માદાના શરીરના ગર્ભાશયની પાતળી દીવાલ સાથે જોડી રાખવામાં આવ્યા હતા.

પરંતુ આનો ઉપયોગ ક્લૉનિંગ માટે કે નવા મનુષ્ય કે પ્રાણી બનાવવા માટે નહીં થાય. આ બનાવવાનો હેતુ વહેલો ગર્ભપાત થઈ જવાનાં કારણો સમજવા માટે છે. ઘણી વાર સ્ત્રીને ખબર પડે કે એ ગર્ભવતી થઈ છે તે પહેલાં જ ગર્ભપાત થઈ જતો હોય છે. આવું કેમ થાય છે તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ભ્રૂણની રચનામાં જ કંઈ ખામી રહી જતી હશે.

સ્ટેમ સેલ અપરિપક્વ કોશો છે અને શરૂઆતના જીવનકાળમાં એ કોઈ પણ પ્રકાર તરીકે વિકસે છે. માસ્ટ્રિખ્ટ યુનિવર્સિટીના મર્લિન ઇન્સ્ટીટ્યૂતના ડૉ. નિકોલસ રિવરોન કહે છે કે એમણે ઉંદરના બે પ્રકારના સ્ટેમ સેલ લીધા અને એમને જોડ્યા, પરિણામે એમને ભ્રૂણ (બ્લાસ્ટોસિસ્ટ) જેવી રચના મળી જેમાં ઑર અને બાળકનું સર્જન કરનારા ગોળીના આકારના કોશો પણ છે.

સંદર્ભઃ http://www.bbc.com/news/health43960363

૦-૦-૦

(3) આધાશીશીની બીમારી

આધાશીશીની બીમારીથી દુનિયામાં કરોડો લોકો પિડાય છે. પરંતુ જેનેટિક અભ્યાસમાં જણાયું છે કે જેમનામાં યુરોપીયન જીન હોય તેમને આ બીમારી વધારે થાય છે!

પચાસ હજાર વર્ષ પહેલાં આપણા પૂર્વજો આફ્રિકાથી નીકળ્યા અને આખી દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં પહોંચીને ત્યાં ઠરીઠામ થવા લાગ્યા. આમ એ જ્યાં ગયા ત્યાંના વાતાવરણને અનુકૂળ થવામાં એમના જીનમાં પણ ફેરફારો થયા હશે. વૈજ્ઞાનિકોને લાગ્યું કે આધા શીશીનાં મૂળ આવી કોઈ ઘટનામાં તો નથી ને?

આપણામાં એક જીન છે – TRPM8. આ એક જ જીન એવો છે કે જેને કારણે આપણે ઠંડીનો અનુભવ કરીએ છીએ અનીએ એની પ્રતિક્રિયા આપીએ છીએ. વૈજ્ઞાનિકોએ જોયું કે આ જીનની પહેલાંની એક રૂપાંતરિત આવૃત્તિ પણ છે જે ૨૫ હજાર વર્ષ પહેલાં આપણા પૂર્વજોના ભાઈઓ, પિતરાઈઓ ઊંચાઈવાળા પ્રદેશોમાં વસ્યા એમનામાં એનો વિકાસ થયો. નાઇજીરિયાના લોકોમાંથી માત્ર પાંચ ટકામાં આ જીન છે જ્યારે ફિનલૅન્ડના ૮૮ ટકા લોકોમાં ઠંડી સામે પ્રતિક્રિયા આપે એવા જીન્સ છે. આધાશીશીની બીમારીનું કારણ એક જીન છે તે તો વૈજ્ઞાનિકો પહેલેથી જાણતા હતા પણ એનું કારણ પચાસ હજાઅર વર્ષ જૂનું છે તે હવે જાણી શકાયું છે.

સંદર્ભઃ

(જાણકારો માટે) http://journals.plos.org/plosgenetics/article?id=10.1371/journal.pgen.1007298

સરળ સમજૂતી માટેઃ https://www.sciencedaily.com/releases/2018/05/180503142921.htm

૦-૦-૦

(૪) પરણવું હોય તો….!

પરણવા માગતા હો અને તમારી ઉંમર ૫૯થી ઉપર હોય તો તમે પરણી શકશો કે નહીં તે કેમ નક્કી થઈ શકે? તમે કોઈની સાથે હાથ મિલાવો – તમારી પસંદગીની ‘છોકરી’ સાથે – તો એ તરત જાણી લેશે કે ;છોકરો’ પરણવા લાયક છે કે કેમ! તમે તમારા હાથમાં કન્યાનો હાથ લો ત્યારે તમારી પકડ મજબૂત હશે તો તમારો ઘર સંસાર ફરી શરૂ થઈ શકશે અને પકડ ઢિલી હશે તો છોકરી હાથથી ગઈ સમજો!

કોલંબિયા યુનિવર્સિટીની મેઇલમૅન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ અને એજિંગ સેંટરના સંશોધકોએ આ અભ્યાસ કર્યો છે. એમણે એવું પણ તારણ આપ્યું છે કે સ્ત્રીઓની બાબતમાં હાથની પકડની શરત લાગુ નથી પડતી.

હાથની પકડ તમારું સ્વાસ્થ્ય કેવું છે તે સૂચવે છે. અભ્યાસમાં જણાયું કે સ્ત્રીઓ મજબૂત પકડ હોય તેવા હાથવાળી વ્યક્તિને પરણવાનું પસંદ કરે છે. વૃદ્ધાવસ્થાએ પહોંચેલી નવી જોડી પરિચારકની મદદ લેવાનું ટાળે છે, જ્યારે ઢીલી પકડવાળા ભાઈ બિચારા પરણ્યા વિના રહી જાય છે અને એમની સંભાળ લે એવાની પણ જરૂર પડે છે.

સંશોધકોએ નૉર્વેના એક શહેરમાં પાંચ હજાર કેસો તપાસ્યા. એ બધાની ઉંમર ૫૯ અને ૭૧ વચ્ચે હતી. એમને એક નરમ દડો દબાવવાનો હતો. તે પછી એમણે એ પરણેલા છે કે નહીં, અને સામાન્ય સ્વાસ્થ્ય કેવું છે તેનો અભ્યાસ કર્યો તો જોવા મળ્યું કે ઉંમર નહીં પણ હાથની મજબૂત પકડ એમાં ભાગ ભજવે છે. નરમ પકડવાળા લોકો એકલા હતા. એમને પોતાની સંભાળ લેવા માટે મદદની જરૂર હતી. સરકારો પણ આ જાણીને પોતાની નીતિઓ બનાવવી જોઈએ!

સંદર્ભઃ http://aging.columbia.edu/news/get-grip-what-your-hand-strength-says-about-your-marriage-prospects-and-mortality

૦-૦-૦

India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 12

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૧૨: ઔરંગઝેબ, કંપની અને બંગાળ

(ઔરંગઝેબનો જન્મ ૧૬૧૮ની ૨૪મી ઑક્ટોબરે ગુજરાતના દાહોદમાં થયો હતો અને ૪૦ વર્ષની વયે ૧૬૫૮ના મે મહિનાની ૨૩મીએ એ ગાદીએ બેઠો. ૧૭૦૭માં એનું મૃત્યુ થયું.)

જહાંગીર અને શાહજહાંના સમયથી જ બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપની હિંદુસ્તાનમાં જામવા લાગી હતી. સત્તરમી સદીમાં કંપની હિંદુસ્તાન આવી ત્યારે જહાંગીરનું શાસન હતું. ૧૬૩૩માં મચિલિપટ્ટનમના ફૅક્ટરે ઓડિશાના મોગલ સુબેદારની પરવાનગીથી બાલાસોર અને હરિહરપુરામાં ફૅક્ટરીઓ બનાવી. તે પછી ૧૬૪૦માં મદ્રાસમાં એમણે સેંટ જ્યૉર્જ ફોર્ટ ઊભો કર્યો. પરંતુ બંગાળમાં ઔરંગઝેબે એમને ઘણીબધી છૂટ આપી.

મદ્રાસમાં કંપનીનું કામકાજ ઢીલું પડ્યું હતું. એ જ હાલત હુગલીની ફૅક્ટરીની હતી, એટલે કંપનીને બંગાળમાં બીજું કોઈ સ્થાન જોઈતું હતું. બંગાળમાં કંપનીને સોના અને ચાંદીના બદલામાં મોંમાગ્યો માલ મળતો હતો. ગાદી માટે ઔરંગઝેબની ખૂનામરકી વખતે એનો સાથી, બંગાળનો હાકેમ શાઇસ્તા ખાન લડાઈઓમાં વ્યસ્ત હતો અને વહીવટ કથળ્યો હતો. અંગ્રેજોને વેપારમાં બધી છૂટ હોવા છતાં સ્થાનિકના અધિકારીઓ એમની પાસેથી પૈસા પડાવતા હતા.

આથી, ૧૬૮૨ સુધીમાં કંપની અને મોગલોના સંબંધો બહુ જ બગડી ગયા. કંપની ટૅક્સ આપવા તૈયાર નહોતી અને મોગલ શાસકો એમનો માલ જવા દેતા નહોતા. એટલે કંપનીએ પોતાનાં હિતોના રક્ષણ માટે બળનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

ઔરંગઝેબના કરવેરામાં પણ ભેદભાવ હતો. મુસ્લિમ વેપારીઓ પર અઢી ટકા, જ્યારે બીજા પર પાંચ ટકાનો વેરો હતો. એણે બિનમુસ્લિમો પર જઝિયા વેરો પણ લાગુ કરી દીધો હતો. કંપની આના માટે તૈયાર નહોતી.

દરમિયાન હુગલીની ફૅક્ટરીના પ્રેસીડેન્ટ જૉબ ચાર્નોક સામે એના ભારતીય એજન્ટો અને વેપારીઓએ ૪૩ હજાર રૂપિયાનો દાવો માંડ્યો. હિંદુસ્તાની જજનો ચુકાદો ચાર્નૉકની વિરુદ્ધ આવ્યો પણ એ દંડ ચુકવવા તૈયાર નહોતો.

૧૬૮૬ના ઑક્ટોબરમાં કંપનીએ હુગલીની ફૅક્ટરીમાં ૪૦૦ની ફોજ ઊભી કરી લીધી. બીજી બાજુ શાઇસ્તા ખાન પણ તૈયાર હતો. એણે ૩૦૦ ઘોડેસવારો અને ૩,૦૦૦ સૈનિકો હુગલીમાં ગોઠવી દીધા. શહેરના ફોજદારે કંપની સાથે લેવડદેવડ બંધ કરાવી દીધી. ૨૮મી તારીખે કંપનીના ત્રણ સૈનિકોએ બજારમાં ઘૂસવાની કોશિશ કરી પણ ઝપાઝપીમાં એ ઘાયલ થયા અને કેદ પકડાયા. કંપનીની ફોજના માણસો એમને છોડાવવા ગયા પણ મોગલ ફોજે એમને મારી ભગાડ્યા અને કંપનીનાં જહાજો પર તોપમારો કર્યો. સામેથી કંપનીએ વધારે કુમક મોકલી, એના હુમલામાં ફોજદારના ઘરને આગ લાગી ગઈ. અંગ્રેજી ફોજે એક મોગલ જહાજને પણ કબજામાં લઈ લીધું. ફોજદારની ટુકડીના છ માણસ મરાયા અને ચારસો-પાંચસો ઘરો બળી ગયાં. ફોજદાર પોતે ભાગી છૂટ્યો.

શાઇસ્તા ખાનને આ સમાચાર મળતાં એણે મોટું ઘોડેસવાર દળ મોકલ્યું. અંગ્રેજો ડિસેમ્બરની ૨૦મીએ હુગલીથી બધું વીંટીને ભાગ્યા અને સૂતાનટી ટાપુ (આજનું કોલકાતા) પર પહોંચ્યા. હવે એમનું કંઈ ચાલે એમ નહોતું એટલે એમણે સમાધાનનો માર્ગ લીધો અને સૂતાનટીમાંથી વેપારની પરવાનગી માગી. શાઇસ્તા ખાન પણ વાતચીત કરતો રહ્યો પણ એનો હેતુ અંગ્રેજોને અંધારામાં રાખીને ફોજ ઊભી કરવાનો હતો.

૧૯૮૭ના ફેબ્રુઆરીમાં ફરી લડાઈ ફાટી નીકળી. મટિયા બુર્જ, થાણા (આજનું ગાર્ડન રીચ) અને હિજલી પર અંગ્રેજોનો કબજો થઈ ગયો.

હિજલી એક નાની જાગીર હતી. ચાર્નૉકે હિજલીનું રાજ્ય જીતી લીધું. કૅપ્ટન નિકૉલસને આ પહેલાં જ હિજલીના બંદર પર કબજો કરી લીધો હતો. (Hijli_Kingdom). હિજલીનો મોગલ સરદાર લડાઈ વિના જ ભાગી છૂટ્યો હતો. હિજલીમાં અંગ્રેજોએ પોતાનો બધો નૌકા કાફલો એકઠો કરી લીધો. હિજલી ફળફળાદિમાં સમૃદ્ધ હતું અને સમુદ્ર કાંઠે મીઠું પણ પાકતું હતું. પરંતુ મેલેરિયાનો ભારે પ્રકોપ હતો.

તે પછી માર્ચમાં અંગ્રેજોએ ઓડિશાના બાલાસોર પર કબજો જમાવ્યો. અને ઔરંગઝેબના શાહઝાદા આઝમ અને શાઇસ્તા ખાનનાં બે જહાજ કબજે કરી લીધાં. આમ વાત વધી ગઈ.

હવે મોગલોની ૧૨,૦૦૦ની ફોજે હિજલી પર ચડાઈ કરી. અંગ્રેજો આ વખતે ઊંઘતાં ઝડપાયા. એમના ૨૦૦ સૈનિકો માર્યા ગયા. બીજા સોએક મૅલેરિયામાં સપડાયા હતા. તેમ છતાં એમણે ચાર દિવસ સુધી લડાઈ કરી અને મોગલોને હંફાવ્યા.

છેવટે જૂનની ચોથી તારીખે મોગલ સરદારે શાંતિ માટે દરખાસ્ત મોકલી. અંગ્રેજોએ કબૂલ કરી અને ધૂમધડાકા સાથે હિજલી છોડ્યું. શાઇસ્તા ખાને એમને ઉલૂબેડિયામાં પોતાનું કામકાજ કરવાની છૂટ આપી. આમ જૉબ ચાર્નૉક ૧૬૮૭ના સપ્ટેમ્બરમા સૂતાનટી પાછો આવ્યો.

પરંતુ, આ બાજુ મુંબઈ પાસે પણ અંગ્રેજોએ મોગલોના નૌકા કાફલા પર હુમલા કર્યા હતા. ઔરંઅગઝેબ આ કારણે ગુસ્સામાં હતો. આથી શાઇસ્તા ખાનને અંગ્રેજો સાથેનો કરાર તોડવાનું જરૂરી લાગ્યું. એણે કંપનીને સૂતાનટી ખાલી કરીને હુગલી પાછા જવા ફરમાન કર્યું. પણ ચાર્નૉકે હવે ઢાકાના સુબેદાર સમક્ષ સૂતાનટીમાં જમીન ખરીદવાની અરજી કરી. આ વાટાઘાટો તો એક વરસ ચાલી.

મોગલ હાકેમો આ બધા સમાચાર ઔરંગઝેબ સુધી પહોંચાડતા હતા. એ ગોલકોંડા સામે લડાઈમાં પડ્યો હતો. એણે તરત જ બધા જ અંગ્રેજોને પકડી લઈને મોગલ સલ્તનતમાં જ્યાં પણ એમની ફેક્ટરી હોય તે કબજે કરી લેવાનો હુકમ આપ્યો અને રૈયતને પણ અંગ્રેજો સાથે વેપાર ન કરવાનું ફરમાન કર્યું. પરંતુ કંપની નૌકા યુદ્ધમાં મોગલો કરતાં વધારે શક્તિશાળી હતી. એટલે હજ માટે મક્કા જતાં જહાજોને એ આંતરવા લાગ્યા.

પરંતુ શાઇસ્તા ખાન પછી ઇબ્રાહિમ ખાન આવ્યો. એ અંગ્રેજોનો મિત્ર હતો. એણે એમને ફરી બંગાળ આવવાનું આમંત્રણ આપ્યું. નવા કરાર થયા અને ઔરંગઝેબે ૨૨મી ફેબ્રુઆરી ૧૬૯૦ના દિવસે ફરમાન બહાર પાડ્યું અને એમને ૧,૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો અને એમના બધા વાંકગુના માફ કરીને ફરી પહેલાંની જેમ બધી છૂટછાટો સાથે વેપાર કરવાની પરવાનગી આપી.

૨૪મી ઑગસ્ટે જૉબ ચાર્નૉક પાછો આવ્યો અને ઇબ્રાહિમ ખાને વરસના ૩,૦૦૦ રૂપિયા ચુકવવાની શરતે બંગાળમાં વેપાર કરવાની કંપનીને છૂટ આપી.

અંગ્રેજોના અધિકારો દરેક સ્થળે જુદા જુદા હતા. મુંબઈમાં એ સાર્વભૌમ હતા, મદ્રાસમાં અંગ્રેજ નાગરિકો પર ઇંગ્લિશ ચાર્ટર પ્રમાણે એમની હકુમત હતી, પણ બંગાળમાં અંગ્રેજો પર તો એમનું શાસન ઇંગ્લિશ ચાર્ટર પ્રમાણે હતું પણ હિંદુસ્તાની નાગરિકો માટે હવે કંપની એક જમીનદાર હતી!

 મુખ્ય સંદર્ભઃ

1. An Advanced History of India, R. C. Mazumdar, H. C. Raychaudhuri, Kalikinkar Datta 3rd Edition, 1973, Macmillan India (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. History of Aurangzib by Jadu Nath Sarkar, Vol 5, 1952 M. C. Sarkar & Sons, Calcutta, (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.

India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 11

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૧૧: કંપની સામે બળવો; મુંબઈ સ્વતંત્ર

ઑન્જિયરે હવે મુંબઈ શહેર બાંધવાનું શરૂ કર્યું. સાતેસાત ટાપુઓને પુલોથી જોડવાના હતા, હિંદુસ્તાનમાં જુદાં જુદાં ચલણો હતાઃ શાહી, અશરફી (પોર્ચૂગીઝ – ઝેરાફિન), રૂપિયો વગેરે – એની બરાબર મૂલ્યનું કંપનીનું ચલણ બનાવવા ટંકશાળ બનાવવાની હતી, હૉસ્પિટલ પણ જરૂરી હતી. ચર્ચ તો હોય જ. ૧૬૭૩ સુધીમાં તો કંપનીએ પોતાનો અડ્ડો એવો જમાવી લીધો કે ડચ કંપની એની સામે કંઈ કરતાં પહેલાં બે વાર વિચાર કરે.

ઑન્જિયર આ બધું કરતો હતો ત્યારે લંડનમાં કંપનીના માલિકો ધૂંઆફૂંઆ થતા હતા – “આપણે હિંદુસ્તાનમાં વેપાર કરવા ગયા છીએ, સરકાર બનાવીને વહીવટ કરવા નહીં. આટલો ખર્ચ કરીને વળવાનું કંઈ નથી. જે કોઈ સરકાર હોય તેનું કામ આપણા વેપારને સધ્ધર બનાવવાનું છે!” પરંતુ મુંબઈમાં વેપાર તો હતો જ નહીં, એ તો પેદા કરવાનો હતો! ઑન્જિયરે જોયું કે ખેડૂતો પોતાની ચોથા ભાગની પેદાશ પહેલાં પોર્ટુગલની કંપનીએ આપી દેતા હતા. એણે કહ્યું કે કિલ્લેબંધીને કારણે હવે ખેડૂતોને રક્ષણ મળે છે. આમ કહીને એણે જમીન વેરો દાખલ કર્યો.

હવે એના તાબામાં પંદરેકસોની ફોજ પણ હતી. પરંતુ એમને આપવા માટે પૈસા જ નહોતા!

ફોજનો બળવો

આ સ્થિતિમાં મુંબઈમાં ગોઠવાયેલી ફોજે કંપની સામે બળવો કર્યો. સૈનિકો પોતાનાં શસ્ત્રો સાથે મઝગાંવના એક કિલ્લામાં ભરાઈ ગયા અને ચારે બાજુ રક્ષણની હરોળ ગોઠવી દીધી. ઑન્જિયર બધી માંગો માનવા તૈયાર હતો. ફોજીઓ પોતાનો પગાર રૂપિયામાં માગતા હતા. એમનું કહેવું હતું કે વિનિમયના દરો એવા હતા કે એમનો આખો એક મહિનાનો પગાર મળવો જોઈએ. હિંદુસ્તાનમાં જુદાં જુદાં ચલણો હતાં અને બધાં ચલણ ચાલતાં હતાં, એટલે કોઈ માલ ખરીદવો હોય ત્યારે વેપારી જે ચલણમાં એને ફાયદો હોય તે પ્રમાણે ભાવ લેતો. આમ ફોજીઓને નુકસાન થતું. ઑન્જિયરે એમની માગણી તો માની પણ સૈનિકો બળવો કરે તે કેમ સાંખી લેવાય એટલે બળવામાં જોડાયેલા બધા સામે ‘કોર્ટ માર્શલ’ની કાર્યવાહી પણ થઈ અને એકને મોતની સજા થઈ.

બીજો બળવો અને મુંબઈ કંપનીના હાથમાંથી આઝાદ

પરંતુ, ખરેખર મામલો ઠંડો નહોતો પડ્યો. અંદરખાને ધૂંધવાટ હતો. ૧૬૭૬માં મુંબઈમાં ઇંગ્લૅન્ડના સૈન્યમાંથી રિચર્ડ કૅગ્વિન આવ્યો. એ માત્ર પ્લાંટર તરીકે આવ્યો હતો પણ એ લશ્કરનો માણસ હતો એટલે એને ૧૬૮૧માં ગવર્નિંગ કાઉંસિલમાં લઈ લેવાયો.

આ બાજુ ૧૬૮૨માં જ્‍હૉન ચાઇલ્ડ સૂરતનો પ્રેસીડેન્ટ બન્યો અને તે સાથે મુંબઈને એની નીચે મૂકવામાં આવ્યું, ચાઇલ્ડ હવે મુંબઈનો પણ ગવર્નર બન્યો. એ વેપારીઓનો પ્રતિનિધિ હતો એટલે એવી વાતો વહેતી થઈ કે એ હવે લશ્કરમાં કાપ મૂકશે. લશ્કરની સૈનિક ફરી ઉશ્કેરાયા. એમણે ડેપ્યૂટી ગવર્નરને કેદ કરી લીધો અને કૅગ્વિનના હાથમાં બધી સત્તા આવી ગઈ. કૅગ્વિને બારામાં લાંગરેલા એક જહાજમાંથી ૫૦ કરોડનું સોનું કબજે કરી લીધું અને કંપનીની હકુમતના અંતની જાહેરાત કરી દીધી!

એક વર્ષ સુધી એ શાસન ચલાવતો રહ્યો. કંપની સામે બળવો કર્યા પછી સૂરતથી એને ખાધાખોરાકીનો સામાન પણ મળે એવી આશા નહોતી, એટલે એણે મુંબઈની પાડોશમાં હતા તે હાકેમો, શંભાજી અને સીદીઓ સાથે સારા સંબંધ સ્થાપ્યા. હવે મુંબઈમાં કંપની જેને શત્રુ માનતી તે બધા વેપારીઓ છૂટથી વેપાર કરતા થઈ ગયા. કૅગ્વિન આ બધું રાજાને નામે કરતો રહ્યો.

છેક ૧૬૮૪માં ઇંગ્લૅન્ડમાં રાજા જેમ્સને બળવાની જાણ થઈ! એને કંપની પસંદ નહોતી પણ પાછો એ કંપનીનો કરજદાર પણ હતો! એણે તરત થૉમસ ગ્રૅન્થામની સરદારી હેઠળનાં બે જહાજ કૅગ્વિનને પરાસ્ત કરવા મોકલ્યાં. કૅગ્વિન રાજાની સામે થવા નહોતો માગતો એટલે એણે રાજાના દૂત સમક્ષ હથિયાર હેઠાં મૂક્યાં પણ શરત એ રાખી કે એને અથવા એના કોઈ સાથીને સજા ન થવી જોઈએ. એની શરત મંજૂર રહી, કંપનીને મુંબઈ પાછું મળ્યું. જ્‍હૉન ચાઇલ્ડે નિરાંતનો શ્વાસ લીધો કે કૅગ્વિનને સજા ન થઈ તેનો એને વસવસો રહ્યો, ઇતિહાસ એની નોંધ નથી લેતો.

૧૬૮૭માં સૂરતની જગ્યાએ મુંબઈને પ્રેસીડેન્સી બનાવી દેવાયું. કંપનીની બધી ફૅક્ટરીઓ મુંબઈના તાબામાં મુકાઈ. સૂરતનો દરજ્જો કંપનીની બીજી ફૅક્ટરીઓ જેવી એક સામાન્ય ફૅક્ટરીનો રહી ગયો અને મુંબઈ એના કરતાં આગળ નીકળી ગયું.

પહેલો સામ્રાજ્યવાદી

થોમસ રો એવી સલાહ આપી ગયો હતો કે કંપનીએ માત્ર સમુદ્રમાં જ વેપાર કરવો જોઈએ, જમીન પર આવવું જ ન જોઈએ. પણ લંડનમાં કંપનીનો વડો જોશિઆ ચાઇલ્ડ (મુંબઈના પ્રેસીડેન્ટ જ્‍હૉન ચાઇલ્ડ સાથે એનો કશો સંબંધ નથી). કંપનીને તદ્દન નવી દિશામાં લઈ ગયો. એના પહેલાં લંડનમાં ઈસ્ટ ઇંડિયા કંપનીના ગવર્નરો માત્ર હિંદુસ્તાનથી મળતા રિપોર્ટોથી સંતુષ્ટ થઈ જતા હતા પણ જોશિઆ ચાઇલ્ડે હિંદુસ્તાનમાં પોતાના નોકરોને હુકમો મોકલવાનું શરૂ કર્યું. એણે કહ્યું કે આપણું કામ માત્ર વેપાર અને માલની સલામતીનું છે પણ આપણે કિલ્લેબંધી વિના આપણે આપણો માલ સુરક્ષિત ન રાખી શકીએ. એણે લશ્કરી તાકાત વધારવા અને જમીન પર વિસ્તાર કરવાની હિમાયત કરી. એણે મદ્રાસ પ્રેસીડેન્સી માટે પણ લખ્યું કે ત્યાંના આપણા સાર્વભૌમત્વનું આપણે કોઈ પણ રીતે રક્ષણ કરશુંઅને કોઈ રાજાબાજાની આણ માન્યા વિના આપણા જ કાયદાઓ પ્રમાણે ચાલશું. એણે બંગાળમાં પણ મજબૂત કિલ્લેબંધી માટે લખ્યું. આમ જોશિઆ ચાઇલ્ડને અંગ્રેજ સામ્રાજ્યવાદનો પ્રથમ પ્રહરી માનવો જોઈએ.

દરમિયાન ફ્રેન્ચ કંપની પોંડીચેરીમાં પોતાનો પગદંડો જમાવવા લાગી હતી. લંડનની કંપનીએ નવા હરીફનો મુકાબલો કરવાનો હતો. જો કે હજી એમનું ધ્યાન ડચ કંપની પરથી હટ્યું નહોતું. દુશ્મનને હરાવવાના પ્રયાસોમાં અમુક અંશે દુશ્મન પાસેથી કંપની નવું શીખી પણ ખરી. જોશિઆ ચાઇલ્ડે મદ્રાસ પ્રેસીડેન્સીને ડચ જેવી મ્યુનિસિપલ વ્યવસ્થા કરવાનો પણ આદેશ આપ્યો. શીખાઉ ફૅક્ટરો માટે ડચ લોકો જે નામ વાપરતા હતા તે જ નામનું અંગ્રેજી કરીને હવે લંડનથી આવતા નવા ફૅક્ટરો માટે વાપરવાનું શરૂ થયું હવે એ ‘રાઇટર’ તરીકે ઓળખાવા લાગ્યા.

પરંતુ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં આટલું જ નહીં, ઘણુંબધું બન્યું હતું! થોડા પાછળ જઈએ?


મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. Keigwin’s Rebellion: Oxford Historical and Literary Stidies, Vol. VI -1916. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.

Science Samachar : Episode 37

. ધૂમ્રપાન સમુદ્રના આરોગ્ય માટે હાનિકારક છે.

 indiawaterportal.org પર સબિતા કૌશલ/Sabita Kaushal નો એક મહત્ત્વનો લેખ પ્રકાશિત થયો છે (૨૫.૪.૨૦૧૮). ધૂમ્રપાન આપણા આરોગ્યને તો નુકસાન કરે જ છે, પરંતુ એનાં ઠૂંઠાં (Butts) સમુદ્રને પણ નુકસાન કરે છે.

SSસમુદ્રકિનારે જે કચરો મળે છે તે મોટા ભાગે પ્લાસ્ટિક હોય છે અને એમાંથી ૭૦-૮૦ ટકા સિગરેટનાં ઠૂંઠાં હોય છે. પ્રયોગશાળામાં કરાયેલા એક પ્રયોગ દ્વારા જોવા મળ્યું કે એક જ ઠૂંઠું પાણીમાં હોય તો પણ એ પાણીમાં રહેલી અડધોઅડધ માછલી મરી જાય છે કારણ કે જીવન માટે હાનિકારક ૪૦૦૦ રસાયણો સિગરેટના ઠૂંઠામાં હોય છે.

ટાસ્માનિયા યુનિવર્સિટીનાં મરીન બાયોલૉજિસ્ટ ડૉ. જેનિફર લૅવર્સ કહે છે કે સમુદ્રી પક્ષીઓમાં એની અસર જોવા શકાઈ નથી, કદાચ પક્ષીઓ ખોરાક શોધતી વખતે ઠૂંઠાં છોડી દેતાં હશે, અને ખાઈને મરી જાય તો પણ એના રેસા અલગ ઓળખી ન શકાય.

દુનિયામાં ૨૦૧૪ના એક વર્ષમાં ૫૮૦ અબજ સિગરેટો પિવાઈ. દુનિયાના ૧૨ ટકા સ્મૉકરો ભારતમાં વસે છે. ૨૦૧૪માં સ્મૉકિંગ કરનારા પ્રથમ દસ દેશોમાં ભારતનું સ્થાન છે. સિગરેટ એક માત્ર એવું ડ્રગ છે, જે કાનૂની રીતે માન્ય છે અને એ પીનારાને એના ઉત્પાદકે ધાર્યું હોય તે જ રીતે મારી નાખે છે.

Share35

સંદર્ભઃ Smoking is injurious for oceans

૦-૦-૦

(૨) બ્રહ્માંડની ઉત્પત્તિની પહેલી ક્ષણોનો નમૂનો પ્રયોગશાળામાં!

વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં અત્યંત ઠંડા અણુઓનો ઉપયોગ કરીને બ્રહ્માંડનો વિસ્તાર કેમ થયો હશે તે દેખાડ્યું છે. સામયિક Physical Review Xમાં પ્રકાશિત એક લેખમાં સંશોધકો કહે છે કે એમણે ધ્વનિ માટેના કણ (ફોનોન)નો ઉપયોગ કર્યો. અમેરિકામાં મૅરીલૅન્ડની National Institute of Standards and Technology (NIST)ની સંશોધક ટીમનાં નેતા ગ્રેશેન કૅમ્પબેલ અને અન્ય વૈજ્ઞાનિકોએ સોડિયમ-૨૩ના લાખો પરમાણુ લીધા અને એમને અબજો ડિગ્રી સુધી ઠંડા કર્યા જેથી એ બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ (BEC) તરીકે ઓળખાતા કણ બની ગયા. તે પછી એમણે એમને રિંગના આકારમાં ઝકડી લીધા. એમના પર લેઝરનો મારો કરતાં BEC ધ્વનિ કરતાં પણ વધારે ગતિથી વિસ્તરવા લાગ્યા. આમ ધ્વનિના કણ (ફોનોન) પણ પ્રકાશના કણ(ફોટોન)ની જેમ જ વિસ્તરે છે. ફોટોનનો વિસ્તાર જોઈને જ બ્રહ્માંડ વિસ્તરતું હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું.

બ્રહ્માંડની શરૂઆતના સમયમાં ખાલી અવકાશમાં પ્રકાશ કેમ ફેલાયો તેનાં સમીકરણો તૈયાર છે જ અને હવે જોવા મળ્યું કે BESમાંથી પસાર થતા ધ્વનિ તરંગો પણ એ જ સમીકરણને અનુસરે છે! આમ સૈદ્ધાંતિક રીતે જે વાત સમજાઈ હતી તે ધ્વનિ તરંગોનો ઉપયોગ કરીને લૅબોરેટરીમાં પણ પ્રયોગ દ્વારા સાચી જણાઈ છે.

સિનોપ્સિસઃ https://physics.aps.org/synopsis-for/10.1103/PhysRevX.8.021021

સંદર્ભઃ આખો લેખ-pdf: https://journals.aps.org/prx/pdf/10.1103/PhysRevX.8.021021

(સરળ સમજૂતી માટે) https://www.nature.com/articles/d41586-018-04972-x

 

 

૦-૦-૦

(3) હું કોણ? કોશ જાતે જ પોતાની ઓળખ મેળવી લે છે!

અંડ ફળ્યા પછીના ૨૮ કલાકમાં ઝીબ્રાફિશનો વિકાસ

સ્વિટ્ઝર્લૅન્ડની બાઅસેલ યુનિવર્સિટીની એક સંશોધક ટીમે એકમાત્ર ભ્રૂણનો કોશ વિકસીને કઈ રીતે હૃદય, જ્ઞાનતંતુઓ કે રક્ત કોશ બની જાય છે તેનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો છે. ‘Science’ મૅગેઝિનમાં એમનો આ અભ્યાસલેખ પ્રકાશિત થયો છે. એમણે ૪૦,૦૦૦ કોશોનો અભ્યાસ કરીને જોયું છે કે કોશ વિકાસની પ્રક્રિયામાં પોતાનો માર્ગ બદલી શકે છે. ફલિત અંડ એકસમાન હોય અને અમુક તબક્કા સુધી સમાનતા રહે પણ પછી દરેક કોશ માર્ગ બદલીને પોતાનો અલગ માર્ગ પસંદ કરી લે છે.

એમણે ઝીબ્રાફિશમાં પરિવર્તિત થનારા ૪૦ હજાર કોશો અને ૨૫ પ્રકારના કોશોનું નવ કલાક સુધી નિરીક્ષણ કર્યું. એમણે RNA (જીનની નકલ)ની તપાસ કરી, એના દ્વારા જાણ્યું કે RNA કયા કોશ સક્રિય છે તે દેખાડે છે અને એનું કાર્ય અને ખાસિયત નક્કી કરે છે. પરંતુ એવું નથી કે આ કોશ પરિપક્વ થયા પછી પણ નક્કી કરેલી દિશામાં જ જાય. એ પોતાનું કામ જાતે જ પસંદ કરી લે છે. આમાં પર્યાવરણ પણ ભાગ ભજવે છે. આમ RNA દ્વારા નક્કી થયેલી ઓળખને બદલે એ પોતાની મેળે કંઈ નવું જ રૂપ ધારણ કરી લે છે.

હવે આ ટીમ કોશના વિકાસના તબક્કા દર્શાવતા વૃક્ષનો વિસ્તાર કરશે અને વધારે લાંબો વખત અભ્યાસ કરશે કે જેથી જાણી શકાય કે કોઈ કોશ ક્યારે નક્કી કરે છે કે “મારે હૃદય બનવું છે” અથવા તો “હૃદય તો બીજો કોઈ બની ગયો, હવે હું કિડની બનીશ” અથવા તો હૃદય કે મગજ બનવું હોય તો એના વૈકલ્પિક રસ્તા કેટલા છે?

Single-cell reconstruction of developmental trajectories during zebrafish embryogenesis
Science (2018), doi: 10.1126/science.aar3131

સંદર્ભઃ https://www.unibas.ch/en/News-Events/News/Uni-Research/Who-am-I-How-cells-find-their-identity.html

Email: heike.sacher@unibas.ch

0-0-0

(૪) આપણી લાલચ આપણો જ ભોગ લેશે?

ગયા વર્ષના નવેમ્બરની ૧૫મીએ દક્ષિણ કોરિયાના પોહાંગ શહેરમાં ૫.૪ની શક્તિનો ધરતીકંપ આવ્યો. સંશોધકો એવા તારણ પર પહોંચ્યા છે કે (સામયિક Science1,2, ૨૬ ઍપ્રિલ, ૨૦૧૮) આ ધરતીકંપ એક પ્રાયોગિક જિઓ-થર્મલ પ્લાન્ટે જમીનની નીચે થોડા કિલોમીટર ઊંડે પાણી નાખ્યું તેને કારણે થયો. આવું જ તારણ બીજા એક સ્વતંત્ર અભ્યાસમાં પણ મળ્યું છે. દક્ષિણ કોરિયામાં ૧૯૭૮થી ધરતીકંપોનાં અવલોકનો નોંધવાનું શરૂ થયું છે અને એના પ્રમાણે દેશનો આ બીજા નંબરનો સૌથી મોટો ધરતીકંપ હતો. આમાં ૮૨ વ્યક્તિઓને ઈજાઓ થઈ અને બસ્સો ઘરોને ભારે નુકસાન પહોંચ્યું.

દક્ષિણ કોરિયાના આ જિઓ-થર્મલ પાવર પ્લાન્ટમાં એક નવો અખતરો કરવામાં આવ્યો. સામાન્ય રીતે આવા પ્લાન્ટ ભૂગર્ભમાં વહેતા અતિ ગરમ પાણીમાંથી ગરમી ખેંચે છે પરંતુ આના માટે ભૂગર્ભની સ્થિતિ અનુકૂળ હોવી જોઈએ. પરંતુ Enhanced geothermal system (EGS)માં કોઈ પણ જગ્યાએ નીચે પાણી નાખીને ગરમીને શોષી લેવાય છે. પોહાંગમાં એમણે ૪.૪ કિલોમીટરની ઊંડાઈએ પાણી ભરવાના કૂવા બનાવ્યા. અને ધરતીકંપ માત્ર ૪.૫ કિલોમીટર ઊંડે થયો. જે જગ્યાએ પાણી પહોંચે તે જગ્યાએ ફૉલ્ટ લાઇન ‘ઍક્ટિવ’ હોય તો ખડકો પાણીને કારણે સરકે છે. આ ધરતીકંપ પહેલાં પણ ૨.૦ની ક્ષમતાના આંચકા નોંધાયા જ હતા. એટલે ફૉલ્ટ લાઇનની સ્થિતિ જાણ્યા વિના આ પ્રયોગ ભારે પડે તેમ છે.

૨૦૦૬માં સ્વિટ્ઝર્લૅન્ડના બાસેલ શહેરમાં પણ આ પ્રયોગને કારણે ૩.૨ની ક્ષમતાનો આંચકો આવ્યો હતો અને તે પછી પ્લાન્ટ બંધ કરી દેવાયો. આમ છતાં ત્યાં હજી પણ હળવા આંચકા આવતા રહે છે.

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-04963-y


India: Slavery and struggle for freedom : :Part 1: Slavery :: Chapter 10

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૧૦: મુંબઈમાં ઈસ્ટ ઇંડિયા કંપની

પ્રકરણ ૬માં આપણે જોયું કે મિડલટન ૧૬૧૨માં સૂરત આવ્યો ત્યારે ત્યાં કંપનીની ફેક્ટરી પર મોગલ હાકેમે તાળાં મારી દીધાં હતાં. મિડલટન ત્યાંથી નીકળ્યો પણ રાતા સમુદ્રમાં એણે હિન્દુસ્તાની જહાજો લૂંટી લીધાં.તે પછી એ દાભોળ અને બીજાપુર ગયો. નજીકમાં ‘બોન બાઇયા’ (બોન એટલે ટાપુ)ની પોર્ચુગીઝ વસાહત પણ હતી. એ કોઈને આકર્ષે એવું સ્થાન તો નહોતું પણ આ ટાપુ ઇતિહાસમાં દાભોળ અને બીજાપુર કરતાં વધારે મહત્વનો બની ગયો. પોર્ચુગીઝો એને ‘બોમ્બાઇમ’ કહેતા. આ બોન બાઇયા ટાપુ એ જ આપણું જાણીતું ‘બૉમ્બે’!

૧૫૩૪થી ૧૬૬૧ સુધી સાત ટાપુઓનો સમૂહ, બોન બાઇયા, પોર્ચુગીઝોના હાથમાં હતો. ચૌદમી સદીથીએ એ ગુજરાતના મુસ્લિમ શાસકો પાસે ૧૫૩૪ સુધી રહ્યો. પરંતુ મોગલ બાદશાહ હુમાયુંનું જોર વધતું હોવાથી સુલતાન બહાદુર શાહે ડરના માર્યા વસાઈની સંધિ કરીને આ ટાપુસમૂહ અને વસાઈ પોર્ચુગીઝોને આપી દીધાં.  History_Bombay_Portuguese). પોર્ચુગીઝો ત્યાં ૧૬૬૧ સુધી રહ્યા.

૧૬૬૨માં ઇંગ્લૅંડના રાજા ચાર્લ્સ બીજાએ પોર્ટુગલની રાજકુમારી કૅથેરાઇન (કૅથેરાઇન ઑફ બ્રૅગાન્ઝા) સાથે લગ્ન કર્યાં ત્યારે પોર્ટુગલના રાજા જ્‍હોન ચોથાએ મુંબઈ (બોન બાઇયા) ટાપુ ચાર્લ્સને દાયજામાં આપી દીધો.

રાજામહારાજાઓના વિવાહ સંબંધોમાં રાજકારણ પણ હોય જ છે. ઇંગ્લૅંડ અને પોર્ટુગલ બન્ને રોમન કૅથોલિક દેશો હતા. આજે પણ મુંબઈમાં પોર્ચુગીઝોએ બનાવેલાં રોમન કૅથોલિક ચર્ચો જોવા મળે છે. હિંદુસ્તાનના તેજાના અને મસાલાઓ અને કાપડના વેપારમાં ઇંગ્લૅંડ, પોર્ટુગલ અને ડચ (નૉર્વેની) ઈસ્ટ ઇંડિયા કંપનીઓ હતી. ડચ રોમન કૅથોલિક નહોતા એટલે ઇંગ્લૅંડ અને પોર્ટુગલે સંતલસ કરીને ડચ કંપનીને દૂર રાખવાની સમજૂતી પણ કરી. પોર્ટુગલે મુંબઈ સોંપ્યું ત્યારે ‘વ્હાઇટહૉલબોમ્બે સંધિ થઈ એમાં એક ગુપ્ત શરત એ પણ હતી કે બ્રિટન ભારતમાં પોર્ટુગલની વસાહતોનું પણ રક્ષણ કરશે.

આમ, ભારતમાં મુંબઈ સૌથી પહેલો બ્રિટિશ પ્રદેશ બન્યું. પરંતુ સંધિ પ્રમાણે જ્યારે રાજાના પ્રતિનિધિઓ મુંબઈનો કબજો લેવા ગયા ત્યારે માથાફોડ થઈ. પોર્ટુગલનો વાઇસરોય પણ એમની સાથે હોવા છતાં મુંબઈના પોર્ચુગીઝ ગવર્નરે ગોવામાં એના ઉપરી અધિકારીઓને પૂછ્યા વિના મુંબઈ સોંપવાની ના પાડી દીધી. બીજી બાજુ પોર્ચુગીઝ વાઇસરૉયે પણ સવાલ ઊભો કર્યો કે માત્ર મુંબઈ જ આપવાનું હતું કે સમુદ્ર પૂરીને બનાવેલી જમીન પણ? બ્રિટને પોર્ટુગલની વસાહતોનું રક્ષણ પણ કરવાનું હતું એટલે બ્રિટિશ સૈનિકો પણ રાખવાના હતા. કબજો લેવા જનારા સાથે ૪૦૦ સૈનિકો હતા. પણ મુંબઈનું કંઈ ઠેકાણું પડતું નહોતું એટલે એમણે સૂરત પાસે સુવાલી ગામે જહાજ લાંગર્યું, પણ મોગલોએ એમને ત્યાંથી ભગાડ્યા. ગોવાની પાસે અંજેદિવા નામના વેરાન ટાપુ પર એમણે ધામા નાખ્યા પણ ત્યાં સ્કર્વી ફેલાયો અને ૪૦૦માંથી માત્ર ૯૭ સૈનિકો જીવતા બચ્યા. આમ, ચાર્લ્સ બીજાને મુંબઈ મળ્યું તો ખરું પણ એને સાચવવું એ ઘરમાં સફેદ હાથી બાંધ્યા જેવું હતું. વીસેક માઇલના આ વિસ્તારમાં જમીન કરતાં પાણી વધારે હતું.

મુંબઈ લીલામમાં

૧૬૬૮માં ચાર્લ્સે મુંબઈથી પીછો છોડાવવાનું નક્કી કરતાં એની જાહેર ચડાખડી થઈ. બોલી બોલનારામાં કંઈક સધ્ધર અને ખરેખર રસ હોય તેવા લોકો તો ભાગ્યે જ હતા, પરંતુ ઈસ્ટ ઇંડિયા કંપની આગળ આવી. મુંબઈ એને પટ્ટેથી મળ્યું. દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બરે કંપનીએ રાજાની તિજોરીમાં ૧૦ પૌંડની કિંમતનું સોનું પટ્ટાના ભાડા તરીકે ચુકવવાનું હતું. આ કાયમી પટ્ટો હતો. હવે, કંપની ભવિષ્યના ‘બ્રિટિશ ઇંડિયા’ની આદિ કસ્ટોડિયન – સંરક્ષક – બની. બધી કાનૂની કાર્યવાહી કરનારા કંપનીના એક નોકર જેરલ્ડ ઑન્જિયરને મુંબઈનો સ્થાપક માનવામાં આવે છે. એ સૂરતની ફૅક્ટરીનો પ્રેસીડેન્ટ હતો અને એ દાવે મુંબઈનો ગવર્નર પણ બન્યો.

જો કે, આટલું કર્યા પછી પણ કંપનીને લાગતું હતું કે વેપાર કરવો અને એક પ્રદેશનો વહીવટ કરવો, એ બે એક વાત નહોતી. મુંબઈ લઈને માથાનો દુખાવો વહોરી લીધો હતો. સૂરતમાં તો ફૅક્ટરી હતી. ભરચક્ક ગોડાઉનો હતાં, શહેરના બગીચાઓમાં પિકનિક પણ કરી શકાતી. વેપાર માટે પણ મુંબઈ અનુકૂળ નહોતું. આબોહવા એવી ખરાબ કે ક્યારે માણસ બીમાર પડી જાય અને રામશરણ થઈ જાય તે જ નક્કી નહોતું. યુરોપિયનોની બચવાની શક્યતા બે-ત્રણ ચોમાસાથી વધારે નહોતી. કંપનીના ડૉક્ટર ફ્રાયરે કહ્યું કે કંપનીના માણસો પોર્ચુગીઝોએ જેલીફિશમાંથી બનાવેલો દારૂ પીને અને એમની ઊતરતી કક્ષાની સ્ત્રીઓની સંગત કરીને મરી જાય છે! એટલે ઇંગ્લૅંડથી સ્ત્રીઓ મોકલવાનું શરૂ થયું. એમને બે જોડી કપડાં અને મફત ખાવાપીવાનું અપાતું. જો કે એની બહુ જરૂર ન પડી કારણ કે ત્યાં રહેનારા એમને પરણી જવા લાગ્યા હતા!

મુંબઈનો વિકાસ

મુંબઈનો એક મોટો લાભ હતો. અહીં બ્રિટનના કબજામાં જમીન હતી, જ્યારે સૂરતની ફૅક્ટરીનું ભાડું ચુકવવું પડતું. સૂરતમાં તો મોગલો નારાજ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડતું. એટલે બ્રિટનથી આવીને મુંબઈમાં વસતા લોકો અહીં ઘર બાંધવા લાગ્યા. ઘર સાથે નાળિયેરીની વાડીઓ પણ બની. આમ મને-કમને મુંબઈનો વિકાસ થવા લાગ્યો. ૧૬૬૮માં કંપનીએ કબજો સંભાળ્યો ત્યારે આ ટાપુની વસ્તી દસેક હજારની હતી. એમાં મુખ્યત્વે તો માછીમારી પર ગુજરાન ચલાવનારા કોળીઓ હતા (આજે પણ છે). પરંતુ ૧૬૮૮માં, એટલે કે વીસ જ વર્ષમાં, વસ્તી વધીને સાઠ હજાર પર પહોંચી ગઈ અને એમાં અંગ્રેજોની મોટી સંખ્યા હતી.

જેરલ્ડ ઑન્જિયર ૧૬૬૯થી ૧૬૭૭ સુધી સૂરતનો પ્રેસીડન્ટ અને મુંબઈનો ગવર્નર રહ્યો. તે પછી મુંબઈ સૂરતની ફૅક્ટરીના પ્રેસીડન્ટ જ્‍હૉન ચાઇલ્ડને અધીન હતું. ચાઇલ્ડ મુંબઈમાં કંપનીનો ગવર્નર પણ હતો.એણે મુંબઈમાં નાગરિક સરકાર જેવી વ્યવસ્થા પણ કરી. સૌ પહેલાં તો એણે મૅજિસ્ટ્રેટ કોર્ટો પર પોતાનું નિયંત્રણ સ્થાપ્યું અને એમના ઉપર એક ‘સુપ્રીમ કોર્ટ’ બનાવી અને પહેલી વાર ભારતમાં જ્યૂરી પદ્ધતિ અમલમાં આવી. ચાઇલ્ડે સુપ્રીમ કોર્ટના જજને આદેશ આપ્યો એ પોતાના પદનું ગૌરવ જાળવી રાખે અને પક્ષપાત ન કરે; તેમ જ લેભાગુ વકીલોને દૂર રાખે. આ સાથે ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર, બન્ને પાંખોને અલગ પાડવાનું જરૂરી બની ગયું. મોગલો હસ્તકના પ્રદેશો કરતાં આ સાવ જુદું હતું.

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)

ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


%d bloggers like this: