કિત્તુરની રાણી ચેનમ્મા
ટીપુના વખતમાં લૉર્ડ મૉરિંગ્ટન (જે પછી લૉર્ડ વૅલેસ્લી તરીકે ઓળખાયો) ગવર્નર જનરલ હતો. વૅલેસ્લી કટ્ટર સામ્રાજ્યવાદી હતો. એણે પોતાની યોજના એ રીતે રજૂ કરી કે ભારતમાં રાજાઓ સતત લડતા રહે છે. આ સંજોગોમાં નેપોલિયન હુમલો કરે તો બ્રિટિશ કંપનીનો પરાજય થાય એમ હતું એટલે આખા ભારત પર અંગ્રેજોનું એકચક્રી રાજ સ્થાપવાનું જરૂરી છે. આના માટે એણે સામાન્ય લોકોના વિદ્રોહને દબાવવાને બદલે રાજાઓને દબાવવાની જરૂર દેખાડી.
કંપનીએ નક્કી કર્યું કે કોઈ રાજા બિનવારસ મરી જાય તેનું રાજ્ય સંભાળી લેવું અને રાજાના વારસને મંજૂરી ન આપવી. આને ‘ડોક્ટ્રિન ઑફ લેપ્સ’ (રાજગાદીના અધિકારના અંતનો સિદ્ધાંત) કહે છે. આમ તો આ સિદ્ધાંતનું નામ લૉર્ડ ડલહૌઝી સાથે જોડાયેલું છે પણ ડલહૌઝી તો ૧૮૪૭થી ૧૮૫૬ દરમિયાન ગવર્નર જનરલ હતો. ખરેખર તો ૧૮૦૦ પછી જ આ નિયમ અમલમાં મુકાઈ ગયો હતો; ડલહૌઝી આવ્યો તે પહેલાં જ કંપનીએ ત્રીસેક રાજ્યો ખાલસા કરી લીધાં હતાં. રાજાઓ પહેલાં મોગલોને ખંડણી આપતા તેને બદલે હવે એક પછી એક અંગ્રેજી કંપનીના ખંડિયા બનવા લાગ્યા.
મોટા ભાગે બધા મૂંગે મોઢે સહન કરી લેતા હતા પણ એક મહિલા શાસકનો ઉલ્લેખ થોડો વિસ્તારથી કરીએ. એ છે, કિત્તુરની રાણી ચેનમ્મા. એણે અંગ્રેજોની દાદાગીરીનો સખત મુકાબલો કર્યો.
કર્ણાટકના કિત્તુર રાજ્યના રાજાનું ૧૮૨૪માં મૃત્યુ થઈ ગયું. થોડા જ મહિનામાં એમના એકના એક પુત્રનું પણ અવસાન થયું. રાણી ચેનમ્માએ એક વારસ પસંદ કર્યો. પણ રાજ્ય પર સાર્વભૌમ સત્તા કંપનીની હતી. કંપનીએ ‘ડૉક્ટ્રીન ઑફ લેપ્સ’ લાગુ કર્યો. કોઈ સ્વતંત્ર રાજ્યનો રાજા બિનવારસ મરી જાય તો એ રાજ્ય સાર્વભૌમ સત્તા, એટલે કે કંપની હસ્તક ચાલ્યું જાય. તે પછી કંપની નક્કી કરે કે કોઈને દત્તક લેવાનો અધિકાર આપવો કે રાજ્ય ખાલસા કરી લેવું. શરૂઆતનાં વર્ષોમાં કંપનીએ પોતાની સગવડ મુજબ દત્તક લેવાની છૂટ પણ આપી, પરંતુ મોટા ભાગે તો રાજ્ય કંપનીના હાથમાં ચાલ્યું જતું હતું.
કિત્તુરને ધારવાડના કલેક્ટરને હવાલે કરી દેવામાં આવ્યું. કલેક્ટરે વારસને નામંજૂર કર્યો. રાણીએ આની સામે મુંબઈ પ્રાંતના ગવર્નર એલ્ફિંસ્ટનને અપીલ કરી. ગવર્નરે અપીલ નામંજૂર કરી અને ૧૮૨૪ના ઑક્ટોબરમાં કંપનીએ ભારે લાવલશ્કર સાથે કિત્તુર પર હુમલો કર્યો. પરંતુ રાણીના બહાદુર સેનાપતિ અમાતુર બાલપ્પાએ કંપનીને યાદ રહી જાય તેવો સજ્જડ જવાબ આપ્યો. કંપનીની મોટી ફોજ હારી ગઈ. કલેક્ટર અને રાજકીય રેસિડન્ટ સેંટ જ્હોન ઠેકરે માર્યો ગયો અને બે અંગ્રેજ અફસરો જીવતા ઝડપાયા. કંપનીને કિત્તુર રાજ્યનો પંદર લાખનો ખજાનો લૂંટવાની આશા હતી તેના પર પાણી ફરી ગયું.
હવે કંપનીએ એના બે માણસોને છોડાવવા માટે સમાધાનનો માર્ગ લીધો. રાણીએ શરત મૂકી કે કંપની લડાઈ બંધ કરે. એમણે શરત તો માની લીધી પણ પછી દગો કરીને બમણા જોરથી બીજો હુમલો કર્યો. લડાઈમાં સોલાપુરનો અંગ્રેજ નાયબ કલેક્ટર માર્યો ગયો.
પરંતુ અંતે રાણી ચેનમ્મા પરાજિત થઈ. અંગ્રેજોએ એને પકડી લીધી અને કેદ કરી. ૧૮૨૯ની બીજી ફેબ્રુઆરીએ કેદી અવસ્થામાં જ આ વીરાંગનાનું મૃત્યુ થયું.
આ વખતે રાણી ચેનમ્માનો વફાદાર સહાયક સંગોળ્ળી રાયણ્ણા હતો. એ અંગ્રેજોના હાથમાં સપડાયો નહીં અને ૧૮૨૯ સુધી છાપામાર યુદ્ધ કરતો રહ્યો. અંતે એ પણ અંગ્રેજોના હાથમાં પડ્યો. એને ફાંસી આપી દેવાઈ.
ભારતના ઇતિહાસનું એક ઝળહળતું નામ એટલે કિત્તુરની રાણી ચેનમ્મા. આ વીરાંગના અને એના સાથી સંગોળ્ળી રાયણ્ણાને ભાવભરી અંજલિ આપીએ.
0x0x0