આપ ભાગલા વિશેનાં પુસ્તકોના પરિચયની શ્રેણી દર સોમવારે અને બુધવારે વાંચતા હશો તો આ એને જ લગતા વિષયમાં પણ કદાચ રસ પડશે એમ માનું છું.
ભારત આઝાદ થયું તે પછી દેશી રજવાડાંઓ પરથી બ્રિટને પોતાની સર્વોપરિતા (paramountcy) સમાપ્ત કરી દીધી પણ એનાં વારસ બે ડોમિનિયન સ્ટેટ્સ, ભારત અને પાકિસ્તાનને પોતાનો આ અધિકાર વારસામાં ન આપ્યો. એટલે દેશી રજવાડાં પણ બ્રિટિશ ઇંડિયા જેમ સ્વાધીન થઈ ગયાં. કોંગ્રેસે કહ્યું કે બ્રિટિશ સર્વોપરિતા દેશી રાજ્યો અને બ્રિટન વચ્ચેની કોઈ સમજૂતી પ્રમાણે સ્થાપિત નહોતી થઈ, એ વ્યવહારુ હકીકત હતી એટલે રજવાડાંઓને સ્વાધીનતા જાહેર કરવાનો કે કયા ડોમિનિયનમાં જોડાવું તેનો નિર્ણય કરવાનો અધિકાર નથી;. ત્યાંના લોકોએ આ નિર્ણય કરવાનો રહે છે. મુસ્લિમ લીગે કહ્યું કે લોકોને નહીં, શાસકને અધિકાર હોવો જોઈએ. એની નજર, હૈદરાબાદ, ભોપાલ, જૂનાગઢ વગેરે પર હતી.
આમ બધાં નાનાં મોટાં રજવાડાં પણ સ્વતંત્ર થઈ ગયાં હતાં પણ માઉંટબૅટન અને બ્રિટનના ભારત માટેના મિનિસ્ટર લૉર્ડ લિસ્ટોવેલે એવી સલાહ આપી કે એમણે એમની નજીકના ડોમિનિયનમાં સામેલ થવું જોઈએ અને જે કોઈ શાસક સ્વતંત્ર રહેવા માગશે તેને બ્રિટન માન્યતા નહીં આપે. આમ પ્રશ્ન માત્ર જે રજવાડાની સરહદ ભારત અને પાકિસ્તાન બન્નેને અડકતી હોય તેનો હતો. આવાં રાજ્યોમાં, દખલા તરીકે, કચ્છ પણ હતું કારણ કે કચ્છ અને સિંધ વચ્ચે માત્ર રણ છે. જો કે રાજા હિન્દુ અને બહુમતી વસ્તી પણ હિન્દુ એટલે કચ્છ માટે તો સવાલ જ નહોતો. સવાલ કાશ્મીરનો હતો.
કાશ્મીરમાં મહારાજા હરિ સિંહ અને શેખ અબ્દુલ્લાહ
જમ્મુ-કાશ્મીર રાજ્ય બન્નેમાંથી કોઈ પણ ડોમિનિયનમાં જોડાઈ શકે તેમ હતું. મહારાજા હરિ સિંહ સ્વતંત્ર રહેવા માગતા હતા. એટલે એમણે કહ્યું કે કાશ્મીર અંતિમ નિર્ણય લે તે પહેલાં એને સમય મળવો જોઈએ. તે દરમિયાન એમણે ભારત અને પાકિસ્તાન સાથે ‘સ્ટૅંડસ્ટિલ’ (જેમ છે તેમ) કરાર કરવાનું સૂચવ્યું. પાકિસ્તાને તરત એના પર સહી કરી, પરિણામે જમ્મુ-કાશ્મીરમાં તાર-ટપાલની સેવાઓ પાકિસ્તાને સંભાળી લીધી હતી. આમ છતાં, પાકિસ્તાને એનો ખાધાખોરાકીનો પુરવઠો રોકી દીધો. ૨૨મી ઑક્ટોબરે પાકિસ્તાન તરફથી અફરીદી કબીલાના માણસો અને પાકિસ્તાની સૈનિકોએ સાદા વેશમાં કાશ્મીર પર હુમલો કર્યો.
૨૬મી ઑક્ટોબરે મહારાજા હરિ સિંહે માઉંટબૅટનને પત્ર લખીને આ બધી વિગતો આપી અને તે સ્સાથે સ્વતંત્ર રહેવાની ઇચ્છા પણ જાહેર કરી. એમણે લખ્યું કે ભારત અને પાકિસ્તાન, બન્ને સાથે એમની પ્રજાના સાંસ્કૃતિક સંબંધો છે, અને માત્ર આ ડોમિનિયનો જ નહીં, સોવિયેત સંઘ અને ચીન સાથે પણ એમની સરહદ છે એટલે કાશ્મીરનું રાજ્ય સ્વતંત્ર રહે તો બન્ને ડોમિનિયનો માટે સારું રહેશે. મહારાજાએ લખ્યું કે “મારા રાજ્યમાં જે હાલત છે અને જે સંકટની સ્થિતિ છે તેથી મેં ઇંડિયન ડોમિનિયનની મદદ માગી છે. સ્વાભાવિક રીતે જ, મારું રાજ્ય ભારત ડૉમિનિયનમાં જોડાય નહીં તો તેઓ મદદ ન મોકલી શકે. એટલે મેં મેં જોડાવાનું નક્કી કર્યું છે અને આ સાથે જોડાણનો કરાર પણ મોકલું છું… આપ નામદારની સરકારને હું એ પણ જાણ કરવા માગું છું કે હું તરત જ વચગાળાની સરકાર બનાવવા માગું છું અને શેખ અબ્દુલ્લાહને મારા વડા પ્રધાન સાથે મળીને આ સંકટની ઘડીએ જવાબદારી સંભાળવા કહીશ.”
આના પછી ભારતે સૈન્ય મોકલ્યું અને પાકિસ્તાની સૈનિકો અને અફરીદીઓ પર કાબૂ મેળવી લીધો.
માઉંટબૅટન જિન્નાને મળવા જાય છે
કાશ્મીર ભારતમાં જોડાઈ ગયું તેથી જિન્ના અને લિયાકત અલી ખાન ધુંવાંફૂવાં થઈ ગયા હતા. ૧ નવેમ્બરે માઉંટબૅટન ચીફ ઑફ આર્મી સ્ટાફ લૉર્ડ ઇસ્મે સાથે જિન્ના અને લિયાકતને મળવા ગયા. એમણે બીજા દિવસે વડા પ્રધાન નહેરુને આનું વિવરણ આપ્યું તે બહુ રોચક છે. એમણે નહેરુને લખ્યું કે વાતચીતની કોઈ નોટ લીધી નથી એટલે આ બધું શક્ય તેટલું લખ્યું છે. એમણે આ નોટ સરદાર પટેલ સિવાય કોઈને ન દેખાડવાની વિનંતિ પણ કરી.
માઉંટબૅટન લખે છે…
અમે લાહોર પહોંચ્યા ત્યારે ખબર પડી કે લિયાકત અલી ખાન હજી બીમાર જ છે અને સરકારી ઑફિસે આવતા નથી લાહોરમાં જૉઇંટ ડિફેન્સ કાઉંસિલની મીટિંગ રાખવી પડે અને એના માટે હું નહેરુને સાથે લઈ જાઉં એટલે એમણે બીમારીનું બહાનું આપ્યું હતું એટલે મેં નક્કી કર્યું કે હવે ડિફેન્સ કાઉંસિલની મીટિંગ તો લિયાકત અલી ખાનને ઘરે જ એમના બેડરૂમમાં જ મળવી જોઈએ. એટલે એજન્ડાના ૨૮માંથી ૨૬ મુદ્દા મેં પડતા મૂક્યા.
લિયાકતને ઘરે પહોંચ્યા અને એમના બેડરૂમમાં જ બેઠક ચાલુ રાખી. લિયાકત બીમાર લાગતા હતા અને પગ પર કામળો વીંટીને બેઠા હતા. બે મુદ્દા પૂરા થતાં બીજા બધા ચાલ્યા ગયા અને હું, ઇસ્મે અને લિયાકત ત્રણ જણ જ રહ્યા. મેં એમને જૂનાગઢના જોડાણ વિશે અને કાશ્મીરની સ્થિતિ વિશે વાત કરી. મેં એમને એક નોટ વાંચવા આપી જે એમણે વાંચી લીધી પછી મેં પાછી લઈ લીધી. લિયાકત અલી ખાનનો મૂળ મુદ્દો એ હતો કે મહારાજાએ પાકિસ્તાન સાથે વાત કરવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી છે અને એમણે હિન્દુઓને જમ્મુ તરફથી પૂંછ અને મીરપુર વિસ્તારમાં મોકલીને મુસલમાનોની કતલ કરાવી છે. ત્યાંના કબાઇલીઓ આ સાંખી શકે તેમ નહોતા એટલે શ્રીનગર તરફ ધસી ગયા. મેં એમને કહ્યું કે અફરીદીઓ પાકિસ્તાન સરકારને ખબર પણ ન હોય તેમ મોટરોમાં પેશાવરથી આગળ ગયા એમ તમે કહો છો તે અમે માની લેશું એમ તમે ધારો છો? એમણે આ બાબતનો ઇનકાર ન કર્યો પણ કહ્યું કે સરકારે એમને રોકવા માટે કંઈ કર્યું હોત તો બીજા કબીલાઓ પર એની અસર પડી હોત.
મેં એમને ખાતરી આપી કે કાશ્મીરમાં લોકમત લેવો જોઈએ. એમ મારી સરકાર ખરા હૃદયથી માને છે. મેં આની ફૉર્મ્યૂલાનો મુસદ્દો પણ દેખાડ્યો અને કહ્યું કે જૂનાગઢમાં પણ એમ જ કરશું. લિયાકત બહુ ‘ડિપ્રેસ્ડ’ જણાયા અને લડાઈ અટકાવવા કંઈ કરવા માટે ઉત્સુક ન જણાયા. એ બહુ થાકી ગયા હોય એમ લાગતું હતું.
અમે ઊઠ્યા અને કહ્યું કે અત્યારે જિન્ના સાથે લંચ લેવા જઈએ છીએ અને જો તમે ઇચ્છતા હો તો અમે પાછા આવીને વાતચીત આગળ ચલાવવા તૈયાર છીએ. એમણે બહુ ઉત્સાહથી આ સ્વીકાર્યું અને અમને વિદાય આપી.
હવે જિન્ના સાથે..
માઉંટબૅટન લખે છેઃ સાડાત્રણ કલાક સુધી બહુ જ કઠણ વાતચીત ચાલી. મોટા ભાગનો સમય કાશ્મીરે જ લીધો. આ વાતચીતના ચાર ભાગ કરીને લખું છું. પહેલાં તો જે દેશી રાજ્યોના જોડાણ વિશે વિવાદ હોય તેના વિશે ભારતની નીતિ વિશે ચર્ચા થઈ. ફૉર્મ્યૂલા એ હતી કે જે રાજ્યમાં બહુમતી કોમનું રાજ ન હોય તેણે ક્યાં જોડાવું એ એની પ્રજા નક્કી કરે.
જિન્નાએ કહ્યું કે પહેલાં તો કહ્યું કે આ અર્થ વગરનું છે. પ્રજામાં જેની બહુમતી હોય તે જ રાજ્ય (ભારત કે પાકિસ્તાન) સાથે એણે જવું જોઈએ. એટલે તમે જો સીધેસીધું કાશ્મીર આપી દેશો તો જૂનાગઢને ભારતમાં ભેળવી દેવાનું હું કહીશ.
મેં કહ્યું કે આમ છતાં જ્યાં શાસકે જોડાણ કરી લીધું હોય તેને એની ઇચ્છા વિરુદ્ધ મારી સરકાર નહીં બદલે, સિવાય કે એમ લાગે કે સ્થાનિક પ્રજા આવું જોડાણ પસંદ નથી કરતી. જિન્નાએ હવે કહ્યું કે આ ફૉર્મ્યૂલા ન ચાલે કારણ કે હૈદરાબાદે સ્વતંત્ર રહેવાની ઇચ્છા જાહેર કરી છે. આ ફૉર્મ્યૂલામાં એનો રસ્તો નથી. મેં કહ્યું કે હૈદરાબાદની સમસ્યાનો ઉકેલ આપણે લાવીશું અને એમાં વિવાદગ્રસ્ત જોડાણવાળાં રાજ્યોના સંદર્ભમાં વિચાર કરશું. જિન્નાએ કહ્યું કે મારી પાસે આ સૂચન રજૂ થશે તો હું ધ્યાનથી વિચારીશ. મેં એમને સ્પષ્ટ કહ્યું કે જે સિદ્ધાંત જૂનાગઢ કે હૈદરાબાદને લાગુ ન પડે તે કાશ્મીરને પણ લાગુ નહીં પાડી શકાય. એટલે નિઝામને ફરજિયાત જોડાણ કરવું પડે એવી સ્થિતિ ઊભી થાય તેમાં તમે ભાગીદાર બનશો એમ અમે માની શકતા નથી.
બીજો મુદ્દો કાશ્મીરનો હતો. મેં લિયાકત અલી ખાનને જે નોટ બતાવી હતી તે જિન્નાને પણ વાંચવા આપી. એ રાખવા માગતા હતા પણ મેં એ નોટ પાછી લઈ લીધી અને સહી વગરની કૉપી આપી. આપણે જે ઝડપથી શ્રીનગરમાં સેના મોકલી દીધી એનાથી એમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું પરંતુ મારી નોટ સામે સવાલ ન ઉઠાવ્યા.
એમની મુખ્ય ફરિયાદ એ હતી કે ભારત સરકારે પાકિસ્તાનને સમયસર માહિતી ન આપી કે કાશ્મીરમાં એ શું કરવા માગે છે. મેં કહ્યું કે કબાઇલીઓ ઘૂસ્યા છે એવી પાકી ખબર જ ૨૪મીએ મળી. તે પછી ૨૬મીએ મહારાજાનો પત્ર મળ્યો. તે પછી એક પણ ક્ષણ ગુમાવી શકાય એમ નહોતું. પણ પંડિત નહેરુએ લિયાકત અલી ખાનને તારથી જાણ કરી દીધી હતી. જિન્નાએ કહ્યું કે ૨૪મીએ જ જાણ કરી હોત કે કાશ્મીરમાં હાલત ખરાબ છે અને પાકિસ્તાનની મદદ માગી હોત તો બધી ઝંઝટ અત્યાર સુધીમાં દૂર થઈ ગઈ હોત.
જિન્નાએ ફાઇલોમાઅં જોઈને કહ્યું કે તાર તો લશ્કર ઊતર્યા પછી મળ્યો છે અને એમાં પાકિસ્તાનાનો સહકાર નથી માગ્યો. એમાં માત્ર જોડાણ અને લશ્કર મોકલ્યાનું જણાવ્યું છે. પછી એમણે ઉમેર્યું કે આ જોડાણ સાચું નથી. છેતરપીંડી અને હિંસાથી સાધવામાં આવ્યું છે. મેં સવાલ કર્યો કે પાકિસ્તાન સરકારના નિવેદન પ્રમાણે પણ કાશ્મીરના મહારાજાને સંપૂર્ણ અધિકાર હતો. તમે એને છેતરપીંડી કેમ કહી શકો? જોડાણ તદ્દન કાયદા પ્રમાણે છે.
જિન્નાએ કહ્યું કે લાંબા વખતથી કાવતરું ચાલતું હતું અને એ હિંસા સાથે સમાપ્ત થયું છે. મેં એમને કહ્યું કે. મહારાજા સ્વતંત્ર રહેવા માગતા હતા પણ હિંસાથી જ એમને કોઈ ડૉમિનિયનમાં જોડાવાની ફરજ પાડી શકાઈ હોત. હિંસા તો કબાઇલીઓએ કરી છે અને એના માટે પાકિસ્તાન જવાબદાર છે. જિન્ના કહેતા રહ્યા કે ભારતે સૈન્ય મોકલ્યું એટલે હિંસા થઈ, અને હું એનો જવાબ આપતો રહ્યો. આથી જિન્ના ખિજાયા. એમને લાગ્યું કે હું(my apparent denseness) જાડી બુદ્ધિનો છું. જિન્ના પણ મીરપુર અને પૂંછની વાત કરતા રહ્યા. હું ના કહેતો રહ્યો. એટલે જિન્નાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ આ કત્લેઆમ કરી, મેં કહ્યું કે હિન્દુઓએ ત્યાં જઈને આમ કર્યું હોય તો પણ એ કાશ્મીરી હિન્દુઓએ કર્યું હોય અને એનો હેતુ એ તો ન જ હોય કે કબાઇલીઓને ભડકાવવા કે જેથી એ શ્રીનગર પર હુમલો કરે અને મહારાજાને ભારત સાથે જોડાવાનું બહાનું મળી જાય.
મેં એમને યાદ આપ્યું કે હું કાશ્મીર ગયો હતો ત્યારે મહારાજાની સાથે એમની કારમાં હતો ત્યારે લોકમત લેવાની સલાહ આપી હતી. પણ બીજા દિવસે મેં એમને એમના વડા પ્રધાન અને મારા પ્રાઇવેટ સેક્રેટરીએ જ્યૉર્જ ઍબલની હાજરીમાં એમની સાથે ઔપચારિક બેઠક રાખવા કહ્યું તો એમણે બીમાર છે અને જલદી સૂવા ગયા છે એમ કહેવડાવી દીધું. કાશ્મીર માટેના રેસિડન્ટને પણ મેં કહ્યું હતું કે એ મહારાજાને સતત આ સલાહ આપ્યા કરે. પણ મહારાજા આ વાત હંમેશાં ટાળી દેતા અને હળવી વાતો શરૂ કરી દેતા. જિન્નાએ કહ્યું કે મહારાજાએ ડોગરાઓને મોકલીને ૯૦ હજાર મુસલમાનોને મરાવી નાખ્યા. મેં કહ્યું કે એ બહુ કરપીણ ઘટના છે અને પંડિત નહેરુએ એને ભયાનક બનાવ ગણાવ્યો છે.
બન્ને પક્ષો હટી જાય
લૉર્ડ ઈસ્મેએ કહ્યું કે સવાલ તો લડાઈ કે રોકવી તેનો છે. જિન્નાએ કહ્યું કે બન્ને પક્ષોએ તરત એકી સાથે પાછા હટી જવું જોઈએ. મેં પૂછ્યું કે કબાઇલીઓ કેમ પાછા હટશે? એમણે કહ્યું કે એમને તો બસ, હું હુકમ આપીશ એટલી વાર. કબાઇલીઓ પર એમનો આટલો અંકુશ છે તેની મને નવાઈ લાગી. એમણે કહ્યું કે હું તૈયાર હોઉં તો તેઓ શ્રીનગર જવા તૈયાર છે; બધું ૨૪ કલાકમાં થાળે પડી જશે.
લોકમત કેમ નહીં?
મેં જિન્નાને પૂછ્યું કે તમે લોકમત માટે કેમ તૈયાર નથી? એમણે કહ્યું કે ભારતની સેના ત્યાં હાજર હોય અને શેખ અબ્દુલ્લાહ સત્તામાં હોય તો સામાન્ય મુસલમાનની હિંમત જ ન થાય કે એ પાકિસ્તાન માટે મત આપે. મેં સૂચવ્યું કે આપણે યુનોમાં જઈએ. જિન્નાએ ના પાડી અને મને કહ્યું કે તમે અને હું, આપણે બે જ જણ ત્યાં લોકમત લઈ શકીએ તેમ છીએ. મેં કહ્યું કે હું તો બંધારણીય ગવર્નર-જનરલ છું અને બ્રિટિશર છું. મારી સરકાર મારો ભરોસો કરી લેશે પણ ઍટલી (બ્રિટનના વડા પ્રધાન) તો મને હા નહીં જ પાડે.
જિન્નાનો સવાલઃ સરદાર પટેલ કેમ ન આવ્યા?
જિન્નાએ બહુ કડવાશથી ફરિયાદ કરી કે એમણે ભારત સરકારને મંત્રણાઓ માટે લાહોર આવવા આમંત્રણ આપ્યું તે એમણે બહુ જ ઉદારતાથી સ્વીકાર્યું પણ પછી એક માણસ (નહેરુ) બીમાર પડે તેથી બીજો કોઈ પ્રધાન શા માટે ન આવી શકે? દાખલા તરીકે, સરદાર પટેલ આવી શક્યા હોત. કાશ્મીરનો સવાલ મહત્ત્વનો હતો. જિન્નાએ પૂછ્યું કે પંડિત નહેરુ હવે વહેલામાં વહેલા લાહોર ક્યારે આવી શકે?
મેં કહ્યું કે હવે તમારો વારો છે. લાહોર તો હું આવી ગયો. તમે મારા મહેમાન બનજો, નહેરુ બીમાર છે એટલે હું તમને એમના બેડરૂમમાં લઈ જઈશ; હું તો તમારા વડા પ્રધાનને પણ એમના બેડરૂમમાં મળી આવ્યો. જિન્નાએ કહ્યું કે કોઈના બેડરૂમમાં જવાનો સવાલ નથી પણ હમણાં લાહોરથી તેઓ નીકળી શકે તેમ નથી કારણ કે બધો ભાર એમના ખભે છે.
માઉંટબૅટન કહે છે કે મેં એમને પૂછ્યું કે કાશ્મીર કરતાં પણ વધારે અગત્યનું કામ શું હોય? એમણે કહ્યું કે એમણે કાશ્મીર વિશે કૉમનવેલ્થની મદદ માગી એટલે એમને બહુ નિરાશા થઈ છે. મેં જેમ વાત શરૂ કરી હતી તેમ જ પૂરી કરી. મેં કહ્યું કે કાશ્મીર વિશે હું કંઈ બોલી ન શકું, કારણ કે પંડિત નહેરુ આવવાના હતા પણ એમણે સંદેશ મોકલ્યો કે એમની તબીયત સારી નથી એટલે હું તો તૈયારી વગર, અધિકાર વગર આવ્યો છું અને અત્યારે હું ભારતના ગવર્નર જનરલ તરીકે નહીં પણ ભાગલા માટે જવાબદાર માજી વાઇસરૉય તરીકે બોલું છું.
છેલ્લો શબ્દ
સાંજના પાંચ થવા આવ્યા હતા અને હવે લિયાકત અલીખાન પાસે પાછા પહોંચાય તેમ નહોતું. લૉર્ડ ઇસ્મે એમને ફોન કરવા ગયા એટલી વાર હું જિન્ના સાથે એકલો હતો. મેં એમને કહી દીધું કે તમે નિવેદન કરીને છેતરપીંડી વગેરે આક્ષેપ ભારત સરકાર પર કર્યા છે તે રાજદ્વારીને ન છાજે તેવા, અણઘડ અને અસભ્ય આક્ષેપો છે. મેં મારો અભિપ્રાય પણ આપ્યો કે પાકિસ્તાન ભારત કરતાં બહુ નબળું છે અને તે માત્ર મિલિટરી તાકાતમાં જ નહીં પણ દુનિયા માનશે કે પાકિસ્તાને ખોટું કર્યું છે. અને આ વાત ચગશે તો પાકિસ્તાનની સ્થિર્તિ વધારે કથળશે.
જિન્ના આ તબક્કે બહુ જ નિરાશાથી ભરાઈ ગયા. એમણે કહ્યું કે ભારતના ડોમિનિયને પાકિસ્તાનના ડોમિનિયનનું ગળું ટૂંપી દેવાનો નિર્ધાર કરી લીધો છે. પણ જો ભારત દમન કરતું રહેશે તો એનાં પરિણામ ભોગવવાં પડશે.
મેં જવાબ આપ્યો કે યુદ્ધથી ભારતને નુકસાન થશે જ પણ પાકિસ્તાન માટે અને જિન્ના માટે અંગત રીતે તો એ વિનાશક સાબીત થશે.
લૉર્ડ ઇસ્મેએ એમનો મૂડ સારો થાય એવી કોશિશ કરીએ પણ એમાં સફળ થયા એમ મને નથી લાગતું.
૦-૦-૦-૦
સંદર્ભ અને ઈતર વાચનઃ
1. http://www.claudearpi.net/maintenance/uploaded_pics/19471103MountbattentoNehru.pdf
2. http://www.britannica.com/place/India/The-transfer-of-power-and-the-birth-of-two-countries#ref486453
3. http://www.jammu-kashmir.com/documents/harisingh47.html
4. http://www.legislation.gov.uk/ukpga/1947/30/pdfs/ukpga_19470030_en.pdf
7. http://shodhganga.inflibnet.ac.in:8080/jspui/bitstream/10603/52036/12/12_chapter%207.pdf
8. https://books.google.co.in/books?id=CX6xCwAAQBAJ&pg=PA35&lpg