Martyrs of Indian Freedom Struggle [5] – The Poligar Rebels of South : Gopal Nayak, Kerala Varma, Krushnappa Nayak , Dhondji Wagh, Mopala Rebellion

દક્ષિણના વિદ્રોહી પોલીગારોઃ ગોપાલ નાયક, કેરલા વર્મા, કૃષ્ણપ્પા નાયક, ધૂંડાજી વાઘ અને મોપલા વિદ્રોહીઓ

વિરૂપાત્ચી (વિરૂપાક્ષી)નો પોલીગાર ગોપાલ નાયક એક સારો ડિપ્લોમૅટ અને લડાયક હતો. ગોપાલ નાયકે કંપનીના કરવેરા ચુકવવામાં કદીયે ગલ્લાંતલ્લાં ન કર્યાં પણ ખાનગી રીતે એ બીજા અસંતુષ્ટોને મળતો રહ્યો અને કંપની વિરુદ્ધ એમને તૈયાર કર્યા. એમાં પછી આસપાસના બીજા પોલીગારો પણ જોડાયા. સંઘનું જોર વધતું જતું હતું અને ટીપુ સુલતાને પણ પોતાના માણસોને મોકલીને એમને ભેટો આપી. આમ ડિંડીગળ ઉપરાંત મનાપરૈ, કલ્લારનાડુ, કોયંબત્તુર અને સેલમના પોલીગારોએ ગોપાલ નાયકના પ્રયાસોથી ૧૭૯૭માં બ્રિટિશ વિરોધી સંઘ બનાવ્યો.  બ્રિટિશ શાસકોએ એમની સામે પગલાં ભર્યાં પણ બહુ સફળતા ન મળી. એનું કારણ એ કે સંઘનું કામકાજ એટલું ગુપ્તતાથી ચાલતું હતું કે અંગ્રેજ કલેક્ટરની તમામ કોશિશો છતાં એને બરાબર માહિતી નહોતી મળતી.

તિરુનેલવેલી, રામનાડ અને ડિંડીગળના વિદ્રોહી સંઘો કલ્લારનાડુના જંગલમાં મળતા. આમાંથી ઘણાખરા તો પહેલાં મરુદુ ભાઈઓ અને કટ્ટબોમ્મન સાથે પણ હતા અને અંગ્રેજો સામે એમની શત્રુતા નવી નહોતી.

મલબાર-કોયંબત્તુરનો સંઘ અને કેરલા વર્મા

દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તમિળનાડુમાં વિદ્રોહના નેતાઓ સંઘોની રચના કરવામાં લાગ્યા હતા એ જ અરસામાં કેરળમાં મલબારમાંથી પણ વિદ્રોહનો સૂર પ્રગટ્યો. મલબાર અને કોયમબત્તુર અંગેજો સામે લડતાં જ હતાં તેના પરિણામે એમના સંઘો બન્યા.

 ૧૭૮૭ના અરસામાં મલબાર ટીપુથી બચવા માગતું હતું. આથી મલબારના બધા રાજાઓ ત્રાવણકોર રાજ્યને શરણે ગયા. આમાં કોટ્ટયટ્ટુનો રાજા પણ હતો. રાજાએ ત્રાવણકોર જતાં પહેલાં પોતાના સૌથી નાના રાજકુમાર કેરલા વર્માને બોલાવીને દેશની રક્ષાનો ભાર સોંપ્યો.

ટીપુની આણ પ્રવર્તતી હતી પણ કેરલા વર્મા એની પરવા કર્યા વિના એ એના સાથીઓને આસપાસનાં ગામોમાં મોકલતો અને ફંડફાળો વસૂલ કરતો. મૈસૂર સાથેની લડાઈ પછી મલબાર કંપનીના હાથમાં આવી ગયું ત્યારે ભાગી છૂટેલા રાજાઓ પાછા આવ્યા અને કંપનીએ એમને તામરાસ્સેરી અને કુરુંબારાનો વહીવટ પાછો સોંપ્યો. બદલામાં એમણે કંપનીને પાંચમા ભાગની આવક આપવાની હતી. કેરલા વર્માને લાગ્યું કે આમાં એની સાથે છેતરપીંડી થઈ છે. કારણ કે ટીપુ સામે બહાદુરીથી ટકી રહેનારો તો એ એકલો હતો, બાકી બીજા બધા તો ત્રાવણકોર ભાગી છૂટ્યાહતા. આથી એનામાં અંગ્રેજો વિરુદ્ધ ખુન્નસ વધ્યું. એણે કંપનીની સત્તાની વિરુદ્ધ લડવાનું ચાલુ રાખ્યું. લોકોએ પણ એને સાથ આપ્યો અને કંપનીને મલબારમાં સ્થિર થવા ન દીધી.

અંગ્રેજોએ પોલીગારોમાં ફૂટ પડાવવા ૧૭૯૪માં  કુરંબરાના રાજા અને કેરલા વર્માના એક કુટુંબી સાથે સમજૂતી કરી લીધી અને કોટ્ટયટ્ટુ અને વાયનાડમાંથી મહેસૂલ લેવાનો અધિકાર આપી દીધો. પરંતુ કેરલા વર્માએ બન્નેને પછાડ્યા અને બન્ને જિલ્લાઓ પર કબજો કરી લીધો. અંતે ૧૭૯૬ના ઍપ્રિલમાં કંપનીએ કેરલા વર્માના પાટનગર પળાશી પર હુમલો કર્યો અને એનો ૧૭,૦૦૦ રૂપિયાનો ખજાનો લૂંટી લીધો. એ જંગલમાં ભાગી ગયો અને ત્યાંથી કંપનીને પત્ર લખીને પોતાની વફાદારી જાહેર કરી. બધા પોલીગારો એમ જ કરતા અને ફરી સજ્જ થવાનો સમય મેળવી લેતા.

કંપની સાથે સમાધાન  થતાં  કેરલા વર્મા પળાશી પાછો આવ્યો પણ હજી એના મનમાં કંપનીએ ખજાનો લૂંટી લીધો તેનો ખટકો હતો, એણે ફરી લોકોને સંગઠિત કર્યા અને પહેલાં એ જે જંગલમાં રહેતો ત્યાં તૈયારી કરવા લાગ્યો. કંપનીએ વિદ્રોહીઓને મોતની સજા અને મિલકત જપ્ત કરવાની ધમકી આપી પણ લોકો ડર્યા નહીં, પહાડોમાં મોરચાબંધી કરી લીધી અને કરવેરા ચુકવવાની ના પાડી દીધી. કેરલા વર્માએ પણ તાડપત્રો પર લોકોને સંદેશ મોકલ્યા કે એમની તકલીફોનું કારણ કંપની રાજ છે. ૧૭૯૭ આવતાં સુધી તો કેરળમાં ઠેરઠેર વિદ્રોહનું વાતાવરણ ઊભું થઈ ગયું.

મોપલા વિદ્રોહ

સામાન્ય રીતે તો આ સંઘો ટીપુની સામે લડતા હતા એટલે મોપલાઓ એમની વિરુદ્ધ રહ્યા હતા. પરંતુ ટીપુ અને આ સંઘોનું નિશાન એક જ હતું – કંપની રાજ. મોપલાઓને પણ કંપનીનું રાજ કઠતું હતું. મોપલા આગેવાનો અતૂન ગુરક્કળ, ચેંપેન પોકર અને ઉન્નીમોતા પહાડોમાં જઈને વિદ્રોહીઓને મળ્યા અને એકસંપ થઈને કંપની સામે લડવાની સમજૂતી કરી. હવે ડિડીગળના સંઘે ટીપુ સાથે પણ સમજૂતી કરી અને કંપની વિરુદ્ધ એની મદદ માગી. વાયનાડથી કેરલા વર્માએ પણ ટીપુ સાથે વાટાઘાટો શરૂ કરી.મળ્યો.

કંપનીએ પણ વાયનાડમાંથી ખસી જવાનું યોગ્ય માન્યું. વાયનાડ ટીપુના હાથમાં આવી ગયું પણ એણેય પોતાની મરજી ન ચલાવી અને વિદ્રોહી સંઘને છૂટો દોર આપ્યો. આમ વાયનાડ વિદ્રોહનું કેન્દ્ર બની ગયું. જાન્યુઆરી ૧૭૯૭માં કંપનીના દળે વિદ્રોહીઓ પર હુમલો કર્યો પણ ૬૬ માણસોનો ભોગ આપીને પીછેહઠ કરી.

એ જ મહિનામાં  એરનાડ અને મલ્લાપુરમમાં મોપલાઓએ બ્રિટિશ દળ પર છાપો મારીને કૅપ્ટન બોમૅનની આખી ટુકડીને રહેંસી નાખી. આ દારુણ હાલતનો રિપોર્ટ આપવા માટે માત્ર એક માણસ બચ્યો.

કેરલા વર્મા જીવતો પકડાયો અને કંપનીએ એને પેન્શન આપીને દૂર મોકલી દીધો. ટીપુ મરાયો. એક માત્ર મરુદુ પાંડ્યન ટકી રહ્યો. એના પ્રયાસોથી રામનાડ અને ડિંડીગળના વિદ્રોહી સંઘો ટકી રહ્યા. દક્ષિણ કન્નડનો રાજા કૃષ્ણપ્પા નાયક પણ ઝૂઝતો રહ્યો. મોપલાઓ પણ દબાઈ નહોતા ગયા. શિમોગાનો ધૂંડાજી વાઘ પણ મૈસૂર પર અંગ્રેજોના કબજાથી ધૂંધવાતો હતો. એણે ટીપુના સૈનિકોને એકઠા કર્યા અને મૈસૂરને અંગ્રેજોના હાથમાંથી છોડાવવાની કોશિશ કરી પણ અંતે ફાવ્યો નહીં.

દક્ષિણ ભારતના આ વીરો અંગ્રેજો સામે લડતાં શહીદીને વર્યા અથવા ખુવાર થઈને આખી જિંદગી જેલોમાં સબડતા રહ્યા. આખી જિંદગી એ ફરી સુખચેનનું મોઢું જોવા ન પામ્યા.   ઉત્તર ભારતના ઇતિહાસે પણ એમની નોંધ નથી લીધી. એમની સમક્ષ મસ્તક નમાવીએ.

0x0x0

Martyrs of Indian Freedom Struggle [4] – The Poligar Rebels of South : Muruthu Bothers and Singam Chetty

દક્ષિણના વિદ્રોહી પોલીગારોઃ મરુદુ ભાઈઓ અને સિંઘમ ચેટ્ટી

૧૭૯૫ અને ૧૭૯૯ વચ્ચે શિવગંગા, રામનાડ અને મદુરૈના નેતાઓએ અંગ્રેજવિરોધી સંગઠન ઊભાં કરવામાં આગળપડતો ભાગ ભજવ્યો. આમાં શિવગંગાના મરુદુ પાંડ્યન ભાઈઓનો ઉલ્લેખ ખાસ જરૂરી છે. બન્ને ભાઈઓ ‘શેરોગાર’ (લશ્કરી અથવા મંત્રી) તરીકે ઓળખાતા. બન્ને પડછંદ, ભરાવદાર અને હિંમતવાન હતા. અંગ્ર્રેજોના એ ખાસ દુશ્મન હતા, ૧૭૭૨માં શિવગંગા પર કંપનીએ કબજો કરી લીધો તે પછી આ ભાઈઓએ લોકોને સંગઠિત કર્યા અને અંગ્રેજો તેમ જ કર્ણાટકના નવાબની સંયુક્ત ફોજને હરાવીને શિવગંગા પાછું લઈ લીધું. તે પછી શિવગંગામાં એમણે રાણીને બહુ મદદ કરી.

https://commons.wikimedia.org/wiki/user:Kanna19993

વેળ્ળ (મોટા) મરુદુને રાજકાજ કરતાં શિકારમાં વધારે રસ હતો. એણે રાજકાજ ચિન્ન્ન (નાના) મરુદુ પર છોડી દીધું હતું. અંગ્રેજો એને છંછેડવા નહોતા માગતા અને એની પાસેથી મહેસૂલની રકમ પણ માત્ર આવકના ત્રીજા ભાગ જેટલી જ વસૂલ કરતા. આમ છતાં ચિન્ન મરુદુએ જનતાના સંગઠનની આગેવાની લીધી. એણે સ્થિતિની સમીક્ષા કરી કે દેશના અધઃ પતન અને અંગ્રેજોની ચડતીનાં ચાર કારણો હતાં 

શાસકોની અંદરોઅંદરની લડાઈઓ,

અંગ્રેજોની મદદ લઈને હરીફને હંફાવવાની વૃત્તિ

અંગ્રેજોની દગાબાજીઅને 

આપણા લોકોની શાકો સામે અહોભાવથી નમી પડવાની ટેવ

ચિન્ન મરુદુએ કેટલાંય ગામોના પટેલોને સંદેશ મોકલ્યા અને અંગ્રેજો સામે લડવા માટે તૈયાર થવાનું એલાન કર્યું. રામનાડના મેલપ્પન, સિંઘમ ચેટ્ટી, મુત્તુ કરુપા તેવર અને તંજાવ્વુરના જ્ઞાનમુત્તુ  ‘શેરોગાર’ મરુદુની આગેવાની હેઠળ સંગઠિત થયા. મદુરૈના સામાન્ય લોકો અને ખાસ કરીને કલ્લણો તો સક્રિય વિદ્રોહી બની ગયા. આમ ચિન્ન મરુદુની આગેવાની હેઠળ એક સંઘ બની ગયો.

મરુદુના સાથીઓમાંથી મેલપ્પન પહેલાં એક અર્ધ લશ્કરી દળમાં હતો. એના રાજા સેતુપતિની હાર થતાં એણે અંગ્રેજોની સામે લોકોને તૈયાર કર્યા. અંગ્રેજોને એની હિલચાલની ખબર પડી જતાં એને જેલમાં નાખ્યો પણ એ ત્યાંથી ભાગી છૂટીને મરુદુના આશ્રયમાં શિવગંગા પહોંચી ગયો હતો. એણે તાડપત્ર પર લોકોને કરવેરા ન ચુકવવાના સંદેશ મોકલ્યા. તે પછી લોકોએ કર ભરવાનું બંધ કરી દીધું, એટલું જ નહીં, કેટલીયે જગ્યાએ તો કર વસૂલવા આવેલા કંપનીના માણસોને પણ એમણે તગેડી મૂક્યા.

પરંતુ અંગ્રેજોની સૈન્યશક્તિ સામે એમની સંખ્યા બહુ ઓછી હતી. ૧૭૯૯ના ઍપ્રિલમાં અંગ્રેજી લશ્કરી ટૂકડીએ કોમેરી પાસે વિદ્રોહીઓની છાવણી પર ઓચિંતો છાપો માર્યો, એમાં ઘણા વિદ્રોહી માર્યા ગયા. પાલામંચેરી પાસેની લડાઈમાં વિદ્રોહીઓનો એક નેતા સિંઘમ ચેટ્ટી માર્યો ગયો. એનું માથું કાપીને એમણે કોમેરીમાં જાહેર સ્થળે થાંભલે લટકાવી દીધું.

0x0x0

Martyrs of Indian Freedom Struggle [3] – The Poligar Rebels of South : Kattabomman

દક્ષિણના વિદ્રોહી પોલીગારોઃ કટ્ટબોમન

દક્ષિણ ભારતમાં વિજયનગરના સામ્રાજ્યના સ્થાપક કૃષ્ણદેવ રાય દીર્ઘદૃષ્ટિવાળા રાજવી હતા. કાબેલ વહીવટકર્તા તરીકે એમણે વિજયનગર સામ્રાજ્યને બસ્સો ભાગમાં વહેંચીને દરેકમાં એક નાયકની નીમણૂક કરી હતી. રાજાને લડાઈ વખતે સાધન-સરંજામ અને સૈનિકો પૂરા પાડવાની જવાબદારી નાયકોની રહેતી. નાયકો પણ થોડાં ગામોને એકઠાં કરીને એના ઉપર  એક પળયક્કરાર (પોલીગાર) નીમતા. પોલીગાર મુખ્યત્વે ગામોમાં નિયમો પ્રમાણ કામ ચાલે તે જોતા. નિયમો એટલે પરંપરાઓ. આ પરંપરાઓ નાયક કે રાજા અથવા ગામનો કોઈ માણસ તોડતો હોય તો પોલીગાર એનો સામનો કરતા. રાજ્યના અધિકારીઓ સાથેના વિવાદમાં એ હિંમતથી લોકોની તરફેણ કરતા. કોઈ સ્થળે તો એવા પોલીગાર હતા કે જે રાજ્યને આપવાનું હોય તેટલું જ મહેસૂલ વસૂલ કરતા અને પોતાનો જીવનનિર્વાહ પોતાની જમીનની ઉપજમાંથી કરતા. આમ ઉત્તર ભારતના જાગીરદારો કરતાં એ જુદા પડતા હતા.

ઇ. સ ૧૭૦૦ના ઉત્તરાર્ધમાં અંગ્રેજોની દરમિયાનગીરી વધવા લાગી હતી. એમને પોલીગાર પદ્ધતિ આંખના કણાની જેમ ખૂંચતી હતી, એટલે એમણે સૌથી પહેલાં તો પોલીગારોને દબાવવાનાં પગલાં લીધાં. આમ તો, ઇ. સ. ૧૭૫૧થી જ એમણે પોલીગારો સામે લડવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ પોલીગારો પણ ગાંજ્યા જાય તેમ નહોતા. એમણે પોતપોતાના સંઘ બનાવીને અંગ્રેજોનો મુકાબલો કરવાનું શરૂ કર્યું.

પંજલમકુરિચિ અને ઍટ્ટાયાપુરમના પોલીગારો અંગ્રેજોના પહેલા હુમલામાં સફળ રહ્યા અને અંગ્રેજોએ ભાગવું પડ્યું પણ તે પછી અંગ્રેજોનાં ચડિયાતાં શસ્ત્રો અને સંખ્યા સામે એ હાર્યા. એ જ રીતે, તિરુનેલવેલીનો પોલીગાર પુલી તેવર એની બહાદુરી માટે જાણીતો હતો. અંગ્રેજોએ એના પર હુમલો કર્યો ત્યારે એની નાની સેનાએ એવો મરણિયો હુમલો કર્યો કે અંગ્રેજી ફોજ પોતાની શિસ્ત ભૂલી ગઈ અને ભાગી નીકળી. અંગ્રેજી ફોજ તિરુચિરાપલ્લી પહોંચી ત્યારે કલ્લણોએ રહ્યુંસહ્યું પુરું કરી દીધું.

પોલીગારોના સંગ્રામને પહેલો સ્વતંત્રતા સંગ્રામ કહે છે તે વ્યૂહ, સંગઠન શક્તિ અને કુનેહની નજરે જોઈએ તો ખોટું નથી. પોલીગારો અઠંગ લડવૈયા હતા. સામ, દામ, દંડ અને ભેદ – બધું લાગુ કરતાં એ અચકાતા નહીં. સૌના સમાન દુશ્મન સામે એ એકઠા થતા, અંગ્રેજોના પક્ષે જેમને ફોડી શકાય એમને લાંચ પણ આપતા, લડાઈમાં ઢીલા પડે તો સમજૂતી કરી લેતા અને પાછા જઈને સમજૂતીઓને ઠોકરે ચડાવતા. પરંતુ આ તો ઇ. સ. ૧૭૫૬ સુધીની વાત. ઇ. સ. ૧૭૯૯માં પોલીગારો ટીપુની સાથે હતા પણ ટીપુના મૃત્યુ સાથે અંગ્રેજોને છૂટો દોર મળી ગયો.

આની સામે પંજલમકુરિચિના પોલીગાર વીર પાંડ્ય કટ્ટબોમ્મને સક્રિય બનીને સંગઠન ઊભું કર્યું. ઇ. સ. ૧૭૯૮ના સપ્ટેમ્બરમાં ક્ટ્ટબોમ્મન તરફથી રકમ ઓછી આવી. કલેક્ટર જૅક્સને રેવેન્યુ બોર્ડને પત્ર લખીને આવા કટ્ટબોમ્મન અને એના જેવા બીજા પોલીગારોને સખત સજા કરવાનો અધિકાર માગ્યો. બોર્ડે એના પર વિચાર કરીને મંજૂરી ન આપી. જૅક્સને બીજી વાર  ફરિયાદ કરી કે વીર પાંડ્ય એની સત્તાને કંઈ સમજતો નથી. તે પછી બોર્ડે કટ્ટબોમ્મનને બોલાવવાની છૂટ આપી. જેક્સને કટ્ટબોમ્મનને ૧૫ દિવસમાં પોતાની ઑફિસે આવવાનો હુકમ મોકલ્યો.  કટ્ટબોમન  રામનાડમાં કલેક્ટરની ઑફિસે  પહોંચ્યો પણ કલેક્ટર જેક્સન એને નીચું દેખાડવા માગતો હતો એટલે તિરુનેલવેલી જિલ્લાના પ્રવાસે નીકળી ગયો હતો. વીર પાંડ્ય જ્યાં કલેક્ટર હોય તે ગામે પહોંચતો પણ જૅક્સન એને બીજા ગામે આવવાનું કહી દે. આમ કરતાં છેલ્લે રામનાડમાં જ મળવા કહ્યું. કટ્ટબોમ્મન ઑફિસે આવે તો એને કેદ કરી લેવાની જૅક્સનની મુરાદ હતી. કટ્ટબોમ્મન પોતાના વકીલ સાથે કલેક્ટરને મળવા આવ્યો ત્યારે એણે બન્નેને બેસવાની છૂટ ન આપી. ત્રણ કલાક ઊભા રહીને એને કેસ સમજાવ્યો ત્યારે નક્કી થયું કે ખંડણીની રકમ બહુ બાકી નથી. પરંતુ જૅક્સને એને કિલ્લો ન છોડવાનો હુકમ કર્યો. કટ્ટબોમ્મનનો એક મૂંગોબહેરો ભાઈ દૂરથી આ બધું જોતો હતો. એ સમજી ગયો કે કટ્ટબોમ્મન જોખમમાં છે. એણે ઈશારા કરીને લોકોને એકઠા કરી લીધા. બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ તેમાં કટ્ટબોમ્મન તો બહાર આવી ગયો પણ એનો એક સાથી ઘાયલ થયો હતો તે પકડાઈ ગયો. કંપનીનો એક લેફ્ટેનન્ટ પણ માર્યો ગયો.

આ ઘટનાથી ગવર્નર કલેક્ટર જૅક્સન પર ગુસ્સે થયો અને એને સસ્પેંડ કર્યો, કટ્ટબોમ્મનના સાથીને પણ કેદમાંથી મુક્ત કર્યો. આ દરમિયાન કટ્ટબોમ્મને બીજા પાંચ પોલીગારો સાથે મળીને સંઘ બનાવી લીધો હતો. હવે એમણે શિવગિરિ (કેરળ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પંજાલમકુરિચિ ખુલ્લા મેદાનમાં હતું અને શિવગિરિ પર્વતની તળેટીમાં હતું એટલે અહીં અંગ્રેજો હુમલો કરે તો મુકાબલો કરવાનું વધારે અનુકૂળ થાય એમ હતું.

ઇ. સ. ૧૭૯૯ના મે મહિનામાં અંગ્રેજી ફોજે ચારે બાજુથી હુમલો કર્યો. ઇ. સ. ૧૭૯૯ની ૧ સપ્ટેમ્બરે કંપનીના મેજરે કટ્ટબોમ્મનને સંદેશો મોકલીને હાજર થવાનું કહ્યું પણ કટ્ટબોમ્મને પરવા ન કરી. પાંચમી તારીખે અંગ્રેજી ફોજે કિલ્લાને ઘેરી લીધો. અંગ્રેજી ફોજના સરદાર મૅજર બૅનરમેને થોડા હથિયારધારીઓ સાથે એના વફાદાર  રામલિંગમ મુદલિયારને કિલ્લામાં મોકલ્યો. એણે ત્યાં જઈને પોલીગારોને તાબે થઈ જવા કહ્યું પણ પોલીગારોએ ઘસીને ના પાડી દીધી. પરંતુ મુદલિયારે એમની એક નબળી કડી જોઈ લીધી. કિલ્લાના મુખ્ય દરવાજાની અંદરના બીજા દરવાજા પર વિદ્રોહીઓએ સંરક્ષણની કોઈ વ્યવસ્થા ગોઠવી નહોતી. વળી કિલ્લામાં માત્ર હજાર-બારસોથી વધારે માણસ નહોતા. એણે બૅનરમેનને આ સમાચાર આપ્યા. એણે લડાઈનો વ્યૂહ ગોઠવી દીધો. એક નાકું તોપથી ઉડાવી દીધું અને સૈનિકો અંદર ઘૂસી ગયા. પણ વિદ્રોહીઓએ એવો મરણિયો સામનો કર્યો કે અંગ્રેજી ફોજને પીછેહઠ કરવાની ફરજ પડી. એમણે બીજો પ્રયત્ન કર્યો પણ તેમાંય માર ખાધી. હવે એમણે વધારે કુમક મંગાવી.  વિદ્રોહીઓએ કિલ્લો તૂટવાની અણીએ હતો એટલે  ત્યાંથી નીકળી ગયા. આગળ જતાં કોલારપટ્ટી પાસે અંગ્રેજી ફોજ એમને સામે મળી. કેટલાયે વિદ્રોહીઓ માર્યા ગયા. વીર પાંડ્યનો નજીકનો સાથી શિવનારાયણ પિળ્ળૈ પકડાઈ ગયો પણ કટ્ટબોમ્મન અને બીજાઓ નાસી છૂટ્યા અને કાલાપુરના જંગલમાં ભરાઈ ગયા.

પરંતુ અંગ્રેજોના મિત્ર પુદુકોટ્ટૈના રાજા તોંડૈમને ચારે બાજુ પોતાના માણસો વિદ્રોહીઓને પકડવા ગોઠવી દીધા હતા. એમણે વીર પાંડ્યને પકડી લીધો અને એને અંગ્રેજોને હવાલે કરી દીધો.

મુકદમાનું ફારસ ભજવાયું અને બધાને મોતની સજા કરવામાં આવી. કટ્ટબોમ્મને પોતાનો ‘અપરાધ’ કબૂલ કર્યો અને કહ્યું કે એણે જ અંગ્રેજો વિરુદ્ધ લોકોને તૈયાર કર્યા હતા. અંગ્રેજોએ શિવનારાયણ પિળ્ળૈનું માથું કાપીને ગઢના કાંગરે લટકાવી દીધું. વીર પાંડ્યને બીજી એકાંત જગ્યાએ લઈ ગયા. કહે છે કે એને જ્યાં લટકાવવાના હતા તે ઝાડ નીચે એણે પોતાના મૂંગા-બહેરા ભાઈની ચિંતા દેખાડી અને એક જ અફસોસ કર્યો કે કિલ્લો છોડ્યો એ ભૂલ હતી; કિલ્લામાં લડતાં લડતાં મોત આવ્યું હોત તો સારું થયું હોત. તે પછી એ શાંતિથી ગાળિયામાં ઝૂલી ગયો.

એનાં બધાં કુટુંબીજનો જીવનભર જેલમાં જ સબડતાં રહ્યાં.  એમની સંપત્તિ અંગ્રેજોના વફાદાર પોલીગારોએ અંદરોઅંદર વહેંચી લીધી. આમાં પુદુકોટૈના રાજા તોંડૈમન અને રામલિંગમ મુદલિયારની દગાબાજીને પણ ભૂલી ન શકાય.

કટ્ટબોમન, શિવ નારાયણ પિળ્ળૈ અને એમના વીર સાથીઓને નમન.

0-0-0-

Martyrs of Indian Freedom Struggle [2 ] – Chuar rebellion

ચુઆડ વિદ્રોહ

સંન્યાસીઓ અને ફકીરો ગામડાંઓમાં કંપની સરકારને હંફાવતા હતા તે જ અરસામાં બંગાળના જંગલ મહાલના આદિવાસીઓમાં પણ વિદ્રોહની આગ ભડકે બળતી હતી. એ ચુઆડ વિદ્રોહ (Chuar Rebellion) તરીકે ઓળખાય છે. ‘ચુઆડ’ શબ્દ અંગ્રેજી દસ્તાવેજોમાં વપરાયેલો છે અને બંગાળીમાં એનો અર્થ ‘જંગલી’, ‘અસભ્ય’ એવો થાય છે. એ જંગલ મહાલના આદિવાસીઓનો વિદ્રોહ હતો. આજે પણ એ મુખ્યત્વે માછીમારો અને કેવટોનો પ્રદેશ છે. કદાચ એ જ કારણે બંગાળીમાં ભદ્રલોક ઇતિહાસકારોએ પણ આ વિદ્રોહને અંગ્રેજ સત્તા વિરુદ્ધ સામાન્ય જનના આક્રોશ તરીકે આલેખવાનું જરૂરી નથી માન્યું.

અંગ્રેજી હકુમત માત્ર ખેતજમીનો નહીં પણ જંગલોની પણ માલિક બની બેઠી હતી, એટલે આદિવાસીઓનો ઝારગ્રામ જિલ્લો આ બળવાનું કેન્દ્ર બન્યો.  અંગ્રેજોએ પોતાની આણ બંગાળમાં સ્થાપી તે પછી પણ મરાઠાઓ એમને વીસ વર્ષ સુધી રંઝાડતા રહ્યા હતા. પાસેના મયુરભંજનો રાજા પણ બીજાઓને અંગ્રેજી સત્તા વિરુદ્ધ ભડકાવતો હતો. હવે જમીનદારો પણ એમની સાથે ભળવા લાગ્યા હતા.  એક બાજુથી સંન્યાસીઓનાં ધાડાં અંગ્રેજોને થકવતાં હતાં ત્યાં જ આ નવો ફણગો ફૂટ્યો હતો.

અંગ્રેજોએ તો મોટા જમીનદારોને કાબૂમાં કરી લીધા પણ હવે ચુઆડોનો સામનો કરવાનું બહુ મુશ્કેલ બનતું જતું હતું. પાઇક અને ચુઆડ જંગલ મહાલમાં જ વસતા. ૧૭૬૯ના ડિસેમ્બરમાં ચુઆડોએ હુમલા શરૂ કર્યા. એમનો મુકાબલો કરતાં કંપનીની ફોજના  કેટલાયે સૈનિકો ચુઆડોનાં  તીરકામઠાંથી માર્યા ગયા અને મોટા ભાગના સૈનિકો જંગલથી ટેવાયેલા ન હોવાથી બીમારીમાં જાનથી હાથ ધોઈ બેઠા.

૧૭૯૮ના ઍપ્રિલમાં ચુઆડોએ ખુલ્લો બળવો પોકાર્યો અને મિદનાપુર જિલ્લાના કેન્દ્ર ભાગ પર જ હુમલો કર્યો અને બે ગામ સળગાવી દીધાં. બીજા જ મહિને ચુઆડોએ બાંકુરા જિલ્લામાં આક્રમણ કર્યું જુલાઈમાં ૪૦૦ ચુઆડોએ ચન્દ્રકોણા થાણા પર છાપો માર્યો. તે પછી કાશીજોડા, તામલૂક, તારકુવા-ચુઆડ વગેરે ઘણા જિલ્લાઓમાં હુમલા કર્યા અને તારાજી વેરી. મિદનાપુરને પણ ખેદાનમેદાન કરી નાખ્યું. ડિસેમ્બરમાં એમણે છ ગામો પર કબજો કરી લીધો.

મિદનાપુર પાસે બહાદુરપુર, સાલબની અને કરણગઢમાં એમનાં મૂળ થાણાં હતાં. કરણગઢમાં મિદનાપુરની રાણી રહેતી હતી અને એની જમીનદારી પર ‘ખાસ’ નામનું બ્રિટિશ નિયંત્રણ હતું. આ ત્રણ સ્થળોએથી એ જુદી જુદી જગ્યાએ હુમલા કરતા અને લૂંટનો માલ વહેંચી લેતા. ૧૭૯૯ના ફેબ્રુઆરી સુધીમાં તો મિદનાપુરના ઘણા પ્રદેશો પર ચુઆડોની આણ હતી. જિલ્લાના કલેક્ટર પાસે માત્ર ૨૭ ચોકિયાતો રહી ગયા હતા, માર્ચમાં એમણે આનંદપુર પર હુમલો કર્યો અને બે સિપાઈઓને અને બીજા કેટલાક નાગરિકોને મારી નાખ્યા અંગ્રેજોના બધા ગાર્ડ જીવ મુઠ્ઠીમાં લઈને નાસી છૂટ્યા.

એમની એક મોટી નબળાઈ એ હતી કે એમની યોજનાઓની એ ખુલ્લી રીતે જાહેરાત કરતા. કોઈ ગામ બાળવાનું હોય તો ગામવાસીઓને અગાઉથી ખબર હોય કે આવતીકાલે ચુઆડો ત્રાટકવાના છે. આનો લાભ અંગ્રેજોને મળ્યો અને કંઈ થવાનું હોય ત્યાં સૈનિકો પહેલાં જ પહોંચી જતા.

આ નબળાઈ એમને આડે આવી અને અંતે અંગ્રેજોએ ૧૭૯૯ની છઠ્ઠી ઍપ્રિલે ઐસગઢ અને કરણગઢ પર ફતેહ હાંસલ કરી. કરણગઢની રાણીને કેદી તરીકે મિદનાપુર લઈ આવ્યા. તે પછી જૂન મહિનાથી કંપનીનો હાથ ઉપર રહેવા લાગ્યો. જો કે ચુઆડોએ થોડા મહિના મચક ન આપી.

પાઇક જાતિ અને ચુઆડોના સરદારોની જમીનો પર ફરી મહેસૂલ શરૂ થયું તે એનું મૂળ કારણ હતું. છેક તેરમી સદીથી એ જમીન ખેડતા આવ્યા હતા. પરંતુ કશાયે અપારાધ વિના જમીણ પરના એમના હક છીનવી લેવાયા તેની સામે ભારે અસંતોષ હતો. એમને પોલીસ રાખવાનો ચાર્જ પણ ચુકવવો પડતો. એના માટે એ કોર્ટમાં જાય, પરંતુ બ્રિટિશ કોર્ટમાં એમને બહુ આશા નહોતી એટલે જ એમણે શસ્ત્રો ઉપાડ્યાં.

ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં પણ ચુઆડોએ નમતું નહોતું આપ્યું. ૧૮૧૬ સુધી કલકત્તાથી માત્ર ૮૦ માઇલ દૂર બાગડીમાં ચુઆડો અંગેજ સત્તા હોય જ નહીં એમ વર્તતા રહ્યા. સરકારે કબૂલ કર્યું કે પાકી પોલીસ વ્યવસ્થા કરવાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા છે! બંગાળમાં આ સૌથી પહેલો વ્યાપક વિદ્રોહ હતો અને એનો દોર જંગલોમાં વસતા આદિવાસીઓના હાથમાં હતો. એમણે અંગ્રેજ સરકારને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા.

અંતે જો કે એ પરાજિત થયા અને અંગ્રેજી શાસનનું ખુન્નસ માઝા મૂકી ગયું.

આપણી આઝાદીના પ્રથમ છડીદાર, બંગાળના આદિવાસી ચુઆડો સમક્ષ નતમસ્તક થઈએ.

Martyrs of Indian Freedom Struggle [1] – Ascetics and Fakirs

સંન્યાસીઓ અને ફકીરો

૧૭૫૭માં પ્લાસીની લડાઈમાં સિરાજુદ્દૌલાની હાર થઈ તે પછી, ૧૭૬૫માં બક્સરમાં અવધ, મોગલો અને મરાઠાઓના સહિયારા સૈન્ય સામે પણ કંપનીએ જીત મેળવી. કંપનીને બંગાળમાં મહેસૂલ વસૂલ કરવાનો અધિકાર મળતાં જે એણે જમીન મહેસૂલની વ્યવસ્થામાં ધરમૂળથી બદલી નાખી. પહેલાં રાજ્ય ઉપજનો ભાગ લેતું હતું પણ કંપનીએ જમીન પર વેરો નાખ્યો. હવે ખેડૂતોને રોકડની જરૂર પડવા માંડી એટલે અનાજ બજારમાં જવા લાગ્યું.

મોગલોએ તો કેટલાય પીરોને ‘સનદ’ એટલે કે કર ઉઘરાવવાનો અધિકાર પણ આપ્યો હતો. પરંતુ એ અધિકાર જતા રહ્યા. રોષે ભરાયેલા ફકીરોએ ૧૭૬૩માં જ ઢાકામાં કંપનીની ફૅક્ટરી પર કબજો કરી લીધો. એ જ વર્ષે સંન્યાસીઓએ રાજશાહીમાં કંપનીની  ફૅક્ટરી પર હુમલો કર્યો. ૧૭૬૭માં સારંગ જિલ્લામાં પાંચ હજાર સાધુઓ પહોંચી ગયા. ત્યાંના હાકેમે એમની સામે સૈનિકો મોકલ્યા પણ સાધુ ડર્યા નહીં. સૈનિકોએ ગોળીબાર કર્યા અને અંતે જેવા એ મોળા પડ્યા તેવા જ સાધુઓ ત્રાટક્યા અને એંસીને મોતને ઘાટે ઉતારી દીધા.

સાધુઓ પંચાંગ જોઈને આખા દેશમાં જ્યાં કુંભ મેળા ભરાય ત્યાં પહોંચતા. રસ્તામાં ખેડૂતો એમને અનાજ આપતા. હવે આ વ્યવસ્થા તૂટી પડી. બીજા સાધુ તો સીધાસાદા હતા પણ દશનામી અખાડાના નાગા સાધુ હથિયારો રાખતા.  સાધુઓ અને ફકીરો વચ્ચે ચકમક ઝર્યા કરતી પણ હવે તો બધા સમદુખિયા હતા. કંપનીએ  ઘોડેસવાર દળને વીખેરી નાખતાં હજારો ઘોડેસવારો રઝળી પડ્યા અને સાધુઓની જમાતમાં જોડાઈ ગયા.

૧૭૬૯ અને ૧૭૭૦નાં બે વર્ષ કારમા દુકાળનાં વર્ષો હતાં. કંપનીએ પોતાની ફોજ માટે ગામેગામથી પાણીના ભાવે અનાજ ખરીદી લીધું. ગામડાંઓમાં એક દાણો પણ ખાવા માટે નહોતો બચ્યો. આથી ખેડૂતો પાસે પણ લૂંટફાટ સિવાય કોઈ રસ્તો નહોતો રહ્યો. સાધુઓ રીતસર જંગે ચડ્યા. જ્યાં એમની ટક્કર થાય ત્યાં કંપનીના સિપાઈઓને મારી ભગાડ્યા વિના જંપતા નહોતા. કંપનીએ ફકીરો અને સાધુઓ પર નજર રાખવા માટે ઠેકઠેકાણે સુપરવાઇઝરો નીમ્યા હતા.

બિહારમાં કોસી નદીનાં ગામોના સુપરવાઇઝરને સમાચાર મળ્યા કે ત્રણસો ફકીરોનું એક જૂથ હથિયારો સાથે આવે છે. સુપરવાઇઝરે એમને રોકવાની જવાબદારી કૅપ્ટન સિંક્લેરને  સોંપી. સિંક્લેરે એમને રોકી લીધા અને વાતચીત શરૂ કરી. ફકીરોએ સમજી જવાનો ડોળ કર્યો. થોડાકને સિંકલેરે બાન તરીકે રોકી લીધા અને બીજાઓને હથિયારો વિના જવા દીધા. એ લોકોએ ત્યાં જઈને પોતાના પાંચ હજાર અનુયાયીઓને લડાઈ માટે એકઠા કરી લીધા. આની ખબર પડતાં જ કંપનીએ કેટલેય ઠેકાણેથી કુમક મોકલી પણ અંતે ફકીરોએ એમને ધૂળ ચટાવી. છેવટે આખી બટાલિયન મોકલવી પડી પણ એ પહોંચે તે પહેલાં તો ફકીરો જાણે હવામાં ઓગળી ગયા હતા!

ફકીરો અને સંન્યાસીઓમાં બિહારના પૂર્ણિયા જિલ્લામાં શાહ મદારશાહ પીરના પૂજક મજનુ શાહ,  ભવાની પાઠક અને દેવી ચૌધરાણીનાં નામો બહુ જાણીતાં છે. મજનુ શાહ કંપનીનો સખ્ત વિરોધી હતો. ભવાની પાઠક સંન્યાસીઓને અંગ્રેજો વિરુદ્ધ લડવા પ્રેરતો. બન્ને વચ્ચે સારી દોસ્તી હતી. ૧૭૮૭માં એણે અંગ્રેજ વેપારીઓનું એક જહાજ લૂંટ્યું. તે પછી એક ઝપાઝપીમાં એ માર્યો ગયો. દેવી ચૌધરાણી પણ ભવાની પાઠકથી પ્રેરાઈને વિદ્રોહમાં સામેલ થઈ. એ પોતાના ઘરમાં રહેવાને બદલે એક હોડીમાં રહેતી. કંપનીના દસ્તાવેજોમાં એના માટે ડાકુ શબ્દ વાપરેલો છે. સામાન્ય રીતે એ ડાકુરાણી તરીકે જ ઓળખાય છે. એનો અર્થ એ કે કંપની સરકાર માટે એ પણ મોટી શત્રુ હતી.

૧૭૭૧માં મજનુ શાહની આગેવાની હેઠળ અઢી હજાર ફકીરોએ બંગાળમાં પ્રવેશ કર્યો. પણ બધા વેરવીખેર થઈ ગયા. એકલદોકલને શોધવાનું પણ શક્ય નહોતું. આમ એ બધા બંગાળના ખૂણેખૂણે પહોંચી ગયા.

અંગ્રેજોના દસ્તાવેજો પ્રમાણે મજનુ શાહ પોતે ઘોડે ચડીને પૂર્ણિયા તરફ ભાગી ગયો પણ હજી એ ત્યાં જ ધામો નાખીને બેઠો હતો. એટલે કંપનીની નજરે હજી ખતરો ટળ્યો નહોતો. બીજી બાજુ એ જ અરસામાં અવધ બાજુએથી જમના નદી પાર કરીને ચાર હજાર નાગા સાધુઓ બંગાળમાં પ્રવેશ્યા. જો કે કંપનીના જનરલ બાર્કરે અવધના નવાબ સુજાઉદ્દૌલાને લખ્યું  કે છ-સાત હજાર સાધુઓ બંગાળ તરફ આવે છે. આનો જવાબ સાધુઓએ એવો આપ્યો કે એમને ગંગા પાર કરવાનો પરવાનો મળેલો છે!

ફકીરો અને સંન્યાસીઓ વચ્ચે ઘણાં કારણોસર એકતા ટકી ન શકી. આમાં અલગ ધાર્મિક રીતરિવાજોએ એકતા તોડી પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો

Martyrs of Indian Freedom Struggle – Curtian raiser

ગાંધીજીએ દેશને અહિંસાને માર્ગે આઝાદી અપાવી એ સત્ય દુનિયાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલું રહેશે.  આ કારણે એવી છાપ ઊભી થઈ છે કે આપણે લોહીનું એક પણ ટીપું રેડ્યા વિના આઝાદી મેળવી. પરંતુ આ અર્ધુંપર્ધું ચિત્ર છે. એ સાચું કે સેનાની સામે આપણે સેના બનાવીને લડ્યા નથી, એટલે આપણે આઝાદી મેળવતાં સામા પક્ષનું લોહી નથી રેડ્યું, પણ આપણું પોતાનું લોહી બહુ રેડ્યું છે.  આપણે જ્યારે હિંસાનો રસ્તો લીધો ત્યારે પણ એ બે સમોવડિયા પક્ષોની હિંસા નહોતી. એટલે જનતાને પક્ષે પોતાનું લોહી જ રેડતાં મા ભારતીનાં સંતાનોએ પાછી પાની નથી કરી.

કોણ હતા એ?

કોઈનો લાડકવાયો... શ્રેણીમાં વાત કરવી છે એવા કોઈના લાડકવાયાની…એનું આજે કોઈ નામ નથી. પણ અહીં એની ખાક પડી છે.

આ શ્રેણીમાં અંગ્રેજ સત્તા સામે લડનારા, લડતાં લડતાં એમની ગુમનામ ગોળીઓનો શિકાર થનારા, અત્યાચારો સહન કરીને પણ પોતાની ટેક ન મૂકનારા અને એમના ધૂર્ત ન્યાયનો ભોગ બનનારાઓને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો વિચાર છે કારણ કે જેમણે વીરગતિ પ્રાપ્ત કરી તેમના સિવાય પણ અનેક એવા હતા કે જે વીરગતિથી વેંત છેટે રહી ગયા, પરંતુ એનાથી એમના પરાક્રમનું મહત્વ ઓછું નથી થતું. આથી આપણે છેક પ્લાસી અને બક્સર સુધી ઇતિહાસમાં પાછળ જઈને અંગ્રેજો સામે  જંગ લડનારાઓને આ શ્રેણી દ્વારા અંજલિ આપીને  કૃતકૃત્ય થઈશું. આમાંથી ઘણી વાતો મારી શ્રેણી ‘ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ’માં પણ છે, એટલે કોઈને પુનરાવર્તન લાગે ખરું. પરંતુ એ સળંગ ઇતિહાસ છે; અહીં આપણે વ્યક્તિગત કે સામૂહિક સંઘર્ષમાં અંગ્રેજોને લલકારનારા વીરોની વાત  કરીશું. આમ પણ, આ વાતોનું સતત પુનરાવર્તન થતું રહે તે ઇચ્છવાયોગ્ય જ માનવું જોઈએ.

તો મળીએ છીએ આવતા મહિનાથી દર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે….

 એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કો કવિતા લાંબી;
લખજો: ખાક પડી અહીં
કોના લાડકવાયાની

(ઝવેરચંદ મેઘાણી)

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-75

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૭૫ – એકસો નેવું વર્ષની ગુલામીનો અંત

કોંગ્રેસે માઉંટબૅટનને ગવર્નર જનરલ તરીકે ચાલુ રહેવા વિનંતિ કરી. માઉંટબૅટનનો ખ્યાલ હતો કે પોતે બન્ને ડોમિનિયન રાજ્યોના ગવર્નર જનરલ બનશે, પણ જિન્ના એના માટે તૈયાર નહોતા. એમનું કહેવું હતું કે નવા રાષ્ટ્રના જન્મ સાથે લોકો એમને ટોચ પર જોવા માગે છે. કોઈ બ્રિટિશર સર્વોચ્ચ સત્તા પર હોય તે લોકો પસંદ નહીં કરે. ભારત બ્રિટિશ સત્તાનું અનુગામી રાજ્ય બન્યું હતું એટલે હજી કેટલાક પ્રશ્નો ઉકેલવાના હતા. માઉંટબૅટનની હાજરીથી એ કામ સહેલું બનવાનું હતું અને બ્રિટનની માન્યતા પણ આપમેળે મળી જવાની હતી. કોંગ્રેસના નેતાઓને બ્રિટિશ ગવર્નર જનરલ હોય તેમાં નાનપ નહોતી લાગતી.

પરંતુ હજી પાકિસ્તાનની સરહદ નક્કી થઈ નહોતી. કયો પ્રદેશ પાકિસ્તાન છે તે હજી નક્કી થવાનું હતું સરહદની આંકણી માટેના ખાસ અમલદાર સર સિરિલ રેડક્લિફે હજી પોતાનો રિપોર્ટ આપ્યો નહોતો. પરંતુ પાકિસ્તાને ૧૪મી ઑગસ્ટે આઝાદ થવાનો નિર્ણય લીધો. જિન્નાના સોગંદવિધિ સમારંભમાં ભાગ લેવા માઉંટબૅટન અને પત્ની ઍડવિના કરાંચી ગયાં. આ પહેલાં પંજાબના ગવર્નરે વાઇસરૉયને રિપોર્ટ મોકલાવ્યો હતો તે પ્રમાણે કેટલાક શીખો ૧૪મી ઑગસ્ટે જિન્નાની હત્યાનો પ્રયાસ કરવાના હતા.

આ વાત જિન્ના સુધી જુદી રીતે પહોંચાડાઈ. માઉંટબૅટને આવો ખતરો પોતાના પર હોવાનું કહ્યું અને જિન્ના શહેરમાં નીકળે ત્યારે એમની સાથ જ ખુલ્લી કારમાં બેસવાનો આગ્રહ રાખ્યો. લિયાકત અલી ખાનને લાગ્યું કે માઉંટબૅટનને કારણે કાયદે-આઝમ પણ ખતરામાં મુકાશે. માઉંટબૅટન અને જિન્ના ખુલ્લી કારમાં નીકળ્યા અને કશું અણઘટતું ન બન્યું. જિન્નાએ તે પછી માઉંટબૅટનને કહ્યું કે મારા કારણે તમે બચી ગયા. માઉંટબૅટને શબ્દોમાં જવાબ તો ન આપ્યો પણ મનમાં જરૂર બોલ્યા કે “મારા કારણે તમે બચી ગયા!”

ભારતમાં જ્યોતિષીઓએ કહ્યું હતું કે મધરાતે ૧૫મી ઑગસ્ટની પહેલી ઘડી પહેલાં શુભ ચોઘડિયાં નથી એટલે મધરાતને ટકોરે ભારત એકસો નેવું વર્ષની ગુલામીનો અંત લાવીને આઝાદ થયું અને તે સાથે આપણે વિધાતા સાથે કરેલો વાયદો પૂરો કર્યો.

આ લેખમાળાની સમાપ્તિ જવાહરલાલ નહેરુના આ વિશ્વવિખ્યાત ભાષણથી કરીએઃ

૦૦૦          ૦૦૦                ૦૦૦

૧ માર્ચ ૨૦૧૮થી આ સાપ્તાહિક લેખમાળા શરૂ થઈ અને આજે ૨૦૦ અઠવાડિયે પૂરી થાય છે. ઈ. સ. ૧૫૯૯થી ૧૯૪૭ સુધીના આખા સમયગાળાની ઝલક આપવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતીમાં આઝાદીના ઇતિહાસનું સર્વાંગ સંકલન કરવાનો આ પ્રથમ પ્રયાસ છે એ વાતે સંતોષ છે. આશા છે કે વાચકોને મારો આ પ્રયાસ ગમ્યો હશે.

દીપક ધોળકિયા

૨૭. ૧ ૨૦૨૧

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-74

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૭૪ – રજવાડાંનું વિલીનીકરણ

બ્રિટનમાં ઘણા રાજકારણીઓ, ખાસ કરીને ચર્ચિલ જેવા રૂઢીચુસ્ત નેતાઓ કોઈ પણ ભોગે ભારત છોડવા તૈયાર નહોતા. એમને લઘુમતીઓ, ડિપ્રેસ્ડ ક્લાસિસ અને રાજાઓની આડશ લઈને ટકી રહેવું હતું. બ્રિટિશ ઇંડિયાને સ્વતંત્રતા આપ્યા પછી રાજાઓનું શું થાય? આમ તો આ બધા ખંડિયા રાજાઓ જ હતા અને બ્રિટિશ તાજ અને ભારતમાં એના પ્રતિનિધિ વાઇસરૉયને અધીન હતા. બ્રિટન હટી જાય તો પણ રાજાઓ પર બ્રિટનની સર્વોપરિતા રહે એવી ઇચ્છા પણ ઘણાને હતી. પરંતુ વ્યવહારમાં એ શક્ય નહોતું કારણ કે દેશી રાજ્યો કંઈ અલગ પડી શકે તેમ નહોતું. ચારે બાજુ બ્રિટિશ ઇંડિયા હોય અને વચ્ચે કોઈ એકાદ રજવાડું પણ હોય. બ્રિટને એમની વિદેશનીતિ, કાયદો અને વ્યવસ્થા પડી ભાંગવાની સ્થિતિમાં લશ્કરી મદદ અને બહારના આક્રમણ સામે સંરક્ષણની જવાબદારી સ્વીકારી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટને રાજાઓ પર નાણાકીય તેમ જ સાધન સામગ્રી કે માનવબળ પૂરાં પાડવાની જવાબદારી પણ નાખી હતી અને એ અર્થમાં રાજાઓ પણ અંગ્રેજોના દાસ જ હતા. આમ સર્વોપરિતા ચાલુ રાખવાની માંગ લલચાવનારી તો હતી પણ વ્યવહારુ નહોતી. બ્રિટન ખૂણેખાંચરે પોતાનું સૈન્ય મૂકે, રાજાઓના વહીવટ પર નજર રાખવા માટે રેસિડન્ટ એજન્ટો નીમે તો જ એ શક્ય બને. આટલું કર્યા પછી પણ મોટા ભાગનાં રાજ્યો એવાં હતાં કે બ્રિટનને એમનો ખર્ચ નિભાવવો ભારે પડે તેમ હતું.

આથી ઍટલીની સરકારે અને માઉંટબૅટને શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે દેશી રાજ્યોએ એમની નજીકના કોઈ પણ ડોમિનિયન સ્ટેટમાં ભળી જવાનું રહેશે. આ સ્થિતિમાં જિન્ના હિન્દુ પ્રજાની બહુમતી હોય તેવાં રાજ્યોના હિન્દુ રાજાઓને પણ પાકિસ્તાનમાં જોડાવા માટે આકર્ષક ઑફરો કરતા હતા! આ બધાં વચ્ચેથી મોટા ભાગનાં નાનામોટાં રાજ્યોને ભારત સંઘમાં જોડાવા માટે તૈયાર કરવાનાં હતાં.

આપણે જોઈ લીધું છે કે માઉંટબૅટન ૩૦મી મેના રોજ લંડનથી પાછા ફર્યા અને ત્રીજી જૂને ભાગલાની યોજનાની જાહેરાત કરી અને નહેરુ, જિન્ના અને બલદેવસિંઘે રેડિયો પરથી સંબોધનો કરીને એનો સ્વીકાર કર્યો તે દરમિયાન એમણે Chamber of Princesના બે નેતાઓ બીકાનેરના રાજવી અને ભોપાલના નવાબને મળીને જણાવી દીધું હતું કે એમનું ભાવિ નક્કી થઈ ગયું છે અને એમનાં રાજ્યોને હિન્દુસ્તાનના ડોમિનિયનમાં જોડવાનાં રહેશે.

આના પછી ૨૫મી જુલાઈએ વાઇસરૉય રાજવીઓના સંઘને મળ્યા. માઉંટબૅટને આ બેઠકમાં બે વાત કરી – રાજાઓ સમક્ષ એક ઑફર મૂકવામાં આવી છે. એ તક એમણે ઝડપી લેવી જોઈએ કારણ કે ફરીવાર એ ઑફર નહીં મળે. આ ઑફર પ્રમાણે એમના વિદેશી સંબંધો, સંરક્ષણ અને સંદેશવ્યવહારના અધિકાર છોડવા પડશે, પણ આ અધિકારો એમને કદી ભોગવવા જ નથી મળ્યા. બીજી વાત, માઉંટબૅટન ઉમેર્યું, કે ૧૫મી ઑગસ્ટ પછી હું એમની મદદ કરવા માટે એમની પડખે ઊભો નહીં રહી શકું.

આના પછી સવાલજવાબ થયા તેમાંથી દેખાયું કે રાજવીઓ હજી માઉંટબૅટનના ભાષણનો મુખ્ય સૂર પકડી નહોતા શક્યા. એક રમૂજી ઘટના પણ બની. ભાવનગરના દીવાને ઊભા થઈને કહ્યું કે એના મહારાજા વિદેશમાં છે એટલે જોડાણના દસ્તાવેજ (ઇન્સ્ટ્રુમેંટ ઑફ ઍક્સેશન) પર સહી નહીં કરી શકે. માઉંટબૅટને ટેબલ પર પડેલું કાચનું પેપરવેઇટ હાથમાં લઈને સૌને દેખાડ્યું અને કહ્યું કે આ મારો ક્રિસ્ટલ બૉલ છે. એમાં જોઈને હું જવાબ આપી શકીશ. એમણે થોડી સેકંડો એમાં જોવાનું નાટક કરીને દીવાનને કહ્યું, તમારા મહારાજા સાથે વાત થઈ ગઈ. એમનું કહેવું છે કે દીવાન મારા વતી સહી કરી શકે છે!

આના પરથી દેખાશે કે દેશી રાજ્યોના વિલીનીકરણ માટે માઉંટબૅટન કેટલા તત્પર હતા.

માઉંટબૅટને રાજાઓને બચાવવાની જવાબદારી ખંખેરી નાખી તેની અસર એ થઈ કે હજી પણ જે રાજાઓના મનમાં આશા હતી કે બ્રિટન એમની મદદે આવશે, તે ઓસરી ગઈ. કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર હોય અને રાજ્યોમાં પ્રજાકીય પરિષદો કોંગ્રેસની પ્રેરણાથી જ જવાબદાર રાજતંત્રની માગણી કરતી હતી. અંગ્રેજોનો હાથ પીઠ પરથી હટી ગયા પછી કોંગ્રેસને રોકનાર કોણ? રાજાઓ પાસે સમય બહુ ઓછો હતો, ૨૫મી જુલાઈથી ૧૫મી ઑગસ્ટ, માત્ર વીસ દિવસ!

નાફરમાની

જોવાની વાત એ છે કે હૈદરાબાદના નિઝામે કદી રાજવી સંઘને ગણકાર્યો નહીં. ૨૫મી જુલાઈની બેઠકમાં પણ નિઝામે ભાગ ન લીધો. એના ઉપરાંત ત્રાવણકોર, ઇંદોર, ભોપાલ, રામપુર, જોધપુર અને વડોદરા પણ માથાનો દુખાવો બની રહ્યાં.

ભોપાલ નવાબ હમિદુલ્લાહ તો પાકિસ્તાનના સમર્થક હતા અને પાકિસ્તાનમાં ભળવા માગતા હતા, એટલું જ નહીં, આસપાસના હિન્દુ રાજાઓને પાકિસ્તાનમાં જોડાવા સમજાવતા હતા. ઇંદોર, વડોદરા અને રાજસ્થાનનાં જોધપુર જેવાં રાજ્યોને એ પ્રલોભનો આપતા હતા. જોધપુર પાકિસ્તાનમાં જાય તો એની પાડોશનાં જેસલમેર, ઉદયપુર અને જયપુર માટે પણ પાકિસ્તાન એમની ‘નજીક’નું ડોમિનિયન બની જાય અને એ પણ પાકિસ્તાનમાં જોડાઈ શકે.

ભોપાલ નવાબ જોધપુર મહારાજાને જિન્નાને મળવા લઈ ગયા, જિન્નાએ એમને કરાંચી બંદરની સેવા અને શસ્ત્રોની આયાતનિકાસની અમર્યાદિત છૂટ, અને જોધપુર અને હૈદરાબાદ (સિંધ) વચ્ચે ચાલતી રેલવે પર સંપૂર્ણ નિયંત્રણની ઑફર કરી. માઉંટબૅટને જોધપુર મહારાજાને બોલાવ્યા ત્યારે એમણે કબૂલ કર્યું કે એ માત્ર વાત કરવા ગયા હતા. મહારાજાએ જિન્નાની બેઠકમાં શું થયું તે પણ કહ્યું – જિન્નાએ મહારાજાને એક કવર આપ્યું તેમાં આ ઑફર લિખિત રૂપે હતી. પણ મહારાજાએ કહ્યું કે તેઓ એના પર વિચાર કરીને જણાવશે, એ સાંભળતાં જ જિન્નાએ એમના હાથમાંથી કવર પાછું ઝુંટવી લીધું!

પરંતુ મહારાજાની ઇચ્છા તો પાકિસ્તાનમાં જવાની હતી જ. એમણે ભોપાલ નવાબને તાર કરીને ૧૧મી ઑગસ્ટે પાકો નિર્ણય લેવા માટે દિલ્હીમાં મળવાનું જણાવ્યું અને પોતે વડોદરા જઈને મહારાજાને જોડાણના દસ્તાવેજ પર સહી ન કરવા સમજાવ્યા. સરદાર પટેલ પણ છોડવા તૈયાર નહોતા. એમણે પણ જિન્ના જેવી જ ઑફર કરી અને જોધપુરને કચ્છમાં એક બંદર સાથે જોડતી રેલવે લાઇન બાંધી આપવાનું પણ વચન આપ્યું.

ઇંદોર પર પણ ભોપાલની અસર હતી. માઉંટબૅટને એમને દિલ્હી આવવા કહ્યું તેની પણ એણે પરવા ન કરી. એટલે માઉંટબૅટને વડોદરા, અને કોલ્હાપુરના મરાઠા શાસકોને તાબડતોબ ઇંદોર જઈને મહારાજાને સાથે લઈ આવવા મોકલ્યા. ઇંદોર મહારાજાને એમણે કહ્યું કે એમણે પોતાની જ પ્રજાની ભાવનાઓને ઠોકરે ચડાવી છે અને તાજના પ્રતિનિધિ સાથે પણ ખરાબ વર્તન કર્યું છે. ઇંદોર મહારાજાએ માઉંટબૅટનની નીતિઓનો વિરોધ કરતો લાંબો પત્ર આપ્યો અને જોડાણના દસ્તાવેજ પર સહી ન કરી. ઇંદોરના મહારાજાને ઉશ્કેરનારો એક અંગ્રેજ ઑફિસર હતો તે વડોદરા નરેશને ખબર પડી અને એમણે માઉંટબૅટનને એની જાણ કરી દીધી.

ભોપાલ નવાબ હમીદુલ્લાહ અને માઉંટબૅટન મિત્ર હતા. એમણે હમીદુલ્લાહને સમજાવવા પ્રયત્ન કર્યો કે ભોપાલ પાકિસ્તાનમાં જશે તો રમખાણો ફાટી નીકળશે. નવાબે ખુલાસો કર્યો કે જિન્નાએ એમને એક પ્રાંતના ગવર્નર અને પોતાના ઉત્તરાધિકારી તરીકે પણ નીમવાનું વચન આપ્યું છે. અંતે જો કે,એણે ભારતમાં રહેવા માટે સહી કરી આપી પરંતુ એની જાહેરાત દસ દિવસ સુધી ન કરવા આગ્રહ રાખ્યો. સરદાર પટેલ આના માટે તૈયાર થઈ ગયા. આ દસ દિવસ દરમિયાન જિન્નાએ એમને કંઈ જ ન આપ્યું અને અંતે ભોપાલ ભારત સંઘમાં જોડાતું હોવાની જાહેરાત થઈ ગઈ.

ત્રાવણકોર રાજ્યે (આજનું કોચીન) ૨૫મી જુલાઈએ સ્વાધીન થવાના નિર્ણયની જાહેરાત કરી. ત્રાવણકોર શિક્ષણ અને ઉદ્યોગમાં સમૃદ્ધ રાજ્ય હતું. એના થોરિયમના ભંડારોનો ઉપયોગ કરવા દીવાન સર સી. પી. રામસ્વામી અય્યરે એક અમેરિકન કંપની સાથે સમજૂતી કરવાની તૈયારી કરી લીધી હતી. એમને લાગતું હતું કે ભારત સાથે જોડાવાથી ત્રાવણકોર પછાત થઈ જશે. સર સી. પી. ને ગાંધીજી અને કોંગ્રેસ સામે પણ વાંધા હતા, એટલે માઉંટબૅટને સરદાર પટેલ પર વધારે ભરોસો કરવો જોઈતો હતો. ગાંધીજી માટે એમનું કહેવું હતું કે એ સૌથી જોખમકારક સેક્સનો ભૂખ્યો માણસ છે. એમનો ખ્યાલ હતો કે ગાંધી નહેરુને જ ટેકો આપવાનો આગ્રહ રાખશે તો બે વરસમાં નહેરુની નેતાગીરી હેઠળની કોંગ્રેસ તૂટી પડશે.

જો કે માઉંટબેટને એમને જાણ કરી દીધી કે રાજા સામે આંદોલન ચલાવવા માટે ડાલમિયાએ ત્રાવણકોરમાં કોંગ્રેસને પાંચ લાખ રૂપિયા આપ્યા છે. ખરેખર જ આંદોલન સતેજ બન્યું અને એક વાર સર સી. પી. પર જ હુમલો થયો. અંતે ત્રાવણકોરે ભારતમાં ભળવાનો નિર્ણય કરી લીધો.

આમ ૧૫મી ઑગસ્ટે ભારત આઝાદ થયું ત્યારે તખ્તો તૈયાર હતો અને એનો યશ સરદાર વલ્લભભાઈ, એમના સેક્રેટરી વી. પી. મેનન અને એમના ત્રીજા મહત્ત્વના સાથી માઉંટબૅટનને ફાળે જાય છે. માત્ર જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરનો ઉકેલ શોધવાનો રહ્યો હતો.

પરંતુ આ તબક્કે તો ભારતની આઝાદીને આડે એક અઠવાડિયું પણ નહોતું રહ્યું.

૦૦૦

સંદર્ભઃ The Shadow of the Great Game: The Untold Story of India’s Partition – Narender Singh Sarila

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-73

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૭૩ – વાયવ્ય સરહદ પ્રાંત અને બલૂચિસ્તાન

વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનની સ્થિતિમાં બ્રિટનને આખા ભારત કરતાં વધારે રસ હતો. આ પ્રાંતો અફઘાનિસ્તાનની સરહદે આવેલા છે. આ સરહદે બ્રિટન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધ થયાં હતાં અને અફઘાનિસ્તાનનો અમુક ભાગ બ્રિટને વાયવ્ય સરહદ પ્રાંત અને બલૂચિસ્તાનમાં ભેળવી દીધો હતો. અને એની પેલી પાર હવે તો સોવિયેત સંઘનો ભય હતો. બીજા વિશ્વયુદ્ધમાં ૧૯૪૫ના મેની પાંચમીએ જર્મનીએ પરાજયનો સ્વીકાર કર્યો અને એ શરણે થયું તે જ દિવસે બ્રિટનના વડા પ્રધાન ચર્ચિલે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને તકાવી રાખવા અને હિન્દી મહાસાગરના દેશોમાં પોતાની વગ જાળવી રાખવા માટેનાં પગલાં સુચવવા યુદ્ધોત્તર વ્યવસ્થા માટેની સમિતિને આદેશ આપી દીધો હતો. ઍટલીની લૅબર સરકાર પણ આ સિદ્ધાંતને ઉલટાવવા નહોતી માગતી. આથી પાકિસ્તાનની રચના કરીને અફઘાન સરહદના પ્રદેશોમાં પોતાનાં વ્યૂહાત્મક હિતોને સાચવવાની જરૂર હતી, યુદ્ધ દરમિયાન મુસ્લિમ લીગે બ્રિટનને ટેકો આપ્યો હતો એટલે કોંગ્રેસના નેતાઓ કરતાં લીગના નેતાઓ પર બ્રિટનને વધારે વિશ્વાસ હતો. એવાં જ વ્યૂહાત્મક કારણોસર જમ્મુના ડોગરા શાસકને કાશ્મીરમાં પણ પોતાની હકુમત સ્થાપવામાં બ્રિટને મદદ કરી હતી.

પરંતુ આ પ્રાંતોમાં મુસ્લિમ લીગની કોઈ અસર નહોતી, વાયવ્ય સરહદ પ્રાંતમાં તો ડૉ. ખાનસાહેબની કોંગ્રેસતરફી સરકાર હતી. બ્રિટને પહેલાં તો આનો રસ્તો શોધવાનો હતો. એ પ્રાંતોના પ્રતિનિધિઓ બંધારણ સભામાં હતા અને સંયુક્ત ભારતની તરફેણ કરતા હતા. માઉંટબૅટને આમાંથી રસ્તો કાઢવાનો હતો.

નહેરુ સાથેની ઘણી મુલાકાતો દરમિયાન માઉંટબૅટને જુદી જુદી રીતે આ મુદ્દા પર આવવાના પ્રયાસ કર્યા તેમાં પૂછી લીધું કે તમે મારી જગ્યાએ હો તો સત્તાની સોંપણી શી રીતે કરો? નહેરુ આનો એક જ જવાબ આપી શકે તેમ હતા. એમણે કહ્યું કે કોઈ કોમ જે પ્રદેશમાં બહુમતીમાં હોય ત્યાં લોકો પર કોઈ પણ જાતની બંધારણીય શરત લાગુ કરવાનું યોગ્ય નથી. આમાંથી માઉંટબૅટનને રસ્તો મળ્યો અને એમણે પોતાના સ્ટાફને ભાગલાની યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો.

વાયવ્ય સરહદ પ્રાંતમાં અને બલૂચિસ્તાનમાં બિનમુસલમાનોની વસ્તી તો નગણ્ય હતી. બહુ જ મોટી સંખ્યામાં વાયવ્ય સરહદ પ્રાંતમાં પઠાણો હતા અને બલૂચિસ્તાનમાં જુદી જુદી જાતિઓ વસતી હતી.

વાયવ્ય સરહદ પ્રાંત

અહીં ડૉ. ખાનસાહેબના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર હતી અને બંધારણસભાના પ્રતિનિધિઓ પાકિસ્તાન માટેની બંધારણ સભામાં જવા નહોતા માગતા. આ નિર્ણયનો અધિકાર એમના હાથમાં હતો પણ એ નિયમને ઠોકરે ચડાવવા માઉંટબૅટન તૈયાર હતા. આમાં ગવર્નરના રૂપમાં યોગ્ય સામ્રાજ્યવાદી હોય અને મુસ્લિમ લીગનું સમર્થન મળતું હોય તે જરૂરી બન્યું. લોકોએ નક્કી કરવાનું હતું કે પ્રાંત હમણાંની બંધારણ સભામાં રહેશે કે નવી, પાકિસ્તાન માટેની બંધારણ સભામાં જોડાશે. હજી ત્યાં થોડા જ વખત પહેલાં ચૂંટણી થઈ હતી એટલે કોંગ્રેસની તરફેણમાં નિર્ણય તો સ્પષ્ટ જ હતો તેમ છતાં લોકમત લેવાને બહાને નવેસરથી ચૂંટણી કરવાનું નક્કી થયું. સરકારે કારણ એ આપ્યું કે પહેલાં ચૂંટણી થઈ ત્યારે સ્વતંત્રતા આપવાનો મુદ્દો નહોતો.

તે સાથે મુસ્લિમ લીગે વાયવ્ય સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવી દેવા માટે આંદોલન શરૂ કરી દીધું. ડૉ. ખાનસાહેબ પણ એમના ભાઈ ખાન અબ્દુલ ગફ્ફાર ખાનની જેમ મુસ્લિમ કોમવાદથી સખત વિરુદ્ધ હતા, કારણ કે પકિસ્તાનમાં પંજાબી મુસલમાનોનું જોર રહેવાનું હતું અને એક જ ધર્મ હોવા છતાં પઠાણોની સંસ્કૃતિ જુદી હતી. ડો. ખાનસાહેબે મુસ્લિમ લીગના હજારો કાર્યકરોને જેલમાં ગોંધી દીધા. માઉંટબૅટન ભારત પહોંચ્યા તે જ દિવસે વાયવ્ય સરહદ પ્રાંતના ગવર્નર કેરોયનો પત્ર મળ્યો એમાં આંદોલન વકર્યું તેની સીધેસીધી જવાબદારી ડૉ. ખાનસાહેબની સરકારનાં “દમનકારી” પગલાંની હોવાનું જણાવ્યું. કેરોયે લખ્યું કે સરકારને બરતરફ કરીને નવી ચૂંટણી કરાવવી જોઈએ, અને તે દરમિયાન ગવર્નરના હાથમાં સત્તા સોંપવી જોઈએ. મુસ્લિમ લીગે પણ નવી ચૂંટણીની માગણી કરી.

લોકો દ્વારા ચુંટાયેલી સરકારને બરતરફ કરવાનો તો માઉંટબૅટને ઇનકાર કર્યો પરંતુ પ્રાંતના ભવિષ્ય અંગે નહેરુ સાથે વાતચીત કરવા સંમત થયા. ડૉ. ખાનસાહેબ, બાદશાહ ખાન અને નહેરુ જાણતા હતા કે કેરોય મુસ્લિમ લીગ તરફી હતો એટલે એમણે એને બદલવાની માગણી કરી.

ડૉ. ખાનસાહેબનો જવાબ

માઉંટબૅટને પ્રાંતની મુલાકાત લીધી ત્યારે પેશાવરમાં પચાસ હજારની ભીડ ‘માઉંટબૅટન ઝિંદાબાદ’ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’’’ એવાં સૂત્રો પોકારતી એકઠી થઈ હતી. ડૉ. ખાનસાહેબે માઉંટબૅટનને કહ્યું કે વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગનો દોર જિન્નાના હાથમાં નથી. માઉંટબૅટને પૂછ્યું કે તો કોના હાથમાં દોર છે? એમણે જવાબ આપ્યોઃ નામદાર ગવર્નરના હાથમાં!

દરમિયાન, મુસ્લિમ લીગે હિંસા શરૂ કરી દીધી હતી અને હિન્દુઓ એનો ભોગ બન્યા.

છેવટે, નહેરુએ લોકમતની દરખાસ્ત માની લીધી. આમ જાણ્યેઅજાણ્યે કોંગ્રેસે પોતાની નીતિ બદલી નાખી. પ્રાંતનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર ઍસેમ્બ્લી અને બંધારણસભાના સભ્યોને મળ્યો હતો, પણ કોંગ્રેસે લોકમત માટે સંમતિ આપીને એમ માની લીધું કે લોકોના ચુંટાયેલા પ્રતિનિધિઓને અવગણીને સીધા લોકો પાસે જવું જોઈએ! કોંગ્રેસે લોકમતમાં ભાગ ન લીધો, બાદશાહ ખાને અહિંસક વિરોધ કર્યો અને પઠાણોને લોકમતમાં આડે ન આવવાની સલાહ આપી. એમણે મોડે મોડે પખ્તુનિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવાની માગણી કરી. કોંગ્રેસને વિશ્વાસ હતો કે ગમે તે થાય, લોકો પાકિસ્તાનમાં જવાનું પસંદ નહીં કરે.

ચાળીસ લાખની વસ્તીમાંથી પાંચ લાખ બોત્તેર હજારને લોકમતમાં ભાગ લેવાની પાત્રતા ધરાવતા હતા. કુલ ૫૧ ટકા મતદાન થયું અને એના ૯૯ ટકા મત પાકિસ્તાનની તરફેણમાં ગયા. બે ટકાથી ઓછા બિનમુસ્લિમોએ મતદાન કર્યું અને ભારતમાં રહેવાના સમર્થક પઠાણો લોકમતમાં જોડાયા જ નહીં. આમ લગભગ માત્ર અઢી લાખ મતદારો વાયવ્ય સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં લઈ ગયા. ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને કોંગ્રેસની ભૂલ પાછળથી સમજાઈ અને જ્યારે વાયવ્ય સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવવાનું પાકું થઈ ગયું તે પછી એમણે ગાંધીજીને કહ્યું કે તમે અમને ભૂખ્યા વરૂઓ સામે મૂકી દીધા છે! આજેય પઠાણોની સ્વતંત્રતા માટેની ઝંખના જેમની તેમ છે.

બલૂચિસ્તાન

બલૂચિસ્તાનનું કોકડું વાયવ્ય સરહદ પ્રાંત જેમ દેશના રાજકારણને કારણે ગુંચવાયેલું નહોતું પણ ત્યાં નવી જાતની સમસ્યા હતી. અંગ્રેજોએ ૧૮૩૯માં બલૂચિસ્તાન સર કરી લીધું. બલૂચિસ્તાન નાની મોટી ચાર જાગીરોનું બનેલું હતું – મકરાણ, ખારાણ, લસ્બેલા અને કલાત. આમાં કલાતના ખાન સૌથી વધારે જોરાવર હતા. બ્રિટિશ ચીફ કમિશનર રૉબર્ટ સૅંડમૅને કલાત સાથે સમજૂતીઓ કરીને ચાગી, બોલાન ઘાટ, ક્વેટા (કોયટા) વગેરે લીઝ પર લઈ લીધાં. આ પ્રદેશો સીધા બ્રિટિશ ઇંડિયાનો ભાગ બન્યા પણ ચાર જાગીરોનો પ્રશ્ન હતો.

કલાતના ખાન જાગીરદારોએ કદીયે બ્રિટનનું આધિપત્ય માન્યું નહીં અને આ ઝઘડો ચાલતો રહ્યો. ૧૯૩૦માં ત્યાં નવી રાજકીય ચેતનાનો ઉદય થયો અને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થવા માટે અંજુમને વતન નામની પાર્ટી બની. એ ભારતના ભાગલાની વિરોધી હતી અને કોંગ્રેસની નજીક હતી. એ સાથે જ બલુચિસ્તાન મુસ્લિમ લીગની પણ સ્થાપના થઈ. બ્રિટિશ સરકારનાં યુદ્ધલક્ષી ધ્યેયોને કારણે મુસ્લિમ લીગને ત્યાં પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ, કોંગ્રેસને આ પ્રદેશને સંભાળવાનું અઘરું લાગતું હતું. બ્રિટનની નીતિ એ હતી કે નાનાં રજવાડાં હિન્દુસ્તાન અથવા પાકિસ્તાનમાં જોડાય. પરંતુ કલાત રાજ્યનો દાવો હતો કે એ કદીયે ઇંડિયન સ્ટેટ નહોતું. કલાત પાસેથી બ્રિટને લીઝ પર લીધેલા પ્રદેશો કલાતને પાછા મળવા જોઈએ અને એને બ્રિટિશ ઇંડિયાના પ્રદેશ માનીને એના વિશે બ્રિટન કે પાકિસ્તાન નિર્ણય ન કરી શકે. ૧૯૪૮ સુધી વાટાઘાટો ચાલતી રહી. અંતે કલાતની જાગીર પણ પાકિસ્તાનમાં જોડાઈ.

આમ બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ બન્યું તેમાં પણ બ્રિટનનાં જ હિતો ધ્યાનમાં રખાયાં. જો કે આજે પણ ત્યાં બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે અવાજ ઊઠતા રહે છે. પરંતુ બલૂચિસ્તાનનો અમુક ભાગ ઈરાનમાં પણ છે. ત્યાં એવું કોઈ આંદોલન નથી એટલે સ્વતંત્રતાની માગણી માત્ર પાકિસ્તાનમાં જોડાયેલા બલૂચિસ્તાન પૂરતી મર્યાદિત રહી છે.

આવતા અઠવાડિયે રજવાડાંઓના વિલિનીકરણ વિશે વાત કરશું.

૦૦૦

સંદર્ભઃ

The Shadow of the Great Game: The Untold Story of India’s Partition – Narender Singh Sarila

https://balochistan.gov.pk/explore-balochistan/history/

https://en.wikipedia.org/wiki/Insurgency_in_Balochistan

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-72

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૭૨ –  મુસ્લિમ લીગ અને કોંગ્રેસની સંમતિ

બીજી જૂનની સવારની મીટિંગમાં જ વાઇસરૉયે એ જ દિવસે મધરાત સુધીમાં પોતાના અભિપ્રાય જણાવી દેવા વિનંતિ કરી હતી. કોંગ્રેસ પ્રમુખ કૃપલાનીએ તો એ જ દિવસે પત્ર લખીને યોજનાનો સ્વીકાર કરી લીધો. પરંતુ જિન્નાએ કહ્યું હતું કે લીગના બંધારણ પ્રમાણે તેઓ પોતે કંઈ લખી ન શકે પરંતુ મૌખિક જવાબ આપી દેશે. એમણે પણ રાત પહેલાં જ મૌખિક સંમતિ આપી દીધી. પરંતુ આ પહેલાં નહેરુએ બ્રિટિશ યોજના વિશે એક મહત્ત્વનો સવાલ પૂછ્યો હતો: વાઇસરૉય શું ઇચ્છતા હતા- સંમતિ (Agreement) કે સ્વીકાર (Acceptance)? નહેરુએ કહ્યું કે સંમત થવું એ એક વાત છે અને સ્વીકાર કરવો તે બીજી વાત છે. તે પછી ત્રીજી તારીખે બધા નેતાઓએ રેડિયો પરથી બોલીને વાઇસરૉયની યોજનાનો સ્વીકાર કર્યો. આનો અર્થ એ હતો કે કોઈ પણ નેતા યોજના સાથે સંપૂર્ણ સંમત નહોતા પરંતુ સમાધાન તરીકે એનો સ્વીકાર કરતા હતા.

‘ભાગલા’નો અર્થ શો?

નહેરુએ કેટલાક મહત્ત્વના સૈદ્ધાંતિક સવાલ ઊભો કર્યા. નહેરુએ કહ્યું કે દેશના બે ભાગલા નથી થતા, માત્ર ઇંડિયામાંથી અમુક ભાગ કાપીને બીજી કોમને આપવામાં આવે છે. વાઇસરૉયે બ્રિટિશ સરકાર સમક્ષ આ સવાલ મૂક્યો એણે નહેરુનું અર્થઘટન સ્વીકારી લીધું. એનો અર્થ એ થયો કે જે ભાગને ‘હિન્દુસ્તાન’ તરીકે બ્રિટિશ સરકાર ઓળખતી હતી તે ભાગ બ્રિટિશ સરકારની અનુગામી સરકાર બની અને ‘ઇંડિયા’ નામ એની પાસે રહ્યું. ભારતની અંગ્રેજ હકુમતે કરેલી સંધિઓ પણ ભારતને વારસામાં મળી અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ ભારતને સીધું જ સ્થાન મળ્યું.ભારતની આઝાદીની લડતનાં મૂલ્યોનો વારસો પણ ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાતા ભાગને વારસામાં મળ્યો. ભારતમાંથી કપાયેલા ભાગની સરકાર બ્રિટિશ સરકારની અનુગામી ન હોવાથી ‘ઇંડિયા’ નામમાં એ ભાગીદાર ન બની શકી. જિન્નાનો મત હતો કે આ વિભાજન છે, એક ભાગ કપાઈને છૂટો નથી પડતો. જિન્ના આમ હિન્દુસ્તાન સાથે પાકિસ્તાનની બરાબરી માગતા હતા.માઉંટબૅટન માનતા હતા કે એને જે નામ આપો તે પ્રદેશો અને સંપત્તિનું તો વિભાજન કરવું જ પડશે. એમને લિયાકત અલી ખાન સાથે આ બાબતમાં ચર્ચા કરી. લિયાકત અલી ખાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે એમને નામમાં રસ નથી, કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ તરત સ્થાન મળે એવી ઉતાવળ નથી. એમને સંપત્તિ અને સેનામાં બરાબર ભાગ પડે તેમાં જ રસ છે.

નહેરુએ એવી જ બીજી મહત્ત્વની માગણી કરી કે બ્રિટિશ સરકાર પાર્લામેન્ટમાં રજૂ કરવાનું બિલ તૈયાર કરે તે ભારતીય નેતાઓને પહેલાં વાંચવા મળવું જોઈએ. પણ બ્રિટનની સંસદીય પરંપરા અનુસાર એમ થઈ શકતું નહોતું. આમ છતાં, બ્રિટિશ કૅબિનેટે વિરોધ પક્ષની સંમતિથી બિલ વાંચવા આપવાનો નિર્ણય લીધો. તે પછી વાઇસરૉયના નિવાસસ્થાને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ ત્રણ દિવસ અને ત્રણ રાત બિલ વાંચતા રહ્યા. નહેરુની માગણી પરથી ગાંધીજીને પણ બિલ વાંચવાની છૂટ અપાઈ.

આના પછી પણ કલકત્તા પર બન્ને ડોમિનિયનોનું સહિયારું નિયંત્રણ રાખવું, પશ્ચિમ પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાનમાં જવા માટે કોરિડોર ફાળવવો, એવી માગણીઓ જિન્ના ઊભી કરતા રહ્યા પણ માત્ર કોંગ્રેસ નહીં, વાઇસરૉયે પણ એના પર ગંભીરતાથી ધ્યાન ન આપ્યું.

મુસ્લિમ લીગની સંમતિ

નવમી જૂને દિલ્હીમાં મુસ્લિમ લીગની કાઉંસિલે દિલ્હીમાં મીટિંગ કરીને બ્રિટિશ સરકારની યોજનાનો ‘બાંધછોડ’ (compromise) તરીકે સ્વીકાર કર્યો. પંજાબ અને બંગાળના ભાગલા પાડવાના નિર્ણયની લીગે ટીકા કરી. જિન્નાએ કહ્યું કે “મેં મારું કામ પૂરું કર્યું છે, હવે તમારે પાકિસ્તાન બનાવવાનું છે. યાદ રાખજો કે એ મુલ્કી સરકાર હશે, લશ્કરી નહીં, એટલે એમાં તમારે ખરા દિલથી પ્રયત્નો કરવાના છે.

જિન્નાના ટૂંકા ભાષણમાં મૌલાના હસરત મોહાનીએ વારંવાર વચ્ચે બોલીને ખલેલ પાડી. એમણે બ્રિટિશ યોજનાનો જિન્નાએ સ્વીકાર કરી લીધો તેની સખત શબ્દોમાં ટીકા કરી. તે પછી લિયાકત અલી ખાને યોજનાનો સ્વીકાર કરવાનો ઠરાવ રજૂ કર્યો તેના પર આઠ સભ્યો બોલ્યા. છ સભ્યોએ ઠરાવને ટેકો આપ્યો પણ બે સભ્યોએ એનો વિરોધ કર્યો. બંગાળના પ્રતિનિધિ અબ્દુર રહીમે બંગાળના ભાગલાનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે કલકત્તા વિભાજનમાં જશે તો જ્યાં સુધી ચિત્તાગોંગ બંદરનો વિકાસ ન થાય ત્યાં સુધી પાકિસ્તાનને ભારે હાલાકી ભોગવવી પડશે.

યુક્ત પ્રાંતના ઝેડ. એચ. લારીએ ભાગલાની યોજનાનો સજ્જડ વિરોધ કર્યો. એમણે કહ્યું કે લીગે પહેલાં ૧૬મી મેના નિવેદનનો સ્વીકાર કર્યો અને પછી, “અમને આસામ જોઈએ” એમ કહીને એને ઠોકરે ચડાવ્યું. હવે આસામ તો આપણે ખોઈ જ દીધું, ઉલ્ટું, પંજાબ અને બંગાળનો મોટો ભાગ પણ ખોવા બેઠા છીએ ત્યારે મારા સાથીઓ આ નવી યોજનાને કેમ મંજૂર રાખી શકે છે તે મને સમજાતું નથી. લારીએ મુસ્લિમ લીગના પણ બે ભાગ કરવાની માગણી કરી કે હિન્દુઓની બહુમતીવાળા ભાગમાં મુસલમાનો માટે જુદી મુસ્લિમ લીગ જરૂરી છે.

બીજા દિવસે લીગે વાઇસરૉયને આ ઠરાવ મોકલી આપ્યો.

કોંગ્રેસની મંજૂરી

૧૪મી અને ૧૫મી જૂને દિલ્હીમાં AICCની મીટિંગ ત્રીજી જૂનની યોજનાની ચર્ચા કરવા માટે મળી. પંડિત ગોવિંદ વલ્લભ પંતે વર્કિંગ કમિટીએ મંજૂર કરેલો ઠરાવ રજૂ કર્યો અને મૌલાના અબૂલ કલામ આઝાદે એને અનુમોદન આપ્યું. ઠરાવ પર ૧૩ સુધારા રજૂ થયા હતા પરંતુ પ્રમુખ કૃપલાનીએ આઠ સુધારા તો એમ કહીને રદ કર્યા કે એ મૂળ ઠરાવથી તદ્દન ઉલ્ટા છે. ઠરાવમાં કોંગ્રેસે બ્રિટિશ યોજનાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે મુસ્લિમ લીગે ૧૬મી મેની કૅબિનેટ મિશનની યોજના ન સ્વીકારી, એ ઍસેમ્બ્લીમાં કે બંધારણ સભામાં પણ ન આવી. લીગને અલગ જ થવું હતું. આ સંજોગોમાં કોઈને દબાવીને સાથે રાખી ન શકાય એટલે ત્રીજી જૂનની યોજનામાં લોકોનો અભિપ્રાય જાણવાની વ્યવસ્થા હોવાથી કોંગ્રેસે એનો સ્વીકાર કર્યો છે. આ યોજનાની કારણે અમુક પ્રદેશો અલગ થશે તે બદલ AICCએ અફસોસ જાહેર કર્યો.

દરમિયાન, ઘણાં દેશી રાજ્યોએ બંધારણસભામાં જોડાવાનો નિર્ણય લીધો હતો તેને કોંગ્રેસે આવકાર આપ્યો. એને લગતા ઠરાવમાં કોંગ્રેસે કહ્યું કે બ્રિટને પોતાની સર્વોપરિતાનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે તે સાથે એનું અર્થઘતન એવું કર્યું છે કે રાજ્યો સ્વતંત્ર થઈ ગયાં, પણ કોંગ્રેસને આ અર્થઘટન મંજૂર નથી કારણ કે સર્વોપરિતા હેઠળ બ્રિટને રાજ્યોની સુરક્ષાના અધિકારો પોતાના હાથમાં લઈ લીધા હતા અને આખા ભારતને એક એકમ ગણીને સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. રાજ્યોના ભવિષ્ય અંગેની કોઈ પણ ચર્ચામાં આ પાસાની ઉપેક્ષા ન કરી શકાય.

કૃપલાનીનો સવાલઃ હું આજે ગાંધીજી સાથે શા માટે નથી?

કોંગ્રેસ પ્રમુખ આચાર્ય કૃપલાની ગાંધીજી સાથે છેક ૧૯૧૭માં ચંપારણ સત્યાગ્રહ વખતે જોડાયા. ગાંધીજી ભાગલાની વિરુદ્ધ હતા અને કોમી દાવાનળ હોલવવા મથતા હતા, તો કૃપલાની કોંગ્રેસ પ્રમુખ તરીકે ભાગલાના સમર્થક હતા. એમણે આ વાતનો ઉલ્લેખ કરતાં ગાંધીજીનાં કાર્ય અને પ્રભાવની સમીક્ષા કરી. એમણે કહ્યું કે મેં નોઆખલીમાં જોયું કે ગાંધીજીની અસરથી સ્થિતિ હળવી બની. એવું જ બિહારમાં થયું. આ બધા કરપીણ બનાવોની મારા પર અસર પડી છે અને હું માનતો થઈ ગયો છું કે ભાગલા જરૂરી છે. હું ગાંધીજી સાથે ઘણી વાર અસંમત થયો છું, પણ એ વખતે પણ મેં માન્યું છે કે એમની રાજકીય કોઠાસૂઝ મારા તર્કબદ્ધ વિચાર કરતાં વધારે સાચી હોય છે. એમનામાં અપ્રતિમ નિર્ભયતા છે, પરંતુ આજે હિંસા એ સ્તરે પહોંચી છે કે એક વાર જે પાશવી ઘટના બની હોય તે આગળ જતાં નવાં રમખાણોની સામાન્ય ઘટના બની જાય છે અને વધારે ને વધારે ગોઝારાં કૃત્યો થાય છે. ગાંધીજી કહે છે કે બિહારમાં રહીને તેઓ આખા હિન્દુસ્તાનની કોમી સમસ્યાનો ઉકેલ શોધે છે. પણ તે પછી પંજાબમાં આજે કોમી આગ લાગી છે, તેના પર કંઈ અસર દેખાતી નથી. આનું કારણ એ કે હજી ગાંધીજી સામુદાયિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યા નથી અને અંધારામાં અથડાય છે.

કૃપલાનીએ કહ્યું કે ભાગલાથી કોમવાદી હિંસા અટકશે નહીં એવું ઘણાને લાગે છે. આવો ભય સાચો પણ હોય, અને ખોટો પણ હોય. પરંતુ આજની હાલતમાં તો ભાગલા જ ઉપાય દેખાય છે.

ગાંધીજીનું સંબોધન

કોંગ્રેસે AICCની બેઠકમાં ગાંધીજીને ખાસ આમંત્ર્યા હતા. ગાંધીજીએ સભ્યોને વર્કિંગ કમિટીના ઠરાવને મંજૂર રાખવા અને એમાં સુધારા ન સુચવવા અપીલ કરી. એમણે કહ્યું કે ઠરાવને સ્વીકારવા કે નકારવાનો AICCને અધિકાર છે, પણ આ યોજના સાથે બીજા બે પક્ષો, મુસ્લિમ લીગ અને બ્રિટિશ સરકાર પણ છે. AICCને એમ લાગે કે યોજનાથી કોંગ્રેસના વલણને નુકસાન થાય તેમ છે તો આ ઠરાવ ઉડાડી દેવો જોઈએ, પણ એનો અર્થ એ થાય કે ઠરાવનો વિરોધ કરનારાઓએ નવા નેતાઓ શોધવા પડશે, જે તમે ધારો છો તેમ કરી શકે. ગાંધીજીએ રજવાડાંઓની વાત કરતાં કહ્યું કે કોંગ્રેસે સ્વતંત્રતાની વાત કરી છે ત્યારે માત્ર બ્રિટિશ ઇંડિયા માટે નહીં, આખા દેશની સ્વતંત્રતાની વાત કરી છે. દેશી રાજ્યોની પ્રજાઓ પણ એમાં આવી જાય છે અને રાજાઓએ સમજવું જોઈએ કે સ્વતંત્રતા આવે છે.

પંજાબ અને બંગાળની ઍસેમ્બ્લીઓમાં ભાગલાને મંજૂરી

બંગાળ ઍસેમ્બ્લીમાં કોંગ્રેસ સહિતના ૫૮ સભ્યોએ ભાગલાની તરફેણ કરી અને ૨૧ સભ્યો વિરોધમાં રહ્યા. કોંગ્રેસના સભ્યો ઉપરાંત ચાર ઍંગ્લો-ઇંડિયનો, બે કમ્યુનિસ્ટો અને એક ભારતીય ખ્રિસ્તી તેમ જ હિન્દુ મહાસભાના ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીએ કોંગ્રેસની સાથે મત આપ્યો. યુરોપિયન સભ્યો તટસ્થ રહ્યા. મુસ્લિમ સભ્યોએ બંગાળના ભાગલાની વિરુદ્ધ અને મુસ્લિમ બહુમતી પ્રાંત તરીકે આખા બંગાળને પાકિસ્તાનની બંધારણ સભામાં સામેલ કરવા માટે મત આપ્યો.

પંજાબ ઍસેમ્બ્લીમાં પશ્ચિમ અને પૂર્વ પંજાબના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક મળી. ૯૧ સભ્યોએ નવી બંધારણ સભા માટે અને ૭૭ સભ્યોએ હાલની બંધારણ સભા માટે મત આપ્યા. નવી બંધારણ સભા માટે મત આપનારામાં ૮૮ મુસ્લિમ સભ્યો, બે ઍમ્ગ્લો-ઇંડિયનો અને એક ભારતીય ખ્રિસ્તી હતા. હાલની બંધારણસભામાં પંજાબ પ્રાંતને રાખવાની તરફેણ કરનારામાં હિન્દુઓ, શીખો અને શિડ્યૂલ્ડ કાસ્ટના સભ્યો હતા.

આવતા અંકમાં વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનની વાત.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Jan-June 1947 Vol. 1

%d bloggers like this: