“Co-existence with India”

પાકિસ્તાન સામેનો પડકારઃ ભારત સાથે કેમ રહેવું

પાકિસ્તાનના અખબાર ‘ડૉન’ ના ઇંટરનેટ પરના બ્લૉગમાં પાંચમી તારીખે એક વાંચવા લાયક લેખ પ્રકાશિત થયો છે. શ્રી મુબારક હૈદરના આ લેખનું શીર્ષક છેઃ Co-existence with India. એમાં પાકિસ્તાનનું સર્જન, એનાં કારણો, પશ્ચાદ્‍ભૂમિકા, આજની સ્થિતિ વગેરેની ચર્ચા કરી છે. ત્રણ ભાગમાં પ્રકાશિત થનારી લેખમાળામાં આ  પહેલો લેખ છે.  

http://dawn.com/2013/02/05/coexistence-with-india/ પર આ લેખ મળશે; જરૂર વાંચશો. અહીં તો હું એનો સાર જ આપી શકું.

પહેલાં તો લેખની પશ્ચાદ્‍ભૂ જોઈએ.  પાકિસ્તાને હાલમાં જ એનો નવો આર્મી ડોક્ટ્રીન, એટલે કે નવો લશ્કરી સિદ્ધાંત જાહેર કર્યો છે. દરેક દેશના સૈન્યનો એક ઉદ્દેશ હોય છે અને એ ઉદ્દેશની પૂર્તિ માટે એ કામ કરે છે. આ નવા સિદ્ધાંત પ્રમાણે  હવે પાકિસ્તાન ભારતને દુશ્મન નં. ૧ નથી માનતું. હવે એ કહે છે કે દુશ્મન દેશની અંદર જ છે. પાકિસ્તાનના સૈનિક સત્તાવાળા હવે માને છે કે દેશના ઉત્તર-વાયવ્ય્ના બલૂચિસ્તાન પ્રાંતમાંથી દેશની સામે મુખ્ય પડકાર ઊભો થયો છે.

લેખક મુબારક હૈદર આ નવા સિદ્ધાંતનું સ્વાગત કરતાં કહે છે કે એ બન્ને દેશોના સંબંધોમાં નવો વળાંક પૂરવાર થાય એ શક્ય છે. પરંતુ, માત્ર ઉત્તર-પશ્ચિમમાંથી જ ખતરો પેદા થયો હોય એવું નથી. નથી. ખરો ખતરો તો  ઉત્તર-પશ્ચિમમાં જે પ્રકારના નૉન-સ્ટેટ ઍક્ટર્સ, એટલે કે રાજ્યસત્તા સિવાયનાં અનિયંત્રિત તત્વો પેદા થયાં તેના માટે જવાબદાર મનાય એવી માનસિકતામાંથી જ પાકિસ્તાન સામે ખતરો ઊભો થાય છે. આ માનસિકતા બદલાશે નહીં તો ભવિષ્યમાં પણ આવાં તત્વો ઊભાં થતાં રહેશે. હૈદર કહે છે કે  “આપણા ઇતિહાસની હકીકતો અને ઘટનાઓએ દેખાડી આપ્યું છે કે  પોતાની જાતને અતિશય પ્રેમ કરવાની, પોતાને જ સાચા માનવાની માનસિક બીમારીને કારણે સેંકડો કરુણ સ્થિતિઓનું નિર્માણ થાય છે અને અંતે સમાજ બધું ભય અને શંકાની નજરે મૂલવતો થઈ જાય છે અને પોતાને જ ઈજા પહોંચાડે છે.” આ માનસિક સ્થિતિ એટલે  એક જાતની એવી નજર કે જેમાં બીજા બધાને માણસ દુશ્મન માને છે. હવે જે લોકો માત્ર પાકિસ્તાનની જ નહીં આખા ઉપમહાદ્વીપની શાંતિ માટે ખતરા રૂપ છે તેમની સામે લડવાનું જરૂરી લાગે છે, “પણ એક રાષ્ટ્ર તરીકે આપણે ટકી રહેવું હશે તો એમને પેદા કરનારી માનસિકતાની સામે લડવું પડશે.”

મુબારક હૈદર હવે આ માનસિકતાનાં કારણોની તપાસ કરતાં કહે છે કે કમનસીબે, આપણો દુશ્મન આપણી ૧૯૪૭ના દિવસોની મહેચ્છાઓમાંથી જન્મ્યો છે. આ રાક્ષસનું પેટ આપણા શાસકો દાયકાઓ સુધી શી રીતે ભરતા રહ્યા તે સમજવાનું અગત્યનું છે. આપણે પ્રજા તરીકે ટકી રહેવું હોય અને વિકાસ સાધવો હોય તો એ સમજવાનું બહુ જરૂરી છે. ૧૯૪૭માં ભારતથી અલગ થઈ જવાની માગણી કરનારા વર્ગમાં એ જ લોકો હતા, જે ભારત પર જુદા જુદા મુસ્લિમ અમલ દરમિયાન શાસન કરતા હતા. એમાં જમીનદારો, પીરો અને ઉલેમાઓ (ધર્મગુરુઓ) હતા. એમને અંગ્રેજો સામે હાર ખમવી પડી, પરંતુ એમણે ભારત પરનો પોતાનો દાવો કદી છોડ્યો નહીં. કેટલાક મુસ્લિમો અંગ્રેજ હકુમતમાં સનદી અધિકારીઓ હતા, કેટલાયે લશ્કરમાં ઉચ્ચ હોદા પર હતા. એ લોકો પણ પાકિસ્તાનની માંગમાં જોડાયા. આ જૂથો સંખ્યાની દૃષ્ટિએ લઘુમતીમાં હતાં એટલે લોકશાહી વ્યવસ્થા હેઠળ ભારતની સમગ્ર પ્રજાને નિયંત્રણમાં રાખી શકે એમ નહોતાં એટલે એમણે અલગ રાજ્યની એમની માગણીને ટેકો આપવા સામાન્ય મુસલમાન જનતાને ભડકાવી. આના માટે એમણે એમની ધાર્મિક ગર્વને પંપાળ્યો અને બીક દેખાડી કે એમના પર દમન થશે.

ધર્મ એક વસ્તુ છે અને ઘર્મ પાળતા હોવાનો દાવો કરવો એ જુદી વસ્તુ છે. મધ્યયુગના સમગ્ર શાસક વર્ગની જેમ ભારતના મુસ્લિમ શાસકો વ્યવહારૂ બુદ્ધિવાળા દુનિયાદાર હતા. તેઓ કહેતા કે તેઓ ઇસ્લામમાં માને છે, પણ એ તો ધર્મગુરુઓનો ટેકો મેળવવા માટે કહેતા હતા. ધર્મગુરુઓ પણ એમના જેવા જ સ્વાર્થી  હતા.  ધર્મમાં આસ્થા રાખનારી ભોળી પ્રજા પર આ બે વર્ગો હંમેશાં શાસન કરતા રહ્યા છે, પછી એ જોડી ભારતમાં બ્રાહ્મણો અને ક્ષત્રીયોની હોય કે આરબ દેશોમાં ખલીફા અને ઉલેમાઓની હોય અથવા ખ્રિસ્તી જગતમાં રાજા અને પુરોહિતોની હોય. આ જ કારણસર શાહ વલીઉલ્લાહ જેવા મૌલવીએ અબ્દાલીને નોતર્યો અને આ જ રીતે સાઉદી અરેબિયામાં સાઉદ પરિવારના હાથમાં સત્તા આવી. પાકિસ્તાન પણ લગભગ આજ રીતે બન્યું, એમાં કાયદે આઝમ માત્ર વિચક્ષણ વકીલ હતા એમ લાગે છે, કેમ કે પાકિસ્તાન બનવાની સાથે એમને કોરાને મૂકી દેવાયા.

આઝાદી પછી ભારતના નેતાઓએ ધર્મ પર નહીં લોકશાહી પર આધાર રાખ્યો અને ભારતાના સૈન્યે પણ નાગરિક સત્તા સમક્ષ પોતાનું ગૌણ સ્થાન સ્વીકાર્યું પરંતુ પાકિસ્તાનમાં તો ધર્મગુરુઓ અને લશ્કરે એકબીજાને ટેકો આપવાનું નક્કી કર્યું અને સત્તામાં ભાગ માગ્યો. કાશ્મીર સમસ્યા કાયમ માટે ધાર્મિક લાગણીઓને ઉત્તેજિત રાખવાના સાધન તરીકે જ જીવતી રહી. આ સમસ્યાના નિરાકરણ માટે ડિપ્લોમૅસીના આધુનિક સાધનનો કદીયે ઉપયોગ ન કરાયો અને આપણી ધાર્મિક પિછાણની સામે ઉદારમતવાદી લોકશાહી ભારતને હંમેશાં દુનિયામાં મિત્રો મળતા રહ્યા. લોકોને માત્ર એક જ તાલીમ અપાઈ – ઇસ્લામની તકાતથી ભારતનો મુકાબલો કરો. આને કારણે લશ્કરના હાથમાં નિરંકુશ સત્તા આવી અને અંતે અમેરિકાની જ સેવા થઈ. ઇસ્લામના વફાદાર જાંબાજો અમેરિકા દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપી શકે તે માટે લડતા રહ્યા અને પાકિસ્તાનના દરવાજા આખી દુનિયાના જેહાદીઓ માટે ઊઘડી ગયા.

સત્તા પર કબજો જમાવનાર લશ્કર કદી લડાયક ન રહે. એટલે એમણે કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં લડવાનું કામ તકવાદી બિનલશ્કરી માણસોને ‘આઉટસૉર્સ’ કર્યું , એટલે કે રાજ્યસત્તાની બહારના નિરંકુશ માણસોને ભળાવી દીધું અને જનરલ ઝિયાએ આ હિંસાખોર જૂથોને અપરાધ અને માદક દ્રવ્યો દ્વારા પૈસા કમાવાની સગવડ કરી આપી. શક્ય છે કે તેઓ બહુ મોટા આંતરરાષ્ટ્રીય ગ્રાહકના સંપર્કમાં આવ્યા હોય અને એમને જે કિંમત મળી હોય તેટલી તો પાકિસ્તાને ચૂકવી શકે એમ પણ ન હોય. પરિણામે એમના મનમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર સત્તા જમાવવાની મહત્વાકાંક્ષા પેદા થઈ હોય. આપણા સમૃદ્ધ મધ્યમ વર્ગમાં એમના સમર્થકો ઓછા નથી.

આપણા રાજકીય અને લશ્કરી નેતાઓએ જે માનસિકતાને ઉછેરી છે તેમાં આધુનિક રાજતંત્ર પ્રત્યે આદરની ભાવના નથી. આ માનસિકતા માત્ર મૌલાનાઓ અને મુજાહિદો (જેહાદ કરનારાઓ)ની જ વાત માને છે. આપણા બચાવ માટે આપણે દારુણ સંઘર્ષ કરવો પડશે. ( પહેલો ભાગ સમાપ્ત થાય છે. બીજો ભાગ મળશે ત્યારે એ પણ અહીં આપવાનો વિચાર છે).

%d bloggers like this: