India: Slavery and struggle for freedom :: Part 2: Struggle for Freedom – Chapter 13

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ  : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ:   ક્ચ્છના રાવ ભારમલજી બીજાનો કંપની સામે વિદ્રોહ ()

રાવ ભારમલ સાથે સમજૂતી થઈ ગયા પછી તરત કંપનીએ પોતાનું લશ્કર વાગડ મોકલ્યું, ત્યાં બધા બહારવટિયાઓને દબાવી દીધા અને રાવ ભારમલની આણ માનવા ફરજ પાડી. દરેક ખેતર પરનો વેરો પણ નક્કી કર્યો. આમ, ભારમલજી અંજાર સિવાયના કચ્છના નામના રાજા બની રહ્યા.

સિંધના અમીરો કચ્છની ઘટનાઓથી ચોંકી ઊઠ્યા હતા. એમણે રાવનો સંપર્ક કર્યો કે એ અંગ્રેજો સાથેની સંધિ તોડીને એમની સાથે અંગ્રેજ વિરોધી મોરચો બનાવે. પરંતુ, રાવ એના માટે તૈયાર નહોતા કારણ કે કંપનીએ વીસ લાખ રૂપિયાની નુકસાનીનો દાવો અર્ધો કરી નાખ્યો હતો અને એક શરત પ્રમાણે કચ્છે કંપનીને દર વર્ષે બે લાખ કોરી આપવાની હતી તે રકમ પણ માફ કરી દીધી હતી. આમ મહારાવ અંગ્રેજોના ઉપકાર હેઠળ હતા અને એમની સાથેની ગોઠવણ તોડવાનું અશક્ય બની ગયું હતું.

આ બાજુ ભાયાતો જમાદાર ફતેહ મહંમદ પહેલાં એમને જે અધિકારો મળ્યા હતા તે રાજા પાસેથી પાછા મેળવવા માટે સક્રિય બની ગયા હતા. પરંતુ રાજાને નબળો પાડવા માટે અંગ્રેજોની મદદ જરૂરી હતી. કંપનીને ૧૮૧૬ની સંધિથી સંતોષ હતો. ઉપરાંત ભાયાતો ફરી બળવાન બને તો કચ્છના ખૂણે ખૂણે અશાંતિ ફેલાય તો સંભાળવાનું પણ સહેલું નહોતું એટલે અંગ્રેજોએ પોતાના તરફથી ભાયાતોને બહુ ઉત્તેજન તો ન આપ્યું પણ કંપની સાથે સમજૂતી કર્યા પછી મહારાવ ભાયાતોની નજરે ઊતરી ગયા હતા અને રાજાને એમનામાંનો એક,પણ બધાનો પ્રમુખ, માત્ર માનતા હતા.

વળી અંગ્રેજો પણ સિંધના અમીરોની હિલચાલ જોતા હતા. કચ્છને ખાસ દરજ્જો આપવાનું એક કારણ પણ એ જ હતું. બહુ ખેંચે તો તૂટી જાય એવી સ્થિતિમાં એમને રાવ ભારમલજીને ટકાવી રાખવાનું જરૂરી લાગ્યું.

પરંતુ સ્થિતિ બગડતી જ ગઈ. ભારમલજી અને મૅકમર્ડોના સંબંધો બગડતા જ ગયા. મૅકમર્ડો સુંદરજીના દીકરા રતનશી જેતાને મહારાવ મહત્ત્વનો હોદ્દો આપે તેમ ઇચ્છતો હતો પણ મહારાવ એના માટે તૈયાર નહોતા.

ભારમલજી એ સમય સુધી નિઃસંતાન હતા એટલે એમના પછી કોણ, એ સવાલ પણ ઊભો થયા કરતો હતો. જો કે ૧૮૧૬ના ઑગસ્ટમાં રાજાની ઘેર પુત્રજન્મ થતાં આ સવાલ તો ન રહ્યો.

પરંતુ, અંદરથી રાવ હતાશામાં જીવતા હતા. આમાં એમને સારા સલાહકારો પણ ન મળ્યા અને ચારે તરફ એમના સંબંધો વણસતા ગયા. આમાં જ એ દારુની લતે ચડી ગયા. હવે કંપની પણ એમને માનથી જોતી નહોતી. આમાં મૅકમર્ડો સાથેના વિવાદનો પણ ફાળો રહ્યો.

પરંતુ એમનું એક કૃત્ય સૌથી વધારે ભારે પડ્યું. એમના ભોગવિલાસના સાથી અને ભાઈ લધોભાનું ખૂન થઈ ગયું.ઇતિહાસ આના માટે ભારમલજીને જવાબદાર માને છે. પણ એની વિધવાને એમણે કષ્ટ આપ્યું. લધોભાની પત્ની કાઠિયાવાડના એક જાગીરદારની દીકરી હતી બાપે અંગ્રેજોને ફરિયાદ કરી. આ પહેલાં લધોભાની નવજાત બાળકીઓને દૂધપીતી કરી દીધી હતી તે વાત પણ અંગ્રેજો સુધી પહોંચી.

મૅકમર્ડોએ રાજાને તો કહ્યું જ પણ બીજા ભાયાતોને પણ વિધવા તરફથી વચ્ચે પડવા કહ્યું. ભાયાતોને તો ભાવતું’તું તે વૈદે બતાવ્યા જેવું થયું. મહારાવ માટે રહ્યુંસહ્યું માન હતું તે પણ ન રહ્યું.

હવે ભારમલજીને મૅકમર્ડો દીઠો નહોતો ગમતો. એક વાર દારુના નશામાં એમણે કહી દીધું કે મૅકમર્ડોને તો એ અંજારથી ભગાડશે. મૅકમર્ડો સાહસ કરીને રાજાને ચેતવવા ભુજ આવ્યો પણ એને મળવાનું હોય ત્યારે રાવ હંમેશાં દારુના નશામાં જ હોય!

પરંતુ હવે ગાડી ઊલટી દિશામાં ચાલવા લાગી હતી. અંગ્રેજોભવે ભાયાતોને મહત્ત્વ આપવા લાગ્યા હતા. એવામાં એક એવો બનાવ બન્યો જેને કંપનીએ ઊંટની પીઠ પર છેલ્લા તરણા જેવો માન્યો. આડેસરનો જાગીરદાર રાજ્યની લેણી રકમની પતાવટ માટે મૅકમર્ડોને મળવા અંજાર ગયો હતો ત્યારે જ ભારમલજીએ આડેસર પર હુમલો કર્યો.

હવે કંપની સરકારે ભારમલજીને હટાવવાનો નિર્ણય કરી લીધો.જાડેજા ભાયાતો રાજાની વિરુદ્ધ કંપનીને બધી મદદ આપવા તૈયાર હતા.

બરાબર આ જ ટાંકણે મહારાવ જીવલેણ બીમારીમાં સપડાયા. એમના સલાહકારો અણઘડ અને તુંડમિજાજી હ્તા. હવે આખો વહીવટ એમના હાથમાં આવી ગયો. ભુજની ભાગોળે બ્રિટિશ અને કચ્છી દળોએ પડાવ નાખ્યો ત્યારે શાણપણથી કામ લેવાને બદલે એમણે લડવાનો માર્ગ પસંદ કર્યો. રાવને તાબે થવાનો સંદેશ મળ્યો પણ એમણે એ નકારી કાઢ્યું. હવે બ્રિટિશ અને ભાયાતોના સૈનિકો ભુજિયા ડૂંગર પર ચડી ગયા. હવ્ર મહરાવે જાનહાનિ ન થાય તે માટે તાબે થઈ જવાનું કબૂલ્યું. એમની હાલત એટલી ખરાબ હતી કે બોલી શકાતું નહોતું. કંપનીએ એમનું વ્યક્તિગત અપમાન તો ન કર્યુ પણ એમને ચોકી પહેરા નીચે રાખ્યા. ત્રણ દિવસ પછી બ્રિટિશ સરકારના ફરમાન પ્રમાણેરેસિડન્ટ એજન્ટે રાવ ભારમલજી બીજાને ગાદીએથી ઉતારી મૂક્યા.

ભાયાતો પણ આ નવી પરિસ્થિતિ માટે તૈયાર નહોતા.એમને રાજા પાસે ચાલી ગયેલી એમની સત્તાઓ જોઈતી હતી. રાજા નબળો હોય તેમાં એમને રસ હતો પણ રાજા હોય જ નહીં એ સ્થિતિ માટે એ તૈયાર નહોતા. એમને હતું કે રાજ્ય ભલે રાજાના નામે ચાલતું રહે, માત્ર એમની શેહ વધવી જોઈએ.

કંપનીએ ભારમલજીની જગ્યાએ નવો રાજા ‘ ચૂંટવા’ માટે ભાયાતોને કહ્યું ત્યારે એ ડઘાઈ ગયા. રાજાને ચૂંટાય કેમ? એ તો વારસાગત જ રાજા બને. અંતે એમણે ભારમલજીના એકાદ વર્ષના કુંવર દેશળજીની રાજા તરીકે ચૂંટણી કરી!

કચ્છના વિદ્રોહનો આ સાથે અંત આવ્યો. રાવ ભારમલજી માટે એટલું તો કહેવું જ પડશે કે કચ્છના સાર્વભૌમત્વ સાથે કોઈ જાતનાં ચેડાં એમને મંજૂર નહોતાં અને હાર્યા ખરા પણ મનથી એ કદીયે અંગ્રેજો સાથે બાંધછોડ કરવા તૈયાર ન થયા તે છેક સુધી ન થયા. ૧૮૫૭ના સંગ્રામમાં રાજાઓની ભૂમિકા મહત્ત્વની રહી પણ એની શરૂઆત તો ક્ચ્છે કરી.

OOO

સંદર્ભઃ The Black Hills by Rushbrook Williams, 1958 ( ઇંટરનેટ પર ઉપલબ્ધ)

Science Samachar 54

(૧) અમેરિકા જઈને માણસ તો ઠીક, એના આંતરડાના બૅક્ટેરિયા પણ ‘વેસ્ટર્નાઇઝ્ડ’ બની જાય છે!

માણસ અમેરિકા જાય ત્યારે દેશમાં સગાંવહાલાં કહે છે કે એ તો સાવ જ અમેરિકન બની ગયો! સાચી વાત છે. અરે, એના આંતરડાનાં બૅક્ટેરિયા અથવા માઇક્રોબાયોમ પણ અમેરિકન બની જાય છે.

મિનેસોટા યુનિવર્સિટી અને અગ્નિ એશિયાના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે અગ્નિ એશિયાના દેશોમાંથી આવેલા સ્થળાંતરીઓનાં આંતરડાંમાં માઇક્રોબની વિવિધતા હોય છે તે અમેરિકા આવ્યા પછી ઘટી જાય છે. એ કારણે એ લોકો જાડા થઈ જાય છે અને બીજી બીમારીઓ પણ લાગુ પડે છે. વિકાસશીલ દેશોના લોકો કરતાં અમેરિકનોનાં આંતરડાંમાં જૈવિક વૈવિધ્ય ઓછું હોય છે.

મિનેસોટામાં ખ્મોંગ અને કારેન જાતિના લોકો થાઇલૅન્ડથી જઈને મોટી સંખ્યામાં વસ્યા છે. એ મૂળ તો ચીન અને મ્યાંમારના. એમના સહકારથી આ સંશોધન કરવામાં આવ્યું. અહીં ગ્રાફમાં દેખાડ્યું છે તેમ અમેરિકા આવ્યા ત્યારે એ સામાન્ય બાંધાના હતા પણ અમેરિકા આવ્યા પછી એમનામાં જાડા થવાનાં લક્ષણો દેખાવા લાગ્યાં છે. એ જ રીતે આંતરડામાં જે માઇક્રોબ હતાં એ પણ સંખ્યામાં અને વિવિધતામાં ઓછાં થતાં ગયાં છે. એમણે આ સરખામણી નવા આવેલા ૧૯ સ્થળાંતરીઓમાં કરી અને છથી નવ મહિનામાં થયેલા ફેરફારની નોંધ લીધી. પહેલા છ મહિનામાં ફેરફાર ઝડપથી થયા અને પશ્ચિમી માઇક્રોબે એશિયન માઇક્રોબનો ખુરદો બોલાવી નાખ્યો.

બાળકોમાં આ ફેરફાર બહુ તીવ્ર હતો. એનું કારણ સ્પષ્ટ નથી પણ સંશોધકો માને છે કે સંપૂર્ણ અમેરિકી માહૌલમાં ઉછેર થવાને કારણે બાળકોનાં આંતરડાં જલદી અમેરિકન બની ગયાં.

=-=-=-=

સંદર્ભઃ https://www.google.com/url?q=https://www.sciencedaily.com/releases/2018/11/181101133936.htm&source=gmail&ust=1543851101039000&usg=AFQjCNFM56m6HwgT9MVfiYN8Vxgp_GQNRA

૦-૦-૦-૦

(૨) ચીન બનાવે છે નવું ‘લાર્જ હૅડ્રૉન કોલાઇડર’

ચીન દુનિયાનું સૌથી મોટું પાર્ટિકલ સ્મૅશર (કણોને તોડવાનું મશીન) બનાવે છે. આજે સ્વિટ્ઝર્લૅન્ડમાં CERNનું ‘લાર્જ હૅડ્રૉન કોલાઇડર’ (LHC) છે તે આની આગળ બચ્ચું છે. એ ૨૭ કિલોમીટરનું છે, જ્યારે ચીનનું કોલાઇડર ૧૦૦ કિલોમીટરનું હશે. એની પાછળ ૪.૩ અબજ અમેરિકન ડૉલરનો ખર્ચ થશે. એને ‘સરક્યૂલર ઇલેક્ટ્રોન-પોઝિટ્રોન કોલાઇડર’ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ઇલેક્ટ્રોન અને એના ઍન્ટીમૅટર પ્રતિરૂપ પોઝિટ્રોનને અથડાવીને હિગ્સ બોસોન પેદા કરાશે. ૨૦૩૦માં આ LHC કામ કરતું થઈ જશે. એ જમીનની નીચે ૧૦૦ મીટર ઊંડે હશે, જો કે એનું સ્થળ હજી નક્કી નથી થયું.

=-=-=-=

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-07531-6?WT.ec_id=NATURE-20181129&utm_source=nature_etoc&utm_medium=email&utm_campaign=20181129&sap-outbound-id=A6B26C2C3048BEE25EA17AC2D49084DD00BA93A2

૦-૦-૦-૦

(૩) બિગ બૅંગના સમયના તારાઓનું યુગલ

આ તારાઓ જૂઓ.

એ આપણી આકાશગંગાની નજીક છે, પણ એની રચના સૂચવે છે કે એ બહુ જૂના તારા છે. એ સાડાદસ અબજ વર્ષ પહેલાં બન્યા હોવાનું મનાય છે, એટલે કે બિગ બૅંગ પછીની પહેલી પેઢીના તારા છે. એ વખતે બનેલા તારાઓમાં હાઇડ્રોજન, હિલિયમ અને થોડું લિથિયમ જ હોઈ શકે, કારણ કે ધાતુઓ એટલે કે બીજાં ભારે તત્ત્વો તે પછી બન્યાં. બન્ને તારા કોઈ બિંદુની આસપાસ પરિક્રમા કરે છે. એમાં ધાતુનો તદ્દન અભાવ છે એટલે એ બિગ બૅંગ પછી તરત બન્યા હોવા જોઈએ એમ જ્‍હોન હૉપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો માને છે.

પહેલાં ખગોળ વૈજ્ઞાનિકોની કોઈ બીજી એક ટીમે પહેલાં વધારે તેજસ્વી તારો (મુખ્ય તારો) શોધ્યો. તે પછી આ યુગલ તારો છે એવું બીજી ટીમે શોધ્યું.. એને જોવા મળેલો તારો (સાથી તારો) થોડો ઝાંખો છે. મુખ્ય તારો પરિક્રમા કરતાં થોદો ડગમગતો હતો એટલે લાગ્યું કે એના પર ગુરુત્વાકર્ષણની અસર થતી હશે. આમાં જ બીજો તારો શોધાયો અને પછી મુખ્ય તારાના પ્રકાશનો અભ્યાસ કરીને એની રચનાનું રહસ્ય ઉકેલવામાં આવ્યું. પ્રકાશમાં કાળી લાઇનો હોય, અથવા ન હોય, એના પરથી એની સંરચનામાં ધાતુ છે કે નહીં તે નક્કી થાય છે.

પહેલાં એમ માનવામાં આવતું કે બિગ બૅંગ વખતે બનેલા તારાઓનું અસ્તિત્વ જ નહીં હોય કેમ કે એમનું ઈંધણ તો તરત બળી ગયું હોય. પરંતુ હવે સમજાય છે કે આવા તારાઓ હજી પણ છે. આ તારાને વૈજ્ઞાનિકોએ 2MASS J18082002–5104378 B નામ આપ્યું છે.

=-=-=-=

સંદર્ભઃ https://hub.jhu.edu/2018/11/05/scientists-find-star-with-big-bang-origins/

૦-૦-૦-૦

(૪) પૂર્વ એશિયામાં મળ્યો ૩૧૦૦ વર્ષ જૂનો ડેરી વ્યવસાયનો પુરાવો

મોંગોલિયામાં પુરાતત્ત્વશાસ્ત્રીઓએ જૂનાં હાડપિંજરોના દાંતનો અભ્યાસ કરીને એમાં દૂધની પેદાશોના ઈસુ પૂર્વે ૧૩૦૦ વર્ષ જૂના સંકેત મેળવ્યા છે. આનો અર્થ એ કે મોગોલિયામાં આજથી ૩૧૦૦ વર્ષ પહેલાં મોટા પાયે પશુપાલન થતું. બીજા સંકેતો પરથી એવું તારણ નીકળે છે કે વસ્તીના સ્થળાંતરને કારણે નહીં પરંતુ પૂર્વ સ્ટેપ (steppe)ના જંગલવાસીઓ સાથેના સાંસ્કૃતિક આદાનપ્રદાન દ્વારા મોંગોલિયામાં દૂધનો વ્યવસાય પહોંચ્યો. પરંતુ એ લોકો બકરી અને ઘેટાંનું દૂધ લેતા. આ પશુઓ મૂળ મોંગોલિયાનાં કે પૂર્વ સ્ટેપનાં નથી પણ પશ્ચિમી સ્ટેપમાંથી આવ્યાં.

આ પશુપાલકો પાછળથી એશિયા અને યુરોપમાં પણ ફેલાયા. સંશોધકોએ છ જુદી જુદી જગ્યાએથી ૨૨ ૧૩૦૦થી ૯૦૦ વર્ષ જૂનાં હાડપિંજરોની તપાસ કરીને આ તારણ કાઢ્યું છે.

=-=-=-=

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/11/181105160857.htm

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 12

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ  : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ:   ક્ચ્છના રાવ ભારમલજી બીજાનો કંપની સામે વિદ્રોહ ()

જમાદાર ફતેહ મહંમદના બે પુત્રો હુસેન મિયાં અને ઇબ્રાહિમ મિયાંના હાથમાં હવે બધી સત્તા અને સંપત્તિ આવી. ફતેહ મહંમદને એના જીવનના અંતિમ દાયકામાં એમના બ્રાહ્મણ સાથી જગજીવન મહેતા પર બહુ ભરોસો હતો, એમાં હુસેન મિયાંને તો નહીં પણ નાના ભાઈ ઇબ્રાહિમ મિયાંને વાંધો હતો. એણે જગજીવન મહેતાને મારી નાખવાનું કાવતરું ઘડ્યું પણ આરબ અંગરક્ષકોએ મહેતાને બચાવી લીધો. આમ કચ્છના ઇતિહાસમાં હિન્દુઓ અને મુસલમાનો વહેંચાઈ ગયા.

આમ, કચ્છનું કંઈ થાળે પડતું નજરે ચડતું નહોતું એટલે કંપનીની અકળામણ વધતી જતી હતી. પરંતુ કરવું શું? ફતેહ મહંમદ તો હતો નહીં. અંતે એમણે હુસેન મિયાંને બહુ જ વિવેકભર્યો પત્ર લખીને પોતાના પ્રતિનિધિ રાઘોબા અપ્પાને ભુજ મોકલવાની દરખાસ્ત મૂકી. હુસેન મિયાંએ હા પાડી અને રાઘોબા ભુજ આવ્યો. હુસેન મિયાંએ એને સારો આવકાર આપ્યો.પરંતુ, એના ભાઈ ઇબ્રાહિમ મિયાં અને મુંદ્રાના મહંમદ મિયાંને એ પસંદ ન આવ્યું. એમણે રાઘોબા સામે વાંધો લીધો. મૅકમર્ડોને ભુજ આવવા દેવાની રાઘોબાની વિનંતિ પણ હુસેને સ્વીકારી લીધી. હવે ઇબ્રાહિમ અને મુંદ્રાના મહંમદ મિયાં સાથે મળી ગયા. એમણે અંજાર પર કબજો કરી લીધો, ડોસલવેણને માંડવીમાં શિવરાજ સામે મોકલ્યો. બીજી બાજુ, બહારવટિયાઓને રોકવાની મહેનત કોઈ કરતું નહોતું. કંપની હવે તદ્દ્ન નિરાશ થઈ ગઈ હતી. એણે ફરી હુઝસેન મિયાંને પત્ર લખીને ચેતવણી આપી કે કચ્છનું રાજ્ય બહારવટિયાઓને રોકશે નહીં તો કંપની કચ્છમાં આવીને જાતે એમનો ઉપાય કરશે. કંપનીએ ધમકી આપી કે આમાં જે કંઈ ખર્ચ થશે તે કચ્છ પાસેથી વસૂલ કરાશે અથવા નવાનગર કચ્છને જે ખંડણી આપે છે તે કંપની લઈ લેશે.

આ ધમકીની અસર અવળી થઈ. કચ્છના સ્વાભિમાનને હજી કંપની સમજી નહોતી. કચ્છનું સ્વમાન ઘવાયું અને બધા જ મતભેદો ભૂલીને કચ્છીઓ એક થઈ ગયા. અધૂરામાં પૂરું, કંપનીએ પોતે જ આ ધમકીનો અમલ ન કર્યો. મૅકમર્ડો કચ્છીઓના આત્મસન્માનને સમજતો હતો એટલે એણે એવો રસ્તો દેખાડ્યો હતો કે સાપ પણ ન મરે અને લાઠી પણ ન ભાંગે. કંપનીએ એની સલાહ ન માની અને પોલી ધમકીનો રસ્તો લીધો. જગજીવન મહેતા કંપની સાથે સારા સંબંધ રાખવામાં માનતો હતો, ઈબ્રાહિમ મિયાંને બહાનું મળી ગયું અને એણે જગજીવન મહેતાને મરાવી નાખ્યો.

પરંતુ, મહેતાના ખૂનના છાંટા ચારે બાજુ ઊડ્યા. માંડવીથી શિવરાજ પાટનગર ભુજના રાજકારણમાં ભાગ ભજવવા લાવલશ્કર સાથે આવ્યો.

દરમિયાન, કોઈ મારવાડી સૈનિકે ઇબ્રાહિમ મિયાંની હત્યા કરી નાખી. ભાઈની હત્યાનો બદલો લેવા ભુજમાં હુસેન મિયાંએ બધા મારવાડી સૈનિકોને મારી નાખ્યા અથવા કેદ કરી લીધા. આમ શિવરાજ આવ્યો ત્યારે એની પાસે આરબ અંગરક્ષકો સિવાય કોઈ નહોતું. જીવ બચાવવા એણે ભુજ છોડી દેવાનું વચન આપ્યું.

૧૮૧૫ના જાન્યુઆરીમાં ભારમલજીએ રીતસર વહીવટ સંભાળી લીધો. એમની આસપાસ એકઠી થયેલી મંડળીથી કંટાળ્યા હતા એટલે એમણે શિવરાજને સાથ આપ્યો. શિવરાજ અને એની સાથેના આસકરણ શેઠને એમણે દીવાન બનાવી દીધા.

ભારમલજી ઈસ્ટ ઇંડિયા કંપની સામે નમતું મૂકવા તૈયાર નહોતા, પરંતુ કંપની સાથે છેડછાડ કરવા પણ નહોતા માગતા.એમણે કંપનીને કહ્યું કે રાઘોબા અપ્પાને પાછો બોલાવી લો અને એની જગ્યાએ સુંદરજીને મૂકો. કંપનીએ એની ના પાડી; એટલે ભારમલજીએ રાઘોબાને પોતે જ કાઢી મૂક્યો.

આમ છતાં ભારમલજીને રાજકાજનો બહુ અનુભવ નહોતો એટલે એમણે બીજી કેટલીક ભૂલો કરી જેને કારણે અંગ્રેજોને સીધો હસ્તક્ષેપ કરવાનું સહેલું થઈ ગયું.

એક તો રાવ રાયધણનાં કારસ્તાનો પછી ભાયાતોમાં રાજા પ્રત્યે માન નહોતું રહ્યું. જમાદાર ફતેહ મહંમદ રાવ રાયધણ અને ભાઈજી બાવાને વફાદાર રહ્યો. રાયધણે તો એના પર પણ હુમલો કર્યો હતો પણ જમાદારે એને રાજાના અંગત સ્વભાવનું પરિણામ માન્યો, એની કેન્દ્રીય સત્તા માટેની વફાદારી ઓછી નહોતી થઈ.

કચ્છના રાજ્યની કેન્દ્રીય સત્તાને મજબૂત બનાવવા માટે એણે જે પગલાં લીધાં તેથી નાનામોટા ભાયાતો નારાજ થયેલા હતા. હવે ભાયાતો રાજાની સત્તાને નિયંત્રણમાં રાખવા કટિબદ્ધ હતા.

ભારમલજી આ ન સમજ્યા અને ભાયાતોને દબાવવા મથ્યા. એમણે આસંબિયાના જાગીરદારને ખુવાર કરી નાખ્યો. બધા ભાયાતોમાં આનો પડઘો પડ્યો. અંતે કંપનીએ ખરેખર લશ્કરી કાર્યવાહી કરી ત્યારે ભાયાતોને પણ મોકો મળી ગયો.

૧૮૧૫ના ઑગસ્ટમાં કાઠિયાવાડમાં જોડિયા તરફ કંપની અને ગાયકવાડી ફોજ નીકળી પડી. જોડિયાએ નવાનગરના જામ સાહેબની આણ માનવાનો ઇનકાર કરી દીધો હતો. કંપની જોડિયાને ફરી જામસાહેબની સેવામાં હાજર કરવા માગતી હતી.

કચ્છમાંથી શિવરાજે જોડિયાનો પક્ષ લેવાનું નક્કી કર્યું અને એને હથિયારો અને દારુગોળો આપીને મદદ કરી. એટલું જ નહીં બહારવટિયાઓએ એ જ અરસામાં એક ગામે મૅકમર્ડોના કૅમ્પ પર હુમલો કર્યો હતો.

જોડિયા તો ચપટીમાં ચોળાઈ ગયું. રાવ ભારમલજી હવે ચોંક્યા. લડાઈની એમની ઇચ્છા નહોતી એટલે એ વાગડ ગયા અને કંપનીને સંતોષ થાય તે માટે ડાકુઓને કચડી નાખવાનો ગંભીર પ્રયત્ન કર્યો.

બીજી બાજુ, કંપનીએ મહારાવ સાથે આરપારનો ખેલ ખેલી લેવાનું નક્કી કરી લીધું હતું.જોડિયામાં લશ્કર તો તૈયાર જ હતું.

૧૮૧૫ના નવેમ્બરમાં કંપનીએ રાવ ભારમલજીને પત્ર લખીને ચેતવણી આપી કે વાગડના ડાકુઓએ કરેલી નુકસાની મહારાવ ભરપાઈ નહીં કરે તો લશ્કર ચડાઈ કરશે. ભારમલજીએ કૅપ્ટન મૅકમર્ડો પાસે પોતાનો પ્રતિનિધિ નહોતો મોકલ્યો અને ઉલ્ટું કંપનીના,એજન્ટ રાઘોબાની હકાલપટ્ટી કરી હતી. કંપનીએ આ સવાલો પણ ઊભા કર્યા.

ભારમલજીએ આનો કોઈ ચોખ્ખો જવાબ ન આપ્યો, માત્ર કંપની સાથે સારા સંબંધો રાખવાની ઇચ્છા જાહેર કરી.કંપની માટે આ પૂરતું નહોતું.

૧૮૧૫ની ૧૪મી ડિસેમ્બરે કર્નલ ઈસ્ટની આગેવાની નીચે બ્રિટિશ અને ગાયકવાડી ફોજે રણ પાર કર્યું. મૅકમર્ડો લશ્કર સાથે રાજકીય સલાહકાર તરીકે હતો. એણે માંડવી અને મુંદ્રાના હાકેમોને પત્રો લખીને કહ્યું કે કંપની કચ્છના વહીવટમાં માથું મારવા નથી માગતી, માત્ર કચ્છના માણસોએ એનું નુકસાન કર્યું છે તે જ વસૂલ કરવું છે. એ રાવના વિરોધી બેચાર ભાયાતોને પણ જાણતો હતો. મૅકમર્ડોએ એમને પણ આવી જ જાણ કરી દીધી.

મુંબઈ સરકાર માનતી હતી કે રૈયત ભારમલજીને નહોતી માનતી અને લધોભાને સાચો વારસ માનતી હતી. પણ ભારમલજીના વિરોધીઓમાં પણ એવો કોઈ ખ્યાલ નહોતો. કંપની સરકાર ભારમલજીને ગાદીએથી ઉતારી દેવા માગતી હતી એટલે લશ્કર ભુજને નુશાન બનાવવા માગતું હતું.

પરંતુ હજી ભુજ દૂર હતું અને ભીમાસર સુધી જ પહોંચ્યું હતું.રસ્તામાં અંજાર પડતું હતું કર્નલ ઈસ્ટ અંજાર પાસે આવ્યો ત્યારે એને ખબર પડી કે હુસેન મિયાંના માણસોએ કૂવાઓમાં ઝેર નાખી દીધું છે. કર્નલ ઈસ્ટ સમજી ગયો કે આગળ વધવું સહેલું નથી. એણે પાછળ કાઠિયાવાડમાં સંદેશ મોકલાવીને વધારે કુમક અને સરસામાન મોકલવા તૈયાર રહેવા કહી દીધું.

હવે એણે હુસેન મિયાંને અંજાર અને તૂણા બંદરનો કબજો સોંપી દેવા કહ્યું. હુસેન મિયાંએ તાબે થવાની ના પાડી દીધી.

૨૫મી ડિસેમ્બરની સવારે કંપનીની તોપો ગરજી, અંજારના ગઢમાં મોટું ગાબડું પડી ગયું. આ હુમલા પછી રાવ ભારમલજી, શિવરાજ અને મહંમદ મિયાંએ મૅકમર્ડોને સમાધાન માટે પત્રો મોકલ્યા.

પરંતુ લશ્કરની ભુજ તરફની કૂચ અટકી નહીં. લાખોંદ પાસે રાવ ભારમલ ગયા અને સંધિ કરી. એમણે વાગડના લૂંટારાઓએ જે કંઇ નુકસાન કર્યું હોય કે ભવિષ્યમાં કરે તો તે ભરપાઈ કરી દેવાનું વચન આપ્યું.બીજી શરત એ હતી કે રાવ પોતાના અંગત ચારસો અંગરક્ષમો સિવાય બીજા આરબોને રાખી નહીં શકે. બ્રિટિશ એજન્ટ ભુજમાં રહેશે. અંજાર મૅકમર્ડોના હાથમાં રહેશે. કંપની બદલામાં કચ્છના વહીવટમાં માથું નહીં મારે.

જો કે કંપની કચ્છનું મહત્ત્વ સમજી હતી કારણ કે પાડોશમાં સિંધ હતું, અને એના અમીરો સાથે કંપનીના સંબંધોમાં શાતિ નહોતી એટલે બીજા પ્રદેશો કબજે કરતી વખતે કંપની એમની નાલેશી કરતી તેને બદલે કચ્છ સાથે થોડીઘણી બરાબરી રાખી.

પણ ખરેખર એવું હતું? ભારમલજીનું શું થયું? કંપનીએ શું કર્યું?

આ સવાલો આવતા અંકે.


સંદર્ભઃ The Black Hills by Rushbrook Williams, 1958.(ઇંટરનેટ પર ઉપલબ્ધ).

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom Chapter 11

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ  : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ: ૧૧  ક્ચ્છના રાવ ભારમલજી બીજાનો કંપની સામે વિદ્રોહ ()

૧૯મી સદીનાં પહેલાં દસ વર્ષ દરમિયાન બહારવટિયાઓ વાગડમાંથી જઈને કાઠિયાવાડમાં ધાડ માર્યા કરતા. આ એક માથાનો દુખાવો હતો. અધૂરામાં પૂરું, માંડવી જેવા ધીકતા અને સમૃદ્ધ બંદરેથી ચાંચિયાઓ પણ લૂંટફાટ માટે નીકળી પડતા. કંપનીનાં જહાજો વેપાર માટે આવતાં પણ લુંટાઈને પાછાં જતાં. આ સમસ્યા તો હતી જ, પણ કચ્છ અને નવાનગર વચ્ચે પણ અણબનાવ હતો અને જમાદાર ફતેહ મહંમદના સમયમાં ક્ચ્છે નવાનગર પર ખંડણી વસૂલ કરવા માટે ચડાઈ પણ કરી હતી.

ઈસ્ટ ઇંડિયા કંપની માટે આ બન્ને બિનસત્તાવાર અ્ને સત્તાવાર હુમલા હતા. બહારવટિયા તો કાઠિયાવાડમાં પણ હતા, પરંતુ કંપની એમની સામે પગલાં લઈ શકતી હતી. કચ્છ એના અધિકારની બહાર હતું. એ જાણે ઓછું પડતું હોય તેમ માંડવીવાળાઓએ વેપારી જહાજો પર આકરો કસ્ટમ વેરો લાગુ કરી દીધો હતો. કંપનીનો વેપાર આમ મોંઘો થવા લાગ્યો હતો.

એક બીજું કારણ પણ હતું, જેને સીધી રીતે કચ્છ સાથે લેવાદેવા નહોતી. ઇંગ્લૅંડ નૅપોલિયન સામે જંગમાં ઊતાર્યું હતું. આ બાજુ હિન્દુસ્તાનમાં ફ્રાન્સની ઈસ્ટ ઇંડિયા કંપનીનો પ્રભાવ લગભગ ધોવાઈ ગયો હતો પણ હજી એના અવશેષો બાકી હતા અને ફ્રેન્ચ કંપની હજી પણ અંગ્રેજી ઈસ્ટ ઇંડિયા કંપનીને પછાડવા માટે સતત મથતી રહેતી. હવે જે રાજ્યો અંગ્રેજોના પ્રભાવમાં ન હોય ત્યાં ફ્રેન્ચો ઘૂસવાની કોશિશ કરતા હતા. આમ ઈસ્ટ ઇંડિયા કંપનીની નજરે કચ્છમાં એની સ્થિતિ મજબૂત બનાવવાની જરૂર હતી. ફ્રેન્ચ અને અમેરિકન નાગરિકો જ્યાં હોય ત્યાંથી હાંકી કાઢવા એ કંપનીની નીતિની ધ્રુવપંક્તિ હતી.

કંપનીએ આ નીતિ અનુસાર સિંધના અમીરો સાથે સંધિ કરી લીધી હતી, જો કે અમીરો તો તે પછી પણ કંપની તારફ અવિશ્વાસની નજરે જ જોતા હતા. હવે એવી જ સંધિ કચ્છ સાથે પણ કરવાનું કંપનીએ નક્કી કર્યું. આ હેતુથી એણે કેપ્ટન સેટનને કચ્છ મોકલ્યો. સેટને કચ્છના જાડેજાઓમાં છોકરીઓને દૂધપીતી કરવાનો રિવાજ જોયો. કાઠિયાવાડમાં એમને આ પ્રથા બંધ કરાવવામાં સફળતા મળી હતી. એમણે ફતેહ મહંમદને આ પ્રથા બંધ કરાવવા લખ્યું પણ એ વખતી ફતેહ મહંમદ રાજકીય ઘેરામાં હતો એટલે એ ભાયાતોને નારાજ કરવા તૈયાર નહોતો. ફતેહ મહંમદના જૂના સાથીઓ સાથે હવે એને વેર બંધાયું હતું અને ભાઈજી બાવા પાણ ઉંમરલાયક થતાં દીવાન જમાદારની સત્તાને અંકુશમાં લેવા તલપાપાડ હતા. આ સંજોગોમાં કંપનીની અપીલ કાને ધરવા એ તૈયાર નહોતો.

રાવ રાયધણ જ હજી તો સત્તાવાર રાજા હતો પણ એના વતી વાત કોણ કરે? કર્નલ વૉકરે આથી જમાદાર અને દીવાન હંસરાજ, બન્નેને મળવાનું નક્કી કર્યું. છોકરીઓને દૂધપીતી કરવાના રિવાજને નામે અંગ્રેજો કોઈ પણ રીતે કચ્છમાં ઘૂસવા માગતા હતા. મૂલ હેતુ તો કચ્છને કાઠિયાવાડમાં હુમલા કરતાં રોકવા અને બહારવટાં અને ચાંચિયાગીરી રોકવાનો હતો. ફતેહ મહંમદ કરતાં દીવાન હંસરાજ અંગ્રેજો સાથે સંબંધો વધારવા વધારે આતુર હતો.

૧૮૦૯ની ૧૨મી નવેમ્બરે એણે માંડવીના રક્ષણની જવાબદારી કંપનીને સોંપી. કંપનીનો રેસિડન્ટ એજન્ટ ચાળીસ માણસો સાથે માંડવીમાં આવીને વસ્યો. હંસરાજે માંડવી અને એના તાબાના વિસ્તારોના રક્ષણ માટે કંપનીની બે બટાલિયનોની મદદ પણ માગી, અને કંપની આવી માંગ બહુ ઉદારતાથી સંતોષી! હંસરાજે ફતેહ મહંમદ સાથે પણ આવી જ વ્યવસ્થા ગોઠવવાની કંપનીને ખાતરી આપી. જો કે આ સંધિનો અમલ ન થઈ શક્યો કારણ કે સંધિ પછી થોડા જ વખતમાં હંસરાજનું અવસાન થયું અને એના ભાઈ કે દીકરાએ એના પર અમલ ન કર્યો. ફતેહ મહંમદે પણ સંધિની પરવા ન કરી. એણે રાધનપુર પાસેનું એક સમૃદ્ધ ગામ લૂંટ્યું અને નવાનગર પર આક્રમણ કરવા આગળ વધ્યો. પરંતુ એણે હુમલો કરવાનું માંડી વાળ્યું કારણ કે કંપનીના નજીકના એક કચ્છીએ એને જાણ કરી દીધી કે કર્નલ વૉકર એના પર હુમલો કરવા લશ્કર સાથે નીકળી પડ્યો છે.

આ ક્ચ્છી એટલે સુંદરજી સોદાગર. બહુ ગરીબાઈમાં બાળપણ વિતાવ્યા પછી સુંદરજી ઘોડાના વેપારમાં બહુ આગળ વધ્યો. સંજોગો એવા બન્યા કે બે અંગ્રેજ વેપારીઓ કચ્છમાં વેપાર માટે આવ્યા. રાજ્યે એમને પકડી લીધા. સુંદરજીને લાગ્યું કે વેપારીઓનો ઇરાદો ખરાબ નહોતો એટલે એણે પોતાની વગ વાપરીને એમને છોડાવ્યા. વેપારીઓ આભારવશ હતા, એમણે કંપનીના લશ્કરી અધિકારીઓ સાથે સુંદરજીનો મેળાપ કરાવી દીધો. કંપનીને એના ઘોડા અને વ્યવહાર પસંદ આવતાં એની પાસેથી ઘણા ઘોડા ખરીદ્‍યા અને કાઠિયાવાડમાં એને એજન્ટ તરીકે નીમ્યો. આટલા આગળ વધ્યા પછી પણ સુંદરજી માદરે વતન કચ્છને કદી ન ભૂલ્યો.

સુંદરજીની ચેતવણીની ફતેહ મહંમદ પર અસર થઈ અને એણે નવાનગર પર આક્રમણ તો ન કર્યું પણ વાગડના બહારવટિયાઓને પણ ન રોક્યા. કંપનીએ એને કહ્યું તો જમાદારનો જવાબ હતો કે કચ્છ બહાર સાંતલપુર પાસે કચ્છનું થાણું બનાવીએ તો જ એમને રોકી શકાય. કંપનીને એ મંજૂર નહોતું કે જમાદાર કચ્છ બહાર પોતાના પગ પસારે. કંપનીએ એને સાંતલપુર છોડી દેવા માટે ૧૮૦૯ની સંધિની યાદ આપી પણ ફતેહ મહંમદે કહી દીધું કે એની સાથે એને કંઈ લેવાદેવા નથી.

હવે કંપની થાકી હતી. ૧૮૧૨માં એણે લેફ્ટેનન્ટ મૅક્મર્ડો (જેને પછી કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું)ને કચ્છ મોકલ્યો. એ માંડવીમાં આવીને રહ્યો. જો કે લોકવાયકા પ્રમાણે એ એનાથી પહેલાં જ અંજારમાં બાવાના વેશમાં રહેતો હતો અને કચ્છી પણ શીખી ગયો હતો. પરંતુ એની ગોરી ચામડી છુપાવી ન શકે અને એ કચ્છી બોલે તો પણ અસલ કચ્છી નથી એ પણ સમજાઈ જાય. એટલે આ માત્ર લોકવાયકા હોઈ શકે, પરંતુ લોકોની ઇતિહાસને જોવાની નજર જુદી હોય છે એટલે આપણે એ સાચું છે કે ખોટું, એની પંચાતમાં નહીં પડીએ.

કચ્છીઓને એ બરાબર સમજ્યો અને હંસરાજના પુત્ર શિવરાજને સંધિનું પાલન કરવા સમજાવવાની મહેનત કરતો રહ્યો. બીજી બાજુ, ફતેહ મહંમદ તો એને કોઠું આપવા પણ તૈયાર નહોતો. ઉલ્ટું, કાઠિયાવાડમાં એક બ્રિટિશ ઑફિસરનું ખૂન કરીને આવેલા એક સિંધીને એણે આશરો આપ્યો! હવે કંપની છંછેડાઈને જમાદારને પત્ર લખ્યો અને ધમકી આપી કે જો એ ૧૮૦૯ની સંધિ લાગુ કરવાનાં પગલાં નહીં લે તો કંપની બળ વાપરીને એનો અમલ કરાવશે.

જમાદાર આ પત્રનો જવાબ આપે તે પહેલાં એ અરસામાં ફેલાયેલા પ્લેગમાં એનું મૃત્યુ થઈ ગયું. ઑગસ્ટ ૧૮૧૩માં જમાદારનું મૃત્યુ થયું. અને ઑક્ટોબરમાં રાવ રાયધણનું મૃત્યુ થઈ ગયું. એના પછી કેટલીયે રાજખટપટો પછી રાવ રાયધણનો પુત્ર માનસિંહ ‘ભારામલજી બીજા’ નામ ધારણ કરીને ગાદીએ બેઠો. આગળ હવે પછી આપણે જોઈશું કે જમાદાર ફતેહ મહંમદને કંપનીએ પત્ર લખ્યો હતો તેનું એના અવસાન પછી શું થયું અને ઘટનાઓ અંગ્રેજોની દિશામાં કેમ આગળ વધી.


સંદર્ભઃ  The Black Hills by Rushbrook Williams, 1958 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

Science Samachar 53

() ‘રાતના રાજાઓમાટે માઠા સમાચાર

દુનિયામાં લોકોના બે વર્ગ છેઃ એક, વહેલા સૂઈ, વહેલા ઊઠનારાનો વર્ગ, અને બીજો વર્ગ છે, રાતના રાજાઓનો. જેમ રાત વધે તેમ એમની શક્તિઓ, મસ્તીઓ ખીલી ઊઠે. આ બાબતમાં ઘણાં અધ્યયનો થયાં છે અને સૌ પહેલી વાર આ બધાં સંશોધાનાત્મક અધ્યયનોની સમીક્ષા કરવામાં આવી તો તારણ એ નીકળ્યું કે ‘ઘૂવડો’ ખાવાપીવામાં પણ ઢંગધડા વગરના હોય છે એટલે એમના આરોગ્ય સામે વધારે જોખમ હોય છે. Advances in Nutritionના ૩૦મી નવેમ્બરના અંકમાં આ લેખ પ્રકાશિત થયો છે.

લેખકો સમજાવે છે કે આપણું શરીર ૨૪ કલાક કામ કરે છે અને આંતરિક ઘડિયાળને અનુસરે છે. એ ઘડિયાળ આપણને કહે છે કે ક્યારે ખાવું, ક્યારે સૂવું, ક્યારે ઊઠવું. જેમની ઘડિયાળમાં સાંજને પસંદગી આપવામાં આવી હોય છે તેમાંથી ઘણા ટાઇપ-2 ડાયાબિટીસના કે હૃદયરોગના શિકાર બન્યા હોવાનું જણાયું.મોડેથી સૂવાની ટેવ હોય તે લોકો નાસ્તો છોડી દેતા હોય છે, કૅફિનવાળાં ડ્રિંક્સ પણ વધારે લેતા હોય છે.

જેમને વહેલા સૂઈ, વહેલા ઊઠવાની ટેવ હોય છે તેમનામાં ફળ ખાવાનું વલણ વધારે જોવા મળ્યું છે. મોડેથી સુનારા સામાન્ય રીતે મોડેથી જમતા હોય છે એટલે ભોજન અને ઊંઘ વચ્ચે સમય ઓછો રહે છે. આ કારણે શરીરમાં ગ્લુકોઝ વધારે જમા થાય છે.

જો કે જીવનના જુદા જુદા તબક્કે લોકોની ટેવો બદલી જતી જોવા મળી છે. બાળક ત્રણ અઠવાડિયાથી બે વર્ષનું થાય ત્યાં સુધી એની પસંદગી સવારની હોય છે. ૯૦ ટકા બાળકો જલદી ઊઠે છે, પણ છ વર્ષની ઉંમરે માત્ર ૫૮ ટકા બાળકોની પસંદગી સવારની રહી જાય છે. પુખ્ત વ્યક્તિ ૫૦ની થાય ત્યાં સુધી એની પસંદગી સાંજની હોય તો એ બદલીને સવારની થઈ જાય છે.

-=-=-=

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/11/181130111623.htm

૦-૦-૦

() વાઇરસ તમારી ઇમ્યૂન સિસ્ટમમાંથી ચોરી કરીને તમારી સામે એનો ઉપયોગ કરે છે!

કેટલાંક વાઇરસ એવાં હોય છે કે એ ઇમ્યૂન સિસ્ટમ (રોગપ્રતિકાર તંત્ર)માંથી એક એવો એન્ઝાઇમ ચોરી લે છે, જે ઑટોઇમ્યૂન રોગો સામે આપણો બચાવ કરતો હોય છે. કેટલાક રોગો એવા હોય છે જેને ઇમ્યૂન સિસ્ટમ્ની પરવા નથી હોતી, પણ આ એન્ઝાઇમ એ વખતે આપણું રક્ષણ કરે છે. મેયો ક્લિનિકના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે માનવશરીરમાં ADAR ૧ નામનો એક પ્રોટીન બનાવે છે, જે ઑટોઇમ્યૂનિટી સામે રક્ષણ આપે છે, પણ વાઇરસ એમાં છીંડું પાડે છે અને એનો માલ લઈ લે છે, તે પછી ઇમ્યૂન સિસ્ટમ એ વાઇરસનો નાશ કરે છે.

પરંતુ વૈજ્ઞાનિકોએ એ પણ શોધી કાઢ્યું છે કે આપ્રોટીનની ક્ષતિ પૂરી કરવા માટે કેટલી જેનેટિક સામગ્રી જોઈએ. આમ વૈજ્ઞાનિકો ઇમ્યૂન સિસ્ટમને થયેલું નુકસાન કેમ પૂરું કરવું તે પણ જાણી શક્યા છે.

-=-=-=

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/11/181129142412.htm

૦-૦-૦

() કાને પડતો અવાજ અર્થવાળો શબ્દ કેમ બની જાય છે?

તમે રસ્તે ચાલતા હો, ચારે બાજુ ઘોંઘાટ થયા કરતો હોય, એની વચ્ચેથી તમને એક અવાજ સંભળાય છે અને તમે એને ઓળખી શકો છો, એનો અર્થ સમજી શકો છો. મગજ આ કામ શી રીતે કરી શકે છે?

મૅરીલૅંડ યુનિવર્સિટીના સંશોધકો બોલાતી ભાષાનો શબ્દ કાને પડતાં મગજ આપમેળે શી ક્રિયા કરે છે તે જાણવાના પ્રયત્નોમાં વ્યસ્ત છે. આપણે નર્યો અવાજ સાંભળીએ કે ભાષાનો શબ્દ સાંભળીએ ત્યારે, બન્ને વખતે મગજ જુદીજુદી રીતે કામ કરે છે. મિલીસેકંડોમાં મગજ વાણીના ધ્વનિમાંથી ભાષા-આધારિત શબ્દોનું વિશ્લેષણ શરૂ કરી દે છે. આપણે કોઈનો અવાજ સાંભળીએ કે તરત મગજ બેપરવા નથી રહેતું અને શબ્દનું પૃથક્કરણ કરવા લાગે છે.

મગજ ભાષાને સમજવાની કોશિશ કરે છે ત્યારે શ્રવણશક્તિનું કોર્ટેક્સ શબ્દને સમજવા માટે ધ્વનિનાં વલણોને સમજવાની કોશિશ કરે છે. શું સાંભળવા મળશે તેનું પણ અનુમાન કરે છે.

મૅરીલૅંડના સંશોધકોએ પ્રયોગમાં કેટલાક જણને લીધા અને એમના પર મૅગ્નેટો એન્સેફેલોગ્રાફી કરી. એમાં એક વ્યક્તિ એમને વાર્તા સંભળાવતી હતી. કોઈ એક ભાષાના ધ્વનિ વારંવાર આવશે તેની આગાહી મગજ કરી શકે છે અને એક સેકંડના ત્રણ શબ્દના હિસાબે પ્રૂથક્કરણ કરે છે. અભ્યાસના બીજા ભાગમાં બે વ્યક્તિઓ એક સાથી બોલતી હતી. પરંતુ ભાગ લેનારાઓને માત્ર એક જ ભાષા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું હતું. તો મગજે જે ભાષાની ઉપેક્ષા કરવાની હતી તેને છોડી દીધી! હજી એ રહસ્ય જ છે કે મગજ કઈ રીતે અવાજમાંથી શબ્દને અલગ તારવવાનું કામ કરે છે.

=-=-=-=

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/11/181129142352. આધારઃDOI: 10.1016/j.cub.2018.10.042

૦-૦-૦-૦

() તારામંડળો વચ્ચે છે અનેક નાનાં તારાઝૂમખાં

હબલ ટેલિસ્કોપે મોકલેલા ફોટાઓ દર્શાવે છે કે મોટાં તારામંડળો વચ્ચે નાનાં નાનાં અનેક તારાઓનાં ઝૂમખાં પણ છે.એની સંખ્યા હજારો લાખોમાં નહીં, અબજોમાં છે. એ બધાં એક જ જાતના ગુરુત્વાકર્ષણ બળથી જોડાયેલાં છે. બ્રહ્માંડની શરૂઆતના સમયમાં એ બન્યાં હોવાં જોઈએ. આપણી આકાશગંગાની પાસે પણ આવાં ૧૫૦-૨૦૦ ઝૂમખાં છે. નરી આંખે એ ધૂંધળા તારા જેવાં દેખાય છે. હબલે હજારો તારામંડળના જૂથ ‘કોમા ક્લસ્ટર’ની અંદર જોયું તો ૨૨,૪૨૬ ઝૂમખાં તો પહેલી નજરે જ દેખાયાં.

ઑસ્ટ્રેલિયાની ટેલિસ્કોપ નૅશનલ ફૅસિલિટીના ડૉ. યૂઆન મૅડ્રિડ કહે છે કે આખા તારામંડળની સરખામણીએ આ ઝૂમખાં ઘણાં નાનાં છે. કોમા ક્લસ્ટરનું ગુરુત્વાકર્ષણ અવકાશના આકારને વિકૃત કરી નાખે છે. એનું કારણ બરાબર સમજાતું નહોતું એટલે એને ‘ડાર્ક મૅટર’ નામ અપાયું. હજી સુધી ન દેખાયેલાં ઝૂમખાં આ વિકૃતિ માટે જવાબદાર હોવાનું જણાયું છે.

=-=-=-=

સંદર્ભઃ https://www.nasa.gov/feature/goddard/2018/hubble-uncovers-thousands-of-globular-star-clusters-scattered-among-galaxies

૦-૦-૦-૦

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom Chapter 10

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ  : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ: ૧૦  ક્ચ્છના રાવ ભારમલજી બીજાનો કંપની સામે વિદ્રોહ ()

વે આપણે અઢારમી સદીની બીજી કેટલીયે નાની મોટી ઘટનાઓથી આગળ વધીને ઓગણીસમી સદીના કચ્છની મુલાકાતે પહોંચીએ. કમનસીબે, આપણો ઇતિહાસ એવી રીતે લખાયેલો છે કે આવી તો ઘણી ઘટનાઓનું યોગ્ય મૂલ્યાંકન નથી થયું.

ભારમલજી બીજાના વિરોધની એક લાંબી ભૂમિકા હતી અને એના વિશે જાણવું જરૂરી છે, કારણ કે જે પરિસ્‍થિતિ ઊભી થઈ તે એકાદ દાયકાની નહોતી, રાજા ખોટે માર્ગે ચડી જવાથી લોકોએ સત્તા હાથમાં લીધી અને પછી અંતે અંદરોઅંદર ઝઘડ્યા અને ઈસ્ટ ઇંડિયા કંપની સાથે સંબંધો વધારવાનું એમને જરૂરી લાગ્યું. સંબંધો સ્‍થાપ્યા પછી ગૂંગળામણ થવા લાગી.

તો. માંડીને વાત કરીએ કે જેથી ચિત્ર વધારે સ્પષ્‍ટ થાય.

000

રાવ ગોડજીના અવસાન પછી ૧૭૭૮માં ૧૪ વર્ષના રાયધણે ગાદી સંભાળી. રાયધણ કસાયેલા બાંધાનો અને નીડર હતો. સામાન્ય જનતા એને ‘પહેલવાન’ તરીકે ઓળખતી. માતાના માનીતા દેવચંદ ઠક્કરને એણે દીવાન બનાવ્યો. દેવચંદ બહુ પ્રામાણિક હતો અને એણે ભાયાતો સાથે પણ સારા સંબંધો રાખ્યા હતા. મહારાણીના આશીર્વાદ એની સાથે હતા એટલે દેવચંદ ઊંચનીચના ભેદભાવ વિના વહીવટ કરતો.

પરંતુ પ્રામાણિક માણસોના દુશ્મનો ઘણા હોય તેમ રાયધણના અંગરક્ષકોને દેવચંદ આંખના કણાની માફક ખૂંચતો હતો. અંગરક્ષકોમાં મોટા ભાગના સીદીઓ હતા. એમણે અફવા ફેલાવી કે મહારાણી અને દેવચંદ વચ્ચે આડા સંબંધો હતા અને રાવ ગોડજીએ મરતાં પહેલાં આ પાપીને સજા આપવાનો પોતાના વારસને હુકમ આપ્યો હતો. રાવ રાયધણ પર માતાનો પ્રભાવ બહુ જ હતો એટલે એણે આ અફવાઓ કદાચ માની ન હોય તો પણ એ ગૂંચવાઈ ગયો અને દેવચંદ્ને શંકાની નજરે જોવા લાગ્યો અને દેવચંદ વિરુદ્ધ કાવતરું થાય છે તે એ સમજી ન શક્યો.

રાયધણના ખાસ માણસોમાંથી એક, જમાલ મિયાણાએ દેવચંદના રાવ માટેના દૂત માનસિંહને પકડી લીધો. આથી રાજા અને દીવાન વચ્ચે કોઈ સંપર્ક ન રહ્યો. દેવચંદના ત્રણ ભાઈઓનું અંજાર, મુંદ્રા અને માંડવીમાં સારુંએવું વર્ચસ્વ હતું. માનસિંહ પછી જમાલ મિયાણાએ દેવચંદ અને એના ત્રણેય ભાઈઓને પકડી લીધા અને લોકોમાં ઉહાપોહ ન થાય તે માટે તરત મારી નાખ્યા.

હવે રાયધણ સંપૂર્ણપણે એમના કાબુમાં હતો. પણ જમાલ પોતે નાનો માણસ હતો એટલે એનું સ્થાન સીદી મારીચે લીધું. હવે મારીચ રાયધણનો દોરીસંચાર કરતો હતો. દરમિયાન રાજમાતા બીમાર પડી અને રાયધણે બહુ મહેનત કરી પણ એ સાજી ન થતાં વૈદ્યોને હટાવીને એ અંગ્રેજ ડૉક્ટરને લાવ્યો. આમ પહેલી વાર કચ્છમાં કંપનીનો માણસ આવ્યો અને અંધાધૂંધીનાં સાક્ષાત દર્શન કર્યાં.

૧૭૮૪માં રાયધણમાં માનસિક અસંતુલનનાં લક્ષણો જાહેરમાં દેખાવા લાગ્યાં. માતા પણ નહોતી રહી અને બીજી કોઈ વગદાર વ્યક્તિનોય પ્રભાવ નહોતો. હવે એ મહંમદ પનાહ સૈયદની અસર હેઠળ આવ્યો. આમ તો કચ્છના રાજાઓ બધા ધર્મોને માન આપતા એટલે આ નવી વાત ન કહેવાય પણ રાયધણ આગળ વધ્યો. એ ભુજની શેરીઓમાં પોતાના માણસો સાથે ખુલ્લી તલવારે ફરવા લાગ્યો અને જે કોઈ સામે આવે તેને ઇસ્લામ સ્વીકારવા ધમકાવવા લાગ્યો. ઘણા એના હાથે ઘાયલ થયા કે માર્યા ગયા. રાયધણે મંદિરો તોડવાનું પણ શરૂ કરી દીધું.

એક વાર એણે એક પ્રતિષ્ઠિત રાજગોર પર હુમલો કર્યો. બધા રાજગોરો એની વિરુદ્ધ આરજી આપવા રાજા પાસે ગયા તો રાજા એમના પર જ તૂટી પડ્યો. કેટલાયે ઘાયલ થયા અને એને બધાની મિલકત જપ્ત કરી લેવાનો હુકમ આપ્યો. એ વખતથી એ બધા બ્રાહ્મણો અને વાણિયાઓને પોતાના દુશ્મન માનવા લાગ્યો. વાણિયા-બ્રાહ્મણની વસ્તી માંડવીમાં ઘણી હતી એટલે એમનો સફાયો કરવા રાયધણ માંડવી પહોંચ્યો. પહેલાં તો એણે ત્યાં ઘણાં ગાયભેંસને મારી નાખ્યાં, પછી રામેશ્વરના મંદિરને તોડવાની જાહેરાત કરી અને વાઘેશ્વરની મૂર્તિને ખંડિત કરી. પરંતુ એને જનતાના રોષનો બરાબર અંદાજ નહોતો. લોકોએ લાકડી, પથ્થર જે કંઈ હાથમાં આવ્યું તે લઈને રાયધણની ફોજ પર હુમલો કર્યો. હુમલો એવો જોરદાર હતો કે રાયધણને ભુજ ભાગવું પડ્યું.

ભુજ આવીને રાયધણે પોતાની જૂની રીતે શેરીઓમાં ખુલ્લી તલવારે ફરવાનું અને આવતા-જતાને ઇસ્લામમાં વટલાવવાનું શરૂ કરી દીધું. એ વખતે વાઘો પારેખ ભુજમાં શક્તિશાળી બની ગયો હતો. એના ભાઈ કોરા પારેખની અંજારમાં ધાક હતી. બન્ને ભાઈઓએ નક્કી કર્યું કે રાવને હવે ઠેકાણે પાડવો જોઈએ. એક રાતે કોરો પારેખ ચારસો માણસો સાથે મહેલમાં ધસી આવ્યો. રાયધણ ઊપલા માળે ભાગી ગયો. એ વખતે એકલો ડોસલવેણ એની સાથે હતો. નિચલા માળ પર કોરાના સૈનિકોએ કબજો જમાવ્યો પણ રાવે વચ્ચેની સીડી તોડાવી નાખી હતી અને પોતાના અંગરક્ષકોને હાકલો પાડીને બોલાવી લીધા હતા. હવે કોરા પારેખના જૂના દુશ્મન મસૂદને મોકો મળ્યો. જીવસટોસટની લડાઈમાં વાઘો અને કોરો બન્ને માર્યા ગયા.

આ સાથે આખું કચ્છ અરાજકતાના અંધકારમાં ડૂબી ગયું. માંડવી પર રામજી ખવાસે કબજો કરી લીધો, અંજાર મેઘજી શેઠના હાથમાં ગયું. મુંદ્રા. લખપત અને બીજાં મોટાં શહેરો પણ સ્વતંત્ર થઈ ગયાં. આથી ભુજમાં રાવ રાયધણ નાણાભીડમાં મુકાયો. હવે એની નજર અસૂદ અને મહંમદ પનાહની સંપત્તિ પર ગઈ. એણે બન્નેની સંપત્તિ જપ્ત કરી લેતાં રાયધણનો કોઈ સાથી ન રહ્યો. આમ છતાં એની વટાળ પ્રવૃત્તિમાં નવું ખુન્નસ ઉમેરાયું.

હવે ભુજના નાગરિકો કંટાળ્યા. અંજારથી મેઘજી શેઠને બોલાવ્યા. એ સૈન્ય સાથે આવતાં ગઢના દરવાજા ખોલી દેવાયા. એમણે મહેલ પર હુમલો કર્યો અને ત્રણ દિવાસની લડાઈ પછી રાયધણના પઠાણ અંગરક્ષકોએ હથિયાર હેઠાં મૂક્યાં અને રાવ રાયધણને કેદ કરીને એના પિતાની બીજી પત્નીના પુત્ર સગીર વયના પૃથ્વીરાજ ઉર્ફે ભાઈજી બાવાને કારભાર સોંપી દેવાયો. એની મદદ માટે એક કાઉંસિલ બની જે બાર ભાયાના નામે ઓળખાય છે. એમાં મેઘજી શેઠ અને ડોસલવેણ મુખ્ય હતા. કચ્છના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના હતી.

બાર ભાયામાં ભારે ખટપટો ચાલી અને એમાં આપણે ઊંડા નહીં ઊતરીએ. અંતે બાર ભાયામાંથી બે જણે રાયધણને કેદમુક્ત કરવાનું બીડું ઝડપ્યું. ભાઈજી બાવાના હાથમાં માત્ર કારભાર હતો, એમને સત્તાવાર રીતે રાજગાદી નહોતી સોંપાઈ એટલે રાજ તો રાયધણનું જ હતું. રાયધણે ફરી સત્તા સંભાળી. એના હઠીલા અને તરંગી સ્વભાવ છતાં એની રાજકીય દૃષ્ટિ ચકોર હતી. મેઘજી શેઠ વધારે બળવાન બને છે તે એણે જોઈ લીધું અને એે તદ્દન અજાણ્યા એવા એક ફોજી માણસ જમાદાર ફતેહ મહંમદ તરફ ઢળતો ગયો. ફતેહ મહંમદ તદ્દન નિરક્ષર હતો, ધનને નામે એની પાસે કાણી કોડીપણ નહોતી અને જમાદાર તરીકે એના હાથ નીચે માત્ર વીસ માણસ હતા. પણ એ બુદ્ધિમાન હતો અને રાજાને વફાદાર રહ્યો. એણે ધીમે ધીમે મેઘજી શેઠના માણસોને રાઅવ તરફ વાળ્યા. રાયધણ ફરી જોરમાં આવતો ગયો.

એને બધી સત્તા પાછી મળી ગઈ હોત પણ એનો શંકાશીલ સ્વભાવ એને આડે આવ્યો. એક વાર જમાદાર ફતેહ મહંમદ મહેલમાં ગયો ત્યારે રાયધણે ઓચિંતો જ એના પર તલવારથી હુમલો કરી દીધો. ફતેહ મહંમદ ચપળ હતો અને બચી ગયો. આમ રાવ સાથેના એના સંબંધો પણ ખરાબ થયા, જો કે એ છેક સુધી રાજવંશને વફાદાર રહ્યો અને ખરા અર્થમાં રાજ કરતો રહ્યો. શરૂઆતમાં એણે હંમેશાં લોકો સાથે સદ્‍ભાવથી કામ કર્યું અને લોકપ્રિય બન્યો પણ એક વાર રાયધણે એના ઘર પર હુમલો કર્યો અને ફતેહ મહંમદના હાથે ઘાયલ થયો ત્યારે લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ અને ફતેહ મહંમદની લોકપ્રિયતા ઘટી ગઈ. ૧૮૧૩માં એનું મૃત્યુ થયું ત્યાં સુધી એ વહીવટ કરતો રહ્યો પણ એ જુદો જ ફતેહમહંમદ હતો. લોકો હવે એને પ્રેમથી નહીં, ડરથી જોતા હતા. આ કથા બહુ લાંબી છે અને એને આપણા મૂળ વિષય સાથે સીધો સંબંધ નથી એટલે આપણે એટલું જ કહીએ કે ઈસ્ટ ઇંડિયા કંપની એ વખતે ગુજરાત અને કાઠિયાવાડમાં પહોંચી ગઈ હતી. કચ્છમાં એને કદી રસ નહોતો પડ્યો પણ હવે કચ્છની ઘટનાઅઓ જોઈને એમની દાઢ સળકતી હતી. તેમાં પણ વાગડમાંથી બહારવટિયા કાઠિયાવાડ અને ગુજરાતમાં પણ લૂંટફાટ કરતા હતા. હવે કંપનીએ કચ્છમાં વધારે રસ લેવા માંડ્યો. 

આ વિશે આવતા અઠવાડિયે.

+++++++

સંદર્ભઃ The Black Hills by Rushbrook Williams, 1958 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

%d bloggers like this: