Month: માર્ચ 2013
The Morbi disaster (2)
No one had a tongue to speak પુસ્તકનો પરિચય (૨) (લેખકોઃ ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન)
૧૯૫૫માં સૌરાષ્ટ્ર સરકારે મચ્છુ ડેમ-૨ માટેની દરખાસ્ત સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર કૉર્પોરેશન (CWPC) સમક્ષ રજુ કરી. ડેમ-૧ કરતાં બમણો, એટલે કે ૪૩૬ ચોરસ માઇલનો એનો જળગ્રાહી વિસ્તાર નિરધારવામાં આવ્યો હતો. એની લંબાઈ અઢી માઇલ (ચાર કિલોમીટર) રાખવાની દરખાસ્ત હતી. પરંતુ આટલો લાંબો કોંક્રીટનો બંધ બાંધવામાં ગંજાવર ખર્ચ થાય તેમ હોવાથી અમુક ભાગ કોંક્રીટનો અને અમુક ભાગ માટીનો રાખવાની યોજના હતી. એમાં વચ્ચે પાણીની જાવક માટે મોટું નાકાવાળું ગરનાળું બનાવવાનું હતું અને બાકી એની બન્ને તરફ માટીની દીવાલ મચ્છુના તળપ્રદેશમાંથી ઊભી થવાની હતી.
આમ આ આખો પ્રોજેક્ટ બહુ મહત્વાકાંક્ષી હતો, પણ નહેરુ યુગમાં આવા તો ઘણા ડૅમ બનતા હતા એટલે આમાં કોઈ ખાસ વાત નહોતી. બીજા બંધોની સરખામણીએ આ મધ્યમ કદનો અને ખાસ મહત્વની ન ગણાતી એવી નદી પરનો બંધ હતો. આમ છતાં, એના નિર્માણમાં બહુ જ કાળજી અને ખંતની જરૂર હતી, કારણ કે માણસજાત જેટલું વધારે પાણી રોકવા મથે, તેટલા જ પ્રમાણમાં, એ રોકાયેલા પાણીની એનો વિરોધ કરવાની ક્ષમતા પણ વધી જાય. મચ્છુ બંધ -૨ના નિર્માણમાં આ વાત બહુ ધ્યાનમાં રાખવાની હતી.
ચાર મુખ્ય જોખમો
મચ્છુ – ૨ના બાંધકામમાં ચાર મુખ્ય જોખમો સામે બંધની બીજી બાજુની વસ્તીને બચાવવાની જવાબદારી સૌરાષ્ટ્ર સરકારની હતી અને ઇજનેરોએ પણ આ ચાર જોખમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું: (૧) નાકાવાળું ગરનાળું ધસી પડે (૨) બંધની દીવાલોને ઘસારો પહોંચે (૩) પાણી જવાનો ઢોળાવ બરાબર કામ ન આપે અને (૪) બંધ છલકાઈ જાય અને દીવાલોની ઉપરથી પાણી વહેવા લાગે.
ગરનાળું ધસી પડે તો બંધમાં સંઘરી રાખેલું પાણી એકીસાથે ધસી જાય અને જાનમાલની પારાવાર ખુવારી કરે. આથી એ સખત જમીન પર અને મજબૂત કોંક્રીટથી બાંધવાનું હતું. તે ઉપરાંત. માટીની દીવાલોમાં ભંગાણ ન પડે તે માટે ત્રણ વાતો ધ્યાનમાં રાખવાની હતી. આ ત્રણ વાતો જ માટીના બંધની દુશ્મન બનતી હોય છે. (ક) દીવાલો અંદરથી કાચી રહી જાય તો ધસમસતું પાણી એને તાણી જાય. આને આંતરિક ઘસારો કહે છે (ખ) એ જ રીતે, દીવાલની બહારની સપાટી એકસરખી ન બની હોય તો ઢોળાવ ખરાબ થઈ જાય છે એટલે પાણીનો ધસમસતો પ્રવાહ જ્યાંથી દીવાલે ખૂણો બનાવ્યો હોય ત્યાં ગાબડું પાડી દે છે. આ ‘લૅન્ડ-સ્લાઇડ’ તરીકે ઓળખાતી ઘટના જેવું છે. ભારે વરસાદમાં પર્વતો પરથી ઘણી વાર ભેખડો ધસી પડતી હોય છે અને ત્યાં મોટું ગાબદું પડી જતું હોય છે. ઘણી વાર તો ભેખડો ફસકીને એવી રીતે ગોઠવાઇ જતી હોય છે કે એમની પાછળ મોટું સરોવર બની જતું હોય છે. (ગ) એ જ રીતે બંધ છલકાઈ જાય તો પાણી દીવાલોની ઉપરથી વહેવા માંડે. આ ત્રણેય બાબતોમાં બેદરકારી દેખાડવાનું પરિણામ ગરનાળું તૂટી પડવાથી જે નુકસાન થાય તેની બરાબર જ હોય. ગરનાળું બનાવવા માટે જમીન માફકસરની હતી. હવે એમાં પૂર આવે તો બંધનું શું થાય તેનો કયાસ કાઢવાનો હતો. આને ‘ડિઝાઇન ફ્લડ’ કહે છે. એમાં વધુમાં વધુ કેટલો વરસાદ પડી શકે અને ઓછામાં ઓછા સમયમાં પાણી કેટલું જમા થઈ શકે તેના આંકડા મેળવીને હિસાબ કરવાનો હોય છે. સૌરાષ્ટ્ર સરકારે એનો કયાસ તો કાઢ્યો. આ જ પ્રકારના બંધમાં કેટલું પાણી એકીવખતે ભરાયું તેનો પણ અંદાજ મદદે લેવાયો હતો. સૌરાષ્ટ્ર સરકારે આ બધી કવાયત કરીને જ પ્રોજેક્ટ્નો રિપોર્ટ CWPCને મોકલ્યો હતો.
CWPCનો વાંધો
CWPC તરફથી એકાદ વર્ષ સુધી તો કઈં જવાબ ન આવ્યો. ૧૯૫૭માં CWPCએ બંધની યોજનાની સમીક્ષા કરીને જે જવાબ મોકલાવ્યો તેમાં નવો જ મુદ્દો હતો. એમાં સૌરાષ્ત્ર સરકારના ઇજ્નેરોની આકરી ટીકા કરવામાં આવી. CWPCએ કહ્યું કે ઇજનેરોનો અંદાજ જ ખોટો છે. ખાટલે મોટી ખોટ તો એ કે એમણે મચ્છુ બંધ-૧માંથી પાણી છોડાય અને એ આ બંધમાં આવે તો શું થાય તે ધ્યાનમાં જ નથી લીધું. આમ, ગરનાળામાંથી કેટલું પાણી વહી જાય તેનો એમનો આંકડો ખોટો હતો. શક્ય છે કે પાણીની જેટલી જાવક હોય તેના કરતાં આવક વધુ હોય. CPWCએ સૂચવ્યું કે સૌરાષ્ટ્ર સરકારના ઇજનેરો મચ્છુ નદીમાં જુદા જુદા સમયે કેટલું પાણી રહે છે તેનું માપ લેવાનું શરૂ કરે અને મચ્છુ બંધ-૧માંથી આવતા પાણીને પણ ધ્યાનમાં લે આ રીત ‘યુનિટ હાઇડ્રોગ્રાફ’ એટલે કે એક એકમમાં કેટલું પાણી હોય તેના માપ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત CWPCના ઇજનેરોને ડૅમ માટેની જગ્યા પણ યોગ્ય ન લાગી.
પહેલાં મુંબઈ દ્વિભાષી રાજ્ય અને પછી ગુજરાત
પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કે ૧૯૫૭માં CWPCનો રિપોર્ટ આવ્યો ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યનું અસ્તિત્વ નહોતું રહ્યું. સૌરાષ્ટ્ર અને આખું આજનું ગુજરાત મુંબઈ દ્વિભાષી રાજ્યમાં સમાઈ ગયાં હતાં. આથી હવે મચ્છુ બંધ વિશે CWPCના રિપોર્ટ પર મુંબઈ સરકારે અમલ કરવાનો હતો. પરંતુ દ્વિભાષી મુંબઈ રાજ્ય્નું માત્ર ચાર વર્ષમાં જ વિભાજન થયું અને ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય બની ગયું.આમ CWPCના રિપોર્ટ પર અમલ કરવાની જવાબદારી ગુજરાત સરકારની થઈ.
ગુજરાત સરકારની બેકાળજી
CWPCના વાંધાનો જવાબ આપવા માટે ગુજરાત સરકારે મચ્છુ બંધમાં પાણીની આવકનો અંદાજ તાબડતોબ સુધાર્યો. પહેલાં ૧,૬૦,૦૦૦ ક્યૂસેક પાણીનો અંદાજ હતો; નવો અંદાજ ૧,૯૧,૦૦૦ ક્યૂસેકનો બનાવાયો. પરંતુ CWPCની મહત્વની ભલામણ યુનિટ હાઇડ્રોગ્રાફની હતી તેની સદંતર ઉપેક્ષા કરવામાં આવી. સૌરાષ્ટ્ર સરકારે તો એને જે સમજાયું તે રીતે, વરસાદના અનુભવ અને અટકળોનો આશરો લીધો હતો પરંતુ CWPCના વાંધા મળ્યા પછી પણ ગુજરાત સરકારે યુનિટ હાઇડ્રોગ્રાફ ન લીધો. CWPCએ ૧૯૬૧માં એક પત્ર લખીને ગુજરાત સરકારનો ઊધડો જ લીધો અને કહ્યું કે અમારી પહેલી ટિપ્પણીને પાંચ વર્ષ થઈ ગયાં તેમ છતાં હજી પણ માત્ર અનુભવજન્ય માહિતી પર આધાર રાખવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે આ ચીમકીને પણ કાને ન ધરી અને ૧૯૬૦ના દાયકાના આરંભે કામ શરૂ કરી દીધું. ૧.૯૧.૦૦૦ ક્યૂસેકનો જે નવો અંદાજ કરવામાં આવ્યો હતો તેના જ આધારે રાજ્યના ઇજનેરોએ ગરનાળું બાંધવાનું શરૂ કર્યું. એમાં ૧૮ દરવાજા રાખવાના હતા. એની કુલ લંબાઈ ત્રીસ ફુટ અને ઊંચાઈ વીસ ફુટ નક્કી કરવામાં આવી.
એ જ રીતે, ડૅમની જગ્યા માટે CWPCએ જે વાંધો લીધો હતો તેની સામે પણ રાજ્યના ઇજનેરોએ દલીલો રજુ કરી અને એ વાંધાને ઠોકરે ચડાવ્યો. એમણે કહ્યું કે આ જગ્યાએ બંધ બનાવવાથી ત્રણમાંથી બે ગામ ડૂબી જશે એ ખરૂં પરંતુ જગ્યા બદલીને બંધને વધારે પાછળ લઈ જવાથી કેટલાયે રેલમાર્ગો ડૂબી જશે. એમણે કશાં જ પ્રમાણ આપ્યા વિના જ કહી દીધું કે નવા રેલમાર્ગો બનાવવાનો જે ખર્ચ થશે તેના કરતાં બે ગામ ફરી વસાવવાનો ખર્ચ ઓછો રહેશે. ૧૯૬૩માં, જો કે, સરકારને CWPCની ભલામણ પ્રમાણે બંધની બે સૂચિત જગ્યાઓ માટે ખર્ચનો અંદાજ કાઢવાની ફરજ પડી. પરંતુ જાણે “બંધ તો વહીં બનાયેંગે”નો નારો હોય તેમ જગ્યા બદલવાથી બીજાંયે બે ગામો ડૂબી જવાનું મનગમતું તારણ પણ એમણે શોધી કાઢ્યું. એમણે કહ્યું કે આ જગ્યાએ બંધ બનાવવાથી એના જળાશયમાં ત્રણ ગામો ડૂબી જશે અને એમને નવી જગ્યાએ ફરી વસાવવાં પડશે.
૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં જોધપર. આડેપર અને લખધીરનગરના નિવાસીઓને ખબર નહોતી કે સરકારી ઑફિસોમાં એમનું ભાવિ ખર્ચ અને લાભને ત્રાજવે તોળાય છે. જો કે, સર્વે તો ૧૯૫૫થી શરૂ થઈ ગઈ હતી, પણ એક દાયકા પછીયે ગામવાસીઓને ગંધ પણ નહોતી આવી કે આ બધો ખેલ શા માટે ચાલે છે. આ ત્રણેય ગામોની બે હજારની વસ્તીએ બીજે જવું પડે એમ હતું. ચોથા લીલાપર ગામની મોટા ભાગની ખેતજમીન ડૂબમાં જવાની હતી. બધી વાતો તો સર્વે કર્મચારીઓના મોઢેથી ગામલોકોને જાણવા મળી. ઘણાની આંખમાં અનિશ્ચિત ભાવિના ઓળા ઊતરી આવ્યા. એમને પોતાનાં ઘરબારને જળસમાધિ લેતાં જોવાનાં હતાં. એમનું પેટ ભરતાં ખેતરો પર નદીનાં જળ રેલાવાનાં હતાં. નવી ખેતીની જગ્યાઓ, નવાં આજીવિકાનાં સાધનો માટે એમણે ફરી શોધ આદરવાની હતી. (ક્રમશઃ
The Morbi Disaster (1)
No one had a tongue to speak પુસ્તકનો પરિચય (૧)
ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટને ‘મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય…’ લોકગીત પુસ્તકની શરૂઆતમાં મૂક્યું છે. વાણિયણ પાણી ભરવા મચ્છુ નદીએ ગઈ છે ત્યાં જિયાજી ઠાકોર ઘોડે ચડીને આવે છે. સ્ત્રીને જોઈને ઠાકોર ચળી ગયા છે. વાણિયણ એમને વારવા મથે છે, પણ ઠાકોર એને ઉપાડી જવા કૃતનિશ્ચય છે. અંતે વાણિયણ મચ્છુને વહાલી કરે છે અને શાપ આપતી જાય છે કે તારૂં શહેર જ ડૂબી જશે.
લેખકો કહે છે કે આ શાપ પેઢીઓ સુધી ફળ્યો નહીં અને જાડેજા વંશનું ત્યાં રાજ ચાલતું રહ્યું. મોરબી શહેર પણ ફૂલતુંફાલતું રહ્યું અને એનાં સુંદર શિલ્પોને કારણે સૌરાષ્ટ્રનું પેરિસ બની રહ્યું. લોકો આ શાપને કદી યાદ ન કરત, પરંતુ નોકરશાહીએ જાણે કમર કસી લીધી હતી કે લોકો ભૂતકાળની ઘટનામાં અંકિત થયેલા, પરંતુ કદી ન ફળેલા શાપને સ્મૃતિઓના ભંડકિયામાંથી બહાર લાવે અને કહે કે શાપ સાચો પડ્યો.
આમ શરૂ થાય છે મોરબીની ગોઝારી હોનારતની કથા.
પહેલું પ્રકરણ ઉચ્ચ કક્ષાનાં સજીવ પાત્રાલેખન દ્વારા મોરબીના જનજીવનનો પરિચય કરાવે છે. ચરિત્રો જીવતાં બનીને સામે આવી ઊભે છે. એક સારી નવલકથાનાં તમામ તત્વોથી સજ્જ પહેલું પ્રકરણ અનાગતના આભાસ સાથે વાચકના મનમાં એક વ્યાકુળતા પેદા કરે છે. આપણે દ્વિધામાં છીએ. નવલકથા કેમ વળાંક લેશે તે જાણતા હોવા છતાં અનિચ્છાએ આપણે પણ ભયાવહ અનાગત તરફ ધકેલાતા જઈએ છીએ. શૈલીની પીંછી કેવાં સુંદર દૃશ્યો ઊભાં કરી આપે છે તે દેખાડવા અહીં હું થોડાં વાક્યોનો મુક્ત અને સંક્ષિપ્ત અનુવાદ આપું છું: ”ધૂંધળી ક્ષિતિજ ઉપર સૂરજ ચડ્યો અને દેખાડ્યું કે નદી સાવ સૂકીભાંઠ છે. જુલાઈ પૂરો થવા આવ્યો હતો, પણ હજી ગુજરાતમાં ચોમાસું ડોકાયું નહોતું. જો કે મોરબીમાં જીવન પૂર્વવત્ ચાલતું હતું…બફેલો બ્રિજ પર ટ્રાફિકનો પ્રવાહ હૉર્ન વગાડતો વણથંભ ઊભરાય છે. બે કાંસાના આખલા પોતાનાં સિંહાસનો પર ટ્રાફિક પર નજર માંડીને બેઠા છે…ઑટોરિક્શાઓનાં છડિયાં, સાયકલોને માંડ સંભાળીને ચલાવતા નિશાળિયા છોકરાઓ, પતિઓની ખચાખચ ઠાંસેલી મોપેડો પર બાળકોને સજ્જડ વળગાડીને બેઠેલી પત્નીઓ… જે કોઈ ટ્રાફિક પરથી નજર હટાવી શકે એમ છે એમને સદીઓની સમૃદ્ધ રાજાશાહીના ભવ્ય વારસાને નિરખવાની તક મળે છે.” એક ગતિમાન ચિત્ર આંખ સામે સરકવા લાગે છે.
અહીં તમને મળે છે, પ્રતાપભાઈ આડરોજા. મેઇન માર્કેટ પાસે જ એમનો નાનો પાનનો ગલ્લો છે.અને દક્ષિણ મોરબીની એક શેરીમાં જૂના જમાનાના એક આલીશાન મકાનમાં કચરો વાળતી એક સોહામણી યુવાન સ્ત્રી નજરે ચડે છે – ખતીજાબેન વાલેરા. આખો પરિવાર દરબારી ગાયક હતો પણ હવે એ દિવસો ગયા. કુટુંબના સભ્યો બીજાં કામો પણ કરે છે, પણ સંગીત હજી પણ મુખ્ય કામ રહ્યું છે. માત્ર એક જ કુટુંબમાં હવે પેઢીઓ ફેલાઇ છે અને આ એક જ ઘર પાસે સંગીત શિક્ષણનાં ઘણાં બોર્ડ છે. કુટુંબીઓમાં જ હરીફાઈ છે. શૌકતભાઈ સૌથી નાના અને સૌથી સુરીલા, પણ કહે છે કે, એમને કોઈકે સિંદૂર પિવડાવી દીધું.
આ ભગવાનજીભાઈ પટેલ. પણ હવે ખેતીને બદલે ઉદ્યોગમાં પડ્યા છે. લીલાપરથી આવીને મોરબીમાં કારોબાર જમાવ્યો છે. સિરેમિકનું એમનું કામ ધમધોકાર ચાલે છે. એટલું જ નહીં ૧૯૭૦ના દાયકાથી મોરબીની ઘડિયાળો પણ દેશની અનેક ભીંતો પર સમયની પ્રહરી બનીને ગોઠવાવા લાગી હતી.
આ છે કનુભાઈ કુબાવત. ઊંચી કદકાઠી, સેંથી પાડીને ઓળેલા વાળ, મોઢામાં પાન ઠસોઠસ ભર્યું છે. મોરબીની ઉત્તરે શિક્ષક તાલીમ કૉલેજમાં ભણાવે છે, પણ સાંજે દક્ષિણમાં ઘરે આવે ત્યારે પેન્ટને બદલે ધોતીમાં દેખાય અને મંદિરમાં સેવાનું કામ કરે.
ચારે બાજુ ઉત્સાહ છે. આજે રાંધણ છઠ છે. રસોડાંને આરામ નથી. કાલે શીતળા સાતમ. માતાજીને ઊનું ન ફાવે એટલે કાલે તો ચૂલો પણ ઠંડો રહેશે. ટાઢું ખાવાનું છે એટલે આજે જ રંધાઈ જવું જોઈએ. અને પરમ દિવસે આવશે જન્માષ્ટમી. કૃષ્ણ કનૈયાના જન્મનો ઓચ્છવ. બધા મસ્ત છે; બધાંનાં મન ઉમગે છે.
આવો હવે મળીએ મોરબીના મૅયર રતિલાલ દેસાઈને. અચકાતા મને જાહેર જીવનમાં આવ્યા, પણ હવે એમને મન જનસેવા એ જ પ્રભુસેવા. સગાવાદ, લાગવગ. ચશમપોશી, રુશ્વતખોરીના પ્રખર વિરોધી. સૌરાષ્ટ્રમાં કોઈકને કોઈક મ્યુનિસિપાલિટી રુશ્વતના કીચડથી ખરડાયેલી હતી ત્યારે પણ રતિલાલ દેસાઇને કારણે મોરબીએ ‘આદર્શ શહેર’ નો દરજ્જો જાળવી રાખ્યો હતો.
આવાં અનેક પાત્રો આપણને મોરબીના સમાજજીવનનો ચિતાર આપે છે.
xxx
સૌરાષ્ટ્રના દ્વીપકલ્પની ફરતે આવેલી ડૂંગરોની હારમાળામાંથી અનેક ઝરણાં ફૂટે છે. લીલાં જંગલો પાર કરીને એક સૌથી મોટા ઝરા, મચ્છુને આવીને મળે છે. એ જ મચ્છુ નદી. વાંકાનેરથી વીસ માઇલ (૩૨ કિલોમીટર) આગળ વધીને મચ્છુ મોરબીમાં પ્રવેશે છે. અહીં એની પહોળાઈ લગભગ બે ફર્લાંગ (૨૫૦ મીટર) છે. વરસમાં મોટા ભાગે તો એ કોરી હોય છે, કીચડ અને ગારા સિવાય કઈં હોતું નથી. મોરબીથી માળિયા સુધી જઈને મચ્છુ કચ્છના અખાતમાં ઠલવાય છે. ચોમાસામાં અખાતમાં પાણી ભરાતાં એ અરબી સમુદ્ર સાથે એકાકાર થઈ જાય છે. અનેક જાતની માછલીઓ મચ્છુના મુખપ્રદેશમાં જોવા મળે છે. પરંતુ ચોમાસું વીતતાં કચ્છનો અખાત સુકાવા માંડે છે અને ખારાપાટની સખત જમીન બની જાય છે. એ મચ્છુને શોષી લે છે.
આમ તો મચ્છુને નાથવાનો વિચાર નવો નહોતો. છેક ૧૯૨૦ના અરસામાં મોરબીના રાજા ઠાકોર લખધીરજીને મોરબીમાં બંધ બાંધવાનો વિચાર આવ્યો હતો. એમણે ભારતના સર્વમાન્ય નિષ્ણાત એન્જીનિયર વિશ્વેસરૈયાને સલાહ માટે મોરબી તેડાવ્યા. પરંતુ એમણે આ વિચાર તરત પડતો મેલ્યો. એ વખતના અમુક દસ્તાવેજો પ્રમાણે ડૅમ બાંધવા માટે જોઈતાં નાણાંની ખેંચ હતી. તે પછી વાંકાનેર પાસે બંધ બાંધવાની દરખાસ્ત આવી. પણ એય લખધીરજીએ માંડી વાળ્યું, કારણ કે વાંકાનેરનાં ઘણાં ગામડાં ડૂબી જાય એમ હતું અને વાંકાનેર અલગ રાજ્ય હતું એટલે સાર્વભૌમત્વનો પણ સવાલ હતો. પરંતુ મૅયર રતિલાલ દેસાઈના માનવા મુજબ વિશ્વેસરૈયાએ લખધીરજીને બંધ ન બાંધવાની સલાહ આપી. કહેવાય છે કે વિશ્વેસરૈયાએ કહ્યું કે જો બંધ પાણીને રોકી નહીં શકે તો સમજી લો કે મોરબીની સામે તોપનું નાળચું કાયમ માટે તકાયેલું રહેશે.
૧૯૨૦માં જે ન થયું તે આઝાદી પછી થયું. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય બન્યું અને ૧૯૫૫માં સૌરાષ્ટ્ર સરકારે મોરબીથી ૩૩ માઇલ (૫૩ કિલોમીટર) દૂર વાંકાનેર પાસે લગભગ દોઢ માઇલ ( બે-અઢી કિલોમીટર) લાંબો બંધ બાંધ્યો. આનો લાભ વાંકાનેરની આસપાસનાં ગામોને મળવાનો હતો. આ હતો પહેલો મચ્છુ બંધ.
પરંતુ મોરબીની જરૂરિયાત સંતોષવા માટે મોરબી પાસે પણ બંધ બાંધવાની વાત તો ઊભી જ રહી. એ બીજો બંધ બનવાનો હતો. આપણે એ જ બંધની વાત કરીએ છીએ, પરંતુ આજે તો અહીં જ અટકીએ. xxx
No one had a tongue to speak
મોરબીની હોનારતની કથા
૧૧મી ઑગસ્ટ ૧૯૭૯. એક અઠવાડિયાના સતત મૂશળધાર વારસાદ પછી. મચ્છુ નદી પરનો બંધ ધસી પડે છે અને આખું મોરબી માનવસરર્જિત પ્રલયમાં સપડાઈ જાય છે.
મોરબીનો મૂળ નિવાસી અને અમેરિકામાં વસતો એક છોકરો સમુદ્રી તોફાન કૅટરિનાની તાંડવલીલા ટીવી પર જૂએ છે. એનાં માતા પણ પાસે જ બેઠાં છે. એમના મોંમાંથી ઉદ્ગાર સરી પડે છે…”આ તો મોરબી જેવું જ છે…છોકરાનું કુતુહલ સળવળે છે અને એ વધારે ઊંડો ઉતરે છે. કૉલેજમાં જાય છે. એને એક બીજા વિદ્યાર્થીનો સાથ મળે છે. બન્ને મોરબી આવે છે, સાથે મળીને પુસ્તક લખે છેઃ No One had a Tongue to Speak અને આજસુધી જાણવા ન મળેલી વાતોને બહાર લાવે છે. સરકારી તંત્ર અને રાજકીય નેતૃત્વની બેકાળજી, જલદી ‘વિકસિત’ ગણાવાની માનસિકતા…આ બધાનો સરવાળો એટલે મોરબીની હોનારત. ખાસ નોંધવા જેવી વાત એ પણ છે કે પુસ્તકના લેખકો ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન ૨૪-૨૫ વર્ષના છે. બન્ને જુવાનિયાઓને અભિનંદન.
અત્યંત રોચક નવલકથાની શૈલીમાં લખાયેલા આ પુસ્તકનો પરિચય કરાવવા માટે હું એક નવી લેખમાળા શરૂ કરૂં છું.
No One had a Tongue to Speak //ISBN 978-81-291-1989-6// કિંમત રૂ. ૪૯૫/ પાનાં ૪૦૯+૩૨//રૂપા પબ્લિકેશન્સ (માત્ર ભારતમાં વેચાણ માટે). www.rupapublications.com/
Copyright: Utpal Sandesara and Tom Wooten
બસ, આવું છું બે-ત્રણ દિવસમાં જ.
દરમિયાન funngyan.com (સંચાલકઃ શ્રી વિનય ખત્રી) તરફથી સર્વશ્રેષ્ઠ બ્લૉગ નક્કી કરવા એક સર્વેક્ષણ શરૂ કરવામાં આ્વ્યું છે. આપને એમાં ભાગ લેવાનું આંમંત્રણ છે. (લિંકનીચે બૉક્સમાં આપી છે).