India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-40

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : ૪૦: જિન્ના ૧૯૪૧થી ૧૯૪૪ (૧)

ભલે ને, લઘુમતી પ્રાંતોના બે કરોડ મુસલમાનોનો કચ્ચરઘાણ નીકળી જાયઃ જિન્ના

આ શીર્ષક ચોંકાવનારું છે, પણ સત્ય છે. એટલે આપણે હવે ‘ભારત છોડો’ આંદોલનથી પણ થોડા પાછળ, ૧૯૪૧માં જઈને કાયદે આઝમ જિન્ના ૧૯૪૪ સુધી શું કરતા હતા તે જોઈએ.

૧૯૪૧ની ૩૦મી માર્ચે જિન્નાએ કાનપુરમાં મુસ્લિમ સ્ટૂડન્ટ્સ ફેડરેશન તરફથી યોજાયેલી સભાને સંબોધી. એના વિશે ૪ ઍપ્રિલે પોલીસે પોતાના સાપ્તાહિક રિપોર્ટમાં લખ્યું કેઃ

“શ્રી એમ.એ. જિન્નાએ એમની મુલાકાત દરમિયાન…. મુસ્લિમ સ્ટૂડન્ટ્સ ફેડરેશનની મીટિંગને સંબોધન કર્યું. જિન્ના એમની વિચારસરણી પ્રમાણે જ બોલ્યા અને કહ્યું કે બહુમતી પ્રાંતોમાં સાત કરોડ મુસલમાનોની મુક્તિ માટે પાકિસ્તાન યોજના હેઠળ લઘુમતી પ્રાંતોના બે કરોડ મુસલમાનોનો કચ્ચરઘાણ નીકળી જતો હોય તો એના માટે તેઓ તૈયાર છે.”*

જિન્નાને મુસલમાનો માટે પાકિસ્તાન જોઈતું હતું અને તે માટે પંજાબ અને બંગાળની બહાર, મુખ્યત્વે યુક્ત પ્રાંત અને બિહારમાં વસતા લગભગ બે કરોડ, એટલે કે દેશના મુસલમાનોની ચોથા ભાગની વસ્તીની કુરબાની આપતાં એમનું હૈયું કાંપતું નહોતું. પાકિસ્તાન આંદોલનને તન-મન-ધનથી ટેકો આપનારા આ જ પ્રાંતોના મુસલમાનો હતા. પંજાબ અને બંગાળમાં તો મુસ્લિમ લીગનો ગજ વાગતો નહોતો, જ્યાં જિન્ના ‘પાકિસ્તાન’ બનાવવા માગતા હતા.

૨૩મી માર્ચે લીગે મંજૂર કરેલા લાહોર ઠરાવ (પાકિસ્તાન ઠરાવ) વિશે આપણે વાંચી લીધું છે; હવે એના વિશે જિન્નાના વિચારો જાણવાની જરૂર છે, એટલે તે પછીના સમયમાં પાકિસ્તાન માટે ઘટનાચક્ર કેમ ફરતું રહ્યું તે સમજી શકીએ.

લીગના મદ્રાસ અધિવેશનમાં જિન્નાનું ભાષણ

૧૯૪૧ના ઍપ્રિલમાં મદ્રાસમાં મુસ્લિમ લીગનું ૨૮મું અધિવેશન મળ્યું. લાહોર ઠરાવ પછી એ પહેલું અધિવેશન હતું. પ્રમુખપદેથી બોલતાં જિન્નાએ ‘પાકિસ્તાન’ની જુદી જુદી વ્યાખ્યાઓ થતી હતી તેનો સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો આપી દીધો. લાહોર ઠરાવ થયો તે પછીના એક વર્ષમાં જિન્નાનો વ્યૂહ એ હતો કે પાકિસ્તાન વિશે એમના સાથીઓ અને મુસ્લિમ લીગના સમર્થકો પણ જેવો અર્થ કરવા માગતા હોય તેવો કરતા રહે. એટલે કોઈ માનતા હતા કે જિન્ના નવું મદીના (જ્યાં પયગંબર મહંમદે પહેલું રાજ્ય સ્થાપ્યું) બનાવે છે અને એ ઇસ્લામના વિસ્તારનું કેન્દ્ર બનશે. બીજા કેટલાક એવા હતા કે પાકિસ્તાનને ઇસ્લામી રાષ્ટ્ર નહીં પણ મુસલમાનોની સંપૂર્ણ સત્તા હોય એવું આધુનિક રાજ્ય માનતા હતા. એવી ધારણા પણ હતી કે ભારતનું ફેડરેશન બનાવાશે અને એમાં મુસ્લિમ બહુમતીવાળાં સ્વાધીન રાજ્યોને પાકિસ્તાન નામ અપાશે, કેન્દ્રમાં ફેડરેશનની સરકાર હશે. કેટલાયે પત્રકારો અને વિવેચકો માનતા હતા કે પાકિસ્તાન ટકી ન શકે.

જિન્નાએ મદ્રાસ અધિવેશનમાં જાહેર કર્યું કે મુસલમાનો ‘પાકિસ્તાન’થી ઓછું કંઈ પણ સ્વીકારશે નહીં. એમણે કહ્યું –

“અમે ભારતના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરના ઝોનમાં સંપૂર્ણ સ્વાધીન રાજ્ય બનાવવા માગીએ છીએ અન નાણાં, સંરક્ષણ, વિદેશી બાબતો, સંપર્કવ્યવહાર,, કસ્ટમ, ચલણ, એક્સચેન્જ વગેરે બધું અમારા હાથમાં હોવું જોઈએ, અમને કોઈ પણ સંજોગોમાં અખિલ ભારતીય સ્વરૂપનું બંધારણ નથી જોઈતું, જેમાં કેન્દ્રમાં એક સરકાર હોય.”

જિન્નાએ ઉમેર્યું કે –

લોકશાહી એટલે એક રાષ્ટ્રમાં અને એક સમાજમાં બહુમતીનું શાસન હોય તે સમજાય તેવું છે પણ આવી વ્યવસ્થા બે અલગ રાષ્ટ્રો હોય, બે અલગ સમાજો – મુસ્લિમ અને હિન્દુ- હોય ત્યાં, અને ખાસ કરીને આપણા દેશમાં જ્યાં દ્રવિડિસ્તાન પણ છે, ત્યાં ન ચાલી શકે. એમણે કહ્યું કે મુસ્લિમ લીગનો સૈદ્ધાંતિક આધાર જ એ છે કે મુસલમાનો સ્વતંત્ર રાષ્ટ્ર છે. (ઉર્દુમાં ‘કોમ’ એટલે રાષ્ટ્ર. આપણે જે અર્થમાં ‘કોમ’ શબ્દ વાપરીએ છીએ તેના માટે ‘બિરાદરી’ અથવા ‘મિલ્લત’ શબ્દ છે. હિન્દુ અને મુસલમાન બે કોમ છે એમ કહેવાનો અર્થ એ કે બે રાષ્ટ્ર છે).

તે પછી બ્રિટનના ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીએ એક એવું નિવેદન કર્યું કે મુસ્લિમ લીગમાં ખળભળાટ થઈ ગયો. લૉર્ડ ઍમરીએ કહ્યું કે હિન્દુસ્તાનમાં અકબર જેવું શાસન જ ચાલી શકે. કદાચ આને ૧૯૪૨ના આંદોલનની તીવ્રતાની અસર કહી શકાય. જો કે સત્તાવાર રીતે તો બ્રિટનનું વલણ એ જ હતું કે આંદોલન દબાઈ ગયું છે અને સ્થિતિ સરકારના નિયંત્રણમાં છે.

૧૯૪૩ની ૧લી ફેબ્રુઆરીમાં જિન્નાએ મુંબઈમાં ઇસ્માઈલ કૉલેજના મુસ્લિમ વિદ્યાર્થીઓની સભામાં ઍમરીના ભાષણની ચર્ચા કરતાં કહ્યું કે લૉર્ડ એમરી હવે ઇતિહાસ વાંચવા માંડ્યા છે. અકબરે પોતાના વહીવટમાં હિન્દુ અને મુસલમાન પ્રધાનો અને અફસરો રાખ્યા હતા કારણ કે એને પોતાની આખી રૈયત પર એટલે કે બધા હિન્દુઓ અને બધા મુસલમાનો પર રાજ કરવું હતું. એ ક્યારેક હિન્દુઓને ખુશ કરતો અને ક્યારેક મુસલમાનોને. એ જ રીતે, બન્ને કોમો વચ્ચે ક્યારેક વિવાદ ઊભો થાય તો જરૂર પ્રમાણે એ હિન્દુ કે મુસલમાન પ્રધાનોનો ઉપયોગ કરતો. વાઇસરૉયની કાઉંસિલમાં પણ બધી કોમોના માણસોને લેવાયા છે, અને એ સૌ વાઇસરૉયની પસંદગીના જ છે.

લૉર્ડ લિન્લિથગોની પણ જિન્નાએ ટીકા કરી કે એક બાજુથી લૉર્ડ ઍમરી ઇતિહાસના સંશોધનમાં પડ્યા છે તો બીજી બાજુથી અહીં સાત વર્ષ રહ્યા પછી છેક હવે વાઇસરૉય લિન્લિથગોને સમજાયું છે કે હિન્દુસ્તાન ભૌગોલિક દૃષ્ટિએ એક છે. કોઈ અક્કલવાળો માણસ આનો અર્થ શું કરશે? એ જ, કે હિન્દુ મહાસભાએ ‘અખંડ હિન્દુસ્તાન’નો ઠરાવ કર્યો તે બ્રિટનના કટ્ટરપંથીઓને નવા વરસની ભેટ છે.

જિન્નાએ કહ્યું કે આજની મડાગાંઠ ઉકેલવાની ચાવી મિ.ગાંધી અને કોંગ્રેસના હાથમાં છે. એ લોકો ધારે તો સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. એમણે પૂછ્યું કે હિન્દુઓમાં કોંગ્રેસ અને હિન્દુ મહાસભા સિવાય એવા કોઈ નથી કે જેમને લોકોનું પીઠબળ હોય અને એ મુસ્લિમ હિન્દુસ્તાન કે મુસ્લિમ લીગ સાથે વાતચીત કરવા તૈયાર થાય? ગાંધીજી હિન્દુ-મુસ્લિમ એકતાને આઝાદી માટે જરૂરી માનતા હતા. જિન્નાએ એનો ઉલ્લેખ કરીને કહ્યું કે ‘ભારત છોડો’ ઠરાવમાં તો આઝાદીની માગણી પહેલી છે અને હિન્દુ-મુસ્લિમ એકતા તે પછી આવે છે.

‘પાકિસ્તાન સ્કીમ’ના લેખકનું જિન્નાની વિરુદ્ધ નિવેદન

પાકિસ્તાન કેવું હોવું જોઈએ તેની જુદી જુદી નવ યોજનાઓ હતી. એમાંથી ડૉ. અબ્દુલ લતીફને મુસ્લિમ લીગ પાકિસ્તાનની રચના વિશેનો દસ્તાવેજ તૈયાર કરવા નીમ્યા હતા. (જૂઓઃ ડો. હરિ દેસાઈનો લેખ- સંદર્ભ લેખના અંતે)

ડૉ. લતીફે ૩જી ફેબ્રુઆરીએ જ અખબારોમાં નિવેદન બહાર પાડીને જિન્નાની ટીકા કરી. એમણે કહ્યું કે, હમણાં સુધી મુસ્લિમ લીગ ભારતના રાજકારણમાં મુખ્ય સ્થાને હતી અને ગઈકાલ સુધી ચાવી તો મુસ્લિમ લીગના હાથમાં હતી, તો એ હવે એ બીજાના હાથમાં છે એમ જિન્ના કહે છે, તો એના માટે કોણ જવાબદાર છે? ગયા વર્ષે ઘણી તકો હાથમાં આવી પણ એ નરી ઉદ્ધતાઈથી એળે જવા દેવાઈ. ઑગસ્ટ ૧૯૪૨માં કોંગ્રેસે મુસ્લિમ લીગને મનાવવા ઘણી કોશિશ કરી. એકમોને વધારે સત્તા આપવા અને કોઈ એકમને છૂટા પડવું હોય તો એના માટે પણ કોંગ્રેસ તૈયાર હતી. કોંગ્રેસ લીગ સાથે રીતસરની વાતચીત કરવા આતુર હતી અને પોતાના દૃષ્ટિકોણ વિશે ખુલાસો પણ કરત. પણ જિન્નાને આ પસંદ ન આવ્યું. ઉલ્ટું, એમનું અડિયલ વલણ વધારે સખત બન્યું. જે પાકિસ્તાનની વ્યાખ્યા પણ નહોતી તેની બાંહેધરી એમને સૌ પહેલાં જોઈતી હતી. જવાબ શું હતો? હવે કોંગ્રેસના નેતાઓ જેલમાં છે અને બોલી શકે તેમ નથી. મહાસભાએ પણ પહેલાં તો જિન્નાને ખુશ કરવાની કોશિશ કરી પણ એને પછી સમજાયું કે જિન્નાની હઠનો જવાબ માત્ર હઠથી જ આપી શકાશે. ડૉ. આંબેડકરે વચ્ચે પડવાની ના પાડી દીધી અને કહ્યું કે આ ગાંધી અને જિન્ના, બે વ્યક્તિઓ વચ્ચેનો સવાલ છે. રાજગોપાલાચારીએ પણ જિન્નાને પડતા મૂક્યા અને હવે લીગની જે હાલત છે તેને ડહોળવા માટે એમણે નવી યોજના રજૂ કરી છે. ખરેખર તો રાજગોપાલાચારી જિન્નાને કહે છે કે “લો, તમારું એક પૌંડ માંસ. એક ટુકડો લાહોરની પશ્ચિમે અને બીજો ઢાકા અને મૈમનસિંઘની આસપાસ. તમારો પાકિસ્તાન ઠરાવ કહે છે તે પ્રમાણ તો તમને આટલું જ મળવું જોઈએ. લઈ જાઓ. અમે તો છૂટશું. કારણ કે અમે હિન્દુઓ તે પછી મજબૂત કેન્દ્ર સરકાર બનાવશું, એક જ પક્ષની સરકાર હશે અને તમારી મુસ્લિમ લઘુમતીએ એની હેઠળ રહેવું પડશે. જિન્નાસાહેબાને આ બધું કેમ લાગે છે? એમન એક પળ માટે પણ સમજાશે કે તેઓ અર્થહીન અહંભાવમાં, આંધળી અનિશ્ચિતતામાં જ અથડાય છે? એમના જ કારણે મુસ્લિમ લીગ આજે પણ આરામ પસંદ કરનારાની, બીજાએ મેળવેલો ખજાનો છટકું ગોઠવીને લૂંટનારી પેઢી છે.

૦-૦-૦

દરમિયાન, ગાંધીજીએ જેલમાં એકવીસ દિવસના ઉપવાસ શરૂ કરી દીધા હતા. આખા દેશમાંથી ગાંધીજીને છોડી મૂકવાની માંગ થઈ. બધા નેતાઓએ જિન્નાને પણ અપીલ કરી કે મુસ્લિમ લીગ પણ આવી જ માંગ કરે, પણ જિન્ના ન જ માન્યા. તે પછી ૨૪મી એપ્રિલે દિલ્હીમાં લીગનું ખુલ્લું અધિવેશન મળ્યું તેમાં જિન્નાએ ઘણી નવી વાતો કરી, પણ એ વિષય આજે લંબાણના ભયે આગળ ઉપર મુલતવી રાખીએ.

0000

સંદર્ભઃ

1. The Indian Annual Register, July-December, 1941 Vol.2

2. https://dspace.gipe.ac.in/xmlui/bitstream/handle/10973/38119/GIPE-013167-03.pdf

3. *Quoted from ‘Creating a new Medina; by Venkat Dhulipala, Chapter 5, page 279, 2015 Cambridge University Press.

4. www.asian-voice.com/Hari-Desai/Nine-Schemes-to-Carve-out-Pakistan

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-39

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : ૩૯: બંગાળનો દુકાળ

૧૯૪૨નું વર્ષ સમાપ્ત થતું હતું ત્યારે બંગાળમાં ભયંકર દુકાળ પડવાના અણસાર દેખાવા લાગ્યા હતા. દેશના રાજકીય ઇતિહાસની વાત કરતા હોઈએ ત્યારે દુકાળની વાત કેટલી યોગ્ય ગણાય, એવો પ્રશ્ન થશે પરંતુ આ અંગ્રેજોએ ઊભો કરેલો રાજકારણ પ્રેરિત દુકાળ હતો. આજે દુનિયા માને છે કે ચર્ચિલની નીતિઓને કારણે આ દુકાળની કરુણતા સર્જાઈ.

એક લેખકે એ જ વખતે લખ્યું હતું કે શહેરોના માર્ગો પર ભીખ માગનારાઓની સંખ્યા વધેલી જણાય તે ગ્રામીણ પ્રદેશોમાં સંકટ હોવાની પહેલી નિશાની છે. એમણે ૧૧૭૦થી ૧૯૪૩ સુધીમાં બંગાળમાં આવેલા દુકાળોનું પૃથક્કરણ કરીને આ લક્ષણ પર પ્રકાશ પાડ્યો હતો. લેખકનું કહેવું હતું કે સરકાર ગામડાંઓમાં પૂરતી વ્યવસ્થા કરે તો લોકોને શહેરો ભણી ભાગવું ન પડે. પરંતુ સરકારે એવી કોઈ વ્યવસ્થા ન કરી, એટલું જ નહીં, કોઈ જાતની વ્યવસ્થા કરવાનો એનો વિચાર પણ નહોતો કે ભાવના પણ નહોતી.

બંગાળનો દુકાળ

બંગાળ પ્રાંતના પ્રીમિયર ફઝલુલ હકે ઍસેમ્બલીમાં આક્ષેપ કર્યો કે એમની સરકારે પ્રાંતમાં અનાજ કેટલું છે, તેની મોજણી કરવાની દરખાસ્ત ગવર્નરને મોકલી હતી પણ ગવર્નરે એ નકારી કાઢી. વાઇસરૉય લૉર્ડ લિન્લિથગોની સરકારે પણ ગવર્નરના રિપોર્ટને સાચો માન્યો અને ભારત માટેના બ્રિટનના પ્રધાન લૉર્ડ ઍમરીએ લિન્લિથગોની ક્રૂર બેદરકારીનો બચાવ કરતાં કહ્યું કે પ્રાંતના ગવર્નરનો રિપોર્ટ મળ્યા પછી હિન્દુસ્તાન સરકાર કંઈ ન કરી શકે.

એ રિપોર્ટ પણ હતા કે વધારે ને વધારે ખેડૂતો જમીન ગિરવી રાખતા હતા કે વેચી નાખતા હતા. આ એક જ વાત સાબીત કરતી હતી કે ગામડામાં ખેડૂત પાસે પણ કુટુંબ પૂરતું અનાજ નહોતું. અંતે સરકારે દુકાળ હોવાનું કબૂલ્યું. તે પહેલાં જ લોકોનાં ટોળેટોળાં ગામડાં છોડીને કલકત્તાના રસ્તાઓ અને અનાજની દુકાનોએ મુઠ્ઠી અનાજની આશાએ ટળવળતાં હતાં અને તેમાં સ્ત્રીઓ અને બાળકોની બહુ મોટી સંખ્યા હતી. જ્યાં કંઈ મળવાની આશા હોય ત્યાં લોકોની લાંબી કતારો રાહ જોતી રહેતી.

દરમિયાન, બંગાળમાં ફઝલુલ હકની સરકારનું પતન થઈ ગયું અને એની જગ્યા મુસ્લિમ લીગના સર ખ્વાજા નઝિમુદ્દીનની સરકારે લીધું. ગવર્નરની મહેરબાનીથી બનેલી આ સરકારે પણ ગામડાંઓમાં ઊભું થયેલું સંકટ ટાળવા માટે કશું ન કર્યું. ભારતની અંગ્રેજ સરકારે, જો કે, હિન્દુસ્તાનીઓની વિરુદ્ધ ખુલ્લું વલણ લીધું પણ લિન્લિથગો લંડનમાં સરકારને બંગાળના દુકાળની સાચી સ્થિતિની જાણ કરતો રહ્યો હતો. જાહેરમાં તો એનું વલણ પણ એમ દેખાડવાનું હતું કે હિન્દુસ્તાની નેતાઓ અને અફસરો વાત વધારીને કરે છે, ખરેખર એવડી મોટી સમસ્યા નથી.

પ્રીમિયર નઝિમુદ્દીનને સ્થાનિક પરિસ્થિતિની જાણ અને સમજણ હોવા છતાં એમણે એમની સરકારને સલાહ આપવા માટે જ્‍હોન હર્બર્ટ કમિશનનો સ્વીકાર કર્યો. કમિશને અનાજના ભંડાર પર ધ્યાન આપવાનું હતું અને કમિશનની રચના સાથે નઝિમુદ્દીનની સરકારે પોપટની જેમ અંગ્રેજ હકુમતના સૂરમાં સૂર મેળવીને બોલવાનું શરૂ કરી દીધું. તેમાં પણ નાગરિક પુરવઠા પ્રધાન સુહરાવર્દી તો જાતે જ અંગ્રેજોના પ્રવક્તા બની બેઠા અને કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર નહોતા થતા કે બંગાળમાં અનાજની ભયંકર તંગી છે. એમને આદેશ હતો કે અનાજ પૂરતું છે તે આંકડા સાથે સાબિત કરી દેવું.

બ્રિટનની સરકારનો મૂળ હેતુ લડાઈમાં જોતરાયેલા અંગ્રેજ અને અમેરિકન સૈનિકોને સતત અનાજનો પુરવઠો આપતા રહેવાનો હતો. આના માટે મોટા પાયે ખરીદીઓ કરાતી હતી. બીજી બાજુ, બંગાળમાં ખેતીની જમીન પર મુસલમાનોનું પ્રભુત્વ હતું. દુકાળને કારણે પાક ન થવાથી મુસ્લિમ જમીનદારો સંકટમાં સપડાઈ ગયા હતા. એમને ઉગારવા કેમ? લશ્કર માટે અનાજના પુરવઠો એકઠો કરવાનો વેપાર મુસ્લિમ લીગને ફાવ્યો. એના નેતાઓને મન આ નફો કરવા અને ફરી પગભર થવાની મોટી તક હતી. એટલે ઘણા સાધનસંપન્ન મુસલમાન અનાજ એકઠું કરીને લશ્કરને પહોંચાડવાના વેપારમાં પડ્યા. વેપારની શરૂઆતમાં ખોટ પણ જાય. એ સમયે નઝિમુદ્દીન સરકાર એમને મદદ કરતી. પણ વેપારમાં ધર્મ આડે નહોતો આવતો. કલકત્તાના રસ્તાઓ પર ચીંથરેહાલ ભૂખ્યા ગ્રામજનોનાં ટોળાં અને રસ્તે રઝળતાં શબો તરફ જોયા વગર જ એમની ટ્રકો અનાજ ભરીને અંગ્રેજોની છાવણીઓ તરફ નીકળી જતી.

મહાત્મા ગાંધી કેમ જીવે છે?

વડા પ્રધાન ચર્ચિલને જ્યારે કોઈએ કહ્યું કે ભારતમાં અનાજની તંગી છે તો એનો જવાબ હતો કે આવી કોઈ તંગી નથી. તંગી હોય તો મહાત્મા ગાંધી હજી કેમ જીવી શકે છે?

એણે માર્ચમાં જ કહ્યું હતું કે –

“વૉર ટ્રાન્સપોર્ટના પ્રધાને હિન્દી મહાસાગર એરિયામાંથી આવતી અનાજની માગણી બાબતમાં કડક વલણ લીધું છે તે જાણીને મને આનંદ થયો. એક દેશને છૂટ આપવાથી તરત બીજા દેશમાંથી પણ માગણી ઊઠશે… એમણે આપણે પોતાની સંભાળ જાતે લઈએ છીએ તેમ પોતાની સંભાળ લેતાં શીખવું પડશે. યુનાઇટેડ કિંગડમના આયાત કાર્યક્રમની સ્થિતિ ગંભીર છે અને યુદ્ધના પ્રયાસો માટે જોખમી બને તેમ છે. આ જોતાં, માત્ર સારો ઇરાદો દેખાડવા માટે આપણે જહાજો ન મોકલી શકીએ.”

બ્રિટનના યુદ્ધમાં ભારતનું ધન એટલું બધું ખર્ચાયું હતું કે બ્રિટનના નાણા પ્રધાન સર કિંગ્સ્લી વૂડે ચેતવણી આપી દીધી હતી કે ભારત સરકાર હંમેશાં બ્રિટનની દેવાદાર રહી છે પણ હવે બ્રિટનને નાણા ધીરનાર સૌથી મોટો દેશ ભારત છે. રોજના લાખો પૌંડનું ભારતનું દેવું બ્રિટન પર ચડે છે અને યુદ્ધ પછી એ તરત ચૂકવી આપવાનું થશે. બીજી બાજુ, યુદ્ધ પછી યુરોપ મુક્ત તો થઈ જશે પણ તારાજ થઈ ગયું હશે. એને ખવડાવવું પડશે, આખી દુનિયામાં અનાજની ખેંચ પડવાની છે. યુરોપને બેઠું કરવાનું થશે ત્યારે પણ ભૂખમરો ફેલાશે. એ સંયોગોમાં બ્રિટન પોતે જ દેવાળું ફૂંકવાની હાલતમાં હશે.

આપણે આ તો ૧૯૪૩ની વાત કરીએ છીએ પણ ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીએ સપ્ટેમ્બર ૧૯૪૨માં જ પોતાની ડાયરીમાં લખ્યું કે “વિન્સ્ટન અંતહીન અગડંબગડં બોલતા રહ્યા, જેનો સાર એટલો જ કે આપણે ભારતનું રક્ષણ કરીએ અને એ જાણે એનો હક હોય તેમ એના માટે એને લાખો પૌંડ પણ ચૂકવીએ એવી આશા રાખવી એ ક્રૂરતા છે.” આમ દુકાળનું સત્ય સ્વીકારવા ચર્ચિલ તૈયાર નથી અને નિષ્ઠુરતાથી ગાંધીજીના મરવાની વાત કરે છે, તો બીજી બાજુ, ભારતને યુદ્ધમાં ઘસડીને ખર્ચના ખાડામાં નાખ્યા પછી એ જાણે બ્રિટનનો વિશેષાધિકાર હોય તેમ દેવું ચુકવવા સામે પણ એને વાંધો છે! આઠ દિવસ પછી ઍમરીએ લખ્યું કે “વિન્સ્ટન જેવો માણસ, જે એકીસાથે આપખુદ, વાક્ચતુર અને ચક્કરભમ્મર મગજવાળો હોય તેની સાથે કામ કરવું બહુ તકલીફ આપે તેવું કામ છે. મને ખાતરી નથી કે હું એમને સમજાવી શક્યો હોઉં કે ભારત પોતાનો બચાવ પોતાના પૈસે કરે છે, એટલું જ નહીં ભારતમાં બ્રિટિશ ફોજ છે તેનો નિભાવ પણ કરે છે. બ્રિટન પર ભારતનું કરજ ઓછું કરવા માટે મને બે સિવાય ત્રીજો રસ્તો દેખાતો નથી – કાં તો ભારતમાંથી આયાત બંધ કરો અથવા ભારતના સૈનિકોને બીજા મોરચાઓ પર ગોઠવો.” આમ બધું એમ દેખાડે છે કે મૂળ તો ચર્ચિલ જ હતો કે જેનો અભિપ્રાય સૌની ઉપર ભારે પડતો હતો અને બીજા પછી એના જ રાગે પોપટપાઠનું પુનરાવર્તન કરતા હતા.

પરંતુ, બ્રિટન સરકારના વલણની અમેરિકામાં સખત ટીકા થતી હતી. ચર્ચિલ છંછેડાયો અને એણે એનું સૌથી વધારે બદનામ મંતવ્ય બંગાળના દુકાળ અને લોકોના ભૂખમરાના સંદર્ભમાં જ ઓકી દીધું. ૧૯૪૨ની ૧૧મી નવેમ્બરે એણે સંસદમાં કહ્યું: “આપણે જરાય મચક નહીં આપીએ… હું બ્રિટિશ સામ્રાજ્યનો અંત લાવવા માટે રાજાનો પ્રથમ પ્રધાન નથી બન્યો.” ઍમરીએ પોતાની ડાયરીમાં લખ્યું છે કે બીજા દિવસે, જર્મનોની હારમાં મુકાય તેવા અધમ જંગલીઓ એમને ભારતમાંથી હાંકી કાઢે એ ચર્ચિલને એ વિચારમાત્ર અપમાન જેવો લાગતો હતો. અને એ ઉન્માદી ઝનૂનની ચરમ સીમા પર પહોંચી ગયો હતો.

વિશ્વયુદ્ધ, ચર્ચિલની મહત્વાકાંક્ષા, નઝિમુદ્દીન સરકારની બેકાળજી અને જરઠતા, વેપારીઓની લાલચ અને મુસ્લિમ લીગની નિર્લજ્જતાએ ૩૦ લાખ લોકોના જાન લઈ લીધા. ભારતના ઇતિહાસનું આ દુઃખદ અને કાળું પ્રકરણ છે.

૦૦૦

સંદર્ભઃ

(૧) The Indian Annual Register Vol. II July-December 1943

(૨) https://scroll.in/article/873785/75-years-since-the-bengal-famine-how-much-was-churchills-bias-to-blame-for-the-death-of-millions (મધુશ્રી મુખરજીના પુસ્તક Churchill’s Secret Warમાંથી લીધેલો એક અંશ).

(3) https://www.theguardian.com/world/2019/mar/29/winston-churchill-policies-contributed-to-1943-bengal-famine-study (Michael Safi in Delhi @safimichael Fri 29 Mar 2019).


India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-38

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : ૩૮ –  ૧૯૪૨ના શહીદો

આ બાજુ દેશમાં ‘ભારત છોડો’ આંદોલનની ઊગ્રતા તો બે-ત્રણ મહિનામાં ઓસરી ગઈ, પણ એ ચાલતું રહ્યું અને લોકો પોતાનું બલિદાન દેતા રહ્યા. મહાત્મા ગાંધીએ આંદોલનને છૂટો દોર આપી દીધો હતો પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયેલા કોંગ્રેસના નેતાઓને દેશમાં સૂનકાર ભાસતો હતો. આમ છતાં ૧૯૪૫માં વિશ્વયુદ્ધના અંતે સરકારે બધાને છોડવાનું શરૂ કર્યું ત્યારે એમના સત્કાર માટે ઠેકઠેકાણે હજારોની ભીડ ઊમટી પડી. કદાચ નેતાઓને પણ આશ્ચર્ય થયું હશે કે લોકોમાં હજી પણ આઝાદીની જ્યોત જલતી હતી. ખરેખર તો ૧૯૪૫ પછી જનતાએ જ કોંગ્રેસનું મનોબળ વધાર્યું. સરકારી દમનને કારણે નેતાવિહોણી જનતા ઉલટી વધારે દૃઢતાથી અંગ્રેજ સરકારનો સામનો કરવા કટિબદ્ધ થઈ ગઈ હતી. આજે રાજકારણમાં આગળ વધતાં પહેલાં ૧૯૪૨ના શહીદોને અંજલિ આપીએ. તે પછી નેતાઓ પાસે આવતા અઠવાડિયે જશું અને આ લેખની શરૂઆતનો તાર સાંધશું.

‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા બદલ દેશમાં એક જ જણને – આસામના કુશલ કુંવરને – ફાંસી થઈ અને બાકી અસંખ્ય લોકો સરઘસો પર પોલિસના ગોળીબારમાં મૃત્યુને વર્યા. પહેલાં કુશલ કુંવરની વાત કરીએ તે પછી ગુજરાતના શહીદોને અંજલિ આપીએ, કારણ કે બધાને નામજોગ યાદ કરવાનું સહેલું નથી.

કુશલ કુંવર (kushal-konwar અને indianfolklore.org)

કુશલ કુંવરકુશલ કુંવરનો જન્મ આસામના ગોલાઘાટ જિલ્લાના ગામ બલિજાન ચરિયાલીમાં ૧૯૦૫ના માર્ચની ૨૧મીએ થયો. ૧૯૨૦માં એ સ્કૂલમાં ભણતા હતા ત્યારે જ અસહકાર આંદોલનમાં કૂદી પડ્યા. તે પછી જીવનનિર્વાહ માટે નોકરી કરી પણ ૧૯૩૬માં બધું છોડીને દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ૧૯૪૨માં ઑગસ્ટ ક્રાન્તિની શરૂઆત થતાં એમણે સરૂપાથર જિલ્લામાં કોંગ્રેસે બનાવેલી શાંતિ સેનાની સરદારી લીધી. એ વર્ષના ઑક્ટોબરની દસમીએ સરૂપાથરના યુવાનોની મૃત્યુ વાહિની (Death Squad)ના કેટલાક ક્રાન્તિકારીઓએ એક મિલિટરી ટ્રેનને પાટા પરથી ઉથલાવી નાખી. આમાં અસંખ્ય સૈનિકો માર્યા ગયા. ધૂંવાંફૂંવાં થયેલી સરકાર આડેધડ ધરપકડો કરવા લાગી. અનેક લોકો દમનનો ભોગ બન્યા, ૧૩મી તારીખે કુશલ રેલવે સ્ટેશન તરફ જતા હતા ત્યારે પોલીસે એમને પકડી લીધા. એમના બચાવમાં ઘણા વકીલો આગળ આવ્યા પણ શાંતિ વાહિનીનો એક સભ્ય પુલિન બરુઆ પોલીસનો સાક્ષી બની ગયો. કુશલ કુંવર, કનકેશ્વર કુંવર, ધર્મકાન્ત ડેકા અને ઘનશ્યામ સૈકિયાને મોતની સજા કરવામાં આવી. પણ કુશલ સિવાયના ત્રણ જણની દયાની અરજી મંજૂર કરીને એમની મોતની સજા ઘટાડીને દસ વર્ષની જેલની સજા અપાઈ. કુશલ કુંવર કોઈ જાતના હિંસાત્મક કાર્યમાં માનતા નહોતા પણ એમણે ગેરકાનૂની કેસમાં પોતાનો બચાવ ન કર્યો. ૧૫મી જૂને એમને વહેલી પરોઢે ફાંસી આપી દેવાઈ. વિદેશી સરકારે છેક ૧૭૫૭થી જ હિંસાનો રસ્તો લીધો હતો અને કાનૂનને નામે અસંખ્ય ગેરકાનૂની હત્યાઓ કરી તેમાં કુશલ કુંવર અંતિમ હતા.

ગુજરાતના શહીદો -૧૯૪૨

(વિરોધ દેખાવોમાં ભાગ લેનારા અને પોલીસની ગોળીથી અથવા જેલમાં થયેલા અત્યાચારોને કારણે કે અત્યાચારોને પરિણામે ગંભીર હાલતમાં છોડી દેવાયા પછી મૃત્યુ પામ્યા હોય તેવા સ્વાતંત્ર્યવીરો. બધાં નામો અંગ્રેજીની આલ્ફાબેટ પ્રમાણે છે. નામોનો ક્રમ કોઈનું વધારે કે ઓછું મહત્ત્વ દર્શાવતો નથી).

. છોટાભાઈ પટેલઃ જન્મ ૧ ઑક્ટોબર ૧૯૦૮. ગામ ધુણાદરા, જિલ્લો ખેડા. ૧૮મી ઑગસ્ટે ડાકોરમાં એક સરઘસ પર પોલીસે ગોળીબાર કરતાં એમનું મૃત્યુ થયું.

. ચીબાભાઈ પટેલઃ પિંજારત, સૂરત. ‘ભારત છોડો’ આંદોલનમાં પોલીસે પકડ્યા અને જેલમાં અત્યાચાર ગુજાર્યો. ઑક્ટોબરમાં જેલમાં જ મૃત્યુ.

. ગોરધનદાસ રામીઃ જન્મ ૧૯૨૦. ગામ બાબરા, જિલ્લો અમદાવાદ. ૯મી ડિસેમ્બરે અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કરતાં એમનું મૃત્યુ થયું.

. ગોવિંદરાવ ઉતરાણકરઃ જન્મ ૧૫ માર્ચ ૧૯૧૭. મહેસાણા જિલ્લો. એ ગ્રેજ્યુએટ હતા અને સ્થાનિકની સ્કૂલના હેડ માસ્ટર હતા. ૨૫મી ડિસેમ્બરે વિસનગરમાં એક સરઘસ નીકળ્યું તેમાં ગોવિંદરાવ પણ હતા. એક પોલીસ કોન્સ્ટેબલે શાંતાબેન પટેલ નામની એક મહિલા અને એના પિતા સાંકળચંદ પટેલ તરફ રિવૉલ્વર તાકી પણ એ ગોળી છોડી શકે તે પહેલાં ગોવિંદરાવે રિવૉલ્વર ઝુંટવી લેવાની કોશિશ કરી ત્યારે પોલીસે એમના પર જ ગોળીઓ છોડી દીધી. ૧૯૪૩ની ૧૫મી જાન્યુઆરીએ એમનું હૉસ્પિટલમાં અવસાન થયું.

. ગુણવંત માણેકલાલ શાહઃ જન્મ ૧૯૨૪. જિલ્લો અમદાવાદ. ઉંમર ૧૮ વર્ષ. ૯મી ડિસેમ્બરે એક સરઘસ પર પોલીસના ગોળીબારમાં ગંભીર ઈજાઓ પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા.

. કુમારી જયાવતી સંઘવીઃ જન્મ ૧૯૨૪. જિલ્લો અમદાવાદ. ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૪૩ના અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેમાં એ જોડાયાં. પોલીસ દળ સરઘસ પર ત્રાટક્યું ત્યારે નાસભાગમાં પડી ગયાં. એ એમના માટે પ્રાણઘાતક બન્યું અને એ જ દિવસે એમનું અવસાન થયું.

. ઝીણાભાઈ મેસુરિયાઃ ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રિય હતા. પોલીસે એમની ધરપકડ કરી લીધી. જેલમાં એમના પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો. એમાં એ સખત માંદા પડી ગયા. તે પછી એમને છોડવામાં આવ્યા પણ બે-ત્રણ મહિનામાં જ એ મૃત્યુ પામ્યા.

. કાનજીભાઈ આણંદજી બારૈયાઃ જિલ્લો ભાવનગર. એમના ગામમાં ૨૨મી ઑગસ્ટે સરકારના વિરોધમાં સરઘસ નીકળ્યું તેમાં એ જોડાયા. પોલીસે ગોળીબાર કરતાં મૃત્યુ થયું.

. કુમારી (ડૉ.) પ્રભાવતીઃ સૂરત. ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા માટે જેલવાસ ભોગવ્યો. ત્યાં અમાનુષી અત્યાચાર અને ભયંકર ગંદકીને કારણે બીમાર પડી ગયાં. એમને છોડવામાં આવ્યાં પણ એ જ વર્ષમાં એમનું મૃત્યુ થયું.

૧૦. મગનભાઈ પટેલઃ ગામ માતવડ, તાલુકો જલાલપુર, જિલ્લો નવસારી. ૨૨મી ઑગસ્ટે એમના ગામમાં જાહેર સભા મળી તેના પર પોલીસે ગોળીબાર કર્યો. મગનભાઈ ઘાયલ થઈ ગયા અને ત્યાં જ એમનું મૃત્યુ થઈ ગયું.

૧૧. મણિલાલ પટેલઃ જન્મ ૯ ફેબ્રુઆરી ૧૯૨૨. ગામ ચાણસ્મા, પાટણ. મણિલાલ અને એમના ત્રણ-ચાર મિત્રોએ ‘ભારત છોડો’ આંદોલનમાં સત્યાગ્રહ કેમ કરવો તે શીખવવાનું પોતાના માથે લીધું. એ ગામેગામ જતા. ૧૮મી ઑગસ્ટે એક ગામેથી પાછા ફરતાં અડાસ રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે કેટલાક સિપાઈઓ એમના તરફ આવતા હતા. મણિલાલ અને એમના મિત્રો જાતે જ પોલિસ તરફ આગળ વધ્યા. પોલીસે પૂછ્યું ત્યારે એમણે પોતે ‘સત્યાગ્રહી’ છે એમ કહ્યું. એમણે એ પણ કહી દીધું કે અમારી ધરપકડ કરવી હોય તો કરી લો. સિપાઈઓએ એક ક્ષણની પણ રાહ જોયા વિના ગોળીઓ વરસાવી. એમાં મણિલાલના પ્રાણ ગયા.

૧૨. મણિશંકર ધીરજલાલઃ જન્મ ૧૯૧૮. તાલુકો ડાકોર, જિલ્લો ખેડા. એમના ગામે ‘ભારત છોડો’ આંદોલન માટે જાહેર સભા યોજાઈ તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામ્યા.

૧૩. મનુભાઈ મહેતાઃ જિલ્લો રાજકોટ. આઠમી ઑગસ્ટે આંદોલન શરૂ થયું તે સાથે જુદા જુદા ઠેકાણે સભાસરઘસો થવા લાગ્યાં. ઑગસ્ટમાં જ આવા એક કાર્યક્રમ દરમિયાન પોલીસની ગોળીનો શિકાર બન્યા.

૧૪. મનુભાઈ પટેલઃ જન્મ ૨૯ જુલાઈ,૧૯૩૦. ચકલાશી, જિલ્લો ખેડા. ઉંમર ૧૨ વર્ષ. ‘ભારત છોડો’ આંદોલનનું એક સરઘસ એમના ગામમાં જ નીકળ્યું. આ બાર વર્ષનો છોકરો કશા પણ ભય વિના ત્રિરંગો લઈને નીકળ્યો, પોલીસની ગોળીથી વીંધાઈ ગયો.

૧૫. મોહન કાળાઃ ગામ પિલુદરા, જિલ્લો મહેસાણા. એમના ગામમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કરતાં જાન ગયો.

૧૬. મોહનદાસ પટેલઃ દહેગામ જિલ્લો વડોદરા. એમના ગામમાં સરઘસ નીકળ્યું એમાં એ જોડાયા અને પોલીસની ગોળીથી મૃત્યુ પામ્યા.

૧૭. મોહનલાલ પટેલઃ ગામ કાન્તિપુર, જિલ્લો ખેડા. પોલિસના ગોળીબારમાં માર્યા ગયા ( વિગતો ઉપર ૧૧-મણિલાલ પટેલ પ્રમાણે)

૧૮. મોરારભાઈ પટેલઃ જ્ન્મ ૧૮૯૦. ખડી ફળિયા, તા. મહુવા જિલ્લો સૂરત. ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું.

૧૯. મોરારભાઈ પોચિયાભાઈઃ કરાડી, જિલ્લો નવસારી. ૨૨મી ઑગસ્ટે નીકળેલા સરઘસમાં પોલીસે કરેલા ગોળીબારમાં ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા.

૨૦. નાનુભાઈ પટેલઃ ગામ કરજીસણ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. એમણે ૧૯૩૦ના સવિનય કાનૂન ભંગ (મીઠાનો સત્યાગ્રહ) આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો. તે પછી ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા. ૩૦મી સપ્ટેમ્બરે અમદાવાદમાં એક સરઘસ પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોતને ભેટ્યા.

૧. નારણભાઈ મોહનભાઈ પટેલઃ અમદાવાદ. ૨૫મી સપ્ટેમ્બર ૧૯૪૨ના અમદાવાદમાં સરઘસ નીકળ્યું. પોલીસે એને વીખેરી નાખવા ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું.

૨. નરહરિભાઈ રાવળઃ અમદાવાદના વિદ્યાર્થી. ઑગસ્ટમાં એક સરઘસ નીકળ્યું તેમાં એમને પોલીસે પકડી લીધા. જેલમાં પોલીસે એમના પર સિતમ વરસાવ્યો. ૩૦મી ઑક્ટોબરે જેલમાં જ મૃત્યુ થઈ ગયું.

૩. નાથાલાલ શાહઃ જન્મ ૧૯૨૩. ગામ રામપુરા, જિલ્લો અમદાવાદ. એક સરઘસમાંથી પોલીસે એમને પકડી લીધા. ૯મી નવેમ્બર ૧૯૪૩ના રોજ જેલમાં પોલિસના અતિશય અત્યાચારને કારણે મૃત્યુ થયું.

૪. નટવરલાલ વનમાળીદાસ શાહઃ તાલુકો નડિયાદ. ૧૮મી ઑગસ્ટે ખેડામાં એક સભા પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં એમનો બલિ લેવાયો.

૫. નવિનચંદ્ર વેરાગીવાળાઃ મૂળ સૂરતના પણ કલકત્તામાં રહીને ભણતા હતા. ગાંધીજીએ ‘ભારત છોડો’નું એલાન કર્યું ત્યારે એમણે પોતાની કૉલેજની આસપાસ વિરોધ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કર્યો. પોલીસે એમને પકડીને કોયમબત્તુરની જેલમાં મોકલી દીધા. ત્યાં પોલીસના અત્યાચારને કારણે ૧૯૪૩ની શરૂઆતમાં જેલમાં જ અવસાન થયું.

૬. પુષ્પવદન મહેતાઃ અમદાવાદ જિલ્લાના વતની. ૧૯૪૩ની ૧૦મી જાન્યુઆરીએ અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં માર્યા ગયા.

૭. રમણલાલ દેસાઈઃ મૂળ સૂરતના પણ નાગપુર રહેતા હતા. ૧૯૪૨માં નાગપુરમાં ઝંડા સત્યાગ્રહમાં જોડાયા. એમની ધરપકડ થઈ. જેલમાં પોલીસે એમની સાથે પાશવી વ્યવહાર કર્યો. નવેમ્બરમાં એમને પૅરોલ પર છોડવામાં આવ્યા પણ બહાર આવ્યા પછી થોડા દિવસોમાં મૃત્યુ પામ્યા.

૮. રણછોડભાઈ પટેલઃ જન્મ ૧૯૨૪. ખડી ફળિયા, તા. મહુવા જિલ્લો સૂરત. ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું. (જૂઓ ઉપર ૧૮– મોરારભાઈ પટેલ)

૨૯. રસિકલાલ જાનીઃ જન્મ ૧૯૨૬ અમદાવાદ. ૯મી ડિસેમ્બરે સરઘસ પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું.

૦. રતિલાલ પટેલઃ જન્મ ૧૯૧૭. ગામ ભાદરણ, જિલ્લો ખેડા. ૧૮મી ઑગસ્ટે પોલીસે વીંધી નાખ્યા (વિગતો ૧૧-મણિલાલ પટેલ અને ૧૭-મોહનલાલ પટેલ)

૧. શંકરભાઈ ધોબીઃ જન્મ ૧૯૨૮ તાલુકો ડાકોર, જિલ્લો ખેડા. ૧૪ વર્ષનો વિદ્યાર્થી. ગામમાં સરઘસ નીકળ્યું તેને રોકવા માટે પોલિસે ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું.

૨. ડૉ. શિવલાલ પટેલઃ જન્મ ૧૯૦૨. ગામ જેતલપુર તા. દસ્ક્રોઈ, જિલ્લોઃ અમદાવાદ. ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવાના આરોપસર ૧૩મી ડિસેમ્બરે એમની ધરપકડ થઈ. જેલમાં અમાનુષી અત્યાચારને કારણે ૧૯૪૩ના મે મહિનાની ૨૦મીએ જેલમાં જ મૃત્યુ થયું.

૩. શિરીષકુમારઃ જન્મ ૧૯૨૬. ઉંમર ૧૬ વર્ષ. સૂરત. એમણે સરકાર વિરોધી ચોપાનિયાં વહેંચ્યાં. ૧૦મી ઑગસ્ટે નંદરબારમાં વિદ્યાર્થીઓનું સરઘસ નીકળ્યું તેની આગેવાની લીધી. મંગળ બજાર પાસે પોલીસે એમને રોક્યા પણ વિદ્યાર્થીઓએ પરવા ન કરી એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો. તો પણ વિદ્યાર્થીઓ ન અટક્યા. માણેક ચોક સુધી વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યારે પોલીસે ગોળીબાર કર્યો. શિરીષ કુમાર છોકરીઓને ગોળીબારથી બચાવવાની કોશિશ કરતા હતા ત્યારે ઘાયલ થયા અને હાથમાં ઝંડા સાથે જ મોતને ભેટ્યા.

૪. સોમાભાઈ પંચાલઃ જન્મ ૧૯૨૭. ગોકુલપુરા, જૂનું વડોદરા રાજ્ય. હવે જિલ્લો પંચમહાલ. વડોદરામાં ‘ભારત છોડો’ના સમર્થનમાં સરઘસ નીકળ્યું તેના પર કોઠી પાસે પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોત થયું.

૫. ઠાકુરભાઈ દેસાઈઃ ગામ સુજાન (સૂરત). ઑગસ્ટ મહિનામાં પોલીસે એમને પકડી લીધા. જેલમાં એમના પર સખત જુલમો થયા. ઑક્ટોબર કે નવેમ્બરમાં એમને છોડી દેવામાં આવ્યા.

૬. ઉમાકાન્ત કડિયાઃ જન્મ ૧૫ નવેમ્બર ૧૯૨૧. અમદાવાદ. એમને નાનપણથી જ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં રસ હતો. નવમી ઑગસ્ટે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં લોકોએ સભાસરઘસ યોજ્યાં અને સરકાર વિરોધી સૂત્રો પોકાર્યાં. પોલીસે એમને વીખેરી નાખવા માટે ગોળીબાર કર્યો એમાં ઉમાકાન્ત કડિયાને અસંખ્ય ગોળીઓ વાગી અને એ મૃત્યુને વર્યા.

૭. વિનોદ કિનારીવાલાઃ જન્મ ૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪. એ કૉલેજમાં ભણતા હતા. વિદ્યાર્થીઓએ ૧૦મી ઑગસ્ટે કૉલેજના પ્રાંગણમાં જ ભારત છોડો આંદોલન માટે એક સભા રાખી. એ વખતે પોલીસનો આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ત્યાં પહોંચી ગયો અને વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો પોતાની ટુકડીને આદેશ આપ્યો. વિનોદ કિનારીવાલાનું એમાં મૃત્યુ થયું.

બધા શહીદો સમક્ષ આપણે નતમસ્તક છીએ.

૦૦૦

સંદર્ભઃ

(૧) કુશલ કુંવર (kushal-konwar અને indianfolklore.org)

(૨) DICTIONARY OF MARTYRS: INDIA’S FREEDOM STRUGGLE (1857-1947) Vol.III. Government of India (Released on 19 March 2019).

(૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ૧૯૦૫માં બંગભંગ વિરુદ્ધનું આંદોલન. ૧૯૨૦નું અસહકાર અને ખિલાફતનું આંદોલન, હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન આર્મીના અને બીજા ક્રાન્તિકારીઓના સશસ્ત્ર વિદ્રોહ, ૧૯૩૦નો મીઠાનો સત્યાગ્રહ, ૧૯૪૨નું ભારત છોડો, આંદોલન આઝાદ હિન્દ ફોજમાં રહીને મોતને વરેલા સૈનિકો, ૧૯૪૬માં નૌકાદળના સૈનિકો (રેટિંગ) અને સુભાષબાબુના જન્મ દિવસની ઊજવણી વગેરે અનેક તબક્કે લોકોએ જાન કુરબાન કર્યા છે. આમાં ભારત સરકારે પ્રકાશિત કરેલી આ ગ્રંથમાળા ( ચાર ભાગ-છ પુસ્તક) બહુ ઉપયોગી છે. આ લેખ આ ગ્રંથમાળાના ત્રીજા ભાગને આધારે તૈયાર કરેલો છે. પરંતુ આ ગ્રંથમાળામાં શહીદોનાં નામ અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીને સંકલિત કરાયાં છે એટલે દરેકને ઘટના પ્રમાણે અલગ પાડવાનું ભગીરથ કાર્ય છે. આથી ઇતિહાસની આ દરેક ઘટનામાં શહીદોનો અલગ સંગ્રહ તૈયાર કરવાની જરૂર છે. સદ્‌ભાગ્યે, આ ગ્રંથોના ઍડીટર સંપૂર્ણતાનો દાવો નથી કરતા એટલે બીજા પણ અનામી શહીદો હોઈ શકે છે. ગુજરાતની બાબતમાં પણ નામો બાકી રહી ગયાં હોય એ શક્ય છે).

સ્રોતઃ (નીચે અલગ અલગ ગ્રંથોની લિંક આપી છે, એમના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે):

· Volume -1 Part -I [Delhi, Haryana, Punjab and Himachal Pradesh 1857-1919]  (1.06 MB)

· Volume -1 Part – II [Delhi, Haryana, Punjab and Himachal Pradesh 1920-1947] (1.22 MB)

· Volume -2 Part – I [UP, Uttarakhand, MP, Chhattisgarh, Rajasthan and J&K 1857-1947] (1.35 MB)

· Volume -2 Part – II [UP, Uttarakhand, MP, Chhattisgarh, Rajasthan and J&K 1857-1947]  (1.34 MB)

· Volume -3 [Maharashtra, Gujarat and Sind 1857-1947] (1.14 MB)

· Volume – 4 [Bengal, Bihar, Jharkhand, Odisha, Assam, Arunachal Pradesh, Manipur, Meghalaya, Mizoram, Nagaland and Tripura 1857-1947] (1.71 MB

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-37

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : ૩૭: આઝાદ હિન્દ ફોજની લડાઈ

આઝાદ હિન્દ ફોજનું મુખ્ય કેન્દ્ર રંગૂનમાં (હવે યંગોન) ખસેડવાનો સુભાષબાબુનો નિર્ણય એમની યુદ્ધની વ્યૂહરચના વિશેની ઊંડી સૂઝ દર્શાવે છે. આંદામાન-નિકોબાર ટાપુઓ જાપાને એમના હાથમાં સોંપી દીધા પણ યુદ્ધની નજરે આ ટાપુઓનું કંઈ મહત્વ નહોતું. નેતાજી સમજી ગયા હતા કે એમને ભારત ન પહોંચવા દેવા માટે જાપાને આંદામાન-નિકોબાર ટાપુઓ આપી દેવાની ઉદારતા દેખાડી છે, કારણ કે ત્યાંથી નૌકાદળની મદદ વિના આઝાદ હિન્દ ફોજના સૈનિકો ભારત તરફ ન જઈ શકે. એ રસ્તો તો બર્મામાંથી જ મળવાનો હતો. એમનો બર્મામાં ઑફિસ શરૂ કરવાનો નિર્ણય જાપાનને પસંદ ન આવ્યો.

પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ

પૂર્વ એશિયામાં એ વખતે લગભગ ૩૦ લાખ હિન્દીઓ વસતા હતા. જાપાનમાં તો હતા જ, પણ એકલા બર્મામાં દસ લાખ અને મલાયામાં એંસી હજાર હિન્દીઓ હતા. બર્મામાં તો કોંગ્રેસની સ્થાનિકની શાખા પણ ત્યાંના હિન્દીઓએ જ બનાવી હતી. વેપારીઓની ઇંડિયન ચૅમ્બર ઑફ કૉમર્સ પણ હતી અને વેપારીઓ હિન્દવાસીઓનાં હિતોની બરાબર કાળજી લેતા હતા. પરંતુ મલાયાના હિન્દીઓ રાજકીય દૃષ્ટિએ રંગૂનના હિન્દીઓ કરતાં વધારે જાગૃત હતા. ત્યાંના શિક્ષિત હિન્દીઓ મજૂરોને પણ સંગઠિત કરવામાં સક્રિય હતા. બ્રિટિશ સરકાર જ્યાં પોતાની વસાહતો હતી ત્યાં હિન્દીઓને જવા દેતી હતી પણ એમનાં સુખસગવડની એને દરકાર નહોતી. એમની સાથે ઓરમાયું વર્તન પણ થતું; દાખલા તરીકે, ભારતીય માલિકીનાં છાપાં પર સેન્સરશિપ લાગુ થતી હતી પણ બ્રિટિશ માલિકીના અખબારો આવાં બંધનોથી મુક્ત હતાં. આથી બ્રિટિશ સત્તા માટે એમના મનમાં જરાય આદરભાવ નહોતો. થાઈલૅંડમાં પણ ઘણા ભારતીયો હતા અને બીજા વિશ્વયુદ્ધના અરસામાં થાઈલૅંડમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ પણ વધ્યો હતો. એ જ રીતે વિયેતનામના સાયગોન અને હાનોઈમાં સિંધીઓની મોટી વસ્તી હતી. રંગૂનમાં હેડક્વાર્ટર્સ રાખવાથી બર્મા, મલાયા, સિંગાપુર, વિયેતનામ, બેંગકોક વગેરે સ્થળોએ સ્થાયી થયેલા અસંખ્ય હિન્દીઓનો મોટા પાયે ટેકો મળવાની આશા પણ હતી.

અંતે ૧૯૪૪ના માર્ચમાં જાપાને બર્મામાંથી મણિપુર પર હુમલો કર્યો. એનું નિશાન ઇમ્ફાલ હતું. જાપાને ૭૦,૦૦૦ સૈનિકોને લડાઈમાં ઉતાર્યા અને ભારે અનિચ્છા સાથે આઝાદ હિન્દ ફોજની ગાંધી બ્રિગેડ અને આઝાદ બ્રિગેડ અને સુભાષ બ્રિગેડના એક ભાગના ૬,૦૦૦ સૈનિકોને ડાબે અને જમણે રહેવાની છૂટ આપી. કૅપ્ટન શાહનવાઝ ખાનના હાથમાં આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ હતું. સામે પક્ષે, બ્રિટનના દળમાં ગોરખાઓ, બીજા ભારતીયો વગેરે મળીને ૧,૨૦,૦૦૦ સૈનિકો હતા પણ જાપાનના હુમલાની શરૂઆત સાથે જ બ્રિટિશ દળો પાછળ હટતાં ગયાં. એમનો વ્યૂહ એવો હતો કે સપ્લાય લાઇનની નજીક રહેવું.

ચારે બાજુ, બધા મોરચે બ્રિટિશ દળો પરાજિત થતાં હતાં તે સાથે બ્રિટિશ ઑફિસરોએ હિન્દુસ્તાનીઓની પરવા કરવાનું છોડી દીધું હતું અને એમને ભગવાન ભરોસે મૂકી દીધા હતા. કૅપ્ટન લક્ષ્મી એ વખતે પોતાના પતિ સાથે એમની ક્લિનિકમાં હતાં. ત્યાંથી ભાગી છૂટવાની એમને ચેતવણી મળતાં એ ભાગી છૂટ્યાં પણ રસ્તામાં પાછળથી જાપાની સૈનિકો આવતા હતા. એમનાથી બચવા માટે બન્ને જણ રસ્તાની પાસે નાની ખાઈમાં ઊતરી ગયાં. જાપાની સૈનિકોએ એમને જોઈ લીધાં અને એમની સામે મશીનગન ગોઠવી દીધી પણ હિન્દુસ્તાની છે એવી ખબર પડતાં જવા દીધાં.

બ્રિટિશ ફોજમાં પ્રેમ કુમાર સહગલ પણ હતા. એમની બટાલિયનને પાછા હટવાનો આદેશ મળી ચૂક્યો હતો. પણ એ જ સવારે એમના બ્રિટિશ સાથીનો સંદેશ મળ્યો હતો. જાપાનીઓ એના બંકર સુધી પહોંચી ચૂક્યા હતા. સંદેશમાં તો તરત ભાગી છૂટવાની ચેતવણી હતી પણ પ્રેમ કુમાર ઉલ્ટું સમજ્યા કે મદદ માટે જવાનું છે. એ ત્યાં ગયા તો જાપાની સૈનિકોએ એમને ઘેરી લીધા.

પ્રેમ કુમાર પોતાનાં સંસ્મરણોમાં કહે છે કે જાપાની સૈનિકોને હિન્દુસ્તાનીઓને જાનથી ન મારવાનો હુકમ હતો. પ્રેમ કુમારને આગળ તરફ હાથ બાંધીને એક ખુરશીમાં બેસાડી દેવાયા. થોડે દૂર એક બ્રિટિશ ઑફિસર હતો. એક જાપાની ઑફિસર આવ્યો અને પ્રેમ કુમાર સામે બંદૂક તાકી પણ પછી “તારા પર ગોળી વેડફાય નહીં” એવા ભાવ સાથે તલવાર કાઢી. બ્રિટિશ ઑફિસરને પકડ્યો અને એનું ડોકું કાપી નાખ્યું. સહગલ પર નજર રાખવા બેઠેલા એક જાપાની સૈનિકે એમનું નામ અને ધર્મ પૂછ્યાં અને બોલી પડ્યોઃ “ઇન્દોકા…”? “ગાન્જીકા”…? સહગલ ‘ઇન્દોકા’નો અર્થ તો સમજ્યા અને કહ્યું “ઇન્દોકા યસ, ગાન્જીકા નો” તરત જ જાપાનીએ બે હાથ ભેગા કરીને એમના માથા પર ફટકો માર્યો. સહગલે વળતો મુક્કો માર્યો. પણ પછી જાપાની બોલવા લાગ્યો કેનિપ્પોન પહેલા નંબરે, જનરલ તોજો બીજા નંબરે અને ગાન્જી ત્રીજા નંબરે” હવે સહગલ સમજ્યા કે ‘ગાન્જીકા’ એટલે ‘ગાંધીનો માણસ!” એટલે કે હિન્દુસ્તાની. એમણે હા પાડી. પ્રેમ કુમાર સહગલ યુદ્ધકેદી બન્યા. (પછી એ આઝાદ હિન્દ ફોજમાં જોડાયા. લાલ કિલ્લામાં બ્રિટિશરોએ આઝાદ હિન્દ ફોજના ત્રણ નેતાઓ સામે કેસ ચલાવ્યો તેમાં એ જ પ્રેમ કુમાર સહગલ, શાહ નવાઝખાન અને સરદાર ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં હતા. એમણે પાછળથી ઝાંસી કી રાની બ્રિગેડનાં કૅપ્ટન લક્ષ્મી સાથે લગ્ન કર્યાં).

ઇમ્ફાલ ભણી કૂચ

૧૯૪૪ની ૪થી ફેબ્રુઆરીએ આઝાદ હિન્દ ફોજે ભારત-બર્માની સરહદે ગોળીબાર શરૂ કરી દીધો અને આરાકાન પહાડ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો. બોઝ અને ગાંધી બ્રિગેડો ‘ઍક્શન’માં હતી. અહીંથી આઝાદ હિન્દ ફોજે હિન્દુસ્તાનની સીમામાં બેધડક ડગ માંડ્યાં અને પાલેલ, મોરે, સંગરાર અને નાગા પર્વતશૃંખલાનાં ઘણાં ગામોમાં ત્રિરંગો લહેરાવ્યો. અહીંથી એક ટુકડી કોહીમા તરફ આગળ વધી અને એના પર કબજો કરી લીધો. બીજી ટુકડીએ દીમાપુર અને સિલ્ચર સર કર્યાં. આઝાદ હિન્દ ફોજે ચાર મહિનામાં ૧૫,૦૦૦ ચોરસ માઇલનો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો અને નેતાજીએ આઝાદ પ્રદેશના ગવર્નર તરીકે મેજર જનરલ એ. સી. ચૅટરજીની નીમણૂક કરી.

દરમિયાન, ઇમ્ફાલ માટે ખૂનખાર લડાઈ ચાલતી રહી. ઘણા ઇતિહાસકારો ઇમ્ફાલની લડાઈની સરખામણી જાપાનના ઓકિનાવા અને રશિયાના લેનિનગ્રાદ માટેની લડાઈ સાથે કરે છે. હજારો હિન્દુસ્તાની સૈનિકો આ લડાઈમાંથી કદી પાછા ન ફર્યા. પરંતુ છ મહિના સુધી આઝાદ હિન્દ ફોજે ઇમ્ફાલ પર એટલું દબાણ ચાલુ રાખ્યું કે સાથી રાષ્ટ્રોના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડવાના માર્ગો ખોરવાઈ ગયા અને વિમાન મારફતે સામગ્રી પહોંચાડવી પડી. સાથી રાષ્ટ્રો માટે ઇમ્ફાલ છોડી દેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.

વરસાદ અને દગાખોરી

પરંતુ એ જ તબક્કે ભારે વરસાદે બ્રિટિશ દળોને શ્વાસ લેવાની નવરાશ આપી. એ ફરી સંગઠિત થવા લાગ્યાં. ઇમ્ફાલ છોડવાનો હુકમ રદ કરી દેવાયો. બીજી બાજુ, આઝાદ હિન્દ ફોજના સૈનિકો મેલેરિયા, ઝાડાઉલટીની બીમારીઓમાં સપડાયા.

આઝાદ હિન્દ ફોજની નબળી બાજુ એ રહી કે એની હવાઈ દળનો ટેકો ન મળ્યો કેમ કે જાપાની હવાઈ દળને ત્યાંથી હટાવી લેવાયું હતું. જાપાનની પોતાની સ્થિતિ પણ ખરાબ હતી. એ પોતાનાં ભૂમિદળોને પણ મદદ કરવામાં અડચણોનો સામનો કરતું હતું,

આ જ સમયે આઝાદ હિન્દ ફોજના બે ઑફિસરો મેજર પ્રભુ દયાલ અને મેજર ગ્રેવાલ બ્રિટિશ પક્ષે ચાલ્યા ગયા. એમણે બ્રિટિશ લશ્કરી અધિકારીઓને બાતમી આપી કે આઝાદ હિન્દ ફોજ સાધનસામગ્રીની ખેંચ ભોગવતી હતી અને એમની સપ્લાય લાઇન કપાઈ ગઈ હતી. આમ છતાં ફોજ ઑગસ્ટ સુધી હિંમતથી મુકાબલો કરતી રહી. પરંતુ નેતાજીને લાગ્યું કે હવે આગળ વધવું તે વધારે ખુવારીને આમંત્રણ આપવા જેવું છ. એમણે ઑગસ્ટમાં પીછેહઠનો હુકમ આપી દીધો.

ચલો દિલ્હી

પરંતુ નેતાજી પોતાના સંકલ્પમાં મોળા નહોતા પડ્યા. એમણે મોરચા પર લડનારાઓથી અલગ, સામાન્ય હિન્દુસ્તાનીઓને ફોજની મદદ માટે તૈયાર કરવા નાગરિક મોરચો ખોલ્યો અને મોરચે લડનારા સૈનિકોને બે નવા નારા આપ્યા – ‘ચલો દિલ્હી’ અને ‘ખૂન…ખૂન..ખૂન’! ઘરઆંગણા માટે એમના નારા હતા – “કુલીય ભરતી” અને “કરો સબ નિછાવર ઔર બનો સબ ફકીર”!

બીજા હુમલાની તૈયારી

નેતાજીએ તરત બીજા હુમલાની તૈયારી શરૂ કરી દીધી. સિંગાપુર, મલાયા અને થાઈલૅન્ડથી કુમક પણ આવી પહોંચી હતી. આ દળોએ પહેલાં જનરલ એન. એસ. ભગત, એમના પછી કર્નલ અઝીઝ અહમદ અને તે પછી મેજર જનરલ શાહ નવાઝ ખાનના તાબામાં કામ કર્યું. એની નીચેનાં દળોની આગેવાની કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, કર્નલ પ્રેમ કુમાર સહગલ, અને કર્નલ એસ. એમ હુસેનને સોંપાઈ. આઝાદ હિન્દ્દ ફોજ પાસે હવે સાધનસામગ્રીની અછત નહોતી અને પહેલા હુમલાનો અનુભવ લઈ ચૂકેલા સ્વાતંત્ર્યવીરો લાંબો વખત આરામ કર્યા પછી નવા હુમલા માટે થનગનતા હતા. બીજી બાજુ સાથી રાષ્ટ્રોની સેના પણ વધારે સજ્જ હતી. આમ છતાં મેકિટિલા અને પોપા હિલ્સ પર આઝાદ હિન્દ ફોજે કબજો કરી લીધો. પણ સાથી દળોએ એના ઉપર ફરી ફતેહ મેળવી. આઝાદ હિન્દ ફોજે પણ વળતો હુમલો કરીને એ ફરી જીતી લીધાં. આવું ઓછામાં ઓછું દસ વાર બન્યું.

પણ ફરી દગલબાજોએ બાજી પલટી નાખી. મેજર મદાન, મેજર રિયાઝ, મેજર ગુલામ સરવર અને મેજર ડે બ્રિટીશ બાજુએ ચાલ્યા ગયા. આમ છતાં, મેજર જનરલ શાહ નવાઝ ખાન, કર્નલ પ્રેમ કુમાર સહગલ, કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, કર્નલ અર્શદ, કર્નલ હુસેન, મેજર મેહર દાસ જેવા ઘણાયે દેશભક્ત ફોજી અફસરો દેશને આઝાદ કરાવવાના ધ્યેયમાં દૃઢતાથી ટકી રહ્યા હતા.

પરંતુ ૧૯૪૫ આવતાં સુધીમાં જાપાનનાં વળતાં પાણી થઈ ગયાં હતાં. હવે જાપાની સેના હારેલી લડાઈ લડતી હતી. રંગૂન પર ફરી બ્રિટિશ દળોએ કબજો કરી લીધો ત્યારે નેતાજી ત્યાં જ હતા. એમની અનિચ્છાની પરવા કર્યા વિના એમના સાથીઓએ એમને બેંગકોક તરફ નીકળી જવાની ફરજ પાડી. રસ્તામાં એમના ઘણા સાથીઓ માર્યા ગયા. ઝાંસી કી રાની બ્રિગેડની ઘણી મહિલા સૈનિકો પણ મોતને ભેટી. ૧૮ દિવસ પગપાળા ચાલીને નેતાજી બેંગકોક પહોંચ્યા ત્યારે ત્યાં એમનું હિન્દુસ્તાનીઓએ ઊમળકાભેર સ્વાગત કર્યું. નેતાજીએ અહીં લોકોને હાક્લ કરી –“તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા”!

નેતાજી બેંગકોકથી સિંગાપુર પહોંચ્યા અને ત્યાં આઝાદ હિન્દ ફોજના શહીદોનું સ્મારક ઊભું કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી. ત્યાંથી એ બેંગકોક પાછા ફર્યા ત્યારે છઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જાપાનના હીરોશીમા શહેર પર પરમાણુબોંબ ફેંકીને જાપાનને થથરાવી મૂક્યું. નવમીએ નાગાસાકી બોંબનો શિકાર બન્યું. તે સાથે જાપાનની શરણાગતીની વાતો શરૂ થઈ ગઈ અને ૧૧મી ઑગસ્ટે જાપાને હાર માની લીધી.

આ સાથે આઝાદ હિન્દ ફોજની લશ્કરી કાર્યવાહીનો – અને એ સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક ઝળહળતા પ્રકરણનો પણ – અંત આવ્યો.

અને એ બધું ઓછું હોય તેમ એ વખતે પ્રસારિત થયેલા સમાચારો પ્રમાણે નેતાજી અને એમના હિન્દુસ્તાની સાથીઓ અને કેટલાક જાપાની લશ્કરી અધિકારીઓનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું. ભારતના ક્ષિતિજેથી એક મહાન સિતારો, મહાન જનનાયક ચિર વિદાય લઈ ગયો.

(સંદર્ભ ૧માં દર્શાવેલા પુસ્તકના લેખક સરદાર રામ સિંઘ રાવલ આઝાદ હિન્દ ફોજમાં હતા અને યુદ્ધકેદીઓની છાવણીમાંથી પોતાના બે સાથીઓ સાથે ત્રણ હજાર માઇલ પગપાળા રંગૂનથી ઇમ્ફાલ પહોંચ્યા હતા).

000

સંદર્ભઃ

1. INA Saga by Sardar Ram Singh Rawal (publication date not available).

2. The Forgotten Army by Peter Ward Fay (The University of Michigan Press)

3. https://www.livehistoryindia.com/history-daily/2020/03/25/battles-of-imphal-kohima-a-time-to-heal

https://idsa.in/system/files/jds/jds_8_3_2014_HemantKatoch.pdf


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

%d bloggers like this: