India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-23

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૩: સુભાષબાબુ – કાબૂલમાં અડચણો અને ઑર્લાન્ડો માઝોટા

અફઘાનિસ્તાન જવા પાછળ સુભાષબાબુનો ઉદ્દેશ સોવિયેત રાજદૂતની મદદથી રશિયા જવાનો હતો. આ સમય દરમિયાન કીરતી કિસાન પાર્ટીના રશિયામાં કે કાબૂલમાં કોઈ સંપર્ક નહોતા એટલે નવા સંપર્કો બનાવવા, રશિયન રાજદૂત સુધી પહોંચવું વગેરે કામો ભગત રામે જ કરવાનાં હતાં. પરંતુ કાબૂલમાં એ વખતે રશિયન રાજદૂતાવાસ પર અફઘાન પોલીસની નજર હતી એટલે સીધો સંપર્ક કરવાનું પણ શક્ય નહોતું. બ્રિટનના જાસૂસો પણ રશિયનોની હિલચાલ જોતા હતા. યુદ્ધમાં રશિયાએ જર્મની સાથે મિત્રતાના કરાર કર્યા હતા એટલે એ ખુલ્લી રીતે યુદ્ધમાં નહોતું. આમ છતાં, આ કરારની પરવા કર્યા વિના હિટલરે રશિયા પર હુમલો કર્યો તે પછી રશિયા જર્મનીની સામે બ્રિટન અને અમેરિકા સાથે જોડાયું. પરંતુ સુભાષબાબુ અફઘાનિસ્તાનમાં હતા ત્યારે ચિત્ર સાવ જ જુદું હતું. ભારતનાં સોવિયેત તરફી બળો જ સુભાષબાબુને રશિયા સુધી પહોંચાડી શકે તેમ હતાં એટલે જ એમણે કીરતી કિસાન પાર્ટીની મદદ લીધી હતી. જો કે, સુભાષબાબુ સોવિયેત સંઘમાં અટકી જવા નહોતા, માગતા, એમને રશિયાની મદદથી જર્મની પહોંચવું હતું.

ભગત રામ અને સુભાષબાબુએ રશિયન એમ્બસીમાં જવાનો વિચાર કર્યો પરંતુ ત્યાં અફઘાન પોલીસની ટુકડી ગોઠવાયેલી હતી અને તે પછી રશિયન ગાર્ડોની ટુકડીને પણ પાર કરવી પડે તેમ હતું. તે ઉપરાંત એમણે એમ્બસીની આસપાસ કેટલાક સંદેહાસ્પદ લોકોને પણ ફરતા જોયા.

આના પછી એમણે બીજા રસ્તા લેવાનું વિચાર્યું. એક જ ઉપાય હતો – એમ્બસીમાંથી કોઈ રશિયન બહાર અંગત કામે બજારમાં આવે ત્યારે એને મળવું અને રાજદૂત સુધી સંદેશ પહોંચાડવો. સુભાષબાબુએ પોતાની ઓળખાણ આપતો સંદેશ લખ્યો હતો. ખરેખર એક વાર એમણે આ રીતે બજારમાં મળેલા રશિયન મારફતે રાજદૂત સુધી આ સંદેશ પહોંચાડવાની કોશિશ કરી પરંતુ એનો કંઈ જવાબ ન મળ્યો. એ જ રીતે એક વાર એમણે ઍમ્બસીમાંથી બે રશિયન સ્ત્રીઓને બહાર નીકળતાં જોઈ. ભગત રામ એમની પાસે પહોંચી ગયા અને એ જ સંદેશ રાજદૂત સુધી પહોંચાડી દેવા વિનંતિ કરી, પણ એમણે એને હાથામાં લેવાનો પણ ઇનકાર કરી દીધો. એક વાર તો રશિયન રાજદૂત પોતે જ કારમાં આવતો હતો. કાર જોઈને ભગત રામ ઓળખી ગયા કે આ રાજદૂત જ હશે. કોઈ કારણસર કાર અટકી ગઈ. ભગત રામ પહોંચી ગયા અને કહ્યું કે મારા આ સાથી સુભાષ ચન્દ્ર બોઝ છે. રાજદૂતે ધ્યાનથી જોયું અને ભગત રામને કહ્યું કે તમારી પાસે એની કોઈ સાબિતી છે કે આ જ સુભાષ બોઝ છે. ભગત રામે કહ્યું કે બરાબર જોઈ લો. એમનો ચહેરો તો ઘણાં છાપાંઓમાં જોયો હશે, અત્યારે એમણે વેશપલ્ટો કરેલો છે. રાજદૂત જોતો રહ્યો અને પછી કંઈ પણ બોલ્યા વગર ચાલ્યો ગયો.

આ બાજુ સરાયમાં લાંબો વખત રહેવામાં જોખમ હતું. એક જ જગ્યાએ રહે તો લોકો ઓળખતા થઈ જાય કારણ કે હવે નેતાજીના ફોટા અખબારોમાં પણ આવી ગયા હતા. ભગત રામને યાદ આવ્યું કે એમના જેલના એક સાથી ઉત્તમ ચંદ મલ્હોત્રા કાબૂલમાં જ કોઈ ધંધો કરતા હતા. એમની દુકાન એમણે શોધી કાઢી. પણ એ રહેમત ખાનના ડ્રેસમાં હતા એટલે ઉત્તમ ચંદ એમને તરત ઓળખી ન શક્યા પરંતુ જ્યારે ઓળખી શક્યા ત્યારે ઉત્સાહથી ઊછળી ઊઠ્યા. એ સુભાષબાબુ અને ભગત રામને પોતાના ઘરે લઈ ગયા. અહીં ઘણા દિવસ પછી બન્નેને આરામ મળ્યો. પરંતુ કોઈને ઘરે મહેમાન આવે તો બધા મળવા આવે એવો રિવાજ. આથી ઘણા લોકો મળવા આવતા. આમાં ઉત્તમ ચંદના મકાનમાં જ નીચે રહેતો એક હિન્દુ વેપારી પણ હતો. પણ એ આવીને બેઠો નહીં અને બીજા દિવસે મકાન છોડીને ચાલ્યો ગયો. સુભાષબાબુને આમાં ખતરો દેખાયો. ફરી રહેવાની જગ્યાની ખોજ શરૂ થઈ.

હવે રશિયા તરફથી કોઈ આશા નહોતી એટલે એમણે સીધા જ જર્મન ઍમ્બસીમાં જવાનું નક્કી કર્યું. સુભાષબાબુ અંદર ગયા. કોઈ ઑફિસરને મળ્યા પણ એણે જર્મનીના ટ્રેડ એજન્ટને મળવાની સલાહ આપી. બીજા દિવસથી ટ્રેડ ઑફિસના અધિકારી સ્મિથને મળવાના આંટાફેરા શરૂ થયા. એ વચન આપતો રહ્યો કે બર્લીનનો સંપર્ક કર્યો છે. એમ ને એમ દિવસો નીકળતા જતા હતા અને તે સાથે પકડાઈ જવાની બીક પણ વધતી જતી હતી. એક વાત સ્પષ્ટ થવા લાગી હતી કે જર્મની સુભાષ ચન્દ્ર બોઝને મદદ કરવા બહુ આતુર નહોતું. એટલે બીજા રસ્તા વિચારવાની જરૂર હતી. જો કે એમણે જર્મનીની મદદની આશા પણ નહોતી છોડી. એની સરખામણીમાં ઈટલી વધારે તત્પર હતું. પરંતુ સુભાષબાબુને ઈટલી કરતાં જર્મનીમાં વધારે રસ હતો. આમ એમણે પડ્યું પાનું નિભાવી લીધું.

આ સાથે જ સુભાષબાબુ આને ભગત રામે રશિયાની સરહદમાં ઘૂસી જવાનું નક્કી કરી લીધું હતું. આમાં ઉત્તમ ચંદની મદદથી એક યાકૂબ નામનો માણસ મળ્યો. એ એમને સરહદ પાર પહોંચાડી દેવા તૈયાર હતો. ૨૩મી ફેબ્રુઆરીએ જવાનું હતું. સરહદ સુધી પહોંચવા માટે બસની ટિકિટ પણ આવી ગઈ. ભગત રામે યાકૂબને એક મહિનાના ઘરખર્ચ માટે પણ પૈસા આપી દીધા.

પરંતુ જર્મનીના ટ્રેડ એજન્ટ સ્મિથે એક મદદ કરી હતી. એણે ઈટલીની એમ્બસીનો સંપર્ક કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે જરૂર પડશે તો એ પોતે પણ મિનિસ્ટર સાથે વાત કરશે. એ સાથે જ ઈટલીની ઍમ્બસીનો સંપર્ક કરવાના પ્રયત્ન પણ શરૂ થઈ ગયા. ભગત રામ ઍમ્બસીમાં મિનિસ્ટરના રૂમમાં લગભગ ઘૂસી જ ગયા. પેલો અકળાયો પણ ભગત રામે પણ એવો જ જવાબ આપ્યો કે હું તમને જર્મનીના ટ્રેડ એજન્ટના કહેવાથી મળવા આવ્યો છું. મિનિસ્ટરે ખાતરી કરવા સ્મિથને ફોન કર્યો અને આ સુભાષબાબુ જ છે એવું પાકું થઈ જતાં એનું વલણ બદલાઈ ગયું. તે પછી એ ટાઢો પડ્યો અને વાત કરવા લાગ્યો. એણે ભગત રામને ૨૨મી તારીખે સુભાષબાબુ સાથે આવવાનું કહ્યું. ૨૨મીએ સુભાષબાબુ સાથે એ આંતરરાષ્ટ્રીય બાબતો વિશે ચર્ચા કરવા લાગ્યો, તે એટલે સુધી કે એમને રાતે ત્યાં જ રોકી લીધા.ઈ સુભાષબાબુના બધા જ વિચારો, બધી જ યોજનાઓ પચાવી જવા માગતો હતો. ભગત રામ એકલા જ પાછા આવ્યા.

સુભાષબાબુ બીજા દિવસે આવ્યા ત્યારે એમને ખાતરી હતી કે ઈટલી એમને રશિયાની સરહદમાં સત્તાવાર રીતે લઈ જશે એટલે ગેરકાયદે ઘૂસણખોરી કરવાનું જોખમ લેવા જેવું નથી. આમ ૨૩મીએ નીકળવાનો કાર્યક્રમ ખોરવાઈ ગયો.

ઈટલીના અધિકારીએ કહ્યું કે એમના કૂરિયર રશિયાથી આવતા હોય છે. એમાંથી એકને રોકી લેવાશે અને એના પાસપોર્ટ પર સુભાષબાબુનો ફોટો ચોંટાડી દેવાશે, તે પછી એની જગ્યાએ સુભાષબાબુ ચાલ્યા જશે. તે પછી ઇટલીના એમ્બેસેડરની પત્ની એક વાર ઉત્તમ ચંદની દુકાને આવી અને પાસપોર્ટ માટે સુભાષબાબુનો ફોટો લઈ ગઈ. એમના માટે એક અઠવાડિયામાં નવા સૂટ પણ તૈયાર કરાવી લેવાયા.

૧૭મી માર્ચ સુભાષબાબુ માટે કાબૂલમાં છેલ્લો દિવસ હતો. ૧૮મીની વહેલી સવારે ઈટલીના અધિકારી ક્રેશિનીને દરવાજે એક મોટી કાર આવી. એમાં સુભાષબાબુની સૂટકેસ ચડાવી દેવાઈ. હવે ભગત રામથી છૂટા પડવાનો સમય હતો. સુભાષબાબુએ પહેલાં એમનો હાથ પકડીને જોરથી હલાવ્યો પછી ભેટી પડ્યા. એમણે બોલવાની કોશિશ કરી પણ ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. એક પણ શબ્દ નીકળી ન શક્યો. કારમાં ગોઠવાઈ ગયા. કાર આગળ ચાલી ત્યારે એ ઓર્લાન્ડો માઝોટા નામધારી કુરિયર હતા! ભગત રામ સંતોષનો શ્વાસ લેતા ઉત્તમ ચંદને ઘરે પાછા ગયા. એમણે મિશન પાર પાડ્યું હતું.

સુભાષબાબુ નિર્વિઘ્ને મૉસ્કો પહોંચી ગયા. ત્યાં બે દિવસ રોકાયા અને ત્યાંથી હિન્દુસ્તાનની આઝાદીની શોધમાં જર્મની તરફ નીકળી ગયા.

હજી આપણે નેતાજીને આગળ પણ મળશું, હજી તો ભારતના ઇતિહાસના આ અધ્યાયની શરૂઆત જ થઈ છે

સંદર્ભઃ

Netaji and India’s Freedom (Proceedings of the International Seminar) Chapter ‘The Great Escape: My fifty-five days with Subhash Chandra Bose, Bhagat Ram Talwar (1973) first published in August 1975 by Netaji Research Bureau.

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-22

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૨: સુભાષબાબુ – અફઘાનિસ્તાનમાં

૧૯૪૦ના મે મહિનામાં ભગત રામ તલવાડનાં લગ્નને માંડ પંદર દિવસ થયા હતા, ત્યારે એમના ગામ ઘલ્લા ઢેરમાં કીરતી કિસાન પાર્ટી (મઝદૂર કિસાન પાર્ટી)ના બે કાર્યકર્તા રામ કિશન અને અચ્છર સિંઘ ચીના પહોંચી ગયા અને ભગત રામને કહ્યું કે કીરતી કિસાન પાર્ટી એક બહુ વીઆઈપીને રશિયા મોકલવા માગે છે; આ કામમાં ભગત રામની મદદની જરૂર હતી. આના માટે કાબૂલ જવું પડે તેમ હતું પણ બાબા ગુરમુખસિંઘની ધરપકડ પછી ત્યાં તો કોઈ સંપર્ક નહોતો રહ્યો. ત્રણેય જણ પેશાવર ગયા અને આબાદ ખાન સાથે મળીને બધી તૈયારી કરી લીધી. ત્યાં તો એમને સમાચાર મળ્યા કે જે વીઆઈપીને દેશની સરહદ પાર કરાવવાની હતી એમણે તો કલકત્તામાં હૉલવેલ સ્મારક હટાવવાનું આંદોલન શરૂ કર્યું છે! એટલે પહેલી જુલાઈએ અચ્છર સિંઘ કલકત્તામાં સુભાષબાબુને મળ્યા અને બહાર જવાની બધી તૈયારીની વાત કરી. સુભાષબાબુના ચહેરા પર અફસોસની છારી વળી ગઈ. એમને કદાચ વિચાર આવ્યો હશે કે હૉલવેલ સ્મારકનું આંદોલન શરૂ ન કર્યું હોત તો સારું થાત. તે પછી તો એ છ મહિના જેલમાં ચાલ્યા ગયા અને આખી યોજના ધૂળમાં મળી ગઈ.

ભગત રામ, રામકિશન અને અચ્છર સિંઘે ફરી નવેસરથી પ્રયાસ આદર્યા. રામ કિશન કાબૂલ ગયા અને દાણો ચાંપી જોયો પણ કોઈ એમને સહકાર આપવા તૈયાર નહોતું. અચ્છર સિંઘે સોવિયેત સંઘની એમ્બસી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાંય ગજ વાગ્યો નહીં. અંતે એમણે પરવાનગી વિના જ નેતાજીને સોવિયેત સંઘની સરહદમાં ઘુસાડી દેવાનું નક્કી કર્યું.

આના માટે રસ્તો જોવા અચ્છર સિંઘ અને રામકિશન સરહદ પાસે પહોંચી ગયા. ત્યાં આમૂ નદી (આમૂ દરિયા – ‘દરિયો’ એટલે ઉર્દુ/હિન્દીમાં નદી. અંગ્રેજીમાં એને ઑક્સસ નદી કહે છે) પાર કરવાની હતી. અચ્છરસિંઘ તો તરીને નીકળી ગયા પણ રામ કિશન ડૂબી ગયા. સામે કાંઠે અચ્છર સિંઘને સિક્યુરિટી ગાર્ડોએ પકડી લીધા. એમને મોસ્કો લઈ ગયા. તે પછી એમના તરફથી કોઈ જ સમાચાર ન મળ્યા.

જાન્યુઆરી ૧૯૪૧માં નેતાજી ભાગી છૂટ્યા તે પહેલાં મિંયાં અકબર શાહ તૈયારી માટે ભગત રામને મળ્યા. બન્ને ફરી પેશાવરમાં આબાદ ખાનને મળ્યા. તે પછી અકબર શાહે સુભાષબાબુને નેતાજીને લીલી ઝંડી દેખાડી.

શિશિર કુમાર અને એમનાં ભાઈભાભીએ કાકાને ગોમોહ સ્ટેશને છોડ્યા તે પછી સુભાષબાબુ દિલ્હી-કાલકા મેલથી દિલ્હી પહોંચ્યા, દિલ્હીમાં ફ્રંટિયર પકડીને પેશાવર કેન્ટ ઊતર્યા, અકબર શાહ પેશાવર સિટીના સ્ટેશનેથી એ જ ટ્રેનમાં બેસી ગયા હતા. એ પણ સુભાષબાબુને જોતા કૅન્ટ ઊતર્યા. હવે ઝિયાઉદ્દીન સાહેબે કૂલીને બોલાવ્યો, ટાંગો લીધો અને તાજ મહેલ હોટેલ પહોંચ્યા. અકબર શાહ બીજા ટાંગામાં એમની પાછળ ગયા, પણ હોટેલ પાસે ન રોકાયા. પાછળથી એમણે પોતાના એક સાથીને હોટેલે મોકલ્યો. એ સુભાષબાબુને મળ્યો. બીજા દિવસે હોટેલ છોડીને સુભાષ બાબુ પેશાવરના સાથીઓ સાથે નીકળી ગયા.

સૌએ નક્કી કર્યું કે ભગત રામ નેતાજીને સરહદ પાર કરાવી દે કારણ કે એમણે આ વિસ્તારમાં સારા સંપર્કો બનાવી લીધા હતા. રૂટ નક્કી હતો પણ એ જ દિવસે એ રસ્તા પર પોલીસે ‘દુશ્મનના જાસૂસ’ને પકડ્યો એટલે ત્યાં જવામાં સલામતી નહોતી. નવો રૂટ નક્કી થઈ જાય ત્યાં સુધી આબાદ ખાને એમને એક ભાડાના ઘરમાં રાખ્યા.

ભગત રામ સુભાષ બાબુને પહેલી વાર ૨૧મી જાન્યુઆરીની સાંજે મળ્યા. ભગત રામનું આખું કુટુંબ ક્રાન્તિકારી હતું. એમના ભાઈ હરિકિશને તો દેશ માટે પ્રાણની આહુતિ આપી હતી. સુભાષબાબુ આ વાતો જાણતા હતા પણ એમને કોઈ પડછંદ પઠાણને મળવાની આશા હતી એટલે મધ્યમ કદકાઠીના ભગત રામને જોઈને થોડા નિરાશ થયા. બીજા દિવસની સવારથી સુભાષ બાબુએ આખા રસ્તે મૂંગાબહેરા ઝિયાઉદ્દીન ખાન તરીકે પાઠ ભજવવાનો હતો અને ભગત રામ રહેમત ખાન બની ગયા. બન્ને ઉપરાંત ત્રીજો, એક ગાઇડ પણ સાથે હતો. આબાદ ખાનની કારમાં બધા અફ્રિદીઓના એરિયામાં પહોંચ્યા. ત્યાં એક દરગાહમાં ભાવિકોની સાથે ભળી ગયા અને પછી ટેકરિયાળ પ્રદેશમાં પગે ચાલીને પહોંચ્યા. આ વિસ્તાર બ્રિટિશ હકુમતની બહાર હતો. સુભાષબાબુ તે જાણીને પ્રસન્ન થઈ ગયા. હવે એમના પગમાં પણ જોર આવી ગયું.

મધરાતે એક મસ્જિદમાં પહોંચ્યા. ત્યાં થોડા માણસો બેઠા વાતો કરતા હતા. સૂવા માટે ઘાસ હતું. ત્રણે જણે નીચે અડ્ડો જમાવ્યો. કોઈક એમના માટે ચા અને મકાઈના રોટલા લઈ આવ્યો. સવારે લોકોએ એમને ચા અને પરોઠાનો નાસ્તો આપ્યો અને ૨૩મીની સવારે ત્યાંથી નીકળ્યા. પણ પહાડી રસ્તામાં ચાલવાનું સુભાષ બાબુને ફાવતું નહોતું એટલે એમના માટે એક ખચ્ચર ભાડે કરી લીધું. આખા દિવસની મુસાફરી પછી રાતે નવ વાગ્યે સુભાષ બાબુ ભગત રામ અને ગાઇડ સાથે અફઘાનિસ્તાનના એક સરહદી ગામડામાં પહોંચ્યા.

હવે ઢોળાવ શરૂ થયો હતો. બરફ પણ પડતો હતો. આવામાં ચડવા કરતાં ઊતરવાનું અઘરું હતું. ખચ્ચરનો પગ લપસતાં એ પડ્યું અને સુભાષબાબુ પણ પડ્યા. એમને થોડીઘણી ઈજા થઈ, પણ ખચ્ચર પર બેસવા કરતાં ચાલવું સલામત હોવાથી એ પણ ચાલવા લાગ્યા. એમ રાતે એક વાગ્યે એક ગામે પહોંચ્યા. ખચ્ચરવાળાએ એના એક ઓળખીતાને જગાડ્યો. એણે વાત સાંભળીને બધાને પોતાના એક રૂમના ઘરમાં આશરો આપ્યો. એની ઉદારતા એ હતી કે એ તે જ દિવસે પરણ્યો હતો અને આ એની પહેલી રાત હતી, નવોઢાને એણે જગાડી. ઓચિંતા આટલા જણને જોઈને એ આશ્ચર્યમાં પડી ગઈ પણ એણે બધા માટે ખાવાનું બનાવી આપ્યું. અહીંથી ગાઇડને પાછો મોકલવાનો હતો. ભગત રામ આબાદ ખાનને સંદેશો મોકલવા માગતા હતા પણ પેન્સિલ કે કાગળ નહોતાં. નવોઢાએ એક ચીજ પરનું રૅપર ફાડ્યું, હાથમાં ગળી લઈને એમાં બે-ચાર ટીપાં પાણી નાખીને શાહી બનાવી અને એક સળેકડું ભગત રામને આપ્યું; એનાથી સંદેશ લખાયો. હવે પેલા માણસે કહ્યું કે રસ્તો જોખમી છે એટલે સૂરજ નીકળે તે પહેલાં નીકળી જાઓ. ભગત રામે બહાનું બનાવ્યું કે પાસેના ગામે જવું છે, પણ પેલો સમજી ગયો હતો અને આગ્રહ રાખ્યો કે જ્યાં જવું હોય તો જાઓ પણ હમણાં જ નીકળવામાં સલામતી છે. એણે એમને પોતાનું ખચ્ચર પણ આપ્યું. સવારે પાંચ વાગ્યે મૂંગાબહેરા ઝિયાઉદ્દીન સાથે ભગત રામ આગળની સફર માટે નીકળી પડ્યા. અહીંથી એમને ચાળીસ માઇલ (૬૪ કિ,મી.) દૂર જલાલાબાદ પહોંચવાનું હતું. કોઈ ટ્રક પસાર થાય તેની બન્ને રાહ જોતા હતા. બસ તો જવલ્લે જ હોય અને એમાં સીઆઈડીવાળા પણ હોઈ શકે.

અફઘાનિસ્તાનનો અમીર બ્રિટનની મદદથી ગાદીએ આવ્યો હતો એટલે એ પકડાવી દે એવી સુભાષબાબુને બીક પણ હતી. જો કે ભગત રામ માનતા હતા કે એવું નહીં થાય. એમણે કહ્યું કે સુભાષબાબુની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને અમીર બ્રિટનથી અલગ રીતે વર્તન કરશે. વળી બચ્ચા સક્કા સામેના સંઘર્ષમાં હિન્દુસ્તાનીઓએ એને ટેકો આપ્યો હતો એ વાત એ ન ભૂલે. તે ઉપરાંત પણ મહેમાનને દગો દેવો એ પખ્તૂનવાલીની વિરુદ્ધ હતું.

બન્ને ચાલતા રહ્યા. અંતે બપોરે એક ટ્રક આવી એમાં ૨૪મી જાન્યુઆરીની રાતે આઠ વાગ્યે જલાલાબાદ પહોંચ્યા. અહીં એમને રોકાવા માટે સારી સરાય મળી પણ ખાવાનું બહાર હતું. અહીં એક જૂના સાથી હાજી મહંમદ અમીને સલાહ આપી કે જલાલાબાદમાં જાતજાતના લોકો વસે છે અને પ્રવાસીઓ પણ ઘણા આવે છે એટલે એમણે જેમ બને તેમ જલદી કાબૂલ ચાલ્યા જવું જોઈએ.

હવે જલાલાબાદથી કાબૂલ જવા માટે ટ્રકની રાહ જોવાની હતી. ટ્રક આવતાં રહેમત ખાન (ભગત રામ) અને મૂંગો-બહેરો ઝિયાઉદ્દીન, બન્ને ચડી ગયા. કાબૂલ લગભગ ૨૫ કિલોમીટર દૂર હતું ત્યારે ટ્રક રાતવાસા માટે રોકાઈ ગઈ. ૨૭મીની સવારે ટ્રક જતી હતી ત્યારે સુભાષબાબુ અને ભગત રામ રોકાઈ ગયા કારણ કે હવે કેટલીયે ચોકીઓ આવવાની હતી એની પૂછપરછથી બચવાનું જરૂરી હતું. એટલે બીજા સ્થાનિકના લોકોની જેમ એમણે પણ ટાંગો ભાડે કર્યો અને બપોરે કાબૂલના લાહોરી દરવાજે ઊતર્યા. સરાયમાં ગોઠવાયા પણ ઓઢવા પાથરવાનું સરાયવાળો આપતો નહોતો એટલે એ ખરીદવા બજારમાં નીકળ્યા.

બજારમાં ફરતા હતા તે વખતે એમના કાને રેડિયોના સમાચાર અથડાયા કે સુભાષ ચન્દ્ર બોઝ એમના કલકત્તાના ઘરમાંથી અદૃશ્ય થઈ ગયા છે અને પોલીસ એમને ચારે બાજુ શોધે છે!

કાબૂલમાં નેતાજીની કસોટી અને અડચણોની વાત આવતા પ્રકરણમાં.

૦૦૦

સંદર્ભઃ

1. The Indian Annual Ragister Jan-June 1941. Vol I

2. Netaji and India’s Freedom (Proceedings of the International Seminar) Chapter ‘The Great Escape: My fifty-five days with Subhash Chandra Bose, Bhagat Ram Talwar (1973) first published in August 1975 by Netaji Research Bureau.

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-21

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪

અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૧: સુભાષબાબુ – પલાયન

૧૯૪૧નું વર્ષ શરૂ થયું ત્યારે દેશનું રાજકારણ ૧૯૩૯-૪૦માં નક્કી થયેલા માર્ગે જ ચાલતું હતું. વ્યક્તિગત સત્યાગ્રહની સાથે મહાત્મા ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો પણ ચાલુ કર્યા હતા અને સત્યાગ્રહીઓનો પ્રવાહ પણ વણથંભ હતો. ગાંધીજીએ ૨૬મી જાન્યુઆરી ઊજવવાની અપીલ કરી હતી, પણ એને આંદોલનનું રૂપ આપવાનું નહોતું. પરંતુ ૨૭મી જાન્યુઆરીએ દેશમાં ઉત્સાહ અને રોમાંચનું નવું મોજું ફરી વળ્યું. વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા કે સુભાષબાબુ સંત્રીઓની નજર બચાવીને ભાગી છૂટ્યા હતા! સુભાષબાબુ આમ તો ૧૬મી જાન્યુઆરીએ નાસી છૂટ્યા હતા પણ આ વાત ૨૬મીએ જ બહાર આવી. આટલા દિવસમાં એ અફઘાનિસ્તાન પહોંચી ગયા હતા. *( આ અદમ્ય સાહસને ૮૦ વર્ષ પૂરાં થાય છે!)

પરંતુ, આ આખા ઘટનાચક્રને સમજવા માટે આપણે છેક પ્લાસીની લડાઈ સુધી પાછળ જઈશું તો વધારે રસપ્રદ બનશેઃ

હૉલવેલ સ્મારક

૧૭૫૭માં સિરાઝુદ્દૌલાને હરાવીને ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળને, અને અંતે આખા ભારતને, જીતી લીધું. ક્લાઈવ લંડન પાછો ચાલ્યો ગયો હતો અને એની જગ્યાએ કામચલાઉ ધોરણે ઈસ્ટ ઇંડિયા કંપનીના ફિઝિશિયન અને સર્જ્યન જ્‍હોન ઝેફાનિયાહ હૉલવેલને ગવર્નર બનાવવામાં આવ્યો. બ્લૅક હોલ તરીકે ઓળખાતી ઘટનામાં ગણ્યાગાંઠ્યા લોકો બચી શક્યા તેમાં એક હૉલવેલ પણ હતો. એણે ૧૭૫૮માં બ્લૅક હોલ વિશે એક લાંબી નોંધ લખી તે જ આજ સુધી બ્રિટિશ દૃષ્ટિકોણ માટે આધારભૂત રહી છે. જો કે ક્લાઈવ પાછો આવ્યો તે પછી એણે કેટલીક ટિપ્પણી કરી તેમાં હૉલવેલની પોતાની અણઆવડતનો ઇશારો પણ કર્યો છે. હૉલવેલ છ મહિના માટે ગવર્નર રહ્યો તે દરમિયાન એણે ૧૭૫૬માં અંગ્રેજ ફોજની હાર થઈ તેમાં માર્યા ગયેલા પોતાના ઓગણપચાસ સાથીઓ માટે એક સ્મારક બનાવડાવ્યું. એ ખરેખર બ્લૅક હોલનું સ્મારક નહોતું પણ એમાં બ્લૅક હોલની ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

દરમિયાન કલકત્તા અંગ્રેજોના પાટનગર તરીકે વિસ્તરવા લાગ્યું હતું. ૧૮૨૧માં સ્મારક આડે આવતું હોવાથી એને હટાવી લેવાયું. પણ ૧૮૯૯માં ડલહૌઝી આવ્યો, એણે મૂળ જગ્યાએ જ એની પ્રતિકૃતિ ઊભી કરી અને બ્લૅક હોલનું સ્મારક બનાવ્યું. આ રીતે દોઢસો વર્ષથી હૉલવેલે બનાવેલું સ્મારક કલકત્તાના દેશભક્તોને આંખના કણાની જેમ ખૂંચતું હતું.

સુભાષબાબુને કોંગ્રેસમાંથી બરતરફ કરાયા પછી એમણે ફૉરવર્ડ બ્લૉક બનાવ્યો. એ વખતે બંગાળમાં ફઝલુલ હકની કૃષક પ્રજા પાર્ટી અને મુસ્લિમ લીગની સરકાર હતી. કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતી અને સુભાષબાબુના મોટા ભાઈ શરત ચન્દ્ર બોઝ એના નેતા હતા.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ૧૯૧૬ના અરસામાં હૉલવેલ સ્મારક વિશે બોલતાં કહ્યું હતું કે એ જાહેર રસ્તા પર ઊભો કરેલો પથ્થરનો અંગૂઠો છે, જેનો ઉદ્દેશ દુનિયાને એ દેખાડવાનો છે કે અતિશયોકિત પર કોઈ એક પ્રજાનો ઇજારો નથી.” હવે સુભાષબાબુએ હૉલવેલ સ્મારક હટાવવાની માગણી કરી. એમણે કહ્યું કે કલકતાના ચહેરા પર એ નામોશીનો ડાઘ છે. વિદ્યાર્થીઓએ એમની હાકલનો ઉલટભેર જવાબ આપ્યો.

ફઝલુલ હકની સરકાર માટે સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ હતી. આ મુદ્દો બન્ને કોમોને જોડતો હતો અને એની સારી અસર થઈ હતી. ફૉરવર્ડ બ્લૉકને ઉદ્દામ રાજકારણના કેન્દ્રસ્થાને લાવવા માટે હિન્દુઓ અને મુસલમાનોને એકસાથે જોડવાની જરૂર હતી. આ સ્મારક છેલ્લા મુસ્લિમ નવાબ સિરાઝુદ્દૌલાના અપમાન જેવું હતું એટલે મુસલમાનો પણ ક્રાન્તિકારી હિન્દુઓ અને કોંગ્રેસના બ્રિટિશ વિરોધી આંદોલનથી પ્રભાવિત થયેલા વિશાળ શિક્ષિત અને સાધન સંપન્ન હિન્દુઓ સાથે જોડાયા હતા. ફઝલુલ હકને મુસલમાનોના બળ પર જ સત્તા મળી હતી. પરંતુ ગવર્નર નારાજ થાય તો એ સરકારને બરતરફ કરી નાખે.

સુભાષબાબુની ધરપકડ

સુભાષબાબુએ જુલાઈની ત્રીજી તારીખે ‘સિરાઝુદ્દૌલા દિન’ મનાવવાની જાહેરાત કરી અને કેટલીયે સભાઓ ભરીને સરકાર વિરુદ્ધ પ્રબળ લોક્મત પેદા કર્યો. એમણે કહ્યું કે અત્યારે બ્રિટન યુદ્ધમાં ફસાયેલુ છે ત્યારે સ્વતંત્રતા માટે ઉત્તમ સમય છે. આ પછી એમના પક્ષના મુખપત્ર ‘Forward Bloc’ પર સરકારની તવાઈ ઊતરી. એક અઠવાડિયું અખબાર બંધ રહ્યું, તે પછી બે હજાર રૂપિયાની ડિપોઝિટ જમા કરાવીને ૨૯મી જૂને ફરી બહાર પડ્યું. એમાં એમણે ફરી હૉલવેલ સ્મારક હટાવવાની અપીલ કરી. એમણે સ્મારક વિરુદ્ધ ત્રીજી જુલાઈએ શહેરમાં પહેલી રૅલીનું નેતૃત્વ લેવાની પણ જાહેરાત કરી.

એક દિવસ પહેલાં, બીજી તારીખે, સુભાષબાબુ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને મળવા જોડાસાંકો ગયા. કદાચ એમને ટાગોરની ટિપ્પણી યાદ હશે. ત્યાંથી પાછા આવ્યા અને કલકતામાં ઍલ્જિન રોડ પરના પોતાના ઘરે પહોંચ્યા કે તરત એમને પકડી લેવામાં આવ્યા.

ઍસેમ્બ્લીમાં એમને છોડવા માટે વિરોધ પક્ષે જોરદાર માગણી કરી પણ સરકાર મચક આપવા તૈયાર નહોતી. એમની ધરપકડ અંગે રજૂ થયેલી સભામોકૂફીની દરખાસ્ત તો ૧૧૯ વિ. ૭૮ મતે ઊડી ગઈ, પણ પ્રીમિયર હકે કહ્યું કે સત્યાગ્રહનું આંદોલન પાછું ખેંચી લેવાય તો કદાચ સૌને સંતોષ થાય એવો રસ્તો નીકળી શકે. સુભાષાબાબુ જેલમાં હોવા છતાં આંદોલન ચાલુ રહ્યું હતું. અંતે ફઝલુલ હકે જાહેર કર્યું કે સરકાર હૉલવેલ સ્મારક હટાવી લેવાનું વિચારે છે. આના જવાબમાં શરતબાબુએ ખાતરી આપી કે સરકાર જો એમ કરવા તૈયાર હોય તો તેઓ લોકોને આંદોલન પાછું ખેંચી લેવા સમજાવશે.

આમ છતાં સુભાષબાબુને ડિફેન્સ ઑફ ઇંડિયા રૂલ્સ હેઠળ પકડવામાં આવ્યા હતા એટલે એમને જેલની સજા કરવામાં આવી. પરંતુ જેલમાં એમણે ઉપવાસ શરૂ કરતાં તબીયત લથડી. આથી પાંચમી ડિસેમ્બરે એમને છોડવામાં આવ્યા પણ એમની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકીને ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા.

ભાગી છૂટવાની તૈયારીઓ

એલ્જિન રોડ પર સુભાષબાબુ રહેતા હતા તે ઘર એમના બાપદાદાનું હતું અને ત્યાંથી બે-ત્રણ મિનિટ દૂર શરતબાબુનું મકાન હતું. બન્ને ઘરો પર નજર રહે તે રીતે પોલીસે પોતાનો તંબૂ બાંધ્યો હતો. અહીં જ સિપાઈઓ પોતાનું ભોજન લેતા અને રાતે સૂઈ જતા. સુભાષબાબુના ઘરે કોણ આવે-જાય છે તેની ચોક્કસ નોંધ રખાતી. એ પોતે તો બિછાનાવશ હતા એટલે શરતબાબુના ઘરના સભ્યો એમની પાસે જઈ શકતા. એક દિવસ સુભાષબાબુએ પોતાના ભત્રીજા શિશિર કુમારને પૂછ્યું કે તું લાંબે સુધી ડ્રાઇવ કરી શકીશ? શિશિરે હા પાડતાં ધીમે ધીમે એમણે પોતાની ભાગી જવાની યોજના સમજાવી. ભત્રીજાએ કાકાની વાત ખાનગી રાખવાની હતી. નેતાજીએ કહ્યું કે કોઈ એક રાતે તારે મને અહીંથી બર્દવાન કે એવી કોઈ જગ્યાએ છૂપી રીતે લઈ જવાનો છે. એમનો વિચાર તો ડિસેમ્બર મહિનો પૂરો થાય તે પહેલાં જ ભાગી જવાનો હતો, પણ વાયવ્ય સરહદ પ્રાંતના એમના સાથી મિંયાં અકબર શાહનો સંપર્ક થઈ શકતો નહોતો. અંતે અકબર શાહ આવ્યા અને યોજનાને અંતિમ રૂપ આપી દેવાયું. એના પ્રમાણે શિશિર કુમાર અને અકબર શાહ એક દુકાને ગયા અને પઠાણી પોષાકની બે જોડ ખરીદી લાવ્યા. શિશિર કુમાર એક સૂટકેસ ખરીદી લાવ્યા અને એના પર Mohd. Ziyauddin, Travelling Inspector, The Empire of India Life Insurance co. Ltd. Permanent Address; Civil Lines Jabalpur એવું લેબલ લગાડ્યું.

પરંતુ, એનાથી પહેલાં સુભાષબાબુએ અદૃશ્ય થઈ જવાનું હતું! એટલે એવી યોજના બની કે સુભાષબાબુ સૌને કહે કે પોતે વ્રત પર બેસશે એટલે કોઈને મળશે નહીં. એ જ્યાં બેસશે ત્યાં પરદો લગાડી દેવાશે અને એમનો ફળાહાર, દૂધ વગેરે રસોયો પરદા પાસે રાખી જશે. નેતાજીએ શિશિર કુમાર ઉપરાંત એક ભત્રીજા અને ભત્રીજીને પણ સાધી લીધાં હતાં. એમણે સુભાષબાબુનું ભોજન પરદા પાછળથી લઈ લેવાનું હતું. શરત બાબુને આખી યોજનાની જાણ પણ હતી.

સુભાષબાબુ હવે પઠાણી વેશમાં મહંમદ ઝિયાઉદ્દીન બનીને નીકળવાના હતા. રાતે દરવાજા બંધ કરીનેચોકીદાર સૂવા જાય તે પછી ત્યાંથી બહાર નીકળીને શિશિર કુમારની કારમાં પહોંચી જવાનું હતું. બધું ધાર્યા પ્રમાણે થયું અને કાર એલ્જિન રોડ પર પોલીસોનો તંબૂ હતો તેનાથી ઉલટી દિશામાંથી બહાર તરફ નીકળી ગઈ. શરતબાબુ કારનો અવાજ સાંભળવા આખી રાત જાગતા રહ્યા.

આ બાજુ સુભાષબાબુ રસ્તામાં શિશિરના મોટા ભાઈને ઘરે ‘બહારથી આવેલા અજાણ્યા મહેમાન’ તરીકે એક દિવસ રહ્યા. અજાણ્યો મહેમાન પઠાણ સાંજે એકલો નીકળી ગયો તે પછી શિશિર અને એનાં ભાઈભાભી કોઈ મિત્રને મળવા જવાનું છે, એમ નોકરોને કહીને કારમાં નીકળ્યાં. પઠાણ રસ્તામાં રાહ જોતો હતો. એ પણ કારમાં ગોઠવાયો. કાર બર્દવાન તરફ નીકળી પડી. પણ રસ્તામાં ગોમોહ સ્ટેશન આવતું હતું. અહીં દિલ્હી-કાલકા મેઇલ મધરાત પછી આવવાનો હતો. એટલે ત્યાં જ ઊતરી જવાનો સુભાષબાબુએ નિર્ણય કર્યો. કૂલી આવ્યો, સામાન ઉપાડ્યો અને પુલ પર ચડવા લાગ્યો. સુભાષ બાબુએ ભત્રીજાઓ તરફ વળીને કહ્યું, “ ભલે, હું જાઉં છું, હવે તમે જાઓ…” એ પુલ ચડવા લાગ્યા. ત્રણેય જણ એમની પીઠ દેખાતી બંધ થઈ તે પછી પણ બધું સમુંસૂતરું પાર ઉતરે એવી આશામાં ત્યાં જ ઊભાં રહ્યાં. ટ્રેન આવી અને થોડી વારે વ્હીસલ વગાડીને રવાના થઈ.

સુભાષબાબુ ટ્રેનમાં ચડી ગયા એવી ખાતરી સાથે, ભારતના ઇતિહાસની આ ચિરસ્મરણીય ક્ષણે ત્રણેય જણ મૂંગે મોઢે ઊંડા વિચારમાં કારમાં ગોઠવાયાં. ભાઈએ કહ્યું કે કાકા રશિયા પહોંચશે. શિશિરનું કહેવું હતું કે એમનું અંતિમ લક્ષ્ય તો જર્મની છે. પછી મૌન. કાર સ્થિર ગતિએ ચાલતી રહી.

—-

સુભાષબાબુ ૧૬મી જાન્યુઆરીએ ભાગ્યા પણ હવે દસ દિવસ પછી એ જાહેરાત કરવાની હતી. એ પણ સ્વાભાવિક રીતે થાય એવી યોજના કરવામાં આવી. દસેક દિવસ તો રસોયો ભોજનની થાળી રાખી જતો અને સુભાષબાબુનો ભત્રીજો એ લઈ લેતો. પણ હવે વાત બહાર પાડવાનો સમય આવી ગયો હતો. શરત બાબુ બધું સ્વાભાવિક લાગે તે માટે પોતાના મૂળ ગામ રિશરા ચાલ્યા ગયા. યોજના મુજબ તે દિવસે કોઈએ થાળી અંદર ન ખસેડી. આ બાજુ રસોયાએ રાતે પરદા પાસે થાળી રાખી પણ એ સવારે થાળી લેવા પાછો આવ્યો ત્યારે જોયું કે એ તો એમ ને એમ જ પડી છે. એણે બૂમરાણ મચાવ્યું કે સુભાષબાબુ નથી! શરત બાબુને આ ‘સમાચાર’ પહોંચાડવામાં આવ્યા, તે પછી ઊંઘતું ઝડપાયેલું પોલીસતંત્ર જાગ્યું અને સુભાષબાબુને શોધવા માટે દોડભાગ શરૂ થઈ ગઈ. પણ એ તો ઇતિહાસમાં તેજ તિખારો બનવા માટે અફઘાનિસ્તાન પહોંચી ગયા હતા.

આપણે દેશમાં પાછા ફરવાને બદલે હજી બે પ્રકરણો સુધી નેતાજી સાથે જ રહેશું.

૦૦૦

સંદર્ભઃ

1. The Indian Annual Ragister July-December 1940.Vol II

2. https://www.inc.in/en/media/speech/holwell-monument

3. http://astoundingbengal.blogspot.com/2014/06/the-great-kolkata-controversy.html

4. Netaji and India’s Freedom (Proceedings of the International Seminar) Chapter ‘The Great Escape’ Sisisr Kumar Bose (1973)first published in August 1975 by Netaji research Bureau.

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-20

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૦ : ગાંધીજીની વ્યૂહરચના

વાઇસરૉયે કોંગ્રેસની માગણી ફગાવી દીધી તે પછી કોંગ્રેસ પાસે આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મહાત્મા ગાંધીના હાથમાં બધાં સૂત્રો સોંપી દેવાનું કારણ પણ એ જ હતું કે લોકોની નાડી પર એમનો હાથ હતો. ગાંધીજી જાણતા હતા કે ક્યારે આંદોલન કરવું જોઈએ. દેશમાં ઠેરઠેર સત્યાગ્રહો તો ચાલતા જ હતા અને હજારો લોકો વારંવાર જેલ જતા હતા. જો કે, ગાંધીજી છેક ૧૯૩૮-૩૯થી જ કહેતા રહ્યા હતા કે દેશ હજી સત્યાગ્રહ માટે તૈયાર નથી. આથી પૂનામાં AICCએ એમના હાથમાં લગામ મૂકી ત્યારે ગાંધીજીએ પોતાના મનના વિચારો પ્રગટ કર્યા.

એમણે કહ્યું કે મારી સ્થિતિ જહાજના કેપ્ટન જેવી છે. મને મારા બધા સાથીઓનો સંપૂર્ણ ટેકો મળવો જોઈએ. નહીંતર જહાજ ડૂબી જશે અને એની સાથે આખો દેશ ડૂબી જશે. ગાંધીજીએ કહ્યું કે આ વખતે જેલમાં જવાની મને તાલાવેલી નથી, જો કે, સરકાર મને ગમે ત્યારે પકડી શકે છે પરંતુ હાલ ઘડી કાયદો તોડવાનો મારો કોઈ વિચાર નથી.

હું એ પણ સ્પષ્ટ કરી દેવા માગું છું કે આપણે બ્રિટનનું બૂરું નથી ઇચ્છતા. એ હારી જાય એવું પણ આપણે નથી ઇચ્છતા, પણ આ લડાઈમાં એ કોંગ્રેસના ટેકાની આશા ન રાખી શકે. કોંગ્રેસ આ દેશમાં નાગરિક સ્વાતંત્ર્ય ઇચ્છે છે, એટલે યુદ્ધ વિશે આપણે શું માનીએ છીએ તે કહેવાનો આપણને અધિકાર હોવો જોઈએ. બ્રિટન એમ કેમ કહી શકે કે ભારત એની સાથે છે? ભારત એમની સાથે છે, એમ જાહેર કરીને એમણે મોટામાં મોટી ભૂલ કરી છે. એમણે આ જાહેરાત કરી તે સાથે જ એ દેખાઈ ગયું કે પ્રાંતોને આપેલી સ્વાયત્તતા કેટલી બોદી હતી. આજે ૩૦ કરોડની વસ્તી એક વાઇસરૉયના તાબામાં છે. આવું કોણ સહન કરી શકે? મને વાઇસરૉય સામે અંગત કંઈ વાંધો નથી. એ મારા મિત્ર છે, પણ એક માણસના હાથમાં આટલી આપખુદ સત્તા શા માટે? મારે સાફ કહેવું જોઈએ કે મને તો જર્મની, જાપાન કે ઈટલીની બીક નથી લાગતી. સત્યાગ્રહી કોઈથી બીતો નથી હોતો. હું જો એટલી હદે નપુંસક હોઉં કે અંગ્રેજોના જવા સાથે જ મારી જાતનું રક્ષણ ન કરી શકું તો આઝાદ થવાની ઇચ્છા રાખવાનો પણ મને અધિકાર નથી.

હવે ગાંધીજી વિરોધ અને સહકારનો સમન્વય કરે છે. એમણે ચર્ચાઓને નવી જ દિશા આપી દેતાં કહ્યું કે આપણી માગણી વાણી સ્વાતંત્ર્યની છે. સરકાર એમ કહે કે કોંગ્રેસને યુદ્ધનો વિરોધ કરવાનો અધિકાર છે અને એ અપરાધ નથી, તો હું એના પર સવિનય કાનૂન ભંગ કે નાગરિક અસહકાર ઠોકી બેસાડવા માગતો નથી. આપણે લડીને કે સમાધાન દ્વારા વાણી સ્વાતંત્ર્ય મેળવી લેવું જોઈએ. એક મુક્ત સમાજમાં વ્યક્તિને હિંસા સિવાય કોઈ પણ જાતનો પ્રચાર કરવાની છૂટ છે. આપણે કહીએ કે અમારી લડાઈ આઝાદી માટે છે, તેનો કંઈ અર્થ નથી, લડાઈ કોઈ સ્પષ્ટ મુદ્દા માટે હોવી જોઈએ, એટલે આપણે જે કહેવા માગતા હોઈએ, તે કહેવાના અધિકાર માટે આપણી લડાઈ છે. શરૂઆતમાં મને લાગતું હતું કે આ બહુ નાની વાત છે, પણ જેમ જેમ વિચારતો ગયો તેમ હું એવા તારણ પર પહોંચ્યો કે આ મુદ્દો બહુ જ અગત્યનો છે. મને બોલવાનો અધિકાર મળે તો મારા હાથમાં સ્વરાજની ચાવી આવી જશે.

ગાંધીજીએ વાઇસરૉયને મળવાનો ઇરાદો વ્યક્ત કર્યો. એમણે કહ્યું કે હું એમને કહીશ કે યુદ્ધની તૈયારી માટે તમે જે કંઈ કરો છો તેમાં અમે તમને કફોડી સ્થિતિમાં મૂકવા નથી માગતા. અમે અમારે રસ્તે, તમે તમારે રસ્તે. આપણા વચ્ચે અહિંસા એક કડી હશે. લોકોને યુદ્ધ માટેના પ્રયાસોમાં ન જોડાવાનું સમજાવવામાં અમે સફળ થઈશું તો યુદ્ધને લગતું કંઈ કામ અહીં નહીં થાય, પણ બીજી બાજુ, જો તમે નૈતિક દબાણ સિવાયનું કોઈ બળ વાપર્યા વિના લોકોનો ટેકો મેળવી શકો તો અમારે બડબડ કરવાનું કોઈ કારણ નથી રહેતું. તમને રાજાઓ, જમીનદારો, નાનામોટા, જેનો પણ ટેકો મળી શકે તે ભલે લો, પણ અમારો અવાજ પણ લોકો સુધી પહોંચવા દો. લોકોને કોઈની પણ વાત માનવા કે ન માનવાની તક આપો.

વ્યક્તિગત સત્યાગ્રહ

વાઇસરૉયને મળ્યા પછી પહેલી-બીજી ઑક્ટોબરે ગાંધીજીએ એક નિવેદન બહાર પાડ્યું. એમાં એમણે સત્યાગ્રહીઓને આદેશ જ આપ્યો કે મને અધીરા થઈને પૂછજો નહીં કે તમે વાઇસરૉયને મળી આવ્યા તે પછી હવે શું કરવાનું છે. વાઇસરૉય પાસેથી હું જે માગતો હતો તે નથી મળ્યું પણ આ નિષ્ફળતાથી હું વધારે મજબૂત બન્યો છું. નબળી સફળતા કરતાં મજબૂત નિષ્ફળતા સારી. મૌલાના સાહેબે ૧૧મીએ મીટિંગ બોલાવી છે, એમાં હું કદાચ સત્યાગ્રહની કોઈ યોજના રજૂ કરી શકીશ. દરમિયાન સૌએ યાદ રાખવાનું છે કે હું યોજના રજૂ ન કરું ત્યાં સુધી કોઈ જાતનો સીધો કે આડકતરો નાગરિક અસહકાર નથી કરવાનો. આનો ભંગ કરવાથી આપણો ઉદ્દેશ નબળો પડશે. તમારો સેનાપતિ અશિસ્તથી બહુ ગભરાઈ જાય છે. આમ પોતાની મરજીથી સત્યાગ્રહ કરનારાને એમણે શિસ્તની ચેતવણી આપી દીધી.

કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પછી ગાંધીજીએ એક નિવેદનમાં સત્યાગ્રહની પોતાની યોજના જાહેર કરીઃ

‘ડાયરેક્ટ ઍક્શન’ની શરૂઆત વિનોબા ભાવે કરશે અને હાલ પૂરતું તો આ પગલું એમના સુધી જ મર્યાદિત રહેશે. આ વ્યક્તિગત નાગરિક અસહકાર છે એટલે વિનોબા એવો કાર્યક્રમ કરશે કે જેમાં બીજા કોઈ સીધી કે આડકતરી રીતે સંકળાયેલા ન હોય.

પરંતુ આ પગલું વાણી સ્વાતંત્ર્યના અધિકારનો ઉપયોગ કરવા સંબંધી હશે એટલે લોકો અમુક હદે તો સામેલ થશે જ. વિનોબાનું ભાષણ સાંભળવું કે નહીં તે લોકો જાતે નક્કી કરશે. પણ આનો ઘણોખરો આધાર તો સરકાર પર જ રહેશે. નાગરિક અસહકારને વ્યક્તિગત જ રાખવાના બધા જ પ્રયાસ કરાશે પણ સરકાર જો આવું કોઈ ભાષણ સાંભળવું કે સત્યાગ્રહી વ્યક્તિએ કંઈ લખ્યું હોય તે વાંચવું, એને પણ ગુનો બનાવી દેશે તો સંકટ વધારે ઘેરાશે. પરંતુ હું માનું છું કે સરકાર કોઈ પણ ગરબડને પહોંચી વળવા તૈયાર રહેશે તેમ છતાં જાતે કોઈ ઉપાધિને આમંત્રણ નહીં આપે. મેં વિનોબાજી સાથે જુદી જુદી રીતોની ચર્ચા કરી છે કે જેથી અકારણ ઘર્ષણ કે જોખમને ટાળી શકાય.

આમ ગાંધીજીએ આડકતરી રીતે શ્રોતાઓને પણ સત્યાગ્રહ માતે પ્રોત્સાહિત કર્યા, તો બીજી બાજુ સરકારનેય ચેતવણી આપી દીધી કે આ જે વ્યક્તિગત સત્યાગ્રહ દેખાય છે તેમાં શ્રોતાઓને પણ જો સરકાર ગુનેગાર માનશે તો એ બધું મળીને સામુદાયિક સત્યાગ્રહ જ થઈ જશે!

૧૯૪૦ની ૧૭મી ઑક્ટોબરે પવનાર આશ્રમમાં વિનોબાજીએ યુદ્ધ વિરુદ્ધ પહેલવહેલું ભાષણ કર્યું અને તે પછી એમણે પાંચ જગ્યાએ ભાષણો કર્યાં. એમને સાંભળવા માટે ભીડ એકઠી થતી. વિનોબાજી લોકોને કહી દેતા કે ભાષણ સાંભળવું એ અપરાધ નથી પણ સરકારનું ભલું પૂછવું. એટલે જેમને જવું હોય તે ચાલ્યા જાય. જે સાંભળવા રહે તેમણે પણ એમ સમજીને સભામાં રહેવું કે સરકાર એમની સામે પણ કાર્યવાહી કરી શકે છે. છેલ્લે સરકારને વિનોબાજીની ધરપકડ કરી લેવાની ફરજ પડી!

સાતમી નવેમ્બરે જવાહરલાલ નહેરુ સત્યાગ્રહ કરવાના હતા. એમણે સત્તાવાળાઓને જાણ કરી દીધી હતી એટલે એમને પહેલાં જ પકડી લઈને ચાર વર્ષની સજા કરવામાં આવી. ૧૭મી નવેમ્બરે સરદાર પટેલને કશા પણ આરોપ વિના પકડી લીધા અને લાંબા વખત સુધી અટકાયતમાં રાખ્યા. કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદે અલાહાબાદમાં સત્યાગ્રહ કર્યો અને જેલભેગા થઈ ગયા. ત્રીજી ડિસેમ્બરે રાજાજીએ સત્યાગ્રહ કરીને જેલવાસ વહોરી લીધો.

જિલ્લાઓની કોંગ્રેસ કમિટીઓને સત્યાગ્રહીઓની યાદી બનાવવાનું કામ સોંપાયું હતું. બધાં નામો ગાંધીજી પાસે જતાં. ગાંધીજી જેમની પસંદગી કરે તેને જ સત્યાગ્રહની છૂટ મળતી. લગભગ એકાદ વર્ષ વ્યક્તિગત સત્યાગ્રહ ચાલ્યો તેમાં આખા દેશમાંથી પચીસ હજાર કરતાં વધારે કોંગ્રેસ કાર્યકર્તાઓ ડિફેન્સ ઑફ ઇંડિયા રૂલ હેઠળ જેલોમાં ગયા. દરેકને ત્રણ મહિનાથી માંડીને ચાર-પાંચ વર્ષની સખત કેદની સજા કરવામાં આવતી.

અનેક સ્ત્રીઓએ પણ સત્યાગ્રહ કર્યો જેમાં સુચેતા કૃપલાની, ભાગ દેવી, પ્રિયંવદા દેવી, મહાદેવી કેજરીવાલ, સરદારકુમારી, પ્રિમ્બા દેવી, પ્રેમાબેન કંટક વગેરે મહિલાઓ મુખ્ય સત્યાગ્રહી હતી. આખા દેશમાંથી, અને ખાસ કરીને બિહારમાં ઘણા મુસલમાનો પણ વ્યક્તિગત સત્યાગ્રહ કરીને જેલમાં ગયા. બક્સર જિલ્લાના રાજપુરમાં બે મુસલમાન ભાઈઓએ નવું સૂત્ર બનાવ્યું હતું – ‘ના એક ભાઈ, ના એક પાઈ’. એટલે કે યુદ્ધમાં લડવા માટે અમારો ભાઈ તમને નહીં સોંપીએ અને લશ્કરના ખર્ચ માટે એક પાઈ (એ વખતનું સૌથી નાનું ચલણ) પણ નહીં આપીએ. સરકારની દૃષ્ટિએ આ નારો દેશના સંરક્ષણ માટે જોખમભર્યો લાગ્યો એટલે એમને જેલમાં પુરી દેવાયા.

ગાંધીજીએ ડિસેમ્બર ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહ રોકી દીધો. એ સાથે એનો પહેલો તબક્કો પૂરો થયો. તે પછી નવા વર્ષના જાન્યુઆરીમાં ફરી સત્યાગ્રહ શરૂ થયો, જેમાં બીજા વીસ હજાર લોકો જેલમાં ગયા.

ઘણાની નજરે વ્યક્તિગત સત્યાગ્રહ માટે લોકોમાં જોશ નહોતું એટલે બંધ રાખવો પડ્યો. પરંતુ ગાંધીજીએ એનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. ૧૯૪૨ની ક્વિટ ઇંડિયા ચળવળ સુધીમાં એમણે વ્યક્તિગત સત્યાગ્રહ દ્વારા સુસ્ત અને સુષુપ્ત લોકોને આઝાદીની લડાઈ માટે તૈયાર કરી લીધા. ગાંધીજીને ‘માસ્ટર સ્ટ્રૅટેજિસ્ટ’નું બિરુદ અકારણ નથી મળ્યું.

૦૦૦

સંદર્ભઃ

1. The Indian Annual Register July-Dec 1940 Vol.II

2. https://www.jstor.org/stable/44158434?read-now=1&seq=1#page_scan_tab_contents

3. https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/14211/12/12_chapter%205.pdf

4. https://en.wikipedia.org/wiki/August_Offer

%d bloggers like this: