India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 22

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૨: ૧૮૫૭ – બળવાની શરૂઆત ()

૧૮૫૭ના જાન્યુઆરીમાં બંગાળના ડમડમની સિપાઈ છાવણીમાં એક બ્રાહ્મણ સિપાઈ હાથમાં પાણીનો ભરેલો લોટો લઈને પોતાના અલગ રસોડા તરફ જતો હતો ત્યારે રસ્તામાં એને શસ્ત્રાગારનો સેવક – ‘ખલાસી’ – મળ્યો એ નીચી જાતનો હતો. એણે બ્રાહ્મણ પાસે પાણી માગ્યું, પણ બ્રાહ્મણે ના પાડી કે “મેં લોટો માંજીને તાજું પાણી ભર્યું છે, તું એને અભડાવી દઈશ.” ખલાસીએ રોકડું પરખાવ્યું: “ઊંચી જાતની બડાઈ ન હાંકો, મારા અડવાથી લોટો અભડાઈ જાય પણ ‘સાહેબલોક’ ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસ દાંતેથી તોડાવશે ત્યારે શું કરશો?” બ્રાહ્મણ ડઘાઈ ગયો. ઍન્ફિલ્ડ રાઇફલનાં કારતૂસો ડમડમનાં શસ્ત્રોનાં કારખાનામાં જ બનતાં હતાં અને ખલાસી ત્યાં જ કામ કરતો હતો એટલે એની વાતમાં વજૂદ હોઈ જ શકે. બ્રાહ્મણ સિપાઈએ આ વાત પોતાના સાથીઓમાં ફેલાવી. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. પેલા નીચા વરણના ખલાસીની વાત કંઈ માત્ર અફવા નહોતી, ખરેખર જ કારતૂસો પર ચરબી ચડાવેલી હતી. એમને માત્ર ધર્મભ્રષ્ટ થવાનો જ નહીં, નાતબહાર મુકાવાનો પણ ભય હતો. ડમડમથી આ વાત બરાકપુરની ૩૪મી નૅટિવ ઇન્ફન્ટ્રીની છાવણીમાં અને એના એક યૂનિટ રાનીગંજમાં પણ પહોંચી ગઈ. બરાકપુરમાં તો આક્રોશ વ્યાપી ગયો. સિપાઈઓએ મોટે પાયે તોડફોડ કરી અને અંગ્રેજ અફસરોનાં ઘરોને આગ લગાડી દીધી.

શરૂઆતમાં જ સરકારને કોઈ સમજદાર બિનલશ્કરી અંગ્રેજ અફસરે સલાહ આપી હતી કે આગળપડતા સિપાઈઓને કારખાનામાં લઈ જઈને કારતૂસ બનાવવાની આખી પ્રક્રિયા દેખાડ્યા પછી, એમનો વિશ્વાસ જીતી લઈને જ આમાં આગળ વધવું, પણ આ સલાહ કાને ધરનારા કોઈ નહોતા.

૧૮મી અને ૨૬મી ફેબ્રુઆરીએ ૩૪મી ઇન્ફન્ટ્રીની બે ટુકડીઓ બરહામપુર ગઈ. ત્યાં ૧૯મી ઇન્ફન્ટ્રી ગોઠવાયેલી હતી. એટલે વાત ત્યાં પણ પહોંચી. ૧૯મી ઇન્ફન્ટ્રીના સૈનિકોએ તે જ દિવસે સાંજે બીજા દિવસની સવારે પરેડમાં કૅપ ન પહેરવાનું નક્કી કરી લીધું. કર્નલ મિચેલે એમને ધમકાવ્યા પણ એ માન્યા નહીં એ ફરી રાતે ગયો. એને કોઈકે સમજાવ્યું કે સિપાઈઓની વાત સમજવી જોઈએ, પણ એણે ફરી ધાકધમકીઓ આપી. જો કે બીજા દિવસની સવાર સુધીમાં સિપાઈઓનો આક્રોશ શમી ગયો અને એમણે પરેડમાં ભાગ લીધો અને બધા હુકમોનું પાલન કર્યું.

સરકારે ‘કોર્ટ ઑફ ઇંક્વાયરી’ દ્વારા આખી ઘટનાની તપાસ કરાવી અને નક્કી કર્યું કે આને સ્થાનિકની ઘટના ગણી લેવી. કર્નલ મિચલ પર આળ આવ્યું કે એણે સિપાઈઓ સાથે શાણપણથી વાત ન કરી એટલે વાત વણસી. કર્નલ મિચલને કોઈ લશ્કરી ટુકડીની આગેવાની સંભાળવા માટે અયોગ્ય ઠરાવવામાં આવ્યો. આખી ઘટના પર પરદો પાડી દેવામાં આવ્યો પણ પછી ૧૯મી ઇન્ફન્ટ્રીને વીખેરી નાખવામાં આવી.

ઉલટું થયું. વાત ૩૪મી ઇન્ફન્ટ્રીમાંથી ૧૯મી ઇન્ફ્રન્ટ્રી સુધી પહોંચી હતી, પણ સજા ૩૪મી ઇન્ફન્ટ્રીને ન થઈ. એમને દાંતથી ખોલવાને બદલે હાથના નખથી ખોલવાની પણ છૂટ મળી, પણ સિપાઈઓ સમજી ગયા કે ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસો તો રહેશે જ. એટલે એમણે કહ્યું કે એમને દાંતથી જ ખોલવાની ટેવ છે અને એમાં કંઈ ફેરફાર ન થઈ શકે. કર્નલ હીઅરસેએ એમને ખાતરી આપી કે એમને જે કરવું હોય તે કરે, સજા નહીં થાય; સજાને લાયક તો ૧૯મી ઇન્ફન્ટ્રી હતી. આ કારણે ૩૪મી ઇન્ફન્ટ્રીના સિપાઈઓને નામોશી જેવું લાગ્યું. એમની લાગણી એ હતી કે એમને આડકતરી રીતે કહે છે કે ૧૯મી ઇન્ફન્ટ્રી જેવું કરવામાં સાર નથી. આ માની લેવું એ એમની ભીરુતા જ ગણાય. આમ કંઈ સજા ન થવાથી ઊકળાટ વધ્યો.

મંગલ પાંડે

૨૯મી માર્ચે ૩૪મી બેંગાલ નૅટિવ ઇન્ફન્ટ્રીના એક સિપાઈ મંગલ પાંડેએ એકલા જ ખુલ્લો બળવો કર્યો. એ ક્વાર્ટર-ગાર્ડની સામે એકલો ફરતો હતો અને બીજા સિપાઈઓને પોતાનો ધર્મ બચાવવા માટે બહાર આવવા આહ્વાન કરતો હતો. એ ખુલ્લી જાહેરાત કરીને જે યુરોપિયન અફસર નજરે ચડે એને મારી નાખવાનું બોલતો હતો. ઍડજ્યુટન્ટ બૉગને આ સમાચાર મળતાં એ ધસી આવ્યો. મંગલ પાંડેએ એના પર ફાયરિંગ કર્યું પણ ગોળી એના ઘોડાને વાગી. બૉગ પણ ઘોડા સાથે જ નીચે પટકાયો.

હવે મંગલ પાંડેએ તલવાર કાઢી અને બૉગ પર હુમલો કર્યો. તલવારના ઘા બૉગની ગરદન અને ડાબા હાથ પર પડ્યા. સાર્જન્ટ મેજર બૉગને બચાવવા દોડ્યો પણ મંગલે એને પણ પાડી દીધો. એ વખતે બીજો એક સિપાઈ શેખ પલટુ યુરોપિયનોને બચાવવા દોડ્યો અને મંગલ પાંડેને પકડી લીધો. બીજી બાજુ વીસેક સિપાઈઓ આ બધું જોતા રહ્યા. કર્નલ વ્હીલરે નાયક ‘જમાદાર’ ઈશ્વરી પ્રસાદને હુકમ કર્યો પણ ઈશ્વરી પ્રસાદે પરવા ન કરી. તે પછી એ સૌનો ઉપરી બ્રિગેડિયર ગ્રાન્ટ આવ્યો ત્યારે અંગ્રેજ અફસરોએ કહ્યું કે સિપાઈઓ હુકમ નથી માનતા. ગ્રાન્ટે પોતાની પિસ્તોલ તાકીને બીજા સિપાઈઓને મંગલ પાંડેને પકડવાનો હુકમ આપ્યો અને ચેતવણી આપી કે જે નહીં માને તેના પર એ તરત ગોળી છોડી દેશે. તે પછી સિપાઈઓએ મંગલને પકડી લીધો. એણે તરત પોતાની બંદૂકની નળી પોતાના લમણે લગાડી અને ગોળી છોડી. એ ઘાયલ થયો, મર્યો નહીં.

મંગલ પાંડે સામે કામ ચાલ્યું અને આઠમી ઍપ્રિલે એને ફાંસી આપી દેવાઈ. ઈશ્વરી પ્રસાદને પણ ૨૧મી ઍપ્રિલે ફાંસીએ લટકાવી દેવાયો. શેખ પલટુને પ્રમોશન આપીને હવાલદાર બનાવાયો પણ થોડા વખત પછી બરાકપુરમાં જ એક નિર્જન જગ્યાએ એનું ખૂન થઈ ગયું. વ્હીલરને પણ મિચલની જેમ ગેરલાયક ઠરાવીને હટાવવામાં આવ્યો.

આ ઘટના પછી ૩૪મી ઇન્ફન્ટ્રીને પણ વીખેરી નાખવામાં આવી. એમાં મોટા ભાગના સિપાઈઓ અવધમાંથી આવ્યા હતા. બંગાળ છોડીને એ પાછા અવધ આવ્યા. ૧૮૫૬માં અવધના નવાબ વાજિદ અલી શાહની ગાદી ડલહૌઝીએ રાજ્યમાં અંધાધૂંધી હોવાના નામે ઝુંટવી લીધી હતી. આથી લોકોમાં રોષ અને કંપની રાજ તરફ નફરત તો હતી જ, તેમાં આ સિપાઈઓએ કારતૂસોની વાત કરતાં અજંપો વધ્યો. એટલું જ નહીં, ૩૪મી ઇન્ફન્ટ્રી વીખેરી નાખવાના નિર્ણયની અસર આખા બેંગાલ આર્મી પર પડી. એની ટુકડીઓ જ્યાં પણ ગોઠવાયેલી હતી ત્યાં એના છાંટા ઊડ્યા. અંબાલામાં પણ આવી જ ઘટનાઓનું પુનરાવર્તન થયું. ત્યાં પણ સિપાઈઓએ અંગ્રેજ અફસરોનાં ઘરોને બાળી નાખવાની યોજના બનાવી હતી. લખનઉમાં તો આખી રેજિમેન્ટે કારતૂસોને હાથ લગાડવાની ના પાડી દીધી. મે મહિનાની ત્રીજી તારીખે અંગ્રેજ અફસરો સુધી વાત પહોંચી કે બળવાખોરોએ અંગ્રેજોને મોતને ઘાટે ઉતારી દેવાનું નક્કી કર્યું છે. અવધના ચીફ કમિશનર હેનરી લૉરેન્સે તાબડતોબ પોતાની ટુકડી ઊભી કરી અને બળવાખોરોને દબાવી દીધા. ઘણાખરાએ પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકી દીધાં.

આર. સી. મજૂમદાર ઇતિહાસકાર મેલસનને ટાંકે છે કે “ખલાસીએ બ્રાહ્મણ સિપાઈને કહ્યું તે પછી માત્ર ત્રણ મહિનામાં કારતૂસો સામે સિપાઈઓનો બળવો આખા દેશમાં ફેલાઈ ગયો.” બીજી એક અફવા એ પણ ફેલાઈ ગઈ કે ઑફિસરો લોટમાં ગાયના હાડકાનો ભૂકો મેળવે છે અને કૂવામાં નાખે છે. કાનપુરમાં આ અફવાએ એટલું જોર પકડ્યું કે સિપાઈઓએ સસ્તા ભાવે મેરઠની છાવણીમાંથી આવતો લોટ વાપરવાની ના પાડી દીધી. એ જ અરસામાં રોટી અને કમળ ફરતાં થયાં. એ ક્યાંથી આવ્યાં તે કોઈ જાણતું નહોતું.

એક વાત ખાસ યાદ રાખવી જોઈએ. ઇતિહાસકારો હકીકતોને સંપૂર્ણ માન આપે છે, હકીકત દલીલનો વિષય નથી બનતી. પરંતુ આમ છતાં દરેક ઇતિહાસકારનું આ હકીકતોનું અર્થઘટન જૂદું પડે છે. કોઈને અમુક ઘટનાઓમાં એક કડી દેખાય છે, તો બીજાની નજરે બે ઘટનાઓ સ્વતંત્ર હોય છે. મજૂમદાર માને છે કે સિપાઈઓનો બળવો અલગ ઘટના હતી, એમને કોઈએ ભડકાવ્યા નહોતા. એમણે પોતાના ધર્મને બચાવવાથી વધારે મોટા ધ્યેય માટે બળવો નહોતો કર્યો. બીજી બાજુ, સાવરકર માને છે કે સિપાઈઓના બળવા પાછળ કોઈ રાજકીય સંગઠન કામ કરતું હતું, જેની યોજના અંગ્રેજી હકુમતને પડકારવાની હતી. સાવરકર નાના સાહેબના સલાહકાર અઝીમુલ્લાહને આ યોજનાનો યશ આપે છે.

એ જે હોય તે, કદાચ સિપાઈઓનો બળવો જુદી ઘટના હોય કે નહીં, એમાંથી જ એક દિશા ભાવનાત્મક સ્તરે પ્રગટ થતી હતી; કદાચ સિપાઈઓનો બળવો એનું સંતાન હોય અથવા એ ભાવના સિપાઈઓના બળવાનું સંતાન હોય. આપણા માટે એમાં બહુ અંતર નથી. એટલે એટલું જ નોંધીએ કે ૧૮૫૭નો મે મહિનો શરૂ થયો ત્યારે સ્થિતિ બહુ વિસ્ફોટક હતી પણ એમાંથી મોટા પાયે વિદ્રોહ ફાટી નીકળશે એવા સંકેત નહોતા. આ બધા બળવા કારતૂસોને કારણે હતા. એને આખી અંગ્રેજ સલ્તનત સામેના વિદ્રોહનું રૂપ હજી નહોતું મળ્યું, પણ લખનઉમાં બળવાને દબાવી દેવાયો તે પછીના એક જ અઠવાડિયે સિપાઈઓના બળવાએ રાષ્ટ્રીય વિદ્રોહનું રૂપ ધારણ કરી લીધું. આના માટે આપણે આવતા અંકમાં મેરઠ જઈશું.

સંદર્ભઃ

(૧) The Sepoy Mutiny and The Revolt of 1857 આર. સી. મજૂમદાર, ૧૯૫૭

(૨) INDIAN WAR OF INDEPENDENCE 1857 વિ. દા. સાવરકર (http://savarkar.org_the_indian_war_of_independence_1857)

(૩) વિકીપીડિયા

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 21

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

 પ્રકરણ ૨૧૧૮૫૭કારણો ()

બળવો કે રાષ્ટ્રીય વિદ્રોહ?

૧૮૫૭નું વર્ષ હિન્દુસ્તાનમાં અંગ્રેજી ઈસ્ટ ઇંડિયા કંપની માટે જબ્બર પડકાર જેવું હતું. આપણા દેશના ઇતિહાસમાં ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામનું આગવું સ્થાન છે. પરંતુ એ વખતના કોઈ હિન્દુસ્તાનીએ એના વિશે કંઇ લખ્યું નથી; જે કંઈ લખાયું તે અંગ્રેજોની નજરે લખાયું. એક તો આપણને ઇતિહાસ લખવાની ટેવ જ નથી. બીજી બાજુ, સ્થિતિ એવી હતી કે અંગ્રેજોને પસંદ ન આવે તેવું, અલગ રીતે લખવાની કોઈની હિંમત નહોતી કારણ કે અંગ્રેજોનો લોકશાહી માટેનો પ્રેમ માત્ર બ્રિટનમાં જ હતો અને એની કૉલોનીઓમાં એમને આપખુદશાહી જ પસંદ હતી; એમની સત્તાને પડકારનારનું આવી બનતું. અંગ્રેજ સત્તાધારીઓને મન માણસને ક્રૂરતાથી મારી નાખવો એ પણ એક ખેલ હતો. આમ છતાં એ પણ ખરું કે ઘણાખરા આપણા વિદ્વાનોએ અંગ્રેજોનો દૃષ્ટિકોણ કશા જ દબાણ વિના સ્વીકારી લીધો હતો એટલે ભારતીય વિદ્વાનોનાં લખાણો પણ અંગ્રેજોએ લખ્યાં હોય તેવાં જ છે.

આના કારણે અંગ્રેજોએ ૧૮૫૭ની શૃંખલાબંધ ઘટનાઓને સિપાઈઓના બંડ (Mutiny) તરીકે ઓળખાવી. પરંતુ બળવો એટલો વ્યાપક હતો કે ગવર્નર જનરલ કૅનિંગને પોતાને જ વિમાસણ થઈ કે આ માત્ર સિપાઈઓનો બળવો હતો કે એનાથી કંઈક વિશેષ? બહુ તરત એણે એને Rebellion કે Revolt (વિદ્રોહ) તરીકે ઓળખાવવાનું શરૂ કરી દીધું.

કાર્લ માર્ક્સ એ વખતે ન્યૂયૉર્ક ડેઇલી ટ્રિબ્યૂનમાં કૉલમ લખતો. ૧૮૫૩થી એનું ધ્યાન ભારત પર કેંદ્રિત થયું હતું અને એણે પોતાની કૉલમમાં સતત ભારત વિશે લખ્યું છે. ૧૮૫૭ના વિદ્રોહને માર્ક્સ National Revolt – રાષ્ટ્રીય વિદ્રોહ ગણાવે છે. નોંધવા જેવી વાત એ છે કે શરૂઆતમાં માર્ક્સે દેશનાં સ્વયંપૂર્ણ, સ્વાયત્ત ગામડાંઓની આર્થિક અને સામાજિક વ્યવસ્થા સમજાવીને ગ્રામસમાજોની સ્વતંત્રતાનો પણ વિગતે ઉલ્લેખ કર્યો છે, પરંતુ એ માનતો હતો કે આ વ્યવસ્થા બંધિયાર હતી અને તે ઉપરાંત જાતિવાદને કારણે એમાં ગુલામીનાં તત્ત્વો પણ હતાં. આવો સમાજ પ્રગતિ ન કરી શકે. માર્ક્સના મતે બ્રિટિશ હકુમત સારી હોય કે ખરાબ, એ મહત્ત્વનું નહોતું પણ એને કારણે વ્યવસ્થામાં ભારે પરિવર્તન થશે જે હિન્દુસ્તાન માટે ઉપકારક નીવડશે.

આર્થિક કારણો

પરંતુ ૧૮૫૭ આવતાં સુધીમાં માર્ક્સના વિચારો બદલાયા. હવે એ બ્રિટિશ સામ્રાજ્યવાદીઓને આક્રમણખોર શોષક અને ભારતની જનતાને શોષિત માનતો હતો. માર્ક્સ જોઈ શક્યો કે વ્યવસ્થામાં પરિવર્તન કરવાની સરકારની દાનત જ નહોતી. ૧૮૫૭નો સંગ્રામ માર્ક્સની નજરે મૂડીવાદી સત્તા સામે સામાન્ય જનનો રાષ્ટ્રીય સ્તરનો વિદ્રોહ હતો. માર્ક્સ કહે છે કે એશિયામાં પુરાતન કાળથી જ સરકાર પાસે ત્રણ ખાતાં રહેતાં – એક તો, નાણા, (અથવા આંતરિક લૂંટ); બીજું યુદ્ધ, (અથવા રાજ્યની બહાર લૂંટ) અને જાહેર કામોનું ખાતું. પ્રદેશ બહુ વિશાળ અને પ્રમાણમાં સભ્યતા (લોકોની વસ્તીવાળા વિસ્તારો) બહુ ઓછા. આથી અપાર ખાલી જમીનો હતી. આમાં ખેતી માટે મધ્યસ્થ સરકારની જરૂર રહેતી. બ્રિટિશ સત્તાવાળાઓએ નાણાં અને યુદ્ધનાં ખાતાં તો પોતાની હસ્તક રાખ્યાં પણ ત્રીજું, લોકો માટેનું ખાતું છોડી દીધું. આથી ખેતી બરબાદ થઈ ગઈ. ગ્રામસમાજમાં વણકરો, સોનીઓ વગેરે પણ હતા. ભારત પર પહેલાં પણ ઘણાં આક્રમણ થયાં પણ એમણે આ વ્યવસ્થાને ન તોડી, જ્યારે બ્રિટિશ હુમલાખોરોએ આ વ્યવસ્થા પર જ હુમલો કર્યો અને હાથશાળ તેમ જ ચરખાના અર્થતંત્રનો નાશ કર્યો. ઇંગ્લૅંડે યુરોપનાં બજારોમાંથી હિન્દુસ્તાનના કાપડને હાંકી કાઢવાનું શરૂ કર્યું અને પોતાનો માલ ઠાલવવા માંડ્યો. ૧૮૧૮ અને ૧૮૩૬ વચ્ચે લંડનથી આવતા ટ્વિસ્ટ કાપડનું પ્રમાણ ૫,૨૦૦ ગણું વધ્યું અને મસ્લિનની આયાત ૧૦ લાખ વારથી વધીને ૬ કરોડ ૪૦ લાખ વાર સુધી પહોંચી. ઢાકા કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હતું; એની વસ્તી દોઢ લાખની હતી તે ઘટીને વીસ હજાર રહી ગઈ હતી. માર્ક્સની નજરે આ નિર્ભેળ શોષણ હતું.

ઈસ્ટ ઇંડિયા કંપનીના મૂળ ચાર્ટર પ્રમાણે તો એણે હિન્દુસ્તાન અને ઇંગ્લૅન્ડના તૈયાર માલની અદલાબદલી નહોતી કરવાની, માત્ર હિન્દુસ્તાન અને યુરોપના માલની હેરફેર કરવાની હતી. ૧૭૦૦ અને ૧૭૨૧માં બ્રિટને કાયદા બનાવીને હિન્દુસ્તાનથી આવેલાં ચાંદીનાં ઘરેણાં કે કપડાં પહેરવા પર ૨૦૦ પૌંડનો દંડ જાહેર કરતાં હિન્દુસ્તાનના માલની માંગ તદ્દન શૂન્ય પર પહોંચી ગઈ હતી.

ખેડૂતો, આદિવાસીઓ, નાના કારીગરો અને કસબીઓ ગરીબાઈમાં હડસેલાઈ ગયા હતા અને જંગલો, જમીનો લીલામ થવા લાગ્યાં હતાં. દેશમાં જમીનની ખાનગી માલિકી કદીયે નહોતી, ઈસ્ટ ઇંડિયા કંપનીના રાજમાં એ શરૂ થઈ ગઈ હતી.

ધાર્મિક કારણો

તે ઉપરાંત, ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓ પણ શંકાનું કારણ બની ગઈ હતી. હિન્દુઓ અને મુસલમાનો, બન્નેને એમની વટાળ પ્રવૃત્તિ સામે સખત નારાજી હતી. સામાન્ય લોકોને લાગતું હતું કે કંપની રાજનો મૂળ હેતુ આખા હિન્દુસ્તાનને ખ્રિસ્તી બનાવવાનો છે. આ માત્ર શંકા નહોતી; ઇંગ્લૅંડમાં આ જ વિચાર ફેલાયેલો હતો.

બ્રિટનની આમસભામાં ઇસ્ટ ઇંડિયા કંપનીના ચેરમૅન મેંગલ્સે કહ્યું કે, “વિધાતાએ ઇંગ્લૅન્ડને હિન્દુસ્તાનનું વિશાળ સામ્રાજ્ય એટલા માટે સોંપ્યું છે કે જેથી હિન્દુસ્તાનના એક ખૂણેથી બીજા ખૂણા સુધી પ્રભુ ઈસુની વિજયપતાકા લહેરાય. હિન્દુસ્તાનને ખ્રિસ્તી બનાવવાનું મહાન કાર્ય અવિરત ચાલુ રહે તેમાં ઢીલ ન કરવા માટે જણે જણે પોતાની તમામ તાકાત ખર્ચવાની છે.”

ખ્રિસ્તી મિશનરીઓએ પણ પોતાનું લક્ષ્ય છૂપું નહોતું રાખ્યું. એક રેવરંડ કેનેડીએ લખ્યું છે કે “હિન્દુસ્તાનમાં આપણું રાજ રહે ત્યાં સુધી આપણા પર કોઈ પણ મુસીબત આવે, આપણે એ નથી ભૂલવાનું કે આપણું મુખ્ય કાર્ય આખા દેશમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવાનું છે. જ્યાં સુધી કૅપ કૉમોરિનથી હિમાલય સુધી હિન્દુસ્તાન ખ્રિસ્તી ધર્મ સ્વીકારી ન લે અને હિન્દુ અને મુસ્લિમોના ધર્મોને જાકારો ન આપે ત્યાં સુધી આપણા પ્રયાસો ચાલુ રહેવા જ જોઈએ.”

લોકો એમનો ઇરાદો જાણતા હતા. રેવરંડ કેનેડી પોતે જ લખે છે કે મરણ પથારીએ પડેલા એક મૌલવીને એણે અંતિમ ઇચ્છા પૂછી તો મૌલવીએ જવાબ આપ્યો કે ખરેખર તો મારી એક ઇચ્છા પૂરી ન થઈ તેનો મને ખેદ છે – આ હાથે હું બે ફિરંગીને પણ મારી ન શક્યો!

એક સારા કુટુંબના હિન્દુએ કેનેડીને કહ્યું કે તમે લોકો જાઓ અને અમારું જૂનું રાજ ફરી સ્થપાય એ જ અમારી ઇચ્છા છે. આમ ખ્રિસ્તી ધર્મના હુમલા સામે હિન્દુઓ અને મુસલમાનો એક થઈ ગયા હતા.

જુદાં જુદાં કારણો હોવા છતાં અંગ્રેજો પ્રત્યેનો રોષ આખા દેશમાં સૌને એકસૂત્રે બાંધતો હતો.

ડોક્ટ્રીન ઑફ લેપ્સ

કંપનીને ખબર હતી કે વિશાળ જનસમુદાયના અસંતોષને દબાવવાનું સહેલું નહોતું. આના માટે કંપની બધો રાજકારભાર પોતાના હાથમાં લઈ લે તે જરૂરી હતું એટલે એણે રાજાઓ પર દબાણ કરવાનું શરૂ કર્યું. આમ તો ટીપુના મૃત્યુ પછી જ વૅલેસ્લીએ આવું દબાણ શરૂ કરી દીધું હતું પણ ડલહૌઝી (૧૮૪૮-૧૮૫૬)એ એને વ્યવસ્થિત રૂપ આપીને કડક અમલ શરૂ કર્યો. કંપનીએ નક્કી કર્યું કે કોઈ રાજા બિનવારસ મરી જાય તેનું રાજ્ય સંભાળી લેવું અને રાજાના વારસને મંજૂરી ન આપવી. વેલેસ્લી પણ એ જ કરતો હતો પરંતુ એ વખતે કોને છૂટ આપવી અને કોને નહીં, તે કંપની પોતાનાં હિતોને ધ્યાનમાં રાખીને નક્કી કરતી હતી. ડલહૌઝીના આવ્યા પછી એનો કડક અમલ થવા લાગ્યો. દત્તક લઈ જ ન શકાય એ નિયમ બની ગયો. બિનવારસ રાજાનું રાજ અનિવાર્ય રીતે કંપની સંભાળી લેતી. આમ કંપનીએ જાણે વિદ્રોહનાં આમંત્રણ ચારે બાજુ મોકળા હાથે મોકલાવ્યાં!

રાષ્ટ્રીય વિદ્રોહ

આ વિદ્રોહ એવો હતો કે એમાં રાજા અને રંક બધા સામેલ થઈ ગયા. કર્નલ મેલસને ૧૮૫૭ના વિદ્રોહ પછી એક પુસ્તક લખ્યું અને આઠ વર્ષ પછી ફરી હિન્દુસ્તાનની મુલાકાત લીધી. એણે લખ્યું, “જે લોકો એક સદી સુધી આપણા સાચા અને સૌથી વધારે વફાદાર નોકર હતા એમના મનમાં આપણા માટે તિરસ્કાર – અંગત નહીં, પણ દેશવ્યાપી – ભરવા માટે ઘણાં બાહ્ય કારણો હતાં”

અવધમાં વાજિદ અલી શાહને પદભ્રષ્ટ કરવાની સાથે પ્રજાજનોનો ઊકળાટ બહાર આવી ગયો. મૅલિયોડ ઇન્નેસ લખે છે કે “અવધમા જે ઝપાઝપીઓ થઈ તે માત્ર વિદ્રોહ નહીં પણ રીતસરનું યુદ્ધ જ હતું.”

ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસ

આ સંયોગોમાં બ્રિટિશ ફોજમાં નવાં કારતૂસ આવ્યાં જે દાંતથી ખોલવા પડે એવાં હતાં. એના પર ગાય અને ડુક્કરની ચરબી લગાડેલી હતી અથવા એવી વાત ફેલાઈ. હિન્દુ અને મુસલમાન સિપાઈઓના ધર્મ પર આ સીધો હુમલો હતો અને ૧૮૫૭ના મે મહિનામી ૧૦મી તારીખે મેરઠમાં આગ ભડકી ઊઠી.

આ કથા હવે પછી.

૦૦૦

સંદર્ભઃ

(૧) Rebellion-1857 (Edited by P. C. Joshi. First National Book Trust publication, 2007. ESBN 978-81-237-4935-8. ( બે લેખઃ તાલ્મિઝ ખાલ્દુન અને પી. સી. જોશી).

(૨) કાર્લ માર્ક્સના ન્યૂ યૉર્ક ડેઇલી ટ્રિબ્યૂનના લેખો – ૨૫ જૂન ૧૮૫૩, ૧૫ જુલાઈ ૧૮૫૭, ૧૬ સપ્ટેમ્બર ૧૮૫૭

Science Samachar (58)

() એંજિનની અંદર ફરે તેવા માઇક્રો રોબોટ

કોઈ પણ મશીનના અસંખ્ય ભાગ હોય છે. જેટ એંજિનમાં ૨૫,૦૦૦ નાનામોટા ભાગ હોય છે. કયો ભાગ બરાબર કામ નથી કરતો તે જાણવા માટે પણ આખું મશીન ખોલવું પડે. આમ એક મશીનના મેન્ટેનન્સમાં એક મહિનો નીકળી જાય. પણ હવે હાર્વર્ડ યુનિવર્સિટીના ‘Wyss Institute for Biologically Inspired Engineering અને Johan A. Paulson School of Engineering and Applied Sciencesના સંશોધકોએ એવા માઇક્રો રોબોટ બનાવ્યા છે જે મશીનની અંદર જઈને કામ કરી શકે છે. આ રિપોર્ટ રોબોટિક સાયન્સ મૅગેઝિન માં પ્રકાશિત થયો છે.

મશીનની અંદર મોટી મુશ્કેલી એ હતી કે માઇક્રો રોબોટ સીધી દિશામાં જઈ શકતા અને ઉલટા પાચા ફરી શકતા પણ ઉપર ચડવું હોય કે ઉલટી સપાટી પર ચાલવું હોય તો એ ન થઈ શકતું. સંશોધકોએ હવે એના પગમાં ચોંટી જાય એવી વ્યવસ્થા કરી છે. આથી જ આ માઇક્રો રોબોટનું નામ HAMR-E (Harvard Ambulatory Micro-Robot with Electroadhesion) રાખવામાં આવ્યું છે. આ પહેલાં HAMR માઇક્રો રોબોટ હતા તેમાં અને આ નવા રોબોટમાં ફેર એટલો જ છે કે આ કોઈ પણ દિશામાં જઈ શકે છે અને ઉલટા ચોંટીને પણ કામ કરી શકે છે. હવે એના પગ એવા બનાવેલા છે કે સપાટી પ્રમાણે એ લાંબાટૂંકા થઈ શકે છે, આ રોબોટ પાણીમાં તરી પણ શકે છે.

નવા રોબોટને કારણે હવે મોટા મશીનની સારસંભાળ લેવાનું કામ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં થઈ શકશે. આ વીડિયો જોવા જેવો છેઃ

૦૦૦

સંદર્ભઃ https://wyss.harvard.edu/robots-with-sticky-feet-can-climb-up-down-and-all-around/

()()()()()

() વાઇરસ બેક્ટેરિયાની વાતો સાંભળીને એની હત્યા કરે છે!

પ્રિન્સટન યુનિવર્સિટીનાં મોલેક્યુલર બાયોલૉજિસ્ટ બોની બૅઝ્લર અને એમના વિદ્યાર્થી જસ્ટિન સિલ્પીએ એક એવા વાઇરસની ભાળ મેળવી છે, જે બૅક્ટેરિયાની વાત છાનામાના સાંભળીલે છે અને પછી “આ જ ગુનેગાર છે” એમ નક્કી કરીને એને મારી નાખે છે. હવે એમણે એક રસ્તો શોધી કાઢ્યો છે કે જેથી આ વાઇરસ VP882 ઈ-કોલી અને કૉલેરાનાં બૅક્ટેરિયા ઉપર હુમલો કરતાં થઈ જાય. શ્રીમતી બૅઝ્લર કહે છે કે બેક્ટેરિયા સંદેશાની આપ-લે માટે જે અણુનો ઉપયોગ કરે છે તેનો જ ઉપયોગ વાઇરસ કરે છે – ફોન ટૅપિંગ જેમ! જસ્ટિને આ જોયું કે આ તો સ્વાભાવિક ક્રિયા છે. પછી એણે વાઇરસમાં એવી રીતે ફેરફાર કર્યો કે એ કોઈ પણ રીતે સંપર્ક કરી શકે.

બૅઝ્લરે સમજાવ્યું કે વાઇરસ પાસે બે જ વિકલ્પો હોય છે. કાં તો એના આશ્રયદાતાની અંદર રહેવું અથવા તો પોતાના જેવાં અનેક વાઇરસ પેદા કરવાં કે જેથી આશરો આપનાર મરી જાય અને બીજા યજમાનના પરોણા થવું. પણ બીજો યજમાન ન હોય તો આ વાઇરસ પોતે જ મરી જાય! પરંતુ VP882 પહેલાં બહાર થતી વાતો સાંભળે છે. એટલે એ સમજી શકાય છે કે આપણે જેની અંદર છીએ તેને મારી નાખશું તો વાંધો નથી, કારણ કે પાડોશમાં જ એવા કોઈ સજ્જન છે જે એમને આશરો આપશે. આથી એ મૂળ યજમાનને મારીને બહાર નીકળી બીજાના ઘરમાં ધામા નાખે છે. જસ્ટિને વાઇરસને જાસૂસી કરતાં જોયા પછી એમને ખોટી માહિતીઓ આપવાનું શરૂ કર્યું કે જેથી વાઇરસ અફવાઓ કે ‘ફેક ન્યૂઝ’ને સાચા માનીને કામ કરે. અને જસ્ટિન કહે તે બૅક્ટેરિયાને મારી નાખે. બૅઝ્લર અને જસ્ટિને એ પણ જોયું કે વાઇરસને બેક્ટેરિયાની ભીડ વિશે ખબર પડે તે પછી એ આખા ‘રાજ્ય’માં આ સમાચાર ફેલાવે છે. એમનું કહેવું છે કે આ બહુ આશ્ચર્યની વાત છે.

૦૦૦

સંદર્ભઃhttps://www.princeton.edu/news/2018/12/13/biologists-turn-eavesdropping-viruses-bacterial-assassins

()()()()()

() ઊંઘ ન આવતી હોય તો ઘોડિયામાં સૂઓ!

જિનીવાના વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે પુખ્ત વયની વ્યક્તિઓને ઊંઘ ન આવતી હોય તો એમણે ઘોડિયામાં સૂવું જોઈએ. ઘોડિયું ઝૂલતું રહેશે તો એમને ઊંઘ આવી જશે અને એ ઊંઘ NREM એટલે કે નૉન-આર. ઈ. એમ. હશે.એનો અર્થ એ કે ઊંઘમાં બંધ આંખોનું હલનચલન પણ નહીં થતું હોય. બહુ ગાઢ નિદ્રા હોય છે, એમાં સપનાં પણ નથી આવતાં. ઊંઘમાં પણ સંવેદી ઇંદ્રીયોનું કામ ચાલ્યા કરે છે એટલે મગજના કંપન પર પણ એની અસર થઈ શકે છે. બપોરે હીંચકે ઝૂલતાં (0.25 Hz) ઝોકું લો ત્યારે જાગૃતિમાંથી નિદ્રામાં સહેલાઈથી સરકી જવાતું હોય છે.

સંશોધકોએ ૧૮ પુખ્ત વયની વ્યક્તિઓ પર અખતરો કર્યો. આ લોકો એક કંપનવાળા પલંગ પર આખી રાત સૂતા. ઊંઘમાં મગજ જે કંપન અનુભવે તેનો પ્રભાવ સ્મરણશક્તિ પર પણ પડતો હોય છે, એટલે સંશોધકોએ એની પણ નોંધ રાખી. એમને જોવા મળ્યું કે એમની કાચી ઊંઘનો ગાળો બહુ ટૂંકો રહ્યો. એમની સ્મ્રુતિઓને સંઘરવાની શક્તિ પણ વધી હોવાનું મગજની પ્રક્રિયાઓના અભ્યાસમાં જણાયું.

૦૦૦

સંદર્ભઃ https://www.cell.com/current-biology/pdfExtended/S0960-9822(18)31662-2

()()()()()

() ચીનના વૈજ્ઞાનિકોએ બીમાર વાંદરાના પાંચ ક્લોન બનાવ્યા

સવાલ નૈતિકતાનો છે અને પ્રાણીઓના જીવનના અધિકારનો છે. ચીનના વૈજ્ઞાનિકોએ માણસને પજવતી કેટલીક બીમારીઓ, જેમ કે અનિદ્રા, સ્કીઝોફ્રેનિયાના અભ્યાસ માટે વાંદરાના પાંચ ક્લોન બનાવ્યા છે. જેના કોશોનો ઉપયોગ કરવામાં આવ્યો તે વાંદરો આવી બીમારીઓથી પિડાય એવી શક્યતાઓ હતી. નવા ક્લોનમાં નકારાત્મક લક્ષણો જોવા મળ્યાં છે. એમને અનિદ્રાનો રોગ છે અને બેવડા વ્યક્તિત્વની બીમારી – સ્કીઝોફ્રેનિયાનાં લક્ષણો પણ દેખાય છે. વૈજ્ઞાનિકોએ વાંદરાની જૈવિક ઘડિયાળને સંચાલિત કરતો જીન કાઢી લેતાં આ ક્લોનને એનો લાભ નથી મળ્યો.

ચીન કહે છે કે એથિક્સ કમિટીએ આ પ્રયોગ મંજૂર કર્યો તે પછી જ ક્લોનિંગ કરવામાં આવ્યું છે. જો કે આ વિવાદાસ્પદ પ્રયોગ મનાય છે.

૦૦૦

સંદર્ભઃ https://in.reuters.com/article/us-china-health/china-clones-gene-edited-monkeys-for-sleep-disorder-research-idINKCN1PI045

()()()()()

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 20

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ 

પ્રકરણ ૨૦: ૧૮૫૭ અને ગુજરાત (૨)

દિલ્હી વિદ્રોહીઓના હાથમાં પડ્યું, તે જ દિવસે, ૨૮મી સપ્ટેંબરે રાધનપુરના નવાબના મૌક દસ્તાવેજો અંગ્રેજ સરકારને હાથે ચડી ગયા. નવાબે દિલ્હીમાં બાદશાહને સોનામહોર નજરાણામાં મોકલીને અમદાવાદ અને ડીસામાં અંગ્રેજોનાં મથકો પર હુમલા કરવાની રજા માગી હતી. નવાબ પોલિટિકલ ઍજન્ટનો બહુ સારો મિત્ર હતો એટલે એની સામે કોઈ કાર્યવાહી ન કરવાનું મુંબઈ સરકારે નક્કી કર્યું. એ જ રીતે, ૧૮૫૭ના ઑક્ટોબરમાં ડીસા પાસેના સમડાના ઠાકોર અને સેકંડ કેવલરી અને ૧૨ મી નૅટિવ ઇન્ફન્ટરીના કેટલાક દેશી અફસરોએ ડીસામાં છાવણી ઉપર હુમલો કરીને ત્યાંના મોટા અફસરોને મારી નાખવા અને શસ્ત્રો વગેરે લૂંટવાની યોજના બનાવી હતી પણ એ લોકો કંઈ કરી શકે તે પહેલાં સરકારને બાતમી મળી ગઈ અને એમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. સ્થાનિકના પોલિટિકલ ઍજન્ટ વગેરેએ એમને સજા કરી હોત પણ તે પહેલાં સરકારે આમ-માફી જાહેર કરતાં બધા છૂટી ગયા.

ગાયકવાડ અંગ્રેજો વિરુદ્ધ

વડોદરાનું ગાયકવાડી રાજ્ય ખાનગી રીતે અંગ્રેજોની વિરુદ્ધ જ હતું પણ એને અંગ્રેજોની જરૂર પણ હતી. મહારાવના પિતાની બીજી પત્નીનો પુત્ર એટલે કે મહારાવનો અર્ધ-ભાઈ ગોવિંદરાવ અથવા બાપુ ગાયકવાડ વદોદરાથી તરીપાર થયેલો હતો. મહારાવ વિરુદ્ધ કાવતરું કરવા બદલ એને વડોદરામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ અમદાવાદમાં શાહીબાગમાં રહેતો હતો. બાપુ ગાયકવાડે મહારાવના બીજા ભાઈ મલ્હારરાવ સાથે મળીને યુરોપિયનોનું કાસળ કાઢી નાખવાની યોજના બનાવી. વડોદરા, અમદાવાદ અને ખેડામાં યુરોપિયનોની કતલ કરીને સાતારાના રાજાને નામે નવું રાજ્ય બનાવવાનું એમણે ધાર્યું હતું. બાપુનું કામ અમદાવાદમાં લશ્કરમાં અસંતોષ ફેલાવવાનું હતું. દરરોજ રાતે દેશી અફસરો બાપુને ઘરે મળતા. બાપુ અને મલ્હારરાવનો ત્રીજો સાથી ભોંસલે રાજા હતો. એને ખેડા જિલ્લો સોંપાયો હતો. એનો સાથી હતો ઝવેરી ન્યાલચંદ. એ બન્નેનું કામ ખેડા જિલ્લામાં ઠાકોરો અને પટેલોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ તૈયાર કરવાનું હતું. એમને ઠાકોરોએ સહકારની ખાતરી આપી. ઉમેટાના ઠાકોરે તો પોતાના કિલ્લા પર તોપો પણ ગોઠવી દીધી કે જેથી અંગ્રેજ ફોજ હુમલો કરે તો બચાવ કરી શકાય. કડી પરગણામાં સિપાઈઓની ભરતી માટે એમણે મગનલાલ નામના એક માણસને મોકલ્યો, એણે બે હજારનું પાયદળ અને દોઢસોનું ઘોડેસવાર દળ લોદરા ગામ પાસે ગોઠવ્યું. મહી કાંઠે પ્રતાપપુર ગામ નજીક ખેડાના ઠકોરે પોતાનું લશ્કર ગોઠવી દીધું. એ વડોદરાથી આઠ કિલોમીટર દૂર ચોક તળાવ સુધી આવ્યા. ૧૬મી ઑક્ટોબરની રાતે યુરોપિયન છાવણી પર હુમલો કરવાની બધી તૈયારી હતી. સામે પક્ષે અંગ્રેજી ફોજના દેશી સિપાઈઓએ પણ એમની સાથે હાથ મિલાવ્યા હતા. જ્યારે હુમલો થાય ત્યારે દેશી સિપાઈઓ ખાલી કારતૂસો વાપરવાના હતા.

સરકારને આ યોજનાની કંઈ જ ખબર ન પડી. છેક ૧૫મી ઑક્ટોબરે ખબર મળતાં ઍશબર્નર એની ટુકડી સાથે વિદ્રોહીઓ સામે મેદાને ઊતર્યો. અફસોસની વાત એ છે કે વિદ્રોહીઓમાં શિસ્તનો અભાવ હતો અને ઍશબર્નરને જોતાં જ વિદ્રોહીઓના સૈનિકો એક પણ ગોળી છોડ્યા વિના પોતપોતાની જગ્યાએથી ભાગી છૂટ્યા. નવ્વાણું જણ મહીની કોતરોમાંથી પકડાયા. આમાંથી દસ મુખ્ય હતા એમને તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા, નવને દેશવટો આપી દેવાયો અને બાકીનાને માફી આપવામાં આવી.

બીજી બાજુ, અમદાવાદનો પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મેજર ઍગર લોદરા તરફ કોળીઓની ટુકડી લઈને નીકળ્યો. થોડી ચકમક ઝરી તે પછી મગનલાલ ભાગી છૂટ્યો પણ થોડા દિવસમાં પકડાઈ ગયો. એને અને બીજા બે વિદ્રોહીઓને વેજાપુર પાસે તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા, બીજા ત્રણને ફાંસી અપાઈ.

મલ્હારરાવ ગાયકવાડ અને ભોંસલે રાજાને વડોદરાના મહારાજાએ વચ્ચે પડીને બચાવી લીધા. મને વડોદરા મોકલી દેવાયા. મહારાજાએ એમને જેલની સજા કરવાનું વચન આપ્યું પણ ક્રોનિકલર, અને આ ઘટનાઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અંગ્રેજ અફસર, ઍશબર્નર કહે છે કે મહારાજાએ આ વચન પાળ્યું જ નહીં.

આના પછી અંગ્રેજ સરકારે ગુજરાતમાંથી બધાં હથિયારો કબજે કરી લેવાનો નિર્ણય કર્યો. ૧૮૫૮ના જાન્યુઆરીમાં ઍશબર્નરે અંગ્રેજી બટાલિયનોની મદદથી આ કામ શરૂ કર્યું ગામેગામથી લડાયક જાતિના દરેક પુખ્ત વયની વ્યક્તિએ ઓછામાં ઓછું એક હથિયાર સોંપવાનું હતું. અમદાવાદ શહેરમાંથી પહેલા બે જ દિવસમાં વીસ હજાર હથિયારો અંગ્રેજી રેજિમેન્ટને મળ્યાં. મહારાજા ગાયકવાડે ફરી હથિયારો કઢાવવામાં સાથ આપવાનું વચન આપ્યું, અને ફરી ન પાળ્યું. પરંતુ આ પગલાને કારણે ભારે અસંતોષ ફેલાયો અને હથિયારો કબજે કરવાનું બંધ કરી દેવું પડ્યું.

૧૮૫૭ની ઘટનાઓમાં ઓછામાં ઓછા દસ હજાર માણસોને અંગ્રેજ સરકારે મારી નાખ્યા. અસંખ્ય લાઅશો દિવસો સુધી ઝાડો પાર ઝૂલતી રહી. કેટલાંય ગામો તદ્દન ખેદાનમેદાન થઈ ગયાં. પંચમહાલ ૧૮૫૭ના વિપ્લવના સમયથી જ અંગ્રેજી સત્તાને પડકારવામાં આગળ રહ્યું. મધ્ય ભારતની નજીક હોવાથી વિદ્રોહીઓ માટે પંચમહાલ મહત્ત્વનું બની રહ્યું. દાહોદ, ગોધરા, લૂણાવાડા, ઝાલોદ, બારિયા, પાલ્લા, લુણાવાડાનું ખાનપુર ગામ બળવામાં મોખરે રહ્યાં.. ભીલો, આરબો, મકરાણીઓ અંગ્રેજો સામે બહાદુરીથી લડ્યા.

નાયકડા ભીલોનો વિદ્રોહ

૧૮૫૭ની મુખ્ય ઘટનાઓ પછી એકાદ વર્ષ ગુજરાતમાં શાંતિ રહી. પરંતુ ઑક્ટોબર ૧૮૫૮માં પંચમહાલમાં નાયકડા ભીલોએ બળવો પોકાર્યો. નાયકડા ભીલો પંચમહાલના વાસી. નાયકડા ભીલોનો વિદ્રોહ અંગ્રેજ સરકારની જંગલ નીતિ સામે હતો. આમ પણ, પ્રા. એ. જી. ઠાકોર (સંતરામપુર) કહે છે કે “ ભીલ નાયકડા અને કોળીઓ ઉદ્દામવાદી અને સ્વાતંત્ર્ય પ્રિય જાતિઓ હતી. ઇતિહાસના સમયપટ પર અનેક રાજકીય પરિવર્તનો થવા છતાં આદિવાસીઓએ પોતાની પરંપરાઓ અને સ્વાયત્તતા જાળવી રાખી હતી. આદિવાસીઓ પોતાની જમીનોના માલિકો હતા. મહીકાંઠા અને રેવાકાંઠા વિસ્તારોમાં આદિવાસીઓની નાની નાની ઠકરાતો હતી.”(સંદર્ભ ૨).

જાંબુઘોડા બળવાનું અગત્યનું કેંદ્ર રહ્યું. રૂપસિંહ નાયક અને કેવળ નાયકના હાથમાં વિદ્રોહની કમાન રહી. રૂપસિંહ અથવા રૂપો નાયક ઝીંઝરી ગામની જાગીરનો વારસ હતો. રૂપસિંહ અને કેવળે નાયક ભીલોને એકઠા કર્યા અને ઑક્ટોબર ૧૮૫૮માં નારુકોટનું થાણું લૂંટ્યું અને કૅપ્ટન બૅટ્સની ટુકડી પર હુમલો કર્યો. બે દિવસ સુધી નાયકડાઓનું વર્ચસ્વ રહ્યું. ચાંપાનેર અને નારુકોટ વચ્ચેના પ્રદેશ પર પણ રૂપસિંહનો કબજો સ્થપાયો. મકરાણીઓ વિદ્રોહમાં નાયકડા ભીલો સાથે રહીને લડ્યા. જો કે રિચર્ડ બૉર્નરની લશ્કરી ટુકડી સામે એમનો પરાજય થયો અને રૂપસિંહને શસ્ત્રો હેઠાં મૂકવાની ફરજ પડી.

તાંત્યા ટોપે ગુજરાતમાં

૧૮૫૮માં ગ્વાલિયર પાસે તાંત્યા ટોપેનો પરાજય થયો. તે પછી એ ભાગીને પંચમહાલ આવ્યો. નાયકડાઓને અંગ્રેજો વિરુદ્ધ ઊભા કરવામાં પણ એની મહત્ત્વની ભૂમિકા રહી. એના ફોજીઓ પણ નાયકડાઓના બળવામાં જોડાયા હતા. તાંત્યાની યોજના તો દખ્ખણમાં જવાની હતી. એત્યાં પહોંચ્યો હોત તો આખી મરાઠા કોમ ફરી અંગ્રેજોની સામે ઊભી થઈ ગઈ હોત એટલે અંગ્રેજ સરકાર એને કોઈ પણ રીતે દખ્ખણમાં આવવા દેવા નહોતી માગતી. ચારે બાજુથી બહુ દબાણ હોવાથી તાંત્યા ફરી નર્મદા પાર કરીને ચીખલડા આવ્યો અને વડોદરા તરફ આગળ વધવા માગતો હતો. પરંતુ સરકારને તાંત્યા ગુજરાતમાં આવ્યો હોવાની ખબર પડી ગઈ હતી. તાંત્યા સાથે બેંગાલ રેજિમેંટના વિદ્રોહી સિપાઈઓનું મોટું દળ પણ હતું. વિલાયતીઓ (આરબો, મકરાણીઓ વગેરે) અને રાજપૂતો પણ મોટી સંખ્યામાં તાંત્યાને આવી મળ્યા હતા. છોટા ઉદેપુરના રાજાએ પણ પોતાનું લશ્કર તાંત્યાને આપ્યું હતું. તાંત્યાએ છોટા ઉદેપુરનો તો સહેલાઈથી કબજો કરી લીધો પરંતુ ૧૮૫૮ના ડિસેંબરની પહેલી તારીખે કૅપ્ટન કૉલિયરે એના પર હુમલો કર્યો. તાંત્યા ત્યાંથી ભાગ્યો. એની ફોજ પણ વેરવીખેર થઈ ગઈ. એમાંથી એક ટુકડીએ કેપ્ટન પાર્કની ફોજ પર પાછળથી હુમલો કરીને એનો બધો સામાન લૂંટી લીધો અને પાર્ક છોટા ઉદેપુરમાં લાચાર બનીને બેસી રહ્યો. પરંતુ અંતે જનરલ સમરસેટના સૈન્યને તાંત્યાના સૈનિકો અને આસપાસના એના સમર્થકોને દબાવી દેવામાં સફળતા મળી.

ગુજરાતમાં બળવાને અંગ્રેજોએ સખત હાથે દબાવીને ફરી પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું.

સંદર્ભઃ

(૧) Gazetteer of Bombay 1896 Vol 1 Part 1- History of Gujarat (page 475 onward – Gujarat disturbances, 1857-1859, L. R. Ashburner મૂળ દસ્તાવેજમાં પૃષ્ઠ ૪૩૩થી આગળ).

(૨) http://www.dietsantrampur.org/images/m-march.pdf (પૃષ્ઠ ૯)

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 19

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ : ૧૮૫૭ અને ગુજરાત ()

૧૮૫૭ના મે મહિનામાં વિદ્રોહ ફાટી નીકળ્યો તેની અસર મુંબઈ પ્રાંત અને, ખાસ કરીને ગુજરાતમાં તરત દેખાવા લાગી. જેમ ઉત્તર ભારતમાં ગાય અને ડુક્કરની ચરબી ચડાવેલી કારતૂસોની કથા ગામેગામ પહોંચી તેમ ગુજરાતમાં પણ એવી જ એક કથા કાનોકાન ફેલાઈ. કચ્છના રણમાંથી ગૂણો ભરીને મીઠું લાદીને રાજપુતાના લઈ જવાતું હતું, એમાંથી એક ગૂણ પર સિંદૂરનો મોટો ડાઘ દેખાયો. મજુરો સમજ્યા કે એ ગાયનું લોહી છે. વાત બધે ફેલાઈ ગઈ કે અંગ્રેજ સરકાર એમને ધર્મભ્રષ્ટ કરીને ખ્રિસ્તી બનાવવા માગે છે.

ઉત્તર ભારતમાં રોટી અને કમળ ફરતાં હતાં તેમ પંચમહાલનાં બધાં ગામે લોકો એક ભટકતા કૂતરાને લઈ ગયા. કૂતરાને કોણે મોકલ્યો કે ક્યાંથી આવ્યો તે તો કોઈ જાણતું નહોતું, પણ કૂતરો મધ્ય ભારતમાંથી આવ્યો હતો. એ આવ્યો ત્યારે એના ગળામાં ખાવાપીવાના સામાનની ટોકરી બાંધી હતી. એ ગામના કૂતરાઓને ખવડાવીને લોકો ફરીથી રોટલા ટોકરીમાં ભરીને કૂતરાને ગળે બાંધી દેતા અને એને બીજા ગામની સીમમાં મોકલી દેતા. આ વિદ્રોહનો સંદેશ હતો, એમ તો ન કહી શકાય પણ એટલું ખરું, કે લોકો એમ માનવા લાગ્યા હતા કે કૂતરાનું આમ આવવું એ અપશુકન હતાં, અને મોટી આફતનો એ સંકેત હતો. ગામેથી કૂતરાને વિદાય કરીને લોકો પનોતીને વિદાય કરતા હતા.

આમ તો મુંબઈ સરકારને મળતા રિપોર્ટોમાં કંઈ ચોંકવા જેવું નહોતું પણ અંદરખાને લોકોએ સોનાની ખરીદી વધારી દીધી હતી. એમાં કેટલાક જાણકારો સંકેત વાંચતા હતા કે લોકોના મનમાં અજંપો હતો. સોનાની મોટી ખરીદીમાંથી લોકોના મનની અનિશ્ચિતતાનો અણસાર મળતો હતો.

ગુજરાતનાં છાપાં આમ પણ અંગ્રેજ સરકારને વફાદાર નહોતાં, હવે ખુલ્લંખુલ્લા ટીકા કરવા લાગ્યાં હતાં. સિપાઈઓના બળવાની વાતો એમાં વિગતે છપાતી, જે અંગ્રેજી સરકારની નજરે અતિશયોક્તિભરી હતી. માત્ર છાપાંઓ જ નહીં, અમદાવાદની લગભગ બધી મસ્જિદોમાં નમાઝ પછી ખુત્બા પઢાતા તેમાં મૌલવીઓ બેધડક અંગ્રેજી રાજના આખરી દિવસો હતા એવી આગાહીઓ કરતા. આમાં અમદાવાદની જામા મસ્જિદમાં મૌલવી સિરાજુદ્દીને ઘોડેસવાર દળ (ગુજરાત હૉર્સ)ના સવારો અને અમદાવાદના કેન્ટોનમેન્ટના દેશી અફસરો સમક્ષ આવું જ ભાષણ કર્યું તે પછી એને અમદાવાદમાંથી તરીપાર કરવામાં આવ્યો. એ વડોદરા પહોંચ્યો અને ત્યાં પોલીસે એને પકડી લીધો.

ગુજરાતની સ્થિતિ

ગુજરાતમાં અસંતોષનાં કારણો અંગ્રેજ ઇતિહાસકાર (અથવા ક્રોનિકલર એટલે કે ઘટનાક્રમની નોંધ રાખનાર) એલ. આર.. ઍશબર્નરની નજરે આ હતાં: લોકો એમ માનતા હતા કે મુઠ્ઠીભર માણસો રાજ ચલાવે છે અને એમને કચડી નાખતાં વાર લાગે તેમ નથી. પરંતુ લોકો ભૂલી જતા હતા કે આ મુઠ્ઠીભર માણસોની પાછળ એમનો આખો દેશ હતો.

ઍશબર્નર લખે છે કે અંગ્રેજોના વહીવટમાં ન્યાય સ્થપાયો હતો એટલે સમાનતા આવી હતી. વહીવટમાં ઘણા ફેરફાર થયા હતા અને નવા કાયદા અને નિયમો લાગુ પડતાં પેશવાઈના જમાનામાં અણઘટતો લાભ લેનારાઓની જમીનો અને મિલકતો વેપારી વર્ગના હાથમાં જવા લાગી હતી. બ્રાહ્મણોને દાનમાં મળેલી જમીનો પણ હવે કશા ભેદભાવ વિના કર વ્યવસ્થામાં આવી ગઈ હતી. પેશવાઈ પડી ભાંગી હતી અને એમાં પહેલાં ઊંચાં પદો ભોગવનારા હવે નાખુશ હતા એટલે અંગ્રેજ સરકાર વિરુદ્ધ હિલચાલ કરવાની રાહ જોતા હતા.

શરૂઆતનાં વર્ષોથી જ અંગ્રેજ અધિકારીઓ સ્થાનિકના લોકોની પરંપરાઓને માન આપતા હતા, પણ પછી ઇંગ્લૅંન્ડ સાથે સરકારનો સંપર્ક વધતાં કેટલાક નવા વિચારોને સ્થાન મળ્યું, જેમ કે, હવે મોટું જનાનખાનું રાખ્યું હોય તો એને અનૈતિક નહીં તો પણ અસભ્ય મનાતું. આવું થવાથી અંગ્રેજો અને દેશીઓના સંબંધોમાં કડવાશ વધવા લાગી હતી..

આ જ અરસામાં દેશમાં ઘણા નવા વકીલો પેદા થયા. પરંતુ સિવિલ સર્વિસ પર અંગ્રેજોનો ઇજારો હતો, એટલે આ વકીલોને વાંધો પડ્યો કે જે લોકોને ન્યાય કે કાયદાની ખબર જ નહોતી, તે લોકોના હાથમાં ન્યાય છે. અને સિવિલ સર્વિસમાં ખરેખર એવા લોકો પણ હતા કે જેમને કાયદાની બરાબર સમજ નહોતી એટલે કોઈ પણ કેસનો ચુકાદો આપતાં પહેલાં એ મહેનત કરીને ઇંગ્લૅન્ડમાં આવો કોઈ કેસ બન્યો હોય તે શોધી કાઢતા અને એના જેવો જ ચુકાદો આપી દેતા. વકીલોએ છાપાંવાળાઓને આની વિરુદ્ધ ખૂબ જ ભડકાવ્યા.

ગુજરાત હૉર્સનો બળવો

આમ છતાં, ઍશબર્નર લખે છે કે, લશ્કરની અંદર બળવો ન થયો હોત તો કંઈ ન થયું હોત. મુંબઈના લશ્કરમાં ઘણી જુદી જુદી જાતિઓના સિપાઈઓ હતા, અને તેમાંથી મોટા ભાગના ઉત્તર-પશ્ચિમ ભારતના હતા. આથી ઉત્તર-પશ્ચિમના વિદ્રોહી બળવાખોરો મુંબઈના સિપાઈઓ સાથે સીધા સંપર્કમાં હતા. એમની બળવાખોરીની હવા મુંબઈ સરકાર હસ્તકના સિપાઈઓને પણ સ્પર્શી ગઈ હતી.

૧૮૫૭ની ૧ જુલાઈએ બંગાળ રેજિમેન્ટમાં બળવો થયો અને મ્હઉમાં સિપાઈઓએ કર્નલ પ્લેટ, કૅપ્ટન ફૅગન અને કૅપ્ટન હૅરિસ તેમ જ બીજા કેટલાયે યુરોપિયન અફસરોને મારી નાખ્યા. એ પછી તરત, ૯મી જુલાઈએ ‘ગુજરાત હૉર્સ’ના સાત સવારોએ યુરોપિયનો વિરુદ્ધ બળવાનો લીલો ઝંડો ઉપાડ્યો. એમણે દારુખાનું કબજે કરવાની કોશિશ કરી પણ એના સંત્રીઓએ એમનો મુકાબલો કર્યો, તે પછી આ સાત ઘોડેસવારો સરખેજ તરફ ચાલ્યા ગયા. લેફ્ટેનન્ટ પિમે બાર સવારો સાથે એમનો પીછો કર્યો. રસ્તામાં કૅપ્ટન ટેલર કોળીઓની ટુકડીના ત્રણ કોળીઓ સાથે એમને મળ્યો. પિમ અને ટેલર સાત વિદ્રોહીઓની પાછળ ગયા. એ તાજપુર પાસે વિદ્રોહીઓની નજીક પહોંચી ગયા. ત્યાં સામસામે ધીંગાણું થયું. પરંતુ પિમની સાથે ગયેલા ઘોડેસવારોએ પોતાના સાથીઓ પર ગોળી ચલાવવાની સાફ ન પાડી દીધી. તે પછી ટેલરે વાટાઘાટનો રસ્તો લીધો. એ વિદ્રોહીઓ પાસે ગયો અને એમની વાતચીત ચાલતી હતી તે જ વખતે વિદ્રોહીઓએ ગોળીઓ છોડી જેમાં ટેલર ગંભીર રીતે ઘાયલ થયો, જો કે પાછળથી એ બચી ગયો. તે પછી કોળીઓએ મોરચો સંભાળ્યો, એમાં બે સવારોનાં મોત થયાં અને બીજા પાંચ શરણે થઈ ગયા. એમને કેદ કરી લેવાયા અને ફાંસી આપી દેવાઈ.

ગુજરાત હૉર્સમાં આ ફાંસીઓ પછી શાંતિ થઈ ગઈ, પણ આ વિદ્રોહ ફરી ક્યારે ભડકી ઊઠે તે કોઈ જાણતું નહોતું. આના પછી મુંબઈ પ્રાંતના ગવર્નર એલ્ફિન્સ્ટને સલામતીની કડક વ્યવસ્થા કરી.

પરંતુ, જુલાઈ ૧૮૫૭માં મધ્ય પ્રદેશના ભોપાવર અને અમઝેરામાં વિદ્રોહ થયો. આને પગલે પંચમહાલમાં પણ જમીનદારો ઊઠ્યા અને દાહોદના કિલ્લાને ઘેરો ઘાલ્યો. વિદ્રોહીઓ ખેડા જિલ્લામાં ત્રાટકવાની તૈયારી કરતા હતા પણ રેવા કાંઠાનો પોલિટિકલ ઍજન્ટ કૅપ્ટન બકલ એમનો સામનો કરવા વડોદરાથી નીકળ્યો તે પછી વિદ્રોહીઓ હટી ગયા. આ બાજુ મધ્યપ્રદેશના ભોપાવરમાં પણ કૅપ્ટન હચિન્સને કોળીઓની લશ્કરી ટુકડીની મદદથી ફરી બ્રિટિશ સત્તાની આણ સ્થાપી અને અમઝેરાના રાજાને પકડીને ફાંસીએ ચડાવી દીધો. પાંચમી ઑગસ્ટે આબુમાં ગોઠવાયેલા સિપાઈઓએ બળવો પોકાર્યો. એ જ રીતે એરિનપુરના સિપાઈઓએ લેફ્ટેનન્ટ કૉનૉલીને બંદી બનાવીને ખજાનો લૂંટ્યો.

અમદાવાદમાં બળવાનો મોટો પ્રયાસ નિષ્ફળ

સપ્ટેમ્બરમાં અમદાવાદમાં એક બનાવ બન્યો જેની અસર આખા ઘટનાચક્ર પર પડી. અમદાવાદમાં દેશી સૈનિકોની બે બટાલિયનો હતી – ગ્રેનેડિયરોની બીજી રેજિમેન્ટ અને સાતમી નૅટિવ ઇન્ફન્ટ્રી. આ બન્ને વચ્ચે સારા સંબંધ નહોતા. એક રાતે ગ્રેનેડિયરોની રેજિમેન્ટનો કૅપ્ટન મ્યૂટર ચોકી પહેરાની ડ્યૂટી પર હતો. એ સાતમી ઇન્ફ્ન્ટ્રીના ભંડાર (ક્વાર્ટર ગાર્ડ) પાસે પહોંચ્યો ત્યારે સંત્રીએ એની પાસે પાસવર્ડ માગ્યો. મ્યૂટર પાસવર્ડ જાણતો નહોતો એટલે એ વખતે તો એ પાછો ચાલ્યો ગયો પણ ગ્રેનેડિયરોની એક ટુકડી સાથે પાછો આવ્યો અને સંત્રીને કેદ કર્યો. બીજા દિવસે જનરલ રૉબર્ટ્સ પાસે આ વાત પહોંચી કે તરત એણે મ્યૂટરની ધરપકડ કરી અને સંત્રીને છોડી મૂક્યો. આ ઘટનાને કારણે બન્ને દળો વચ્ચે શત્રુતાની ભાવાના વધારે સતેજ થઈ.

બળવાખોરોની યોજના એવી હતી કે બન્ને દળો અને ગોલંદાજ આર્ટિલરી સાથે મળીને બળવો કરે. પરંતુ એમને એકબીજાનો વિશ્વાસ નહોતો. આર્ટિલરીના દેશી અફસરોએ નક્કી કર્યું કે એમણે એવું દેખાડવું કે એમને વધારે મોટા દળે દબાવી દીધા અને પોતે એનો સામનો કરે છે. સપ્ટેમ્બરની ૧૪મીની મધરાતે ગ્રેનેડિયરો પોતાના પરેડ ગ્રાઉંડમાં ભરી બંદૂકો સાથે આવ્યા. તોપો પણ બહાર લઈ આવ્યા. ગ્રેનેડિયરોનો એક દેશી અફસર એક ટુકડી લઈને એનો કબજો લેવા ગયો પણ આર્ટિલરીના સુબેદારે ના પાડી અને ઉલટું, એમના જ પર ફાયરિંગ કરવાની ધમકી આપી. આથી ગ્રેનેડિયર અફસર પાછો વળી ગયો. એની સાથેના સિપાઈઓ નિરાશ થઈ ગયા અને બીકના માર્યા પોતાનાં શસ્ત્રો ફેંકીને ભાગી છૂટ્યા. આ બાજુ, પરેડ ગ્રાઉંડમાં બીજા સિપાઈઓ બંદૂકોની રાહ જોતા હતા પણ આર્ટિલરીની છાવણીમાં ભાગદોડ જોઈને એમને શંકા પડી અને ભાગી છૂટ્યા. પરેડ ગ્રાઉંડ પર એકવીસ ભરેલી બંદૂકો મળી. આખી રેજિમેન્ટ ગુનેગાર હોવા છતાં માત્ર બંદૂકો જેમના નામે ચડેલી હતી એમને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા. એમને મોતની સજા કરાઈ પણ દેશી સિપાઈઓ આ સજાનો અમલ કરવા નહીં દે એવી બીક હોવાથી બીજી ટુકડી આવી જાય ત્યાં સુધી સજા ન અપાઈ, તે પછી બધાની હાજરીમાં એમને ફાંસીએ લટકાવી દેવાયા. એ લોકોએ વીરોને છાજે એવી રીતે મોતને વધાવી લીધું. ત્યાં હાજર બધાએ એમના સાહસને દાદ દીધી.

ગુજરાતમાં ૧૮૫૭માં શું થયું તેના વિશે વધુ આવતા અંકમાં

૦૦૦

સંદર્ભઃ Gazetteer of Bombay 1896 Vol 1 Part 1- History of Gujarat (page 475 onward – Gujarat disturbances, 1857-1859, L. R. Ashburner મૂળ દસ્તાવેજમાં પૃષ્ઠ ૪૩૩થી આગળ).

Science Samachar (57)

) કિરયાતું ડેંગીના વાઇરસને મારી નાખે છે, ચિકનગુન્યાથી બચાવે છે

તમિળનાડુમાં સિદ્ધ પદ્ધતિનાં ઓસડોના પ્રયોગ દ્વારા પરીક્ષણમાં જોવા મળ્યું છે કે કિરયાતું ડેંગી (ડેંગૂ કે ડેંગ્યૂ)ના વાઇરસને મારી નાખે છે અને ચિકનગુન્યા સામે અસરકારક રક્ષણ આપે છે. દિલ્હીના ઇંટરનૅશનલ સેંટર ફોર જેનેટિક એંજીનિયરિંગ ઍન્ડ બાયોટેકનોલૉજીના સંશોધકોની એક ટીમે કહ્યું છે કે કિરયાતું બન્ને પર અસર કરે છે પણ જુદી જુદી રીતે. સંશોધકોએ ડેંગી માટે મોનોસાઇટ્સ અને મૅક્રોફેજ પર અને ચિકનગુન્યા માટે કિડનીની અંદરની પાતળી દીવાલના કોશો પર અખતરો કર્યો. એમને જોવા મળ્યું કે ડેંગીના કેસમાં કિરયાતું વાઇરસ પર અસર કરે છે અને ચિકનગુન્યાના કેસમાં રોગ પ્રતિકાર શક્તિ વધારે છે.

પરંતુ કિરયાતું વધારે હોય તો એ ટૉક્સિક (ઝેરી) બની જાય છે. એટલે એક મિલીલીટર પ્રવાહીમાં એ ૧.૮ મિલીગ્રામથી વધારે ન હોવું જોઈએ. એમનાં આ તારણો Journal of Ayurveda and Integrative Medicineમાં પ્રકાશિત થયાં છે.

૦૦૦

સંદર્ભઃhttps://www.thehindu.com/sci-tech/science/article26161732.ece

() વિચાર સીધો જ સંવાદ બને!

કોલંબિયા યુનિવર્સિટીના ન્યૂરોએન્જીનિયરોએ એક એવું મશીન બનાવ્યું છે કે જે મગજમાં ચાલતા વિચારોનું વાણીમાં પરિવર્તન કરી શકે છે. સ્ટીફન હૉકિંગ સ્પીચ સિન્થેસાઇઝર વાપરતા પરંતુ આ મશીન વધારે સ્પષ્ટતાથી મગજના સંકેતોને શ્રાવ્ય શબ્દમાં પરિવર્તિત કરે છે. એમાં સ્પીચ સિંથેસાઇઝર અને આર્ટીફિશિયલ ઇંટેલિજંસ (AI)નો ઉપયોગ થયો છે. આ મશીનને કારણે કમ્પ્યુટર હવે સીધા જ મગજ સાથે જોડાઈ શકશે. આ અધ્યયનપત્ર અહીં જોઈ શકશો.- Scientific Reports.

મૉર્ટિમોર બી. ઝુકરમન માઇંડ્બ્રેન બિહેવિયર ઇંસ્ટીટ્યૂટની ટીમના મુખ્ય સંશોધક અને અભ્યાસપત્રના સીનિયર લેખક નિમા મેસગરાની કહે છે કે આપણે મિત્રો અને આખી દુનિયા સાથે અવાજના માધ્યમ દ્વારા જ સંપર્કમાં રહીએ છીએ અને અવાજ બંધ પડી જાય તે આપણા માટે ભયંકર દુઃખ જેવું છે. હવે આ શક્તિ પાછી મળે છે.

દાયકાઓનાં સંશોધનો પછી સમજાયું છે કે આપણે બોલીએ, કે બોલવાની માત્ર કલ્પનાકરીએ ત્યારે, અને કોઈને બોલતાં સાંભળીએ ત્યારે મગજમાં ખાસ પ્રકારની પ્રવૃત્તિ થાય છે. સંશોધકોએ ‘વોકોડર’ને મગજની હિલચાલને સમજતાં શીખવવા માટે નૉર્થવેલના ન્યૂરોસાયન્સ ઇંટીટ્યૂટના ડૉ. આશીષ દિનેશ મહેતાની મદદ લીધી. ડૉ. મહેતા ઍપિલેપ્સીની સારવાર કરે છે. અમુક દરદીઓની સર્જરી પણ કરવી પડે છે. સંશોધક ટીમે ઍપિલેપ્સીના દરદીઓની સર્જરી ચાલતી હતી ત્યારે એમને જુદા જુદા લોકો બોલતા હોય તે વાક્યો સાંભળવા કહ્યું. આ દરમિયાન વોકોડરમાં મગજની પ્રક્રિયા નોંધાઈ ગઈ. તે પછી એ લોકોને સંભળાવતાં ૭૫ ટકા શબ્દો બરાબર સમજી શકાય તેમ સંભળાયા.

હવે તેઓ વધારે જટિલ શબ્દો અને વાક્યોનો પ્રયોગ કરવા માગે છે. એટલે હવે ‘મને પાણી આપો’ એવો વિચાર આવતાં એનો ધ્વનિમાં અનુવાદ થઈ શકશે અને સામી વ્યક્તિ આ વિચાર સાંભળી શકશે.

૦૦૦

સંદર્ભઃengineers-translate-brain-signals-directly-speech

() મરતા તારાનો અંતિમ ઝળહળાટ !

યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી (ESO)ના ‘વેરી લાર્જ ટેલીસ્કોપે (VLTએ) એક મરતા તારાનો અંતિમ શ્વાસનું દૃશ્ય ઝડપ્યું છે. અહીં દૃશ્યમાં વચ્ચે જે ચમકારો છે તે બુઝાતો દીવાના છેલ્લા પ્રકાશ જેવો છે. એ ઝબકારો માત્ર દસ હજાર વર્ષ જેટલો છે, ખગોળના ગણિત પ્રમાણે એ માત્ર આંખનો એક પલકારો છે. એ અયનીભૂત ગૅસ છે. એની આસપાસ લાલ અને વાદળી રંગનું ગૅસનું વાદળ છે. એ ખરેખર તો દેખાય એવી તરંગ લંબાઈ છે. આ છેલ્લો ચમકારો છે. તે પછી એ ઝાંખો પડતો જશે અને અંતે દેખાતો બંધ થઈ જશે. એનું બંધ થવું લાલ તારાના મૃત્યુનું સૂચક હશે. VLT માં FORS2 નામનું એક શક્તિશાળી ઉપકરણ છે, જેના દ્વારા મધ્યમાં તેજસ્વી તારા Abell 36 અને આસપાસ વાયુના વાદળનું દૃશ્ય ઝડપાયું છે.

000

સંદર્ભઃ https://scitechdaily.com/esos-very-large-telescope-captures-a-fleeting-moment-in-time/

() ગુરુના ગ્રહ પર આઠ હજાર કિલોમીટરનું વિસ્તૃત તોફાન

નાસાના જૂનો (JUNO) સ્પેસક્રાફ્ટે ગુરુના ગ્રહના દક્ષિણ ગોળાર્ધમાં આઠ હજાર કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા તોફાનની તસવીરો ઝડપી છે. એની ઉપર ગ્રેટ રેડ સ્પૉટ પર પણ આ તોફાન ઘડિયાળના કાંટા ઉલટા ફરે તેમ ફરતું દેખાય છે આ ગતિને Oval BA કહે છે.. ૨૧મી ડિસેંબરે લેવાયેલી જુદી જુદી નવ તસવીરોનું સંયોજન કરીને આ તસવીર બનાવેલી છે.

જૂનો વિશે વધારે માહિતી અહીંથી મળી શકશેઃ http://www.nasa.gov/juno અને http://missionjuno.swri.edu.

સંદર્ભઃhttps://scitechdaily.com/juno-spacecraft-views-5000-mile-wide-storm-in-jupiters-southern-hemisphere/

૦૦૦

%d bloggers like this: