Arjuns do not die……

અર્જુનો મરે નહીં

આ કથામાં મુખ્ય પાત્ર કોણ છે તે હું પોતે જ નક્કી નથી કરી શકતોઃ મુખ્ય પાત્ર અર્જુન છે? કે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં વાઘનો શિકાર બનેલાઓની વિધવાઓ? કથા જેટલી એક ગ્રામીણ જનની હિંમત અને સૃજનશીલતાની છે તો એટલી જ, અંગત દુઃખને કોરાણે મૂકીને આખા પ્રદેશને બચાવવામાં લાગેલી આ  “ટાઇગરી વિધવાઓની પણ છે.

 તો, વાત શરૂ કરીએ શરૂઆતથી.

ભારત અને બાંગ્લાદેશને સુંદરવન જોડે છે અથવા અલગ કરે છે; જે કહેવું હોય તે કહી શકાય, જેવી આપણી નજર. પ્રકૃતિએ સુંદરવનને ઘણું આપ્યું છે. અનેક પ્રકારનાં મેંગ્રોવનું દુનિયાનું મોટામાં મોટું ધામ. મેંગ્રોવ પણ અનેક પ્રકારનાં.  ગરણ, ગેન્વા, હોગ્લા, ગોલ  પત્તા, કેવડા, હેન્તલ, ગર્જન, ધુંડુલ, ખલશી અને કંકડા. પણ સુદરવનનું નામ તો પડ્યું સુંદરી નામના મેંગ્રોવને કારણે. એક વખત અહીં એ જ્યાં નજર પડે ત્યાં દેખાતાં પણ પર્યાવરણના પરિવર્તને એને વિનાશને આરે ધકેલી દીધાંએને મીઠું પાણી જોઈએ અને સુંદરવનમાં ખારું પાણી મળે. તેમાં પણ હવે તો ક્ષાર વધતો ગયો છે. માણસ જાતની  વિકાસની લાલસાએ સુંદરી માટે જીવન ખારું બનાવી દીધું છે.

માત્ર સુંદરીનું દુઃખ નથી. ખરું દુઃખ તો એ છે કે સુંદરવન પાંખું પડવા લાગ્યું છે. વિકાસ બધી જગ્યાએ પહોંચી ગયો છે અને પ્રકૃતિ રૂઠવા લાગી છે. આ વર્ષે આખી દુનિયાએ અભૂતપૂર્વ ગરમીનો અનુભવ કર્યો. તો વીતેલા વર્ષમાં સુંદરવન અંફન અને યાસ, એ બે પ્રચંડ વાવાઝોડાંઓનો ભોગ બન્યુંએ પણ અભૂતપૂર્વ ઘટના હતી. સુંદરવન બંગાળને બચાવી લે છે. સુંદરવન  ન હોય તો વાવાઝોડાં પોતાની સંપૂર્ણ તાકાત સાથે સીધાં જ કોલકાતા પર ત્રાટકે અને આખા શહેરનાં છોતરાં ઊડાડી દેસૌ જાણે છે આ વાત. પણ જ્ઞાનીને કોણ જ્ઞાન આપે? સૂતેલાને જગાડી શકો, પણ જાગતાને જગાડવાની કોઈ રીત  શોધાઈ છે? પ્રકૃતિને ખબર છે કે જાગતાના મોઢા પર ક્યારે તમાચો  મારીને જગાડવો.

વિલાતું જતું સુંદરવન વિશ્વ વિખ્યાત રૉયલ બેંગૉલ ટાઇગરનું ઘર છે. પેઢીઓથી ત્યાં વાઘ અને મનુષ્ય એકબીજાની સાથે રહેતા આવ્યા છે. બન્ને વચ્ચે સંઘર્ષ પણ થયા. ક્યારેક વાઘ જીતે અને ક્યારેક માણસ. માણસ જ્યારે જંગલમાં લાકડાં લેવા કે માછલી પકડવા જાય ત્યારે પાછળ મહોરું પહેરીને જાય. વાઘ સામેથી હુમલો કરે. એને મહોરું જોઈને લાગે કે માણસ  એની સામે જુએ છે. એટલે હુમલો કરતાં અચકાય. ક્યારેક માણસ અને વાઘ વચ્ચે યુદ્ધ પણ થઈ જાય. વાઘની સાથે ઝપાઝપી કરીને પાછા આવ્યા હોય તેવા માણસો પણ સુંદરવનમાં મળી જશે.

તેમ છતાં મનુષ્યે કદી ત્યાંથી વાઘને હટાવવાની માગણી ન કરી અને વાઘે પણ કદી પોતાના માટે અભયારણ્ય ન માગ્યું! બન્ને પ્રકૃતિને અધીન જીવન જીવતા રહ્યા. પણ એક વાર આપણે વિકાસની લાયમાં જંગલ સાફ કરીએ અને વન્ય પ્રાણીઓનાં રહેઠાણ ઝુંટવી લઈએ, પછી એને અભયારણ્ય બનાવી દઈએ અને એમાંથી માણસને જ બાકાત કરી દઈએ. ક્યાં જાય એ જંગલવાસી? ત્યાંથી એ માછલાં પકડે, મધપૂડાઓમાંથી મધ એકઠું કરી લાવે. બળતણ માટેનાં લાકડાં  લઈ આવે, ઢોરઢાંખરનું ચરિયાણ પણ એ જ.

પણ હવે  વાઘ અને માણસે જુદા જીવવાનું હતું. વાઘ અભયારણ્યમાં રહે અને માણસ અભયારણ્યની બહાર. અભયારણ્યમાં માણસને જવાની મનાઈ. વન વિભાગના હાથમાં બધી સત્તા. સિમેંટ બનાવવાનું કારખાનું બની શકે.  ઈંટોના ભઠ્ઠા બનાવી શકાય, મેંગ્રોવનું નિકંદન કાઢી શકાય, વાઘનું અભયારણ્ય છતું થઈ જાય. પણ સુંદરવનને ભરોસે જીવતો માણસ ત્યાં ન જઈ શકે.  અબજો રૂપિયાના ખર્ચે મેંગ્રોવના કરોડો રોપા વાવ્યા હોવાની સરકારી જાહેરાતો થયા કરે પણ સુંદરવનના વાસીને એની સાથે કંઈ લેવાદેવા હોયવન વિભાગના શિક્ષિત શહેરી અમલદારો સુંદરવનના માણસને વાઘનો દુશ્મન અને મેંગ્રોવનો શત્રુ માને. અને તે એટલી હદે કે અભયારણ્યની પાસે પણ જવું એ અપરાધ ગણાય. વન વિભાગના ચોકીદારો એમનો પીછો કરે. એમનાથી  બચવા માટે વખાનો માર્યો જંગલમાં ગયેલો માણસ વધારે અંદર ઘૂસી જાય અને વાઘનો ભોગ બને. સુંદરવનમાં વાઘે બનાવેલી વિધવાઓ કંઈ એકલદોકલ નથી. દર વર્ષે સરેરાશ ૫૦ વ્યક્તિને વાઘ ઉપાડી જાય છે અને એમની અર્ધી ખવાયેલી લાશો  મળી આવે છે. કારણ કે સુંદરવનના વાઘ માણસખાઉ બની ગયા છે.

અહીં પ્રવેશે છે, અર્જુન મંડલ. જાતે માછીમાર. એણે વિચાર્યુઃ દુનિયા જેમને ટાઇગરી વિધવાઓ તરીકે ઓળખે છે એ કેમ જીવશે? એમનાં બાળકોનું શું? અર્જુન ટાઇગરી વિધવાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં લાગી ગયો. કોલકાતાની સંસ્થાદિશા’ (Direct Initiative for Social and Health Action) એની મદદે આવી.

અર્જુન વિકાસે કરેલા અન્યાયને  જોઈ શક્યો. એણે પ્રકૃતિને અનુકૂળ રસ્તો લીધો. ટાઇગરી વિધવાઓને એણે પોતાની પત્ની પુષ્પાની મદદથી ઘરે બોલાવી અને મેંગ્રોવ ઉગાડવાના કામમાં જોડાવા સમજાવી અનેસુંદરબન રૂરલ ડેવલૉપમેંટ સોસાઇટીની રચના કરી. સંસ્થાએ અર્જુનની પ્રેરણાથી ગોસાબા બ્લૉકના લાહિડીપુર ગામે નદીકિનારે સુંદરીનું વાવેતર કરવાનો નિર્ણય કર્યો. ૧૨ એકર વિસ્તારનાં ગામોને પણ આવરી લેવાયાં. દિશા સંસ્થા અહીં માછીમારોની આજીવિકા બચાવવા માટે કામ કરતી જ હતી. હવે અર્જુન દિશા સાથે જોડાઈ ગયો. દિશાની મદદથી અને અર્જુનની પ્રેરણાથી ટાઇગરી વિધવાઓએટાઇગર વિડોઝ એસોસિએશનબનાવ્યું. એમણે હોડીઓ ભરીને નદીમાંથી સુંદરીનાં બીજ એકઠાં કર્યાં અને અર્જુનના ઘરના આંગણામાં નર્સરી બનાવીભીની માટી અને રેતીમાં બીજ દબાવીને એનો ભેજ સાચવે અને એમાંથી રોપા બને એટલે વાવવા લાગે. સોસાઇટી અને દિશાના સંયુક્ત પ્રયાસોથી બનેલી નર્સરી એવી તો જામી કે ખુદ વન વિભાગ ત્યાંથી રોપા લેવા લાગ્યો. પણ મુખ્યત્વે તો ટાઇગરી વિધવાઓએ નર્સરીના રોપા નદીના આખા કાંઠા પર વાવ્યા. આજે લાહિડીપુર પર્યટન ધામ બની ગયું છે. ટાઇગરી વિધવાઓ કોઈ સુંદરીના છોડને નુકસાન પહોંચાડેઆસપાસ પ્લોતિનની થેલિઓ અને બીજો કચરો ફેંકે તેનું પણ ધ્યાન રાખે છે.

સોસાઇટીએ મેંગ્રોવ વિશે માહિતી આપવા અને એના ઉછેર વિશે સમજણ આપવા સ્કૂલ પણ શરૂ કરી. અઠવાડિયે એક વાર સુંદરવનનાં બાળકો અહીં મેંગ્રોવ વિશે શીખવા આવે છે. પર્યાવરણના રક્ષણમાં મેંગ્રોવનું મહત્વ એમને સમજાવવામાં આવે છે અને આમ ભવિષ્યના પર્યાવરણવાદીઓ તૈયાર થાય છે.

૨૯મી જુલાઈ ૨૦૧૯. અર્જુન પાંચ દિવસ માટે હોડીમાં માછલાં પકડવા નીકળ્યો હતો. ૨૯મીનો દિવસ એના માટે અને સુંદરવન માટે ગોઝારો સાબીત થયો. હોડીમાં માછલાંની જાળ ગોઠવતો હતો ત્યાં પાછળથી  એક વાઘ ત્રાટક્યો અને અર્જુનને ખેંચીને લઈ ગયો. કેટલાયે દિવસોની શોધખોળ પછી પણ એની લાશ પણ હાથ લાગી.

કુટુંબ માટે અને ટાઇગરી વિધવાઓ માટે કારમો ફટકો હતો. જે માણસ બીજાના ભરણપોષણની ચિંતા કરતો હતો તેના પોતાના કુટુંબના ગુજરાનનો સવાલ ઊભો થયો ટાઇગરી વિધવાઓનો મદદગાર હતો. હવે એની પોતાની પત્ની ટાઇગરી વિધવા બની ગઈ. સુંદરવને એનો એક અડીખમ પર્યાવરણવાદી ખોઈ દીધો હતો.

પણ થોડા મહિનામાં પુષ્પાએ હિંમત કઠી કરી લીધી. એણે ટાઇગરી વિધવાઓની આગેવાની લીધી. પણ હવે જાતે કામ કરવા લાગી. ત્યાં તો પહેલાં અંફન સાઇક્લોન અને પછી યાસ સાઇક્લોન ત્રાટક્યું અને આખા સુંદરવનમાં મેંગ્રોવનો ખુરદો બોલી ગયો. ટાઇગરી વિધવાઓએ મોરચો સંભાળી લીધો અને તારાજીમાંથી બચી ગયેલાં ઝાડવાંને ફરી જીવવાની તક આપી. આજે સુંદરવન દુઃખી છે પણ એને  વિકાસનો વસવસો છે. પોતાનાં સંતાનોનો નહીં. ટાઇગર વિડોઝ એસોસિએશનની સેક્રેટરી ગીતા મિર્ધા પોતે પણ ટાઇગરી વિધવા છે. કહે છેઃઅમારો રોજીનો રળનાર તો અમે ખોઈ દીધો. તે પછી અર્જુને અમારાં કુટૂંબોને ફરી પગભર કર્યાં. દિશા આજે પણ અમારી સાથે છે પણ અર્જુન નથી. અમે હવે સુંદરીને બચાવીને અર્જુનને જીવતો રાખ્યો છે.”

સાચી વાત છે. અર્જુનો એમ સહેલાઈથી મરતા નથી હોતા.


દિશા (Direct Action for Social and Health Action) ના રિપોર્ટના આધારે.
દિશા વિશે વધારે માહિતી એની વેબસાઇટ https://dishaearth.org/ પરથી મળી શકશે.
ફોનઃ 91-33-23283989//91-33-23297662. ઈમેઇલઃ fordisha@dishaearth.orginfo@dishaearth.org
સરનામુઃ 20/4 Sil Lane, Kolkata, West Bengal, India, PIN – 700015.

 

%d bloggers like this: